ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૧

વિષયનું સ્વરૂપ, જ્ઞાની દ્ષ્ટિએ

[૧]

વિશ્શલેષણ, વિષયના સ્વરૂપનું

કીચડમાં ઠંડકની મઝા

આ પાંચ ઇન્દ્રિયના કીચડમાં મનુષ્ય થઈને કેમ પડ્યા છે એ જ અજાયબી છે ! ભયંકર કીચડ છે આ તો ! પણ એ નહીં સમજવાથી, બેભાનપણાથી જગત ચાલ્યા કરે છે. એક સહેજ જો વિચારે તોય કીચડ સમજાય. પણ આ લોકો વિચારતા જ નથી ને ?! નર્યો કીચડ છે. તો મનુષ્યો કેમ આવા કીચડમાં પડ્યા છે ? ત્યારે કહે, 'બીજી જગ્યાએ ચોખ્ખું મળતું નથી. એટલે આવા કીચડમાં સૂઈ ગયો છે.'

પ્રશ્નકર્તા : એટલે કીચડ માટેની અજ્ઞાનતા જ છે ને ?

દાદાશ્રી : હા, એની અજ્ઞાનતા છે. એટલે જ કીચડમાં પડ્યો છે. પાછું આને જો સમજવા પ્રયત્ન કરે તો સમજાય એવું છે, પણ પોતે સમજવા પ્રયત્ન જ નથી કરતો ને !

કોઈ કહે કે જાનવરોને આ વિષયો પ્રિય છે ? તો હું કહું કે ના, જાનવરોને આ વિષયો બિલકુલ પસંદ નથી. પણ છતાંય એમને 'નેચરલ' ઉશ્કેરાટ થાય છે. બાકી આ વિષયને કોઈ પસંદ જ ના કરે, સાચો પુરુષ હોય તો પસંદ જ ના કરે. તો આ મનુષ્યો શાથી વિષયોમાં પડે છે કે આખો દહાડો દોડધામ, દોડધામ કરે. થાકેલો હોય એટલે એને ભાન નથી રહેતું કે આ કીચડ છે, એટલે એ માર પડતું નાખે છે મહીં ! બાકી બિલકુલ 'સેન્સ' ખલાસ થઈ જાય ત્યારે આ કીચડ યાદ આવે. નહીં તો 'સેન્સીબલ' માણસને તો આ કીચડ ગમે જ નહીં ને ! આ તો દોડધામની મહેનત ને એની બળતરા, એને શમાવવા માટે આ કાદવમાં પડે છે. ખાડામાં પડ્યા તેથી કરીને આ બળતરા કંઈ શાંત થતી નથી. જરા સંતોષ આપે એટલું જ અને ઊંઘ આવી જાય. બાકી પછી તો મરવા જેવું લાગે. આ વિષયના કાદવ કરતાં વાંદરાની ખાડીનો કાદવ તો બહુ સારો, એકલી ગંધ આવે એટલું જ, બીજું કંઈ નહીં. જ્યારે આ તો અપાર ગંધ ને નર્યા કેટલાંય જીવો મરી જાય છે, પણ ભાન નથી અને પાછો કહે છે કે, 'હું જૈન છું.' અલ્યા, જૈન તો આવો ના હોય. આમાં તો કરોડો જીવ ખલાસ થઈ જાય છે !!!

એવું છે, નિર્વિષય વિષય કોને કહ્યો છે ? આ જગતમાં નિર્વિષયી વિષયો છે. આ શરીરને જરૂરિયાત માટે જે કંઈ દાળ-ભાત-શાક-રોટલી, જે ભેગું થાય તે ખાવ. એ વિષય નથી. વિષય ક્યારે કહેવાય ? કે તમે લુબ્ધમાન થાવ ત્યારે વિષય કહેવાય છે, નહીં તો એ વિષય નથી, એ નિર્વિષય વિષય છે. એટલે આ જગતમાં આંખે દેખાય તે બધું જ વિષય નથી, લુબ્ધમાન થાય તો જ વિષય છે. અમને કોઈ વિષય જ અડતો નથી. વિષયની જરૂર શી છે, તે જ હું સમજતો નથી. આ જાનવરો પણ જેનાથી કંટાળી ગયાં છે, તે વિષયમાં આ મનુષ્યોને મઝા આવે છે, આ કઈ અજાયબી છે તે ?! કેમ આ કીચડમાં ઝંપલાવે છે, એનો વિચાર જ નથી આવતો, એવા 'બ્લંટ' થઈ ગયા છે !!

તેથી ભગવાન મહાવીરે પાંચમું મહાવ્રત બ્રહ્મચર્યનું ઘાલ્યું કે આજના મનુષ્યોને વિષયના કીચડનું ભાન જ નહીં રહે, માટે આ ચાર હતા, તેના પાંચ મહાવ્રત કરી આપ્યા. તેમના મનમાં એમ કે લોકો થોડું ઘણું વિચારે, આની જોખમદારી સમજે. આ તો ભયંકર વિકૃતિ કહેવાય. આનાં કરતાં તો નર્કનું દુઃખ સારું, નર્કની વેદના સારી, પણ આ વેદના તો બહુ ભયંકર !

મને કેટલાંક માણસો કહે છે કે, 'આ વિષયમાં એવું શું પડ્યું છે કે વિષયસુખને ચાખ્યા પછી મારી જાત મરણતુલ્ય થઈ જાય છે, મારું મન મરી જાય છે, વાણી મરી જાય છે ?' મેં કહ્યું કે, આ મરી ગયેલાં જ છે બધાં, પણ તમને ભાન નથી આવતું ને ફરી પાછી આની આ જ દશા ઉત્પન્ન થાય છે. નહીં તો બ્રહ્મચર્ય જો કદી સચવાય તો એક એક મનુષ્યમાં તો કેટલી શક્તિ છે ! આત્માનું જ્ઞાન કરે એ સમયસાર કહેવાય. આત્માનું જ્ઞાન કરે અને જાગૃતિ રહે એટલે સમયનો સાર ઉત્પન્ન થયો અને બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે. એટલે આ વિષયમાં તો એક દહાડોય બગાડાય નહીં. એ તો જંગલી અવસ્થા કહેવાય.

મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળે તો કેવું સરસ મનોબળ રહે, કેવું સરસ વચનબળ રહે ને કેવું સરસ દેહબળ રહે ! આપણે ત્યાં ભગવાન મહાવીર સુધી કેવો વ્યવહાર હતો ? એક-બે બચ્ચાં સુધી 'વ્યવહાર' કરવો. પણ આ કાળમાં એ વ્યવહાર બગડવાનો, એવું ભગવાન જાણતા હતા, તેથી એમને પાંચમું મહાવ્રત ઘાલવું પડ્યું.

આ ઝેરને ઝેર જાણ્યું ?

વિષયને ઝેર જાણ્યું જ નથી. ઝેર જાણે તો એને અડે નહીં ને ! તેથી ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ વિરતિ ! જાણ્યાનું ફળ શું ? કે અટકી જાય. વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી.

ભય રાખવા જેવો હોય તો, આ વિષયનો ભય રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા જ નથી. માટે વિષયથી ચેતો. આ સાપ, વીંછી, વાઘથી નથી ચેતતા ? ચેતતા રહીએ છીએ ને ? જેમ વાઘની વાત આવે, ત્યારે એ ભય આપણે ના રાખવો હોય તોય એનો ભય લાગે છે ને ? તેમ વિષયની વાત આવે ને ભય લાગવો જોઈએ. ભય હોય ત્યાં ખાવાનું મોજથી જમે ? ના. એટલે ભય હોય ત્યાં મોજ ના હોય. જગત આ વિષયો ભયથી ભોગવતા હશે ? ના. આ તો લોકો મોજથી ભોગવે છે. ભય હોય ત્યાં ભોગવટો જ ના હોય.

કોઈ કહેશે કે જલેબી ખાઉં ? તો હું કહું કે એ સારી છે, ખાજો નિરાંતે. દહીંવડા ખાજો, બધું ખાજો. આ બધામાં સ્વાદ લાગે છે. જ્ઞાનીને સ્વાદ સમજાય, પણ એમને આ સ્વાદમાં સારું-ખોટું ના હોય કે આ હોય તો જ મારે ચાલશે. વિષયનો તો જ્ઞાની પુરુષને સ્વપ્નેય વિચાર ના આવે. એ તો પાશવી વિદ્યા છે. મનુષ્યમાં ખુલ્લી પાશવતા કહેવામાં આવે તો આટલી જ છે. મનુષ્યપણું તો મોક્ષને માટે જ હોવું જોઈએ.

અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !!!

પરવશતાઓ શીદને પોષાય ?

મોક્ષની ઇચ્છા તો બધી બહુ છે, પણ મોક્ષનો રસ્તો મળતો નથી. એટલે અનંત અવતારથી રઝળપાટ જ કર્યો છે અને અવલંબન વગર જીવાતું નથી. એટલે સ્ત્રી જોઈએ છે, બધું જોઈએ છે. પૈણે છે, તેય આધાર ખોળે છે. તેથી પૈણે છે ને ! માણસ નિરાધાર રહી શકે નહીં ને ! નિરાલંબ રહી શકે નહીં ને !!! જ્ઞાની પુરુષ સિવાય બીજું કોઈ નિરાલંબ રહી શકે નહીં, અવલંબન ખોળે જ કશું !

