ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


ઊઘાડી વિગતો, વીતરાગતાથી !

આ કળિયુગમાં ગુરુ સારા મળશે નહીં અને ગુરુ તમારું શાક કરીને ખાઈ જશે.

પ્રશ્નકર્તા : બરાબર છે. પણ અપવાદ સ્વરૂપ એક તો સાચા ગુરુ હોય ને ?

દાદાશ્રી : કો'ક સારા ગુરુ હોય ત્યારે એ ડબ્બો હોય. ડબ્બો એટલે સમજણ ના હોય કશી. તો એ સમજણ વગરના ગુરુને શું કરીએ પાછું ?! સમજણ હોય છે ત્યારે દુરૂપયોગ કરે એવા હોય છે. એટલે એના કરતાં ઘેર આ પુસ્તકો હોય તે પકડી એનું મનન કર્યા કરવું સારું. એટલે અત્યારે છે એવા ગુરુ ના ચાલે. એના કરતાં ગુરુ ના કરવા સારા, એમને એમ ગુરુ વગર રહેવું સારું.

પ્રશ્નકર્તા : આપણી સંસ્કૃતિ મુજબ ગુરુ વિનાનો માણસ નગુણો કહેવાય.

દાદાશ્રી : ક્યાં સાંભળેલું તમે આ ?

પ્રશ્નકર્તા : સંત પુરુષો પાસેથી સાંભળેલું.

દાદાશ્રી : હા, પણ એ શું કહે છે ? નગુણો નહીં, પણ નગુરો. અગર તો નુગરો કહે છે. નુગરો એટલે ગુરુ વગરનો ! ગુરુ ના હોય એને આપણા લોકો નુગરો કહે.

બાર વર્ષની ઉંમરે અમારી કંઠી તૂટી ગયેલી, તે લોક 'નુગરો, નુગરો' કર્યા કરે ! બધાં કહે, 'કંઠી તો પહેરવી પડે. ફરી કંઠી પહેરાવડાવીએ.' મેં કહ્યું, 'આ લોકોની પાસે તો કંઠી પહેરાતી હશે ?! જેને અજવાળું નથી, જેની પાસે બીજાને અજવાળું આપવાની શક્તિ નથી, એની પાસે કંઠી કેમ પહેરાય ?!' ત્યારે કહે 'લોક નુગરો કહેશે.' હવે, નુગરો શું વસ્તુ હશે ? નુગરો એટલે કોઈ શબ્દ હશે ગાળ દેવાનો એમ જાણેલું. એ તો પછી મોટી ઉંમરનો થયો ત્યારે સમજાયું કે નગુરુ, ન ગુરુવાળો !

પ્રશ્નકર્તા : આ કોઈને ગુરુ માનવા હોય, તો એની જે વિધિઓ હોય, કંઠી બંધાવે, કપડાં બદલાવે, એવી કંઈ જરૂર ખરી ?

દાદાશ્રી : એવી કશી જરૂર નથી.

પ્રશ્નકર્તા : ધર્મગુરુઓ કેમ કહે છે કે કંઠી બંધાવી હોય એમને ભગવાન તારે અને નગુરાને કોઈ તારે નહીં. એ વાત સાચી ?

દાદાશ્રી : આ તો એવું છે, આ ભરવાડોએ આ વાત ફેલાવેલી. ભરવાડો ઘેટાંને આ વાત કહે છે કે 'નુગરો થઈને ના ફરીશ.' ત્યારે ઘેટાં જાણે કે 'ઓહોહો ! હું નુગરો નહીં. આપણે કંઠી બંધાવો ! ગુરુ કરો !' તે આ ગુરુ કર્યા. એ ઘેટાં ને પેલા ભરવાડો !! છતાં આ શબ્દ અમારાથી બોલાય નહીં. પણ જ્યાં ઓપન જાણવું હોય ત્યારે એકલું જાણવા માટે કહીએ. તે ય વીતરાગતાથી કહીએ. તેથી અમે શબ્દો બોલીએ છતાં ય રાગ-દ્વેષ ના થાય. અમે જ્ઞાની પુરુષ થયા, અમે જવાબદાર કહેવાઈએ. અમને કોઈ જગ્યાએ સહેજે ય રાગ-દ્વેષ હોય નહીં.

