ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૮]

સ્પર્શ સુખની ભ્રામક માન્યતા

જોતાં જ જુગુપ્સા

વિષયના ગંદવાડામાં લોકો પડ્યા છે. વિષય વખતે અજવાળું કરે તો પોતાને ગમતું નથી. અજવાળું થાય ને ભડકી જાય. તેથી અંધારું રાખે. અજવાળું થાય તો ભોગવવાની જગ્યા જોવાની ગમે નહીં. એટલે કૃપાળુદેવે ભોગવવાના સ્થાનને શું કહ્યું છે ?

પ્રશ્નકર્તા : 'વમન કરવાને પણ યોગ્ય ચીજ નથી.'

દાદાશ્રી : ઊલટી કરવી હોય, તો તે જગ્યાએ કરે કે બીજી સારી જગ્યાએ કરે ?

પ્રશ્નકર્તા : કેટલું બધું જોયું હશે એમણે ?

દાદાશ્રી : જોયેલું ને, જ્ઞાનીઓએ. એક તો આંખને ગમતું નથી. કાનને પણ ગમે નહીં. નાકને તો ગંધાય. જો એ જગ્યાને અડેલો હાથ સોડવામાં આવી જાય ને તો એ મરેલા માછલાં હોયને એવું ગંધાય. અને ચાખવાનું કહ્યું હોય તો ? એકુંય ઈન્દ્રિયને ગમે નહીં અને સ્પર્શને ગમે છે તે રાત્રે જ. દહાડે કરવાનું કહીએ ને ત્યાં આગળ, તો ના ગમે.

મારી જોડે એક વાણિયો બેસવા આવતો હતો. તે ઘડીએ મારી ૬૦- ૬૨ વરસની ઉંમર હતી. એનીય ૬૦-૬૨ વરસની ઉંમર. એણે મારી જોડે શરત કરી હતી. એક અડધો કલાક બેસવા આવું તો તમે નભાવી લેશો ? મેં કહ્યું, 'હા. નભાવી લઈશ.' બહાર મારી જોડે ફરે તો લોકોમાં રોફ વધે. પછી મારી જોડે બેસે. આમ એની બુદ્ધિ સારી. મેં એ ભાઈને પૂછયું, 'આ બધાં પુરુષો નેકેડ જતાં હોય તો તે તમને જોવા ગમે ?' ત્યારે એ કહે, 'ના ગમે. હું તો મોઢું ફેરવી લઉં.' અલ્યા, પુરુષો નેકેડ જતા હોય તો તું નેકેડ નથી ? આ તો ઢાંકેલું તેથી રૂપાળું ! ત્યાર પછી એને પૂછયું, 'સ્ત્રી અને પુરુષો જો નેકેડ જતાં હોય, તેમાં શું જોવાનું પસંદ કરો ?' ત્યારે એ કહે, 'પુરુષ જોવાય પણ સ્ત્રીને તો જોવાનું ના ગમે. ઊલટી થાય.' આમ હું એ વાણિયાની બુદ્ધિ જોતો હતો. એ ભાઈ કહે છે, 'મારી વાઈફ નહાતી હતી, ત્યારે એમને જોઈ ગયો. તે મને આ મહીં ચીતરી ચઢે છે.'

રોંગ બિલિફો, રૂટ કૉઝમાં

પાંચ ઇન્દ્રિયોને ગમે નહીં એવું અંધારામાં જઈને કરવાનું. છોકરા દેખે તોય શરમાય. કોઈ વિષય-વિકાર કરતો હોય, એનો ફોટો લે તો કેવો દેખાય ?

પ્રશ્નકર્તા : ચીતરી ચઢે એવો દેખાય, જાનવર જેવો દેખાય.

દાદાશ્રી : જાનવર જ કહેવાય. બધી પાશવી ઈચ્છા કહેવાય.

પ્રશ્નકર્તા : સ્ત્રીના અંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય ?

દાદાશ્રી : માન્યતા આપણી, રોંગ બિલિફો તેથી. ગાયના અંંગ તરફ કેમ આકર્ષણ નથી થતું ?! માન્યતાઓ ખાલી. કશું હોતું નથી. ખાલી બિલિફો છે. બિલિફો તોડી નાખો એટલે કશુંય નહીં.

પ્રશ્નકર્તા : એ માન્યતા ઊભી થાય છે, તે સંયોગ ભેગો થવાથી થાય છે ?

દાદાશ્રી : લોકોના કહેવાથી આપણને થાય. આપણા કહેવાથી માન્યતા થાય. અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્ઢ થઈ જાય અને એમાં એવું શું છે ? માંસના લોચા છે !

પ્રશ્નકર્તા : એકવાર હું સ્તનનું ઓપરેશન જોવા ગયો હતો. પહેલા જોયાં તો એટલા સુંદર દેખાતા હતા પણ ઓપરેશન કરવા માટે ચીર્યું તો પછી કંપારી આવી ગઈ.

દાદાશ્રી : સુંદરતા કશી હોતી જ નથી. માંસના લોચા જ છે.

પ્રશ્નકર્તા : આ રોંગ બિલિફ કેવી રીતે ઉડાડવી ?

દાદાશ્રી : આ મેં કેવી રીતે ઉડાડી હમણાં !

પ્રશ્નકર્તા : રાઈટ બિલિફથી. પેલી વાણિયાની વાત ફીટ થઈ માંસના લોચાવાળી.

દાદાશ્રી : વાણિયાને કહે તો સ્ત્રીને નેકેડ જોવાની ગમે નહીં. એની બુદ્ધિ બહુ સરસ કહેવાય. મને તરત સમજણ પડી જાય કે આની દ્ષ્ટિ કેટલી ઊંચી છે. અને વાઈફના સંબંધમાં માંસના લોચા દેખાય ને કાયમ ચીતરી ચઢતી હતી એને !!! સાઠ વરસે એને ચીતરી ચઢતી હતી, તે સારું કહેવાય ને ?! નહીં તો ચીતરી ના ચઢે.

એ બૂમો, મનની જ ?

પ્રશ્નકર્તા : અંદરથી જે બૂમ પાડે કે 'જોઈ લો. જોઈ લો.' એ કોણ છે ? કોઈ સ્ત્રી બાથરૂમમાં નહાતી હોય કે કોઈ વિષય ભોગવતું હોય તો ?

દાદાશ્રી : એ તો રોંગ બિલિફવાળું મન જ કહે. પછી પ્રાપ્ત થયેલું જ્ઞાન, તે વખતે આવીને રોકે કે આમ ના થવું જોઈએ. આ બધી રોંગ બિલિફો છે. જગતને ખબર જ નથી કે આ શું છે તે ! બિલિફો જ રોંગ છે. સો વખત રોંગ બિલિફને સાચી માની હોય તો સો વખત એને ભાંગવી પડે, આઠસો વખત કર્યું હોય તો આઠસો વખત ને દસ વખત કર્યું હોય તો દસ વખત. મિત્રાચારીમાં ફરીએ ને પેલા કહેશે ઓહોહો કેવાં છે, કેવાં છે ! તો આપણેય મહીં કહીએ કે કેવાં છે ! એમ કરતાં કરતાં સ્ત્રી ભોગવાઈ ગઈ.

