ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


ભેદ ગુરુ-શિષ્ય વચ્ચે....

પ્રશ્નકર્તા : સામાન્ય રીતે બહાર ગુરુ-શિષ્ય વચ્ચે અંતર ખરું ને ? કે એકાકાર રહે ?

દાદાશ્રી : એકાકાર થાય તો તો બેઉનું કલ્યાણ થઈ જાય. પણ શિષ્યથી પ્યાલો ફૂટે તો ગુરુ ચિડાયા વગર રહે નહીં. બાકી ગુરુ-શિષ્ય જો કદી એવા પુણ્યશાળી હોય ને બેઉ એકાકાર રહે તો બેઉનું કલ્યાણ થઈ જાય. પણ એવું રહે નહીં. અરે, ઘડીવાર પોતે પોતાની જાત ઉપર જ એને વિશ્વાસ આવે નહીં એવું આ જગત છે, તો શિષ્યોનો વિશ્વાસ તો આવતો હશે ?! અને એક દહાડો બે પ્યાલા ફોડી નાખ્યા હોય ને, તો ગુરુ આમ લાલ આંખ કર્યા કરે.

જો ઉપાધિઓ, આખો દહાડો ઉપાધિઓ ! ને ગુરુને કહેતા ય નથી કે 'સાહેબ, મારી ઉપાધિઓ લઈ લો તમે.' હા, એમેય પૂછાય કે, 'સાહેબ, ચિડાવ છો શું કરવા, મોટા માણસ થઈને તમે ?!'

પ્રશ્નકર્તા : પણ આપણાથી ગુરુને પૂછાય કેવી રીતે ?! આપણે તો પૂછી ના શકીએ ને, ગુરુને ?!

દાદાશ્રી : ગુરુને પૂછીએ નહીં, ત્યારે ગુરુને શું કરવાના ! શિષ્ય જોડે મતભેદ પડતો હોય, તો ના સમજીએ કે તમારે શિષ્ય જોડે મતભેદ પડે છે, તો શાના ગુરુ તમે ?! જો એક શિષ્ય જોડે પાંસરા નથી રહેતા તો તમે દુનિયા જોડે ક્યારે રહેશો તે ?! આમ બધાને સલાહ આપે કે 'ભાઈ, ઝઘડો કશું ના કરશો.' પણ તમારે તો કોઈ સગું નથી, વહાલું નથી, એકલા છો, તો ય આ શિષ્યની જોડે શું કરવા, શેને માટે તમારે કકળાટ છે ?! તમારે પેટે અવતાર તો લીધો નથી, તો તમારે બેને શાના કષાય છે ?! કષાય તો આ વ્યવહારવાળા લોકોને હોય. પણ આ તો બહારથી આવીને બિચારો શિષ્ય થયો છે, ત્યાં ય કષાય કર્યા કરો છો ?!

પુસ્તક આડુંઅવળું મૂકાઈ ગયું હોય તો ગુરુ શું બોલે ? કેટલાં લપકાં કરે કે 'તારામાં અક્કલ નથી. તને ભાન નથી.' ત્યારે શિષ્ય શું કહે ? 'પુસ્તક હું ખાઈ ગયો હોઈશ ?! અહીં ને અહીં પડ્યું હશે. તમારી ઝોળીમાં નહીં હોય તો ખાટલા નીચે હશે.' પણ શિષ્ય 'ખાઈ ગયો હોઈશ ?!' એવું બોલે ! આનાં કરતાં તો ઘરમાં ભાંજગડ સારી. એનાં કરતાં બૈરીના શિષ્ય થવું, તો વઢે પણ પછી પાછાં ભજિયાં ખવડાવે ને ?! કંઈક સ્વતંત્રતા જોઈએ ને ?! આવા ગુરુ મળે, આટલી આટલી ચાકરી કરીએ તો ય ગાંડું બોલે તો શું થાય ?

પ્રશ્નકર્તા : બાઈડી સ્વાર્થનું વઢતી હોય અને પેલો ગુરુ નિઃસ્વાર્થપણે વઢતા હોય, એ બેમાં ફેર નહીં ?

દાદાશ્રી : ગુરુનું નિસ્વાર્થ હોય નહીં. જગતમાં નિઃસ્વાર્થી માણસ કોઈ હોય નહીં. એ નિઃસ્વાર્થી દેખાય ખરો, પણ જ્યાંથી ને ત્યાંથી સ્વાર્થ કરી અને બધું આમ તૈયારી જ કરતાં હોય. એ બધા સ્વાર્થી, પોલમ્પોલ છે બધું. એ તો જરા સમજણમાં બેસે જેને, તે ઓળખી જાય.

