ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૯]

'ફાઈલ' સામે કડકાઈ

વિકારી દ્ષ્ટિ સામે ઢાલ

પ્રશ્નકર્તા : એ જે મોહની જાળ નાખે તો એનાથી કેવી રીતે બચવું ?

દાદાશ્રી : આપણે દ્ષ્ટિ જ ના માંડીએ. આપણે જાણીએ કે આ જાળ ખેંચનારી છે, એટલે એની જોડે દ્ષ્ટિ જ માંડવી નહીં.

પ્રશ્નકર્તા : લેડીઝ જોડે આંખે આંખ ના મેળવવી ?

દાદાશ્રી : હા, આંખે આંખ ના મેળવવી અને જ્યાં આપણને લાગે કે આ તો અહીં ફસામણ જ છે, ત્યાં તો એને ભેગા જ ના થવું. આપણને તરત ઓળખાયને કે આ વસમી છે, એવું ?

પ્રશ્નકર્તા : વ્યવહારમાં આપણા જે ઓળખાણવાળા હોય, તે આવીને આપણી જોડે વાત કરે તો તેનો આપણે સમભાવે નિકાલ કરવો જોઈએ. પણ એમાં એની દ્ષ્ટિ ખરાબ હોય તો આપણે શું કરવું ?

દાદાશ્રી : તો આપણે નીચું જોઈને બધું કામ કરવું. આપણે એની આગળ નાની ઉંમરના હોઈએ, આમાં બીજું કશું સમજતો નથી એવું કરી નાખવું. એને એમ જ લાગે કે આ કશું સમજતો જ નથી એટલે પછી એ જતી રહે. તને કોઈ એવી ભેગી થાય, તો એ એવું જાણે કે આ બધું 'સમજી' ગયેલો છે ? તું એવું દેખાડવા ફરું કે ? એ બધું બબૂચકપણું કહેવાય.

વેપારીનો છોકરો વેપાર કરવા બેઠો હોય તો સો રૂપિયાની ચીજનો સો રૂપિયાને બદલે અઠ્ઠયાસી રૂપિયા ભાવ બોલી ગયો હોય, પછી પેલો ઘરાક કહે, માલ કાઢો જોઈએ. એટલે છોકરો પોતે સમજી જાય કે મારી બોલવામાં ભૂલ થઈ છે, એટલે તે શું કરે ? પેલાને કહે કે, 'આવો માલ છયાસીમાં મળશે અને બીજો છાસઠવાળોય છે અને એકસો પાંચ રૂપિયાવાળોય છે.' આવું બધું બોલીએ એટલે છેદ-બેદ થઈને બધું ઊડી જાય ને પેલો સમજી જાય કે આ વાત બધી જુદી છે. એવી રીતે આમાંય સામી વ્યક્તિને ખબર પડે કે આ પારંગત નથી. આપણે પારંગત છીએ કે નહીં એવું એ એકવાર જોઈ લે. પારંગત નથી એવી ખબર પડી કે રાગે પડી ગયું, પછી એ છોડી દે અને બબૂચક થયો કે એનું બધું ગયું, પેલી ફસાવી મારે. આપણું મન જો હેરાન થઈ જાય તો આપણે બુદ્ધિ વાપરવી કે 'તારામાં અક્કલ નથી.' એવું કહીએ એટલે એ એની મેળે જ ભાગી જાય. પણ ભાગી ગઈ એટલે ફરી દવા ચોપડવી પડશે. એ ભગાડવામાં ફાયદો નથી, પણ એ તો ના છૂટકે. આપણું મન હેરાન થઈ જાય ત્યારે એવું કરવું પડે. નહીં તો એવા જોડે દ્ષ્ટિ જ ના માંડીએ, તો બસ થઈ ગયું. સૌથી સારામાં સારું, દ્ષ્ટિ જ ના માંડીએ, નીચું જોઈ જવું, આઘાપાછા થઈ જવું, એ બધો સરળ માર્ગ.

ખેંચાણમાં તણાવું નહીં, આંખ ખેંચાય ત્યાંથી છેટા રહેવું. બીજે જ્યાં સીધી આંખો હોય ત્યાં બધે વ્યવહાર કરવો, પણ આંખ ખેંચાય ત્યાં જોખમ છે, લાલ વાવટો છે. કોઈની જોડે દ્ષ્ટિ મિલાવીને વાત કરવી નહીં, નીચી દ્ષ્ટિ રાખીને જ વાત કરવી. દ્ષ્ટિથી જ બગડે છે. એ દ્ષ્ટિમાં વિષ હોય છે અને વિષ પછી ચઢે છે. એટલે દ્ષ્ટિ મંડાઈ હોયને, નજર ખેંચાઈ હોય તો તરત પ્રતિક્રમણ કરી લેવું, અહીં તો ચેતતા જ રહેવું જોઈએ. જેને આ જીવન બગડવા ના દેવું હોય એણે બિવેર રહેવું. જાણી-જોઈને કોઈ કૂવામાં પડે ખરું ?!

