ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૧૩]

ન હો અસાર, પુદ્ગલસાર

પુદ્ગલસાર છે બ્રહ્મચર્ય

બ્રહ્મચર્ય એ શું છે ? એ પુદ્ગલસાર છે. આપણે જે ખાવાનું ખઈએ-પીએ, એ બધાંનો સાર શું રહ્યો ? 'બ્રહ્મચર્ય'! એ સાર જો તમને જતો રહે તો આત્માનો જે એને આધાર છે, તે આધાર 'લૂઝ' થઈ જાય ! એટલે બ્રહ્મચર્ય મુખ્ય વસ્તુ છે. એક બાજુ જ્ઞાન હોય ને બીજી બાજુ બ્રહ્મચર્ય હોય, તો સુખનો પાર જ નહીં ને ! પછી એવું ચેન્જ મારે કે ન પૂછો વાત ! કારણ કે બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે ને ?

આ બધું ખાય છે-પીવે છે, એનું શું થતું હશે પેટમાં ?

પ્રશ્નકર્તા : લોહી થાય.

દાદાશ્રી : અને સંડાસ નહીં થતું હોય ?

પ્રશ્નકર્તા : થાય ને ! અમુક ખોરાકનું લોહી, અમુક સંડાસ વાટે કચરો બધો નીકળી જાય.

દાદાશ્રી : હા, અને અમુક પાણી વાટે નીકળી જાય. આ લોહીનું પછી શું થાય ?

પ્રશ્નકર્તા : લોહીનું વીર્ય થાય.

દાદાશ્રી : એમ ! વીર્યને સમજું છું ? લોહીનું વીર્ય થાય, તે વીર્યનું પછી શું થાય ? લોહીની સાત ધાતુઓ કહે છે ને ? એમાંથી એકમાંથી હાડકાં થાય, એકમાંથી માંસ થાય, એમાંથી પછી છેવટે છેલ્લામાં છેલ્લું વીર્ય થાય. છેલ્લી દશા વીર્ય થાય. વીર્ય એ પુદ્ગલસાર કહેવાય. દૂધનો સાર એ ઘી કહેવાય, એવું આ ખોરાક ખાધાનો સાર વીર્ય કહેવાય. હવે એ સારને શું મફતમાં આપી દેવું જોઈએ કે બહુ મોંઘા ભાવથી વેચવું જોઈએ ?

પ્રશ્નકર્તા : મોંઘા ભાવથી વેચવું જોઈએ.

દાદાશ્રી : એમ ? લોક તો પૈસા ખર્ચીને વેચે છે ને તું કહે છે કે મોંઘા ભાવે વેચવું છે, તો મોંઘા ભાવે તારી પાસે કોણ લેશે ?

લોકસાર એ મોક્ષ છે અને પુદ્ગલસાર એ વીર્ય છે. જગતની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો ધારે તો ઊર્ધ્વગામી થઈ શકે. એટલે વીર્ય ઊર્ધ્વગામી થાય એવા ભાવ ભાવવા જોઈએ. વીર્યના બે ગમન છે. એક અધોગમન ને બીજું ઊર્ધ્વગમન. અધોગમન છે ત્યાં સુધી પાશવતા છે.

પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં રહીએ તો એની મેળે ઊર્ધ્વગમન થાય જ ને ?

દાદાશ્રી : હા, અને આ જ્ઞાન જ એવું છે કે આપણા જ્ઞાનમાં રહો તો કશો વાંધો નથી, પણ અજ્ઞાન ઊભું થાય ત્યારે મહીં આ રોગ ઊભો થાય. તે ઘડીએ જાગૃતિ રાખવી પડે. વિષયમાં તો પાર વગરની હિંસા છે, ખાવા-પીવામાં કંઈ એવી હિંસા નથી થતી.

આ જગતમાં સાયન્ટિસ્ટો ને બધા લોકો કહે છે કે વીર્ય-રજ અધોગામી છે. પણ અજ્ઞાનતા છે, તેને લીધે અધોગામી છે. જ્ઞાનમાં તો ઊર્ધ્વગામી થાય છે. કારણ કે જ્ઞાનનો પ્રતાપ છે ને ! જ્ઞાન હોય તો કશો વિકાર જ ના થાય, ને ભલે પછી ગમે તેવી બોડી હોય, ગમે એટલું ખૂબ ખાતો હોય. એટલે મુખ્ય વસ્તુ જ્ઞાન છે.

પ્રશ્નકર્તા : ઊર્ધ્વગામી અને અધોગામી, એ બન્ને 'રિલેટિવ' શબ્દો ના થયા ?

દાદાશ્રી : હા, 'રિલેટિવ' જ કહેવાય. પણ 'રિલેટિવ'માં આમ ફેરફાર થાય તો આપણને લાભ મળે ! તે આપણા 'જ્ઞાનથી' ફેરફાર થાય એવું છે. આપણે શું કહીએ છીએ કે આપણે જ્ઞાન પ્રગટ રાખીએ, તો બધો ફેરફાર એની મેળે થયા કરે. આપણું જ્ઞાન પ્રગટ નહીં રાખવાથી એ ફેરફાર થતો નથી. રિલેટિવમાં તો આપણે કશું કરી શકીએ તેમ નથી, પણ આપણે આપણામાં કરી શકીએ તેમ છીએ અને તેનો ફોટો 'રિલેટિવ' ઉપર છે. એટલે આપણે ખાલી જાગૃતિ જ રાખવાની છે. વીર્યના પરમાણુ સૂક્ષ્મરૂપે ઓજસમાં પરિણામ પામે છે, એને પછી નીચે ઉતરવાનું અધોગામી રહેતું નથી, આ મારો અનુભવ છે. એ શક્તિઓ જે ડાઉન થતી હતી તે ઉપર ચઢે છે. એ સંસારમાં ખાધું-પીધું, તે બધી જ શક્તિ બે રીતે પરિણામે પામે. એક સંસારરૂપે ને બીજું ઐશ્ચર્યરૂપે !

અહો, અહો ! એ આત્મવીર્યવાળાને

પ્રશ્નકર્તા : આ જાગૃતિ વધતાં વધતાં અમુક લિમિટ સુધી આવ્યું એટલે આટલે સુધી આવીને અટકે. પણ બીજા કોઈ પ્રકારનું આમ વ્યવહારમાં રીવોલ્યુશન ખુલવાં જોઈએ, એ નથી ઊભું થતું.

દાદાશ્રી : તારે વ્યવહારિક બહુ નહીં ને ! પણ હજુ એ શક્તિ હવે ઊભી થશે. આત્મવીર્ય જ નથી ને ! આત્મવીર્ય પ્રગટ થતું નથી. એવું છે ને, તારું મન આટલુંય વ્યવહાર સહન કરવાની શક્તિ ધરાવતું નથી એટલે ભાગે છે, ભાગીને એકાંતમાં પેસી જવા ફરે છે. પણ આ દર્શન પ્રગટ થયું એટલે 'પોતાની' ગુફામાં પેસી જતાં તને આવડ્યું, નહીં તો તો વેષ થઈ પડત !

પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે આત્મવીર્ય પ્રગટ નથી થયું. તો આત્મવીર્ય શેનાથી પ્રગટ થાય ?

દાદાશ્રી : આત્મવીર્ય પ્રગટ થાય ત્યારે એ વાત જ જુદી છે ને !

પ્રશ્નકર્તા : એ શું કહેવાય ? આત્મવીર્ય પ્રગટ થાય એટલે એમાં શું હોય ?

દાદાશ્રી : આત્માની શક્તિ બહુ વધે.

પ્રશ્નકર્તા : તો આ જે દર્શન છે, જાગૃતિ છે, એ અને આત્મવીર્ય એ બેનું કનેકશન શું ?

દાદાશ્રી : જાગૃતિ એ આત્મવીર્યમાં ગણાય. આત્મવીર્યનો અભાવ એટલે વ્યવહારનું સોલ્યુશન ના કરે, પણ વ્યવહાર ખસેડીને ઊંચો મૂકી દે. આત્મવીર્યવાળો તો કહેશે ગમે તે આવોને, એ ગૂંચાય નહીં. પણ હવે એ શક્તિઓ બધી ઉત્પન્ન થશે !

પ્રશ્નકર્તા : એ શક્તિઓ બ્રહ્મચર્યથી ઊભી થાય ?

દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય સારી રીતે પળાય ત્યારે અને સહેજ લીકેજ ના થવું જોઈએ. આ તો શું થયું છે કે વ્યવહાર શીખ્યા નથી અને એમને એમ આ બધું હાથમાં આવી ગયું છે !

