ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


નહીં તો બૈરીને ય ગુરુ કરાય !

ગુરુ કરવાં ના ફાવે અને ગુરુ વગર જંપ ના વળે તો બૈરીને કહેવું 'તું અવળી ફરીને બેસી જા. હું તને ગુરુ તરીકે સ્વીકારું.' મોઢું ના દેખવું, હં ! 'અવળી ફરી જા' કહીએ ! મૂર્તિ તો જીવતીને !

હા, એટલે બૈરીને ગુરુ કરજે. તમારે શું કરવું છે ?! પૈણ્યા નથી હજુ ?

પ્રશ્નકર્તા : પૈણ્યો છું ને !

દાદાશ્રી : ત્યારે એને ગુરુ કરવાની. એ આપણા ઘરની તો ખરી. ઘી ઢોળાયું તો ય ખીચડીમાં !

પ્રશ્નકર્તા : એનાથી ફાયદો શું ?! જ્ઞાની જોઈએ ને ?

દાદાશ્રી : ત્યારે બહારનું અત્યારના ગુરુ ય શું આપી દેવાના છે ?! બાકી બૈરીને તો બધાંએ ગુરુ કરેલી જ હોય. એ તો મોંઢે કોઈ બોલે નહીં એટલું જ !

પ્રશ્નકર્તા : પણ બધાંની વચ્ચે બોલાય નહીં ને !

દાદાશ્રી : બોલે નહીં, પણ હું જાણું બધાને. હું કહું યે ખરો કે હજુ 'ગુરુ' નથી આવ્યા ત્યાં સુધી આ ડાહ્યો દેખાય છે. તે આવવા તો દો ! ને તે વાંધો ય નહીં. પણ આપણી અક્કલ એવી હોવી જોઈએ કે એનો લાભ ના ઉઠાવે. આપણને ભજિયાં કરી આપે, જલેબી કરી આપે, લાડવા કરી આપે, પછી એને ગુરુ કરવામાં શું વાંધો ?! એટલે બહાર કોઈ ગુરુ ઉપર ઉછાળો ના આવે તો બૈરીને કહીએ 'તું મારી ગુરુ, હું તારો ગુરુ, ચાલ આવી જા !' તે ઉછાળો તો આવે બળ્યો ! એને ય ઉછાળો આવે ને આપણને ય ઉછાળો આવે. જેના પર ઉછાળો ના આવે એ ગુરુ કરીએ, એના કરતાં વહુને ગુરુ કરીએ તો શું ખોટું ?! કારણ કે મહીં ભગવાન બેઠેલા છે ! પછી ભણેલી કે ના ભણેલી એની ત્યાં કિંમત જ નથી.

એટલે ગુરુ સારા ના મળે તો છેવટે બૈરીને ય ગુરુ કરવા !! કારણ કે ગુરુને પૂછીને ચાલીએ તો સારું રહે. પૂછીએ જ નહીં, તો પછી એ રખડી મરે. 'તમે શું કહો છો ? તમે કહો એ પ્રમાણે કરીએ' એમ આપણે કહીએ. અને બૈરીએ ધણીમાં ગુરુ સ્થાપન કરવાનું કે, 'તમે શું કહો છો એ પ્રમાણે હું કરું.' આ બીજા ગુરુઓ-પ્રપંચી ગુરુઓ કરવા તેના કરતાં ઘરમાં પ્રપંચ તો નહીં ! એટલે બૈરીને ગુરુ કરીને પણ સ્થાપન કરવું જોઈએ. પણ એક તો ગુરુ જોઈએ ને !

ગુરુ મળ્યા છતાં ?

પ્રશ્નકર્તા : ગુરુદેવ તરીકે મેં એક સંતને સ્વીકાર્યા છે. તો મારે જપ કરવા માટે તેમના નામસ્મરણ કરવાને બદલે બીજાનું નામસ્મરણ જપ તરીકે સ્વીકારી શકું ?

દાદાશ્રી : આપને જો કોઈ અધૂરાશ રહેતી હોય તો બીજાનું નામ સ્મરણ લેવું. પણ અધૂરાશ રહે છે કોઈ ? ના. એટલે ક્રોધ-માન-માયા-લોભ રહેતા નથી ને ?

પ્રશ્નકર્તા : એવું તો મહીં બધું થાય છે.

