ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૧૭]

અંતિમ અવતારમાંય બ્રહ્મચર્ય તો આવશ્યક

નીંદયાં વિનાનાં ખેતરો

બ્રહ્મચર્યને તો આખા જગતે 'એક્સેપ્ટ' કર્યું છે. બ્રહ્મચર્ય વગર તો કોઈ દહાડો આત્મા પ્રાપ્ત થાય જ નહીં. બ્રહ્મચર્યની વિરુદ્ધ જે હોય, તે માણસને આત્મા કોઈ દહાડોય પ્રાપ્ત થાય નહીં. વિષય સામે તો નિરંતર જાગૃત રહેવું પડે, એક ક્ષણવાર પણ અજાગૃતિ ચાલે નહીં.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યને અને મોક્ષને સાઢુ-સહિયારું કેટલું ?

દાદાશ્રી : બહુ લેવાદેવા છે. બ્રહ્મચર્ય વગર તો આત્માનો અનુભવ જ ખબર ના પડે ને ! 'આત્મામાં સુખ છે કે વિષયમાં સુખ છે' એ ખબર જ ના પડે ને ?!

પ્રશ્નકર્તા : તો પછી અબ્રહ્મચારીઓ મોક્ષે ગયેલા, તે કેવી રીતે ? જે જે મોક્ષે ગયેલા એ કંઈ બ્રહ્મચારીઓ નહોતા.

દાદાશ્રી : એવો કોઈ નિયમ નથી. બ્રહ્મચર્ય પોતાને હોવું જોઈએ. અને 'એ જરૂરી છે', એમ એમાં એ 'પોઝિટિવ' હોવો જોઈએ. બ્રહ્મચર્ય માટે કોઈ દહાડો 'નેગેટિવ' થાય અને આત્મા પ્રાપ્ત થાય, એ વાત જ ખોટી છે. એને વિષય તો ઘણોય ના ગમતો હોય, છતાં કરવો પડતો હોય, તો આત્મા પ્રાપ્ત થાય. બાકી જે વિષયના તરફી હોય, તેને આત્મા પ્રાપ્ત થઈ શકે જ નહીં. વિષય સામે તો નિરંતર જાગૃત રહેવું પડે અને આત્મા પ્રાપ્ત થયા સિવાય જાગૃતિ જ ના આવે. જૈનના સાધુઓને જાગૃતિ નહીં રાખવાની અને બ્રહ્મચર્ય રહે. કારણ કે એ એકલા જ ઘઉં ચોખ્ખા કરીને લાવેલા હતા. એવાં ઘઉં ખેતરમાં વાવ્યા પછી એમને ખેતરમાં નીંદવાનું કશું રહે નહીં ને ! જ્યારે આ બધા 'છોકરાઓ'એ તો બધું અનાજ ભેગું કરીને નાખેલું હતું. એટલે આમને હવે તો ઘઉં એકલાં રહેવા દેવાના અને બીજું બધું નીંદી નાખવાનું. તે નીંદી નીંદીને હવે દમ નીકળી જાય. આમને રોજ પાછું નીંદવું પડે, નહીં તો પછી ઘઉં ભેગું બીજું બધુંય ઊગી નીકળે. કોદરા થાય, એરંડા થાય, બધું થાય. આમણે આત્મા પ્રાપ્ત કર્યો એટલે જાગૃતિ ઊભી થઈ ગઈ. એટલે હવે નિરંતર જાગૃત રહી શકે.

પ્રશ્નકર્તા : અમારા જેવાને જલદી ના નીંદાય. કારણ કે અમે ધરો (ઘાસ) લઈને આવ્યા હોઈએ.

દાદાશ્રી : તમારે નીંદવાની જરૂર જ નથી. તમારે કંઈ બોમ્બે સેન્ટ્રલ જવું નથી. તમારે તો માઉન્ટ આબુ ફરવા જવું છે ને ? જેને બોમ્બે સેન્ટ્રલ જવું છે, તેની વાત જુદી છે. માઉન્ટ આબુ જેને ફરવા જવું હોય તેને કશું નીંદવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : કેટલુંક નીંદામણ એવું હોય છે કે એનાં માટે સખત પરિશ્રમ કરવો પડે, તો એ નીંદામણને શું કરીએ ?

દાદાશ્રી : એનાં કરતાં નીંદવાનું જ રહેવા દેવાનું ને મહીં જે પાક્યું તે ખરું. બહુ નીંદામણ હોય ત્યારે ક્યાં માથાકૂટ કરીએ ? નીંદવાની પણ હદ હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : છતાંય નીંદવું હોય તો શું કરવું ?

દાદાશ્રી : ખેડી નાખવું, ઉખેડી નાખવું. પછી ફરી ડાંગરના છોડવા રોપી આવવા.

આ ત્યાગીઓ બ્રહ્મચર્ય પાળે છે, તે પહેલાં ચોખ્ખું કરીને લાવેલા છે. એટલે એમને નીંદવું પડતું નથી. એટલે ઊંઘમાંય બ્રહ્મચર્ય ચાલ્યા કરે છે.

નૂર ઝળકે બ્રહ્મચર્યનું

સાચું બ્રહ્મચર્ય તો એનું નામ કહેવાય કે મોઢા પર જબરજસ્ત નૂર હોય. બ્રહ્મચારી પુરુષ તો કેવો હોય ? આ છોકરાઓમાં ક્યાં તેજ દેખાય છે ? કારણ કે આ બધા 'ઓવર ડ્રાફટવાળા' છે. એટલે જેટલી બેન્કોએ ધીરેલું એટલું બધુંય લઈને આવેલા છે. તે અત્યારે જે બ્રહ્મચર્ય પાળે છે, તે ઊલટું બેન્કોમાં ભરી ભરીને થાકે છે. હજુ તો બેન્કોમાં 'પાર વેલ્યુ' નથી થઈ. 'પાર વેલ્યુ' થયા પછી મોઢાં પર લાઈટ આવશે. એ લાઈટ આવતાં આવતાં તો ઘણો ટાઈમ લેશે. છતાંય આમને ચોવીસેય કલાક જાગૃતિ રહે છે. કારણ કે આત્મા પ્રાપ્ત થયો છે, એટલે આત્માની જાગૃતિવાળા છે. પાછું આ બ્રહ્મચર્ય માટેની પણ જાગૃતિ જોઈએ. વખતે આત્માની બાબતમાં જાગૃતિ ના હોય અને જરા ઝોકું આવી જાય તો ચાલે, પણ બ્રહ્મચર્ય માટે તો જરાય ઝોકું ખાય તો ચાલે જ નહીં ને ! ચોગરદમ સાપ પેસી ગયેલા દીઠા, તેમને ઊંઘ આવે નહીં. જેમણે નથી જોયા, તે ઊંઘી જાય. સાપ જોઈ લીધા પછી શી રીતે ઊંઘે ?

આ છોકરાઓ દીક્ષા લેવાની ભાવનાવાળા છે. પોતાનો મોક્ષ તો મહીં થઈ ગયેલો હોય. એટલે એ તો ખોળવાની ઇચ્છા જ ના હોય ને ?! પોતાનો મોક્ષ થયો હોય તો જગતકલ્યાણ કરવાની ભાવના થાય, નહીં તો પોતાનું જ કલ્યાણ ના થયું હોય, ત્યાં જગતકલ્યાણ કરવાની ભાવના શી રીતે થાય ? એટલે આ બ્રહ્મચારીઓ બધા શું કહે છે કે, 'અમારું તો કલ્યાણ થઈ ગયું, હવે અમારે જગતનું કલ્યાણ કરવું છે, તો અમારે શું કરવું જોઈએ ?' ત્યારે મેં એમને કહ્યું, 'હવે પૈણી લો.' ત્યારે એ કહે છે કે, 'ના, અમારે પૈણવું તો છે જ નહીં. જગતનું કલ્યાણ કરવા માટે પૈણવાથી વચ્ચે હરકત થાય એવું છે.' ત્યારે મેં તેમને કહ્યું કે, 'તો તું બ્રહ્મચર્ય પાળ, તો તું જગતનું કલ્યાણ કરી શકીશ.'

બેમાં કયું ઊંચું ?

પ્રશ્નકર્તા : આવડાં છોકરા બ્રહ્મચર્યમાં શું સમજી શકે ? બ્રહ્મચર્ય તો અમુક ઉંમર પછી આવે ને ?

દાદાશ્રી : ના, આ લોકો તો બ્રહ્મચર્યનું ખરું સમજી ગયા છે ! એવું છે ને, કે આ તો આપણને એવું લાગે છે, પણ તેર વર્ષ પછી એ બ્રહ્મચર્યનું સમજતો થાય. કારણ કે તેર વર્ષનો થાય, ત્યારથી ઈમોશનલ થયા વગર રહે જ નહીં. પછી એ મોશનમાં રહી શકે નહીં.

પ્રશ્નકર્તા : હવે બે પ્રકારનાં બ્રહ્મચર્ય છે. એક, અપરિણિત બ્રહ્મચર્ય દશા ને બીજો પરણીને પાળતો હોય, તેમાં ઊંચું કયું ?

દાદાશ્રી : પરણીને પાળે તે ઊંચું કહેવાય. પણ પરણીને પાળવું મુશ્કેલ છે. આપણે ત્યાં કેટલાંક પરણીને બ્રહ્મચર્ય પાળે છે, પણ તે ચાલીસ વર્ષ પછીના છે.

પ્રશ્નકર્તા : તો પછી પરણ્યા વગરનું બ્રહ્મચર્ય પળાય છે, તે 'અનટેસ્ટેડ' થયું ના કહેવાય ?

દાદાશ્રી : ના. એ 'અનટેસ્ટેડ' નથી. એને પોતાને જ પૈણવામાં રુચિ ના હોય, તેને કોઈ શું કરી શકે ? પૈણવામાં જ રુચિ ના હોય, તેને આપણાથી જબરજસ્તી કેમ કરાય ? જબરજસ્તી કરાય ખરી ? હું તો દરેકને શું કહું છું કે તમે બે પૈણો, મોક્ષને માટે તમને વાંધો આવશે નહીં. મારું જ્ઞાન આપેલું છે, તે જ્ઞાન જ તને મોક્ષે લઈ જાય એવું છે, પણ ખાલી અમારી આજ્ઞા પાળજે.

આ પૈણવું એ તો જોખમ જ છે ને ! પણ છેલ્લાં અવતારમાં છેલ્લાં દસ-પંદર વર્ષ સુધી જુદું રહેવું પડે; ત્યારે આ લોકો પહેલેથી રહે છે, આમાં શું ખોટું કરે છે ?! જેનાથી પહેલેથી જુદું ના રહેવાય, તેના માટે આ રસ્તો છે કે પૈણો. બીજું શું થાય ? અને એવો કાયદો હોય જ નહીં કે પૈણેલાનો મોક્ષ ના થાય અને ના પૈણેલાનો મોક્ષ થાય. ઊલટું આ ચારિત્રવાળાનો મોક્ષ થાય. પૈણેલાનેય છેવટે દસ-પંદર વર્ષ છોડવું પડશે. બધાંથી મુક્ત થવું પડશે. મહાવીર સ્વામી પણ છેલ્લાં બેંતાલીસ વર્ષ મુક્ત થયા હતા ને ! આ સંસારમાં સ્ત્રી સાથે તો પાર વગરની ઉપાધિ છે. જોડું થયું કે ઉપાધિ વધે. બેનાં મન શી રીતે એક થાય ? કેટલી વાર મન એક થાય ? ચાલોને, કઢી બેઉને સરખી ભાવી, પણ પછી શાકમાં શું ? ત્યાં મન એક થાય નહીં ને દહાડો વળે નહીં. મતભેદ હોય ત્યાં સુખ હોય નહીં.

જેના વિષય છૂટ્યા, એને મઝા ! એ આનંદ પણ એવો જ લૂંટવાનો હોય ને ?! એય અપાર આનંદ !! એ આનંદ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય, એવો આનંદ ઉત્પન્ન થઈ જાય. પાંત્રીસ વર્ષનો પીરિયડ કાઢી નાખે ત્યારે અપાર આનંદ ઉત્પન્ન થાય. વિચારક હોય, તેને તો વિષય ગમે જ નહીં ને ? આ બ્રહ્મચારીઓને ઉદય આવ્યો છે, એ જ ધન્યભાગ્ય કહેવાય ને ? પાંસરી રીતે પાર પાડવું પડે. પહેલાં પોતાની જાત પર શ્રદ્ધા હોવી જોઈએ. બાકી, વિષયની જરૂરિયાત તો જે સુખી હોય, તેને હોય જ નહીં. બહુ માનસિક મહેનતવાળાને વિષયની જરૂરિયાત છે. બહુ મહેનત કરતા હોય, તેને બહુ બળતરા ઊભી થાય. તે સહન થાય નહીં, તેથી વિષયમાં પડે છે.

હું આ બધા છોકરાઓને સમજણ પાડું છું કે પૈણ્યા પછી ફસામણ થાય. પાછાં અત્યારના છોકરાઓ એવાં છે કે વહુ આગળ એમનો જરાય 'ઑ' નથી પડતો. 'ઑ' પડે, તેને તો પોતે કશું ના બોલે તોય વહુને ગભરામણ થઈ જાય. આ તો એને બદલે વહુનો 'ઑ' પડે છે. પણ જેના મનમાં એવા ભાવ હોય કે મારે લગ્ન સિવાય ચાલે એવું જ છે, એવું જેનું સ્ટ્રોંગ માઈન્ડ હોય ત્યારે એનાથી બ્રહ્મચર્ય પાળી શકાય. આમાં ઉપરછલ્લું ના ચાલે. 'આ સંસારમાં તો દુઃખ છે, તેથી મારે નથી પૈણવું.' એવું ભયના માર્યા બોલે તો, એવું ના ચાલે.

ચારિત્રબળથી ફફડે સ્ત્રીઓ

અત્યારે તો આ શાથી પૈણવાનું ના કહે છે ? ભાગેડું વૃત્તિ, ભાગી છૂટો, નહીં તો ફસાયા !

પ્રશ્નકર્તા : એવું જ હોવું જોઈએ ને ! આ વિષયસંબંધી અને આ સંસારસંબંધથી, સ્ત્રીસંબંધથી તો ભાગેડું વૃત્તિ જ હોવી જરૂરી છે ને ?

દાદાશ્રી : એટલે કાલે સ્ત્રી હાથમાં હાથ ઝાલે તો કંઈ રડી પડવાનું ?

પ્રશ્નકર્તા : પણ ગમે તેમ છટકબારી શોધીને જતું રહેવાનું, છટકબારી શોધીને નાસી તો જવાનું ને ?

દાદાશ્રી : ના, પણ હાથ ઝાલે તો શું થઈ ગયું ? ઉલટી એ ગભરાય આપણાથી. એટલે હાથ ઝાલતાં એને ગભરામણ થાય, એને ફટાકા મારે. આ તો આને ફટાકા મારે. 'હવે શું થશે, હવે શું થશે ?' અલ્યા, શું થવાનું ?

પ્રશ્નકર્તા : 'મને કશું નહીં થાય.' એવું નીડર તો ના થઈ જવાય ને, સ્ત્રી હાથ પકડે તો ?

દાદાશ્રી : એ તો ચારિત્રબળ જોઈએ. આમ આવું ના ચાલે. કોઈ હાથ ઝાલે તો આમ ફટાકા મારે ! એ તો ચારિત્રબળ જોઈએ. જોતાં જ બિચારીને ગભરામણ થઈ જાય. બેન જાણે કે માથાનો કો'ક મળ્યો.

પ્રશ્નકર્તા : એટલે એમને ચારિત્રબળ નહીં હોય ? આ ભાગેડું વૃત્તિવાળાને.

દાદાશ્રી : શાનું ચારિત્રબળ હોય ? ચારિત્રબળવાળાં હોતા હશે ? આવાં હોય આ તો ?

પ્રશ્નકર્તા : તો આપ એક બાજુ કહો છો કે હાથ પકડે, ત્યાં રડવાનું નહીં ને !

દાદાશ્રી : શી રીતે રહે તે ? આમને તો મહીં ફટાકા મારે, આમ ગભરામણ થઈ જાય.

પ્રશ્નકર્તા : એક બાજુ ચારિત્રબળ નથી આવ્યું અને બીજી બાજુ એમની આ ભાગેડું વૃત્તિ છે તો બરાબર છે ?

દાદાશ્રી : કોણ ના પાડે છે ? પણ જો ભાગેડું વૃત્તિ વગર હોય ને, ત્યારે ખરું કહેવાય.

પ્રશ્નકર્તા : તો આ ભાગેડું વૃત્તિવાળાને પોતાને ખબર કેમની પડે કે આ ચારિત્રબળ આવ્યું ?

દાદાશ્રી : હાથ ઝાલે એટલે ! આપણે એકલાં હોઈએ ને હાથ ઝાલે ત્યારે ફટાકા ના મારે તો જાણવું કે ચારિત્રબળ આવ્યું. આ તો ફટાક, ફટાક, ફટાક...

ન થાય દબાણ બ્રહ્મચર્યમાં...

આ બધા છોકરાઓ બ્રહ્મચારી રહેવાના. મેં તેમને કહ્યું કે પૈણો. ત્યારે છોકરાઓ કહે છે કે, 'ના, અમારે બ્રહ્મચારી રહેવું છે.' હવે, અમારાથી એમને પૈણવા માટે દબાણ પણ ના કરાય. કારણ કે એમણે પૂર્વે ભાવના ભાવેલી હોય. દબાણ કરવું તેય ગુનો છે અને પૈણતો હોય તેને ના પૈણવાનું કહે તેય ગુનો છે.

પ્રશ્નકર્તા : તમને એવું લાગે કે આને પૈણવાની જરૂર છે. તો તમે એને કહો ?

દાદાશ્રી : ખુશીથી. હું તો એને કહું કે તું બે પૈણ.

પ્રશ્નકર્તા : ના, એમ નહીં. તમને જ્ઞાનદ્ષ્ટિથી દેખાય ? તમે જુઓ કે આને પૈણવાની જરૂર છે એવું ?

દાદાશ્રી : ના, જ્ઞાનદ્ષ્ટિથી હું કશું જોઉં નહીં. એવો વખત હું બગાડું નહીં અને જ્ઞાનદ્ષ્ટિ એવી વાપરવા જેવી પણ નથી. એનો અર્થ શું થયો કે ભવિષ્ય જોવાની ટેવ પડી અને ભવિષ્ય જોવાની જેને ટેવ પડે, એ તો બાવો કહેવાય. પછી અહીં પણ લોક પૂછવા આવે કે મારે છોકરાને ઘેર છોકરો થશે કે નહીં થાય ? એટલે એ ભાંજગડમાં અમે પડીએ નહીં. મને તો લોક પૂછવા આવે તો હું કહું કે ભવિષ્યનું તો હું જાણતો જ નથી. 'કાલે મારું જ શું થશે ?' એ હું જાણતો નથી ને !

રાજા-રાણીના છૂટાછેડા, પૈણતાં પહેલાં

એક ભઈ આવેલો કહે છે, 'હું પૈણીશ નહીં.' પછી બે-ત્રણ વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું. પછી એક દા'ડો છોડીને લઈ આયો. ત્યારે કહે, 'દાદાજી, અમારે બેના લગ્ન થાય એવી આ તમે વિધિ કરી આપો.' 'અલ્યા, બ્રહ્મચર્ય લેવાનું હતું. આ શું કરું છું તું ?' ત્યારે એ લોકોએ શું કહ્યું ?

પ્રશ્નકર્તા : દાદાજીના બોલતાંંની સાથે જ તે જ ક્ષણે કહે છે, 'તમે કહો તો આજથી છૂટા.'

દાદાશ્રી : 'તમે ફરી હવે બેઉની બ્રહ્મચર્યની વિધિ કરી આપો.' કહે છે. 'લે, અલ્યા, મૂંઆ પૈણ ચડેલું ઊતરી શી રીતે ગયું ?' કે દા'ડાનું પૈણ ચડેલું હોય. આપણે ચા પીવાનો વિચાર કરીને ગયા હોય તોય ચાનો વિચાર એકદમ બંધ ના થઈ જાય અને આ તો કહે છે, 'અમને બ્રહ્મચર્યની વિધિ કરી આપો.' 'બેઉ ખરાં ફૂટી ગયા.' મેં કહ્યું, 'હવે નથી પૈણવું ? અલ્યા, પૈણોને ! મને વાંધો નથી. મારે શો વાંધો હોય ?' તમે તો પહેલાં ના કહી ગયેલા. એટલે તમને ચેતવું કે 'ભઈ, ના કહેતો હતો, વળી પાછો વેપાર શું કરવા માંડે છે ?' પણ છતાં અમે વાંધો કશો ના કરીએ. કો'કની છોડીનું ભાગ્ય ખીલ્યું હોય બિચારીનું, એણે છે તે પીપળા પૂજ્યા હોય. આવો ભણેલો ધણી ક્યાંથી મળે ? કેટલાંય પીપળા પૂજ્યા હોય !

પ્રશ્નકર્તા : અહીં તો આખું છૂટવાનું વિજ્ઞાન શીખવાનું છે અને પછી પેલું ફરી ફસામણમાં તો જવાય જ નહીં ને ! એ તો આ આખો પરિચય કેળવીને પેલામાંથી કાયમની મુક્તિ મળે એવી આરાધના અહીં માંગીએ છીએ.

દાદાશ્રી : આ બધું સમજી ગયેલાં છે લોકો. બહુ પાકાં થઈ ગયા છે, હોં ! હું તો નાણું-તપાસી જોઉં, કાચા છે કે નહીં ?! નથી નીકળતા કાચા. આય કાચો નહીં પડતો. 'કાચો છે', ખબર પડે તો, તરત અહીં આગળ પેલા જૈનની છોડી હોય તો વળગાડી દઈએ !

પ્રશ્નકર્તા : અહીં તો વિષયનું તો ખરું, એ બાજુ તો જવા જેવું જ નથી. પણ બીજા કંઈ દોષો થતા હોય મોક્ષમાર્ગને બાધક, ત્યાંથી ભૂલેચૂકે એ દોષોમાં સ્લીપ ના થવાય, એ આખું મજબૂત કરી લેવાનું છે.

દાદાશ્રી : ત્યાં તો દોષ ચાલે જ નહીં ને ! પોપાબાઈનું કંઈ રાજ એવું છે ?! તમારા જેવા મોટી ઉંમરનાને સેફસાઈડ થઈ ગઈ. કારણ કે તમને કોઈ હરકત કરનારું રહ્યું નહીં ને ! આમને તો હજુ કેટલાં જોખમો આવશે ?!

પ્રશ્નકર્તા : એ તો ખબર નથી. પણ આમાં રહેવું છે, આ જ્ઞાનમાં- આજ્ઞામાં, આ સાયન્સમાં જ રહેવા જેવું છે !

દાદાશ્રી : તો રહેવાશે.

પ્રશ્નકર્તા : એ કેવાં કેવાં જોખમો આવે ?

દાદાશ્રી : એમને દસ માઈલનો રસ્તો બાકી રહ્યો. તમારે આ સાતસો માઈલ બાકી છે. કેટલા બહારવટિયા મળશે, કેટલાં બધા ફસાવનારા મળશે !

પ્રશ્નકર્તા : તો એમાં સેફસાઈડનો રસ્તો કઈ રીતે કાઢવો ? આ તેમાં જોખમો સામે આવે ?

દાદાશ્રી : એ તો આ સત્સંગમાં પડી રહે તો ચાલે, કુસંગમાં પેસે નહીં તો ચાલે.

પ્રશ્નકર્તા : એક જ ઉપાય છે.

દાદાશ્રી : આની આ જ વાતો મળ્યા કરે, જ્યાં જાય ત્યાં. કુસંગની વાત જ ના આવે. તો છૂટકો તરત થઈ જાય.

પ્રશ્નકર્તા : આ મોટામાં મોટો ઉપાય જ આ છે, સત્સંગનું અનુસંધાન આખું !

દાદાશ્રી : સત્સંગના ભીડામાં રહેવું પડે. ભીડો ! ભીડ વાગે ત્યાં છૂટવું હોય તોય ના છૂટાય.

