ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૧૧]

સેફસાઈડ સુધીની વાડ

જરૂરિયાતો, બ્રહ્મચર્યના સાધકની

તને બ્રહ્મચર્ય માટે પણ તાવી જોતાં આવડે ખરું ? એ તાવી જોતાં આવડે તો કામનું ! બધી રીતે તાવી જોવું જોઈએ !

પ્રશ્નકર્તા : આમાં મને પોતાને એવું લાગે છે કે, મારો પુરુષાર્થ બહુ મંદ છે.

દાદાશ્રી : એ તો ત્યાં આગળ બધા જોડે રહેશેને, તે જો જો પુરુષાર્થનો જોગ !! પછી સ્ત્રી તો દીઠી ગમે નહીં. કારણ કે સત્સંગમાં રહેને એ તો બધા. પછી વિચારો એ બાજુ આવે નહીં !

પ્રશ્નકર્તા : એ સંગની બહુ અસર પડે.

દાદાશ્રી : પછી બહુ સહેલું પડે. અત્યારે તો સંજોગો નથી ને ? તે આ બધા વિપરીત સંજોગો, કુસંગના અને પોતાને આજ્ઞા પાળવાની શક્તિ નથી બરોબર, દાદાની આજ્ઞા પાળો તો કશું નડે નહીં. એ તો આનો ઉપાય, ત્યાં બધા જોડે રહેશે ત્યારે જ થાય. એનો બીજો કોઈ ઉપાય નથી.

બ્રહ્મચર્ય પાળી શકવા માટે આટલાં કારણો હોવાં જોઈએ. એક તો આપણું આ 'જ્ઞાન' હોવું જોઈએ. પાછી આટલી જરૂરિયાત જોઈએ તો ખરી, કે બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ, બ્રહ્મચારીની જગ્યા શહેરથી જરા દૂર હોવી જોઈએ અને પાછળ પોષણ હોવું જોઈએ. એટલે આવાં બધા 'કૉઝીઝ' હોવાં જોઈએ. બ્રહ્મચારીઓનાં ટોળામાં હોય ત્યાં સુધી એ પ્રખ્યાત હોય, પણ જો છૂટો પડી ગયો તો એ પ્રખ્યાત ન હોય. પછી એ બીજા તાલમાં આવે ને ?! ટોળું હોય ત્યારે બીજો તો વિચાર જ ના આવે ને ? આ જ આપણો સંસાર ને આ જ આપણો ધ્યેય ! બીજો વિકલ્પ જ નહીં ને ! અને સુખ જોઈએ છે, તે તો મહીં પાર વગરનું હોય, અપાર સુખ હોય !!

સંગ, કુસંગના પરિણામો

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય માટે સંગબળની જરૂર પડે ને ?

દાદાશ્રી : હા, જરૂર પડે.

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો કે આપણો નિશ્ચય એટલો કાચો છે ?

દાદાશ્રી : ના, એ સંગબળની તો જરૂર ખરી. ગમે તેવો બ્રહ્મચારી હોય, પણ તેને કુસંગ માત્ર નુકસાનકારક છે. કારણ કે કુસંગનો પાસ જો અડે, તો એ નુકસાનકારક થયા વગર રહે જ નહીં.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કુસંગ નિશ્ચયબળને કાપી નાખે ?

દાદાશ્રી : હા, નિશ્ચયબળને કાપી નાખે ! અરે, માણસનું આખું પરિવર્તન જ કરી નાખે અને સત્સંગેય માણસનું પરિવર્તન કરી નાખે. પણ એક ફેરો કુસંગમાં ગયેલો, સત્સંગમાં લાવવો હોય તો બહુ અઘરો પડી જાય અને સત્સંગવાળાને કુસંગી બનાવવો હોય તો વાર ના લાગે. કારણ કે કુસંગ એ લપસણું છે, નીચે જવાનું છે અને સત્સંગ એ ચઢવાનું છે. કુસંગીને સત્સંગી બનાવવો હોય તો ચઢવાનું, તે બહુ વાર લાગે અને સત્સંગીને કુસંગી બનાવવો હોય તો સપાટાબંધ, એક ઓળખાણવાળો કુસંગી મળે કે તરત જ બધું 'રાગે' (!) પાડી આપે. એટલે એ તો વિશ્વાસ કોઈનોય કરાય નહીં. આપણા જે વિશ્વાસુ હોય, એમના જ સંગમાં ફરવું જોઈએ.