આ કરોળિયો જાળું વીંટે, પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું પોતે જ ઊભું કરેલું છે. ગયા અવતારે પોતે માંગણી કરી હતી. બુદ્ધિના આશયમાં આપણે ટેંડર ભર્યું હતું કે એક સ્ત્રી તો જોઈશે જ. બે-ત્રણ રૂમ હશે, એકાદ છોકરો ને એકાદ છોકરી, નોકરી એટલું જ જોઈશે. તેને બદલે વાઈફ તો આપી તે આપી, પણ સાસુ-સસરો, સાળો-સાળાવેલી, માસી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, મામી સાસુ, ...... હેય ફસામણ, ફસામણ !!! આટલી બધી ફસામણ જોડે આવશે એવી ખબર હોત તો આ માંગણી જ ના કરત બળી ! આપણે તો ટેંડર ભર્યું હતું વાઈફ એકલીનું, તે આ બધું શું કરવા આપ્યું ? ત્યારે કુદરત કહે છે, 'ભઈ, એ એકલું તો ના અપાય, મામી સાસુ, ફોઈ સાસુ એ બધું આપવું પડે. તમને ત્યાર વગર ગમે નહીં. આ તો લંગર બધું હોય ત્યારે જ બરાબર મઝા આવે !!' એક આટલું લેવા જઈએ ત્યાર હોરું કેટલી વળગાડ, કેટલી બધી પરવશતાઓ ! એ પરવશતા પાછી સહન થાય નહીં.

પ્રશ્નકર્તા : આ મન-વચન-કાયાનાં જ લફરાં ગમતાં નથીને હવે !

દાદાશ્રી : આમાં તો છ ભાગીદાર છે. પૈણ્યા એટલે એમાં પાછા બીજા છની ભાગીદારી, એટલે બાર ભાગીદારોનું કોર્પોરેશન ઊભું થયું પાછું. છમાં તો કેટલી બધી લઢવાડો ચાલે જ છે, ત્યાં પાછી બારની લઢવાડો ઊભી થાય. પછી દરેક છોકરે છોકરે નવા છ ભાગીદારો પાછા મહીં ઉમેરાય. એટલે કેટલી ફસામણ ઊભી થઈ જાય !!!

પરણ્યાના પરિણામો તો જુઓ

હવે તારે સંસારમાં શું શું જોઈએ છે ? એ કહેને.

પ્રશ્નકર્તા : મારે તો આ શાદી જ નથી કરવી.

દાદાશ્રી : આ દેહ જ નર્યો ઉપાધિ છે ને ? પેટમાં દુઃખે ત્યારે આ દેહ ઉપર કેવું થાય છે ? તો બીજાની દુકાન સુધી વેપાર માંડીએ, તો શું થાય ? કેટલી ઉપાધિ આપે ? અને પાછા બે-ચાર છોકરાં હોય. બઈ એકલી હોય તો ઠીક છે વળી, એ પાંસરી રહે પણ આ તો ચાર છોકરાં !! તે શું થાય ? પાર વગરની ઉપાધિ !! નરી 'ફાઈલો' જ વધી જાય. એટલે ભગવાને એવું કહ્યું છે કે ઔપચારિક ના કરશો. અનુપચાર એટલે તમે જેનો ઉપચાર પણ કર્યો નથી એવો આ દેહ છે, તે તો છૂટકો જ નથી. પણ પેલો ઉપચાર કરે છે, પૈણે છે, વ્યાપાર માંડે છે, એ ના કરશો. ને આને હવે ઉપચાર કરવાની ઇચ્છા નથી, તેથી કહે છે કે શાદી જ નથી કરવી.

યોનિમાંથી જન્મ લે છે. તે યોનિમાં તો એટલાં બધાં ભયંકર દુઃખોમાં રહેવું પડે છે ને મોટી ઉંમરનો થાય કે યોનિ ઉપર જ પાછો જાય છે. આ જગતનો વ્યવહાર જ એવો છે. કોઈએ સાચું શીખવાડ્યું નથી ને ! મા-બાપેય કહે કે પૈણો હવે. અને મા-બાપની ફરજ તો ખરી ને ? પણ કોઈ સાચી સલાહ ના આપે કે આમાં આવું દુઃખ છે. એ તો કહેશે, પૈણાવો હવે. જેથી એને ત્યાં છોકરો થાય તો હું દાદો થાઉં. બસ, આટલી જ એમને લ્હાય હોય. 'અરે, પણ દાદા થવા માટે મને શું કામ આ કૂવામાં નાખો છો ?' બાપાને દાદા થવું હોય એટલા હારું આપણને કૂવામાં નાખે. લગ્નમાં તો કેટલાંય એકસીડન્ટ થાય છે, છતાં કેટલાંય લગ્ન થાય છે ને ? આ તો લગ્નના કૂવામાં પડવું પડે છે. કશું ના હોય તો છેવટે મા-બાપ પણ ઊંચકીને એ કૂવામાં નાખે. એ લોકો ના નાખે તો મામો ઊંચકીને નાખે. આવું છે આ ફસામણવાળું જગત !

લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ, પેઠા હોય તોય નીકળી જવાય તો વધુ ઉત્તમ અને નહીં તોય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ !!! પરણતાં પહેલાં દસ દહાડા પહેલાં વહુ જો ગાડીમાં મળી હોય તો તે ધક્કો મારે. એને પાછી પોતે પાસ કરી. લ્યો, એ વાઈફ થઈ ગઈ ! કોની છોડી, કોનો છોકરો, નહીં કશી લેવાદેવા ! વાઈફ મરી જાય તો પાછા રડે. શાથી એ રડે છે ? એ ક્યાં આપણી સગી હતી ? માની સગાઈ સાચી કહેવાય, ભાઈની સગાઈ કહેવાય, બાપની સગાઈ કહેવાય. પણ વાઈફની શી સગાઈ કહેવાય ?! પારકા ઘરની છોડી, તે જોવા ગયો હતો તે ઘડીએ તો આમ ફરો, આમ ફરો કરતો હતો, મરજીમાં આવે તો સેંક્શન કરે. ઘેર લાવે. પછી પાછો મેળ ના પડે, તો કહેશે કે ડાયવોર્સ લો.

એક ભાઈ મને કહે છે કે મારી વાઈફ વગર મને ઓફિસે ગમતું નથી. અલ્યા, એક વાર હાથમાં પરુ થાય તો તું ચાટું ? નહીં તો શું જોઈને સ્ત્રીમાં મોહ પામે છે ?! આખું શરીર પરુથી જ ભરેલું છે. આ પોટલી શાની છે, એના વિચાર ના આવે ? ભલે આચાર ના છૂટે પણ વિચાર તો ના આવવો જોઈએ ? મનુષ્યને એની સ્ત્રી પર પ્રેમ છે, એના કરતાં ભૂંડને ભૂંડણ પર વધારે પ્રેમ છે. આ તે કંઈ પ્રેમ કહેવાતો હશે ? આ તો પાશવતા છે નરી ! પ્રેમ તો કોનું નામ કે જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ કહેવાય. આ તો બધી આસક્તિ છે. વધી ગઈ તો આસક્તિ ને ઘટી ગઈ એ વિકર્ષણ શક્તિ. જો એરિંગ સારાં લાવી આપ્યાં, હીરાના કાપ સારા લાવી આપ્યા તો બઈ આસક્તિમાં ને આસક્તિમાં ખુશ, ને ના લાવી આપ્યા તો, 'તમે આવા છો, તમે તેમ છો,' તે પછી ઝઘડા નથી થતાં ? મતભેદ નથી થતાં બળ્યા ?! આમાં શું સુખ છે, તે પડી રહ્યા છો ? શું માન્યું છે તમે ? અનંત અવતારથી ભટક ભટક કરો છો, તે હજુ ભટકવાનો શો શોખ પડ્યો છે તમને ? શું થયું છે તમને ?

વીતરાગ ભગવાનના ભક્તોનેય ચિંતા ? જ્યારે શાસ્ત્ર વાંચે, તેટલો વખત જરાક મહીં ઠંડક રહે. તેય પાછું વાંચતા વાંચતા યાદ તો મહીં આવી જાય કે આજે કારખાનામાં તો પેલી બારસોની ખોટ ગઈ છે. તે એને કૈડે હઉ પાછું !!! આખો દહાડો કૈડ, કૈડ ને કૈડ. અંદર પેલું કૈડે ને બહાર માકણ, મચ્છર જે હોય તે કૈડે. રસોડામાં બાઈ કૈડે. મેં એક જણને પૂછયું, 'કેમ કંટાળી ગયા છો ?' ત્યારે એ કહે કે, 'આ બઈ સાપણની પેઠ કૈડે છે.' એવીય બૈરી કેટલાંક લોકોને મળે છે ને ?! આખો દહાડો 'તમે આવા ને તમે તેવા' કર્યા કરે, તે જંપીને ખાવાય ના દે બિચારાને ! હવે એ બાઈ શું સુખ આપી દેવાની છે ? એ કંઈ 'પરમેનન્ટ' સુખ આપે ? તો શા સારુ પોતે દબાયેલો બેસી રહે છે ? વિષય ભૂખ્યો છે એટલે. નહીં તો નિર્વિષયીને ડરાવનાર કોણ ?! એક વિષય માટે પડી રહેવાનું અને પોતાની સ્વતંત્રતા ખોવાની ? બૈરી-છોકરાની જંજાળ અને તે અનંત અવતાર બગાડી નાખે. જે આમાંથી કુદરતી રીતે છૂટ્યો, તેની તો વાત જ શી કરવાની ?

