ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ

[૩]

દ્ઢ નિશ્ચય, પહોંચાડે પાર

ન ડગે કદિ, તે નિશ્ચય

એક ભાઈ મને કહે કે 'ઘણીય ઇચ્છા નથી તોય વિષયના વિચારો આવે છે, તો મારે શું કરવું ?' આ સિવાય બીજું કર્યું જ નથી ને ! અનંત અવતાર આને આ જ સેવન કર્યું, એનાં જ એને પડઘા પડ્યા કરે છે ! જ્ઞાનીઓ મળે તો એને છોડાવડાવે, નહીં તો કોઈ છોડાવે નહીં. શી રીતે છોડાવે ? કોણ છોડાવે ? છૂટેલો હોય તે જ છોડાવે અને વિષયમાંથી છૂટ્યો તો મુક્ત થયો જાણવું ! આ એકલા વિષયમાંથી જ છૂટ્યો કે કામ થઈ ગયું. જેને છૂટવાની ઇચ્છા છે, એને સાધન જ્યારે ત્યારે મળી આવે છે. સ્ટ્રોંગ ઇચ્છાવાળાને જલ્દી મળી આવે ને મંદ ઇચ્છાવાળાને મોડું મળી આવે, પણ ઇચ્છા સાચી છે તો મળી જ આવે. લગ્નની ઇચ્છાવાળાને લગ્ન થયા વગર રહે છે ? એવું આય ઇચ્છા સ્ટ્રોંગ હોવી જોઈએ.

નિશ્ચય કોનું નામ કહેવાય ? કે ગમે તેવું લશ્કર ચઢી આવે તોય આપણે તેને ગાંઠીએ નહીં ! મહીં ગમે એવા સમજાવનારા મળે તોય આપણે તેને ગાંઠીએ નહીં ! નિશ્ચય કર્યો, પછી એ ફરે નહીં, એનું નામ નિશ્ચય કહેવાય.

નિશ્ચય જ કરવાનો છે, બીજું કશું જ નથી કરવાનું. લોકો ભાવ તો સમજતા જ નથી કે ભાવ શાને કહેવાય ? ભાવ આવ્યા પછી તો અભાવ આવે, પણ આ તો નિશ્ચય કે અમારે આમ તો નહીં જ ! નિશ્ચય એ પુરુષાર્થ છે ! તમે જેટલાં નિશ્ચય કરેલાં ને, આ રોજ સત્સંગમાં શાથી અવાય છે ? નિશ્ચય કર્યો છે, 'જવું છે', એટલે જવાય જ ! ત્યાર વગર રૂપકમાં આવે નહીં ને ! આ પૂર્વના તમારા નિશ્ચય ઓપન થયા છે. આ અનિશ્ચયને લીધે તો બધાં દુઃખ છે. યે ભી ચાલશે ને વો ભી ચાલશે, તો તેને તેવું મળે. આ તો અમે બહુ ઝીણી વાત કરવા માંગીએ છીએ.

જેટલાં નિશ્ચય કર્યા છે, એટલાં ફળ મળશે. જુઓને, નોકરીના નિશ્ચય કર્યા, વેપારના નિશ્ચય કર્યા, આમ રહેવું છે તેવાં નિશ્ચય કર્યા, ઘરમાં નથી રહેવું તેનાં નિશ્ચય કર્યા, ઘરમાં પાછું રહેવું છે એવાં નિશ્ચય કર્યા ને તે પ્રમાણે ફળ મળ્યાં. આ જ જોવાનું છે, કે આ ફિલ્મ કેવી ચાલે છે ! 'સત્સંગ કરવો છે, જગત કલ્યાણને માટે પ્રયત્ન કરવો છે.' એવો નિશ્ચય કરેલો, તે અમારે આજે બાવીસ વર્ષથી ચાલ્યો અને આ તો હજુ રહેવાનો છે ! આજે આપણે જે નક્કી કર્યું એ ઠેઠ સુધી રહે, એનું નામ નિશ્ચય કહેવાય !! તો પછી એનો સાંધો આગળ મળી જાય પાછો. અહીંથી નનામી કાઢતાં પહેલાં નિશ્ચય ફેરવી નાખ્યો તો પછી આગળ નિશ્ચય કયાંથી મળે ? આગળ એને ટાઈમે નિશ્ચય મળે ખરો, પણ તે એકધારો નહીં, પિસીસવાળો મળે.

મોટા જ્યોતિષે કહ્યું હોય કે કઢી ઢોળાઈ જવાની છે, તોય આપણે પ્રયત્ન કરવો. કારણ કે ટાઈમીંગ બદલાઈ જાય તો એનું જ્યોતિષ ખોટું પડી જાય ને દિવસમાં તો ટાઈમીંગ બદલાયા જ કરવાના ! એવાં એવાં સંજોગો ઊભા થાય, તે ટાઈમીંગ બદલાઈ જાય. આપણી ભાવના એટલી બધી મજબૂત હોય તો ટાઈમીંગ હઉ બદલાઈ જાય ! અનંત શક્તિવાળો આત્મા છે !!

પ્રશ્નકર્તા : નિશ્ચય આગળ ટાઈમીંગ બદલાઈ જાય ?

દાદાશ્રી : નિશ્ચય આગળ બધાં ટાઈમીંગ બદલાઈ જાય. આ ભાઈ કહેતા હતા કે 'હું બનતાં સુધી ત્યાં આવીશ, પણ વખતે ના અવાય તો નીકળી જજો.' તે અમે સમજી ગયા કે આમણે નિશ્ચય પોલો કર્યો છે, તે આગળ એવિડન્સ એવા મળે કે આપણું ધારેલું થાય નહીં.

એટલે આપણે નિશ્ચય કરવો છે એવું નક્કી કરવું, પણ કોઈ વખત પાછું સંજોગો ભૂલાડી દે. હવે એ ભાઈ જો નિશ્ચયથી કહેત કે, 'હું આવું જ છું.' તો નિશ્ચયને આગળ ટાઈમીંગ મળી જાય અને અહીં આવી જવાય. એટલે નિશ્ચય જે કર્યો છે, તે આગળ એવિડન્સ ઊભાં કરે. આપણે નિશ્ચય કરવો, પણ એય પાછું સંજોગો ભૂલાડી દે, તો પછી જાણવું કે વ્યવસ્થિત ! આ તો એવી પોતાની બધી સત્તા જો હાથમાં આવી જાય તો તો તું વ્યવસ્થિતને રમાડું ! પણ એવી સત્તા નથી ને !!

વળગી રહે નિશ્ચયને ઠેઠ...

નિશ્ચયશક્તિ એ તો મોટામાં મોટી શક્તિ છે, નદી ઓળંગવી કે નહીં ? તો કહે, ઓળંગવી ! ઓળંગવી એટલે ઓળંગવી ને નહીં તો નહીં ! પેલા વિષય વિચારો પર પ્રતિક્રમણનું જોર રાખવું ને હવે સાચવે, તો મહીં ફ્રેકચર થયેલું રાગે પડી જાય.

'ઉપાદાન' તારે જાગૃત રાખવાનું અને અમે તો 'નિમિત્ત', અમે આશીર્વાદ આપીએ, વચનબળ મૂકીએ, પણ નિશ્ચય સાચવવો એ તારા હાથમાં. આ જ્ઞાન મળ્યું છે, એટલે એવું ઊંચું પદ મળ્યું છે કે ગમે તેવું ધાર્યુ કામ થાય એવું છે. બીજી કોઈ જગ્યાએ જોખમ નથી. આ એકલું જ જોખમ છે ને 'આ' બાજુ પગ મૂક્યો કે મુક્તિ ! જો તારો નિશ્ચય ના ડગે તો કામ નીકળી જાય, એટલે રાત-દહાડો આ એક જ સ્ક્રૂ ટાઈટ કર્યા કરવો. ચા પીધી કે પાછું ટાઈટ કર્યા કરવું. કારણ કે જગતની વિચિત્રતાનો પાર નથી. ક્યારે ફસાવી દે, એ કહેવાય નહીં.

જરાક કાચું પડી જાય ને, ત્યાં બ્રહ્મચર્ય ખલાસ થઈ જાય. સહેજ જરા સ્ટ્રોંગ ઉપર જ જો કદી નિશ્ચય એક ફેરો તૂટ્યો, નિશ્ચયને ગોઠવ્યો નહીં, અને તૂટ્યો એટલે આ બાજુ વળી જાય પછી ! પછી ખલાસ થઈ જાય.

મન આ બાજુ સ્ટેડી રહે છે તો સારું છે, નહીં તો ખરાબ વિચાર આવે તો અમને કહી દેજે. તો અમે ઉપાય બતાડીએ, કે આ રસ્તે આમ આમ છે, નહીં તો માર્યો જઈશ. ઉપાય હંમેશાં હાથમાં હોવો જોઈએ. દાદાને કહી દઈએ એટલે મન બંધાઈ જાય. વિચાર એવી વસ્તુ છે, ગાંઠ ચાર-છ મહિના બંધ હોય ને પછી ફૂટે એટલે વિચાર તો આવે પણ આપણે પ્રતિક્રમણ કરી નાખવું.

વિષય એ તો પ્રત્યક્ષ મહાદુઃખ છે, નર્યા અપજશનાં જ પોટલાં !!! એટલે જાગૃતિ તો એટલી બધી રહેવી જોઈએ કે આ કર્મ કરતાં પહેલાં શું સ્થિતિ, પછી શું સ્થિતિ, એ બધું એકદમ દેખાય એવું નિરાવરણ જ્ઞાન થયું હોય, ત્યાર પછી વાંધો નહીં.