દાદાશ્રી : ચિંતા ?

પ્રશ્નકર્તા : ચિંતા રહે, પણ ઓછી !

દાદાશ્રી : પણ ચિંતા થાય તો પછી, જેનું નામ લેવાથી ચિંતા થાય એનું નામ લેવાનો અર્થ જ શો છે ? મીનિંગલેસ ! ક્રોધ-માન-માયા-લોભ થાય, તો એ નામ લેવાનો શો અર્થ ? આવું તો આ ક્રોધ-માન-માયા-લોભ બીજાનેય થાય છે ને આપણનેય થાય છે, એટલે તમારું કામ પૂરું ના થયું.

તો પછી હવે દુકાન બદલો. ક્યાં સુધી એકની એક દુકાનમાં પડી રહેવું ? તમારે પડી રહેવું હોય તો પડી રહેજો. બાકી, હું તો આ તમને સલાહ આપું છું. તમારું કામ થયેલું હોય તો ત્યાં વાંધો નહીં. એ એક જ જગ્યાએ રહે, તો બીજી જગ્યાએ ડખલ કરવાની જરૂર નહીં.

મતભેદ પડતા હોય, તો પછી ગુરુદેવે શું કર્યું ? ગુરુદેવ એનું નામ કે બધું દુઃખ ટાળે.

પ્રશ્નકર્તા : એ ગુરુની વાત બરાબર છે પણ આ તો મારા સ્વયં અંતઃસ્ફૂરણાથી મેં ગુરુ સ્વીકારેલા.

દાદાશ્રી : એ બરાબર છે. એનો વાંધો નહીં. પણ આપણે બાર વર્ષ સુધી દવા પીધી અને મહીં રોગ ના મટ્યો, ત્યારે બળ્યો એ ડૉક્ટર ને દવા ય બળી એને ઘેર રહી ! અનંત અવતાર આનું આ જ કર્યું છે અને ભટક ભટક કર્યા છે !

પ્રશ્નકર્તા : પણ આમાં ગુરુદેવનો વાંક કાઢવો કે મારો પોતાનો વાંક ?

દાદાશ્રી : ગુરુનો વાંક ! અત્યારે મારી પાસે સાઈઠ હજાર લોકો છે, પણ તેમાં કોઈને દુઃખ થાય તો મારો વાંક. એમનો શાનો વાંક બિચારાનો ? એ તો દુખિયા છે માટે મારી પાસે આવ્યા અને જો સુખિયા ના થાય તો પછી મારી ભૂલ છે.

આ તો ગુરુદેવે ઠોકી બેસાડેલું કે પોતાનાથી બીજાને સુખિયા ના કરાય એટલે કહે, 'તમે વાંકા, આવા વાંકા તેથી થાય છે આવું ?' વકીલ એના અસીલને શું કહે કે, 'તારું કર્મ ફૂટલું છે તેથી આવું અવળું થયું.'

બાકી, ગુરુ કેવા હોવા જોઈએ ? સર્વસ્વ દુઃખ લઈ લે ! બીજા તો ગુરુ કહેવાતા હશે ?!

પ્રશ્નકર્તા : પણ મને મારી પ્રકૃતિનો વાંક લાગે છે.

દાદાશ્રી : પ્રકૃતિનો વાંધો નથી. ગુરુ તો ગમે તેવી તમારી પ્રકૃતિ હોય પણ લઈ લે. આ ગુરુ થઈ બેસે છે તે અમથા થઈ બેસે છે ? લોક તો ગમે તે દુકાનમાં બેસી જઈને કાલાવાલા કર્યા કરે. એમ ના જુએ કે ક્રોધ-માન-માયા-લોભની ટાઢ વાયા કરે. એ શું કામનું તે ? પણ આપણા લોકોને આ જ કુટેવ છે. જેની દુકાનમાં પડ્યો પાથર્યો રહે, પણ એમ ના જુએ કે ક્રોધ-માન-માયા-લોભ ગયા ? નબળાઈ ગઈ ? મતભેદ ઓછાં થયા ? કંઈ ચિંતા ઘટી ? ઉકળાટ ઘટ્યો ? આધિ, વ્યાધિ, ઉપાધિ ઘટી ?! ત્યારે કહે, 'કશું ય ઘટ્યું નથી.' ત્યારે અલ્યા, એ મેલને પૂળો અહીંથી, આ દુકાનમાંથી કાઢી નાખને ! એવું ના સમજાય બળ્યું ?!

