ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૨]

દ્ષ્ટિ ઉખડે, 'થ્રી વિઝને'

'રેશમી ચાદર' પાછળ

દાદાશ્રી : આમ લોહીની મહીં બધા માંસના ટુકડા પડ્યા હોય તો તે તમને જોવાના ગમે ખરા કે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : અને ઈડલી જોવાનું ગમે ?

પ્રશ્નકર્તા : હા, ગમે.

દાદાશ્રી : કોથમીર અને લીલાં મરચાંની ચટણી કરે, તે જોવાનું ગમે કે પેલું માંસ જોવાનું ગમે ?

પ્રશ્નકર્તા : ચટણી ગમે.

દાદાશ્રી : ચટણી લીલા લોહીની બનેલી છે અને આ લાલ લોહીની. આ તો ખાલી રાગ-દ્વેષ કર્યા કરે છે. આની ઉપર રાગ કરે છે ને માંસ ઉપર દ્વેષ કરે છે ! ચટણી કયા લોહીની બનેલી છે ? સ્થાવર એકેન્દ્રિયનું ગ્રીન કલરનું લોહી છે ને આપણું લોહી લાલ છે. પાંચ ઇન્દ્રિયોના બધા જીવોનું લાલ કલરનું લોહી છે. લાલ લોહીમાં જાત જાતનાં ઘટ પ્રમાણ હોય. હાડકાંને તું કોઈ દહાડો અડતો નથીને ?

પ્રશ્નકર્તા : કો'ક દહાડો ભૂલમાં અડી જવાય.

દાદાશ્રી : ખાવાની જોડે માંસ મૂક્યું હોય તો ખાવાનું તને ભાવે કે ના ભાવે ?

પ્રશ્નકર્તા : ના ભાવે.

દાદાશ્રી : પણ એ માંસ ઢાંકેલું હોય તો ?

પ્રશ્નકર્તા : તો ભૂલમાં ખવાઈ પણ જવાય.

દાદાશ્રી : આ દેહને ઢાંકેલી ચાદર છે ને પેલું ઉઘાડું માંસ છે.

પ્રશ્નકર્તા : એ ઉઘાડું તો દેખાય, પણ આ ઢાંકેલું હોય તો ના દેખાય.

દાદાશ્રી : હમણાં ચાદર ઉઘાડીએ તો ?

પ્રશ્નકર્તા : માંસ ને બધું દેખાય તો ચીતરી ચઢે.

દાદાશ્રી : અને દેખાય નહીં તો ?

પ્રશ્નકર્તા : તો પછી ખબર ના પડે.

દાદાશ્રી : એ આંખ કેવી તે આપણી, કે છે છતાં નથી દેખાતું ? આપણે જાણીએ કે આ ચાદરથી બાંધેલું છે, તોય પણ એ કેમ નથી દેખાતું ? આમ બુદ્ધિ તો કહે કે છે મહીં, તોય ના દેખાય, તો એ આંખ કેવી ? આ ચાદર છે તેને લીધે આ બધું રૂપાળું લાગે છે. ચાદર ખસી જાય તો કેવું લાગે ?

પ્રશ્નકર્તા : લોહી-માંસ જેવું.

દાદાશ્રી : તો ત્યાં ચીતરી ના ચઢે ?

પ્રશ્નકર્તા : ચઢે.

દાદાશ્રી : કોઈને અહીં દાઝયો હોય ત્યાં પરુ નીકળતું હોય, તો ત્યાં આપણને હાથ ફેરવવાનું ગમે ?

પ્રશ્નકર્તા : ના ગમે.

દાદાશ્રી : આ શી રીતે વિષય ઊભો રહ્યો છે, તે જ સમજાતું નથી. એ ઉઘાડી આંખે ઊંઘે છે, ત્યાં ઊંઘતાને શું કરે ? લોકો તો 'દેહની મહીં શું છે' તે નથી જાણતા. આ હવાઈ તું લાવ્યો હોય તો તને ખબર પડે ને, કે આમાં દારૂ ભરેલો છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો આમાં કેમ ખબર નથી રહેતી ? હવાઈનું તો લક્ષ રહ્યા જ કરે કે આ દારૂ ભરેલો છે, આ ફૂટી નથી, હજી ફૂટવાની બાકી છે ને આ ફૂટી ગયેલી છે, એવી ખબર પડે છેને ? અને આ જીવતાં મનુષ્યોમાં શું દારૂ ભરેલો છે, તેની કેમ ખબર નથી પડતી ? એમાં શું શું દારૂ ભર્યો છે ?

પ્રશ્નકર્તા : હાડકાં, લોહી, માંસ.

દાદાશ્રી : હાડકાં મહીં ખરાં કે ? તે શી રીતે જોયેલાં ?

પ્રશ્નકર્તા : જોયાં નથી, પણ બુદ્ધિથી ખબર પડેને ?

દાદાશ્રી : બુદ્ધિ તો પરાવલંબી છે, સ્વાવલંબી નથી. બીજી જગ્યાએ જોયું હોય તેના પરથી ખબર પડે કે માણસને આવું હોય છે, તે મારામાં હશે. બુદ્ધિ પરાવલંબી છે અને જ્ઞાન પરાવલંબી નથી. જ્ઞાન સીધું દેખે. ગંદવાડો લાગે તેવું બીજું કશું હશે શરીરમાં?