વર્તે વીર્ય, જ્યાં જ્યાં રુચિ

જ્યાં રુચિ ત્યાં વીર્ય વર્તે આત્માનું. એટલે આ લોકોને રુચિ શેમાં ? આઈસ્ક્રીમમાં ખરી, પણ આત્મામાં નહીં. આ આત્મા માટે અહીં આવવું છે કે આઈસ્ક્રીમ માટે ? તો કહે, 'આઈસ્ક્રીમ ખાવા !' કેટલાં નીર્વીર્ય જીવો છે ! તને સમજાય આ વાત ?

પેલો તો બહુ જબરો માણસ ! કોઈ પણ લાલચની વસ્તુથી લલચાય નહીં. આ દુનિયામાં કોઈ ચીજ લલચાઈ ના શકે, અને આને તો આઈસ્ક્રીમ લલચાવી જાય કોઈક વખત !!

આ સંસાર ગમે નહીં, બહુ રૂપાળીમાં રૂપાળી ચીજ સ્હેજે ગમે નહીં. પેલું જ, આત્મા તરફ જ ગમ્યા કરે, ગમો બદલાઈ જાય. અને દેહવીર્ય પ્રગટ થાય ત્યારે પેલું આત્માનું ગમે નહીં.

પ્રશ્નકર્તા : આત્મવીર્ય પ્રગટ થાવું કેવી રીતે બને ?

દાદાશ્રી : નિશ્ચય કર્યો હોય ને અમારી આજ્ઞા પાળવાની, ત્યારથી ઉર્ધ્વગતિએ જાય. બે આંખો એ આંખો મળી, ત્યાં આકર્ષણ થયું, તેનું પ્રતિક્રમણ કર કર કરવાનું. એવું પચીસ કે પચાસ હોય, વધારે ના હોય. એનું પ્રતિક્રમણ કરીને છોડી નાખવું બધું. એ અતિક્રમણથી ઊભું થયું છે અને પ્રતિક્રમણથી બંધ થઈ જાય.

વીર્યને એવી ટેવ નથી, અધોગતિમાં જવું. એ તો પોતાનો નિશ્ચય નહીં એટલે અધોગતિમાં જાય છે. નિશ્ચય કર્યો એટલે બીજી બાજુ વળે, અને પછી મોઢા પર બીજા બધાને તેજ દેખાતું થાય અને બ્રહ્મચર્ય પાળતાં મોઢા પર કંઈ અસર ના થઈ, તો 'બ્રહ્મચર્ય પૂરું પાળ્યું નથી' એમ કહેવાય.

પ્રશ્નકર્તા : વીર્યનું ઉર્ધ્વગમન શરુ થવાનું હોય તો એનાં લક્ષણો શું ?

દાદાશ્રી : તેજી આવતી થાય, મનોબળ વધતું જાય, વાણી ફર્સ્ટ કલાસ નીકળે. વાણી મીઠાશવાળી હોય. વર્તન મીઠાશવાળું હોય. એ બધું એનું લક્ષણ હોય. એ તો વાર લાગે ઘણી, એમ ને એમ અત્યારે એ ના થાય. અત્યારે એકદમ ના થઈ જાય.

ઉપાયો આદરવા, સ્વપ્નદોષ ટાળવા

પ્રશ્નકર્તા : સ્ત્રીની બાબતમાં જે કંઈ સ્વપ્ના આવે, તે આપણને આ બ્રહ્મચર્યની ભાવનાના કારણે ગમતા ના હોયને ? તો એનો કંઈ ઉપાય ખરો ?

દાદાશ્રી : સ્વપ્ના એ તો જુદી વસ્તુ છે. આપણને ગમતું હોય તો નુકસાન કરે ને ના ગમતું હોય તો કંઈ નુકસાન ન કરે. એ ગમે તે આવે, ગમતું હોય તો ફરી આપણે ત્યાં એવું ઊભું થાય અને ના ગમતું હોય તો કશી ભાંજગડ જ નથી.

પ્રશ્નકર્તા : સ્વપ્નદોષ કેમ થતાં હશે ?

દાદાશ્રી : ઉપર ટાંકી હોય પાણીની, તે પાણી નીચે પડવા માંડે એટલે ના સમજીએ કે ઉભરાઈ ! સ્વપ્નદોષ એટલે ઉભરાવું. ટાંકી ઉભરાઈ ! તે કો'ક ના રાખવો જોઈએ ?

એટલે ખોરાક ઉપર કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. તેથી આ મહારાજ આ એક વખત આહાર કરે છે ને ત્યાં ! બીજું કશું લેવાનું જ નહીં, ચા-બા કશું નહીં લેવાનું.

પ્રશ્નકર્તા : એમાં રાત્રિનો ખોરાક મહત્વનો. રાત્રિનું ઓછું કરવું જોઈએ.

દાદાશ્રી : રાતના ખોરાક જ ના જોઈએ, આ એક જ વખત મહારાજ આહાર લે છે. પણ ચાર રોટલી ખઈ જાય છે, આ એની ઉંમર તો ખરી ને ! બીજું ચા નહીં, બીજી કોઈ ભાંજગડ જ નહીંને ! આખો દહાડો એ ટાંકી ભરી લીધી. તે ટાંકી ભરી લીધી, તે પેટ્રોલ ચાલ્યા કરે.

એટલે ડિસ્ચાર્જ તો આ ખાવાનું જો કંટ્રોલમાં હોય તો બીજું કશું ના થાય. આ તો ઠોક ને ઠોક ખાવાનું રાખે છે. જે હોય તે અને અજુગતું વસ્તુ આહાર હોય, ત્યારે શું થાય ? જૈન તો કેવો ડાહ્યો ! આવા આહાર નહીં. એવું તેવું ના હોય કશું. છતાં ડિસ્ચાર્જ થાય એનો વાંધો નહીં. એ તો ભગવાને કહ્યું, વાંધો નહીં. એ ભરાય પછી બૂચ ખુલ્લો થઈ જાય. ઊર્ધ્વગમન થયું નથી બ્રહ્મચર્ય, ત્યાં સુધી અધોગમન જ થાય. ઊર્ધ્વગમન તો બ્રહ્મચર્ય લેવાની શરત કરી, ત્યારથી જ શરુઆત થાય.

ચેતીને આપણે ચાલવું સારું. મહિનામાં ચાર વખત થાય તોય વાંધો નહીં. આપણે જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું ના જોઈએ. એ ગુનો છે. એમ ને એમ થાય તેનો વાંધો નહીં. આ તો આ બધું આડા-અવળું ખાવાનું પરિણામ છે. જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું એ ભયંકર ગુનો. આપઘાત કહેવાય. આવી ડિસ્ચાર્જની કોણ છૂટ આપે ? પેલા ભઈ કહે છે, ડિસ્ચાર્જ યે ન થવો જોઈએ. ત્યારે શું મરી જઉં ? કૂવામાં પડું, કહીએ ?

પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ થાય એટલે એ ગુનેગાર લેખાય, એનો મનમાં ક્ષોભ થાય. કારણ કે આ બધા એવી રીતે જ કહે ને કે ડિસ્ચાર્જ ન થવો જોઈએ.

દાદાશ્રી : એ પેલા વિષય કરે, તેનાં કરતાં આ ડિસ્ચાર્જ બહુ સારું. પેલું બે જણને બગાડે, કૂતરા જેવું તો ન શોભે !

વીર્યશક્તિનું ઊર્ધ્વગમન ક્યારે ?

પ્રશ્નકર્તા : વીર્યનું ગલન થાય છે એ પુદ્ગલ સ્વભાવમાં હોય કે કોઈ જગ્યાએ આપણી લીકેજ હોય છે એટલે થાય છે ?

દાદાશ્રી : આપણે જોઈએ અને આપણી દ્ષ્ટિ બગડી, એટલે વીર્યનો અમુક ભાગ છે તે 'એક્ઝોસ્ટ' થઈ ગયો કહેવાય.

પ્રશ્નકર્તા : એ તો વિચારોથી પણ થઈ જાય છે.

દાદાશ્રી : વિચારોથી પણ 'એક્ઝોસ્ટ' થાય, દ્ષ્ટિથી પણ 'એકઝોસ્ટ' થાય. તે 'એકઝોસ્ટ' થયેલો માલ પછી ડિસ્ચાર્જ થયા કરે.