આ તો ગુરુઓની ભૂલ છે બધી. આ કોઈ ગુરુ 'હા' પાડે નહીં. સાચી વાત કહેવા હું આવ્યો છું. મને કોઈની જોડે ભેદ નથી કે કોઈની જોડે ભાંજગડ નથી ! બાકી, કોઈ ગુરુ હા નહીં પાડે. કારણ કે એમની ધજા બરોબર નથી. ગુરુ થઈ બેઠા છે, ચડી બેઠા છે પબ્લિક પર !

ક્લેશ કાઢે તે સાચા ગુરુ !

ગુરુ એ કે આપણને ક્લેશ ના થાય એવી સમજણ પાડે. આખા મહિનામાં ય ક્લેશ ના થાય એવી સમજણ પાડે, એનું નામ ગુરુ કહેવાય. અને આપણને જો ક્લેશ થતો હોય તો સમજવું કે ગુરુ મળ્યો નથી. કઢાપો-અજંપો થાય તો ગુરુ કર્યાનો અર્થ શો છે તે ? ને ગુરુને કહી દેવું કે, 'સાહેબ, તમારો કઢાપો-અજંપો ગયો નથી લાગતો. નહીં તો મારો કઢાપો-અજંપો કેમ ના જાય ?! મારો જાય એવો હોય તો જ હું તમારી પાસે ફરી આવું. નહીં તો 'રામ રામ, જય સચ્ચિદાનંદ' કહીએ ! આવી દુકાનો ફરી ફરીને તો અત્યાર સુધી અનંત અવતાર ભટક્યો ! અને કશું ના થતું હોય તો ગુરુને કહી દેવાનું કે, 'સાહેબ, આપ બહુ મોટા માણસ મળ્યા છો, પણ અમને કશું થતું નથી. માટે જો ઉપાય હોય તો કરી જુઓ, નહીં તો અમે જઈએ હવે.' આમ ચોખ્ખું કહેવું ના જોઈએ ? આપણે દુકાને જઈએ તો ય કહીએ છીએ કે, 'ભઈ, રેશમી માલ ના હોય તો અમારે ખાદી જોઈતી નથી.'

ગુરુ તો આપણે જેની સમજણપૂર્વક પૂજા કરી હોય, બધું આપણું માલિકીભાવ સોંપ્યો હોય ત્યારે એ ગુરુ કહેવાય, નહીં તો ગુરુ શેનો ? આપણું અંધારું દૂર કર્યું હોય એમના દેખાડ્યા રસ્તે ચાલીએ તો ક્રોધ-માન-માયા-લોભ ઓછાં થતા જતા હોય, મતભેદ ઓછા થતા હોય, ચિંતા-ક્લેશ થાય નહીં બિલકુલેય. ક્લેશ થાય તો તો ગુરુ છે જ નહીં મૂઆ, એ ખોટાં બધાં !

ન વેડફાય એક ગુરુમાં મનુષ્ય ભવ !

લોકો તો એક ગુરુ કરીને અટક્યા છે, આપણે ના અટકાય. સમાધાન થાય નહીં ત્યાં ગુરુ બદલી જ નાખવાના. જ્યાં આગળ આપણા મનનું સમાધાન વધે, અસંતોષ ના થાય, જ્યાં અટકવાનું મન થાય ત્યાં અટકી જવું. બાકી આ લોકો અટક્યા છે એમ માનીને અટકવું નહીં. કારણ કે એમાં તો અનંત અવતાર બગડ્યા છે. મનુષ્યપણું વારેઘડીએ હોતું નથી અને ત્યાં આગળ અટકીને બેસી રહીએ તો આપણું નકામું જાય. એમ કરતાં કરતાં ખોળતાં ખોળતાં કો'ક દહાડે મળી આવશે. મળી આવે કે ના મળી આવે ? આપણે મુખ્ય વસ્તુ ખોળવી છે. ખોળનારને મળી આવે છે. જેને ખોળવા નથી ને 'આ અમારા ભાઈબંધ જાય છે ત્યાં જઈશું' એ બગડી ગયું !

