ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૧

વિષયનું સ્વરૂપ, જ્ઞાની દ્ષ્ટિએ

[૨]

વિકારોથી વિમુક્તિની વાટ

વિકારો હઠાવવાં છે ?

પ્રશ્નકર્તા : 'અક્રમ માર્ગ'માં વિકારો હઠાવવાનું સાધન કયું ?

દાદાશ્રી : અહીં વિકાર હઠાવવાના નથી. આ માર્ગ જુદો છે. કેટલાંક માણસો અહીં મન-વચન-કાયાનું બ્રહ્મચર્ય લે છે અને કેટલાંક સ્ત્રીવાળા હોય, તેને અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. એટલે 'અહીં' વિકારી પદ જ નથી, પદ જ 'અહીં' નિર્વિકારી છે ને ! વિષયો એ વિષ છે, તે તદ્દન વિષ નથી. વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય તો ના છૂટકે, પોલીસવાળો જેમ પકડીને કરાવે ને કરે તેમ હોય, તો, તેનો વાંધો નથી. પોતાની સ્વતંત્ર મરજીથી ના હોવું જોઈએ. પોલીસવાળો પકડીને જેલમાં બેસાડે ત્યાં તમારે બેસવું જ પડે ને ? ત્યાં કંઈ છૂટકો છે ? એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે, એમાં ના કહેવાય નહીં ને ! બાકી જ્યાં વિષયની વાત જ હોય, ત્યાં ધર્મ નથી. ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે, પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ.

વિકારથી જ સંસાર ઊભો થયો છે. આ બધો સંસાર એટલે વિષયોનો વિકાર, આ પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિકારો છે અને મોક્ષ એટલે નિર્વિકાર, આત્મા નિર્વિકાર છે. ત્યાં રાગેય નથી ને દ્વેષેય નથી.

પ્રશ્નકર્તા : વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કંઈક તો નાવડું હોવું જોઈએ ને ?

દાદાશ્રી : હા, એના માટે જ્ઞાન હોય છે. એના માટે ગુરુ એવા મળવા જોઈએ. ગુરુ વિકારી ના હોવાં જોઈએ. ગુરુ વિકારી હોય તો આખું ટોળું નર્કે જાય. ફરી મનુષ્યગતિ યે ના દેખે. ગુરુમાં વિકાર ના શોભે.

કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામમાર્ગી કહેવાય. પહેલાના કાળમાં વામમાર્ગી હતા, વિકાર સાથે બ્રહ્મ ખોળવા નીકળેલા.

પ્રશ્નકર્તા : એ પણ એક વિકૃત સ્વરૂપ જ થયેલું કહેવાય ને ?

દાદાશ્રી : હા, વિકૃત જ ને ! તેથી વામમાર્ગી કહ્યું ને ! વામમાર્ગી એટલે મોક્ષે જાય નહીં ને લોકોનેય મોક્ષે જવા દે નહીં. પોતે અધોગતિમાં જાય ને લોકોનેય અધોગતિમાં લઈ જાય.

પ્રશ્નકર્તા : દરેક કાળમાં આવા વામમાર્ગ હશે તો ખરાં જ ને ?

દાદાશ્રી : હા, દરેક કાળમાં વામમાર્ગ તો હોય છે જ. વધતા-ઓછા પ્રમાણમાં વામમાર્ગ તો હોય. પહેલાં બહુ ઓછા પ્રમાણમાં હતા. અત્યારે કળિયુગમાં જબરજસ્ત પ્રમાણમાં હોય.

સહેજ વિકારી સંબંધવાળો હોયને ત્યાં સુધી દુનિયામાં કોઈને સુધારી શકે નહીં. વિકારી સ્વભાવ જ આત્મઘાતી સ્વભાવ. અત્યાર સુધી કોઈએ શીખવાડ્યુ નહીં કશું ?

બ્રહ્મચર્ય, પ્રોજેકટનું પરિણામ

પ્રશ્નકર્તા : કુદરતને જો સ્ત્રી-પુરુષની જરૂરિયાત ન હોય, તો એ શા માટે આપ્યું ?

