ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


ગુરુ - શિષ્ય

ગુરુ એટલે ગાઈડ

પ્રશ્નકર્તા : હું ઘણી જગ્યાએ ફર્યો અને બધે મેં પ્રશ્ન કર્યા કે ગુરુ એટલે શું ? પણ મને કંઈ સંતોષકારક જવાબ નથી મળ્યો.

દાદાશ્રી : આપણે અહીંથી સ્ટેશને જવું હોય તો રસ્તે ચાલતા ચાલતા ગૂંચાઈ જઈએ અને રસ્તો જડે નહીં. રસ્તામાં ભૂલા પડ્યા હોય તો કોઈને પૂછવાની જરૂર ખરી ? કોની જરૂર પડે ?

પ્રશ્નકર્તા : જાણકારની.

દાદાશ્રી : એ જાણકાર એટલે ગુરુ ! જ્યાં સુધી રસ્તો ના જાણતો હોય ત્યાં સુધી રસ્તામાં કોઈને પૂછવાની જરૂર પડે, કોઈ નાના છોકરાને પણ પૂછવું પડે. જેને જેને પૂછવું પડે એ ગુરુ કહેવાય. ગુરુ હોય તો જ રસ્તો જડે છે. આ આંખો ના હોય તો શું થાય ?! ગુરુ એ બીજી આંખ છે ! ગુરુ એટલે આપણને આગળની સૂઝ પાડે.

ગુરુની ગરજ કોને ?

પ્રશ્નકર્તા : આપનું એવું કહેવું છે કે ગુરુ જરૂરી છે ?

દાદાશ્રી : એવું છે ને, જે રસ્તો પોતે ભૂલ્યો, ને તે રસ્તો પોતાને ખબર ના પડે. સ્ટેશનનો રસ્તો ના જાણતા હોય ત્યાં સુધી મુશ્કેલી પડે. પણ રસ્તાનો જાણકાર જોડે મળી ગયો તો આપણે તરત સ્ટેશન પર પહોંચી જઈએ ને ?

પ્રશ્નકર્તા : હા, બરોબર.

દાદાશ્રી : એટલે જાણકારની જરૂર છે. રસ્તો બતાડનાર એમ નથી કહેતા કે તમે અમને રસ્તો પૂછો ! આપણી ગરજે પૂછીએ છીએ ને ?! કોની ગરજે પૂછીએ છીએ ?

પ્રશ્નકર્તા : આપણી ગરજે.

દાદાશ્રી : નહીં તો પૂછયા વગર ચાલો ને, પૂછો નહીં ને એમ ને એમ ચાલજો ને, કોઈ અનુભવ કરી જો જો ને ! એ અનુભવ શીખવાડશે તમને કે ગુરુ કરવાની જરૂર છે. મારે શીખવાડવું નહીં પડે.

એટલે રસ્તો છે, પણ એને દેખાડનાર નથી ને ! દેખાડનાર હોય તો કામ હેંડે ને !

ગુરુ એટલે કો'ક દેખાડનાર ભોમિયો જોઈએ કે નહીં ? જે ગુરુ છે, એના આપણે ફોલોઅર્સ કહેવાઈએ. એ આગળ ચાલે ને આપણને આગળનો રસ્તો દેખાડતા જાય, એને ભોમિયા કહેવાય.

એક માણસ સુરતના સ્ટેશન ઉપર જવા માટે આ બાજુ ફરી ગયો. અહીંથી આ રસ્તે નીકળ્યો ને પેલો રોડ આવ્યો કે તરત આ દિશાને બદલે આ બીજી દિશામાં જતો રહે, પછી એ સુરત ખોળવા જાય તો જડે કે ? ફર ફર કરે તો ય ના જડે. રાત પડે, દહાડો પડે તો ય ના જડે ! એવો આ ગૂંચવાડો છે.

ભૂલાવામાં ભોમિયો ભેરુ !

પ્રશ્નકર્તા : કોઈ ગુરુઓ સાચો રસ્તો બતાડતા નથી.