પ્રશ્નકર્તા : દુષ્ટતા હોય.

દાદાશ્રી : દુષ્ટતા તો જાણે ઠીક છે, એ પ્રાકૃત ગુણ કહેવાય; પણ આમાં માલ શું શું છે ?

પ્રશ્નકર્તા : બીજું ખબર નથી.

દાદાશ્રી : ખાવાનું તું શું શું ખાય છે ?

પ્રશ્નકર્તા : દાળ, ભાત, રોટલી, શાક.

દાદાશ્રી : પછી એ ગલન થાય છે, ત્યારે શું થાય છે ?

પ્રશ્નકર્તા : મળ થઈ જાય.

દાદાશ્રી : એવું શાથી થાય છે ? આપણે જે ખોરાક ખાઈએ ને તેમાંથી બધો સાર સાર ખેંચાઈ જાય અને લોહી ને એ બધું બને ને શરીર જીવતું રહે અને જે અસાર રહે તે નીકળી જાય. આ તો બધી મશીનરી છે. લોહી ચાલુ રહે એટલે આંખો ચાલુ રહે, મહીં વાયર બધા ચાલુ જ છે. ખોરાક નાખીએ તો ઇલેક્ટ્રિસિટી ચાલુ થાય. ઇલેક્ટ્રિસિટીથી શ્વાસોચ્છ્વાસ ચાલે.

હમણાં એક પોટલીમાં હાડકાં ને માંસ સુંવાળી ચાદરમાં બાંધ્યા, પછી અહીં એને લાવીને મૂકી હોય તો તને તે લક્ષમાં તો રહે ને, કે આમાં આ ભરેલું છે ?

પ્રશ્નકર્તા : રહી શકે ને !

દાદાશ્રી : ત્યારે સારું, આ જેને લક્ષમાં રહે, તેને મોટા અધિપતિ કહ્યા છે, એ જાગૃત કહેવાય. જાગૃત હોય તે આ સંસારમાં ખરડાય નહીં અને જાગૃત જ વીતરાગ થઈ શકે !

અદ્ભૂત પ્રયોગ, થ્રી વિઝનનો

મારો જે પ્રયોગ કરેલો હતો, એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય, તે અમને જ્ઞાન થતાં પહેલાંય જાગૃતિ રહેતી હતી. આમ સુંદર કપડાં પહેર્યાં હોય, બે હજારની સાડી પહેરી હોય તોય જોતાંની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય, તે નેકેડ દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડાં દેખાય, આંતરડાંમાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ! આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્ષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય ? લોકોને આવું આરપાર દેખાય નહીં ને ? લોકોને એવી દ્ષ્ટિ નહીં ને ? એવી જાગૃતિ યે ક્યાંથી લાવે ? આવું દેખાય, એ તો મોટામાં મોટી જાગૃતિ કહેવાય. એટ-એ-ટાઈમ આ ત્રણેય જાગૃતિ હોય. આ મને જે જાગૃતિ હતી, તે તમને કહું છું. જે રીતે હું જીત્યો છું, એ રીતે તમને બધાને, આ જીતવાનો રસ્તો દેખાડ્યો. રસ્તો તો હોવો જોઈએને ? અને તે કંઈ જાગૃતિ વગર તો કોઈ દહાડોય બને જ નહીં ને ?

આ તો કાળ એવો વિચિત્ર છે, પહેલાં તો લિપસ્ટિકો અને મોઢે પાવડર, એ બધું ક્યાં ચોપડતા હતા ? જ્યારે અત્યારે તો એવું બધું ઊભું કર્યું છે કે ઊલટું ખેંચાણ કરે માણસને, એવું બધું મોહબજાર થઈ ગયું છે ! પહેલાં તો શરીર સારું હોય, દેખાવડી હોય તોય આવા મોહનાં સાધન નહીં. અત્યારે તો નર્યું મોહબજાર જ છેને ? તે કદરૂપા માણસેય રૂપાળા દેખાય છે, પણ આમાં શું જોવાનું ? આ તો નર્યો ગંદવાડો !!

એટલે મને તો બહુ જાગૃતિ રહે, જબરજસ્ત જાગૃતિ રહે ! આપણું જ્ઞાન જાગૃતિવાળું છે, એટ-એ-ટાઈમ લાઈટ કરવું હોય તો થાય એવું છે !! હવે જો તે ઘડીએ આવી જાગૃતિનો ઉપયોગ ના કરે તો માણસ માર્યો જાય. આપણે ઘણુંય શુદ્ધાત્મા જોવા જઈએ તો પણ એ દ્ષ્ટિ સ્થિર થવા ના દે, એટલે આવો ઉપયોગ જોઈએ. તે અમને જ્ઞાન થતાં પહેલાં આવો ઉપયોગ ગોઠવાયેલો, નહીં તો આ મોહબજાર તો મારી જ નાખે આ કાળમાં. આ તો સ્ત્રીઓને જોવાથી જ રોગ પેસી જાયને ! હવે શું એ પૈણેલા નથી ? પૈણેલા હોય તોય એવા ! કારણ કે આ કાળ જ એવો છે ! આ થ્રી વિઝન યાદ રહેશે કે ભૂલી જશો ?