દાદાશ્રી : સ્ત્રી-પુરુષ એ કુદરતી છે અને બ્રહ્મચર્યનો હિસાબ એ પણ કુદરતી છે. માણસ જેવી રીતે જીવવા માગે, તે જેવી ભાવના પોતે કરે છે, એ ભાવનાના ફળરૂપે આ જગત છે. બ્રહ્મચર્યની ભાવના ગયા અવતારમાં ભાવી હોય તો અત્યારે બ્રહ્મચર્યનો ઉદય આવે. આ જગત પ્રોજેકટ છે.

પ્રશ્નકર્તા : પણ હજુ મને એ વાત સમજાતી નથી કે માણસે શા માટે બ્રહ્મચર્ય પાળવું ?

દાદાશ્રી : એ લેટ ગો કરો આપણે. બ્રહ્મચર્ય નહીં પાળવાનું. હું કંઈ એવા મતનો નથી. હું તો લોકોને કહું છું કે પૈણી જાવ. કોઈ પૈણે એમાં મને વાંધો નથી.

એવું છે, જેને સંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતાં હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં.

પ્રશ્નકર્તા : 'બ્રહ્મચર્ય ના જ પાળવું' એવી મારે ચેલેન્જ નથી, પણ એ વાતની સમજ નથી.

દાદાશ્રી : બરોબર છે. વાત સાચી છે. તમારી ચેલેન્જ નથી, એ વાત ખરી છે ! અને ચેલેન્જ અપાય એવુંય નથી. કારણ કે આ દુનિયામાં કઈ જાતના ભાવ કર્યા હોય, એણે શું પ્રોજેકટ કર્યો હોય, એ શું આપણે કહી શકીએ ?! કોઈએ આખી જિન્દગી ભક્તિનો જ પ્રોજેકટ કર્યો, તો આખી જિન્દગી ભક્તિ જ કર્યા કરે. કોઈએ દાન જ આપવાનો પ્રોજેક્ટ કર્યો હોય તો દાન આપે. કોઈએ ઓબ્લાઈઝિંગ નેચરનો કર્યો હોય તો ઓબ્લાઈઝ કર્યા કરે. કોઈ છે તે વિકારી નેચરનો હોય, એ પોતાની સ્ત્રીનું સુખ ભોગવતો હોય. પણ બીજી કેટલીક છોકરીઓનો ખોટો લાભ ઊઠાવે. એ બધું ગમે તેવાં માણસો હોય, જેવો પ્રોજેકટ કર્યો હોય, તેવું આ ફળ મળ્યું છે. એનાં ફળ મળે છે કડવાં. તે નર્કગતિમાં ભોગવવા જવું પડે.

એના હેતુ પર આધાર

વિષય વિકાર હોય તો ગમે તેટલો યોગ ફળે નહીં.

પ્રશ્નકર્તા : વિષય જે હોય છે, વિકાર અંદર ભરેલો હોય છે, તે નાનો જીવ હોય ત્યાંથી મોટાં સુધીમાં, દરેકનો વિષય પુત્રદાન માટે જ હોય છે ને ?

દાદાશ્રી : પુત્ર કે પુત્રી ગમે તે હોય, પણ તે સંસાર વધારવા માટે જ. વેલો વધે એ માટે જ છે ને !

પ્રશ્નકર્તા : વિષય કરે છે તે ઇચ્છાથી નહીં, ખાલી સંતાન પ્રાપ્તિ માટે જ વિષય હોવો જોઈએ, એ સારું કહેવાય ?

દાદાશ્રી : એવું છે ને, પુત્રના હેતુ માટે અબ્રહ્મચર્ય કરે છે તેને, ને બ્રહ્મચર્યને કંઈ લાગતું-વળગતું નથી. બ્રહ્મચર્ય તો બહુ ઊંચી વસ્તુ છે. અબ્રહ્મચર્ય તો પ્રજાની ઉત્પત્તિ માટે વાપરવાની કંઈ જરૂર નથી. પ્રજાની ઉત્પત્તિ માટે તો આ જાનવરો બધા કર્યા જ કરે છે ને ! એમાં નવું શું છે તે ? એના કરતાં મોજશોખ માટે વાપરે તે સારું. મોજશોખ માટે થઈ રહ્યું છે અને પેલું તો એમ લાગે કે મને આ ફળ મળ્યું છે. આ તો છેલ્લામાં છેલ્લી કક્ષાની વાત છે. જેવું મારી દ્ષ્ટિમાં છે, તે તમને કહું છું. પછી તમને જે ઠીક લાગે તેમ અનુકૂળ લેજો.