બાકી, શિષ્ય ને ગુરુ એ બે વઢતા જ હોય, બેને જામેલી જ હોય આખો દહાડો. આપણે ગુરુને જરા મળવા જઈએ ને કહીએ કે 'કેમ, આ શું છે ?!' ત્યારે એ કહે, 'પેલો સારો નથી. શિષ્ય એટલો બધો ખરાબ મળ્યો છે !' આપણે એ વાત શિષ્યને જણાવી ના દેવી. અને પછી શિષ્યને આપણે પૂછવું કે, 'કેમ ભઈ, આ શું હતું ?!' ત્યારે એ કહે, 'આ ગુરુ રાશી મળ્યા છે, એવા ખરાબ મળ્યા છે !' આમાં કોની વાત સાચી ?! આમાં એમનો દોષ નથી. કારણ કે કાળ એવો આવ્યો છે. તે કાળને લઈને આ બધું ઊભું થયું છે. પણ આવો કાળ આવે તે દહાડે જ્ઞાની પુરુષ પાકે !

શિષ્યને ગમે એટલું આવડતું હોય, પણ આ ગુરુઓ બધા એવા મળવાના ને ! કળિયુગના ગુરુઓ કેવા હોય ? શિષ્ય હોય તે કહે કે 'હું તો અજ્ઞાની છું, હું કશું જાણતો નથી' તો ય પેલા છે તે આ બિચારાને માર માર કરે, આગળ ના વધવા દે. એ ગુરુઓ મરતાં સુધી ભૂલ કાઢે ને શિષ્યને હેરાન હેરાન કરી નાખે, તેલ કાઢી નાખે. છતાં ય શિષ્યને મહીં જાળવી રાખનારા કોઈક હોય છે. પણ છેવટે દારૂખાનું માનવાનું, છેવટે એક દહાડો ફોડ્યા વગર રહે જ નહીં.

આ કાળમાં શિષ્યોની સહનશક્તિ નથી, ગુરુમાં એવી ઉદારતા નથી. નહીં તો ગુરુમાં તો બહુ ઉદારતા જોઈએ, બહુ ઉદાર મન જોઈએ. શિષ્યનું બધું ચલાવી લેવાની ઉદારતા હોય.

આમ ધર્મ વગોવાઈ ગયો !

શિષ્યો ગાળો દે તો ય સમતા રાખે, એનું નામ ગુરુ કહેવાય. શિષ્ય તો નબળો છે જ પણ ગુરુ કંઈ નબળો થાય ?! તમને કેમ લાગે છે ? ગુરુ તો નબળો ના હોય ને ?! કો'ક દહાડો શિષ્યની ભૂલ થઈ જાય ને કંઈ અવળું બોલી ગયો તો ગુરુ ફેણ માંડે, તો પછી શિષ્ય તો શી રીતે આજ્ઞામાં રહે ?! શિષ્યની ભૂલ થાય ને ગુરુ ભૂલ ના કરે ત્યારે શિષ્ય આજ્ઞામાં રહે. આ તો ગુરુની ભૂલ થાય, તો શિષ્ય શી રીતે આજ્ઞામાં રહે ?! ગુરુની એક જ ભૂલ દેખે ને, તો શિષ્ય આજ્ઞામાં ના રહે. પણ તો ય જો ગુરુની આજ્ઞામાં રહ્યો તો થઈ ગયું કલ્યાણ !

બધે જ સ્વચ્છંદી થઈ ગયા છે. શિષ્ય ગુરુને ગણતો નથી ને ગુરુ શિષ્યને ગણતો નથી પાછો ! શિષ્ય મનમાં વિચાર કરે કે 'ગુરુમાં અક્કલ ઓછી છે જરા. આપણે આપણી મેળે જુદે જુદું વિચારી લેવું. ગુરુ તો બોલે, પણ આપણે કરીએ ત્યારે ને !' એવું થઈ ગયું છે આ બધું. એટલે શિષ્યને ગુરુ કહેશે કે 'આમ કરજે' તો શિષ્ય મોંઢે 'હા' કહે, પણ પાછો કરે જુદું. એટલો બધો તો સ્વચ્છંદ ચાલ્યો છે. અને કોઈ એક શબ્દ સાચો પાળ્યો નથી. પાછો શિષ્ય કહેશે, 'ગુરુ તો બોલે, ચક્રમ છે જરા.' આવું બધું ચાલે છે.

