ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૧૨]

તિતિક્ષાનાં તપે કેળવો મન-દેહ

ભણો પાઠ તિતિક્ષાના

તિતિક્ષા એટલે શું ?

ઘાસ કે પરાળમાં સૂઈ જવાનું થાય ત્યારે કાંકરા ખૂંચતા હોય, તે ઘડીએ યાદ આવે કે, 'બળ્યું, ઘેર કેટલું સરસ મઝાનું હતું.' તો એ તિતિક્ષા ના કહેવાય. કાંકરા ખૂંચે તે સરસ છે એવું લાગવું જોઈએ. આ તો મેં તમને સૂવા એકલાની જ બાબત કહી, બાકી જ્યારે તેવા સંજોગ બેસે ત્યારે શું કરવું પડે ? એટલે દરેક બાબતમાં આવું હોય. સહન ના થાય એવી સખત ટાઢમાં વગર ઓઢવાને સૂવાનું થયું તો ત્યાં શું કરો ? તમે તો એવી પ્રેક્ટિસ નહીં પાડેલી. મેં તો પહેલાં આવી બહુ પ્રેક્ટિસ કરેલી. પણ હવે તો આ સંજોગ બધા એવા સુંવાળા ભેગા થયા કે મારો ઊલટો તિતિક્ષા ગુણ ઘટી ગયો, નહીં તો મેં તો બધા તિતિક્ષા ગુણ કેળવેલા. આ જૈનોએ બાવીસ પ્રકારના પરિષહ સહન કરવાનું કહ્યું. એટલે આ બધું સમજવાની જરૂર છે. એટલે હવે તમે શરીર માટે તિતિક્ષા ગુણ કેળવો, એટલે આ શરીરને મુશ્કેલીની પ્રેક્ટિસ પડી જાય ! ખોરાકમાં જે મળ્યું તેમાં આશ્ચર્ય ના થાય કે 'આવું ? આ તો શી રીતે ભાવે ?' એવું ટાઢ-તડકો બધી બાબતમાં જોઈએ.

રાત્રે બે વાગે તમને કોઈ ઊઠાવી જાય અને પછી સ્મશાનમાં જઈને તમને મૂકી દે તો તમારી શી દશા થાય ? એક બાજુ ચિતા સળગતી હોય, બીજી બાજુ હાડકાંમાંથી ફોસ્ફરસના ભડકા થતા હોય, તો તે ઘડીએ તમને મહીં શું થાય ?

પ્રશ્નકર્તા : એવું વિચારેલું જ નહીં ને !

દાદાશ્રી : એવું વિચાર્યું જ નથી ?

પ્રશ્નકર્તા : અમારે વસ્તુની સમજ નથી એટલે અનુભવ થતો નથી. અનુભવ નિરંતર રહેતો નથી એવો ?

દાદાશ્રી : આ તમને તો સમજણ જ નહીં ને ! આ તો તમને મહીં ઠંડક એની મેળે રહે ત્યાં સુધી જ બરાબર રહે, પણ એ તો ઊડી જતાં વાર જ નહીં લાગે ને ! આ છોકરાઓને કશી સમજણ જ નહીં ને ! એમને કોઈ કહે કે, 'બાબા, લે આ બિસ્કિટ', તો પેલો બિસ્કિટ આપીને હીરો પડાવી લે. એટલે આમની સમજણ કેવી ? વસ્તુની કિંમત જ નહીં ને ! પણ આ છોકરાઓ પુણ્યશાળી ખરાં, પણ બાળક કહેવાય. આ બધા વ્રત લેનારા બધાય બાળક કહેવાય. સહેજ દુઃખ આવે તો આ બધુંય ભેલાડી દે ! આ તો ગમે તેવા દુઃખને ગણકારે નહીં ત્યારે આ વ્રત રહે. મારી આજ્ઞામાં ચોખ્ખો રહે ત્યારે આ વ્રત રહે !

પ્રશ્નકર્તા : આપ તિતિક્ષા ગુણ કહેતા હતા કે ગમે તે અવસ્થામાં દુઃખ સહન કરવાનું, એવું ?

દાદાશ્રી : આ લોકોએ કશુંય દુઃખ જોયું જ નથી. દુઃખ જોવાનું હોય, તે પહેલાં તો આ લોકોનો આત્મા ઊડી જાય ! છતાં પણ આમ કરતાં કરતાં આ છોકરાઓ પોષાઈ જાય ને દસ-વીસ વર્ષ થઈ જાય તો પછી એને ગેડ બેસી જાય બધી ને મૂળિયાં નાખી દે. બાકી, આ તો બધા પોમલા માણસો કહેવાય.

પ્રશ્નકર્તા : આમ તો બધા સ્ટ્રોંગ લાગે છે.

દાદાશ્રી : કોણ આ ? ના, એ તો એવું લાગે તમને. પણ આ તો બધા પોમલા ! આ તો તરત બધુંય છોડી દે. સ્ટ્રોંગ તો, ગમે તે થાય, મરવાનો થાય તોય આત્મા મારો ને દાદાની આજ્ઞા છોડું નહીં, એનું નામ સ્ટ્રોંગ કહેવાય. જે આવવું હોય તે આવો, કહીએ ! હવે આ છોકરાઓનું બધાનું ગજું જ શું ? તિતિક્ષા નામનો ગુણ આમનો કેળવાયેલો જ નથી ને ?!

