ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૧૫]

'વિષય' સામે વિજ્ઞાનની જાગૃતિ

આકર્ષણ સામે ખપે પોતાનો વિરોધ

પ્રશ્નકર્તા : ''સ્ત્રી પુરુષના વિષય સંગતે,

કરાર મુજબ દેહ ભટકશે,

માટે ચેતો મન-બુદ્ધિ.''

આ સમજાવો. કારણ કે આપે કહેલું, કે દરેક પોતપોતાની ભાષામાં લઈ જાય, તો આમાં 'જેમ છે તેમ' શું હોવું ઘટે ?

દાદાશ્રી : જ્યાં આકર્ષણ થયું, તે આકર્ષણમાં તન્મયાકાર થયો, તે ચોંટ્યો. આકર્ષણ થયું, પણ આકર્ષણમાં તન્મયાકાર ના થાય તો ચોંટે નહીં. પછી આકર્ષણ થાય તેનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : એ વસ્તુ પોતાને સમજાય કેવી રીતે કે આમાં પોતે તન્મયાકાર થયો છે ?

દાદાશ્રી : 'આપણો' એમાં વિરોધ હોય, 'આપણો' વિરોધ એ જ તન્મયાકાર ન થવાની વૃત્તિ. 'આપણે' વિષયના સંગમાં ચોંટવું નથી, એટલે 'આપણો' વિરોધ તો હોય જ ને ? વિરોધ હોય એ જ છૂટું અને ભૂલેચૂકે ચોંટી જાય, ગોથું ખવડાવીને ચોંટી જાય, તો પાછું તેનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : પોતાનો વિરોધ નિશ્ચયે કરીને તો છે જ, છતાં પણ એવું બને છે કે ઉદય એવાં આવે કે એમાં તન્મયાકાર થઈ જવાય, એ શું છે ?

દાદાશ્રી : વિરોધ હોય તો તન્મયાકાર થવાય નહીં અને તન્મયાકાર થયા તો 'ગોથું ખાઈ ગયા છે' એમ કહેવાય. તો એવું ગોથું ખાય, તેના માટે પ્રતિક્રમણ છે જ. પણ ગોથું ખાવાની ટેવ ના પાડવી, ગોથું ખાવાના 'હેબીચ્યુએટેડ' ના થવું. માણસ જાણી-જોઈને લપસી પડે ખરો ? અહીં ચીકણી માટી હોય, કાદવ હોય ત્યાં લોકોને જાણી-જોઈને લપસવાની ટેવ હોય કે ના હોય ? લોક શાથી લપસી જતાં હશે ?

પ્રશ્નકર્તા : એ માટીનો સ્વભાવ ને માટી ઉપર પોતે ચાલ્યો, તેથી.

દાદાશ્રી : માટીનો સ્વભાવ તો એ પોતે જાણે છે. એટલે પછી પગના આંગળા દબાવી દે, બીજા બધા પ્રયત્નો કરે. બધી જાતના પ્રયત્નો કરવા છતાંય પડી જાય, લપસી પડે, તો એનાં માટે ભગવાન એને રજા આપે છે. તે પછી એવી ટેવ પાડી દે, તો શું થાય ?!

પ્રશ્નકર્તા : ટેવ નહીં પડવી જોઈએ.

દાદાશ્રી : લપસી પડાયું એ તો આપણા હાથમાં, કાબૂમાં ના રહ્યું. તેથી સૌથી સારામાં સારું તો 'આપણો' વિરોધ, જબરજસ્ત વિરોધ ! પછી જે થાય એના જોખમદાર 'આપણે' નથી. તું ચોરી કરવાનો તદ્દન વિરોધી હોઉં, પછી તારાથી ચોરી થઈ જાય તો તું ગુનેગાર નથી. કારણ કે તું વિરોધી છે.

પ્રશ્નકર્તા : આપણે વિરોધી છીએ જ, છતાં પણ એ જે ચૂકાય છે, એ વસ્તુ શું છે ?

દાદાશ્રી : પછી ચૂકાય છે, તેનો સવાલ નથી. એ ચૂક્યાનો વાંધો ભગવાનને ત્યાં નથી. ભગવાન તો ચૂક્યાની નોંધ નથી કરતા. કારણ કે ચૂક્યાનું ફળ તો એને તરત જ મળી જાય છે. એને દુઃખ તો થાય છે ને ? નહીં તો એ શોખની ખાતર કરતો હોય તો, એને આનંદ થાય.

પ્રશ્નકર્તા : આ વિષયની બાબતમાં પોતાનું ડહાપણ કેટલું ચાલે ?

દાદાશ્રી : જ્ઞાન મળ્યું હોય તો બધુંય ડહાપણ ચાલે.

પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યું હોય તોય કેટલેક અંશે પ્રકૃતિ ભાગ તો ભજવે ને ?

દાદાશ્રી : ના. જ્ઞાનથી પ્રકૃતિ નિર્મળ થાય. વિષયમાં પોતાનું સહમતપણું ના હોય તો નિર્મળ થાય.

પ્રશ્નકર્તા : વિષયમાં સહમતપણું નથી હોતું તોય ખેંચાય છે.

દાદાશ્રી : એ ખેંચાય. એ ખેંચાય તેય બધું જાણવું જોઈએ. અને સ્ટ્રોંગ નિશ્ચય કોઈ દહાડો કર્યો નથી.

પ્રશ્નકર્તા : કાયમ ચૂકાય નહીં એવું જોઈએ.

દાદાશ્રી : આપણો તો નિશ્ચય હોવો જોઈએ કે આમ આ અમારો નિશ્ચય છે. પછી કુદરત કરે, તે આપણા હાથના ખેલ નથી. એ સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ છે, એમાં કોઈનુંય ના ચાલે.

પ્રશ્નકર્તા : એનો અર્થ તો એ થયો કે એવાં સંજોગો જ મારે ના ઊભા થાય. પણ એ કેમ બને ?

દાદાશ્રી : એવું બને જ નહીં ને ! જગત છે, સંસાર છે, ત્યાં સુધી એવું બની ના શકે. એવું બને ક્યારે ? કે તમે જેમ જેમ આગળ જતાં જશો એમ એવાં સંજોગો ઓછા થતાં જશે, તેમ તેમ એ જગ્યાએ ભૂમિકા એની મેળે જ આવશે. જ્ઞાનીની ભૂમિકા એવી હોય, હે...ય... ને સેફસાઈડ હોય !! એમના સંજોગો બધા પાંસરા હોય.

પ્રશ્નકર્તા : એમનું વ્યવસ્થિત એવી રીતે ઘડાયું હોય ?

દાદાશ્રી : હા, એવું ઘડાયું હોય. પણ તે એકદમ આમ ના બની શકે. તમારા તો હજી ઘણાં માઈલો જશે, ત્યારે એ રોડ આવશે. બધેય કંઈ ખેંચાણ થાય નહીં. તારે કેટલી જગ્યાએ ખેંચાણ થાય ? 'સો'માંથી એંસી જગ્યાએ ખેંચાણ થાય ?