પ્રશ્નકર્તા : પણ આ જે બ્રહ્મચારીઓ છે તેમને તો કંઈ એવા સંજોગો ના હોય, તેઓ સ્ત્રીઓથી દૂર રહે છે, ફોટા રાખતા નથી, કેલેન્ડર રાખતા નથી, છતાં એમને ડિસ્ચાર્જ થઈ જાય છે. તો એમનું સ્વાભાવિક ડિસ્ચાર્જ ના કહેવાય ?

દાદાશ્રી : તો પણ એમને મનમાં આ બધું દેખાય છે. બીજું, એ ખોરાક બહુ ખાતો હોય અને એનું વીર્ય બહુ બનતું હોય, પછી એ પ્રવાહ વહી જાય એવુંય બને.

પ્રશ્નકર્તા : રાત્રે વધારે ખવાય તો ખલાસ...

દાદાશ્રી : રાત્રે વધારે ખવાય જ નહીં, ખાવું હોય તો બપોરે ખાવું. રાત્રે જો વધારે ખવાય તો તો વીર્યનું સ્ખલન થયા વગર રહે જ નહીં. વીર્યનું સ્ખલન કોને ના થાય ? જેનું વીર્ય બહુ મજબૂત થઈ ગયું હોય, બહુ ઘટ્ટ થઈ ગયેલું હોય, તેને ના થાય. આ તો બધાં પાતળાં થઈ ગયેલાં વીર્ય કહેવાય.

પ્રશ્નકર્તા : મનોબળથી પણ એને અટકાવી શકાય ને ?

દાદાશ્રી : મનોબળ તો બહુ કામ કરે ! મનોબળ જ કામ કરે ને ! પણ તે જ્ઞાનપૂર્વકનું હોવું જોઈએ. એમ ને એમ મનોબળ રહે નહીં ને !

પ્રશ્નકર્તા : સ્વપ્નમાં ડિસ્ચાર્જ જે થાય છે, એ પાછલી ખોટ છે ?

દાદાશ્રી : એનો કોઈ સવાલ નથી. આ પાછલી ખોટો સ્વપ્નાવસ્થામાં બધી જતી રહે. સ્વપ્નાવસ્થા માટે આપણે ગુનેગાર ગણતા નથી. આપણે જાગૃત અવસ્થાને ગુનેગાર ગણીએ છીએ, ઉઘાડી આંખે જાગૃત અવસ્થા ! છતાં પણ સ્વપ્નાં આવે. માટે એને બિલકુલ કાઢી નાખવા જેવું નથી, ત્યાં ચેતતા રહેવું. સ્વપ્નાવસ્થા પછી સવારમાં પસ્તાવો કરવો પડે, એનું પ્રતિક્રમણ કરવું પડે કે આવું ના હો. આપણી પાંચ આજ્ઞા પાળે તો એમાં કોઈ દહાડો વિષય-વિકાર થાય એવું છે જ નહીં.

જોખમો, હ્રષ્ટપુષ્ટ શરીરનાં

આ વાંચ, આમાં શું લખ્યું છે ?

પ્રશ્નકર્તા : મૈથુન સંજ્ઞા ચાર પ્રકારે જાગૃત થાય.

(૧) વેદ મોહનીયના ઉદયથી.

(૨) હાડ, માંસ, લોહી વગેરેથી શરીર પુષ્ટ થવાથી.

(૩) સ્ત્રી નજરે જોવાથી.

(૪) સ્ત્રીનું ચિંતવન કરવાથી !

વેદ મોહનીય ઉદયથી એટલે ?

દાદાશ્રી : સ્ત્રીને સ્ત્રીવેદ હોય, પુરુષને પુરુષવેદ હોય, એ વેદ જ્યારે ઉદયમાં આવે ત્યારે તે બૂમ પડાવડાવે.

તમારે અહીં ક્યાં આગળ ખાસ ચેતવા જેવું છે કે 'લોહી-માંસથી શરીર હ્રષ્ટપુષ્ટ થવાથી', ત્યાં ચેતવાનું છે. તમે કહો છો કે અમારે ડિસ્ચાર્જ થાય છે, તે આ કારણ નડે છે. એક બાજુ શીખંડ, ભજ્યિાં, જલેબીઓ બધું ઠોકો છો અને પછી વીર્ય આંતરવા જાવ છો, તે કેમ બને ? શરીરને તો પોષણ પૂરતો જ ખોરાક આપવો અને તેય પાછો ભારે માલ મલીદાવાળો ખોરાક નહીં. આ પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે. એટલા માટે તો મેં આ તમને પુસ્તક વાંચવા આપ્યું છે. કેટલાંક જૈનના સાધુઓ આંબેલ કરતા હોય છે. આંબેલમાં કોઈ પણ એક જ ચીજ ખાય કાયમને માટે. પાણીમાં રોટલી બોળીને ખાય ત્યારે એ સાધુઓ બ્રહ્મચર્ય પાળી શકે છે. શિયાળાને દહાડે ટાઢમાં શરીર કસાય છે, ઉનાળામાં તાપમાં કસાય છે. આપણે તો ટાઢ-બાઢ સહન કરવાની નહીં ને ! રજાઈ લાવીને ઓઢી લીધું, તે ચાલ્યું ! એટલે જ ચેતતા રહેવાનું. આ તો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આ બધું ચેતતા રહેવું પડે. વીર્ય ઊર્ધ્વગામી થાય ત્યાર પછી એની મેળે ચાલ્યા કરે. હજુ તો વીર્ય ઊર્ધ્વગામી થયું નથી. હજુ તો એનો અધોગામી સ્વભાવ છે. વીર્ય ઊર્ધ્વગામી થાય, ત્યારે બધુંય ઊંચે ચડે. પછી તો વાણી-બાણી ફક્કડ નીકળે, મહીં દર્શનેય ઊંચી જાતનું ખીલેલું હોય. વીર્ય ઊર્ધ્વગામી થાય પછી વાંધો ન

ા આવે, ત્યાં સુધી તો ખાવા

-પીવાનું બહુ નિયમ રાખવા પડે. વીર્ય ઊર્ધ્વગામી થવા માટે તમારે એને મદદ તો કરવી પડે કે એમ ને એમ જ ચાલ્યા કરશે ?

પ્રશ્નકર્તા : મદદ કરવી પડે. ખોરાકમાં શું શું ઉડાડી દેવાનું ? તળેલું, ઘી, તેલ કાઢી નાખવું પડે ને ?

દાદાશ્રી : કશું ઉડાડી દેવાનું નહીં, એનું પ્રમાણ ઓછું કરી નાખવાનું.

પ્રશ્નકર્તા : ભાત એ બ્રહ્મચર્ય માટે છેલ્લામાં છેલ્લો ખોરાક થયો, ખરું ને ?

દાદાશ્રી : ના, એવું ભાત ઉપર નહીં. એ તો એકલો રોટલો હોય, ગમે તે હોય તોય ચાલે. બાકી અમુક 'ફૂડ' નહીં લેવું જોઈએ. ચીકાશવાળો ને એવો તેવો ખોરાક બધો ના લેવાય તો સારું પડે.

પ્રશ્નકર્તા : બીજો, ગળપણવાળો ખોરાક ?

દાદાશ્રી : ગળપણ પણ નહીં. ખટાશ ચાલે તે પણ પ્રમાણમાં, વધારે ખટાશ ના ખવાય.

પ્રશ્નકર્તા : મરચાં ?

દાદાશ્રી : થોડાં થોડાં ખવાય. મરચાં કરતાં મરી ઉત્તમ. બ્રહ્મચર્ય પાળવા માટે સૌથી સારામાં સારી આ સૂંઠ. આપણાં આ બ્રહ્મચારીઓને માટે જ ભાંજગડ છે ને ? બાકી બીજા બધાને તો આપણા આ વિજ્ઞાનમાં તો કશી ભાંજગડ જ નથી ને ? આપણા વિજ્ઞાનમાં તો ધીમે રહીને નિકાલ કરી નાખવાનો છે. આ તો બ્રહ્મચર્ય પાળે છે એટલે બધું કહેવું પડે. એટલે બ્રહ્મચર્ય આમ કેટલાંક વરસ જો કદી સચવાઈ ગયું કંટ્રોલપૂર્વક, તો પછી વીર્ય ઊર્ધ્વગામી થાય ને ત્યારે આ શાસ્ત્રો-પુસ્તકો એ બધાં મગજમાં ધારણ કરી શકે. ધારણ કરવું એ કાંઈ સહેલું નથી, નહીં તો વાંચે ને પાછો ભૂલતો જાય.

પ્રશ્નકર્તા : હા, એવું જ થાય છે અત્યારે.

