ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


એવી શ્રધ્ધા વિના મોક્ષ નથી !

એટલે શ્રધ્ધા તો, હું ગાળો ભાંડું તો ય આવે એ સાચી શ્રધ્ધા. માનને લઈને થોડીવાર શ્રધ્ધા ચોંટી હોય, પણ તે ઉખડી જાય પછી. અપમાન કરે ત્યાં ય પણ શ્રધ્ધા બેસે, ત્યારે એ ચોંટેલી શ્રધ્ધા ઉખડે નહીં. આપને સમજમાં આવ્યું ને ? એક ફેરો શ્રધ્ધા બેઠા પછી આપણને ગાળો ભાંડે, માર મારે, તો ય આપણી શ્રધ્ધા ના તૂટે એનું નામ અવિચળ શ્રધ્ધા કહેવાય. એવું બને ખરું ?! અને એવી શ્રધ્ધા બેઠા વગર મોક્ષ નથી. આ તમને ગેરેન્ટીથી કહું છું.

બાકી, આપણને અનુકૂળ ના આવ્યું અને ઘેર જતા રહ્યા, એનું નામ શ્રધ્ધા જ ના કહેવાય. એટલે તમારી અનુકૂળતા ખોળો છો કે મોક્ષ ખોળો છો ? ના અનુકૂળ આવ્યું ને જતા રહ્યા એ શ્રધ્ધા કહેવાય ? તમને કેમ લાગે છે ? શ્રધ્ધા એટલે તો, સોંપી દીધું બધું !!

'અહીં' શ્રધ્ધા આવે જ !

અને હું એમ નથી કહેતો કે 'મારી પર તમે શ્રધ્ધા રાખો.' કારણ કે હું શ્રધ્ધા રખાવનારો માણસ જ ન્હોય. આ પચાસ હજાર માણસ આવતું હશે તો અમારી વાત માટે શ્રધ્ધા રાખવાની ના પાડીએ છીએ. બધાંને કહીએ છીએ કે અમારો અક્ષરે ય માનશો નહીં, શ્રધ્ધા અમારી પર રાખશો નહીં. તમારો આત્મા કબૂલ કરે તો જ અમારી વાત સ્વીકાર કરજો. નહીં તો અમારે સ્વીકાર કરાવવો એવું કશું નથી.

અમારી વાણીથી એને શ્રધ્ધા જરૂર બેસે. કારણ કે સત્ય વસ્તુ જાણવાની મળે એટલે શ્રધ્ધા બેસે, એ પછી જાય નહીં. આ તો સત્ય સાંભળવાનું મળ્યું નથી, માટે શ્રધ્ધા બેસતી નથી. અને સત્ય સાંભળવાનું મળે એટલે શ્રધ્ધા બેસ્યા વગર રહે જ નહીં. આપણે ના કહીએ તો ય શ્રધ્ધા બેસી જાય. કારણ કે સાચી વાત તો માણસ છોડવા તૈયાર નથી, ગાળ ભાંડો તો ય. તમે 'શ્રધ્ધા નહીં રાખવાનું' નક્કી કરો ને, તો પણ પાછી શ્રધ્ધા અહીં ને અહીં જ આવે. તમે કહો કે 'આપણું હતું તે શું ખોટું હતું ?' પણ તો ય શ્રધ્ધા અમારી પર પાછી આવે જ. અને તેથી જ એના કેટલાંય કાળની શ્રધ્ધા, અનંત અવતારની શ્રધ્ધા એકદમ તોડી નાખવા તૈયાર થઈ જાય છે. શાથી ? એને એમ શ્રધ્ધા જ બેસી જાય છે કે આ અત્યાર સુધી સાંભળેલું-જાણેલું બધું ખોટું નીકળ્યું. અત્યાર સુધી સાંભળેલું ખોટું ઠરે, ત્યારે આપણને એમ ના લાગે કે આ તો અત્યાર સુધીની મહેનત બધી નકામી જાય છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કારણ કે સાચી વાત પર શ્રધ્ધા ચોંટે છે. ચોંટ્યે જ છૂટકો ને !