પૂર્વે ચૂકેલાં, તેનાં ફળ આ

પ્રશ્નકર્તા : એ કેવું છે કે આમ દ્ષ્ટિ પડી કે અંદર ઊભું થાય, પછી દ્ષ્ટિ ના ગઈ તો કશુંય નહીં. પણ એક વખત આમ જોવાય તો અંદર પેલાં ચંચળ પરિણામ ઊભાં થાય.

દાદાશ્રી : દ્ષ્ટિ, એ વસ્તુ 'આપણા'થી જુદી છે. તો પછી દ્ષ્ટિ પડે, તેમાં આપણને શું થયું ? પણ આપણે મહીં ચોંટવા ફરીએ, ત્યારે દ્ષ્ટિ શું કરે બિચારી ?! આ હોળીને જો પૂજવા જઈએ છીએ, તો ત્યાં આપણી આંખ દાઝે ખરી ? એટલે હોળીને જોવાથી કંઈ આંખ દાઝતી નથી. કારણ કે આપણે ખાલી એને જોઈએ જ છીએ. એવી રીતે આ જગતમાં કોઈ જગ્યાએ આકર્ષણ થાય એવું જ નથી, પણ પોતાની મહીં જ જો વાંકું છે તો આકર્ષણ થાય !

પ્રશ્નકર્તા : બે જાતની દ્ષ્ટિ છે; એમાં એક દ્ષ્ટિ એવી છે કે આપણે જોઈએ કે ચામડીની નીચે લોહી-માંસ-હાડકાં છે, એમાં આકર્ષણ શું ? અને બીજી દ્ષ્ટિ એ કે એનામાં શુદ્ધાત્મા છે અને મારામાં શુદ્ધાત્મા છે. એ બેમાં કઈ દ્ષ્ટિ ઊંચી ગણાય ?

દાદાશ્રી : એ તો બેઉ દ્ષ્ટિ રાખવી પડે. એ શુદ્ધાત્મા છે, એ દ્ષ્ટિ તો આપણને છે જ. અને પેલી બીજી દ્ષ્ટિ તો જરા જો આકર્ષણ થાય તો જેમ છે એમ રાખવી જોઈએ, નહીં તો મોહ થઈ જાય.

પ્રશ્નકર્તા : હા, બરાબર છે. હું પણ શુદ્ધાત્મા ને એ પણ શુદ્ધાત્મા એવું હોય, તો બીજું જે આકર્ષણ છે તે રહેતું નથી.

દાદાશ્રી : ના રહે, પણ એટલી બધી જાગૃતિ ના રહે. જ્યારે આકર્ષણ થાય ત્યારે શુદ્ધાત્મા ભૂલી જાય. શુદ્ધાત્મા ભૂલે તો જ એને આકર્ષણ થાય, નહીં તો આકર્ષણ થાય નહીં. તેથી તો અમે તમને એવું જ્ઞાન આપ્યું છે કે તમને આત્મા દેખાય. પછી કેમ મોહ થાય છે ?!

આપણે આકર્ષણ ના કરવું હોય તોય આંખ ખેંચાઈ જાય. આપણે આમ આંખ દબાવ દબાવ કરીએ તોય પેલી બાજુ જતી રહે !

પ્રશ્નકર્તા : એવું શા માટે થાય ? એ જૂના પરમાણુ છે એટલે ?

દાદાશ્રી : ના, પૂર્વે આપણે ચૂક ખાધી છે, પૂર્વે તન્મયાકાર થવા દીધું છે, તેનું આ ફળ આવ્યું છે. તો હવે એ આકર્ષણમાં ફરી તન્મયાકાર ના થાય ને એનું પ્રતિક્રમણ કરી પેલી ચૂક કાઢી નાખવાની. અને ફરી તન્મયાકાર થાય એટલે નવી ચૂક ખાધી, તો એનું ફળ આવતે ભવ આવશે. એટલે તન્મયાકાર ના થાય એવું આ વિજ્ઞાન છે આપણું !! સામામાં શુદ્ધાત્મા જ જો જો કર્યા કરવા અને બીજું દેખાય ને ખેંચાણ થાય તો પ્રતિક્રમણ કરવું, તે સિવાય ભય-સિગ્નલ જ છે. બીજું બધું તમારે સમભાવે નિકાલ કરવો. આમાં તો સામો જબરજસ્ત મોટી ફરિયાદ કરનારો છે, માટે ચેતજો. અમે એ ચેતવણી આપીએ.

પ્રશ્નકર્તા : આ જ લોચો પડે છે ને !

ત્યાં જુઓ શુદ્ધાત્મા જ

દાદાશ્રી : તો તું ચેતવણી રાખતો નથી ?

પ્રશ્નકર્તા : ચેતવણી તો રાખું છું ને, પણ આ તો નિરંતર ચેતવાનું છે.

દાદાશ્રી : તોય પણ જ્યાં આગળ આપણને ખેંચાણ ના કરવું હોય છતાંય ખેંચાણ થયા કરે તો એ પહેલાંની, ગયા અવતારની ભૂલ છે એ નક્કી થઈ ગયું. નવેસરથી ખેંચાણ થાય એ વસ્તુ આપણને સમજાય કે જો આપણે ના જોવું હોય તો ના જોઈ શકાય, એવું રહેવું જોઈએ. પણ આ તો જૂનું છે, એટલે ત્યાં તો આપણે ના જોવું હોય તોય ખેંચાઈ જવાય.

પ્રશ્નકર્તા : આ જગ્યાએ પુરુષાર્થ કરવાનો રહ્યો. જાગૃતિ રાખવી એ પુરુષાર્થ ?

દાદાશ્રી : હા, જાગૃતિ રાખવી. તું રાખે છે એટલી બધી જાગૃતિ ?

પ્રશ્નકર્તા : ત્યાં જ પુરુષાર્થ છે આખો.

દાદાશ્રી : એમ ?! તને સમજણ પડે કે આ ગયા અવતારની ભૂલ છે એવું ? શું ખબર પડે ? તારે એવું અનુભવમાં આવેલું ?

પ્રશ્નકર્તા : હા, એટલે પોતાની જાગૃતિ હોય કે આ દોષ થયો. હવે તેને ધોઈને પોતે તૈયાર હોય, પોતે એનાથી છૂટો થયો. પણ પાછું સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય, નિમિત્ત ભેગું થાય એટલે પાછી વિષયની ગાંઠ ફૂટે જ. પોતાની જબરજસ્ત તૈયારી હોય કે ઉપયોગ ચૂકવો નથી, પણ 'પેલું' ફૂટે. પછી પાછું ધોઈ નાખવાનું, પણ પેલું પાછું ઊભું થાય ખરું !

