ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૧૬]

લપસનારાંઓને, ઊઠાડી દોડાવે

માથે રાખો જ્ઞાનીને, ઠેઠ સુધી

પંદર વર્ષ જેલમાં ઘાલ્યા હોય તો શું કરીશ ? 'દાદાની જેલમાં જ છું', કહીએ. કંઈ શૂરાતન રાખને ! શૂરાતન ! એક અવતાર. મોક્ષે જવું છે આ તો. બાકી બધે ભાંગફોડો આની આ જ ચાલી છે ને ! 'આમાં શું સુખ છે' અને આ એક વાડ તું ઓળંગીશ, આ મારા કહ્યા પ્રમાણે, પછી છૂટો થઈ જઈશ. એક જ વાડ ઓળંગવાની જરૂર છે. દાદા હાજર રહે છે કે નહીં રહેતા તને ? તારે પછી દાદા હાજર રહે છે, પછી આપણને શું દુઃખ ? બળ્યા, આમાં તે ક્યાં એવાં સુખ હતા, આટલું બધું પકડાઈ ગયો છું ! દાદા તો બધી રીતે રક્ષા કરે એવાં છે આ, આ આમનો મૂળ આડાઈનો સ્વભાવ છે ને, તે છૂટતો નથી ને ! સ્વપ્નામાં આવે, ત્યારથી કલ્યાણ થઈ ગયું. સ્વપ્નામાં એમ ને એમ તો કોઈ વસ્તુ આવે કે ! એટલે આ દુનિયાનું જે થવાનું હોય તે થાય, પણ આ દાદાને છોડવાનાં નહીં અને દાદાની આજ્ઞા આ એક પાળી દેવાની અને વશ થઈ જશે બધું. અને નહીં તો તારે પૈણવું હો તો કહેને, વાંધો નહીં. કરી આપીશ પછી રસ્તો.

આજ્ઞામાં ના રહેવાય, તેથી અમે કંઈ ઓછા જેલમાં કોઈને ઘાલીએ ? નહીં તો એવું જો જેલમાં ઘાલી દેવાના થાય તો, અમારે કેટલાં જણને જેલમાં ઘાલી દેવા પડે ? બધાંને ઘાલી દેવાં પડે.

તમારે તો 'લપસી પડવું નથી', એવું નક્કી કરવાનું ને લપસી પડ્યા તો પછી મારે માફ કરવાનું. તમારું મહીં વખતે બગડવા માંડે કે તરત મને જણાવો. એટલે એનો કંઈક ઉકેલ આવે ! કંઈ એકદમ ઓછું સુધરી જ જવાનું છે ? બગડવાનો સંભવ ખરો ! આ દરેક નવાં મકાન બાંધે, તો એમાં ડિફેક્ટ નીકળે કે ના નીકળે ? મારા જેવાંને કશું કામ કરવાનું હોય નહીં, એટલે ભૂલ કાઢવાની હોય કશી ? જે બધાં કંઈક કામ કરે એમની ભૂલ નીકળે. ખરાબમાં ખરાબ કામ થઈ ગયું હોય તો આપણે 'દાદાજી'ને કહી દઈએ, તો મન જાણે કે, 'આ તો ભોળો છે, તે બધું કહી દે છે. માટે હવે ફરી આપણે કરવું નથી. આની જોડે આપણને પોષાય નહીં.' એટલે મન પછી છટકબારી ખોળે નહીં. પહેલાં તો હું જે થયું હોય તે 'ઓપન' કરી દેતો. એટલે મનને શું થાય મહીં ? મૂંઝાયા કરે, અને નક્કી કરે કે ફરી આપણે આવું કરવું નથી.

પ્રશ્નકર્તા : 'આ તો આપણી જ આબરૂ બહાર પડે છે' તેમ કહીને પછી મન ચૂપ થઈ જાય.

દાદાશ્રી : હા, મન સમજી જાય કે આ તો 'આપણી આબરૂ ઉઘાડી કરી નાખે છે'. બહારના લોકો તો, એવું જાણે કે પોતાની આબરૂ જાય છે; જ્યારે આપણે જાણીએ કે આ તો મનની આબરૂ જાય છે ! જે કરે, એની આબરૂ જાય. 'આપણી' શાની આબરૂ જાય ? આવું કહી દઈએ તો મન ટાઢું પડી જાય કે ના પડી જાય ? હંમેશાં અમારી આપેલી આજ્ઞામાં જ રહેવું સારું. પોતાના લેવલ ઉપર લીધું, તે સ્વચ્છંદ ઉપર લઈ જાય છે. આ સ્વચ્છંદે જ લોકોને પાડી નાખેલા ને ! તેથી જ આ અમે આજ્ઞા આપીએ છીએ ને ?! સ્વચ્છંદ એ મોટામાં મોટો રોગ કહેવાય કે 'હવે મને કંઈ જ વાંધા જેવું નથી.' એ જ વિષ છે !

