ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


ફેર ગુરુ અને જ્ઞાનીમાં....

પ્રશ્નકર્તા : ગુરુ અને જ્ઞાની પુરુષ એ બેનો તફાવત સમજાવો.

દાદાશ્રી : જ્ઞાની પુરુષ અને ગુરુમાં તો બહુ ફેર ! હંમેશાં ગુરુ સંસારને માટે જ કરવામાં આવે છે. મુક્તિ માટે તો જ્ઞાની પુરુષ સિવાય મુક્તિ જ નથી. ગુરુ તો આપણને સંસારમાં આગળ લઈ જાય ને પોતે જેવા છે એવા આપણને બનાવી દે. એથી આગળનું ના આપી શકે. અને મુક્તિ તો જ્ઞાની પુરુષ આપે. માટે વ્યવહારમાં ગુરુની જરૂર છે અને નિશ્ચયમાં જ્ઞાની પુરુષની જરૂર છે. બન્નેની જરૂર છે.

ગુરુ તો શું કરતા જાય ? પોતે આગળ ભણતા જાય અને પાછળવાળાને ભણાવતા જાય. ને હું તો જ્ઞાની પુરુષ છું, ભણવું-ભણાવવું એ મારો ધંધો ન્હોય. હું તો, તમારે મોક્ષ જોઈતો હોય તો બધો ઊકેલ લાવી આપું, દ્રષ્ટિ ફેરવી આપું. અમે તો, જે સુખ અમે પામ્યા છીએ તે સુખ એને પમાડીએ અને ખસી જઈએ.

ગુરુ જ્ઞાન આપે અને જ્ઞાની પુરુષ વિજ્ઞાન આપે. જ્ઞાન સંસારમાં પુણ્યૈ બંધાવે, રસ્તો બતાવડાવે બધો. વિજ્ઞાન મોક્ષે લઈ જાય. ગુરુ તો એક જાતના માસ્તરો કહેવાય. પોતે કંઈક નિયમ લીધેલા હોય અને વાણી સારી હોય તો સામાને નિયમમાં લાવી નાખે. બીજું કશું ધોળે નહીં. પણ તેથી સંસારમાં એ માણસ સુખી થાય. કારણ કે એ નિયમમાં આવ્યો એટલે. અને જ્ઞાની પુરુષ તો મોક્ષે લઈ જાય. કારણ કે મોક્ષનું લાયસન્સ એમની પાસે છે.

સાંસારિક ગુરુ હોય તેનો વાંધો નથી. સાંસારિક ગુરુ તો રાખવા જ જોઈએ, કે જેને આપણે ફોલો થઈએ. પણ જ્ઞાની, એ તો ગુરુ ના કહેવાય. જ્ઞાની તો પરમાત્મા કહેવાય, દેહધારીરૂપે પરમાત્મા !! કારણ કે દેહના માલિક ના હોય એ પોતે. દેહના માલિક ના હોય, મનના માલિક ના હોય, વાણીના માલિક ના હોય.

ગુરુને તો જ્ઞાની પુરુષની પાસે જવું પડે. કારણ કે ગુરુની અંદર ક્રોધ-માન-માયા-લોભની નબળાઈઓ હોય, અહંકાર ને મમતા હોય. આપણે કશુંક (ચીજવસ્તુ) આપીએ તો એ ધીમે રહીને મહીં મૂકાવડાવે. અહંકાર ને મમતા, જ્યાં જુઓ ત્યાં હોય જ ! પણ લોકોને ગુરુઓની ય જરૂર ખરીને !

અનાસક્ત ગુરુ કાળના !

પ્રશ્નકર્તા : એટલે આસક્તિ વગરના ગુરુ જોઈએ, એવો અર્થ થયો ને ?

દાદાશ્રી : હા, આસક્તિ વગરના જોઈએ. આસક્તિવાળા હોય, ધનની આસક્તિ હોય કે બીજી આસક્તિ હોય, એ શું કામના ?! આપણને જે રોગ છે, એને ય એ રોગ છે, બેઉ રોગી. દવાખાનામાં જવું પડે ! એ મેન્ટલ હોસ્પીટલના દર્દી કહેવાય. કોઈ જાતની આસક્તિ ના હોય, તો એવા ગુરુ કરેલા કામના.