મનમાં વિચાર આવે, તે વિચાર એની મેળે જ આવ્યા કરે, તો એને આપણે પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. પછી વાણીમાં એવું બોલવું નહીં કે, વિષયો સેવવા એ બહુ સારા છે અને વર્તનમાં એવું રાખવું નહીં. સ્ત્રીઓની સામે દ્ષ્ટિ માંડવી નહીં. સ્ત્રીઓને જોવી નહીં, અડવું નહીં. સ્ત્રીઓને અડી ગયા હોઈએ તોય મનમાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ, કે 'અરેરે, આને ક્યાં અડ્યો !' કારણ કે સ્પર્શથી વિષયની બધી અસરો થાય છે.

પ્રશ્નકર્તા : એ તિરસ્કાર કર્યો ના કહેવાય ?

દાદાશ્રી : એ તિરસ્કાર ના કહેવાય. પ્રતિક્રમણમાં તો આપણે એના આત્માને કહીએ છીએ કે 'અમારી ભૂલ થઈ ગઈ, ફરી આવી ભૂલ ના થાય એવી શક્તિ આપજો.' એનાં જ આત્માને એવું કહેવાનું કે મને શક્તિઓ આપજો. જ્યાં આપણી ભૂલ થઈ હોય ત્યાં જ શક્તિ માગવાની એટલે એ શક્તિ મળ્યા કરે.

પ્રશ્નકર્તા : કોઈ સ્ત્રી આપણી પાસે આવીને બેસે તો એમને આપણે કહી શકાય કે બેન, તમે અહીંથી ઊઠીને ત્યાં બેસો ?

દાદાશ્રી : ના, એવું આપણે શા માટે કહેવાનું ? આપણી પાસે બેસે એટલે કંઈ આપણા ખોળામાં બેસે છે ?

પ્રશ્નકર્તા : ના, ના, અહીં આપણી સાથે.

દાદાશ્રી : સાથે બેસે તો આપણે શું ? આપણે આપણી દ્ષ્ટિ જુદી, કંઈ લેવાદેવા નહીં. એ તો ગાડીમાં બેસે જ છે ને ? ગાડીમાં શું કરીએ ? અહીં આપણે ખસેડીએ કે ત્યાં બેસો, પણ ગાડીમાં શું કરાય ? અરે, ભીડમાંય બેસવું પડે. આપણને થાક લાગ્યો હોય તો શું કરીએ ?

પ્રશ્નકર્તા : તો સ્પર્શની અસર થાય ને ?

દાદાશ્રી : તે ઘડીએ આપણે મન સંકુચિત કરી નાખવાનું. હું આ દેહથી છૂટો છું, હું 'ચંદ્રેશ'ય ન હોય, એ ઉપયોગ રહેવો જોઈએ, શુદ્ધ ઉપયોગ રહેવો જોઈએ. કો'ક દહાડો એવું બને ત્યારે શુદ્ધ ઉપયોગમાં જ રહેવું, 'હું 'ચંદ્રેશ'ય ન હોય.'

સ્પર્શ સુખના જોખમો

સ્પર્શસુખ માણવાનો વિચાર આવે તો તે આવતાંની પહેલાં જ ઉખેડીને ફેંકી દેવો. જો તરત ઉખેડીને ફેંકી ના દે તો પહેલી સેકંડે ઝાડ થઈ જાય, બીજી સેકંડે આપણને એ પકડમાં લે ને ત્રીજી સેકંડે પછી ફાંસીએ ચઢવાનો વારો આવે.

હિસાબ ના હોય તો ટચેય ના થાય. સ્ત્રી-પુરુષ એક રૂમમાં હોય તોય, વિચારેય ના આવે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે હિસાબ છે, તેથી આકર્ષણ થાય છે. તો તે હિસાબ પહેલેથી કેવી રીતે ઉખેડી દેવાય ?

દાદાશ્રી : એ તો તે ઘડીએ, ઓન ધી મોમેન્ટ કરે તો જ જાય. પહેલેથી ના થાય. મનમાં વિચાર આવે ને કે 'સ્ત્રી માટે બાજુમાં જગ્યા રાખીએ.' તે તરત જ એ વિચારને ઉખેડી દેવું. 'હેતુ શું છે' તે જોઈ લેવાનું. આપણા સિદ્ધાંતને અનુરૂપ છે કે સિદ્ધાંતની વિરુદ્ધ છે. સિદ્ધાંતની વિરુદ્ધ હોય તો તરત જ ઉખેડીને ફેંકી દેવું. એ સ્ત્રી બાજુમાં બેસતાં પહેલાં આપણે સગવડ રાખીએ છીએ, એ વિચાર આવે ત્યાંથી જ ઉખેડીને ફેંકી દેવું. પછી એ સ્ત્રી બેસતાં સુધી તો એ વિચારને આપણે ઝાડ જેટલું કરી નાખીએ છીએ. પછી એ ના પાછું ફરે.

પ્રશ્નકર્તા : એવું નક્કી તો છે કે મારે વિષય ભોગવવો નથી, પણ કોઈ છોકરી કે કોઈ છોકરો મારા પર વિષય ભોગવે, મને સ્પર્શ કરે, બસમાં ઉતરતાં-ચઢતાં, બેસતાં, ગમે ત્યાં, તો પછી મને વાંધો નથી. મારે વિષય ભોગવવો નથી. આવા વિચારો આવે છે.

દાદાશ્રી : તો તો સારું કહેવાય ને (?!)

પ્રશ્નકર્તા : તે વખતે મારી તો સેફસાઈડ છે ને, હું તો વિષય ભોગવતો જ નથી. મારે સ્પર્શ કરવો જ નથી. પણ એ સામેથી સ્પર્શ કરે, તો પછી હું શું કરું ?

દાદાશ્રી : બરાબર. સાપ જાણી જોઈને અડે, તેને આપણે શું કરીએ ?(!) અડવાનું કેમ ગમે, પુરુષ કે સ્ત્રીને ? જ્યાં નરી ગંધ જ છે, ત્યાં અડવાનું કેમ ગમે ?

સ્ત્રી સ્પર્શ લાગે વિષ સમ

પ્રશ્નકર્તા : પણ સ્પર્શ કરતી વખતે આ કશું આમાનું યાદ નથી આવતું.

દાદાશ્રી : હા, એ યાદ શેનું આવે પણ ? તે ઘડીએ તો એ સ્પર્શ કરતી વખતે, એટલું બધું પોઈઝનસ હોય છે એ સ્પર્શ, એટલો બધો પોઈઝનસ હોય છે, તે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં ઉપર આવરણ આવી જાય છે. માણસ બેભાન બની જાય છે. જાનવર જ જોઈ લો ને તે ઘડીએ !

પ્રશ્નકર્તા : એ વખતે એનો ફોર્સ એટલો બધો જોરદાર હોય છે, એને કારણે મૂર્છિત થઈ જાય છે.

