ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૧૦]

વિષયી વર્તન ? તો ડિસમીસ

અહીં કરેલાં પાપ, પમાડે નર્ક

દ્ષ્ટિ બગડે ત્યારે એ ખોટું કહેવાય. દ્ષ્ટિ ના બગડે, એનું નામ બ્રહ્મચર્ય કહેવાય. બહાર બગડે તો વાંધો નહીં. તેનુંય પ્રતિક્રમણ કરવું પડે. અહીં તો બધા વિશ્વાસથી આવે ને !

અને આ તો બીજે પાપ કર્યું હોય ને, તે અહીં આવે તો ધોવાઈ જાય, પણ અહીંનું પાપ કરેલું નર્કગતિમાં ભોગવાય. થઈ ગયાં હોય તેને લેટ ગો કરીએ પણ નવું તો થવા ના દઈએ ને ! થઈ ગયાનો કંઈ ઉપાય છે પછી.

એક ફેરો ઊંધું કાર્ય થઈ જાય, અહીંથી બીજે જતો રહે એની મેળે જ, મોઢું દેખાડવા જ ના ઊભા રહે. નહીં તો પછી દુનિયા ઊંધી જ ચાલે ને, બ્રહ્મચર્યના નામ ઉપર ! અહીં એવું ચાલે નહીં !

'અન્ય ક્ષેત્રે કૃતમ્ પાપમ્, ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ.'

જે બહાર પાપ કરેલું હોય સંસારમાં, તે ધર્મક્ષેત્રમાં જાય એટલે નાશ થઈ જાય અને 'ધર્મક્ષેત્ર કૃતમ પાપમ્ વ્રજલેપો ભવિષ્યતિ' એ નર્કગતિમાં લઈ જાય. બહાર પાપ કરે ને અહીં પાપ કરે, એમાં બહુ ફેર ! અહીં તો પાપનો વિચારેય ના આવવો જોઈએ, વ્રજલેપ થાય. વ્રજલેપ એટલે નર્કનાં ટાંકા પડે, ભયંકર યાતના ભોગવવી પડે !

ન શોભે એ

પ્રશ્નકર્તા : હજુ પણ એવા વિચારો ને એવું કેમ થઈ જાય છે ?

દાદાશ્રી : વિચારો જ મહીં ભર્યા છે. એ નીકળે ને, પણ વર્તનમાં નહીં આવવું જોઈએ, વર્તનમાં આવી ગયું તો બિલકુલ બંધ પછી. કાયમ માટે બંધ કરી દઈએ આપણે. આવાં અપવિત્ર માણસો અહીં પોસાય નહીં ને ? વિચાર આવે તેને જોનાર તું થઉં.

પ્રશ્નકર્તા : એ તો બરાબર, સત્સંગમાં તો આવું ચાલે જ નહીં.

દાદાશ્રી : ના. ન ચાલે. આ તો બહુ પવિત્ર જગ્યા, અહીં બનેલું જ નહીં આવું.

એવાને કાયમને માટે બંધ જ કરી દેવાનું. સામો આટલો વિકારી હોય તો જ આવું હોય ! તમારે તો વિચાર આવે તો તરત જ તે ઘડીએ જોવું. ના જોવાય તો એનો પશ્ચાત્તાપ કરવો કે આ જોવાયું નહીં. તો એનો પશ્ચાત્તાપ કરું છું અને હવે તો કડક જ પગલું લેવાનું, ગમે તે હોય તો એને બંધ કરી દેવાનું. આવી પવિત્ર જગ્યા ! બાકી વર્તનમાં આવું હોય તેને, પહેલાં એક-બે જણાને બંધ કરી દીધાં, તે જોને હજુ કાયમ માટે અવાતું જ નથી. મોઢું પણ ના દેખાડે ને !!