વિકારી ચંચળતા...

આપણે અહીં ચા પીતો હોય, ખાતો હોય, બધું કરતો હોય તોય બહાર ધર્મધ્યાન રહે અને અંદર શુક્લધ્યાન રહે. કોઈકને જ નિકાચિત કર્મવાળો હોય તેનું જ મન વિકારી થાય, ત્યારે એ લપસ્યો કહેવાય. નિકાચિત કર્મવાળો કો'ક હોય આમાં. તેને વિકારી વિચાર આવે. એ ચંચળતાવાળો હોય. ચંચળ થઈ ગયેલો હોય. ચંચળ તમને ઓળખાય કે ના ઓળખાય ? આમ જોતો હોય, તેમ જોતો હોય. એને કહીએ કે 'ભઈ, કેમ આમ થઈ ગયો બા.' ત્યારે કહે કે વિકારી વિચાર આવ્યો એટલે ચંચળ થઈ ગયો. અને એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાન બેઉ જાય. બાકી આપણા મહાત્માઓને ધર્મધ્યાન અને શુક્લધ્યાન બેઉ રહે. પછી ભલેને ખાય-પીવે, ઓઢીને સૂઈ જાય, લાંબો થઈને સૂઈ જાય.

આવા નિકાચિત કર્મવાળાએ અમને પૂછવું કે અમારે શું કરવું ? હવે શી દવા ચોપડવી ? બહુ ઊંડા ઘા પડી જાય. એવા કર્મવાળા હોય તો અમને પૂછવામાં વાંધો નહીં. એ ખાનગીમાં પૂછે એટલે અમે કહી દઈએ, ને દવા બતાવી દઈએ કે આમ દવા ચોપડજે, એટલે ઘા રુઝાઈ જાય.

ફાઈલ થઈ ગઈ ત્યાં...

પ્રશ્નકર્તા : એક જ સ્ત્રી સંબંધી વારંવાર વિચાર આવતા હોય તો એનાં સંબંધી રાગ છે એવું સમજવું.

દાદાશ્રી : એ બાંધેલી ફાઈલ છે. હવે વિચાર આવે ને પછી ઊડી જાય. પછી કશું ના હોય તો એ ફાઈલ હજુ બાંધી નથી, હજુ નવી ફાઈલ લાવ્યા નથી. પેલી તો બાંધેલી ફાઈલ, કેટલાંય કેસ મહીં છે.

પ્રશ્નકર્તા : કોઈવાર પહેલાં મળ્યા ના હોય, ઓળખાણ ના હોય, ખાલી અડધો કલાકની મુલાકાત થઈ એવા.

દાદાશ્રી : એનું નામ જ ફાઈલ. ફાઈલ એટલે આપણા મગજમાં પેસી જાય એ ફાઈલ કહેવાય બધી.

પ્રશ્નકર્તા : આ તે ભૂતની જેમ પેસી ગયું.

દાદાશ્રી : હા, ભૂતની પેઠ પેસી જાય.

પ્રશ્નકર્તા : એનાં ઉપાય તરીકે પ્રતિક્રમણ તો ચાલે જ છે.

દાદાશ્રી : બસ એ જ. બીજો ઉપાય નહીં અને ત્યાં આગળ બહુ જ સાવચેત રહેવું પડે, બહુ જાગૃતિ રાખવી પડે. તારે એવું કશું તો નથી ને !

પ્રશ્નકર્તા : ત્રણ-ચાર દિવસથી એનાં એ જ વિચારો આવ્યા કરે છે ભૂતની જેમ, આવું પહેલાં કોઈ દિવસ બન્યું નથી.

દાદાશ્રી : તે સારું ઉલ્ટું, ત્રણ-ચાર દિવસથી, પણ અમારી હાજરીમાં આવે છે ને ? આ અહીં અમારી પાસે છું તે વખતે આવે છે ને, બહુ સારું નિવેડો આવી જાય. નીકળી જાય. સત્સંગ હોય નહીં, એકલો હઉ ને એ બધું આવે, તો પછી એ બીજો માળો રચે.

પ્રશ્નકર્તા : બુદ્ધિ પાછો આવો માળો પણ રચે છે. પણ હું ઊડાડી દઉં છું.

દાદાશ્રી : બીજો માળો રચે.

પ્રશ્નકર્તા : લગ્ન સુધીનો.

દાદાશ્રી : હા. બધું રચે, એટલે ચેતતા રહેવાનું છે. હવે બિવેર બોર્ડ મારવા, ચોર ગજવામાંથી લૂંટી જશે તેનો વાંધો નથી. એ તો ફરી આવશે પણ આ લૂંટાયો ! એક દહાડાનું શું ફળ મળે, ખરેખર લૂંટાય ત્યારે. એક દહાડામાં આ લૂંટાય તો શું ફળ મળે ?

પ્રશ્નકર્તા : પાશવતા કહેવાય, અધોગતિ.