જાણો ગુનાના ફળને પ્રથમ

પ્રશ્નકર્તા : 'આ કાર્ય ખોટું છે, એ નથી કરવા જેવું.' એ આપણને ખબર છે, એમ છતાં પણ એ થઈ જાય છે. તો એને અટકાવવા માટે શું પ્રયત્ન કરવો ? શું પુરુષાર્થ કરવો ?

દાદાશ્રી : એવું છે ને, જે ગુનાનું શું ફળ છે એ જાણીએ નહીં, ત્યાં સુધી એ ગુના થયા કરે છે. કૂવામાં કેમ કોઈ પડતું નથી ? આ વકીલો ગુના ઓછા કરે છે, શાથી ? આ ગુનાનું આ ફળ મળશે, એવું એ જાણે છે. માટે ગુનાનું ફળ જાણવું જોઈએ. પહેલાં તપાસ કરવી જોઈએ કે, ગુનાનું ફળ શું મળશે ? 'આ ખોટું કરું છું, એનું ફળ શું મળશે ?' એ તપાસ કરી લાવવી જોઈએ.

આ દુનિયાનો એવો નિયમ છે કે ગુનાના ફળને પૂરું જાણતા હોય તો, એ ગુનો કરે જ નહીં ! ગુનો કરે છે એટલે એ ગુનાના ફળને પૂરું જાણતો નથી ! આ અમે નર્કનું ફળ જાણીએ છીએ, એટલે અમે તો કોઈ દહાડોય નર્કનું ફળ આવે એવી વાત તો, આ શરીર તૂટી જાય તોય ના કરીએ. તમે નર્કનું સ્વરૂપ સાંભળ્યું, તો તમને કેવું લાગે હવે ? માટે કર્મનું ફળ શું ? એ જાણવાનું. કારણ કે ગુનો થાય છે તો હજુ 'એનું ફળ શું ?' એ જાણ્યું જ નથી. માટે પ્રકૃતિ કેવી બાબતમાં ખોટું કરે છે, એ કો'કને પૂછવું જોઈએ. જ્ઞાની પુરુષ હોય તેને પૂછવું જોઈએ કે, 'હવે મારે આ જગ્યાએ શું કરવું ?' અને તે ઉપરાંત એ પ્રકૃતિથી થઈ જાય તો માફી માગવી જોઈએ ! જે પ્રકૃતિ આપણને પસ્તાવો કરાવડાવે, એ પ્રકૃતિનો વિશ્વાસ જ કેવી રીતે કરાય ?

પ્રશ્નકર્તા : પ્રગતિમાં રૂંધનારા અંતરાયોમાંથી કેવી રીતે નીકળાય ?

દાદાશ્રી : એ બધું નીકળી જશે, કૃપાથી બધું જ નીકળી જશે. કૃપા એટલે દાદાજીને રાજી રાખવા તે. દાદા આપણી પાછળ જે માથાકૂટ કરે છે, એનું ફળ સારું આવે, ટકા સારા આવે એટલે દાદા રાજી ! બીજું શું દાદાને જોઈએ ?! દાદા કંઈ પેંડા ખાવા માટે આવ્યા નથી ! છતાંય પેંડા ધરવાના ને પ્રસાદ મૂકવાનો ! એય વ્યવહાર છે ને ?!

ધંધામાં ખૂંપ્યા કે ખોયા ખુદા

આ તો પોતાની જાતે ખોટેખોટો સંતોષ લઈને દહાડા ચલાવે ! અને એનું રીઝલ્ટેય આવ્યા વગર રહે નહીં ને ! ગમે તેટલું કહેશે, 'હું વાંચું છું, હું વાંચું છું.' પણ છ મહિને એનું રીઝલ્ટ તો આવે જ ને ? ત્યારે પોલ ખબર પડી જાય ને ?! તને સમજાય છે આ બધું ? કૉલેજમાં બેઠા પછી પાસ તો થવું પડે ને ? જે ધંધો માંડ્યો છે, એ પૂરેપૂરો કરવો તો જોઈએ ને ? 'પૈણવું છે' તો એમ નક્કી રાખવાનું અને 'બ્રહ્મચર્ય પાળવું છે' તો એ નક્કી રાખવું. બ્રહ્મચર્ય પાળવું હોય તો પછી નિશ્ચય પૂરેપૂરો હોવો જોઈએ ને ? આ તો ધંધા પર દુકાનનું કરવા જઈએ ને પાછું ફૂટબોલેય રમવા જઈએ, બોલ-બેટેય રમવા જઈએ, તો એમાં કંઈ ભલીવાર થતો હશે ? ભલીવાર લાવવો છે, ત્યારે રસ્તો તો કાઢવો પડે ને ? કે આવું ચાલે ? પોલંપોલ ચાલે ?!

