ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૭]

પસ્તાવા સહિતના પ્રતિક્રમણો

પ્રત્યક્ષ આલોચનાથી, રોકડું છૂટાય

થ્રી વિઝનથી તો બધું રાગે પડી જ જાયને !

પ્રશ્નકર્તા : મારી દ્ષ્ટિ પડે ને ક્યારેક, તો મને થાય કે અરેરે ! આ દ્ષ્ટિ ક્યાં પડી ?! પ્રતિક્રમણ કરવું પડશે. કંટાળો આવે.

દાદાશ્રી : પણ કંટાળો આવે ને, એ તો દ્ષ્ટિ પડી જાય છે. આપણે પાડવી નથી છતાં પડી જાય છે. માટે પુરુષાર્થ કરવાનો અને પ્રતિક્રમણેય કરવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : અમુક વસ્તુનો એટલો બધો ગુસ્સો આવે છે કે, એમ થાય છે કે આ કેમ આવું થાય છે ? સમજમાં નથી આવતું ?

દાદાશ્રી : ગયા ફેરે પ્રતિક્રમણ ના કર્યા. તેથી આ ફેરે ફરી દ્ષ્ટિ પડે છે. હવે પ્રતિક્રમણ કરશું એટલે ફરી નહીં પડે, આવતા ભવમાં.

પ્રશ્નકર્તા : અમુક વખત તો પ્રતિક્રમણ કરવાનો કંટાળો આવી જાય છે. એકદમ એટલા બધાં કરવા પડે.

દાદાશ્રી : હા, આ અપ્રતિક્રમણનો દોષ છે. તે ઘડીએ પ્રતિક્રમણ ના કર્યા, તેને લઈને આજે આ બન્યું. હવે પ્રતિક્રમણ કરવાથી ફરી દોષ ઊભો નહીં થાય.

પ્રશ્નકર્તા : પણ અમુક વખતે તો ઘણાં બધાં પ્રતિક્રમણ કરીએ છીએ ને પાછું પ્રતિક્રમણ કરવાનું એટલે બહુ ગુસ્સો આવે ? આમ કેમ થઈ જાય છે ?

દાદાશ્રી : મહીં બગડ્યું હોય, તે વખતે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું. અને પછી દાદા પાસે રૂબરૂ આવીને કહી દેવું કે આવું અમારું મન બહુ બગડી ગયું'તું. દાદા, તમારાથી કંઈ છૂપું રાખવું નથી. એટલે બધું ઊડી જાય. અહીંની અહીં જ દવા આપીએ. બીજા કોઈને દોષ બેઠો હશેને તે અમે ધોઈ આપીશું.

જ્યાં ઈન્ટરેસ્ટ ત્યાં કરો પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : પેલી ફરી ફરી દ્ષ્ટિ ખેંચાય, એકની એક જગ્યાએ દ્ષ્ટિ ખેંચાય, એ તો ઈન્ટરેસ્ટ (રુચિ) હોય તો જ, એવું ના કહેવાય ?

દાદાશ્રી : ઈન્ટરેસ્ટ જ ને ? ઈન્ટરેસ્ટ વગર તો દ્ષ્ટિ ખેંચાય જ નહીંને ?

પ્રશ્નકર્તા : મહીં રુચિ ખરી. દ્ષ્ટિ ખેંચાય એનું પ્રતિક્રમણ થાય, પછી રાત પડી કે પાછું દ્ષ્ટિ ત્યાં આગળ જાય, રુચિ થાય, એનું પ્રતિક્રમણ થઈ જાય, એ ચેપ્ટર (પ્રકરણ) પૂરું થઈ ગયું. પાછી પાંચ-દસ મિનિટ અસર થાય. એટલે થાય કે આ શું ગરબડ છે ?

દાદાશ્રી : એ ફરી ધોઈ નાખવું જોઈએ, એેટલું જ બસ.

પ્રશ્નકર્તા : બસ એટલું જ ? બીજું મનમાં કાંઈ રાખવાનું નહીં ?