વ્રતની વિધિથી, તૂટે અંતરાયો

આ છોકરાને બ્રહ્મચર્યના ભાવ છે. આ ભાવ તો ખોટો નથી ને ? એવા ભાવવાળાને આપણે શું કરવું ? આપણે એને ટેકો દેવો જોઈએ કે ટેકો લઈ લેવો જોઈએ ?

પ્રશ્નકર્તા : ટેકો દેવો જોઈએ.

દાદાશ્રી : એવાં ભાવ કોઈ કરતું હોય, પછી ગમે તે કરે, એને આપણે ટેકો દેવા તૈયાર છીએ. કારણ કે આપણી ઈચ્છા જ એવી છે. હવે એવા ભાવ તમે કરો તો સંજોગ બધા તમને એવાં જ ભેગા થઈ જાય. અમે તો વારે ઘડીએ આ છોકરાનો ટેસ્ટ લઈએ. એને લાલચ આપ્યા કરીએ કે પૈણને હવે, મેલને છાલ, પૈણવામાં તો બહુ મઝા છે. એનો ટેસ્ટ કરું કે એનું કાચું છે કે પાકું !

આ બ્રહ્મચર્ય વ્રત કોઈને અપાય નહીં. આ તો અમે એકાદ વર્ષ માટે કે બે વર્ષ માટે જ આપીએ છીએ. કાયમ આપવા માટે તો મારે કેટલી બધી પરીક્ષા કરવી પડે ! અમારું વચનબળ બ્રહ્મચર્ય પળાવે એવું છે, બધા અંતરાયો તોડી નાખે, તારી ઈચ્છા જોઈએ. તારી ઈચ્છા પ્રતિજ્ઞામાં પરિણમવી જોઈએ. હા, પછી તને અંતરાય આવે તો એ બધું અમારું વચનબળ તોડી નાખશે. કોઈ એક મોટો પાણીનો વેંકળો હોય અને કોઈ માણસથી તે કૂદાતો ના હોય તો પાછળ જઈને હું એને કહું કે, 'એય કૂદી જા.' તો એ પાછો કૂદી જાય. આમ જાતે કૂદાય એવી શક્તિ ના હોય, તોય કૂદી જાય. કારણ કે આ શબ્દની પાછળ એને શક્તિ પ્રાપ્ત થાય છે. એવું અત્યારે આ છોકરાઓ બ્રહ્મચર્ય લેવા ફરે છે, તે બધાને અમે શક્તિ મૂકીએ, એ શક્તિપાત થાય. પણ આ શક્તિપાત જુદી જાતનો છે. જગતમાં જે શક્તિપાત થાય છે, તે ભૌતિક છે બધા. ખરી રીતે શક્તિપાત જેવી કોઈ વસ્તુ જ નથી. આ તો સામાને એમ લાગે કે મને શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આ બધું નિયમથી જ છે. કોઈ કોઈને આપતો નથી ને કશું દેતો નથી. આ તો પોતાની જ શક્તિનો ઉઘાડ થાય છે. જ્ઞાનીના બોલવાથી શક્તિનો ઉઘાડ થઈ જાય છે. એટલે પોતાના મનમાં એમ લાગે કે મને આ મહીં કશું નાખ્યું. આ બધા નિર્બળ જ હતા ને ! તે અત્યારે કેટલાં આનંદમાં છે,

જાણે દાદાએ

શક્તિ નાખી !

સાધના, 'સંયમી'ના સથવારે

પ્રશ્નકર્તા : આ બધા સંયમીને જોડે રહેવાનું હોય તો તો બીજે ક્યાંય એ જાય જ નહીં.

દાદાશ્રી : હા, એવું પણ થઈ જશે. પણ ત્યાં સુધી હજી કેળવણી કરવાની જરૂર છે. હજી કેળવણી કાચી, તેથી જ એવું નથી થતું ને ? કેળવાયા વગર તો ત્યાં આગળ બધું ખોટું કહેવાય. માર ખાધા વગર ત્યાં આગળ જાય તો લોચો પડી જાય. ખૂબ માર ખાધો હોય, પદ્ધતિસરનો કેળવાયેલો હોય ને પછી ત્યાં જાય તો વાંધો નહીં.

એટલે આજે અમે છોકરાઓને આ બ્રહ્મચર્યસંબંધીનું જ્ઞાન આપીએ છીએ કે જેથી અત્યારથી એમની લાઈફ બગડી ના જાય અને બગડેલી હોય, તેને સુધારવી કેવી રીતે અને સુધરેલી બગડે નહીં અને એની કેવી રીતે રક્ષા કરવી, એટલું અમે એમને શીખવાડીએ.

અમે તો બધાને કહીએ છીએ કે પૈણો. બાકી પૈણવું કે ના પૈણવું એ એમના હાથની વાત નથી કે મારા હાથની વાત નથી કે તમારા હાથની વાત નથી. આ તો બ્રહ્મચર્ય ઝાલી પડ્યા છે, એટલે કંઈ એમના હાથમાં સત્તા છે ? કાલે સવારે શું પાછું મન ફરી જાય તો પૈણી બેસે અને ગમે તેટલું કરે, તોય 'વ્યવસ્થિત'ના આગળ કોઈ પહોંચી વળ્યું નથી. પણ જે અત્યારે ઇચ્છા થાય છે ને, એમાં કો'કને દેખાદેખીથી ઇચ્છા થાય છે ને કો'કને સાચી ઇચ્છા પણ હોય. પણ 'વ્યવસ્થિત' જે કરે, તેને પછી કોઈ ઉપાય જ નથી ને ? તે અમે કોઈની જવાબદારી લેતાં નથી. અમે કોઈની જવાબદારી લઈએ નહીં. અમે તો એમને માર્ગ દેખાડીએ. જે રસ્તે ચાલવું હોય તે માર્ગ આપીએ. બાકી અમે વચનબળ આપીએ છીએ, પણ એમનું મહીં ઠેકાણું ના હોય તો તેને આપણે શું કરીએ ? આ વાણીના તો અમે માલિક નથી, એ રેકર્ડમાંથી માલ હતો તેટલી જ વાણી નીકળે. એમાં અમારે કંઈ લેવાદેવા નથી અને આમાં અમારે કંઈ પડી પણ નથી.

અમારાથી તો એમેય ના કહેવાય કે 'ભાઈ તું ના પૈણ.' એવું દબાણ ના થાય. અમે એટલું કહીએ કે 'તું પૈણ.' કારણ કે 'એ શું માલ ભરી લાવ્યો છે ?' એને એ પોતે જાણતો હોય, એને આ બાજુનું ખેંચાણ મહીં અંદર રહ્યા કરતું હોય. કારણ કે 'કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ્ ધેર શેડોઝ બીફોર.' એટલે પોતાને ખબર પડી જાય કે 'એના શેડોઝ શું છે ?' એટલે અમે કશું દબાણ ના કરીએ.

હવે આમાં ભાંજગડ ક્યાં આવે છે કે આમાં નકલો થાય તો. એય એમને કહું છું કે નકલી થશો તો માર ખાઈ જશો, નકલીપણું આમાં કરશો નહીં. એટલે હું આમને ચેતવ ચેતવ કરું છું કે 'ભઈ, જો આમાં નકલી થઈ જશો તો અમે અડીશું નહીં, અમે એક્સેપ્ટ પણ નહીં કરીએ, અસલીને એક્સેપ્ટ કરીશું.' નકલી હશે તો જોખમદારી પછી એની. અમે તો અસલી લાગે તો જ કંઈક પાછળ જોખમદારી લઈએ. પણ આ અમારે જરૂર જ ક્યાં છે ? અમે તો મોક્ષનો માર્ગ દેખાડવા આવ્યા છીએ. અમે એને આત્મજ્ઞાન આપ્યું અને કહ્યું, આજ્ઞા પાળજો. એટલે અમારી જવાબદારીનો ત્યાં એન્ડ થાય છે.

પ્રશ્નકર્તા : એ નકલ કરે છે કે અસલ છે, એ કેવી રીતે પરખાય ? એ પોતે પારખી શકતો નથી, તેથી તો આપને કહે છે કે અમારું પારખણ કરી આપો.

દાદાશ્રી : હું એમાં ક્યાં હાથ ઘાલું ? અમારે હાથ ના ઘલાય. અમારે તો બીજી બહુ જાતના ઉપયોગ રાખવા પડે. અમારે તો એટલાં બધા બીજા ઉપયોગ હોય છે કે આવી બાબતોમાં હું ઉપયોગ રાખવા જાઉં તો આનો પાર જ ના આવે ને ! અમે તો એનું અહિત ના થાય એવી ઠેઠ સુધી એની પાછળ અમારી હેલ્પ હોય જ. અમારે તો ચોગરદમના ચીપિયા હોય જ.

એને મહીં માલ એવો ભરેલો હોય તો મારાથી એમેય ના કહેવાય કે તું પૈણ. તો બન્નેનું બગડે. બેનું નહીં, ઘરના બધાંનું બગડે. એટલે અમને તો એટ-એ-ટાઈમ બધી જાતના વિચાર આવે ને ? બાકી આ બધાનો મારે ક્યારે પાર આવે ! મારે તો તમને મોક્ષે લઈ જવાનો રસ્તો દેખાડવાનો. અમે તો બીજી બાજુનું હેલ્પ કરવાય તૈયાર છીએ. તે અસલ થશે, ત્યારે મને ખબર પડશે. બે-પાંચ વર્ષ પછી એય ખબર પડશે ને ? હજુ અત્યારે તો 'ઑન ટ્રાયલ' મૂકેલું છે. હા, અસલી થશે પછી મને ખબર પડશે. મને તો કોઈ સહેજ જ મહીં કાચો પડે તો માલમ પડી જાય છે અને જગત કંઈ છોડવાનું છે ? પોતાની પ્રકૃતિ કંઈ છોડે ? એટલે આપણે 'ઑન ટ્રાયલ' જોઈએ છીએ.

અક્રમમાં આવી આશ્રમની જરૂર

બાકી જેને બ્રહ્મચર્ય વ્રત જ લેવું હોય તો, એણે અબ્રહ્મચારીના સાથે રહેવું ના જોઈએ. એ 'ટચ' ના રહેવો જોઈએ. એમણે એમનાં જેવાં બ્રહ્મચારીના જ ટચમાં રહેવું જોઈએ. એટલે એમની એ વાત તો ખરી જ છે ને, કે બધા ભેગા થઈને રહે ?

પ્રશ્નકર્તા : પણ અબ્રહ્મચારીઓની સાથે જ રહીને જ્યારે બ્રહ્મચર્ય વ્રત પાળે તો જ ખરું છે ને ? એ જ એને ટેસ્ટ છે ને ?

દાદાશ્રી : નહીં. એવું અમારાથી ના કહેવાય અને એ કાયદો નથી. પ્રકૃતિનો કાયદો ના પાડે છે. એટલો બધો ટેસ્ટેડ માણસ, એ તો પછી ભગવાન જ કહેવાય ને ?

પ્રશ્નકર્તા : આ તો બધું ટોળું ભેગું થઈ જશે પછી.

દાદાશ્રી : એમ ને એમ કંઈ થાય ? આની પાછળ 'વ્યવસ્થિત' છે. 'વ્યવસ્થિત'નો નિયમ ખરો ને ? આ 'વ્યવસ્થિત' કેવું છે કે રોજ અહીં આગળ જે બ્રહ્મચર્યનું કાર્ય કરતો હોય ને ત્રણ દહાડામાં 'વ્યવસ્થિત' એવું આવે કે પૈણી પણ જાય. એટલે આ 'વ્યવસ્થિત' છોડે એવું નથી. એટલે મારી પાસે ચોગરદમનો હિસાબ છે. માટે એવો કશો ભો રાખશો નહીં. 'વ્યવસ્થિત' ઉપર છોડી દો ને ! 'વ્યવસ્થિત'ની બહાર કશું નથી થવાનું. એટલું તો તમને ખાતરી થઈ છે ને ? 'વ્યવસ્થિત' ઉપર થોડી ઘણી તો ખાતરી થઈ છે ને ?

પ્રશ્નકર્તા : પૂરેપૂરી.

દાદાશ્રી : આપણા માર્ગમાં આ આશ્રમ જેવું કશાની જરૂર જ નહીં. પણ આ તો આ બ્રહ્મચારીઓ થયા છે, તેથી આમને જરૂર. બાકી આપણા જ્ઞાનમાં તો મકાનનીય જરૂર નહીં ને કશાયની જરૂર નહીં. જ્યાં હોય, ત્યાં સત્સંગ કરવાનો ને ના હોય તો બહાર બગીચામાં ઝાડ નીચે સત્સંગ કરવાનો. પણ આ તો આ બ્રહ્મચર્યના પાળનાર થયા, એટલે આ પ્રશ્ન ઊભો થયો કે 'બ્રહ્મચર્ય પાળવું' એ ઘરમાં રહીને કોઈ માણસ પાળી શકે નહીં. એ તો બ્રહ્મચારીઓનું જૂથ જુદું જ હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : એમને વાતાવરણની જરૂર છે ?

દાદાશ્રી : હા, વાતાવરણની જ જરૂર છે. વાતાવરણથી જ બ્રહ્મચર્ય પાળી શકાય છે. અને અબ્રહ્મચર્યનું પણ મુખ્ય કારણ વાતાવરણ જ છે. બાકી આત્મા તેવો નથી, આ તો બધી વાતાવરણોની અસરો છે. એટલે બ્રહ્મચર્ય એ સાયકોલોજિકલ ઇફેક્ટ છે અને અબ્રહ્મચર્ય એ પણ સાયકોલોજિકલ ઇફેક્ટ છે. પણ અબ્રહ્મચર્યની સાયકોલોજિકલ ઇફેક્ટ બહુ કાળની ગાઢ થઈ ગયેલી છે, એટલે એને ખબર ના પડે કે આ સાયકોલોજિકલ ઇફેક્ટ છે.

બ્રહ્મચર્ય વિના ન જવાય મોક્ષે કદિ

આજથી ચાલીસ વર્ષ પહેલાં, મને ના પૈણેલાં એક માણસ મળ્યા. એને સ્ત્રી મળેલી નહીં. પહેલાં એવો જમાનો હતો કે સ્ત્રી વગરનાય મળે. તે પછી મેં એને કહ્યું કે, 'વિષયમાં સુખ ખરું ?' ત્યારે કહે છે, 'એનાં જેવું સુખ જ કોઈ જગ્યાએ નથી.' અલ્યા, તને સ્ત્રી છે નહીં, તું શું કરવા આમાં સુખ માની બેઠો છું ? કોઈક દહાડો જમવાનું મળ્યું હોય, તેમાં એનો અભિપ્રાય રહ્યા કરે, એના કરતાં એ અભિપ્રાય જો ફરી જાય તો વાંધો નથી. એ અભિપ્રાય રહે એ ભયંકર ગુનો છે. આ વિષય તો ખરાબમાં ખરાબ વસ્તુ છે, એવો અભિપ્રાય નિરંતર રહે તો તમારો આજનો ગુનો થોડો ઘણો ચૌદ આની જેટલો માફ થાય. પણ જેને એવો અભિપ્રાય વર્તે છે કે આ વિષયમાં કશો વાંધો નથી, એ બિચારો માર્યો જ ગયો ! શાથી માર્યો જાય કે એને હજી અભિપ્રાય છે કે આમાં કશો વાંધો નથી.

આ બ્રહ્મચારી છોકરાઓ મને કહી જાય છે કે હજુ તો અમને આવાં મહીં ખરાબ વિચાર આવે છે ને આ બધું આવે છે. ત્યારે મેં કહ્યું કે આનું પ્રતિક્રમણ કરજો, પણ આનો બહુ અજંપો ના કરશો. કારણ કે ભગવાન તો શું કહે છે કે અબ્રહ્મચર્યનો અભિપ્રાય છે કે બ્રહ્મચર્યનો ? બ્રહ્મચર્ય પાળવું સારું છે કે નહીં ? ત્યારે કહે છે કે બ્રહ્મચર્ય અમને તો નહીં પોષાય, તો એને એક બાજુએ બેસાડે છે અને જે કહે છે કે અમને અબ્રહ્મચર્ય સહેજ પણ નહીં પોષાય, એને બીજી બાજુએ બેસાડે છે. એમ બે જ ભાગ પાડે છે. તમને બ્રહ્મચર્યનો અભિપ્રાય વર્તે છે એટલે તમે બ્રહ્મચર્ય વિભાગમાં બેઠા.

હવે તમને સંસારી બધા વિચાર આવે, પણ ત્યારે ભગવાન શું કહે છે કે તને શું ગમે છે ? ત્યારે કહે કે બ્રહ્મચર્ય. એટલે હવે તમે બ્રહ્મચર્ય વિભાગમાં બેઠા છો. પણ ફરી બ્રહ્મચર્યનો અભિપ્રાય ના બદલાવો જોઈએ. એટલે બ્રહ્મચર્યની વિરુદ્ધ થવાનો વિચાર આવે ત્યાં સુધી ના પહોંચશો. એટલા માટે એ વિચારો ઉપર કંટ્રોલ રાખો. એટલે મુખ્ય તો અભિપ્રાય તમારો ના બદલાવો જોઈએ. હું શું કહેવા માંગું છું, એ તમને સમજ પડી ને ?

પ્રશ્નકર્તા : હા. ઊગતું અને આથમતું, એ બે ભેદ પડી ગયા પછી વાંધો નહીં. પછી વિચારોનો સંઘર્ષ થાય નહીં.

દાદાશ્રી : હવે આવું કોઈ શીખવાડે જ નહીં ને ! આ હું મહત્વની વાત કહું છું. આમાં સંઘર્ષણ થાય નહીં અને કામ નીકળી જાય.

મન બગડે ત્યાં

પ્રશ્નકર્તા : આપનું 'જ્ઞાન' લીધા પછી બ્રહ્મચર્ય લે તો સારું ને ?

દાદાશ્રી : આ બધા છોકરાઓ અહીં બેસી રહે છે, તે 'સ્વરૂપ જ્ઞાન'માંય ખરા ને બ્રહ્મચર્યમાંય ખરા. બધી રીતે એમને સુખ રહે છે. 'જ્ઞાન' સાથે બ્રહ્મચર્ય હોય, એની તો વાત જ જુદી કહેવાય ને !!! એટલે બ્રહ્મચર્ય કેવું જોઈએ ? મન-વચન-કાયાનું હોવું જોઈએ. મનમાં વિષય સંબંધી વિચાર સરખોય ના આવવો જોઈએ ને જરાક વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરી લે. આ છોકરાઓ બધા મન-વચન-કાયાનું સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. વિચાર તો આવે જ માણસને. વિચાર આવે છે એ 'ડિસ્ચાર્જ' થયા કરે છે. માટે પોતાની ઇચ્છા વિરુદ્ધ આવે છે, પણ વિચારથી ડાઘ પડ્યો, તે અમે સાબુ આપેલો હોય તેનાથી ધોઈ નાખે.

પ્રશ્નકર્તા : વારંવાર ડાઘ ધૂએ તો કપડું ફાટી જાય ને ?

દાદાશ્રી : ના, એ અમારો સાબુ જ એવો હોય કે કપડું ફાટી ના જાય. દોષ થયો કે તેની સાથે 'શૂટ ઓન સાઈટ' હોય !!!

પ્રશ્નકર્તા : ઘણાં લોકો બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લે છે, પણ મન બગડતું હોય તો એનો અર્થ જ નહીં ને ?

દાદાશ્રી : મન બગડે એટલે બધું બગડ્યું. છતાં આ બધા બહુ સરસ કરે છે. જેટલી આજ્ઞા પાળી એટલું તો મન બગડતું અટક્યું. આ જ્ઞાન એવું છે કે એનાથી કંઈક સૂક્ષ્મ બ્રહ્મચર્ય પાળી શકાય એવું છે. કારણ કે મન સુખ ખોળે છે ને ? આ જ્ઞાન સુખવાળું છે. એટલે આ છોકરાઓ મઝા કરે છે ને બધા ? આમને શું થાય કે જુવાની છે અને ખોરાક ખાય, તે ખોરાકની અસર થાય કે ના થાય ? લગ્ન કરેલાં હોય તો એને 'ઈફેક્ટ' થાય, એનો વાંધો નહીં. પણ લગ્ન કરેલું નહીં, તેને શું થાય ? એટલે આ લોકો ડરતાં ડરતાં બધું ખાય. શું કહે કે અમને 'ડિસ્ચાર્જ' થઈ જાય છે. અલ્યા, છોને 'ડિસ્ચાર્જ' થઈ જાય. આ તો પાછી મહીં અસર થઈ જાય કે ડિસ્ચાર્જ થઈ ગયું. પણ તે કર્યું નથી ને ? આપણે કરવું ના જોઈએ. એટલે મેં કહ્યું, એ બુદ્ધિપૂર્વકનું નથી એટલે વાંધો નથી. બુદ્ધિપૂર્વકનું હોય તો વાંધો છે.

પ્રશ્નકર્તા : બુદ્ધિપૂર્વકનું એટલે કેવું ?

દાદાશ્રી : બુદ્ધિપૂર્વકનું એટલે પોતે ઇચ્છાપૂર્વક કરે તેવું. જ્યારે આ તો રાત્રે સ્વપ્નામાં થઈ જાય એનાં ગુનેગાર જ નહીં, એમ એમને કહી દીધું. કારણ કે મૂંઝાયા કરે, વગર કામના. તારી ઇચ્છા નથી ને ? એ આપણે કરવું ના જોઈએ. હવે એ થઈ જાય છે, એનો વાંધો નહીં. તારું બુદ્ધિપૂર્વક નથી ને ? ત્યારે કહે, 'ના.' અને સ્વપ્નું એ દુનિયા જ જુદી છે. એ જુદી દુનિયાની વાત છે.

સ્વપ્નાના ભોગનો પૂર્વાપર સંબંધ ?

પ્રશ્નકર્તા : ઊંઘમાં જે અટપટા ભોગ ભાસે છે, એમાં કંઈ સત્યતા ખરી ?

દાદાશ્રી : ખરું ને ! પૂર્વ ભવે ભોગવેલું, તેના સંસ્કાર દેખાય અત્યારે ! પૂર્વ ભવે, અનંત અવતારમાં જે ભોગ ભોગવ્યા હોય ને, તે સંસ્કારો બધા અત્યારે આ સ્વપ્નામાં દેખાય.

પ્રશ્નકર્તા : પણ આ તો પૂર્વાપર સંબંધ સિવાય દેખાય છે ને ?

દાદાશ્રી : પૂર્વાપર સંબંધ છે જ.

પ્રશ્નકર્તા : નહીં, નહીં, આ દિવસ દરમ્યાન અગર તો જિંદગી દરમ્યાન કાંઈ કર્યું ના હોય, એ પૂર્વાપર સંબંધ વગર એવું આ સ્વપ્નમાં થાય છે ?

દાદાશ્રી : હા, અત્યારના સંબંધ વગર થાય. પણ એ સંસ્કારનો ઉદય આવ્યો કે તરત દેખા દે. કોઈ સાધુ હોય છતાં એને સ્વપ્નામાં રાણીવાસ આવે. અલ્યા, ત્યાગ લીધો, બાયડીને છોડી, છતાં રાણીનાં સ્વપ્નાં આવે ?! કારણ કે પહેલાંના સંસ્કાર છે, તે આવે છે.

પ્રશ્નકર્તા : આ ભવની અતૃપ્ત વાસનાથી એ સ્વપ્નાં આવે છે, એવું નહીં ?

દાદાશ્રી : ના, ના. આ ભવની અતૃપ્ત વાસના હોય ને, તો તે જ્યાં ને ત્યાં ડાફાં માર માર કર્યા કરે. જે ભૂખ્યો માણસ હોય ને, તે જ્યાં કંઈક હલવાઈની દુકાન દેખાય, ત્યાં જો જો કર્યા કરે. એટલે જે હલવાઈની દુકાને જો જો કરે તો આપણે ના સમજીએ આ મૂઓ ભૂખ્યો છે. અને જે માણસો આ બધી બાયડીઓને દેખે કે ગાયો-ભેંસોને દેખે ત્યાંય જો જો કરે તો, આપણે ના જાણીએ કે એને કંઈક અતૃપ્ત વાસનાઓ છે ?

પ્રશ્નકર્તા : પણ એની વૃત્તિઓને બંધ આપણે કેવી રીતે કરી શકીએ ?