સમજો નિશ્ચયના સ્વરૂપને...

પ્રશ્નકર્તા : આપણા નિશ્ચયને તોડાવે છે કોણ ?

દાદાશ્રી : એ આપણો જ અહંકાર. મોહવાળો અહંકાર છે ને ! મૂર્છિત અહંકાર !! જેમ દારૂ પીધેલો માણસ મહીં ફરતો હોય તેવો એ છે, તે તોડાવી નાખવે છે !

પ્રશ્નકર્તા : એવું હોય તો આપણે શું કરવાનું ?

દાદાશ્રી : કરવાનું તો કશું હોતું જ નથી ને ! દાદાની આજ્ઞા પાળે તો આવું તેવું હોય જ નહીં ને !! 'હું શુદ્ધાત્મા છું' પછી પેલું બધું જોયા કરવાનું, આજ્ઞા પાળે તો કશું છે જ નહીં. પણ 'આજ્ઞા શું છે', એ સમજ્યા જ નથીને હજુ ? એક સમભાવે નિકાલ કરે, તે થોડુંઘણું સમજીને કરે હજુ ! પેલો દારૂ પીધેલો ફરતો હોય, એટલે મોહ હલાય હલાય જ કરે ને ?! અંદર જે અહંકાર છે, તે મોહનો દારૂ પીને આખો દહાડો ફર્યા જ કરે છે અને જ્યાં મોહવાળી વસ્તુ દેખે કે ત્યાં પાછો ખેંચાય.

પ્રશ્નકર્તા : ત્યાં આગળ નિશ્ચય કામ ના લાગે ?

દાદાશ્રી : નિશ્ચય તો બધુંય કામ લાગે, પણ પહેલેથી નિશ્ચય હોય અને દાદાની આજ્ઞામાં રહ્યા હોય ત્યારે કામ લાગે. દાદાની આજ્ઞાથી નિશ્ચય મજબૂત થાય. એ નિશ્ચય કામ લાગે, બાકી આમ ગાંઠવાળો નિશ્ચય ના ચાલે. નિશ્ચય કેવો હોય ? કે ખસે નહીં, ફરી બોલવું પણ ના પડે કે મેં નિશ્ચય કર્યો છે, આ તો ગાંઠ વાળે કે આજે આ નિશ્ચય કર્યો, 'હવે આ નથી ખાવું' ને કાલે પાછો ખાવા બેસે !

એટલે દાદાની આજ્ઞામાં રહે, ત્યાર પછી નિશ્ચય મજબૂત થાય. પછી એ નિશ્ચય તો બદલાય જ નહીં. અમારી આજ્ઞા પાળ્યા કરવી. આજ્ઞા સહેલી ને સરસ છે, રિલેટિવ ને રિયલ આખા દહાડામાં એક કલાક જોવું જ પડે ને ! એટલે નિશ્ચય મજબૂત થાય, નિશ્ચય મજબૂત કરનારી 'આ' આજ્ઞા છે. અમારી વાતોમાંથી સારભૂત ખોળી કાઢવું કે આમાં શું સારભૂત છે ? એટલું વાક્ય આપણે પકડી લેવું. બધાં વાક્ય તો ખ્યાલમાં રહે નહીં એવો તમારો ખોરાક છે !

પ્રશ્નકર્તા : નિશ્ચય કેવો કરવો જોઈએ ?

દાદાશ્રી : આપણે નિશ્ચય જે કર્યો હોય, તે ગામ જવાય. આત્મા અનંત શક્તિ સ્વરૂપ છે, તે શક્તિ પ્રગટ થઈ જાય. આત્મા એ નિશ્ચય સ્વરૂપ છે અને તમારો નિશ્ચય માંગે છે. ડગમગ ડગમગ ના ચાલે ! એક જ સ્ટ્રોંગ અભિપ્રાય આખી જિંદગી ત્યાગ કરાવડાવે ! અભિપ્રાય સહેજ કાચો હોય તો શું થાય ? એમાં કર્મના ઉદય આવે પછી માણસનું ચાલે નહીં, પછી સ્લીપ થઈ જાય. અરે, પૈણી હઉ જાય ! એ અભિપ્રાય પાકાં નહીં, એટલે શું ? કે એમાં જરા છૂટછાટ રહેવા દીધેલી હોય.

નિશ્ચયનાં પરિપોષકો

તમારો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય અને અમારી આજ્ઞા, એ તો કામ જ કાઢી નાખશે, પણ જો મહીં સહેજે નિશ્ચય આઘોપાછો ના થયો તો ! અમારી આજ્ઞા તો, એ જ્યાં જશે ત્યાં રસ્તો બતાવશે અને આપણે સહેજ પણ પ્રતિજ્ઞા નહીં છોડવી. વિષયનો વિચાર આવ્યો તો અડધો કલાક સુધી તો ધો ધો કરવો કે કેમ હજુ વિચાર આવે છે ! અને આંખ તો કોઈનાય સામે માંડવી જ નહીં. જેને બ્રહ્મચર્ય પાળવું છે, એણે આંખ તો મંડાય જ નહીં, બીજા બધા તો માંડે. તું નીચું જોઈને ચાલે છે કે ઊંચું જોઈને ચાલે છે ?

પ્રશ્નકર્તા : નીચું જોઈને.

દાદાશ્રી : કેટલા વખતથી ?

પ્રશ્નકર્તા : જ્યારથી જ્ઞાન મળ્યું ત્યારથી !

દાદાશ્રી : ત્યાર પહેલાં ઊંચું જોઈને ચાલતો હતો ? એનાથી તો આંખ દાઝે અને બધા રોગ જ એમાં છે, જુએ ને રોગ પેસે ! એમાં આંખનો દોષ છે ? ના, મહીં અજ્ઞાનતાનો દોષ છે ! અજ્ઞાનતાથી એને એમ જ લાગે છે 'આ સ્ત્રી છે', પણ જ્ઞાન શું કહે છે ? કે 'આ શુદ્ધાત્મા છે !' એટલે જ્ઞાન હોય, એની તો વાત જ જુદી ને ?!

અમારું વચનબળ તો હોય, પણ આટલી ચીજો સાચવવી પડે, તો તમારો નિશ્ચય ના ડગે. એક તો કોઈની સામે દ્ષ્ટિ ના માંડવી જોઈએ, ધર્મ સંબંધી હોય તે વાંધો નથી, પણ તે સાહજિક હોય. બીજું, કપડાં પહેરેલો માણસ આમ જોતાંની સાથે નાગો હોય તો કેવો દેખાય ? પછી ચામડી ઉખેડી નાખે તો કેવો દેખાય ? પછી ચામડી કાપી નાખીને આંતરડાં બહાર કાઢ્યા હોય તો કેવો દેખાય ? એમ બધી દ્ષ્ટિ આગળ આગળ વધ્યા કરે, એ બધા પર્યાય આમ એક્ઝેક્ટ દેખાય. હવે આવો અભ્યાસ જ કર્યો નથી ને ? તો એવું કેમ દેખાય ? આનો તો પહેલાં ખૂબ ખૂબ વિચારીને અભ્યાસ કરવો પડે. આ સ્ત્રી જાતિને ખાલી હાથ આમ અડી ગયો હોય તો પણ નિશ્ચય ડગાવ, ડગાવ કરે. રાત્રે ઊંઘવા જ ના દે એવા એ પરમાણુઓ ! માટે સ્પર્શ તો થવો જ ના જોઈએ અને દ્ષ્ટિ સાચવે તો પછી નિશ્ચય ડગે નહીં !

બ્રહ્મચર્યની ભાવના ભાવજે ને ખૂબ સ્ટ્રોંગ રહેજે ! નિશ્ચયમાં ચેતતો રહેજે, કારણ કે પુણ્યૈને આથમી જતાં વાર નથી લાગતી. પોતાનાં નિશ્ચયમાં બહુ બળ હોય તો જ કામ થાય. વારેઘડીએ મન બગડી જતું હોય તો પછી નિશ્ચય રહે નહીં ને ?! નિશ્ચય જબરજસ્ત જોઈએ, 'સ્ટ્રોંગ' જોઈએ. પછી બધા ટેકો આપે, બધા 'હેલ્પ' કર્યા કરે. નિશ્ચય આગળ કોઈનું ના ચાલે. નિશ્ચય મોટામાં મોટી વસ્તુ છે. પોતાનો નિશ્ચય મજબૂત જોઈએ. એ નિશ્ચયને, મહીંથી ને મહીંથી વાત નીકળે ને છેતર છેતર કરે, ને પાછું અંદરથી જ સલાહ આપી આપીને નિશ્ચયને તોડી નાંખે. તે જ્યારે જ્યારે સલાહ આપવામાં આવે તો આપણે એનું સાંભળવું નહીં. તારે એવું આવે છે કોઈ દા'ડો ?

પ્રશ્નકર્તા : બે મહિના પહેલાં એ બધામાંથી પસાર થઈ ગયો છું.

દાદાશ્રી : હમણાં નથી થતું હવે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે સારું. અંદર તો બહુ ભારે 'રેજિમેન્ટો' બધી પડેલી છે, બહુ મોટી મોટી છે.

