ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


વચનબળ તો જોઈએ ને !

હું તમને ઉપદેશ આપ્યા કરું તો નહીં આવડે. પણ તમે મારું વર્તન જોશો તો સહેજે એ આવડી જશે. એટલે ઉપદેશ કશું ત્યાં ચાલે નહીં. આ તો વાણી નકામી જાય છે. છતાં પાછું આપણે ખોટું કહેવાય નહીં. એટલે કોઈનું ય ખોટું નથી. પણ એનો અર્થ કશોય નથી, બધું મિનિંગલેસ છે. જે બોલમાં કશું વચનબળ નથી, એને શું કહેવાય ?! એવું એને ચોખ્ખું કહીએ આપણે કે 'તમારો બોલ જ ખોટો છે. નકામો કેમ જાય ?! તમારો બોલ મને ઉગવો જોઈએ. તમારો બોલ ઉગતો નથી.' બોલ કેટલા વર્ષનો છે ? જૂનો બોલ, તે ઉગે નહીં. વાણી પ્યૉર જોઈએ, વચનબળવાળી જોઈએ. આપણે કહીએ કે 'તમારું વચન એવું બોલો કે જેથી મારી મહીં કંઈ થઈ જાય.' વચનબળ તો મુખ્ય વસ્તુ છે. મનુષ્યને વચનબળ ના હોય તો કામનું જ શું ?!

ગુરુ તો એનું નામ કહેવાય કે એ વાણી બોલેને, તે આપણને એની મેળે જ પરિણામ પામે એવી વચનબળવાળી હોય !! આ તો પોતે ક્રોધ-માન-માયા-લોભમાં હોય ને આપણને ઉપદેશ આપે છે કે 'ક્રોધ-માન-માયા-લોભ છોડો.' તેથી આ બધો માલ બગડી ગયો ને ! સેકડે બે-પાંચ સારા હશે. વચનબળ એટલે મોંઢે બોલે એવું પેલાને થઈ જાય. હવે આવું વચનબળ ના હોય, તે શું કામનું ?

હું તો નાનો હતો ત્યારે એમ કહેતો હતો કે, 'તમે જે ઉપદેશ કહો છો એવું તો પુસ્તક કહે છે. તો તમારામાં ને એમાં ફેર શું પડ્યો તે ?! એના કરતાં પુસ્તક સારું. તમને વળી આમ પગે લાગીને નમવું, તેના કરતાં પુસ્તક સારું. તમે કંઈ એવું બોલો કે મારે મહીં પરિણામ પામે, મારું ચિત્ત તેમાં રહ્યાં કરે.' આ તો શું કહે છે ? 'કરો, કરો, કરો, કરો.' આ 'કરો' ને શું કરું ?! થતું નથી મારાથી ને ઉપરથી પાછા 'કરો, કરો' કર્યા કરો છો ! એ તો વચનબળ જોઈએ, વચનબળ ! એ બોલે એટલું પેલાને થઈ જાય, તો એ ગુરુ કહેવાય. નહીં તો ગુરુ યે કહેવાય નહીં. જ્ઞાની પુરુષ તો મોક્ષ આપે. પણ ગુરુ ક્યારે કહેવાય ? વચનબળ હોય. કારણ કે એમના વચનમાં જૂઠ-કપટ એવું ના હોય. એમના વચનમાં વચનબળ હોય. તમને સમજાય છે હું શું કહું છું તે ?!!

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : બહુ ઊંડી વાત છે. પણ આ લોકોને શી રીતે સમજણ પડે તે ?! ચાલે છે દુકાનો. ચાલવા દો ને ! આપણે ક્યાં માથાકૂટ કરીએ ?! કાળને લઈને ચાલ્યા કરે છે.

બાકી, તમે જે કહો છો એ પુસ્તકમાં કહે છે. ત્યારે તમારામાં ને આમાં ફેર શો પડ્યો તે !! જો તમે જીવતાં કશું કરી શકતા ના હો, તો એના કરતાં આ પુસ્તક સારું ! પાવર કંઈ હોય કે ના હોય ? ભલે મોક્ષનો પાવર ના હોય, પણ સંસાર વ્યવહારનો તો હોય ને ? વ્યવહારમાં પણ શાંતિ રહે એવું કંઈક બતાવો. તમને જો શાંતિ થયેલી હશે તો અમને થશે. તમને શાંતિ નહીં હોય તો અમને કેવી રીતે થાય તે ?!