દાદાશ્રી : હં. બિવેર લખી રાખવું, જ્યાં ને ત્યાં. બીજું કંઈ આખી દુનિયા જોડે સાચવવાનું નથી. જ્યાં ખેંચાણ થતું હોય એટલું જ સાચવવાનું છે ! ખેંચાણ કરનારું કોણ ? બહુ ત્યારે પાંચ, દસ કે પંદર હોય. બહુ હોય નહીં... એટલું જ સાચવવાનું. બીજાને તો ખોળામાં બેસીએ તોય ના ખેંચાય. એવું સેફસાઈડવાળું જગત છે આ. તમારું પાંચ, દસ કે પંદર હોય, બહુ છેલછબીલો હોય તેને પચાસ હોય.

સામે 'ફાઈલ' આવે ત્યારે...

પ્રશ્નકર્તા : અમુક ટાઈમે એ સમજ રહેતી નથી.

દાદાશ્રી : આપણો ફોર્સ તૂટી જાય, તો એ સમજ ઉડી જાય. તે આપણો નિશ્ચય તૂટી જાય એટલે સમજ ઉડી જાય. આપણા નિશ્ચયને લઈને જ રહે. નહીં તો પુદ્ગલ એવું નથી બિચારું. પુદ્ગલને સારું-ખરાબ નથી લાગતું. એ તો 'બહુ સારી વસ્તુ, સારી વસ્તુ, સારી વસ્તુ છે,' એમ કર્યું એટલે પછી એ ધક્કો મારે. 'ખરાબ છે, ખરાબ છે' એમ કરીએ તો પછી પેલું તૂટી જાય. જ્યાં મન ખેંચાતું હોય, તે ફાઈલ આવે તે ઘડીએ મન ચંચળ જ રહ્યાં કરે.

તે ઘડીએ મન ચંચળ થાય ને અમને મહીં બહુ દુઃખ થાય. આનું મન ચંચળ થયું હતું. એટલે મારી આંખ કડક થઈ જાય.

ફાઈલ આવે તે ઘડીએ મહીં કૂદાકૂદ કરી મેલે. ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, નીચે જાય. એના વિચાર આવતાંની સાથે, એ તો મહીં નર્યો ગંદવાડો ભરેલો છે, કચરો માલ છે. મહીં આત્માની જ કિંમત છે !

ફાઈલ ગેરહાજર હોય ને યાદ રહે તો બહુ જોખમ કહેવાય. ફાઈલ ગેરહાજર હોય તો યાદ ના રહે પણ એ આવે કે તરત અસર કરે એ સેકંડરી જોખમ. આપણે એની અસર થવા જ ના દઈએ. સ્વતંત્ર થવાની જરૂર. આપણી તે ઘડીએ લગામ જ તૂટી જાય. પછી લગામ રહે નહીં ને !

લાકડાની પૂતળી, સારી

એક ભૂલ ના થવી જોઈએ. ફાઈલ હોય ને સંડાસ જવા બેઠી હોયને કહેશે કે ધોઈ આપ. તો શું કહેશે ? ધોઈ આપે બધા ?

પ્રશ્નકર્તા : જોવાનું જ ના ગમે, તો ધોવાનું શું ગમે ?!

દાદાશ્રી : તું તો ધોઈ આપું હઉં ? ચાટે હઉં ? મને લાગે છે ! એ સંડાસ જતી દેખાય પછી તને ધોવાનું કહે, નહીં તો 'નહીં બોલું' કહે તો ?

પ્રશ્નકર્તા : ચાલશે, નહીં બોલું તો.

દાદાશ્રી : તે ઘડીએ છોડી દઉં, તો આજે છોડી દે ને ?

તેથી કૃપાળુદેવ એમ લખે છે, 'લાકડાની પૂતળી તો સારી હોય. એમાં સંડાસ મહીંથી નીકળવાનું નહીં. નહીં ગંધ આ તો ! એ મોઢું જુએ તોય ગંધાતા હોય. ભ્રાંતિ ચઢી જાય ને એટલે કેફ ચઢી જાય તો ભાન ના રહે. એટલે ચીતરી ના ચઢે પછી.

પ્રશ્નકર્તા : બધાંને એનો અનુભવ છે જ !

દાદાશ્રી : તે ઘડીએ સંડાસ કરવા બેઠી હોય ત્યારે જુએ તો ચંચળ રહે કે ના રહે ?

પ્રશ્નકર્તા : ના રહે. પ્રેમ તૂટી જાય.

દાદાશ્રી : પ્રેમ છે જ કયાં આ ! ખાલી સાયકોલોજીકલ ઈફેક્ટ છે ! તે ઘડીએ આપણે વીંટ વીંટ કરવું પડે. આ છતું વીંટ્યું હતું, તે ઊંધું વીંટ વીંટ કરીએ તો નીકળી જાય, ખલાસ થઈ જાય. 'મારું, મારું' કરીને ચોંટ્યો. હવે 'ન્હોય મારું, ન્હોય મારું' કરે તો જતું રહે.