દાદાશ્રી : આ માલ આપણે ભરેલો છે અને જીમ્મેદારી આપણી છે. એટલે આપણે જોયા કરવાનું, ધોવામાં કાચું ના રહી જવું જોઈએ.

પ્રશ્નકર્તા : કપડું ધોવાઈ ગયું કોને કહેવાય ?

દાદાશ્રી : આપણને પોતાને જ ખબર પડે કે મેં ધોઈ નાખ્યું. પ્રતિક્રમણ કરીએ એટલે.

પ્રશ્નકર્તા : મહીં ખેદ રહેવો જોઈએ ?

દાદાશ્રી : ખેદ તો રહેવો જ જોઈએ ને ? ખેદ તો જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી ખેદ તો રહેવો જ જોઈએ. આપણે તો જોયા કરવાનું. ખેદ રાખે છે કે નહીં તે. આપણે આપણું કામ કરવાનું છે, એ એનું કામ કરે.

પ્રશ્નકર્તા : આ બધું ચીકણું બહુ છે. એમાં થોડો થોડો ફરક પડતો જાય છે.

દાદાશ્રી : જેવો ભરેલો દોષ એવો નીકળે. પણ તે બાર વર્ષે કે દસ વર્ષે-પાંચ વર્ષે બધું ખાલી થઈ જશે, ટાંકીઓ બધું સાફ કરી નાખશે. પછી ચોખ્ખું ! પછી મજા કરો !

પ્રશ્નકર્તા : એક વખત બીજ પડી ગયું હોય એટલે રૂપકમાં તો આવે જ ને ?

દાદાશ્રી : બીજ પડી જ જાયને ! એ રૂપકમાં આવવાનું પણ જ્યાં સુધી એનો જામ થયો નથી, ત્યાં સુધી ઓછા-વત્તા થઈ જાય. એટલે મરતાં પહેલાં એ ચોખ્ખો થઈ જાય.

તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએ ને કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે, રવિવારે તું આમ ઉપવાસ કરજે ને આખો દહાડો એ જ વિચાર કરીને, વિચાર કરી કરીને એને ધો ધો કર્યા કરજે. એમ આજ્ઞાપૂર્વક કરે ને, એટલે ઓછું થઈ જાય !

વિષય સંબંધી સામાયિક, પ્રતિક્રમણ...

પ્રશ્નકર્તા : વિષય-વિકાર સંબંધીનું સામાયિક-પ્રતિક્રમણ કરવાનું કેવી રીતે ?

દાદાશ્રી : અત્યાર સુધી ભૂલ થઈ ગઈ હોય તેના પ્રતિક્રમણ કરવાનાં, ભવિષ્યમાં ભૂલ નહીં થાય એવો નિશ્ચય કરવાનો.

પ્રશ્નકર્તા : આપણે સામાયિકમાં તો જે કંઈ દોષ થયા હોય, તે ફરી ફરી દેખાતા હોય તો ?

દાદાશ્રી : દેખાય ત્યાં સુધી એની ક્ષમા માંગવાની, ક્ષમાપના કરવાની, એના પર 'એ' પસ્તાવો કરવાનો, પ્રતિક્રમણ કરવાનું.

પ્રશ્નકર્તા : આ હમણાં સામાયિકમાં બેઠા, આ દેખાયું છતાં ફરી ફરી કેમ આવે છે ?

દાદાશ્રી : એ તો આવેને, મહીં પરમાણુ હોય તો આવે. તેનો આપણને શું વાંધો છે ?

પ્રશ્નકર્તા : આ આવે છે એટલે એમ કે હજી ધોવાયો નથી.

દાદાશ્રી : ના, એ તો માલ હજુ ઘણાં કાળ સુધી રહેશે. હજુય દસ-દસ વરસ સુધી રહેશે, પણ તમારે બધો કાઢવાનો.

પ્રશ્નકર્તા : આ દ્ષ્ટિ જે જતી રહે છે, એનાં માટે શું કરવું ? એટલે આમ ખબર પડે કે આપણે અહીં ઉપયોગ ચૂક્યા, આપણને આ 'સ્ત્રી' છે એ 'સ્ત્રી' જ દેખાવી જ ના જોઈએ ને ?