આંતરા, અટકાવે શ્રધ્ધા !

છતાં ય કેટલાંક લોકોને શ્રધ્ધા નથી આવતી, એનું શું કારણ ? કારણ કે પોતે ઉપરથી પડદા ગોઠવેલા છે. ફક્ત આ લોભિયા શેઠિયાઓને અને આ અહંકારી જાણકારોને શ્રધ્ધા ના આવે. બાકી, આ મજૂરોને તો તરત શ્રધ્ધા આવી જ જાય. કારણ કે મજૂરોમાં જાણપણાની તૉરી ના હોય અને બેન્કનો લોભ ના હોય. એ બે ના હોય તેને ઓળખાઈ જ જાય. આ બે રોગને લીધે તો અટક્યું છે લોકોને ' 'હું જાણું છું' તેના અંતરાય નાખ્યા છે. નહીં તો જ્ઞાની પુરુષ પર તો સહેજે શ્રધ્ધા બેસે. આ તો પોતે આંતરા કરેલા, પાર્ટીશન વોલ મૂકેલી એટલે ! ને આ તો હોશિયાર લોકોને (!) કંઈ કાચા ના પડે, પરફેક્ટ થયેલા હોય.

અને મારો શબ્દ દરેક માણસ, જે દેહધારી મનુષ્ય છે અને જેને સાધારણ બુધ્ધિની સમજ છે, બુધ્ધિ ડેવલપ થયેલી છે, તેને અવશ્ય કબૂલ કરવો જ પડે. કારણ કે મારો શબ્દ આવરણ ભેદી છે, તે બધાં આવરણને તોડીને આત્માને જ પહોંચે છે. આત્માનો આનંદ ઊભો કરે એવું છે. એટલે જેનામાં આત્મા છે, એ પછી વૈષ્ણવ હો કે જૈન હો કે ગમે તે, જે મારી આ વાત સાંભળશે, એને શ્રધ્ધા બેસવી જ જોઈએ. છતાં આડાઈ કરવી હોય, જાણી-જોઈને ઊંધું બોલવું હોય તે જુદી વસ્તુ છે. આડા હોય ને ? સમજે-જાણે તો ય આડું બોલે ને ?! હિન્દુસ્તાનમાં આડા ખરા લોકો ? તમે જોયેલા ?

પ્રશ્નકર્તા : મોટા ભાગના એવાં જ.

દાદાશ્રી : એ આડાઈ કાઢવાની છે. કોઈ જાણી-જોઈને મતભેદ પાડે તો હું એને મોંઢે કહું કે 'તમારો આત્મા કબૂલ કરે છે, પણ તમે આડું બોલો છો આ.' એવું હું કહું ત્યારે પાછો પેલો સમજે ને કબૂલ કરે કે પોતે આડું બોલે છે. કારણ કે આડું બોલ્યા વગર રહે નહીં ને ! શાથી આડું બોલે ? માલ ભરેલો એણે, આડાઈ કરવાનો માલ ભરેલો હોય. એટલે જેનું પુણ્ય આડું હોય, એને શ્રધ્ધા ના બેસે. બાકી, જ્ઞાની પુરુષ તો શ્રધ્ધાની મૂર્તિ કહેવાય.

શ્રધ્ધાની પ્રતિમા જ્ઞાની !

