ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૧૪]

બ્રહ્મચર્ય પમાડે બ્રહ્માંડનો આનંદ

એનાથી શું ના મળે ?

આ કળિયુગમાં આ દુષમકાળમાં બ્રહ્મચર્ય પાળવું બહુ મુશ્કેલ છે. આપણું જ્ઞાન છે તે એવું ઠંડકવાળું છે. અંદર કાયમ ઠંડક રહે, એટલે બ્રહ્મચર્ય પાળી શકે. બાકી અબ્રહ્મચર્ય શાથી છે ? બળતરાને લીધે છે. આખો દહાડો કામકાજ કરીને બળતરા, નિરંતર બળતરા ઊભી થઈ છે. આ જ્ઞાન છે એટલે મોક્ષને માટે વાંધો નથી, પણ જોડે જોડે બ્રહ્મચર્ય હોય તો એનો આનંદેય આવો જ હોય ને ?! હેય... અપાર આનંદ, એ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય એવો આનંદ ઉત્પન્ન થઈ જાય ! એટલે આવા વ્રતમાં જ જો પાંત્રીસ વર્ષનો એ પિરીયડ કાઢી નાખે ત્યાર પછી તો અપાર આનંદ ઉત્પન્ન થાય ! એટલે આવો ઉદય આવ્યો છે, એ તો ધન્ય ભાગ્ય જ કહેવાય ને ? હવે પાંસરી રીતે પાર પડવું જોઈએ. બ્રહ્મચર્ય આજ્ઞાપૂર્વકનું હોય તે સાચું અને ત્યારે જ કામ થાય. ભૂલ થાય તો દાદા પાસે માફી માંગવાની.

જેમ દેવું વધારે હોય એમ વિચારો ખરાબ હોય, બહુ ખરાબ વિચારો હોય.

પ્રશ્નકર્તા : ખરાબ વિચાર તો મારે પણ આવે છે.

દાદાશ્રી : હા, તે એનું દેવું છે.

પ્રશ્નકર્તા : એ દેવું કેવી રીતે ભાંગવાનું ?

દાદાશ્રી : એ તો બ્રહ્મચર્ય વ્રત પાળશો એટલે સરપ્લસ આવી જાય. બ્રહ્મચર્ય બધી જ ખોટ ભાંગે, તમામ પ્રકારની ખોટ ભાંગે.

પ્રશ્નકર્તા : આમ પુષ્કળ વિચારો ખરાબ આવે તો ? એવી ઇચ્છા હોતી નથી, પણ સંજોગ ભેગા થાય કે વિચારો આવે ને કો'ક વખત સ્લિપ થઈ જવાય.

દાદાશ્રી : ઇચ્છા તો તમારે હોય નહીં, પણ ચીકણી માટીમાં જશો તો પછી શું થાય ? એની મેળે સ્લિપ થઈ જાય. એટલે આ બધું પાછલું દેવું છે ને, તે પાછાં લોચા વાળે છે. એ લોચા પૂરા કરવાં પડશે ને ! ઇચ્છા તો અત્યારે ના જ હોય, પણ શું થાય ?

પ્રશ્નકર્તા : એ કાચું પડ્યું કહેવાતું હશે ?

દાદાશ્રી : એવું છે, કે બ્રહ્મચર્ય જેણે બગાડ્યું હોય, એનું બધું બગડ્યું.

પ્રશ્નકર્તા : બધાની જોડે રહેવાનું થાય તો જલદી જલદી ખોટ પૂરાઈ જશે ને ?

દાદાશ્રી : હા, જલદી બધી ખોટ પૂરી થઈ જશે. ખોટ પૂરી થઈ ગયા પછી તેજી આવે, નફો મળે. પછી તો વચનબળ હઉ ઉત્પન્ન થાય, જેવું બોલે એવું થાય. અત્યારે તો મહેનત કરે છે છતાં મહેનત નકામી જાય, અહીં આવવું હોય તોય મોડો પડે. અને મહીં પાછાં ટીમીડનેસ (ગભરામણ)ના વિચારો આવે, તે બધું કામ ગૂંચાઈ જાય. એટલે આ મન- વચન-કાયાથી સારી રીતે બ્રહ્મચર્ય પાળેને, તો દહાડે દહાડે ખોટ બધી પૂરી થઈ જ જાય.

