ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


છે 'નિમિત્ત', છતાં 'સર્વસ્વ' જ !

પૂછો બધું, બધું પૂછાય. દરેક પ્રશ્નો પૂછાય. ફરી આ સંજોગ બાઝશે નહીં. માટે બધું પૂછો. પ્રશ્નો સારા છે અને આ બધું બહાર પડે તેમ લોકો જાણે ને ! અમે ઠેઠ સુધીની વાત કરીશું. તમે પૂછો એટલે અમે જવાબ આપીએ.

પ્રશ્નકર્તા : એમ પણ કહેવાય છે કે જ્ઞાન ગુરુથી પણ ન થાય ને ગુરુ વગર પણ ન થાય. એ સમજાવો.

દાદાશ્રી : વાત તો ખરી છે ને ! જો કદી ગુરુ એમ કહે કે 'મારે લીધે થયું' તો ખોટી વાત છે અને પેલો કહે કે 'ગુરુ વગર થયું' તો એ ય ખોટી વાત છે. અમે શું કહ્યું છે ? કે આ તમારું જ તમને આપીએ છીએ. અમારું કશું આપતાં જ નથી.

પ્રશ્નકર્તા : આમાં આપ નિમિત્ત તો ખરાં ને ?

દાદાશ્રી : હા, નિમિત્ત તો ખરું ને ! અમે તો પોતે જ તમને કહીએ છીએ ને, કે અમે તો નિમિત્ત છીએ. ખાલી નિમિત્ત ! પણ તમે નિમિત્ત માનો તો તમને નુકસાન થશે. કારણ કે ઉપકારી ભાવ જતો રહે. જેટલો ઉપકારી ભાવ એટલું પરિણામ વધારે પામે. ઉપકારી ભાવને ભક્તિ કહી છે.

પ્રશ્નકર્તા : આપને નિમિત્ત માનીએ તો ઉપકારી ભાવ જતો રહે, એ ના સમજાયું.

દાદાશ્રી : અમે તો તમને કહીએ છીએ કે અમે નિમિત્ત છીએ. પણ જો તમે નિમિત્ત માનો તો તમને લાભ ના મળે. તમે ઉપકાર માનો તો પરિણામ પામે. એ નિયમ છે આ દુનિયાનાં. પણ આ નિમિત્ત એવાં છે કે મોક્ષે લઈ જનારા નિમિત્ત છે. માટે મહાન મહાન ઉપકાર માનજો. ત્યાં અર્પણ કરવાનું કહ્યું છે. ઉપકાર માનવાનું એકલું નહીં, પણ આખું મન-વચન-કાયા અર્પણ કરજો. સર્વસ્વ અર્પણ કરતાં વાર ના લાગે એવો ભાવ આવવો જોઈએ.

વીતરાગોએ પણ કહેલું કે જ્ઞાની પુરુષ તો એમ બોલે કે 'હું તો નિમિત્ત છું.' પણ મુમુક્ષુએ પોતે 'એ નિમિત્ત છે' એવું ના માનવું. મુમુક્ષુએ નિમિત્ત ભાવ દેખાડવો ના જોઈએ કોઈ દહાડો કે 'ઓહો, તમે તો નિમિત્ત છો. એમાં તમે શું કરવાના છો ?!' 'એ જ અમારા સર્વસ્વ છે' એવું બોલવું. નહીં તો આ વ્યવહાર ચૂક્યા કહેવાય. તમારે તો 'એ જ મોક્ષે લઈ જનારા છે' એમ કહેવું. અને જ્ઞાની પુરુષ એમ કહે કે 'હું નિમિત્ત છું.' આમ બેઉનો વ્યવહાર કહેવાય છે.