દાદાશ્રી : એ તો આપણાથી કશું ના થાય. એ પોતે પાંસરો થાય તો જ થાય.

પ્રશ્નકર્તા : તો એની વૃત્તિઓ કાઢવા માટેનો રસ્તો શો ? સત્સંગ?

દાદાશ્રી : સત્સંગ સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. કુસંગથી જ આ બધી વૃત્તિઓ આવી થઈ જાય છે. અને બીજું, વિષયોમાં જો કદી તરછોડાયેલો હોયને, તો તો એને આખો દહાડો વિષયના જ વિચારો આવ્યા કરે. તેથી અમે કહેલું ને, કે એક પૈણજે. કે જેથી કરીને વૃત્તિઓ શાંત થાય. બાકી તરછોડાયેલો માણસ તો બધે જો જો કર્યા કરે. તેય મનુષ્યની સ્ત્રીને તો જુએ પણ તિર્યંચની સ્ત્રીનેય જુએ, પાછો નિરીક્ષણ હઉ કરે !

પ્રશ્નકર્તા : ઉપવાસ કરે તો, હંમેશાં એની વૃત્તિઓ સંયમમાં રહે એવી કંઈ સત્યતા ખરી ?

દાદાશ્રી : હા, રહે. પણ એ તો એના સંયમ ઉપર આધાર રાખે છે, એના સંસ્કાર ઉપર આધાર રાખે છે.

પ્રશ્નકર્તા : સંસ્કારનું ઘડતર કરવું પડે ને, કારણ પૂર્વ ભવનું લઈને કશું ના આવ્યો હોય તો ?

દાદાશ્રી : ના. પણ એ સંયમ લઈને આવ્યો હોય ને, તો એ ઉપવાસ કરે ત્યારે તમે એને જલેબી બધું દેખાડો, તો પણ એનું ચિત્ત એમાં ના જાય. એવાંય માણસો છે.

પ્રશ્નકર્તા : પણ આવાં પૂર્વના ઉદય તો મોટા પુરુષો લઈને આવેલા હોય છે, પણ સામાન્ય માણસો માટે કંઈ થઈ શકે નહીં ?

દાદાશ્રી : સામાન્ય માણસોનું તો ગજું જ નહીં ને ! સામાન્ય માણસનું શું ગજું ?

પ્રશ્નકર્તા : તો સત્સંગથી એનામાં કંઈ જાગૃતિ થાય ?

દાદાશ્રી : હા. સત્સંગમાં આવે, રોજ પડી રહે આ સત્સંગમાં, ત્યારે એનું પૂરું થાય. એનો ઉપાય જ સત્સંગ, સત્સંગ ને સત્સંગ.

દાદાવાણી સરી બ્રહ્મચારીઓ કાજે

બાકી, વિષય એ તો ભયંકર દુઃખો અને યાતનાઓ જ છે નરી ! પછી આખો દહાડો ચિત્ત છે તે ભટક, ભટક, ભટક કર્યા કરે, નબળું પડી જાય, લપટું પડી જાય. તારે એવું લપટું પડી જાય કે ?

પ્રશ્નકર્તા : કોઈ વાર એવું થઈ જાય.

દાદાશ્રી : કોઈ વાર થાય ને ? પણ આખો દહાડો તો કાયમનું નહીં ને ? એટલે એ કામ થઈ ગયું. જેણે નિયમ જ લીધો છે કે મારે બ્રહ્મચર્ય વ્રત જ પાળવું છે, એમાં લિકેજ થાય તોય એને ભગવાન લેટ ગો કરે છે. કુદરતનો ન્યાય લેટ ગો કરે છે. અને બ્રહ્મચારીઓ બધા ભેગા રહે તો બ્રહ્મચર્ય રહે. નહીં તો અહીં શહેરમાં એકલો રહે તો, એને બ્રહ્મચર્ય રહે જ નહીં ને !

પ્રશ્નકર્તા : પણ ખરું તો એ જ કહેવાય ને ?

દાદાશ્રી : ખરું તો એ કહેવાય. પણ એ તો ટેસ્ટેડ એટલો બધો કોઈ આ કાળમાં ના હોય ને ! એ તો જ્ઞાની પુરુષ સિવાય બીજો કોઈ ટેસ્ટિંગ આપી શકે નહીં. જ્ઞાની પુરુષને તો 'ઓપન ટુ સ્કાય' જ હોય. રાત્રે ગમે તે ટાઈમે એમને ત્યાં જાવ તોય 'ઓપન ટુ સ્કાય' હોય. અમારે તો બ્રહ્મચર્ય પાળવું પડે એવુંય ના હોય. અમારે તો વિષય યાદેય ના હોય. આ શરીરમાં એ પરમાણુ જ ના હોય ને ! તેથી આવી બ્રહ્મચર્ય સંબંધી વાણી નીકળે ને ! વિષય સામે તો કોઈ બોલ્યા જ નથી. લોક વિષયી છે એટલે લોકે વિષય પર ઉપદેશ જ નથી આપ્યો. અને આપણે તો અહીં આખું પુસ્તક થાય એવું બ્રહ્મચર્યનું બોલ્યા છીએ, તે ઠેઠ સુધી વાત બોલ્યા છીએ. કારણ અમારામાં તો એ પરમાણુ જ ખલાસ થયા, દેહની બહાર અમે રહીએ. બહાર એટલે પાડોશી જેવા નિરંતર રહીએ ! નહીં તો આવી અજાયબી મળે જ નહીં ને કોઈ દહાડોય !

બ્રહ્મચર્યનું એક ને અબ્રહ્મચર્યનાં અનેક દુઃખો

પ્રશ્નકર્તા : પણ આ બ્રહ્મચર્ય એ કંઈ ખાવાના ખેલ નથી.

દાદાશ્રી : બ્રહ્મચર્ય એ કંઈ ખાવાના ખેલ નથી, તો અબ્રહ્મચર્ય એ પણ ખાવાના ખેલ નથી. અબ્રહ્મચર્યની જે પીડા છે ને, એના કરતાં બ્રહ્મચર્યમાં બહુ ઓછી પીડા છે. બ્રહ્મચર્યમાં એક જ પ્રકારની પીડા કે પેલા વિષય બાજુ ધ્યાન જ નહીં આપવાનું.

પ્રશ્નકર્તા : પણ આ પીડાથી સુખ તો બહુ ઉત્પન્ન થાય. જો એટલું સચવાઈ ગયું કે એ બાજુ ધ્યાન જ ના આપે, તો પીડાને બદલે મહીં સુખ ઉત્પન્ન થાય.

દાદાશ્રી : એ તો સ્વાભાવિક રીતે સુખ જ ઉત્પન્ન થાય. પણ એ ધ્યાન નહીં આપવા માટે વિષયનો વિચાર આવતાં પહેલાં ઉખેડી નાખે ને બધું પ્રતિક્રમણ કરીને બધું એક્ઝેક્ટનેસમાં રહેવું પડે. એ ખેતરમાં બીજ પડવા જ નહીં દઈએ, તો ઊગે જ શી રીતે ?! તારે મહીં કંઈ પાંસરું રહે છે કે બગડી ગયું છે ? આખુંય બગડી ગયું છે ? થોડું થોડું ? તો કંઈ હવે સુધારો કરી લે ! આ વિષયનાં દુઃખો તો તારાથી સહન ના થાય. આ તો જાડી ખાલના લોકો તે સહન કરે, એ યાતનાઓ. બાકી તું તો પાતળી ખાલનો, તે શી રીતે આ યાતના સહન થાય ?

પ્રશ્નકર્તા : પણ બી પડી ગયું ને ઝાડ થઈ જાય તો શું કરે ? પછી ફળ ખાધે જ છૂટકો ને ?

દાદાશ્રી : ના, પણ આ તો ચેતેલા છે, તેમને કહું છું.

પ્રશ્નકર્તા : પણ આ જે સંસારમાં હોય, તેને બીજ પડી ગયું ને ઝાડ થઈ ગયું તો ?

દાદાશ્રી : એ તો ઉપાય નહીં ને !

પ્રશ્નકર્તા : પછી ફળ ખાધે જ છૂટકો ને ?

દાદાશ્રી : ફળ ખાય પણ પસ્તાવા સાથે ખાય, તો એ ફળમાંથી ફરી બીજ ના પડે અને ખુશીથી ખાય કે 'હા, આજ તો બહુ મઝા આવી', તો ફરી પાછું બીજ પડે.

બાકી આમાં તો લપટું પડી જાય. સહેજ ઢીલું મૂક્યું ને ત્યાં લપટું પડી જાય. એટલે ઢીલું મૂકવાનું નહીં. કડક રહેવાનું. મરી જઉં તોય પણ આ નહીં જોઈએ. એવું કડક રહેવું જોઈએ.

દ્ષ્ટિથી જ બગડે, બ્રહ્મચર્ય

આ છોકરાઓ અમારી વાતનો દુરુપયોગ કરે, માટે અમે જ્ઞાનની એક્ઝેક્ટ વસ્તુ કહેતા નથી. અમે તો જ્ઞાનમાં બધું જોયેલું હોય, પણ એક્ઝેક્ટ કહેવાય નહીં. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે અને કર્મો ખપાવ્યાં સિવાયનું છે. કર્મો ખપાવ્યાં નથી એટલે એક બાજુ જબરજસ્ત જોર છે. તેથી પછી મન વળાંક લઈ લે. આ વાતનો દુરુપયોગ કરવા જાય તો માર્યો જાય. આ તો બધી એટલા માટે છૂટ આપી કે તમે ભડકશો નહીં. ખાજો નિરાંતે. આવું આવું પણ બ્રહ્મચર્ય પાળે તો બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : આનાથી તો બહુ મોટી 'બ્રેક' આવી જાય ને ?

દાદાશ્રી : હા, મોટી 'બ્રેક' આવી જાય. અમે આ ચારિત્ર સંબંધમાં બહુ કડકાઈ રાખીએ. પછી 'વ્યવસ્થિત'માં પૈણવાનું હશે, તો એને કોઈ બાપોય છોડવાનો નથી. એ હું સમજું છું ને ?! પણ અત્યારે ચારિત્રમાં હોય તો એમની લાઈફ સુધરી જાય અને વખતે પૈણ્યો તોય પછી બીજાની જોડે આંખ નહીં માંડે ને ?!

મોક્ષે જતાં નડતું હોય તો સ્ત્રી વિષય એકલો જ નડે છે અને તે જોવા માત્રથી જ બહુ નડે છે. વ્યવહારમાં આટલો જ ભય છે, આટલું જ ભય સિગ્નલ છે. બીજે બધે ભય સિગ્નલ નથી. એટલે છોકરાઓને કહેલું ને, કે સ્ત્રી તરફ દ્ષ્ટિ સરખી માંડશો નહીં અને દ્ષ્ટિ મંડાઈ જાય તો એનો ઉપાય આપેલો છે. સાબુ ઘાલીને ધોઈ નાખવાનું. આ કાળમાં મોટામાં મોટું પોઈઝન હોય તો વિષય જ છે. આ કાળના મનુષ્યો એવા નથી કે જેને ઝેર ના ચઢે. આ તો પોમલા બિચારા. ધાર્યા પ્રમાણે ગમે તેમ ફરે તો ઝેર ચઢી જાય કે નહીં ?! આ તો આજ્ઞામાં રહે છે એટલે ઝેર નથી ચઢતું,, પણ આજ્ઞામાં ના રહે તો ? એક જ ફેરો આજ્ઞા તૂટી કે પોઈઝન ફરી વળે, હડહડાટ ! આમનું ગજું જ નહીં ને !

કોઈની બહેન પર દ્ષ્ટિ બગાડી ?

મને મોટી ચીઢ આ બાબત માટે રહે કે કોઈની ઉપર દ્ષ્ટિ કેમ બગાડાય તારાથી ? તારી બહેન ઉપર કોઈ ખરાબ દ્ષ્ટિ કરે, તો તને કેવું લાગે ? તો એવું તું કોઈની બહેન પર દ્ષ્ટિ બગાડું તો ? પણ એવો આ લોકોને વિચાર નહીં આવતો હોય ને ?

પ્રશ્નકર્તા : એવો વિચાર આવતો હોય તો, આવું કોઈ કરે જ નહીં ને ?

દાદાશ્રી : હા, કોઈ કરે જ નહીં. પણ આટલું બધું બેભાનપણું છે ને ! આ છોકરાઓમાં તો આ જ્ઞાન પછી બહુ ફેરફાર થઈ ગયો. એટલે મને આનંદ થાય ને ! નહીં તો તો હું આમને બોલાવું પણ નહીં. કારણ મને તો ચીઢ ચઢે. આપણે ત્યાં તો ચૌદ વર્ષે તો પૈણાવી દેવા જોઈએ. ચૌદ વર્ષની છોડી અને અઢાર વર્ષનો છોકરો, એવી રીતે પૈણાવી દેવા જોઈએ. પણ આ તો નવી જ જાતનું થયું. આ પણ કુદરતે કર્યું છે. માણસ ઓછો કંઈ કરે છે ? પહેલાં તો સાત-સાત વર્ષે પૈણાવી દેતા હતા. એટલે એ લોકોની બીજાં તરફ દ્ષ્ટિ પણ જાય નહીં પછી, અને એ લાઈફ કેવી સરસ ! છોકરાંઓ કેવાં સરસ પાકે ! એકધારાં છોકરાંઓ !

પ્રશ્નકર્તા : આ એક મોટો પોઈન્ટ છે. જેની દ્ષ્ટિ ના બગડે, એનાં છોકરાંઓ બધાં એકધારાં હોય એ.

દાદાશ્રી : અને એટલે પરંપરાગત સંસ્કાર આવે. આ તો માર્કેટ મટીરિયલ જેવું થઈ ગયું છે. બજારું માલ ના હોય એવું !! આવું તે હોય જ કેમ કરીને ? જો સ્ત્રી એક જ પતિવ્રત પાળે અને પતિ જો એક પત્નીવ્રત પાળે તો બન્ને દર્શન કરવા યોગ્ય કહેવાય.

એટલે આપણે અહીં તો છોકરા-છોકરીને તો વહેલા પૈણાવી દેવા જોઈએ, મેળ પડતો હોય તો. મેળ ના પડતો હોય તો પણ તૈયારી વહેલા પૈણાવવા માટે રાખવી. આ કંઈ રાખી મેલવા જેવો માલ ન હોય. તો પછી સ્લિપ થતું બચે, નહીં તો આ તો બગડતું જ ચાલ્યું છે.

અમને તો નાનપણથી આ ગમે નહીં કે લોકોએ આમાં સુખ કેમ માન્યું છે ? તેય મને એમ લાગે કે આ કઈ જાતનું છે ? આ લોકોને તો જાપાનીઝ રમકડાં રમાડવાં જોઈએ. આ જીવતાં રમકડાંય રમાડવાં જોઈએ, પણ જીવતાં રમકડાં મારે તો પછી બચકું ભરે ને ?! આ તો બધું કપડાંથી ઢાંકેલું છે તેથી મોહ થાય છે. અમને તો નાનપણથી આ થ્રી વિઝનની પ્રેકિટસ પડી ગયેલી. એટલે અમને તો બહુ વૈરાગ આવ્યા કરે, બહુ જ ચીઢ ચઢે. એવી વસ્તુમાં જ આ લોકોને આરાધના રહે. આ તે કઈ જાતનું કહેવાય ?

પ્રતિક્રમણ એ જ ઉપાય

પ્રશ્નકર્તા : એવું કહેવામાં આવ્યું છે કે જ્ઞાન પછી કુદ્ષ્ટિ એ જોખમ છે. હવે કુદ્ષ્ટિ એ ચાર્જભાવ છે કે ડિસ્ચાર્જ પરિણામ છે ?

દાદાશ્રી : એ ડિસ્ચાર્જ પરિણામ ખરું, પણ જોડે જોડે એ પરિણામને ધોવાનું કહ્યું છે ને ? એ પરિણામ તો થવાનાં, કુદ્ષ્ટિ તો થાય પણ જોડે જોડે આપણે ધોવાનું કહેલું છે.

પ્રશ્નકર્તા : પણ ધોવાનું કેવી રીતે ? પ્રતિક્રમણ કરીને ધોવાનું ને ?

દાદાશ્રી : કહેલું જ છે, ને એ પ્રમાણે એ બધા કરે જ છે. આ છોકરાઓ બધાને સહજ રીતે નિરંતર તપ થવાનું. આ બધા બ્રહ્મચર્ય વ્રતવાળા છે. એ બધાને નિરંતર જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ હોય, એમનાં કપડાં આવાં દેખાય. પણ અંદર તો જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ હોય.

જવાનિયા લોકોએ વિષયને મારી પાસે સમજવો પડે. એનું વિવરણ સમજવું પડે. તો પછી એની પર સહેજે અભાવ થવા માંડે, નહીં તો અભાવ થાય નહીં ને ? એનું વિવરણ થવું જોઈએ, તે જ્ઞાની પુરુષ વિવરણ કરી આપે. જ્ઞાની પુરુષ એ વિવરણ બધાને પબ્લિકમાં ના કહે, બે-પાંચ જણને એ રૂબરૂમાં કહી શકે કે આ શી હકીકત છે. વિષય એ બુદ્ધિપૂર્વકનું હોય તો તો બહુ વૈરાગ આવે. આ તો 'ફૂલિશનેસ' છે.

પ્રશ્નકર્તા : એ રાગ થાય છે ત્યાં ? એ શું છે ?

દાદાશ્રી : એ રાગ શાથી થાય છે ? હકીકતમાં આ જાણ્યું નથી તેથી. રાગ તો લોકોને પત્તાં પર બેસે છે, દારૂ પર બેસે છે, પણ હકીકત જાણે કે એ છૂટી જાય છે. એટલે હકીકત જાણવી પડે કે આ અહિતકારી છે, આ વસ્તુ સારી નથી, ખરેખર આમાં સુખ છે જ નહીં, આ તો ભાસ્યમાન સુખ છે, તો છૂટી જાય. દરાજ તને કોઈ દિવસ થયેલી કે ? એ દરાજને વલૂરવામાં અને આમાં કોઈ જ ફેર નથી.

તમે એમ કહો કે મારાથી ગળ્યું છૂટતું નથી. તો હું કહું કે કશો વાંધો નથી, ખાજે. કારણ કે એ ખાય છે, તે તો હકીકત સ્વરૂપ છે. તદ્દન પોલી હકીકત નથી, પણ 'રિલેટિવ'માં તો હકીકત સ્વરૂપ છે. જીભને સ્વાદ આવે છે, તે તો 'રિલેટિવ'માં હકીકત સ્વરૂપ છે. જ્યારે વિષય તો કશામાં છે જ નહીં.

કેવો મોહ, તે કોડથી પૈણે !

આ સ્ત્રી-પુરુષના વિષય જે છે ને, તેમાં દાવા મંડાય. કારણ કે આ વિષયમાં બેની એક માલિકી છે અને મત બન્નેના જુદા છે. એટલે જો સ્વતંત્ર થવું હોય તો આ ગુનેગારીમાં આવવું ન ઘટે અને જેને તે ગુનેગારી ફરજિયાત છે, એને એનો નિકાલ કરવો પડે.

પ્રશ્નકર્તા : ગુનેગારીમાં ના આવવું પડે. એટલા માટે પરણવું ના જોઈએ ?

દાદાશ્રી : પરણવું ના જોઈએ કે પરણવું જોઈએ, એ આપણી સત્તાની વાત નથી. તારે નિશ્ચયભાવ રાખવો જોઈએ કે આમ ના હોય તો ઉત્તમ. જેમ ગાડીમાંથી પડવું જોઈએ, એવી ઇચ્છા કોઈને હોય છે? આપણી ઇચ્છા કેવી હોય છે કે પડી ના જવાય તો સારું. છતાં પડી જવાય તો શું થાય ? એવી રીતે પરણવા માટે ના પડી જવાય તો સારું. એવા ભાવ આપણાં રહેવા જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે પરણવું એટલે ગાડીમાંથી પડી જવા બરાબર છે ?

દાદાશ્રી : એવી રીતે જ છે ને, પણ એ નાછૂટકે જ હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : પછી એને નાટકમાં લેવું પડે ?

દાદાશ્રી : હાસ્તો, પછી છૂટકો જ નહીં ને !

પ્રશ્નકર્તા : પરણવામાં આટલું બધું જોખમ છે, એ સુખ દરાજ જેવું છે. તો પછી આ બધા જે પૈણે છે, તે નાછૂટકે પૈણ્યા છે ? કેમ પૈણે છે ?

દાદાશ્રી : લોકો તો ખુશીથી, શોખથી પૈણે છે. આમાં દુઃખ છે એવું જાણતા નથી. એ તો એવું જ જાણે છે કે સરવાળે આમાં સુખ છે. થોડીઘણી ખોટ હોય પણ સરવાળે નફાવાળી આઈટમ છે એવું લોક જાણે છે. જ્યારે ખરી હકીકતમાં તદ્દન ખોટ જ છે. એ જ્યારે 'ઈન્કમટેક્ષ' ઑફિસમાં જાય ત્યારે ખબર પડે કે આ બધી જ ખોટ હતી. અને તેય આપણા હાથમાં સત્તા નથી ને ? આ ભવમાં આપણા હાથમાં નથી ને? આ ભવમાં તો અત્યારે હવે નવેસરથી આપણને 'ડિસીઝન' આવી જાય, એટલે ચોખ્ખું થઈ જાય.

શ્રીમદ્ રાજચંદ્રે એટલા માટે કહ્યું કે, 'દેખત ભૂલી ટળે' તો સર્વ દુઃખનો ક્ષય થાય. એ પોતે જ કહે છે કે અમારા જ્ઞાનમાં તો વર્તે જ છે કે આમાં પડવા જેવું નથી, છતાં જોઈએ છીએ ને ભૂલ થાય છે. દેખીએ છીએ ને ભૂલ થાય છે. અને આપણું જ્ઞાન તો એવું છે કે દેખે અને ભૂલ થાય નહીં. કારણ કે દેખ્યું એટલે 'શુદ્ધાત્મા' એને દેખાવો જોઈએ ને 'શુદ્ધાત્મા' દેખાય પછી રાગ ના થાય.

'જુવાની' સચવાઈ જાય તો

આ જગતમાં બીજું કોઈ જાતનું જોખમ નથી, આટલું જ જોખમ છે. કેટલાકને એવું હોય છે કે પ્રતિક્રમણ કરે એટલે જે ડાઘ પડ્યો હોય તે ધોવાઈ જાય અને કેટલાકને પ્રતિક્રમણ કરતાંય ડાઘ ના ઊખડે. પણ એવું બે-ચાર હોય. તેને માટે મારી પાસે સમજવા આવવું પડે, તો હું બધું સમજાવું કે હકીકતમાં આમ છે.

આ 'વૉર'માંથી તમે બચી જાવ. આ 'વૉર' બહુ મોટી છે. આ યુવાનીની 'વૉર' તો બહુ જબરી છે, પાકિસ્તાન કરતાંય જબરી.

પ્રશ્નકર્તા : કુરુક્ષેત્ર કરતાંય મોટું ?

દાદાશ્રી : હા, તેના માટે એકાંતમાં પૂછવું જોઈએ. બે-પાંચ જણ હોય તો વાંધો નહીં, પણ પૂછીએ તો બધો ઉકેલ જડે.

પ્રશ્નકર્તા : આપને પૂછેલું કે જ્ઞાનનો અપચો એટલે શું ? તો આપે કહેલું કે આ વાત તો જુવાન છોકરાઓ માટે છે. જ્ઞાનનો અપચો એમને થઈ જાય, તો એ શું છે ?

દાદાશ્રી : જુવાનોને જ્ઞાન જાગૃતિ ઉપર આવરણ આવતાં વાર ના લાગે. એ આવરણ આવે છે, તે જ જ્ઞાનનું અજીર્ણ છે. જ્યારે મોટાને એવાં આવરણ ના આવે. પેલાને જવાનીના જોશથી આવરણ આવે, એ સ્વભાવિક કહેવાય. આપણે એમને એમ ના કહી શકીએ કે તું આમ કેમ કરું છું ? કારણ કે આપણે જાણતાં હોઈએ કે નવ વાગ્યે પાણી આવે છે, એટલે પછી તે ટાઈમે પાણી આવ્યા વગર રહે જ નહીં ને ! પછી બાર વાગ્યે પાણી આવે ? ના, નથી આવતું. એવું આ જવાનીમાં એ જોશ હોય. એટલે એ જોશ થયું કે તરત મહીં અંધારું ઘોર કરી નાખે. એવું તમને મોટી ઉંમરનાને અંધારું ઘોર ના થાય. તમારે જાગૃતિ રહે.