પ્રશ્નકર્તા : એમાં દોષ ખરો કે ?

દાદાશ્રી : દોષ તો ખરો જ ને ! એ પ્રજા ઉત્પત્તિ માટે ના હોવું જોઈએ. એના કરતાં તમે શોખને માટે કરતા હોય તો છેવટે એનો ધક્કો વાગે એટલે પાછો ફરે અને આમાં તો પાછો જ ના ફરે ને, પ્રજાની ઉત્પત્તિમાં નવ છોકરાં થાય તોય !!!

પ્રશ્નકર્તા : આજના વિકારમય વાતાવરણમાં, ઘરમાં રહીને પણ આત્માનો, ભગવાનનો અનુભવ કેવી રીતે થાય ?

દાદાશ્રી : ઘરમાં રહીને એટલે ઘર વાંધો કાઢે છે ?

પ્રશ્નકર્તા : વાતાવરણ વિકારી છે.

દાદાશ્રી : હા, પણ કઈ જગ્યા વિકારી નથી ? જ્યાં મન હોય, તે જગ્યાએ વિકારી વાતાવરણ હોય જ. તમે જ્યાં જશો ત્યાં મન તો જોડે હશે જ ને ? ગુફાઓમાં જવું, એના કરતાં ઘર સારું. ત્યાં ગુફાઓમાં નવી જાતના વિકાર ઊભા થાય, એના કરતાં આ જૂના વિકારો સારા, જૂના તો ઘૈડા થઈ ગયેલા હોય. તે વિકાર મરશે કો'ક દા'ડો. જ્યારે આ નવા વિકાર નહીં મરે.

પ્રશ્નકર્તા : ઘરમાં રહીને મનના વિકારો છૂટી શકે ?

દાદાશ્રી : હા, બધું છૂટી જ જાય છે ને ! ઘરમાં રહીને તો શું, ગમે ત્યાં રહીને છૂટી જાય, જો 'જ્ઞાની પુરુષ' મળે તો. 'જ્ઞાની પુરુષ' મળે અને જો કદી વિકાર ના છૂટી જાય, તો એ જ્ઞાની જ ન હોય. આપણે જ્ઞાનીને કહેવું, કે આપ કેવા મળ્યા અમને, તે અમને આ વિકાર ઉત્પન્ન થયા ? પણ આપણા લોકો વિનયી એટલે એવું નથી બોલતાં બિચારા. અફળાય, અફળાય કરે છે તોય નથી બોલતાં.

ન જાણ્યું જગતે સ્વરૂપ વાસનાનું

પ્રશ્નકર્તા : કામવાસનાનું સુખ ક્ષણિક જાણવા છતાં ક્યારેક તેની પ્રબળ ઇચ્છા થવાનું કારણ શું ? અને તે કઈ રીતે અંકુશમાં લઈ શકાય ?

દાદાશ્રી : કામવાસનાનું સ્વરૂપ જગતે જાણ્યું જ નથી. કામવાસના શાથી ઉત્પન્ન થાય છે, એ જો જાણે તો એ કાબૂમાં લઈ શકાય. પણ વસ્તુસ્થિતિમાં એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ જાણતો જ નથી. પછી શી રીતે કાબૂમાં લઈ શકે ? કોઈ કાબૂમાં લઈ ના શકે. જેણે કાબૂમાં લીધેલું છે, એવું દેખાય છે, એ તો પૂર્વેની ભાવનાનું ફળ છે, બાકી કામવાસનાનું સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું, એ ઉત્પન્ન દશા જાણે, ત્યાં જ તાળું મારવામાં આવે તો જ એ કાબૂમાં લઈ શકે. બાકી પછી એ તાળાં મારે કે ગમે તે કરે તોય કશું ચાલે નહીં. કામવાસના ના કરવી હોય તો અમે રસ્તો દેખાડીએ.

