ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


પ્યૉરિટી જ જોઈએ !

પ્રશ્નકર્તા : આપ આવું બોલ્યા. બીજો કોઈ આવું કહેતો ય નથી.

દાદાશ્રી : હા, પણ પ્યૉર થયો હોય તો બોલે ને ! નહીં તો એ શી રીતે બોલે ?! એમને તો આ દુનિયાની લાલચ જોઈએ છે અને આ દુનિયાનાં સુખો જોઈએ છે. એ શું બોલે તે ?! એટલે પ્યૉરિટી હોવી જોઈએ. આખા વર્લ્ડની ચીજો અમને આપે તો અમને એની જરૂર નથી, આખા વર્લ્ડનું સોનું અમને આપે તો ય અમને એની જરૂર નથી. આખા વર્લ્ડના રૂપિયા આપે તો અમારે જરૂર નથી, સ્ત્રી વિચાર જ ના આવે. એટલે આ જગતમાં કોઈ પણ પ્રકારની અમને ભીખ નથી. શુધ્ધ આત્મદશા સાધવી, એ કંઈ સહેલી વાત છે ?!

પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ ગુરુનું વ્યક્તિગત ચારિત્ર શુધ્ધ હોવું જોઈએ !

દાદાશ્રી : હા, ગુરુનું ચારિત્ર સંપૂર્ણ શુધ્ધ હોવું જોઈએ. શિષ્યનું ચારિત્ર ના પણ હોય, પણ ગુરુનું ચારિત્ર તો એક્ઝેક્ટ હોવું જોઈએ. ગુરુ જો ચારિત્ર વગરના છે તો એ ગુરુ જ નથી, એનો અર્થ જ નથી. સંપૂર્ણ ચારિત્ર જોઈએ. આ અગરબત્તી ચારિત્રવાળી હોય છે, આટલી રૂમમાં જો પાંચ-દશ અગરબત્તી સળગાવી હોય તો આખો રૂમ સુગંધીવાળો થઈ જાય. ત્યારે ગુરુ તો ચારિત્ર વગરના ચાલતા હશે ?! ગુરુ તો સુગંધીવાળા હોવા જોઈએ.

મુખ્યપણું મોક્ષમાર્ગમાં !

મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો ! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં, લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં. એ બે માયા થકી તો આ જગત ઊભું રહ્યું છે. હા, માટે ત્યાં ધર્મ ખોળવો એ ભૂલ છે. ત્યારે અત્યારે લક્ષ્મી વગર કેટલાં કેન્દ્ર ચાલે છે ?

પ્રશ્નકર્તા : એકેય નહીં.

દાદાશ્રી : એ માયા છૂટતી નથી ને ! ગુરુને ય માયા પેસી ગયેલી હોય. કળિયુગ છે ને ! એટલે પેસી જાય ને, થોડીઘણી ?! એટલે જ્યાં આગળ સ્ત્રી સંબંધી વિચાર છે, જ્યાં પૈસા સંબંધી લેવડદેવડ છે, ત્યાં સાચો ધર્મ થઈ શકે નહીં. સંસારીઓ માટે નહીં, પણ જે ઉપદેશકો હોય છે ને, જેમના ઉપદેશના આધારે ચાલીએ, ત્યાં આ ના હોવું જોઈએ. નહીં તો આ સંસારીઓને ત્યાં ય એ જ છે અને તમારે ત્યાં ય એ જ ?! એવું ના હોવું જોઈએ. અને ત્રીજું કયું ? સમ્યક્દ્રષ્ટિ હોવી જોઈએ.

એટલે લક્ષ્મી ને સ્ત્રી સંબંધ હોય ત્યાં આગળ ઊભું ના રહેવું. ગુરુ જોઈને કરવા. લિકેજવાળો હોય તો કરવો નહીં. બિલકુલે ય લિકેજ ના જોઈએ. ગાડીમાં ફરતા હોય તો ય વાંધો નથી, પણ ચારિત્રનો ફેઈલ હોય તો વાંધો છે. બાકી આ અહંકાર હોય તેનો વાંધો નથી, કે 'બાપજી, બાપજી' કરીએ તો ખુશ થાય તેનો વાંધો નથી. ચારિત્રનો ફેઈલ ના હોય તો લેટ ગો કરવા જોઈએ. મુખ્યમાં મુખ્ય વસ્તુ ચારિત્ર !

પ્રશ્નકર્તા : લક્ષ્મી અને સ્ત્રી એ સાચી ધાર્મિકતાની વિરુધ્ધમાં છે. પણ સ્ત્રીઓ તો વધારે ધાર્મિક હોય છે, એવું કહેવાય છે.