દાદાશ્રી : હવે જો વીર્ય ઊર્ધ્વગામી થયેલું હોય તો જ એ ધારણ કરી શકે, નહીં તો એ ધારણ ના કરી શકે.

પ્રશ્નકર્તા : આ પ્રાણાયામ કરે, યોગ કરે, એ બ્રહ્મચર્ય માટે કંઈ હેલ્પફૂલ થઈ શકે ખરું ?

દાદાશ્રી : તે બ્રહ્મચર્ય માટેના ભાવથી કરે તો હેલ્પીંગ થઈ શકે છે. બ્રહ્મચર્ય માટેનો ભાવ હોવો જોઈએ અને તમારે શરીર સારું કરવા માટે કરવું હોય તો એનાથી શરીર સારું થાય. એટલે ભાવ ઉપર બધો આધાર છે. પણ આવા તેવામાં તમે પડશો નહીં, નહીં તો આપણો આત્મા રહી જશે.

પ્રશ્નકર્તા : સ્ત્રી બેઠી હોય એ બેઠકમાં આવીને બ્રહ્મચારીથી ના બેસાય ?

દાદાશ્રી : આ તો જૂના જમાનાની વાત થઈ. અત્યારે આ કાળમાં એ માફક ના આવે. એ બધું મેં કાઢી નાખેલું છે. કારણ કે બસમાં કોઈ સ્ત્રી ઊઠી તો તમે ના બેસો તો ક્યાં બેસો ? તો ઊભા રહેવાનું ? અને એ સ્ત્રી ઊઠી ગઈ અને તમે, 'મારાથી ના બેસાય.' એવું કહો તો લોક તમને 'ચક્કરછાપ છે' એવું કહેશે. તમે મૂરખ ના દેખાવ એટલે મેં પહેલેથી જ બધું કાઢી નાખેલું છે. એવી તો બધી બહુ વાતો છે. અહીં સ્ત્રીનો ફોટોય ના લટકાવાય. પછી ગાયનેય ના જોવાય, ગાય સ્ત્રી છે માટે. હવે આનો પાર ક્યારે આવે ? શાસ્ત્રકારોએ તો બહુ ઝીણું કાંત્યું છે અને આપણે તો શેતરંજીઓ બનાવવી છે માટે હવે જાડું જાડું કાંતો ને ! તો પણ આપણને કેવો આનંદ આનંદ રહે છે ! ત્યાં તો કોઈ દહાડો આનંદ જ નહીં અને આવું ઝીણું કાંતેલામાં બિચારાં ગૂંચાયા કરે છે. હા, નહાવા માટેની એ લોકોની વાત હું એક્સેપ્ટ કરું છું. નહાવાનું નહીં, ખાવાનું, દાતણ નહીં કરવાનું, એ બધું એક્સેપ્ટ કરું છું. નહાવું જોઈએ નહીં. કારણ કે નહાવાથી શરીરમાં બધી જ ઇન્દ્રિયો સતેજ થાય છે. જીભે ઉલ ઉતારી કે આ બધાં ભજિયાં-જલેબી ફાવશે ને ના ઉતારી હોય તો સ્વાદમાં રામ તારી માયા ! સ્વાદ ઓછો માલમ પડે.

પ્રશ્નકર્તા : આ સાધુઓ ભીનાં કપડાંથી શરીર લૂછી કાઢે છે.

દાદાશ્રી : એ તો કરવું જ પડે ને !

પ્રશ્નકર્તા : એનાથી ઇન્દ્રિયો સતેજ ના થાય ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : ગરમ કે ઠંડું પાણી હોય, એનાથી ફેર પડે ?

દાદાશ્રી : એમાં કશોય લાંબો ફેર નહીં. ગરમ પાણી અંદર ઠંડક કરે છે ને ઠંડું પાણી અંદર ગરમી કરે છે. એનો સ્વભાવ અંદર ફેરફાર કરવાનો, બાકી બધું એકનું એક જ છે.

નિરોગીથી વિષય ભાગે

તમે બહાર પરિણામ ખોળો છો, પણ હંમેશાં જે નિરોગી હોય તેને જલ્દી પરિણામ બહાર પડે. આ બધું પ્રમાણ હોય છે ! નિરોગી શરીર હોય તો બ્રહ્મચર્ય સારું રહે. અબ્રહ્મચર્ય શરીરના રોગને લઈને થાય છે. જેટલો રોગ ઓછો એટલો વિષય ઓછો. પાતળા માણસને વિષય બહુ હોય છે ને જાડા માણસને વિષય ઓછો હોય.

પ્રશ્નકર્તા : એટલે રોગને લઈને અબ્રહ્મચર્ય છે ?

દાદાશ્રી : રોગથી જ અબ્રહ્મચર્ય છે. નીરોગી માણસને અબ્રહ્મચર્યની ભાંજગડ જ ના હોય ! એને એ ગમેય નહીં. એને આનંદ તો નીરોગીપણાનો હોય જ, એટલે એને વિષય ગમે જ નહીં. અને આ શરીરનું તો અત્યારે એવું રોગી થઈ ગયું છે એટલે આ કાળમાં નીરોગી હોય નહીં ને ! નીરોગી તો એક તીર્થંકરો હોય !

પ્રશ્નકર્તા : તો અમારે નીરોગી થવા માટે, બ્રહ્મચર્ય પાળવા માટે આ શરીરનું પણ ધ્યાન રાખવું પડે ને ?

દાદાશ્રી : શરીરનું ધ્યાન તો એવી વસ્તુ છે કે હવે તમારે આ નિકાલી બાબત છે. એવું ધ્યાન તો ક્યારે આપવાનું હોય કે કર્તા સાથે હોય તો. આપણે ભાવ રાખવો કે બોડી નિરોગી હોવી જોઈએ, એવો પક્ષપાત રહેવો જોઈએ અને પછી શરીરને જરા સાચવો.

પ્રશ્નકર્તા : કોઈ માણસ તંદુરસ્ત છે, તો એ તંદુરસ્તી શેના આધારે બેઝ થયેલી છે ? શારીરિક શક્તિનો આધાર વીર્ય શક્તિ છે ને !

દાદાશ્રી : આ સ્ત્રીઓમાં વીર્ય ના હોય, તોય શારીરિક શક્તિ બહુ હોય છે.

પ્રશ્નકર્તા : તો તંદુરસ્તીનું જે ધોરણ છે, એ શેના આધારે કહેવાય છે ?

દાદાશ્રી : એ રોગમુક્તના આધારે છે. રોગ ના હોય એટલે શક્તિ વધારે. રોગને લઈને શક્તિ ઓછી થઈ જાય.

વીર્ય શક્તિ જુદી વસ્તુ છે. વીર્ય તો દરેકની અંદર હોય જ, રોગી હોય કે નિરોગી હોય, બેઉનામાં, બધામાં હોય. પાતળા માણસમાં વીર્ય શક્તિ વધારે હોય ને જાડામાં ઓછી હોય. પાતળામાં વધારે હોય. પાતળો કામી વધારે હોય, જાડો કામી ઓછો હોય. કારણ કે આનું ખાધેલું બધું માંસ થઈ જાય છે અને આનું ખાધેલું બધું વીર્ય થઈ જાય.

પ્રશ્નકર્તા : માંસ કરતાં પણ ચરબીનો ભાગ વધારે હોય છે, જે માણસ જાડો હોય છે તેને !

દાદાશ્રી : હા, એનું ખાધેલું બધું ચરબી-માંસ બધું થઈ જાય. આનું ખાધેલું બધા હાડકાં જ થઈ જાય. જાડા થયેલાને કેટલું લોહી જોઈએ ? પેલાને તો લોહી જ જોઈએ નહીં ને પાતળાને, બધાં કારખાના ચાલુ હોય એટલે પછી વધ્યું-ઘટ્યું વીર્ય બની જાય. થોડું સમજાય છે ? જાડા માણસમાં વિષય બહુ ઓછો હોય. એમાં સ્ટ્રેન્થેય (શક્તિમાં) ઓછી હોય.

પ્રશ્નકર્તા : એક વાર એવું સાંભળેલું કે પુદ્ગલનો ફોર્સ વધી જાય, પુદ્ગલની શક્તિ વધે તો વિષયોમાં ખેંચાઈ જાય, એ ખરું ?