અજ્ઞાનના વાંકે ઇન્દ્રિયોને ડામ

પ્રશ્નકર્તા : આ ઇન્દ્રિયો છે, તે ભોગવ્યા સિવાય શાંત પડતી નથી. તો એ સિવાય બીજો ઉપાય ખરો ?

દાદાશ્રી : એવું કશું નથી. ઇન્દ્રિયો તો બિચારી ભોગ ઠેઠ સુધી ભોગવ્યા જ કરે છે. એનામાં જ્યાં સુધી સત્ત્વ હોય ત્યાં સુધી, જીભમાં બરકત હોય ને એટલે એની ઉપર આપણે કોઈ વસ્તુ મૂકીએ કે તરત એનાં સ્વાદ આપણને કહી આપે, અને ઉંમર ઘૈડી થયેલી હોય ને જીભમાં બરકત ના હોય તો ના કહી આપે. આંખમાં બરકત હોય તો બધી ગમે તે વસ્તુ હોય તો કહી આપે. બરકત જરા ઓછી થયેલી હોય, ઘૈડપણને લઈને તો ના કહી આપે. એટલે ઇન્દ્રિયો તો બિચારી, એમ ને એમ મોળી થઈ જાય છે, ઉંમર થાય એટલે. પણ એ વિષય મોળા ના થાય. આ ઇન્દ્રિયો વિષયી નથી.

વિષય આ ઇન્દ્રિયોનો દોષ નથી. ઇન્દ્રિયોને વગર કામનાં ડામ દે છે આ લોકો. ઇન્દ્રિયોને, શરીરને બધા ડામ દે છે ને ? એ પાડાનાં વાંકે પખાલીને ડામ દે છે. વાંક પાડાનો છે અને દે છે પખાલીને ડામ. ભૂખે મારે છે, વગર કામનું મૂઆ. એનું શું કામ નામ દે છે તું ? પાંસરો મરને. તારું વાંકું છે મહીં, દાનત ચોર છે અને તેય જ્ઞાની મળ્યા નથી, જ્ઞાની મળે તો સવળે રસ્તે ચડાવી દેવાય, વાર ના લાગે.

પ્રશ્નકર્તા : વિષયોમાંથી વાળવા માટે જ્ઞાન મહત્ત્વની વસ્તુ છે.

દાદાશ્રી : બધા વિષયો છૂટી જવા માટે જ્ઞાન જ છે જરૂરી. અજ્ઞાનથી જ વિષયો વળગ્યા છે. તે ગમે એટલાં તાળાં વાસે તોય કંઈ વિષય બંધ ન થાય. ઇન્દ્રિયોને તાળાં મારનારા મેં જોયા, પણ એમ કંઈ વિષય બંધ થાય નહીં.

જ્ઞાનથી બધું જતું રહે. આપણે આ બધા બ્રહ્મચારીઓને વિચાર સરખો નહીં આવતો જ્ઞાનથી.

વિષયનો શોખ, વધારે વિષય

પ્રશ્નકર્તા : આપણા બધા શોખ હોય, એ પૂરા કરવાથી આપણને ટેમ્પરરી આનંદ મળે ખરો ?

દાદાશ્રી : પણ હમણે આઈસ્ક્રીમ હોય તો સારું ના લાગે પેટમાં ?! પણ પછી શું, ખઈ રહ્યા પછી ? પછી લાવ, જરા સોપારી ! કેમ પાછું આ આઈસ્ક્રીમ હોય તોય હજુ સોપારીની જરૂર ! ત્યારે કહે, ના, એ તો મોઢું ચોખ્ખું કરવું પડે ને ! અને સોપારી ખાધા પછી શું ? હતો તેનો તે મૂઆ !

પ્રશ્નકર્તા : સાયકોલોજી એવું કહે છે કે તમે એક વખત ધરાઈને ખાઈ લો આઈસ્ક્રીમ. પછી તમને ખાવાનું મન જ ના થાય.