પ્રશ્નકર્તા : આપને પગે ફ્રેકચર થયું હતું, જોન્ડિસ થયો હતો, આવા બધા કષ્ટો સામટાં આવ્યાં, એક જ જગ્યાએ, એક જ પોઝીશનમાં ચાર મહિના બેસી રહેવાનું, તો આ બધું ટેસ્ટ એક્ઝામિનેશન કહેવાય ને ?!

દાદાશ્રી : આ તો કષ્ટ જ ન હતું, આને કષ્ટ ના કહેવાય.

પ્રશ્નકર્તા : તમને ના લાગે.

દાદાશ્રી : ના, બીજાનેય કષ્ટ ના ગણાય. આને કંઈ કષ્ટ ગણાતું હશે ? અરે, કષ્ટ તો તમે જોયાં નથી. આ બ્રહ્મચારીજી પથરા ઉપર ઊભા રહીને તપ કરતા હતા, તે એમને જોયા હોય તો તમને એમ મનમાં થાય કે આવું એક દહાડોય આપણાથી નહીં થાય. મને હઉ થતું ને, કે આ પ્રભુશ્રીના શિષ્ય બ્રહ્મચારીજી આવું કરે તો પ્રભુશ્રી કેટલું કરતા હશે ? અને કૃપાળુદેવ તો વળી કેવુંય કરતા હશે !!! લોક એમના પરથી મચ્છરાં ઊડાડી જાય ને કંઈક ઓઢાડી જાય તો એ પોતે ઓઢવાનું કાઢી નાખે અને નિરાંતે મચ્છરાં કૈડવા દે ! એક આત્મા જ પ્રાપ્ત કરવો છે, એવો ધ્યેય લઈને બેઠેલા. હવે આમને આ પુણ્યૈથી મફતમાં પ્રાપ્ત થઈ ગયું છે, બાકી તિતિક્ષા હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : એ લોકોએ ક્રમિક માર્ગ હતો એટલે ત્યાગ કર્યો હતો. આપણા અક્રમ માર્ગમાં તિતિક્ષા કરવી હોય તો શું કરવાનું ?

દાદાશ્રી : આપણે અહીં ત્યાગ કરવાની જરૂર નથી. આત્મા પ્રાપ્ત કરેલાને એવા સંજોગો કો'ક વખત ઉત્પન્ન થાય છે. તે વખતે જો એ સ્ટ્રોંગ રહ્યો તો રહ્યો, નહીં તો ફફડી ઉઠે. માટે પહેલેથી તૈયારી રાખવી જોઈએ.

પ્રશ્નકર્તા : આ છોકરાઓ અત્યારે જે સુખના સરાઉન્ડીંગમાં જીવે છે, એ સુખના પ્રમાણમાં એમને કોઈ ઉઠાવીને સ્મશાનમાં મૂકી આવે તો તે વધારે પડતું દુઃખ કહેવાય ને ?

દાદાશ્રી : કેમ સ્મશાનમાં ? ત્યાં શું દુઃખ છે ?

પ્રશ્નકર્તા : એ બરાબર છે, પણ અમાસની રાત્રે અંધારામાં કોઈ દહાડો ગયો ના હોય અને ત્યાં પેલું ઘુવડ પક્ષી બોલે તો...

દાદાશ્રી : હા, ઘુવડ તો શું ? પણ એક કાગડો ઊડે તોય ફટાકા મારે. એટલે આ લોકોએ દુઃખ સમતાપૂર્વક સહન કરવું જોઈએ. જે કંઈ પણ કરો તે મને પૂછીને કરજો. આ લોકોને હજુ તો આટલુંય દુઃખ સહન કરવાની શક્તિ નથી. પોલીસવાળો મારે ને કહે કે, 'તમે ફરી જાવ છો કે નથી ફરી જતા ?' તો આ લોકો ફરી જાય, આત્મા ને બધુંય છોડી દે. જ્યારે પેલા ક્રમિક માર્ગવાળાને ઘાણીએ પીલે તોય કોઈ આત્મા ના છોડે. તિતિક્ષા એ જૈનોનો શબ્દ નથી, એ વેદાંતીઓનો શબ્દ છે.

કેળવાય મનોબળ, તિતિક્ષાથી

પ્રશ્નકર્તા : આ તિતિક્ષાને અમારે કેળવવી પડશે ને ?

દાદાશ્રી : હવે એ ગુણ ડેવલપ કરવા જાય ત્યારે આત્મા ખોઈ નાખે. માટે તમારે જવાનો વખત આવે તોય આત્માને ના છોડશો, એટલું એક મહીં રાખજો. દેહ છૂટી જશે, તો દેહ તો ફરી મળશે, પણ આત્મા ફરી મળવાનો નથી.

પ્રશ્નકર્તા : જેમ જેમ કાળ બદલાતો જાય તેમ તેમ દુઃખ સહન કરવાની શક્તિ પણ ઘટતી જાય ને ?

દાદાશ્રી : એવું નથી. દુઃખ તો કાળને અડે નહીં. એ તો મનોબળ જોઈએ. અમને જોવાથી બહુ મનોબળ ઉત્પન્ન થાય ને મનોબળ હોય તો જ કામ ચાલે. ગમે તેવાં દુઃખ હોય તોય મનોબળવાળો માણસ તેને પસાર કરી નાખે. 'હવે, મારું શું થશે?' એવું એ ના બોલે.