કુસંગ એ જ પોઈઝન છે. કુસંગથી તો બહુ છેટા રહેવું જોઈએ. કુસંગની અસર મન પર થાય, બુદ્ધિ પર થાય, ચિત્ત પર થાય, અહંકાર પર થાય, શરીર પર થાય. એક જ વર્ષના કુસંગની થયેલી અસર તો પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી રહ્યા કરે. એટલે એક જ વરસ દહાડાનું કેટલું બધું ખરાબ ફળ આવીને ઊભું રહે છે, એ પછી પસ્તાવો કર કર કરે તોય છૂટે નહીં અને એક ફેરો લપસ્યા પછી વધારે ને વધારે ઊંડું ગરકાય અને ઠેઠ તળીયે ઉતારી દે. પછી પસ્તાવો કરે, પાછું ફરવું હોય તોય ના ફરાય. એટલે સંગ સુધર્યો, તેનું બધું જ સુધર્યું અને સંગ બગડ્યો, તેનું બધું જ બગડ્યું. સૌથી મોટું જોખમ કુસંગ છે. સત્સંગમાં પડી રહેલાને વાંધો ના આવે.

લશ્કર ગોઠવી ચઢો જંગે વીરો

પ્રશ્નકર્તા : બધી ગાંઠો છે, તેમાં વિષયની ગાંઠ જરા વધારે પજવે છે.

દાદાશ્રી : એ અમુક ગાંઠ વધારે પજવે. તેને માટે આપણે લશ્કર તૈયાર રાખવું પડે. આ બધી ગાંઠો તો ધીમે ધીમે એક્ઝોસ્ટ થયા જ કરે છે, ઘસાયા જ કરે છે; તે એક દહાડો બધી વપરાઈ જ જવાની ને ?!

આ પાકિસ્તાનનું લશ્કર ગમે ત્યારે હુમલો કરે, તેના માટે આપણા હિન્દુસ્તાને તૈયારી રાખેલી છે કે નહીં ? એવી તૈયારી રાખવી પડે.

પ્રશ્નકર્તા : એટલે જ બ્રહ્મચારીઓના સંગમાં રહેવાનું છે ને ?

દાદાશ્રી : ના, તૈયારીમાં એ એકલું ના ચાલે. હજુ તો ઠેઠ સુધી લશ્કર રાખવું પડશે.

પ્રશ્નકર્તા : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય ?

દાદાશ્રી : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય, તેનું તો ઠેકાણું જ નહીં ને ! પણ પાંત્રીસ વર્ષ પછી જરા એના દિવસ આથમવા માંડે, એટલે એ તમને બહુ હેરાન ના કરે. પછી તમારા ધાર્યા પ્રમાણે ચાલ્યા કરે, એ તમારા વિચારોને આધીન રહે. તમારી ઇચ્છા ના બગડે, તમને પછી કોઈ નુકસાન ના કરે. પણ પાંત્રીસ વર્ષ સુધી તો બહુ જ જોખમદારી !!

પ્રશ્નકર્તા : પાંત્રીસ વર્ષ સુધી કઈ સેફસાઈડ ?

દાદાશ્રી : એ તો આપણો નિશ્ચય ! દ્ઢ નિશ્ચય અને જોડે પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : એક વખત દ્ઢ નિશ્ચય થઈ જાય, પછી શું ?

દાદાશ્રી : પછી નિશ્ચય ડગે નહીં, એટલે બસ થઈ રહ્યું !

પ્રશ્નકર્તા : અત્યારે અમારો દ્ઢ નિશ્ચય થઈ ગયો કહેવાય ?

દાદાશ્રી : હજુ ના ગણાય. હજુ તો બહુ વાર લાગશે. એટલે હમણાં તો તમારે બ્રહ્મચારીઓના સંગમાં જ રહેવું. બાકી નિર્ભયપદ માની લેવા જેવું નહીં.

પ્રશ્નકર્તા : લશ્કર એટલે શું ? પ્રતિક્રમણ ?

દાદાશ્રી : પ્રતિક્રમણ, દ્ઢ નિશ્ચય, એ બધું લશ્કર રાખવું પડે અને 'જ્ઞાની પુરુષ'નાં દર્શન, એ દર્શનથી છૂટા પડી જાવ તોય વેષ થઈ પડે. એટલે સેફસાઈડ એ કંઈ સહેલી વસ્તુ નથી.