પ્રશ્નકર્તા : દ્ઢ નિશ્ચય હોવા છતાં કોઈ સ્ત્રી તરફ વારંવાર દ્ષ્ટિ ખેંચાય છે અને થ્રી વિઝન જાણવા છતાં 'જેમ છે' તેમ દેખાતું કેમ નથી ?

દાદાશ્રી : એ થ્રી વિઝન જાણેલું નથી, થ્રી વિઝન જાણે તો એને છે તે દ્ષ્ટિ ખેંચાય જ નહીં. થ્રી વિઝન દેખાય એટલે હાથ જ ઘાલે નહીં. પછી આ તો દ્ષ્ટિ પડે તો ઉલ્ટું પાછું જોઈ લે.

પ્રશ્નકર્તા : થ્રી વિઝન નથી દેખાતું, એ મોહને લીધે ?

દાદાશ્રી : જાણતો જ નથી, થ્રી વિઝન શું છે તે જ જાણતો નથી. મોહને લીધે ભાનમાં જ ના આવે ને મોહ એટલે બેભાનપણું !

પ્રશ્નકર્તા : એટલે હવે થ્રી વિઝન દેખાય, એનો ઉપાય શું ?

દાદાશ્રી : એ કંઈ દેખાવાનું જ નથી. એનો ઉપાય જ ક્યાં કરવાનો ? એ જેને દેખાય, એ માણસ જ જુદી જાતના હોય, અફલાતુન માણસ હોય.

આ કાળમાં એટલો બધો વૈરાગ રહે નહીં માણસને ! એટલે આ થ્રી વિઝન બહુ ઊંચી વસ્તુ છે, એનાથી પછી વૈરાગ રહે. અમે નાની ઉંમરમાંથી આવો પ્રયોગ કરેલો. શોધખોળ કરી કે આ જ રોગ છે, મોટામાં મોટો. પછી આ જાગૃતિથી પ્રયોગ કરેલો, પછી તો અમને સહજ થઈ ગયું. અમને એમ ને એમ બધું સહેજે દેખાય. બે-ચાર વાર ગટરનું ઢાંકણું ઉઘાડવાનું હોય, પછી ખબર ના પડે કે મહીં શું છે તે ? પછી એવી ગટર આવે તો ખબર ના પડે ? વખતે બે-ચાર વાર ભૂલ થઈ જાય, પણ પછી તો આપણને ખબર રહેને ?

પ્રશ્નકર્તા : એટલે આ પ્રયોગ કન્ટીન્યુઅસ રાખવાનો થ્રી વિઝનનો ?

દાદાશ્રી : ના, એ એમ જ છે ! આ તો લૂગડાં ઢાંકીને ફરે એટલે રૂપાળું દેખાય, બાકી મહીં એવું જ છે. આ તો માંસને રેશમી ચાદરથી બાંધ્યું છે, એટલે મોહ થાય છે. માંસ એકલું હોય તોય વાંધો નહીં, પણ આ તો મહીં આંતરડાં બધું કાપે તો શું નીકળે મહીંથી ? એટલે એની પર વિચાર જ નથી કર્યો. એ જો વિચાર કર્યો હોય, તો તો ત્યાં દ્ષ્ટિ ફરી જાય જ નહીં. આ તો ભ્રાંતિથી મૂર્ખાઈમાં માણસે સુખ કલ્પેલું છે. બધાએ કલ્પ્યું એટલે આણેય કલ્પ્યું, એવું ચાલ્યું છે ! સીત્તેર-એંસી વર્ષની સ્ત્રીઓ જોડે તું પૈણું ખરો ? કેમ નહીં ? પણ એના અંગ બધું સારું દેખાય કે નહીં ? એ જોવાનું મન જ ના થાય ને ?

પ્રશ્નકર્તા : એવો કોઈ રસ્તો નથી, શોર્ટકટ નથી કે થ્રી વિઝન પહેલાં જ આરપાર ચોખ્ખું દેખાય ?

દાદાશ્રી : આ જ શોર્ટકટ ! મોટામાં મોટો શોર્ટકટ જ આ ને ! આ થ્રી વિઝનથી અભ્યાસ કરતો કરતો આગળ જાય એટલે 'જેમ છે તેમ' એને દેખાય, પછી વિષય છૂટી જાય. થ્રી વિઝન સિવાયનો રસ્તો ઊંધે રસ્તે ચાલવાનો શોર્ટ રસ્તો કહેવાય, નહીં તો પૈણવું હોય તો કોણે ના પાડી છે ? નિરાંતે પૈણો ને ! કોણે બાંધ્યા છે તમને ?!

