ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


ગુરુમંત્ર, ન દે લપસવા !

પ્રશ્નકર્તા : દરેક સંપ્રદાયમાં પોતપોતાના ગુરુએ ગુરુમંત્ર આપેલો હોય છે, એ શું છે ?

દાદાશ્રી : બધા પડી ના જાય, લપસી ના જાય તેટલા માટે કરેલું. ગુરુમંત્ર જો સાચવી રાખે તો એ લપસી ના પડે ને ! પણ મોક્ષનું કશું ધોળે નહીં એ.

પ્રશ્નકર્તા : ગુરુનું આપેલું નામસ્મરણ હોય તો તે સાધારણ મનુષ્યના આપેલા કરતાં આની શક્તિ વધારે હોય કે નહીં ?

દાદાશ્રી : એ આપેલું હોય તો સારું ફળ આપે. એ જેવા જેવા ગુરુ. એ ગુરુ ઉપર આધાર રાખે છે.

ગુરુનું ધ્યાન ધરવું હિતકારી !

પ્રશ્નકર્તા : કેટલાંક ગુરુ એમનું પોતાનું ધ્યાન ધરવાનું કહે છે, એ યોગ્ય છે કે નહીં ?

દાદાશ્રી : એવું છે ને, ધ્યાન તો એટલા માટે કરવાનું છે કે ગુરુના સુખ માટે નહીં, આપણને એકાગ્રતા રહે ને શાંતિ રહે એટલા સારું ધ્યાન કરવાનું છે. પણ ગુરુ કેવા હોવા જોઈએ ? ધ્યાન આપણું ટકે એવા હોવા જોઈએ.

પ્રશ્નકર્તા : પણ ધ્યાન સદ્ગુરુનું કરવું યોગ્ય છે કે કોઈ ભગવાનના બીજા સ્વરુપનું ?

દાદાશ્રી : ભગવાનનું ધ્યાન ખબર જ નથી ત્યાં શું કરશો ?! એનાં કરતાં ગુરુનું ધ્યાન કરવું. એમનું મોઢું દેખાય તો ખરું ! આમાં સદ્ગુરુનું ધ્યાન કરવું સારું. કારણ કે ભગવાન તો દેખાતા છે નહીં. ભગવાન તો હું દેખાડું ત્યાર પછી ભગવાનનું ધ્યાન થાય. ત્યાં સુધી જે સદ્ગુરુ ધારેલા હોય એમનું જ કરજો. હું ભગવાન દેખાડું ત્યાર પછી તમારે કરવું નહીં પડે. જ્યાં સુધી કરવાનું છે ત્યાં સુધી ભટકવાનું છે. કંઈ પણ કરવું પડે, ધ્યાન પણ કરવું પડે, ત્યાં સુધી ભટકવાનું. ધ્યાન સહજ થાય. સહજ એટલે કંઈ પણ કરવું ના પડે, એની મેળે જ થયા કરે, ત્યારે જાણવું કે છૂટકારો થયો.

શક્તિપાત કે આત્મજ્ઞાન ?

પ્રશ્નકર્તા : ગુરુઓ શક્તિપાત કરે છે તે શું ક્રિયા છે ? તેનાથી શિષ્યને શું ફાયદો થાય છે ? એ સિધ્ધિ આત્મજ્ઞાન માટે ટૂંકો રસ્તો છે ?

દાદાશ્રી : આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું છેને તમારે ? તમારે આત્મજ્ઞાનની જ જરૂર છે ને ? તો એને માટે શક્તિપાતની કંઈ જરૂર નથી. શક્તિ બહુ ડીમ (ખલાસ) થઈ ગઈ છે ? તો વિટામિન લો !!

પ્રશ્નકર્તા : ના, ના. ગુરુ શક્તિપાત કરે છે એ શું ક્રિયા છે ?

દાદાશ્રી : આમ પાંચ ફૂટનો વેંકડો હોય ને કૂદી ના જવાતો હોય, વારેઘડીએ પાછો પડતો હોય, ત્યારે આપણે કહીએ, 'અરે કૂદી જા, હું છું તારી પાછળ.' તો એ કૂદી જાય પાછો !! એટલે ગુરુ આમ હિંમત કરાવડાવે. બીજું તો શું કરે ! હિંમત ભાંગી ગઈ છે તમારી ?!