રોજ ભજિયાં ખાતો હોય કે લાડવા ખાતો હોય તો ય વાંધો નથી, આસક્તિ છે કે નહીં એટલું જ જોઈ લેવાનું. અરે, કોઈ એકલું દૂધ પીને રહેતા હોય, પણ આસક્તિ છે કે નહીં એટલું જ જોવાનું. આ તો બધા ગુરુઓએ જાતજાતના ચાળા દેખાડેલા. 'હમ યે નહીં ખાતા, હમ વો નહીં ખાતા !' મેલને, પૂળો. ખા ને, અહીંથી. ખાવાનું નથી મળતું કે નથી ખાતો ?! આ તો લોકોની પાસે ચાળા દેખાડવા છે. આ તો એક જાતનું બોર્ડ છે કે 'હમ યે નહીં ખાતા, હમ યે નહીં કરતા.' આ તો લોકોને પોતાની તરફ ખેંચવાનાં બોર્ડ રાખ્યાં છે. આવાં બહુ બોર્ડ મેં જોયાં હિન્દુસ્તાનમાં. બાકી આસક્તિ વગરનાં ગુરુ જોઈએ. પછી એ ખાતો હોય કે ના ખાતો હોય, આપણે એ જોવાની જરૂર નથી.

જેને કિંચિત્માત્ર આસક્તિ હોય, તે ગુરુ કરેલા કામમાં લાગશે નહીં. આ આસક્તિવાળા ગુરુ મળવાથી તો બધું જગત અથડાઈ મર્યું છે. આસક્તિનો રોગ ના હોય ત્યારે ગુરુ કહેવાય. કિંચિત્માત્ર આસક્તિ ના હોવી જોઈએ.

ક્યાં સુધીની કચાશ નભાવાય ?

પ્રશ્નકર્તા : ગુરુની ગતિ ગહન હોય છે, એટલે એનો પૂર્વ પરિચય થાય ત્યારે સમજણ પડે. નહીં તો બાહ્ય આડંબરથી ખબર ના પડે.

દાદાશ્રી : દસ-પંદર દહાડા જોડે રહો ત્યારે ચંચળતા માલમ પડે અને જ્યાં સુધી એ ચંચળ છે ને, ત્યાં સુધી આપણો દહાડો વળે નહીં. એ અચળ થયેલો હોવો જોઈએ.

બીજું, એમનામાં ક્રોધ-માન-માયા-લોભનું કંઈ પણ પરમાણુ ના રહેવું જોઈએ અગર તો થોડુંક કંઈક અંશે ઘટેલું હોય તો ચાલે, ચલાવી લેવાય. પણ એકદમ જોશબંધ હોય તો પછી આપણામાં ય છે ને એનામાં ય છે, પછી આપણી પાસે શું આવ્યું ?! એટલે જે કષાયના ભરેલા છે, એમને ગુરુ કરાય નહીં. જરાક સળી કરો ને ફેણ માંડે, તો ગુરુ તરીકે રખાય નહીં એને. જે અકષાયી હોય અગર તો મંદ કષાયવાળો હોય, તો એ ગુરુ રખાય. મંદ કષાય એટલે વાળી લેવાય એવી દશા હોય, પોતાને ક્રોધ આવતાં પહેલાં ક્રોધ વાળી લે, એટલે પોતાના કંટ્રોલમાં આવેલા હોવા જોઈએ. તો એવા ગુરુ ચાલે. જ્યારે જ્ઞાની પુરુષમાં તો ક્રોધ-માન-માયા-લોભ હોય જ નહીં, એ પરમાણુ જ ના હોય. કારણ કે પોતે છૂટા રહે છે, આ દેહથી-મનથી-વાણીથી બધાંથી છૂટા રહે છે !

સદ્ગુરુ કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : હવે સદ્ગુરુ કોને કહેવો ?

