ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૫]

ન ચલાય, મનના કહ્યા પ્રમાણે

જ્ઞાનથી કરો સ્વચ્છ મન

દાદાશ્રી : મને બગડે છે હજુ ?

પ્રશ્નકર્તા : બગડે છે.

દાદાશ્રી : તારી દુકાનમાં માલ હોય ત્યાં સુધી બગડે. પણ હવે માલ હશે તે પછી ધોઈ નાખો એને. ધોઈને ચોખ્ખો કરો કે ના કરો ?

પ્રશ્નકર્તા : હા, કરું.

દાદાશ્રી : એટલે સ્વચ્છ જીવન. મન પણ બગડે નહીં ક્યારેય ! દેહ તો બગડે જ નહીં પણ મન પણ બગડે નહીં અને બગડે તો તરત જ ધો ધો કરીને સાફ કરીને ઈસ્ત્રી કરીને ઊંચું મૂકી દેવું.

જ્યાં જ્ઞાન છે, ત્યાં સંસારનો એક વિચાર ન આવવો જોઈએ. અમને સંસારનો એક વિચાર નથી આવતો. અને સ્ત્રીનો, આ બધી સ્ત્રીઓ બેઠી છે પણ અમને સ્ત્રીસંબંધી વિચાર નથી આવતો. એટલે બધું ખાલી થઈ જવું જોઈએ.

પ્રશ્નકર્તા : થઈ જવું જોઈએ કે કરી નાખવું જોઈએ ?

દાદાશ્રી : થઈ જવું જોઈએ. આ માર્ગ એવો છે કે તમારે ખાલી કરવાનું નહીં રહે. એની મેળે ખાલી થયા કરે. અમારી આજ્ઞામાં રહો એટલે ખાલી થયા કરે.

નહીં તો મન પડે લપટું

પ્રશ્નકર્તા : આપણે નિયમ ગોઠવ્યો હોય કે બે જ રોટલી ખાવી છે. પછી મનના કહ્યા પ્રમાણે ચાલીએ, તો એ નિયમ તૂટી જાય એવું બને ને ?

દાદાશ્રી : મનના કહ્યા પ્રમાણે ચલાય જ નહીં. મનનું કહ્યું જો આપણા જ્ઞાન પ્રમાણે ચાલતું હોય, તો એટલું એડજસ્ટ (ગોઠવણી) કરી લેવાય. આપણા જ્ઞાનની વિરુદ્ધ ચાલે તો બંધ કરી દેવાય.

પ્રશ્નકર્તા : એટલે મનના કહ્યા પ્રમાણે ચાલે, તો નિયમ તૂટે એવું ખરું ને ?

દાદાશ્રી : રહ્યો જ ક્યાં તે નિયમ ? કો'કનામાં ડહાપણ વાપરવું વચ્ચે તે. પણ આપણે તો જ્ઞાન પ્રમાણે ચાલવું છે. છતાં મન પણ નિયમવાળું છે. એનાથી તો આ જગતના લોકો બહુ સારી રીતે રહી શકે છે.

પ્રશ્નકર્તા : અજ્ઞાનતા હોય તો પણ નિયમ નક્કી કરે તો એક્ઝેક્ટ (બરાબર) એ પ્રમાણે ચાલ્યા કરે ને ?

દાદાશ્રી : એ નક્કી કરે કે મારે નિયમથી જ ચાલવું છે, એટલે નિયમથી જ ચાલે. પછી બુદ્ધિ ડખલ કરે તો એવું થઈ જાય છે. ગાડી નિયમમાં ના હોય તો શું થાય ?

પ્રશ્નકર્તા : હા. વ્યવહાર ચૂંથાઈ જાય બધો.

દાદાશ્રી : અમારું મન ઘણુંય કહે કે આ ખાવ, આ ખાવ, પણ નહીં. નહીં તો મન લપટું પડી જાય. વાર ના લાગે. અને લપટો પડી ગયો તેને આખો દહાડો કકળાટ હોય. દયાજનક સ્થિતિ ! 'તું' તો ચંદ્રેશને રડાવનારો માણસ. 'તું' કંઈ જેવો તેવો માણસ છું ? એ પછી આ મન તો એનું ચંદ્રેશનું, આપણે શું લેવાદેવા ? હવે આપણે શુદ્ધાત્મા.

પ્રશ્નકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : મન એ ચંદ્રેશનું. એ મનના કહ્યા પ્રમાણે, આપણે નહીં ચાલવાનું. મનના કહ્યા પ્રમાણે ચાલેને, એનું બ્રહ્મચર્ય ટકે નહીં, કશુંય ટકે નહીં. ઊલટું અબ્રહ્મચર્ય થાય. મનને ને આપણે શું લેવાદેવા ?

હવે કો'કના દાગીના પડ્યા હોય, મન કહે કે કોઈ છે નહીં, લઈ લો ને. પણ આપણે સમજવું જોઈએ. પોતાનું ચલણ ના રહે, તો મન ચઢી બેસે.

પ્રશ્નકર્તા : પોતાને સમજાય ખરું કે આ બે કલાક નકામા જતા રહ્યા.

દાદાશ્રી : જતા રહ્યા, એ જુદી વસ્તુ છે. એ તો અજાગૃતિને કારણે. પણ તોય મન ચઢી બેસે નહીં.

વિરોધીના પક્ષકાર (?)

પ્રશ્નકર્તા : એક વાર જ્યારે અમે સત્સંગમાંથી ઊઠીને બહાર ચા પીવા ગયેલાં ત્યારે આપે કહેલું કે બીજી બધી બાબતમાં આવું છૂટું રાખવું અને એક તમારે બ્રહ્મચર્યની બાબતમાં જ મનનું ના માનવું.

દાદાશ્રી : ને બીજી બાબતમાં માનવું ? એટલે તમને ટેસ્ટ પડતો હોય તો માનો ને ! મારે શું વાંધો છે ? એ તો બ્રહ્મચર્યમાં માનશો તોય મારે વાંધો નથી.

આ તો બ્રહ્મચર્ય ઉપર તમે સ્ટ્રોંગ (દ્ઢ) રહો, એટલા માટે આમ કહેવા માગું છું. ધ્યેયને નુકસાન ન કરે, એવા હેતુથી એવું બોલેલો. તેથી કરીને બીજા ઉપર તમે એમ કહો કે મનનું બીજું નિરાંતે માનજો. તમારું કામ થઈ ગયું (!) શું કાઢશો આમાં ? કેવી વકીલાત કરો છો ?

પ્રશ્નકર્તા : પોતાની લૉ-બુક (કાયદાપોથી)માં લઈ જવાય છે !

દાદાશ્રી : લૉ-બુક તો એની એ જ. આ પક્ષકાર કેવા માણસ છે ? વિરોધીના પક્ષકાર ! હવે ડાહ્યા થઈ જાવ. નહીં તો નહીં ચાલે આ દુનિયામાં.

મન ચલાવે માંહ્યરા લગી...

