ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


શિષ્યની દ્રષ્ટિએ....

પ્રશ્નકર્તા : તો કેવા ગુરુને શરણે ગયા હોય તો આત્મ ઉન્નતિ શક્ય છે ?

દાદાશ્રી : ગુરુ એટલે ક્યારેય પણ આખી જિંદગી સુધી આપણું મન બગડે નહીં, એવાં હોવા જોઈએ. જ્યારે જુએ ત્યારે મનને ઉલ્લાસ જ રહ્યા કરે. એવા ગુરુ જો મળે તો એમને શરણે જજે.

પ્રશ્નકર્તા : આપણને ખરાબ વિચાર આવે ને તરત આપણે ભાવના ફેરવી દઈએ. પણ આમાં ગુરુકૃપા આપણને કેટલે અંશે મદદરૂપ થાય ?

દાદાશ્રી : ગુરુકૃપાથી તો ઘણી મદદ થાય. પણ એવી આપણી ભાવના, પ્રેમ એવો જોઈએ. જેના વગર આપણને ગમે નહીં, ચેન ના પડે એવો ભાવ જોઈએ. વિરહ લાગવો જોઈએ.

ગુરુનું જ્ઞાન જેટલું કાચું એટલો ટાઈમ પેલા શિષ્યને વધારે લાગે. એકઝેક્ટ જ્ઞાન તરત ફળ જ આપી દે અને ભલે મને કેવળજ્ઞાન થતું અટક્યું છે, પણ ભેદ જ્ઞાન તો મારી પાસે આવી ગયું અને તે તરત ફળ આપે એવું છે.

ગુરુનો પ્રેમ - રાજીપો !

પ્રશ્નકર્તા : ગુરુ પ્રસન્ન થયેલા ક્યારે ગણાય ?

દાદાશ્રી : એ તો આપણે સંપૂર્ણ આજ્ઞામાં રહીએ તો પ્રસન્ન થાય. એ પ્રસન્ન થયેલા તો આપણને ખબર પડે, રાત-દિવસ પ્રેમમાં જ આપણને રાખે.

પ્રશ્નકર્તા : ગુરુ એક વખત પ્રસન્ન થાય એટલે આમ અમુક વર્તન જોઈને, પછી આપણાં વર્તનમાં કદાચ ખામી આવે, તો પાછળ નારાજ પણ થઈ શકે ને !

દાદાશ્રી : એવું છે ને, પ્રસન્ન કોનું નામ કહેવાય કે નારાજ જ ક્યારેય ન થાય. પેલા તો ભૂલ કર્યા જ કરે, એ નારાજ ના થાય.

અનોખી ગુરુદક્ષિણા !

પ્રશ્નકર્તા : આધ્યાત્મિક ગુરુ નિઃસ્પૃહી હોય તો તેને ગુરુદક્ષિણા કઈ રીતે આપી શકાય ?

દાદાશ્રી : એની આજ્ઞા પાળવાથી. એની આજ્ઞા જો પાળીએ ને તો એને ગુરુદક્ષિણા પહોંચી જાય. આ અમે પાંચ આજ્ઞા આપીએ છીએ, તે પાળે એટલે અમારી દક્ષિણા પહોંચી ગઈ.

પ્રશ્નકર્તા : વિદ્યાગુરુ નિઃસ્પૃહી હોય તો તેને ગુરુદક્ષિણા કઈ રીતે ચૂકવી શકાય ?

દાદાશ્રી : વિદ્યાગુરુ નિઃસ્પૃહી હોય તો એની સેવા કરીને, શારીરિક સેવા અને બીજા ધક્કા ખઈને ચૂકવાય. બીજી રીતે ય બધી બહુ હોય છે. નિઃસ્પૃહીને ય બીજે રસ્તે સેવા કરી શકાય એવું છે.

અંતર્યામી ગુરુ !

પ્રશ્નકર્તા : બાહ્યગુરુ ને અંતર્યામી ગુરુ-આ બન્નેની ઉપાસના સાથે કરી શકાય ?

દાદાશ્રી : હા. અંતર્યામી ગુરુ જો પોતે તમને માર્ગદર્શન આપ્યા કરતા હોય તો પછી બાહ્યગુરુની જરૂર નથી.