અગ્નિ ને 'ફાઈલ' સરખાં

જ્યાં ખેંચાણ થતું હોય ત્યાં જાગ્રત રહો. ખેંચાણ ના થતું હોય તો વાંધો નહીં. વારે ઘડીએ ખેંચાણ થતું હોય તો જાણવું કે આ હજુ ફાઈલ છે.

પ્રશ્નકર્તા : અમુક ફાઈલ હોય તો ખેંચાણ થાય.

દાદાશ્રી : ચેતીને ચાલજો. આપણું જ્ઞાન છે તો બ્રહ્મચર્યવ્રત રહી શકે એમ છે. કારણ કે શુદ્ધાત્મા જુદો પાડેલો છે. એટલે રહી શકે. નહીં તો કોઈ જગ્યાએ રહી ના શકે. દાદાએ આપેલો 'હું શુદ્ધાત્મા છું' એમ કહેતાંની સાથે એ કમ્પ્લીટ જુદો થઈ જાય. એ શંકા વગરનો છે. બીજે બધે શંકાવાળું.

પ્રશ્નકર્તા : 'પોતે' જુદો રહે છે એટલે જ અમુક ફાઈલ આવી અને ચંચળતા થઈ, એ બધું ખબર પડે.

દાદાશ્રી : હા, ખબર પડે જ ને ! પેલો જુદો ના થયો હોય તો ખબર ના પડે એટલે તન્મયાકાર જ રહે. ખબર પડે, હાલી ઊઠ્યું સમજાય. હવે બધું કેમ કરવું તેય પણ જાણે, બધા સંજોગો આવડે.

તારે રાગે રહે છે કે એવું જ બધું ? હજુ ચંચળ થઈ જઉં છું ને ?

પ્રશ્નકર્તા : મારે એવું કંઈ બન્યું જ નથી.

દાદાશ્રી : એ બન્યું છે. હું તો ચંચળતાને જોઉંને ! તને ખબર ના પડે. દેહ ચંચળ થયો હોય, તે તને ખબર ના પડે. હું ઓળખી જઉં ને, ચંચળતાને !

પ્રશ્નકર્તા : મન બગડે એટલે તો પોતાને ખબર પડે ને ?

દાદાશ્રી : મન બગડે, વિચારો બગડે તો તને ખબર પડે. પણ દેહ ચંચળ થયો હોય તે આમ ખબર ના પડે. દેહ ચંચળ થઈ જાય છે. એ તો સામું જોવાની શક્તિ હોવી જોઈએ. સંડાસમાં એનો દેખાવ જોઈ લેવો જોઈએ. એ કડક જ રહેવું જોઈએ. આ તો સુંવાળું લાગે. એકદમ કડક અગ્નિ જાણીને છેટું રહેવું પડે.

પ્રશ્નકર્તા : અમુક વાર દાદા ઊંધી સાઈડનો કોન્ફિડન્સ વધારે થઈ જાય છે.

દાદાશ્રી : એમાં દાનતચોર હોય છે. કડક ના થાય તો જાણવું કે અહીં કાચું છે હજુ. જેનાથી પોતાને નુકસાન થાય. એનાથી જો છેટો ના રહે ને, તો મૂર્ખો જ કહેવાય ને ?! અને આ તો અધોગતિ કહેવાય. આ ભૂલને ના ચલાવી લેવાય. વિષય-વિકાર ને મરણ બેઉ સરખું જ છે.

કાપો કડકાઈથી 'એને'

જેને ફાઈલ થયેલી જ હોય, એને માટે બહુ જોખમ રહ્યું. એના માટે કડક રહેવું. સામે આવે તો આંખ કાઢવી જોઈએ. તો એ ફાઈલ ડરતી રહે. ઉલટું ફાઈલ થયા પછી તો લોક ચંપલ મારે, તો ફરી એ મોઢું દેખાડતો જ ભૂલી જાય. કેટલાંક લોકો બહુ ચોક્કસ રહેવાના. જેને ચોક્કસ થવું હોય તેને. નહીં તો મોળું પડી જાય.

આંખ કડક કરીએને તો ફાઈલ ના થાય. એને ખરાબ લાગે એવું વર્તન કરીએ તો ફાઈલ થાય નહીં. મીઠું વર્તન કરીએ તો ચોંટે અને ખરાબ વર્તન કર્યું, એ ગુનો બીજે દિવસે માફ થઈ શકે એમ છે. એ આપણને ચોંટે નહીં એવું આપણે બોલવું જોઈએ. એ ગુનો માફ થવાનો રસ્તો હોય છે. પણ આ ચોંટે, તેનો ગુનો માફ થવાનો રસ્તો નથી. એનાથી જ આ સંસાર બધો ઊભો રહ્યો છે બધો.

પ્રશ્નકર્તા : ફાઈલ હોય, એના ઉપર આપણને તિરસ્કાર ઊભો ના થતો હોય તો જાણી-જોઈને તિરસ્કાર ઊભો કરવો ?