જુઓ ને ચારસો વર્ષ ઉપર કબીરે કહ્યું, કેવો એ ડાહ્યો માણસ ! કહે છે, 'મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.' ડાહ્યો નહીં કબીરો ? અને આ તો મનના કહ્યા પ્રમાણે ચાલ્યા કરે. મન કહે કે 'આને પૈણો.' તો પૈણી જવું ?

પ્રશ્નકર્તા : ના. એવું ના થાય.

દાદાશ્રી : તે હજુ તો બોલશે. એવું બોલશે તે ઘડીએ શું કરશો તમે ? બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો સ્ટ્રોંગ રહેવું પડે. મન તો એવુંય બોલે અને તમને હઉ બોલાવશે. તેથી હું કહેતો હતો ને કે કાલે સવારે તમે નાસી હઉ જશો. એનું શું કારણ ? મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો જ શું ? કારણ કે તમારું પોતાનું જ ચલણ નથી. પોતાના ચલણવાળો એવું ના કરે.

તેથી હું તમને કહેતો હતો કે મહીં મન કહેશે, 'હજુ તો આ છોડી સરસ છે, ને હવે વાંધો નથી. આ દાદાજીનું આત્મજ્ઞાન મળી ગયું આપણને. હવે કશું રહ્યું નથી. પેલાએ શાદી કરી છે, હવે ખાસ પૂરાવામાં કંઈ ખૂટતું નથી. ચાલો ને, આ હવે આમાં ક્યાં ભૂલ થઈ ગઈ પાછી ?! પાછો ફાધરનો આશીર્વાદ વરસશે.' એવું મહીં કહેશે અને જો તું ભૂલો પડીશ તો તે ઢેડફજેતો કરશે. અમે તો તમને કહીએ કે નાસી જશો. ત્યારે તું કહે, 'નાસીને અમે ક્યાં જઈએ ?' પણ શેના આધારે નાસ્યા વગર નહીં રહો તમે ? કારણ કે મનના કહ્યા પ્રમાણે તમે ચાલો છો.

પ્રશ્નકર્તા : હવે અમે અહીંથી ક્યાંય નાસી ના જઈએ.

દાદાશ્રી : અરે, પણ મનના કહ્યા પ્રમાણે ચાલનારો માણસ અહીંથી ના જાય, એ કઈ ગેરન્ટીના આધારે ? અરે, લો, હું તને બે દહાડા જરા પાણી હલાવું. અરે, છબછબિયાં કરું ને, તો પરમ દહાડે જ તું જતો રહે ! એ તો તને ખબર જ નથી. તમારા મનનાં શું ઠેકાણાં ? બિલકુલ ઠેકાણા વગરનાં મન. પોતાના સેન્ટરમાં જ ઊભું રહ્યું નથી. મનના કહ્યા પ્રમાણે તો ચાલો છો હજુ. આ 'નથી નાસી જવું, નથી નાસી જવું', એ કહેવા પૂરતું જ. પણ હજુ તો શુંય કરશો ? એ તો કોણ સ્ટ્રોંગ માણસ કહેવાય કે જે કોઈનુંય માને નહીં. મનનું કે બુદ્ધિનું કે અહંકારનું કે કોઈ ભગવાન આવે, તેનુંય ના માને. તમારું તે શું ગજું ? તું મને કહેતો હતો કે, 'સ્મશાનમાં જાઉં તો મન વાંધો નથી ઉઠાવતું' પણ બીજે ક્યાંક મન વાંધો ઊઠાવે કે ત્યાં નહીં જવાનું, તો ના જાય !

પ્રશ્નકર્તા : પોતે અહીંયા દાદા પાસે આવીને જે નિશ્ચય કર્યો છે, એ બાબતમાં મનનું કોઈ દિવસ સાંભળ્યું નથી.

દાદાશ્રી : એમ ? સવળું મન બોલે ખરું ?

પ્રશ્નકર્તા : હા, સવળું બોલે છે.

દાદાશ્રી : અવળું બોલ્યું નથી એટલે. થોડુંઘણું અવળું બોલે, તેને તમે ગાંઠો નહીં. પણ સાત દહાડા સુધી તમને છોડે નહીં અને એ પાછું મહીં કહેશે, 'આ જ્ઞાન બધું મળી ગયું છે, હવે વાંધો નથી, લોકોમાં આપણી વેલ્યૂ બહુ ખૂબ છે. આમ છે, તેમ છે.' બધું સમજાવી કરી ચલાવે આપણને !

પ્રશ્નકર્તા : એવું ના થાય હવે.

દાદાશ્રી : તેથી અમે આ તમને પાછળ બહુ નુકસાન ના થાય એટલા સારું તમને ચેતવીને કહીએ કે આમાં 'મનકા ચલતા' છોડી દો છાનામાનાં, તમારા સ્વતંત્ર નિશ્ચયથી જીવો. મનની જરૂર હોય તો આપણે લેવું અને જરૂર ના હોય તો થયું, બાજુએ રાખો એને. પણ આ મન તો પંદર પંદર દહાડા સુધી ફેરવીને પછી પૈણાવે. મોટા મોટા સંતોય ભડકી ગયેલા, તો તમારું તો શું ગજું ?

ધ્યેયનો જ નિશ્ચય

બ્રહ્મચારી થવાનો તારો નિશ્ચય છે આ તો ! પણ આ તો મનના કહેવા પ્રમાણે તું બધું કરે છે. એટલે તારું બધું છે જ ક્યાં ? એ તો તારા 'મને' કહ્યું હતું, એ પ્રમાણે આ પૈણવામાં મઝા નથી. તે આવું બધું તારા 'મને' તને કહ્યું હતું ને તેં એક્સેપ્ટ કર્યું હતું.

પ્રશ્નકર્તા : હવે નિશ્ચય થયોને પણ ?

દાદાશ્રી : હવે નિશ્ચય તારો. જો એને તું નક્કી કરે કે હવે આ મારો નિશ્ચય. પછી મનને કહી દઈએ કે 'હવે જો તું આડું કરશે, તો તારી વાત તું જાણું !' હવે તો આપણા સિદ્ધાંત તરીકે સ્વીકારીએ, એટલે આપણો જ કહેવાય એ નિશ્ચય.

પ્રશ્નકર્તા : સિદ્ધાંત તરીકે સ્વીકાર્યા પછી 'આપણો', નહીં તો 'મન'નો ?

દાદાશ્રી : તો બીજા કોનો ? એનો જ છે. 'આપણું' ક્યાં છે અહીં આ મિલકતમાં ? જે આપણી મિલકત હતી, તે દબાવી પાડી છે. ને તેય આપણી ભાડાની ઓરડીમાં રહે છે. તેય ચોરી કરે છે પાછો ઉપરથી ને ?