જ્ઞાની પુરુષ એવા હોય કે જે મૂર્તિ જોતાં જ શ્રધ્ધા બેસી જાય. શ્રધ્ધા બેસી જ જાય એવી મૂર્તિ ! શ્રધ્ધેય કહેવાય, જગત આખાને માટે, આખા વર્લ્ડને માટે !! આ કાળ એવો વિચિત્ર છે કે શ્રધ્ધાની મૂર્તિ ના જડે. બધી મૂર્તિઓ જડે, પણ શ્રધ્ધાની મૂર્તિ - કાયમની શ્રધ્ધા બેસે એવી મૂર્તિ ના જડે. કો'ક વખત જગતમાં શ્રધ્ધાની મૂર્તિનો જન્મ હોય છે. શ્રધ્ધાની મૂર્તિ એટલે જોવાથી જ શ્રધ્ધા આવી જાય. કશું પૂછવું ના પડે, એમ ને એમ શ્રધ્ધા આવી જાય. એને શાસ્ત્રકારોએ શ્રધ્ધાની મૂર્તિ કહી છે. કો'ક જ વખત એવો અવતાર હોય, તે કામ કાઢી નાખે ને !! આ અમારો અવતાર જ એવો છે કે અમારી પર એને શ્રધ્ધા જ બેસી જાય.

શ્રધ્ધાની પ્રતિમા થવું જોઈએ. નાલાયક માણસને ય એક ફેરો મોંઢું જોયું કે તરત શ્રધ્ધા આવી જાય. તે ઘડીએ એના ભાવ, એની પરિણતિ ફરી જાય, જોતાં જ ફરી જાય. એવી પ્રતિમા, શ્રધ્ધાની પ્રતિમા કો'ક વખત પાકે છે. તીર્થંકર સાહેબો હતા એવાં !

એટલે કેવું થઈ જવું જોઈએ ? શ્રધ્ધાની પ્રતિમા થઈ જવું જોઈએ. પણ શ્રધ્ધા ના આવે, એનું કારણ શું હશે ? પોતે જ ! ને આ તો કહેશે, 'લોકો શ્રધ્ધા જ નથી રાખતા, તો શું કરું ?!' હવે જે ગુરુમાં બરકત ના હોય, એ લોકો એમ કહ્યા કરે કે 'મારી પર શ્રધ્ધા રાખો.' અલ્યા, પણ લોકોને તારી પર શ્રધ્ધા જ નથી આવતી તેનું શું ?! તું એવો થઈ જા, શ્રધ્ધાની પ્રતિમા, કે લોકોને જોતાં જ તારી પર શ્રધ્ધા બેસે.

પછી વૈરાગ શી રીતે આવે ?!

પ્રશ્નકર્તા : જે લોકો ઉપદેશ આપે છે એમનું આચરણ એમના ઉપદેશથી જુદું હોય છે, તો શ્રધ્ધા ક્યાંથી ઉપજે ?! એવું ય બને ને ?

દાદાશ્રી : એટલે આ શ્રધ્ધા બેસવી એ કંઈ જેવી તેવી વાત નથી. અને રંજન માટે જ આ બધો ઉપદેશ હોય છે. કારણ કે સાચા ઉપદેશ નથી આ. આ તો પોતાનાં મનોરંજન છે બધાં.

પ્રશ્નકર્તા : હા, ફક્ત ઉપદેશ રંજન હોય છે અને તેથી જ વૈરાગનો રંગ લાગતો નથી.

દાદાશ્રી : હવે, વૈરાગનો રંગ ક્યાં લાગે ? કઈ વાણીમાં લાગે ? જે વાણી સત્ય હોય તેમાં, જે વાણી ઊંધે રસ્તે વપરાતી ના હોય, જે વાણી સમ્યક્ વાણી હોય, જેને વચનબળ હોય ત્યાં રંગ લાગે. બાકી, આમ વૈરાગ શી રીતે આવે ? એ તો ચોપડીઓ બોલે જ છે ને ! જેમ ચોપડીઓ બોલે છે તો ય એને વૈરાગ નથી આવતો, એમ આ ગુરુઓ બોલે તેનાથી વૈરાગ ના આવે. ચોપડીઓ જેવા ગુરુ થઈ ગયા છે. અને જો આપણને વૈરાગ ના આવે તો જાણવું કે આ ચોપડી જેવા ગુરુ છે. વચનબળ હોવું જોઈએ ને !

એમાં ભૂલ ઉપદેશકની !