દાદાશ્રી : શરીરનું ઠેકાણું ના હોય ને ખોરાક ઠોકાઠોક લે તો એ બ્રહ્મચર્ય ટકે નહીં, અબ્રહ્મચર્ય થઈ જાય. જો શરીર મજબૂત હોય, પણ ખોરાક ઓછો હોય એ બ્રહ્મચર્યને સાચવી શકે. બાકી જેને થ્રી વિઝનથી વૈરાગ આવતો હોય, તેને તો કશું અબ્રહ્મચર્ય થાય એવું છે જ નહીં. આ ગટરને એક ફેરો ઊઘાડીને જોઈ લીધી હોય પછી ફરી ઊઘાડે જ નહીં ને ! ઊઘાડવાની ઇચ્છા જ ના થાય ને ? એની તો એ બાજુ દ્ષ્ટિ જ ના જાય. બ્રહ્મચર્ય તો કેવું હોય ? હજાર સ્ત્રીઓ વચ્ચે પણ મન બગડે નહીં, એને વિચાર સરખોય આવે નહીં. મન બગડે એટલે બધું બગડ્યું. કેમ કે એ ચાર્જ સ્વરૂપ છે. એટલે તરત ચાર્જ થઈ જાય અને ચાર્જ થયું કે ડિસ્ચાર્જ થવાનું જ !

જ્ઞાનીની ઝીણી ઝીણી વાતો

પ્રશ્નકર્તા : વિષય સિવાયના બીજા વિચારો આવે ને ઘણી વાર સુધી આમ ચાલ્યા કરે, તો શું કરવું ?

દાદાશ્રી : છો ને રહ્યા, એનો વાંધો શો છે ? એને જોયા કરવાના કે શું આવ્યા ને શું નહીં. બસ, જોયા જ કરવાના અને નોંધ પણ નહીં કરવાની. આ પાણી પડ્યા કરે છે એવું એ વિચાર ચાલ્યા કરે. આપણે એને જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ કરતા જવાનું ?

દાદાશ્રી : ખરાબ વિચાર હોતો જ નથી. ખરાબ વિચાર ને સારા વિચાર, એ તો સંસારના લોકોએ નામ પાડ્યાં છે. જેને આત્મજ્ઞાન છે, એને વિચાર માત્ર જ્ઞેય છે. વિચારને ખરાબ કહીએ તો મનને પાછી રીસ ચઢે. એટલે આપણે શું કરવા કોઈને ખોટું કહીએ ? એ એનો સ્વભાવ જ છે. સારો વિચાર હોય કે દુર્વિચાર, મન દેખાડ્યા જ કરે. એને આપણે જોયા કરવાનું.

મનમાં વિચાર આવે એ ઉદયભાવ કહેવાય. તે વિચારમાં પોતે તન્મયાકાર થયો તો આશ્રવ થયું કહેવાય. તેથી પછી કર્મો ઝમવાં માંડે. પણ જો તેને ભૂંસી નાખે તો પાછું ભૂંસાઈ જાય. જો એનો કાળ પાકે ને અવધિ પૂરી થઈ જાય તો બંધ પડે એટલે અવધિ પૂરી થાય, તે પહેલાં ભૂંસી નાખવું પડે. તો બંધ ના પડે. એટલે આપણે કહ્યું ને, અતિક્રમણ તો થઈ જાય, પણ તરત પાછું પ્રતિક્રમણ કરો. એટલે પછી બંધ ના પડે.

શરીર તો હેરાન ના કરે ને ?

પ્રશ્નકર્તા : ના, આમ તો એવું લાગે છે કે મન જ હેરાન કરે છે, શરીર હેરાન કરે એવું લાગતું નથી. બાકી આ જે ભોગો ભોગવે છે, એનાથી શરીરને એક જાતની તૃપ્તિ મળે છે.

દાદાશ્રી : હા, એ સંતોષ થાય છે. સંતોષ એટલે શું કે કોઈ પણ જાતની ઇચ્છા થઈ. દારૂ પીવાની ઇચ્છા થઈ તો છેવટે દારૂ પીએ ત્યારે એને સંતોષ થાય. પછી ગમે તેવી ગાંડીઘેલી ઇચ્છા હશે તો પણ એને સંતોષ થાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, પહેલું તો એ મન પર જ અસર કરે, તો દેહનું જોર વધી જાય ને ?

દાદાશ્રી : ના, આ દેહને અને મનને એટલો બધો સંબંધ નથી. કારણ કે નાનાં બાળકો પણ ખોરાક વધારે ખાય. તે શરીરનું બહુ જોર હોય. એમનું મન આ વિષયની બાબતમાં જાગૃત થયેલું નથી હોતું, તો પણ એમના શરીર પર અસર દેખાય.

પ્રશ્નકર્તા : શી અસર દેખાય ?

દાદાશ્રી : આ 'ઇન્દ્રિય' ટાઈટ થઈ જાય, પણ એને મનમાં કશું હોતું નથી. એટલે શરીરની અસર એટલી બધી નુકસાન કરે એવી વસ્તુ નથી હોતી, પણ આ તો લોકો ઊંધું માની લે છે. આ તો ઊંધી માન્યતા છે બધી. બાકી નાનાં બાળકો એ કંઈ વિષયને સમજતા નથી, એમના મનમાં વિષય જેવું હોતું પણ નથી. છતાં આ શરીરનું બળ છે. ખોરાક ને દૂધ એ બધું ખાય એટલે ઇન્દ્રિય ટાઈટ થઈ જાય છે. એથી કંઈ એ શરીરને નુકસાન કરે છે એવું માની લેવું, એ તો ખોટું છે. બધો મનનો જ રોગ હોય છે. મનનો રોગ જ્ઞાનથી જતો રહે એવો છે, તો પછી આપણને એમાં વાંધો ક્યાં આવે ?

પ્રશ્નકર્તા : હજી કંઈ બરોબર સમજાતું નથી. તો શરીરને તો કોઈ નિષ્પત્તિ જ નથી હોતી ?

દાદાશ્રી : હા, નિષ્પત્તિ જ નહીં.

પ્રશ્નકર્તા : તો પેલું શરીર એકદમ સૂકવી નાખવું અને એવું થાય કે શરીર સારું હોય તો નુકસાન થશે એવું માનવાની આમાં જરૂર નથી ?

દાદાશ્રી : એવું કંઈ એટલું બધું માનવાની જરૂર નથી અને એવું ગભરાઈને અત્યારે ખોરાક બહુ ના લો, તો તે પાછું શરીરને નુકસાન કરશે. એટલે એનો અર્થ કોઈએ ઊંધો ના લેવો જોઈએ કે દાદાએ ખોરાકની છૂટ આપી છે.

પ્રશ્નકર્તા : એટલે નોર્માલિટી ગોઠવીને લેવું એમ ?

દાદાશ્રી : નોર્માલિટી એટલે અમુક ઘી-તેલ એ બધું અમુક અમુક તો ઓછું જ કરો. કારણ કે એ બધાની શરીર પર અસર પડે છે.

આ સમજાયું ને ? ટાઈટ થવું એ શરીરનો સ્વભાવ જ છે. આમાં ઊંધું માની બેસે કે દોષ મનનો જ છે, મન છે તો આવું થાય છે. એટલે આવું માની બેસવાની ભૂલ થાય. પણ આમ ખુલાસો થાય પછી માની બેસવાની ભૂલ ના કરે. આ શરીરને અસર થઈ, એવું કંઈ થવાથી 'ભૂખ' લાગી એવું કેમ કહેવાય આપણે ? હું શું કહેવા માંગું છું એ સમજાય છે ? નાનાં છોકરાં, બધાને જોયેલાં ? એનો સ્ટડી નહીં કરેલો ? આ સાંભળ્યુંને ? હવે સ્ટડી કરજો એટલે આ ઊંધી માન્યતા ઊડી જાય.

પ્રશ્નકર્તા : વિષય મનથી ભોગવે અને શરીરથી ભોગવે, તો એ બેમાં કર્મ શેમાં વધારે બંધાય ? ગાંઠ શેમાં પડે ?

દાદાશ્રી : મનથી ભોગવે, તેમાં વધારે થાય.

પ્રશ્નકર્તા : જ્યારે સ્થૂળમાં ભોગવવાનું આવે, ત્યારે મનથી તો પહેલાં ભોગવાઈ જ ગયું હોય ને ?

દાદાશ્રી : મન ભોગવે કે ના પણ ભોગવે.

પ્રશ્નકર્તા : ખાલી મનથી ભોગવતો હોય ત્યારે ગાંઠ પડે, ને મન અને કાયા બન્ને સાથે હોય તો એનું કર્મ કેવું પડે ?