આટલુંક જ સાચવશો જરા

અમારા વચનબળથી કેટલાંક માણસોને રેગ્યુલર થઈ જાય છે. અમારું વચનબળ ને તમારું અડગ નક્કીપણું, આ બે જ ગુણાકાર થાય તો વચ્ચે કોઈની તાકાત નથી કે એને ફેરવી શકે ! એવું આ અમારું વચનબળ છે. અમે તમને શું કહીએ છીએ કે તમે અડગ થાવ, તમે મોળા ના થશો. તમારો દ્ઢ નિશ્ચય હોવો જોઈએ કે દાદાની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ મુખ્ય વસ્તુ છે.

અમે બ્રહ્મચર્ય વ્રત કોઈને આપતાં નથી અને આપીએ છીએ તોય અમે કહીએ છીએ કે અમારું વચનબળ છે, જબરજસ્ત વચનબળ છે, તે કર્મના ઉદયને ફેરવી નાખે તેવું વચનબળ છે, પણ તારી સ્થિરતા જો ના તૂટી તો. તારે બહુ મજબૂતી પકડી રાખવી જોઈએ. જ્ઞાનીના વચનબળ સિવાય બીજું કોઈ આ કાર્ય કરી શકે તેમ નથી, એટલું બધું જ્ઞાનીનું વચનબળ હોય છે ! જ્ઞાનીનું મનોબળ ઓર જાતનું હોય છે ! કારણ કે જ્ઞાની પોતે વચનના માલિક નથી, મનના માલિક હોતા નથી. જે વચનના માલિક હોય, તેના વચનમાં બળ જ ના હોય. આખું જગત વચનનું માલિક થઈને બેઠું છે, તેમનાં વચનમાં બળ ના હોય. બળ તો, વાણી રેકર્ડની પેઠ નીકળી, તો એ વચનબળ કહેવાય.

અમારું વચનબળનું કામ એવું કે બધું જ પાળવા દે, બધાં કર્મોને તોડી નાખે ! વચનબળમાં તો ગજબની શક્તિ છે, કે કામ કાઢી નાખે !! 'પોતે જો સહેજ પણ ડગે નહીં તો કર્મ એને નહીં ડગાવી શકે !!! કર્મ ડગાવે તો, એને વચનબળ જ ના કહેવાય ને ? વીતરાગોએ વચનબળ અને મનોબળને તો ટોપમોસ્ટ કહ્યું છે, જ્યારે દેહબળને પાશવી બળ કહ્યું છે ! દેહબળ જોડે લેવાદેવા નથી, વચનબળ જોડે લેવાદેવા છે !

પ્રશ્નકર્તા : મનોબળ એટલે શું ? બ્રહ્મચર્ય માટે આમ પાકું થઈ જાય, ડગે નહીં, એને મનોબળ કહેવાય કે ?

દાદાશ્રી : એ તો એક વાંદરો કૂદે, એટલે બીજોય પાછો કૂદે. એમ એક ફેરો જુએ પછી એ કૂદવાની હિંમત ધરાવે, એમ કરતું કરતું મનોબળ વધતું જાય; પણ જેણે જોયું જ ના હોય, તે શી રીતે કૂદે ?

પ્રશ્નકર્તા : એટલે આ વાતો સાંભળીએ એટલે કૂદે ?

દાદાશ્રી : પણ એ તો જોડે જોડે પોતાની મહીં ઇચ્છા હોય, પોતાની ભાવના એવી હોય ત્યારે એવી મજબૂતી થાય.

પ્રશ્નકર્તા : ભાવના તો મારે એવી જ છે.

દાદાશ્રી : તે એની મેળે જ મજબૂત થશે. એક બાજુ વાડ કરીએ ને પેલી બાજુની વાડમાં શિયાળવા કાણાં પાડે, તેને આપણે પૂરીએ નહીં ત્યારે શું થાય ? એ તો પાછળ બધાં 'હોલ' પૂરતા જવું જોઈએ ને ? અને નવી વાડ કરતા જવું પડે. ભાવના એવી મજબૂત હોય તો બધુંય થાય.

પ્રશ્નકર્તા : પાછલાં હોલ પૂરવાનાં એટલે પ્રતિક્રમણ કરીને જ ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવાનાં જ, પણ હજુ નબળાઈઓ જવી જોઈએ ને ? મન મજબૂત હોવું જોઈએ ને ? એ બાજુ દ્ષ્ટિ પણ ના જાય એવું હોવું જોઈએ. મનમાં નક્કી કર્યું હોય કે આ બાજુ નથી જ જોવું એટલે ના જ જુએ એ ! પછી પાછળ ભૂતાંની પેઠ ગમે એટલી બૂમો પાડે તોય પણ એ બાજુ ના જ જુએ, એ ભડકે જ નહીં ને ! એવું મનોબળ દિવસે દિવસે કેળવાય ત્યારે ખરું!

પ્રશ્નકર્તા : પેલી ઇચ્છા તો અંદરથી સહેજ પણ થતી નથી.

દાદાશ્રી : એ તો એવું લાગે. બે દહાડા માટે એવું લાગે, પણ એ તો દસ વર્ષનું સરવૈયું ભેગું દેખીએ ત્યારે સાચી વાત !

પ્રશ્નકર્તા : એટલે આવું દસ વર્ષ રહેવું જોઈએ ?!!!

દાદાશ્રી : દસ વર્ષ નહીં, ચૌદ વર્ષ રહેવું જોઈએ, રામ વનવાસ ગયા હતા એટલાં વર્ષ !! ચૌદ વર્ષ થયાં ત્યારે રામ મજબૂત થયા. એટલે તો આપણે કહીએ છીએ કે અમારી આજ્ઞા અને સાથે આ જ્ઞાનને સિન્સિયરલી એક્ઝેક્ટનેસમાં રાખે તો અગિયાર વર્ષે ને કાં તો ચૌદ વર્ષે પૂર્ણાહુતિ થાય.

ક્યાંક પોલ 'પોષાતી' તો નથી ને ?

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય 'સ્વભાવમાં હોવું' એટલે શું ?

દાદાશ્રી : બ્રહ્મચર્ય 'સ્વભાવમાં રહેવું' એ શબ્દ ક્યાંથી લાવ્યો તું ? આત્મા સ્વભાવથી જ બ્રહ્મચારી છે, આત્માને બ્રહ્મચારી થવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : આપે પેલી વાત કરેલી કે જે પૂર્વે ભાવના ભાવેલી હોય, અત્યારે એને ઉદયમાં આવેલું હોય, તે બ્રહ્મચર્ય પાળે.

દાદાશ્રી : એ તો જે ભાવના આગળ આવેલી હોય, જે આગળ 'પ્રોજેક્ટ' કર્યું હોય, એ પ્રમાણે અત્યારે ઉદય આવે. તે આ જૈનના છોકરા-છોકરીઓ જે દીક્ષા લે છે, તે જોયું હતું કે ? વીસ વર્ષનો છોકરો હોય છે, ભણેલો હોય છે, શ્રીમંત હોય છે, તે દીક્ષા લે છે. એનું કારણ શું ? ગયા અવતારોમાં એમણે બીજા સાધુ-સાધ્વીઓના સંગથી એવી ભાવનાઓ ભાવેલી અને જૈનોનો રિવાજ એવો છે કે પોતાનો છોકરો કે છોકરી આવી દીક્ષા લે તો બહુ આનંદ પામે, 'ઓહોહો ! એના આત્માનું કલ્યાણ કરે છે. આપણને તો મોહ છે અને એને મોહ ઊડી ગયો છે.' એટલે એ લોકો તો છોકરાને હેલ્પ કરે ! જ્યારે આપણા લોકો તો હેલ્પ કરે નહીં. આપણે તો છોકરો જો જતો રહેશે ને મારું નામ ઊડી જશે, એવું કહેશે ! પણ આપણામાંય પૂર્વે ભાવના ભાવેલી હોય ત્યારે તો 'મારે બ્રહ્મચર્ય પાળવું છે' એવું સ્ટ્રોંગ બોલે, નહીં તો મહીં અદબદ થાય. શું થાય ?

પ્રશ્નકર્તા : ડગમગ થાય.

દાદાશ્રી : હા, ડગમગ થાય ને, કે આમ કરું કે તેમ કરું. ઘડીકમાં વિચાર બદલાય ને ઘડીકમાં વિચાર થાય. તારો વિચાર બદલાઈ જાય છે, કો'ક ફેરો ?

પ્રશ્નકર્તા : નથી બદલાતો.

દાદાશ્રી : કેટલા વખતથી નથી બદલાતો ?

પ્રશ્નકર્તા : ચાર મહિનાથી.

દાદાશ્રી : ચાર મહિના ? એટલે કંઈ આ છોડવો હજુ મોટો ના કહેવાય ને ? એને આવડો નાનો છોડવો કહેવાય. એ તો ગાયના પગ નીચે આવે તોય દબાઈ જાય.

પ્રશ્નકર્તા : કોઈને બ્રહ્મચર્ય માટે નિશ્ચય ડગુમગુ થાય, એ એની પૂર્વની ભાવના એવી હશે, એટલે ?