દાદાશ્રી : એટલે આ ઇન્દ્રિયજ્ઞાનનો સ્વભાવ એવો છે કે સામું બહુ આકર્ષણવાળું હોય અને રાગી સ્વભાવનું હોય તો, તે આપણી આંખોમાં ધૂળ નાખે. તે ઘડીએ બહુ જાગૃત રહેવું પડે. આપણે જાણીએ કે આ નથી જોવું તોય ખેંચાણ કેમ થાય છે ? ત્યાં આગળ આપણે શું કરવું જોઈએ કે શુદ્ધાત્મા જ જો જો કરવા જોઈએ.

પ્રશ્નકર્તા : તે વખતે પાછું પ્રત્યાખ્યાન કરવું જોઈએ ?

દાદાશ્રી : પ્રતિક્રમણેય કરવાનું ને પ્રત્યાખ્યાનેય કરવાનું, બેઉ કરવાનું. પ્રતિક્રમણ શેને માટે કરવાનું કે પૂર્વભવે કંઈક જોયું છે, તેથી જ આ ઉત્પન્ન થયું છે. આ સંજોગ ક્યાંથી બાઝયો ? નહીં તો દરેકને કોઈ જોતું નથી. આ તો જોવાનું મળ્યું તે મળ્યું, પણ એમાંથી આકર્ષણના પ્રવાહ કેમ વહે છે ? માટે પૂર્વભવનો હિસાબ છે, તે આ ભવમાં પ્રતિક્રમણ કરવાં પડે. વિષય વિકારી જે જે ભાવો કર્યા હોય, ઇચ્છા, ચેષ્ટા, સંકલ્પ-વિકલ્પ કર્યા હોય એ બધાંનું પ્રતિક્રમણ કરવું પડે અને પછી પ્રત્યાખ્યાન કરવું પડે અને પાછાં એમનો શુદ્ધાત્મા જ જો જો કરવો પડે.

પુદ્ગલ સ્વભાવ જ્ઞાને કરીને...

પુદ્ગલનો સ્વભાવ જો જ્ઞાને કરીને રહેતો હોય, તો તો પછી આકર્ષણ થાય એવું છે જ નહીં. પણ પુદ્ગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહેતો હોય, એવું હોય જ નહીંને કોઈ માણસને ! પુદ્ગલનો સ્વભાવ અમને તો જ્ઞાને કરીને રહે.

પ્રશ્નકર્તા : પુદ્ગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહે તો આકર્ષણ ના રહે, એ ના સમજાયું.

દાદાશ્રી : એટલે શું કે કોઈ સ્ત્રીએ કે પુરુષે ગમે તેવાં કપડાં પહેર્યાં હોય તો કપડાં રહિત દેખાય, તે જ્ઞાને કરીને ફર્સ્ટ દર્શન. બીજું, સેકન્ડ દર્શન એટલે શરીર પરથી ચામડી ખસી જાય તેવું દેખાય અને થર્ડ દર્શન એટલે બધું જ અંદરનું દેખાડે એવું દેખાય. પછી આકર્ષણ રહે ખરું ? એવું તને રહે છે ?

પ્રશ્નકર્તા : એવો અભ્યાસ દહાડે દહાડે વધતો જાય છે.

દાદાશ્રી : ત્યારે સારું. એવો અભ્યાસ કરે, તે સારું કહેવાય.

આમ દ્ષ્ટિ નિર્મળ કરાય

કોઈ સ્ત્રી ઊભેલી હોય તેને જોઈ, પણ તરત દ્ષ્ટિ પાછી ખેંચી લીધી. છતાં તે પછી દ્ષ્ટિ તો પાછી ત્યાં ને ત્યાં જ જતી રહે, આમ દ્ષ્ટિ ત્યાં જ ખેંચાયા કરે એ 'ફાઈલ' કહેવાય. એટલે આટલી જ ભૂલ આ કાળમાં સમજવાની છે. પાછલી જે ફાઈલ ઊભી થઈ હોય, જરાક નાની અમથી પણ 'ફાઈલ', કે જે આપણને આકર્ષણ કરે એવી હોય, એવી આપણને ખબર પડે કે આ 'ફાઈલ' છે; ત્યાં આગળ ચેતતા રહેવું. હવે ચેતીને બીજું શું કરવાનું ? જેને શુદ્ધાત્મા જોતાં આવડ્યો છે, એણે એના શુદ્ધાત્મા જો જો કરવાના. એનાથી એ આખુંય બધું ઊડી જાય.

પ્રશ્નકર્તા : સાથે સાથે પ્રતિક્રમણ ને પ્રખ્યાખ્યાન રાખવાનું ને ?

દાદાશ્રી : હા, એ તો કરવું જ પડે ને !

પ્રશ્નકર્તા : આકર્ષણની ફાઈલ એ કંઈ 'કન્ટીન્યુઅસ' નથી રહેતી. પણ આ આકર્ષણ ઊભું થાય, જેમ અહીં લોહચુંબક હોય ને આ ટાંકણીનું અહીંથી પસાર થવું ને ખેંચાઈ જાય, પણ તરત ખબર પડી કે ખેંચાઈ ગયું એટલે પાછું તરત ખેંચી લઈએ.

દાદાશ્રી : જે ખબર પડે છે એ આ 'જ્ઞાન'ને લઈને ખબર પડે છે, નહીં તો બીજો તો બેભાન થઈ જાય. આ 'જ્ઞાન'ને લઈને ખબર પડે છે એટલે પછી આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે. પછી આપણે નિર્મળ દ્ષ્ટિ દેખાડવી જોઈએ. આપણામાં રોગ હોય તો જ સામો માણસ આપણો રોગ પકડે ને ? અને આપણી નિર્મળ દ્ષ્ટિ દેખે તો ? દ્ષ્ટિ નિર્મળ કરવી, એ આવડે કે ના આવડે ?

પ્રશ્નકર્તા : વધારે ફોડ પાડો કે કેવી રીતે દ્ષ્ટિ નિર્મળ કરવી ?

દાદાશ્રી : 'હું શુદ્ધાત્મા છું' એ જાગૃતિમાં આવી જાય, પછી દ્ષ્ટિ નિર્મળ થઈ જાય. ના થઈ હોય તો શબ્દથી પાંચ-દસ વખત બોલીએ કે, 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' તોય પાછું આવી જાય અથવા 'દાદા ભગવાન જેવો નિર્વિકારી છું, નિર્વિકારી છું' એમ બોલીએ તોય પાછું આવી જાય. એનો ઉપયોગ કરવો પડે, બીજું કશું નહીં. આ તો વિજ્ઞાન છે, તરત ફળ આપે અને જરાક જો ગાફેલ રહ્યો તો બીજી બાજુ ઉડાડી મારે એવું છે !

બીજી કોઈ વસ્તુ નડે એવી નથી. સ્ત્રી આપણને અડી અને પછી મહીં આપણો ભાવ બદલાયો ત્યાં જાગૃતિ રાખવી. કારણ કે સ્ત્રી જાતિના પરમાણુ જ એવા છે કે સામાના ભાવ બદલાઈ જ જાય. આ તો અમે હાથ મૂકીએ તો એને વિચાર આવ્યો હોય તેય ઊલટો બદલાઈ જાય, એનાં એવાં ખરાબ વિચાર ઊડી જાય !