પ્રશ્નકર્તા : ઘણી વખત એવું બને છે કે ઉપદેશ સાંભળવા પચ્ચીસ માણસો બેઠાં હોય, એમાં પાંચને સ્પર્શી જાય ને બાકીનાં વીસ એવાં ને એવાં કોરાં રહે છે. એમાં ઉપદેશકની ભૂલ કે ગ્રહણ કરનારની ભૂલ ?

દાદાશ્રી : આમાં સાંભળનારની શું ભૂલ છે બિચારાની ?! ઉપદેશકની ભૂલ છે ! સાંભળનાર તો છે જ એવાં. એ તો ચોખ્ખું જ કહે છે ને કે, 'સાહેબ, અમને તો આવડતું નથી, તેથી તો તમારી પાસે આવ્યાં છીએ.' પણ આ તો ઉપદેશકોએ રસ્તો ખોળી કાઢ્યો છે, પોતાનો સ્વબચાવ ખોળ્યો છે કે 'તમે આમ કરતાં નથી, તમે આમ......' એવું ના કહેવાય. તમારે ત્યાં હેલ્પ માટે આવ્યો ને તમે આવું કરો છો ?! આ તો ઉપદેશકોની ભૂલ છે. આ સ્કૂલના જેવી વાત નથી. સ્કૂલની વાત જુદી છે. સ્કૂલમાં જેમ છોકરાં કશું કરતાં નથી, એ જુદું છે ને આ જુદું છે. આ તો આત્મહિત માટે આવેલા છે, જેમાં બીજી કોઈ જાતની ખરાબ દાનત નથી. સંસારહિત માટે નથી આવેલા. એટલે આ ઉપદેશકે બધું કરવું જોઈએ.

હું તો બધાંને કહું છું કે, 'ભઈ, કંઈ પણ ના થાય તમારાથી, એ મારી ભૂલ છે. તમારી ભૂલ નથી.' તમે મારી પાસે રિપેર કરાવવા આવ્યા કે 'મને આ રિપેર કરી આપો.' પછી રિપેર ના થયું તો એ ભૂલ કોની ?!

પ્રશ્નકર્તા : પચ્ચીસ જણા બેઠાં હોય, પાંચ પામે ને વીસ ના પામે, તો એમાં ગુરુની જ ભૂલ ?!

દાદાશ્રી : ગુરુની જ ભૂલ !

પ્રશ્નકર્તા : શું ભૂલ થાય છે એમની ?

દાદાશ્રી : એમનું ચારિત્રબળ નથી. એમણે ચારિત્રબળ કેળવવું જોઈએ. રાત્રે બરફ મૂકેલો હોય, તો સમજુ કે અણસમજુ બધાંને એની અસર ના લાગે ?! ઠંડક લાગ્યા કરે ને ?! એટલે ચારિત્રબળ જોઈએ. પણ આ તો પોતાનું ચારિત્રબળ નથી, એટલે આ લોકોએ શોધખોળ (!) કરેલી, ને પછી શિષ્ય પર ચિડાયા કરે. એનો અર્થ જ નહીં ને ! એ તો બિચારા છે જ એવા. લેવા આવ્યા છે, તેની જોડે કકળાટ ને ક્લેશ ના હોય !!

અનુભવની તો વાત જ જુદી !

પ્રશ્નકર્તા : પોતાને અનુભવથી જ્ઞાન પ્રાપ્ત થાય અને બીજો ઉપદેશ આપે ને જ્ઞાન પ્રાપ્ત થાય, એ બન્ને જરા સમજાવો.

દાદાશ્રી : ઉપદેશનું તો, આપણે શાસ્ત્રમાં વાંચીએને, એના જેવું ઉપદેશ. પણ ઉપદેશકમાં જો કદિ વચનબળવાળો હોય કોઈ પુરુષ કે જેનો શબ્દ આપણી મહીં પેસી જાય અને તે નીકળે નહીં બાર-બાર મહિના સુધી, તો એ ઉપદેશની વાત જુદી છે. બાકી આ જેનો ઉપદેશ અહીંથી કાને પેઠો ને આ કાને નીકળી ગયો, એના ઉપદેશની કંઈ વેલ્યુ નથી. એ ને પુસ્તક બેઉ સરખા છે.