બ્રહ્મચર્ય સચવાય તો મોઢા પર કંઈક નૂર આવે. નૂર તો હોવું જ જોઈએ ને ? નહીં તો શી નાતના છે, તે જ ખબર ના પડેને ? બ્રહ્મચર્યથી નૂર આવે. કાળો-ગોરો જોવાનું નથી. ગમે તેવો કાળો હોય, પણ તેનામાં નૂર હોવું જોઈએ. નૂર વગરનાં માણસો શા કામનાં ? બ્રહ્મચર્યનું તેજ તો સામી ભીંત ઉપર પડે ! ફોરેનવાળા જુએ તો આમ જોઈને ખુશ થઈ જાય કે ઇન્ડિયન બ્રહ્મચારી આવ્યા, એવું હોવું જોઈએ. કોઈ ધોળો હોય, કોઈ કાળો હોય, એ નહીં જોવાનું. બ્રહ્મચર્ય જોવાનું. માટે એવું કંઈક કરો કે બ્રહ્મચર્ય વ્રત દીપે !

પ્રશ્નકર્તા : એટલે શું કરવાનું ?

દાદાશ્રી : કરવાનું તો આપણામાં કશું હોતું જ નથી ને ! કરોમિ, કરોસિ ને કરોતિ તો આપણામાં કશું હોતું નથી, પણ વાતને સમજો હવે.

પ્રશ્નકર્તા : અત્યારે કરીએ છીએ, એમાં મૂળ કઈ વસ્તુ ઘટે છે ?

દાદાશ્રી : આ તમારી પહેલાંની ખોટો ખાધેલી. તે એ ખોટ પૂરી થાય એટલા માટે તમે જાગૃતિ રાખો કે ખોટ પૂરી થઈ જાય અને પછી સરપ્લસ વધે તો નફો દેખાય ! હું સોળ વર્ષનો હતો, તે ફળિયામાં આમ જતો હઉં, તે આવતાં-જતાંય લોકોને સંભળાય કે આ ભોંય ખખડે છે ! સોળ વર્ષનો હતો તોય જમીન એટલી બધી ખખડે ! તમને અમે એવું કહીએ છીએ કે સમજ રાખો કે પાછલી ખોટ શી રીતે જાય ? ભૂલ તો ભાંગવી જ પડશે ને ? કે આવું ને આવું ચાલવા દેવાનું ?

જેને શુદ્ધાત્માનો વૈભવ જોવો હોય, તેને બ્રહ્મચર્યવ્રત અત્યંત હિતકારી છે. અમે પણ રિલેટિવમાં આ એક જ વ્રત માટે હેલ્પ કરીએ, બાકી અમે બીજામાં હાથ ઘાલીએ નહીં. આ જ્ઞાનમાં જો ખરું મદદ કરનારું હોય તો તે બ્રહ્મચર્ય જ છે. બ્રહ્મચર્ય પાળીશ તો દેવલોક ના ભોગવે એવું સુખ ભોગવીશ અને ના પળાય ને મહીં વચ્ચે લપસ્યો તો માર્યો જાય ! બ્રહ્મચર્ય વ્રત એ મહાન વ્રત છે અને એનાથી આત્માનો સ્પેશ્યલ અનુભવ થઈ જાય.