દાદાશ્રી : ના, એવું નહીં, આ નિશ્ચય છે જ નહીં એનો. આ પહેલાંનો પ્રોજેક્ટ નથી અને આ જે નિશ્ચય કર્યો છે, એ લોકોનું જોઈને કર્યો છે. આ ખાલી દેખાદેખી છે એટલે ડગમગ થયા કરે છે, એના કરતાં શાદી કરને ભાઈ, શી ખોટ જવાની છે ? કોઈ છોકરી ઠેકાણે પડશે ! અને જે શાદી કરે, તેની જવાબદારી છે ને ? ના કરે તો જવાબદારી છે કંઈ એની ? બીજાએ શાદી કરી હોય ને તારે જવાબદારી આવે ? ભાર જેટલો ઊંચકાય તેટલો ઊંચકો, બે સ્ત્રીઓ કરવી હોય તો બે કરો. ભાર ઊંચકાવો જોઈએને આપણાથી ? અને ભાર ન ઊંચકાય તો એમ ને એમ કુંવારા રહો, બ્રહ્મચારી રહો; પણ બ્રહ્મચર્ય પળાવું જોઈએ ને ?!

ન ચાલે અપવાદ બ્રહ્મચર્યમાં

આ ભઈ ખરું કહે છે કે આ ડગુમગુ થતું હોય, તેનો શો અર્થ ?! એ ડગુમગુ થાય છે, એનું કારણ જ એટલું છે કે આજના આ બધાના હિસાબે આપણે કરવા જઈએ છીએ, દોડીએ છીએ અને દોડાતું તો છે નહીં, પાછું થોડીવાર બેસી રહેવું પડે છે. શું?

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનું વ્રત લીધા પછી કોઈનું ડગુમગુ થતું હોય તો ?

દાદાશ્રી : ડગમગવાળાથી વ્રત લેવાય પણ નહીં અને વ્રત લે તો એમાં ભલીવાર આવેય નહીં. ડગુમગુ થાય છે, તે આપણે ના સમજીએ કે 'કમિંગ ઇવેન્ટસ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ?!'

બ્રહ્મચર્યમાં અપવાદ રખાય એવી વસ્તુ નથી. કારણ કે માણસનું મન પોલ ખોળે છે, કોઈ જગ્યાએ આવડું અમથું કાણું હોય તો તેને મન મોટું કરી આપે !

પ્રશ્નકર્તા : આ પોલ ખોળી કાઢે, એમાં કઈ વૃત્તિ કામ કરે છે ?

દાદાશ્રી : એ મન જ કામ કરે છે, વૃત્તિ નહીં. મનનો સ્વભાવ જ એવો પોલ ખોળવાનો છે.

પ્રશ્નકર્તા : મન પોલ મારતું હોય તો, એને કઈ રીતે અટકાવવું?

દાદાશ્રી : નિશ્ચયથી. નિશ્ચય હોય તો પોલ મારે શી રીતે તે ? આપણો નિશ્ચય છે, તો કોઈ પોલ મારે જ નહીં ને ? જેને 'માંસાહાર નથી ખાવું' એવો નિશ્ચય છે, એ નથી જ ખાતો.

પ્રશ્નકર્તા : એટલે દરેક બાબતમાં નિશ્ચય કરી રાખવા ?

દાદાશ્રી : નિશ્ચયથી જ બધું કામ થાય છે.

પ્રશ્નકર્તા : આપ જો નિશ્ચયનો આટલો બધો ભાર મૂકો છો, તો એ 'ક્રમિકમાર્ગ' ના કહેવાય ?

દાદાશ્રી : ના, ક્રમિકને લેવાદેવા નહીં ને ! આત્મા પ્રાપ્ત થયા પછી ક્રમિક ક્યાંથી આવ્યું ? ક્રમિક તો આત્મા પ્રાપ્ત ના કર્યો હોય, ત્યાં સુધીના ભાગને ક્રમિક કહેવાય છે. આત્મા પ્રાપ્ત કર્યા પછી ક્રમિક હોતું જ નથી.

પ્રશ્નકર્તા : આત્મા પ્રાપ્ત કર્યા પછી નિશ્ચયબળ રાખવું પડે?

દાદાશ્રી : પોતાને રાખવાનું જ નથી ને ?! આપણે તો 'ચંદ્રેશ'ને કહેવાનું કે તમે બરાબર નિશ્ચય રાખો.

આ વાતના પ્રશ્નો પૂછવાના થાય તો એ પોલ ખોળે છે. માટે આ પ્રશ્નો પૂછવાના થાય ત્યારે એને 'ચૂપ' કહીએ, 'ગેટ આઉટ' કહીએ, એટલે એ ચૂપ થઈ જાય. 'ગેટ આઉટ' કહેતાંની સાથે જ બધું ભાગી જાય.

પુરુષાર્થ જ નહીં, પણ પરાક્રમે પહોંચો

દાદાશ્રી : તારે શું થાય છે ?

પ્રશ્નકર્તા : દિવસમાં એવો એવિડન્સ બાઝે તો વિષયની એકાદ ગાંઠ ફૂટી જાય, પણ પાછું તરત થ્રી વિઝન આમ મૂકી દઉં.

દાદાશ્રી : નદીમાં તો એક જ ફેરો ડૂબ્યો કે મરી જાય ને? કે રોજ રોજ ડૂબે તો મરી જાય ? નદીમાં એક ફેરો જ ડૂબી મરે, પછી વાંધો છે ? નદીને ખોટ જવાની છે કંઈ ?

પ્રશ્નકર્તા : નદીને શી ખોટ જાય ?

દાદાશ્રી : ત્યારે ખોટ કોને જાય ?

પ્રશ્નકર્તા : જે મર્યો, એને જાય.

દાદાશ્રી : એમ ? ત્યારે તું કહું છું ને, કે હજી તો મારે વિષયની ગાંઠ ફૂટે છે ?

પ્રશ્નકર્તા : આનું કારણ શું ?

દાદાશ્રી : એ તો તારે શોધી કાઢવાનું. એક તો આજ્ઞામાં રહેતા નથી અને કારણ પૂછો છો ?!

શાસ્ત્રકારોએ તો એક જ વખતના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે. બ્રહ્મચારીને માટે શું કહ્યું છે, કે એક વખત અબ્રહ્મચર્ય થાય એના કરતાં મરણ સારું. મરી જજે, પણ અબ્રહ્મચર્ય ના થવા દઈશ.

નર્કમાં જેટલો ગંદવાડો નથી એટલો વિષયમાં ગંદવાડો છે, પણ આ જીવને બેભાનપણામાં સમજાતું નથી. જ્ઞાની પુરુષ એકલા ભાનમાં હોય, તે એમને આ ગંદવાડો આરપાર દેખાય. જેને દ્ષ્ટિ આટલી બધી કેળવાયેલી, તેને રાગ કેમ ઉત્પન્ન થાય?

કર્મનો ઉદય આવે ને જાગૃતિ ના રહેતી હોય ત્યારે જ્ઞાનનાં વાક્યો મોટેથી બોલીને જાગૃતિ લાવે અને કર્મોની સામો થાય, એ બધું પરાક્રમ કહેવાય. સ્વ-વીર્યને સ્ફૂરાયમાન કરવું એ પરાક્રમ. પરાક્રમ આગળ કોઈની તાકાત નથી.

પ્રશ્નકર્તા : બહુ 'એટેક' આવે તો હાલી જાય છે.

દાદાશ્રી : એનું નામ જ આપણો નિશ્ચય કાચો છે. નિશ્ચય કાચો ના પડે, એ આપણે જોવાનું છે. 'એટેક' તો સંજોગ હોય એટલે આવે. આ ગંધ આવે તો એની અસર થયા વગર રહે નહીં ને ? એટલે આપણો નિશ્ચય જોઈએ કે મારે એને અડવા દેવું નથી. નિશ્ચય હોય તો કશું થાય નહીં. જ્યાં નિશ્ચય છે ત્યાં બધું જ છે. અહીં પુરુષાર્થનું બળ છે. આત્મા થયા પછી પુરુષાર્થ થયો, તેનું આ બળ છે, એ બહુ ગજબનું બળ છે. છતાં અમે શું કહીએ છીએ કે આપણામાં નબળાઈ છે તે જાણવું, પણ એની સામે શૂરાતન હોવું ઘટે, તો જ્યારે ત્યારે એ નબળાઈ જશે. શૂરાતન હશે તો એક દહાડો જીતી જશે, પણ પોતાને નિરંતર ખૂંચવું જોઈએ કે આ ખોટું છે.

મુસલમાનોય એટલું તો જોર કરે છે વગર જ્ઞાને કે, 'અરે યાર જાને દે, હિંમતે મર્દા તો મદદે ખુદા'; જ્યારે આપણને તો જ્ઞાન હોય તો સમજણ ના પડે ? 'હિંમતે મર્દા તો મદદે ખુદા' એવું બોલેને, તો શૂરાતન ચઢી જાય એને તો. આપણું તો આ વિજ્ઞાન છે. વિજ્ઞાનીને તો હિંમત ના હોય એવું બને જ કેમ કરીને ?! અમને તો આટલું કોઈ કહેનાર જ નહોતું મળ્યું. તમે તો બહુ પુણ્યશાળી છો કે તમને તો જ્ઞાની પુરુષ મળ્યા છે, નહીં તો લોક તો અવળે રસ્તે ચઢાવનારા મળે.