પ્રશ્નકર્તા : આપે કહેલું કે બ્રહ્મચારીનો સંગ, સંસારીઓથી દૂર અને સત્સંગની પુષ્ટિ, આ ત્રણ 'કૉઝીઝ' સેવશો તો બધું થઈ રહેશે.

દાદાશ્રી : એ બધું નિશ્ચયને હેલ્પ કરે છે અને નિશ્ચય બળવાન કરવો, એ આપણા હાથની વાત છે ને !

સત્સંગના ભીડામાં રહેવાથી માણસ બગડે નહીં. કુસંગનો ભીડો આવે તો માણસ ખલાસ થઈ જાય. અરે, સહેજ કુસંગ અડકે તોય ખલાસ થઈ જાય. દૂધપાક હોય, તેમાં સહેજ મીઠું નાખ્યું તો ?

પ્રશ્નકર્તા : આવો આનંદ તો ક્યાંય જોયેલો જ નહીં. એટલે ક્યાંય જવાનું મન ના થાય, અહીં જ ગમે.

દાદાશ્રી : સિનેમામાં આનંદ મળતો હશે ને ?

પ્રશ્નકર્તા : પણ પાછું બહાર નીકળ્યા એટલે એનાં એ જ.

દાદાશ્રી : હા, હતો તેનો તે જ પાછો. અઢાર રૂપિયા તો વપરાઈ ગયા અને ઊલટી ઉપાધિ થઈ, ત્રણ કલાકનો ટાઈમ ખોયો. મનુષ્ય જન્મમાં ત્રણ કલાક તે બગાડાતાં હશે કે ?

પ્રશ્નકર્તા : ત્રણ કલાક તો જુએ, પણ આગળ-પાછળ બીજી તૈયારી કરે તેમાંય વખત જાય ને !

દાદાશ્રી : હા, એ ટાઈમ પાછો જુદો. હું લોકોને પૂછું છું કે, 'ચિંતા થાય છે ત્યારે શું કરો છો ?' ત્યારે કહે છે કે, 'સિનેમા જોવા જતો રહું છું.' અલ્યા, આ સાચો ઉપાય ન હોય. આ તો અગ્નિમાં પેટ્રોલ નાખીને હોલવવા જેવી વાત છે. આ જગત પેટ્રોલની અગ્નિથી બળી જ રહ્યું છે ને ? એવી રીતે જ્યારે આ સૂક્ષ્મ અગ્નિ છે એટલે દેખાતું નથી, સ્થૂળ નથી બળતું.

કળીયુગનો પવન બહુ ખોટો છે. આ તો જ્ઞાનને લઈને બચી જાય છે, નહીં તો કળીયુગના પવનની ઝાપટો એવી વાગે કે માણસને ખલાસ કરી નાખે.

આ તો ઝંઝાવાતમાં ફ્રેકચર થઈ જાય બધું. એટલે જેટલાં અમને મળ્યા એટલા બધા બચી ગયા. આ તો ઝંઝાવાત છે, પ્રવાહ છે, એમાં અથડાઈ-કૂટાઈને મરવાનું ! રાત-દહાડો બળતરા !! કેમ કરીને જીવાય છે તે જ અજાયબી છે !!!

વિષયી વાતાવરણથી વ્યાપ્યો વ્યાપાર

પ્રશ્નકર્તા : ઓફિસમાં બધે કુસંગ બહુ છે. ત્યાં બધી આવી વિષયોની ને આવી જ વાત ચાલતી હોય એટલે એ રમણતા એની જ ચાલ્યા કરે.

દાદાશ્રી : આ જગત અત્યારે કુસંગ સ્વરૂપ જ છે. એટલે કોઈ જોડે ઊભું રહેવા જેવું નથી કશે.

પ્રશ્નકર્તા : એમ થાય કે ક્યારે છૂટે આ.

દાદાશ્રી : કાં તો એકલા બેસી રહેવું, કાં તો અહીં આવીને સત્સંગમાં પડી રહેવું, ગમે ત્યારે. કુસંગમાં નથી ઊભું રહેવા જેવું.

પ્રશ્નકર્તા : પણ મને નોકરીનો જરા પણ શોખ નથી.

દાદાશ્રી : શું કરીશું ના જાવ તો ? બહારનો કુસંગ અડવો ના જોઈએ, દાદાનું નિદિધ્યાસન નિરંતર રહેવું જોઈએ. આંખ મીંચીને દાદા દેખાય તો કુસંગ અડે જ નહીં ને ! ઓફિસમાં કુસંગ મળી આવે છે, નહીં ?