આખી દુનિયાનો એ એંઠવાડો

બાકી વિષયભોગ એ તો નર્યો એંઠવાડો જ છે. આખી દુનિયાનો એંઠવાડો છે. આત્માનો આવો ખોરાક તે હોતો હશે ? આત્માને બહારની કશી વસ્તુની જરૂર નથી, નિરાલંબ છે. કોઈ અવલંબનની એને જરૂર નથી. પરમાત્મા જ છે પોતે. નિરાલંબ અનુભવમાં આવે, એટલે પરમાત્મા થઈ જ ગયો !!! એને કશું જ અડે નહીં. ભીંતોની આરપાર ચાલ્યો જાય એવો આત્મા અંદર છે, અનંત સુખનું ધામ છે !

આ ખોખાને આપણે શું કરવાનું ? ખોખું તો કાલે સડી જાય, પડી જાય, કોહવાઈ જાય, ખોખું તો શાનું બનેલું છે ? એ આપણે નથી જાણતા ? છતાં લોકો ભૂલી જાય છે ને ? ભૂલી જતાં હશે લોકો ? પણ આ ખોખું તમનેય ભૂલથાપ ખવડાવી દે. અમારે જ્ઞાની પુરુષને આમ આરપાર દેખાય. કપડાં બધું હોય છતાં કપડાંની મહીં, ચામડીની મહીં જેમ છે તેમ યથાવત દેખાય. પછી રાગ ક્યાં થાય ? પોતે એક આત્મા જ જુએ ને બીજો બધો તો આ કચરો છે, સડેલો માલ છે. એમાં શું જોવા જેવું છે ?! ત્યાં જ રાગ થાય છે. એ જ અજાયબી છે ને ! પોતે નથી જાણતો ? જાણે છે બધું જ, પણ એને આવી સમજ આપી નથી. જ્ઞાનીઓએ માલ પહેલેથી જ જોયેલો છે. આમાં નવું શું છે તે ? પાછો વહુની જોડે સૂઈ જાય છે. અલ્યા, આ માંસને જ દાબીને સૂઈ જાય છે ?! પણ એ તો ભાન નથી ને ! એનું નામ જ મોહ ને ?! અમને નિરંતર જાગૃતિ હોય, એવરી સેકન્ડ જાગૃતિ હોય, એટલે અમે બધું જાણીએ કે નર્યું માંસ જ છે આ બધું.

હવે આવી વાત કોઈ કરતું નથી ને ? કારણ લોકોને વિષય ગમે છે. એટલે આ વાત કાઢે નહીં ને કોઈ ! જે નિર્વિષયી છે એ જ આ વાત કાઢે, નહીં તો આવું ખુલમ્ ખુલ્લું કોણ કહે ? છેવટે તો આ બધું છોડ્યા વગર છૂટકો જ નથી. તમે અમને કહો કે મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. તો અમે હા પાડીએ. શાથી ? કે ભઈ બહુ સારું છે બા, ખરો સુખી થવાનો માર્ગ આ છે, જો ઉદય તમારો હોય તો. નહીં તો પૈણો. પૈણીને અનુભવો. એક ફેરો અનુભવ થયો એટલે પછી બીજા અવતારમાં છૂટી જશે.

પ્રશ્નકર્તા : કો'ક છૂટી જાય, નહીં તો બાકી છૂટવું મુશ્કેલ છે.

દાદાશ્રી : એ અનુભવને નોંધ કરે તો છૂટે. અમે તો ક્ષણે ક્ષણે નોંધ કરવાવાળા.

પ્રશ્નકર્તા : એવો તો કો'ક જ નોંધ કરવાવાળો હોય. નહીં તો કીચડમાં ઊતરતો જ જાય.

દાદાશ્રી : હા, એ તો કાદવ જ છે, ઊંડો કાદવ છે. એમાં ઊતરતો જ જાય. રીસર્ચ તો નિર્વિષયી હોય તે કરી શકે. વિષયી માણસ રીસર્ચ કરી શકે જ નહીં.

સુખનાં સાધન કે અશુચિનું સંગ્રહસ્થાન ?

જ્યાં ભ્રાંતિરસમાં જગત તદાકાર પડ્યું છે. ભ્રાંતિરસ એટલે ખરેખર રસ નથી, છતાં માની બેઠો છે ! શું યે માની બેઠો છે !! એ સુખનો ફોડ પાડવા જાય ને, તો નરી ઊલટીઓ થાય !!!

આ શરીરની રાખોડી થાય છે અને એ રાખોડીનાં પરમાણુથી ફરી શરીર બંધાય છે. તે અનંત અવતારની રાખોડીનાં આ પરિણામ છે. નર્યો એંઠવાડો છે ! આ તો એંઠવાડાનો એંઠવાડો ને તેનોય એંઠવાડો !! એની એ જ રાખોડી, એના એ જ પરમાણુ બધા, એનું ફરી ફરી બંધાયા કરે છે !!! વાસણને બીજે દહાડે અજવાળીએ એટલે એ દેખાય ચોખ્ખાં પણ અજવાળ્યા વગર એમાં જ રોજ રોજ ખા ખા કરે તો ગંદવાડો નથી ?

પુદ્ગલના જે ગુણો છે ને, જે સ્થૂળ ગુણો કે જે આંખે દેખાય એવા છે, કાનથી સંભળાય, આમ સ્પર્શથી અનુભવમાં આવે, નાકને સુગંધ આપે, જીભને સ્વાદ આપે એવા છે. પુદ્ગલના ગુણો અને આ પ્રાકૃતિક ગુણો બે ભેગા થયા છે. પ્રાકૃતિક ગુણો એ મિશ્ર ચેતનના છે અને પુદ્ગલના જે ગુણો છે, એ બધું ભેગું થઈને આ લોહી-પરુને આ બધું ઊભું થઈ ગયું ને સંસાર ઊભો થઈ ગયો છે. તેથી આ જગત બધું મૂંઝાયું છે. પોતાની અજ્ઞાનતાને લઈને એને આ બધી અશુચિનું ભાન રહેતું નથી ને ભાન નથી રહેતું એટલે આ સંસાર ઊભો રહ્યો છે.

રાતે જલેબી ખાય છે, તે સવારમાં જલેબીની શી દશા થશે ? એવું ભાન રહે છે લોકોને ? શાથી ભાન નથી રહેતું ? કારણ પુદ્ગલના ગુણમાં જ અનુરાગ છે એને. આ તો પુદ્ગલ છે, આ પૂરણ થયું છે અને પેલું ગલન થાય છે એવું ભાન જ નથી ને ? જ્યારે ગલન થાય છે, સવારના પહોરમાં ત્યારે ચીતરી ચઢે છે ?! અલ્યા, બેઉ પુદ્ગલ જ છે. બેઉ પુદ્ગલના જ ગુણો છે, પણ એને અશુચિનું ભાન નથી એટલે જલેબી ખાતી વખતે ટેસ્ટથી ભોગવે છે ને ?!

પ્રશ્નકર્તા : આત્મા ને પુદ્ગલનો સંયોગ થાય એટલે દરેકને આમ જ થાય ને ?

દાદાશ્રી : ના, પણ એને ભ્રાંતિ છે ત્યાં સુધી જ. બાકી 'હું કોણ છું' એનું ભાન નથી રહ્યું એટલે બેભાનપણે આવું ચાલ્યા કરે છે. ભાન થયા પછી પોતે છૂટો પડી ગયો. પછી એને વિષયસુખ મોળાં લાગે. જલેબી ખાધા પછી ચા પીધેલી ? તો મોળી લાગે ને ? પછી આપણે ચામાં ઘણો ટેસ્ટ કરવા જઈએ, પણ ટેસ્ટ ના બેસે. એવું આ જગત અસરવાળું છે !!!

અરે, આમ સરસ દૂધપાક ખાધો હોય, તેય ઊલટી કરી નાખે તો કેવો દેખાય ? રૂપાળું હાથમાં ઝલાય એવું દેખાય ? હમણાં મહીં રેડ્યું હતું તે જ પાછું નીકળ્યું, તે હાથમાં કેમ ના ઝલાય ? એટલે આ મહીં અશુચિનું સંગ્રહસ્થાન છે. મહીં રેડતાંની સાથે જ અશુચિ થઈ જાય છે. વાડકો ચોખ્ખો હોય, દૂધપાક સારો હોય પણ મહીં રેડીએ, ને એનો એ જ દૂધપાક પછી ઊલટી કરીને આપે કે ફરી પી જાવ, તો ના પી જાય ને કહેશે, જે થવાનું હશે તે થશે, પણ નહીં પીઉં. એટલે આ બધું ભાન રહેતું નથી ને !!!