જાણો ગંભીરતા, બ્રહ્મચર્ય વ્રતની

બ્રહ્મચર્ય વ્રત બધાને કંઈ લેવાની જરૂર હોતી નથી. એ તો જેને ઉદયમાં આવે. મહીં બ્રહ્મચર્યના ખૂબ વિચાર આવ્યા કરતા હોય, તે પછી વ્રત લે. જેને બ્રહ્મચર્ય વર્તે, તેના તો દર્શનની વાત જ જુદી ને ? કો'કને ઉદય આવે, તેના માટે જ બ્રહ્મચર્ય વ્રત છે. ઉદયમાં આવે નહીં તો ઉલટો વાંધો પડી જાય, લોચો પડી જાય. બ્રહ્મચર્ય વ્રત વરસ દહાડાનું લઈ શકાય કે છ મહિનાનું પણ લઈ શકાય. આપણને બ્રહ્મચર્યના ખૂબ જ વિચાર આવ્યા કરતા હોય, એ વિચારને આપણે દબાય દબાય કરીએ તોય વિચાર આવ્યા કરતા હોય તો જ બ્રહ્મચર્ય વ્રત માંગવું, નહીં તો આ બ્રહ્મચર્ય વ્રત માંગવા જેવું નથી. અહીં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી વ્રત તોડવું એ મહાન ગુનો છે. તમને કંઈ કોઈએ બાંધ્યા નથી કે તમે વ્રત લો જ ! મહીં જો વ્રત લેવા માટે ઇચ્છાઓ બહુ કૂદાકૂદ કરતી હોય તો જ વ્રત લેવું. કો'ક દહાડો વ્રત ભંગ થાય તો જ્ઞાની તેની દવા હઉ બતાવે. વિષયનો ક્યારેય વિચાર ના આવે તે બ્રહ્મચર્ય મહાવ્રત. જો વિષય યાદ આવે તો વ્રત તૂટ્યું.

અમે બ્રહ્મચર્ય માટે તમને આજ્ઞા આપીએ, તેમાં તમારી ભૂલચૂક થાય તો તેની જોખમદારી બહુ ભયંકર છે. તમે જો ભૂલચૂક ના ખાવ તો પછી બધું અમારી જોખમદારી પર ! તમે જે જે મારી આજ્ઞાપૂર્વક કરો તો તેમાં તમારી જોખમદારી નહીં અને મારી પણ જોખમદારી નહીં ! તમે આજ્ઞાપૂર્વક કરો એટલે તમારે અહંકાર ઊભો ના થાય. એટલે તમારી જોખમદારી નહીં અને તો પછી આજ્ઞા કરનારની જોખમદારી ખરી ને ?! પણ આજ્ઞા કરનાર સ્યાદ્વાદ હોય તો, એમને શી રીતે જોખમદારી આવે ? એટલે પોતે જોખમ લે નહીં, એવી આજ્ઞા કરે ! વ્રત એ કંઈ બજારું ચીજ છે ? વ્રત વગર માણસને બ્રહ્મચર્ય રહી શકે, પણ તે સહજ ભાવે હોય તો, નહીં તો મન કાચું પડી જાય. આ જ્ઞાન મળ્યા પછી સત્તા પોતાના હાથમાં આવી ગઈ, પરસત્તામાં હોવા છતાં સ્વસત્તામાં છે. જેનું મન બંધાયેલું નથી, તેનું મન પરસત્તામાં કામ કર્યા કરે. બંધાયેલા મન માટે તો દાદાનું વચનબળ કામ કરે, પેલા એવિડન્સ તોડી નાખે. જ્ઞાની પુરુષનું વચનબળ સંસારને ભજવાનું તોડી નાંખે.

અહીં તો માંગો એ શક્તિ મળે એમ છે ! અહીં યાદ ના આવે તો ઘરે જઈને માંગો, દાદાને યાદ કરીને માંગો તો પણ મળે એમ છે. દાદાને કહીએ કે મારામાં શક્તિ હોત તો તમારી પાસે માંગત જ શું કરવા ? તમે શક્તિ આપો. દાદા ભગવાન તો માંગે એ શક્તિ આપે એમ છે ! આ તો બધું ટૂંકમાં કહેવાનું હોય. આને માટે કોઈ વિવેચન કરવાનું ના હોય. માર્ગ ઓપન થયો છે, તો કેમ ના માગવું ?

આજીવન બ્રહ્મચર્ય, મંડાવે ક્ષપક શ્રેણીઓ

પ્રશ્નકર્તા : દાદાજી, આપ મને વિધિ કરી આપો. મારે આખી જિંદગીનું બ્રહ્મચર્ય વ્રત લેવું છે.