સ્મશાનમાં જાય ને ત્યાં ભડકો દેખે તો આ લોક ફફડી જાય. તેમાં ત્યાં કંઈ ખઈ જવાનો છે કોઈ ? અલ્યા, કંઈ આત્માને ખઈ જવાનો છે ? ખઈ જશે તો દેહને ખઈ જશે. ત્યાં સ્મશાનમાં કશું નથી. ખાલી આપણી મનની નબળાઈઓ છે. હા, બે દહાડા પ્રેકટીસ લેવી પડે. બાકી આમની આવી તેવી પરીક્ષા ના કરાય. તે પછી તાવ ઊતરે જ નહીં. ડૉકટરોથીય ના ઊતરે. આને ભડકનો તાવ કહેવાય. ભડકનો તાવ તો અમે બહુ વિધિઓ કરીએ ત્યારે ઊતરે. એના કરતાં સૂઈ રહેજોને ઘેર છાનામાના, દેખ લેંગે આગળ.

આ વેદાંતીઓએ તિતિક્ષા ગુણ કેળવવાનું કહેલું, જૈનોએ બાવીસ પરિષહ સહન કરવાના કહેલા. ભૂખ ઉત્પન્ન થાય, તરસ ઉત્પન્ન થાય, મહીં કકળે એ રીતે ઉત્પન્ન થાય, એ બધું સમતાભાવે સહન કરવાનું શીખો. તરસ તો આ લોકોએ જોયેલી જ નહીં. જંગલમાં ગયા હોઈએ ને પાણી ના મળે, એનું નામ તરસ. એ ભૂખ-તરસ અમે જોયેલી. કોન્ટ્રાક્ટનાં કામમાં જંગલોમાં ને બધે ગયેલા ત્યારે જોયેલી. પછી હિમ પડે એવી ટાઢ સહન ના થાય, સતત તડકો પડે, આ શહેરમાં પડે છે એવો નહીં. બોમ્બ પડતા હોય ત્યારે મનોબળની ખબર પડે ! મનોબળવાળાને જુઓ તો મનોબળ ઉત્પન્ન થાય. પણ જગતે, જીવે મનોબળ જોયું નથી ! અમારામાં તો ગજબનું મનોબળ હોય. પણ તે જો જો કરે ને, એ જેટલું જુએ એટલી શક્તિ એનામાં આવે. હું તે રૂપ થઈ ગયો છું અને તમે ધીમે ધીમે તે રૂપ થઈ રહ્યા છો. તે એક દહાડો તે રૂપ થઈ જશો. પણ તમને રસ્તો ટૂંકો મળી ગયો છે અને મારે તો રસ્તો બહુ લાંબો મળ્યો હતો. હું ત્યાગ ને તિતિક્ષા કરી કરીને આવ્યો છું. તિતિક્ષા તો પાર વગરની કરેલી. એક દહાડો શેતરંજી પર સૂઈ જવાનું, એક દહાડો બે ગોદડાં પર સૂઈ જવાનું. જો શેતરંજી પર ટેવ પડી જાય તો બે ગોદડાંમાં ઊંઘ ના આવે અને ગોદડાંમાં ટેવ પડી જાય તો શેતરંજી પર ઊંઘ ના આવે !

પ્રશ્નકર્તા : અમારે પણ તમારી જેમ ત્યાગ ને તિતિક્ષામાંથી નીકળી જવાનું રહ્યું ?

દાદાશ્રી : નહીં, તમારે એવું કશું રહ્યું નહીં ને ! તમને તો એમ ને એમ 'ફ્રી ઓફ કોસ્ટ' મળ્યું. એટલે તમારે તો ગાડું ચાલ્યા કરે. તમારી પુણ્યૈ તો ભારે ને !

ઉપવાસ-ઊણોદરી માત્ર 'જાગૃતિ' હેતુએ

મેં આખી જિંદગી એકુંય ઉપવાસ નથી કર્યો ! હા, ચોવીયાર કરેલા, બાકી કશું કરેલું નહીં. મારે પિત્તની પ્રકૃતિ, તે એક ઉપવાસ થાય નહીં. આપણે હવે આની જરૂર શી છે તે ? આપણે આત્મા થઈ ગયા !! હવે આ બધું પરાયું, પારકા દેશનું અને ફોરેન ડીપાર્ટમેન્ટમાં આપણે શી ભાંજગડ આટલી બધી ? આ તો જેને બ્રહ્મચર્ય વ્રત લેવાનું છે, તેમને આ ભાંજગડો કરવાની. નહીં તો આપણા 'પાંચ વાક્યો'માં તો બધું આવી જાય છે. આ પાંચ વાક્યો એવાં છે કે એનાથી નિરંતર સંયમ પરિણામ રહે. લોકો જે સંયમ રાખે છે, એ સંયમ જ ના ગણાય. એને વ્યવહાર સંયમ કહેવાય, કે જેને વ્યવહારમાં લોકો દેખી શકે એવો હોય છે ! જ્યારે આપણો તો સાચો સંયમ છે. પણ લોક તમને સંયમ છે એવું ના કહે. કારણ કે તમારે નિશ્ચય સંયમ છે. નિશ્ચય સંયમ એ મોક્ષનું કારણ છે અને વ્યવહાર સંયમ એ સંસારનું કારણ છે, સંસારમાં ઊંચી પુણ્યૈ બંધાવે.

આપણને ઉપવાસની જરૂર નથી, પણ 'આપણું જ્ઞાન' એવું છે કે ઉપવાસમાં બહુ જાગૃતિ રહે. સારો કાળ હોય ને ઉપવાસ હોય તો કેવળજ્ઞાન થઈ જાય !! પણ આ કાળ જ એવો નથી ને !!!