સાચો કેરીનો ભોગ, વિષય કરતાં

આ જલેબી નીચે ધૂળમાં પડી હોય. પછી એ આપે કે ખાઈ જાવ તો ખાય કે ના ખાય ? ના. કેમ ? આમ મોઢામાં તો ગળી લાગે છે તોય ? જોઈને જ ના પાડી દે ને ? આમ રૂપાળી કેરી હોય પણ ખાટી નીકળી તો ? તોય કહેશે, ના, નથી ખાવી. એટલે આટલું બધું આ લોકો જોઈને ખાય છે. જીભ ના પાડે તોય ફેંકી દે, આંખ એકલી ના પાડે તોય ના પાડી દે છે, નાક એકલું ના પાડે તોય છોડી દે છે. એટલે આમાં પાંચેય ઇન્દ્રિયો ખુશ થાય ત્યારે એ વસ્તુને ખાય છે. પણ આ વિષય એકલો એવો છે કે બધી ઇન્દ્રિયને એ ગમતું જ નથી. છતાં 'એને' વિષયમાં મઝા આવે છે, એય અજાયબી છે ને !!

પાંચ ઇન્દ્રિયના વિષયમાં એક જીભનો વિષય એકલો સાચો વિષય છે. બીજા બધા તો બનાવટ છે. શુદ્ધ વિષય હોય તો આ એકલો જ ! ફર્સ્ટ ક્લાસ હાફૂસની કેરીઓ હોય, તે કેવો સ્વાદ આવે ?! ભ્રાંતિમાં જો કદી શુદ્ધ વિષય હોય તો આટલો જ છે. ચોખ્ખો ખોરાક મળતો હોય ને એનો સ્વાદ બેભરમો ન થયો હોય, તો એ વિષય સ્વીકારાય એવો છે. છે તો આ પણ કલ્પિત જ, પણ ઊંચામાં ઊંચું કલ્પિત છે. આની મહીં વિચારણા કરીએ તો ઘૃણા ના છૂટે ને વિષયમાં તો વિચાર કરીએ તો ઘૃણા છૂટે.

વિષયોમાં ભોગ છે જ નહીં, પણ માને છે કે આ ભોગ છે. ભોગમાં તો પાંચેય ઇન્દ્રિયો ખુશ હોય. આ કેરી એ ભોગ કહેવાય. એની સુગંધ સારી હોય, સ્પર્શેય સારો હોય, સ્વાદ પણ આવે, આંખને આમ ગમે. જ્યારે આ વિષયમાં તો કશું છે જ નહીં. એ તો ફૂલ્સ પેરેડાઈઝ છે. વિષયમાં કોઈ ઇન્દ્રિય ખુશ થતી નથી. આંખોય અંધારું ખોળે. કેરી જોવા માટે આંખો અંધારું ખોળે ? નાક કહે કે ડૂચા મારી દો ? માણસો ગંધાતાં હશે ખરાં ? બે દહાડા ના નહાય તો શું થાય ? આ કેરી જેવા ગંધાય ? એટલે આ વિષયો તો નાકને જરાય ના ગમે, આંખનેય ના ગમે. જીભની તો વાત જ શી કરવી ?! ઊલટી આવે એવું હોય છે. આ કેરી બગડે છે પછી સોડે તો ગમે ? બગડેલી કેરીને અડવાનું, સ્પર્શ કરવાનું ગમે ? એટલે ત્યાં પછી ભોગવવાનું જ ક્યાં હોય ? કોઈ ઇન્દ્રિયો એક્સેપ્ટ કરતી નથી, છતાં આ વિષય ભોગવે છે, એ અજાયબી છે ને ?! આ વિચાર કરજો બધુ. તમને બાવો બનાવવા નથી આવ્યો. આ ખોટી માન્યતા કેટલી બધી ઘૂસી ગઈ છે, તે કાઢવાની જરૂર છે. વિષય સંબંધમાં વિગતવાર સમજી લેવામાં આવે તો વિષય રહેતો જ નથી.

અમારી રીતે કોઈનેય ના સમજાય અને કહીએ તો બીજે દહાડે ભૂલી જાય. બાકી વિષય એ વિચાર્યા વગરની વાત છે. આ લોકો દેખાદેખીથી એમાં પડ્યા છે. ખાલી લોકસંજ્ઞા છે એ અને જ્ઞાનીની સંજ્ઞા, જો કદી જ્ઞાનીને પૂછયું હોય તો આમાં કોઈ પડે જ નહીં. એક પણ ઇન્દ્રિય આને 'પાસ' ના કરે. એટલે જ્ઞાનીઓએ કહેલું કે જ્યાં સુખ નથી, ત્યાં ક્યાં સુખ માની બેઠા છો ? પણ આ વિષયમાં એને મૂર્છા બહુ છે. એટલે મૂર્છાને લીધે એને ભાન નથી રહેતું.

સર્વ ઈન્દ્રિયોએ વખોડ્યો વિષય

વિષય એ સંડાસ છે. નાક, કાનમાંથી, મોઢામાંથી બધેથી જે જે નીકળે છે, એ બધું સંડાસ જ છે. ડિસ્ચાર્જ એય સંડાસ જ છે. જે પારિણામિક ભાગ છે, તે સંડાસ છે પણ તન્મયાકાર થયા વગર ગલન થતું નથી. સંડાસ થાય છે, તે પણ મહીં કૉઝીઝ થાય છે, તેનું પરિણામ છે. દૂધપાક-પૂરી કોને ના ગમે ? પણ ભગવાન કહે છે કાલ સવારે એ સંડાસ થશે. વિષયને સંડાસ શાથી કહ્યો ? એટલા માટે જ કે એ ગલન થાય છે.

વિચારવાન માણસ વિષયમાં સુખ શી રીતે માની બેઠો છે, તેની જ મને નવાઈ લાગે છે ! વિષયનાં પૃથક્કરણ કરે તો ખરજવાને વલૂરવા જેવું છે. અમને તો ખૂબ ખૂબ વિચાર આવે ને થાય કે અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ?! જેટલું આપણને નથી ગમતું, તે બધું જ વિષયમાં છે. નરી ગંધ છે. આંખને જોવું ના ગમે. નાકને સૂંઘવું ના ગમે. તંે સૂંઘી જોયું'તું ? સૂંઘી જોવું હતું ને ? તો વૈરાગ તો આવે. કાનને રુચે નહીં. ફક્ત ચામડીને રુચે. લોક તો ખોખાંને જુએ, માલને ના જુએ. ખોખામાં તો જે ચીજ નથી ગમતી, તે જ ચીજો ભરેલી છે. નર્યો દુર્ગંધનો કોથળો છે ! પણ મોહને લીધે ભાન નથી રહેતું ને તેથી તો જગત આખું ચક્કરે ચઢ્યું છે.

આ વાંદરા સ્ટેશનની ખાડી આવે છે, તેની ગંધ ગમે ? એથી પણ બૂરી ગંધ આ ખોખામાં છે. આંખને ના ગમે એવા ચિત્ર-વિચિત્ર પાર્ટસ્ મહીં છે. આ કોથળામાં તો પાર વગરનો વિચિત્ર ગંદવાડો છે. આ આપણી મહીં હ્રદય છે. તે જ લોચો કાઢીને આપણા હાથમાં મૂકે તો ? અને કહે કે જોડે હાથમાં રાખીને સૂઈ જા, તો ? ઊંઘ જ ના આવે ને ? આ તો દરિયાના વિચિત્ર જીવડા જેવું દેખાય. જે નથી ગમતું એ બધું જ આ દેહમાં છે. આ આંખો આમ બહુ રૂપાળી દેખાતી હોય, પણ મોતિયો આવ્યો ને એ ધોળી આંખો દેખી હોય તો ? ના ગમે. ઓ હોહો ! વધારેમાં વધારે દુઃખ આમાં છે. આ દારૂ જે કેફ કરે છે, એ દારૂની ગંધ માણસને ગમતી નથી અને આ વિષય તો સર્વ ગંધનું કારણ છે. બધી જ ના ગમતી વસ્તુઓ ત્યાં છે. હવે શું હશે આ અજાયબી ?! આમાંથી છૂટ્યા એટલે પછી રાજા. ભૂખ્યા જ ના હોય, તેને શું ? ભૂખ્યો હોય, તે હોટલોમાં પેસે ને ?! જ્યાં ને ત્યાં ડાફોડિયું મારે, પણ જે જમ્યો છે, જમીને નિરાંતે ફરે છે, રસ-રોટલી ખઈને ફરે છે, એ શાના હારુ ત્યાં હોટલોમાં પેસે ? ગંદવાડાવાળી હોટલો ! વિષયને ઊંડો વિચારવાથી એ જ લાગે કે આ ગટર તો ઉઘાડવા જેવી જ નથી. કેટલું બધું બંધન ! આ જગત તેથી જ ઊભું રહ્યું છે ને !!