અમને આરપાર બધું દેખાય. આ જ્ઞાન એવું છે કે જ્યારે ત્યારે તમને આવી દ્ષ્ટિ કરાવશે. કારણ કે જ્ઞાનના આપનારાની દ્ષ્ટિ આવી છે, મારી આવી દ્ષ્ટિ છે. એટલે જ્ઞાનના આપનારાની જેવી દ્ષ્ટિ હોય તેવી દ્ષ્ટિ થાય. જેને આરપાર દેખાયા કરે, તેને કેમનો મોહ થાય તે ?

ખરું બ્રહ્મચર્ય, જાગૃતિપૂર્વકનું

પ્રશ્નકર્તા : સ્ત્રી-પુરુષનો ભેદ ભૂલવો પડશે ને ?

દાદાશ્રી : ભેદ ભૂલવાનો નથી. ભેદ તો આપણને મૂર્છાને લઈને લાગે છે અને એમ ભૂલવાથી એ ભૂલાય એવો છે નહીં. એણે જાગવું પડશે, એવી જાગૃતિ જોઈશે.

આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે 'આત્મદ્ષ્ટિ' થયો ને, એટલે હવે જાગૃતિ વધશે ને તેમ તેમ એય આરપાર જોતો થશે. આરપાર જોતો થયો કે એની મેળે જ વૈરાગ આવે. જોયું એટલે વૈરાગ આવે જ છે અને તો જ વીતરાગ થઈ શકાય, નહીં તો વીતરાગ થઈ શકાતું હશે ? અને ખરેખર એક્ઝેક્ટ એમ જ છે.

'ફૂલ' જાગૃતિ થાય, ત્યારે એ જાગૃતિ જ કેવળજ્ઞાનમાં પરિણામ પામે છે.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવું છે એવો નિશ્ચય થાય છે ને, ત્યારથી જ જાગૃતિ વધી જાય છે.

દાદાશ્રી : ના, જાગૃતિ એ તો, આપણે 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે જાગૃતિ ઉત્પન્ન થાય છે. નહીં તો જાગૃતિનો બીજો ઉપાય જ નથી. આ બહારના લોકો બ્રહ્મચર્ય પાળે જ છે ને ?! પણ એમાં જાગૃતિ નથી હોતી.

બ્રહ્મચર્ય આ જાગૃતિના આધારે છે ને ? જાગૃતિ 'ડિમ' થવાથી જ આ મોહ ઉત્પન્ન થાય છે ને ! નહીં તો આમાં હાડ, પરું ને માંસ નથી ભરેલું ?

પ્રશ્નકર્તા : એટલે આ વિષયની બાબતમાં કપડાંને લીધે મોહ ઉત્પન્ન થાય છે ને ? આમ આ દ્ષ્ટિ પડે, તે પહેલાં કપડાં પર પડે છે, એટલે ત્યાંથી મોહ ઉત્પન્ન થાય છેને ?

દાદાશ્રી : મૂળ તો પોતે વિષયી છે, તેથી કપડાં વધારે મોહ કરે છે. પોતે વિષયી ના હોય તો કપડું કશું મોહ ના કરે. આ અહીં સારાં સારાં કપડાં પાથરીએ તો મોહ ઊભો થાય ? એટલે પોતાને વિષયની મઝા-આનંદ છે, એની ઈચ્છા છે, તેથી પેલો મોહ ઉત્પન્ન થાય છે. વિષયની ઈચ્છા વગરના માણસોને શી રીતે મોહ ઉત્પન્ન થાય ? આ મોહ કોણ ઊભો કરે છે ? પાછલાં પરિણામ મોહ ઊભા કરે છે. તે એને આપણે ધોઈ નાખીએ. બાકી કપડાં બિચારાં શું કરે ? પહેલાંનું બીજ નાખેલું છે, તેનું આ પરિણામ આવ્યું. પણ એ બધા ઉપર મોહ ના થાય. હિસાબ હોય ત્યાં જ મોહ થાય. બીજે મોહનાં નવાં બીજ પડે ખરાં, પણ મોહ ના થાય. આ તો કપડાંને લીધે મોહ ઉત્પન્ન થાય છે, નહીં તો કપડાં કાઢી નાખે તો ઘણો ખરો મોહ ઓછો થઈ જાય. ફક્ત આપણી ઊંચી નાતોમાં જ મોહ ઓછો થઈ જાય. આ તો બિચારાના કપડાંને લીધે ભ્રાંતિ રહે છે અને કપડાં વગરનું જુએ તો એમ ને એમ વૈરાગ આવી જાય. તેથી આ દિગંબરીઓની શોધખોળ છે ને?!

ઉપયોગ જાગૃતિથી, ટળે મોહ પરિણામ

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, 'દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય.' શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો અને પાછા સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને 'દેખત ભૂલી' કહેવાય. મેં તો તમને એવું જ્ઞાન આપ્યું છે કે હવે તમને 'દેખત ભૂલી' યે રહી નહીં, તમને શુદ્ધાત્મા દેખાય. બહારનું પેકિંગ ગમે તેવું હોય તોય પેકિંગ જોડે આપણને શી લેવા દેવા ? પેકિંગ તો સડી જવાનું છે, બળી જવાનું છે, પેકિંગમાં શું કાઢવાનું છે ? એટલા માટે જ્ઞાન આપેલું છે કે આપણે શુદ્ધાત્મા જુઓ, એટલે 'દેખત ભૂલી ટળે' ! 'દેખત ભૂલી ટળે' એટલે શું કે આ મિથ્યા દ્ષ્ટિ છે, એ દ્ષ્ટિ ફરે અને સમ્યક્્ દ્ષ્ટિ થાય તો બધાં દુઃખોનો ક્ષય થાય ! પછી એ ભૂલ ના થવા દે, દ્ષ્ટિ ખેંચાય નહીં.