કો'કના ઘર ઉપરથી નળિયાનો ટુકડો પડે ને તો વાગે તોય કશું ના બોલો. કારણ કે ત્યાં મન કહે છે કે 'કોને કહીશું આપણે ?' એ તો એનું મન શીખવાડે છે, એ પ્રમાણે એ બોલે છે. આપણે અત્યારે સિદ્ધાંત છે, એ પ્રમાણે મન ચાલવું જોઈએ. મનનું કહ્યું ના માનવું.

સામાયિકમાં ચલણ, મનનું

પ્રશ્નકર્તા : સામાયિકમાં બેસવું ના ગમે. ગુલ્લી મારવાનું મન થઈ જાય.

દાદાશ્રી : મન બૂમો પાડે પણ તારે શી લેવા-દેવા ? તારા સિદ્ધાંતની વિરુદ્ધ ચાલે છે ? ચાલે છે, તો ચલણ એનું છે હજુય. એ ના કહે તો આપણે શું ? એ તો સામાયિક જ ના કરવા દે.

પ્રશ્નકર્તા : પહેલાં શરૂઆતમાં હું બે-એક વર્ષ રેગ્યુલર સામાયિક કરતો હતો. એ મને ગમતું હતું ત્યારે.

દાદાશ્રી : તે તું 'ગમતું-નાગમતું' એ જ માર્ગે છે ને ? પાછો કહે છે મને ગમતું હતું ! મનનું માને એ માણસ જ ના કહેવાય, એ મશીનરી ના કહેવાય તો બીજું શું કહેવાય ? પોતાનું ચલણ ના હોય ? તમે પુરુષ થયા ને ?

સત્સંગમાં આવવાનું મન ના પાડે તો શું કરે ? ત્યાં મનનું માનો છો ? એવું માનો તો પછી રખડી મર્યા ને ! રહ્યું શું તે ? જાનવરોય એનું માને ને તમેય એનું માનો. ઘણી ખરી વખત મનના વિરુદ્ધ કરો છો કે નહીં ?

પ્રશ્નકર્તા : ઘણી વખત.

દાદાશ્રી : સારું. મનના ચલાવ્યે ચાલે, એ તો મિકેનિકલ કહેવાય. પેટ્રોલ મહીં પૂરીએ એટલે મશીન ચાલ્યા કરે. તનેય એવું થાય છે ? તો તો આપણે ના પૈણવું હોય તોય પૈણાવડાવે !

પ્રશ્નકર્તા : એમાં એવું ના થાય.

દાદાશ્રી : કેવા માણસ છો તે ? આપણી ઈચ્છા પ્રમાણે ના ચાલવા દે. તો પછી પોતાનું ચલણ જ નથી.

પ્રશ્નકર્તા : સામાયિક કરવાની ઈચ્છા એટલી સ્ટ્રોંગ નહીં.

દાદાશ્રી : ઓ હો, તો તો આ બધો ધર્મ કરવાની ઈચ્છા જ નથી. આમાં સ્ટ્રોંગ નહીં ને પાછો !

સામાયિક એટલે અડતાલીસ મિનિટની વસ્તુ છે. અડતાલીસ મિનિટમાં ઠેકાણે બેસે નહીં, તો આ બ્રહ્મચર્ય કેમ કરીને પળાય ? એના કરતાં છાનોમાનો પૈણી જાય તો સારું.

આ બ્રહ્મચર્ય પાળે છે, તે બ્રહ્મચર્ય એટલે પોતાનું નિશ્ચયબળ. કોઈ ડગાવે નહીં એવું. કો'કના કહ્યાથી ચાલે એ બ્રહ્મચર્ય શી રીતે પાળે ?

બ્રહ્મચર્યવાળો તો કેવો હોય માણસ ? હેય, સ્ટ્રોંગ પુરુષ ! ઊંચા મનોબળવાળો ! એ આવા તે હોતાં હશે ? તેથી તો હું વારેઘડીએ કહું છું કે 'તમે જતા રહેશો, પૈણશો.' ત્યારે તમે કહો છો કે એવાં આશીર્વાદ તમે ના આપશો ! મેં કહ્યું, 'હું આશીર્વાદ નથી આપતો. તમારો વેષ દેખાડું છું આ !' અત્યારથી જો ચેતો નહીં ને પોતાના હાથમાં લગામ લીધી નહીં તો ખલાસ ! ક્યાં ગાડું લઈ જાવ છો ? ત્યારે કહે, 'બળદ જ્યાં લઈ જાય ત્યાં !' બળદ જે દિશામાં જાય, એ દિશામાં ગાડું જવા દે કોઈ ? બળદ આમ જતા હોય તો મારી ઠોકીને, ગમે તેમ કરીને, આમ લઈ લે. પોતાના ધારેલા રસ્તે જ લઈ જાય ને ?

પ્રશ્નકર્તા : ધારેલા રસ્તે લઈ જાય.

દાદાશ્રી : ને આ તમે તો બળદના ચલાવ્યા ગાડાં ચલાવો છો. 'એ આ બાજુ જાય છે તો હું શું કરું ?' કહે છે ! તો એના કરતાં પૈણો ને નિરાંતે ! ગાડું આ બાજુ જતું હોય તો અર્થ જ નહીં ને ! નિશ્ચયબળ છે નહીં. પોતાનું કશું છે નહીં. પોતાની કશી લાયકાત છે નહીં. તને શું લાગે છે ? ગાડું જવા દેવું ?

પ્રશ્નકર્તા : ના જવા દેવાય.

દાદાશ્રી : તો કેમ આ ગાડાં જાય છે ?

પ્રશ્નકર્તા : આપ કહો છો ને ત્યારે ખબર પડે છે કે આ મનના કહ્યા પ્રમાણે કર્યું હતું. નહીં તો ખબર જ નથી પડતી.

દાદાશ્રી : હા, પણ ખબર પડ્યા પછી ડાહ્યો થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : હવે પાછા તમે પરમ દહાડે એવું કહેશો કે 'મને મહીંથી એવું જાગ્યું, એટલે ઊઠી ગયો સામાયિક કરતાં કરતાં !'

પ્રશ્નકર્તા : સામાયિક કરવા બેસીએ તો મઝા નથી આવતી.

દાદાશ્રી : મઝા ના આવતી હોય તો એનો વાંધો નહીં. પણ મનના કહ્યા પ્રમાણે કરે, તે ના ચલાવી લેવાય.

પ્રશ્નકર્તા : પણ આ મઝા ના આવે, એટલે એવું થાય કે હવે બેસવું નથી.

દાદાશ્રી : પણ આમ 'મનના કહ્યા પ્રમાણે ચાલવું છે' એવી ઈચ્છા નહીં ને તારી ?

પ્રશ્નકર્તા : આ તો હવે ખબર પડી ને !

દાદાશ્રી : મઝા ના આવે એ જુદી વસ્તુ છે. મઝા તો આપણે જાણીએ કે આને ઈન્ટરેસ્ટ (રસ) બીજી જગ્યાએ છે અને આમાં ઈન્ટરેસ્ટ ઓછો છે. ઈન્ટરેસ્ટ તો અમે કરી આપીએ.