દાદાશ્રી : મન જ્યાં આવ્યું ત્યાં બધું બગડે અને કેટલાંક તો, મન- દેહ અને ચિત્તથી ભોગવે છે એ બહુ ખરાબ.

પ્રશ્નકર્તા : ચિત્તથી ભોગવવું એટલે શું ?

દાદાશ્રી : ફિલ્મથી ભોગવવું, તરંગો ભોગવવાનું, તરંગી ભોગવટા કહેવાય એને !

પ્રશ્નકર્તા : મનનો જે વિષય ઊભો થાય છે અને શરીરનો જે વિષય ઊભો થાય છે, એ બેમાં જોખમદાર કયું ?

દાદાશ્રી : શરીરનો વિષય ઊભો થયો, તેને ગણકારી ના શકાય તો ચાલે. પણ મનનો વિષય ના થવો જોઈએ. આ લોકો બધા શરીરના વિષયથી છેતરાય છે. એમાં છેતરાવાનું કોઈ કારણ નથી. મનમાં ના રહેવું જોઈએ. વિષયની બાબતમાં મન ચોખ્ખું થઈ જવું જોઈએ, મન નિવૃત્ત થઈ જવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે મૂળ બીજ તો મનથી જ પડે છે એમ ?

દાદાશ્રી : મનમાં હશે તો જ એ વિષય છે, નહીં તો એ વિષય નથી. ઇન્દ્રિય ટાઈટ થાય તોય મન ના જાગે એવું છે. પણ આપણા લોકો તો શું કહે છે કે ઇન્દ્રિય ટાઈટ થાય પછી મનમાં આવે છે. એટલે આ લોકોએ ટાઈટનેસ ના આવે એટલા માટે શું કર્યું કે ખોરાક ઓછો કરો, ખોરાક બંધ કરો, દૂધ બંધ કરો કે જેથી ઇન્દ્રિયો નરમ પડે ને ટાઈટનેસ થાય નહીં, એટલે મનમાં થાય નહીં. એટલે આ લોકોની વાત ખોટી છે, એવું તમને સમજાય છે ? આ બધી વાત બહુ ઝીણી વાત કહું છું, સમજતાં જરા વાર લાગે એવી છે.

ઉલ્ટી થાય તેથી મરી જવાય ?

બ્રહ્મચર્ય વ્રત લીધું હોય. કશુંક અવળું-હવળું થાયને ત્યારે ગૂંચાય. એક છોકરો મુંઝાતો'તો, મેં કહ્યું, 'કેમ ભઈ, મુંઝાઉ છું ?' તમને કહેતાં મને શરમ આવે છે. મેં કહ્યું, 'શું શરમ આવે છે ? લખીને આપ બળ્યું.' મોઢે કહેતાં શરમ આવે તો લખીને આપ. 'મહિનામાં બે-ત્રણ વખત મને ડિસ્ચાર્જ થઈ જાય છે.' કહે છે. 'મેર ગાંડિયા, એમાં તો શું આટલો બધો ગભરાઉ છું ! તારી દાનત નથી ને ? તારી દાનત ખોટી છે ?' ત્યારે કહે, 'બિલકુલ નહીં, બિલકુલ નહીં.' ત્યારે મેં કહ્યું, 'તારી દાનત ચોખ્ખી હોય તો બ્રહ્મચર્ય જ છે' કહ્યું. ત્યારે કહે, 'પણ આવું થાય ?' મેં કહ્યું, ભઈ, એ ગલન ન્હોય ? એ તો પૂરણ થયેલું ગલન થઈ જાય. એમાં તારી દાનત ના બગડવી જોઈએ. એવું રાખજે, એ સાચવવી. દાનત ના બગડવી જોઈએ કે આમાં સુખ છે. મહીં મુંઝાયને બિચારો ! તો ચોખ્ખું તરત કરી આપું.

પ્રશ્નકર્તા : એ દાનત જ મૂળ છે વાત ! 'દાનત કેવી છે' એના ઉપર જ છે બધું આખું.

દાદાશ્રી : તમારી દાનત પછી કઈ બાજુ છે ? તમારી દાનત ખરાબ હોય અને વખતે ડિસ્ચાર્જ ના થાય તેથી કરીને તું બ્રહ્મચારી નહીં થઈ જઉં. ભગવાન બહુ પાકાં હતા, કોણ આવી સમજણ પાડે ? અને કુદરત તો એનાં નિયમમાં જ હોય ને. ઉલટી થઈ ગઈ એટલે મરી જઈશ એવું થઈ ગયું ? શરીર હોય તો ઉલટી ના થાય, તો શું થાય ? રોજ સુલટી થાય, પછી ઉલટી ના થાય પાછી ?

પ્રશ્નકર્તા : હમણાં છેલ્લા થોડા વખતમાં બહુ બધી વખત પતન થયું હતું, ડિસ્ચાર્જ થયું હતું.

દાદાશ્રી : જેટલું તમારું કશામાં ચિત્ત ચોંટ્યું એટલું મહીં એની મેળે જ ડિસ્ચાર્જ થઈ ગયેલું હોય, તે પછી નીકળી જાય છે. મડદાલ થઈ જાય, એ નીકળી જાય. જે મડદાલ નથી થયું એ નીકળે નહીં.

પ્રશ્નકર્તા : ના, એનો મતલબ એ થાય છે કે હજી કશેક ચિત્ત ચોંટે છે.

દાદાશ્રી : હં, ચોંટ્યું નથી. મહીં ચોંટતું હશે થોડું ઘણું, એનું ફળ છે. આ બધું ચોંટ્યા પછી ઉખાડી લ્યો, તમે આમ પ્રતિક્રમણ કરીને. થોડું ચોંટી જાયને ? એટલે ચોંટ્યું તો કાયદો એવો છે કે તરત છે તે પેલું મહીં છૂટું પડી જાય અને પછી મડદાલ થયું. એ તો મહીં રહે, તેનાં કરતાં નીકળી જાય તેનો વાંધો નહીં રાખવાનો.

પ્રશ્નકર્તા : તો એવું સમજવાનું કે ચિત્ત જો ચોંટવાનું ઓછું થઈ જાય તો તમારો જે ગેપ છે ડિસ્ચાર્જ થવાનો એ વધતો જાય.

દાદાશ્રી : ના, એવું નહીં. ડિસ્ચાર્જનો ગેપ વધ્યો હોય તો પાછો ગેપ ઓછોય થઈ જાય, થોડા દહાડા પછી. માણસ સંડાસ જઈ આવે ને ડિસ્ચાર્જ થાય, એમાં ફેર નથી.

પ્રશ્નકર્તા : તંદુરસ્ત માણસને ડિસ્ચાર્જ થાય, એની મેળે ઓટોમેટિક અમુક ટાઈમે થાય.

દાદાશ્રી : થાય. પુદ્ગલ સંડાસ ગયું, એને એવું કહે એટલે રાગે પડી જાય. આ શરીરમાંથી નીકળે, એ બધું સંડાસ જ કહેવાય. નાકે નીકળે, ગમે ત્યાંથી નીકળે સંડાસ જ કહેવાય.

પ્રશ્નકર્તા : તો આ ખોટ તો ગઈ કહેવાય ને ?

દાદાશ્રી : ખોટ તો ડિસ્ચાર્જ થતાં પહેલેથી જ ગઈ છે. અંદર છૂટું પડે ત્યારથી જ ગયેલી છે. હવે ખોટ ને નફાને શું કરવું છે ? આપણે તો આત્મા મજબૂત રહે છે કે નહીં ? એટલું જ જોવું.

આ શરીરમાંથી જે નીકળે, એ બધો સંડાસનો માલ. સંડાસનો માલ થાય ત્યારે બહાર નીકળે. ત્યાં સુધી બહાર નીકળે નહીં. આ શરીરનો માલ હોય ને ત્યાં સુધી બહાર નીકળે નહીં.

વિચાર : મંથન : સ્ખલન

સંડાસનો માલ નીકળી જાય વખતે, રહે નહીં. હમણે કોઈ વિષયનો વિચાર આવ્યો, તરત તન્મયાકાર થયો એટલે મહીં માલ ખરીને નીચે ગયો. એટલે પછી ભેગો થઈને નીકળી જાય હડહડાટ. પણ વિચાર આવે ને તરત ઉખાડી નાખે તો મહીં ખરે નહીં પછી, ઉર્ધ્વગામી થાય. નહીં તો વિચાર આવતાંની સાથે ખરી પડે નીચે. એટલું બધું મહીં વિજ્ઞાન છે આખું !!

પ્રશ્નકર્તા : વિચાર આવતાંની સાથે જ.