એટલે વસ્તુસ્થિતિમાં આ આટલો સહેલો માર્ગ છે, સમભાવી છે, કશું ઉપાધિરૂપ નથી અને પાછાં માર્ગ બતાવનારા અને કૃપા કરનારા પોતે શું કહે છે ? કે 'હું નિમિત્ત છું.' જો માથે પાઘડી પહેરતા નથી, નહીં ?! નહીં તો કેટલો મોટો પાઘડો ઘાલીને ફર્યા કરે ?! એટલે અમે આપનારે ય નથી, નિમિત્ત છીએ. ડૉક્ટરને ત્યાં જઈએ ત્યારે તો રોગ કંઈક મટે અને સુથારને ત્યાં જઈએ તો રોગ મટે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એટલે જેનાં જેનાં નિમિત્ત છે ત્યાં જઈએ ત્યારે આપણું કામ થાય. એટલે ક્રોધ-માન-માયા-લોભ દૂર કરવા હોય, આ બધું અજ્ઞાન દૂર કરવું હોય તો જ્ઞાની પાસે જવું પડે.

સત્ સાધન, સમાયા 'જ્ઞાની'માં !

તેથી કહ્યું કે સત્સાધન જોઈએ. સત્સાધન એટલે શું ? સત્દેવ, સત્ધર્મ ને સદ્ગુરુ ! ખરેખર તો શાસ્ત્ર ય સત્સાધન નથી, મૂર્તિ એ ય સત્સાધન નથી. જ્ઞાની પુરુષ એકલા જ સત્સાધન છે. એમાં બધું આવી ગયું. સત્દેવ, સદ્ગુરુ ને સત્ધર્મ એ ત્રણેવ ભેગું થાય, એનું નામ જ્ઞાની પુરુષ ! જ્યારે વિધિ કરીએ ત્યારે એ સત્દેવ, બોલે ત્યારે સદ્ગુરુ અને સાંભળીએ ત્યારે સત્ધર્મ, ત્રણેય એનું એ જ ! એક જ આરાધવાનું, બીજી ભાંજગડ જ નહીં. નહીં તો ત્રણ આરાધવા પડે. અને આ તો એકમાં જ બધું આવી ગયું.

પ્રશ્નકર્તા : જૈનીઝમમાં ગુરુભાવ જેવું તો કંઈ છે જ નહીં.

દાદાશ્રી : ના, તમે કહો છો એવું નથી. બાકી દેવ, ગુરુ ને ધર્મ ઉપર તો એનું સ્થાપન જ છે. સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મ એના પર એનો બધો આધાર છે. ભગવાન મહાવીરે, ચોવીસ તીર્થંકરોએ શું કહ્યું ? કે ગુરુ વગર તો આ દુનિયામાં ચાલે નહીં. માટે સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મ આ ત્રણ સાથે હશે તો મોક્ષ થશે. એવું સાંભળવામાં આવ્યું છે થોડું ?!

સત્ધર્મ એટલે ભગવાનનાં કહેલા શાસ્ત્રો-આગમો એ સત્ધર્મ ! સત્ધર્મ તો છે, ભગવાનનાં કહેલાં શાસ્ત્રો છે પણ ગુરુ વગર સમજણ કોણ પાડે ?! ને સદ્ગુરુ તો, આપણા અહીં બધા સદ્ગુરુઓ હોય છે, તે પણ અત્યારે સદ્ગુરુઓ રહ્યા નથી. કારણ કે એમને આત્મજ્ઞાન નથી એટલે ! બાકી, સદ્ગુરુ તો જોઈએ જ. તમારે ત્યાં એ વહોરવા આવે ને તમારે ખાવાનું આપવાનું. એનાં બદલામાં તમારે ત્યાં ભણવા જવાનું. આવું ભગવાને ગોઠવેલું છે. દરેક માણસને, એંસી વર્ષનાં માણસને ય સદ્ગુરુ જોઈએ. ને સત્દેવ એટલે શું ? કે વીતરાગ ભગવાન. હવે એ હાજર ના હોય તો એમની મૂર્તિ રાખે. પણ સદ્ગુરુ તો હાજર જોઈએ. એમની મૂર્તિ ચાલે નહીં.

મનથી માનેલું ના ચાલે !