બુદ્ધિથી વિચાર્યું વિષયને કદિ ?

વિષય તો મૂર્ખોય ના ચાહે એવી વસ્તુ છે. બુદ્ધિનો સંપૂર્ણ પ્રકાશ થયેલો હોય, બુદ્ધિનો વિકાસ પામેલો હોય, તે પણ વિષયથી ડરે બિચારો. કારણ કે વિષય એ તો સાવ ગાંડામાં ગાંડી વસ્તુ જેવું છે. આ કાળમાં, આ તો બળતરાને લઈને વિષયના કાદવમાં પડે છે. નહીં તો કોઈ કાદવમાં પડે નહીં ને ! બહુ બળતરા હોય, ત્યારે માણસ શું કરે ? એટલે ઊંધો ઉપાય કરે. વિષય જો વિચારવામાં આવે તો વિચારક માણસને એ ગમે જ નહીં. એટલે બુદ્ધિથીય વિષય છૂટે એવો છે. તેમાં પછી જ્ઞાનને અને આને શી લેવાદેવા ?! વિષય પર જો વિચાર કર્યો હોતને, તો એને વિષય તો બિલકુલ ગમત જ નહીં. ચોખ્ખી બુદ્ધિવાળાને વિષયનું પૃથક્કરણ કરી આપવાનું કહીએ તો, 'વિષય થૂંકવા જેવી પણ વસ્તુ નથી.' એમ કહે. એટલે ચોખ્ખી બુદ્ધિ હોય, એને તો વિષય ગમે જ નહીં. એ અડે જ નહીં ને ! પણ બુદ્ધિમાં મળ જામી ગયેલો હોય, તેને તો બધું ઊંધું જ દેખાય.

પ્રશ્નકર્તા : આ મનુષ્ય જાતિમાં બ્રહ્મચર્ય રહે નહીં, એનું શું કારણ ? મોહ છે ? રાગ છે ?

દાદાશ્રી : બુદ્ધિપૂર્વકનું સુખ નથી આ. અવિચાર્યું સુખ છે. લોકોએ માન્યું, એ આપણેય માન્યું. એ માન્યતાનું જ સુખ છે ખાલી અને જલેબી સુખદાયી છે એ બુદ્ધિપૂર્વકનું સુખ છે.

વિષય એ તો બુદ્ધિપૂર્વકનો ખેલ નથી, આ તો મનનો ખાલી આમળો જ છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ જો બુદ્ધિથી વિષયને સમજવા જાય તો બુદ્ધિ વિષયને લેટ ગો કરે નહીં. આ બુદ્ધિશાળીઓ લેટ ગો કરે છે, એનું શું કારણ ? લોકની સંજ્ઞા પ્રમાણે ચાલે, એટલે પેલી બાજુનું આવરણ તૂટ્યું નથી,

એક જણે કહ્યું કે બુદ્ધિપૂર્વકમાં શું વાંધો છે ? ત્યારે મેં કહ્યું, બુદ્ધિપૂર્વકની ચીજો અજવાળામાં કરવાની હોય. સીક્રેસી(ખાનગી) ના હોય. હજાર માણસની હાજરીમાં બેસીને જલેબી ખવાય ? જલેબીમાં વાંધો નહીં ને ? એને શરમ ના આવે ?

પ્રશ્નકર્તા : ના. શરમ ના આવે, રોફથી ખવાય !

દાદાશ્રી : એટલે વિષયને જો માણસ વિચારે ને, જો વિચાર કરતાં આવડે ને, તો એ વિષય ભણી કોઈ દિવસ જાય જ નહીં. પણ વિચાર કરતાં જ નથી આવડતું ને ?! વિષય એ અજાગૃતિ છે. વિષય પોષાય જ કેમ કરીને ? જે વિચારે કરીને ગમે એવી વસ્તુઓ નથી, તે જ વસ્તુનો સંબંધ કેમ પોષાય ?

નર્યો ગંદવાડો દેખાય વિષયમાં

હવે કેટલાંક લોકો ચારિત્ર લેવા માંડ્યા છે. કારણ કે વિષયમાં એટલો બધો ગંદવાડો છે કે જેનો નિબંધ લખવો હોય તો નિબંધ લખતાં જ ચીતરી ચઢે. આ તો ઠીક છે, એક જાતની હેબિટ પડી ગઈ છે. મૂળ અજ્ઞાનતામાં, બેભાનપણામાં ચૂંથારો ચૂંથ્યો. હવે ભાન થયા પછી શું કંટાળો ના આવે ? આ તદ્દન ગંદવાડાનું સુખ છોડવાનું છે. એ તો ગંદવાડો દેખીને જ છોડી દેવાનું છે. જો આ વિષયનું સુખ છોડી દે, તો આખી દુનિયાનો માલિક થઈ જાય. ખરેખર તો એ સુખ જ ન હોય. આ જલેબીમાં સુખ કહેવાય, શ્રીખંડમાં સુખ કહેવાય, એમાં ના ન કહેવાય. પણ આ વિષયમાં તો સુખ જ ન હોય.

મને તો આ વિષયનો એટલો બધો ગંદવાડો દેખાય કે મને આમ ને આમ સહેજે એ બાજુનો વિચાર ના આવે. મને વિષયનો કોઈ દહાડો વિચાર જ નથી આવતો. મેં એટલું બધું જોઈ નાખેલું, એટલું બધું જોયેલું કે મને માણસ આરપાર દેખાય એવું જોયેલું. વિષયનું જો પૃથક્કરણમાં આવે, જ્ઞાનથી નહીં પણ બુદ્ધિથી, તોય માણસ ગાંડો થઈ જાય.

આ તો બધું અણસમજણથી ઊભું છે. ડુંગળીની ગંધ કોને આવે ? જે ડુંગળી ખાય તેને ગંધ ના આવે. જે ડુંગળી ના ખાતો હોય તેને તરત જ ગંધ આવે. વિષયોમાં પડ્યો છે તેથી વિષયોમાં ગંદવાડો સમજાતો નથી. એટલે વિષય છૂટતો નથી ને રાગ કર્યા કરે છે. એય બેભાનપણાનો રાગ છે. આત્મા એક જ માંસ સ્વરૂપ નથી. બીજું બધું નર્યું માંસ જ છે ને ?!

જેમ આહારી આહાર કરે છે, તેમ વિષયી વિષય કરે છે. પણ વાત સમજવી જોઈએ ને ? અને એ લક્ષમાં રહેવું જોઈએ ને ? આહાર તો રોજ સરસ ખાતો હોય, પણ ચાર દહાડાનો ભૂખ્યો હોય તો લીંટ પડેલો ગંદો રોટલોય ખાશે. આ ખોરાક તો સારો હોય છે, પણ આ વિષય તો એથીય ગંદવાડો છે. ભૂખની બળતરાને લઈને ગંદો રોટલો ખાય છે. એવી આ બળતરાને લઈને વિષય ભોગવે છે. પણ આ ગંદો રોટલો ખાતી વખતે 'ચાલશે' કહે છે. પણ ફરી ખાવાની ઇચ્છા રહે છે ? ના ! એ તો ફરી ખાવાની ઇચ્છા કોઈનેય ના હોય. પણ વિષયમાં એવું રહેતું નથી ને ? વિષયમાં પણ એવું રહેવું જોઈએ.

આ મુસલમાન માંસાહાર કરે, તે રાજીખુશીથી કરે છે ને ? અને તમને માંસાહાર કરવાનો કહ્યો હોય તો ? ચીતરી ચઢે ને ? એનું શું કારણ ? કારણ કે માંસાહાર કરનારનું ડેવલપમેન્ટ જુદું છે અને તમારું ડેવલપમેન્ટ જુદું છે. જેમ જેમ ડેવલપમેન્ટ ઊંચું ચઢતું જાય, તેમ તેમ સંસારની વસ્તુ પર ચીતરી ચઢતી જાય. આ વિષય પર ચીતરી ચઢતી નથી ને ? પણ એ તો બીજી બધી ગંદી વસ્તુ કરતાંય વધારે ભૂંડું છે. છતાં લોકોને આની ખબર પડતી નથી. એટલે કેટલી બધી ડેવલપમેન્ટની કચાશ છે. આ ભજિયામાં પરસેવો પડતો હોય એવું દેખે છે છતાં ખાય છે, તો એ ડેવલપમેન્ટ કેટલું કાચું ?! કારણ કે આ ગંદવાડો સમજાયો જ નથી. આ શરીર આમ રૂપાળું લાગે છે પણ આ ગંજીફરાક કાઢીને મોઢામાં ઘાલો ત્યારે ખબર પડે કે એ કેવું છે ! એ કેવું લાગે ? ખારું લાગે ને ? ગંધાય ! જેની જોડે ઊભાં રહેતાંય ગંધ મારે છે, ત્યાં એની જોડે વિષય શી રીતે ઊભો થાય છે ? આ કેટલી બધી ભ્રાંતિ છે !!!

સાચું સુખ શેમાં ?