વિષયની યોજના સિવાય બીજી બધી યોજનાઓ વખતે ભાંગફોડ કરે તો ચલાવી લેવાશે. કારણ કે બીજી બધી મિશ્રચેતન જોડેની યોજનાઓ નથી; જ્યારે આ વિષયની યોજના એ મિશ્રચેતન જોડેની યોજના છે. આપણે છોડી દઈએ તોય સામો દાવો માંડે તો શું થાય ? માટે અહીં ચેતતા રહેવાનું કહ્યું. બીજામાં ગાફેલ રહ્યા તો ચાલશે. ગાફેલનું ફળ એ કે જાગૃતિ જરા ઓછી રહેશે. પણ આ વિષય તો બહુ મોટામાં મોટું જોખમ, સામો જે સ્થાને જવાનો હોય, એ સ્થાને આપણને લઈ જાય !! આપણા જ્ઞાન સાથે હવે એ સ્થાનમાં આપણને શી રીતે પોષાય ? એક બાજુ જાગૃતિ ને એક બાજુ આ વળગણ, એ શી રીતે પોષાય ? પણ તોય હિસાબ ચૂકવવો પડે.

પ્રશ્નકર્તા : એ રૂપકમાં તો આવે ને ?

દાદાશ્રી : હા, એ કેવું રૂપકમાં આવે, કે એ સ્ત્રી આપણી બીજા ભવમાં મધર થાય, વાઈફ થાય, જો એક જ કલાકનું વિષયસંબંધી એનાંં માટે ધ્યાન કરે તો ?! એવું છે આ ! આ એકલું જ આપણે ચેતતા રહેવા જેવું છે ! બીજા કશામાં ચેતવાનું નથી કહેતા.

વિચાર ધ્યાનરૂપ તો નથી થતાં ને ?

વિષયનો વિચાર મહીં ઊગે તો શું કરવું ? આ ખેડૂતોનો એવો રિવાજ છે કે જમીનમાં કપાસ ને બધું આવડું આવડું ઊગી જાય ત્યાર પછી મહીં જોડે બીજી વસ્તુ ઘાસ કે વેલા ઊગી ગયા હોય તો, તેને તે કાઢી નાખે. એને નીંદી નાખવાનું કહે છે. કપાસ સિવાય બીજો કોઈ પણ જાતનો છોડવો દેખાય કે તરત તેને ઉખેડીને ફેંકી દે. એવી રીતે આપણે વિષયના વિચારો એકલાં જ ઊગતાંની સાથે તરત ઉખેડીને ફેંકી દેવા, નહીં તો આવડો મોટો છોડવો થયા પછી એને પાછાં ફળ આવે, એ ફળમાંથી પાછાં બીજ પડે. એટલે આને તો ઊગતાં જ ઉખેડી નાખવો, ફળ આવતાં પહેલાં જ ઉખેડી નાખવો.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?

દાદાશ્રી : આપણને મહીં વિચાર બદલાયો, તે ના ખબર પડે કે શાનો વિચાર અત્યારે શરૂ થયો ? તે વિચાર આવ્યા પછી, એને લંબાવવા ના દેવું. એ વિચાર ધ્યાનરૂપ ના થવો જોઈએ. વિચાર ભલે આવે. વિચાર તો મહીં છે એટલે આવ્યા વગર રહે જ નહીં. પણ તે ધ્યાનરૂપ ના થવું જોઈએ. ધ્યાનરૂપ થાય, તે પહેલાં જ વિચારને ઉખેડીને ફેંકી દેવો.

પ્રશ્નકર્તા : ધ્યાનરૂપ એટલે કેવી રીતે ?

દાદાશ્રી : એનાં એ જ વિચારમાં રમણતા કરવી, એનું નામ ધ્યાનરૂપ થયું કહેવાય. એક જ વિચારમાં તમે રમણતા કરો, એ એનું ધ્યાન કહેવાય. એનું પછી બહાર બેધ્યાનપણું થાય, તેવા બહાર બેધ્યાનપણાવાળા નથી હોતા માણસ ? તારું ધ્યાન ક્યાં છે, એવું લોક ના પૂછે ? તે આપણે જાણીએ કે ધ્યાન અહીં આગળ છે. જ્યાં 'દાદા'એ ના કહ્યું હતું, ત્યાં છે. એના એ જ વિચારમાં રમણતા ચાલે, એ ધ્યાન કહેવાય. એ ધ્યાન પછી એને ધ્યેય સ્વરૂપે થઈ જાય. એ વિચારોનું ધ્યાન થયું, પછી આપણું ચાલે જ નહીં. ધ્યાન ના થયું તો કશો વાંધો નથી.

પ્રશ્નકર્તા : ધ્યાનરૂપ ના થયું અને એ નીંદાઈ ગયું, એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : આપણે ઊગતાં જ એ વસ્તુ ફેંકી દેવાની અને પછી આગળ એ વિચારધારા ફેરવી નાખવી પડે, બીજી મૂકી દેવી પડે. નહીં તો પછી જાપ ચાલુ કરવા પડે. એ ટાઈમ ગયો એટલે પછી એની મુદત ગઈ. હંમેશાં દરેક વસ્તુને ટાઈમ હોય છે કે સાડાસાતથી આઠ સુધી આવાં વિચાર આવે. એ ટાઈમ કાઢી નાખીએ, પછી આપણને ભાંજગડ ના આવે.

જોવાથી ઓગળે, ગાંઠો વિષયની

પ્રશ્નકર્તા : પણ ગાંઠો તો જોવાથી ઓગળે ને ? તો આપણે આ બીજી બાજુ જોઈએ, તો પેલી ગાંઠો જોવાની રહી જાય ને ?

દાદાશ્રી : એ તો તમારામાં જો શક્તિ હોય તો નવો ઉપયોગ બીજી બાજુ ના મૂકીને એને જ જુઓ. ના શક્તિ હોય તો નવો ઉપયોગ બીજી બાજુ બદલીને મૂકી દો.

પ્રશ્નકર્તા : એટલે બન્ને શક્ય છે ?

દાદાશ્રી : શક્ય જ છેને વળી ! આ બાજુ નવો ઉપયોગ મૂકી દે. એટલે તું એવું કરું છું ને ? એ બરોબર છે.

પ્રશ્નકર્તા : વિષયના બહુ જોરદાર વિચારો આવતાં હોય એટલે આ બીજી બાજુ જોઈ લેવાનું એટલે એ નીકળી જાય.

દાદાશ્રી : બસ. એ એની મેળે જતાં રહેવાના. છેલ્લામાં છેલ્લો રસ્તો એ કે એને એક્ઝેક્ટ જોઈને જવા દેવું. પણ એ ના થાય તો તમારે આ રસ્તે કરો તોય ચાલી જાય.

પ્રશ્નકર્તા : એટલે આ વચ્ચેનો રસ્તો થયો ને !

દાદાશ્રી : આ નજીકનો રસ્તો.