પ્રશ્નકર્તા : ગુરુ વગર તો હિંમત ભાંગી જ જાય ને !

દાદાશ્રી : તો કોઈ ગુરુને કહેજો, એ હિંમત આપશે. અને ગુરુ રાજી ના હોય તો મારી પાસે આવજો. ગુરુ રાજી રહે તો મારી પાસે ના આવશો. રાજીપો જ લેવાનો છે આ જગતમાં ! કારણ કે એમને તો, ગુરુને શું લઈ જવું છે ?! ફક્ત તમને કેમ કરીને સુખ પ્રાપ્ત થાય, કેમ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવો એમનો હેતુ હોય.

પ્રશ્નકર્તા : ઘણાં ગુરુ શક્તિપાત કરે છે એટલે આ પ્રશ્ન પૂછયો છે.

દાદાશ્રી : એ બરોબર છે. એ કરે છે તે હું ય જાણું છું પણ એ જરૂર કયાં સુધી છે ? એ ગુરુઓ શક્તિપાત કરીને પછી ખસી જાય છે, ઠેઠ સુધી સાથ નથી આપતા. એવું શું કામનું ?! સાથ આપે એ ગુરુ આપણા.

પ્રશ્નકર્તા : ચમત્કારી ગુરુ હોય તો ત્યાં જવું ?

દાદાશ્રી : જેને કંઈ લાલચો હોય તેણે ત્યાં જવું. તે બધી લાલચો આપણી પૂરી કરી આપે. જેને વાસ્તવિક જોઈતું હોય તેને ત્યાં જવાની જરૂર નહીં. ચમત્કારો કરીને માણસોને સ્થિર કરે છેને, પણ સાચા બુધ્ધિશાળીઓને તો આવું દેખે એટલે એને વિકલ્પ ઊભો થાય !

ગુરુ ક્યાં સુધી પહોંચાડે ?

બે રસ્તા છે. એક પગથિયે પગથિયે ચડવાનો રસ્તો, ક્રમે ક્રમે, ક્રમિકમાર્ગ અને આ અક્રમમાર્ગ છે, આ લિફ્ટમાર્ગ છે. એટલે પછી આમાં બીજું કશું કરવાનું નહીં. પેલું ક્રમે ક્રમે, તેમાં જેટલા ગુરુ કર્યા હોય એટલા ગુરુ આપણને ચઢાવે. પછી પાછા ગુરુ ય આગળ વધતાં જાય ને આ ય વધતાં જાય. એમ કરતાં કરતાં ઠેઠ પહોંચે. પણ પહેલી દ્રષ્ટિ બદલાય ત્યાંથી એ સાચા ગુરુ અને સાચો શિષ્ય. દ્રષ્ટિ ના બદલાય ત્યાં સુધી બધું બાળમંદિર ! હા, ગુરુ પર મોહ હોય ખરો, પણ આસક્તિ ના હોવી જોઈએ. આસક્તિ હોય એ તો બહુ જ ખોટું કહેવાય. આસક્તિ તો ત્યાં ચાલે જ નહીં ને !

પ્રશ્નકર્તા : ગુરુ ઉપર મોહ હોય તો એ અટકાવે કે નહીં ?

દાદાશ્રી : મોહ તો ફક્ત 'મારું કલ્યાણ કરે છે' એટલા પૂરતું જ ! કોઈ કહેશે, 'ગુરુમાં અભિનિવેષ હોય તો ?' તેનો વાંધો નહીં. એ તો સારું. ગુરુ જ્યાં સુધી ગયા હોય ત્યાં સુધી તો પહોંચાડે. આપણે જેને ભજીએ, તે જ્યાં સુધી ગયા ત્યાં સુધી આપણને પહોંચાડશે.

પ્રશ્નકર્તા : જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી જ લઈ જઈ શકે ?

દાદાશ્રી : હા, આપણા શાસ્ત્રો એટલું જ કહે છે કે જ્યાં સુધી ગયા હોય ત્યાં સુધી પહોંચાડશે. પછી આગળ બીજા મળી આવશે. અને ગુરુ તો એ જેટલા પગથિયાં ચઢ્યા હોય, એટલા પગથિયાં આપણને ચઢાવી દે એ દશ પગથિયાં ચઢ્યા હોય અને આપણે સાત પગથિયાં ચઢ્યા હોય તો આપણને દસ સુધી ચઢાવી દે. અને હજુ તો કેટલાય, કરોડો પગથિયાંઓ ચઢવાના છે. આ કંઈ થોડા ઘણા પગથિયાંઓ નથી !