દાદાશ્રી : સ્ત્રીમાં ધાર્મિકતા હોય તેનો સવાલ નથી, ધર્મમાં સ્ત્રીઓ નો વાંધો નથી, પણ કુદ્રષ્ટિ માટે વાંધો છે, કુવિચાર માટે વાંધો છે. સ્ત્રીને ભોગનું સ્થાન માનો છો એ વાંધો છે. એ આત્મા છે, એ ભોગનું સ્થાન નથી.

બાકી, જ્યાં લક્ષ્મી લેવામાં આવે છે, ફી તરીકે લક્ષ્મી લેવામાં આવે છે, વેરા તરીકે લેવામાં આવે છે, ભેટ તરીકે લેવામાં આવે છે ત્યાં ધર્મ ના હોય. પૈસા હોય ત્યાં ધર્મ ના હોય ને ધર્મ હોય ત્યાં પૈસો ના હોય. એટલે સમજાય એવી વાત છે ને ? જ્યાં વિષય ને પૈસા હોય ત્યાં એ ગુરુ પણ નથી. ગુરુ યે હવે સારા પાકશે. હવે બધું જ બદલાવાનું. સારા એટલે ચોખ્ખા. હા, ગુરુને પૈસાની અડચણ હોય તો આપણે પૂછવું કે આપને પોતાને નિભાવણી માટે શું જરૂર છે ?! બાકી, બીજું કંઈ એમને ના હોવું જોઈએ અગર તો 'મોટાં થવું છે, ફલાણા થવું છે' એવું ના હોવું જોઈએ.

એનું નામ જ જુદાઈ !

આ કંઈ સુખી લોકો છે ? મૂળ તો દુઃખી છે લોકો અને એની પાસે રૂપિયા લો છો ?! દુઃખ કાઢવા માટે ત્યાં ગુરુ પાસે જાય છેને ? ત્યારે તમે એના પચ્ચીસ રૂપિયા લઈને એનું દુઃખ વધારો છો ! એક પઈ ના લેવાય કોઈની પાસેથી. એક રુપિયો ય ના લેવાય. બીજા પાસે કંઈ પણ લેવું, એનું નામ જુદાઈ કહેવાય. અને તેનું નામ જ સંસાર ! એમાં એ જ ભટકેલો છે, જે લેનાર માણસ છે એ ભટકેલો કહેવાય. એને પારકો જાણે છે, માટે એ પૈસા લે છે.

આ દુનિયાની કોઈ પણ ચીજ, એક રૂપિયો પણ જો હું વાપરું તો હું એટલો નાદારીમાં જઉં. ભક્તોની એક પઈ પણ ના વપરાય. આ વેપાર જેણે કાઢ્યા છે એ પોતે નાદાર સ્ટેજમાં જશે, એટલે જે કંઈ એની આ સિધ્ધિ પ્રાપ્ત છે એ ખોઈને જતા રહેશે. જે થોડી ઘણી સિધ્ધિ પ્રાપ્ત થઈ, તેના આધારે માણસો બધાં ભેગા થતા હતા. પણ પછી સિધ્ધિ ખલાસ થઈ જાય ! કોઈ પણ સિધ્ધિનો દુરૂપયોગ કરો તો સિધ્ધિ ખલાસ થઈ જાય.

સર્વ દુઃખોથી મુક્તિ માગવી, કે.....

કેટલાંક લોકો અહીં આવીને પૈસા મૂકે છે. અલ્યા, અહીં પૈસા મૂકવાના ના હોય, અહીં માગવાના હોય. અહીં મૂકવાનું હોતું હશે ?! જ્યાં બ્રહ્માંડનો માલિક બેઠેલો છે, ત્યાં તો મૂકવાનું હોતું હશે ?! આપણે માગવાનું હોય કે મને આવી અડચણ છે તે કાઢી આપજો. બાકી, પૈસા તો કોઈ ગુરુને મૂકજે. એમને કંઈ લૂગડાં જોઈતાં હોય, બીજું કશું જોઈતું હોય. જ્ઞાની પુરુષને તો કશું જ જોઈતું હોય નહીં.