દાદાશ્રી : પણ એ ગુરુઓ જ રસ્તો જાણતા નથી ત્યાં શું થાય તે ?! ભોમિયો જ કોઈ મળ્યો નથી. ભોમિયો મળ્યો હોત તો આ ઉપાધિ જ ના હોત. ભોમિયો મળ્યો હોત તો અહીં આપણને સ્ટેશન હઉ દેખાડે કે 'આ સ્ટેશન, હવે તું આ ગાડીમાં બેસ.' બધું દેખાડીને પૂરું કરી આપે. આ તો એ ય ભૂલો પડેલો ને આપણે ય ભૂલા પડેલા, એટલે ભટક ભટક કર્યા કરે છે. માટે સાચો ભોમિયો ખોળી કાઢો, તો એ સ્ટેશન દેખાડે. નહીં તો અડસટ્ટે અડસટ્ટે રઝળાવ રઝળાવ કરે. આ એક આંધળો બીજા આંધળાને લઈ જાય, તો એ ક્યાં લઈ જાય ? અને સાચો ભોમિયો તો તરત બતાડે. એ ઊધારીયું ના હોય, એ તો રોકડું જ હોય બધું. એટલે ભોમિયો મળ્યો નથી. માટે ભોમિયો ખોળો.

પ્રશ્નકર્તા : પણ ભોમિયો એ ઉપરી ખરો કે નહીં ?

દાદાશ્રી : ભોમિયો ઉપરી ખરો, પણ ક્યાં સુધી ? આપણને મૂળ સ્થાને લઈ જાય ત્યાં સુધી.

એટલે માથે ઉપરી જોઈએ જ, દેખાડનારો જોઈએ, ભોમિયો જોઈએ, ગાઈડ જોઈએ જ હંમેશાં. જ્યાં જુઓ ત્યાં ગાઈડ જોઈશે. ગાઈડ વગર કોઈ કામ થશે નહીં. આપણે અહીંથી દિલ્હી ગયા હોય અને ગાઈડને ખોળીએ, તો એ કોણ કહેવાય ? ગુરુ ! એ ગુરુ જ કહેવાય. પૈસા આપીએ એટલે ગાઈડ થઈ જાય. ગુરુ એટલે જે આપણને માર્ગ દેખાડે, ગાઈડ તરીકે.

પ્રશ્નકર્તા : એટલે માર્ગદર્શનની જરૂર તો પડે જ !

દાદાશ્રી : હા, માર્ગદર્શન આપે એ ગુરુ કહેવાય. એ રસ્તો દેખાડનાર કોઈ પણ હોય, એ ગુરુ કહેવાય.

સર્વ શ્રેણી ગુરુ અવલંબિત !

પ્રશ્નકર્તા : ગુરુ રસ્તો બતાવી દે એ રસ્તે ચાલવાનું. પછી ગુરુની જરૂર કે ગુરુને છોડી દેવાના ?

દાદાશ્રી : ના, જરૂર ઠેઠ સુધી.

પ્રશ્નકર્તા : પછી શું જરૂર ?

દાદાશ્રી : આ ગાડીમાં બ્રેક હતી એટલે અથડાયા નહીં, એટલે આ બ્રેક કાઢી નાખવાની ?

પ્રશ્નકર્તા : એ રસ્તો બતાડી દે પછી આપણે પકડી રાખવાની શી જરૂર ?

દાદાશ્રી : રસ્તામાં ઠેઠ સુધી ગુરુની જરૂર પડશે. ગુરુને એમના ગુરુની જરૂર પડે. અને આપણને આ સ્કૂલમાં માસ્તરોની ક્યારે જરૂર હોય ? આપણે ભણવું હોય તો ને ? અને ભણવું ના હોય તો ?! એટલે આપણને બીજો કશો લાભ જોઈતો ના હોય તો ગુરુ કરવાની જરૂર જ નથી. જો લાભ જોઈતો હોય તો ગુરુ કરવા. એટલે એ કંઈ ફરજિયાત નથી. આ બધું તમારે મરજિયાત છે. તમારે ભણવું હોય તો માસ્તર કરો. તમારે આધ્યાત્મિક જાણવું હોય તો ગુરુ કરવા જોઈએ અને ના જાણવું હોય તો કશું નહીં. કંઈ કાયદો નથી કે આમ જ કરો.