પ્રશ્નકર્તા : મને બે-ત્રણ વખત બાવાઓ મળ્યા, તે કહેતા કે 'તમે કંઠી બંધાવો.' મેં ના પાડી. મેં કહ્યું, 'મારે નથી બંધાવવી.'

દાદાશ્રી : હા, પણ પાકા, તે ના બંધાવે ને ! નહીં તો કાચો હોય તો બંધાવે ને !

પ્રશ્નકર્તા : ગુરુની પાસે કંઠી ના બંધાવી હોય, પણ આપણને કોઈ ગુરુ પર ભાવ જાગ્યો હોય, તેનું જ્ઞાન લઈએ, તો કંઠી બંધાવ્યા વગર ગુરુ-શિષ્યનો સંબંધ સ્થાપિત થયો કહેવાય કે કેમ ? કેટલાંક શાસ્ત્રો ને આચાર્યોએ કહ્યું છે કે નુગરો હોય તો તેનું મોઢું પણ ના જોવું.

દાદાશ્રી : એવું છે, કે વાડામાં પેસવું હોય તો કંઠી બાંધવી અને છૂટા રહેવું હોય તો કંઠી ના બાંધવી. જ્યાં જ્ઞાન આપતા હોય, તેની કંઠી બાંધવી. વાડો એટલે શું કહેવા માગે છે કે પહેલાં તું આ સ્ટાન્ડર્ડ તૈયાર કર ! આ થર્ડ સ્ટાન્ડર્ડ તૈયાર કર, ત્યાં સુધી બીજે ડાફાં ના મારીશ એવું કહેવા માગે છે.

બાકી, નુગરો શી રીતે કહેવાય ?! નુગરો તો આ જમાનામાં કોઈ છે જ નહીં. આ તો નુગરો કોણે કહેલું ?! આ કંઠીવાળા જે ગુરુ છે ને, એમણે નુગરો ઊભું કરેલું. એમનામાં ઘરાક ઓછા ના થઈ જાય એટલા હારું. કંઠી ના બાંધેલી હોય તેમાં વાંધો નથી. આ કંઠી તો, એક જાતની મનમાં સાયકોલોજીકલ ઈફેક્ટ ઘાલી દે છે. એટલે આ બધા સાંપ્રદાયિક મતો શું કરે છે ? લોકોને બધી કંઠીઓ જ ઘાલ ઘાલ કરે છે. પછી પેલાને અસર થાય કે 'હું આ સંપ્રદાયનો, હું આ સંપ્રદાયનો !' એટલે સાયકોલોજીકલ ઈફેક્ટ થાય છે. પણ એ સારું છે, એ બધું ખોટું નથી. એ આપણને નુકસાનકર્તા નથી. તમારે 'નુગરા'ની ચિંતા ના કરવી, 'નુગરો' કહે તો તમારી આબરુ જશે, એમ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : નુગરાની તમને કેમ ચિંતા થઈ ?

પ્રશ્નકર્તા : પેલી કંઠીની વાત આવીને, એટલે.

દાદાશ્રી : હા, પણ કંઠી બાંધનારાને એમ કહેવું કે, 'આ કંઠી બાંધેલી હું ક્યાં સુધી રાખીશ ? મને ફાયદો થશે ત્યાં સુધી રાખીશ, નહીં તો પછી તોડી નાખીશ.' એવું એમની જોડે શર્ત કરવી જોઈએ. એ પૂછે કે 'શો ફાયદો જોઈએ છે તમારે ?' ત્યારે આપણે કહીએ, 'મારા ઘરમાં કકળાટ ના થવો જોઈએ, નહીં તો કંઠી હું તોડી નાખીશ.' એવું પહેલેથી આમ કહેવું જોઈએ. એવું લોકો કહેતા નહીં હોય ને ? આ તો કકળાટે ય ચાલ્યા કરે ને કંઠી ય ચાલ્યા કરે. કંઠી બાંધીને ક્લેશ થયા કરતો હોય તો એ કંઠી આપણે તોડી નાખીએ. ગુરુને કહીએ કે, 'લો, આ તમારી કંઠી પાછી. તમારી કંઠીમાં કશો ગુણ નથી. તમારી કંઠી તમે મંત્રીને આપી નથી. એવી મંત્રીને આપો કે મારે ઘેર વઢવાડો ના થાય.'