દાદાશ્રી : એવું દુનિયામાં બની શકે નહીં. ના, એ ધરાઈને ખાધાથી તો ખાવાનું મન થાય જ. પણ જે તમને ના ખાવો હોય ને ખવડાય, ખવડાય કરે, રેડ રેડ કરે. તે પછી ઉલ્ટીઓ થાયને ત્યારે બંધ થઈ જાય. ધરાઈને ખાય તો ફરી જાગે એ તો. આ વિષય તો હંમેશાં જેમ જેમ વિષય ભોગવતો જાય એમ વધારે વધારે સળગતું જાય. વિષય તો વધારે સળગતા જાય.

જે સુખ ભોગવે છે એની તરસ વધતી જાય છે. ભોગવવાથી તરસ વધતી જાય. ના ભોગવે તો તરસ મટી જાય. એનું નામ તૃષ્ણા. ના ભોગવવાથી થોડાં દહાડાં હેરાન થઈએ વખતે મહિનો, બે મહિના. પણ અપરિચયથી બિલકુલ ભૂલી જ જવાય પછી. અને ભોગવનારો માણસ એ વાસના કાઢી શકે એ વાતમાં માલ નથી. એથી આપણાં લોકોની, શાસ્ત્રોની શોધખોળ છે કે આ બ્રહ્મચર્યનો રસ્તો જ ઉત્તમ છે. એટલે મોટામાં મોટો ઉપાય, અપરિચય ! એટલે વિચાર આવે, એનું તોલન થાય, એના પરિણામ ખબર પડે. પરિચયમાં તો ખબર જ ના પડે ને, કે શું દોષ છે તે જ ! અને અપરિચયને લઈને વિષય છૂટે. હિન્દુસ્તાનમાં લોકો શેને બ્રહ્મચર્ય કહેવાય એ જ સમજતા નથી. વિષય એ અપરિચયથી બધું ખલાસ થઈ જાય છે.

અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે ! પરિચય મનનો છૂટો થયો. 'આપણે' છૂટા રહ્યા એટલે મનેય પેલી વસ્તુથી છેટું રહ્યું, એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદેય ના આવે. પછી કહે તોય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ?! તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી. મહિનો-બે મહિના સુધી કચ કચ કર્યા કરે એવો મનનો સ્વભાવ છે અને આપણું જ્ઞાન તો મનને ગાંઠે જ નહીં ને ?!

ન આંતરાય મનને

પ્રશ્નકર્તા : મનને જ્યારે વિષય તરફ ભોગવવા માટે આપણે છૂટ આપીએ છીએ, ત્યારે એ છે તો નીરસ રહે છે અને જ્યારે આપણે એને વિષયો ભોગવવા માટે કંટ્રોલ કરીએ છીએ, ત્યારે એ વધારે ઉછળે છે. આકર્ષણ રહે છે, તો એનું શું કારણ ?

દાદાશ્રી : એવું છે ને, મનને કંટ્રોલ આનું નામ કહેવાય નહીં. જે આપણો કંટ્રોલ સ્વીકારે નહીં એ કંટ્રોલ જ ન્હોય. કંટ્રોલર હોવો જોઈએ ને ? પોતે કંટ્રોલર હોય તો કંટ્રોલ સ્વીકારે. પોતે કંટ્રોલર છે નહીં, મન નથી માનતું, મન તમને ગાંઠતું નથી ને ?

મનને આંતરવાનું નથી. મનના કૉઝીઝને આંતરવાના છે. મન તો પોતે, એક પરિણામ છે. એ પરિણામ બતાવ્યા વગર રહેશે નહીં. પરીક્ષાનું એ રિઝલ્ટ છે. પરિણામ બદલાય નહીં, પરીક્ષા બદલવાની છે. એ પરિણામ જેનાથી ઊભું થાય છે એ કારણોને બંધ કરવાના છે. ત્યારે તે શી રીતે પકડાય ? શાનાથી ઊભું થયું છે મન ? ત્યારે કહે, વિષયમાં ચોટેલું છે. 'ક્યાં ચોટેલું છે' એ ખોળી કાઢવું જોઈએ અને પછી ત્યાં કાપવાનું છે.