એક મિલના શેઠિયાએ, સાંતાક્રુઝ અમે રહેતા ત્યાં આવડી આવડી ત્રણ પેટીઓ મજૂર સાથે ઉપર મોકલાવી. પછી શેઠિયો ઉપર મળવા આવ્યો. મેં કહ્યું, 'શું છે આ બધું શેઠ ?' ત્યારે શેઠ કહે છે, 'કુછ નહીં, ફૂલ નહીં પણ ફૂલની પાંખડી.....' મેં કહ્યું, 'શેને માટે આ પાંખડી લાવ્યા છો ?' ત્યારે એ કહે છે, 'કુછ નહીં, કુછ નહીં સાહેબ.' મેં કહ્યું, 'તમને કશું દુઃખ કે અડચણ છે ?' ત્યારે એ કહે છે, 'શેર મટ્ટી ચાહિએ.' અલ્યા, શેર મટ્ટી કયા અવતારમાં નહોતી ?! કૂતરામાં ગયો ત્યાં ય બચ્ચાં, ગધેડામાં ગયો ત્યાં ય બચ્ચાં, વાંદરામાં ગયો ત્યાં ય બચ્ચાં, જ્યાં ગયો ત્યાં બચ્ચાં !! અલ્યા, કયા અવતારમાં ન્હોતી આ મટ્ટી ?! હજુ શેર મટ્ટી જોઈએ છે ? ભગવાન તમારા પર રાજી થયા ત્યારે તમે પાછાં મટ્ટી ખોળો છો ?! પાછાં મને લાંચ આપવા આવ્યા છો ?! આ તમારી લીંટ મને ચોપડવા આવ્યા છો ?! હું ધંધાદારી માણસ ! પાછી મારે લીંટ આવે તો હું કોને ત્યાં ચોપડવા જઉં ?! આ બહાર બધે ગુરુઓને ચોપડી આવો. એમને બિચારાને લીંટ નથી આવતી. આ તોફાન અહીં કયાં લાવ્યા ? ત્યારે એ કહે છે, 'સાહેબ, કૃપા કરો.' ત્યારે મેં કહ્યું, 'હા, કૃપા કરીએ, સિફારસ કરું.'

તમને જે દુઃખ છે, તે અમારે તો 'આ બાજુનો' 'ફોન' પકડ્યો ને 'આ બાજુ'(દેવ-દેવીઓને) 'ફોન' કરવાનો ! અમારે વચ્ચે કશું નહીં. ખાલી એકસચેન્જ કરવાનું. નહીં તો અમને જ્ઞાની પુરુષને આ હોય જ નહીં ને ! જ્ઞાની પુરુષ આમાં કંઈ હાથ ઘાલે નહીં. પણ આ બધાનાં દુઃખ સાંભળવાં પડ્યાં છે ને ! આ દુઃખ બધાં મટાડવા પડયા હશે ને ?! અડચણ પડે તો રૂપિયા માગવા આવજે. હવે, હું તો રૂપિયા આપતો નથી. હું ફોન કરી દઈશ, બારોબાર ! પણ લોભ ના કરીશ. તને અડચણ હોય તો જ આવજે. તારી અડચણ પૂરતું બધું જ કરીશ. પણ લોભ કરવા જઈશ, તે ઘડીએ હું બંધ કરી દઈશ.

તમારા દુઃખો મને સોંપી દો. અને જો તમને વિશ્વાસ હોય તો તે તમારી પાસે નહીં આવે. મને સોંપ્યા પછી તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાછાં આવશે. એટલે તમારે કંઈક દુઃખો હોય તો મને કહેવું કે, 'દાદા, આટલાં દુઃખ મને છે, તે હું તમને સોંપી દઉં છું.' એ હું લઈ લઉં તો નિવેડો આવે, નહીં તો નિવેડો કેમ આવે ?!

હું આ દુનિયાના દુઃખો લેવા આવ્યો છું. તમારા સુખ તમારી પાસે રહેવા દો. એમાં તમને વાંધો ખરો ? તમારા જેવા અહીં પૈસા આપે તો મારે પૈસાનું શું કરવાનું ?! હું તો દુઃખ લેવા આવ્યો છું. તમારા પૈસા તમારી પાસે રહેવા દો, એ તમને કામ લાગશે અને જ્યાં જ્ઞાની હોય ત્યાં પૈસાની લેવડદેવડ ના હોય. જ્ઞાની તો ઉલટાં તમારાં બધાં દુઃખો કાઢવા માટે આવ્યા હોય, દુઃખ ઊભાં કરવા માટે ના આવ્યા હોય.

પ્યૉરિટી 'જ્ઞાની'ની !

હું તો લોકોની પાસે પૈસા લઉં તો મને તો લોકો જોઈએ એટલા પૈસા આપે. પણ મારે પૈસાને શું કરવાના ?! કારણ કે એ બધી ભીખ ગયા પછી તો મને આ જ્ઞાનીનું પદ મળ્યું !!