પ્રશ્નકર્તા : કંઠી બાંધી ના હોય ત્યાં સુધી એવો ઉપદેશ લે તો પણ જ્ઞાન ના ઊતરે એવું એ કહે છે.

દાદાશ્રી : લે ! નહીં બાંધો તો તમારે જ્ઞાન નહીં થાય (!) કેટલું બધું ટૈડકાવે છે !! આ તો ટૈડકાવી કરીને આ બધાંને સીધા કરી નાખે છે !!!

કોની વાત ને કોણે ઝાલી !

સારું છે, એ રસ્તે ય લોકોને સીધા કરે છે ને ! છતાં આ લોકો લપસવા નથી દેતા એટલું સારું છે. બાકી, ચઢાવવાની તો વાત જ ક્યાં રહી ?! એ ગુરુ જ ચઢ્યા નથી ને ! ચઢવું કંઈ સહેલી વાત છે આ કળિયુગમાં, દુષમકાળમાં ?! આ ટેકરો પાછો ઊભો સાવ ! પણ લપસી જવા નથી દેતા. અને લોકોને બીજું મળે નહીં એટલે ગમે તે દુકાનમાં બેસી જ જવું પડે ને ! આમ આવું અનંત અવતારથી ભટક ભટક કર્યા જ કરે છે ને !

પ્રશ્નકર્તા : એક બાજુ એમ કહેવાય છે કે,

'ગુરુ-ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય,

બલિહારી ગુરુ આપકી, જીસને ગોવિંદ દિયો બતાય.'

દાદાશ્રી : હા, પણ એવા ગુરુદેવ કોને કહેવાય ? ગોવિંદ બતાવે, એને ગુરુદેવ કહેવાય. એવું આમાં કહે છે. અત્યારે તો આ ગુરુઓ એમનું ગુરુપણું સ્થાપન કરવા માટે વાત કરે છે. પણ આપણે એમને કહેવું જોઈએ ને, કે 'સાહેબ, હું તમને ગુરુદેવ ક્યારે કહું ? કે તમે ગોવિંદ મને બતાવો તો. આ લખ્યું છે એ પ્રમાણે જો કરી આપો, ગોવિંદ બતાવી દો, તો તમારામાં ગુરુપણું સ્થાપન કરું. તમે જ હજુ ગોવિંદ ખોળતાં હો ને હું ય ગોવિંદ ખોળું, તો આપણા બેનો મેળ ક્યારે પડે ?!'

બાકી, આજ તો બધા ગુરુઓ આનું આ જ ધરે છે આગળ ! ગુરુએ ગોવિંદ બતાવ્યા ના હોય ને, તો ય આવું ગવડાવે છે. એટલે ગુરુઓને 'પ્રસાદી' તો મળે ને ! આ શબ્દોનો બીજા દુકાનવાળાને લાભ થાય ને. (!)

પ્રશ્નકર્તા : પણ આમાં ગુરુનું પલ્લું વધારે ભારવાળું કર્યું.

દાદાશ્રી : છે ભારવાળું જ, પણ એવા ગુરુ હજુ થયા નથી. ને આ તો પ્રોબેશ્નર ગુરુઓ ફાવી ગયા છે આમાં ! એટલે પ્રોબેશ્નરો માની બેઠાં કે 'આપણે હવે ગુરુ, ને ભગવાન દેખાડ્યા, પછી મને પૂજવા જોઈએ તમારે.' પણ પ્રોબેશ્નરો શું કામના ?! અને જેનામાં 'હુંકાર' ગયો હોય ને, ત્યાં પછી એ જ ભગવાન ! જો કદી વધારે દર્શન કરવા જેવું પદ હોય તો આ એકલું જ કે જેનો 'હુંકાર' ગયો હોય, પોતાપણું ગયું હોય. જ્યાં પોતાપણું ગયું ત્યાં બધું સર્વસ્વ ગયું.