પ્રશ્નકર્તા : એટલે આપણને ના ગમતું આવે એટલે પછી સંઘર્ષ થાય.

દાદાશ્રી : સંઘર્ષ થઈને પણ નિકાલ થઈ જાય ને ? એ આવે છે ને, 'હજુ કોઈ બીજા હોય તો આવી જાવ, મારે તો નિકાલ કરી નાખવા છે' કહીએ, ગભરાવાનું નહીં. જ્યાં માનસિક સંઘર્ષ છે, ત્યાં એમાં તે વાર શું લાગે ? દેહનો સંઘર્ષ ના થવો જોઈએ. માનસિક સંઘર્ષનો વાંધો નહીં, એનો નિકાલ થઈ જશે.

ન સંભળાય વિષયી વાણી

વિષય-વિકારની વાણીય સાંભળે નહીં, પોતે બોલે પણ નહીં, એ વિષયની વાત સાંભળીએ તો મનમાં શું થાય ?

પ્રશ્નકર્તા : મન બગડે ?

દાદાશ્રી : એટલે એવી વાણી પોતે બોલેય નહીં, કો'ક બોલતો હોય તો તે સાંભળેય નહીં. આ વાણી એ મહાભારત નથી કે સાંભળવા જેવી હોય.

પ્રશ્નકર્તા : ઓફીસમાં બેઠા હોય તો, એ ફરજિયાત સાંભળવાની આવે તો ?

દાદાશ્રી : તો આપણને ના ચોંટે એવું કરવું. આપણને ઇન્ટરેસ્ટ હોય તો જ સંભળાય, નહીં તો સંભળાય નહીં. આપણો ઇન્ટરેસ્ટ ના હોય તો કાન સાંભળે પણ આપણને સંભળાય નહીં !

પ્રશ્નકર્તા : ઉપયોગની કચાશ હશે એટલે આવું થાય ?

દાદાશ્રી : ઉપયોગમાં તો બધું આખોય કચાશ છે. જો ઉપયોગ હોય તો પેલું ના હોય અને પેલું હોય તો ઉપયોગ ના હોય !

પ્રશ્નકર્તા : પેલું આપે કીધેલું ને કે છ મહિના સુધી વિચાર આવે કે 'પૈણવું છે, પૈણવું છે.' છતાંય પોતે સ્થિર રહે પોતાનાં નિશ્ચયમાં તો તો પાર નીકળીએ.

દાદાશ્રી : પેલું ઉડી જાય. નિશ્ચય મજબૂત હોવો જોઈએ. નિશ્ચય ઢીલો ના હોય.

પ્રશ્નકર્તા : પછી સર્વિસમાં આ બધા જે કુસંગો ભેગા થાય છે. એનો નિકાલ કરી નાંખવાનો. એ જે આપે કીધું, તો એમાં શું કરવાનું ? એ નિકાલ કેવી રીતે કરવાનો ?

દાદાશ્રી : આપણી આજ્ઞા પાળીને, પ્રતિક્રમણથી, નિકાલ કરી નાખવાનો. નિકાલ કરવો છે તેને નિકાલ થઈ જાય અને જેને લડવું છે તે લડે અને નિકાલ કરવો હોય તે નિકાલ કરી નાખે. તારી ઈચ્છા તો નિકાલ કરવાની ને ? ગમે તેવું હોય તોય ?

પ્રશ્નકર્તા : ઓફિસમાં જોડેવાળા મને પૂછે, છોકરી જુએ તો તને કંઈ અસર થાય કે નહીં ?

દાદાશ્રી : પછી ?

પ્રશ્નકર્તા : પછી હું કહું છું કે છોકરી જોઉં તો આકર્ષણ થાય છે. પણ લગ્ન નથી કરવાનો એવું કહેતો નથી. એ લોકો નહીં તો ટીખળ કરે કે તું છોકરી જુએ અને તને કંઈ અસર ના થાય તો તારામાં કંઈ દમ જ નથી. એવું બધું નક્કી કરે એ લોકો. પછી એવો પ્રચાર કરે એટલે પછી કહું કે મને આકર્ષણ થાય છે.

દાદાશ્રી : એવું ખોટું ના બોલવું. દમ એને જ કહેવાય છે કે આકર્ષણ ન થાય, દમ વગરનાંને જ આકર્ષણ બહુ થાય ઉલ્ટું. 'મને થતું નથીે, મને તો અડે જ નહીં.' કહીએ. તેથી આપણે કહીએ છીએ ને કે ભઈ, આ આપ્તપુત્રો એક જગ્યાએ પેસી જાય, પછી આવી વાતો સાંભળવાની ના મળે. પોઈઝન ચઢે નહીં.