પ્રશ્નકર્તા : દેહધારી ગુરુ હોય તો પુરુષાર્થ વધારે થઈ શકે.

દાદાશ્રી : હા, એ તો પ્રત્યક્ષ ગુરુ હોય તો પુરુષાર્થ તરત થાય. અંતર્યામી તો તમને બહુ માર્ગદર્શન આપતા હોય, તે બહુ ઊંચું કહેવાય. અંતર્યામી પ્રગટ થવું બહુ મુશ્કેલ વસ્તુ છે. એ તો બહારના જે ગુરુ છે, તે તમને વધારે હેલ્પ કરશે.

નહીં તો મહીં તમારા આત્માને ગુરુ કરો, એનું નામ શુધ્ધાત્મા. એમને કહીએ, હે શુધ્ધાત્મા ભગવાન, તમે મને દોરવણી આપજો, તો એ આપે.

કોને જરૂર નહીં ગુરુની ?

પ્રશ્નકર્તા : આપની પાસે યથાર્થ સમકિત થઈ જાય તો પછી ગુરુની જરૂરત નહીં ને ?

દાદાશ્રી : પછી ગુરુ ના જોઈએ ! ગુરુની કોને જરૂર નહીં ? કે મારા જેવા જ્ઞાની પુરુષને ગુરુની જરૂર નહીં. જેને પોતાના સર્વસ્વ દોષો દેખાય છે !

પ્રશ્નકર્તા : આપે જ્ઞાન આપ્યું તે એમાં સતત જાગ્રત રહેવા માટે ગુરુનો સત્સંગ અથવા તો ગુરુનું સામીપ્ય જરૂરી ખરું કે નહીં ?

દાદાશ્રી : હા, એ બધું જરૂર ને ! પાંચ આજ્ઞા પાળવાની જરૂર, બધી જ જરૂર !

પ્રશ્નકર્તા : એટલે ગુરુની જરૂર ખરી જ ને ?

દાદાશ્રી : ગુરુની જરૂર નહીં. આ સાધ્ય થયા પછી ગુરુ કોણ તે ? સાધકને ગુરુ હોય. આ મને સાઈઠ હજાર માણસો મળ્યા. એમને ગુરુ કરવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : એમને સત્સંગની જરૂર ખરી ?

દાદાશ્રી : હા, સત્સંગની જરૂર. પછી પાંચ આજ્ઞા પાળવાની જરૂર.

પ્રશ્નકર્તા : અહીં રોજ આવે, તમે જ્યારે હો ત્યારે એ જરૂર ને ?

દાદાશ્રી : હું અહીં હોઉં ત્યારે લાભ ઉઠાવે. ને રોજ ના આવે ને મહિને આવે તો ય વાંધો નથી.

પ્રશ્નકર્તા : તમારી ગેરહાજરીમાં એ પ્રકારની જાગૃતતાની જરૂર ખરી કે નહીં ? સત્સંગની જરૂર ખરી કે નહીં ?

દાદાશ્રી : જરૂર તો ખરી જ ને ! પણ બને એટલું કરવું જોઈએ, જેટલું બને એટલું. તો તમને વધારે લાભ થાય.

પ્રશ્નકર્તા : આપ પરદેશ જાવ ત્યારે અહીંયા બિલકુલ ખાલી હોય છે. અહીં પછી કોઈ ભેગું થતું નથી.

દાદાશ્રી : એવું તો તમને ખાલી લાગે છે. અમને કોઈને ખાલી ના લાગે. આખો દહાડો દાદા ભગવાન જોડે જ રહે છે. હોલ ડે, નિરંતર ચોવીસેય કલાક જોડે રહે છે દાદા ભગવાન. હું ત્યાં ફોરેન હોઉં તો ય ! ગોપીને જેવી રીતે કૃષ્ણ ભગવાન રહેતા હતાને એવી રીતે રહે છે, નિરંતર !

એનું નામ શિષ્ય કહેવાય !