પ્રશ્નકર્તા : મઝા ના આવે એટલે મન બતાવે કે હવે જતાં રહીએ.

દાદાશ્રી : મનની એ વાત હું કરતો નથી. મઝા ને મનને લેવાદેવા નથી.

પ્રશ્નકર્તા : મઝા ના આવે તો પછી એવું થાય કે સામાયિકમાં નથી બેસવું.

દાદાશ્રી : મઝા શાથી નથી આવતી, તે હું જાણું છું.

પ્રશ્નકર્તા : મને સામાયિકમાં કશું દેખાતું જ નથી.

દાદાશ્રી : શેનું દેખાય પણ, આ બધાં લોચા વાળે છે ત્યાં ?!

પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ બધા લોચા વાળેલા છે, ત્યાર પછી દેખાય ને ?

દાદાશ્રી : ના, પણ પહેલી તો પોતાને સમજણ જ પહોંચી નથીને ત્યાં, તે એને સમજાય નહીં, ત્યાં સુધી દેખાય શી રીતે ? આ શું વાત કહેવા માગે છે, તે જ સમજણ પહોંચી નથી ને ? તેમાં દાખલા આપું છું, ગાડાંનો દાખલો આપું છું, મિકેનિકલનો દાખલો આપું છું, પણ એકુંય સમજણ પહોંચતી નથી મહીં. હવે શું કરે તેે ?

પ્રશ્નકર્તા : ફિલમની જેમ દેખાવું જોઈએ ને ?

દાદાશ્રી : શી રીતે દેખે પણ ? તમે જોનાર નથી, ગાડાંના માલિક નથી ને ? માલિક થાય તો દેખાય. અત્યારે તો તમે બળદના કહ્યા પ્રમાણે ચાલો છો. તે એને કશું ફિલમ ના દેખાય. પોતાના નિશ્ચયથી ચાલે તેને દેખાય બધું.

પ્રશ્નકર્તા : સામાયિક કરવામાં ઈન્ટરેસ્ટ નથી, એટલે એવું થાય ને ?

દાદાશ્રી : ઈન્ટરેસ્ટ ના હોય તેનું ચલાવી લેવાય, આનું ના ચલાવી લેવાય. આનાં જેવી કોઈ મૂર્ખાઈ કરતો હશે ? ત્યારે શું જોઈ એ કરતો હશે ?

પ્રશ્નકર્તા : 'આવું હું કરું છું' એ હજુ ખબર પડતી નથી, સમજાતું નથી.

દાદાશ્રી : સમજાતું જ નથી, નહીં ? ક્યારે સમજાશે ? બે-ત્રણ અવતાર પછી સમજાશે ? પૈણે તો પેલી સમજાવે. સમજાતું જ નથી, કહે છે ?

આ ગાડાંનો દાખલો આપ્યો, પછી નિશ્ચયબળની વાત કરી. જે આપણું ધારેલું ના કરવા દે, એનું કંઈ મનાય ખરું ? મા-બાપનું નથી માનતા ને મનની વધારે કિંમત ગણે છે એમ ?

પ્રશ્નકર્તા : પણ મને સામાયિકમાં કશું દેખાતું જ નથી.

દાદાશ્રી : શું જોવાનું હોય, તે દેખાય ?

પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે ચાર વર્ષ સુધીનું દેખાય બધું.

દાદાશ્રી : એ એવું ના દેખાય. એ તો ઊંડા ઊતરવાનું કહીએ ત્યારે દેખાય.

મનના કહેવા પ્રમાણે ચાલે એ બધા ગાડાં જ ને ?! પછી દેખાય શી રીતે ? 'દેખનારો' જુદો હોવો જોઈએ, પોતાના નિશ્ચયબળવાળો !

અત્યાર સુધી મનનું કહેલું જ કરેલું. તેને લીધે એ બધું આવરણ એનું આવેલું.

પ્રશ્નકર્તા : સામાયિક કરતા હોય અને સામાયિક કરવાનું મન ના પાડે ત્યાં ઉદયકર્મ ખરો ?

દાદાશ્રી : ઉદયકર્મ ક્યારે કહેવાય કે નિશ્ચય હોવા છતાં નિશ્ચયને ઝંપવા ના દે, ત્યારે ઉદયકર્મ કહેવાય.

પ્રશ્નકર્તા : વિચાર ઉદયકર્મને આધીન તો ફૂટતાં નથી ને ?

દાદાશ્રી : પણ આપણો નિશ્ચય હોય તો સામાયિક કરવું. ના નિશ્ચય હોય, મહીં પ્રકૃતિને અનુકૂળ ના આવતું હોય, તો નહીં કરવું.

બાકી વિચાર એ ઉદયકર્મને આધીન થાય છે. 'તે આપણે જોવું,' એ આપણા પુરુષાર્થની વાત છે. વિચારો જોઈએ તો, એ ઉદયકર્મ પૂરું થઈ ગયું ત્યાં. જોઈએ એટલે ખલાસ ! એમાં પરિણમીએ એટલે ઉદયકર્મ શરુ થઈ ગયું !

ધ્યેય પ્રમાણે હાંકો...

હજુ નાની બાબતમાં, એક નક્કી કર્યું કે મનનું નથી માનવું એટલે કામનું હોય એટલું માનવું ને ના કામનું હોય એ નહીં. ગાડું આપણા ધાર્યા રસ્તે જતું હોય તો આપણે ચાલવા દેવું. અને પછી આમ ફરતું હોય તો આપણે ધ્યેય પ્રમાણે ચલાવવું. દરેક બાબતમાં એવું કરવાનું હોય. આ તો કહેશે, એ આ બાજુ દોડે છે. હવે હું શું કરું ? હવે એ ગાડાંવાળાને કોઈ ઘરમાં પેસવા દે ?

પ્રશ્નકર્તા : ના. પણ મહીં ગમતી હોય એ વસ્તુ કરવાની નહીં ?

દાદાશ્રી : કોને ગમતું હોય એ કરવાનું ? આ હું નાસ્તો નથી કરતો. પણ ના ગમતું રાખવાનું એને.

પ્રશ્નકર્તા : અમે તો સવારે ઊઠીને તમારી પાસે આવવાનું એવું રાખીએ. બીજો કોઈ નિશ્ચય નહીં. અમુક બાબતોમાં મન કહે એમ માનવું. વ્યવહાર જે માન્ય હોય એમ.

દાદાશ્રી : આપણા કહ્યા પ્રમાણે ચાલવું. આપણે જરૂર હોય, આપણો ધ્યેય હોય, એ પ્રમાણે ચાલવું. આપણે બોરસદ જવા નીકળ્યા, પછી અડધો માઈલ ચાલ્યા, પછી મન કહેશે, 'આજે રહેવા દોને !' એટલે પાછો ફરે આ તો. તો ત્યાં પાછું ના ફરવું. લોકોય શું કહે ? અક્કલ વગરનાં છો કે શું ? જઈને પાછા આવ્યા. તમારું ઠેકાણું નહીં કે શું ? એવું કહે કે ના કહે લોકો ?