આ તો ઉપયોગ નહીં, તેને લીધે ભૂલો થાય. ઉપયોગ દે તો ભૂલ ના થાય. જેમ આ પૈસા કમાઈએ, તેમાં ખોટ ના જાય ને દરેક ચીજનો નફો રહેવો જ જોઈએ. એટલા માટે દરેક ચીજ ભાવતાલ જોઈને વેચીએ છીએ, નહીં તો ગપ્પું મારીએ તો દુકાનમાં પછી ખોટ જ જાય. એવી રીતે દરેકમાં શુદ્ધ ઉપયોગ રાખીને કામ લેવું પડે. ત્યાં વ્યાપારમાં એ જાગૃતિ રહે છે અને અહીં કેમ ના રહી ? આ મોટો વેપાર છે અને પાછો આ પોતાનો વેપાર છે, જ્યારે પેલો તો પારકો, ચંદ્રેશનો વેપાર છે. એમાં 'આપણે' લેવાય નહીં ને દેવાય નહીં. આ તો પોતાનો વેપાર, એમાં દરેક વખતે ઉપયોગ વગર ના થવું જોઈએ. વખતે પા-અડધો કલાક થયું કો'ક જગ્યાએ કો'કની વાત ઉપરથી ગૂંચાઈ ગયા, તો પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કરો એટલે ફરી જાગૃતિ આવશે, પણ ગૂંચાય ગૂંચાય કરો તો પાર જ ના આવે ને ? કો'ક અવતારમાં જ્ઞાની પુરુષ ભેળા થાય અને ત્યાં આપણે કાચા પડીએ, તે આપણી જ ભૂલ છે ને ?

પ્રશ્નકર્તા : જ્ઞાનનો અપચો ના થાય અને એમાંથી 'સેફસાઈડ'માં નીકળી જવાય, એ કેવી રીતે ?

દાદાશ્રી : એવું છે ને, કે એમાં તો એવી રીતે આજ્ઞા પાળવી પડે, પુરુષાર્થ માંડવો પડે. અમે એક જ ફેરો કહ્યું હતું કે આ વિષયનું જોખમ કેટલું છે, તે સાંભળીને તો બધા છોકરાઓએ પુરુષાર્થ માંડી દીધો.

આ 'અક્રમ વિજ્ઞાન' તો બહુ ઊંચી ક્વૉલિટીનું છે. આજે તમને એમ લાગતું હોય કે કેમનું થશે, પણ આ વિજ્ઞાન કલાકમાં તો શું નું શું કરી નાખે !!! જેવો જ્ઞાની પર તમને ભાવ આવે, તેવું તેના પરિણામનું પ્રમાણ વધતું જાય. એટલે આ છોકરાઓને મેં કહ્યું કે તમારું એક્સેપ્ટ કરીએ પણ તમારે લાલબત્તી રાખવાની. કારણ કે એમને હજી જવાનીની શરૂઆત થઈ નથી. અત્યારે એમને મારી પર જેટલું લક્ષ રહે છે, એટલું લક્ષ જવાનીમાં રહે ને જવાની પસાર થઈ જાય તો એમને વાંધો નહીં આવે. પણ જો લક્ષ બદલાયું તો વાંધો આવ્યો સમજજો. પછી તો પાડી હઉ નાખે. એટલે એમને આ લાલબત્તીઓ ધરીએ. કૃપાપાત્ર થઈ ગયેલાં હોય તો વિષય જીતી જાય, છતાંય લાલબત્તી ધરવી પડે. લાલબત્તી ધરીએ નહીં તો એ લોકો ગાડી વહેતી મૂકી દે અને આ કર્મે તો તીર્થંકરોનેય નચાવ્યા, તો આમનું તો શું ગજું ?

આ છોકરાઓને હું કહું છું કે તમે આ જાગૃતિમાં રહો છો, પણ તમારે હજુ રીજ પોઈન્ટ આવવાનું છે. તમારે તો હજુ જવાની પણ ખીલી નથી. એટલે બહુ મુશ્કેલીઓ આવશે. છતાં આરપાર નીકળી જવાય એવો રસ્તો મેં દેખાડ્યો છે અને એ રસ્તે જો જાય તો આરપાર નીકળી પણ જાય, આવું વિઝન તો કોઈનેય ના હોય. કારણ કે આ બાજુનું, આ શરીરનું વિચાર્યું જ ના હોય ને ? આ તો બસ, 'હું જ છું.' તેથી તો પોતાના દોષ કોઈને નહીં દેખાતા. જ્યાં સ્થૂળ દોષ જ નથી દેખાતા ત્યાં, વિષય સામે જાગૃતિ તો, કેવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોઈએ ?! એ શી રીતે આવે ? એટલે કોઈએ આ કેલ્ક્યુલેશનમાં જ લીધું નથી ને !

આ આપણો સત્સંગ, આ વાતો, ક્યારેય પણ સાંભળવામાં ના આવે એવી વસ્તુ છે. આ તો બુદ્ધિની પારનો સત્સંગ કહેવાય. બધે તો બુદ્ધિનો સત્સંગ હોય.

આનંદની અનુભૂતિ ત્યાં

'અક્રમ વિજ્ઞાન'માં મેં કશો ફેરફાર કર્યો નથી. પણ 'અક્રમ વિજ્ઞાન'ને માણસો પહોંચી શક્યા નહીં. અનાદિથી પેલામાં જ ટેવાયેલા લોકો. નહીં તો ઠેઠનું કામ થાય એવું આ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાનને ક્યારે પહોંચી વળે ? કે વિષય ઉપર વૈરાગવાળો માણસ હોય અને તેને 'અક્રમ વિજ્ઞાન' મળે, પછી તો એનું કલ્યાણ જ થઈ ગયું ને ?! વિષય જ જેને ગમતા નથી, એ ઊંચી સ્થિતિ કહેવાય છે. જૈનોમાંય જે ઊંચી સ્થિતિએ પહોંચેલા માણસો હોય, તે જ વૈરાગ લે છે. એમને તો નાનપણથી જ કશું ગમે નહીં. એમને તો વિષયની વાત સાંભળતાં જ અરેરાટી છૂટી જાય. ડેવલપ કુટુંબની વીસ-વીસ વર્ષની છોકરીઓ હોય છે, વીસ-વીસ વર્ષના છોકરાઓ હોય છે, એમને વિષયની વાત કરીએ છીએ તો, તેમને તો અરેરાટી છૂટી જાય છે. આ બ્રહ્મચર્ય વ્રત લીધા પછી એ આનંદ એમને જતોય નથી, પાર વગરના આનંદમાં રહે. કારણ કે મૂળ વિષય કે જેના આધારે જગત ઊભું રહ્યું છે, જેના આધારે ધ્યાન ફ્રેકચર થઈ જાય છે, તે આધાર જ એમને નથી રહેતો. એક જ ફેરો અબ્રહ્મચર્યનો ભાવ ઉત્પન્ન થાય, તે ત્રણ-ત્રણ દહાડા સુધી ધ્યાન ના થવા દે. પછી શી રીતે આત્માનું મૂલ્ય સમજાય ? અને આ બ્રહ્મચર્ય વ્રતવાળાને તો આ જ્ઞાન છે એટલે આત્માનો આનંદ તો પામ્યા, પણ એ આનંદ આ વ્રતને લઈને ટકી

રહ્યો છે. પછી એ આ

નંદ ખસતો જ નથી. આ લોકો બાર-બાર મહિનાનું વ્રત લઈને પછી આ અનુભવ કરી જાય છે. પાછાં મને આવીને શું કહી જાય છે કે દાદા, અમે જે આનંદ ભોગવી રહ્યા છીએ, એ અજાયબ આનંદ છે. એક ક્ષણ પણ કશું થતું નથી. કહેવું પડે !! આટલી બધી બ્રહ્મચર્યની લાગવગ છે, એવી તો મનેય ખબર નહીંં.

પ્રશ્નકર્તા : આપની પાસે પણ એ જ હતું ને ?

દાદાશ્રી : ના, પણ તે મને આટલી ખબર નહીં કે આ લાગવગ આટલી બધી છે. હું જાણું નહીં કે આ છોકરાને આટલો બધો આનંદ વર્તે અને તે પણ બ્રહ્મચર્યને લઈને !!! કારણ કે જ્ઞાન તો બધાને આપેલું છે અને આત્માનો આનંદ પણ ઊભો થયેલો છે, પણ હવે એ આનંદને કોણ સ્પર્શ થવા નથી દેતું ? વિષયભાવ, પાશવતા.

પ્રશ્નકર્તા : આ બહારવાળાઓ જે બ્રહ્મચર્ય પાળે, એમને આવો આનંદ થાય નહીં ને ?

દાદાશ્રી : એમને આત્માનો આનંદ ના થાય. એમને તો પૌદ્ગલિક આનંદ ઊભો થાય અને ત્યાં તો પૌદ્ગલિક આનંદને જ આત્માનો આનંદ માનવામાં આવે છે. છતાં એનાથી એમને આનંદ રહે, મહીં ક્લેશનું વાતાવરણ કરે, એવું બધું ના હોય. કારણ કે એમના હાથમાં પુદ્ગલસાર આવી ગયો ને ! બ્રહ્મચર્ય એટલે પુદ્ગલસાર અને આધ્યાત્મસાર એટલે શુદ્ધાત્મા. અને આ બે, જેને ભેગું થાય તેનું તો કલ્યાણ જ થઈ ગયું ને ! પણ જેને પુદ્ગલસાર એકલો હોય તો તેને, થોડોઘણોય આનંદ આવે ને ? એટલે આ બ્રહ્મચર્યના બળ આગળ, એને બીજી વૃત્તિઓ હેરાન ના કરે.

પ્રશ્નકર્તા : પેલા બ્રહ્મચારીઓને કષાયો હેરાન ના કરે ?

દાદાશ્રી : ના કરે. બ્રહ્મચારી કોઈ દહાડોય ચિઢાય જ નહીં. આ સંસારના બ્રહ્મચારી હોય તેય કોઈ દહાડો ચિઢાય નહીં. એમનું મોઢું જુઓ તોય આનંદ થાય. બ્રહ્મચર્યનું તો તેજ આવે. તેજ ના આવ્યું તો બ્રહ્મચર્ય શાનું ? એટલે સંસારમાંય બ્રહ્મચર્ય માનવું હોય તો કોનું માનજો કે જેનાં મોઢા પર તેજ હોય. બ્રહ્મચારી તો તેજવાન પુરુષ હોય.

બ્રહ્મચર્ય આત્માના સ્વાભાવિક ગુણોને પ્રગટ થવા દે, આત્માનો અનુભવ થવા દે, બધા ગુણોનો અનુભવ થવા દે. અને અબ્રહ્મચર્યભાવને લઈને આત્માના બધા ગુણોનો અનુભવ થાય છતાં, અનુભવ થયો નથી એવું લાગવા દે, સ્થિરતા ના રહે. 'આ' એક વસ્તુમાં અનુકૂળતા આવી તો, બધામાં અનુકૂળતા આવી જાય છે. બધું અનુકૂળ થઈ જાય છે.

વ્યવહાર મઠારે બ્રહ્મચારીઓને

આ બ્રહ્મચારીઓને બધી પીડા જ મટી ગઈ ને છતાં એમને વ્યવહાર શીખતાં ઘણો ટાઈમ લાગશે. વ્યવહારિકતા આવડવી જોઈએ ને ? આત્મા જાણ્યો પણ તે વ્યવહાર સમેત હોવો જોઈએ. પોતાનું એકલાંનું કલ્યાણ થઈ જાય, એમાં શો દહાડો વળે ? આ લોકો તો કહે છે કે 'અમને તો જગતકલ્યાણમાં દાદાને પૂરેપૂરો સાથ દેવો છે.' તેથી બ્રહ્મચર્ય પાળે છે. આ તો મેં નહીં ધારેલો એવો નવો જ ફણગો ફૂટ્યો છે.

હું તો એવું જાણતો હતો કે આ કાળમાં બ્રહ્મચર્ય રહી શકે જ નહીં. પૂર્વ ભવે ભાવના કરેલી હોય, તેને તો રહી જ શકે અને આપણા સાધુ- આચાર્યોને રહે જ છે ને ! પણ બીજા સામાન્ય માણસોનું ગજું જ નહીં ને ! જ્યાં નિરંતર બળતરામાં બળ્યા કરે છે, ત્યાં આગળ કોઈ બ્રહ્મચર્યની વાતો કરવા જાય ખરું ? અને કરે તો કોઈ સાંભળેય નહીં ! પણ આવા કાળમાં આપણે ત્યાં આ નવું જ નીકળ્યું. આવું બ્રહ્મચર્યનું નીકળશે એવું તો મને સ્વપ્નેય ખ્યાલ નહીં. આ જગતનું કલ્યાણ થવાનું હોય ત્યારે જ આવું ભેગું થાય ને ? નહીં તો આવું બધું ક્યાંથી ભેગું થાય ? અમે તો કોઈ દહાડોય કલ્પ્યું નહોતું કે અમારે આવું જોઈએ છે, કે અમારે આવું કરવું છે. આ તો બ્રહ્મચર્ય માટે છોકરાઓ સામેથી આવી આવીને પડે છે.

ઉર્ધ્વ રેત થાય ને, તો કામ થઈ ગયું. ત્યાર પછી જે વાણી છૂટે, ત્યારે પછી જે સંયમ સુખ હોય, એની તો વાત જ જુદી છે. એટલે હું એવું કરવા માંગું છું આ બ્રહ્મચારીઓને. એને વાળ વાળ કરી અને જ્ઞાને કરીને બ્રહ્મચર્યમાં વળી જાય એવું કરી આપું છું અને વળી શકે છે.

પ્રશ્નકર્તા : વળી શકે એ શબ્દ તો યોગ્ય નથી લાગતો. કારણ કે વળી શકે છે, દબાવી પણ શકે અને ઉછળી પણ શકે, પણ જ્ઞાને કરીને આપ એમને કૃપા કરો તો બહુ સરસ થાય.

દાદાશ્રી : હા, કૃપા જ. એ તો આ મોંઢે શબ્દ બોલવા પડે, બાકી કૃપાએ કરીને થાય.

પ્રશ્નકર્તા : એ કૃપા વગર સાધ્ય નથી, દાદા.

દાદાશ્રી : અને તૈયાર થાય તો આ દેશનું કંઈક કલ્યાણ કરી શકે. એટલે તૈયાર થઈ જશે બધા.

આ બ્રહ્મચર્ય માટે દાદાએ કેવી સુંદર વાડ કરી આપી છે અને એ વાડ ઉપર કેટલા તટસ્થ રહ્યા છે, નિરીક્ષક તરીકે કામ કરે છે !! બોલો હવે, આવું બને ? આ કળિયુગમાં બનવા પામે છે તે આની પાછળ કંઈ નવી જ જાતનું સર્જન છે, એવું નક્કી જ છે ને ? આ તો મારી કલ્પનામાંય નહીં કે આવાં અત્યારે બ્રહ્મચારી પાકે. આ દાદામાં એટલો બધો ત્યાગ વર્તે છે કે બધીય જાતના જીવો અહીં ખેંચાઈને આવશે. આ દાદાનું એકેએક અંગ ત્યાગવાળું છે, એકેએક અંગ પવિત્ર છે. એટલે પછી એના હિસાબે બધું ખેંચાઈ આવવાનું. આ ખેંચાણ શાનું છે ? સરખે સરખાનું.

પ્રશ્નકર્તા : કેવી રીતે ?

દાદાશ્રી : ગુણો મળતા આવે ને, તેથી ! કારણ કે લોહચુંબક પિત્તળને ના ખેંચે ! આ તો મગજ કામ ના કરે એવું સુંદર બ્રહ્મચર્ય આ લોકો પાળે છે. પણ આ દાદાનું વચનબળ એટલું સુંદર છે કે જે આવું સુંદર કામ કરી રહ્યું છે. જો કે આમને દોરવણી બહુ આપવી પડે છે. હજુ તો જરા ડફડાવવાય પડે છે.

આમને વસ્તુ એક્ઝેક્ટનેસમાં આવી જાય, પણ ત્યારે વ્યવહાર કશું સમજતા જ નથી ને ! એટલે આમને હવે અમે વ્યવહાર શીખવાડ શીખવાડ કરીએ. વ્યવહાર ના હોય તો કોઈ કશું બાપોય સાંભળે નહીં. વ્યવહારમાં પાસ ના થાય તો, એ વ્યવહાર એને ગૂંચવી નાખે. કોઈનું કલ્યાણ કરવું હોય તોય ના થાય. પોતાનું તો કલ્યાણ થઈ જાય, પણ બીજા કોઈનું કલ્યાણ ના કરી શકે. એ તો વ્યવહાર હોય તો જ બીજાનું કલ્યાણ કરી શકે. એમની શી ભાવના છે કે હવે અમારે જગતકલ્યાણમાં પડવું છે. એટલે એમને વ્યવહાર મુખ્ય જોઈશે.

વ્યવહાર તો કેવો હોવો જોઈએ કે જ્ઞાની પુરુષ આમ ત્રાડ પાડે તો મહાત્મામાં જે રોગ હોય ને, તે ત્રાડની સાથે જ નીકળી જાય. એવી કહેવત છે ને, કે સિંહ ત્રાડ પાડે ત્યારે શિયાળ ને એવાં બીજાં હિંસક પશુઓએ માંસાહાર કર્યું હોય, તે બધાની ઊલટી થઈ જાય ! એવી રીતે જ્ઞાની પુરુષનો એક શબ્દ સાંભળતાની સાથે બધું ઊલટી થઈ જાય, એવો વ્યવહાર. આમ માથે ટાપલી મારે ને હાથ અડાડે તોય શું નું શું કરી નાખે, એનું નામ વ્યવહાર ! વ્યવહાર એટલે શું કે એમના હાથ-પગ બધે અડે, તોય કામ થઈ જાય. પણ એ તો જ્ઞાનીની સિદ્ધિ કહેવાય.

આ તો આપણું જ્ઞાન છે તે ચાલે, નહીં તો ગાડું જ ચાલે નહીં ને ! અટકી જ જાય ગાડું. આ જ્ઞાન એકદમ જાગૃતિ આપે ને પાપો ભસ્મીભૂત કરી નાખે છે.

નિશ્ચય સહ વચનબળનો પાવર

પ્રશ્નકર્તા : આ બધા યુવાનોને દાદાએ જે બ્રહ્મચર્યની શક્તિનું પ્રદાન કર્યું છે. તો ભવિષ્યમાં એમને જ્યારે પૂર્વજન્મના સંસ્કારોને લીધે કામ-વિકારો જાગશે, ત્યારે એ લોકો કઈ રીતે એ સંયોગોમાં અડગ રહી શકશે ? એમને શું કરવાનું રહેશે, એ બધું ફોડ પાડો. બધાને લાભ થશે.

દાદાશ્રી : આ 'જ્ઞાન' આપણું એવું છે કે સર્વ વિકારોનો નાશ થાય છે. અમે વ્રતની વિધિ કરીએ છીએ, ત્યારે અમારું વચનબળ કામ કરે છે. એનો નિશ્ચય ડગવો ના જોઈએ.

પ્રશ્નકર્તા : આમનું જે નિશ્ચયબળ છે, તે 'વ્યવસ્થિત'ના હાથમાં છે કે એમના પોતાના હાથમાં છે ?

દાદાશ્રી : 'વ્યવસ્થિત' જોવાનું નહીં. 'વ્યવસ્થિત' એનું નામ જ કહેવાય કે તમારું નિશ્ચયબળ અને અમારું વચનબળ, એ બે ભેગું થયું કે એની મેળે 'વ્યવસ્થિત' ચેન્જ થાય. જ્ઞાનીનું વચનબળ એકલું જ 'વ્યવસ્થિત'ને ચેન્જ કરે એવું છે. એ સંસારમાં જવા માટે આડી દીવાલ જેવું છે. એક ફેર આડી દીવાલ નાખી આપે કે ફરી સંસારમાં જઈ શકે જ નહીં.

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે તમારો નિશ્ચય ને અમારું વચનબળ. એ બેમાં તારો નિશ્ચય ના તૂટે તો, અમારું વચનબળ કામ કર્યા કરે. પણ જો એ લોકોનો નિશ્ચય તૂટે તો ?

દાદાશ્રી : એવું કશું તૂટતું જ નથી. એવું બને જ નહીં અને એ તો અહીંથી નીચે ગબડી પડીએ તો મરી જ જઈએ ને ? એમાં એવો વિચાર કરીએ છીએ કે આમ પડીએ તો શું થાય ?

પ્રશ્નકર્તા : જો કોઈનું નિશ્ચયબળ તૂટ્યું, તો એ 'વ્યવસ્થિત' કહેવાય ? એને શું કહેવું ?

દાદાશ્રી : 'પોતાનો પુરુષાર્થ મંદ છે' એમ કહેવાય.

પ્રશ્નકર્તા : આમાં 'વ્યવસ્થિત' ના આવે ?

દાદાશ્રી : અજ્ઞાની માણસને માટે 'વ્યવસ્થિત' છે એમ કહેવાય અને જ્ઞાની તો પોતે પુરુષ થયો છે, એ હવે પુરુષાર્થ સહિત છે !

પ્રશ્નકર્તા : પોતાનો નિશ્ચય એટલે આપણે જો એમ કહીએ કે આપણે જ બધું કરી શકીએ એમ છે, તો પછી અહંકાર ના થઈ ગયો કહેવાય ? તો પછી આ પુરુષાર્થ કહેવાય કે અહંકાર જોડાયેલો કહેવાય ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : તો એ શું કહેવાય ?

દાદાશ્રી : કશું કહેવાય નહીં. નિશ્ચય એટલે નિશ્ચય !! અને તે આપણે પોતે ક્યાં કરવાનો છે, એ આત્માને કરવાનું નથી. આ પ્રજ્ઞા કહે છે કે ચંદ્રેશ, તમે નિશ્ચય બરોબર સ્ટ્રોંગ રાખો. એવું છે ને, કે જ્યારથી આ લોકોએ આ વ્રત લીધું, ત્યારથી એમની દ્ષ્ટિ એ બાજુ જતી જ નથી.. નહીં તો અમુક ઉંમરે તો સો-સો વખત દ્ષ્ટિ બગડ્યા કરે.

પ્રશ્નકર્તા : આ પાછલી જે ખોટો છે, તે નિશ્ચયના આધારે ઉડાડી શકાય ?

દાદાશ્રી : હા, બધી જ ખોટો ઉડાડી શકાય. નિશ્ચય બધું જ કામ કરે.

ઉદય ભારે આવે, ત્યારે તે આપણને હલાવી નાખે. હવે ભારે ઉદયનો અર્થ શો ? કે આપણે સ્ટ્રોંગ રૂમમાં બેઠા હોઈએ અને બહાર કો'ક બૂમાબૂમ કરતો હોય. પછી ભલેને પાંચ લાખ માણસો બૂમો પાડતા હોય કે 'હમ માર ડાલેંગે' તેવું બહારથી જ બૂમો પાડતા હોય, તો આપણને શું કરવાના છે ? એ છોને બૂમો પાડે. એવી રીતે જો આમાંય સ્થિરતા હોય તો કશું થાય એવું નથી, પણ સ્થિરતા ડગે કે પાછું પેલું ચોંટી પડે. એટલે ગમે તેવાં કર્મો આવી પડે ત્યારે સ્થિરતાપૂર્વક 'આ મારું ના હોય, હું શુદ્ધાત્મા છું' એમ કરીને સ્ટ્રોંગ રહેવું પડે. પછી પાછું આવે ખરું ને થોડી વાર ગૂંચવે. પણ આપણી સ્થિરતા હોય તો કશું થાય નહીં.