દાદાશ્રી : સ્ત્રી દેખાય, મહીં વિચાર આવે, તોય એ બધું પ્રતિક્રમણ કરવાનું. તારે ચંદ્રેશને કહેવાનું, પ્રતિક્રમણ કર ! એ કંઈ મોટી વસ્તુ નથી.

વિષયોમાં સુખબુદ્ધિ કોને ?

પ્રશ્નકર્તા : પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ છે, ત્યાં સુધી નિકાલ થાય નહીં ને ?

દાદાશ્રી : જે આત્મા મેં તમને આપ્યો છે, એમાં સુખબુદ્ધિ જરાય નથી. આ સુખ એણે કોઈ દહાડોય ચાખ્યું પણ નથી. એ જે સુખબુદ્ધિ છે, તે અહંકારને છે.

સુખબુદ્ધિ થાય તેનો કંઈ વાંધો નથી. સુખબુદ્ધિ એ વસ્તુ આત્માની નથી, એ પુદ્ગલની વસ્તુ છે. જે કોઈ પણ વસ્તુ તમને આપે, તેમાં તમને સુખબુદ્ધિ ઉત્પન્ન થાય. ફરી એની એ વસ્તુ વધારે આપે, તેમાં દુઃખબુદ્ધિય ઉત્પન્ન થાય. એવું તમે જાણો કે ના જાણો ?

પ્રશ્નકર્તા : હા, કંટાળો આવે પછી.

દાદાશ્રી : માટે એ પુદ્ગલ છે, પૂરણ-ગલનવાળી વસ્તુ છે. એટલે એ કાયમની વસ્તુ નથી, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. સુખબુદ્ધિ એટલે આ કેરી સારી હોય ને તેને ફરી માંગીએ, તેથી કંઈ તેમાં સુખબુદ્ધિ ગણાતી નથી. એ તો દેહનું આકર્ષણ છે.

પ્રશ્નકર્તા : દેહનું ને જીભનું આકર્ષણ બહુ રહ્યા કરે.

દાદાશ્રી : એ આકર્ષણ રહ્યા કરે છે, તેમાં ફક્ત જાગૃતિ રાખવાની છે. અમે તમને જે વાક્ય આપ્યું છેે કે, 'મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું.' એ જાગૃતિ રહેવી જોઈએ અને ખરેખર એક્ઝેક્ટલી એમ જ છે. એ બધું પૂરણ-ગલન છે. તમે આ જાગૃતિ રાખો તો તમને બંધ પડતો નથી !

પ્રશ્નકર્તા : એ ના રહે તો, એ આપણા ચારિત્રનો દોષ છે એમ ગણીએ ?

દાદાશ્રી : એ ક્રમિક માર્ગમાં હોય.

પ્રશ્નકર્તા : પણ એ ચારિત્રમોહને લીધે ઢીલાશ રહે ?

દાદાશ્રી : એ ક્રમિક માર્ગમાં ઢીલાશ કહેવાય. એના માટે તમારે ઉપાય કરવો પડે. આમાં (અક્રમમાં) તમારે ઢીલાશ ના કહેવાય. આમાં તમારે જાગૃતિ જ રાખવાની. અમે જે આત્મા આપેલો છે, એ જાગૃતિ જ છે.

પ્રશ્નકર્તા : જાગૃતિ ના હોય એટલે રાગ થાય ને ?

દાદાશ્રી : ના, એવું નથી ! હવે તમને રાગ થાય જ નહીં. આ થાય છે, તે આકર્ષણ છે.

પ્રશ્નકર્તા : એ નબળાઈ ના ગણાય ?

દાદાશ્રી : ના, નબળાઈ ના ગણાય. એને ને આત્માને કશી લેવાદેવા નથી. ફક્ત તમને પોતાનું સુખ આવવા ના દે. એટલે એક-બે અવતાર વધારે કરાવડાવે. તેનો ઉપાય પણ છે. અહીં આપણે આ બધા સામાયિક કરે છે, તે સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય ! જે જે તમારે ઓગાળી નાખવું હોય તે અહીં ઓગાળી શકાય.