મોક્ષે જવાનો નિશ્ચય ખરો કે તારો ? એમાં કશું આડું આવે તો ? મન મહીં બૂમાબૂમ કરે તો ?

પ્રશ્નકર્તા : તોય નિશ્ચય ના ડગે.

દાદાશ્રી : એનું નામ માણસ કહેવાય. આમને કુરકુરિયાંને શું કરવાનાં બધાં ને ? તને આ બધી વાતો સમજાય ?

પ્રશ્નકર્તા : થોડું થોડું સમજાય છે. મને તો એવું જ લાગે છે કે મારો નિશ્ચય છે.

દાદાશ્રી : શાનો નિશ્ચય તે ? મનના કહ્યા પ્રમાણે ચાલે છે તે ! નિશ્ચયવાળાને આવું મન હોતું હશે ? મન હોય પણ હેલ્પીંગ હોય, ફક્ત પોતાને જરૂરિયાત પૂરતું જ. જેમ બળદ હોય, તે પોતાના ધણીના કહ્યા પ્રમાણે ચાલે ને ! પણ આપણે આમ જવું હોય ને એ આમ જતા હોય તો ?

છો ને બૂમો પાડે

પ્રશ્નકર્તા : મનને ઈન્ટરેસ્ટ ના પડે, તો એ બૂમો તો પાડેને ?

દાદાશ્રી : છોને બૂમો પાડે તે ! બધાંયને એવું બૂમો પાડે. મન તો બૂમો પાડે. એ તો ટાઈમ થાય એટલે બૂમો પાડે. બૂમો પાડે, તેથી શું કશું દાવા માંડવાના છે ? ઘડીવાર પછી પાછું કશુંય નહીં, એની મુદત પૂરી થાય એટલે. પછી આખો દહાડો બૂમ ના પાડે. જો મહીં તું ફસાયો તો ફસાયો. નહીં તો ના ફસાયો તો પછી કશુંય નહીં. તું સ્ટ્રોંગ રહે ને !

પ્રશ્નકર્તા : કેટલીક વખત સ્ટ્રોંગ રહેવાય.

દાદાશ્રી : તારું મન તો શું કહેશે, 'આ ભણતરેય પૂરું નથી કરવું.' એવું કહે તો એવું કરવું ?

પ્રશ્નકર્તા : દાદા કહે એવું કરું.

દાદાશ્રી : અમે કંઈ તારું અહિત કરીએ ? તમે તમારી જાતનું અહિત કરો પણ અમારાથી થાય નહીં ને ? અમારા ટચમાં આવ્યા એટલે તમારું હિત જ કરવા માટે અમે બધી દવા આપી ચૂકીએ. છતાંય મન ના સુધરે, તો પછી એ એનો હિસાબ. બધા પ્રકારની દવાઓ આપીએ અને દવાઓ તો બધું મટી જાય એવી આપીએ. છતાંય પોતે જો આડો હોય તો પીવે જ નહીં ને !

પ્રશ્નકર્તા : નાક દબાવીને રેડી દેજો.

દાદાશ્રી : નાક કોણ દબાવે ? આ કંઈ નાક દબાવવાથી નથી થાય એવું.

તું કહેતો ન હતો કે મને સ્કૂલમાં જવાનું નથી ગમતું. નિશ્ચય તો હોવો જોઈએ ને કે મારે સ્કૂલ પૂરી કરવી છે. પછી આમ કરવું છે, તેમ કરવું છે. પછી બધાંની જોડે કાયમ સંગમાં રહેવું છે. બ્રહ્મચર્ય પાળવું છે. એવી આપણી યોજના હોય. આ તો વગર યોજનાએ જીવન જીવવું, એનો શો અર્થ ?

પ્રશ્નકર્તા : કૉલેજમાં જવાનું તો, મને પણ નથી ગમતું.

દાદાશ્રી : કૉલેજમાં જવું જ પડે ને ! બધાંના મનનું સમાધાન કરવું જ જોઈએ ને ? ફાધર-મધર, એમના મનનું સમાધાન કરીને મોક્ષે જવાનું. નહીં તો તું શી રીતે મોક્ષે જઉં ? એમ ઘરમાંથી બળવો કરીને નાસી ગયા એટલે થઈ ગયું ?! તો કંઈ મોક્ષ થઈ જાય ? એટલે તરછોડ ના વાગવી જોઈએ.

પ્રશ્નકર્તા : આ બ્રહ્મચર્યની બાબતમાં કર્મનો સિદ્ધાંત એવો ખરો ?

દાદાશ્રી : બ્રહ્મચર્ય એકલું તમે નભાવી શકો. આ કોઈએ નક્કી કર્યું હોય કે નથી પૈણવું, તો નભાવી શકો. આપણું જ્ઞાન એવું છે, તો નભાવી શકાય ! બીજાં કર્મો છોડે જ નહીં ને ?

પ્રશ્નકર્તા : અમને આ લગ્નવાળું કર્મ પાછળ ના પડે ?

દાદાશ્રી : બહુ ચીકણું હોય તો પાછળ પડે. અને તે ચીકણું હોય તો આપણને પહેલેથી ખબર પડે. એની ગંધ આવી જાય. પણ એ તો જ્ઞાનથી રાગે પડી જાય. આપણું આ જ્ઞાન એવું છે કે એ કર્મને પતાવી શકે. પણ આ બીજાં કર્મો તો ના પતે ને !

આ તો પેલા નાનાં નાનાં છોકરાઓએ નક્કી કર્યું છે ને કે 'અમારે પૈણવું નથી.' એનાં જેવી વાતો. કેટલુંક સમજ્યા વગર હાંકયે રાખે. નહીં પૈણો તેનો વાંધો નથી. 'વ્યવસ્થિત'માં હોય અને ના પૈણે તો અમને વાંધો નથી. પણ 'વ્યવસ્થિત'માં ના હોય અને પાછળ મોટી ઉંમરે બૂમાબૂમ કરે કે હું પૈણ્યા વગર રહી ગયો, તો કોણ કન્યા આપે ? પેલો છે તે બ્રહ્મચર્ય પાળી શકે. કારણ કે એ મનનું માનતો જ નથી. બિલકુલેય નહીં ને ! મનનું કશુંય માનવું ના જોઈએ. આપણો અભિપ્રાય જ માનવાનો ને મનનું થોડુંક માનીએ એટલે બીજી વખત ચઢી બેસે પછી તો.

પ્રશ્નકર્તા : મન બતાવે કે સત્સંગમાં બેસવું છે તો ?

દાદાશ્રી : એ આપણને અભિપ્રાય રહ્યા જ કરતો હોય તો કરવું. આપણા અભિપ્રાયમાં હોય તો કરવું. અભિપ્રાય ના હોય તો નહીં.