દાદાશ્રી : એવું છે ને, સદ્ગુરુ કોને કહેવો એ બહુ મોટી મુશ્કેલી છે. સદ્ગુરુ કોને કહેવાય છે, શાસ્ત્રીય ભાષામાં ? કે સત્ એટલે આત્મા, એ જેને પ્રાપ્ત થયો છે એવા ગુરુ, એ સદ્ગુરુ !

એટલે સદ્ગુરુ એ તો આત્મજ્ઞાની જ કહેવાય, આત્માનો અનુભવ થયેલો હોય એમને. બધા ગુરુઓને આત્મજ્ઞાન ના હોય. એટલે જે નિરંતર સત્માં જ રહે છે, અવિનાશી તત્ત્વમાં રહે છે એ સદ્ગુરુ ! એટલે સદ્ગુરુ એ તો જ્ઞાની પુરુષ હોય.

પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર કહી ગયા છે કે પ્રત્યક્ષ સદ્ગુરુ વિના મોક્ષ થાય જ નહીં.

દાદાશ્રી : હા, ત્યાર વગર મોક્ષ થાય જ નહીં. અને સદ્ગુરુ કેવા હોવા જોઈએ ? કષાયરહિત હોવા જોઈએ, જેમનામાં કષાય જ ના હોય. આપણે મારીએ, ગાળો ભાંડીએ, તો ય કષાય ના કરે. એકલા કષાય રહિત જ નહીં, પણ બુધ્ધિ ખલાસ થઈ જવી જોઈએ. બુધ્ધિ ના હોવી જોઈએ. આ બુધ્ધિશાળીઓ પાસે આપણે મોક્ષ લેવા જઈએ, તો મોક્ષ એનો જ થયેલો નથી તો તમારો કેમ થાય ?! એટલે ધોલ મારે તો ય અસર નહીં, ગાળો ભાંડે તો ય અસર નહીં, માર મારે તો ય અસર નહીં, જેલમાં ઘાલે તો ય અસર નહીં. દ્વંદ્વથી પર હોય. દ્વંદ્વ સમજ્યા તમે ? નફો-ખોટ, સુખ-દુઃખ, દયા-નિર્દયતા. એક હોય ત્યારે બીજું હોય જ, એનું નામ દ્વંદ્વ ! એટલે જે ગુરુ દ્વંદ્વાતીત હોય, તેને સદ્ગુરુ કહેવાય.

આ કાળમાં સદ્ગુરુ હોય નહીં. કો'ક જગ્યાએ, કોઈ ફેરો હોય. બાકી સદ્ગુરુ હોય જ નહીં ને ! એટલે આ લોકો ગુરુને જ ઊંધી રીતે સદ્ગુરુ માની બેઠાં છે. તેને લીધે આ બધું ફસાયેલું છે તે ! નહીં તો સદ્ગુરુ મળ્યા પછી ચિંતા થતી હશે ?!

મોટો ફેર ગુરુ અને સદ્ગુરુમાં !

પ્રશ્નકર્તા : દરેક લોકો પોતાના ગુરુને સદ્ગુરુ લઈ મંડ્યા છે, એ શું છે ?

દાદાશ્રી : આપણા હિન્દુસ્તાનમાં બધા ધર્મોવાળા પોતપોતાના ગુરુને સદ્ગુરુ જ કહે છે. કોઈ એકલા ગુરુ નથી કહેતા. પણ એનો અર્થ લૌકિક ભાષામાં છે. સંસારમાં જે બહુ ઊંચા ચારિત્રવાળા ગુરુ હોય, એને આપણા લોકો સદ્ગુરુ કહે છે. પણ ખરેખર એ સદ્ગુરુ ના કહેવાય. એને પ્રકૃતિના ગુણો બહુ ઊંચા હોય, ખાવા-પીવામાં સમતા રહે, વ્યવહારમાં સમતા હોય, વ્યવહારમાં ચારિત્રગુણ બહુ ઊંચા હોય, પણ એને આત્મા પ્રાપ્ત થયેલો ના હોય. એ સદ્ગુરુ ના કહેવાય.