પ્રશ્નકર્તા : એવું કંઈક હોય તો તે કામનું ને ?

દાદાશ્રી : છે. અહીં બધું જ છે. અહીં તમને બધું જ દેખાડશે. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય, તે જ સામાયિકમાં મૂકવાનો અને અહીં દેખાડે એ પ્રમાણે તેને 'જોયા' કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય.

હે ગાંઠો ! અમે નહીં કે તમે નહીં

વિચાર મનમાંથી આવે છે અને મન ગાંઠોનું બનેલું છે. જેના વિચારો વધારે આવે, તે ગાંઠ મોટી હોય ! વસ્તુસ્થિતિમાં વિષયની ગાંઠ જે છે, એ ટાંકણીને જેમ લોહચુંબક આકર્ષે એવું આમાં આકર્ષણ ઊભું થાય છે. પણ આપણને એટલો બધો આત્મા ખ્યાલમાં રહે તો ના અડે. પણ માણસને એવી જાગૃતિ બરાબર રહે નહીં ને ?

પ્રશ્નકર્તા : આ જે બે પાંદડીએ ચૂંટવાનું વિજ્ઞાન છે, કે વિષયની ગાંઠ ફૂટે ત્યારે બે પાંદડે ઉખેડી નાખવું. તો જીતી જવાય ને ?

દાદાશ્રી : હા, પણ વિષય એવી વસ્તુ છે કે જો એમાં એકાગ્રતા થાય તો આત્મા ભૂલે. એટલે આ ગાંઠ આમ નુકસાનકારક છે, તે એટલાં જ માટે કે એ ગાંઠ ફૂટે ત્યારે એકાગ્રતા થઈ જાય છે. એકાગ્રતા થાય એટલે વિષય કહેવાય. એકાગ્રતા થયા વગર વિષય કહેવાય જ નહીં ને ! એ ગાંઠ ફૂટે ત્યારે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ કે વિચાર ઊભો થતાંની સાથે ઉખેડીને ફેંકી દે, તો એને ત્યાં એકાગ્રતા ના થાય. જો એકાગ્રતા નથી તો ત્યાં વિષય જ નથી, તો એ ગાંઠ કહેવાય અને એ ગાંઠ ઓગળશે ત્યારે કામ થશે.

પ્રશ્નકર્તા : એટલે એ ગાંઠ ઓગળી જાય તો પછી પેલો આકર્ષણનો વ્યવહાર જ નથી રહેતો ને ?

દાદાશ્રી : એ વ્યવહાર જ બંધ થઈ જાય. ટાંકણી અને લોહચુંબકનો સંબંધ જ બંધ થઈ જાય. એ સંબંધ જ ના રહે. એ ગાંઠને લીધે આ વ્યવહાર ચાલુ છે ને ! હવે વિષય સ્થૂળ સ્વભાવી છે અને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે એવું ભાન રહેવું બહુ મુશ્કેલ છે, એટલે એકાગ્રતા થયા વગર રહે જ નહીં ને ! એ તો જ્ઞાની પુરુષનું કામ છે, બીજા કોઈનું કામ જ નથી ! બાકી આમાં હાથ ઘાલવો જ નહીં, નહીં તો એ ઊલટું દઝાશે. જ્ઞાની પુરુષ તો તમને ભય ટાળવા બોલે. આખું જગત જે સમજે છે, તેવો આત્મા નથી. આત્મા તો મહાવીર ભગવાને જાણ્યો છે તેવો છે, આ દાદા કહે છે તેવો આત્મા છે.