તમને ફોડવાર સમજ પડી કે નહીં ? ફોડવાર સમજ પડે તો ઊકેલ આવે. નહીં તો આનો ઊકેલ કેમ આવે ?! જે ફોડવાર હું સમજ્યો ને જે ફોડવારથી હું છૂટ્યો છું, સંપૂર્ણ છૂટ્યો છું, જે રસ્તો મેં કર્યો છે એ જ રસ્તો મેં તમને દેખાડ્યો છે.

પ્રશ્નકર્તા : પણ આવી વાત તો બહારનો માણસ શી રીતે સમજે ?

દાદાશ્રી : બહારનાએ નહીં સમજવાનું. આ તો તમારે સમજવાનું છે. બીજાને સમજાય એવી વાત નથી. એ તો જેને જેટલું ઊતરે એટલું ઉતરે ! બધાં ના યે સમજી શકે. બીજાં બધાંને એટલી શક્તિ હોવી જોઈએ ને ! પચાવવાની શક્તિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ ?! ને આ માણસોનું કંઈ ઠેકાણું નહીં. મગજનું ઠેકાણું નહીં, મનનું ઠેકાણું નહીં, જ્યાં ને ત્યાં ચિડાઈ જાય, જ્યાં ને ત્યાં લઢી પડે. એ તો આગળનાં મનુષ્યો હતા સ્થિરતાવાળા !

બાકી આ તો રોળાઈ ગયેલા લોક ! પેણે બોસ ટૈડકાવે, ઘેર બૈરી ટૈડકાવે. કો'ક જ માણસ આમાંથી બચે. બાકી અત્યારે તો રોળાઈ ગયેલું ! અત્યારે તો લોક ગુરુ પાસે શેના માટે જાય છે ? લાલચ માટે જાય છે કે 'મારું આ સમું કરજો, ને મારું આમ થાય ને ગુરુ મારી પર કંઈ કૃપા કરે ને મારો દહાડો વળે.'

પ્રશ્નકર્તા : તો ગુરુ કરતી વખતે શિષ્યમાં કેવાં ગુણ હોવા જોઈએ ?

દાદાશ્રી : અત્યારે શિષ્યમાં ગુણ ક્યાંથી સારા હોય ! અને તે ય આ કળિયુગમાં ?! બાકી, શિષ્ય તો કોને કહેવાય ? કે એના ગુરુ ગાંડા કાઢે તો ય પણ શ્રધ્ધા ઊઠે નહીં, એનું નામ શિષ્ય કહેવાય ! ગુરુ ગાંડા કાઢે તો ય આપણી શ્રધ્ધા ના ઊઠે, એ આપણા શિષ્ય તરીકેનાં ગુણ કહેવાય. એવું બને તમારે ?

પ્રશ્નકર્તા : હજુ એવો પ્રસંગ ઉપસ્થિત નથી થયો.

દાદાશ્રી : એવું થાય તો શું કરો ?

હા, ગુરુ પર શ્રધ્ધા મૂકો તો આવી મૂકો, કે જે શ્રધ્ધા મૂક્યા પછી ઊઠાડવી ના પડે. નહીં તો શ્રધ્ધા મૂકવી નહીં પહેલેથી, એ શું ખોટું ?!

આગલે દહાડે એમને લોક માનતા હતા, ને પછી ગુરુ ગાંડા કાઢે એટલે ગાળો દેવા માંડ્યા. આવડી આવડી ચોપડાવે. અલ્યા, ત્યારે તેમને માન્યા શું કરવા તેં ? અને જો માન્યા તો ચોપડવાની બંધ કર. અત્યાર સુધી પાણી પાઈ મોટું કર્યું એ જ ઝાડ તેં કાપ્યું. તારી શી દશા થશે ?! ગુરુનું જે થવાનું હશે તે થશે, પણ તારી શી દશા થશે ?!

પ્રશ્નકર્તા : આપણે મનમાં ગુરુ માટે ઊંચી કલ્પના કરી હોય છે ને, તે ખંડિત થઈ જાય છે એટલે આવું બને છે ?

દાદાશ્રી : કાં તો ગુરુ કરશો નહીં, ને કરો તો ગુરુ ગાંડા કાઢે તો ય એમાં તમારી દ્રષ્ટિ ના બગડવી જોઈએ.