દાદાશ્રી : તને અપાય તેવું છે અને તું પાળી શકે એવું સ્ટ્રોંગપણું તારામાં છે, છતાં અમે વિધિ કરી આપીએ ત્યાં સુધી આ ભાવના કરજે. દાદા તો ગણતરીવાળા છે, અનંત ગણતરીવાળા છે, એટલે હમણાં તું ભાવના કરજે પછી આપીશું. આ કાળમાં તો બ્રહ્મચર્ય આખી જિંદગીનું અપાય એવું નથી. આપવું એ જ જોખમ છે. વર્ષ દહાડાનું અપાય. બાકી આખી જિંદગીની આજ્ઞા લીધી અને જો એ પડે ને, તો પોતે તો પડે પણ આપણને પણ નિમિત્ત બનાવે. પછી આપણે મહાવિદેહ ક્ષેત્રમાં વીતરાગ ભગવાન પાસે બેઠા હોય તો ત્યાંય આવે ને આપણને ઉઠાડે ને કહેશે, 'શું કામ આજ્ઞા આપી હતી ? તમને કોણે ડાહ્યા થવાનું કહ્યું હતું?' તે વીતરાગની પાસેય આપણને જંપવા ના દે ! એટલે પોતે તો પડે પણ બીજાનેય ખેંચી જાય. માટે ભાવના કરજે અને અમે તને ભાવના કરવાની શક્તિ આપીએ છીએ. પદ્ધતિસરની ભાવના કરજે, ઉતાવળ ના કરીશ. ઉતાવળ એટલી કચાશ. અમે તો કોઈનેય એમ ના કહીએ કે બ્રહ્મચર્ય પાળજે, આ આજ્ઞા પાળજે. એમ કહેવાય જ કેમ ? આ 'બ્રહ્મચર્ય એ શું વસ્તુ છે ?' એ તો અમે જ જાણીએ છીએ ! તારી તૈયારી જો હોય તો વચનબળ અમારું છે, નહીં તો પછી જ્યાં છે ત્યાં જ પડી રહે ને ! જો આ બ્રહ્મચર્ય વ્રત લઈશ ને સંપૂર્ણ કરેક્ટ પાળીશ, તો વર્લ્ડમાં અજાયબ સ્થાન પ્રાપ

્ત

કરીશ અને અહીંથી સીધો એકાવતારી થઈને મોક્ષે જઈશ. અમારી આજ્ઞામાં બળ છે, જબરજસ્ત વચનબળ છે. જો તારી કચાશ ના હોય તો વ્રત તૂટે નહીં, એટલું બધું વચનબળ છે.

આનું ફળ પછી શું આવે ? સર્વસંગ પરિત્યાગ ઉદયમાન થાય. એને ત્યાગ કહેવાતો નથી, એ ઉદયમાં આવે છે. ઉદય એટલે વર્તે ! એવો સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવે તો પછી એને વીતરાગોની પાટ માટે દીક્ષા અપાય. એવી દીક્ષા મળે તો બહુ શક્તિ ઉત્પન્ન થાય. દીક્ષાનો સ્વભાવ જ એવો છે. એવું 'વ્યવસ્થિત' પણ લાવ્યો હોય. બધાની ભાવના ફળે. અમારા તરફથી આશીર્વાદ મળે એટલે આ બધાની શક્તિ બહુ ઉત્પન્ન થાય. એવી જો દીક્ષા મળે તો વીતરાગ ધર્મનો ઉદ્ધાર થાય, વીતરાગ માર્ગ ઉત્થાનને પામે અને એ થવાનું છે!

ત્યાં સુધી બધું મહીં તાવી જોવાનું કે ભાવના જગત કલ્યાણની છે કે માનની ? પોતાના આત્માને તાવી જુએ તો બધી ખબર પડે એવું છે. વખતે મહીં માન રહેલું હોય તોય એ નીકળી જશે. કારણ કે કોઈ પ્રધાનને બહાર બધું સારું હોય ને ઘરનો દુઃખી હોય તો એને સત્તા આપે તો એ લાખ-બે લાખ ખાઈ જાય, પણ પછી ધરાઈ જાયને ? અને આપણું તો આ વિજ્ઞાન છે, એટલે હવે જે માન રહ્યું તે નિકાલી માલ ને ! તે ધીમે ધીમે ખલાસ થઈ જશે, છતાં ત્યાં સુધી બધી જાગૃતિ રાખવી પડે. કોઈ ગાળો ભાંડે, અપમાન કરે તોય માન ના જાગવું જોઈએ. મારે તોય માન શાને માટે જાગે ? આપણે તો જાણવું જોઈએ કે સાત મારી કે ત્રણ ? જોરથી મારી કે હલકી ? એવું જાણવાનું. પોતાના સ્વભાવમાં તો આવવું પડશે ને ?! તમારે તો નક્કી કરવાનું સવારના, કે આજે પાંચ અપમાન મળે તો સારું ને પછી આખા દહાડામાં એકુંય ના મળ્યું તો અફસોસ રાખવાનો. તો માનની ગાંઠ ઓગળે. અપમાન થાય, તે ઘડીએ જાગૃત થઈ જવું.

એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે ! સંપૂર્ણ આત્મભાવના હોવી જોઈએ. એક કલાક ભાવના ભાવ ભાવ કરજે અને વખતે તૂટી જાય તો સાંધીને પાછું ચાલુ કરજે. આ ભાવના ભાવી છે તો ભાવનાનું જતન કરજે ! લોકોનું કલ્યાણ થાય એ માટે ત્યાગી વેષ, દીક્ષા લેવાની ઇચ્છા છે. મન બગડતું ના હોય પછી દીક્ષા લેવામાં વાંધો નહીં.

જગતનું કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગૃહસ્થમુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં, ઉપલક બધું થાય. પણ અંદરખાને બધી પબ્લિક ના પામે ! ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લિક ના પામે. ત્યાગ આપણા જેવો હોવો જોઈએ. આપણો ત્યાગ એ અહંકારપૂર્વકનો નહીં ને ?! અને આ ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય !

'હું શુદ્ધાત્મા છું' એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. એના જેવું બીજું બ્રહ્મચર્ય નથી. છતાંય આચાર્યપદ પ્રાપ્ત કરવાના ભાવ મહીં હોય ત્યારે ત્યાં બહારનું બ્રહ્મચર્ય જોઈએ, ત્યાં લેડી ના ચાલે.

જ્ઞાની પુરુષની આજ્ઞાથી ચારિત્ર લેવાનો વાંધો નથી, પણ જોડે જોડે ચારિત્ર લીધા પછી તે વસ્તુને એટલી બધી વિચારવી જોઈએ કે તે વિચારના અંતમાં પોતાનું જ મન એવું થઈ જાય કે વિષય એ તો બહુ જ ખોટી વસ્તુ છે. આ તો મહા-મહા મોહને લઈને ઉત્પન્ન થયેલી વસ્તુ છે.

આ એકલું અબ્રહ્મચર્ય છોડે તો બધું આખું જગત આથમી જાય છે, હડહડાટ ! એક બ્રહ્મચર્ય પાળવાથી તો બધું આખું જગત જ ખલાસ થઈ જાય છે ને ! અને નહીં તો હજારો ચીજો છોડો, પણ એ કશું ભલીવાર આવે નહીં.

ચારિત્રનું સુખ કેવું વર્તે !

જ્ઞાની પુરુષની પાસે ચારિત્ર ગ્રહણ કરે, ખાલી ગ્રહણ જ કર્યું છે, હજી તો પળાયું જ નથી. ત્યારથી તો બહુ આનંદ છૂટે. તને કંઈ આનંદ છૂટ્યો છે ?

પ્રશ્નકર્તા : છૂટ્યો છે ને, દાદા ! તે ઘડીથી જ મહીં આખો ઉઘાડ થઈ ગયો.

દાદાશ્રી : લેતાંની સાથે જ ઉઘાડ થઈ ગયો ને ? લેતી વખતે એનું મન ક્લીયર જોઈએ. એનું મન તે વખતે ક્લીયર હતું, મેં તપાસ કરી હતી. આને ચારિત્ર ગ્રહણ કર્યું કહેવાય ! વ્યવહાર ચારિત્ર ! અને પેલું 'જોવું'-'જાણવું' રાખીએ, તે નિશ્ચય ચારિત્ર ! ચારિત્રનું સુખ જગત સમજ્યું જ નથી. ચારિત્રનું સુખ જ જુદી જાતનું છે.

અમે આ સ્થૂળ ચારિત્રની વાત કરીએ છીએ. એ ચારિત્ર જેને ઉત્પન્ન થાય, એ બહુ પુણ્યશાળી કહેવાય. આ છોકરાઓ બધાં કેટલાં પુણ્યશાળી કહેવાય ! એમણે બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લીધેલી, તે એમને આનંદેય કેવો રહે ?