પણ એ રીત શીખવો !

આ તો ગુરુ કહેશે, 'મોરલ ને સિન્સીયર થા. બી મોરલ અને બી સિન્સીયર !' અલ્યા, મોરલ તું થઈને આવ ને ! તું મોરલ થઉં ને, એટલે તારે મને નહીં કહેવું પડે. મોરલ થઈને મને કહે તો હું મોરલ થઈ જઈશ. તને દેખતાંની સાથે મોરલ થઈ જઈશ. જેવું જોઈએ, એવું આપણે થઈ જ જઈએ. પણ એ પોતે જ થયો નથી ને !

મારામાં વીતરાગતા હોય તે તમે જુઓ, ને એક ફેરો જોઈ લઈએ તો પછી થાય. કારણ કે હું તમને કરી બતાવું છું, માટે તમને એડજસ્ટ થઈ જાય. એટલે હું પ્યૉર હોઉં તો જ માણસ પ્યૉર થઈ શકે ! એટલે પ્યૉરિટી કમ્પ્લિટ હોવી જોઈએ !!

હું તમને 'મોરલ થાવ' એમ કહે કહે નથી કરતો, પણ 'મોરલ કેમ થવાય' તે કહું છું. હું એવું કહેતો જ નથી કે 'તમે આમ કરો, સારું કરો કે આમ થાવ.' હું તો 'મોરલ કેમ થવાય' તે કહું છું, રસ્તો બતાવું છું અને જ્યારે લોકોએ શું કરેલું ? 'આ રકમ અને આ જવાબ.' અલ્યા, રીત શીખવાડ ને ! રકમ ને જવાબ તો ચોપડીમાં લખેલાં જ છે પણ એની રીત શીખવાડ ને ! પણ રીત શીખવાડનારો કોઈ નીકળ્યો નથી. રીત શીખવાડનારો નીકળ્યો હોત તો આ દશા હિન્દુસ્તાનની હોત નહીં. હિન્દુસ્તાનની દશા તો જુઓ આજે ! કેવી દશા થઈ ગઈ છે !!!

સાચા ગુરુના ગુણો.....

પ્રશ્નકર્તા : મારે કેવી રીતે જાણવું કે મારા માટે સાચા ગુરુ કોણ છે ?

દાદાશ્રી : જ્યાં બુધ્ધિ ના હોય ત્યાં અને બોડીનાં ઓનરશિપ ના હોય. ઓનરશિપવાળા હોય તો. એ માલિકીવાળા ને આપણે ય માલિકી- વાળા, બેઉ અથડાય ! તો કામ ના થાય.

પછી આપણા મનનું સમાધાન કરે, એ આપણા ગુરુ. એવાં ના મળે તો બીજા ગુરુ શું કરવાના છે ?

એ ગુરુ તો આપણને બધી રીતે હેલ્પ કરે એવાં જોઈએ. એટલે આપણને દરેક બાબતમાં હેલ્પ કરે. પૈસાની મુશ્કેલીમાં ય હેલ્પ કરે. જો ગુરુ મહારાજ પાસે હોય તે એ કહે, 'ભઈ લઈ જા, મારી પાસે છે.' એવું હોવું જોઈએ. ગુરુ એટલે એ હેલ્પિંગ, માબાપ કરતાં વધારે આપણી એ કાળજી રાખે, તો એને ગુરુ કહેવાય. આ તો લોકો પડાવી લે છે. પાંચ-પચાસ-સો રૂપિયા પડાવી લે !

પારકાંને માટે જીવન જીવતા હોય એવાં ગુરુ હોવા જોઈએ ! પોતાના સારુ નહીં !

પછી ગુરુ જરા શરીરે સુદ્રઢ હોવાં જોઈએ. જરા દેખાવડા હોવાં જોઈએ. દેખાવડા ના હોય તો ય કંટાળો આવે. 'આમને ત્યાં અહીં આવીને બેસવાનું ક્યાં થયું ? પેલા બીજા ગુરુ કેવા સરસ રૂપાળા હતા ?!' એવું કહે ! એવું બીજાની જોડે સરખામણી ના કરવાના હોય તો જ ગુરુ કરજો. ગુરુ કરો તો સાચવીને કરજો. બાકી, ગુરુ કરવા ખાતર કરવા એવું જરૂરી નથી !