દાદાશ્રી : હા. તિરસ્કાર કેમ ઊભો ના થાય ? જે આપણું આટલું બધું અહિત કરે છે, તેના પર તિરસ્કાર ના થાય ? માટે હજુ પોલ છે ! દાનત ચોર છે ! આપણું અહિત કરે, આપણું ઘર બાળી મેલ્યું હોય તોય છે, તે આપણને એના પર તિરસ્કાર ના હોય ? આ તો મહીં દાનત ચોર છે એવું અમે સમજી જઈએ.

પ્રશ્નકર્તા : તિરસ્કાર મહીં ઊભો થાય છે પણ બુદ્ધિ પછી ફેરવી કાઢે છે.

દાદાશ્રી : ફેરવી કાઢે, એનું કારણ શું કે દાનત ચોર છે.

પ્રશ્નકર્તા : બહુ પરિચય થયો હોય તો એનો અપરિચય કેવી રીતે કરવો ? તિરસ્કાર કરીને ?

દાદાશ્રી : 'ન્હોય મારું, ન્હોય મારું' કરીને, ઘણાં પ્રતિક્રમણ કરવાં. 'ન્હોય મારું, ન્હોય મારું' કરીને પછી કાઢી નાખો બધું, પછી રૂબરૂમાં મળી જાય તે ઘડીએ આપી દેવું જોઈએ. 'શું મોઢું લઈને ફર્યા કરે છે, જાનવર જેવી, યુઝલેસ !' પછી એ ફરી મોઢું ના દેખાડે.

ત્યાં છે દાનતચોર

પ્રશ્નકર્તા : જબરજસ્ત અહંકાર કરીને પણ આ વિષયને ઉડાડી મેલવાનો છે.

દાદાશ્રી : હા. પછી આ અહંકારની દવા કરી લેવાય. પણ પેલો રોગ કે જ્યાં બળવો થવાનો ત્યાં દાબી દેવો પડે. આ તો દાનત ચોર એટલે મીઠાં રહે છે. હું સમજી જાઉં.

પ્રશ્નકર્તા : જ્યાં દાનત ચોર છે, તો એને સુધારવા માટે શું ? એનો ઉપાય શું ? નિશ્ચય સ્ટ્રોંગ કરવો એ જ ને ?

દાદાશ્રી : આપણું નુકસાન કરે તો એની ઉપર દ્વેષ જ રહે, ખરાબ દ્ષ્ટિ જ રહે. આપણને ભેગું થતાં જ એે ભડકે. કડક થઈ ગયો છે. ખબર પડી જાય. એવું કડક થયું કે પછી અડે નહીં. પછી બીજું ખોળે એ.

પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી ખબર પડે કે આની જોડે આટલો કડક છું ને આટલો નરમ છું.

દાદાશ્રી : હા. પણ નરમ રહેવું એ પોલ છે. હું તો જાણુંને બધું કે આ પોલ છે.

પ્રશ્નકર્તા : જ્યાં નરમ રહેવાય ત્યાં કોઈ દિવસ ગુસ્સાવાળી વાણી નીકળી જ નથી. બીજે તો ભયંકર ગુસ્સો થાય છે. આપની વાત બિલકુલ સાચી છે.

દાદાશ્રી : દાનત ચોર છે. અમે તરત જ સમજી જઈએ ને ! બહાર તો નરમ ઘેંસ !

પ્રશ્નકર્તા : આપ કહો છો, તે હજુ અમને ખબર નથી પડતી.

દાદાશ્રી : તે પણ અમે જાણીએ ને ! અમે જમે કરીએ નહીં ! ગમ્મે એવું પ્રોમિસ તમે આપો તોય જમે કરીએ નહીં. અમે જમે ક્યારે કરીએ ? એવું વર્તન જોઈએ ત્યારે.

પ્રશ્નકર્તા : આ એક બહુ મોટો રોગ થઈ ગયો છે. પોતા ઉપર વધારે પડતો વિશ્વાસ થઈ ગયો છે ખોટો.

દાદાશ્રી : ભાન જ નહીં ને કોઈ પણ જાતનું. પોતા ઉપર અને પારકા ઉપર ભાન જ નહીં.

પ્રશ્નકર્તા : આપણે ફાઈલનો તિરસ્કાર કરીએ તો અંદરથી એવું બતાડે કે એ આપણને ઊંધું સમજશે.

દાદાશ્રી : ઊંધું સમજવું જ જોઈએ. એને આપણે ગાંડા છીએ એવું લાગવું જોઈએ. આપણે જે તે રસ્તે તોડી નાખવાનું ને પછી એની દવા થાય. આ વેર બંધાયું હોય તેની દવા થાય.

પ્રશ્નકર્તા : જ્યાં સુધી એક જગ્યાએ પણ ઝલાયેલું હોય ત્યાં સુધી બીજી શક્તિ પછી પ્રગટ થતી નથી.