ગુરુ કરતાં ચેલો સવાયો....

પ્રશ્નકર્તા : ગુરુ પોતે ઠેઠ પહોંચેલા ના હોય, છતાં શિષ્યનો એટલો ભક્તિભાવ હોય તો એ ગુરુ કરતાં ય આગળ ન પહોંચી જાય ?!

દાદાશ્રી : હા, પણ કો'ક જ ! બધા ન પહોંચે. એને આગળ બીજા ગુરુ કરવા પડે. કો'ક એવો હોશિંયાર હોય ને, તો એનું મગજ એ બાજુ ફરે તો માર્ગે ચઢી જાય, એ ચાલીને ઠેઠ જતો રહે. પણ તે અપવાદ જ !

પ્રશ્નકર્તા : ગુરુના ઉપદેશથી શિષ્ય મુક્તિ પામી જાય અને ગુરુ ત્યાંના ત્યાં જ રહે એવું ય બને ખરું ?!

દાદાશ્રી : હા, એવું બને. ગુરુ ત્યાંના ત્યાં જ રહ્યા હોય ને શિષ્ય આગળ વધી જાય.

પ્રશ્નકર્તા : એમાં પુણ્યનો ઉદય કામ કરે છે ?!

દાદાશ્રી : હા, પુણ્યનો જ ઉદય ! અરે, ગુરુ શિખવાડે ત્યારે કેટલાંક શિષ્ય તો કહે છે, 'આવું હોય નહીં !' ત્યારે એને 'શું હોય' એ વિચાર આવે કે 'આવું હોવું જોઈએ.' તે તરત જ જ્ઞાન ઊભું થઈ જાય ! 'આવું હોય નહીં' એવું થયું ના હોત તો એને જ્ઞાન ના થાત.

પ્રશ્નકર્તા : 'આવું હોય નહીં' એ વિકલ્પ ઊભું કરવાનું એને નિમિત્ત મળ્યું ?

દાદાશ્રી : હા, એ નિમિત્ત મળ્યું, બસ ! એટલે એના જ્ઞાનનો ઉદય થયો કે 'આવું હોય. આવું ના હોય, માટે આવું હોય.' એટલે પુણ્યૈ જાતજાતનાં ચેન્જ મારી દે છે. પુણ્યૈ શું ના કરે ?! આ પુણ્યાનુબંધી પુણ્યૈ જોઈએ.

ત્યારે સંપૂર્ણ શુધ્ધિ થાય !

ક્રમિક માર્ગમાં વ્યવહાર કેવો છે ? કે ગુરુ પોતે જેટલો ત્યાગ કરે ને, એટલું પેલા શિષ્યોને કરવાનું કહે કે 'આટલું કરો, આટલો તમે ત્યાગ કરો.' એટલે ત્યાં તપ-ત્યાગ બધી કસોટીમાંથી પસાર થવું પડે. પણ ગુરુની કૃપાથી એને બીજી મહીં ઉપાધિ લાગ્યા ના કરે અને એ ગુરુનું એમના ગુરુની કૃપાથી ચાલ્યા કરે. પણ આ પાઘડીનો વળ છેડે આવતો નથી, એટલે આમ ને આમ ગાડું ચાલ્યા કરે. બધા ય ગુરુઓ સાફ કરે. એક ગુરુ જો કર્યો હોય એટલે એ ગુરુ તમારો બધો મેલ કાઢી નાખે અને એનો પોતાનો જ મેલ હોય તે તમારામાં મૂકી દે. પછી બીજા ગુરુ મળ્યા તે પાછો આપણો જે મેલ છે એ કાઢી આપે અને પછી એમનો મેલ નાખતા જાય. આ ગુરુ પરંપરા !