નિશ્ચય માંગે સિન્સીયારિટી

અત્યારે તો ઉંમર નાની ને, તે મોહનીય પરિણામ હજુ આવ્યાં નથી. પેલા કર્મના ઉદય એ તો આવેલાં જ નહીં ને ? એટલે અત્યારથી આપણે આ ગોઠવી રાખેલું હોય તો કશી ભાંજગડ ના આવે. આ જ્ઞાન, આ નિશ્ચય બધું આપણે એવું ગોઠવી રાખીએ કે આ મોહનીય પરિણામમાંય આપણને ડગાવે નહીં. આ કાળની બહુ વિચિત્રતા છે કે આ કાળના લોકો બધા મહા મોહનીયવાળા છે. માટે તેમને મોઢે 'કેમ છો ?' બોલવું. પણ એમની જોડે આંખ પણ ના માંડવી, આંખ મીલાવીને વાતચીત પણ ના કરવી. આ કાળની વિચિત્રતા છે, તેથી કહીએ છીએ. કારણ કે આ એક જ વિષયરસ એવો છે કે સર્વસ્વ ખોવડાવી નાખે તેમ છે. અબ્રહ્મચર્ય એકલું જ મહા મુશ્કેલીવાળું છે, નહીં તો સવારના પહોરમાં નક્કી કરી નાખવું કે આ જગતની કોઈ પણ ચીજ મને ખપતી નથી, પછી તેને સિન્સીયર રહેવું. મહીં તો બહુ લબાડો છે કે જે સિન્સીયર ના રહેવા દે, પણ જો એને સિન્સીયર રહે તો પછી એને કોઈ ચીજ નડતી નથી.

જેટલો તું સિન્સીયર એટલી તારી જાગૃતિ. આ તને સૂત્રરૂપે અમે આપીએ છીએ ને નાનો છોકરોય સમજે એવું ફોડવાર પણ આપીએ છીએ. પણ જે જેટલો સિન્સીયર, એની એટલી જાગૃતિ. આ તો સાયન્સ છે. જેટલી આમાં સિન્સીયારિટી એટલું જ પોતાનું થાય અને આ સિન્સીયારિટી તો ઠેઠ મોક્ષ ભણી લઈ જાય. સિન્સીયારિટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. જે થોડો થોડો સિન્સીયર હોય અને જો એ સિન્સીયારિટીના પથ પર ચાલ્યો, એ રોડ ઉપર ચાલ્યો, તો એ મોરલ થઈ જાય. સંપૂર્ણ મોરલ થઈ ગયો, એટલે પરમાત્મા પ્રાપ્ત થવાની તૈયારી થઈ ગઈ, એટલે પહેલા સિન્સીયારિટી જોઈએ. મોરાલિટી તો પછી આવે.

એક વખત તું સિન્સીયર થા. જેટલી વસ્તુને તું સિન્સીયર, એટલી એ વસ્તુ જીત્યા અને જેટલી વસ્તુને અનસિન્સીયર, એટલી જીત્યા નથી. એટલે બધે સિન્સીયર થાઓ તો તમે જીતી જશો ! આ જગત જીતવાનું છે. જગત જીતશો તો મોક્ષે જવાશે. જગત જીત્યા સિવાય કોઈ મોક્ષે જવા દેશે નહીં.

'રીજ પોઈન્ટે' પડેલાં જોખમો જો

પ્રશ્નકર્તા : તે દિવસે આપ કંઈ કહેતા હતા કે જવાનીમાંય 'રીજ પોઈન્ટ' હોય છે, તો એ 'રીજ પોઈન્ટ' શું છે ?

દાદાશ્રી : 'રીજ પોઈન્ટ' એટલે આ છાપરું હોય છે, તે એમાં 'રીજ પોઈન્ટ' ક્યાં આગળ આવ્યું ? ટોચ ઉપર.

દરેક વસ્તુનું ઉદયાસ્ત હોય છે, ઉદય ને અસ્ત. કર્મોનોય ને બધાનોય, ઉદય ને અસ્ત હોય છે. સૂર્યનારાયણને પણ ઉદય-અસ્ત હોય છે કે નથી હોતો ? એ જ્યારે સેન્ટરમાં હોય છે, તેના કરતાં ઉદય થાય ત્યારે નીચે હોય અને અસ્ત થાય ત્યારે પણ નીચે હોય અને વચ્ચે જ્યારે બહુ ટોપ ઉપર જાય ત્યારે એ 'રીજ પોઈન્ટ' કહેવાય. એવી રીતે દરેક કર્મ 'રીજ પોઈન્ટ' ઉપર પહોંચે ને પછી ઊતરી જાય. તેમ યુવાનીનો ઉદય અને યુવાનીનો અસ્ત હોય છે. યુવાની જ્યારે 'રીજ પોઈન્ટ' ઉપર જાય એ વખતે જ બધું પાડી નાખે. એમાંથી એ 'પાસ' થઈ ગયો, પસાર થઈ ગયો તો જીત્યો. અમે તો બધુંય સાચવી લઈએ, પણ એનું જો પોતાનું મન ફેરફાર થાય તો પછી ઉપાય નથી. એટલા માટે અમે એને અત્યારે ઉદય થતાં પહેલાં શીખવાડીએ કે ભઈ, નીચું જોઈને ચાલજો. સ્ત્રીને જોશો નહીં, બીજું બધું ભજિયાં-જલેબી જો જો. આ તમારે માટે ગેરેન્ટી ના અપાય. કારણ કે યુવાની છે. યુવાની 'રીજ પોઈન્ટ' પર ચઢે ત્યારે પછી શાં પરિણામ આવે, એ શું કહેવાય ? જો કે અમારા પ્રોટેકશનમાં કશું બગડે નહીં, પણ સેંકડે પાંચ ટકા બગડીય જાય. એવા નીકળે કે ના નીકળે ?

પ્રશ્નકર્તા : એટલે અમે અમારું 'રીજ પોઈન્ટ' ક્રોસ કરી જઈએ, ત્યાં સુધી એકદમ જાગૃતિ રાખવાની ?

દાદાશ્રી : 'રીજ પોઈન્ટ' થતાં થતાં તો બહુ ટાઈમ લાગે. 'રીજ પોઈન્ટ' આવે તો તો બહુ થઈ ગયું ! તોય પણ આનો ભય તો ઠેઠ સુધી રાખવા જેવો છે. પછી એની મેળે સેફસાઈડ થયેલી આપણને માલમ પડશે.

પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભને ત્રણ વર્ષ ખોરાક ના મળે તો તે ભૂગર્ભમાં જતાં રહે, એવું આ વિષયોમાં ખરું કે નહીં ?

દાદાશ્રી : આમાં તો એવું હોય જ નહીં. આમાં 'નો' અપવાદ ! બીજા બધામાં અપવાદ, પણ આમાં તો અપવાદ જ નહીં.

બ્રહ્મચર્ય માટે અમારા તરફથી તમારા માટે પૂરું બળ છે, તમારી પ્રતિજ્ઞા મજબૂત, સુંદર જોઈએ ! તમારી પ્રતિજ્ઞા, ઘડભાંજ વગરની, લાલચ વગરની, દુશ્મનાવટ વગરની હોવી જોઈએ !

દ્ઢ નિશ્ચયી પહોંચી શકે

પ્રશ્નકર્તા : આપ જ્યારે આ બતાડોને, પોતાને ના દેખાતું હોય તો આપણે કહેવાનું ઊલ્ટું કે 'તારામાં આવું છે તો જ દાદા કહેને.' એટલે દેખાય.

દાદાશ્રી : આ કહું છું, તે બીજ નાખું છું !

પ્રશ્નકર્તા : તોય આલોચના જ્યારથી મેં આપી છે ને ત્યારથી નિશ્ચય ઘણો સ્ટ્રોંગ થઈ ગયો છે.

દાદાશ્રી : એ નિશ્ચય સ્ટ્રોંગ ના કહેવાય, નિશ્ચય તો કડક થયેલો હોય ત્યારે હું કહું એ. મનથી નિશ્ચય કરે એકલો ચાલે નહીં, નિશ્ચય વ્યવહારમાંય પણ નિશ્ચય હોવો જોઈએ.

દાદાશ્રી : બ્રહ્મચર્યનો કોર્સ પૂરો કરીશ ?

પ્રશ્નકર્તા : ચોક્કસ. પેલું તો જોઈએ જ નહીં હવે. વિષયનો વિચાર ના ગમે, એવું પણ જે ગમતાપણાની બિલિફ છે ને એ રહ્યા કરે હજુ. એના પ્રત્યે જે ગમતાપણું, એ રહ્યા કરે અંદર હજુ.

દાદાશ્રી : અને અણગમો પણ ખરો ?

પ્રશ્નકર્તા : જેટલો ગમો છે, એનાથી વધારે અણગમો રહ્યા કરે.

દાદાશ્રી : પણ તેં નક્કી શું કર્યું છે ?

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો નિશ્ચય વર્તે આમ, પણ પુરુષાર્થમાં કચાશ પડી જાય, તો એના માટે શું કરવું ?

દાદાશ્રી : એ પુરુષાર્થમાં કચાશ નહીં, નિશ્ચય એ જ પુરુષાર્થ.

પ્રશ્નકર્તા : નિશ્ચય હોય એટલે પેલી વસ્તુ રહે જ પછી.

દાદાશ્રી : તે ડિસ્ચાર્જમાં કચાશ હોય છે. કચાશ હોય એ ડિસ્ચાર્જમાં હોય, ચાર્જમાં ના હોય અને તે ડિસ્ચાર્જમાં હોય, તેની કિંમત નહીં.

પ્રશ્નકર્તા : વિષયની બાબતમાં તો પહેલેથી સ્ટ્રોંગ રાખેલું છે અને હજુ પણ એ બાબતમાં વધારે જાગૃતિ રાખેલી છે છેક સુધી, પણ આ જે બીજા જે સંસારમાં પ્રસંગો બને ને...