અને એમનામાં તો સ્પૃહા ના હોય અને નિઃસ્પૃહતા ય ના હોય. નિઃસ્પૃહ ના હોય તો કોઈ સ્પૃહા છે એમને ? ના, એમને તમારા પૌદ્ગલિક બાબતમાં એટલે ભૌતિક બાબતમાં નિઃસ્પૃહ છે એ પોતે અને આત્માની બાબતમાં સ્પૃહાવાળા છે. હા, સંપૂર્ણ નિઃસ્પૃહ નથી એ !

ગુરુને કશું જોઈતું ના હોય એવા જોઈએ. લક્ષ્મી ના જોઈતી હોય અને વિષય ના જોઈતા હોય, બે ના જોઈતા હોય. પછી કહીએ કે 'આ તમારા પગ દબાવીશું, માથું દબાવીશું.' પગ દબાવવામાં વાંધો નહીં આપણે. પગ દબાવીએ, સેવા કરીએ.

મોક્ષને માર્ગે તો એમના ગુરુ આત્મજ્ઞાની હોવાં જોઈએ. તે આત્મજ્ઞાની ગુરુઓ છે નહીં, એટલે બધો કેસ બફાયો છે.

ત્યારે કહેવાય ગુરુ મળ્યા !

એટલે હું તો કોઈનું સાંભળતો જ નહોતો. કારણ કે એમનામાં બરકત દેખાતી નથી, એમના મોઢાં પર તેજ નથી દેખાતું, એમનાથી પાંચ માણસ સુધર્યા હોય તો મને દેખાડો કે જેનામાં ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ગઈ હોય કે મતભેદ ઘટ્યા હોય.

પ્રશ્નકર્તા : ગુરુ સાચા મળ્યા છે કે નહીં, એ જાણવાની શક્તિ આપણી કેટલી ?

દાદાશ્રી : બૈરી જોડે મતભેદ જાય તો જાણવું કે ગુરુ મળ્યા છે એને. નહીં તો આ તો બૈરી જોડે ય મતભેદ થયા જ કરે. રોજ ઝઘડા ને ઝઘડા ચાલ્યા જ કરે એની મેળે. જો ગુરુ મળ્યા ને કંઈ ફેરફાર લાંબો થયો નહીં, તો કામનું જ શું તે ?!

આ તો ક્લેશ જતો નથી, નબળાઈ જતી નથી અને કહે છે કે 'મને ગુરુ મળ્યા છે.' આપણા ઘરનો ક્લેશ જાય, કંકાસ જાય, એનું નામ ગુરુ મળ્યા કહેવાય. નહીં તો ગુરુ મળ્યા જ શી રીતે કહેવાય ?! આ તો એના પક્ષનો પાણો ચઢાવે કે 'આપણે આ પક્ષના છીએ.' એમ એ પક્ષનો પાણો ચઢાવે અને ગાડું ચલાવે. અહંકાર આ બાજુનો હતો, તે આ બાજુનો વાળે. આપણને છ જ મહિના સાચા ગુરુ મળ્યા હોય, તો ગુરુ એટલું તો શીખવાડે જ કે જેનાથી ઘરમાંથી ક્લેશ જતો રહે. ઘરમાંથી જ એકલો નહીં, મનમાંથી હઉ ક્લેશ જતો રહે. મનમાં કલેશિતભાવ ના થાય ને જો ક્લેશ થતા હોય તો એ ગુરુને છોડી દેવાના. પછી બીજા ગુરુ ખોળી કાઢવા.

બાકી, ચિંતા-ઉપાધિ થાય, ઘેર મતભેદ થાય, એ બધાં જો ગૂંચવાડા ના ગયા હોય તો એ ગુરુ કામના શું ?! એ ગુરુને કહીએ કે, 'હજુ મને ગુસ્સો આવે છે ઘરમાં, મારે તો છોડી-છોકરાં જોડે ચિડાઈ જવાય છે, તે બંધ કરી દો. નહીં તો પછી આવતે વર્ષ કેન્સલ કરી દઈશ.' ગુરુને આવું કહેવાય કે ના કહેવાય ? તમને કેવું લાગે છે ?! નહીં તો આ તો ગુરુઓને ય 'મીઠાઈ' મળ્યા કરે છે નિરાંતે, હપ્તા મળ્યા જ કરે છે ને ! એટલે આ બધું અંધેર ચાલે છે હિન્દુસ્તાનમાં. આપણા હિન્દુસ્તાન દેશમાં જ નહીં, પણ બધે ય એવું જ થઈ ગયું છે.