અહીં આગળ સ્ટેશન પર જવું હોય તો ત્યાં ય ગુરુ જોઈએ, તો ધર્મ માટે ગુરુ ના જોઈએ ? એટલે ગુરુ તો આપણને દરેક શ્રેણીમાં જોઈએ જ.

ગુરુ વિના 'જ્ઞાન' નહીં !

એટલે કોઈ પણ જ્ઞાન ગુરુ વગર પ્રાપ્ત થાય એવું છે જ નહીં. સાંસારીક જ્ઞાન પણ ગુરુ વગર નહીં થાય અને આધ્યાત્મિક જ્ઞાન પણ ગુરુ વગર થાય એવું નથી. ગુરુ વગર જ્ઞાનની આશા રાખીએ એ બધી ખોટી વાત છે.

પ્રશ્નકર્તા : એક ભાઈ કહે છે કે 'જ્ઞાન લેવાનું ના હોય, જ્ઞાન દેવાનું ય ના હોય, જ્ઞાન થાય.' તો એ સમજાવો.

દાદાશ્રી : આ મૂર્છીત લોકોની શોધખોળ છે. મૂર્છીત લોકો હોય ને, તેની આ શોધખોળ છે કે 'જ્ઞાન લેવાનું ના હોય, દેવાનું ના હોય, જ્ઞાન આપોઆપ થાય.' પણ તે મૂર્છા ક્યારેય પણ જાય નહીં. કારણ કે નાનપણમાં જે ભણ્યો તે ય જ્ઞાન લેતો લેતો આવ્યો છે, માસ્તરે તને આપ્યું અને તે લીધું. વળી પાછું તેં બીજાને આપ્યું. લેતીદેતીનાં સ્વભાવવાળું જગત છે. માસ્તરે તમને જ્ઞાન નહીં આપેલું ? અને તમે બીજાને આપેલું, તે લેતીદેતીનો સ્વભાવ છે.

પ્રશ્નકર્તા : પણ પોતાને જ્ઞાન આપોઆપ થાય કે નહીં ?

દાદાશ્રી : આપોઆપ તો કો'કને જ જ્ઞાન થાય પણ તે અપવાદ રૂપે હોય અને આ ભવમાં ગુરુ ના મળ્યા હોય પણ પૂર્વ ભવે તો ગુરુ મળેલા જ હોય. બાકી બધું નિમિત્તના આધીન છે. અમારા જેવા કો'ક નિમિત્ત મળી આવે, તો તમારું કામ થઈ જાય. ત્યાં સુધી તમારે ડેવલપ થયા કરવાનું. અને પછી 'જ્ઞાની પુરુષ'નું નિમિત્ત મળે તો એ નિમિત્તને આધીન બધું પ્રગટ થઈ જાય.

પ્રશ્નકર્તા : એટલે માણસ સ્વયં કદી પણ પ્રાપ્ત ન કરી શકે !

દાદાશ્રી : સ્વયં કશું પ્રાપ્ત ના થાય. આ દુનિયામાં કોઈને થયેલું ય નહીં. જો અનુભૂતિ આપણે જાતે કરવાની છે, તો પછી સ્કૂલોની જરૂર જ નથી ને ?! કોલેજોની જરૂર જ નથી ને ?!

સ્વયંબુધ્ધે ય સાપેક્ષ !

પ્રશ્નકર્તા : આ તીર્થંકરો તો સ્વયંબુધ્ધ કહેવાય છે ને ?