દાદાશ્રી : બીજાનું કશું નહીં, બીજાની કિંમત જ નહીં. કિંમત જ આની છે, બ્રહ્મચર્યની, બીજા બધા મનુષ્યના દેહમાં પશુ છે ! પાશવતાનો દોષ છે. બીજાની કિંમત જ નહીં.

પ્રશ્નકર્તા : બાકી વિષયમાં તો એટલે સુધી નક્કી છે કે હવે જો થાય તો ચંદ્રેશને ખલાસ કરી નાખું, પણ હવે તો આ ના જ જોઈએ.

દાદાશ્રી : તો બ્રહ્મચર્યનું સારું કહેવાય. એ સમજૂતી જોઈએ. બાકી હેવાનિયત હોય, તે તો અટકે નહીં ને !

અધૂરી સમજણ, ત્યાં નિશ્ચય કાચો

પ્રશ્નકર્તા : આપે નિશ્ચય માટે વધારે ભાર મૂક્યો છે. તો નિશ્ચય માટે શું હોવું ઘટે, બ્રહ્મચારીઓને ?

દાદાશ્રી : નિશ્ચય એટલે શું ? કે બધા વિચારોને બંધ કરી દઈને એક જ વિચાર પર આવી જવું, કે આપણે અહીંથી સ્ટેશને જવું છે જ. સ્ટેશનથી ગાડીમાં જ બેસવું છે. આપણે બસમાં નહીં જવું. એટલે પછી બધા એવા સંજોગો ભેગાં થાય, તમારો નિશ્ચય હોય તો.

નિશ્ચય કાચો હોય તો સંજોગ ના ભેગા થાય.

પ્રશ્નકર્તા : હા, એ નિશ્ચય કાચો પડે એેટલે એક્ચ્યુઅલ નિશ્ચય માટે શું હોવું જોઈએ ? કારણ કે આ કાળ જ એવો છે કે નિશ્ચય ફેરવી નાખે.

દાદાશ્રી : એ ફરે, એને આપણે પાછું ફરી ફેરવવું. એ ફરે ને આપણે ફરી ફેરવવું. પણ કાળ કે બધું જ છે, તે આપણને નહીં પહોંચી વળે. કારણ કે આપણે પુરુષ જાતિ છીએ. બીજી બધી જાતિઓ જુદી છે. એટલે આ આપણને પુરુષ જાતિને નહીં પહોંચી શકે.

પ્રશ્નકર્તા : પણ આપણે આમ ફેરવ ફેરવ કરીએ, એના કરતાં એક્ઝેક્ટ સમજી લઈએ તો ફરે જ નહીં ને, નિશ્ચય.

દાદાશ્રી : ના. સમજી લેવું, તેની તો વાત જ જુદી. સમજ્યા વગરનું કશું કરવાનું હોય જ નહીં ને ? પણ એટલી બધી સમજણ પડવી મુશ્કેલ છે, એના કરતાં નિશ્ચય લઈને ચાલવું.

પ્રશ્નકર્તા : આપે એવું કીધેલું છે કે આ અબ્રહ્મચર્ય એ સમજથી જ ઊડે એવું છે, બીજી કોઈ વસ્તુથી ઊડે એવું છે નહીં.

દાદાશ્રી : સમજથી હોય તો એ વિચારતાં જ ચિતરી ચડે એવું છે. પણ નથી ચિતરી ચડતી ને કેમ રાગ થાય છે, ભાવ થાય છે, એ બાજુનો ? કારણ કે હજુ સમજ્યો નથી બરાબર.

પ્રશ્નકર્તા : એટલે એ સમજ નથી એટલે એનો નિશ્ચય પણ એટલો બરાબર નથી.

દાદાશ્રી : હા, પણ સમજણ આવવી એ જરા વાર લાગે એવી છે. સમજવા ઉતરે તો ઉતરે એવું છે, સમજાય એવું છે. સમજમાં આવે ત્યારે તો નિશ્ચય-બિશ્ચય કશું કરવાનું રહ્યું નહીં.

કેમ ગાડીઓને નથી અથડાતો ?

વિષયનો સ્વભાવ શું છે ? જેટલો સ્ટ્રોંગ એટલા વિષય ઓછાં. એમાં જેટલો નબળો એટલા વિષય વધ્યા. જે સાવ નબળો હોય, તેને બહુ વિષય હોય. એટલે નબળાને ફરી ઊંચો જ ના આવવા દે એટલા બધા વિષય વળગ્યા હોય અને જબરાને અડે જ નહીં.

પ્રશ્નકર્તા : એ નબળાઈ શેનાં આધારે ટકી રહી છે ?

દાદાશ્રી : પોતાની મહીં એમાં પ્રતિજ્ઞા ના હોય, પોતાની કોઈ દહાડોય સ્થિરતા ના હોય એટલે એ લપસતો જાય. લપસતો, લપસતો ખલાસ થઈ જાય. બ્રહ્મચર્ય તૂટે તો ઝેર ખાઈને માવજત કરજે, કહે છે, પણ બ્રહ્મચર્ય તોડીશ નહીં, એ ક્રમિક જ્ઞાનમાં આવે.

પ્રશ્નકર્તા : ધ્યેય ઉપર પહોંચવું હોય તો અક્રમ માર્ગમાં પણ નિશ્ચય તો આવો જ રાખવો પડે ને ?

દાદાશ્રી : નિશ્ચય મજબૂત રાખવાનો, જબરજસ્ત નિશ્ચય મજબૂત જોઈએ.

તારું કંઈ રાગે પડશે, લખીને આપવાનો છું ? એમ ! તો સ્ટ્રોંગ રહો. કેમ આટલી બધી ગાડીઓમાં અથડાતો નથી ? સામો અથડાવા ફરે તોય નહીં અથડાવું એવો નિશ્ચય કર્યો છે ને તો કેવો નીકળી જાય છે ને, અથડાતો નહીં ને ?

પ્રશ્નકર્તા : ના...

દાદાશ્રી : આટલાં સારુ રહી જાય છે ને ! અથડામણ ચાર આંગળ માટે રહી જાય છે ને ? રસ્તામાં ગાડી-બાડીઓને બધાને !

પ્રશ્નકર્તા : એ તો આમ થવાની હોય, તો પોતે ઝડપથી ખસી જાય. ગાડી અથડાઈ પડવાની હોયને, તો પોતે ઝડપથી ખસી જાય.

દાદાશ્રી : એટલે આ બધું આમ તમારો નિશ્ચય હોયને તો કશુંય થાય નહીં.

દાનત ચોર, ત્યાં નહીં નિશ્ચય...

પ્રશ્નકર્તા : દાનત ચોર હોવી એ નિશ્ચયની કચાશ કહેવાય ?

દાદાશ્રી : કચાશ ના કહેવાય, આ નિશ્ચય જ નહીં. કચાશ તો નીકળી જાય બધી, પણ એ તો નિશ્ચય જ નથી.

પ્રશ્નકર્તા : પણ આમ દાનત થોડીક થોડીક ચોર હોય કે આખી ચોર હોય, એવો ફેર હશે ને એમાં ?

દાદાશ્રી : ચોર થઈ એટલે આખો જ ચોર. થોડીક ચોર શા માટે ? આપણે મકાન બાંધવું હોય તો બારણાં પહેલેથી નકશામાં સુધારી લેવાં, બે બારીઓ જોઈશે, અમારે. પછી ચોરીઓ કરવી એ સારું કહેવાય ? વિચાર કેમ આવે સહેજ પણ ? અબ્રહ્મચર્યનો વિચાર કેમ આવવો જોઈએ ? મેં તમને શું કહ્યું, ઉગતાં પહેલાં ઉખેડીને ફેંકી દેવું, નહીં તો આના જેવું જોખમ કોઈ નહીં.

પ્રશ્નકર્તા : દાદાએ એક-બે વાર ટકોર કરી, ચોર દાનત માટે, પણ હજુ વાત બરાબર પકડાતી નથી એમ.

દાદાશ્રી : પકડીને શું કામ છે તે ? જેમ લાતો વાગશે, મહીં લ્હાય બળશેને, તો એની મેળે પકડાશે. હવે તો અનુભવ શરૂ થશે ને ! પહેલી પરીક્ષા આપે અને પછી અનુભવ શરૂ થાય ને !

પ્રશ્નકર્તા : દાનત ચોર ન હોય, તો પછી વિચાર બિલકુલ આવતો બંધ થઈ જાય ?

દાદાશ્રી : ના, છો ને વિચાર આવતો. વિચાર આવે એમાં આપણે શું વાંધો છે ? વિચાર બંધ ના થઈ જાય. દાનત ચોર ના જોઈએ, મહીં ગમે તેવી લાલચનેય ગાંઠે નહીં, સ્ટ્રોંગ ! વિચાર જ કેમ આવે તે ?

પ્રશ્નકર્તા : હજુ થોડી દાનત ચોર ખરી.

દાદાશ્રી : ચોર દાનત હોય, તેય પોતે જાણે.

પ્રશ્નકર્તા : પછી કોઈ વાર વિચારો બહુ ફૂટે એ ?

દાદાશ્રી : વિચારો છો ને લાખ ઘણાય ફૂટે તોય...

પ્રશ્નકર્તા : પછી આપણને જે અંદર સુખ હોય, એ ઓછું થઈ જાય.