આમ સાચું 'નાણું' પરખાય !

પ્રશ્નકર્તા : સાચા ગુરુ છે, એને માટે આમ ચોક્કસ કોઈ ઓળખ ખરી ?

દાદાશ્રી : ઓળખમાં તો, આપણે ગાળ ભાંડીએ તો ક્ષમા ના આપે પણ સહજ ક્ષમા હોય. આપણે મારીએ તો ય ક્ષમા હોય, ગમે એવું અપમાન કરીએ તો ય ક્ષમા હોય. પછી સરળ હોય. તેમને આપણી પાસે કંઈ લાલચ ના હોય, આપણી પાસે પૈસા સંબંધી કંઈ માગણી કરતા નથી. અને આપણે પૂછીએ તે પ્રશ્નનું સમાધાન કરે અને જો એમને છંછેડીએ તો ય એ ફેણ ના માંડે. વખતે ભૂલચૂક થઈ ગઈ હોય તો ય એ ફેણ માંડે નહીં. ફેણ માંડે એને શું કહેવાય ? ફેણિયા નાગ કહેવાય. આ બધી ઓળખ કહી એમની.

નહીં તો પછી ગુરુની તપાસ કરવી જોઈએ અને પછી ગુરુ કરવા જોઈએ. ગમે તેને ગુરુ કરી બેસીએ એનો શો અર્થ છે તે !

પ્રશ્નકર્તા : કોણ કેવા છે એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : પહેલાંના બોડિયા એડવર્ડ રૂપિયા ને રાણી છાપ રૂપિયા તમે જોયેલા કે ? હવે એ રૂપિયા હોય ને, તો ય આ લોકો વિશ્વાસ રાખતા ન્હોતા. અલ્યા, રૂપિયા છે, વ્યવહારમાં ચાલુ ચલણ છે ને ?! પણ ના, તો ય એને પથ્થર જોડે કે લોખંડ જોડે અથાડે ! અરે, લક્ષ્મીને ના અથાડીશ. પણ તો ય અથાડે એ ! કેમ અથાડતો હશે ? રૂપિયો ખખડાવીએ ત્યારે કલદાર છે કે બહેરો, એ માલમ પડે કે ના પડે ? આમ ઠોકીએ કે 'ઠનનન......' બોલે તો આપણે એને કબાટમાં-તીજોરીમાં મૂકી દઈએ અને બહેરો નીકળે તો કાપી નાખે, કાઢી નાખે. એટલે આ ટેસ્ટ જોવો, રૂપિયો ખખડાવી જોવાનો. એવું ગુરુનો હંમેશાં ય ટેસ્ટ કરો.

પ્રશ્નકર્તા : પરીક્ષા કરવાની ?!

દાદાશ્રી : ટેસ્ટ ! પરીક્ષા તો આવડે નહીં. બાળક હોય, તે પ્રોફેસરની પરીક્ષા શી રીતે લે ?

પ્રશ્નકર્તા : તો ટેસ્ટ અને પરીક્ષામાં શું ફરક ?

દાદાશ્રી : ટેસ્ટમાં અને પરીક્ષામાં બહુ ફેર. ટેસ્ટમાં તો આપણે એમ જ કહેવાનું કે, 'સાહેબ, આપ બોલ્યા, પણ એકુંય વાત મને સાચી લાગતી નથી.' એટલું જ બોલવાનું. એનો ટેસ્ટ ઝટ નીકળશે. એ ફેણ માંડશે. એટલે આપણે સમજવું કે આ ફેણિયા છે, આ દુકાન આપણા માટે નથી. દુકાન બદલો. દુકાન બદલવાની ખબર ના પડી જાય આપણને ?!

પ્રશ્નકર્તા : પણ દાદા, આવું ગુરુને કહેવું એ અવિનય ના કહેવાય ?