જેમ કપડું છે, તે એને ધોવા માટે સાબુ ઘાલીએ. આ સાબુ શું કરે છે ? કપડાનો મેલ કાઢે છે, પણ સાબુ પોતાનો મેલ ઘાલે છે. તો સાબુનો મેલ કોણ કાઢે ?! પછી લોક શું કહે ? 'અલ્યા, સાબુ ઘાલ્યો, પણ ટીનોપોલ નથી નાખ્યો ?' 'પણ ટીનોપોલ શું કરવા નાખું ?! સાબુથી મેલ કાઢી નાખ્યો ને !' હવે આ ટીનોપોલ પાવડર હોય છે ને, આપણે ત્યાં ?! તે આપણા લોક શું સમજતા હશે ?! એ એમ સમજતા હશે કે આ કપડાં ધોળાં કરવાની દવા હશે ?! એ તો પેલા સાબુનો મેલ કાઢે છે. પણ હવે ટીનોપોલ પોતાનો મેલ મૂકી ગયો. એને માટે બીજી દવા ખોળી કાઢ તો ટીનોપોલનો મેલ જાય. આ દુનિયામાં દરેક પોતપોતાનો મેલ મૂકતા જાય. આવું ક્યાં સુધી ચાલ્યા કરે ?! જ્યાં સુધી શુધ્ધ સ્ફટીક દવા ના હોય ત્યાં સુધી !

માથે ગુરુ કર્યા નથી અને અહીં આવ્યા એટલે આ ફાયદો થયો. જો ગુરુ કર્યા હોત તો પછી એ એનો મેલ ચઢાવે. એક ફક્ત મેલ કોણ ના આપે ? જ્ઞાની પુરુષ ! એ પોતે મેલવાળા ના હોય, શુધ્ધ સ્વરુપે હોય અને સામાને શુધ્ધ જ બનાવે. બીજી ભાંજગડ નહીં. જ્ઞાની નવો મેલ ના ચઢાવે. એટલે જ્ઞાની પુરુષની પાસે સંપૂર્ણ શુધ્ધિનો માર્ગ છે, તે છેલ્લે જ્ઞાની પુરુષ મળે ત્યારે બધો મેલ ચોખ્ખો થાય !

કમી ચારિત્રબળની શિષ્યોમાં....

ક્રમિક માર્ગમાં ગુરુ માથે હોય અને શિષ્ય એમની જોડે બે કે ત્રણ હોય, વધારે ના હોય. ખરા શિષ્ય, જે ગુરુના પગલે પગલે પગ મૂકનારા એવા બે કે ત્રણ હોય, એવું આપણા શાસ્ત્રોએ વિવેચન કર્યું છે. એ માર્ગ તો બહુ કઠણ હોય ને ! ત્યાં કહેશે, 'જમવાની થાળી બીજાને આપી દેવી પડશે.' ત્યારે કહે, 'ના સાહેબ, મને પોષાશે નહીં. હું તો મારી મેળે ઘેર જતો રહીશ.' કોણ ત્યાં ઊભો રહે ! તેથી શાસ્ત્રકારોએ કહ્યું કે ક્રમિકમાર્ગના દરેક જ્ઞાનીઓ પાછળ બે-ચાર શિષ્ય થયા, વધારે થયા નથી કોઈ.

પ્રશ્નકર્તા : શિષ્યોમાં એટલું ચારિત્રબળ નથી ?

દાદાશ્રી : હા, તે બળ ક્યાંથી લાવે ?! આ બધાનું તો શું ગજું ! બધાને જમાડતા હોય અને એને એકલાને શ્રીખંડ ના મૂક્યો હોય તો અકળાયા કરે. અલ્યા, એક જ દહાડો, એક જ ટંકમાં આટલી બધી અકળામણ કરે છે ?! પણ અકળાયા કરે ! અરે, બીજા કરતાં શ્રીખંડ ઓછો મૂક્યો હોય તો ય અકળાયા કરે ! આ લોકો ચારિત્રબળ ક્યાંથી લાવે ?!

અને એવું હું એક દહાડો બધાને કહું કે 'તમને ભાવતું આવે તો તમે તરત જ ચાખીને બીજાને આપી દેજો ને તમને ના ભાવતું તે લેજો.' તો શું થાય ?

પ્રશ્નકર્તા : બધા ચાલવા માંડે.

દાદાશ્રી : હા, ચાલવા માંડે. 'આવજો, દાદા' કહેશે ! જાળીએથી જે' શ્રીકૃષ્ણ કરે પછી !!