આ ગાંઠો એ તો આવરણ છે ! એ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ના આવવા દે. આ જ્ઞાન પછી હવે ગાંઠો ધીમે ધીમે ઓગળતી જવાની, કંઈ વધવાની નથી હવે. છતાં કઈ ગાંઠો હેરાન કરે છે, કઈ પજવે છે એટલી જ જોવાની હોય, બધી ગાંઠો જોવાની ના હોય. એ તો જેમ આ માર્કેટમાં શાકભાજી બધી પડી હોય, પણ એમાં કયા શાક ઉપર આપણી દ્ષ્ટિ જા જા કરે છે તેની જ ભાંજગડ, એ ગાંઠ મહીં મોટી છે ! તારે કઈ કઈ ગાંઠ મોટી છે ?

પ્રશ્નકર્તા : વિષયની એક મોટી છે, પછી લોભની આવે, પછી માન-અપમાનની આવે છે. પછી કપટમાં તો, પોતાનો બચાવ-સ્વરક્ષણ કરવા માટે કપટ ઊભું થાય.

દાદાશ્રી : બીજા કશા માટે કપટ નહીં ને ?

પ્રશ્નકર્તા : અપમાનનો ભય હોય કે પોતાની ભૂલ હોય તો.

દાદાશ્રી : હા, પણ એ સિવાય બીજી કોઈ વસ્તુ માટે કપટ નહીં ને ? આ બધી ગાંઠો કપટવાળી જ હોય, તે કપટ કરે તો જ એનું ફળ મળે ! બધી ગાંઠો કપટવાળી હોય.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?

દાદાશ્રી : માનેય કપટ કરે તો મળે, અપમાનેય કપટ કરે તો મળે. વિષય પણ કપટ વગર ના મળે.

વિકારી વિચાર આવે છે ખરાં ?

પ્રશ્નકર્તા : એ ઊભું થાય, હજુ કોઈ વખત ! એ પરિણામો ઊભાંંંં થાય, પણ જેથી કરીને પોતાની ચોંટ એમાં ના હોય કશી. પણ એ શું છે, હજી પરિણામ એવાં થઈ જાય છે તે ?

દાદાશ્રી : કેમ માંસાહારના વિચાર નથી આવતા ? એ શાથી એવું ?

પ્રશ્નકર્તા : એ ગાંઠ નથી.

દાદાશ્રી : એ ગાંઠ નથી, એ માલ જ ભર્યો નથી ને ! પછી એ માલ શી રીતે નીકળે ? જે માલ ભરેલો છે, એ જ માલ નીકળે !

પ્રશ્નકર્તા : આટલું સોલ્યુશન કહ્યું એ વાત તો બરોબર છે, પણ એમાં કચાશ શી છે ? એમાં કચાશ વસ્તુ શું રહી જાય છે ?

દાદાશ્રી : જે માલ ભરેલો છે એ નીકળે છે, એમાં કચાશ કયાં રહી ? કેમ મુસ્લિમ ડીશો યાદ નથી આવતી ? અને આ યાદ આવે છે, તે શું છે ? કારણ કે આ માલ ભરેલો છે.

એટલે હવે આપણને ગાંઠો ફૂટે તેનો વાંધો નથી. ગાંઠને તો કહીએ, 'જેટલી ફૂટવી હોય તેટલી ફૂટ, તું જ્ઞેય છે ને અમે જ્ઞાતા છીએ.' એટલે ઉકેલ આવે. જેટલું ફૂટી ગયું એટલું ફરી નહીં આવે. હવે નવું જે ફૂટે છે, પણ તે ગાંઠ વધતી બંધ થઈ ગઈ. નહીં તો એ ગાંઠો તો આવડી સૂરણ જેવડી મોટી હોય. માનની ગાંઠો કેટલાકને તો તે કલાકમાં ચાર જગ્યાએ ફૂટે. આ જ્ઞાન મળ્યા પછી ગાંઠો બધી તૂટવા માંડે, નહીં તો ગાંઠ તૂટે નહીં. આ જ્ઞાન મળ્યું ના હોય ત્યાં સુધી ગાંઠો દહાડે દહાડે વધતી જ જાય ! આત્મા પ્રાપ્ત થયો એટલે નિર્વિષયી થયો, પછી આપણે એ ગાંઠોનો નિકાલ કર્યા કરવાનો. તમને અમે કેમ વઢતા નથી ? અમે જાણીએ છીએ કે ગાંઠો છે, એનો તો નિકાલ કરશે ને ! જે ગાંઠ છે તે ફૂટયા વગર રહેવાની છે ? જેની ગાંઠો નથી, તે ગાંઠો કંઈ ફૂટવાની નથી. અમને ગાંઠો ના હોય. અમને લગ્નમાં લઈ જાવ ને તોય અમે તે રૂપે હોઈએ, અહીં બોલાવો તોય તે રૂપે હોઈએ. કારણ કે અમે નિર્ગ્રંથ થયેલા. વિચાર આવે ને જાય. કોઈ વખત કશો વિચાર આવે ને ઊભો રહે ત્યારે એ ગાંઠ કહેવાય છે.