વ્યવહારમાં ગુરુ : નિશ્ચયમાં જ્ઞાની !

પ્રશ્નકર્તા : આપણે જેને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, એ જ્ઞાની ન હોય. જ્ઞાની તો આપ કહેવાઓ. તો ગુરુ અને જ્ઞાની બન્નેને સાચવવાના કે પછી ગુરુને ભૂલી જવાના ?!

દાદાશ્રી : અમે 'ગુરુ રહેવા દો' કહીએ છીએ. ગુરુ તો જોઈએ જ બધામાં. વ્યવહારિક ગુરુ હોય એ તો આપણા હિતકર્તા કહેવાય, એ આપણું હિત જુએ. વ્યવહારમાં કંઈ અડચણ આવે તો પૂછવા જવું પડે. વ્યવહારિક ગુરુ તો જોઈએ જ આપણને. એને આપણે ખસેડવાના નહીં. અને જ્ઞાની પુરુષ તો મુક્તિનું સાધન બતાડે, કંઈ વ્યવહારમાં ડખો ના કરે. એટલે જ્ઞાની પુરુષ તો મોક્ષને માટે છે. આપણા ગુરુ અને એમને કશું લેવા-દેવા નથી.

પેલા ગુરુ છોડી નહીં દેવાના. ગુરુ તો રહેવા જ દેવાના. ગુરુ વગર તો વ્યવહાર શી રીતે ચલાવો ?! અને જ્ઞાની પુરુષ પાસે નિશ્ચય જાણવા મળે, જો જાણવો હોય તો. પેલા ગુરુ સંસારમાં મદદ કરે, સંસારમાં આપણને જે સમજણ જોઈએ તે બધી આગળની હેલ્પ આપે, કંઈ અડચણ હોય તો સલાહ આપે, અધર્મમાંથી છૂટા કરે છે અને ધર્મ દેખાડે છે. અને જ્ઞાની તો ધર્મ ને અધર્મ બેઉ છોડાવી દે અને મુક્તિ તરફ લઈ જાય. આપને સમજાયું ને ? એ વ્યવહારના ગુરુ સંસારમાં આપણને સંસારિક ધર્મો શીખવાડે, શું સારું કરવું ને શું ખરાબ છોડી દેવું, એ બધી શુભાશુભની વાતો આપણને સમજણ પાડે. સંસાર તો ઊભો રહેવાનો, માટે એ ગુરુ તો રહેવા દેવાના અને આપણે મોક્ષે જવું છે, તો એને માટે જ્ઞાની પુરુષ જુદા ! જ્ઞાની પુરુષ એ ભગવાનપક્ષી કહેવાય.

ના ભૂલાય ઉપકાર ગુરુનો !

પ્રશ્નકર્તા : 'દાદા' મળ્યા પહેલાં કોઈને ગુરુ માનેલા હોય તો ? તો એણે શું કરવું ?

દાદાશ્રી : તો એમને ત્યાં જવાનું ને ! અને ના જવું હોય તો જવું એવું ફરજિયાત નથી. આપણે જવું હોય તો જવું ને ના જવું હોય તો ના જવું. એમને દુઃખ ના થાય એટલા માટે ય જવું જોઈએ. આપણે વિનય રાખવો જોઈએ. અહીં આગળ 'જ્ઞાન' લેતી વખતે પછી મને કો'ક પૂછે કે, 'હવે હું ગુરુને છોડી દઉં ?' ત્યારે હું કહું કે, 'ના છોડીશ, અલ્યા. એ ગુરુના પ્રતાપે તો અહીં સુધી આવ્યો છું.' ગુરુને લઈને માણસ કંઈક મર્યાદામાં રહી શકે. ગુરુ ના હોય ને, તો મર્યાદા ય ના હોય અને ગુરુને કહેવાય કે 'મને જ્ઞાની પુરુષ મળ્યા છે. એમનાં દર્શન કરવા જઉં છું.' કેટલાંક માણસો તો એમના ગુરુને મારી પાસે હઉ તેડી લાવે છે. કારણ કે ગુરુને ય મોક્ષ જોઈતો હોય ને !

પ્રશ્નકર્તા : એક વાર ગુરુ કર્યા હોય ને પછી છોડી દઈએ તો શું થાય ?