પ્રશ્નકર્તા : ના ચાલે.

દાદાશ્રી : બાકી લોકોનાં ટોળાં જાય છે, એવું ટોળામાં રહીએ એ હિસાબે સારું છે ! એમાં પછી આપણે ક્યાં લક્ષ રાખવું પડે કે, 'કોણ આગળ જાય છે ? શાથી એ આગળ જાય છે ? હું શાથી આટલો બધો પાછળ રહી ગયો ?' બાકી, મોક્ષમાર્ગમાં તો નિરંતર જાગૃત રહેવું પડે કે 'મારી શી ભૂલ રહી જાય છે ?' એવી તપાસ તો કરવી જ પડે ને ! બાકી, સંસારની તો ઇચ્છા કરવા જેવી જ નથી. સંસાર તો સહજ સ્વભાવે ચાલ્યા કરે એવો છે. હવે આટલાં વખતથી મહેનત કરી છે, એમાં મારોય આટલો બધો ટાઈમ ગયો છે, તારેય કેટલો ટાઈમ ગયો છે. માટે મને કંઈક સંતોષ થાય એવું કર. અહીં આ બધા છોકરા છે, તે કેવું સુંદર બધાને આખો દહાડો વર્તે છે ! અહીં તો જે ચોંટી પડ્યો ને વળગી પડ્યો, તેનું ચાલ્યા કરે ! એ ચોંટેલું ઊખડે નહીં ત્યાં સુધી તારે સારું ચાલ્યા કરશે. હવે ક્યારે પાછું ઊખડી જઈશ ?

પ્રશ્નકર્તા : હવે નહીં ઊખડું.

દાદાશ્રી : ત્યારે ખરું ! એવો ચોંટી પડે તો જ ચાલે. કારણ કે અહીં જે ચોંટી રહ્યો, એને કૃપા કામ કર્યા વગર રહે નહીં એવો આ કરુણામય માર્ગ છે. કેવો માર્ગ છે ? પોતાનું બગાડીનેય પણ કરુણામય માર્ગ છે. પોતાની કમાણી ઓછી ભલે થાય, પણ એને સાચવીને, એની કમાણી શરૂ કરાવીને, દુકાન ફરી ચાલુ કરી દેવડાવી આપે. આ સંસારમાંય કોઈ ભાઈબંધ હોય, ઓળખાણવાળો હોય, તે એનું ના ચાલતું હોય તો આમતેમ કરીને ચાલુ કરાવી દે. વ્યવહારમાંય રાગે પડાવી દે ! એવું કરાવી દે છે ને ?

અત્યારે તો તું ભણું છું, કૉલેજ પૂરી થઈ નથી. એટલે અત્યારે બધા હિસાબ કાઢું તો ચાલશે અને અત્યારે કરી લીધું હોય તો તે વખતે કામ લાગે. પછી કૉલેજ પૂરી થાય પછી તો ઑફિસ લઈને બેસીશ અને ઑફિસમાં એક મિનિટની નવરાશ નહીં મળે. આપણે જાણીએ કે હજી તો બહુ ટાઈમ છે ને પછી આ પૂરું કરી લઈશું ! પણ આ કાળમાં ધંધા બધા એવાં છે કે એક મિનિટ નવરાશ મળે નહીં અને આખો દહાડો મગજમારી, ભલે પૈસા કમાતો હોય પણ અહીંનું કામ કશું થાય નહીં. અત્યારે કર્યું હોય તો તે ઘડીએ ત્યાં બેઠાં બેઠાં બધો ખ્યાલ રહેશે, તે કંઈકેય થોડું થશે. આ તો દાદા યે ફરી ભેગા થાય નહીં એવાં બધાં કામકાજ ! અત્યારે આ બધું તમારે લક્ષમાં ના હોય ને ? આમાંનું તો કશું ભાનેય ના હોય ને ? આ તો કુદરત ચલાવે એમ ચાલે છે. પોતાની જાગૃતિનો એક અંશેય નહીં. આપણે ત્યાં ઘણાં ઑફિસરો દર્શન કરી ગયેલા. કહેય ખરાં કે આ જ કરવા જેવું છે, પણ કરે શી રીતે ? ધંધો એ તો એક પ્રકારની જેલ છે. એ જેલમાં બેસીને પૈસા કમાવવા. એટલે હવે તારે શું કરવું જોઈએ ? તારે ધંધો ચાલુ થયા પછી એક મિનિટનોય ટાઈમ નહીં મળે.

પ્રશ્નકર્તા : પહેલાં કામ કાઢી લેવું પડે.