ઉપવાસમાં શું થાય ? આ દેહમાં જે જામી ગયેલો કચરો હોય, તે બળી જાય. ઉપવાસને દહાડે વાણીની બહુ છૂટ ના હોય તો વાણીનો કચરો બળી જાય અને મન તો આખો દહાડો સુંદર પ્રતિક્રમણ કર્યા કરતું હોય, જાતજાતનું કર્યા કરતું હોય એટલે બીજો બધો કચરો પણ બળ્યા જ કરે. એટલે ઉપવાસ બહુ જ કામ લાગે. અઠવાડિયામાં એક દિવસ, રવિવારે ઉપવાસ કરવો. પછી બે દહાડા સાથે ના કરવા, નહીં તો કંઈક રોગ પેસી જાય. ઉપવાસ કરો, તે દહાડે તો બહુ સારો આનંદ થાય ને ?!

પ્રશ્નકર્તા : ઉપવાસ કર્યો હોય, એ રાત્રે જુદી જ જાતનો આનંદ લાગે છે, એનું શું કારણ ?

દાદાશ્રી : બહારનું સુખ ના લે એટલે અંદરનું સુખ ઉત્પન્ન થાય જ. આ બહારનું સુખ લે છે એટલે અંદરનું સુખ બહાર પ્રગટ થતું નથી.

પ્રશ્નકર્તા : આ ખાવામાંથી સુખ જાય, તે પછી બીજા બધામાં ફિક્કું જ લાગે.

દાદાશ્રી : બીજામાં પછી રહ્યું જ શું તે ? બધી જીભની જ ભાંજગડ છે ને ?! જીભની ને આ સ્ત્રી પરિગ્રહ, બે જ ભાંજગડ છે ને ? બીજી કોઈ ભાંજગડ જ નહીં ને ?! કાન તો સાંભળ્યું તોય શું ને ના સાંભળ્યું તોય શું ? આંખે જોવાનું લોકોને બહુ ગમે, પણ તે તમને બહુ રહ્યું નથી. આંખના વિષય રહ્યા નહીં ને ? સિનેમા જોવા નથી જતા ને ?

જ્ઞાનીઓ એ નવાજ્યાં ઊણોદરી તપ

અમે ઊણોદરી તપ ઠેઠ સુધી રાખેલું ! બેઉ ટાઈમ જરૂરિયાત કરતાં ઓછું જ ખાવાનું, કાયમને માટે ! ઊણું જ ખાવાનું એટલે મહીં જાગૃતિ નિરંતર રહે. ઊણોદરી તપ એટલે શું કે રોજ ચાર રોટલી ખાતા હોય તો પછી બે કરી નાખે, એનું નામ ઊણોદરી તપ કહેવાય. એવું છે ને, આત્મા આહારી નથી, પણ આ દેહ છે, પુદ્ગલ છે, એ આહારી છે અને દેહ જો ભેંસ જેવો થઈ જાય, પુદ્ગલશક્તિ જો વધી જાય તો આત્માને નિર્બળ કરી નાખે છે.

પ્રશ્નકર્તા : ઊણોદરી કરવાનું જ્યારે મન બહુ થાય છે ત્યારે જ વધારે ખવાઈ જાય છે !

દાદાશ્રી : ઊણોદરી તો કાયમનું રાખવું જોઈએ. ઊણોદરી વગર તો જ્ઞાન-જાગૃતિ રહે નહીં. આ જે ખોરાક છે, તે પોતે જ દારૂ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, તેનો મહીં દારૂ થાય છે. પછી આખો દહાડો દારૂનો કેફ રહ્યા કરે અને કેફ રહે એટલે જાગૃતિ બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : ઊણોદરી અને બ્રહ્મચર્યને કેટલું કનેક્શન ?

દાદાશ્રી : ઊણોદરીથી તો આપણને જાગૃતિ વધારે રહે. એથી બ્રહ્મચર્ય રહે જ ને !! ઉપવાસ કરવા કરતાં ઊણોદરી સારું, પણ આપણે 'ઊણોદરી રાખવું જોઈએ' એવો ભાવ રાખવો અને ખોરાક બહુ ચાવીને જમવું. પેલા બે લાડવા ખાતા હોય તો તમારે એટલા ટાઈમમાં એક લાડવો ખાવો. એટલે ટાઈમ સરખો જ લે, પણ ખવાય ઓછું. મેં ખાધું એવું રહે અને ઊણોદરીનો લાભ મળે. બહુ ટાઈમ ચાવે તો લાભ બહુ સારો રહે.

પ્રશ્નકર્તા : આ ઊણોદરી કરીએ છીએ, તો જમી લીધા પછી બે- ત્રણ કલાકમાં મહીં ખાવાની ઇચ્છા થયા કરે છે. પછી એવું થાય અંદર કશુંક નાખીએ, જે મળે એ.