પ્રશ્નકર્તા : મારું મન આવું બધું બતાવે કે સત્સંગમાં બેસવું છે, દાદા પાસે જવું છે.

દાદાશ્રી : મારું કહેવાનું કે આપણા અભિપ્રાય પ્રમાણે જો મન થતું હોય તો આપણને એક્સેપ્ટ છે.

પ્રશ્નકર્તા : મારે એ તો છે જ અંદર કે જ્ઞાની પુરુષના સત્સંગમાં જ પડી રહેવું છે.

દાદાશ્રી : એ બધું ખરું. એ અભિપ્રાયવાળું મન થઈ જાય તો સારું, પણ મન જ્યારે સામું પડશે, તે ઘડીએ તને ડુબાડી દેશે.

ન ચાલે વેવરીંગ માઈન્ડ આમાં...

આપણું આજનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાનું હોય અને ગયા વખતનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાની હા પાડે. છ મહિના પછી પાછું નવી જ જાતનું બોલે, 'પૈણવું જોઈએ.' એવું, મનની સ્થિતિ એક ના હોય કોઈ દહાડોય, ડામાડોળ હોય, વિરોધાભાસવાળી હોય.

પ્રશ્નકર્તા : છ મહિના પછી મન પૈણવાનું બતાવે, જુદું જુદું બતાવે. તો અમુક સમય આવો જ્ઞાનમાં જાય તો પછી મન એકધારું બતાવતું થઈ જાય ને ? પછી આડુંઅવળું બતાવતું બંધ ના થઈ જાય ?

દાદાશ્રી : ના, એવું ના થાય, ઘૈડો થાય તોય પૈણવાનું કહે ને ! પોતે મનને કહેય ખરો કે 'આ ઉંમર થઈ, છાનો બેસ !' એટલે મનનું ઠેકાણું નથી. એમ સમજીને મનમાં ભળવાનું જ નહીં. આપણા અભિપ્રાયને માફક હોય એટલું મન એક્સેપ્ટેડ.

જ્યાં સિદ્ધાંત છે બ્રહ્મચર્યનો...

પ્રશ્નકર્તા : આમાં આપણે સિદ્ધાંત કયો કહેવો ?

દાદાશ્રી : આપણે જે નક્કી કર્યું કે ભાઈ, આપણે બ્રહ્મચર્ય પાળવું છે. એટલે પછી મનનું સાંભળવું જોઈએ ?

પ્રશ્નકર્તા : પછી એ બાબતમાં નથી જ સાંભળવું.

દાદાશ્રી : નથી જ સાંભળવું. એ તો બહુ ડહાપણની વાત કરે છે. પણ છ મહિના જો એવું ને એવું નીકળે તો તું શું કરે ? છેદ જ ના મૂકે ત્યાં. હવે એ જ્યારે છેદ એવા મૂકે ત્યારે દેહેય છેડો નહીં મૂકે. દેહેય એની તરફ વળી જશે. એટલે બધાં એક બાજુ થઈ જશે. તે તને ફેંકી દેશે. એટલે કહી જ દેવાનું, આટલી બાબત અમારા કાયદાની બહાર તારે સ્હેજ પણ કશું કરવું નહીં.

પ્રશ્નકર્તા : તો પછી ત્યાં સ્ટેપ કેવી રીતે માંડવું ?

દાદાશ્રી : એટલે સ્ટ્રોંગ રહેજો. હું કહું છું કે આવું નીકળે તો તમે નાનામાં નાની બાબત માટે પણ સ્ટ્રોંગ રહેજો. સ્હેજ પણ ગળી જશો તો એ તમને ફેંકી દેશે, એટલે એને કહી દેવાનું કે આટલી બાબતમાં તારે અમારા કાયદાની બહાર સ્હેજ પણ જુદું ચાલવું નહીં. નાનામાં નાની બાબતમાં જાગૃતિ રાખો. નહીં તો પછી એ લપટું પડી જાય.

પ્રશ્નકર્તા : પછી બીજા સિદ્ધાંત આપણા ?

દાદાશ્રી : આટલું કરું તો બહુ થઈ ગયું ! જો પાછો બીજાનું પૂછ પૂછ કરે છે ! બીજું પછી ચલાવી લેવાય. તને કારેલાનું શાક ભાવતું હોય ને મન કહેશે, 'વધારે ખાવ'. ને ધ્યેયને નુકસાન ન કરતું હોય ને થોડું વધારે ખાધું હોય તો ચલાવી લઈએ ! એવું નથી કહ્યું તમને ?

પ્રશ્નકર્તા : હા, બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ આપણો ઈન્ડીવિજ્યુઅલ (અંગત) થયો. પણ જ્યારે બે વ્યક્તિઓનો વ્યવહાર ઊભો થાય ત્યારે મન બધું બતાડે અને જ્ઞાને કરીને જોવા જાય તો આખું જ ઓન ધી સ્પોટ ઊડી જાય છે બધું. પણ વ્યવહાર પૂરો કરવો પડે એવું છે, જવાબદારી છે અને એનાં રીઝલ્ટ્સ (પરિણામ) બીજાને સ્પર્શ કરતાં હોય. ત્યાં મન બતાડે તો શું કરવું ?

દાદાશ્રી : આપણો મુખ્ય સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બ્રહ્મચર્ય પાળવું છે, એ સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બીજું બધું તો પોતાનો વ્યવહાર સાચવવા થોડું ઘણું કરવું પડે. તું ત્યાં ના સૂઈ જઈશ. અહીં ઘેર સૂઈ જજે. ત્યાં એવું તેવું બધું કરીએ આપણે. પણ બીજું બધું તો, બ્રહ્મચર્ય પાળવું ને અબ્રહ્મચર્યનો સોદો કરવો, એ બે પોષાય નહીં. એનાં કરતાં પૈણી નાખજો. દહીંમાં ને દૂધમાં બેઉમાં રહેવાય નહીં. પછી ભગવાન આવે તોય 'નહીં માનું' એવું કહી દેવું. બીજું બધું ચલાવી લઈશું. જો તમારે સિદ્ધાંત પાળવો હોય તો.

પ્રશ્નકર્તા : મન ફરી વળે, દેહ ફરી વળે, એવી પરિસ્થિતિ ઊભી ના થાય, તે માટે એના સ્ટાર્ટીંગ પોઈન્ટમાં (શરૂના તબક્કામાં) ચેતીને ચાલવાનું ?

દાદાશ્રી : ચોગરદમ બધાં જ સંજોગો ફરી વળે. દેહેય પુષ્ટિ બહુ બતાવે. મન પણ પુષ્ટિ બતાવે. બુદ્ધિ એને હેલ્પ કરે. તમને એકલાને ફેંકી દે.

પ્રશ્નકર્તા : મનનું સાંભળવા માંડ્યું, ત્યાંથી પોતાનું ચલણ જ ગયું ને ?