આ 'ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વરા' કહે છે, એ તો ગુરુઓ જ નથી. આ તો 'ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ.....' એ નામથી એમનો પોતાનો લાભ ઊઠાવવા ફરે છે. એનાથી લોકો પછી પૂજે એમને ! પણ ખરેખર તો, આ સદ્ગુરુની વાત છે. સદ્ગુરુ એટલે જ્ઞાની પુરુષ માટે આ વાત છે. જે સત્ને જાણે છે, સત્ના ભોમિયા છે, એવા ગુરુની વાત છે. તેને બદલે આ ગુરુઓ, રસ્તે જનારા ગુરુઓ ઝાલી પડ્યા.

બાકી, ગુરુ જે થઈ બેઠા છે એમને તો કહી દેવું કે, 'ભાઈ સાહેબ, મારે ગુરુ કરવા નથી. હું વેપારી ગુરુ કરવા નથી આવ્યો. હું તો જેને ગુરુ થવું નથી, તેને ગુરુ કરવા આવ્યો છું.'

ગુરુનો છોકરો ગુરુ ?

પ્રશ્નકર્તા : પહેલાના જમાનામાં ગુરુ પરંપરા જે હતી કે ગુરુ શિષ્યને શીખવે, પછી પાછો શિષ્ય ગુરુ થઈને એના શિષ્યને શીખવે......

દાદાશ્રી : એ પરંપરા સાચી હતી. પણ અત્યારે તો પરંપરા રહી નથી ને ! હવે તો ગાદીપતિ થઈ બેઠા છે. ગુરુનો છોકરો ગુરુ થઈ જાય, એવું કેમ માની શકાય ! ગાદીઓના સ્થાપન કર્યા, તે દુરૂપયોગ કર્યો.

પ્રશ્નકર્તા : ધર્મની વ્યવસ્થાને બદલે સમાજ વ્યવસ્થા થઈ ગઈ !

દાદાશ્રી : હા, સમાજ વ્યવસ્થા થઈ ગઈ !! ધર્મ તો ક્યાં રહ્યો, ધર્મ તો ધર્મની જગ્યાએ રહ્યો !!! પાછો કળિયુગ ફરી વળે ને ! એક-બે પુરુષો બરાબર સારા હોય. પણ પછી એની પાછળ ગાદીપતિઓ ને એ બધું ચાલુ થઈ જાય. જ્યાં ને ત્યાં ગાદીપતિને ?! ગાદીપતિ શોભે નહીં હંમેશાં. ધર્મમાં ગાદી ના હોય. બીજા બધામાં, બધી કળાઓમાં, વેપારમાં ગાદી હોય પણ આ ધર્મમાં ગાદી ના હોય. આમાં તો જેની પાસે આત્માનું હોય, એ આત્મજ્ઞાની હોવો જોઈએ !

પ્રશ્નકર્તા : પહેલાં ગાદીઓ નહોતી, તો આ ગાદીઓ નીકળી કેવી રીતે ?

દાદાશ્રી : એ તો આ અક્કલવાળાના હાથમાં ગયું ને, ત્યારે આ અક્કલવાળાઓએ શોધખોળ કરી. બીજા કોઈ રહ્યા નહીં, એટલે એમણે દુકાનો ઘાલી દીધી. બાકી, આંધળાને હૈયાંફૂટા મળી આવે છે. આ દેશમાં નહીં જાણે ક્યાંથી મળી આવે છે, આવાં ને આવાં તોફાનો જ ચલાવ્યા છે લોકોએ અને હેય..... ગાદીપતિ થઈને બેસે છે !

કોને અધિકાર છે ગાદીપતિ થવાનો ? જેને ક્રોધ-માન-માયા-લોભ ના હોય તેને !! તમને એ ન્યાય નથી લાગતો ? ન્યાયથી શું હોવું જોઈએ ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એટલે કેટલાંક અમને પૂછે છે કે આ તમે 'અક્રમ' કેમ કાઢ્યું ? મેં કહ્યું, મેં નથી કાઢ્યું આ. હું તો નિમિત્ત બની ગયો છું. હું શું કરવા કાઢું ?! મારે કંઈ અહીં આગળ ગાદીઓ સ્થાપવી છે ? આપણે કંઈ ગાદી સ્થાપવા માટે આવ્યા છીએ ? કોઈનું ઉત્થાન કરીએ છીએ આપણે ? ના. અહીં કોઈનું મંડન કરતા નથી, કોઈનું ખંડન કરતા નથી. અહીં તો એવું કશું છે જ નહીં અને અહીં ગાદી ય નથી ને ! ગાદીવાળાને ભાંજગડો બધી. જ્યાં ગાદીઓ છે ત્યાં મોક્ષ હોય જ નહીં.