સમભાવીનું ટોળું

આ બહારનો પરિચય છે એ અવળો પરિચય છે અને જ્ઞાનીઓનો પરિચય પૂરો થયો નથી. જો પરિચય થયો હોત તો આવું થાત નહીં. એટલા માટે જ્ઞાનીઓ પાસે પડી રહેવાનું. બહારના પરિચયથી તો આ બધો માર ખાધો છે ને ?! બહારના પરિચયથી બધું જ બગડ્યા કરે, બહુ બગડે. જો બ્રહ્મચર્ય પાળવું હોય, તો બહારનો પરિચય રહે અને બ્રહ્મચર્ય પાળી શકીએ, એ બે બને નહીં ! એ તો ટોળું આખું જોઈએ, રહેવાનું સ્થાન જુદું જોઈએ, ત્યાં ભેગા બેસીને વાતોચીતો કરે, સત્સંગ કરે, ઘડીવાર આનંદ કરે. એમની દુનિયા જ નવી ! આમાં તો બ્રહ્મચારીઓ ભેગા રહેવા જોઈએ. બધા ભેગા ના રહે ને ઘેર રહે તો મુશ્કેલી ! બ્રહ્મચારીઓના સંગ વગર બ્રહ્મચર્ય ના પાળી શકાય. બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ અને તેય પંદર-વીસ માણસનું જોઈએ. બધા ભેગા રહે તો વાંધો ના આવે. બે-ત્રણનું કામ નહીં. પંદર-વીસની તે હવા જ લાગ્યા કરે. હવાથી જ વાતાવરણ બધું ઊંચું રહે, નહીં તો બ્રહ્મચર્ય રાખવું તે સહેલું નથી.

આપણે કંઈ ઓછી પેઢી કાઢવા આવ્યા છીએ ? કંઈ ગાદી સ્થાપવા આવ્યા છીએ ? આ તો આપણે નિકાલ કરવા માટે આવ્યા છીએ, પણ આ તો વચ્ચે નવી આઈટમ નીકળી ! તે એમેય ના કહેવાય કે તું બ્રહ્મચર્ય ના પાળીશ અને હા યે ના કહેવાય કે તું પાળજે. કર્મના ઉદય હોય તો પાળીય શકે અને પાળી શકે એટલે આપણે ના ન કહેવાય. બ્રહ્મચર્ય હોય તો લોકોનું કલ્યાણ કરવામાં પછી નિમિત્ત બની શકે !

બ્રહ્મચર્ય માટે ગયા અવતારમાં કંઈક નિશ્ચય કરેલો હોય, ત્યારે તો આ અવતારમાં નિશ્ચય કરવાનો વિચાર આવે, નહીં તો એ વિચાર જ ના આવે. બાકી દેખાદેખીથી કરેલું કામ જ નહીં, સ્વાભાવિક હોવું જોઈએ. સંગ એક જ પ્રકારનો હોવો જોઈએ. બીજો સંગ પેસવો ના જોઈએ. દૂધ તો દૂધ અને દહીં તો દહીં, અને દૂધ અને દહીં સહેજ નજીક મૂક્યા હોય તોય દૂધ ફાટી જાય. પછી ચા ના થાય.

સંગબળની સહાયતા, બ્રહ્મચર્ય માટે

પ્રશ્નકર્તા : સંગનું આટલું બધું મહત્ત્વ કેમ છે ?

દાદાશ્રી : સંગ ઉપર તો આધાર રાખે છે.

પ્રશ્નકર્તા : આટલાં બધા ભેગા થાય છે એટલે સંગબળ વધ્યું તો પરિણતી યે ઊંચી જતી રહે, એવું ખરું ?