દાદાશ્રી : હં ! એવું છે ને કે આ દારૂ તો પીધા પછી ચડે છે અને આ તો હાથ અડાડવાથી જ ચડી જાય છે. દારૂ તો પીધા પછી અડધા કલાક પછી મહીં મનમાં ગુંગળાટ થયા કરે અને આ તો હાથ અડાડે કે તરત જ મહીં ચડી જાય છે. તરત, વાર નહીં. એટલે અમે તો નાનપણમાં જ, આ અનુભવ જોતાની સાથે જ ગભરામણ થઈ ગયેલી કે અરેરે, આ શું થઈ જાય છે ? આ તો મનુષ્યપણું મટી હેવાનપણું થઈ જાય છે. માણસ-માણસ મટીને હેવાન થઈ જાય છે. થોડીવાર પછી માણસપણું રહેતું હોય તો વાંધો નહીં. એટલું કંઈકેય આપણુ એ રહેતું હોય, મઝા-મર્યાદા, તો વાંધો નહીં, પણ આ તો મર્યાદા જ નહીં રહેતી અને અમે તો અનંત અવતારના બ્રહ્મચર્યના રાગી એટલે અમને આ ગમે નહીં. પણ ના છૂટકે બધું થયેલું. થોડો ઘણો સંસાર ભોગવ્યો હશે, તે પણ ના છૂટકાનો. અરુચિપૂર્વક, પ્રારબ્ધે લખેલ ! ના શોભે આ તો ! એટલે તમે મહાપુણ્યશાળી કહેવાઓ કે તમને દાદાની પાસે તમને બ્રહ્મચર્યવ્રત મળ્યું.

અને દાદાનો ટેકો અને પાછું આ જ્ઞાન. તે આ જ્ઞાન ના હોય ને, બ્રહ્મચર્ય ટકે નહીં. આ જ્ઞાન, 'હું શુદ્ધાત્મા છું' એવું ભાન થયેલું છે એટલે બ્રહ્મચર્ય ટકે છે અને ખરું બ્રહ્મચર્ય ક્યારે ટકશે, રહેવાનું ત્યાં જુદું હશે ત્યારે. ત્યાં પછી એમનું આ થોડા વખતમાં રહેવાનું જુદું જ થઈ જવાનું અને તો જ ખરું બ્રહ્મચર્ય ને તો જ મોઢાં ઉપર તેજી આવશે. ત્યાં સુધી તો આ હવામાન-વાતાવરણ અસર કર્યા કરે.

પ્રશ્નકર્તા : પેલી સ્પર્શની વાત કરી ને, તે વર્તે છે એવું, તો પછી કરવું શું ? એનો ઉપાય શું ? એટલે આ સ્પર્શમાં સુખ નથી એ બધી વાત પોતે જાણે પણ છતાંય વર્તનમાં જ્યારે સ્પર્શ થાય ત્યારે એમાં સુખ લાગે.

દાદાશ્રી : એ લાગે પણ તે તો આપણે તરત કાઢી નાખીએ ને, આપણને શું ? એ સુખ લાગ્યું, એ તો આપણી બિલીફ છે તેથી, નહીં તો બીજાને તો આમ સ્પર્શ થતાંની સાથે ઝેર જેવું લાગે. કેટલાંક માણસ તો આ અડેય નહીં. સ્ત્રીને અડે નહીં, ઝેર જેવું લાગે. કારણ કે એ એણે એવો ભાવ કર્યો છે. પેલો સ્પર્શને સુખ માનતો હોય એવો માલ ભરેલો છે. એ બેના જુદા જુદા ભરેલાં છે, એટલે એને આ જન્મમાં આવું થાય છે. ઝેરેય ના લાગવું જોઈએ અને સુખેય ના લાગવું જોઈએ. અમે જેમ સહજ રીતે, આમ જેમ પુરુષોની માફક અમે અડીએ છીએ બીજાને, એવી રીતે રહેવું જોઈએ. એ વિષયમાં કંઈ સ્ત્રી દોષિત નથી. એ આપણો દોષ છે. સ્ત્રીનો દોષ નથી.

પ્રશ્નકર્તા : 'સ્ત્રીને સ્પર્શ કરવામાં સુખ છે' એ જે બિલીફ છે, એ કેવી રીતે ઊડાડવાની ?

દાદાશ્રી : એ બિલીફ તો આ દસ જણ બોલ્યા, એટલે બિલીફ બેસી ગઈ. ત્યાં ત્યાગીઓ બોલ્યા હોત ને તો બિલીફ બેઠેલી હોત તોય ઊઠી જાત. કારણ કે બિલીફ બેઠેલી છે. સાચી જગ્યાએ બેઠી છે કે ખોટી જગ્યાએ ? જલેબી તો સ્વાદિષ્ટ લાગે, એમાં તો તાજી જલેબી હોય, સ્વાદિષ્ટ લાગે કે ના લાગે ? ઘીની હોય તો !

પ્રશ્નકર્તા : લાગે.

દાદાશ્રી : જ્ઞાની પુરુષ પાસે સમજી લેવું જોઈએ. આ લોકોની પાસે સમજ્યા તેમાં ! કવિઓ તો બધાં આમ વખાણ કરે. પગ તો કેળ જેવા, પગ ને ફલાણું આવું બોલે. પણ એમ નહીં વિચાર કરતો કે મૂંઆ સંડાસ જાય તે ઘડીએ કેમ આમ નથી જોડે બેસતો. આ તો બધાં સહુ સહુનું ગાય. જ્ઞાની પુરુષ દેખાડેને ત્યારે અરુચિ થાય મહીં.

પ્રશ્નકર્તા : આ બધી વાત આપની બરાબર. આ શ્રદ્ધામાં પણ બેઠેલું છે પણ છતાંય વર્તનમાં પેલો સ્પર્શ કરવાનું થઈ જાય છે.

દાદાશ્રી : વર્તનમાં તો આ માન્યતા છેને રોંગ, માન્યતા એનું ફળ આપ્યા વગર જાય નહીં ને ! એ ડિસ્ચાર્જ માન્યતા છે. એક ફેરો માનેલી વસ્તુઓ સાવ વિરુદ્ધ, ખરાબ હોય તો પણ માન્યતા જાય નહીં ને ! એટલે આપણે કાઢવી પડે કે આમ નહીં પણ આ ખોટું છે.

પ્રશ્નકર્તા : એટલે એમ કહી શકાય કે હજુ રુચિ છે.

દાદાશ્રી : ના એવું નહીં. આ રોંગ બિલીફો હજુ રહી ગઈ છે મહીં. એટલે નિકાલ કરી નાખવાનો આમ. પેલું 'આમાં સુખ છે' એવી રોંગ બિલીફ જે બેસી ગઈ છે લોકોના કહેવાથી, તે આમાં રહી ગઈ છે, તે આમાં એનું કંઈ આ જેમ જેમ આવશે એમ નિકાલ કરી નાખીશું.

પ્રશ્નકર્તા : એ બિલીફનો નિકાલ કેવી રીતે કરવો ?

દાદાશ્રી : 'ન્હોય મારી' એમ કહીને જ, એ આપણું ન્હોય. એ બિલીફનો નિકાલ જ થઈ જાય એમાં.

બન્ને સ્પર્શની અસરોમાં ભિન્નતા

પ્રશ્નકર્તા : સ્ત્રીને જ્યારે સ્પર્શ થાય છે, ત્યારે એના પરમાણુઓ એકદમ અસર કરે છે. ત્યારે જ્ઞાની પુરુષને પણ સ્પર્શ કરીએ છીએ, તો જ્ઞાની પુરુષના જે પરમાણુઓ છે એ અસર તો કરે જ છે, પણ એટલા ફોર્સવાળા જણાતા નથી, એનું શું કારણ ?