જેનો ઉપદેશ ને જેના વાક્ય, જેના શબ્દો મહીં મહિના-મહિના સુધી ગુંજ્યા કરે એ ઉપદેશની ખાસ જરૂરિયાત ! એ અધ્યાત્મ વિટામિનવાળો ઉપદેશ કહેવાય. એ કો'ક ફેરો હોઈ શકે. પણ તે પોતે ચારિત્રવાળા હોવા જોઈએ, વ્યવહાર ચારિત્રવાળા ! શીલવાન હોવા જોઈએ, જેના કષાય મંદ થઈ ગયેલા હોવા જોઈએ.

શબ્દો પાછળ કરુણા જ વહી !

બાકી, આ બધા જે ઉપદેશ બોલે છે કે 'આમ કરો, તેમ કરો.' પણ એમના પગ ઉપર આવે તે ઘડીએ ચિડાઈને ઊભા રહે. આ તો ઉપદેશની વાતો કર્યા કરે છે. ખરી રીતે ઉપદેશ આપવાનો અધિકાર કોનો છે ? જે ચિડાતો ના હોય, તેને આ બધો ઉપદેશ કરવાનો અધિકાર ! આ તો જરાક સામું કહ્યું તો તરત ફેણ માંડે, 'મારા જેવો જાણકાર, હું આવો ને હું આવો !' તે ભ્રાંતિમાં જ બોલ બોલ કરે. 'હું, હું, હું, હું.....' તેથી સુધરતું નથી ને !

આ તો વીતરાગ માર્ગ કહેવાય. બહુ જ જોખમદારીવાળો માર્ગ ! એક શબ્દ પણ બોલવો બહુ જોખમદારીવાળી વસ્તુ છે. ઉપદેશકોને તો બહુ જોખમદારી છે અત્યારે. પણ લોકો સમજતા નથી, જાણતા નથી, તેથી આ ઉપદેશ આપે છે. હવે તમે ઉપદેશક છો કે નહીં, તે તમારી જાતને તપાસી જુઓ. કારણ કે ઉપદેશક આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી મુક્ત હોવો જોઈએ. શુક્લધ્યાન ના થયું હોય તો ય વાંધો નથી, કેમ કે ધર્મધ્યાનની વિશેષતા વર્તે છે. પણ પેલા બે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયાં કરતાં હોય, તો જોખમદારી પોતાની છે ને ! ભગવાને કહેલું છે કે જો ક્રોધ-માન-માયા-લોભ તમારી પાસે સિલ્લક હોય, ત્યાં સુધી કોઈને ઉપદેશ આપશો નહીં.

તેથી મારે કહેવું પડ્યું કે આ જે વ્યાખ્યાન બોલો છો, પણ ફક્ત સ્વાધ્યાય કરવાનો અધિકાર છે. ઉપદેશ આપવાનો અધિકાર છે નહીં. છતાં જો ઉપદેશ આપશો તો, આ ઉપદેશ કષાયસહિત હોવાથી નર્કે જશો. સાંભળનાર નર્કે નહીં જાય. મારે જ્ઞાની થઈને કડક શબ્દો બોલવા પડે છે. એની પાછળ કેટલી કરુણા હશે ! જ્ઞાનીને કડક થવાની શી જરૂર ?! જેને અહર્નિષ પરમાનંદ, અહર્નિષ મોક્ષ વર્તે છે, એને કડક થવાની જરૂર શું હોય ?! પણ જ્ઞાની થઈને આવું કડક બોલવું પડે છે કે 'ચેતતા રહેજો, સ્વાધ્યાય કરજો.' લોકોને એવું કહેવાય કે 'હું સ્વાધ્યાય કરું છું, તમે સાંભળો.' પણ કષાયસહિત ઉપદેશ ના અપાય.

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21