મને અમેરિકામાં ગુરુપુર્ણિમાને દહાડે સોનાની ચેઈન પહેરાવી જતા હતા, બબ્બે-ત્રણ ત્રણ તોલાની ! પણ હું પાછી આપી દેતો હતો બધાને. કારણ કે મારે શું કરવી છે ? ત્યારે એક બેન રડવા માંડી, કે 'મારી માળા તો લેવી પડશે.' ત્યારે મેં એને કહ્યું, 'હું તને એક માળા પહેરાવું તો તું પહેરીશ ?' તો એ બેન કહે છે, 'મને કંઈ વાંધો નથી. પણ તમારું મારાથી ના લેવાય.' ત્યારે મેં કહ્યું, 'હું તને બીજા પાસેથી પહેરાવડાવું.' એક મણ સોનાની માળા કરાવીએ અને પછી રાતે પહેરીને સૂઈ રહેવું પડશે, એવી શરત કરીએ તો પહેરીને સૂઈ જાય ખરી ? બીજે દહાડે કહેશે, 'લ્યો દાદા, આ સોનું તમારું.' સોનામાં સુખ હોય તો સોનું વધારે મળે ત્યારે આનંદ થાય. પણ આમાં સુખ છે ને, એ માન્યતા છે તારી, રોંગ બિલિફ છે. આમાં સુખ હોતું હશે ? સુખ તો, કોઈ ચીજ ન લેવાની હોય ત્યાં સુખ છે. આ વર્લ્ડમાં કોઈ ચીજ ગ્રહણ કરવાની ન હોય ત્યાં સુખ છે !

હું તો મારા ઘરનું, મારા પોતાના ધંધાની આવકનું-મારા પ્રારબ્ધનું ખાઉં છું ને લૂગડાં પહેરું છું. હું કંઈ કોઈનો પૈસો લેતો ય નથી ને કોઈનું આપેલું પહેરતો ય નથી. આ ધોતિયાં પણ મારી કમાણીનાં પહેરું છું. અહીંથી મુંબઈ જવાનું પ્લેનનું ભાડું મારા ઘરના પૈસાનું ! પછી પૈસાની જરૂર જ કયાં રહી ?! હું તો એક પૈસો લોકોની પાસે લઉં તો મારા શબ્દો લોકોને માન્યામાં જ કેમ આવે તે ?! કારણ કે એના ઘરની એંઠ મેં ખાધી. અમારે કંઈ જોઈતું નથી. જેને ભીખ જ નથી કોઈ પ્રકારની, એને ભગવાને ય શું આપવાના હતા ?!

એક જણ મને ધોતિયાં આપવા આવ્યો, એક જણ ફલાણું આપવા આવ્યો. મારે ઇચ્છા હોય તો વાત જુદી છે, પણ મારા મનમાં કશાની ઈચ્છા જ નથી !! મારે તો ફાટેલું હોય તો ય ચાલે. એટલે મારું કહેવાનું કે જેટલું ચોખ્ખું રાખશો એટલું આ જગતને લાભદાયી થઈ પડશે !!

પોતાની સ્વચ્છતા એટલે....

આ દુનિયામાં જેટલી સ્વચ્છતા તમારી એટલી દુનિયા તમારી ! તમે માલિક આ દુનિયાના ! હું આ દેહનો માલિક છવ્વીસ વર્ષથી થયો નથી, તેથી અમારી સ્વચ્છતા પૂરેપૂરી હોય ! માટે સ્વચ્છ થાવ, સ્વચ્છ !!!

પ્રશ્નકર્તા : સ્વચ્છતાનો ખુલાસો કરો.

દાદાશ્રી : સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય જેને, ભિખારીપણું જ ના હોય !!

ગુરુતા જ ગમે જીવને !

એટલે અહીં જુદી જાતનું છે, આ દુકાન ન્હોય. છતાં ય લોકો તો આને દુકાન જ કહે. કારણ કે 'બીજા બધાંએ દુકાન કાઢી એવી તમે ય શું કરવા દુકાન કાઢી ? તમારે શું ગરજ ?' મને ય એની ગરજ તો ખરી ને, કે હું જે સુખ પામ્યો એ તમે ય પામો ! કારણ કે લોકો કેવા ભરહાડમાં બફાઈ રહ્યાં છે. શક્કરીયાં ભરહાડમાં બફાય એમ બફાઈ રહ્યાં છે લોકો ! અગર તો માછલાં પાણીની બહાર તરફડે એમ તરફડી રહ્યાં છે. એટલે અમારે આ બધું ફરફર કરવું પડે છે. ઘણા લોકો શાંતિનો માર્ગ પામી ગયા.