માણસને રોંગ બિલિફ છે કે વિષયમાં સુખ છે. હવે વિષયથીય ઊંચું સુખ મળે તો વિષયમાં સુખ ના લાગે ! વિષયમાં સુખ નથી પણ દેહધારીને વ્યવહારમાં છૂટકો જ નહીં. બાકી જાણી જોઈને ગટરનું ઢાંકણું કોણ ખોલે ? વિષયમાં સુખ હોય તો ચક્રવર્તીઓ આટલી બધી રાણીઓ હોવા છતાં સુખની શોધમાં ના નીકળત ! આ જ્ઞાનથી એવું ઊંચું સુખ મળે છે. છતાં આ જ્ઞાન પછી તરત વિષય જતાં નથી, પણ ધીમે ધીમે જતાં રહે. છતાં પણ પોતે વિચારવું તો જોઈએ કે આ વિષયો એ કેટલો ગંદવાડો છે !

પુરુષને સ્ત્રી છે એવું દેખાય તે પુરુષમાં રોગ હોય તો 'સ્ત્રી છે' એવું દેખાય. પુરુષમાં રોગ ના હોય તો સ્ત્રી ના દેખાય.

જ્ઞાનીઓને આરપાર દ્ષ્ટિ હોય. જેવું છે તેવું દેખાય. એવું દેખાય તો પછી વિષય રહે ? એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે આરપાર જેમ છે તેમ દેખાવું. આ હાફૂસની કેરી હોય તો તે વિષયની અમે ના ન પાડીએ. એને જો કાપે તો લોહી ના દેખાય, તો એ નિરાંતે ખા. આ તો કાપે તો લોહી નીકળે, પણ એની જાગૃતિ રહેતી નથી ને ? તેથી માર ખાય છે. તેથી આ સંસાર ઊભો રહ્યો છે. આ જ્ઞાનથી જાગૃતિ પછી ધીમે ધીમે વધતી જાય, વિષય ખલાસ થતો જાય. મારે બંધ કરવાનું કહેવું ના પડે. એની મેળે જ તમારે બંધ થતું જાય.

હંમેશાં દુષમકાળમાં માણસનાં મન કેવાં હોય, કે 'કાલથી ખાંડ નહીં મળે' એવું કહ્યું કે બધા દોડધામ કરીને ખાંડ લઈ આવશે. એટલે મન વાંકાં ચાલે એવાં છે. એટલે અમે બધી છૂટ જ આપી છે. દુષમકાળમાં મનને બંધન કરીએ કે આમ કરો તો મન અવળું ચાલ્યા વગર રહે નહીં. આ દુષમકાળનો સ્વભાવ છે કે જો અટકાવીએ તો ઊલટું જોશ કરીને એમાં જ પડે. એટલે આ કાળમાં અમારા નિમિત્તે અક્રમ ઊભું થયું, તે કોઈ જાતનું અટકાવવાનું જ નહીં. એટલે પછી મન જુવાન થતું જ નથી, મન ઘૈડું થઈ જાય છે. ઘૈડું થાય એટલે નિર્બળ થાય, પછી ખલાસ થઈ જાય. જુવાન તો ક્યારે થાય, કે અટકાવીએ તો. તૃપ્ત થયેલો માણસ વિષયના ગંદવાડામાં હાથ ઘાલે જ નહીં. આ તો મહીં તૃપ્તિ નથી. તેથી આ ગંદવાડામાં ફસાઈ પડ્યા છે. વીતરાગોનું વિજ્ઞાન એ જ તૃપ્તિને લાવનાર છે.

કેટલાંય અવતારથી ગણીએ તોય પુરુષો આટ આટલી સ્ત્રીઓને પૈણ્યા અને સ્ત્રીઓ પુરુષોને પૈણી તોય હજુ એને વિષયનો મોહ તૂટતો નથી. ત્યારે આનો ક્યારે પાર આવે તે ?! એનાં કરતાં થઈ જાવ એકલાં એટલે ભાંજગડ જ મટી ગઈને ?!

ચાલી રહ્યાં ક્યાં ? દિશા કઈ ?

આ ઇન્જિન હોય છે, તો કોઈ માણસ ઇન્જિનમાં તેલ રેડ્યા કરતો હોય તેને ઇન્જિન ચલાય ચલાય કરતો હોય, એવું વરસ દહાડા સુધી કર્યા કરતો હોય તો આજુબાજુના લોકો શું કહે એને ? 'અલ્યા, ઇન્જિનને કંઈ પટ્ટો નાખીને કામ કરાવી લે ને !' એવું આપણા લોકો જીવન જીવવા સારુ ખોરાક ખાય છે, પણ પછી પટ્ટો જ નથી આપતા ! એટલે આ મશીન પાસેથી બીજું કામ કરાવી લેવું કે ના કરાવી લેવું ? તમે શું કરાવી લેવાનું નક્કી કર્યું છે ? કંઈ સદ્ગતિ થાય, મોક્ષ થાય એટલા માટે પટ્ટો આપવાનો છે, જીવન જીવીને કામ કાઢી લેવાનું છે.

આપણે લોકોને પૂછીએ તમે શા સારુ ખાવ છો ? તો કહેશે, જીવન જીવવા સારુ અને પૂછીએ કે જીવન શેના સારુ જીવો છો ? ત્યારે કહેશે, કે મને ખબર નથી ! અલ્યા, આ તે કઈ જાતનું ? શાને માટે જીવન જીવવાનું છે ? તેય ખબર નથી ને છોકરાંનાં કારખાનાં કાઢ્યાં છે !! આ જીવન કંઈ છોકરાનાં કારખાનાં માટે હશે ? છોકરાનાં કારખાનાં એ તો સ્વાભાવિક છે, પણ એમાં શું દહાડો વળ્યો ? છોકરાં તો, પૈણ્યા એટલે થયા જ કરે ને ? કૂતરાંનેય છોકરાં થયા કરે છે. એ તો વગર ભણેલાં છે, તોય છોકરાં થાય છે. આ કૂતરાં કંઈ ભણેલાં છે ? તો એમને છોકરાં નહીં થતાં હોય ? એમણેય લગન કરેલું હોય. એમનેય વાઈફ હોય છે ને ? એટલે કંઈક સમજવું તો પડશે ને ? તું એન્જિનીયર પાસ થયો એટલે તારી પાસે શું થયું ? મેઈન્ટેનન્સની તારી પાસે સગવડ થઈ. તારે હવે એન્જિન ચાલુ રહેવાનું. પેટ્રોલ ને ઓઈલ માટે સગવડ બધી તૈયાર થઈ ગઈ. તારે હવે આ એન્જિન પાસે શું કામ કઢાવી લેવું છે ? આપણો કંઈક હેતુ તો હોવો જોઈએ ને ? આ નોકરી-ધંધા કરે છે, રૂપિયા કમાય છે, છતાં આ રૂપિયા તો આખો દહાડો ચિંતા જ કરાવડાવે અને ખરાબ વિચાર જ આવ આવ કરે. કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, બધું અણહક્કનું ભોગવ્યા કરે ને પછી નર્કમાં જવું પડે. ત્યાં ભયંકર દુઃખો ભોગવ

વાં પડે. આ સુખો એ તો ઉછીના લીધેલાં સુખ કહેવાય અને ઉછીના સુખ લે, તે કેટલા દહાડા ચાલે ? નર્કગતિમાં વ્યાજ સાથે વાળવું પડે. એના કરતાં ઉછીનું સુખેય ના જોઈએ ને આપણે પેલું દુઃખેય ના જોઈએ. બીજું બધું ખાવ નિરાંતે. જલેબી ખાવ, ચા પીવો !

સમજો બ્રહ્મચર્યની કમાણી

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યના ફાયદા શું થાય ?

દાદાશ્રી : આ અબ્રહ્મચર્યના શું ફાયદા થયા તમને, એ કહો પહેલાં. બાબા-બેબલી થયાં. ઓછો ફાયદો કંઈ એ તો, નર્યો વ્યાપાર જ છે ને, નફો જ થયો ને ! હિન્દુસ્તાનમાં ઘણાં લોકો રડે છે. 'કેમ શું છે ભઈ ? તમારે શી અડચણ આવી ?' હું જૈન વાણિયો, મારી છોડી સુથારને ત્યાં ભાગીને જતી રહીને એને પૈણી. તે જો સ્વાદ આવ્યા ને ! કેવો મીઠો સ્વાદ આવ્યો ?! પછી ઘરના બધાને મનમાં એમ થાય કે આથી આ છોડી ના હોત તો સારું !

પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય શું ફાયદા માટે પાળવું જોઈએ ?

દાદાશ્રી : આપણે અહીં આગળ કંઈ વાગ્યું ને લોહી નીકળ્યું હોય, તો પછી બંધ કેમ કરીએ છીએ ? શું ફાયદો ?

પ્રશ્નકર્તા : બહુ લોહી જતું ના રહે.

દાદાશ્રી : લોહી જતું રહે તો શું થાય ?

પ્રશ્નકર્તા : શરીરમાં બહુ વિકનેસ આવી જાય.