કૃપાળુદેવે તો કેટલું બધું કહ્યું છે, છતાંય કહે છે કે 'દેખત ભૂલી' થાય છે, દેખીએ છીએ ને ભૂલ થાય છે. 'દેખત ભૂલી ટળે' તો સર્વ દુઃખોનો ક્ષય થાય. તે દેખત ભૂલી ટાળવાનો મેં આ માર્ગ આપ્યો કે આ બેન જાય છે, તેની મહીં તું શુદ્ધાત્મા જોજે. શુદ્ધાત્મા તને દેખાય તો પછી બીજું જોવાનું ના હોય. બીજો તો કાટ ચઢેલો કહેવાય. કોઈને લાલ કાટ હોય, કોઈને પીળો કાટ હોય, કોઈને લીલો કાટ હોય, પણ આપણે તો લોખંડ એકલું જ જોવાનું ને ?! અને કાટ દેખાય તેની સામે ઉપાય આપી દીધો છે. સંજોગવશાત્ ફસાયો એનો વાંધો નથી, પણ ઇચ્છાપૂર્વકનું ના હોવું જોઈએ. સંજોગવશાત્ તો જ્ઞાની પણ ફસાય.

આ વિષય તો અવિચારે કરીને છે. જેમ વિચારે કરીને ખોટ-નફો આપણને માલમ પડે છે કે નથી પડતો ? અને વિચાર ના આવતા હોય, તેને ખોટ-નફો ના માલમ પડે ને ? એવું વિચાર કરનાર હોય તો આ વિષય તો ઊભો જ ના રહે, પણ આ કાળચક્ર એવું છે કે બળતરામાં એને હિતાહિતનું ભાન જ નથી રહ્યું કે પોતાનું હિત શેમાં અને પોતાનું અહિત શેમાં ? બીજું, આ વિષયના સ્વરૂપને સમજણપૂર્વક બહુ વિચારી નાખ્યું હોય તોય પણ અત્યારે જે વિષય ઊભો છે, એ આગળના અવિચારોનું કારણ છે. તેથી 'દેખત ભૂલી' ટળે નહીં ને ! આપણને વિષયનો વિચાર ના આવ્યો હોય પણ કોઈ જગ્યાએ એવું દેખવામાં આવ્યું હોય, તો પણ તરત જ ભૂલ ખાઈ જાય. દેખે ને ભૂલે, એવું બને કે ના બને ?

'દેખત ભૂલી'નો અર્થ શો ? કે મિથ્યાદર્શન ! પણ બીજું બધું 'દેખત ભૂલી' થાય તેનો વાંધો નહીં, પણ આ વિષયસંબંધીમાં, ચારિત્રસંબંધીમાં 'દેખત ભૂલી'નો ઉપાય શો ? આપણને જ્ઞાન મળ્યું હોય તો પોતાને ભૂલ ખબર પડે કે અહીં આગળ આ ભૂલ ખાધી, અહીં મારી દ્ષ્ટિ બગડી હતી. ત્યાં પાછું પોતે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીને પણ ધોઈ નાખે. પણ જેને આ જ્ઞાન ના મળ્યું હોય, તે શું કરે બિચારો ? તેને તો ભયંકર ખોટી વસ્તુને ખરી માનીને ચાલવું પડે છે. આ અજાયબી છે ને ! આ તો જ્ઞાન મળ્યું છે એને વાંધો નહીં, એ તો દ્ષ્ટિ બગડે કે તરત ધોઈ નાખે.

જો તમારે શુદ્ધ ઉપયોગ છે, તો સામાનો ગમે તે ભાવ હોય તોય તમને ના અડે !

પ્રશ્નકર્તા : એક સ્ત્રીને જોઈને કોઈ પુરુષને ખરાબ ભાવ થાય, એમાં સ્ત્રીનો દોષ ખરો ?

દાદાશ્રી : ના, એમાં સ્ત્રીનો કંઈ દોષ નહીં ! ભગવાન મહાવીરનું લાવણ્ય જોઈને ઘણી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન થતો હતો, પણ તેથી ભગવાનને કશું ના અડે ! એટલે જ્ઞાન શું કહે છે કે તમારી ક્રિયા સહેતુક હોવી જોઈએ. તમારે એવા પટિયાં ના પાડવાં જોઈએ કે એવાં કપડાં પણ ના પહેરવાં જોઈએ કે જેથી સામાને મોહ ઉત્પન્ન થાય. આપણો ભાવ ચોખ્ખો હોય તો કંઈ બગડે તેમ નથી. ભગવાન શા હારું કેશનું લોચન કરતા હતા ? કે મારી ઉપર કોઈ સ્ત્રીનો આ વાળને લઈને ભાવ બગડે તો ? માટે આ વાળ જ કાઢી નાખો એટલે ભાવ જ ના બગડે. કારણ કે ભગવાન તો બહુ રૂપાળા હોય, મહાવીર ભગવાનનું રૂપ, આખા વર્લ્ડમાં સુંદર ! દેવો પણ બહુ રૂપાળા હોય, પણ તે વખતે રૂપનું રૂપ તો ભગવાન મહાવીર હતા ! એટલે એમની ઉપર કોઈ સ્ત્રી મોહી ના પડે, એટલે એમણે જાગૃતિ રાખવી પડે. છતાં કોઈ મોહી પડે તો એ માટે પોતે જોખમદાર નથી, કારણ કે એવી પોતાની ઇચ્છા નથી ને !