અહીં પહેલાં થઈ ગયું હોય તેનો સ્વીકાર કરવાનો, નવેસરથી તો થાય જ નહીં ને ! હવે વર્તનમાં ન આવે એટલું જોવાનું. કોઈ કાળમાં વર્તનમાં ના આવે. અને વર્તનમાં આવે તેને અમે એડમીટ કરતાં નથી.

એટલે અપવિત્ર વિચાર આવે તો ખોદીને કાઢી નાખવો, સહેજ વિચાર આવતાંની સાથે જ. જેમ આપણા ખેતરા-બગીચામાં કોઈક અવળી વસ્તુ ઊગી હોય ને એ કાઢી નાખીએ છીએ, એવી રીતે અવળી વસ્તુ તરત ઊખેડી નાખવી.

પાશવતા કરવી, તેનાં કરતાં પૈણવું સારું. પૈણવામાં શો વાંધો છે ? એ પાશવતા સારી હજુ, પૈણ્યાની ! પૈણવું નહીં ને ખોટા ચેનચાળા કરવા, એ તો ભયંકર પાશવતા કહેવાય, નર્કગતિના અધિકારી ! અને તે તો અહીં હોય જ નહીં ને ? પૈણવું એ તો હક્કના વિષય કહેવાય. વિચાર કરી જોજે પૈણવું કે ના પૈણવું, તે ?

પ્રશ્નકર્તા : સવાલ જ નથી, નો ચાન્સ.

દાદાશ્રી : હમણાં એવું ચોક્કસ ન થતું હોય ત્યાં સુધી ડિસીઝન ના લેવું બરોબર, ધીમે ધીમે ચોક્કસ કર્યા પછી જ ડિસીઝન લેવું.

લપસણું સહજ, જો એક ફેર લપસ્યા

બ્રહ્મચર્ય ભંગ કરવું એ મોટો દોષ. બ્રહ્મચર્ય ભંગ થાય ત્યારે મુશ્કેલી, હતા ત્યાંથી ગબડી પડ્યા. રોપેલું ઝાડ હોય દસ વર્ષનું અને પડી જાય તો પછી આજથી જ રોપ્યા એવું જ થયું ને પાછું દસેય વર્ષ નકામા ગયા ને ! અને બ્રહ્મચર્યવાળો પડી ગયો. એક જ દહાડો પડી જાય એટલે ખલાસ થઈ ગયો.

અને જે માણસ આટલેથી અહીંથી લપસ્યો, એટલે પછી એ જે લપસ્યો એ એટલો જ ભાગ પાછો ફરી જોર કરે, એનો એ જ ભાગ એને લપસાવડાવે પાછો. એટલે પછી પોતાના કાબૂમાં ના રહે, પછી કાબૂ-કંટ્રોલ પણ ગુમાવી દે, ખલાસ થઈ ગયો. ત્યાં અમે ચેતવાનું કહીએ. મરી જઈશ, કહીએ.

ન થાય સંગ સંયોગી

જાગૃતિ રહે છે ને અત્યારે ? આનંદ શરુ થઈ ગયો છે ને ! પેલા બધા તો આનંદમાં આવી ગયેલા. બધાનાં મોઢા પર નવી જાતનું તેજ આવ્યું. એક જ દિવાલ ઓળંગાય તો આનંદ શરુઆત થઈ જાય અને પ્રગટ થઈ જાય તરત અને ના ઓળંગી ને લપસ્યો તો ત્યાં આગળ પછી ગાઢ થઈ જાય. પછી પાછો ઊંધો થઈ જાય. એટલે કસોટીને ટાઈમે સાચવી લેવાનું. પાતાળ ફૂટી જાય, ને આનંદ પછી નીકળ્યા કરે !

બીજું બધું થાય તેનો વાંધો નહીં. સંગ સંયોગી ના થવો જોઈએ. બીજું થાય એય વાંધો નહીં, એનો અર્થ એવો કે એ થાય તો બહુ. એટલી બધી ફીકર કરવા જેવું નથી. પણ સંયોગ તો મરણ છે. સ્ત્રી-પુરુષનો સંયોગ એ તો મરણ જ છે, એવું તમારા માટે છે.