દાદાશ્રી : તે એકલો પડે કે ફાકો મારે પછી. એ જ જોવાનું છે ને (!) અહીં ગમે તેટલું પડ્યું હોય તોય પણ એકલો પડે તોય અડે નહીં, એવું હોવું જોઈએ ! ટાઈમે જ ખાવાનું, એ સિવાય બીજું કંઈ પણ વચ્ચે અડવાનું ના હોય. ટાઈમ વગર જે ખાય છે, એનો અર્થ જ નહીં ને ! એ બધું મિનિંગલેસ છે. એનાથી તો જીભ પણ બહેલાય, પછી શું રહ્યું ? નાદારી નીકળે ! અમારે તો બધી વસ્તુ આમ પડી હોય તો પણ અમે અડીએ નહીં, કશું ના અડીએ ! આ તો અડ્યા ને મોઢામાં નાખ્યું એટલે પછી ઓટોમેટિક ચાલુ થઈ જશે, જો અડશો ને તોય ! તમારે તો એટલું નક્કી કરવાનું કે આપણે અડવું નથી, તો ગાડું રાગે ચાલે. નહીં તો પુદ્ગલનો સ્વભાવ એવો છે કે આમ જમવા બેસાડે ને, તો ભાતને જરા મોડું થયું હોય તો લોક દાળમાં હાથ ઘાલે, શાકમાં હાથ ઘાલે ને ખા, ખા કર્યા કરે. જાણે મોટી ઘંટી હોય ને, તેમ મહીં નાખ, નાખ કરે. અલ્યા, ભાત આવતાં સુધી બેસી રહેને છાનોમાનો, પણ બેસાય નહીં ને ! દાળમાં હાથ ઘાલે ને ના હોય તો છેવટે ચટણી જરા જીભે ચોપડ ચોપડ કરશે. મોટા મિલવાળા હઉ ! આ પુદ્ગલનો સ્વભાવ બળ્યો એવો છે ! એમાં આ લોકોનો કંઈ દોષ નથી. હું હઉ દાળમાં હાથ ઘાલ, ઘાલ કરુંને !

પ્રશ્નકર્તા : એટલે આપણે એમાં નક્કી જ કરવાનું એમ ?

દાદાશ્રી : એમાં જો અડ્યા તો પછી એ વધતું જાય. એટલે આપણે નક્કી કરી નાખીએ કે આટલું જ પ્રમાણ આખા દિવસમાં લેવું. તો પછી ગાડું નિયમમાં ચાલે અને વચ્ચેનો આટલો વખત મોઢામાં કશું મૂકવું જ નહીં. આ લોકો બધા પાન શા હારું ચાવતા હશે ? મોઢામાં કંઈક મૂકવું એવી ટેવ, તે પછી પાન ચાવે. કંઈ પણ મોઢામાં ઘાલે ત્યારે એને મજા પડે. કંઈ પણ મોઢામાં હાલવું જોઈએ. એટલે આવું ગમે ત્યારે ખાવ, એ તો બહુ ખોટું કહેવાય. વચ્ચે ના ખવાય પછી. ખાધા પછી કશું જ નાખવું ના જોઈએ.

ઊણોદરી એટલે આપણને પ્રમાણ સમજાય કે આજે ભૂખ બહુ લાગી છે એટલે ત્રણ લાડુ ખવાઈ જશે. એટલે એક લાડુ ઓછો કરી નાખવો. કો'ક વખત બે લાડુ ખવાશે એવું માલમ પડે તો તે ઘડીએ સવા લાડવો ખાવો. પ્રમાણ આપણને સમજાય તેનાથી આપણે ઓછું કરી નાખવું, ઊણું કરી નાંખવું, નહીં તો આખો દિવસ ડોઝીંગ રહેશે. મૂળ તો, જગતના લોકો, એક તો ઉઘાડી આંખે ઊંઘે છે અને પછી આ પાછું ડોઝીંગ થાય. જાગૃતિ અને આને, આ બેને મેળ શી રીતે ખાય ? માટે ઊણોદરી જેવું કોઈ તપ નથી. ભગવાને બહુ સુંદરમાં સુંદર રસ્તો બતાવ્યો છે કે ઊણું રાખજો. કોઈ આઠ લાડવા ખાતો હોય તો એણે પાંચ લાડવા ખાવા જોઈએ. રોજ એક લાડવો ખાતો હોય તો એ કહેશે, 'હું તો એક જ લાડવો ખાઉં છું.' તોય ના ચાલે. એણે પોણો લાડવો ખાવાનો. એટલે વીતરાગોએ બહુ ડહાપણપૂર્વક એક એક વાક્ય કહેલું કે જે જગતને હિતકારી થઈ પડે !

આહાર જાગૃતિએ રક્ષી લેવાં વ્રત

પ્રશ્નકર્તા : ખોરાક અને જ્ઞાનને શું લેવાદેવા ?

દાદાશ્રી : ખોરાક ઓછો હોય તો જાગૃતિ રહે, નહીં તો જાગૃતિ રહે જ નહીં ને !

પ્રશ્નકર્તા : ખોરાકથી જ્ઞાનને કેટલો બાધ આવે ?

દાદાશ્રી : બહુ બાધ આવે. ખોરાક બહુ બાધક છે. કારણ કે આ ખોરાક જે પેટમાં જાય છે, તેનો પછી દારૂ થાય છે ને આખો દહાડો પછી દારૂનો કેફ, મેણો ને મેણો ચઢ્યા કરે છે. નહીં તો આ પાંચ આજ્ઞાઓ મેં આપી છે, તેની જાગૃતિ કેમ ના રહે ? એમાં શું બહુ મોટી વાત છે ? અને જાગૃતિ પણ બધાને આપેલી જ છે ને ?! પણ આ ખોરાકની બહુ અસર થાય છે. આપણે હવે ખોરાકનો ત્યાગ કરવાનો કહ્યો નથી. એની મેળે જો ત્યાગ થઈ જાય તો ખરું. જેને સંયમ લેવો છે, સંયમ એટલે કે બ્રહ્મચર્ય પાળવું છે તે ખોરાક વધારે લે તો તેને પોતાને અવળી 'ઈફેક્ટ' થાય. પછી એને એ અવળી 'ઈફેક્ટ'નાં રીઝલ્ટ ભોગવવાં પડે. જેને બ્રહ્મચર્ય પાળવું છે, તેણે ખ્યાલ રાખવો કે અમુક ખોરાકથી ઉત્તેજના વધી જાય છે. તે ખોરાક ઓછો કરી નાખવો. ચરબીવાળા ખોરાક જેવા કે ઘી- તેલ ના લેવાય, દૂધેય જરા ઓછું લેવું, પણ દાળ-ભાત-શાક-રોટલી એ બધું નિરાંતે ખાવ અને તે ખોરાકનું પ્રમાણ ઓછું રાખવું. દબાણપૂર્વક ખાવું નહીં. એટલે ખોરાક કેટલો લેવો જોઈએ કે આમ મેણો ના ચઢે અને રાતે ત્રણ-ચાર કલાક જ ઊંઘ આવે એટલો ખોરાક લેવો જોઈએ.