આ છોકરાઓને, અમારે બે-પાંચ વખત વિધિ કરી આપવી પડે, ત્યારે એમને મોહનું વાતાવરણ લગભગ ઊડી જાય. નહીં તો નર્યા મોહના વાતાવરણમાં જ્યારે 'રીજ પોઈન્ટ' પર આવે, ત્યારે એને સડસડાટ ઉડાડી મૂકે. એટલે અમુક પાંત્રીસ વર્ષ સુધી તો એનું રક્ષણ કરવું પડે. આ તો છોકરાઓના સંસ્કાર સારા, પાછું આ જ્ઞાનના પ્રતાપે એટલું શુદ્ધિકરણ થઈ ગયું છે, એટલા માટે આ બ્રહ્મચર્ય વ્રત આપીએ છીએ. કારણ કે જેટલી પવિત્રતા જળવાય એટલું તો પાંસરું રહે !!

પ્રશ્નકર્તા : 'રીજ પોઈન્ટ' પર જો એમને ઊડી જવાનું થાય, તો પછી જ્ઞાનનું બીજ રહે કે પછી બીજ પણ ચાલ્યું જાય ?

દાદાશ્રી : જ્ઞાનનું બીજ પણ ઊડી જાય. પણ નકામું ના જાય, બીજા ભવમાં પાછું 'હેલ્પ' કરે, એટલે 'હેલ્પ' તો કરે જ. અને આ ભવમાં જ જો ત્રણ-ચાર વખત પાછું 'જ્ઞાન' લે અને પાછો પાંત્રીસ વર્ષની ઉંમરે ફરી જ્ઞાન લઈ લે તો પાછું રાગે પડેય ખરું. અમારા નામથી અને વચનબળથી બે-ત્રણ વર્ષ રહ્યું તો એટલું ચોખ્ખું તો રહેશે અને જ્યારે પૈણવાનું આવે ત્યારે જોઈ લેવાશે, પણ એ પહેલાં બગડી તો ના જાય. અત્યારનો જમાનો વિચિત્ર છે. એટલાં માટે અમે આ બધા છોકરાઓને આ બ્રહ્મચર્ય વ્રત આપી દઈએ છીએ અને એ દબાણથી અને અમારા વચનબળથી એટલો તો ચોખ્ખો રહે. પછી પૈણાવે તોય એને ચોખ્ખું રહે ને ? નહીં તો આ તો માણસ ગૂંચાઈ જાય એવો વિચિત્ર જમાનો છે. કેટલાંકે તો સજોડે બ્રહ્મચર્ય વ્રત લીધું છે અને જ્ઞાનેય લીધું છે. એટલે એમનો આનંદ ઓર જ ને ?!

અમે બ્રહ્મચર્ય વ્રત આપીએ છીએ, પણ સ્ટેબિલિટી આવ્યા પછી આપીએ. પછી તમારા કર્મના ઉદય પેલા આવે તો પણ અમારું વચનબળ કામ કરે, પણ તમારી ચોકસાઈમાં ખામી ના આવવી જોઈએ.

પ્રશ્નકર્તા : એના કર્મના ઉદયમાં ભોગ હોય, તો એ પછી એમાં જોડાય કે ના જોડાય ? અધવચ્ચે કર્મનો ઉદય આવી જાય તો શું કરે?

દાદાશ્રી : ના. જ્ઞાનીઓનું વચનબળ શું કહેવાય છે, કે ભયંકર કર્મોને તોડી નાખે. પોતાનો નિશ્ચય જો ના ડગે તો ભયંકર કર્મોને તોડી નાખે. એટલે એ વચનસિદ્ધિ કહેવાય જ્ઞાનીઓની. પણ તે વ્રત આપે નહીં કોઈને. આ કંઈ લાડવા ખાવાના ખેલ નથી. અમે તો બધી રીતે એની ચોગરદમનો ટેસ્ટ કરી પછી જ આપીએ. બ્રહ્મચર્યવ્રત આમ ના અપાય. એ અપાય એવું નથી, એ આપવા જેવી ચીજ નથી.

પણ આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે તે મન-વચન-કાયાથી પાળે છે. મનથી તો બહારના લોકોથી પળાય જ નહીં. વાણીથી ને દેહથી બધા પાળે. આપણું આ જ્ઞાન છે ને, તેનાથી મનથી પણ પળાય. મન-વચન-કાયાથી જો બ્રહ્મચર્ય પાળે તો એનાં જેવી મહાન શક્તિ બીજી ઉત્પન્ન થાય એવી નથી. એ શક્તિથી પછી અમારી આજ્ઞા પળાય. નહીં તો પેલી બ્રહ્મચર્યની શક્તિ ના હોય તો આજ્ઞા શી રીતે પળાય ? બ્રહ્મચર્યની શક્તિની તો વાત જ જુદી ને ?!

આ બ્રહ્મચારીઓ તૈયાર થાય છે ને આ બ્રહ્મચારિણીઓય તૈયાર થાય છે. એમનાં મોઢાં ઉપર નૂર આવશે પછી લિપસ્ટિકો ને પાવડરો ચોપડવાની જરૂર નહીં રહે. હેય ! સિંહનું બાળક બેઠેલું હોય એવું લાગે. ત્યારે જાણીએ કે ના, કંઈક છે ! વીતરાગ વિજ્ઞાન કેવું છે કે જો પચ્યું તો સિંહણનું દૂધ પચ્યા બરાબર છે, તો સિંહના બાળક જેવો એ લાગે, નહીં તો બકરી જેવું દેખાય !!! આ તો વીતરાગ વિજ્ઞાન છે, એટલે એમ ને એમ સિંહ જેવો દેખાય. હજુ આ લોકો કંઈ સિંહ જેવા મને તો નથી દેખાતા, પણ એ લોકોનો પુરુષાર્થ જોરદાર છે ને ! ને સાચો પુરુષાર્થ છે, એટલે એ આવી જ જાય. બધું પ્રાપ્ત થઈ શકે અને પાછું જ્ઞાન સાથે પ્રાપ્ત થાય !!!

આ જવાન સ્ત્રી, જવાન પુરુષો બ્રહ્મચર્ય વ્રત લે છે. તો એમને કેવું સુખ વર્તતું હશે ? કે આમાંથી છૂટવાનાં ભાવ થાય છે ? આ બધાં છોકરાઓને કેવું સુખ વર્તતું હશે ? આવાં પાંચ જ છોકરાઓ તૈયાર થઈ જાય તો, તે આખા હિન્દુસ્તાનમાં બધે ફરી વળે, દરેક મોટાં શહેરમાં ફરી વળે, તો બધું બહુ કામ થઈ જાય. કોઈ જગ્યાએ ભાવબ્રહ્મચર્ય ના હોય. બહારના લોકો જે બ્રહ્મચર્ય પાળે છે તેય વચનનું અને કાયાનું, મનનું નહીં. આત્મજ્ઞાન સિવાય મનનું બ્રહ્મચર્ય ના રહે. એટલે આપણું આ તો સાયન્ટિફિક વિજ્ઞાન છે, દરઅસલ વિજ્ઞાન છે. આ તો આશ્ચર્ય કહેવાય ! આવું જો કોઈ બ્રહ્મચર્ય પાળે ને એમનાં દર્શન કરે તોય કલ્યાણ થઈ જાય. કારણ કે જ્ઞાની છે અને જોડે બ્રહ્મચારી છે, બે સાથે છે. એમને કેટલો આનંદ વર્તે છે ! ! જરાય આનંદ ઓછો થતો નથી.

પ્રશ્નકર્તા : આ લોકો પરણવાની ના પાડે છે, તો એ અંતરાય કર્મ ના કહેવાય ?

દાદાશ્રી : આપણે અહીંથી ભાદરણ જઈએ, તેથી કરીને આ બીજા ગામ જોડે આપણે અંતરાય પાડ્યા ? એને જ્યાં અનુકૂળ આવે, ત્યાં એ જાય. અંતરાય કર્મ તો કોને કહેવાય કે તમે છે તે કોઈકને કશુંક આપતા હો, ને હું કહું કે ના, એને આપવા જેવું નથી. એટલે મેં તમને આંતર્યા, તો મને ફરી એવી વસ્તુ મળે નહીં. મને એ વસ્તુના અંતરાય પડે.

એમાં કર્મબંધના નિયમો

પ્રશ્નકર્તા : જો બ્રહ્મચર્ય જ પાળવું હોય તો, એને કર્મ કહી શકાય ?

દાદાશ્રી : હા, એને કર્મ જ કહેવાય ! એનાથી કર્મ તો બંધાય ! જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી કર્મ કહેવાય ! એ પછી બ્રહ્મચર્ય હોય કે અબ્રહ્મચર્ય હોય. બ્રહ્મચર્યની પુણ્યૈ બંધાય અને અબ્રહ્મચર્યનું પાપ બંધાય !

પ્રશ્નકર્તા : કોઈ બ્રહ્મચર્યની અનુમોદના આપતું હોય, બ્રહ્મચારીઓને પુષ્ટિ આપે, એમના માટે બધું. બધી રીતે એમને રસ્તો કરી આપે, તો એનું ફળ શું ?

દાદાશ્રી : ફળને આપણે શું કરવું છે ? આપણે એક અવતારી થઈને મોક્ષમાં જવું છે, હવે ફળને ક્યાં રાખવાં ? એ ફળમાં તો સો સ્ત્રીઓ મળે, એવાં ફળને આપણે શું કરવાનાં ? આપણે ફળ જોઈતું નથી. ફળ ખાવું જ નથી ને હવે !

એટલે મને તો એમણે પહેલેથી પૂછી લીધેલું, 'આ બધું કરું છું, તે મારી પુણ્યૈ બંધાય ?' મેં કહ્યું, 'નહીં બંધાય.' અત્યારે આ બધું ડિસ્ચાર્જ રૂપે છે અને બીજ તો બધાં શેકાઈ જાય છે.

પ્રશ્નકર્તા : પણ એ બીજ પડે તો, એનું ફળ સારું હોય ને ?

દાદાશ્રી : એ સારું હોય, તોય પણ આપણને જરૂર નથી ને ! શેના માટે એ જોઈએ ! એની જરૂર જ નથી ને અને એ બધું વિષયો જ ઊભું કરનારું હોય છે.

પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?

દાદાશ્રી : બધી રીતે, વિષય જ ઊભું કરનારું છે. આપણે તો પુણ્ય કશું ના જોઈએ. આપણે તો જે દાદાની આજ્ઞાથી થાય એ ખરું અને આ તો 'ડિસ્ચાર્જ' રૂપે આવ્યું છે, જેટલું આવે છે ને, તે આટલાં રૂપિયા, આનાં પાઈ સાથે બધો હિસાબ છે. પછી તો તમારી ઇચ્છા હશે તોય નહીં થાય.

પ્રશ્નકર્તા : ના, પણ એ કંઈક ગયા ભવમાં ભાવ કરેલો હશે, તો જ થાય ને ? કે આ જ ભવના ભાવથી થાય ?

દાદાશ્રી : ના, એ તો ગયા અવતારનો બધો હિસાબ છે. પરિણામ છે અને બીજું તમારે કરવું હોય તોય નહીં થાય ! એય અજાયબી છે ને !

ત્યાગીઓ પાછા ભાવના ભાવે છે. મનમાં એમ થાય કે આખી જિંદગી ત્યાગમાં ને ત્યાગમાં ગઈ, આમાં તો મહાદુઃખ છે, એના કરતાં તો સંસારી રહેલા સારાં. સેવાચાકરી કરનારું તો મળે. ઘૈડપણમાં દુઃખ આવે ત્યારે આવી ભાવના ભાવે એટલે પાછો સંસારી થાય ને સંસારી થાય એટલે બ્રહ્મચર્ય કશું રહે જ નહીં.

બ્રહ્મચર્ય, ચાર્જ કે ડિસ્ચાર્જ ?

પ્રશ્નકર્તા : આ બધા જે બ્રહ્મચારીઓ થશે, એ 'ડિસ્ચાર્જ'માં જ ગણાય ને ?

દાદાશ્રી : હા, ડિસ્ચાર્જમાં જ ને ! પણ આ ડિસ્ચાર્જની જોડે એમનો ભાવ છે, તે મહીં ચાર્જ છે. છે ડિસ્ચાર્જ, પણ એની મહીં ભાવ એ ચાર્જ છે અને ભાવ હોય તો જ મજબૂતી રહે ને ! નહીં તો ડિસ્ચાર્જ હંમેશાંય મોળું પડી જાય. અને આ એનો ભાવ છે કે મારે બ્રહ્મચર્ય પાળવું જ છે, એનાથી મજબૂતી રહે. આ અક્રમ માર્ગમાં કર્તાભાવ કેટલો છે, કેટલે અંશે છે કે અમે જે આજ્ઞા આપી છે ને, એ આજ્ઞા પાળવી એટલો જ કર્તાભાવ. કોઈ પણ વસ્તુ પાળવી જ પડે, ત્યાં એનો કર્તાભાવ છે. એટલે 'બ્રહ્મચર્ય પાળવું જ છે.' આમાં પાળવાનું એ કર્તાભાવ છે, બાકી બ્રહ્મચર્ય એ ડિસ્ચાર્જ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય પાળવું એ કર્તાભાવ છે ?

દાદાશ્રી : હા, પાળવું એ કર્તાભાવ છે. અને આ કર્તાભાવનું ફળ એમને આવતાં અવતારમાં સમ્યક્્ પુણ્ય મળશે. એટલે શું કે સહેજેય મુશ્કેલી સિવાય બધી જ વસ્તુઓ પાસે આવીને પડે અને એમ કરતાં કરતાં મોક્ષે જવાનું. તીર્થંકરોનાં દર્શન થાય ને તીર્થંકરોની પાસે પડી રહેવાનો વખત પણ મળે. એટલે એને બધા સંજોગો બહુ સુંદર હોય.

અમારી આ સાયન્ટિફિક શોધખોળ છે, બહુ સુંદર શોધખોળ છે ! પણ અનાદિની કુટેવ જતી નથી, માટે અમારે આ મૂકવું પડે છે કે 'બ્રહ્મચર્ય પાળો.'

બાકી, પૈણવું હોય તો જ્ઞાની પુરુષની આજ્ઞા લઈને પૈણો. આશીર્વાદ લીધા અને 'જ્ઞાની પુરુષે' કહ્યું કે હવે તું ગૃહસ્થ જીવન જીવીશ, પછી 'જ્ઞાની પુરુષ'ને પૂછવાનું જ ક્યાં રહ્યું ? પછી જ્ઞાની પુરુષનેય કશો વાંધો ના રહ્યો. કોઈને મહીં એવું થાય કે મારે આ પ્રમાણે નક્કી કરવું છે, તો હું કહી દઉં કે 'પૈણજે, પણ મારી આજ્ઞા લઈને પૈણજે.' પછી તારી જવાબદારી નહીં. કારણ કે સ્ત્રી પૈણીને લાવ્યા, તેને તો અમે ગમે તેમ કરીને પણ જ્ઞાનમાં લઈ જઈએ, પણ હરૈયા ઢોર જેવું થયું, તો તે પછી યુઝલેસ વસ્તુ છે. ત્યાં જ બધા પાખંડ છે. આખા જગતનું કપટ ત્યાં છે. જ્યારે પૈણીને લાવશે તેમાં પાખંડ નથી, તેમાં કપટ નથી. આની જગતનાં લોકો નિંદા ના કરે.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય માટે કુદરતની હેલ્પ અને પાછળના સંસ્કાર કંઈ કામ કરે કે ?

દાદાશ્રી : હા, કરે. એ તો બહુ સંસ્કાર લઈને આવેલો હોય, આજુબાજુનાં ઘરનાં માણસો સારાં સંસ્કારી હોય. પૂર્વના સંસ્કારો હોય ત્યારે ઘરનાં માણસો સારાં મળી આવે. એનું મન એવું મહીં સરસ મજબૂત હોય ને ચોગરદમથી બધાય સંજોગો બાઝેલા હોય. આ કંઈ એમ ને એમ ગપ્પું ઓછું છે ? એક માણસ કરોડ રૂપિયા કમાઈને લાવ્યો તોય તે ગપ્પું નથી હોતું, તો આય કંઈ ગપ્પું છે ?!

વિષય તૂટે, સામાવાળિયા થયેથી

પ્રશ્નકર્તા : રવિવારના ઉપવાસને અને બ્રહ્મચારીઓને શું 'કનેકશન' છે ? રવિવારનો ઉપવાસ એમને શાથી કરવાનો ?

દાદાશ્રી : એ તો કહેવાથી કરે છે. દાદાને સાતેય વાર જોડે કંઈ લેવાદેવા નથી, રાગ-દ્વેષ નથી. એ તો અમારા મોઢામાંથી નીકળી જાય એ વાર સારો અને કો'ક વખતે કોઈ જમાડનારાના મનમાં એમ થાય કે મારે ત્યાં સારું સારું જમવાનું બનાવ્યું છે ને આવા સંત પુરુષો જમવાના રહી જાય છે, જમતા નથી. ત્યારે અમારે આ લોકોને કહેવું પડે કે આજે જમજો. એક ટાઈમ જમવાની અમે આજ્ઞા કરીએ, એટલે પેલા ઘરવાળાને દુઃખ થાય નહીં. હા, બીજી વખત જમો તો તે ના ચાલે. આપણે કંઈ આ શરીરને બહુ કષ્ટ નહીં આપવાનું, નોર્માલિટીમાં રાખવાનું છે. તેથી દેહ તેજદાર થાય, ભભકાદાર થાય.

પ્રશ્નકર્તા : શરીર જરા પુષ્ટ બને એવું રાખવાનું ખરું ?

દાદાશ્રી : ના, પુષ્ટ નહીં. પણ તેજદાર હોવું જોઈએ, જે 'સ્ટાન્ડર્ડ' વજન હોય તેટલું રાખવું.

આ રવિવારનો ઉપવાસ શેને માટે કરે છે ? વિષયનો સામો થયો છે. વિષય મારા ભણી આવે જ નહીં, એટલા માટે વિષયનો સામાવાળિયો થયો ત્યારથી જ નિર્વિષયી થયો. આ હું આમને વિષયના સામાવાળિયા જ કરું છું. કારણ કે આમનાથી એમ વિષય છૂટે એવો નથી, આ તો બધાં ચીભડાં કહેવાય, આ તો દુષમકાળનાં ખદબદતાં ચીભડાં કહેવાય. આમનાથી કશું છૂટે નહીં, તેથી તો પછી બીજા રસ્તા કરવાં પડે ને ?

હવે તને, તું પોતે 'વિષયનો સામોવાળિયો છું' એવું લાગે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આપણે વિષયના સામાવાળિયા થઈએ, તો શું રહે આપણી પાસે ?

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય રહે.

દાદાશ્રી : સંયમ ધારણ કરવો એ તો બહુ મોટી વસ્તુ છે. આ તો 'જ્ઞાની'ની આજ્ઞાથી સંયમ ધારણ થશે. નહીં તો આ માર્ગ વ્યવહાર સંયમનો નથી, આ તો જ્ઞાન માર્ગ છે. આ તો અમે આજ્ઞા આપીને સંયમ કરાવીએ છીએ. સંયમ આજ્ઞાથી થાય. આજ્ઞામાં વર્તે એટલે સંયમ થાય.

પ્રશ્નકર્તા : આ બધાને આત્માનો આનંદ ને ઉલ્લાસ એટલાં બધા વધારી આપો કે બીજે સુખ ખોળવા જ જવું ન પડે.

દાદાશ્રી : એ તો ખૂબ વધારી આપ્યાં છે, પણ હજુ તો આ લોકોને અંદરખાને અભિપ્રાય રહે છે કે આ વિષયમાં ઠીક છે, આ સારું છે. તે આ અભિપ્રાય બધા હું તોડું છું. એક અક્ષરનોય અભિપ્રાય ના રખાય.

પ્રશ્નકર્તા : બધાને એવો અભિપ્રાય ઓછો હોય ?

દાદાશ્રી : એવો તો કો'ક જ હોય. તેય પાંસરા ના મળે. મન તો બગડેલાં હોય એમનાંય, દેહ બગડેલો ના હોય, તોય પાંસરા તો ના જ કહેવાય ને ?!

પ્રશ્નકર્તા : આપણા આખા મન-વચન-કાયા-ચિત્ત-બુદ્ધિ-અહંકાર બધે આત્માનો ઉલ્લાસ કેમ વ્યાપી જતો નથી પૂરેપૂરો ?

દાદાશ્રી : હા, વ્યાપી જાય છે, પણ ભોગવે છે ક્યાં ? હજુ તો પેલી પાછલી ખોટો છે. પાછલું જે પૂરણ કરેલું, તે ગલન થાય છે, તેમાં એકાકાર થઈ જાય છે. જલેબી તમારે ખાવી હોય તેટલી ખાવ, બાકીની બીજી જલેબી તમે નાખી દો, તો જલેબી તમારી ઉપર કંઈ દાવો માંડે ?

પ્રશ્નકર્તા : પણ વિષય કેવી રીતે દાવો માંડે ?

દાદાશ્રી : એ તો તમને એમ લાગે કે સામો દાવો નથી માંડતું. સામો માણસ દાવો ના માંડે તો તેનોય કંઈ સવાલ નથી, પણ એ તો પરમાણુઓ દાવો માંડે છે અને આ પરમાણુઓની તો એટલી બધી ઇફેક્ટ થાય છે કે ઓહોહો, કંઈ અજબ ઇફેક્ટ થાય છે !!

પ્રશ્નકર્તા : પણ એ પરમાણુઓનું તો તમે કહો છો ને, કે જૂનું લઈને આવ્યા છે એટલે એ પ્રમાણે અસર તો થતી હશે ને ?

દાદાશ્રી : મારું શું કહેવાનું છે કે અસર થતી હોય તોય તમે એનાથી છેટા રહો, એના દુશ્મન થઈ જાવ કે જેથી એમાં મિત્રતા ના રહે, નહીં તો એ તમને ધવડાવી ધવડાવીને પાછા પાડી નાંખશે !!

અમે વિષયની વાત કરી ત્યારે આમણે પહેલામાં પહેલું કહ્યું કે આ વિષયનું સેવન એ ખોટું છે, એવું અમને આજે જ્ઞાન થયું. લોકોને તો 'આ ખોટું છે' એવુંય જ્ઞાન નથી. અરે, ભાન જ નથી ને ! જાનવરોમાં ને આમનામાં ફેર કેટલો છે ? અમુક જ ટકાનો, લાંબો ફેર જ નથી. એટલે 'આ ખોટું છે' એમ જાણવું તો પડશે ને ?!

પ્રશ્નકર્તા : 'વિષયોનું સેવન એ ખોટું છે' એવું તો મોટા ભાગના હિન્દુસ્તાનમાં બધા જાણે છે.

દાદાશ્રી : ના, બધાને ખબર નથી. હજુ તો તમનેય ખબર નથી ને ! 'શું ખોટું છે ?' એની ખબર ના પડે. તમે તમારી સમજણ પ્રમાણે એને ખોટું માનો કે 'ઓહોહો, મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી' એવું તમે સમજો છો. અરે, મિયાં-બીબી લાખ રાજી હોય તોય પણ એમાં જોખમ શું છે ? એ તમે ના સમજો. અને પૈણત અને હરૈયું, એમાં શું ફેર છે ? એ તમે ના સમજો. પૈણત કે હરૈયું બધી જોખમદારી જ છે. આમાં જોખમદારીનું ભાન છે કોઈને ? જોખમદારીનું ભાન તો એકલો હું જ જાણું છું. હરૈયો શબ્દ ના સમજે માણસ, એ પછી ક્યાં જાય ? નર્કગતિના અધિકારી થાય. પૈણવું જ હોય તો પૈણોને, દસ પૈણો. તેની કોણ ના પાડે છે ! પણ દ્ષ્ટિ બધે બગાડે છે તે જોખમ છે અને એ તો હરૈયા ઢોર જેવી અવસ્થા કહેવાય. દેહ હરૈયું ના હોય, તો મન હરૈયું હોય. એટલે અત્યાર સુધી જે ભૂલો થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરી કરીનેય ચોખ્ખું કરી નાખવું અને એને માફ કરાવવાનું મારી પાસે હથિયાર છે. પછી નવેસરથી ચોખ્ખું રહે.

આલોચના, આપ્તપુરુષ પાસે જ

પ્રશ્નકર્તા : આપની પાસે એવા લોકો આવે છે કે જે પોતાના પાછલા દોષો થયા હોય તેની આપની પાસે આલોચના કરે, તો આપ એને છોડાવો છો ?