દાદાશ્રી : આ તે ગળ્યું પોઈઝન છે, પોઈઝન ને પાછું મીઠું !

અને 'ફાઈલ' આવે, તે ઘડીએ તો કડક જ થઈ જવું. તો 'ફાઈલ' ધ્રુજે ! 'યુઝલેસ ફેલો' એમ હઉં કહી દો ખાનગીમાં, એટલે એ વેર રાખે, ચિઢાય તોય વાંધો નહીં. ચિઢાય એટલે રાગ ઊડી જાય, આસક્તિ ઊડી જાય બધી. અને એ સમજી યે જાય કે હવે ફરી આ આપણા લાગમાં ના આવે. નહીં તો પછી એ લાગ ખોળ્યા કરે. આ હવે સાચવજો બધું.

ફાઈલ તો આપણી નજીક આવે ને ત્યાંથી જ મનમાં કડવું ઝેર થઈ જવું જોઈએ, આ ક્યાં અત્યારે ?! આ તો દાનતચોર છે ! આટલું જ ચેતવા જેવું છે. બીજું બધું ખાજો-પીજો ને, હું ક્યાં ના કહું છું ?

કડક, આમ થવાય

પ્રશ્નકર્તા : સામી ફાઈલ એ આપણા માટે ફાઈલ નથી, પણ એના માટે આપણે ફાઈલ છીએ એવું આપણને ખબર પડે તો આપણે શું કરવું ?

દાદાશ્રી : તો તો વહેલું વધારે ઉડાડી દેવું. વધારે કડક થવું. એ ચીતરવાનું જ બંધ કરી દેને. ના હોય તો ગાંડું હઉં બોલવું. એને કહેવું કે 'ચાર ધોલો મારી દઈશ, જો તું મારી સામે આવીશ તો ! મારા જેવો ચક્રમ નહીં મળે કોઈ.' એવું કહીએ એટલે પછી ફરી પેસે નહીં. એ તો આવી જ રીતે ખસે.

પ્રશ્નકર્તા : આવું ક્રેક બોલવાનું મને સારું ફાવે.

દાદાશ્રી : હા. તને આવું કડક બોલતાં સારું ફાવે ને આ બધાંને શિખવાડવું પડે. તને સહજ આવડે.

ઢીલું પડે એ બધા રોગ જ છે. આ તો તમને ભાન જ નથી કે અવળું બોલીને છૂટી જવાય. અપમાન દરેકને ગમતું નથી. ફાઈલ હોય તેનેય ગમતું નથી. એય નફ્ફટ નથી હોતી કે અપમાન કરીએ તો પછી આ ફાઈલ ઊભી રહે ?! પછી ચીતરવાનું જ બંધ કરી દે ને. અને જ્યાં સુધી આ મોળું હશે ને ત્યાં સુધી ચીતર ચીતર કરશે. એ ચીતરે એટલે આપણું મન ઢીલું થાય. ઈફેક્ટ છે બધી. તારે એના ઉપર દ્ષ્ટિ ના હોય પણ એ ચીતરે એટલે તારે મહીં ઈફેક્ટ બહુ થાય, એટલે પડે. તેથી ચીતરતો જ બંધ થઈ જાય એવું કરવું અને ઊલટું જ્યારે હોય ત્યારે ગાળો ભાંડે. એટલે આપણી માટે કહેશે, 'ચાલો જવા દો ને એની વાત, એ તો બહુ ખરાબ છે.' એટલે ઊંધું ચીતરે તો આપણને છોડી દે !

પ્રશ્નકર્તા : એટલે આપણને કોઈના પ્રત્યે એવો ખરાબ વિચાર આવે એટલે એને પણ આવે જ, એમ ?

દાદાશ્રી : બહુ દહાડાને માટે વિચાર આવ આવ કરે એટલે એની અસર પેલા પર થયા વગર રહે નહીં. એવું આ જગત છે ! માટે એવું કડક બોલીને કાપી નાખો કે આપણું ફરી નામ જ ચીતરતો બંધ થઈ જાય. બીજા ઘણાંય છોકરાઓ છે, ત્યાં ચીતર ને ! અહીં ક્યાં આવે ? એને એમેય કહેવાય કે મારા જેવો ક્રેક હેડેડ બીજો કોઈ નહીં મળે. એટલે એય કહેતી થાય કે ક્રેક હેડેડ છે. જે તે રસ્તે છૂટવું છે ને આપણે ! બીજે બધે ડાહ્યા થજો ને !

તોડાય લફરું કળાએ કરીને

અબ્રહ્મચર્યથી તો આ બધું આવું ગોટાળો છે જ.

પ્રશ્નકર્તા : પછી પોતાની દ્ષ્ટિથી બહાર જ જતા રહેવાય છે.