પ્રશ્નકર્તા : આ સાયન્ટિસ્ટો કહે છે કે છ કલાકની ઊંઘ હોવી જોઈએ.

દાદાશ્રી : તો આ ગાય-ભેંસને પૂછી આવ કે તમે કેટલી વાર ઊંઘો છો ? આ મરઘાને પૂછી આવ કે કેટલી વાર ઊંઘે છે ? બ્રહ્મચારીને ઊંઘવાનું તો ના હોય ! ઊંઘવાનું તો હોતું હશે ? ઊંઘવાનું તો આ જે મહેનત કરનારાઓ છે, એ છ કલાક ઊંઘે. એમને ઘસઘસાટ ઊંઘ પણ આવે ! ઊંઘ તો કેવી હોવી જોઈએ કે આ ટ્રેનમાં બેસીને જઈએ છીએ ત્યારે પાંચ-દસ ઝોકાં આવી જાય કે બસ પતી ગયું, પછી સવાર થઈ જાય. આ તો બધો ખાધેલાનો મેણો ચઢે છે, તે પછી ઊંઘે પણ !

ખોરાકમાં ઘી-ખાંડ કરાવે વિષયકાંડ

ખોરાકેય બહુ ઓછો ના કરી નાખવો. કારણ કે ખોરાક ઓછો ખાવ એટલે જ્ઞાનરસ આંખને લાઈટ આપે છે, એ જ્ઞાનરસ આ તંતુઓમાંથી જતો હોય, તે રસ પછી મહીં ના જાય ને નસો બધું સૂકાઈ જાય. જુવાની છે એટલે આમ ભડકના માર્યા ખોરાક એકદમ બંધ નહીં કરી દેવાનો. દાળ-ભાત એ બધું ખાવ, એ તો જલ્દી પચી જાય એવો ખોરાક ! અને પચીને પછી જે લોહી થાય ને એ લોહી જ વપરાશમાં આવે, રોજ કામમાં આવી જાય એટલું જ લોહી થયા કરે. એટલે આગળનું પ્રોડક્શન બધું હતું ને, તે જૂજ થયા કરે !

પ્રશ્નકર્તા : ચોખ્ખું ઘી હોય તો શું ખોટું ?

દાદાશ્રી : ઘી હંમેશા માંસ વધારનારું છે અને માંસ વધે એટલે વીર્ય વધે, એ બ્રહ્મચારીઓની લાઈન જ ન હોય ને ! એટલે તમે જે ખોરાક ખાવ, તે દાળ-ભાત-કઢી એકલાં ખાવ. તોય ખોરાકનો સ્વભાવ એવો છે કે ઘી વગરેય એનું લોહી થાય અને તે હેલ્પીંગ થાય. કારણ કે કુદરતે એવો નિયમ રાખ્યો છે કે ગરીબ માણસ હોય, તે આવું બધું શું ખાશે ? તે ગરીબ માણસ જે ખાય છે, તેય બધી એને શક્તિ મળી રહે છે ને ! એવી રીતે આપણને આ સાદા ખોરાકથી બધી શક્તિ મળી રહે ! પણ જે વિકારી છે, એ ખોરાક ના હોવો જોઈએ.

આ હોટલનું ખાઈએ, એનાથી શરીરમાં ખરાબ પરમાણુ પેસે. તે પછી એની અસર આવ્યા વગર રહે જ નહીં. એને માટે પછી ઉપવાસ કરવો પડે અને જાગૃતિ રાખવી. છતાંય સંજોગવશાત્ બહારનું ખાવું પડે તો ખાઈ લેવું, પણ તેમાં પછી લાભાલાભ જોવો. તળેલાં ભજિયાં ખાવા કરતાં દૂધ પી લેવું સારું. બહારના પૂરી-શાક કરતાં ઘરની ખીચડી પસંદ કરવી !

આવડાં નાનાં નાનાં છોકરાંને મગસ ને ગુંદરપાકને એ બધું ખવડાવે છે, તે પછી એની અસરો બહુ ખરાબ પડે છે, એ બહુ વિકારી થઈ જાય છે. એટલે નાના છોકરાને બહુ ના આપવું જોઈએ, એનું પ્રમાણ સચવાવું જોઈએ. આ માલમલિદા ખાવાનું એ બધું સંસારીઓ માટે છે કે જેને બ્રહ્મચર્યની કંઈ પડી નથી. જેને બ્રહ્મચર્ય પાળવું છે, તેનાથી તો માલમલિદો ના ખવાય. અને ખાવો જ હોય તો થોડો ખાવો કે જેને ભૂખ જ ખઈ જાય. માલમલિદો ખઈએ તો પાછું જોડે દાળ-ભાત જોઈએ, શાક જોઈએ એટલે પછી ભૂખ ખઈ ના જાય. આ ખરાબ વિકારો આવવાનું કારણ જ આ છે, તેનાથી વિકારીભાવ ઉત્પન્ન થાય. ભૂખ ખઈ જાય ત્યાં સુધી વિકારીભાવ ઉત્પન્ન ના થાય. ભૂખ ના ખાય, ત્યારે પ્રમાદ થાય. પ્રમાદ થાય એટલે વિકાર થાય. પ્રમાદ એટલે આળસ નહીં, પણ વિકાર !