દાદાશ્રી : મારી પાસે આલોચના કરે એટલે મારી સાથે અભેદ થયો કહેવાય. અમારે તો છોડાવવા જ પડે. આલોચના કરવાનું સ્થળ જ નથી, જો સ્ત્રીને કહેવા જાય તો સ્ત્રી ચઢી બેસે, ભઈબંધને કહેવા જઈએ તો ભઈબંધ ચઢી બેસે, પોતાની જાતને કહેવા જઈએ તો જાત ચઢી બેસે ઉલટું, એટલે કોઈને કહે નહીં. અને હલકું થવાતું નથી. એટલે અમે આલોચનાની સિસ્ટમ (પદ્ધતિ) રાખી છે.

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ સમક્ષ આ ભવમાં જે દોષો આપણે કર્યા હોય, તેની માફી માંગી શકાય ?

દાદાશ્રી : હા. એ દોષો પછી મોળા થઈ જાય. જ્ઞાની પુરુષ પાસે આલોચના કરવામાં આવે, તે પોતે મોઢે કહે તો ઉત્તમ. અમને રૂબરૂ કહે, બધાની હાજરીમાં કહે એ ઓર્કેસ્ટ્રા ક્લાસ. પછી તમે કહો કે ના, હું એકલો હોઈશ, ત્યારે દાદાને કહીશ, એ ફર્સ્ટ ક્લાસ. અને પછી તમે કહો કે દાદા મોઢે નહીં કહું, કાગળમાં આપીશ, તો સેકન્ડ ક્લાસ. અને તમે કહો કાગળમાંય નહીં, હું મનમાં ત્યાં ને ત્યાં ઘેર કરી લઈશ, એ થર્ડ ક્લાસ. જે ક્લાસમાં બેસવું હોય તેને છૂટ છે. પણ બધાને મારી જોડે એકતા આવી જાય છે કારણ કે હાર્ટ 'પ્યૉર' જ છે ને ! મને તો અભેદ જ લાગે બધા. અને પોતાનું જે એફીડેવીટ (ગુનાની કબૂલાત) લખે છે, તેમાં એકેય દોષ લખવાનો બાકી નથી રાખતાં. પંદર વર્ષની ઉંમરથી માંડીને ચાલીસ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીના બધા જ દોષો લખીને આપી દે છે, આ છોકરાં, છોકરીઓ બધાંય જાહેર કરી દે છે.

જેને દોષ કાઢવા હોય તેણે અમારી પાસે આલોચના કરવી જોઈએ. જેને બહુ મોટો દોષ થયો હોય અને એ દોષ કાઢવો હોય, તો મારી પાસે આલોચના કરે તો આલોચના કરતાંની સાથે જ તેનું મન મારી પાસે બંધાઈ ગયું. પછી અમે ભગવાનની કૃપા ઉતારીએ અને એને ચોખ્ખો કરી આપીએ.

અમારી પાસે આલોચના લખી લાવે. તે જેટલા જેટલા દોષ એ પોતે જાણતો હોય, એ બધા જ દોષ આમાં લખે છે. તે પછી એક જણ નહીં, હજારો માણસ ! હવે એ દોષોનું અમે શું કરીએ છીએ ? એનો કાગળ વાંચી, એની પર વિધિ કરીને પાછાં એના હાથમાં આપીએ છીએ. તે એને કેટલો વિશ્વાસ ! વર્લ્ડમાં ના બન્યા હોય એવા દોષો લખે છે ! દોષો વાંચીને જ તમને એમ થઈ જાય કે અરેરે, આ તે કેવાં દોષ ?!

આવા હજારો માણસોએ પોતાના દોષ લખી આપેલા. સ્ત્રીઓએ બધા દોષ ઊઘાડા કરીને કહેલાં છે, સંપૂર્ણ દોષ. સાત ધણીઓ કર્યા હોય તો, સાતેયના નામ સાથે લખેલા હોય, બોલો હવે અમારે શું કરવું અહીં ? વાત સહેજ બહાર પડી તો એ આપઘાત કરી નાખે, તો અમારે જોખમદારી બહુ આવે.

સાચી આલોચના કરી નથી માણસે. તે જ મોક્ષે જતાં રોકે છે. ગુનાનો વાંધો નથી. સાચી આલોચના થાય તો કશો વાંધો નથી. અને આલોચના ગજબનાં પુરુષ પાસે કરાય. પોતાના દોષોની કોઈ જગ્યાએ આલોચના કરી છે જિંદગીમાં ? કોની પાસે આલોચના કરે ? અને આલોચના કર્યા વગર છૂટકો નથી. જ્યાં સુધી આલોચના ના કરો તો આને માફ કોણ કરાવે ?

હવે તો દેવું ચૂકવી દો

જેને કંઈ પણ જોઈતું હોય તો તેને અમારા વચનબળથી પ્રાપ્ત થઈ જાય એવું છે. અત્યાર સુધી થયેલા તમામ દોષો હું ધોઈ નંખાવડાવું હઉ. હવે દેવું કાઢી આપતા હોય તો સારું કે નહીં ? પછી નવેસરથી દેવું કરો નહીં, પણ અત્યાર સુધીનું દેવું કાઢી નાખ્યું એટલે બધી ભાંજગડ ઊડી ગઈ ને ?! નહીં તો એક ફેર દેવું થાય એટલે એ વધારે ને વધારે દેવામાં ઉતારે. શું કહે કે હશે, આટલાં નાદાર થયા તો આટલાં વધારે. પછી સરવાળે શું આવે ? દુકાન હરાજ થાય.

ખરી રીતે આ વિજ્ઞાન એવું છે કે 'તમે આમ કરો કે તેમ કરો' એવું કશું બોલાય નહીં, પણ આ તો કાળ એવો છે ! એટલે અમારે આ કહેવું પડે છે. આ જીવોનાં ઠેકાણાં નહીં ને ? આ જ્ઞાન લઈને ઊલટો ઊંધે રસ્તે ચાલ્યો જાય. એટલે અમારે કહેવું પડે છે અને તેય અમારું વચનબળ હોય પછી વાંધો નહીં. અમારા વચનથી કરે એટલે એને કર્તાપદની જોખમદારી નહીં ને ! અમે કહીએ કે 'તમે આમ કરો.' એટલે તમારી જોખમદારી નહીં અને મારી જોખમદારી આમાં રહેતી નથી !!!

એ પામે પરમાત્મ પદ

પ્રશ્નકર્તા : જ્યારે કસોટી થાય અને જે સંયમ પાળે, તે સંયમ કહેવાય. જ્યારે વિષયના વાતાવરણમાં આવે અને એમાંથી જો પસાર થાય તો કહેવાય કે આને સંયમ છે.

દાદાશ્રી : પણ વિષય બાજુના વિચારો કોઈ દહાડો ના આવતા હોય તો, એની વાત જ જુદી ને ! કારણ કે પૂર્વ ભવે ભાવના કરી હોય તો વિચાર ના આવે. અમને બાવીસ-બાવીસ વર્ષથી વિષયનો વિચાર જ નથી આવ્યો, જ્ઞાન થતાં પહેલાંના બે વર્ષ તો વિષયનો વિચાર સુદ્ધાં નહીં આવેલો. અમારાથી વિષય-વિકારી સંબંધ નહોતા થયા. વિકારી સંબંધમાં અમને એ મિથ્યાભિમાન હતું કે અમારાથી આ ના થાય. અમારા કુળના અભિમાનથી આ ઘણું સચવાઈ ગયેલું. એટલે બ્રહ્મચર્ય એ ઊંચામાં ઊંચી વસ્તુ છે. એના જેવી કોઈ ઊંચી વસ્તુ જ નથી ને !

હવે અનુપમ પદ છોડી ઉપમાવાળું પદ કોણ લે ? જ્ઞાન છે તો પેલો આખા જગતનો એંઠવાડો કોણ અડે ? જગતને પ્રિય એવાં જે વિષયો એ જ્ઞાની પુરુષને એંઠવાડો લાગે. આ જગતનો ન્યાય કેવો છે કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટો જ રહેતો હોય, તેને જગત ભગવાન કહ્યા વગર રહે નહીં !!

રુરુરુરુરુ

[૧૮]

દાદા આપે પુષ્ટિ, આપ્તપુત્રીઓને

મોહ આવરે જાગૃતિને

જગત જાણતું જ નથીને કે આ રેશમી ચાદરથી વીંટેલું છે બધું ? પોતાને જે ગમતો નથી એ જ કચરો, આ રેશમી ચાદરથી વીંટેલો છે. એ તમને લાગે છે કે નથી લાગતું ? એટલું સમજે તો નર્યો વૈરાગ જ આવે ને ? એટલું ભાન નથી રહેતું. તેથી જ આ જગત આવું ચાલે છે ને ? એવી કોઈને જાગૃતિ હશે આ બહેનોમાંથી ? કોઈ માણસ રૂપાળો દેખાતો હોય ને એને છોલે તો શું નીકળે ?

પ્રશ્નકર્તા : લોહી-માંસ ને એ બધું નીકળે.

દાદાશ્રી : માંસ-પરું એવું બધું ને ?! અને રૂપ ક્યાં ગયું પછી ? આવાં બધા વિચાર નથી કર્યા, તેને લીધે આ મોહ છે ને ?!

પ્રશ્નકર્તા : હા, એવું જ લાગે છે.

દાદાશ્રી : હા, જુઓને કેવી ફસામણ !!! વિચાર કરે તો ફસામણ જેવું નથી લાગતું, બહેન ?! બુદ્ધિથી વાત સાચી લાગે છે ને, કે આ બધો મહીં ગંદવાડો છે ? દરેકનામાં ગંદવાડો હશે કે કેટલાંક ચોખ્ખા હશે, મીણ જેવાં ?

પ્રશ્નકર્તા : દરેકનામાં ગંદવાડો છે.

દાદાશ્રી : આ દાદાજીમાં હઉ ગંદવાડો છે. દાદાજી એટલે 'દાદા ભગવાન' એ જુદા છે અને આ 'એ. એમ. પટેલ' જુદા છે. પટેલમાં ગંદવાડો જ હોય, 'દાદા ભગવાન'માં ગંદવાડો ના હોય.

આ શરીરમાં આવો બધો ગંદવાડો છે એવી જાગૃતિ રહે, તો ગમે તેવાં રૂપાળા દેખાય તોય મોહ ઉત્પન્ન થાય ખરો ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : એ જાગૃતિ નથી, તેનો આ મોહ ઉત્પન્ન થાય છે અને એ મોહમાંથી પછી નર્યાં દુઃખો જ બધાં ઊભાં થાય છે. નહીં તો દુઃખ તે હોતું હશે ? અને કોઈ કહેશે કે ત્યારે લગ્ન શું કામ કરો છો ? ત્યારે હું કહું કે લગ્ન તો કરવું પડે, ફરજિયાત કરવું પડે. આપણી ઇચ્છા ના હોય તોય ચોરીમાં બેસાડી દે, તો શું થાય ? બેસાડે કે ના બેસાડે ?

પ્રશ્નકર્તા : બેસાડે.

દાદાશ્રી : બધા ભેગા થઈને બેસાડે ને ? 'સાયન્ટિફિક સરકમ-સ્ટેન્શિયલ એવિડન્સ' બેસાડે, એમાં છૂટકો જ નહીં. એ ભોગવટો તો બધો ભોગવવો જ પડે. બાકી, ના પૈણવું હોય તો લફરું કોણ ઊભું કરે ? પૈણવું હોય તો કુદરતી છૂટકો જ નથી. નહીં તો વગર કામનું રાજીખુશીથી કોઈ લફરું ઊભું જ ના કરે ને ? કોઈ કરે ? આ વાતથી બધી બહેનોને સમજ પડે છે ને ?

કોઈ છોકરો સારાં કપડાં-બપડાં પહેરીને, નેકટાઈ-બેકટાઈ પહેરીને બહાર જતો હોય, તે મૂઆને કાપે તો શું નીકળે ? તું અમથો શું કામ નેકટાઈ પહેર પહેર કરે છે ? મોહવાળા લોકોને ભાન નથી. તે રૂપાળો જોઈને મૂંઝાઈ જાય બિચારા ! જ્યારે મને તો બધું ઉઘાડું આરપાર દેખાય. આ બધા માણસો કપડાં કાઢીને ફરે તો તને ખરાબ ના લાગે ?

પ્રશ્નકર્તા : બહુ ખરાબ લાગે.

દાદાશ્રી : એટલે આ કપડાંને લીધે સારાં દેખાય છે. કપડાં વગેરેય પછી સારાં દેખાય ? આ કપડાં વગર તો ગાયો, ભેંસો, બકરીઓ, કૂતરાંઓ બધાં જ સારાં દેખાય, પણ માણસો સારાં ન દેખાય. હવે આવું જ્ઞાન જ કોઈ આપે નહીં ને ? આવી વિગતવાર સમજણ જ કોઈ પાડે નહીં ને ? પછી મોહ જ ઉત્પન્ન થાય ને !! દાદાજી તો કહેતા હતા કે આ તો બધું આવો ગંદવાડો છે, પછી મોહ શેનો ઉત્પન્ન થાય ? કોઈ બહેન કે ભાઈ ગમે તેવા પટિયાં પાડીને ફરતો હોય, તો આપણને શું એમાં ? મહીં ચીરે ત્યારે શું નીકળે એમાંથી ? આ જેમ દૂધી છોલીએ છીએ, તેમ એને છોલીએ ત્યારે શું થાય ? મહીં કચરો દેખાય ને ? કો'કને અહીં પરુ થયું હોય તે આપણને કહે કે લો, આ ધોઈ આપો. તો તે તને ગમે ? એને તો અડવાનું જ ના ગમે ને ? અને કોઈ ભાઈબંધ હોય અને પરું ના થયેલું હોય તો તને આમ હાથ અડાડવાનું ગમે ને ? પણ આ તો મહીં કચરો જ માલ ભરેલો છે. એને તો હાથેય અડાડાય નહીં. મોહ કરવા જેવું જગત છે જ ક્યાં ? પણ એવું વિચાર્યું જ નથી ! કોઈએ કહ્યું નથી !! માબાપ પણ શરમના માર્યા કહે નહીં. પોતે ફસાયેલાં, તે બધાને ફસાવ્યા કરે. આ દાદાજી ફસાયા નથી એટલે બધાંને ઉઘાડું કહી દે, કે 'જો, આ રસ્તે ફસાશો. આ રસ્તા નથી સારા. આ તો ભયંકર માર્ગ છે.' દ

ાદાજી આમ લાલ વાવટો ધરે કે 'ભઈ, આ પુલ પડવાનો થયો છે.' પછી ગાડીને આગળ ના જવા દો ને ?

હજી નાની ઉંમર તમારી, તેમાં એક ફેર જ ફસાયા પછી છટકવું બહુ જ મુશ્કેલ છે. માટે પહેલેથી ચેતીને ચાલવું. બહાર તો જગત જોવા જેવું જ નથી. ફ્રેન્ડશિપ કરવા જેવું જગત જ નથી. એવું તને લાગ્યું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પૈણવા જેવુંય જગત નથી, પણ પૈણવાનું તો આપણે છૂટકો જ નથી. એ આપણા હાથમાં જ નહીં ને ! આપણે ના પૈણવું હોય તોય મારી રડાવી કરીને ચોરીમાં બેસાડે. એ તો ફરજિયાત છે, દંડ છે એક જાતનો. એ તો ભોગવ્યા વગર છૂટકો જ ના થાય, એ 'વ્યવસ્થિત' છે.

આ બેનનેય મનમાં ભાવના થાય કે આ બધાય વ્રત લે છે ને હું લઉં, તો હું ના પાડું એને. છ મહિને-બાર મહિને જ્યારે સંજોગ બેસે ત્યારે પૈણી જા. અમે આશીર્વાદ આપીશું અને પછી તારો લાભ થાય એવો રસ્તો કરી આપીશ. અને સારો લાભ થશે. આ મૂંઝવણ થઈ, તે મૂંઝવણ કોઈ છોડી આપશે નહીં.

હું તો છોકરીઓને ના પાડું. જ્ઞાનમાં રહેતી હોય તોય ના પાડું.

પ્રશ્નકર્તા : હા, એમાં દેખાદેખી કરવા જેવું નથી.

દાદાશ્રી : પુરુષને તો નભાવી લેવાય. કારણ કે પુરુષને તો બીજો ભય નહીં ને, આને તો બીજા ભય ના હોય તો કો'ક સળી કરે.

પૈણવાનો આધાર નિશ્ચય પર

પ્રશ્નકર્તા : ના પૈણવાનો અમે નિશ્ચય કરીએ, તો પછી 'વ્યવસ્થિત' એવું આવે ?

દાદાશ્રી : ના પૈણવાનો જબરજસ્ત નિશ્ચય હોય તો પૈણવાનું ના આવે. તે પણ નિશ્ચય પાછો બીજે દહાડે ભૂલી જઈએ એવો ના હોવો જોઈએ. નિશ્ચય કોનું નામ કહેવાય કે નિરંતર યાદ રહ્યા કરે. નિશ્ચય ભૂલી ગયા એટલે પછી પૈણવાનું આવશે એ વાત નક્કી છે. નિશ્ચય ભૂલાયો નહીં, તો પૈણવાનું નહીં આવે એની હું ગેરન્ટી લખી આપું. કારણ કે જે ગામ આપણે જવું છે એ તો ભૂલાવું ના જોઈએ ને ? આપણે બોમ્બે સેન્ટ્રલ જવું હોય તો પછી એ ભૂલી જઈએ તો ચાલે ? એ તો યાદ રહેવું જોઈએ ને ? એમ આપણે 'નથી પૈણવું' એવો જે નિશ્ચય કર્યો છે, એ નિશ્ચય ભૂલાય નહીં, એટલે એને પૈણવાનું આવે જ નહીં. પેલા બધા પૈણાવા ફરે, છોકરો ખોળી લાવે, તોય કુદરત તાલ ખાવા ના દે. બાકી આ સંસાર તો નર્યો દુઃખનો સમુદ્ર જ છે, એનો પાર ના આવે.

દોષ, આંખનો કે અજ્ઞાનતાનો ?

હવે આ જ્ઞાન બધું હાજર રહેશે ને ? એ તો આપણને હાજર જ રહેવું જોઈએ કે આ છોલે તો શું દેખાય ? આ આંખનો સ્વભાવ છે ખેંચાઈ જવું. એવી રૂપાળી મૂર્તિ દેખેને, તો આંખને આકર્ષણ થાય. આ આકર્ષણ શી રીતે થયું ? ત્યારે કહે કે પૂર્વભવનો હિસાબ છે, આપણે આકર્ષણ ના કરવું હોય તોય થયા કરે. આકર્ષણ એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એટલે જ્યાં આકર્ષણ થાય ત્યાં આગળ આપણે જ્ઞાન હાજર કરવું કે દાદાજીએ કહ્યું છે કે ચામડી છોલે તો શું નીકળે ? એટલે વૈરાગ આવે ને પછી મન તૂટી જાય, નહીં તો આકર્ષણ જોડે મન એડજસ્ટ થયું તો ખલાસ કરી નાખે. લફરાં જ વળગી જાય. લફરાં વળગે એટલે પછી છૂટે નહીં, સાત-સાત અવતાર સુધી ના છૂટે, એવું વેર બાંધે. પણ આપણે તો મોક્ષે જવું છે. મોક્ષે જવાવાળાને આવા લફરાવાળો વેપાર પોષાય જ નહીં. જે માલ આપણને જોઈતો નથી, બધી હલવાઈવાળાની દુકાનો હોય પણ આપણને કશું લેવું ના હોય, તો આપણે એને જો જો કરીએ છીએ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એવી રીતે સ્ત્રીએ પુરુષોને જોવા ના જોઈએ અને પુરુષે સ્ત્રીઓને જોવી ના જોઈએ. કારણ કે એ આપણા કામની નથી. દાદાજી કહેતા હતા કે આ જ કચરો છે, પછી એમાં શું જોવાનું રહ્યું ?

એક ફેરો એક મોટા સંત અગાસીમાં બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા. કોઈ સામા મકાનની બારીમાં એક બહેન ઊભી હશે, તે એમણે એને જોઈ. એટલે એમની આંખ ખેંચાઈ અને એ તો વિચારશીલ માણસ, એટલે મનમાં થયું કે આ કેમ થાય છે ? આમ ના થવું જોઈએ. પછી પાછું વાંચવા માંડ્યું, પણ પાછી આંખ ખેંચાઈ. એટલે એમને થયું કે આ તો બહુ ખોટું કહેવાય. એટલે તરત ત્યાંથી ઊઠીને રસોડામાં ગયા અને રસોડામાં જઈને લાલ મરચું વાટેલું હતું તે આંખમાં નાખ્યું. આ એમણે સારું કર્યું ? એ આંખનો દોષ છે ? કોનો દોષ છે ?

પ્રશ્નકર્તા : મનનો દોષ છે.

દાદાશ્રી : ના, અજ્ઞાનતાનો દોષ છે. અજ્ઞાન છે તેથી ને ? હવે આંખમાં મરચું નાખ્યું તેવું એમના કોઈ શિષ્યો શીખ્યા નહીં. શિષ્યો જાણતા હતા કે ગુરુ મહારાજ ઈમોશનલ થઈ ગયા હશે ને મરચું નાખ્યું હશે, આપણે ના નંખાય, બાપ ! આંખમાં મરચું નાખ્યે ફાયદો શો થાય ?

એનાં કરતાં મારી વાત યાદ રહી હોય તો મોહ જ ઉત્પન્ન ના થાય ને ? અને ખરેખર એમ જ છે. આ કંઈ ગપ્પું છે ?

પ્રશ્નકર્તા : આંખ ખેંચાય, પણ વિકારી ભાવ ના હોય તો ?

દાદાશ્રી : તો વાંધો નહીં. વિકારી ભાવ તો આપણામાં ના હોય, પણ સામાનામાં હોય ત્યારે શું થાય ? માટે ખેંચાણમાં ફસાવું નહીં. આંખ ખેંચાય ત્યાંથી છેટા રહેવું. બીજે બધે જ્યાં સીધી આંખો હોય ત્યાં બધો વહેવાર કરવો. આંખ ખેંચાય ત્યાં જોખમ છે, લાલ વાવટો છે. આપણામાં વિકારી ભાવ ના હોય, પણ પેલા સામાનું શું થાય ? બધે ખેંચાણ નથી થતું ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એટલે ખેંચાણના કાયદા છે કે અમુક જગ્યાએ જ ખેંચાણ હોય, કંઈ બધે ખેંચાણ ના હોય. હવે આ ખેંચાણ શી રીતે થાય છે, તે તમને કહીં દઉં.

આ ભવમાં ખેંચાણ ના થતું હોય, છતાં કોઈ ભઈને દેખ્યો, તે આપણા મનમાં એવું થાય કે, 'ઓહોહો, આ ભઈ કેટલો રૂપાળો છે, દેખાવડો છે.' એવું આપણને થયું કે તેની સાથે જ આવતાં ભવની ગાંઠ પડી ગઈ. એનાથી આવતાં ભવે ખેંચાણ થાય. શેનું રૂપ ? આ છોલે તો શું નીકળે ? રૂપ કોનું નામ કહેવાય કે છોલે તોય ખરાબ ના નીકળે. આ રૂપ તો જોવા જેવું નથી. આ હીરાનું રૂપ બરોબર છે. એને છોલીએ તો કશુંય ના થાય, એમાં ગંદવાડો નહીં ને ?! સોનાનું, ચાંદીનું રૂપ બરોબર છે. આ મનુષ્યના તો ગુણો હોય છે, પણ તે કેવા ગુણો હોય ? સંસારી ગુણો. સંસારી ગુણો વખાણવા જાય પછી આકર્ષણ થાય. એટલે આ ધાર્મિક ગુણો, જ્ઞાનના ગુણો વખાણે, તે વાત જુદી છે. બાકી વખાણવા જેવું જગત નથી, એક શુદ્ધાત્મા એકલો જ સમજવા જેવો છે.