દાદાશ્રી : મનનું સંભળાય જ નહીં. પોતે આત્મા-ચેતન, મન છે તે નિશ્ચેતન-ચેતન, જેને બિલકુલ ચેતન છે નહીં. કહેવા માત્રનું, વ્યવહાર ખાતર જ ચેતન કહેવાય છે.

એ તો ત્રણ દહાડા મન પાછળ પડ્યું હોય તો તમે તે ઘડીએ 'ચાલ, હેંડ ત્યારે' કહો ને ! તારે કોઈ દહાડો મન પાછળ પડેલું ? એવું કરવું પડેલું કશું ? પહેલું ના કહું, ના કહું, પછી મન બહુ પાછળ પડ પડ કરે એટલે કરે તું ?

પ્રશ્નકર્તા : હા, બનેલું.

દાદાશ્રી : એનું શું કારણ ? મન બહુ 'કહે કહે' કરે એટલે પછી તે રૂપ થઈ જાય. એટલે ચેતતા રહેજો. તમારા અભિપ્રાયને મન તમારું ખાઈ ના જવું જોઈએ. અભિપ્રાયમાં રહી અને જે જે કામ કરતું હોય, તે આપણને એક્સેપ્ટ છે. તમારા સિદ્ધાંતને તોડતું ન જ હોવું જોઈએ. કારણ કે 'તમે' સ્વતંત્ર થયા છો, જ્ઞાન લઈને. પહેલાં તો મનના આધીન જ હતા 'તમે'. 'મનકા ચલતા તન ચલે !' જ હતું ને !

પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ બહુ મોટી વસ્તુ અને અનિવાર્ય વસ્તુ છે.

દાદાશ્રી : એટલી જ વસ્તુ ને ! ત્યારે મોટામાં મોટી વસ્તુ એ છે ને ! એ પુરુષાર્થ કરવા માટેની વસ્તુ છે.

ચાલો, સિદ્ધાંત પ્રમાણે

અત્યારે તો તમારું મન તમને 'પૈણવા જેવું છે નહીં, પૈણવામાં બહુ દુઃખ છે' એવું હેલ્પ કરે. આ સિદ્ધાંત બતાડનારું તમારું મન પહેલું. આ જ્ઞાનથી તમે સિદ્ધાંત નથી નક્કી કર્યો, આ તમારા મનથી નક્કી કર્યો છે. 'મને' તમને સિદ્ધાંત બતાવ્યો કે 'આમ કરો.'

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવાનો સિદ્ધાંત મન બતાડે છે, એમ આ વિષય સંબંધીનું પણ મન જ બતાડે ?

દાદાશ્રી : એનો ટાઈમ આવશે ત્યારે પછી છ-છ મહિના, બાર-બાર મહિના સુધી એ બતાવ બતાવ કરશે.

પ્રશ્નકર્તા : એ પણ મન જ ?

દાદાશ્રી : હા. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધાં ભેગાં થાય ત્યારે. હું આ બધાંને કહું છું કે મનના કહ્યા પ્રમાણે શું ચાલો છો ? મન મારી નાખશે.

તમે જે બ્રહ્મચર્યનો નિયમ લીધો, તેય મનના કહ્યા પ્રમાણે જ કરેલું છે આ. આ છે તે જ્ઞાનથી સિદ્ધાંત નક્કી નથી કર્યો. 'મને' એમ કહ્યું કે, આમાં શું મઝા છે ? આ લોકો પરણીને દુઃખી છે. આમ છે, તેમ છે, એમ 'મને' જે દલીલ કરી, એ દલીલ તમે એક્સેપ્ટ કરીને તમે સ્વીકાર કર્યો.

પ્રશ્નકર્તા : તો જ્ઞાને કરીને આ સિદ્ધાંત પકડાયો નથી હજુ ?

દાદાશ્રી : જ્ઞાને કરીને શાનો પકડાયો ? આ તો હજુ મનની દલીલ ઉપર ચાલ્યું. હવે જ્ઞાન તમને મળ્યું છે, તે હવે જ્ઞાનથી એ દલીલને તોડી નાખો. એનું ચલણ જ બંધ કરી દો. કારણ કે દુનિયામાં આત્મજ્ઞાન એકલું જ એવું છે કે જે મનને વશ કરી શકે. મનને દબાવી રાખવાનું નહીં. મનને વશ કરવાનું છે. વશ એટલે જીતવાનું. આપણે બેઉ કચ કચ કરીએ, તેમાં જીતે કોણ ? તને સમજાવીને હું જીતું. તો તું પછી ત્રાસ ના આપું ને ? અને સમજાવ્યા વગર જીતું તો ?

પ્રશ્નકર્તા : સમાધાન થાય તો મન કશું ના બોલે.

દાદાશ્રી : હા. સમાધાની વલણ જોઈએ. તમને આ બ્રહ્મચર્યનું કોણે શીખવાડેલું ? બ્રહ્મચર્યને આ લોકો શું સમજે ? આ તો એમ સમજી ગયેલો કે 'આ ઘરમાં ઝઘડા છે, તેથી પૈણવામાં મઝા નથી. હવે એકલા પડી રહ્યા હોઈએ તો સારું.'

પ્રશ્નકર્તા : એવું ખરું કે મન જેટલું વૈરાગ્ય બતાડે છે, એટલું પાછું એક વખત આવું પણ બતાડશે ?

દાદાશ્રી : મનનો સ્વભાવ શું ? એ વિરોધાભાસી, તે બન્ને તત્વ દેખાડે. માટે આ ચેતવાનું કહું છું.

પ્રશ્નકર્તા : મન એક વખત બ્રહ્મચર્યનું, વૈરાગ્યનું બતાડશે એવું રાગ પણ બતાડે એવું ખરું ?

દાદાશ્રી : હા. ચોક્કસ ને ! પછી એ રાગનું દેખાડે.

પ્રશ્નકર્તા : એવો ફોર્સ હોય ?

દાદાશ્રી : એથી વધારે હોય અને ઓછોય હોય. એનો કાંઈ નિયમ નથી.

સિદ્ધાંત શું કહે છે ? ગરમ નાસ્તો ખાવ. ટાઢો ના લેશો. ને છતાંય રોજ બે મઠિયાં ખવડાવવાના. એ મન કહે કે, 'પાંચેક મઠિયાં ખાઈએ.' ત્યારે અમે કહીએ, 'ફરી, હમણે નહીં મળે. આ દિવાળી પછી.' એ હઉ કહું એટલું.

પ્રશ્નકર્તા : એટલે પાર્શીયલ (અંશતઃ) સિદ્ધાંતનું રાખ્યું ને પાર્શીયલ મનનું રાખ્યું. ત્યારે એનું સમાધાન થયું ને ?

દાદાશ્રી : ના. એવું નહીં. એ સિદ્ધાંતને નુકસાન ના કરતું હોય તે બાબતમાં, એને જરા નોબીલિટી (વિશાળતા) જોઈએ છે, ત્યાં નોબલ રહેવું જોઈએ આપણે.