પુદ્ગલ હેરાન કરે એવી વસ્તુ છે, એ આપણો પાડોશી છે. પુદ્ગલ વીર્યવાન હોય ત્યારે હેરાન ના કરે. અગર તો બિલકુલેય આહાર ઓછો લે, જીવવા પૂરતો જ આહાર લે ત્યારે પુદ્ગલ હેરાન ના કરે. ખોરાકથી તો બ્રહ્મચર્ય અટક્યું છે. ખોરાકની બાબતમાં જાગૃત રહેવું જોઈએ. આ તો દિવડો સળગે એટલું જ ખાવાનું હોય. ખોરાક તો એવો લેવો જોઈએ કે મેણો જ ના ચઢે. અને ઊંઘ એવી હોવી જોઈએ કે ભીડમાં બેઠાં હોય પછી આમ ખસાય નહીં, તેમ ખસાય નહીં, એવી ભીડમાં બેઠા બેઠાં ઊંઘ આવી જાય તે જ ખરી ઊંઘ. આ તો ખોરાકનો મેણો ચઢે છે, તેની પછી ઊંઘ આવે છે. આ ખાધા પછી વિધિ કરો જોઈએ, સામાયિક કરો જોઈએ, થાય છે ? બરોબર ના થાય !!

નહાવાનુંય નોતરે નુકસાન

આ નહાવાથી બધા વિષયો જાગૃત થઈ જાય છે. આ નહાવા- ધોવાનું શેને માટે છે ? વિષયી લોકો માટે જ નહાવાની જરૂર છે, બાકી તો જરા કપડું ભીનું કરીને આમ લૂછી નાખવાનું. જે બીજો ખોરાક ખાતો નથી, તેનું શરીર કશું જ ગંધાય નહીં.

એક મહિનાથી સિકનેસ હોય પછી વિકાર હોય છે ?

પ્રશ્નકર્તા : તો ન હોય.

દાદાશ્રી : ત્યારે એ સિકનેસ લાવવી.

પ્રશ્નકર્તા : લાવવી આપણાં હાથની વાત નથી ને !

દાદાશ્રી : ત્યારે શું આપણાં હાથની વાત ? તો ભૂખ્યા રહે ચાર દહાડા એટલે એની મેળે વીસ દહાડાની સિકનેસ આવે ! ચાર દહાડા ભૂખ્યો રહે પછી વિકાર ના હોય.

ખોરાક ઓછો લેવાય એટલે ચાલ્યું. જીવવા માટે ખાય, ખાવા માટે જીવે નહીં. પહેલાં રાત્રે નહોતો ખાતો તે, તે દહાડે સારું રહેતું'તું કે અત્યારે સારું રહે છે ?

પ્રશ્નકર્તા : પહેલા બહુ સારું રહેતું'તું.

દાદાશ્રી : તે જાણી-જોઈને બગાડ્યું શું કરવા ?

પ્રશ્નકર્તા : ખાધા પછી બે-ચાર કલાકે પછી ભૂખ લાગે તો બીજું બધું માંગે !

દાદાશ્રી : પણ તે ખોરાક એવો લેવો કે ભૂખ લાગે નહીં, એવો શુષ્ક આહાર કે જેમાં દૂધ-ઘી-તેલ એવું બધું બહુ પુષ્ટિકારક ખોરાક બહુ ના આવે. આ દાળ-ભાત-કઢી ખાવું, એ બહુ પુષ્ટિકારક ના હોય.

આ કાળમાં તો કંટ્રોલ કરાય એવાં સંજોગો જ નથી ! દબાણ કરવા જાય તો ઊલટું મન વધારે કૂદાકૂદ કરે. એટલે આહારી આહાર કરે છે એમ જવા દેવું, પણ તે પાછું તમને બ્રહ્મચર્યમાં નુકસાન ના કરે એટલું જરા જોવું ! ખોરાકને માટે તમારે કંટ્રોલ કે ના કંટ્રોલ એવું અમારે કશું કહેવાની જરૂર નહીં. ફક્ત જો કદી વિષય મૂંઝવતા હોય, ઉદયકર્મનો ધક્કો વધારે લાગતો હોય તો એણે ખોરાક પર કંટ્રોલ મૂકવો જોઈએ. પુરુષાર્થ એટલે બીજું તો શું કે તમારે ચંદ્રેશને કહેવું પડે. તમારે ચંદ્રેશ જોડે જુદાપણું રાખી વાતચીત થાય. કારણ કે આત્મા તો કશું બોલતો જ નથી, પણ મહીં જે પ્રજ્ઞા નામની શક્તિ છે, તે કહે છે કે જરાક ખોરાક ઓછો લેશો તો તમને ઠીક અનુકૂળ રહેશે. કારણ કે અહંકાર કરવા જાય તો તો અહંકાર જીવતો થાય. આ જ્ઞાન આપ્યું છે તેથી અહંકાર નિર્જીવ થયો છે. 'વધારે પડતું ખાવું નથી' એવું નક્કી કર્યા પછી ભૂલથી ખવાઈ જાય, તો તેને 'વ્યવસ્થિત' છે કહેવું.