દાદાશ્રી : વિમુખ જ થઈ જાય છે ! ટચ જ ના હોવો જોઈએ ને ! એક બઈ એને છોડતી નહોતી. તે પછી કો'ક બીજી બઈને અમથું બોલાવીને હેંડ્યોને એની જોડે, તે પેલી સામું થઈ ગઈ ! ટેકલ કરતાં આવડવું જોઈએ. આને કળા આવડે બધી. છૂટી ગયો મારા ભઈ ! આને આવડતી નથી ને ઘાટ-ઘાટની ગાંસડીઓ જ બાંધ-બાંધ કરે છે.

પ્રશ્નકર્તા : કળા શીખવજો.

દાદાશ્રી : આ શીખવી કેટલી બધી. ખાનગી કહેવાની હોય ! તે પણ. બંધાયેલા હોય ને એમાંથી, પછી એક જણ પોતાનું તોડી નાખવા ફરતો હોય પણ તૂટે નહીં. એ તોડે નહીં ત્યાં તો એનું ફ્રેકચર કરી નાખવું પડે. ત્યાં વહેમ ઘાલી દેવાનો.

પ્રશ્નકર્તા : એક જણ ફ્રેકચર કરે, પણ સામે કરવા ના દે એને.

દાદાશ્રી : સામાનું જ ફ્રેકચર કરવાનું. આપણું ફ્રેકચર નહીં કરવાનું. સામો જ ચિડાય કે આ તો ઊલ્ટો ખરાબ નીકળ્યો, બનાવટી.

પ્રશ્નકર્તા : સામેવાળાને એવું થવું જોઈએ કે આ બનાવટ કરી.

દાદાશ્રી : આ અવળો જ છે. તે દા'ડે દા'ડે એના અભિપ્રાયો તૂટતા જ જાય. પછી બીજું આડુંઅવળું ચોપડે, ત્યારે તમારે છૂટવું હોય તો છૂટાય.

પ્રશ્નકર્તા : તો આપણું જ ફ્રેકચર પૂરેપૂરું ના થયું હોય તો ? પોતાનું મન પૂરેપૂરું ફ્રેકચર ના થયું હોય તો ?

દાદાશ્રી : પછી કોણ ના પડે છે તો ? તો પછી આ દરિયો નથી ! ડૂબી જાય.

પ્રશ્નકર્તા : આપણું પહેલું ફ્રેકચર થઈ જવું જોઈએને ?

દાદાશ્રી : આપણું કરવાનું જરૂર નથી. પહેલું સામાનું ફ્રેકચર કરી નાખને બધું. પછી આપણે આપણું જ્યારે કરવું હોય તો આ થઈ શકે છે, જેને એ કરવું છે એને ! પહેલું પોતાનું તો થાય જ નહીં ને !

પ્રશ્નકર્તા : જ્યાં સુધી સામેનું આકર્ષણ છે એટલે પોતાનું પહેલું ના થાય, એવું હશે ?

દાદાશ્રી : થાય જ નહીં કોઈ દહાડો. જો સામો ગાળો ભાંડતો થઈ ગયો તો આપણે જ્યારે છોડવું હોય ત્યારે છૂટી જાય.

પ્રશ્નકર્તા : તો સામાનું ફ્રેકચર કેવી રીતે કરાય પણ ?

દાદાશ્રી : હજાર રસ્તા છે બધાં ! નહીં તો એક દા'ડો તો એની મોઢે કહેવું કે 'શું કરું, મારું મન ગૂંચાય છે ! બે-ત્રણ જણ તારી જેવી હશે. બધાંને વચન આપ્યાં છે' કહીએ. આ તો અહીંથી કાગળ લખે કે, 'મને ગમતું નથી તારા વગર.' ત્યારે છૂટે શી રીતે ? પછી વધારે વળગે પેલી. હવે તને આવડી જશે ને ?

વળગાડી કહી ડીયર, તોડો આપી ફીયર

આપણું વિજ્ઞાન એટલું જ સુંદર છે કે તમને બધી રીતે એડજસ્ટ થઈ જાય. બહારનું એક્સેસ થઈ ગયું હોય તો આત્મા ખોઈ નાખે. બહુ જોરદાર થયું હોય તો આત્માનું વેદક જતું રહ્યું. જ્ઞાતા-દ્રષ્ટાપણું ઊડી જાય અને ભ્રાંતિ ખવડાવી દે એને મોહનીય કર્મ.

પ્રશ્નકર્તા : બહારનું એક્સેસ થઈ જાય એમ આપે કહ્યું ને, એ કઈ કઈ રીતે એમ ?

દાદાશ્રી : આ કોઈને સ્ત્રીની જોડે એકતા થઈ ગઈ. હવે પોતે છોડવા ફરે પણ સામી છોડે તો ને ? આપણે મળીએ નહીં ને તોય પેલી વિચાર આપણા ને આપણા કર્યા કરે. આપણા વિચાર કરે એટલે બંધાયેલા કહેવાય. વિચારોથી જ આપણે બંધાયેલા. એ વિચાર બંધ થાય નહીં ને આપણો છૂટકો ના થાય. માટે પહેલાં સમજવું જોઈએ. એટલે એનાં વિચારો તોડવા માટે શું કરવું પડે ? એની જોડે ઝઘડા કરવાં પડે, આમ કરવું જોઈએ, એની જોડે ઊંધું ઊંધું દેખાડવું જોઈએ. બીજી છોકરીને અમથા કહીએ, તું તો મારી બેન છો, કરીને હેંડને મારી જોડે ફરવા જરા, એવું પેલીને દેખાડવાનું એટલે એનું મન ફ્રેકચર કરી નાંખવાનું. ધીમે રહીને.