નહીં તો સાચા ગુરુ ને શિષ્ય વચ્ચે તો પ્રેમનો આંકડો એવો સરસ હોય કે ગુરુ જે બોલે એ એને ગમે બહુ, એવો તો પ્રેમનો આંકડો હોય. પણ અત્યારે તો આ બન્નેમાં ઝઘડા ચાલ્યા કરતા હોય. ગુરુ કહેશે, 'આમ કરજે, હું તને કહું છું.' પણ શિષ્ય કરે નહીં. આ તો આખો દહાડો સાસુ-વહુના કચકચના ઝઘડા જેવું ગુરુ-શિષ્યમાં છે ત્યાં આગળ. શિષ્યનાં મનમાં ય એમ થાય કે 'ક્યાં નાસી જઉં ?!' પણ ક્યાં નાસી જાય બિચારો ?! ઘેરથી તો નાસી છૂટ્યો, ઘેર તો આબરૂ બગાડી. હવે ક્યાં જાય ? પણ કોણ સંઘરે એને ? નોકરીમાં ય કોઈ રાખે નહીં. હવે આમાં શું થાય ?! ન ગુરુનું મહાતમ રહ્યું, ન શિષ્યનું મહાતમ રહ્યું, ને આખો ધર્મ વગોવાયો !!

શિષ્યે માત્ર કરવાનો, વિનય !

બાકી, ગુરુના આધારે તો કેટલીક જગ્યાએ શિષ્યો હોય. શિષ્યોની આખી ચિંતા પેલા ગુરુને માથે હોય. એવી રીતે શિષ્યોનું ચાલ્યા કરે છે. કેટલાંક સાચા ગુરુ હોય છે મહીં સંસારમાં, તે કેટલાંક શિષ્યોનો ગુરુને માથે બોજો હોય છે અને ગુરુ જે કરે એ ખરું. એટલે જવાબદારી નહીં ને શાંતિ રહે. કોઈ આધાર તો જોઈએ જ ને ! નિરાધારી માણસ જીવી શકે નહીં.

પ્રશ્નકર્તા : તો ત્યાં શિષ્યે કંઈ કરવાની જરૂર જ નહીં ?

દાદાશ્રી : શિષ્ય તો, એ બિચારો શું કરી શકે ! એ જો કરી શકતો હોય તો તો પછી ગુરુની જરૂર જ ના રહે ને ? શિષ્યથી પોતાથી કંઈ જ થઈ શકે નહીં. એ તો ગુરુની કૃપાથી બધું આગળ આગળ વધ્યે જાય. માણસ પોતાની જાતે કશું જ કરી શકે નહીં.

પ્રશ્નકર્તા : કૃપા ગુરુની જોઈએ, પણ શિષ્યે જ કરવું તો પડે ને ?

દાદાશ્રી : કશું કરવાનું જ નથી, ફક્ત વિનય કરવાનો છે. આ જગતમાં કરવાનું છે ય શું ? વિનય કરવાનો. બીજું શું કરવાનું ? આ કંઈ રમકડાં રમાડવાના નથી કે દેવલાં ધોવાનાં નથી કે એવું તેવું છે નહીં.

પ્રશ્નકર્તા : પણ પોતાને કશું કરવાનું જ નહીં ? ગુરુ જ બધું કરી દે ?

દાદાશ્રી : ગુરુ જ કરી આપે. પોતાને શું કરવાનું ?!

પ્રશ્નકર્તા : તો પછી ગુરુ કઈ રીતે પહોંચાડે ?!

દાદાશ્રી : ગુરુ એનાં ગુરુ પાસેથી લાવેલા હોય, એ એને આપે. સામાસામી બધું એ તો આગે સે ચલી આવેલી છે. એટલે ગુરુ જે આપે તે શિષ્યે લઈ લેવું.

પ્રશ્નકર્તા : કેટલાંક ગુરુઓ કહે છે કે અભ્યાસ કરો તો વસ્તુ મળશે.

દાદાશ્રી : હા, એ તો બધા બહુ લોકો એ જ કહે છે ને ! બીજું શું કહે ?! 'આ કરો, તે કરો, તે કરો.' કરવાથી કોઈ દહાડો ભ્રાંતિ જાય ?! ગુરુના કહ્યા પ્રમાણે કરવાનું જ હોય તો તો એવું થાય જ નહીં ને ? કો'કે કહ્યું કે 'આજે સાચું બોલો.' પણ સાચું બોલાય જ નહીં ને ? એ તો પુસ્તકો ય બોલે છે. પુસ્તક ક્યાં નથી બોલતું ? એમાં કશું વળે નહીં ને ? પુસ્તકમાં કહે છે ને, કે 'પ્રામાણિકપણે ચાલો.' પણ કોઈ ચાલ્યો ?! લાખો અવતાર સુધી આનું આ જ કર્યું, બીજું કર્યું જ નથી. ભાંગફોડ, ભાંગફોડ, ભાંગફોડ જ કરી.