દાદાશ્રી : પણ ગુરુને છોડવાની જરૂર જ નથી. ગુરુને છોડીને શું કામ છે ?! અને હું શું કરવા છોડવાનું કહું ?! એ પાછી પંચાતમાં હું ક્યાં પડું ?! તેનાં અવળાં પરિણામ ઊભાં થાય તેનો ગુનેગાર હું ઠરું ! હવે એ ગુરુને મનાવી લઈને આપણે એમની જોડે કામ લેવું. એવું બની શકે છે આપણાથી. આપણે આ ભાઈની પાસે કામ ના ફાવતું હોય, મેળ ના પડતો હોય, તો આપણે એમની પાસેનાં કામો ઓછાં લેવાં. પણ અમથાં એમની પાસે આવવું-જવું, એમાં વાંધો શો છે આપણને ?

પ્રશ્નકર્તા : ધારો કે કોઈએ બીજા ગુરુ કર્યા હોય, પછી આપ મળ્યા. એટલે પેલી ચા ને આ જલેબી જેવું થઈ જાય, તેનું શું ?

દાદાશ્રી : એ ચા-જલેબી જેવું થઈ જાય એ ડીફરન્ટ મેટર. એ તો સ્વાભાવિક થઈ જાય. આપણે જો એમ કહીએ કે 'એને છોડી દો' તો તો અવળા ચાલશે. માટે છોડી નહીં દેવાનું. મોળું લાગે તો મોળું, પણ છોડી નહીં દેવાનું. એમને દુઃખ ના થાય એટલા માટે કો'ક દહાડો આપણે જઈને દર્શન કરી આવવાનાં. એમને એમ ના લાગે કે 'આ આવતો હતો ને, પણ ફરી ગયો.' એ જો જાણે કે તમે બીજે જાવ છો ત્યારે કહીએ, 'આપના આરાધનથી જ મને એ ફાયદો મળ્યો છે ને ! આપે જ આ રસ્તે ચઢાવી આપ્યો છે ને, મને !' એટલે એમને આનંદ થાય. આત્મસન્મુખનો માર્ગ કેવો છે ? કોઈએ એક ચાનો પ્યાલો પીવડાવ્યો હોય ને, તો એને ભૂલે નહીં. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : સમજણ ના પડી માટે આ પૂછયું.

દાદાશ્રી : બરોબર છે. પૂછીને ચોક્કસ કર્યું હોય તો સારું. દરેક વસ્તુ પૂછીને ચોક્કસ કરીએ.

એટલે આપણે એમને તરછોડ ના મારવી. જેને ગુરુ કર્યા હોય, તેને તરછોડ મારીએ એ ભયંકર ગુનો કહેવાય. એની પાસે કંઈકે ય લીધું હતું ને, આપણે ? કંઈક હેલ્પ થઈ હશે ને ? એણે તમને એકાદ પગથિયું તો ચઢાવ્યા હશે, માટે તમારે એનો ઉપકાર માનવાનો. એટલે અત્યાર સુધી પામ્યા, તેનો ઉપકાર તો ખરો ને ! કંઈક આપણને લાભ કર્યો, તે ભૂલાય નહીં ને ! એટલે ગુરુને છોડી દેવાના ના હોય. દર્શન એમનાં કરવાનાં. અને છોડીએ તો તો એમને દુઃખ થાય. એ તો આપણો ગુનો કહેવાય. તમારો ઉપકાર મારી ઉપર હોય અને હું તમને છોડી દઉં, તો ગુનો કહેવાય. એટલે છોડાય નહીં, કાયમ ઉપકાર રાખવો જ જોઈએ. એક આટલો ય ઉપકાર કર્યો હોય ને ભૂલે એ માણસ ખરો કહેવાય નહીં.

એટલે ગુરુ ભલે રહ્યા. ગુરુને રહેવા દેવાના. ગુરુને ખસેડવાના નહીં. કોઈ પણ ગુરુ હોય તો એને ખસેડવા જવું નહીં. આ દુનિયામાં ખસેડવા જેવું કશું નથી. ખસેડવા જાવ તો તમે જેના આધારે ચાલતા હતા એનાં તમે વિરોધી થયા કહેવાઓ. વિરોધી કંઈ થવાની જરૂર નથી.

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21