પ્રશ્નકર્તા : આવો આનંદ તો મેં કોઈ કાળમાં જોયો ન હતો. નિરંતર આનંદ રહે છે !

દાદાશ્રી : અત્યારે આ કાળમાં લોકોનાં ચારિત્ર ખલાસ થઈ ગયાં છે. બધે સારા સંસ્કાર જ રહ્યા નથી ને ! આ તો અહીં આવી ગયાં, તે વળી આ જ્ઞાન મળ્યું એટલે રાગે પડ્યું છે. આ તો પુણ્યશાળી છે ! નહીં તો ક્યાંના ક્યાંય રખડી મર્યા હોત. ચારિત્રમાં માણસ જો બગડી જાય તો યુઝલેસ લાઈફ થઈ જાય. દુઃખી, દુઃખી થઈ જાય ! વરીઝ, વરીઝ, વરીઝ ! રાત્રે ઊંઘમાંય વરીઝ ! આ તો એમને બહુ આનંદ રહે.

પ્રશ્નકર્તા : હા, પહેલાં તો જીવવા જેવું જ ન હતું.

દાદાશ્રી : એમ ?! હવે જીવવા જેવું લાગે ?! ઘરનાં બધાંની ઇચ્છા હોય કે છોકરો ચારિત્ર લે, તો એ એના 'વ્યવસ્થિત'માં એવું છે એમ સમજાય. એ જ પુરાવો છે. અમે આમાં હાથ ના ઘાલીએ પછી. 'વ્યવસ્થિત'માં હોય તો જ ઘરનાને બધાંને ઇચ્છા રહે. કોઈની પણ બૂમ હોય તો 'વ્યવસ્થિત' ફેરવાળું લાગે. કારણ કે 'વ્યવસ્થિત' એટલે શું ? કોઈની બૂમ નહીં. બધા લીલો વાવટો ને લીલો વાવટો જ ધરે, તો જાણવું કે 'વ્યવસ્થિત' છે.

બ્રહ્મચર્યની આજ્ઞા મળ્યા પછી કોઈ બોમ્બ ફેંકવા આવે તો આપણે સાબદા થઈ જવું. આ આજ્ઞા મળી છે, એ તો બહુ જ મોટી વસ્તુ છે ! આ આજ્ઞા પાછળ દાદાની ખૂબ શક્તિ વપરાય છે. જો તમારો નિશ્ચય ના છૂટે તો દાદાની શક્તિ તમને હેલ્પ કરે ને તમારો નિશ્ચય છૂટી જાય તો દાદાની શક્તિ ખસી જાય. બ્રહ્મચર્ય તો બહુ મોટો ખજાનો છે ! લોક તો લૂંટી જાય. નાના છોકરાંને બોર આપીને કલ્લઈ કાઢી લે, તેના જેવું છે. બોરની લાલચમાં છોકરું ફસાય ને કલ્લઈ આપી દે, એમ જગત લાલચમાં ફસાયું છે.

બ્રહ્મચર્યવ્રત લીધા પછી આનંદ બહુ વધી ગયો છે ને? આ અવ્રતને લઈને જ આ બધી ભાંજગડ ઊભી થઈ છે, એનાથી આત્માના સાચા સ્વાદની સમજણ પડતી નથી. મહાવ્રતનો આનંદ તો જુદો જ ને ! આનંદ તો પછી બહુ વધે, પુષ્કળ આનંદ થાય !

નફો ખાવો કે ખોટ અટકાવવી ?

પ્રશ્નકર્તા : વિષયથી છૂટ્યો ક્યારે કહેવાય ?

દાદાશ્રી : એને પછી વિષયનો એકેય વિચાર ના આવે.

વિષયસંબંધી કોઈ પણ વિચાર નહીં, દ્ષ્ટિ નહીં, એ લાઈન જ નહીં. એ જાણે જાણતો જ ના હોય એવી રીતે હોય, એ બ્રહ્મચર્ય કહેવાય.

પ્રશ્નકર્તા : જેમ બાલ્યાવસ્થા હોય છે એવું !