દાદાશ્રી : એ સુખ ઓછું થાય તો તે તપે, લાલ-લાલ થઈ જાય. એ તો તે ઘડીએ તપ કરવું પડે ને ? સુખ ઓછું થાય માટે દુઃખ વહોરવું ?

પ્રશ્નકર્તા : એટલે મેં પૂછયું કે એ 'દાનત ચોર' છે એટલે થાય છે.

દાદાશ્રી : દાનત ચોર નહીં. આમાં તો ક્ષત્રિયપણું જોઈએ, ક્ષત્રિયપણું ! ચિત્તોડના રાણા શું કહેતા હતા ? નહીં નમવાનો, નહીં જ નમવાનો. તે રાજ-પાટ છોડ્યું પણ નમ્યો નહીં. નાસી ગયો પણ નમ્યો નહીં. નહીં તો બાદશાહે કહી દીધું જો તમે નમો, તો આ પછી આ ગાદી ઉપર બેસી જાવ. ત્યારે કહે, 'ના. મારે એવી ગાદી ના જોઈએ. હું ચિત્તોડનો રાણો નહીં નમું.'

પ્રશ્નકર્તા : હજી પ્રકૃતિ હેરાન કરે છે. પણ મહીં ખરું લાલ-લાલ થાય ત્યારે જ ખરો દાદાનો અનુભવ થાય છે.

દાદાશ્રી : એ તપ પૂરું કરવું પડે. પછી પેલો પાર વગરનો આનંદ રહે. એ વાડ કૂદયો કે પછી પાર વગરનો આનંદ.

વિષયના વિષ કેમ પરખાતાં નથી ?

પ્રશ્નકર્તા : તો એવું ખરું, વિષય સમજણથી જાય ? જેમ સમજણ વધતી જાય એમ વિષય જતો રહે !

દાદાશ્રી : સમજણથી જ જતો રહે. આ સાપ ઝેરી હોય ને કૈડે કે તરત મરી જાય. એવી જો સમજણ બેસી ગઈને, પછી એ ઝેરી નાગથી છેટો જ રહે. એવું આમાં સમજણ બેસી જવી જોઈએ.

પ્રશ્નકર્તા : હા. પણ એ સમજમાં કેમ આવતું નથી ?

દાદાશ્રી : અનાદિકાળનું આરાધેલું છે ને, એ જ સત્ય માનેલું છે ને.

પ્રશ્નકર્તા : એ બરાબર છે, પણ એ આરાધેલું ને અત્યારનું જ્ઞાન, એમાં હજી કેમ યુદ્ધ ચાલ્યા કરે છે ?

દાદાશ્રી : વિગતવાર વિચારવાની પોતાની શક્તિ જ નથી ને !

પ્રશ્નકર્તા : શક્તિ નથી કે એની ઈચ્છા નથી ?

દાદાશ્રી : ના, શક્તિ નથી. ઇચ્છા તો છે બધી.

પ્રશ્નકર્તા : હવે મને એવું લાગે છે કે શક્તિ તો છે જ.

દાદાશ્રી : અને શક્તિ બધી હોય છે તો ખરી જ, પણ એ ઉત્પન્ન થયેલી નથી ને ?!

પ્રશ્નકર્તા : તો એ શક્તિ ઉત્પન્ન કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો રાત-દહાડો એના વિચાર હોય, એની પર વિચારણા કર કર કર્યા કરે અને એમાં કેટલું આરાધવા યોગ્ય છે ને કેટલું એ કરવા યોગ્ય છે, તરત આપણને મહીં જેમ જેમ વિચારે ચડે ને, તેમ ખૂલ્લું થતું જાય.

પ્રશ્નકર્તા : એટલે એનો મિનિંગ એવો જ થયો કે આ કોઈ પણ હિસાબે આ વ્યવહાર ઉડાડી દેવો જોઈએ.

દાદાશ્રી : તેથી પેલા થ્રી વિઝન વાપરે ને ? અને વિચારેલું હોય તો થ્રી વિઝનેય વાપરવું ન પડે.

પ્રશ્નકર્તા : દિવસ દરમ્યાનનાં જે વ્યવહારો છે, એ વ્યવહાર ફરજીયાત છે. એ જ એને પ્રગતિમાં અંતરાયરૂપ છેને અત્યારે, કારણ કે એને વિચારવાનો ટાઈમ જ મળતો નથી.

દાદાશ્રી : એટલે આના કરતાં સૌથી સારામાં સારું એ, કે આપણે દ્ષ્ટિ કોઈ જગ્યાએ ચોંટી, તો ઉખેડી નાખવી ને પ્રતિક્રમણ કરી નાખવું, બસ.

પ્રશ્નકર્તા : એ પછી મન ક્યાં સુધી એ એક જ સિદ્ધાંત ઉપર ચાલે ? મન એક સિદ્ધાંત ઉપર કન્ટીન્યુઅસ નથી ચાલતું. વારેઘડીએ દ્ષ્ટિ બગડે ને પ્રતિક્રમણ કરવું કે આમ કરવું, એ સિદ્ધાંત કન્ટીન્યુઅસ નથી ચાલતો. થ્રી વિઝન પણ એટ એ ટાઈમ નથી ચાલતું. કન્ટીન્યુઅસ રહેવું જોઈએ અને વિગતવાર એને સમાધાન થાય તો એ આગળ આવે છે.

દાદાશ્રી : એ વિગતવારેય સપ્લાય કરવું પડે. આપણાથી બને ત્યાં સુધી પહેલું તો આ ઉખેડી નાખવું, આ ફટ કે ચાલ્યું. પોતાના ખેતરમાં બધું જ જે કપાસ વાવ્યો છે એટલે કપાસને ઓળખીએ કે જો આ કપાસ છે. એટલે બીજું ઊગ્યું એ માત્ર કાઢી નાખવાનું. એને નીંદવાનું કહે છે. એમ નીંદી નાખીએ તે થઈ રહ્યું. બધું ઉગતાં જ દાબી નાખ્યું. તે થઈ રહ્યું. એ પહેલાં દાબી શકાય એવું છે નહીં. ઊગે નહીં ત્યાં સુધી બીજ ખબર પડે નહીં, ઉગતા જ ઓળખી ગયા કે આ બીજ જુદું છે.

પ્રશ્નકર્તા : પણ એનો નિશ્ચય હોય તો બીજું ઉગતાં જ એને ખબર પડી જાય ને ?

દાદાશ્રી : બીજું બીજ દેખાય એ ઉખેડીને ફેંકી દેવું એટલે ટૂંકમાં સારું સૌથી.

પ્રશ્નકર્તા : પણ આ એક સિદ્ધાંત ઉપર તો બેસાય જ નહીંને, આગળ જવું તો પડશે ને ?

દાદાશ્રી : તે ઘડીએ પાછો આવી મળશે રસ્તો. તે ઘડીએ એની મેળે સંજોગો બધા ભેગાં થઈ જશે. તને કામ લાગે આ વાતો બધી ? તારે શું કામ લાગે ?

પ્રશ્નકર્તા : લાગે જ ને ? આપણા ધ્યેયનું જ છે ને !

'ઉદય'ની વ્યાખ્યા તો સમજો...

પ્રશ્નકર્તા : વ્રત બરાબર પળાય છે કે નહીં, એ આપણે કેવી રીતે સમજીએ ?

દાદાશ્રી : એ આપણી આંખો ચમકારા મારે છે કે નથી મારતી એ ખબર પડે ને ? જો કદી પેલા વિચારો ગમે આપણને. કારણ કે આત્મા થર્મોમિટર જેવો છે, તો તરત બધું ખબર પડી જાય કે અવળે રસ્તે ચાલ્યું.

પ્રશ્નકર્તા : એટલે પોતાનો નિશ્ચય પાકો છે. હવે પછી જે બને છે, એ તો આખો ઉદયનો ભાગ આવ્યો ને ?

દાદાશ્રી : ઉદયનો ભાગ કયો કહેવાય કે સંડાસ જવું નથી એમ કહે તે. અહીં ઘરમાં તો સંડાસ થાય નહીં ને ! એટલે સંડાસને ઠેઠ સુધી પકડી રાખે અને પછી જાય, એ ઉદય ભાગ કહેવાય. ગમે ત્યાં સંડાસ કરવા બેસે, એ ઉદય ભાગ કહેવાય નહીં. એ વિષયમાં શું થાય છે કે એ રસ ગમે છે, એ પહેલાંની ટેવ છે. ચાખવાની આદત છે, એટલે એ પછી ઉદય ભાગમાં હાથ ઘાલવા જાય છે. ઉદય ભાગ તો, બિલકુલ પોતે ના પાડે ને ઠેઠ સુધી સ્ટ્રોંગ, પોતે લપસવું નથી, એમ કહે છે. પછી લપસી પડે, એ વાત જુદી છે. લપસી પડનારો માણસ કેટલી સાવચેતી રાખે ? સાવધાનીપૂર્વક રહેવું, તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : એટલે આ ડિમાર્કેશન બહુ સૂક્ષ્મ છે.

દાદાશ્રી : બહુ સૂક્ષ્મ છે.

પ્રશ્નકર્તા : અને પોતે જ કડક રહીને સમજી શકે. પોતે જ કડક થાય.

દાદાશ્રી : એ કડક રહેવું જોઈએ, પછી લપસી પડાય એ જુદી વસ્તુ છે. જેમ તળાવમાં તરનારો માણસ, ડૂબવાનો પ્રયત્ન હોય જ નહીં એનો.