પ્રશ્નકર્તા : એટલે મરી જઈએ પણ એ ના હોવું જોઈએ.

દાદાશ્રી : નહીં, એ મરણ જ છે. એમ ને એમ મરણ જ થઈ ગયું. કારણ કે જે આનંદ પ્રગટ થવાનો હતો, તે વખતે જ આપણે લપસ્યા. જેમ ઉપવાસ કર્યો હોયને, તો થોડા વખત માટે મહીં અંદર એ સરસ થઈ જવાનો હોય, પણ એ પહેલાં તો ખઈ લીધું હોય બધું !

એટલે ચેતતા રહેજો. નહીં તો આ તો ફરી આ ભૂમિકા મળે નહીં, આ ભૂમિકા કોઈ કાળમાં મળવાની નથી. માટે ચેતતા રહેજો. આ બધું સહેજ પણ ચૂકાય નહીં અને બહુ હુમલો થાય તો પછી મને ખબર આપજો અને બીજું બધું થાય તે એનું કંઈ જરૂર જ નથી. એ બધું યુઝલેસ ! સ્ત્રી-પુરુષનો સંયોગ નહીં થવો જોઈએ. બસ એટલું જ. બીજા બધાને તો હું લેટ ગો કરીશ.

પ્રશ્નકર્તા : એટલે પેલા જેટલું જોખમ નહીં, બીજા બધામાં ?

દાદાશ્રી : ના જોખમ નહીં. વધારેમાં વધારે જોખમ જ આ છે. આ તો આપઘાત જ છે. પેલાને થીગડા મારી લેવાય, એ દવા હોય છે બધી.

હજુ તો ખરું તપ જેટલું કરશો એટલો આનંદ. આ તપ કરવાનું છે, બીજું કંઈ તપ નહીં. સામસામી નાનું હુલ્લડ થયું હોય ને ખબર આપીએ તો તરત જાપ્તો થઈ જાય. એવી રીતે જાપ્તો રાખવાનો છે.

પ્રશ્નકર્તા : હવે અંદર આમ બ્રહ્મચર્ય માટે નિશ્ચય એવો થઈ જ ગયો છે !

દાદાશ્રી : નિશ્ચય તારો થઈ જ ગયો છે. મોઢા ઉપર નૂર આવ્યું ને !

પ્રશ્નકર્તા : આપણે જ્ઞાનમાં થોડી કચાશ રહે ને તો વાંધો નથી, પણ બ્રહ્મચર્યનું તો એકદમ પરફેક્ટ (ચોક્કસ) કરી લેવું છે. એટલે કમ્પ્લીટ (સંપૂર્ણ) નિર્મૂળ જ કરી નાખવું છે પછી આવતા અવતારની જવાબદારી નહીં.

દાદાશ્રી : બસ, બસ.

પ્રશ્નકર્તા : અત્યારે દાદા મળ્યા છે તો પૂરું જ કરી નાખવાનું.

દાદાશ્રી : પૂરું જ કરી નાખવાનું. એ નિશ્ચય ડગે નહીં એટલું રાખવાનું. વિષયનો સંયોગ ના થવો જોઈએ. બીજું બધું તમારે હશે તો લેટ ગો (ચલાવી લઈશું) કરીશું. એની દવા બતાવીશું બધી. બીજી બધી ભૂલો પાંચ-સાત-દસ જાતની થાય, એની બધી જાતની દવાઓ બતાવી દઈશું. એની દવા હોય છે, મારી પાસે બધી જાતની દવાઓ છે. પણ આની દવા નથી. નવ હજાર માઈલ આવ્યો અને ત્યાંથી ના જડ્યું તો પાછો ફર્યો. હવે નવ હજાર પાંચસો માઈલ ઉપર 'પેલું' હતું ! એ પાછા ફરવાની મહેનત કરી, તેના કરતાં આગળ હેંડને મૂઆ ! જો ને આને નિશ્ચય થયો નથી, કેવી મુશ્કેલી છે ?