પ્રશ્નકર્તા : એટલે છેલ્લામાં છેલ્લું તો, જોઈને જવા દેવું એ.

દાદાશ્રી : પછી બહુ ના રહ્યું, હિસાબ થોડોક જ રહે છે. પણ અત્યારે તમે ગૂંચવાઈ જાવ છો, તેના કરતાં છો ને નજીકનો રસ્તો લો.

પ્રશ્નકર્તા : મને આવો વિચાર આવ્યો'તો કે હું ત્રિમંત્ર વાંચું છું. નમસ્કારવિધિ ને બધું વાંચું છું અને આવી રીતે જોવાનું આપે કહ્યું ત્યારે કંઈ આમ અડતું ન હતું. ત્યારે એકદમ સીધું ચાલતું'તું. પણ આ જ્યારે વિધિ કરવાની ચૂકાઈ ગઈ એટલે પાછું બધું આ આમ આવ્યા કરે અંદર. એટલે થોડું પાછું મને ઈફેક્ટ થઈ જતી'તી.

દાદાશ્રી : ના, એ તો બીજું ચલાવો પાછાં. જોવા બેસવું, ગમે તે કરવું. ઉપયોગ બીજી જગ્યાએ રાખવો, કંઈક કામમાં મૂકી રાખવું.

પ્રશ્નકર્તા : આખરે તો આ ગાંઠો જોવી જ પડશે કે એવું જરૂરી નથી ?

દાદાશ્રી : એવું છે ને, સેકન્ડરી સ્ટેજમાં કામ લેવું અત્યારે, તમારાથી સહન ના થતું હોય તો. એટલે તમારે બીજો ઉપયોગ મૂકવો એટલે પેલી જતી રહી એની મેળે. ફરી આવશે, એ જ્યારે ત્યારે જોવું તો પડશે એક દા'ડો, ત્યારે તે દા'ડે અત્યારથી સહેલું હશે સહેજાસહેજ. તે હાથ અડાડે ને જતાં રહે બધા.

પ્રશ્નકર્તા : એટલે તે વખતે જ્ઞાતા-દ્રષ્ટા સારાપણે રહેવાતું હશે !!

દાદાશ્રી : હા, સરળ રીતે. ઊલ્ટું તને જોવાનું ગમે. હલકું થઈ જાય બિલકુલ અને તારામાં શક્તિ વધેલી હોય તે વખતે. અત્યારે તું નિર્બળ થઈ ગયેલો.

પ્રશ્નકર્તા : એટલે પેલી હજુ જોવાની શક્તિ નથી, ત્યાં સુધી આ કરવું પડે.

દાદાશ્રી : એટલે અત્યારે કોઈ પણ ઉપાયે છે તે, તેમાંથી છૂટા થાવ.

પ્રશ્નકર્તા : વિષયસંબંધી દોષો થતા હોય, તો આનું મૂળ સ્લિપ થવાનું મોટું કૉઝ તો મન છે. તો એ મનથી જે વિષય થતા હોય, તો એને દૂર કરવા હોય તો કેવી રીતે કરી શકાય ?

દાદાશ્રી : મનને ધ્યાન ના દેવું તે, 'મન'ને 'જોયા' કરવું.

પ્રશ્નકર્તા : કારણ કે અત્યારે તો ચંદ્રેશનો આખો કંટ્રોલ 'મને' જ લઈ લીધેલો છે. એટલે મન પ્રમાણે જ ચાલે છે. દાદાનો સત્સંગ હોય તોય મન બતાવે ને, એ બાજુ એ ખેંચાય છે. પણ મનનું અમુક ગાઠું નહીં, સત્સંગમાં આવવું એટલે એ મન બધું બતાવે, એ બધું એ બાજુ ધ્યાન ના દઉં. સત્સંગમાં આવી જઉં.

તો આ મનથી જે દોષો થતાં હોય, તો એને કેવી રીતે ઉડાવા જોઈએ ?

દાદાશ્રી : દોષ જ થાય નહીંને, આપણા જ્ઞાન લીધા પછી.

પ્રશ્નકર્તા : હા, દોષ તો ના થાય. તેમ છતાંય બીજે દ્ષ્ટિ ખેંચાય છે, એટલે આખું એમાં મનનું જ કામ આવ્યું ને !

દાદાશ્રી : હા, એ તો મન હોય જ. પણ આપણું 'જ્ઞાન', જ્ઞાનમાં રહે છે ને ! 'જ્ઞાન'ને જ્ઞાનમાં રાખવું જોઈએ. 'જ્ઞાન'ને અજ્ઞાનમાં દાખલ ના થવા દેવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે જે થાય છે, એને 'જોયા કરવું' એમ, એવું થયું તો ?

દાદાશ્રી : બીજું કશું જ નહીં.

પ્રશ્નકર્તા : પણ જે વિષય છે, એમાં તો જોવું એય જોખમકર્તા ને ! ક્યારે સ્લિપ થઈ જાય, એ તો કહેવાય જ નહીં ને !

દાદાશ્રી : કશું ના થાય. પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કશું ના થાય. 'સ્લિપ થઈ જાય' એ કહેવાય જ નહીં.

પ્રશ્નકર્તા : પણ એ ડિસાઈડ કેવી રીતે કરી શકે, કે પોતે જ્ઞાતા-દ્રષ્ટામાં છે ?

દાદાશ્રી : શંકા છે, તેને જ બધું થઈ જાય. જેને શંકા નથી, તેને કશું ના થાય.

પ્રશ્નકર્તા : એટલે તો આ જે આખું થયું છે, એ શંકાના આધારે જ આ થયેલું છે ? અત્યારે આ ચંદ્રેશની જે અવસ્થા છે, આખી શંકા ના આધારે જ છે ?

દાદાશ્રી : તો બીજું શેના આધારે ?

પ્રશ્નકર્તા : એટલે પોતા પર શંકા થઈ છે એને.

દાદાશ્રી : એવું છે ને 'ચંદ્રેશ શું કરે છે' એમ જોયા કરવાનું. આપણે એને કહેવાય ખરું કે 'તું નાલાયક છું.' આમતેમ બધુંય કહેવાય. તન્મયાકાર નહીં થઈ જવાનું, તો શક્તિ ઉત્પન્ન થઈ જાય પછી. 'જ્ઞાન' અજ્ઞાનમાં ઘૂસી ના જવું જોઈએ.

પ્રશ્નકર્તા : ઘણીવાર તો એ પણ ડિસાઈડ ના થઈ શકતું હોય કે આ જ્ઞાન છે કે અજ્ઞાન છે ?

દાદાશ્રી : ડિસાઈડ થયા વગર રહે જ નહીં ને !

પ્રશ્નકર્તા : વારે ઘડીએ પેલી બાજુ ખેંચાતું હોય એટલે પોતાને શંકા રહે કે આ જ્ઞાનમાં છે કે અજ્ઞાનમાં છે.