દાદાશ્રી : એવું છે, કે અવિનય ના કરીએ તો આપણે ક્યાં સુધી ત્યાં ને ત્યાં બેસી રહેવું ?! આપણને સિલ્ક જોઈએ છે, 'ડબલ ઘોડા'નું સિલ્ક જોઈએ છે, તો દરેક દુકાને ફરતા ફરતા જઈએ તો કો'ક કહેશે, 'ભઈ, પેલાની દુકાને, ખાદી ભંડારમાં જાવ.' હવે, ત્યાં જઈને આપણે બેસી રહીએ પણ પૂછીએ-કરીએ નહીં, તો ત્યાં ક્યાં સુધી બેસી રહેવું આપણે ?! એના કરતાં પૂછીએ કે, 'ભઈ, ડબલ ઘોડાનું સિલ્ક હોય તો હું બેસી રહું, પછી છ કલાક બેસી રહીશ પણ છે ખરું આપની પાસે ?!' ત્યારે એ કહે, 'ના, નથી.' ત્યારે આપણે ઊઠીને બીજી દુકાને જઈએ.

છતાં પણ અહીં આગળ એક ગુનો થાય છે પાછો. આટલી મારી સમજ લઈને છટકી નહીં જવાનું. જેમને તમે આવું કર્યું કે 'તમારું આ બરાબર નથી' એટલે એમના મનને દુઃખ થયું, એટલા પૂરતો અવિનય ગણાય છે. માટે એમને કહીએ કે, 'સાહેબ, જરા મારું મગજ આવું કોઈ ફેરો ખસી જાય છે.' ત્યારે એ કહેશે, 'કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં.' તો ય પણ એમનું મન મહીં દુખાયા કરતું હોય, તો પછી આપણે પાંચ-પચાસ રૂપિયા ગજવામાં રાખવા પડે ને એમને કહેવું જોઈએ કે, 'આપને શું, ચશ્મા જોઈએ છે ? જે જોઈતું હોય તે કહો.' નહીં તો પછી આપણે કહીએ, 'સાહેબ, એક શાલ છે તેનો સ્વીકાર કરો. માથે હાથ મૂકી આપો.' તે શાલ આપી આવવી એટલે એ ખુશ ! એટલે આપણે જાણીએ કે આ રૂપિયાને ખખડાવ્યો તો એ સામો દાવો નથી માંડતો. અને આ આમાં દાવો મંડાય, એટલે આપણે શાલ આપી આવીએ. એટલું સો રૂપિયા ઘસાઈ છૂટવા પડે. પણ આપણે એ દુકાનમાંથી-ફસામણમાંથી તો નીકળ્યા ને ! મારું શું કહેવાનું છે કે ક્યાં સુધી ફસાઈ રહેવું ?

અને જેને રાગ-દ્વેષ ના થાય એ છેલ્લા ગુરુ ! ખાવાનું મૂકીએ ને પછી થાળી ઊઠાવી લઈએ અને એમની આંખમાં કંઈ ફેરફાર ના દેખાય, આંખમાં કુરકુરિયાં ના રમે, તો જાણવું કે આ છે 'લાસ્ટ' ગુરુ ! બાકી, કુરકુરિયાં રમે એ બધામાં માલ જ નહીં ને ! આપને સમજ પડીને ?

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : એટલે પરીક્ષા હેતુ માટે નહીં, પણ તપાસ રાખવી જોઈએ. પરીક્ષા હેતુ માટે તો ખોટું દેખાય. પણ જરા ધ્યાન રાખવું જોઈએ કે કેમ આમની આંખોમાં આમ થાય છે ! હવે, આ થાળી ઉઠાવી લીધી ને આંખમાં ફેરફાર થાય તો તરત કહીએ, 'ના, બીજી ચાંદીની થાળી લાવું છું.' પણ આપણે જોઈ લેવું કે 'આંખોમાં ફેરફાર થાય છે !' તપાસ તો કરવી જ પડે ને ?!

આપણે છેતરાઈને માલ લાવીએ એ શું કામનો ?! માલ લેવા ગયા, તે માલ તો એણે જોવો પડે ને ! એવું ના જોવું પડે ? જરા ખેંચીને જોવું પડે ને ? પછી ફાટેલું નીકળે ત્યારે લોક કહેશે, 'તમે શાલ જોઈને કેમ લીધી નહીં ?' એવું કહે કે ના કહે ? તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહે છે ને, ગુરુ બરાબર જોઈને કરજો, તપાસીને કરજો ! નહીં તો રખડાવી મારશે. એમને એમ ગમે તેને વળગી પડે એ કામમાં ના આવે ને ! એમને એમ તો છેતરાયા પછી શું થાય ?! એટલે બધી બાજુ જોવું પડે.

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21