દાદાશ્રી : હા, પહેલાં કામ કાઢી લેવું પડે, એટલે આ યાદ રાખજે. એટલાં માટે તને આ તારણ કાઢી આપ્યું છે. પછી ફરી ફરી અમે કહેવા આવીએ નહીં. અમે તો પૂરેપૂરી સમજણ પાડી છૂટીએ કે તમારું અહિત ના થાય. આ તો આજે ભેગો થયો અને ઇચ્છાય છે એવું આપણે જાણીએ, પણ મોહનો માર્યો પેલો નિશ્ચય થાય નહીં ને ? નિશ્ચય રહે નહીં. અમે એક-એક એવાં નિશ્ચય જોયા છે કે પરસેન્ટ ટુ પરસેન્ટ કરેક્ટ. જ્યારે જુઓ ત્યારે કરેક્ટ. એટલે જેટલું થાય એટલું કરી લેવું ! તને ખબર છે ને, આ ઑફિસ એવો ધંધો છે ?

પ્રશ્નકર્તા : એવો ધંધાનો બહુ મોટો વિચાર કર્યો નહોતો.

દાદાશ્રી : પણ એ તો થઈ જ જવાનું અને મોટી ઑફિસો તે મોટું કામકાજ ના કરે તો ખર્ચોય ના નીકળે. નોકરી કરું તો ઠીક છે, તોય તને કંઈક અવકાશ મળે. કેટલાંક તો એવાં પુણ્યશાળી હોય છે કે ધંધા સંબંધી કંઈ બોધરેશન જ નહીં. હે... ય... આખો દહાડો ધંધા એની મેળે ચાલ્યા કરે, એ પુણ્યૈ કહેવાય. હવે બધું તારું રાગે પડી જશે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બહુ પગથિયાં પડી જાય પછી કોણ પકડી રાખે ? પહેલાં તો એક પગથિયું પડે પછી બીજાં બે થાય, ચાર થાય, બાર થાય, એમ વધતાં જાય ! હવે આ ગાડી ક્યાં અટકે ? પછી એને કોણ ઊભી રાખે ને પાછું કોણ પકડે ? આટલે ઊંચે હતો, ઊંચી દશામાં હતો ત્યારે સીધો ના રહ્યો, તે હવે પડ્યા પછી શું રહે ? લપસ્યો એ લપસ્યો ! મહીં ભરપટ્ટે સુખ પડ્યું છે ! યાદ કરતાં જ મળે એવું મહીં નર્યું સુખ હોય છે ! જ્યાં સાંકળ ખેંચો ત્યાં ગાડી ઊભી રહે, એટલી બધી પોતાની શક્તિઓ છે ! પણ જ્યાં લપટું પડ્યું ત્યાં શું થાય ? તને દાદાનું નિદિધ્યાસન રહે છે કે ?

પ્રશ્નકર્તા : આ બે દિવસથી તો રહે છે.

દાદાશ્રી : જેને દાદાનું નિદિધ્યાસન રહે, તેને બધાં જ તાળાં ઊઘડી જાય. દાદા જોડે અભેદતા એ જ નિદિધ્યાસન છે !!! બહુ પુણ્ય હોય ત્યારે એવું જાગે, અને 'જ્ઞાની'ના નિદિધ્યાસનનું સાક્ષાત્ ફળ મળે છે. એ નિદિધ્યાસન, પોતાની શક્તિ એ પ્રમાણે કરી આપે, તે રૂપ કરી આપે. કારણ કે 'જ્ઞાની'નું અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે, એટલે તે રૂપ કરી નાખે. 'જ્ઞાની'નું નિદિધ્યાસન નિરાલંબ બનાવે. પછી 'આજે સત્સંગ થયો નહીં, આજે દર્શન થયાં નહીં.' એવું કશું એને ના રહે. જ્ઞાન પોતે નિરાલંબ છે, એવું પોતે નિરાલંબ થઈ જવું પડે, 'જ્ઞાની'ના નિદિધ્યાસનથી.

એક ધ્યેય, એક જ ભાવ

આપણે આંગણામાં ઝાડ ઉછેર્યું હોય, રોજ ખાતર-પાણી નાખીએ ને હવે કન્સ્ટ્રકશનવાળાનો ઓર્ડર મળે કે આ ઝાડને કાપી નાખો ને ત્યાં આગળ પાયા ખોદવા માંડો તો ? અલ્યા, તે આ છોડવો ઉછેર્યો'તો શું કરવા ? જો ઉછેરીશ તો કાપીશ નહીં, તો પેલાને કહી દે કે કન્સ્ટ્રકશનવાળાએ મકાનની જગ્યા બદલવી જોઈએ. આપણે જેને જાતે ઉછેરીએ અને એને પછી આપણે કાપીએ તો શું થયું કહેવાય ? પોતાના છોકરાની હિંસા કર્યા બરાબર છે. પણ આપણા લોક કશું સમજતાં નથી ને કહેશે, 'કાપી નાખો ને !' મેં કોઈ વખત આ ભૂલ કરી નથી. અમને તો તરત વિચાર આવે કે જો ઉછેર્યું છે તો કાપીશ નહીં ને કાપવાનું હોય તો ઉછેરીશ નહીં.

જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, એને જગતમાં કોણ આંતરી શકે ? કોઈ શક્તિ નથી કે એને આંતરી શકે. આખા બ્રહ્માંડના સર્વ દેવલોકો એની પર ફૂલ વરસાવી રહ્યાં છે. એટલે એ એક ધ્યેય નક્કી કરો ને ! જ્યારથી આ નક્કી કરો ત્યારથી જ આ શરીરની જરૂરિયાતની ચિંતા કરવાની રહેતી નથી. જ્યાં સુધી સંસારીભાવ છે ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા કરવી પડે. જુઓને, આ 'દાદા'ને કેવી જાહોજલાલી છે ! આ એક જ પ્રકારની ઇચ્છા રહે તો પછી એનો ઉકેલ આવી ગયો. અને દેવસત્તા તમારી જોડે છે. આ દેવો તો સત્તાધીશ છે, એ નિરંતર હેલ્પ આપે એવી એમને સત્તા છે. આવાં એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! બીજો કોઈ ધ્યેય નહીં, અદબદવાળો નહીં ! અડચણમાં એક જ ધ્યેય ને ઊંઘમાં પણ એક જ ધ્યેય !!

જે વાટે વહ્યા, વધાવ્યા તે જ વાટે

'દાદા' જે રસ્તે ગયા છે, એ જ રસ્તો તમને બતાવ્યો છે. એ જ રસ્તે 'દાદા' તમારાથી આગળ છે. કંઈ રસ્તો જડશે કે નહીં જડે ?

પ્રશ્નકર્તા : જડશે.

દાદાશ્રી : સો ટકા ? નક્કી ?

પ્રશ્નકર્તા : હા, સો એ સો ટકા નક્કી !

દાદાશ્રી : 'દાદા' તો બધા રોગ કાઢવા આવ્યા છે. કારણ કે 'દાદા' સંપૂર્ણ નીરોગી પુરુષ છે. એમનાં આધારે જે રોગ કાઢવા હોય, તે જતા રહેશે. એમનામાં કોઈ પણ રોગ નથી, સંસારનો એક પણ રોગ એમનામાં નથી. એટલે જે જે રોગ તમારે કાઢવા હોય તે નીકળી જશે.

એટલાં માટે અમે તમને કહીએ છીએ કે પછી પોતાની મેળે તમે પોલ મારશો તો તમને માર પડશે. અમે તમને ચેતવી દઈએ. અત્યારે રોગ નીકળશે, પછી નહીં નીકળે. જો મારામાં સહેજ પણ પોલ હોત તો તમારો રોગ ના નીકળે. હિંમત આવે છે કાંઈ ?

પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી હિંમત આવે છે.

દાદાશ્રી : 'દાદા'ની આજ્ઞા તમારે નથી પળાતી બરોબર ? આપણો આજ્ઞા પાળવાનો ધર્મ છે. પછી જે માલ નીકળે તેને, આપણે શી લેવાદેવા ? કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતો હોય અને કંઈક લહેરમાં પડી ગયો ને નાપાસ થયો, તો આખું વર્ષ ઉદાસીન રહ્યા કરે તો શો ફાયદો થાય ? બીજી સાલ શું થાય ? પહેલે નંબરે પાસ થાય ? આવું ડીપ્રેશન થાય તો સાત વર્ષ સુધી એ પાસ ના થાય. એટલે આપણે નાપાસ થયા, એ ભૂલી જવાનું અને નવેસરથી ને નવી રીતે ફરી તૈયારી કરવાની. જે કર્મ થઈ ગયાં છે, તેને મેલોને પૂળો ! એકનો એક છોકરો મરી જાય તો કાયમ રડવાનું ? મેર ચક્કર, બે દહાડા રડવું હોય તો રડ ને પછી બજારમાં કુલ્ફી ખા. એટલે આપણે નાપાસ થયા તો નવેસરથી વાંચવાનું શરૂ કરી દેવાનું, પેલું બધું ભૂલી જવાનું. એટલે નવેસરથી આપણે આજ્ઞામાં રહો બરોબર ! આપણે કહીએ, 'ચંદ્રેશ, આ તો બહુ ઊંધું કર્યું.' આટલું આપણે કહી દેવું, બસ. પછી પાછું આપણે આજ્ઞામાં જ રહેવું. પછી આપણે શા માટે ચૂકીએ ? અને 'ચંદ્રેશ' તો આપણો પાડોશી છે ને ? ફર્સ્ટ નેબર, ફાઈલ નંબર વન છે ને ? અને નાદારી યે ચંદ્રેશની ગઈ ને ? 'તારી' તો નાદારી નથી ને ? કે બેઉએ સાથે નાદારી કાઢી છે ? ચંદ્રેશ નાદાર થઈ જાય, તેમાં આપણે શી લેવાદેવા ? પણ અમે આ કહ