પ્રશ્નકર્તા : ગુરુ કરવા જોઈએ એ વાત સાચી. પણ આપણે મનથી કોઈને ગુરુ માની લઈએ તો ચાલે ?

દાદાશ્રી : કશું ચાલે નહીં. એને સામો કહેનાર જોઈએ કે તેં આ ભૂલ કરી છે અને જો મનથી માની લો, તો એવું છે ને, આ બૈરીને મનથી માની લો ને ! એક છોકરીને જોઈ અને પછી માની લો ને, કે હું પૈણી ગયો છું ! ને પછી ના પૈણે તો ચાલે ?!

પ્રશ્નકર્તા : દાખલા તરીકે કોઈ ગુરુ પરદેશમાં જઈને કાયમ માટે વસી ગયા હોય અને અહીં આવવાના જ ના હોય ને મારે એમને ગુરુ માનવા હોય તો હું એમનો ફોટો રાખીને ગુરુ તરીકે ના માની શકું ?

દાદાશ્રી : ના. એમાં દહાડો વળે નહીં. ગુરુ તો રસ્તો બતાડે એ ગુરુ. ફોટો રસ્તો ના બતાડે, માટે એ ગુરુ કામના નહીં. આપણે માંદા થઈએ તો ડૉક્ટરનો ફોટો મૂકીએ અને એનું ધ્યાન કર્યા કરીએ તો રોગ મટી જાય ?!

'આપના' ગુરુ કોણ ?

પ્રશ્નકર્તા : આપને જ્ઞાન પ્રગટ થયું તો આપે કોઈને ગુરુ કરેલા ?!

દાદાશ્રી : કોઈ જીવતા ગુરુ તો મળ્યા નથી. ખરા ગુરુ કોને કહેવાય ? જીવતા મળે તો. નહીં તો ચિત્રપટ તો આ બધાં છે જ ને ! કૃષ્ણ ભગવાન જીવતા મળે તો કામના. નહીં તો ચિત્રપટ તો લોકોએ વેચેલું ને આપણે મઢાવેલું ! અમને આ ભવમાં ડીસાઈડેડ ગુરુ નથી થયા, કે આ જ ગુરુ છે. બાકી જે પ્રત્યક્ષ હોય ને એ પ્રત્યક્ષનું ધારણ કરે અને છ મહિના-બાર મહિના એ બેમાં ગુરુ-શિષ્યનો સંબંધ બંધાયો હોય, એને ગુરુ કહેવાય. અમારે એવો કંઈ સંબંધ બંધાયો નથી, પ્રત્યક્ષ કોઈ મળ્યા નથી.

કૃપાળુદેવ ઉપર ભાવ વધારે હતો. પણ એ પ્રત્યક્ષ નહોતા એટલે ગુરુ તરીકે સ્વીકાર ના કરું. હું ગુરુ તરીકે સ્વીકાર કોને કહું ? કે પ્રત્યક્ષ મને કહે, પ્રત્યક્ષ આદેશ આપે, ઉપદેશ આપે એને હું ગુરુ કહું. કૃપાળુદેવ જો એક પાંચ જ મિનિટ મળ્યા હોત મને, તો એમને મેં મારા ગુરુપદે સ્થાપન કરી દીધા હોત, એવું સમજાયેલું મને ! મેં ગુરુપદે કોઈનેય સ્થાપન કર્યા ન્હોતા. બીજા સંતોનાં દર્શન કર્યા હતા. પણ તે ગુરુપદે તો મારું અંતર ઠરે તો હું ગુરુ કરું, નહીં તો ગુરુ કરું નહીં. સંતો સાચા હતા, એ વાત ચોક્કસ. પણ આપણું દીલ ઠરવું જોઈએ ને !

ઉપકાર, પૂર્વેના ગુરુઓનો !

હવે, મારે આ ભવમાં ગુરુ નથી, એનો અર્થ એવો નથી કે ગુરુ ક્યારેય નહોતા.

પ્રશ્નકર્તા : તો ગયા ભવમાં તમારે ગુરુ હતા ?