પ્રશ્નકર્તા : નિશ્ચય તો છે પણ ભૂલો થઈ જાય છે.

દાદાશ્રી : ભૂલો બીજી થાય તો ચલાવી લેવાય. વિષય સંયોગ ના થવો જોઈએ. તને પણ અમે ગણતરીમાં લીધો નથી ને જેને ગણતરીમાં લીધો હોય તેની આ વાત છે. તું જ્યારે તારું આ ટેસ્ટ એક્ઝામિનેશન દેખાડીશ, ત્યારે તને ગણતરીમાં લઈ લઈશું. પછી તનેય ઠપકો આપીશું. અત્યારે તને ઠપકો આપીએ નહીં. મઝા કર. પોતાના હિતને માટે મઝા કરવાની છે ને ? શેના માટે મઝા કરવાની છે ?

પ્રશ્નકર્તા : મઝા કરવામાં પોતાનું હિત તો ના થાય.

દાદાશ્રી : ના થાય. ત્યાર પછી મઝા શું કરવા કરે છે ?

દાદાની ત્યાં મૌન કડકાઈ

આ વિષય બાબતમાં સંયોગ થાય તો અમારી કડવી નજર ફરી જાય, અમને તરત બધી ખબર પડી જાય. એ 'દાદા'ની નજર કડવી રહે છે, તેય વિષય એકલામાં જ, બીજી બાબતમાં નહીં. બીજી બાબતમાં કડવી નજર નહીં રાખવાની. બીજી ભૂલો થાય પણ 'આ' તો ન જ હોવી જોઈએ. અને થઈ તો અમને કહી દેવી રિપેર કરી આપીએ, છોડાવી આપીએ.

પ્રશ્નકર્તા : અહીં તો છૂટવા માટે તો દાદા પાસે આવવાનું છે બધી રીતે.

દાદાશ્રી : એનો વાંધો નહીં. એટલા માટે તો આ આપ્તપુત્રોને મેં બધું લેખિત લીધું કે મારે કાઢી ના મેલવા પડે, તમારી મેળે જ જતું રહેવાનું.

પેલો વિષય એ 'સંયોગ'રૂપે થતો હોય ને, તેને અમારી કડવી નજર થાય ને એટલે એ છૂટી જાય, એની મેળે જ. તાપ જ છોડાવી નાખે. અમારે વઢવું ના પડે. એવી કડવી નજર પડે, પેલાને તાપથી રાતે ઊંઘ ના આવે. એ સૌમ્યતાનો તાપ કહેવાય. પ્રતાપનો તાપ તો જગતના લોકો પાસે છે. પ્રતાપ તો મોંઢા પર તેજ હોય બધું, આમ બ્રહ્મચર્ય સારું, બળવાન હોય શરીર, વાણી એવી પ્રતાપશીલ, વર્તન એવું પ્રતાપશીલ. એ પ્રતાપ તો હોય સંસારમાં, સૌમ્યતાનો તાપ ના હોય કોઈની પાસે. હવે આ બે ભેગું થાય ત્યારે કામ થાય. સૂર્ય-ચંદ્રના બંને ગુણો. એકલા પ્રતાપી પુરુષો ખરા. પણ થોડા, બહુ આવા દુષમ કાળમાં તો હોય જ નહીં ને !

પ્રશ્નકર્તા : અને આપણું આ જ્ઞાન જ એવું છે ને કે મહીંથી જ આમ ગોદા મારીને ચેતવ્યા કરે.

દાદાશ્રી : હા, એ ગોદા મારે.

પ્રશ્નકર્તા : એટલે સહેજ કંઈ આઘુંપાછું થયું હોય ને, તો મહીં પેલી બૂમાબૂમ મચી જાય કે આ ચૂક્યા, પાછા ફરો અહીંથી. એટલે મહીં સેફમાં જ આખું ખેંચી લાવે આપણને.