વર્તે એટલું જ વર્તાવી શકે !

ગુરુ પાસે જઈએ તો ત્યાં આપણે કંઈ પાળવાનું હોય જ નહીં. પાળવાનું હોય તો આપણે એને ના કહીએ કે તું પાળ ભઈ, હું ક્યાં પાળું ?! પાળી શકું તેમ હોત તો તારે ત્યાં શું કરવા હું આવ્યો ?' હવે નથી પળાતું એનું કારણ શું ? આ સામો માણસ જે કહેનાર છે એ પોતે જ પાળતો નથી. હંમેશાં ગુરુ પાળનાર હોય ત્યાં શિષ્ય અવશ્ય પાળે. બાકી, આ બનાવટો છે બધી. પછી પાછાં ગુરુ આપણને કહે, 'તમારામાં શક્તિ નથી. તમે પાળતા નથી.' અલ્યા, મારી શક્તિ શું કરવા તું ખોળે છે ? તારી શક્તિ જોઈએ. આ બધાને મેં કહી દીધેલું, 'મારી શક્તિ જોઈએ. તમારી શક્તિની જરૂર નથી.' અને બહાર બધે તો એવું જ ! જ્યાં ગુરુ થઈ બેઠો હોય, તેને એની પોતાની શક્તિ જોઈએ. પણ આ તો લોકોને તોપને બારે ચઢાવે કે, 'તમે કશું કરતા નથી !' અલ્યા ભઈ, કરતો હોત તો તારે ત્યાં હું શું કરવા આવત તે ?! તારે ત્યાં શું કરવા અથડાત તે ?! પણ આ તો કળિયુગનાં લોકોને સમજણ નહીં હોવાથી આ બધું તોફાન ચાલે છે. નહીં તો મારા જેવા જવાબ આપી દે ને ?! ગુરુ જો ચોખ્ખા હોય તો આપણને અવશ્ય થઈ જ જાય અને નથી થતું તો ગુરુઓમાં જ પોલ છે. હા, એક્ઝેક્ટ પોલ છે, આ તમને કહી દઉં !!

પોલનો અર્થ હું શું કહેવા માગું છું ? કે ગુરુ ખાનગીમાં બીડી પીતાં હોય તો તમારી બીડી ના છૂટે. નહીં તો કેમ ના બને ?! એક્ઝેક્ટલી બની જવું જોઈએ. બધા ગુરુઓનો પહેલા રિવાજ જ એ હતો. ગુરુ એટલે શું ? કે પોતે બધું જ પાળે એટલે સામાથી સહજ પળાઈ જવાય. એ તમારી સમજમાં આવે ખરું ?!

પ્રશ્નકર્તા : ગુરુ પાળે એટલે આપણાથી પળાઈ જવાય, એ મારા મગજમાં ઊતરતું નથી.

દાદાશ્રી : તો તો એનાં કરતાં ચોપડીઓ સારી. ચોપડીઓ એવું જ કહે છે ને ? 'આમ કરો, તેમ કરો, ફલાણું કરો.' તે પેલાં જીવતા કરતાં ચોપડીઓ સારી. જીવતાને તો પાછાં પગે લાગવું પડે આમ !

પ્રશ્નકર્તા : એ નમ્રતા તો કેળવાય ખરી ને ?

દાદાશ્રી : એ નમ્રતાને શું કરવાની ?! જ્યાં આપણને કશું મળે નહીં, આપણી આખી જિન્દગી ત્યાં ને ત્યાં જાય તો ય આપણું લૂગડું કંઈ પલળે નહીં, તો એ પાણી શું કામનું તે ?! એટલે આ બધું યુઝલેસ, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી !

આપને ના સમજાયું ? હું તમને કહું કે 'આ તમે છોડી દો' અને તમારાથી એ છૂટે નહીં એટલે જાણવું કે મારામાં દોષ છે. તમારે ના છૂટે તો તમારે મારામાં દોષ કાઢવો જોઈએ. તમારા બધા પ્રયત્ન લગાડતાં ય નથી છૂટતું, તો એનું કારણ શું ? મારામાં દોષ છે તેથી જ ! હા, એનું કારણ કહેનારમાં દોષ હોવો જ જોઈએ !!

'તમે આમ કરો, આ કરો' એવું કોઈ વચનબળવાળો કહે તો ચાલે. આ તો વચનબળ જ નથી, તેથી પેલાનું ગાડું ચાલતું જ નથી. આ તો એક જાતની કહેવાની કટેવ પડેલી હોય છે.

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21