દાદાશ્રી : એ તો પરમાણુ અસર તો, એને લીધે ને ? જેવાં પરમાણુ હોય એવી અસર થાય. ચિંતાતુર હોય તો એને જો અડીએ, તો ચિંતાતુર કરી નાખે, એવાં પરમાણુ ઊભાં થઈ જાય. જેવાં પરમાણુ હોય એવી અસર થાય.

પ્રશ્નકર્તા : પણ પેલામાં અમને અનુભવ થાય છે. આમાં એટલું સ્પષ્ટ જણાતું નથી, એનું શું કારણ ?

દાદાશ્રી : હા, એ તો દરેક એના પરિણામો છે. પરમાણુની અસર થયા વગર રહે જ નહીં. દેવતાને અડે તો દેવતા અને આ બરફને અડે તો બરફ, એનામાં જે પરમાણુ છે, એની અસર તરત જ થાય. એને અડતી વખતે ઉપયોગ ન હોય તો વાત જુદી છે, બધાં પોતપોતાના પરમાણુનો સ્વભાવ બતાવ્યા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : પેલામાં તરત ખબર પડી જાય છે, આખું બધું આમ આખું અંતઃકરણ ડહોળાઈ જાય છે.

દાદાશ્રી : એ તો ડહોળાઈ જાય બધુંય !

પ્રશ્નકર્તા : જ્યારે આમાં તરત ખબર નહીં પડતી, એનું શું કારણ ?

દાદાશ્રી : એ શી રીતે ખબર પડે, એ હાઈ લેવલ પરમાણુ શી રીતે ખબર પડે જલ્દી. ડહોળાઈ ગયેલાં હોય તો તરત ખબર પડી જાય.

પ્રશ્નકર્તા : પેલી જે નેગેટીવ અસર થાય છે પરમાણુની, એ ખબર પડે છે.

દાદાશ્રી : જુલાબની દવા જેમ લઈએ એના જેવી.

પ્રશ્નકર્તા : આમાં એવું નહીં ?

દાદાશ્રી : આમાં ના હોય. આ તો બહુ ધીમી અસર કરે, ધીમી અસર કરે, ઊંચા માર્ગે લઈ જવાનું ને ! પેલું તો એને પાડી દેવાનું નીચે, સ્પીડી અસર, સ્લીપીંગ કહેવાય. સ્લોપ, લપસતું અને આ ઊંચે જવું, ઊંચે જતું તો બહુ જોર કરે ત્યારે એક ઈંચ ખસે અને પેલું તો લપસી પડવાનું તો છે જ માલ, બનતા સુધી અડવું નહીં, ઉપયોગ હોય, ગમે એટલો ઉપયોગ મજબૂત હોય તોય આપણે અડવું નહીં.

પ્રશ્નકર્તા : આ તો સ્પર્શ થઈ જાય એની વાત છે. અડવાનો તો કિચિંત્માત્ર ભાવ ના હોય પણ સ્પર્શ થઈ જાય.

દાદાશ્રી : સ્પર્શ થઈ જાય તો પછી આપણે પ્રતિક્રમણ કરવું તરત.

પ્રશ્નકર્તા : જ્યારે જ્ઞાનીપુરુષને સ્પર્શ કરવાથી ?

દાદાશ્રી : એ તો બહુ એ ક્યાં હાઈ લેવલનું અને અસર થતાં થતાં તો કેટલો કાળ જાય.

પ્રશ્નકર્તા : અથવા મારામાં પણ ભૂલ હોઈ શકે ને કે આ પરમાણુઓ તો એકદમ આવી રહ્યા છે. અમને લાભ કરે છે, એ સો એ સો ટકા વાત નક્કી છે.

દાદાશ્રી : એ લાભ જ કરે પણ તે ખબર ના પડે !

પ્રશ્નકર્તા : મને એ પ્રશ્ન છે કે એ ખબર કેમ નથી પડતી ?

દાદાશ્રી : એ એવી જાડી અસર નથી કે તમને ખબર પડી જાય, શું કહ્યું ? એ બહુ સૂક્ષ્મ અસરો છે અને આ તો જાડી અસર, તમને ખબર પડી જાય એવી. આ બરફની ને એ તો નાના છોકરાંનેય ખબર પડી જાય. એવું આ તમને બીજી અસર પડી જાય. આ અસર ખબર ના પડે. પણ સરવાળે એકંદરે મહીં આમ નિરાકુળતા કર્યા કરે.

પ્રશ્નકર્તા : આ જેવું સ્પર્શનું છે એમ દ્ષ્ટિ જ્યારે મળે છે ત્યારે પણ એવું થાય છે.

દાદાશ્રી : દ્ષ્ટિ મળે તોય એવી અસર થાય. એવું છે ને એક જ ટેબલ ઉપર સ્ત્રી-પુરુષ બધાં ખાય છે ખરાં. એક જાતનો ખોરાક ખાય છે, પણ સ્ત્રીનામાં સ્ત્રી પરમાણુ રૂપે તરત બદલાઈ જ જાય છે. પુરુષનામાં પુરુષના હિસાબે પરમાણુ તરત બદલાઈ જાય. બીજના સ્વભાવ પ્રમાણે થાય.

પ્રશ્નકર્તા : પણ એ સાથે જમવા બેસે છે, ખોરાક સરખો લે છે, તો એ પરમાણુઓ જુદા અંદર ફેરફાર થવાનું શું કારણ ?

દાદાશ્રી : ફેરફાર થઈ જાય તરત, બીજ પ્રમાણે. જેવું મહીં બીજ હોય ને એ પ્રમાણે. આ ખોરાક તો એક જાતનો પણ બીજ પ્રમાણે ફેરફાર પડે. આ પાણી પીએ પણ ભીંડાનું બીજ હોય તો ભીંડો જ ઉત્પન્ન થાય અને તુવેરનું બીજ હોય તો તુવેર ઉત્પન્ન થાય, પાણી તેનું તે જ, જમીન તેની તે જ. એટલે આ પુરુષને માસિક ધર્મ તો આવ્યો નથી, નહીં તો આવ્યો હોય ત્યારે ખબર પડે આ શું છે એ ? માસિક ધર્મ તો કેટલી બધી મુશ્કેલીવાળો એ છે ! અને કેટલું બધું એમાંથી અશુચિ નીકળે છે. એ અશુચિ સાંભળે તોય માણસ ગાંડો થઈ જાય. પણ સ્ત્રી કહે નહીં કોઈ દહાડોય, શું અશુચિ નીકળે છે ? એટલે ધણી બિચારો જાણે કશું જ નથી.

મોહ-કપટનાં પરમાણુ જુદા અંદર. સ્ત્રીના હિસાબે થઈ જાય. ઉત્પન્ન તે પરિણામ પામે. એ દૂધપાક હોય કે જલેબી હોય, એ સ્ત્રીના બીજ પ્રમાણે એ પરિણામ પામે. પુરુષ બીજ હોય તો પુરુષના બીજ પ્રમાણે પરિણામ પામે. એની હદ હોય. અમુક હદ સુધી પુરુષના બીજનો મોહ હોય, એની હદની બહાર ના હોય.