દાદાશ્રી : નહીં, જેમ કોઈ વસ્તુથી તમે અજાણ્યા હોય, તેનો વિચાર તમને ના આવ્યો હોય, એના જેવું હોય. માંસાહાર કોઈ દહાડો ખાતો ના હોય, એને માંસાહારના વિચાર આવે જ નહીં. એ બાજુ દ્ષ્ટિ જ ના હોય ને એ બાજુ કશું જ ના હોય.

પ્રશ્નકર્તા : અમને એ દશા ક્યારે આવશે ?

દાદાશ્રી : ક્યારે આવશે, એ જોવાનું નહીં. આપણે ચાલ ચાલ કરોને, એટલે એની મેળે ગામ આવશે. ચાલવાથી ગામ આવે, બેસી રહેવાથી ગામ ના આવે. રસ્તો જ્ઞાની પુરુષે દેખાડેલો છે અને એ રસ્તો તમે પકડી લીધો છે. હવે ક્યારે આવશે એ કહીએ તો થાક લાગી જાય. માટે ચાલ ચાલ જ કરો ને ! તો એની મેળે આવશે. તમારા જેવી સમાધિ મોટા મોટા સંતોને ના રહે એવું છે. પછી આથી વધારે સુખ શું જોઈએ ?

પ્રશ્નકર્તા : તોય હજુ બાકી જ છે ને ?

દાદાશ્રી : આપણને જે મળ્યું તે સાચું. ભગવાનનો કાયદો કેવો છે ? જે મળ્યું, એને ભોગવતો નથી. અને ના મળ્યું, તેની ભાંજગડ કરે છે, તે મૂર્ખ માણસ છે. આગળ વધવાના પ્રયત્નો તો ચાલુ જ છે, એનો બોજો રાખવાની જરૂર નથી. આપણે ચાલતાં હોઈએ અને પછી કહીએ કે, 'ક્યારે ગામ પહોંચાશે, ક્યારે ગામ પહોંચાશે ?' તો શું થાય ?! અલ્યા, તું ચાલે તો છે જ, હવે શું કરવા બોલ બોલ કરે છે ? ચાલવાનો આનંદ આવે તો જોવાનું મન થાય કે 'આ આંબો, આ જાંબુડો' એમ નિરાંતે બધું જોઈએ, પણ પેલું તો 'ક્યારે પહોંચાશે, ક્યારે પહોંચાશે ?' કર્યા કરે ને, પછી આનંદ ના રહે.

પ્રશ્નકર્તા : વ્રત લીધે બે-બે વર્ષ થયાં, તોય પણ આમ બહાર એવું કંઈ પરિણામ જેવું નથી દેખાતું.

દાદાશ્રી : એ તો તમારે પાર વગરની ખોટો છે ને !

પ્રશ્નકર્તા : પણ તે કેટલી ખોટો ?

દાદાશ્રી : ખોટો બહુ જબરજસ્ત ! છતાં હવે તો જગત જીતી લેવાનું છે. આપણું પદ તો એની મેળે દહાડે દહાડે આવ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : ઘણી વાર એવું થાય કે ધીમે ધીમે ક્યારે પાર આવશે ? આ મહિનો તો ગયો. એમાં કંઈ પ્રોગ્રેસ થયો નથી.

દાદાશ્રી : તારે પ્રોગ્રેસ ના જોવો, પણ નુકસાન થાય એવાં કોઈ સાધનો ઊભાં થઈ ગયાં છે કે નથી થયાં, તે જોવું. નફો તો નિરંતર થયા જ કરે છે. આત્માનો સ્વભાવ છે નફાનો ! પ્રોગ્રેસેય આત્માનો સ્વભાવ છે. તમારે તો ફક્ત જાગૃતિ જ રાખવાની કે પડી ના જવાય. ને નીચે ગયું હોય, તેને સમું કરવા માટે 'ફુલ' 'ફેસ'માં, મશીનરીઓ ને લશ્કર-બશ્કર બધું સાથે તૈયારી કરો ! આપણી સેફસાઈડ રહે, એ પ્રમાણે ચાલ્યા જ કરવું. આપણી ટ્રેન મોશનમાં રહ્યા જ કરે એવું રાખ્યા કરવાનું. આ વિષયના બોમ્બ એકલાં બહુ ભારે, એનો એક મિનિટ પણ વિશ્વાસ રખાય નહીં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21