પ્રશ્નકર્તા : એ વિષયોમાંથી બંધ કેવી રીતે કરવું મનને ?

દાદાશ્રી : વિષયોમાંથી બંધ નહીં કરવાનું. જે વિષયો મન ઊભા કરે છે અને એ મન છે તે પછી પકડ પકડે છે. એ વિષયોને આપણે જ્યાં ત્યાં એ ધીમે ધીમે કમી કરવા જોઈએ. એટલે એના કૉઝીઝ બંધ કરવા જોઈએ.

આપણે પાડોશીને કહીએ કે ભઈ, તમારે અમારી જોડે ઝઘડો કરવો નહીં. અમારી જોડે આ તકરાર કરવી નહીં, તોય તકરાર થયા કરતી હોય તો આપણે ના સમજીએ કંઈ ભૂલ બીજી જ છે. સમજીએ કે ના સમજીએ ? ત્યારે કહે, શી ભૂલ ? ત્યારે કહે, આ ઝઘડો ના થાય એવા કારણો ઊભા કરો પછી. એટલે પેલો ઝઘડો તો થઈ જ જશે થોડા દહાડા, પણ ઝઘડો ન થવાના કારણોનું જ્યારે સેવન થાય ત્યારે પછી તેવા પરિણામ આવશે. ઝઘડાનાં કારણો સેવ્યા કરીએ અને ઝઘડો બંધ કરીએ. એ બને ખરું ?

પ્રશ્નકર્તા : ના બને.

દાદાશ્રી : એટલે એના કારણો બંધ કરવા પડે. મેં કહ્યું છે ને, મન-વચન-કાયા એ ઈફેક્ટીવ વસ્તુ છે. એના કૉઝીઝ બંધ કરો !

પ્રશ્નકર્તા : કારણ બંધ કરવા એટલે ? આવું ના થાય એવા ભાવ કરવા એવું જ ને ?

દાદાશ્રી : આપણે કારણ બંધ કરવું, એટલે ગઈકાલે પોલીસવાળા એ આપણું નામ લખી લીધું હોય. સાયકલ ઉપર જતા હોય ને લાઈટ ન હોય તો નામ લખી લીધું હોય તો બીજે દહાડે આપણે કૉઝીઝ બંધ કરીએ કે ના બંધ કરીએ ? કે ભઈ આજ તો લાઈટ ઘાલો. તો પછી લખી લે ? એ કારણ બંધ થઈ જાય ને ? એવી જ રીતે આ કૉઝીઝ બંધ કરવાના છે. બધું આવડે એવું છે, ફક્ત 'ચા'ની જ ટેવ પડી છે. એટલું જ છે ભાંજગડ.

લાવો, જરા 'ચા' પીએ. મહીં અકળાશે, તે ઘડીએ ચા પીવાની જરૂર નથી. વિચારવાની જરૂર છે, ત્યારે ચા પી નાખે છે ત્યાં. જ્યાં વિચારવાનો સ્કોપ મળે અને મગજ ગૂંચાય, ત્યારે કહે, 'ચા પીવી જોઈએ.' અલ્યા મૂઆ, અત્યારે વિચારવાની જરૂર છે. ચા હમણે રહેવા દે, સવારે પીજે. કૉઝીઝ બંધ કરીએ તો થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : સમજાયું.

દાદાશ્રી : એક ફેરો કો'કની જોડે અવિનય કરીએ આપણે, ખસ અહીંથી આઘો. તો એ ગાળ દઈ દે, તો આપણે બીજી વખત એવું ના કરીએ ને ?

પ્રશ્નકર્તા : ના કરીએ.

દાદાશ્રી : પેલું એ તો બંધ નહીં થાય. આ તમે આ રસ્તો બદલો. એનું નામ જ્ઞાન. પેલું બંધ કરવા પ્રયત્ન કરે તેનું નામ જ ભ્રાંતિ. ભ્રાંતિ હંમેશા ઈફેક્ટને જ તોડવા ફરે છે. જ્યારે જ્ઞાન કૉઝીઝને બંધ કરવા ફરે છે.