દાદાશ્રી : ગુરુ વગર તો માણસ આગળ આવે જ નહીં. દરેક ગુરુ, ગુરુ વગર તો આગળ આવ્યા જ નથી હોતા. મારું કહેવાનું કે ગુરુ વગર તો કોઈ હતો જ નહીં.

પ્રશ્નકર્તા : ગયા અવતારે કોણ હતા આપના ગુરુ ?

દાદાશ્રી : એ બહુ સારા ગુરુ હશે. પણ અત્યારે શું ખબર પડે આપણને !

પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રને પણ ગુરુ તો હતા જ ને ?

દાદાશ્રી : એમને આ ભવમાં ગુરુ મળ્યા નથી. એમણે એટલું લખ્યું છે કે જો અમને સદ્ગુરુ મળ્યા હોત તો એમની પાછળ પાછળ ચાલ્યા જાત ! પણ એમનું જ્ઞાન સાચું છે. એમને છેલ્લી દશામાં જે જ્ઞાન ઉત્પન્ન થયું, તે આત્મજ્ઞાન ઉત્પન્ન થયું.

પ્રશ્નકર્તા : આપને પણ જે જ્ઞાન થયું એ ગુરુ વગર જ થયંુ ને ?!

દાદાશ્રી : એ પાછલો હિસાબ બધો કંઈક લઈને આવેલા. પાછળ ગુરુઓ મળેલા, જ્ઞાનીઓ મળેલા, તેમાંથી સામાન લઈને આવેલા અને કશાંક વાંકે અટકી ગયું હોય. એટલે આ અવતારમાં ગુરુ ના થયા, પણ ગયા અવતારના ગુરુ તો હશે ને ?! ગયા અવતારમાં ગુરુ ભેગા થયા હશે ને આ અવતારમાં જ્ઞાન પ્રગટ થઈ ગયું !

પણ મને આ ભવમાં ખાતરી નહોતી કે આવું મોટું જ્ઞાન ઉત્પન્ન થશે. છતાં એ સુરતના સ્ટેશને એકદમ ભભૂકયું. ત્યારે મને ખાતરી થઈ કે આ તો અજાયબ વિજ્ઞાન છે ! આ લોકોનું કંઈ પુણ્ય જાગ્યું હશે. નિમિત્ત તો કોઈને બનાવવો પડે ને ?! હવે લોકોએ જાણ્યું કે આમને જ્ઞાન એમ ને એમ પ્રગટ થયું. પણ ના, આગલા અવતારમાં ગુરુ કરેલા, તેનું ફળ આવ્યું છે આ. એટલે ગુરુ વગર તો કશું વળે એવું નથી. ગુરુ પરંપરા ચાલુ જ રહેવાની.

મહત્તા જ જીવંત ગુરુની !

પ્રશ્નકર્તા : ગુરુ હયાત ના હોય તો પણ પોતાના શિષ્યને માર્ગદર્શન આપે કે નહીં ?

દાદાશ્રી : પ્રત્યક્ષ હોય તો જ કામના. પરોક્ષ તો કામના જ નહીં. સદેહે હાજર ના હોય એવા પરોક્ષ ગુરુ કશું ય હેલ્પ કરે નહીં. છતાં પરોક્ષ કઈ રીતે હેલ્પ કરે ? જે ગુરુ આપણને ભેગા થયા હોય ને દશ-પંદર વર્ષ આપણને લાભ આપ્યો હોય, આપણે એમની સેવા કરી હોય ને દશ-પંદર વર્ષ એકતા થઈ હોય, ને પછી ઓફ થઈ ગયા હોય તો કંઈક લાભ કરે. બાકી કશોય લાભ કરે નહીં, માથાફોડ કરે તો ય !

પ્રશ્નકર્તા : તો જે ગુરુ આપણે જોયા ના હોય, તે કશું હેલ્પ કરે જ નહીં ?

દાદાશ્રી : એ બે આની હેલ્પ કરે. એકાગ્રતાનું ફળ મળે અને તે ય ભૌતિક ફળ મળે. એનાં કરતાં અત્યારે 'ચાર આની ઓછા' વાળા હોય તે સારા.