પૂજવાની કામના જ કામની !

અને ધર્મોવાળા તો એમના મતાર્થ ધરાવવા માટે, એમની પૂજાવાની દુકાનો ચલાવવા માટે આ બધાં રસ્તા કાઢ્યા છે. એટલે લોકોને બહાર નીકળવા જ ના દીધા. એમણે પોતાને પૂજાવવા માટે આ બધાં લોકોને ઊંધે ચકરડે ચઢાવ્યા. એ ભાંગફોડીયા લોકો બીજું પેસવા ય ના દે ! ભાંગફોડીયા એટલે પૂજાવાની કામનાવાળા. પૂજાવાની કામના એ દલાલી જ ને !

ધર્મનું પુસ્તક હાથમાં આવ્યું અને કોઈકે એને બેસાડ્યો કે 'હવે વાંચવાનું રાખો.' ત્યારથી એને મહીં કામના ઉત્પન્ન થઈ જાય કે હવે મને લોકો પૂજશે. ત્યારે જો તમને પૂજાવાની કામના ઉત્પન્ન થઈ, માટે તમને ડિસમિસ કરી દેવા જોઈએ. કારણ કે જ્ઞાની પુરુષના પુસ્તકને અડ્યા પછી કામના કેમ ઉત્પન્ન થઈ ? ઊલટું, કામના હોય તે ય નાશ થવી જોઈએ ! આ તો કામનાઓ ઉત્પન્ન થાય છે. તમને એવી સમજણ પડે છે કે લોકોનેે મહીં પૂજાવાની ને બધી કામનાઓ ઊભી થઈ છે એવું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પાછું મહીં હરિફાઈઓ ચાલે ! લોકો બીજાને વધારે પૂજતા હોય તો આને ગમે નહીં પાછું. એટલે જાણે પૂજાવાનું એ જ મોક્ષ (!) હોય એવું માની લીધું છે આ લોકોએ !! આ તો મોટી જોખમદારી છે. બાકી, જેને આ જગતમાં કોઈ જોડે વઢવાડ ના થાય તો એને પૂજેલો કામનો !

આ ગુરુઓને તો પૂજાવાની કામનાઓ ઊભી થાય, ગુરુ થવાની કામના રહેલી હોય. ત્યારે કૃપાળુદેવને કામના કેવી હતી એ તો ઓળખ, કે 'પરમ સત્ જાણવાનો કામી છું !' બીજી કોઈ ચીજની જેમને કામના નથી !! મને તો પૂજાવાની કામના આખી જિન્દગીમાં ક્યારેય ઊભી નહીં થયેલી. કારણ કે એ તો બોધરેશન કહેવાય. પૂજવાની કામના જોઈએ, આપણાથી કોઈ મોટા હોય એને ! એક કાનો કાઢી નાખવાનો છે ને ?! બસ !!

પ્રશ્નકર્તા : માન પૂજાદિ, ગર્વરસ એ બધાં પોતાપણાની મહેફિલો ને ?

દાદાશ્રી : એ બધી વસ્તુઓ પોતાપણાને મજબૂત કરનારી ! અને પોતાપણાને મજબૂત કરેલું પછી કો'ક દહાડો ઝળકે ને, કો'કની જોડે ?! ત્યારે લોક કહેશે, 'જો પોત પ્રકાશ્યુંને !' પોતાપણું એનું પ્રકાશ્યું એટલે ભલીવાર ના આવે કોઈ દહાડો ય ! એટલે એ પૂજાવાની કામના છૂટતી નથી, અનાદિકાળથી આ ભીખ છૂટી નથી.

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21