દાદાશ્રી : હારવાની જગ્યા થાય તો મને કહી દેવું. એક અવતાર અપવિત્ર નહીં થાય તો મોક્ષ થઈ ગયો, લીલી ઝંડી અને લગ્ન કરો તોય વાંધો નહીં, તોય મોક્ષને વાંધો નહીં આવે.

પ્રશ્નકર્તા : આપણે ઈચ્છાપૂર્વક કોઈને અડીએ, એને વર્તનમાં આવ્યું કહેવાય ને ?

દાદાશ્રી : ઈચ્છાપૂર્વક અડીએ ? તો તો વર્તનમાં જ આવ્યું કહેવાય ને ! ઈચ્છાપૂર્વક દેવતાને અડી જોજે ને ?!

પ્રશ્નકર્તા : ખ્યાલમાં આવ્યું.

દાદાશ્રી : એ પછી આગળની ઇચ્છા તો, ઇચ્છા થઈ ત્યાંથી તો કાઢી જ નાખવી જોઈએ, મૂળમાં ઉગતાં જ, બીજ ઊગતાં જ આપણે જાણીએ કે આ શેનું બીજ ઉગે છે ? ત્યારે કહે કે વિષયનું. તો તોડીને કાઢી નાખવાનું. નહીં તો એને અડતાં આનંદ થયો એટલે પછી તો ખલાસ થઈ ગયું. એ જીવન જ નહીં ને માણસનું ! હવે કાયદા સમજીને કરજો આ બધું. જેને વર્તનમાં આવ્યું એટલે અમે બંધ કરી દઈએ. કારણ કે નહીં તો આ સંઘ તૂટી જાય. સંઘમાં તો વિષયની દુર્ગંધ આવે જ નહીં. એટલે આવું હોય તો મને કહી દેજે. પૈણું તોય ઉપાય છે કે પૈણું તો મોક્ષ કંઈ નાસી જવાનો નથી. તને ઉપાય રહે એવું કરી આપીશું.

આપ્તપુત્રો માટેની કલમો

જેને નિશ્ચય છે ને એ રહી શકે છે ! જ્ઞાની પુરુષનો માથે આધાર છે. જ્ઞાન લીધેલું છે, સુખ તો મહીં તો હોય ને, પછી શાના માટે બધું કૂવામાં પડવાનું ? એટલે જે આ પ્રમાદ કર્યા ને, ત્યાર પછી મને ગમતા જ નથી તમે. હજુ પ્રમાદી અને આમ બધા યુઝલેસ. કશું ઠેકાણું જ નહીં ને ! મારી હાજરીમાં ઊંઘે એટલે પછી શું વાત કરવી ? ક્યારે લખીને આપવાના છો ?

પ્રશ્નકર્તા : તમે કહો ત્યારે. હમણે લખી આપીએ.

દાદાશ્રી : બે કલમો, એક વિષયી વર્તન, વિષયી વર્તન થાય તો અમે જાતે નિવૃત થઈ જઈશું, કોઈને નિવૃત કરવા નહીં પડે. એવું લખવાનું. જાતે જ આ સ્થાન છોડીને અમે ચાલ્યા જઈશું અને બીજું આ પ્રમાદ થશે તો સંઘ જે અમને શિક્ષા કરશે તે ઘડીએ. ત્રણ દા'ડાની ભૂખ્યા રહેવાની કે એવી તેવી, જે કંઈ શિક્ષા કરે તે સ્વીકારીશું. અમે ક્યાં વચ્ચે પડીએ ! સંઘ છે ને આ. આ લોકો મારી હાજરીમાં આટલું ઊંઘે તે સારું દેખાય ? હા, બપોરે તો ઊંઘતા હતા તે આ પકડાયા બધાં. પહેલાંય બહુ દા'ડા પકડાયેલા. આ તો બધો કચરો માલ છે. તે તો ભઈ સમો જેમ તેમ મહીં થોડો ઘણો થયો. તારે એવું લખીને આપવાનું. આપ્તપુત્ર એવું લખીને આપે આપણને. બે કલમો, કઈ કઈ કલમો લખીને આપે ?