નિશ્ચય એનું નામ કહેવાય કે ભૂલાય નહીં. આપણે શુદ્ધાત્માનો નિશ્ચય કર્યો છે, તે ભૂલાય નહીં ને ? થોડી વાર ભૂલી જઈએ, પણ લક્ષમાં જ હોય પાછું, એનું નામ નિશ્ચય કહેવાય. કોઈની જોડે આપણે ફ્રેન્ડશિપ પણ ના કરીએ, બહુ ઘાલ-મેલ ના રાખીએ. આ તો એક ફેરો લફરાં વળગ્યાં પછી લફરું છૂટું ના થાય.

'જેનું નિદિધ્યાસન કરે, તેવો આત્મા થાય.

જે જે અવસ્થા સ્થિત થયે, વ્યવસ્થિત ચિતરાય.'

નિદિધ્યાસન એટલે કે 'આ બહેન દેખાવડી છે કે આ ભાઈ દેખાવડો છે.' એવો વિચાર કર્યો, એ નિદિધ્યાસન થયું એટલી વાર. વિચાર કર્યો કે તરત જ નિદિધ્યાસન થાય. પછી એવો પોતે થઈ જાય. એટલે આપણે જોઈએ તો આ ડખો થાય ને ? એના કરતાં આંખ નીચે ઢાળી દેવી જોઈએ, આંખ માંડવી જ ના જોઈએ. આખુંય જગત ફસામણ છે. ફસાયા પછી તો છૂટકારો જ નથી. આખી જિંદગીઓની જિંદગી ખલાસ થાય, પણ એનો 'એન્ડ' જ નથી ! પૈણ્યા વગર તો ચાલે એમ નથી અને પૈણવાનું તો જાણે કે મળશે, પણ આ બીજાં લફરાં તો ઊભાં ના કરીએ. લફરામાં બહુ દુઃખ છે. પૈણવામાં કંઈ એટલું બધું દુઃખ નથી. પૈણવાનું તો એક જાતનો વેપાર માંડ્યો કહેવાય. કેટલીક સ્ત્રીઓ નથી કહેતી કે વેપાર માંડ્યો ? તે વેપાર પાછો પૂરો થઈ જાય; એટલે પૈણવાનું તો એક જગ્યાએ હોય જ, હિસાબ લખેલો જ હોય, પણ બીજા લફરાંનો પાર ના આવે.

આ જે બધી દાદાજીએ વાત કરી એ ભૂલાશે કે તને ? ઘેર જાય તોય ના ભૂલાય ?

પ્રશ્નકર્તા : મહીં ટેપ કરવાનો નિશ્ચય કર્યો છે.

દાદાશ્રી : હા, બરાબર છે. અમે તો તમને મહીં ઠોકર ના વાગે એટલે સુધી બધું દેખાડીએ. પછી તમે જાણી-જોઈને અમારા શબ્દો ઓળંગો તો ઠોકર વાગે, પછી તો આ જ્ઞાન પણ જતું રહે. આ જ્ઞાન ઠેઠ મોક્ષે લઈ જાય એવું છે. આ સંસારમાં તે સુખ હોતું હશે ? સુખ તો આ આત્માની વાત કરીએ છીએ, એમાં આવે છે ને ? એમાં સુખ છે.

પૈણ્યા વગર તો છૂટકો જ નહીં ને ? એવું તું સમજે કે નહીં ? આપણાં માબાપ અને બધાં ભેગાં થઈને પૈણાવી જ દે. આપણી ઇચ્છા ના હોય તોય પૈણાવી દે. આપણી શાથી ઇચ્છા ના હોય ? કે આપણે એક સેમ્પલ જોયું હોય, તે સેમ્પલ આના કરતાં જરા રૂપાળું દેખાતું હોય એટલે પેલું ગમે અને આ ના ગમે. અલ્યા, એ પણ સેમ્પલ છે અને આ પણ સેમ્પલ છે. બેઉને છોલે ત્યારે મહીં શું નીકળે ? તે પોતાને પેલા સેમ્પલમાં જ જીવ રહ્યા કરે કે પેલું કેવું સરસ હતું અને મારા ફાધર આ લાવ્યા, તે કેવું કદરૂપું !

પ્રશ્નકર્તા : શરીરની વાત જવા દઈએ. જો માણસનું મન સારું કેળવાયેલું હોય તો એમાં ફેર ના પડે ?

દાદાશ્રી : એ કેળવાયેલું મન તો અમુક જ માણસનું હોય. બધાં લોકોનાં મન કેળવાયેલાં હોય નહીં ને ? આ બધા લોકો ફરે છે તેમના મન કશાં કેળવાયેલાં નહીં, એ તો દગડુંમન. તેથી અમે આ કેળવણી કરીએ. ત્યાર પછી ફસાય નહીં. નહીં તો કેળવણી ના હોય તો પછી ફસાઈ જાય. આ જગત તો શિકારી છે, શિકાર ખોળે છે. આખું જગતેય શિકાર કરવાને નીકળ્યું છે. લક્ષ્મીના, વિષયોના, બધાના જ્યાં ને ત્યાં શિકાર જ ખોળ ખોળ કરે છે.

આ બહેનોની ઉંમર નાની ને આ જ્ઞાન ના મળે તો કેટલું બધું જોખમ છે ! એક ફેર ફસાયા પછી આમાંથી નીકળવું મહામુશ્કેલ છે. પછી તો લફરું વળગ્યું. હવે આ ફસામણ છે, લફરું છે એવું જાણી ગયા ને ? 'લફરું જો જાણી કહ્યું, તો છૂટું પડતું જાય.' એનો શો અર્થ તમને સમજાયો ?

એક ભાઈ કૉલેજમાં ભણતો હતો. તે પારસી લેડી જોડે ફરવા માંડ્યો. એ જૈન હતો એટલે એના બાપે શું કહ્યું, 'આ તે લફરું ક્યાંથી વળગાડ્યું છે ?' એટલે છોકરો કહે કે, 'મારી ફ્રેન્ડને તમે લફરું કહો છો ? તમે કેવા માણસ છો ?' આવું છોકરો કહે છે, એનું કારણ ? જ્યાં સુધી તેને 'આ લફરું છે' એ સમજણ પડી નથી, 'આ ફ્રેન્ડ જ છે' એવું જાણવામાં આવે છે ત્યાં સુધી લફરું ભેગું થયા કરે. પણ એક દહાડો જ્યારે તેણે જોયું કે એ પારસણ બીજા એક જણની જોડે ફરતી હતી, એટલે પેલાના મનમાં વહેમ પડ્યો કે 'આ તો લફરું છે.' મારા પપ્પાજી કહેતા હતા, તે સાચી વાત છે. જ્યારથી એણે જાણ્યું કે 'આ લફરું છે', ત્યારથી એ એની મેળે છૂટું પડી જાય. આ જ્ઞાન કેવું હશે ? કે લફરું જાણે ત્યારથી છૂટું પડતું જાય. કૉલેજમાં લોકો લફરાં વળગાડે એવાં હોય છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ તને ખબર પડે ને, કે પેલાને અહીં લફરું છે ? બધી ખબર પડે. એટલે આપણે આ બાજુ એટલું શીખી જવું જોઈએ કે આપણી સેફસાઈડ શેમાં છે ? આ દાદાએ જે કહ્યું, એ સેફસાઈડ. આ બધા 'દૂધિયા' કાપો તો મહીંથી નર્યો કચરો નીકળે.

આ જાનવરોમાં લિમિટેડ બુદ્ધિ છે અને મન પણ લિમિટેડ છે. એટલે જાનવરોને આપણે શીખવાડવા ના જવું પડે કે તમે આ લફરાં ના વળગાડશો. કારણ કે જાનવરોને આસક્તિ જ ના હોય. આસક્તિ તો બુદ્ધિવાળાને હોય. જાનવરો બધું કુદરતી જીવન જીવે, નોર્મલ જીવન જીવે અને આ મનુષ્યો તો બુદ્ધિવાળા. એટલે આસક્તિ ઊભી કરે કે કેવી સરસ દેખાય છે ! મેરચક્કર, મૂઆ એને છોલો તો ખરાં. મહીં છોલે ત્યારે શું નીકળે ?

એ આ સત્સંગમાં જ રહેવા જેવું છે. બીજે કશે ભાઈબંધી કરવા જેવી નથી. સત્યુગમાં ભાઈબંધી હતી, તે ઠેઠ સુધી, આખી જિંદગી સુધી ભાઈબંધી પાળે. અત્યારે તો દગા દે છે.

વૈરાગ લાવવા માટે લોકોએ પુસ્તકો લખ લખ કર્યાં. એંસી ટકા પુસ્તકો વૈરાગ લાવવાનાં લખ્યાં, તોય કોઈને વૈરાગ દેખાયો નહીં. વૈરાગ તો આ જ્ઞાની પુરુષ એક કલાક બોલેને તો ભવોભવ વૈરાગ યાદ રહે. આ જ્ઞાનથી વૈરાગ રહે કે ન રહે ?

પ્રશ્નકર્તા : હા, રહે. આજના સત્સંગથી ઘણો જ ફેર પડી ગયો.

દાદાશ્રી : આ સત્સંગ ના હોય ત્યાં સુધી માણસ મૂંઝાયેલો રહે. આવું પઝલ ઊભું થાય ત્યાં શું કરવું, તે ખબર ના હોય. આ તો પઝલ ઊભું થાય, એટલે દાદાજીના શબ્દો યાદ આવે.

કૉલેજમાં તો ઘણાં રોગ ઉત્પન્ન થઈ જાય છે. નર્યા રોગ જ કૉલેજમાં ઊભા થાય છે. બધું જોખમ છે. આપણે આપણી મેળે જ ભણવું, કરવું, પણ આપણી સેફસાઈડ રાખવી. આપણે સેફસાઈડ રાખીને કામ લેવું, નહીં તો બધે લપસવાનાં સાધન છે. એક ફેરો લપસ્યા પછી ઠેકાણું ના પડે, દરિયામાં ઊંડો ઊતર્યો પછી ક્યારે પાર આવે ? બહેનો તો બધી કમળ જેવી કહેવાય અને પછી દુઃખ થાય, તે તો દાદાજીના નામ પર દુઃખ થયું કહેવાય. તે દાદાજી ચેતવે નહીં ? અને દાદાજી પર આવો ભરોસો થયો તોય દુઃખ આવ્યું ?! એટલે દાદાજી તો ચેતવે. દાદાજી બૉર્ડ મારે કે 'બીવેર'. આ બૉર્ડ મારે છે ને, 'બીવેર ઑફ થીવ્ઝ', 'ચોરો પાસુન સાવધ રહા ?' એવું આ 'બીવેર'નું બૉર્ડ મારીએ છીએ.

અમે બધા આપ્તપુત્રોને કહ્યું કે તમારે પૈણવું હોય તો અમે તમને છોકરી દેખાડીશું, ફર્સ્ટ કલાસ છોકરી ને એમ તેમ. તોય ના પાડે છે. એ તો છોકરાનાં માબાપ મને કહે નહીં કે તમારે લીધે આ છોકરાઓ કુંવારા રહે છે. હું કહું, 'બરાબર છે.' પણ એમની રૂબરૂમાં કહું કે 'પૈણો.' અમે એવું બોલીએ નહીં કે 'આમ જ કરો.' એવું કોઈને કહીએ નહીં. પૈણવું-ના પૈણવું તારા કર્મના ઉદયને આધીન છે.

અમેય પૈણી ને રાંડેલા જ છીએ ને ! માંડે એ રાંડે. પૈણતી વખતે વિચાર આવેલો મને કે આ માંડીએ છીએ પણ રાંડવું પડશે એક દહાડો. પૈણતી વખતે, ચોરી ઉપર જ વિચાર આવેલો. પંદર વર્ષની ઉંમરે. તે મેં પુસ્તકમાં જાહેર કરેલું તે લોકો હસે છે ! બળ્યું માંડીએ એટલે રાંડવું જ પડે ને ! એ બેમાંથી એક જણને તો રાંડવું પડે ને ! તું જાણતી ન્હોતી, પૈણે એ રાંડે, માંડે એ રાંડે ?

પ્રશ્નકર્તા : તે ઘડીએ, પૈણતી વખતે તો એમ જ હોય કે જન્મ જન્મ કા સાથ હો.

દાદાશ્રી : હા. પણ જે વૈરાગી મન થયા પછી આવું ખબર પડે ને ! સરવૈયું કાઢે ને બળ્યું ! એક દહાડો સરવૈયું કાઢતાં આવડે કે ના આવડે બળ્યું !

પ્રશ્નકર્તા : આવડે.

દાદાશ્રી : આ જગતનું સરવૈયું કાઢવું. સરવૈયું કાઢતા આવડે તો નરી ખોટ જ કાઢે ને ! પણ લોકો ના જ કાઢે ને કોઈ દહાડોય. સરવૈયું કાઢતા ના આવડતું હોય, એ તો નફો જ જુએ આમાં. 'બેફામ નફો છે', કહેશે.

પ્રશ્નકર્તા : તમારી હાજરીમાં એડજસ્ટમેન્ટ કરી લેવાનું.

દાદાશ્રી : હા. આ તો આપ્તપુત્રો તો જ્ઞાનને લઈને બ્રહ્મચર્ય રાખી ગયા, નહીં તો બ્રહ્મચર્ય રાખવું એ તો મહામુશ્કેલ વસ્તુ છે. આ તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા, શું ના કરી શકે ? એટલે મનમાં વિચાર અવળો નહીં આવવાનો.

મારી પાસે છોકરા બધા આવે છે ને હિન્દુસ્તાનમાં. 'અલ્યા ભઈ, પૈણોને.' કહ્યું. આટલી બધી છોકરીઓ, લોકોની છોકરીઓ ક્યાં જશે ? ના, અમે તો બધું સુખ જોયું ને અમારા માબાપનું, લઢે છે એ તો અમે જોઈએ છીએ ને સુખ, એટલે અમે જાણી લીધું કે 'ભઈ, આમાં સુખ નથી.' 'અમે આ મા-બાપનો અનુભવ જોયો, એટલે હવે અમારે પૈણવું નથી.' કહે છે. મારી પાસે સોએક છોકરાં છે. હા, બ્રહ્મચર્ય પાળે છે, જબરજસ્ત. કડક બ્રહ્મચર્ય પાળે છે. સ્ત્રી પર દ્ષ્ટિ ના કરે, દ્ષ્ટિ થઈ તો પ્રતિક્રમણ તરત.

છોકરીઓએ બ્રહ્મચર્ય વ્રત પાળનારી છે એવી મજબૂત. અમુક ના પાળી શકે, અમુક લોકો જ. સ્ત્રીઓને મોહ વધારે હોય, છોકરીઓને તે ના પાળી શકે. જેને મોહ ઓછો અને જે અમે પછી એને દવા આપીએ, તે ઓલરાઈટ થઈ જાય.

આ લગ્નસંબંધનાં સ્વરૂપ તો જુઓ

બધાં લોકો કહે ત્યારે એક ફેરો આપણને ઠીક લાગે તો પૈણી જવું. આ તે કંઈ હજાર-બે હજાર વર્ષનું લગ્ન નથી. આ તો પચ્ચીસ વર્ષના કે પચાસ વર્ષના કરાર. કંઈ લાંબા કરાર નહીં ને ? લાંબા કરાર હોય તો ના પૈણવું જોઈએ. આ તો ટૂંકા કરાર, શોર્ટ કરાર છે. આ કંઈ લાંબા કરાર છે ? અને તે છૂટું થવાનીય સરકારે છૂટ કરી આપી છે ને ? છૂટ નથી કરી આપી ?

પ્રશ્નકર્તા : હા, આપી છે.

દાદાશ્રી : એટલે પરણી જવું સારું. ગમે તેવો નહીં, તમને પસંદ પડે તેની જોડે. લગ્ન હંમેશાં સુખ આપે એવું નક્કી નથી હોતું. લગ્ન દુઃખેય આપે. હજુ સંસારનો મોહ છે ત્યાં સુધી દુઃખ ભોગવવું પડે ને? નહીં તો બ્રહ્મચર્ય જેને પાળવું હોય તેને કશું દુઃખ જ નથી, ભાંજગડ જ નથી ને ! પણ જો નિર્બળતા ઊભી થતી હોય, એના કરતાં ધણી કરી લેવો સારો, નહીં તો એમ કરતાં કરતાં ચાળીસ વર્ષ થઈ જાય અને પછી એકંુય છોકરો મળે નહીં. અત્યારે તમને ત્રીસ-બત્રીસ વર્ષ થયાં છે, તે હજુ બત્રીસ-પાંત્રીસ વર્ષના છોકરા મળી આવે.

પ્રશ્નકર્તા : પણ મારે બ્રહ્મચર્ય જ પાળવું હોય તો શું કરવાનું ?

દાદાશ્રી : તો પછી મનમાં વિષયનો વિચાર આવે તે વખતે એ વિચારને, અમે સાબુ આપીએ તેનાથી ધોઈ નાખવાના અને કોઈની દ્ષ્ટિ જોડે આપણી દ્ષ્ટિ મિલાવવી નહીં અને દ્ષ્ટિ મિલાવાઈ જાય તો એને ધોઈ નાખવાની. અમે બધો સાબુ આપીએ છીએ એટલે બ્રહ્મચર્ય પાળી શકે, વિચાર તો ઉત્પન્ન થાય. 'એટ્રેક્શન' ઉત્પન્ન થાય છે એ કુદરતી છે, પણ 'એટ્રેક્શન' થયા પછી સાબુથી ધોઈ નાખે એટલે 'એટ્રેક્શન' ફરી ના થાય.

આકર્ષણ અમુકનું જ શાને ?

પ્રશ્નકર્તા : મનમાં નક્કી કર્યું હોય કે કોઈ છોકરા માટે ખરાબ વિચાર ના કરવા, અને મને ખરાબ વિચાર ના આવે પણ એનું મોઢું દેખાયા કરે, પ્રતિક્રમણ કરું તોય પાછું એ તો એવું દેખાયા કરે છે તો શું કરવું ?

દાદાશ્રી : તો દેખાયા કરે તેમાં શું ? આપણે જોયા કરવાનું, પ્રતિક્રમણ કરીને ઉખેડી નાખવાનું બસ !

પ્રશ્નકર્તા : એના તરફ આકર્ષણ થાયને, એ ગમે નહીં એટલે એનું પ્રતિક્રમણ કરે, પણ તોય એ વધારે ને વધારે દેખાયા કરે.

દાદાશ્રી : એ દેખાય એટલે પ્રતિક્રમણ થાય અને પ્રતિક્રમણ થાય એટલે પછી છે તે ધીમે ધીમે ઓછું થતું જાય. ગાંઠ મોટી હોય તો એકદમ ઓછું ના થાય.

પ્રશ્નકર્તા : આપણને એનું મોઢું દેખાય, ને આપણને એના માટે આડા વિચાર આવે તો એ ખરાબ ના કહેવાય ?

દાદાશ્રી : આપણે સ્ટ્રોંગ (દ્ઢ) છીએ પછી આડા વિચાર આવે તેને જુઓ કે આને માટે ખરાબ વિચાર હજુ આવે છે. આપણે સ્ટ્રોંગ છીએ તો કોઈ નામ ના લે. આ તો માલ ભર્યો છે તે આવે છે, નહીં તો ના ભર્યો હોય તો બીજા કોઈ છોકરાનો ના આવે. આ આટલાં બધા છોકરાઓ છે, કંઈ બધાને માટે આવે છે ? જે માલ ભર્યો છે, તે આવે છે. તું ઓળખું કે નહીં, આ ભરેલો માલ ?! અમુક જોયા હોય, ને તેની પર દ્ષ્ટિ પડી હોય તો જ આવે.

અમે તો બધાંને કહીએ કે પૈણો. પછી તમે ના પૈણો તે તમારી વાત. ના પૈણીને પછી ચારિત્ર બગડે તેના કરતાં પૈણવું સારું. લોકનિંદ્ય થાય એ બધું નકામું. એના કરતાં મેરેજ કરેલાં સારાં, નહીં તો પછી હરૈયા ઢોર જેવું કહેવાય.

પ્રશ્નકર્તા : લોકનિંદ્ય થાય એ તો બહારની વાત રહી, પણ પોતાનું બગડે ને ?

દાદાશ્રી : એટલે પોતાનું તો બગડે જ, પણ પાછું લોકનિંદ્ય થાય ત્યાં સુધીનું બગાડે. એ કંઈ થોડું ઘણું બગાડે નહીં. લપસ્યો એટલે પછી વાર જ ના લાગે ને ? જો બ્રહ્મચર્ય સચવાય તો ભગવાન થવાનો કીમિયો છે એમાં ! જ્ઞાની બધી કળા દેખાડે, બધા રસ્તા દેખાડે, પણ એ પોતે સ્ટ્રોંગ રહેવો જોઈએ.

પ્રશ્નકર્તા : પોતે સ્ટ્રોંગ રહે, પણ પછી આગળ વાંધો ના આવે ?

દાદાશ્રી : ના, કશું ના થાય. જ્ઞાની પુરુષની કૃપા જોડે રહે ને ! પોતે સ્ટ્રોંગ રહ્યો તો જ્ઞાની પુરુષની કૃપા રહ્યા કરે, વચનબળ રહ્યા કરે, એટલે બધું કામ થયા કરે. પોતે કાચો પડ્યો એટલે બધું બગડી જાય. 'શું થશે, હવે શું થશે' એવું થયું તો બગડ્યું. 'કશું જ થાય નહીં.' કહ્યું કે બધું જતું રહે. શંકા પડી એટલે લપસ્યો.

અમારી વિધિ તો તમને બહારથી નુકસાન ના થવા દે. પણ જેને જાતે જ બગાડવું હોય તેને શું થાય ? એટલે નિશ્ચય કરી નાખું તો રાગે ચાલે બધું.

પ્રશ્નકર્તા : નિશ્ચય એ તો બરોબર છે. પણ કચાશ ક્યાં થાય છે કે આજ્ઞા છે, જ્ઞાન છે પણ પુરુષાર્થમાં કચાશ આવે છે.

દાદાશ્રી : એ તો બધું કરી આપીએ અમે. એ બધો સાંધો અમે મેળવી આપીએ. તારી ઈચ્છા હોય તો અમે બધો સાંધો મેળવી આપીએ. આ છોકરાઓને સાંધો મેળવી આપ્યો, તે જરાય વિચાર ના આવે. એવું કરી આપીએ અમે. પણ તારુ નક્કી થઈ જાય પછી અમને કહેવું. જુઓને, પેલી બેન કહેતી'તી, પૈણીને છેવટે ?!

પ્રશ્નકર્તા : મારે આપ્તપુત્રી થવું છે, પણ આ બધા જે મારા ભાવ પહેલાં થઈ ગયા હોય લગ્ન કરવાનાં, નોકરી કરવાનાં. તે મારે પાછાં પૂરા કરવા પડે કે ધોવાઈ જાય બધાં ?

દાદાશ્રી : થઈ ગયા હોય, તેનો વાંધો નહીં. થઈ ગયા હોય, તેનો રસ્તા અમે કરી આપીએ. પણ હવે ના હોવાં જોઈએ અને જોબ કરવામાંય વાંધો નથી. પણ બ્રહ્મચર્ય એકલું જ આપ્તપુત્રી માટે જરૂરી છે.

તમે પૈણ્યા નથી એટલે તમને કોઈ પૂછે કે તમારે કેટલાં છોકરાં છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : શાથી ? કે પૈણ્યા નથી એટલે. મૂળમાં ધણી જ નથી તો બીજ ક્યાંથી નાખવાનાં ? ને બીજ નથી નાખ્યાં તો છોડવો ઊગે જ શી રીતે ?

ધણી, ધણી જેવો હોય કે, તે ગમે ત્યાં જાય તોય એક ક્ષણ પણ આપણને ના ભૂલે એવો હોય તો કામનું, પણ એવું કોઈ કાળે બને નહીં. તો પછી આ નંગોડ છાપ ધણીને શું કરવાના ? ખરો ધણી મળે તો એની જોડે એકાંત શૈયાશન આપણે છોડીએ. એની જોડે એકાંત લાગે. કારણ કે એની ચિત્તવૃત્તિઓ આપણી જોડે રહે, તો આપણી ચિત્તવૃત્તિઓ બીજા જોડે વાતો કરતા હોઈએ તોય જ્યાં ધણી હોય ત્યાં જાય. એટલે થઈ ગયુંને એકનું એક ! એકાંત !!! અત્યારે એવું નથી મળતું ને ? તો બીજો બધો માલ તો સડેલો કહેવાય. એવું સડેલું શાક ખાવા કરતાં ના ખાધેલું સારું. આ સડેલું ખાવા જઈએ તો ઊલટીઓ થાય. આ પ્રેમ વગરનો સંસાર છે, ખાલી આસક્તિ જ છે. પહેલાં તો પ્રેમવાળી આસક્તિ હતી, પ્રેમ એટલે લગની લાગેલી હોય. આ તો લગની જ નથી લાગતી ને ? ટિકિટને ગમે તેટલો ગુંદર ચોંટાડીએ તોય ટિકિટ ચોંટતી જ નથી. કાગળ જ એવો છે, તે પછી માણસ કંટાળી જાય ને !