ન જોવાયુ ભૂલ કદિ ગુરુની !

આ તો પાંચ દહાડામાં જ ગુરુની ભૂલ કાઢે. 'તમે આવું કેમ કરો છો ?' અલ્યા, એમની ભૂલ કાઢે છે ?! ગુરુની ભૂલ કાઢે આ લોકો ?

પ્રશ્નકર્તા : ગુરુની કોઈ દિવસ ભૂલ ના કાઢવી જોઈએ !

દાદાશ્રી : હા, પણ તે ભૂલ કાઢ્યા વગર રહે નહીં ને ! આ તો કળિયુગનાં લોકો ! એટલે પછી અધોગતિમાં જાય. અત્યારે ગુરુ પરફેક્ટ હોય નહીં. અત્યારે પરફેક્ટ ગુરુ ક્યાંથી લાવે ?! આ ગુરુ તો કેવા ?! કળિયુગના ગુરુઓ !

ગુરુથી જાણે ભૂલચૂક થઈ જાય તો પણ એનો ય જો તું શિષ્ય છે તો હવે છોડીશ નહીં. કારણ કે બીજું બધું કર્મના ઉદય હોય છે. એવી ના સમજણ પડે તમને ? તું શું કરવા બીજું જુએ છે ? એમનાં પદને તું નમસ્કાર કર ને ! એ જે કરે એ તારે જોવાનું નથી. હા, એમનો ઉદય આવ્યો છે. એને એ ભોગવે છે. તેમાં તારે શું લેવાદેવા ? તારે એમનું જોવાની જરૂર શું ! એમનાં પેટમાં ચૂંક આવતી હોય તો એ ગુરુપણું જતું રહ્યું ?! એમને એક દહાડો ઊલટી થઈ તો એમનું ગુરુપણું જતું રહ્યું ? આપણને કર્મના ઉદય હોય તો એમને કર્મના ઉદય ના હોય ?! તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : પેટમાં ચૂંક થતી હોય તો બધા શિષ્યોએ જતાં રહેવું ?! અત્યારે મને પેટમાં ચૂંક આવે તો તમે બધાં જતાં રહો ?! માટે અપરાધમાં ના પડશો. સામાવાળિયા ના થવું. જેને તમે પૂજતા હતા, જેના તમે ફોલોઅર્સ હતા, તેના જ સામાવાળિયા થયાં ? તો મારી શી દશા થશે ? એ ગુરુપદ ના જવું જોઈએ, એને બીજી દ્રષ્ટિથી ના જોશો. પણ આજ તો કેટલાં જણ બીજી દ્રષ્ટિથી ના જુએ ?!

પૂજ્યતા ન તૂટે, એ જ સાર !

એવું છે ને, ચાલીસ વર્ષથી જે આપણા ગુરુ હોય અને એ ગુરુને આવું થાય, તો ય આપણામાં કંઈ ફેરફાર ન થવા દેવો. આપણે એ જ દ્રષ્ટિ રાખીએ, જે દ્રષ્ટિથી પહેલા જોયેલા તે જ દ્રષ્ટિ રાખીએ. નહીં તો આ તો ભયંકર અપરાધ કહેવાય. અમે તો કહીએ છીએ કે ગુરુ કરો તો સાવચેતીથી કરજો. પછી ગાંડાઘેલા નીકળે તો ય તારે એમનું ગાંડાઘેલાંપણું નહીં જોવાનું. જે દહાડે તેં કર્યા હતાં એ જ ગુરુ પછી જોવાના. હું તો એમને પૂજ્યા પછી, એ મારે-ઝૂડે અથવા એ દારૂ પીતા હોય, માંસાહાર કરતા હોય તો યે એની પૂજા ના છોડું. કારણ કે મેં જે જોયા હતા, તે જુદા હતા અને આજે આ કોઈ પ્રકૃતિના વશ થઈને જુદું વર્તન થાય છે પણ પોતાની ઇચ્છાની વિરુધ્ધ છે આ, એવું સમજીએ તરત. આપણે એક ફેરો હીરો પાસ કરીને લીધો ને પછી શું ? એ છે તે પાછો કાચ થઈ જાય ? એ તો હીરો જ છે.