ીએ છીએ, તે તમને પાછાં ફરવા માટે. પછી એનો દુરુપયોગ ના થવો જોઈએ કે દાદાજી એમ કહેતા હતા કે નાદારીનો વાંધો નથી. આ તો અહીંથી બચાવવા જાય તો આમ લપસી પડે, તો આનો ક્યાં પાર આવે ? આપણે કહી દેવું, 'ચંદ્રેશ નાદાર થઈ ગયો છે, હવે ફરી નાદાર ના થઈશ !' તમને કહ્યું છેને, ફાઈલ નંબર વન, ફર્સ્ટ નેબર છે. તો આપણે આજ્ઞામાં રહેવું એ જ ધર્મ છે.

'દાદા' કહેતાં જ દાદા હાજર

પ્રશ્નકર્તા : આપની હાજરીમાં આ બધું એકદમ ચોખ્ખું થઈ જાય એવા બધાંને આર્શીવાદ આપજો.

દાદાશ્રી : આશીર્વાદ અમે એવાં આપીએ છીએ. પણ આ તો ચોખ્ખું કરે તો ને !

પ્રશ્નકર્તા : ચોખ્ખું કરી નાખીશું.

આપણે તો આપણું કામ કાઢી લેવાનું છે. આની પૂર્ણાહુતિ માટે જ શરીર ઘસી નાખવાનું છે ! જો આ કર્મો ખપાવેલાં હોત ને આ જ્ઞાન મળે તો એક કલાકમાં જ એનું કામ પૂર્ણ થઈ જાય. પણ આ તો કર્મ ખપાવેલાં નથી, રસ્તે જતાંને જ્ઞાન આપ્યું છે ! એટલે મહીં કર્મના ઉદય ફરે છે ત્યારે બુદ્ધિનું અજવાળું ફેરવી દે છે, તે ઘડીએ ગૂંચાય. હવે ગૂંચાય ત્યારે 'દાદા' 'દાદા' કર્યા કરવું ને કહીએ, 'આ લશ્કર ગૂંચવવા આવ્યું છે.' કારણ કે હજુ એવાં ગૂંચવનારા મહીં બેઠા છે, માટે ચેતતા રહેજો. ને તે વખતે 'જ્ઞાની પુરુષ'નો આશરો જબરજસ્ત રાખજો. મુશ્કેલી તો કઈ ઘડીએ આવે, તે કહેવાય નહીં ! પણ તે ઘડીએ 'દાદા'ની સહાય માગજો, સાંકળ ખેંચજો તો 'દાદા' હાજર થઈ જશે !

હવે તો એક પળ ગુમાવવા જેવી નથી. આવો અવસર ફરી ફરી નહીં આવે, એટલે કામ કાઢી લેવું જોઈએ. એટલે અહીં જો જાગૃતિ રાખી તો બધાં કર્મો ભસ્મીભૂત પામશે ને એક અવતારી થઈને મોક્ષે ચાલ્યો જઈશ. મોક્ષ તો સરળ છે, સહજ છે, સુગમ છે.

ધ્યેયીને ધરે હાથ દાદા સદા

હું તમને હેલ્પ કરું છું, બાકી ડિસીઝન તમારે લેવાનું. તમારે બધાંએ ફાધર-મધર અને છોકરાંઓએ સમાધાનકારક થઈને ડિસીઝન લેવાનું. તમારે બધાંને સમાધાનકારક આવે એવું તમે ડિસીઝન લો, પછી અમે હેલ્પ કરીએ. તમે જે લાઈનમાં હો, એ લાઈનમાં હેલ્પ કરીએ. એક પૈણ્યા હોય તોય અમને વાંધો નથી અને ના પૈણો તોય વાંધો નથી. પણ તમારું બધાનું ડિસીઝન સમાધાનપૂર્વકનું હોવું જોઈએ. નહીં તો પછી બધાંની અમારા તરફની બૂમ આવે અને જે માણસને અમારા માટે બૂમ આવે, તો એ માણસને અમારા માટે અભાવ આવે તો એનું અવળું થાય. એટલાં માટે હું આ કશામાં પડતો નથી. સામાનું અવળું થાય, એમાં જવાબદારી મારી છે. મારા પર સહેજ અભાવ આવે તો એને શું થાય ? એટલે અમે અમુક કાયદેસર જ રાખીએ. કાયદેસરની બહાર અમે પડીએ નહીં. કાયદાની બહાર અમે ચાલીએ નહીં. એનાં જે લૉ એ લૉ, એમાં જ રહેવું પડે.

મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ; બધું દાદાને અર્પણ કરીને 'હું અનંત શક્તિવાળો છું, હું અનંત બ્રહ્મચર્ય શક્તિવાળો છું' એવું બધું આપણે બોલાય. કારણ કે આ વિષયમાંથી પાર નીકળવું, આ ઉંમર પસાર કરવી એ બધું બહુ વહમું છે. દાદા તો, તમારે આમ જવું હોય તો આમ મદદ કરે અને આમ પૈણવું હોય તો પૈણવામાં મદદ કરે. દાદાને કશું આમાં લેવાદેવા નહીં. તમે તમારે નક્કી કરો ! તમારામાં શું માલ ભરેલો હોય એ ? હું ક્યાં ઊંડો ઊતરું અને મને એવો ટાઈમેય ના હોય. એટલે તમારી દુકાનનો માલ તમારે જાણવાનો. એટલે બધાંએ પોતાની મેળે સમજી લેવાનું. હું શું કહું છું કે પૈણજો, તોય આપણો કંઈ મોક્ષ જાય એવો નથી. ના પૈણવું હોય તો આ નિશ્ચય મજબૂત કરો અને આમાં સ્ટ્રોંગ રહો. બેમાંથી એક તરફની એક્ઝેક્ટનેસ ઉપર આવી જવું જોઈએ. નહીં તો બાકી બધી તો અથડામણ થશે.

વિચારો આવે, તે વિચારો બધા જોવાં. વિચાર તો ખરાં-ખોટાં આવે જ ! જે ભર્યા છે એ આવે, ને આવે છે તો એ એટલાં જતાં રહે, ચોખ્ખું કરીને જાય છે. એટલે વિચાર ખરાબ આવે તો ગભરાવું નહીં. આ પહેલાં તો બ્રહ્મચર્ય નહોતું, જ્ઞાન નહોતું ત્યારે દરેક ખરાબ વિચાર જોડે તન્મયાકાર થઈને તે પ્રમાણે કરતો હતો ને ? અત્યારે તન્મયાકાર થાય નહીં અને ખરાબ વિચાર આવે એટલું જ. પણ તે આપણે જોવા ને જાણવા. ખરાબ ને સારું-ખોટું ભગવાનને ત્યાં નથી. એ બધું ડિસ્ચાર્જ થયા કરે છે. એ બધો મનનો સ્વભાવ છે. તમારે બધાંએ તો રોજ ભેગા મળીને એકાદ કલાક બ્રહ્મચર્યસંબંધી સત્સંગ રાખવો. આપણે તો મોક્ષ સાથે કામ છે ને ? અને તમારે પૈણવું એમ જબરજસ્તીય અમે ના કરીએ. અમારે કોઈ જાતનો આગ્રહ ના હોય. કારણ કે તમારે ગયા અવતારમાં બ્રહ્મચર્યનો ભાવ ભરેલો હોય તો 'પૈણો' એવું દબાણ પણ અમારાથી કરાય નહીં ને ! એટલે અમારે તો 'આમ જ કરો' એવું કશું બોલાય નહીં. તમારી મજબૂતી જોઈએ. અમે વારે ઘડીએ તમને વિધિ કરી આપીશું અને અમારું વચનબળ કામ આપશે, હેલ્પ કરશે ! એટલે આમ જવું હોય તો આમ, એ નક્કી તમારે કરવાનું.

પ્રશ્નકર્તા : એ નક્કી તો કરી જ લીધું છે.

દાદાશ્રી : હા, નક્કી કર્યું છે અને વ્રતેય લીધું છે. પણ વ્રતમાં ભંગ થયો હોય તો આપણે પશ્ચાત્તાપ લેવો પડે. આપણે અહીં એક-એક કલાક પ્રતિક્રમણ કરે છે. મનનો સહેજ ફેર થયો હોય, મોઢા પર નહીં પણ વિચારથી, અને બીજું કશું કર્યું ના હોય પણ વર્તનમાં સહેજ ટચ થયો હોય અને ટચનો આનંદ થયો હોય, આમ હાથ અડાડવામાં એવું થાય તો તમારે એક કલાક એનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે આવું તેવું બધું કરશો તો આમ આગળ ફાવશો અને જો આમાંથી તરી પાર ઊતર્યા અને ૩૫-૩૭ વર્ષ થઈ ગયા તો તમારું કામ થઈ ગયું. એટલે આ દસ-પંદર વર્ષ દુકાળનાં કાઢવાનાં છે ! અને આ આપણું જ્ઞાન છે, તેથી આ બધું કહું ને ! નહીં તો બ્રહ્મચર્ય પાળવાનું કોઈનેય ના કહું. આ બ્રહ્મચર્ય તો કળિયુગમાં કરવા જેવી ચીજ ન હોય. આ કળિયુગમાં બધે જ્યાં ને ત્યાં વિચારો જ મેલા અને તમારું તો ટોળું જ જુદું એટલે ચાલે. તમે બધાં તો એક વિચારનાં અને તમે બધાં જોડે રહો તો તમને બધાંને એમ જ લાગે કે આપણી દુનિયા આ આટલી, બીજી આપણી દુનિયા ન હોય, પૈણનારી દુનિયા આપણી ન હોય. આ દારૂડિયા બે-ત્રણ હોય, તે જોડે બેસીને પીવે ને પછી આપણે તો ત્રણ જ છીએ, હવે કોઈ છે જ નહીં, એવું બધું જાણે ! જેમ જેમ પોતાને ચઢતો જાય ને તેમ તેમ પછી શું બોલે ? હું, તું, તું આપણે ત્રણ જ જણ; બસ, આ દુનિયાના માલિક જ આપણે બધા.