પ્રશ્નકર્તા : જે ગુરુએ સમાધિ લીધી હોય, તે ગુરુ આપણને પછી મદદ કરે ?

દાદાશ્રી : જે ગુરુએ સમાધિ લીધી હોય, તે ગુરુનાં જીવતાં જ એમની જોડે આપણો સંબંધ થયેલો હોય, એમનો પ્રેમ જીતેલો હોય, એમની કૃપા મેળવેલી હોય, તો એ ગુરુ કાળ કરી જાય પછી એમની સમાધિ હોય તો ય કામ થાય ને ! એક ફેરો ઓળખાણ થવી જોઈએ. જેણે જોયા ના હોય તેને કામ ના થાય, પછી એની પાછળ સમાધિ પર માથાં ફોડો તો ય એમાં કશું વળે નહીં.

આ તો મહાવીરના ફોટા ય કશું કામ કરે નહીં ને કૃષ્ણ ભગવાનના ફોટા ય કશું કામ કરે નહીં. પ્રત્યક્ષ હોય તો જ કામ કરે. કેટલાંય અવતારથી કૃષ્ણ ભગવાનને ભજે છે, લોક મહાવીરને ભજે છે. લોકોએ કંઈ ઓછું કર્યું છે ?! ભજી ભજીને થાકી ગયાં. રોજ દેરાસર ગયા તો ય પણ જો ધર્મધ્યાન બંધાતું નથી ! પાછું આમાં ય મુદત હોય છે. આ દવાઓની ય મુદત નાખેલી હોય છે, તે તમે જાણો છો ને ?! એક્સપાયરી ડેટ ! એવું આમાં પણ હોય છે. પણ લોકો તો જે ગયા એમનાં જ નામ સમજ્યા વગર ગા ગા જ કર્યા કરે.

પ્રશ્નકર્તા : જીવંત ગુરુની આટલી બધી અપેક્ષા કેમ રહેતી હશે ?

દાદાશ્રી : જીવંત ગુરુ ના હોય તો કશું થાય નહીં, કંઈ વળે નહીં. ફક્ત એનાથી ભૌતિક લાભ થાય. કારણ કે એટલો ટાઈમ સારા કામમાં રહ્યો. એ બદલ લાભ થાય. ગુરુ અહીં જાતે હોય તો જ એ તમારા દોષ કાઢી આપે, તમારા દોષ દેખાડે. પોતાની બધી ભૂલો પોતાને દેખાય, ત્યાર પછી એને ગુરુ ના જોઈએ. અમારી ભૂલો અમને દેખાતી હોય એટલે અમારે એકલાને જ ગુરુની જરૂર ના પડે, આખી દુનિયામાં. બાકી બધાને ગુરુ જોઈએ. અને જે ગયા તેની પાછળ તમે ગાયા જ કરો ને, કશું વળે નહીં.

પ્રશ્નકર્તા : એટલે ગુરુ તરીકે મૂર્તિ કે ફોટો હોય તો ય ના ચાલે !

દાદાશ્રી : કશું ય ચાલે નહીં. એ ચિત્રપટ સહી કરે નહીં. આજે આ ઇન્દિરા ગાંધીનો ફોટો લઈને આપણે બેસીએ તો સહી થાય ખરી ? એટલે આજે જે જીવતા છે એ જ જોઈએ. એટલે આજ ઇન્દિરા કશું હેલ્પ નહીં કરે કે જવાહર કશું હેલ્પ નહીં કરે. અત્યારે તો હાજર જે છે, તે હેલ્પ કરશે. બીજા કોઈ હેલ્પ નહીં કરે. હાજર હશે એની સહી ચાલશે. આખી સહી નહીં હોય અને ખાલી ઇનિશ્યલ્સ હશે તો ય ચાલશે. અને ઇન્દિરાની આખી સહી હશે તો ય નહીં ચાલે.

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21