એટલે આવું છે આ બધું ! છેવટે નિર્ગ્રંથ થવાનું છે અને આ ભવમાં નિર્ગ્રંથ થવાય એવું છે. આપણું આ જ્ઞાન નિર્ગ્રંથ બનાવે એવું છે. જે થોડી ગાંઠો રહી હશે તેનો આવતા ભવમાં નિકાલ થશે, પણ બધી ગ્રંથીઓનો ઉકેલ થાય એવો છે !

વિષય બીજ નિર્મૂળ શુદ્ધ ઉપયોગે

વિષયના વિચારો જેને ના ગમતા હોય ને તેનાથી છૂટવું હોય તેણે આ સામાયિકથી, શુદ્ધ ઉપયોગથી ઓગાળી શકાય તેમ છે. આ 'જ્ઞાન' પછી જેને વહેલો ઉકેલ લાવવો હોય તેણે આવું કરવું. બધાને કંઈ આની જરૂર નથી.

પ્રશ્નકર્તા : છતાં આને પહોંચી વળાય એવું લાગતું નથી.

દાદાશ્રી : એવું કશું જ નથી. એક રાજીપો અને બીજું સિન્સિયારિટી, આ બે જ હોય તો બધું જ પ્રાપ્ત થાય એવું છે. બાકી આમાં મહેનત કરવાની કશી હોતી જ નથી.

પ્રશ્નકર્તા : આ સવારની સામાયિક કરીએ છીએ, તો એમાં પચાસ મિનિટ પછી તો સુખનો ઊભરો આવે છે.

દાદાશ્રી : આવે જ ને ! કારણ કે તમે આત્મસ્વરૂપ થઈને સામાયિક કરો એટલે આનંદ આવે જ ને ! આત્મા અચળ છે.

હવે કેટલાક આ સામાયિક દહાડામાં બબ્બે-ત્રણ ત્રણ વખત કરે છે. કારણ કે સ્વાદ ચાખ્યોને ! આ વીતરાગી જ્ઞાન મળ્યા પછી એનો સ્વાદેય ઓર હોય, પછી કોણ છોડે ? પેલી બહારની બીજા લોકોની સામાયિકમાં તો બધું હાંકવાનું અને આ તો કોઈને હાંકવાનું કરવાનું નહીં અને જોયા જ કરવાનું, જ્ઞાતા-દ્રષ્ટા. તેય પાછું બે ફાયદા થવાના ! એક તો પોતાને સામાયિકનું ફળ મળે, એટલે શું ? કે આ બધું અચળ થાય ત્યારે આત્માનો સ્વભાવ માલૂમ પડે, એટલે સુખ ઉત્પન્ન થાય. આ ચંચળ ભાગ છે તે અચળ થાય એટલે આત્માનું સ્વાભાવિક સુખ ઉત્પન્ન થાય. આ ચંચળતાને લઈને એ સુખ પ્લસ-માઈનસ થઈ જાય છે. બીજું એક કે પોતાના દોષ હોય, તેને જ્ઞાતા-દ્રષ્ટા તરીકે જોયા કરીએ એટલે દોષ ઓગળ્યા કરે. એટલે બે લાભ થાય.