દાદાશ્રી : ખેંચાઈ રહ્યું છે તેય, જેને ખેંચનાર છે, એ બધું જ 'જે' 'જાણે' છે, એ 'જ્ઞાન' છે. જાણે નહીં એટલે પછી જ્ઞાન ખસી ગયું કહેવાય, અજ્ઞાનમાં પેસી ગયું.

પ્રશ્નકર્તા : શેનો ?

દાદાશ્રી : આ તું અજ્ઞાનમાં પેસી જઉં છું પછી ?

પ્રશ્નકર્તા : આ એ જ આવે છે આખું, પોતા ઉપરેય એમ થાય છે કે આ ચંદ્રેશ બગડી ગયો, પોતાને એમ થઈ જાય કે હું બગડી ગયો. એમ પોતાના પર તિરસ્કાર આવે છે, કે આવું ?! ક્યાં પહેલાનો ચંદ્રેશ ને ક્યાં અત્યારનો ચંદ્રેશ ! આવું છે બધું કે ?! ઘણીવાર તો પ્રતિક્રમણેય ના થાય.

દાદાશ્રી : શી રીતે થાય પણ તે ?! જ્ઞાન, અજ્ઞાનમાં પેસી જાય પછી શી રીતે થાય ? જૂદો રહેતો હોય તો થાય.

પ્રશ્નકર્તા : જ્ઞાન, અજ્ઞાનમાં ઘૂસી જાય છે, તો એનો આટલો લાંબો પિરિયડ છે. તો હવે એનાં માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : કશું જ કરવાનું ના હોય.

પ્રશ્નકર્તા : તો એ અજ્ઞાનમાં પેસી ગયો છે, એનેય જોવાનો ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : આ બગડી ગયો, એને સુધારવું તો પડે જ ને !

દાદાશ્રી : એ સત્સંગમાં વધારે જવું જોઈએ. સત્સંગમાં વધારે એટલે પછી રેગ્યુલર !

પ્રશ્નકર્તા : હા, એ વસ્તુ તો જોયું. સત્સંગમાં આવે છે ત્યારે બહુ ક્લીયર થઈ જાય છે.

દાદાશ્રી : હા, પણ સત્સંગમાં વધારે પડી રહેવું પડે. એટલો ટાઈમ કાઢી રાખવો જોઈએ સત્સંગ માટે.

'જોવું' 'જાણવું' આત્મસ્વરૂપે

પ્રશ્નકર્તા : જોવાથી પુદ્ગલ શુદ્ધ થઈ જાય, એ વિષય માટે પણ કરેક્ટ છે ?

દાદાશ્રી : વિષયમાં એવું બધાને રહી શકે નહીં ને ! વિષય એકલો જ એવો છે, જોઈ શકે નહીં, ચૂકી જાય. બીજામાં જોઈ શકાય તરત. વિષય સિવાય બીજું બધું જોઈ શકે, જલેબી ખાયે ખરો ને જલેબીના ખાનારનેય જુએ. જલેબી કેવી રીતે ચાવે છે, એમાં પોતે હસે હઉ કે 'ઓહોહો ! શું ચંદ્રેશભાઈ ચાવવા માંડી જલેબી તમે ટેસ્ટથી !'

પ્રશ્નકર્તા : આપણે કોઈ જગ્યાએ બેઠાં હોઈએ અને ત્યાં બાજુમાં કોઈ સ્ત્રી આવે, આપણને સ્પંદન ઊભું થાય, તો એ 'જોઈએ' તો ચાલે કે પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું પડે. 'જોઈએ', એનું નામ કહેવાય કે એ 'જોતાં' હોય તો ચંદ્રેશને આપણે કહીએ, 'ઓહોહો ચંદ્રેશભાઈ ! તમે તો સ્ત્રીઓ પણ જુઓ છો, હવે તો રોફમાં આવી ગયા લાગો છો.' એનું નામ 'જોયું' કહેવાય. આંખોથી જોઈએ, એ તો બધા આ જગતના લોકોય જુએ જ છે ને ! આંખોનું જોયેલું ઈન્દ્રિય જ્ઞાન કહેવાય.

પ્રશ્નકર્તા : આ તો અંદર સ્પંદન ઉત્પન્ન થાય, એ જોઈએ કે આ સ્પંદન ઉત્પન્ન થયા. એવું જોવાથી જાય !

દાદાશ્રી : 'જોવું'. 'જોવામાં', અમે જે કહીએ છીએ, એ જુદું કહીએ છીએ. અમે તો 'આ શું કરે છે' એ અમે 'જાણીએ'. હું તો કહું ને 'અંબાલાલભાઈ લહેરથી તમે જમવા માંડ્યું છેને કંઈ !'

પ્રશ્નકર્તા : આવી રીતે કહેવું, એ 'જોયું' કહેવાય એવું આપ કહેવા માંગો છો. એટલે આખી 'જોવાની' જે પ્રક્રિયા છે, એ આવી રીતે વાતચીતના સંબંધથી સ્પષ્ટ રીતે રહી શકાય.

દાદાશ્રી : હા. એટલે આ તમે બધા 'જુઓ' એ 'જોયું' ના કહેવાય. એ તમારી ભાષામાં તમારા ડહાપણથી કરવા જાવને, તો ઊલ્ટો માર ખાઈ જશો. અમને પૂછવું કે આવું અમારું ડહાપણ છે, એ બરોબર છે ?

પ્રશ્નકર્તા : આમાં એવું થાય છે કે વિષયનો વિચાર ઊભો થાય ને આ બાજુ છેદાય, પાછો ઊભો થાય, પાછો છેદાય. એટલે આ પોતાની પકડ છોડતું નથી પણ પેલો વિચારેય ચાલ્યા કરે, બેઉ સામસામે ચાલ્યા કરે.

દાદાશ્રી : એ છોડે નહીં ને ! એટલે પહેલો વિચાર જ આમ કાઢીને ફેંકી દેવો, પછી કોઈ જાતના જાપ કરવા બેસી જવું. 'દાદા ભગવાનને નમસ્કાર કરું છું', આમ તેમ કરવું, પદો ગાવા માંડવા, એ જાપ જ છે બધા. આપણે કહેવું કે 'ચંદ્રેશભાઈ, ગાવ' મહીંથી. જ્ઞાન તો, એનું બોલ્યા જ કરશે, બિચારું. એ જ્ઞાન તો જાગૃત કર્યા જ કરે કે જાગો, જાગો, જાગો ! એવું મહીંથી નથી કરતું ?

પ્રશ્નકર્તા : હા, બહુ કરે છે, એના પ્રતાપે તો બધું ટકી રહ્યું છે.

દાદાશ્રી : હવે બહારના માણસ શી રીતે ટકે બિચારાં ?! જ્ઞાન ના હોય તો શી રીતે ટકે ? ના ટકે. એ તો જેમ પ્રકૃતિ લઈ જાય, તેમ ઢસડાયા કરે.

જાગૃતિમાં ઝોકા, ત્યાં વિષયના સોટાં

પ્રશ્નકર્તા : આ જ્ઞાનની જાગૃતિ થકી પ્રકૃતિ સામે મોટો ફોર્સ ઊભો થયો છે.