મોહ રાજાનો અંતિમ વ્યૂહ

મોહબજાર ચૌદ વર્ષે શરૂ થાય ને ચાલીશ વર્ષ પછી પૂરું થાય, ત્યારે એ ઝાડ સૂકાય ! આ તો જાત જાતના મોહ ! નહીં તો હિન્દુસ્તાનના એક એક મનુષ્યમાં શક્તિઓ તો એવી છે કે કામ કાઢી નાખે !

પ્રશ્નકર્તા : વધુમાં વધુ શક્તિ ક્યાં ખર્ચાય ? શક્તિઓ વધારે ક્યાં વેડફાઈ જાય છે ?

દાદાશ્રી : આ મોહમાં જ, મોહ અને અજાગૃતિમાં. બાકી જેટલો મોહ ઓછો એટલી શક્તિ વધારે.

મોહરાજાએ છેલ્લો પાસ નાખ્યો છે. અત્યારે વિષયનો જ મોહ બધે વ્યાપી ગયો છે. પહેલાં તો માનનો મોહ, કીર્તિનો મોહ, લક્ષ્મીનો મોહ, મોહ બધે જ વેરાયેલો હતો. આજે બધો મોહ એકલા વિષયમાં જ વ્યાપી ગયો છે ને ભયંકર બળતરામાં જ જીવન જીવી રહ્યાં છે. આ એકલા સાધુ- મહારાજો વિષયથી છૂટા પડ્યા છે, તેથી તેમને કંઈક શાંતિ છે.

જ્ઞાનશક્તિ જબરજસ્ત હોય અને વિષય તો વિચારમાંય ના આવે, તો તે ના પરણે, પણ જ્યાં સુધી રૂપ પર મોહ છે ત્યાં સુધી પરણી લેવું. પરણવું એ ફરજ્યિાત છે ને પરણવું એ બહુ જોખમ છે ને જોખમમાં ઊતર્યા વગર પાર આવે તેમ પણ નથી. મોહ છે, તેણે પરણવું જ જોઈએ. નહીં તો હરૈયા ઢોર થઈ જાય. કો'કના ખેતરમાં પેઠો કે માર્યો જાય ને ભયંકર અધોગતિ નોંતરે ! પરણે એટલે શું કે હક્કનું ભોગવે; ને પેલું તો અણહક્કનો વિચાર આવે તો અધોગતિએ જાય ! શરીર પર રાગ જ કેમ થવો જોઈએ ? શરીર શેનું બનેલું છે ?

પ્રશ્નકર્તા : પુદ્ગલનું.

દાદાશ્રી : હા, પુદ્ગલ ખરું, પણ કેવું પુદ્ગલ ? એકલું જો સોનાનું બનેલું હોય તો ગંધાય નહીં, હાથ બગડે નહીં, કશુંય નહીં, પણ આ તો સારી ચાદરથી પોટલું બાંધેલું છે, એટલે કેટલી બધી ફસામણ થઈ છે ! એનું નામ જ મોહ ને ! જે છે તે દેખાતું નથી, નથી તે દેખાય છે ! નિર્મોહી કોણ ? જ્ઞાની પુરુષ, કે એમને જે છે એ જ દેખાય ! આરપાર મહીં, હાડકાં-બાડકાં, આંતરડાં-બાંતરડાં બધું જ દેખાય, એમ ને એમ સહજ સ્વભાવે બધું દેખાય.

પ્રશ્નકર્તા : એ જાતની દ્ષ્ટિ હોય, તો પછી આકર્ષણ રહે જ નહીં ને ?

દાદાશ્રી : આ સંડાસ જોઈએ છીએ, ત્યાં આકર્ષણ થાય છે ? દેખીએ ને મૂર્છિત થાય, એ ગયા અવતારનો મોહ છપાઈ ગયો છે, તેથી. આ ચામડીથી ઢાંકેલું માંસ જ છે, પણ એવું રહે નહીં ને ! જેને મૂર્છા ના હોય, એને એ જાગૃતિ રહે. જે છે તે દેખાવું, એનું નામ જાગૃતિ ! ફક્ત શુદ્ધાત્માનાં દર્શન કરવા જેવું છે, બીજું બધું તો રેશમી ચાદરે વીટ્યું માંસ જ છે !