પ્રશ્નકર્તા : આ જે પરમાણુઓ છે એનું સાયન્સ શું છે ખરેખર ?

દાદાશ્રી : સાયન્સ એટલે આ પરમાણુ હોય તો નેગેટીવ પરમાણુ દુઃખદાયી હોય અને પોઝીટીવ હોય તો સુખદાયી હોય. નેગેટીવ સેન્સના બધા પરમાણુ દુઃખદાયી હોય, એને અશુદ્ધ કહેવાય અને પોઝીટીવ શુદ્ધ કહેવાય. સુખ જ આપે, પોઝીટીવ.

આકર્ષણ એ છે મોહ

પ્રશ્નકર્તા : કોઈ સ્ત્રી બાજુમાં બેઠી હોય અને આમ વધારે પડતું કંઈ થાય. તો ડર લાગે, તમે કંઈ ખોટું કરો છો, એવું રીતસરનું અંદરથી લાગે. પણ તે છતાં હજુ ખેંચાઈ જાય છે.

દાદાશ્રી : એ તો કર્મના ઉદય તમને ખેંચે છે ને ! તે તમારે હજુ જોવું પડે કે કર્મના ઉદય અહીં ખેંચે છે. બધા ઉપર ના ખેંચે. ચાર બેઠેલી હોય, એકની ઉપર ખેંચાય ને બીજી બધી પર ના ખેંચાય. એટલે હિસાબ છે, પહેલાંનો પાછલો.

પ્રશ્નકર્તા : ઓફીસમાં કામ કરતાં હોઈએ ને તો પેલી વ્યક્તિ જાય, ત્યારે જ આપણી નજર ઊંચી થાય.

દાદાશ્રી : હા, એટલે ત્યાં હિસાબ છે. માટે ત્યાં આગળ પ્રતિક્રમણ કર કર કર્યા કરવું. એટલે અતિક્રમણથી ત્યાં આગળ વીંટાયું છે ને પ્રતિક્રમણથી તોડી નાખો. અતિક્રમણ એટલે પહેલાં દ્ષ્ટિઓ કરી છે, તેનાં પ્રતિક્રમણ કરીએ તો ઉડી જાય.

કોઈ પણ ચીજ પર આકર્ષણ છે જ્યાં સુધી દ્ષ્ટિમાં, ત્યાં સુધી એને મોહ છે. પેલો મોહ ગયો. દર્શનમોહ ગયો, ચારિત્રમોહ રહ્યો. એ તો કંઈક એ જોવાથી જ જો ફેરફાર થઈ જતો હોય તો ભીંતને જોઈને કેમ નથી થતો ? વચ્ચે કોઈ જાનવર છે કે જે આમ ફેરફાર કરાવડાવે છે. કયું જાનવર ? મોહ નામનું !

પ્રશ્નકર્તા : એ તો જેટલી પોતાની જાગૃતિ હોય ત્યારે ખ્યાલ આવે કે અંદર કંઈક ફેરફાર થયો છે, નહીં તો કેટલું બધું થઈ જાય ત્યાં સુધી ખ્યાલ પણ ના આવે કે આ ફેરફાર થયો છે. ખબર જ ના પડે.

દાદાશ્રી : ભાન જ નથી, એને ખ્યાલનું ક્યાં રહ્યું ? આ શું થઈ રહ્યું છે ? તેય ભાન નહીં.

આકર્ષણ-મોહ ના હોવો જોઈએ. પછી બીજા ગુનાઓને માફ કરીએ, ઓવર ફલો થયું હોય કે એવું તેવું બધું થયું હોય, તેને માફ કરીએ અમે. અમારે એવું કશું નથી કે તમને ગુનેગાર જ બનાવવા છે. અમે સમજીએ કે ઘરમાં રહીને આ પ્રમાણે રહેવું, એ મુશ્કેલ છે.

પ્રશ્નકર્તા : પણ રહી શકાય એવું છે.

દાદાશ્રી : રહી શકાય એવું છે. પણ એમનું જુદુ ટોળું હોય, એની વાત જ જુદી છે!

પ્રશ્નકર્તા : આ વાતાવરણમાં છીએ ત્યાં સુધી ચોક્કસ રાખવું એટલે ટેસ્ટ તો થાયને ?

દાદાશ્રી : ટેસ્ટ ખરેખરો થાય ! પણ આપણું જ્ઞાન એવું છે ! આમ જરાક આકર્ષણ થાય તે આમ બીજ પડ્યું કે ઉખેડીને ફેંકી દે હડહડાટ ! પછી પ્રતિક્રમણ કરી નાખે તરત. એવું આપણું વિજ્ઞાન સરસ છે.

આકર્ષણ ત્યાં જોખમ જાણ

સ્ત્રી અગર વિષયમાં રમણતા કરીએ, ધ્યાન કરીએ, નિદિધ્યાસન કરીએ તો એ ગાંઠ પડી જાય વિષયની. પછી શેનાથી ઓગળે એ ? ત્યારે કહે, વિષયના વિરુદ્ધ વિચારોથી ઓગળી જાય. માણસ એક ફક્ત આટલું જ સાચવે તોય કોઈ પણ વિષય-આકર્ષણ થાય ત્યાં આગળ છે તે તરત જ પ્રતિક્રમણ કરી નાખે. તો એનું આગળ ખાતું ચોક્કસ રહે. સહેજ બે મિનિટ વાર લગાડે તો પછી ઉગી નીકળે. એટલે આ તો પ્રતિક્રમણથી બંધ થાય, નહીં તો આ બંધ જ ના થાયને ! પછી પતન થાય તો જોખમદારી રહેતી નથી. પણ જ્યાં આગળ ભાન જ ના હોય, ત્યાં આગળ પછી આકર્ષણ થયું તો પછી ત્યાં એમ ને એમ બધું પડી રહે પાછું. એટલે જોતાંની સાથે આકર્ષણ થાય, એની સાથે એનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન અને અવળા વિચારોને કાપવા તો તરે, નહીં તો કોઈ તરે જ નહીં આમાંથી, એટલે બહુ ઊંડો ખાડો છે આ તો.

એ શાથી આકર્ષણ થાય કે પૂર્વે અજ્ઞાનતાથી, આ આપણને સમજણ નહીં, તેથી એની જોડે છે તે એ રમણતા કરેલી છે, એટલે ફરી આકર્ષણ ઊભું થાય. એટલે આપણે સમજી જવાનું કે હવે આને કંઈ હિસાબ છે આ.

પ્રશ્નકર્તા : એ ખબર પડે ખરી પણ છતાં એ ફરી ફરી વિચાર આવ્યા કરે.

દાદાશ્રી : હા. પણ વિચાર આવે એટલે ફરી એને, એ વિચારો આવે, એ બધા ભાંગવા પડે, જેમ જેમ આવતા જાય એમ ભાંગતા જાય, આવતા જાય એમ ભાંગતા જાય. પ્રત્યેક જોઈને પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : એ સમજાય ખરું કે કેટલી મોટી ભૂલ કરી હતી !