એવું છે ને, ગુરુ બે પ્રકારના. એક ગાઈડ રૂપી ગુરુ હોય. ગાઈડ એટલે એને આપણે ફોલો કરવાનું હોય. એ આગળ આગળ ચાલે મોનિટરની પેઠ. એને ગુરુ કહેવાય. મોનિટર એટલે તમે સમજ્યા ? જેને આપણે ફોલો કર્યા કરીએ. ત્રણ રસ્તા આવ્યા હોય તો એ ડીસાઈડ કરે કે 'ભાઈ, આ રસ્તે નહીં. પેલે રસ્તે ચાલો.' એટલે આપણે એ રસ્તે ચાલીએ. એને ફોલો કરવાનું હોય. પણ એ આપણી આગળ જ હોય. બીજે કશે આઘાપાછા ના હોય અને બીજા સદ્ગુરુ ! સદ્ગુરુ એટલે આપણને આ જગતના સર્વ દુઃખોથી મુક્તિ અપાવડાવે. કારણ કે એ પોતે મુક્ત થયેલા હોય ! એ આપણને એના ફોલોઅર્સ તરીકે ના રાખે. અને ગુરુને તો ફોલો કર્યા કરવું પડે આપણે. એના વિશ્વાસે ચાલવાનું. ત્યાં આપણું ડહાપણ નહીં વાપરવું અને ગુરુને સિન્સીયર રહેવું. જેટલાં સિન્સીયર હોય એટલી શાંતિ રહે.

ગુરુ તો આપણે અહીંથી સ્કૂલમાં ભણવા જઈએ છીએ ને, ત્યારથી ગુરુની શરુઆત થાય છે, તે ઠેઠ અધ્યાત્મના બારા સુધી ગુરુ લઈ જાય છે. પણ અધ્યાત્મની અંદર પેસવા દેતું નથી. કારણ કે ગુરુ જ અધ્યાત્મ ખોળતા હોય. અધ્યાત્મ એટલે શું ? આત્માની સન્મુખ થવું તે. સદ્ગુરુ તો આપણને આત્માની સન્મુખ બનાવે.

એટલે આ ગુરુ અને સદ્ગુરુમાં ફેર !

એવા ગુરુ મળે તો ય સારું !!

આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે ! જે કોઈ પણ ભગવાં કપડાં પહેરીને બેઠો હોય તો એને આપણા લોકો 'ગુરુ' કહી દે છે. શાસ્ત્રના બે-ચાર શબ્દો બોલે એટલે એને આપણા લોકો 'ગુરુ' કહે છે. પણ એ ગુરુ નથી.

એક માણસ કહે છે, 'મેં ગુરુ કર્યા છે.' ત્યારે મેં કહ્યું, 'તારા ગુરુ કેવા છે' એ મને કહે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય એ ગુરુ. એ સિવાય બીજા કોઈને ગુરુ કહેવા એ ગુનો છે. એને સાધુ મહારાજ કહેવાય, ત્યાગી કહેવાય, પણ ગુરુ કહેવા એ ગુનો છે. નહીં તો પછી સંસારિક સમજણ જોઈતી હોય તો વકીલે ય ગુરુ, બધા ય ગુરુ જ છે ને, પછી તો !

જે ગુરુ ધર્મધ્યાન કરાવી શકે, એનું નામ ગુરુ કહેવાય. ધર્મધ્યાન કોણ કરાવી શકે ? જે આર્તધ્યાન છોડાવી શકે ને રૌદ્રધ્યાન છોડાવી શકે, તે ધર્મધ્યાન કરાવી શકે. જે ગુરુને કો'ક ગાળ ભાંડે તો રૌદ્રધ્યાન ના થાય ત્યારે જાણવું કે અહીં ગુરુ કરવા જેવા છે. આજે આહાર ના મળ્યો હોય તો આર્તધ્યાન ના થાય ત્યારે જાણવું કે અહીં ગુરુ કરવા જેવા છે.

પ્રશ્નકર્તા : આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય તો પછી એને સદ્ગુરુ ના કહેવાય ?