પ્રશ્નકર્તા : બીજી ચોંટી પડે તો.

દાદાશ્રી : બીજી ચોંટી પડે તો બીજીથી છૂટવું. જેને છૂટવું છે, એને બધું આવડે.

પ્રશ્નકર્તા : એટલે એ સિવાય, પેલું વ્યવહારમાં વધારે પડતા ડૂબી જઈએ ધંધામાં-કામમાં તો આપણું જ્ઞાતા-દ્રષ્ટાપણું ઓછું થઈ જાય, એવું નહીં ને ?

દાદાશ્રી : ધંધો એ આવી ફાઈલ નથી. આ તો દાવો માંડે એવી ફાઈલ છે. એ રાત-દા'ડો તમારે માટે વિચાર કરે ને તમને રાત-દહાડો બાંધ બાંધ કર્યા કરે. આપણે તો આપણે ઘેર હોઈએ તોય ધંધો ના બાંધે અથવા જલેબી બાંધે નહીં, કેરીઓ બાંધે નહીં. આ જીવતી બાંધે, આમાં ક્લેઈમ ને ? જે તમે સુખ ખોળો છો એ બાજુ, તો કોઈ માંગશે એટલે આ કલેઈમવાળું છે. સુખ તો જલેબી ખાધી ને ના ફાવી તો ફેંકી દીધી. બીજું શું ? દાવોય નહીં જલેબીનો, કશો વાંધો નહીં. આ બધી અમારી ઝીણી શોધખોળો બધી. નહીં તો છૂટાય કેવી રીતે ?!

તને બહુ વાતો કામમાં લાગશે. તે દા'ડાનો મને પૂછ પૂછ કરે છે, 'શી રીતે છૂટવું ?' પછી મારે આમ ને આમ તો મારાથી કહેવાય નહીં, આવું બાંધેભારે કહું ત્યારે સમજી જવાનું. એય સમજે તો રાગે પડે, ના સમજે તો પછી...

પ્રશ્નકર્તા : હવે જલ્દી રાગે પડવાની જરૂર છે.

દાદાશ્રી : ઘરનું બગડશે, ઘરમાં ઊભો નહીં રહેવા દે.

પ્રશ્નકર્તા : બહારેય બગડે તો બધે બગડે.

દાદાશ્રી : અને આમ ઘેરેય ફ્રેકચર થઈ જશે. અહીંયે બધું ફ્રેકચર થઈ જશે.

આખી રાત મારા માટે કોઈનેય વિચાર આવે કંઈ પણ કે દાદાએ મને આમ કર્યું ને તેમ કર્યું. દાદાએ મને નુકસાન કર્યું કે બીજી બાજુ ધંધામાં એ થયું, ફલાણું થયું તો એમાંથી બાંધે, પણ મને એવું એને માટે વિચાર આવે એવું મારી પાસે હોય જ નહીં ને, એટલે બાંધે શી રીતે ? હું વીતરાગ જ હઉં, તો એ બાંધેય શી રીતે ? હું ત્યાં ચોટું ત્યારે મને બાંધે. ત્યાં વીતરાગ રહેવું. છૂટવાનો રસ્તો આ.

પ્રશ્નકર્તા : એટલે કેવી રીતે વીતરાગ રહો ?

દાદાશ્રી : ગમે તેવું એ કરીને તોય આપણે એ પ્રકૃતિને દ્વેષેય નહીં ને રાગેય નહીં કરવાનો. એનું નામ સમભાવે નિકાલ ! એ ગમે તેવું ખરાબ કરે, ઊંધું કરે, નુકસાન કરે, જો હું એને કંઈ રીપેર કરવા જઉં, તો એનો અર્થ એટલો કે હું રાગ-દ્વેષમાં પડ્યો. તો મને હજુ જરૂર છે, ઈચ્છા છે મારી, રાગ-દ્વેષવાળી પ્રકૃતિ છે. તેનો સમભાવે નિકાલ કરવાનું કહ્યું છે.

એનું મન આપણા તરફ રાગમાં રહે, તો બાંધે, એવું ના થવું જોઈએ. રાગ અથવા દ્વેષથી આ લોકોનાં મન બાંધે, પણ મારી જોડે સાચા પ્રેમથી બાંધે તો ઊલટું આખો દહાડો શાંતિ રહે. ભગવાન મહાવીર આ રીતે છૂટેલા ને, નહીં તો છૂટે નહીં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21