અમારી આજ્ઞા પાળશો તો તમારો મોહ જશે. મોહને તમે જાતે કાઢવા જશો તો એ તમને કાઢી મૂકે એવો છે ! માટે એમને કાઢી મૂકવા કરતાં એમને કહીએ, 'બેસો સાહેબ, અમે તમારી પૂજા કરીએ!' પછી જુદા થઈને આપણે તેના પર ઉપયોગ દીધો ને દાદાની આજ્ઞામાં આવ્યા કે મોહને તરત એની મેળે જવું જ પડશે. પછી મોહ જ કહેશે કે, 'અપના તો ઇધર કુછ ચલેગા નહીં, ઇધર દાદાકા સામ્રાજ્ય હો ગયા હૈ, અબ અપના કુછ નહીં ચલેગા !' તે મોહ બધા બીસ્તરા-પોટલાં લઈને જતો રહેશે. બાકી બીજી કોઈ રીતે મોહને કોઈ કાઢી શકેલો નહીં. એ તો મોહરાજા કહેવાય !

વિષયની 'છૂપી રુચિ' તો નથી ને ?

વિષયનું વિરેચન કરનાર દવા વર્લ્ડમાં કોઈ હોય નહીં. આપણું જ્ઞાન એવું છે કે વિષયનું વિરેચન થાય. મહીં વિચાર આવે કે એ અવસ્થા ઊભી થઈ, કે તરત જ એની આહૂતિ અપાઈ જાય. આ વિષય એક જ એવો છે કે નર્યા કપટનું જ સંગ્રહસ્થાન છે ને ! જેમાં અનંતા દોષ બેસે છે અને કેટલાય અવતાર બગાડી નાખે છે ! વિષય હોય તે કંઈ એકદમ જતા ના રહે. પણ એનો કંટાળો આવે ને એનું પ્રતિક્રમણ કર કર કરે તો ઉકેલ આવે. પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે ડાઘ પડ્યો કે તરત ધોઈ નાખવું, એને પ્રતિક્રમણ કહેવાય. આ ડાઘને કેમ ધૂઓ છો ? કારણ એ ક્રમણ નથી, આ અતિક્રમણ છે. માટે એનું પ્રતિક્રમણ કરો અને એ 'શૂટ ઓન સાઈટ' જોઈએ. અક્રમ વિજ્ઞાનનું પ્રતિક્રમણ 'શૂટ ઓન સાઈટ' છે. નહીં તો આ લફરાં છૂટે જ નહીંને ?! એકાવતારી થવું છે, પણ આ લફરાં ક્યારે છૂટી રહે ?! 'શૂટ ઓન સાઈટ' પ્રતિક્રમણથી છૂટાય.

વિષયનું પ્રતિક્રમણ રવિવારે આખો દહાડો ચાલુ રાખ્યું હોય, એટલે પછી છ દહાડા સુધી વિષયની વાત ઊભી થાય, તે પહેલાં પ્રતિક્રમણ એને ફરી વળે. મહીં વિષય તો ઊભા થવાના, પણ આપણે પ્રતિક્રમણનું એવું જોર રાખો કે પ્રતિક્રમણના બધા પોલીસો એને ફરી વળે.

પ્રશ્નકર્તા : જેમ જેમ આપણે પ્રતિક્રમણ કરીએ, તેમ તેમ વિષય ઓછો થવાનો ને ?

દાદાશ્રી : હા, પ્રતિક્રમણ કરીએ એટલે ઓછું થતું જાય. પ્રતિક્રમણ કરે છે ખરો, પણ અંદરખાને વિષયની રુચિ રહ્યા કરે છે. તે પોતાને ખબર પડતી નથી. એ રુચિ બિલકુલેય રહેવી ના જોઈએ. અરુચિ ઉત્પન્ન થવી જોઈએ. અરુચિ એટલે તિરસ્કાર નહીં, પણ આમાં કશું છે જ નહીં એવું થવું જોઈએ.

પ્રશ્નકર્તા : રુચિ મહીં રહેલી છે, એ ખબર કેમ પડતી નથી ?

દાદાશ્રી : એ ખબર ના પડે એટલું જાડું ખાતું છે.

પ્રશ્નકર્તા : પણ આમ તો એવું લાગે છે કે આપણે આ વિષય તો ભોગવવો જ નથી.

દાદાશ્રી : એ તો એવું લાગે ખરું, પણ એ બધું શબ્દોથી છે. હજુ મહીં જે રુચિ છે, એ ગઈ નથી. રુચિનું બીજ અંદર હોય છે, તે ધીમે ધીમે તને સમજાશે. જે ડેવલપ થયેલો માણસ હોય, તેને સમજાઈ જાય.

પ્રશ્નકર્તા : ક્ષત્રિયને વિષય સામે ક્ષત્રિયપણું ના આવી જાય ?