દાદાશ્રી : હા, એ જેમ સંગબળ વધે તેમ પરિણતી ઊંચી જાય. હમણાં ત્રણ જ સત્સંગી હોય તો ઓછી પરિણતી રહે, પાંચ હોય તો પાંચ જેટલી રહે અને હજાર માણસ હોય તો પછી કશો વિચાર જ ના આવે. બધાની સામસામી ઈફેક્ટ પડે. અત્યારે બ્રહ્મચર્ય રહે છે, તે તમારી પુણ્યૈ છે ને પુણ્યૈ ફરે ત્યારે પુરુષાર્થની જરૂર ! આના માટે ટોળામાં રહેવું. ટોળામાં એકમેકના વિચારોની અસરો પડે ! બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી, એમાં કુદરતની યારી જોઈએ. આપણી પુણ્યૈ અને પુરુષાર્થ જોઈએ. પછી આનંદ ઉત્પન્ન થશે અને તેય તમે બધા ભેગા રહો ત્યારે થાય. કારણ કે સામસામી અસરો થાય. પચાસ બ્રહ્મચારીઓની સાથે પાંચ નાલાયક માણસ મૂકીએ તો શું થાય ? દૂધ ફાટી જાય.

દાદા તો તૈયાર જ છે, તમારા બધાનો નિશ્ચય જોઈએ. બધાનું રાગે પડી જશે. અત્યારે ખત્તા ખાવ છો તેય સારું છે, કારણ કે અનુભવ પહેલાં થઈ ગયો હોય પછી તમે જુઓ જ નહીં, પણ આ બાજુનો અનુભવ ના થયો હોય તો પાછો કાચો પડી જાય. દીક્ષા લીધા પછી કાચો પડે તો વગોવાય ઉલટો, પાછો એને કાઢી મેલે ત્યાંથી !

પ્રશ્નકર્તા : એ તો બહુ મોટી જોખમદારી કહેવાય.

દાદાશ્રી : જોખમદારી જ ને ! ત્યાંથી બધા કાઢી જ મૂકે. પછી ના રહે ઘરનો અને ના રહે ઘાટનો ! એના કરતાં અત્યારે અહીં ભૂલચૂક થઈ હશે તે ચલાવી લેવાશે, પણ પછી ત્યાં તો ભૂલ ના જ થવી જોઈએ. તને ખત્તા ખાવાના મળે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : એય ખત્તા ખાવા જેવા નથી.

દાદાશ્રી : ખાવા જેવા નથી, પણ એ ખવાઈ જાય છે ને ! પણ ત્યાં આગળ જો ખત્તા ખાશો, ત્યાં 'બ્રહ્મચર્ય આશ્રમ'માં રહેવાનું હોય, ત્યાં આગળ કંઈ ભૂલચૂક થાય તો બધા ભેગા થઈને કાઢી જ મૂકે. માટે પહેલેથી ચેતીને ચાલવું, છતાં ખત્તા ખાઈએ, તો નોંધ રાખ્યા કરવી.

ચારિત્રની બૂમ ના હોવી જોઈએ ! ચારિત્રની બૂમ આવી ત્યાં ધર્મ જ નથી. એવું તો આખું જગત કબૂલ કરે. ચારિત્રની ભાંજગડ ના હોય ત્યાં. જો બીજી ભૂલચૂક હશે તો ચલાવી લેવાશે, પણ ચારિત્રની ભાંજગડ તો ન જ ચલાવી લેવાય. ચારિત્ર તો મુખ્ય આધાર છે. ધર્મમાં તો વિષયનો શબ્દ જ ના હોય. ધર્મ હંમેશા વિષયની વિરુદ્ધ જ હોય.

આ બ્રહ્મચર્ય તમે સાચવવાના કે ?

પ્રશ્નકર્તા : હા દાદા, સાચવવાના.

દાદાશ્રી : હું બધાંને એ જ કહું છું કે તમારે નિશ્ચય મજબૂત કરવો જોઈએ. આપણું 'જ્ઞાન' છે તે પાર ઉતારે એવું છે, બાકી 'જ્ઞાન' ના હોય તો પાર જ ના ઉતરે. 'જ્ઞાન'ના આધારે, 'જ્ઞાન'ને લીધે તમને શાંતિ રહે છે, આનંદ રહે છે. તમે જ્ઞાનમાં પેસો એટલે પેલું વિષયનું દુઃખ તમે ભૂલી જાવ.

આપણું જ્ઞાન એવું સરસ છે કે એ વિષય વગર રહી શકે છે. ક્રમિક માર્ગમાં તો સ્ત્રીને જોવાય નહીં, અડાય નહીં, ખાવાનું ભેગું કરીને ખાવાનું, એવા બહુ જાતના કાયદા હોય. બ્રહ્મચર્ય તો એવું હોય કે આમ મોઢું જોઈને જ લોક અંજાઈ જાય, એવો બ્રહ્મચારી પુરુષ તો દેખાય !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21