પ્રશ્નકર્તા : એક તો ક્યારે પણ વિષયસંબંધી દોષ નહીં કરું અને કરું તો યે...

દાદાશ્રી : કરું તો તરત હું મારે ઘેર જતો રહીશ. આ આપ્તપુત્રની જગ્યા છોડીને જતો રહીશ. તમને મોઢું દેખાડવા નહીં રહું.

અને બીજું જ્ઞાની પુરુષની હાજરીમાં ઝોકું નહીં ખાઉં. પ્રમાદ નહીં કરું કોઈ જાતનો. આ બે શરતો લખીને બધા તૈયાર થઈ જાવ. એટલે બ્રહ્મચર્ય મહત્વનું છે.

હું એમને કહું છું, પૈણો નિરાંતે. પણ કહે છે નથી પૈણવું. હું ના નથી કહેતો. તમે પૈણો. પૈણશો તોય મોક્ષ આમાં જતો નહીં રહે એટલે અમારા માથે આરોપ ના આવે. તમને ના પોષાતી હોય વહુ, તેમાં હું શું કરું તે ! ત્યારે કહે, અમને પોષાતી નથી. એવો ખુલાસો કરે છે ને ! એટલે તારે પોષાય તો પૈણજે અને ના પોષાય તો મને કહેજે.

મહીં માલ ભરેલો હોય, તો પૈણીને પછી એનો હિસાબ પૂરો કરો. એ પૈણ્યા એટલે કાયમ કોઈ ધણી થઈ બેસતો નથી. બધા રસ્તા હોય છે.

મન બગડે તો પ્રતિક્રમણ કરવા પડે, તે શૂટ ઑન સાઈટ જોઈએ. મનથી દોષો થાય તે ચલાવી લેવાય. તે અમારી પાસે ઉપાય છે, અમે તે વાપરીને ધોઈ નાખીશું. વાણીથી ને કાયાથી થાય તો ના ચલાવી લેવાય. પવિત્રતા જોઈશે જ ! કલમો તને ગમે છે ?

પ્રશ્નકર્તા : ગમે છે.

દાદાશ્રી : તો લખી લાવજે. ના ગમે તો નહીં. કલમો મંજૂર ના હોય તો હમણે બંધ રાખવાની. જ્યારે એડમીશન લેવા જેવું થાય ત્યારે કરવાની.

અમારી હાજરીમાં જરાય એ ઊંઘ ના આવે કોઈને. ખામી નહીં આવવી જોઈએ બધી. વિનય નિરંતર રહેવો જોઈએ. આખો દહાડો મારી હાજરીમાં આંખ મિંચાય એ ચાલે નહીં અને અપવિત્રતા તો બિલકુલ ચાલે નહીં, અહીં બિલકુલ પવિત્ર પુરુષોનું કામ. પવિત્રતા હોય તો ત્યાં ભગવાન આઘાપાછા થાય નહીં !

મેં બધાને કહ્યું છે, ભઈ આવું પોલ તો ના ચાલે. એ અનિશ્ચય છે, આ આપ્તપુત્રો પૈણ્યા નથી પણ નિશ્ચય છે એટલે વર્તન બગડવા નહીં દેવાનું. એકેએકે બોલો જોઈએ, દ્ઢતાથી કોણ પાળશે ? એકેએકે બોલો ઊભા થઈને બોલોને !

વર્તન બગડે, તેને તો ડિસમિસ કરજો. કરાર લખીને મને આપ્યા. ના ચાલે અપવિત્રતા, ભૂંડ જેવું વ્યવહાર ! ભૂંડ ને આમાં ફેર શું રહ્યો તે ?! જો પવિત્ર માણસો તૈયાર થયા છે, જગતનું કલ્યાણ કરશે !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21