વાસના, વસ્તુ નહીં, પણ રસ

પ્રશ્નકર્તા : મનુષ્યોની વાસનાઓનો મોક્ષ ક્યારે થાય ?

દાદાશ્રી : વાસનાઓનો તો થઈ જ જાય. વાસનાઓ તો તમે ઊભી કરેલી છે, તમે જ એના જન્મદાતા છો અને વિલય કરનારાય તમે છો.

તમારી વાસના જુદી ને ભઈની વાસના જુદી. દરેકની જુદી જુદી વાસનાઓને ? અને વાસના તો સાયન્ટિફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. હમણે એક મુસલમાન ભઈબંધ થયો હોય ને, તો પછી પેલું માંસાહાર ખાતા હઉ શીખી જાય. હવે એ વાસના કંઈથી લાવ્યા'તા ? ત્યારે કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય અને તે નવું નથી, આ ગપ્પું નથી. પાછું પહેલાના કૉઝીઝ હિસાબે છે આ બધાં. તે ખાતાં શીખી જાય. બીજું, સંજોગોને લીધે વાસનાઓ ઊભી થાય છે. બાકી એક છોકરો છે તે એમ ને એમ કોઈ માણસ દેખાય નહીં ને, ત્યાં આગળ એ ઉછરતો હોયને તો એ વિષય સમજી શકે નહીં. ખાવાપીવાનું સમજી શકે એ. પણ ત્યાં આગળ જાનવર કશું હોવું ના જોઈએ. એને જોવામાં ન આવવું જોઈએ. તો એને કશું વાસના નથી. આ તો બધું વાસનાઓનું સંગ્રહસ્થાન છે, ને ત્યાં જન્મ થવાનો, એટલે પછી શું થાય એ સંગ્રહસ્થાનમાંથી ! એ જોવામાં આવ્યું, ત્યાંથી વાસના ઊભી થઈ જાય. અને તેય અજાયબી છે કે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે વાસનાઓ ક્યાંની ક્યાં ઉડી જાય છે, તે જ સમજણ નથી પડતી.

પ્રશ્નકર્તા : અંદરનો રસ સૂકાઈ જાય છે.

દાદાશ્રી : હા. વસ્તુને વાસના નથી કહેતા, રસને વાસના કહે છે. આ રસ ના હોય તો વાસના ગણાતી જ નથી. એટલે વાસના ક્યાંની ક્યાં ઉડી જાય છે. હવે એ એક કલાકના જ પ્રયોગથી, વધારે પ્રયોગ નહીં પાછો, આ જ્ઞાન પછી વાસના જતી રહે છે ને ! રસ જતો રહે છે ને ? બીજું બધું સ્થૂળ છે.

જ્ઞાની જ છોડાવે, વાસના સહેલાઈથી

પ્રશ્નકર્તા : વાસના છોડવાનો સહેલામાં સહેલો ઉપાય કયો ?

દાદાશ્રી : મારી પાસે આવો તે ઉપાય. બીજો શો ઉપાય ? વાસના તમે જાતે છોડશો તો બીજી પેસી જશે. કારણ કે એકલો અવકાશ રહેતો જ નથી. તમે વાસના છોડો કે અવકાશ થયો ને ત્યાં પછી બીજી વાસના પેસી જશે.

પ્રશ્નકર્તા : આ વાસનાની જગ્યાએ બીજી કોઈ સારી વાસના આવે, તો એ સારી વસ્તુ ના કહેવાય ?

દાદાશ્રી : વાસના ચેન્જ થઈ શકે. ખરાબ વાસનાને બદલે સારી વાસના મહીં પેસી શકે, પણ સારી વાસના મહીં પેસે તો પાછું ખરાબ તૈયાર કરી રહી હોય. જો કાયમને માટે સારી વાસના રહી શકે એવું હોય તો બહુ સરસ જગત છે આ. પણ તેવું રહી શકે તેવું નથી. માટે આમાંથી છૂટકારો લેવો સારો. વાસના કન્વર્ટ કરીએ અને સારી વાસના ભેળી કરીએ, એવું બની શકે એવું જ નથી. એ 'પોસીબલ' જ નથી. તદ્દન શુભ વાસનાવાળો માણસ દેખાવો પણ મુશ્કેલ છે !