જીવવાનું, ધ્યેય પ્રમાણે

પ્રશ્નકર્તા : દરેક કાર્યમાં નક્કી કરવું પડે. આમ 'વધારે ખાવું નથી' એ નક્કી કર્યું, પછી જાગૃતિ રાખી, એવી દરેક કાર્યમાં જાગૃતિ રાખવી પડે.

દાદાશ્રી : એ ઉપયોગ રાખ્યો, એ જ જાગૃતિ ! પ્રમાદ એટલે ખોરાક ખા ખા કર્યા કરવું. એટલે પછી બધામાં ઠેકાણું જ ના હોય. આખો દહાડો જે આવે એ ઠોક ઠોક કરે. હું તો કેટલાંય વર્ષોથી નાછૂટકે ખઉં છું.

અને માણસ માંદો હોય, ત્રણ દહાડાનો, એને વિષય માટે કહે કે પચાસ હજાર રૂપિયા આપીશ તો કરે ?

પ્રશ્નકર્તા : ના કરે, શક્તિ ના હોય ને !

દાદાશ્રી : આ બધું શક્તિ કરે છે, ખોરાક જ કરે છે આ બધું.

પ્રશ્નકર્તા : પૌદ્ગલિક શક્તિ.

દાદાશ્રી : હં. આપણે બે-ત્રણ દહાડા ખાધા વગર કાઢી નાખવા. સાધુ એવી જ રીતે કાઢે ને ? આ ઉપાય ! શક્તિ હોય તો વિષય કરે ને ? ઉપાય તો કરવો પડે ને ?

એટલે મહિનામાં બે વખત ભૂખ્યા રહેવાનું. બબ્બે-બબ્બે દહાડા. એટલું તપ કરે એટલે પેલું તપ થઈ જાય. મહાવીર ભગવાને આજ કરેલું ને ! બધાએ આજ કરેલું ને !

પ્રશ્નકર્તા : આ નક્કીપણાને, ટકાવી રાખવા માટે કોઈ ઉપાય નથી થતા.

દાદાશ્રી : આ ઉપાય.

પ્રશ્નકર્તા : આપ કહો છો, તોય માનસિક તૈયારી નથી થતી અંદરથી.

દાદાશ્રી : તો પછી અમે ક્યાં ના કહ્યું છે પૈણવાનું ?

પ્રશ્નકર્તા : આપે તો કહ્યું નથી પણ અમે જોયું છેને ! આવું પ્રાપ્ત થયા પછી તો હવે ભૂલ ના જ કરાય.

દાદાશ્રી : તો પછી ડિસાઈડ કર્યા પછી કશું અડે નહીં ! ડિસીઝન કર્યું અને આપણે એવું ઢીલું બોલીએ તો ઊલટું ચડી બેસે. 'ગેટ આઉટ' કહીએ. તો થોડોઘણો બહાર નાસી જાય. પછી પાછો ભેગો થઈને આવે. તો ફરી 'ગેટ આઉટ' કહીએ.

કંદમૂળ પોષે વિષયને

દેખાદેખીનું બ્રહ્મચર્ય વ્રત ટકે નહીં. એટલે પછી જે કરવું હોય તે કરે. પણ હું તો ચેતવણી આપું કે બ્રહ્મચર્ય પાળવું હોય તો કંદમૂળ ન ખવાય.

પ્રશ્નકર્તા : કંદમૂળ ન ખવાય ?

દાદાશ્રી : કંદમૂળ ખાવું ને બ્રહ્મચર્ય પાળવું, એ રોંગ ફિલોસોફી છે, વિરોધી છે.

પ્રશ્નકર્તા : કંદમૂળ નહીં ખાવાનું, જીવહિંસાને લીધે કે બીજું કોઈ કારણ છે ?

દાદાશ્રી : એ કંદમૂળ તો અબ્રહ્મચર્યને જબરજસ્ત પુષ્ટિ આપનારું છે. આવાં નિયમો કરવા પડે કે જેથી એનું આ કેમ બ્રહ્મચર્ય રહે-ટકે. અને બ્રહ્મચર્ય ટકે એવો એનો સુંદર ખોરાક હોય. અબ્રહ્મચર્યથી બધી રમણીયતા જતી રહે છે અને બ્રહ્મચર્ય પાળે, તે રમણીય થાય. માણસ પ્રભાવશાળી દેખાય.

પ્રશ્નકર્તા : અત્યાર સુધી અમે કંદમૂળ ન્હોતા ખાતાં. જ્ઞાન લીધા પછી ખાવાનું શરૂ કર્યું, તો બાધારૂપ ના લાગે ? દોષ ના લાગે ?

દાદાશ્રી : કોને દોષ લાગે એમાં ? એ ડિસ્ચાર્જમાં શાનો દોષ ? આપણે આ બ્રહ્મચારીઓને દોષ લાગવા માટે નહીં, એમને તો એ ન ખાય ને, તો એ પેલું વિષયનું જોર ઓછું થઈ જાય. એમને તો એ રક્ષણ માટે કરવાનું હોય. દોષને ને આને લેવાદેવા નથી.

પ્રશ્નકર્તા : આ જે વર્ણન કર્યું છે કે સોયની અણી ઉપર બટાકાનું એ માપનું એક પીસ આવે, તો અનંતા જીવો હોય છે. એ જીવોને...

દાદાશ્રી : એ બધું કોને માટે છે ? જેને બુદ્ધિ વધારવી હોય ને, તેને માટે. એમાં આગ્રહી થાય, તે ક્યારે દહાડો વળે ?! અને આ મોક્ષનો માર્ગ નિરાગ્રહી છે, આ જાણવાનું ખરું અને બને એટલું ઓછું કરી દેવાનું.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21