દાદાશ્રી : તો આ બહુ અબ્રહ્મચર્યથી જ વિકનેસ આવી જાય. આ બધા રોગ જ અબ્રહ્મચર્યના છે. કારણ કે બધા ખોરાક જે ખાવ છો, પીવો છો, શ્વાસ લો છો, એ બધાનું પરિણામ થતું, થતું, થતું એનું... જેમ આ દૂધનું દહીં કરીએ, એ દહીં એ છેલ્લું પરિણામ નથી. દહીંનું વળી પાછું એ થતાં થતાં પાછું માખણ થાય, માખણનું ઘી થાય, ઘી એ છેલ્લું પરિણામ છે. એવું આમાં બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે આખો !

આ લોહી નીકળી જાય તો વાંધો નહીં, પણ પુદ્ગલસાર નીકળી જાય તો મુશ્કેલી, બહુ નુકસાનકારક. અત્યાર સુધી પૂરણ કર્યું, એનો સાર શું ? ત્યારે કહે, એ સાચવો નહીં તો માણસપણું જતું રહેશે. સારમાં સાર છે એ. તત્ત્વનો તત્ત્વાર્ક છે, અર્ક ઓછો વપરાય તો સારું કે વધારે વપરાય તો ?

પ્રશ્નકર્તા : ઓછો વપરાય તો સારું.

કરકસર કરો વીર્ય ને લક્ષ્મીની

એટલે આ જગતમાં બે વસ્તુ ન વેડફવી જોઈએ. એક લક્ષ્મી અને બીજું વીર્ય. જગતની લક્ષ્મી ગટરોમાં જ જાય છે. એટલે લક્ષ્મી પોતાને માટે ના વપરાવી જોઈએ, વગરકામનો દુરુપયોગ ના થવો જોઈએ અને બ્રહ્મચર્ય બને ત્યાં સુધી પાળવું જોઈએ. જે ખોરાક ખાઈએ છીએ, તેનો અર્ક થઈને છેલ્લે એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. આ શરીરમાં અમુક નસો હોય છે, તે વીર્ય સાચવે છે અને તે વીર્ય આ શરીરને સાચવે છે. એટલે બને ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચવવું જોઈએ.

બ્રહ્મચર્યનો રિવાજ તો એકલા મનુષ્યની જ નાતમાં છે ને ! પરાણે ઉપદેશ આપીને બ્રહ્મચારી બનાવે છે. છતાં એ ફળ આપે એટલે આ ચાલવા દીધેલું. ખરેખર તો બ્રહ્મચર્ય એ સમજીને પાળવા જેવું છે. બ્રહ્મચર્યનું ફળ જો મોક્ષ ના મળતું હોય એ બ્રહ્મચર્ય બધું ખસી કર્યા જેવું જ છે. છતાં એનાથી શરીર સારું થાય, મજબૂત થાય, દેખાવડા થાય, વધારે જીવે ! બળદ પણ હ્રષ્ટપુષ્ટ થઈને રહે છે ને ?! બળદને પણ શક્તિ બહુ રહે છે, તેથી તો એ ખેતર ખેડવાના કામમાં આવે છે ને ?! આપણે કોઈને વગોવતા નથી, પણ વાતને સારભૂત સમજી લેવાની છે ! ફોરેનના દેશની હજારની નોટ હોય તો અહીં ઇન્ડ્યિામાં એની એક્સચેન્જ કિંમત દોઢસો રૂપિયા જ થતી હોય. એટલે હજારની સામે કંઈ હજાર રૂપિયા ગણીને ન જ અપાય. એટલે એવું આપણે તપાસ કરીએ કે આ વસ્તુની એક્સચેન્જની કિંમત શું છે ? આ બ્રહ્મચર્ય કેવું ? અને ખરું બ્રહ્મચર્ય કેવું હોય ?! જે બ્રહ્મચર્યથી મોક્ષ થાય, એ બ્રહ્મચર્ય કામનું !

અક્રમ વિજ્ઞાન પમાડે મોક્ષ

છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાનેય મોક્ષે લઈ જશે. પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો'ક મગજની ખુમારીવાળો હોય, તે કહેશે, 'સાહેબ હું બીજી પૈણવા માગું છું.' તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ? ભરત રાજાને તેરસો રાણીઓ હતી, તોય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે. આટલા બધા માણસો છે, તેમને કહ્યું હોત કે સ્ત્રીઓ છોડી દો. તો એ બધા સ્ત્રીઓ ક્યારે છોડત ? અને ક્યારે એમનો પાર આવત ? એટલે કહ્યું, સ્ત્રીઓ છો રહી અને બીજી પૈણવી હોય તો મને પૂછીને પૈણજે, નહીં તો પૂછયા વગર ના પૈણશો. જો છૂટ આપી છે ને બધી ?

કર્મને આધીન સ્ત્રી-પુરુષ થયાં. એક ઝાડ ઉપર પંખીઓ બધાં નક્કી કરીને બેસે છે ? ના ! તેવી રીતે આ બધાં એક કુટુંબમાં જન્મે. કોઈ નક્કી કર્યા વગર જ કર્મનાં ઉદયે જ બધાં ઘરનાં લોક ભેગાં થાય ને પાછાં વિખરાઈ પણ જાય. આપણા લોકોએ એને એડજસ્ટમેન્ટ લઈને, વ્યવસ્થિત કરેલું. એટલે કે આ છોકરો છે, એટલે આની પર પુત્રભાવ આવતા હોય. બીજું, બહેન ના ભાવ આવતા હોય, સ્ત્રીના ભાવ આવતા હોય. અત્યારે આપણામાં એ ભાવ વિકૃત થયેલા છે. બાકી પહેલા બહેનનો ભાવ આવે તો બીજો ભાવ જ ઉત્પન્ન ના થાય. બહેન કહે એટલે બહેન જ. મા એટલે મા. બીજો વિચાર ના આવે. પણ અત્યારે તો બધે બગડી જ ગયું છે.

આટલું આવશ્યક, બ્રહ્મચર્યના કેન્ડીડેટને

આ તો 'જેમ છે તેમ' નહીં દેખાવાથી મૂર્છા થાય છે. જ્યાં સુધી સ્ત્રીને 'જેમ છે તેમ' આરપાર ના જોઈ શકે, ત્યાં સુધી વિઝન ખુલ્લું ના થાય. જ્યારે મન વિષયમાં ખુલ્લું થશે ત્યારે વિઝન ખુલશે અથવા તો વરસ દહાડો બ્રહ્મચર્ય પાળે ને વિષયનો વિચાર પણ ના આવે, તો વિઝન ખુલ્લું થાય. ફર્સ્ટ વિઝને નેકેડ દેખાય, સેકન્ડ વિઝને ચામડી ઊતરેલી દેખાય ને છેલ્લે આરપાર દેખાય ત્યારે વિઝન ખીલે.

બીજે દ્ષ્ટિ બગડે તો તો એ બહુ અધોગતિની નિશાની કહેવાય. લગ્ન થયેલું છે કે નથી થયેલું ?

પ્રશ્નકર્તા : નથી થયું.

દાદાશ્રી : તો લગ્ન કરી નાખો ને ?

પ્રશ્નકર્તા : લગ્ન કરવાની ઇચ્છા જ નથી થતી મને.

દાદાશ્રી : એમ ? તો લગ્ન કર્યા વગર ચાલશે ?

પ્રશ્નકર્તા : હા, મારે તો બ્રહ્મચર્યની જ ભાવના છે. એને માટે કશી શક્તિ આપો, સમજણ પાડો.

દાદાશ્રી : એના માટે ભાવના કરવી પડે. તારે રોજ બોલવું કે, 'હે દાદા ભગવાન ! મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો !' અને પેલો વિષયનો વિચાર ઉત્પન્ન થતાં જ કાઢી નાખવો. નહીં તો એનું બીજ પડે. એ બીજ બે દહાડા થાય તો તો મારી જ નાખે પછી. ફરી ઊગે, એટલે વિચાર ઊગતાં જ ઉખાડીને ફેંકી દેવો અને કોઈ સ્ત્રી પ્રત્યે દ્ષ્ટિ ના માંડવી. દ્ષ્ટિ ખેંચાય તો ખસેડી લેવી ને દાદાને યાદ કરી માફી માંગવી. આ વિષય આરાધવા જેવો જ નથી એવો ભાવ નિરંતર રહે એટલે પછી ખેતર ચોખ્ખું થઈ જાય. અને અત્યારેય અમારી નિશ્રામાં રહે તો એનું બધું પૂરું થઈ જાય.

પ્રશ્નકર્તા : હા, બરાબર.

દાદાશ્રી : એના ભવેય બધા ઓગળી જાય, કેટલાંય ભવના ઊભાં થયેલાં લફરાંય ઓગળી જાય.

હરૈયા વિચાર એ તો પાશવતા કહેવાય. જુએ ત્યાં વિચાર આવે, એ હરૈયા ઢોર જેવું કહેવાય. એના કરતાં આપણે એક ખીલે બાંધી દેવું સારું. સ્ત્રી એ પુરુષનું સંડાસ છે અને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે. તે સંડાસ જાઓ છો ત્યારે જાજરૂમાં બેસી રહેવાનું મન થાય છે ? તેવું આય સંડાસ જ છે. તેમાં શું મોહ રાખવાનો હોય ?! વિષય વિષયને ભોગવે છે, એ તો પરમાણુનો હિસાબ છે.