દાદાશ્રી : પણ ભૂલ તો કરેલી ત્યારે જ મહીં આવ્યું ને ! એક વિચાર પણ આવે, એને શી રીતે ભાંગવું, તે આવડવું જોઈએ ને ! એને આખો દહાડો પૂરો છે તે એમાં કાઢવો પડે, બબ્બે કલાક. ત્યારે છેદાય. નહીં તો ના છેદાય. એ બાંધતા કંઈ વિચાર જ નહીં કર્યા ને ! આખી રાત ઊંધો સૂઈ જઈ ને પછી આખી રાત વિચાર કર્યા કરે.

પ્રશ્નકર્તા : આ ઊંધા પડીને વિચાર કરીએ, એટલે સમજાયું નહીં કહે છે.

દાદાશ્રી : એને કંઈક એટ્રેક્ટિવ લાગ્યું, એટલે પછી ત્યાં છે તે ઊંધો પડીને વિચાર જ કર્યા કરે. એ પછી રમણતા કર્યા કરે. હવે પેલી તો જતી રહી. તો હવે શું કરવા રમણતા કરે છે ? ત્યારે કહે, ઊંધો પડીને મૂઓ રમણતા કરે, મહીં એ ટેસ્ટ આવેને એક જાતનો. હવે જો રમણતા બ્રહ્મચર્ય થાય પણ તેથી પછી કાર્ય બ્રહ્મચર્ય થાય. પતન ક્યારે થાય ? રમણતા અબ્રહ્મચર્ય થાય ત્યારથી થાય.

તારે આવી રીતે કંઈ ડખો નહીં ને, થ્રી વિઝન રહે ને ?

પ્રશ્નકર્તા : તોય કોઈ વાર કાચું પડી જાય.

દાદાશ્રી : એમ ! તે ઘડીએ ડાબા હાથથી જમણા ગાલને ધોલ મારી દઉં ?! ત્યારે શું કરું ? 'શું સમજે છે ?' કરીને એક આપી દેવી.

વિષય રમણતા કરી હોય તેને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું, પછી દાંત-બાંત તોડી નાખીએ તો શું દેખાય, એવું તેવું બધું જોવું જોઈએ. થ્રી વિઝન તો કહેવાય ને.

પ્રશ્નકર્તા : પણ થ્રી વિઝન જોવા છતાંય એ પાછું ને પાછું યાદ આવે છે.

દાદાશ્રી : એ યાદ એ તો મનનું કામ છે, તારે શું જાય છે ? તારે 'જોયા' જ કરવાનું.

પ્રશ્નકર્તા : તો એના પરથી એમ જણાય છે કે હજી એ તૂટ્યું નથી.

દાદાશ્રી : તૂટે શી રીતે પણ ? એ તો એનું બધું કસ નીકળી જશે ત્યારે છૂટું થશે. જેટલો કસ ભરેલો છે, ત્યાં સુધી આપણે જોયા જ કરવાનું.

પ્રશ્નકર્તા : લાંબા વિચારો આવે, એમાં તન્મયાકાર થઈ જવાય.

દાદાશ્રી : વિચાર તો આવે, એ તો જ્યાં સુધી લાંબું છે એટલે વિચાર આવ્યા જ કરે. એનો હિસાબ પૂરો થાય એટલે મન બંધ થઈ જાય, એ પછી બીજું પકડે.

પ્રશ્નકર્તા : પણ એ હિસાબ ક્યારે પતે ?

દાદાશ્રી : હજી તો બધું બહુ પાર વગરનું. હજી તો કંઈ હિસાબેય નથી. હજુ તો આ પાશેરીની પહેલી પૂણી ખસી છે. પણ આ અહીંથી ઝટ કાપી નાખે તેને કશુંય નથી બહુ. દેખાયું ત્યાંથી પ્રતિક્રમણ કરે અને પછી પેલી રમણતામાં ના પડે, રાતે કશેય. જરાય એનો વિચાર આવ્યો કે રમણતામાં પડવાનું નીચે, સ્લિપ થયું કહેવાય. એ તો રમણતાથી જ આ બધા દોષ ઊભાં થયા છે ને ! એટલે એમાં ઊંધા થઈને પછી ભોગવી લે, એ હું જોઉં છું ને !

દ્ષ્ટિ બદલાય પછી રમણતા ચાલુ થાય. દ્ષ્ટિ બદલાય તો એનું કારણ છે, એની પાછળ ગયા અવતારના કોઝિઝ છે. તેથી કરીને બધાનું જોઈને દ્ષ્ટિ બદલાતી નથી. અમુકને જુએ ત્યારે દ્ષ્ટિ બદલાય છે. કૉઝીઝ હોય, એનો આગળનો હિસાબ ચાલુ આવતો હોય તે અને પછી રમણતા થાય તો જાણવું કે વધારે મોટો હિસાબ છે એટલે ત્યાં વધારે જાગૃતિ રાખવી. એની જોડે પ્રતિક્રમણના તીર માર માર કરવા. આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જબરજસ્ત હોય.

નિયમ આકર્ષણ-વિકર્ષણ તણા

સ્પર્શ થાય કે એવું તેવું થાય તો મને આવીને કહેવું ને હું તરત ચોખ્ખું કરી આપું.

પ્રશ્નકર્તા : ના, એ કોઈ દહાડો ક્યાંય નહીં.

દાદાશ્રી : પણ થઈ જાય ભૂલેચૂકે એવું, તો મને આવીને તરત કહેવું. કારણ કે એક જ ટચ થવાથી અંદર ઈલેક્ટ્રિસીટીનું એટ્રેકશન જે થાય છે, તે પછી અમારે કાઢવી પડે ઈલેક્ટ્રિસીટી.

પ્રશ્નકર્તા : હું કેટલાં વર્ષોથી માર્ક કરું છું કે હું બેઠો હોઉં તો મારી નજીકમાં કોઈ સ્ત્રી આવે જ નહીં. મારાથી આમ આઘુ રહે !

દાદાશ્રી : બહુ સારું. એટલું સારું છે. મોટી પુણ્યૈ લાવ્યા છો.

પ્રશ્નકર્તા : હું કોઈ પણ સ્ત્રી જોડે વાત કરું, ઓળખીતું હોય કે ગમે તે હોય, પણ એની સામે આમ નજર મિલાવીને ક્યારેય નથી વાત કરતો.

દાદાશ્રી : બરોબર છે. એ બહુ સારું છે. આ તો હું તમને ચેતવી રહ્યો કે વખતે આમ આમ ભૂલેચૂકે હાથ અડી ગયો હોયને, તો મને કહેવું, સ્ત્રી જાતિ જાણી-જોઈને ઘસાય છે, ઘણી વખત તો.

પ્રશ્નકર્તા : એ ઈલેક્ટ્રિસીટી કેવી હોય ? એ તમે કહ્યું ને કે ઈલેક્ટ્રિસીટી મારે ધોવી પડે એવી હોય.

દાદાશ્રી : એના પરમાણુની અસર થઈ જાય એમ. એટ્રેકશનના વધતા જાય પરમાણુ અને આંખે દેખ્યાના પરમાણુ સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મમાંથી સ્થૂળ ઊભું થાય અને પછી એમાંથી ખેંચાણ થાય. આકર્ષણ વધતું જ જાય. આકર્ષણ વધતું, તે પછી એનું વિકર્ષણ થાય. વિકર્ષણ થવાનું થાય એટલે પહેલા કાર્ય થાય. પછી વિકર્ષણ થયા કરે. કાર્ય શરુ થયું ત્યારથી વિકર્ષણ શરુ થાય. કાર્યની શરુઆત સુધી આકર્ષણ થયા કરે અને કાર્ય પુરું થાય એટલે વિકર્ષણ થયા કરે. આવું પરમાણુનું એટ્રેકશન છે.