દાદાશ્રી : ઓન ધી મોમેન્ટ. બહાર ના નીકળે પણ મહીં અંદર પડી ગયું જુદું એ. બહાર નીકળવા લાયક થઈ ગયું એ શરીરનો માલ રહ્યો નહીં.

પ્રશ્નકર્તા : એટલે પ્રતિક્રમણ થાય તો પાછું ઉર્ધ્વગમન થાય ?

દાદાશ્રી : વિચાર આવે ને, વિચારમાં તન્મયાકાર ના થાય, વિચારને જોયા કરે તો ઉર્ધ્વગમન થાય. વિચાર આવે ને તન્મયાકાર થાય, એટલે પછી છૂટું પડી ગયું તરત.

પ્રશ્નકર્તા : છૂટું પડી ગયું પછી પ્રતિક્રમણ કરે તો પાછું ઊંચે આવશે કે ઉર્ધ્વગમન ના થાય ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો શું થાય ? કે તમે એનાથી જુદા છો એવો અભિપ્રાય દેખાડે છે કે અમારે એમાં લેવાદેવા નથી.

પ્રશ્નકર્તા : વીર્યનું ઉર્ધ્વગમન અને ડિસ્ચાર્જ સાથે કોઈ રિલેશન ખરું ?

દાદાશ્રી : ડિસ્ચાર્જ થયું એટલે ઉર્ધ્વગમનનું અધોગમન થઈ ગયું.

પ્રશ્નકર્તા : એનો મતલબ વીર્યનું ઉર્ધ્વગમન થાય એટલે ડિસ્ચાર્જ બંધ થઈ જાયને ધીરે ધીરે !

દાદાશ્રી : ના. એવો કંઈ નિયમ નથી. ડિસ્ચાર્જ પણ થાય, ડિસ્ચાર્જનું તો એની જોખમદારી નથી ગણાતી. જાણી બુઝીને ડિસ્ચાર્જ થાય ત્યારે જોખમદારી. અત્યારમાં છે તે અમથું અંદર ખોરાકનું દબાણ આવે કે બીજું દબાણ આવે તોય થઈ જાય. જાણી-જોઈને ના હોવું જોઈએ.

બનતાં સુધી ડિસ્ચાર્જ ના થાય એવું ચેતીને રહેવું. વિષયનો વિચાર જ ના આવે અને આવે તો ફેંકી દેવાનું, અંકુર ફૂટતાં જ ફેંકી દેવાનું ત્યારે વીર્ય છે જે પુદ્ગલનો એક્સટ્રેક્ટ છે, તે ઉપર ચઢે છે. તે ઊર્ધ્વરેતા થાય. પછી વાણી-બાણી બધું ક્લીયર રહે. આમ જાગૃતિ બહુ સારી રહે. તારાથી રહેવાશેને હું કહું છું તેમ ?

ભરેલો માલ એ તો નીકળ્યા વગર રહેવાનું નહીં. વિચાર આવ્યો તેને પોષણ આપ્યું, તો વીર્ય મડદાલ થઈ ગયું. એટલે કોઈ પણ રસ્તે ડિસ્ચાર્જ થઈ જાય છે અને જો ટક્યું મહીં, વિષયનો વિચાર જ ના આવ્યો તો ઊર્ધ્વગામી થાય. વાણી-બાણી બધામાં મજબૂત થઈને આવે. નહીં તો વિષયને અમે સંડાસ કહેલું જ છે. બધું ઊભું થાય છે તે સંડાસ થવા માટે જ થાય છે. બ્રહ્મચર્ય પાળે તેને બધું આવે. પોતાને વાણીમાં, બુદ્ધિમાં, સમજણમાં બધામાં આવે, પ્રગટ થાય. નહીં તો વાણી બોલે તો ખીલે નહીં, ઉગેય નહીં ને. એ ઉર્ધ્વગમન થાય તો પછી આ બધી વાણી ફર્સ્ટકલાસ થઈ જાય ને બધી શક્તિઓ ઊભી થાય પછી. આવરણો તૂટી જાય બધા.

પ્રશ્નકર્તા : એટલે ઉખેડીને ફેંકી દેવો એટલે જોવાનો ખાલી વિચારને ?

દાદાશ્રી : જોવાનો જ. જોવાનો તો ઊંચી વાત, આ તો વિચાર ઉગે ને તન્મયાકાર થઈ જાય તો એને ફેંકી દેવાના. પણ જોવાનું બને તો પછી ફેંકવાનું ના હોય ને !

પ્રશ્નકર્તા : આ વધારે સરળ પડે.

દાદાશ્રી : વિષયનો વિચાર તો ક્યારે આવે ? આમ જોયું અને આકર્ષણ થયું એટલે વિચાર આવે. કોઈ વખત એવું પણ બને કે આકર્ષણ થયા વગર વિચાર આવે. વિષયનો વિચાર આવ્યો એટલે મનમાં એકદમ મંથન થાય અને સહેજ પણ મંથન થાય એટલે પછી એ સ્ખલન થઈ જ જાય, તરત જ, ઓન ધી મોમેન્ટ. માટે આપણે છોડવો ઊગતાં પહેલાં જ ઉખાડી નાખવો જોઈએ. બીજું બધું ચાલે, પણ આ છોડવો બહુ વસમો હોય. જે સ્પર્શ નુકસાનકર્તા હોય, જે માણસનો સંગ નુકસાનકર્તા હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ. તેથી તો શાસ્ત્રકારોએ એટલું બધું ગોઠવેલું કે આમ સ્ત્રી જ્યાં બેઠી હોય ત્યાં એ જગ્યા ઉપર બેસો નહીં, જો બ્રહ્મચર્ય પાળવું હોય તો, અને જો સંસારી રહેવું હોય તો ત્યાં તમે તમારે બેસજો, રહેજો.

બ્રહ્મચર્ય પાળવું હોય તો 'જ્ઞાની પુરુષ' પાસે સમજી લેવું જોઈએ. પહેલું એ જ્ઞાન જાણી લેવું પડે અને એ જ્ઞાન સમજમાં આવવું જોઈએ. બ્રહ્મચર્ય તો, મન બિલકુલ ડગે નહીં, ત્યારે એ બ્રહ્મચર્ય મગજમાં ઘૂસે અને પછી એની વાણી-વર્તન બધું ફેરફાર થઈ જાય !!! નહીં તો ત્યાં સુધી પુદ્ગલસાર ધોવાયા જ કરે બધો. આ જે ખોરાક ખાધો ને, તે સાર બધો પછી ઊડી જાય.

પ્રશ્નકર્તા : મન કેળવવા માટે અમુક વખત તો જવાનો જ ને ?

દાદાશ્રી : મનને કેળવવા માટે તો આ કેટલો વખત ગયો ? અનાદિ કાળથી કરે છે આ બધું.

પ્રશ્નકર્તા : હા, પણ તમે કહો છો તે પ્રકારનું મન કેળવતાં અમુક વખત તો જવાનો ને ? એકદમ કેળવાઈ જાય મન ?

દાદાશ્રી : થોડો વખત લે, છ-બાર મહિના લે.

પ્રશ્નકર્તા : એટલે પહેલાં આકર્ષણ થાય અને પછી વિચાર આવે એવો કશો નિયમ નથી. એમનો એમ પણ વિચાર આવે ?

દાદાશ્રી : એમ ને એમ પણ વિચાર આવે.

પ્રશ્નકર્તા : પછી વિચાર આવે, પછી મંથન ચાલુ થાય ?

દાદાશ્રી : વિચાર આવે કે મંથન શરૂ થઈ જાય, પણ જો પ્રતિક્રમણ ના કરે તો. એટલે આપણે કહીએ છીએ કે વિચાર આવે કે તરત ઉખેડીને ફેંકી દેવો. એક ક્ષણવાર વિચાર રખાય નહીં, પ્રતિક્રમણ કરીને તરત ફેંકી દેવું.

પ્રશ્નકર્તા : અને જેને બહુ જ સ્પીડિલી વિચારો આવે તો ?

દાદાશ્રી : બહુ જ સ્પીડિલીમાં તો પેલાને સમજણ જ ના પડે. કારણ કે મહીં મંથન થઈ ગયું હોય, પછી મંથનથી સાર બધો મરી જાય, પછી એ અંદર મરેલું પડી રહેશે. પછી બધું ભેગું થાય ત્યાર પછી બહાર નીકળે. ત્યારે એને તો એમ જ થાય કે આજે મને ડિસ્ચાર્જ થઈ ગયું. ડિસ્ચાર્જ તો મહીં થતું હતું જ, મહીં થઈ જ રહ્યું હતું. એ ટીપે ટીપે ડિસ્ચાર્જ થયા કરે.