દાદાશ્રી : સદ્ગુરુ એ તો ભગવાનનું પ્રતિનિધિત્વ ધરાવતા હોય. જે મુક્ત પુરુષ હોય, તે સદ્ગુરુ કહેવાય. ગુરુને તો બધાં હજુ જાતજાતનાં બધાં કર્મો ખપાવવાનાં હોય અને સદ્ગુરુએ તો કર્મો ઘણાંખરાં ખપાવી દીધેલાં હોય. એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય તો એ ગુરુ અને હાથમાં મોક્ષ આપે એ સદ્ગુરુ. સદ્ગુરુ મળવા મુશ્કેલ ! પણ ગુરુ મળે તો ય બહુ સારું.

સદ્ગુરુ શરણે, આત્યંતિક કલ્યાણ !

પ્રશ્નકર્તા : તો કોના આશરે જવું ? સદ્ગુરુના કે ગુરુના ?

દાદાશ્રી : સદ્ગુરુ મળે તો એના જેવું એકુંય નહીં, ને સદ્ગુરુ ના મળે તો પછી ગુરુ તો કરવો જ. ભેદ વિજ્ઞાની હોય એને સદ્ગુરુ કહેવાય.

પ્રશ્નકર્તા : તો પહેલા ગુરુ જોઈએ કે સદ્ગુરુ ?

દાદાશ્રી : ગુરુ હોય તો રસ્તે ચઢે ને ! અને સદ્ગુરુ મળે તો તો કલ્યાણ જ કરી નાખે. પછી ગુરુ એને મળ્યા હોય કે ના મળ્યા હોય, પણ સદ્ગુરુ તો બધાનું કલ્યાણ જ કરી નાખે. જો ગુરુ મળ્યા તો એ રસ્તે ચઢ્યો હોય, પછી એને વાર ના લાગે. બીજા અવળાં લક્ષણ ના હોય એનામાં. પણ સદ્ગુરુનો જેને હાથ અડે તેનું કલ્યાણ જ થઈ ગયું.

પ્રશ્નકર્તા : સત્ પ્રાપ્ત થયેલાં માણસો છે ખરાં ?

દાદાશ્રી : હોય નહીં. આ કાળમાં તો જૂજ હોય કોઈ જગ્યાએ. બાકી હોય નહીં ને ! એ તો ક્યાંથી લાવે ?! એ માલ હોય તો તો પછી આ દુનિયા ખીલી ના ઊઠે ?! અજવાળું ના થાય ?!

પ્રશ્નકર્તા : તો સદ્ગુરુ વગર તો ભવજંજાળ ઊતરે કેમ ?!

દાદાશ્રી : હા, સદ્ગુરુ નથી તેથી તો આ બધું અટક્યું છે ને !

પ્રશ્નકર્તા : શ્રીમદ્જી કહે છે કે સદ્ગુરુને ચરણે ચાલ્યો જા, નવમે ભવે મોક્ષ મળશે, એ શું કહેવા માગે છે ?

દાદાશ્રી : સદ્ગુરુ ખોળવા મુશ્કેલ છે ને ! એ સદ્ગુરુ તો અહીં મળે એવા છે નહીં. એ સહેલી ચીજ નથી. સદ્ગુરુ જ્ઞાની હોવા જોઈએ. જ્ઞાની ના હોય એવા ગુરુ હોય, પણ તે પૂરેપૂરું સમજે નહીં. અને જ્ઞાની તો સંપૂર્ણ સમજાવે તમને, બધી જ હકીકત સમજાવે. કોઈ ચીજ જાણવાની બાકી ના હોય એનું નામ જ્ઞાની ! જૈન એકલાનું જ જાણે છે એવું નહીં, બધું જ જાણે છે એનું નામ જ્ઞાની !! અને એમને મળે તો નવમે ભવે મોક્ષ થાય, બે અવતારમાં ય મોક્ષ થાય.

પણ સદ્ગુરુ મળવા મુશ્કેલ છે ને ! અત્યારે તો સાચા ગુરુ જ નથી, ત્યાં સદ્ગુરુ ક્યાંથી હોય તે ?! અને શ્રીમદ્ રાજચંદ્ર જેવા સદ્ગુરુ હતા ત્યારે લોકો એમને ઓળખી શક્યા નહીં.


ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19