પ્રશ્નકર્તા : અત્યારે જે બ્રહ્મચર્ય સંબંધી નિશ્ચય થાય છે, એ શેના આધારે થાય છે ? શેના ઉપર આધાર રાખે ? સ્ટ્રોંગ નિશ્ચય ?!

દાદાશ્રી : જે તમારે કરવું છે એના ઉપર. પાણીમાં છોકરો પડ્યો હોય રમવા, તરવા. એ શેના આધારે નિશ્ચય કરે છે બચવાનો ?

પ્રશ્નકર્તા : જીવવું છે એટલે.

દાદાશ્રી : એ જીવાશે તોય શું ને મરે તોય શું, તેનું શું થાય ?

પ્રશ્નકર્તા : ડૂબી જ જાય. પોતાને આમ બ્રહ્મચર્ય સંબંધી વિવેક આવે છે, એના આધારે જ આ નિશ્ચય થાય છે ?

દાદાશ્રી : એ તો સમજે શું કરું તો સુખી થવાય. સુખ ખોળે છે અને પોતાનો સ્વભાવ બ્રહ્મચારી જ છે, સ્વભાવમાં !

દ્ઢ નિશ્ચયને શેનાં અંતરાયો ?

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અંતરાયો ઊભા કર્યા છે અને પછી કહે છે કે મને દેખાતું નથી. તો તેના અનુસંધાનમાં થ્રી વિઝનની બાબતમાં ક્યા અંતરાય અને કેવી રીતે અંતરાય નડે છે ?

દાદાશ્રી : નિશ્ચય કરે કે મારે હવે બ્રહ્મચર્ય પાળવું છે, એને કશું નડતું નથી. આ તો બધા બહાનાં કાઢે. આપણા મહાત્માઓ કેટલા નિશ્ચયવાળા છે આમ, જરાય ડગતા નથી. થ્રી વિઝન એ તો હેલ્પીંગ છે. પણ જેનો નિશ્ચય છે, જેને પડવું નથી, એ કેમ કૂવામાં પડે ?! તારો નિશ્ચય પાકો છે ને ? એકદમ પાકો ?

પ્રશ્નકર્તા : એકદમ પાકો !

દાદાશ્રી : હં, એવું પાકું હોવું જોઈએ.

બધા કેટલા પાકાં. આ તો જેને નિશ્ચયનું ઠેકાણું નથી, તે આવું બધું ખોળ ખોળ કરે અને અંતરાયો પાડે. પોતે જ નક્કી કરે કે ભઈ, મારે નથી જ પડવું. એટલે ન જ પડે. પછી કોઈ ધક્કો મારવાનો છે કંઈ ! અને તો આનંદ રહે, આમ આવા અંતરાયો-બંતરાયો ખોળવાથી તો આનંદ રહેતો હશે ?

પ્રશ્નકર્તા : બીજા ઉપાયો પણ જોડે છે જ ને ! થ્રી વિઝન સિવાયના ઉપાયો છે જ ને પાછાં, પ્રતિક્રમણ છે એ બધું...

દાદાશ્રી : એ તો પ્રતિક્રમણ એ મનથી ભૂલ થયેલી હોય તો. નહીં તો પ્રતિક્રમણનીય શી જરૂર ? નિશ્ચય એટલે તેને કોઈ ડરાવતા નથી. આ તો બધું ઠેકાણું ના હોય તેને આ બધું છે. આ તો બીજા ઉપાયો શેને માટે ખોળે છે ! નિશ્ચય એટલે નિશ્ચય ! નથી પૈણવું એને નક્કી કરવું જોઈએ કે મારે નથી જ પૈણવું. પછી કોણ પૈણાવનાર છે ? અને પૈણવું છે એને નકામું હાય, હાય કરવાની જરૂર નહીં, પૈણીને બેસી જવું. દહીંમાં ને દૂધમાં પગ રાખવો નહીં કોઈએ.

કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય છે, તેને ચાર દહાડાથી ઊંઘ્યો ના હોય અને કૂવાની ધાર ઉપર બેસાડે તોય ના ઊંઘે ત્યાં.

પ્રશ્નકર્તા : ત્યાં તો પ્રત્યક્ષ દેખાય ને કે પડી જઈશ અહીં.

દાદાશ્રી : હા, તે આમ પ્રત્યક્ષ એના કરતાંય ભૂડું છે આ તો. આ તો કેટલી મોટી ખાઈ છે ! અનંત અવતારની જંજાળ વળગે છે. એટલે મન મજબૂત થયું હોય તો થાય, નહીં તો આમ દહાડો વળે નહીં. આ કાચા મનથી આમ, આ દોરા સીવવાના ન્હોય. કેવું સ્ટ્રોંગ કે મરી જઉં પણ છૂટે નહીં.

તારે નિશ્ચય મજબૂત છે ને !

પ્રશ્નકર્તા : એકદમ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ સ્ટ્રોંગ બોલીએ તોય સ્ટ્રોંગ થઈ જાય છે !

દાદાશ્રી : એમ !

પ્રશ્નકર્તા : નિશ્ચય સ્ટ્રોંગ થાય એટલે બધું આવતું જ જાય.

દાદાશ્રી : એ સિક્રેસી મટે એટલે 'ઓપન ટુ સ્કાય' થઈ ગયો. એ ગુપ્ત લઈને આ બધી સિક્રસી પછી. અમારી પેઠ બોલી શકાય. 'નો સિક્રેસી.'

નિરંતર સુખ ભોગવે છે, તેના મોંઢા તો જુઓ ?! દિવેલ પીધા જેવું દેખાય ? અને નથી ભોગવતા તેના ?

પ્રશ્નકર્તા : નિશ્ચય સ્ટ્રોંગ છે અને મેં કોઈ સિક્રેસી નથી રાખી. આપને આલોચનામાં બધી જ વાત ઓપન કરેલી છે.

દાદાશ્રી : એ બધું બરોબર છે, પણ આવું બધું આ તોફાન ખોળવાનું જ ના હોય. નિશ્ચય એટલે કશું ખોળવાનું નહીં. એની મેળે જ આવીને ઊભું રહે. બીજી કશી જરૂર જ નહીં ને ! આવે તોય શું ને ના આવે તોય શું, તો તું તારે ઘેર રહે, કહીએ. એ ના આવે ત્યાં સુધી આપણે આય આય કરવું.

પ્રશ્નકર્તા : મને એમ રહ્યા કરે છે કે આટલો મારો નિશ્ચય સ્ટ્રોંગ છે. જ્ઞાની પુરુષ પાસે પ્રત્યક્ષ સંયોગ છે, આપ્તપુત્રો સાથે હું રહું છું. મારે આમાં બિલકુલ ઈન્ટરેસ્ટ નથી, છતાંય પણ આકર્ષણ કેમ રહ્યા કરે છે ?

દાદાશ્રી : આ આકર્ષણ થાય ને, તે પૂર્વનો હિસાબ છે તે આકર્ષણ થાય. તેને તરત ને તરત એ કરી નાખવાનું.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ.

દાદાશ્રી : હા. એ કંઈ આપણા નિશ્ચયને તોડતું નથી. આંખને કંઈ ઠીક લાગે તો ખેંચાય, તેથી કંઈ ગુનો થતો નથી. એ તો છે તે એની મેળે પ્રતિક્રમણ કરે એટલે ધોવાઈ જાય. એ ગયા અવતારની ભૂલ છે અને તે એવો હિસાબ હોય તો જ ત્યાં જાય, નહીં તો જાય નહીં કોઈ દહાડો. એ ભેગું થાય તો આકર્ષણ થાય. એ તો પ્રતિક્રમણથી ધોવાઈ જાય. એનો બીજો શું હિસાબ ? એ તો થ્રી વિઝન હોય તોય દેખાય કે આકર્ષણ થાય. સમજાય એવી વાત છે કે નહીં ?

પ્રશ્નકર્તા : સમજાય છે ને. મને એમ હતું કે આવું સરસ જ્ઞાન મળ્યું છે અને આવા બધા સુંદર સંયોગો છૂટવાના આમ ભેગા થયા છે, તો જો પ્યૉર થઈ જવાય એક આ બાબતમાં, તો બહુ સારું એમ.

દાદાશ્રી : હા, પણ પ્યૉર જ છે. નિશ્ચય છે ત્યાં સુધી પ્યૉર અને આવી ઈમ્પ્યૉરિટી માની તેય ભૂલ છે આપણી. નિશ્ચય આપણો હતો એટલે પ્યૉર રહે ! પછી ખેંચાણ થાય તેનાં ઉપાય ! ખેંચાણ તે કેવું, લપસી પડ્યા તેથી કંઈ ગુનો છે ? ફરી ઊભા થઈને ચાલ્યા. કપડાં બગડ્યા હોય તે ધોઈ નાખવાના. આપણે લપસી પડીએ તો ગુનો, લપસી પડ્યા તો ગુનો નથી.

પ્રશ્નકર્તા : મને એમ અંદર એવો ખેદ થયા કરે છે કે આવું સરસ જ્ઞાન મળ્યું, છતાં આ સ્થિતિ કેમ હજુ અનુભવી રહ્યો છું ?

દાદાશ્રી : ના, એ તો બધાને એમ હોય. એ તો ઉલ્ટું આપણે જો એ પ્રતિક્રમણથી ધોઈ નાખીએ તો દહાડો વળે. નહીંતો ઊભું રહ્યું કહેવાય. ગયા અવતારે સહીઓ કરેલી, તે છોડે નહીં ને !

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21