દાદાશ્રી : હા. આ જ્ઞાન છે તેથી પ્રકૃતિની સામે જીતે ખરું, પણ જોડે જોડે આપણું જે અસ્તિત્વ છે તે જ્ઞાન સાથે હોવું જોઈએ. પુદ્ગલ સાથે અસ્તિત્વ થયું તો ખલાસ કરી નાખે. એટલે સ્વપરિણામી હોવું જોઈએ.

પેલા વિચારમાં મીઠાશ લાગી એટલે થઈ રહ્યું, એ પછી ખલાસ કરી નાખે. કારણ કે પેલી બાજુ પરપરિણામ થયાં. હવે એ વિચારો મીઠાશ આવે એવાં હોય ને ? કે કડવાશ આવે ?

પ્રશ્નકર્તા : મીઠાશ આવે એવાં આવે ને !

દાદાશ્રી : એટલે જ ત્યાં ચેતવાનું છે ! આવો તો ફોડ બીજી જગ્યાએ કરાય નહીં ને ! આ તો વિજ્ઞાન છે એટલે ફોડ કરાય. આ રોગ કોઈ કાઢે જ નહીં ને ? આ રોગ શી રીતે નીકળે ? આનો ઇલાજ આપણે ત્યાં થાય. અહીં સ્ત્રીઓ બેઠી હોય તોય આપણે ત્યાં વાંધો ના આવે. બીજી જગ્યાએ તો આવી વાત જ ના થાય ને !

જાગૃતિ મંદ પડી કે વિષય પેસી જાય. જાગૃતિ મંદ પડી કે પછી એ ધક્કો ખાય. વિષયે એક એવી ખરાબ વસ્તુ છે કે એમાં એક ફેરો લપસ્યો એટલે જાગૃતિ પર ગાઢ આવરણ આવી જાય. પછી જાગૃતિ રાખવી હોય તોય રહે નહીં. જ્યાં સુધી એકુંય ફેરો પડ્યો નથી, ત્યાં સુધી જાગૃતિ રહે. વખતે આવરણ આવે, પણ જાગૃતિ તરત જ આવી જાય. પણ એક જ ફેરો લપસ્યો તો જબરજસ્ત ગાઢું આવરણ આવી જાય, પછી સૂર્ય-ચંદ્ર દેખાય નહીં. એક જ વખત લપસવાનું બહુ નુકસાન છે.

પ્રશ્નકર્તા : જાગૃતિ મંદ એટલે 'એક્ચ્યુલી' કેવી રીતે બને છે ?

દાદાશ્રી : એક ફેરો આવરણ આવી જાય એને. એ શક્તિને સાચવનારી જે શક્તિ છે ને, એ શક્તિ પર આવરણ આવી જાય, એ શક્તિ કામ કરતી બુઠ્ઠી થઈ જાય. પછી તે ઘડીએ જાગૃતિ મંદ થઈ જાય. એ શક્તિ બુઠ્ઠી થઈ ગઈ પછી કશું થાય નહીં, કશું વળે નહીં. પાછો ફરી માર ખાય, પછી માર ખાયા જ કરે. પછી મન, વૃત્તિઓ, એ બધું એને અવળું સમજાવે કે, 'આપણને તો હવે કશો વાંધો નથી. આટલું બધું તો છે ને ?' આવું પાછાં મહીં વકીલ સમજાવનારા હોય, એ વકીલનું જજમેન્ટ પાછું ચાલુ થઈ જાય. પછી કહેશે કે પરહેજ કરો, મુક્ત હતા તેનાં પાછાં થયા પરહેજ. એવું થવું તેનાં કરતાં પૈણવું સારું, નહીં તો એવું થવું ના જોઈએ.

પ્રશ્નકર્તા : એ શક્તિને રક્ષણ આપનારી શક્તિ એટલે શું ?

દાદાશ્રી : એક ફેરો સ્લિપ થયો, તે સ્લિપ નહીં થવાની જે મહીં શક્તિ હતી તે ઘસાય, એટલે કે એ શક્તિ લપટી પડતી જાય. એટલે પછી બાટલી આમ આડી થઈ કે દૂધ એની મેળે જ બહાર નીકળી જાય, પેલું તો આપણે બૂચ કાઢવો પડતો હતો. એ તને સમજાયું ?

પ્રશ્નકર્તા : એક અસંયમ પરિણામથી પછી ગુણક રીતે જ આખું ડાઉનમાં જતું રહે ને અસંયમ વધ્યા જ કરે એવું ને ?

દાદાશ્રી : હા, એટલે અસંયમ વધ્યા જ કરે ને ! એટલે પાછું લપટું જ પડતું જાય. એક તો લપટું પડ્યું છે ને ફરી પાછું લપટું પડ્યું, તો પછી રહ્યું શું ? પછી તો મહીં મન-બુદ્ધિ શિખામણ આપનારા અને મહીં જજ ને બધા સાક્ષી પૂરનારા નીકળે. અલ્યા, કોઈ સાક્ષીવાળા નહોતા, તે ક્યાંથી આવ્યા ? ત્યારે કહે કે, 'અમને પહેલેથી કહ્યું હતું ને કે તમે સાક્ષીમાં આવજો, તે અમે સાક્ષી પૂરવા આવ્યા છીએ ! કે હવે કશો વાંધો નથી. તમારી તો, આટલી બધી જાગૃતિ. હવે તમને શો વાંધો છે, હવે તમારો જરાય દોષ નથી.' તારે કોઈ ફેરો એવા સાક્ષીવાળા નથી આવતા ?

પ્રશ્નકર્તા : હા, બને ને. પણ મારે કેવું બને છે કે પહેલું આમ ગ્રાફ ઊંચે જાય, પછી જાગૃતિ મંદ પડતી દેખાય, પછી ખબર પડે કે હવે ડાઉન થવા માંડ્યું. એટલે પછી પાછું તરત જોમ આવી જાય કે આ ભૂલ થાય છે ક્યાંક, એટલે પછી પાછી શોધખોળ થાય અને પાછું ઉપર આવી જવાય, પણ આમ ડાઉનમાં આવે છે ખરું !

દાદાશ્રી : હા, પણ એ ડાઉનમાં આવે તો, એ ક્યાં સુધી ચાલી શકે ? જ્યાં સુધી આપણી એકુંય ફેરો ભૂલ ના થાય ત્યાં સુધી ચાલી શકે, પણ એક ફેરો ભૂલ થઈ એટલે લપટું પડે. સંસારીપણામાં હજાર ભૂલો ખાય તેનો વાંધો નહીં. કારણ કે લપટું જ પડી ગયું છે, પછી એમાં વાંધો જ શો ? એનું નામ જ લપટું પડેલું છે ને ! પણ અહીં તો તમે ટાઈટ રાખ્યું છે તે ટાઈટ જ રાખવાનું, અને એ શક્તિ જો ઊર્ધ્વમાન થાય તો બહુ કામ કાઢી નાખે.