તમને શું લાગે છે આમાં ? તમારો નિશ્ચય મનથી કરેલો કે સમજણપૂર્વકનો ?

પ્રશ્નકર્તા : મનથી જ કરેલો.

દાદાશ્રી : જ્ઞાન છે એટલે પહોંચી વળાય. નહીં તો હું તમને કહું જ નહીં ને ! કશુંય ના બોલું. જ્ઞાન ના હોય તો હું તમને આ સિદ્ધાંતની વાત કરું જ નહીં. ના પહોંચી શકે માણસ.

નિશ્ચયો, જ્ઞાન અને મનના

પ્રશ્નકર્તા : મનના આધારે થયેલો નિશ્ચય અને જ્ઞાને કરીને થયેલો નિશ્ચય, એનું ડિમાર્કેશન (ભેદાંકન) કેવી રીતે હોય છે ?

દાદાશ્રી : જ્ઞાને કરીને કરેલા નિશ્ચયમાં તો બહુ સુંદર હોય. એ તો બહુ જુદી વસ્તુ છે. મન જોડે કેમ વર્તવું, એ તો બધી સમજણ હોય જ. એને પૂછવા ના જવું પડે કે મારે શું કરવું ?! જ્ઞાને કરીને નિશ્ચય, તે તો વાત જુદી જ ને ! આ તો તમારા મનથી કરેલું છે ને ?! એટલે તમારે જાણવું જોઈએ કે કો'ક દહાડો ચઢી બેસશે. પાછું મન જ ચઢી બેસે ! જે 'મને' આ ટ્રેનમાં બેસાડયા તે જ 'મન' ટ્રેનમાંથી પાડી નાખે. એટલે જ્ઞાને કરીને બેઠા હોય તો ના પાડી નાખે.

પ્રશ્નકર્તા : મનથી અત્યાર સુધી થયેલો નિશ્ચય, એ જ્ઞાને કરીને થઈ જવા માટે શું કરવું ?

દાદાશ્રી : હવે જ્ઞાને કરીને તમારે એને ફીટ કરી દેવાનું એટલે બ્રહ્મચર્યની દોરી આપણા હાથમાં આવી જવી જોઈએ. પછી મન ગમે તેટલું બૂમ પાડે તોય તેનું કશું ચાલે નહીં. બે-પાંચ વર્ષ સુધી તું સામું બોલે અને પેલો કહે, 'પૈણ, પૈણ.' અને બધા સંજોગો વિપરીત થાય તોય આપણે ખસીએ નહીં. કારણ કે આત્મા જુદો છે બધાથી. બધા સંયોગી, વિયોગી સ્વભાવનાં છે.

પ્રશ્નકર્તા : જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનું મન સામું થાય જ નહીં ને આવું ?

દાદાશ્રી : ના. ના થાય. જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનાં ફાઉન્ડેશન (પાયા) જ જુદી જાતનાં ને ! એનાં બધા આર.સી.સી.ના ફાઉન્ડેશન હોય. અને આ તો રોડાંનો, મહીં ક્રોંક્રીટ કરેલું. પછી ફાટ જ પડી જાય ને ?

આપ્તપુત્રોની પાત્રતા

પ્રશ્નકર્તા : આપની દ્ષ્ટિમાં કેવું હોય ? આ લોકો (આપ્તપુત્રો) કેવા તૈયાર થવા જોઈએ ?

દાદાશ્રી : સેફસાઈડ ! બીજું જ્ઞાન ના હોય, તેનો વાંધો નહીં. બીજા લોકોને ઉપદેશ આપવાનો, એવું તેવું ના હોય તેનો વાંધો નહીં. એમના જે સિદ્ધાંતને સેફસાઈડ રીતે રહી શકે.

પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત ?

દાદાશ્રી : બ્રહ્મચર્ય એકલું નહીં, બધી રીતનો સિદ્ધાંત. કષાય કોઈની જોડે ના થાય. કોઈની જોડે કષાય કરવો એ ગુનો છે. જ્ઞાન મળ્યા પછી કષાય કરવો, એ શોભે જ નહીં ને ! બ્રહ્મચર્ય અને કષાયનો અભાવ.

પ્રશ્નકર્તા : સેફસાઈડની બાઉન્ડ્રી કઈ ?

દાદાશ્રી : સામેની વ્યક્તિ આપણને જુદાં માને ને આપણે એને એક માનીએ. એ આપણને જુદો માને, કારણ કે એે બુદ્ધિના આધીન છે એટલે. જુદાં માને ને ? આપણને બુદ્ધિ ના હોવી જોઈએ. એટલે એકતા લાગે, અભેદતા !

પ્રશ્નકર્તા : સામો ભેદ પાડ પાડ કરે ત્યારે ?

દાદાશ્રી : એ સારું ઉલ્ટું. એ તો એને બુદ્ધિ છે, એટલે શું કરે ? એની પાસે જે હથિયાર હોય એ જ વાપરે ને ?!

પ્રશ્નકર્તા : તો આપણે કઈ રીતે અભેદતા રાખવી એની જોડે ?

દાદાશ્રી : પણ એ કરે છે, એ તો પરવશ થઈને કરે છે ને બિચારો ! અને એમાં એ દોષિત શું છે ? એ તો કરુણા ખાવા જેવાં.

પ્રશ્નકર્તા : એના પર થોડીવાર કરુણા રહે. પછી એમ થાય કે, 'આના પર તો કરુણા રાખવા જેવીય નથી.' એવું થાય.

દાદાશ્રી : ઓહો ! એવું તો બોલાય જ નહીં. આવો અભિપ્રાય તો બહુ ડાઉન લઈ જાય આપણને ! આવું ના બોલાય.

પ્રશ્નકર્તા : કરુણા રાખવા જેવી નથી, એ ડબલ અહંકાર કહેવાય !

દાદાશ્રી : અહંકારનો સવાલ નથી. 'કરુણા રાખવા જેવી નથી' એવું ના બોલાય. એ આપણને એમ નથી કહેતો કે તમે મારી પર કરુણા રાખો. એ તો ઉલ્ટાં પાછા કહે 'ઓ હોહો ! મોટા કરુણા રાખવાવાળા આવ્યા !' એટલે બધું ખોટું.

પ્રશ્નકર્તા : કરુણા રાખવાનો પ્રયત્ન જ ના હોય ને ?

દાદાશ્રી : કરુણા એ તો સહજ સ્વભાવ છે.

પ્રશ્નકર્તા : આ જે પ્રયત્ન કરવા માંડ્યો, એના રીએકશનમાં 'નથી રાખવા જેવું' થયું ને ?

દાદાશ્રી : એ તો ખોટું. એ વાત જ ખોટી ! કરુણા બોલાય જ નહીં આપણાથી. એને અનુકંપા કહેવાય. કરુણા તો બુદ્ધિથી ઉપર જાય ત્યારે કરુણા કહેવાય !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21