એટલે આ કાળમાં માણસો પ્રેમભૂખ્યા નથી, વિષયભૂખ્યા છે. પ્રેમભૂખ્યો હોય તેને તો વિષય ના મળે તોય ચાલે. એવા પ્રેમભૂખ્યા મળ્યા હોય તો તેનાં દર્શન કરીએ. આ તો વિષયભૂખ્યા છે. વિષયભૂખ્યા એટલે શું કે સંડાસ. આ સંડાસ એ વિષયભૂખ છે. એ નથી જવા મળતું તે ક્યૂ નથી લાગતી ? તે જોયેલી કોઈ જગ્યાએ ક્યૂ ? ક્યાં જોયેલી ?

પ્રશ્નકર્તા : અમારે ચાલીમાં તો લાઈનમાં જ ઊભા રહેવું પડે.

દાદાશ્રી : તે ચાલીમાંય ક્યૂઓ લાગે છે ?! અમે અમદાવાદમાં પહેલાં ક્યૂઓ જોયેલી. તે મારે એક ફેરો ક્યૂમાં જઈને ઊભા રહેવાનું થયું. મેં કહ્યું, 'મારે આ વખતે સંડાસ નથી જવું.' એનાં કરતાં બહેતર, આપણે એમ ને એમ બેસી રહીશું. આપણે આવું ક્યૂમાં સંડાસ નથી જવું. જ્યાં સંડાસની આવડી બધી કિંમત વધી ગઈ !! કિંમત તો લૉજમાં વધી ગઈ હોય, પણ અહીં સંડાસની પણ કિંમત વધી ગઈ ?! ક્યૂમાં ઊભા રહેવાનું મારે થયું ?! પેલા ભાઈ કહે કે 'હમણે થોડીવાર પાંચેક મિનિટ ઊભું રહેવું પડશે.' મેં કહ્યું, 'ના, એક મિનિટેય નહીં, ચાલો પાછો આવું છું. બંધકોષ થશે તો પરમ દહાડે ફાકી લઈશું, પણ આ ના પોષાય. આ શી રીતે પોષાય ?!' ત્યાં ઊભા રહીને શાની રાહ જુઓ છો ?! આની પણ કિંમત ?! મને તો શરમ લાગે. હું તો જમવામાંય ક્યૂ હોય તો ઊભો ના રહું. એના કરતાં તારી રોટલી તારે ઘેર રહેવા દે. થોડા ચણા ફાકી લઈશું. હા, મોક્ષ આપતો હોય તો ચાલોને, આપણે રાત-દહાડો ક્યૂમાં ઊભા રહીએ.

એટલે આજના વિષયો સંડાસ સમાન થઈ ગયા છે. જેમ સંડાસ માટે ઊભો રહે છે ને ! તેવું આ વિષયો માટે લાઈનમાં ઊભા રહ્યા છે. સંડાસ થયું કે ભાગ્યો.

આને પ્રેમ કહેવાય જ કેમ ? પ્રેમ તો એનું નામ કે વિષય ના મળે તોય રીસ ના ચઢે. આ તો જંગલીપણું કહેવાય. આનાં કરતાં બાવા થઈને મોક્ષે ચાલ્યા જવાનો વિચાર કરવો સારો. આપણે આપણું ગામ સારું ! આપણે ગામ સ્વતંત્ર તો રહી શકીએ. એવું તે કંઈ ફાવતું હશે ?

અમદાવાદના શેઠિયા મેં જોયેલા. ઑફિસમાં આમ બધા જે' જે' કરતા હોય અને એને ઘેર ક્યૂમાં ઊભા રહ્યા હોય, આ તો સ્વમાન જેવું ના રહ્યું ને ? આ તો સામાન્ય જનતા કહેવાય. અમારે તો કુદરતી રીતે જ ક્યૂ ભેગી નહીં થયેલી. ક્યૂ આપણને કંઈ શોભે?! મહીં ત્રિલોકનો નાથ છે ત્યાં !!!

જો કદી લગનીવાળો પ્રેમ હોય તો સંસાર છે, નહીં તો પછી વિષય એ તો સંડાસ છે. એ પછી કુદરતી હાજતમાં ગયું. એને હાજતમંદ કહે છે ને ? જેમ સીતા ને રામચંદ્રજી પૈણેલા જ હતાં ને ? સીતાને લઈ ગયા તોય રામનું ચિત્ત સીતામાં ને સીતામાં જ હતું ને સીતાનું ચિત્ત ત્યાં રામમાં હતું. વિષય તો ચૌદ વર્ષ જોયો પણ નહોતો, છતાં ચિત્ત એમનામાં હતું. એનું નામ લગ્ન કહેવાય. બાકી, આ તો હાજતમંદો કહેવાય. કુદરતી હાજત !

પૈણ્યા એટલે જાણવું કે એક જાજરું આવી ગયું આપણી પાસે ! આ લગ્ન એ તો બધું સંડાસ છે. સ્ત્રીએ એક જ વખત પરપુરુષ જોડે દોષ કર્યો હોય તો તેણે પાંચસો-હજાર અવતાર સ્ત્રી થવું પડે. વિષયમાં લપસ્યા એટલે નર્કની વેદના ભોગવવી પડે. માટે દ્ષ્ટિ માંડવી જ નહીં. બીજા દોષ ચલાવી લેવાય, પણ આ અત્યંત દુઃખદાયી છે. નર્કમાં પડ્યા જેવું દુઃખ લાગે. અરે, આનાં કરતાં નર્કમાં પડવું સારું. એની મેળે લગ્ન સામું આવે તો તે ઘડીએ પૈણવું. જગતનાં લોકો નિંદ્ય ગણે એનાં તો ભયંકર દુઃખો પડે, એ હોવું ના જોઈએ. માટે પ્રતિક્રમણ તરત કરી લેવું જોઈએ. પણ જો શક્તિ હોય તો સંયમ લો ને શક્તિ ના હોય તો પૈણજો. પૈણ્યાનો કંઈ દોષ નથી. બાકી વિષયના જેવો માર જ જગતમાં બીજો કોઈ નથી. વિષયનો વિચાર આવ્યો કે ત્યાંથી વેદના ઉત્પન્ન થઈ, બળતરા ઊભી થયા કરે. વિષય જીત્યો એટલે બધું જીત્યું.

એટલે ધણી હોય તો ભાંજગડ ને ? પણ જો બ્રહ્મચર્ય વ્રત લીધું હોય, તો આ વિષયસંબંધી ભાંજગડ જ નહીં ને ! અને આવું જ્ઞાન હોય તો તે કામ કાઢી નાખે ! પણ સ્ત્રીને સ્ત્રી-જાતિનો જબરજસ્ત અવરોધ, એટલે શ્રેણી બહુ ઊંચે ચઢે પણ સ્ત્રી-જાતિ એટલે અટકી જાય ને ! એટલે સ્ત્રી-જાતિ કેટલી બધી બાધક છે !! સ્ત્રી-જાતિને બાધકતા ઉત્પન્ન થાય, તે ક્યારે એનું લેવલ ખસી જાય, તે કહેવાય નહીં. જ્યારે પુરુષને તો પોતે 'એક્ઝેક્ટનેસ'માં આવી ગયેલો હોય, એ પછી ખસે નહીં એની ગેરેન્ટી !!

તને સારું રહે છે ?

પ્રશ્નકર્તા : આમ સારું છે, પણ દાદા સ્ત્રી-પ્રકૃતિ તો ખરી ને ! ઉપર નહીં આવવા દે એવું થાય.

દાદાશ્રી : પણ એ તો બહુ જો પ્રતિક્રમણ કરશે ને સ્ટ્રોંગ રહે તો કશું ન થાય. સ્ટ્રોંગ રહેવું જોઈએ. એક ફેરો લપસ્યા પછી માર ખઈ-ખઈને મરી જાય. એક જ વખત લપસ્યા તો ખલાસ થઈ ગયું. એટલે વિષય એ ભોગવવાની ચીજ જ ન્હોય એવું માની લેને તો ચાલે ! ભોગવવાની ઘણી ચીજો છે બહાર. આ તો નર્યો એંઠવાડો ગંદવાડો બધો. આંખને ગમે નહીં, કાનને ગમે નહીં, જીભને ગમે નહીં.

પેલું વાંચું છું ?

પ્રશ્નકર્તા : વાંચન નથી થતું ખાસ.

દાદાશ્રી : એ તો વાંચવાથી બધી પ્રકૃતિ છૂટી થઈ જાય નહીં તો પછી લગ્ન કરવું સારું. તારે તો ચાલે એવું છે ને ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિ ટેન્શનવાળી ખરીને એટલે જ્ઞાનનું પરિણામ જોઈએ એવું નથી આવતું.

દાદાશ્રી : એ તો જ્ઞાનનું પરિણામ સત્સંગ હોય ને તો જ આવે. એ તો સત્સંગ નહીં એટલે. એ તો આપણે ત્યાં આગળ બંધાશે તો આ બધાની જોડે રહેવાથી વિચાર જ ના ઊભા થાય અને આનંદ થાય ઊલ્ટો. તે આ બંધાશે ત્યાં આગળ બ્રહ્મચારીણીઓ રહેશે, નહીં તો પછી લગ્ન કરવાનું કહી દેવું.

સારા સત્સંગમાં આવે તોય ટેન્શનવાળી પ્રકૃતિ કાયમ હોતી નથી, એ તો બધું વળી જાય. એ તો કુસંગમાં પેસી જાય તો જ નડે બધું.

એ પણ આ વિષય ગમતો જ ના હોય તો આ છૂટકારો થાય. છતાં કોઈની ઉપર દ્ષ્ટિ ખેંચાય પ્રતિક્રમણથી ઉડી જાય. પણ અંદરખાને વિષય ગમતો હોય તો પૈણવું સારું.

પ્રશ્નકર્તા : પોતાનું હિતનું ના વિચારે.

દાદાશ્રી : હિત તો હોય જ નહીંને, ભાન જ ના હોય. ગલીપચીમાં જે માણસ ભેરવાઈ જાય, એનું તો હિતનું જ ઠેકાણું ના હોય ને !

પ્રશ્નકર્તા : એ વખતે પોતે નિશ્ચય કરેલો એ ક્યાં જતો રહે ?

દાદાશ્રી : જેવો પોતે થઈ જાય એવો થઈ જાય નિશ્ચય. પોતે કાચો થઈ જાય, તો થઈ ગયો અનિશ્ચય.

પ્રશ્નકર્તા : પણ આ બાજુનો નિશ્ચય કરતાં આટલી બધી વાર લાગે અને પેલો નિશ્ચય તરત જ ફરી જાય એવું કેમ ?

દાદાશ્રી : ના, અહીં વાર લાગે જ નહીં. અહીંયા એ વાર લગાડ્યા સિવાયનું જ છે.

પ્રશ્નકર્તા : અહીંયાએ વાર લગાડ્યા સિવાય ?

દાદાશ્રી : હા. એ તાત્કાલિક એવું તાત્કાલિક આ. અહીં વાર લગાડેલું હોય તો એનો નિશ્ચય ફરે જ નહીં ને ! ના ફરે કોઈ દહાડો, મારી નાખે તોય ના ફરે.

પ્રશ્નકર્તા : અમારે બધાને આ બરાબર સમજપૂર્વકનો નિશ્ચય સ્ટ્રોંગ કરવો હોય, તો સમજ તો પૂરેપૂરી તો અમે લાવ્યા જ નથી ને ! તો પછીએ સ્ટ્રોંગનેસ કેવી રીતે આવે ?

દાદાશ્રી : તારો ધ્યેય હોય તો બધું આવે.

પ્રશ્નકર્તા : એટલે જેને સ્ટ્રોંગ કરવો છે, એનો થશે જ ?

દાદાશ્રી : ના. ધ્યેય નક્કી કર્યો હોય ને તો સ્ટ્રોંગ રહે તો પછી થઈ જાય આ ધ્યેય નથી એને ધ્યેય નથી કશોય.

પ્રશ્નકર્તા : આપે દાદા એકવાર કીધેલું કે નિશ્ચય મજબૂત કરવો હોય તો નિશ્ચયની વિરુદ્ધનો એક પણ વિચાર આવવો ના જોઈએ.

દાદાશ્રી : હા. અને એ ધ્યેયને કંઈ પણ નુકસાન કરતું આવે તો એને ખસેડી નાખવું.

આવી 'સમજ' કોણ પાડે ?

આ બહેનનો તો નિશ્ચય છે કે 'એક અવતારમાં જ મોક્ષે જવું છે. હવે અહીં પોષાય નહીં, એટલે એક જ અવતારી થવું છે.' તો પછી એમને બધાં સાધનો મળી આવ્યાં, બ્રહ્મચર્યની આજ્ઞા પણ મળી ગઈ !

પ્રશ્નકર્તા : અમે પણ એક જ અવતારી થશું ?

દાદાશ્રી : તારે હજુ વાર લાગશે. હમણાં તો થોડું અમારા કહ્યા પ્રમાણે ચાલવા દે. એક અવતારી તો આજ્ઞામાં આવ્યા પછી, આ જ્ઞાનમાં આવ્યા પછી કામ થાય. આજ્ઞા વગરેય આમ તો મોક્ષ બે-ચાર અવતારમાં થવાનો છે, પણ પહેલું આજ્ઞામાં આવે ત્યારે એક અવતારી થઈ જાય ! આ જ્ઞાનમાં આવ્યા પછી અમારી આજ્ઞામાં આવવું પડે. હજુ કંઈ તમને બધાંને એવી બ્રહ્મચર્યની આજ્ઞા અપાઈ નથી ને ? એ અમે જલ્દી આપતાંય નથી. કારણ કે બધાને પાળતાં આવડે નહીં, ફાવે નહીં. એ તો મન બહુ મજબૂત જોઈએ.

આજે સત્સંગમાં સાડી પહેરી છે, તે કેવું ડહાપણવાળું દેખાય છે. કાલે લગનમાં જવાની હતી ત્યારે સાડી પહેરેલી, તે કોઈ જુએ તો કહેત કે અફલાતૂન દેખાય છે. આવું લોકોને આશ્ચર્ય લાગે એવું ના પહેરીએ. સાદું પહેરીએ, એની કિંમત કહેવાય. પેલું તો મોહી કહેવાય. સાદું ને પદ્ધતિસરનું જેને કહેવાય, તેવું પહેરીએ. હુંય નવાં કપડાં પહેરું છું ને ? પણ તે પદ્ધતિસરનું કહેવાય. પેલાં કપડાં તો પહેરેલાં હોય તો લોક જાણે કે આ મૂર્છિત છે. તું આવાં કપડાં પહેરું તો લોક જાણે કે આ સત્સંગમાં ગઈ જ નહીં હોય, માટે સિમ્પલ સાડી સારી. સાડીના આધારે દેહ કે દેહના આધારે સાડી ? સિમ્પલ સાડી જ પ્રભાવશાળી કહેવાય. છોકરાંઓ પણ અફલાતૂન કપડાં પહેરે છે ને? તમારે મોક્ષે જવું છે કે આમ લાલ-પીળી સાડીઓ પહેરવી છે, તે ફરી સંસારમાં પેસવું છે ? આ લાલ, પીળી, વાદળી સાડી આપણને ના હોય, એ તો બધી મોહવાળી ચીજ કહેવાય. જ્યારે ત્યારે તો મોહ છોડવો જ પડશે ને ?! કંઈ સાડી એકલીને છોડી દેવાની છે ? જ્યારે ત્યારે દેહનેય છોડવો જ પડશે ને ?

એટલે આમાં સાચું સુખ જ નથી. આ તો બધું કલ્પિત સુખ કહેવાય. વિષયોમાંય કલ્પિત સુખ છે અને બીજી વસ્તુઓમાંય કલ્પિત સુખ છે. સાચું સુખ આત્મામાં છે. સનાતન સુખ, એ ક્યારેય જાય નહીં. આ અમારે ક્યારે સુખ જતું જ નથી ને ! જો તારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આટલું ચેતવાનું કે પરપુરુષનો વિચાર પણ ના આવવો જોઈએ. ને વિચાર આવ્યો ત્યાંથી ધોઈ નાખવું જોઈએ.

પ્રશ્નકર્તા : આપે કહેલું મિશ્રચેતનથી ચેતજે.

દાદાશ્રી : બસ, એ મિશ્રચેતનથી જે ચેત્યો, એનું કલ્યાણ થઈ ગયું ! એક શુદ્ધચેતન છે અને એક મિશ્રચેતન છે. તે મિશ્રચેતનમાં જો સપડાયો તો આત્મા પ્રાપ્ત કર્યો હોય, તો પણ એને રખડાવી મારે. એટલે આમાં વિકારી સંબંધ થયો તો રઝળપાટ થાય. કારણ કે આપણે મોક્ષે જવું છે અને એ ભાઈ છે, તે જાનવરમાં જવાનાં હોય તો આપણને ત્યાં ખેંચી જાય. સંબંધ થયો એટલે ત્યાં જવું પડે. માટે વિકારી સંબંધ ઊભો જ ના થાય એટલું જ જોવાનું. મનથીય બગડેલા ના હોય ત્યારે ચારિત્ર કહેવાય. ત્યારે પછી આ બધા તૈયાર થઈ જાય. મન બગડેલાં એ તો પછી ફ્રેકચર થઈ જાય, નહીં તો એક-એક છોકરીમાં કેટલી કેટલી શક્તિ હોય ! એ કંઈ જેવી તેવી શક્તિ હોય ? આ તો હિન્દુસ્તાનની બહેનો હોય અને વીતરાગનું વિજ્ઞાન પાસે હોય, પછી શું બાકી રહે ?

ચારિત્ર સંબંધી વાતચીત મા-બાપ પોતાની છોકરીને શી રીતે કરી શકે ? તો એ કોણ વાતચીત કરી શકે ? એક 'જ્ઞાની પુરુષ' એકલાં જ વાતચીત કરી શકે. કારણ કે જ્ઞાની કોઈ લિંગમાં ના હોય. એ પુરુષ લિંગમાં ના હોય, સ્ત્રી લિંગમાં ના હોય કે નપુંસક લિંગમાં ના હોય. એ તો આઉટ ઑફ લિંગ હોય. જમાનો બહુ વિચિત્ર આવ્યો છે, લપસણો કાળ છે, છોકરીઓને કોઈ જ્ઞાન છે નહીં, આગળનું માર્ગદર્શન નથી. આ છોકરીઓને કેટલી બધી મુશ્કેલીઓ છે !! એટલે આ માર્ગદર્શન આપું છું.

તેથી આ જ્ઞાન નીકળ્યું. મારી ઘણાં વખતથી ઇચ્છા હતી કે આવું જ્ઞાન નીકળે, પણ તેનો ટાઈમ બાઝવો જોઈએ ને ? આ જ્ઞાન આટલાંને તો મળ્યું. બધાંનેય જરૂર તો ખરી ને ? આ જ્ઞાનની તો બધાંને જરૂર હોય !

આ તો બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, એ કંઈ નાનાં છોકરાંના ખેલ નથી ! વિષય વિચાર જ ના આવવો જોઈએ અને આવે તો તેને તરત પ્રતિક્રમણ કરી ધોઈ નાખવાનું. વિચાર તો આવે જ. આ કળિયુગમાં તો નર્યા એવા વિચારો આવે જ ! પણ એને ધોઈ નાખવાના.

પ્રશ્નકર્તા : વિષયમાં આનંદનું આપણે આરોપણ કરેલું છે, એટલે એ આવે છે, પણ આપણને બ્રહ્મના આનંદની અનુભૂતિ થાય તો પેલો આનંદ ઓટોમેટિક છૂટી જાય.

દાદાશ્રી : હા, કારણ કે જલેબી ખાધા પછી ચા પીવો, તો એની મેળે જ ન્યાય થઈ જશે ને ! એમ આત્માનો આનંદ ચાખ્યા પછી વિષયો એની મેળે જ મોળા પડી જાય. આ છોકરીઓને મોળું જ પડી ગયું ને ! ત્યારે જ તો રાગે આવ્યું ને ! આ છોકરીઓને બ્રહ્મનો આનંદ ઉત્પન્ન થયો અને આરોપિત આનંદ ફ્રેકચર થઈ ગયો ! તેથી જ પોતાના દોષ ઉપર રડવું આવ્યું ને ? અને છોકરીઓ તો અહીં આવીને મને કહે કે બહુ જ શક્તિ વધી ગઈ, જબરજસ્ત શક્તિ વધી ગઈ !!! પોતાનું સુખ પોતાની પાસે છે, એવું લોક સમજ્યા જ નથી ને ? અને સુખ બહાર ખોળવા જાય છે !

પ્રશ્નકર્તા : પણ સુખને કોઈ ને કોઈ આધાર છે જ, મનનો, વચનનો...

દાદાશ્રી : પરાવલંબી સુખને સુખ કહેવાય જ કેમ કરીને ?

પ્રશ્નકર્તા : એકલી બહેનોની શિબિર કરાવો.

દાદાશ્રી : તો તો બહુ પ્રભાવ પડી જાય. એ જ્યારે સાચું બ્રહ્મચર્ય પાળશે, એ લાઈટ જુદી જાતનું હોય. આ તો જન્મ્યા ને મરી ગયા અહીંયા આગળ, જાનવરની પેઠ એ શું કામનું ? બેનો સાંભળો છો કે, મારી વાત કડવી લાગે તોય મહીં ઉતારજો. ભલે કડવી લાગે, પણ છેવટે મીઠી નીકળશે. મીઠી નીકળે કે ના નીકળે ?

પ્રશ્નકર્તા : નીકળે.

દાદાશ્રી : અત્યારે તો કડવી લાગે. મેં કહ્યું છે આ એકલી જ સેફસાઈડ, બીજી બધી ફસામણ છે.

કલ્યાણ કરવાનું કે કલ્યાણ સ્વરૂપ થવાનું ?

પ્રશ્નકર્તા : આ દીક્ષા લેનારી બહેનો છે, એમને ધર્મનું રહસ્ય એવું કંઈક સમજાવો કે જેથી ફરીને એમનું કલ્યાણ થાય અને સમાજને, લોકોને પણ ફાયદો થાય.

દાદાશ્રી : કલ્યાણ કરવામાં એક જ વસ્તુ છે કે જે પોતાનું કલ્યાણ કરે છે તે બીજાનું કલ્યાણ વગર બોલ્યે કરી શકે છે ! એટલે કરવાનું કેટલું છે ? 'જ્ઞાની પુરુષ'ની પાસે પોતાનું કલ્યાણ કરી લેવાનું છે. પછી પોતે કલ્યાણસ્વરૂપ થયો એટલે વગર બોલ્યે લોકોનું કલ્યાણ થાય છે અને જે લોકો બોલ બોલ કરે છે એમાં કશું વળતું નથી. ખાલી ભાષણો કરવાથી, બોલ બોલ કરવાથી કશું વળતું નથી. બોલવાથી તો બુદ્ધિ ઈમોશનલ થાય છે. એમ ને એમ જ એમનું ચારિત્ર જોવાથી, એ મૂર્તિ જોવાથી જ બધા ભાવ શમી જાય છે. માટે એમણે તો ફક્ત પોતે જ તે રૂપ થઈ જવા જેવું છે ! 'જ્ઞાની પુરુષ'ની પાસે રહી તે રૂપ થવું. આવી પાંચ જ છોકરીઓ તૈયાર થાય તો કેટલાંય લોકોનું તે કલ્યાણ કરે ! સાવ નિર્મળ થવું જોઈએ, અને 'જ્ઞાની પુરુષ'ની પાસે નિર્મળ થઈ શકે અને નિર્મળ થવાનાં છે !!

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21