જ્ઞાની મટાડે અનંતકાળના રોગો...

તમે ચોખ્ખા છો તો કોઈ નામ દેનાર નથી ! આખી દુનિયા સામી થશે તોય હું એકલો છું. મને ખબર છે કે તમે ચોખ્ખા છો, તો હું ગમે તેને પહોંચી વળું એવો છું. મને સો ટકાની ખાતરી થવી જોઈએ. તમારાથી તો જગતને ના પહોંચી વળાય, એટલે મારે તમારું ઉપરાણું લેવું પડે છે. માટે મનમાં કશુંય ગભરાશો નહીં, જરાય ગભરાશો નહીં. આપણે ચોખ્ખા છીએ, તો દુનિયામાં કોઈ નામ દેનાર નથી ! આ દાદાની વાત દુનિયામાં ગમે તે કોઈ કરતું હશે તો આ દાદો દુનિયાને પહોંચી વળે. કારણ કે બિલકુલ ચોખ્ખો માણસ છે, જેનું મન સહેજ પણ બગડેલું નથી. આપણે ચોખ્ખા રહેવું. આપણે ચોખ્ખા છીએ તો તમારે માટે આ દાદા દુનિયાને પહોંચી વળશે. પણ તમે મહીં મેલા હોય, તો હું કેમ કરીને પહોંચી વળું ? નહીં તો પછી પૈણો. બેમાંથી એક ડિસીઝન તમારી મેળે લઈ લો ! હું આમાં વચ્ચે હેલ્પ કરીશ ને પૈણશો તો એમાંય તમને હેલ્પ કરીશ. હેલ્પ કરવી એ મારી ફરજ છે. પછી જો તમારો નિશ્ચય નહીં ડગી જાય એવું હશે તો હું તમને વાણીનું વચનબળ આપીશ. આ સત્સંગમાં રહેશો તો તમે પહોંચી વળશો, એની સો ટકાની ગેરન્ટી !

દાદા છે ત્યાં સુધીમાં બધા જ રોગ નીકળી જશે ! કારણ કે દાદામાં કોઈ રોગ નથી ! માટે જેને જે રોગ કાઢવા હોય તે નીકળશે. મારામાં પોલ હોત તો તમારું કામ ના થાત ! વિષયદોષ થવો એ મોટામાં મોટી જોખમદારી છે ! બધા અણુવ્રત, બધા મહાવ્રત તૂટે છે !! કરોડો અવતારેય વિષય છૂટે એવો નથી. આ તો એક જ્ઞાની પુરુષ પાસે એમની આજ્ઞામાં રહેવાથી છૂટે તેમ છે. અને અમને જો વિષયનો જરાક વિચાર આવતો હોય તોય તમારો વિષય ના છૂટે. પણ જ્ઞાની પુરુષને વિષયનો વિચાર પણ ક્યારેય નથી આવતો. માટે જેવું બ્રહ્મચર્ય પાળવું હોય એવું પાળી શકાશે. સાચો ભાવ છે ને ! સાચું નિમિત્ત અને સાચો ભાવ, એ બે જો ભેગા થાય તો આ જગતમાં કોઈ એને તોડનાર નથી.

ભયંકર કૃપાને પાત્ર થવાય એવું છે. તમે તમારે ઘેર રહો અને દાદા એમને ઘેર રહે, તોય તમારે કૃપા રહ્યા કરે એવું જ છે, પણ તાર જોડતાં આવડવું જોઈએ ! એક જ તારમાં સહેજ ભૂલ હોય, તો પંખાને દબાવ દબાવ કરો તોય પંખો ના ફરે. માટે ફયુઝ બદલી લો ! તારમાં તો બહુ બગડી જવાનું નથી, કો'ક ફેરો સડી જાય છે, પણ ફયુઝ બદલવો પડે. આ તો કામ કાઢી લેવા જેવો અવસર આવ્યો છે.

આ પતંગનો દોર તમને હાથમાં સોંપ્યો ! હવે પતંગ ગુલાંટ ખાય તો આમ દોર ખેંચજો. આ તો પતંગનો દોર હાથમાં નહોતો, ત્યાં સુધી પતંગ ગુલાંટ ખાય તો આપણે શું કરવાના હતા ? આ તો હવે પતંગનો દોર હાથમાં આવ્યો પછી વાંધો નહીં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21