આ ક્રમિક માર્ગમાં ગુરુઓનું કેવું હોય ? આ જે વ્યવહાર કરીએ છીએ તે જ સાચો છે અને આના કર્તા આપણે છીએ. એટલે આનો ત્યાગ આપણે કરવાનો છે. એવો વ્યવહાર હોય. વ્યવહાર ભ્રાંતિવાળો ને 'જ્ઞાન' ખોળે છે, તે જડે કંઈ ?! તમને કેમ લાગે છે ? જડે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : રસ્તો જ મૂળ ઊંધો છે ત્યાં ! અને તેથી ક્રમિકમાર્ગના જ્ઞાનીઓને ય ચિંતા અને શિષ્યોને ય ચિંતા ! નર્યો તાપ, તાપ ને તાપ !! ગુરુને ય તાપ !! એ ત્રણ શિષ્યોને જો કહ્યું હોય કે 'આજે તમે ચરણવિધિ મોંઢે કરી લાવજો, તમે આટલા પદો મોંઢે કરી લાવજો.' અને પછી એક શિષ્ય હોય તે માથું ખંજવાળે કે હવે ગુરુએ સોંપ્યું તો છે, પણ ક્યારે થશે ?! ઘેર જઈને મોંઢે કરે, પણ પછી થાય નહીં ને, એટલે આખી રાત મનમાં અજંપો થયા કરે. આમ વાંચતો જાય ને કકળાટ કરતો જાય. અને કકળાટ થાય એટલે ગુરુ તરફ અભાવ આવતો જાય કે આવું શું કામ બોજો આપે છે તે ! ગુરુએ કહેલું કરવાનું ના ગમે, એટલે શું થાય ? અભાવ આવે. ક્રમિક માર્ગ જ આનું નામ ! ગુરુ યે મનમાં વિચાર કરે કે 'આ બધું મોંઢે ના કરે તો આજે એને ટૈડકાવું.' હવે શિષ્ય ત્યાં જાય ને, તે જતાં જતાં જ એને ફફડાટ રહે કે 'શું કહેશે ને શું નહીં, શું કહેશે ને શું નહીં ?!' ત્યારે અલ્યા ગુરુ શું કરવા કર્યા હતા ?! મેલ ને, છાલ. એમ ને એમ રહેવું હતું ને ! ગુરુ વગર પડી રહેવું હતું ને, જો ટૈડકાવાનો ભય છે તો ! નહીં તો ટૈડકાવાનો ખોરાક લેવો જોઈએ. ટૈડકાવાનો ખોરાક ના ચાખવો જોઈએ ?

સવારે એ શિષ્યો આવે ત્યારે એમાં બે શિષ્યોએ કહ્યા પ્રમાણે કર્યું હોય અને એક શિષ્યથી ના થયું હોય તે ત્યાં ગુરુ પાસે જઈને બેસે પણ તે મોંઢા પરથી જ સાહેબ ઓળખી જાય કે આણે કશું કર્યું નથી. એનું મોઢું જ 'કશું કર્યું નથી' એવું દેખાય. એટલે સાહેબ મહીં મનમાં ને મનમાં અકળાયા કરે કે 'કશું કરતો નથી, કશું કરતો નથી.' શિષ્યએ મોંઢે ના કર્યું હોય એટલે ત્યાં આગળ એને ટૈડકાવે પછી ! ગુરુની લાલ આંખ થયેલી હોય, આંખ લાલની લાલ રહે. આ શિષ્ય કરે એવો નથી એટલે ગુરુ ચિડાયા કરે અને પેલો શિષ્ય ડર્યા કરે. હવે આનો મેળ ક્યારે પડે ?! તેથી ત્યાં ત્રણ જ શિષ્યો, જે એમની પાછળ પડેલા હોય, એટલા જ શિષ્યો પોષી શકે એ. બીજાં બધાં તો દર્શન કરીને જતાં રહે લોકો.

ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી અકળામણ જાય નહીં. ગુરુ ને શિષ્ય, બેઉને અકળામણ ! પણ આ અકળામણ એ તપ છે, એટલે મોંઢા પર તેજ આવે. કારણ કે છાસિયા સોનાને અકળામણ કરાવીએ પછી થોડું થોડું સુધરતું જાય ને ! સાચું સોનું દેખાતું જાય ને ?!

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19