પ્રશ્નકર્તા : એટલે આ ગરજ નથી, પણ બધાં જીવોનું કલ્યાણ થાય એવી ભાવના થાય ને !

દાદાશ્રી : કલ્યાણ થાય તો સારું એવી ભાવના હોય. આ વર્લ્ડમાં તીર્થંકરોને જ્ઞાની સિવાય કોઈએ જગત કલ્યાણની ભાવના ભાવેલી નહીં. પોતાના જ પેટનું ઠેકાણું ના પડયું હોય ત્યાં આગળ લોકોનો ક્યાં વિચાર કરે ?! બધાં લોકોએ ભાવના શું ભાવેલી ? ઊંચું પદ ખોળ ખોળ કરેલું ! સાધુ હોય તો 'મને આચાર્ય ક્યારે બનાવે' અને આચાર્ય હોય તો 'મને ફલાણો ક્યારે બનાવે' એ જ ભાવના બધાને હોય. ત્યારે આ બાજુ, લોકોને કાળા બજાર કરવાની ભાવના ! ને કલેક્ટર હોય તો 'મને કમિશ્નર ક્યારે બનાવે' એ જ ભાવના હોય !! જગત કલ્યાણની તો કોઈને ય પડેલી નથી. એટલે રિલેટિવમાં જગત ગુરુતામાં પડે છે. ગુરુતમ તો થઈ શકતાં નથી.

પ્રશ્નકર્તા : રિલેટિવમાં ગુરુતા એટલે શું ?

દાદાશ્રી : ગુરુતા એટલે વધવા જ માગે છે, ઊંચે જવા માગે છે. એ એવું જાણે છે કે ગુરુતમ થઈશું એટલે ઊંચા થઈ ગયા, એમને રિલેટિવમાં જ ગુરુતા જોઈએ છે. એ તો ક્યારે ઠેકાણું પડશે ?! કારણ કે રિલેટિવ એ વિનાશી છે. એટલે ગુરુતા ભેગી કરેલી હોય તેથી તે મોટો થવા ફરે, પણ ક્યારે નીચે પડી જાય એ શું કહેવાય ?! રિલેટિવમાં લઘુતા જોઈએ. રિલેટિવમાં આ બધા ગુરુ થવા ફરે છે, એમાં કંઈ દહાડો વળે નહીં.

ગુરુતા જ પછાડે અંતે !

બાકી, લઘુતમ જે થયો નથી. તે ગુરુતમ થવાને માટે પાત્ર નથી. ત્યારે અત્યારે એક એવા ગુરુ નથી કે જેમણે લઘુતમ થવાનો પ્રયત્ન કર્યો હોય ! બધા જ ગુરુતા ભણી ગયા છે. 'કેમ કરીને હું ઊંચે ચઢું !' એમાં એ કોઈનો દોષ નથી. આ કાળ નડે છે, બુધ્ધિ વાંકી ફરે છે. આ બધા ગુરુઓનો ધંધો શું હોય ? કેમ કરીને મોટા થવું, ગુરુપણું વધારવું એ એમનો ધંધો હોય. લઘુ ભણી ના જાય. વ્યવહારમાં ગુરુપણું વધતું ગયું, નામ નીકળ્યું કે 'ભઈ, આમને એકસો આઠ શિષ્ય છે' એટલે નિશ્ચયમાં એટલું લઘુ થયું, લઘુતમ થતું જાય છે. વ્યવહારમાં ગુરુ થવા માંડ્યા એ પડવાની નિશાની છે.

ઘેર એક બૈરી હતી અને બે છોકરાં હતાં, તે ત્રણ ઘંટ છોડી અને અહીં આગળ સાધુ થયા ! આ ત્રણ ઘંટનો કંટાળો આવ્યો અને ત્યાં પછી એકસો ને આઠ ઘંટ વળગાડ્યા. પણ આ ત્રણ છોડી ને પાછા એકસોને આઠ ઘંટ શું કરવા વળગાડ્યા ? ત્યારે પેલા શું ખોટા હતા આના કરતાં ?! પેલા ઘંટ છોડ્યા ને આ નવા ઘંટ વળગાડ્યા ! પેલા પિત્તળના ઘંટ હતા ને આ સોનાના ઘંટ !! પછી આ ઘંટ વાગ વાગ કરે ! શેના હારું આ બધાં તોફાન માંડ્યાં છે ?!!

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21