હવે વાંધો ના આવે. દાદા માથે છે. દાદા મારા માથે છે. એવું માથે બોલે તોય રાગે પડી જાય.

પ્રશ્નકર્તા : આ પરમાણુનું નવું વિજ્ઞાન કહ્યું.

દાદાશ્રી : એ તો બધું કહેવા જેવું નહીં. બહાર કહેવા જેવું નહીં. આ તો ખાનગી લોકોને જરૂરિયાત હોય એટલી જ વાત કરવાની અને બહાર કહીને એનો શું અર્થ છે ? લોકો, જગત અડ્યા વગર રહેવાનું નથી.

પ્રશ્નકર્તા : તો એ સ્પર્શથી પરમાણુઓ ક્યાં સુધી એને નીચે ઘસડી જાય છે ?

દાદાશ્રી : હા એટલે પરમાણુનું એટ્રેક્શન બધું કામ કરે છે. એ તો બિચારાને હાથમાં જ નથી રહેતીને સત્તા અને વિકર્ષણ થાય તે છૂટવું ના હોય તોય એ પરમાણુ જ પોતે વિકર્ષણ કરાવડાવે, છૂટાં પાડે.

પ્રશ્નકર્તા : વિકર્ષણ થાય એટલે પરમાણુ જ પોતે છૂટા કરાવડાવે.

દાદાશ્રી : હા, પોતે જ વિકર્ષણ કરાવડાવે છે, એને અમલ આપીને.

પ્રશ્નકર્તા : એટલે કઈ રીતના ?

દાદાશ્રી : એનો અમલ ફળ આપી અને પોતે જ વિકર્ષણ સ્વરૂપ થઈ પડે છે.

પ્રશ્નકર્તા : એટલે એનો નિયમ જ છે કે આ આકર્ષણ થાય એટલે પછી એનું આ વિકર્ષણ પરિણામ આવે જ.

દાદાશ્રી : આકર્ષણ-વિકર્ષણ એ નિયમ જ છે, આકર્ષણ ક્યાં સુધી કહેવાય ? વિકર્ષણ ભેગું ના થાય ત્યાં સુધી ફળ ના આપે. વિકર્ષણનો સંજોગ ભેગો થાય એટલે ફળ આપવાનું શરુ કરે.

પ્રશ્નકર્તા : આકર્ષણ ફળ આપવાનું શરુ કરે, પછી શું ?

દાદાશ્રી : પછી ખલાસ થઈ ગયું ! માણસ મરી ગયો. તમારે કોઈ વાંધો નહીં.

એકવાર ભોગવ્યો કે ગયો

આ વિષય એ એવી વસ્તુ છે કે મનને અને ચિત્તને જે રીતે જતું હોય, તે રીતે નથી રહેવા દેતું ને એક ફેરો આમાં પડે કે આની મહીં આનંદ માનીને ઊલટું ચિત્તનું ત્યાં જ જવાનું વધી જાય છે અને 'બહુ સરસ છે, બહુ મઝાનું છે' એમ માનીને નર્યા પાર વગરનાં બધાં બીજ પડે છે.

પ્રશ્નકર્તા : કેટલાંકને તો એમાં રુચિ જ નથી હોતી, રુચિ ઉત્પન્નેય નથી થતી અને કેટલાંકને એ રુચિ વધારે પડતી પણ હોય છે. એ પૂર્વનું જ લઈને આવેલો છે ને ?

દાદાશ્રી : એ વિષય એકલો જ એવો છે કે એમાં બહુ લોચા વળી જાય છે. એક ફેરો વિષય ભોગવ્યો કે પછી એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જવાનું.

પ્રશ્નકર્તા : પણ એ પૂર્વનું લઈને આવેલો હોયને એવું ?

દાદાશ્રી : એનું ચિત્ત ત્યાંનું ત્યાં જતું રહે, એ પૂર્વનું લઈને નથી આવ્યો. પણ પછી ચિત્ત એનું છટકી જ જાય છે, હાથમાંથી ! પોતે ના કહે તોય છટકી જાય. એટલા માટે આ છોકરાઓ બ્રહ્મચર્યના ભાવમાં રહે તો સારું અને પછી એમ ને એમ જે સ્ખલન થાય, તે તો ગલન કહેવાય. રાતે થઈ ગયું, દહાડે થઈ ગયું, એ બધું ગલન કહેવાય. પણ આ છોકરાંઓને જો એક જ ફેરો વિષય અડ્યો હોય ને, તે પછી રાત- દહાડો એના એ જ સ્વપ્નાં આવે.

પ્રશ્નકર્તા : ખરાબ વિચાર આવે છે, તે પણ ચિત્ત વગર આવે છે ?

દાદાશ્રી : હા, ચિત્તને અને વિચારને કશી લેવાદેવા નથી.

પ્રશ્નકર્તા : એમ માને કે મને બહારથી કોઈ વસ્તુનો વિચાર આવ્યો, તો એ બહારની વસ્તુ આપણા ચિત્તનું હરણ કરે છે. એ થયું કે ના થયું?

દાદાશ્રી : ના, એ બે વસ્તુનું બેલેન્સ નથી. આ હોય તો આ હોવું સંભવે એવું નથી. બનતાં સુધી હોય, પણ આ હોય તો આ હોય જ એવું નથી. ઘણાં ફેરો વિચાર એકલા હોય ચિત્તનું હરણ ના યે થયું હોય. ઘણાં ફેરો ચિત્ત ગયું હોય અને વિચારમાં ના હોય. એમ હોય ને એમ ના પણ હોય.

મુક્ત દશાની પારાશીશી

તને એવો અનુભવ છે કે વિષયમાં ચિત્ત જાય ત્યારે ધ્યાન બરાબર રહેતું નથી ?

પ્રશ્નકર્તા : ચિત્ત જો સહેજ પણ વિષયનાં સ્પંદનોને ટચ થયેલું હોય તો કેટલાંય કાળ સુધી પોતાની સ્થિરતા ના રહેવા દે અને ચિત્ત એને અડીને પાછું છૂટી ગયું હોય તો પોતાની સ્થિરતા જાય નહીં. પેલું જો એક જ વખત આમ 'ટચ' થયું હોય, તે સ્થૂળમાં નહીં પણ સૂક્ષ્મમાં પણ થયું હોય, તો પણ એ કેટલોય વખત હલાવી નાખે.

દાદાશ્રી : અમારું ચિત્ત કેવું હશે ?! એ કોઈ દહાડો સ્થાનમાંથી છૂટ્યું જ નથી !!! અમે બોલીએ ત્યારે નિરંતર આમ મોરલીની પેઠ ડોલ્યા કરે. ત્યારે ચિત્તની પ્રસન્નતા ઊભી થાય. નહીં તો મોઢું ખેંચાઈ ગયેલું હોય, જીભેય ખેંચાઈ ગયેલી હોય, લોકો તો આંખો વાંચીને કહી દે કે આ ખરાબ દ્ષ્ટિવાળો છે. ઝેરીલી દ્ષ્ટિ હોય તેનેય લોક કહી દે કે આની આંખમાં ઝેર છે. એવી જ રીતે આંખમાં વીતરાગતા છે એ પણ સમજી શકે છે. લોક બધું સમજી શકે એમ છે, પણ દાળ-ભાત-રોટલી-શાક ખાઈને વિચારે તો !! પણ ખાઈને સૂઈ જાય તો ના સમજે.