પ્રશ્નકર્તા : એટલે સામાન્ય રીતે પુરુષને સ્ત્રી તરફ જે વલણ રહે છે એમાંથી કેવી રીતે મુક્તિ મેળવાય ?

દાદાશ્રી : એવું છે ને, પોતે જ્યાં સુધી પુરુષ હોય ત્યાં સુધી સ્ત્રી તરફનું વલણ રહે જ, જ્યાં સુધી જવાની હોય ત્યાં સુધી. હમણે એંસી વર્ષનાં ડોસાને ના હોય ! દુકાન નાદારીમાં ગઈ પછી શું હોય ? નાદારીની દુકાનમાં કશો માલ હોય ? ત્યારે બાળકને નવ વર્ષ સુધી ના હોય. આ વચલી દુકાન જરા જબરજસ્ત ચાલતી હોય, ધમધોકાર. ત્યારે બધું આ હોય, પણ જ્યાં સુધી પુરુષ છે ત્યાં સુધી આ વાસના રહે અને સ્ત્રી છે ત્યાં સુધી વાસના રહે. પણ પુરુષ જ મટી જાય તો ?

પ્રશ્નકર્તા : એ કેવી રીતે મટી શકાય ?

દાદાશ્રી : આ વાસનાવાળો એ ચંદ્રેશ અને તમે તો 'માય નેઈમ ઈઝ ચંદ્રેશ' કહો છો. માટે તમે જુદા છો આનાથી. એ વાતની ખાતરી થાય છે ? તો એ તમે કોણ છો ? એટલું જ તમને હું રીયલાઈઝ કરી આપું એટલે તમારી વાસના છૂટી ગઈ.

વાસનાઓ શું છે તે ? 'હું ચંદ્રેશ છું.' એ મટે તો જ વાસનાઓ જાય, નહીં તો વાસનાઓ જાય નહીં. હું તો શું કહું છું, કે 'આત્મા શું છે' એ જાણો, 'અનાત્મા શું છે' એ જાણો. એ જાણતાં જ વાસનાઓ ઊડી જશે.

જેમ ડેવલપમેન્ટ વધારે ઊંચું, તેમ મૂર્છા ઓછી. આમાં શું ભોગવવાનું છે ? બધું ભોગવીને જ આવેલા છીએ. જેણે ઓછું ભોગવેલું તેને મૂર્છા વધારે.

વિષય ને કષાયની ભેદરેખા

પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ તમે કહ્યું ને, તે આ વિષય શેમાં આવે છે ? 'કામ' શેમાં આવે છે ?

દાદાશ્રી : વિષય જુદા ને આ કષાય જુદા છે. વિષયોને જો કદી આપણે તેની હદ ઓળંગીએ, હદથી વધારે માંગીએ એ લોભ છે.

પ્રશ્નકર્તા : સ્ત્રી-પુરુષના વિષય માટેનો પ્રશ્ન છે.

દાદાશ્રી : હા, એ જ ને ! એ વિષયના અતિરેકને લોભ કહ્યો.

પ્રશ્નકર્તા : વિષયનો ભૂખ્યો માણસ હોય છે, તે શું 'વ્યવસ્થિત'ના હિસાબે હોય છે ?

દાદાશ્રી : ના. એવું છે ને, કે આ મોટી કડાઈ હોય, ને એની મહીં કઢી કરી હોય, તે કઢીમાં હિંગનો વઘાર કર્યો હોય. હવે છ મહિના પછી એ કડાઈ ફરી અજવાળો, ને પછી એમાં દૂધપાક બનાવો તોય મહીં હિંગની ગંધ આવે. શાથી ? કે હિંગનો પાસ બેસી ગયો છે. એટલે આવી આ વિષયની ગંધ બધી મહીં પડી રહેલી હોય છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21