પ્રશ્નકર્તા : બહુ પહેલાં વાત નીકળેલી ત્યારે આપ બોલેલા કે મહીં તન્મયાકાર થાય, તે વખતે જ પરમાણુનું સ્ખલન થાય છે.

દાદાશ્રી : બસ, તન્મયાકાર એટલે જ મંથન, એટલું જો સમજે તો તો બ્રહ્મચર્યનું બહુ મોટામાં મોટું સાયન્સ સમજી જાય. વિચાર આવ્યો ને તન્મયાકાર થયો કે મહીં સ્ખલન થઈ જાય છે, પણ આ લોકોને સમજણ ના પડે, ગતાગમ નહીં. ભાન જ તે ઘડીએ ના રહે ને ! છતાં આ પ્રતિક્રમણ કરે છે તે ચાલે.

પ્રશ્નકર્તા : એટલે વિચાર આવે ત્યાંથી જ ચેતી જવાનું ?

દાદાશ્રી : વિચાર આવ્યો ને જો પ્રતિક્રમણ ના કર્યું તો ખલાસ.

પ્રશ્નકર્તા : તો ખરેખર તો વિચાર જ ના આવવો જોઈએ ને ?

દાદાશ્રી : વિચાર તો આવ્યા વગર રહે નહીં. મહીં ભરેલો માલ છે એટલે વિચાર તો આવે, પણ પ્રતિક્રમણ એનો ઉપાય છે. વિચાર ના આવવો જોઈએ એવું બને તો ગુનો છે.

પ્રશ્નકર્તા : ત્યાં સુધીની સ્ટેજ આવવી જોઈએ એમ ?

દાદાશ્રી : હા, પણ એ વિચાર ના આવવો, એ તો ઘણે કાળે ડેવલપ થતો થતો આગળ આવે છે. પ્રતિક્રમણ કરતો કરતો આગળ જાય, એટલે પછી એને પૂર્ણાહુતિ થાય ને ! પ્રતિક્રમણ કરવા માંડ્યાં એટલે પછી પાંચ અવતારે - દસ અવતારેય પૂર્ણાહુતિ થઈ જાય ને ! એક અવતારમાં તો ખલાસ ના પણ થાય.

પ્રશ્નકર્તા : જે વિચાર આવે છે એ ભરેલો માલ છે ?

દાદાશ્રી : એ બધો ભરેલો માલ જ ને ! વિચાર એની મેળે આવે છે.

પ્રશ્નકર્તા : અમુક વખતે એવું પણ બને છે કે વિચાર પણ ચાલુ રહે ને પ્રતિક્રમણ પણ ચાલતું હોય, બન્નેય ક્રિયા સાથે ચાલતી હોય.

દાદાશ્રી : એનો વાંધો નહીં. ભલેને વિચારો ચાલુ હોય, જોડે પ્રતિક્રમણ ચાલુ રહે તો પછી તેનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : આ તો ગજબનું સાયન્સ બહાર પડ્યું છે દાદા !

દાદાશ્રી : પણ લોકોને સમજાય નહીં ને ! આ તો બધા વાંચે એટલું જ, છતાં આટલું વાંચે તો પણ સારું છે, જવાબદારી સમજે તો પણ બહુ થઈ ગયું ! જોખમદારી સમજાય તો પણ બહુ થઈ ગયું. આ તો જાણે કે વિચાર આવ્યો, તો એમાં શું બગડી ગયું ? પણ એ તો બેભાનપણું કહેવાય. છતાં બહુ વિચારશીલ હોય, બ્રિલિયન્ટ હોય, એને તો સારું સમજાય અને એ વાતને પકડી પણ શકે, એને હેલ્પ પણ કરે. આ તો લોકો જાણતા નથી કે આ વિચાર આવ્યો, તો શું થશે ? આ તો કહેશે કે વિચાર આવ્યો માટે શું બગડી ગયું ? લોકોને ખ્યાલ ના હોય તે વિચારને અને ડિસ્ચાર્જને એ બન્નેને લિંક કેવી રીતે છે. વિચાર જો એમ ને એમ ના આવે, તો બહાર જોવાથી પણ વિચાર ઊભો થાય.

પ્રશ્નકર્તા : ઘણી વાર એકલા હોઈએ તો પણ વિચાર એની મેળે અંદરથી ફૂટવા માંડે.

દાદાશ્રી : એકલા જેવું કશું હોતું નથી, પણ ટાઈમિંગ થાય ત્યારે ટાઈમ બતાડી જ દે.

આ બધી ઝીણી વાત કહેવાય, અમુક અમુક વિચારશીલને જ સમજ પડે અને નહીં સમજાય તો માર ખાશે. કુદરતને ઘેર કંઈ ઓછો વાંધો છે ?!

પ્રશ્નકર્તા : ધારો કે એ વિચારધારા એને પાંચ-દસ મિનિટ ચાલી તો ? અને પછી તરત જ એનું પ્રતિક્રમણ કરે તો ?

દાદાશ્રી : એનો વાંધો નહીં. પણ વિચારધારાનાં થોડાક જ ટાઈમ સુધીમાં કરવું જોઈએ. એકદમ ટાઈમ પણ ના જવા દેવો જોઈએ, નહીં તો પછી મંથન થઈ જાય.

પ્રશ્નકર્તા : એટલે એક વિચાર આવ્યો કે તરત જ ?

દાદાશ્રી : તરત જ, એટલે કે એ આગળ ને પ્રતિક્રમણ એની પાછળ, એના જેવું. જેમ આગળ એક માણસની પાછળ બીજો માણસ જતો હોય એવું. તે આગળ આ વિચાર હોય ને પાછળ આ પ્રતિક્રમણ હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે એક સેકન્ડની પણ વાર ના લાગવી જોઈએ?

દાદાશ્રી : સેકન્ડની વાર લાગી હોય તો ચાલી જાય. કારણ કે આ પ્રતિક્રમણમાં બહુ જોર હોય છે. એટલે એ વિચાર શરૂ થતાં જ એને હડહડાટ ઉડાડી દેવાય. પ્રતિક્રમણનું તો બહુ જોશ હોય છે. અતિક્રમણનાં જોશ કરતાંય પ્રતિક્રમણનું બહુ જોશ હોય છે.

ઝેર પીધું હોય, તે ઘૂંટડો ગળામાંથી નીચે ઊતરે એ પહેલાં ઊલટી કરી નાંખે તો કશું નહીં, પણ ઘૂંટડો નીચે ઊતર્યો પછી અસર થયા વગર રહે નહીં. અરે, પછી તો ઊલટીઓ કરાવે તો પણ થોડું રહી જાય. એવું આ વિષય સંબંધી છે ! જેને બ્રહ્મચર્ય પાળવું હોય એને વિષય સંબંધી વિચાર આવે તો એ જોયું કે તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. એમાં સહેજ જો અટક્યો અને મહીં મંથન થયું કે મંથન થયા પછી સ્ખલન થયા કરે. કોઈપણ રસ્તે, 'એની-વે' સ્ખલન થાય જ.

આપણો માર્ગ જ બધો બહુ ઊંચો છે ને ? પ્રતિક્રમણનો માર્ગ જ આખો ઊંચો છે. અરધો કલાક ઊંધું ચાલતું હોય ને જો જાગૃત થયો તો બે મિનિટમાં જ હડહડાટ બધું ફ્રેકચર કરી નાખે. આ 'અક્રમ વિજ્ઞાન' જ ઊંચી જાતનું છે. અમે તો આ બધું અમારું નિરીક્ષણ કરીને અનુભવનું બધું આ વિજ્ઞાન મૂક્યું છે. કેટલાંય અવતાર પહેલાંના નિરીક્ષણ હશે, તે આજે તમને મહીં લખાઈ ગયું.

અમને તો 'એટ એ ટાઈમ' કેટલાંય પાર વગરનાં દર્શન બધાં ફરી વળે, વાણીમાં તો કેટલાંક જ નીકળે તેવા હોય અને તમને જ્યારે સમજાવીએ ત્યારે તો અમુક જ નીકળે. તેય સંજ્ઞામાં મહીં જે સમજાયું હોય તેવું તો ના જ હોય ને ?! છતાં પણ જ્ઞાની પુરુષની વાણી છે એટલે સાંભળનારને ક્રિયાકારી થયા વગર રહે નહીં

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21