જેને બ્રહ્મચર્ય જ પાળવું છે, એણે તો સંયમને બહુ રીતે ચકાસી જોવો, તાવી જોવો, ને જો લપસી પડાય તેવું લાગે તો પૈણવું સારું. છતાં પણ તે કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ. પૈણનારીને કહી દેવું પડે કે મારે આવું કંટ્રોલપૂર્વકનું છે.

જ્ઞાન કોને વધુ રહે, બેમાંથી ?

પ્રશ્નકર્તા : પૈણેલાં હોય, એ લોકોને જ્ઞાન મોડું આવે ને ? અને બ્રહ્મચર્ય પાળે છે, એ લોકોને જ્ઞાન વહેલું આવે ને ?

દાદાશ્રી : ના. એવું કશું નથી. પૈણેલાં હોય અને જો બ્રહ્મચર્યવ્રત લે તો આત્માનું કેવું સુખ છે, એ એને પૂરેપૂરું સમજાય. નહીં તો ત્યાં સુધી સુખ વિષયમાંથી આવે છે કે આત્મામાંથી આવે છે એ સમજાતું નથી અને બ્રહ્મચર્યવ્રત હોય તો, એને આત્માનું સુખ મહીં પાર વગરનું વર્તે. મન સારું રહે, શરીર બધું સારું રહે !!

પ્રશ્નકર્તા : અને બ્રહ્મચર્યવ્રત પરણ્યા પહેલાં જેણે લીધું હોય, એને કઈ રીતનો અનુભવ થાય ?

દાદાશ્રી : આને પૂછી જો ને ! બહુ સુખ વર્તે અને તેથી જ બધો બહુ ફેરફાર થઈ ગયો.

પ્રશ્નકર્તા : તો બંનેને જ્ઞાનની અવસ્થા સરખી હોય કે એમાં ફેર હોય ? પૈણેલાની અને બ્રહ્મચર્યવાળાની ?

દાદાશ્રી : એવું છે ને, બ્રહ્મચર્યવ્રતવાળો કોઈ દહાડોય પડે નહીં. એને ગમે તેવી મુશ્કેલી આવે તોય પડે નહીં. પછી એને સેફસાઈડ કહેવાય.

શરીરનો રાજા કોણ ?

બ્રહ્મચર્ય તો શરીરનો રાજા છે. જેને બ્રહ્મચર્ય હોય તેનું મગજ તો કેવું સુંદર હોય. બ્રહ્મચર્ય એ તો આખો પુદ્ગલનો સાર છે.

પ્રશ્નકર્તા : આ સાર અસાર નથી થતો ને ?

દાદાશ્રી : ના, પણ એ સાર ઊડી જાય, 'યુઝલેસ' થઈ જાય ને !! એ સાર હોય, એની વાત તો જુદી ને ? મહાવીર ભગવાનને બેતાળીસ વર્ષ સુધી બ્રહ્મચર્યસાર હતો. આપણે જે ખોરાક લઈએ છીએ, એ બધાનો સારનો સાર એ વીર્ય છે, એ એક્સ્ટ્રેકટ છે. હવે એકસ્ટ્રેકટ જો બરોબર સચવાઈ રહે તો આત્મા જલદી પ્રાપ્ત થાય, સાંસારિક દુઃખો ના આવે, શારીરિક દુઃખો ના આવે, બીજાં કોઈ દુઃખો આવે નહીં.

પ્રશ્નકર્તા : પણ એ શારીરિક છે કે એને આત્માની સાથે પણ સંબંધ છે ?

દાદાશ્રી : ના, આત્માની સાથે કોઈ સંબંધ નથી, એ શારીરિક છે. પણ આ શરીર સારું હોય તો આત્મા છૂટે ને વહેલો ? આ શરીર નબળું હોય, એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થઈ જાય. એમાંથી બંધન થાય.

પ્રશ્નકર્તા : એટલે જો શારીરિક સંપત્તિ સારી હોય, તો ક્રોધ-માન- માયા-લોભ જરા ઓછાં ઉત્પન્ન થાય એમ ?

દાદાશ્રી : હા, પણ શારીરિક સંપત્તિ બે પ્રકારની. એક તો, પુણ્યૈને લઈને શારીરિક સંપત્તિ હોય અને બીજું, પેલું એકસ્ટ્રેકટને લઈને. અને એવી એકસ્ટ્રેક્ટને લઈને જો શારીરિક સંપત્તિ હોય તો, એની તો વાત જ જુદી ને ?!

પ્રશ્નકર્તા : એ એકસ્ટ્રેકટના હિસાબે શારીરિક સંપત્તિ સારી રહે?

દાદાશ્રી : હા, સરસ રહે. કશી અડચણ જ ના આવે. કોઈ જાતની ડિફેક્ટ જ ના આવે. ક્રોધ-માન-માયા-લોભેય ઉત્પન્ન ના થાય.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય એ આત્મસુખ માટે કેવી રીતે હેલ્પ કરે છે ?

દાદાશ્રી : બહુ હેલ્પ કરે. બ્રહ્મચર્ય ન હોય તો દેહબળ ઘટ્યું કે મનોબળ ખલાસ થઈ જાય બધું અને બુદ્ધિ બળેય ખલાસ થઈ જાય, અહંકાર હઉ ઢીલો થઈ જાય. મોટો ડી.એસ.પી. હોય, કોઈ ઘૈડો થયેલો હોય તો, ઢીલો થઈ જાય કે નહીં ? એટલે એ એનું તેજ કહેવાય છે, બ્રહ્મચર્ય !

પ્રશ્નકર્તા : એટલે આ મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, એ બધા બ્રહ્મચર્યથી વધારે સુદ્ઢ થાય છે ?

દાદાશ્રી : એમાંથી જ ઊભાં થયા છે. અબ્રહ્મચર્યથી એ બધાં મરી જાય છે.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય એ તો અનાત્મ ભાગમાં આવે ને !

દાદાશ્રી : હા, પણ એ પુદ્ગલસાર છે !

પ્રશ્નકર્તા : તો પુદ્ગલસાર છે, એ સમયસારને હેલ્પ કઈ રીતે કરે છે ?

દાદાશ્રી : એ પુદ્ગલસાર હોય તો જ સમયસાર થાય, આ, મેં છે તો આ જ્ઞાન આપ્યું, ને એ તો અક્રમ છે એટલે ચાલ્યું. બીજી જગ્યાએ તો ચાલે નહીં, પેલા ક્રમિકમાં તો પુદ્ગલસાર જોઈએ જ, નહીં તો યાદેય ના રહે કશુંય. વાણી બોલતાં ફાંફાં પડે.

પ્રશ્નકર્તા : એટલે આ બેને કંઈ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ ખરો ?

દાદાશ્રી : ખરો ને ! કેમ નહીં ? મુખ્ય વસ્તુ છે એ તો ! બ્રહ્મચર્ય હોય તો પછી તમારું ધાર્યું હોય એ કામ થાય. ધાર્યા વ્રત-નિયમ બધાં પાળી શકાય. આગળ જઈ શકાય ને પ્રગતિ થાય. પુદ્ગલસાર તો બહુ મોટી વસ્તુ છે. એક બાજુ પુદ્ગલસાર હોય તો જ સમયનો સાર કાઢે !

કોઈએ લોકોને આવી સાચી સમજ જ નથી પાડીને ! કારણ લોકો પોતે જ પોલ સ્વભાવના છે. પહેલાનાં ઋષિમુનિઓ ચોખ્ખા હતા. માટે તેઓ સમજ પાડતા હતા.

પ્રશ્નકર્તા : અમે એવી ઉંમરના વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ કે જે ઉંમરના હિસાબે એને કહેવું જોઈએ કે તું વીર્યબળ સચવાય એવું કર, તો એ નવ્વાણું ટકા છોકરાઓ નહીં માને.

દાદાશ્રી : અને હું આ છોકરાઓને કહું છું કે, 'અલ્યા, તમે પૈણો.' ત્યારે એ કહે છે કે, 'ના. અમારે બ્રહ્મચર્ય પાળવું છે.' અને તમે કહો છો કે, 'બ્રહ્મચર્ય પાળો.' ત્યારે એ કહે છે કે, 'ના. અમારે પૈણવું છે.' એટલે પહેલું ઉપદેશ આપનારે વીર્યબળ પાળવું જોઈએ. બોલનારો બળવાળો હોવો જોઈએ. તમારા બોલની કિંમત ક્યારે ? કે તમે બળવાન હો, તો સામો એક્સેપ્ટ કરે. નહીં તો સામો આગળ ચાલે જ નહીં ને ! અત્યારે આના જેવા કેટલાંય છોકરાઓ મારી પાસે છે. તેમને કાયમનું બ્રહ્મચર્ય પાળવું છે મન-વચન-કાયાથી.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21