દાદાશ્રી : હા, તીર્થંકરો બધા સ્વયંબુધ્ધ હોય. પણ આગલા અવતારોમાં ગુરુના થકી એમને તીર્થંકર ગોત્ર બંધાયેલું હોય છે. એટલે સ્વયંબુધ્ધ તો એ અપેક્ષાએ કહેવાય છે કે આ અવતારમાં એમને ગુરુ ના મળ્યા એટલે સ્વયંબુધ્ધ કહેવાયા. એ સાપેક્ષ વસ્તુ છે. અને આજે જે સ્વયંબુધ્ધ થયેલા, એ બધા આગલા અવતારમાં પૂછી પૂછીને આવેલા. એટલે બધું પૂછી પૂછીને જ જગત ચાલ્યા કરે છે. આપોઆપ કો'કને જ, સ્વયંબુધ્ધને થાય છે તે અપવાદ છે. બાકી ગુરુ વગર તો જ્ઞાન જ નથી.

પ્રશ્નકર્તા : એમ કહેવાય છે કે ઋષભદેવ ભગવાને પોતાનાં બંધનો પોતે જ તોડ્યાં. એટલે એમને બીજા કોઈની જરૂર રહી નહીં ને ?

દાદાશ્રી : પણ એમણે મદદ લીધેલી, બહુ પહેલાં લીધેલી. એમણે બે-ત્રણ અવતાર પહેલાં ગુરુની મદદ લીધેલી. મદદ લીધા વગર કોઈ છૂટેલો નહીં. આમાં ય નિમિત્ત તો હોય જ. આ તો ઋષભદેવના ભવમાં એવું દેખાયું લોકોને કે એમની મેળે જાતે જ બંધન તોડ્યાં. પણ પોતે પોતાથી ન બને, ક્યારેય પણ કોઈથી બન્યું નથી ને બનશે નહીં. એટલે નિમિત્ત જોઈશે જ હંમેશાં.

પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીના કોણ ગુરુઓ હતા ?

દાદાશ્રી : મહાવીર સ્વામીના બધા બહુ ગુરુઓ થયેલા. પણ તે છેલ્લા એક-બે અવતારમાં નહીં થયેલા. એમ ને એમ તે કંઈ લાડવા ખાવાના ખેલ છે ? તીર્થંકરના છેલ્લા અવતારમાં એમને ગુરુની જરૂર નહીં.

ક્યાં સુધી ગુરુ જરૂરી ?

પ્રશ્નકર્તા : એકલવ્યને ગુરુ ન હોવા છતાં એણે સિધ્ધિ પ્રાપ્ત કરેલી, એ શું શક્ય નથી ?

દાદાશ્રી : એકલવ્યને જે સિધ્ધિ થઈ એ એકસેપ્શનલ, અપવાદ છે. એ કાયમનો નિયમ નથી. દરેક નિયમને અપવાદ હોઈ શકે. બે-પાંચ ટકા આમે ય થાય. પણ તેથી કરીને એવું આપણે માની ન લઈએ કે આજ નિયમ છે. આ ભવમાં ગુરુ ના હોય તો પૂર્વ ભવે ગુરુ મળેલા જ હોય !

પ્રશ્નકર્તા : એકલવ્યને દ્રોણગુરુએ ન્હોતો ભણાવ્યો ને એ ગુરુની મૂર્તિ પાસેથી શીખ્યો !

દાદાશ્રી : એ તો બધું આગલા ભવમાં શીખેલા. અત્યારે તો આ મૂર્તિ એ નિમિત્ત હોય. ગુરુ તો દરેક અવતારમાં જોઈએ જ.

પ્રશ્નકર્તા : તો પછી એવું કહી શકાય કે 'આગલા ભવના મારા ગુરુ હશે એ જ કરશે મારું.' તો આ ભવે ગુરુ કરવાની જરૂર ખરી ?

દાદાશ્રી : પણ આ ભવમાં એ ગુરુ ના ય મળે, ને જરૂરી ય ના હોય અને પછી બીજા અવતારમાં ય એ ફરી મળી આવે.

પણ એવું છે ને, હજુ તો રસ્તો આગળ કેટલો ય ચાલવાનો રહ્યો, હજુ તો ગુરુ કેટલાંય જોઈશે. જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી ગુરુ જોઈશે. યથાર્થ સમકિત થયા પછી ગુરુ નહીં જોઈએ. આ પોલું નથી, ગુરુ વગર તો ચાલે જ નહીં.

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21