દાદાશ્રી : આવે ને ! પણ વિષયમાં ક્ષત્રિયપણું આવે એવું નથી. ક્ષત્રિયપણું હોત, તો તો એને કાપી નાખવાનું કહેત, પણ આ વિષય એ સમજણનો વિષય(સબજેક્ટ) છે. એટલે બહુ વિચારે કરીને વિષયો જાય. એટલા માટે વિષયથી છૂટવા માટે મેં આ ત્રણ વિઝન બતાડ્યા છે ને ? પછી એને રાગ થાય નહીં ને ! નહીં તો સ્ત્રીએ આમ સારા ઘરેણાં ને સારાં કપડાં પહેર્યાં હોય તો બધું ભૂલી જાય ને મોહ ઉત્પન્ન થઈ જાય.

પ્રશ્નકર્તા : હજુ તો વિષયમાં રુચિ અંદર હોય, છતાં ખબર નથી પડતી કે રુચિ છે કે નહીં.

દાદાશ્રી : એટલું જાણ્યું તોય સારું તારે.

પ્રશ્નકર્તા : વિષયોમાં જે ઈન્ટરેસ્ટ ઊભો થાય છે એ રુચિ પડી, એના આધારે ઊભો થાય છે ?

દાદાશ્રી : હા. રુચિ ના હોય તો કશું નહીં. અરુચિ ઉપર વિષય ઊભો કેમ થાય ? અરુચિ ઉપર વિષય કેમ ઊભો થાય ? કોઈ સ્ત્રી હાથે દાઝી ગઈ હોય, રોજ આખા શરીરે પુરુષ અડતો હોય, પણ હાથે દાઝી ગયેલું હોય ને પછી ફોલ્લાં પડે અને પછી પરું નીકળતું હોય, એ ઘડીએ પેલી સ્ત્રી કહે કે 'અહીંયા આ જરા ધોઈ આલો.' તો શું કહે ?

પ્રશ્નકર્તા : ના પાડે.

દાદાશ્રી : હવે એ રુચિ હતી, તે ત્યાં આવું જોઈને અરુચિ થઈ જાયને ! પછી ફરી રુચિ ઉત્પન્ન ના થાય. પણ સ્ટેબીલાઈઝ રહેવું જોઈએ. આ તો આમ પાછાં સાજા થઈ જાય તો, ત્યારે હતા તેવાં ને તેવાં થઈ જાય, એવું નહીં. સ્ટેબીલાઈઝ થઈ જવું જોઈએ.

પ્રશ્નકર્તા : સ્ટેબીલાઈઝ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો આ અહીં આગળ છે તે, આ રોડ ઉપર જઈને પૂછી આવજે ને ! એ લોકો કરે છે એવી રીતે તુંય કરજે. આ કાંકરા-મેટલ નાંખીને ત્યાં રોલર ફેરવે છે, એ સ્ટેબીલાઈઝ થઈ જાય એવું જોઈ લે.

પ્રશ્નકર્તા : પણ કયું રોલર ફેરવવું પણ ?

દાદાશ્રી : તો પેલા રોલરથી આપણે પસ્તાવો કરી કરીને, દોષને કાઢવાના.

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી પોતાનો નિશ્ચય છે, ધ્યેય છે, તેમ છતાં પણ જે રુચિ રહેલી છે, એ રુચિને તોડવા માટે, એને છેદવા માટે શું હોવું જોઈએ ?

દાદાશ્રી : એક્ઝેક્ટ પ્રતિક્રમણ કરે તો થાય. અરુચિ જોવાનાં બીજાં બધા સાધનો તેની મહીં આવે અરુચિ જોવાનાં, એ બધું હેલ્પ કર્યા કરે.

પ્રશ્નકર્તા : સ્ત્રી પરનો મોહ ને રાગ જાય, ત્યારે રુચિ ખલાસ થવા માંડે ?

દાદાશ્રી : રુચિની ગાંઠ તો અનંત અવતારની પડેલી છે, ક્યારે ફૂટી નીકળે એ કહેવાય નહીં. એટલે આ સંગમાં જ રહેવું. આ સંગની બહાર ગયા કે ફરી એ રુચિના આધારે બધું ફૂટી નીકળે પાછું. એટલે આ બ્રહ્મચારીઓનાં સંગમાં જ રહેવું પડે. હજુ આ રુચિ ગઈ નથી, એટલે બીજા કુસંગમાં પેસો કે પેલું તરત ચાલુ થઈ જાય. કારણ કે કુસંગનો બધો સ્વભાવ જ એવો છે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તોય ?

દાદાશ્રી : ત્યાં તું લાખ પ્રતિક્રમણ કરું, તોય કુસંગ હશે તો બધું અવળું થશે !

પ્રશ્નકર્તા : પણ એ કુસંગ તો આપણને જોઈતો નથી. એની તો આપણને ઇચ્છા જ નથી તોય ?

દાદાશ્રી : કુસંગ તો આપણને જોઈતો નથી, પણ કોઈ વખત એવો સંજોગ આવી જાય ને ? સત્સંગ છૂટી ગયો ને કુસંગમાં આવી ગયો, તો રુચિ અંદર પડેલી છે એટલે કુસંગ ફરી વળે. પણ જેને રુચિ ઉડી ગયેલી હોય તો કુસંગ ના અડે પછી. રુચિ ઉડી ગયેલી હોય એટલે એને રુચિનું બીજ નથી, પછી સંજોગ ભેગા થાય તોય બીજ ઊગે જ નહીં ને !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21