એના ઉપરથી હું દાખલો આપું. અમે જાતે એક ઝાડ રોપ્યું હોય અને ત્યાં આગળ અમારે જ રેલ્વે નાખવાની હોય ને એ ઝાડ રેલ્વેની વચમાં આવતું હોય ને જો કાપવાનો પ્રસંગ આવે, તો હું કહું કે મેં રોપેલું છે, મેં પાણી પાયેલું છે, માટે રેલ્વે ફેરવો પણ ઝાડ ના કપાવું જોઈએ. એટલે એક મહારાજને હું પગે લાગ્યો હોઉં તો એ ગમે તે કરે તો ય મારી દ્રષ્ટિ હું ના બગાડું. કારણ કે એ તો કર્માધીન છે. જે દેખાય છે એ બધું ય કર્માધીન છે. હું જાણું કે આમને કર્મના ઉદય ફરી વળ્યા છે. એટલે બીજી દ્રષ્ટિથી ના જોવાય આવું તેવું. જો ઝાડ કાપવું હતું તો ઉછેરવું નહોતું અને ઉછેરવું છે તો કાપીશ નહીં. આ અમારો સિધ્ધાંત પહેલેથી ! તમારો સિધ્ધાંત શું છે ? વખત આવે તો કાપી નાખવું હડહડાટ ?!

એટલે જેને પૂજીએ એને ખોદી ના નાખશો, નહીં તો પછી જેને પૂજ્યા, ચાલીસ વર્ષથી પૂજ્યા ને એકતાલીસમેં વર્ષે ઉડાડી મૂકીએ, કાપી મૂકીએ, તો ચાલીસ વર્ષનું તો ગયું ને ઉપરથી દોષ બંધાયા.

તમે જે' જે' કરશો નહીં ને કરો તો પછી એમના પ્રત્યેની પૂજ્યતા તૂટવી ના જોઈએ. એ ન તૂટે એ જ આ જગતનો સાર છે !! આટલું જ સમજવાનું છે.

આમાં દોષ કોનો ?

પ્રશ્નકર્તા : પણ આ જગતમાં જે વસ્તુને આપણે પૂજ્ય માનીએ, એ જ્યાં સુધી આપણા અનુરૂપ થાય ત્યાં સુધી સંબંધ રહ્યો અને થોડુંક પેલાના તરફથી કંઈક અવળું થયું કે આપણો સંબંધ બગડ્યો !

દાદાશ્રી : હા, તે ધૂળધાણી થઈ જાય. બગડે એટલું જ નહીં, પણ સામાવાળિયો થઈને બેસે.

પ્રશ્નકર્તા : પેલા તરફનો જે ભાવ હતો, એ બધો ઉડી ગયો.

દાદાશ્રી : ઉડી ગયો અને ઉપરથી સામાવાળિયો થયો !

પ્રશ્નકર્તા : ત્યારે આમાં કોનો વાંક ?

દાદાશ્રી : જેને અવળું દેખાય ને, તેનો દોષ ! અવળું છે જ નહીં કશું આ જગતમાં. બાકી, જગત તો જોવા-જાણવા જેવું જ છે, બીજું શું ? અવળું ને સવળું તમે કોને કહો છો ? એ તો બુધ્ધિ મહીં લપડાકો મારે છે.

પ્રશ્નકર્તા : પણ અવળું ને સવળું જોનારનો દોષ છે, એમ તમે કહો છો ને ?!

દાદાશ્રી : હા, એ બુધ્ધિનો દોષ છે. આપણે સમજવું જોઈએ કે આ 'અવળું-સવળું' બુધ્ધિ દોષ કરાવે છે. તે આપણે એનાથી છેટા રહેવું જોઈએ. બુધ્ધિ છે ત્યાં સુધી એવું કરે તો ખરી, પણ આપણે સમજવું જોઈએ કે આ કોનો દોષ છે ! આપણી આંખથી અવળું જોવાઈ જતું હોય તો આપણને ખબર પડે કે આંખથી આવું જોવાયું !!

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21