પ્રશ્નકર્તા : એ કેવા પ્રકારના દોષથી લપટું પડવાનું ચાલુ થાય છે ?

દાદાશ્રી : સંયમ, અસંયમ થયો કે લપટું પડી જ જાય. સંયમ જ્યાં સુધી સંયમભાવમાં હોય ત્યાં સુધી લપટું ના પડે. આમ વધ-ઘટ થયા કરે એનો વાંધો નહીં, પણ એ સંયમ તૂટ્યો કે પછી થઈ રહ્યું. એ સંયમ તૂટે ક્યારે ? કે 'વ્યવસ્થિત'નાં પાછળના અનુસંધાન હોય તો તૂટે. અને તૂટ્યા પછી, એને ખેદાનમેદાન કરી નાખે.

મૂર્છા ઊડી ગઈ પછી વાંધો નથી. મૂર્છા જ ઉડાડવાની છે. 'મને મૂર્છા ઊડી ગઈ' એવું બોલીએ તેથી કરીને કશું ના વળે, મૂર્છા તો એક્ઝેક્ટ જવી જ જોઈએ. અને તેય જ્ઞાની પુરુષની પાસે ટેસ્ટ કરાવી લેવું જોઈએ કે, 'સાહેબ, મારી મૂર્છા ગઈ કે નહીં, એ ટેસ્ટ કરી આપો.' નહીં તો મહીં એવી એવી વકીલાતો ચાલે કે 'બસ, હવે બધી મૂર્છા ઊડી ગઈ છે, હવે કોઈ વાંધો નથી !' એટલે વકીલાતો કરનારા બહુ ને ! માટે જાગૃત રહેવું ! અપરાધ થઈ જાય એવી જગ્યાએથી ખસી જવું. આત્મા તો આપ્યો છે અને એ આત્મા અસંગ સ્વભાવનો છે, નિર્લેપ સ્વભાવનો છે. પણ અનંત અવતારથી પુદ્ગલની ખેંચ છે. તમે જુદા થયા, પણ પુદ્ગલની ખેંચ છોડે નહીં ને ?! એ ખેંચ જાય નહીં ને ?! સ્ત્રી-પુરુષના આકર્ષણમાં એ જાગૃતિ ના રાખી, તો પુદ્ગલની ખેંચ એને અંધારામાં નાખી દે.

અંતે તો આત્મરૂપ જ થવાનું છે

પ્રશ્નકર્તા : જ્યારથી બ્રહ્મચર્યની વિચારણા શરૂ થઈ છે, ત્યારથી તે બાજુ મજબૂત બનવા માંડ્યું છે. તો મહીં પાછો આ અહંકારેય સાથે સાથે ઊભો થવા માંડ્યો, એય આમ હેરાન કરે ઘણીવાર.

દાદાશ્રી : કેવો અહંકાર ઊભો થાય ?

પ્રશ્નકર્તા : 'હું કંઈક છું, હું કેવું સરસ બ્રહ્મચર્ય પાળું છું.' એવો.

દાદાશ્રી : એ તો નિર્જીવ અહંકાર છે.

પ્રશ્નકર્તા : મહીં આ બધી ખુમારી ભરી હોય તેવું થઈ જાય.

દાદાશ્રી : હા, પણ તોય એ તો બધો નિર્જીવ અહંકાર કહેવાય. મરેલો માણસ બેઠો થઈ જાય તો આપણે ત્યાંથી નાસી જવું ?! બાકી, બ્રહ્મચર્યનો ખરો અર્થ શો છે કે બ્રહ્મમાં ચર્યા. શુદ્ધાત્મામાં જ રહેવું, એનું નામ બ્રહ્મચર્ય. પણ આ તો લોક બ્રહ્મચર્યનો શો અર્થ કરે છે ? નળને દાટો મારી દો. પણ દૂધ પીધું, તેનું શું થશે ? આખા જગતે વિષયોને વિષ કહ્યાં. પણ અમે કહીએ છીએ, 'વિષયો એ વિષ નથી, પણ વિષયોમાં નીડરતા એ વિષ છે.' નહીં તો મહાવીર ભગવાનને છોડી શી રીતે થાત ? જગત વાતને સમજ્યું જ નથી. રિલેટિવમાં બ્રહ્મચર્ય હોવું ઘટે, પણ આ તો પાછાં એક જ ખૂણામાં પડ્યા રહે છે અને બ્રહ્મચર્યનો જ આગ્રહ કરે છે અને તેનો જ દુરાગ્રહ કરે છે. બ્રહ્મચર્યના આગ્રહી થાય છે તેનો વાંધો નથી, પણ દુરાગ્રહી થયા તેનો વાંધો છે. આગ્રહ એ અહંકાર છે અને દુરાગ્રહ એ જબરજસ્ત અહંકાર છે. બ્રહ્મચર્યનો દુરાગ્રહ કર્યો એટલે ભગવાન કહે છે, 'માર ચોકડી.' પછી ભલેને બ્રહ્મચર્ય પાળતો હોય.

પ્રશ્નકર્તા : બધી બાબત માટે કોઈના દોષ મને ના દેખાય, પણ બ્રહ્મચર્ય માટે મને કોઈ અવળું કહે તો મારી બહુ હટી જાય, તરત જ એનાં દોષ દેખાવા માંડે.

દાદાશ્રી : આ શાથી ? કે આત્મા ઉપર પ્રીતિ નથી, બ્રહ્મચર્ય પર પ્રીતિ છે. પણ બ્રહ્મચર્ય એ પુદ્ગલ છે. આત્મા પોતે તો બ્રહ્મચારી જ છે, નિરંતર બ્રહ્મચારી છે ! આ તો આપણે બહારનો ઉપાય કરીએ છીએ અને તે પણ કુદરતી રીતે ડિસ્ચાર્જ રૂપે આવ્યો હોય તો જ થાય. એટલે બ્રહ્મચર્ય એ કંઈ મુખ્ય વસ્તુ નથી. એને મુખ્ય માનીએ તો આત્માનું મુખ્યપણું જતું રહે. મુખ્ય વસ્તુ તો આત્મા છે, બીજું કશું તો મુખ્ય છે જ નહીં. બીજા આ બધા તો સંયોગ છે અને સંયોગો પાછાં વિયોગી સ્વભાવના છે. આત્મા ને સંયોગો બે જ છે, બીજું કશું છે જ નહીં જગતમાં ! એટલે મુખ્યપણું બધું એક માત્ર આત્મામાં આવી ગયું, બીજા બધાને સંયોગ કહી દીધા. સંયોગને સારો-ખોટો કરવા જશો તો, તે બુદ્ધિ વાપરી અને બુદ્ધિ વાપરી માટે આત્મા છેટો ગયો. આપણું કેટલું સરસ સાયન્સ છે !

બ્રહ્મચર્ય વ્યવહારને આધીન છે ! નિશ્ચય તો બ્રહ્મચારી જ છે ને ! આત્મા તો બ્રહ્મચારી જ છે ને !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21