સામાયિકમાં તો પોતાનો જે દોષ હોય, તેને જ મૂકી દેવાનો ! અહંકાર હોય તો અહંકાર મૂકી દેવાનો, વિષયરસ હોય તો વિષયરસને મૂકી દેવાનો, લોભ-લાલચ હોય તો તેને મૂકી દેવાનું, એ ગાંઠોને સામાયિકમાં મૂકી દીધી અને એ ગાંઠ ઉપર જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે એ ઓગળે. બીજા કોઈ રસ્તે આ ગાંઠો ઓગળે એવી નથી. એટલું આ સામાયિક સહેલું, સરળ ને બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે ! અહીં એક ફેરો સામાયિક કરી જાય ને પછી ઘરેય થઈ શકે ! અહીં બધા જોડે બેસીને કરવાથી શું થાય કે બધાના પ્રભાવ પડે ને એકદમ પદ્ધતિસરનું સરસ થઈ જાય. પછી આપણે ઘેર કરીએ તો ચાલ્યા કરે.

વિષયની ગાંઠ મોટી હોય છે, તેના નિકાલની બહુ જ જરૂર, તે કુદરતી રીતે આપણે અહીં આ સામાયિક ઊભું થઈ ગયું છે ! સામાયિક ગોઠવો, સામાયિકથી બધું ઓગળે ! કંઈક કરવું તો પડશે ને ? દાદા છે ત્યાં સુધીમાં બધો રોગ કાઢવો પડશે ને ? એકાદ ગાંઠ જ ભારે હોય, પણ જે રોગ છે તે તો કાઢવો જ પડશે ને ? એ રોગથી જ અનંત અવતાર ભટકયા છે ને ? આ સામાયિક તો શાને માટે છે કે વિષયભાવનું બીજ હજુ સુધી ગયું નથી અને એ બીજમાંથી જ ચાર્જ થાય છે, એ વિષયભાવનું બીજ જવા માટે આ સામાયિક છે.

આપણે વિષયો જોઈતા ના હોય, પણ વિષયો છોડે નહીં ને ? આપણે ખાડામાં ના પડવું હોય છતાં પડી જવાયું તો શું કરવું જોઈએ ? તરત જ દાદા પાસે એક કલાક માગણી કરવી કે, 'દાદા, મને બ્રહ્મચર્યની શક્તિ આપો.' એટલે શક્તિ મળી જાય ને પ્રતિક્રમણ પણ થઈ જાય. પછી એની 'વરીઝ'(ચિંતા) મગજમાં નહીં રાખી મૂકવાની. ખાડામાં પડ્યો કે તરત જ સામાયિક કરી ધોઈ નાખવાનું. સામાયિક એટલે હાથ-પગ ધોઈને, કપડાં ધોઈ સૂકવીને, ઘડી કરીને ચોખ્ખાં થઈ જવું. તરત સામાયિક ના થાય તો બે-ચાર કલાક પછી પણ કરી લેવું, પણ લક્ષમાં રાખવાનું કે સામાયિક કરવાનું રહ્યું છે.

ભગવાને એમ નથી કહ્યું કે, 'તું ખાડામાં ના પડીશ.' ભગવાને તો એવું કહેલું કે, 'ખાડામાં પડવા જેવું નથી, સીધા રોડ ઉપર ચાલવા જેવું છે.' એવો અભિપ્રાય આપ્યો હતો. પછી કોઈ કહે કે, 'તમે ના કહ્યું છે ને મારાથી પડી જવાયું તો શું કરવું ?' ત્યારે ભગવાન કહે, 'પડી જવાયું તેનો વાંધો નથી, પડી જવાય તે તું ધોઈ નાખજે અને અત્યારે ઈસ્ત્રીબંધ કપડાં પહેરી લે.' એક કલાક સામાયિક કરી લીધું એટલે કશોય બાધ નહીં. કિંચિત્માત્ર બાધ હોય તો મારે માથે જોખમદારી, પછી આવડાં નાના ખાડામાં પડે કે આવડાં મોટા ખાડામાં પડે, પણ ડૂબાશે નહીં !!! જગત આખું વગર ખાડે ડૂબી રહ્યું છે, ઢાંકણીમાં ડૂબી જાય છે

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21