હું શું કહેવા માગું છું કે જગત આખામાં ફરો. કોઈ પણ વસ્તુ તમારા ચિત્તને હરણ ન કરી શકે તો તમે સ્વતંત્ર છો. કેટલાંય વર્ષથી મારા ચિત્તને મેં જોયું છે કે કોઈ ચીજ હરણ કરી શકતી નથી એટલે પછી મારી જાતને હું સમજી ગયો, હું તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવે તેનો વાંધો નથી, પણ ચિત્તનું હરણ ના જ થવું જોઈએ.

ભટકતી વૃત્તિઓ ચિત્તની

જેટલી ચિત્તવૃત્તિઓ ભટકે તેટલું આત્માને ભટકવું પડે. જ્યાં ચિત્તવૃત્તિ જાય, તે ગામ આપણે જવું પડશે. ચિત્તવૃત્તિ નકશો દોરે છે. આવતા ભવને માટે જવા-આવવાનો નકશો દોરી નાખે. એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે ચિત્તવૃત્તિઓ ?

પ્રશ્નકર્તા : પણ ચિત્ત ભટકે, એમાં શું વાંધો ?

દાદાશ્રી : ચિત્ત જે પ્રમાણે પ્લાનીંગ (યોજના) કરે, તે પ્રમાણે આપણે ભટકવું પડશે. માટે જવાબદારી આપણી, જેટલું ભટક ભટક કરે તેની !

ચિત્ત ચેતન છે, એ જ્યાં જ્યાં ચોંટ્યું, ત્યાં ત્યાં ભટક, ભટક, ભટક કર્યા કરવું પડે !

પ્રશ્નકર્તા : ચિત્ત જ્યાં ને ત્યાં નથી ઝલાઈ જતું, પણ એક ઠેકાણે ઝલાયું તો તે આગલો હિસાબ છે ?

દાદાશ્રી : હા, હિસાબ છે તો જ ઝલાય. પણ આપણે હવે શું કરવું? પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય ત્યાંય ઝલાવા ના દે. ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય ને ધોઈ ના નાખે તો એ અબ્રહ્મચર્ય કહેવાય. તેથી કહ્યું ને, 'માટે ચેતો મન- બુદ્ધિ, નિર્મળ રહેજો ચિત્તશુદ્ધિ.' મન-બુદ્ધિને ચેતવે છે. હવે આપણે ચિત્તવૃત્તિ નિર્મળ રાખવા શું કરવું પડે ? આજ્ઞામાં રહેવું પડે. અમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ રહે, એટલે પછી કશું અડેય નહીં ને નડેય નહીં. તમે જેમ જેમ આજ્ઞામાં રહેતા જશો તેમ તેમ પહેલાનું જે અડ્યું હોય, જેમ ચંદ્રગ્રહણ લખેલું હોય છે તે આઠ વાગ્યાથી તે એક વાગ્યા સુધી, એટલે આઠ વાગ્યે શરૂ થાય પછી એક વાગ્યા પછી ફરી ચંદ્રનું ગ્રહણ નથી, એવું આજ્ઞામાં રહ્યા કરો એટલે જે ગ્રહણ થઈ ગયેલું છે તે છૂટી જાય અને પછી નવું જોખમ ઊડી જાય. એટલે પછી વાંધો નહીં ને !

ચિત્તની ચોંટ, છૂટે આમ...

જે ચિત્તને ડગાવે એ બધા જ વિષય છે. જ્ઞાનની બહાર જે જે વસ્તુમાં ચિત્ત જાય છે, એ બધા જ વિષય છે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે વિચાર ગમે તે આવે તેનો વાંધો નથી, પણ ચિત્ત ત્યાં જાય તેનો વાંધો છે.

દાદાશ્રી : હા, ચિત્તની જ ભાંજગડ છે ને ! ચિત્ત ભટકે એ જ ભાંજગડને ! વિચાર તો ગમે તેવા હશે, એ વાંધો નહીં. પણ ચિત્ત આ જ્ઞાન મળ્યા પછી આઘુંપાછું ના થવું જોઈએ.

પ્રશ્નકર્તા : વખતે એવું થાય તો એનું શું ?

દાદાશ્રી : આપણે, ત્યાં આગળ 'હવે એવું ના થાય' એવો પુરુષાર્થ માંડવો પડે. પહેલાં જેટલું જતું હતું એટલું જ હજુ પણ જાય છે ?

પ્રશ્નકર્તા : ના, એટલું બધું સ્લીપ થતું નથી, છતાં એ પૂછું છું.

દાદાશ્રી : ના, પણ ચિત્ત તો જેવું જ ના જોઈએ. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવશે તેનો વાંધો નહીં, એને ખસેડ ખસેડ કરો. એની જોડે વાતચીતોનો વ્યવહાર કરો કે ફલાણો ભેગો થઈ જશે તો ક્યારે એ કરશો ? એના માટે લારીઓ, મોટરો ક્યાંથી લાવીશું ? અગર તો સત્સંગની વાત કરીએ એટલે મન પાછું નવા વિચાર દેખાડશે.

પૂર્વે જે પર્યાયોનું ખૂબ વેદન કર્યું હોય, તે અત્યારે વધારે આવે. ત્યારે ચિત્ત ત્યાં જ ચોંટી રહે. જેમ જેમ એ ચોંટ ધોવાતી જાય તેમ તેમ ત્યાં પછી ચિત્ત વધારે ના રહે. ચોંટે અને છૂટું પડી જાય. અટકણ આવે ને ત્યાં જ ચોંટેલું રહે. ત્યારે આપણે શું કહેવું ? તારે જેટલા નાચ કરવા હોય એટલા કર. હવે 'તું જ્ઞેય ને હું જ્ઞાતા' આટલું કહેતાંની સાથે જ એ મોઢું ફેરવી નાખશે. એ નાચે તો ખરાં, પણ એનો ટાઈમ હોય એટલી વાર નાચે. પછી જતા રહે. આત્મ સિવાય આ જગતમાં બીજું કંઈ જ સરસ નથી. આ તો પૂર્વે જેનો પરિચય કરેલો હોય, એ પહેલાંનો પરિચય અત્યારે ડખો કરાવે છે.

વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં અને ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું. ઐશ્વર્ય તૂટયું એટલે જાનવર થયો. એટલે વિષય એવી વસ્તુ છે કે એનાથી જ બધું જાનવરપણું આવ્યું છે. મનુષ્યમાંથી જાનવરપણું વિષયને લીધે થયું છે. છતાં આપણે શું કહીએ છીએ કે આ તો પહેલેથી સંઘરેલો માલ છે, તે નીકળે તો ખરો પણ ફરી નવેસરથી સંઘરો નહીં કરો, એ ઉત્તમ કહેવાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21