ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


એ સામર્થ્યતા જ સઘળું સંભાળી લે !

અને બધે ય કાયદો એવો જ હોવો જોઈએ કે ગુરુએ જ કરી આપવું જોઈએ. ગુરુની પાસે લોકો શા માટે જાય છે ? આ તો ગુરુથી થતું નથી એટલે ગુરુઓએ પેલાને માથે ઠોકી બેસાડ્યું કે 'તમે કંઈક કરો. તમે કરતા નથી, તમે કરતા નથી.' એટલે પછી આપણા લોકો એવું માની બેઠાં. ગુરુઓ ઠપકો આપે છે ને લોક સાંભળે છે ય પાછાં ! અરે, એવાં ઠપકા સાંભળવાના ના હોય. પણ આ ગુરુઓ ખઈખપૂચીને પાછળ પડેલા, તે શિષ્યોને વઢવઢ જ કર્યા કરે છે કે, 'તમે કશું કરતા નથી, તમે આ કરતા નથી. અમે તમને કહીએ કે તમે આમ કરી લાવો.'

સાધકની દશા તો નરમ હોય. બધા સાધકો કોઈ એવા મજબૂત હોતા નથી. હવે નબળો માણસ તો બીજું શું બતાડે ? નબળાઈ જ બતાડે. તમારે તો એમ કહેવાનું કે, 'સાહેબ, તમે જેવું અમારી પાસે માગો છો એવું જ તમે અમને કરી આપો. તમે આવડા મોટા ગુરુપદે બેઠા છો, ને પાછાં મને કરી લાવવાનું કહો છો ? પણ હું તો અપંગ છું, હું તો પાંગળો છું, તમારે મને ઊભો કરી આપવાનો. તમારે મને ખભે ઊંચકી લેવાનો હોય કે મારે તમને ખભે ઊંચકી લેવાના હોય ?!' એવું ગુરુ પાસે આપણે ના બોલવું જોઈએ ? પણ આપણા દેશના સુંવાળા લોકો તો ગુરુ કહે તો કહેશે, 'હા, ત્યારે સાહેબ, કાલે કરી લાવીશ.' અલ્યા, આવું ચોખ્ખું કહી દે ને ! આવું ના બોલાય ? કેમ બોલતા નથી ? આ હું કોના પક્ષમાં બોલું છું ? હું કોના પક્ષની વાત કરું છું ?

પ્રશ્નકર્તા : અમારા પક્ષની વાત છે આ.

દાદાશ્રી : હા, તમારે એવું કહેવું જોઈએ કે, 'સાહેબ, તમે તો બળવાન છો ને હું તો નિર્બળ છું. આ હું તો તમે કહો એ કરવા તૈયાર છું. બાકી મારું ગજું જ નહીં, એટલે તમે જ કરી આપો અને જો ના કરી આપતા હોય તો હું બીજી દુકાને જઉં. તમારામાં બરકત હોય તો કહી દો અને બરકત ના હોય તો કહી દો, તો હું બીજી દુકાને જઉં. આપનાથી અશક્ય હોય તો હું બીજી જગ્યાએ જઉં, બીજા ગુરુ કરું.'

એટલે ગુરુ કોનું નામ કહેવાય ? કંઈ કરવાનું ના કહે, એનું નામ ગુરુ ! આ તો રસ્તે ચાલતા ગુરુ થઈ બેઠા છે. પાછાં કહેશે, 'પંગું લંઘયતે ગિરીમ્.' અરે આવું કહો છો, પણ અમને તમે તો કહો છો કે 'તું ચાલ.' તમે જ તો મને કહો છો કે 'મને તારે ખભે બેસાડી દે.' ગુરુ શું કહે છે ? 'મને ખભે બેસાડી દે.' 'અરે હું પાંગળો અને તમે મારે ખભે બેસવાનું કહો છો ?' આ વિરોધાભાસ ના કહેવાય ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે શિષ્યે કશી તસ્દી નહીં લેવાની, તસ્દી ગુરુએ જ બધી લેવાની ?

દાદાશ્રી : હા, ગુરુએ જ કરવાનું. તમારે જો કરવાનું હોય તો તમારે એમ કહેવું જોઈએ, 'ત્યારે સાહેબ, તમારે શું કરવાનું ? કહો. જો તમારે કશું કરવાનું નહીં ને આ હુકમ જ કરવાનો હોય, તો એનાં કરતાં હું મારે ઘેર મારી વાઈફનો હુકમ માનીશ. વાઈફે ય પુસ્તકમાં જોઈને કહેશે ! તમે ય જો પુસ્તકમાં જોઈને, શાસ્ત્રમાં જોઈને કહો છો, તો એ ય પુસ્તકમાં જોઈને કહેશે. 'આમ કરો' કહેવાથી નહીં ચાલે. તમે કંઈક કરવા લાગો. મારાથી ના થાય એ તમે કરો, ને તમારાથી ના થાય એ અમે કરીએ. એવું વહેંચણ કરી લો.' ત્યારે પેલા ગુરુઓ શું કહે ? 'અમે શાનાં કરીએ ?!' ત્યારે આપણે કહીએ, 'ત્યારે તમારી પાસે શુક્કરવાર વળે નહીં અને શનિવાર મારો થાય નહીં.' એવું કહી દેવું જોઈએ ને ?!

પ્રશ્નકર્તા : પણ સામેવાળી વ્યક્તિ બરાબર ન હોય તો શું ?

દાદાશ્રી : સામેવાળી વ્યક્તિને જોવાની જરૂર નથી. ગુરુ સારા હોવા જોઈએ. વ્યક્તિ તો છે જ એવી, સમર્થ નથી જ બિચારી. એ તો એમ જ કહે છે ને કે, 'સાહેબ, હું સમર્થ નથી, ત્યારે જ તમારી પાસે આવ્યો છું. અને મારે કરવાનું હોતું હશે ?!' ત્યારે એ કહે, 'ના, તારે કરવું પડશે.' તો એ ગુરુ જ ન્હોય. જો મારે કરવું પડતું હોય તો આપના શરણે શું કરવા આવું ?! આપના જેવા સમર્થને ખોળી શું કરવા કાઢત ? એટલું જરા તમે વિચારો તો ખરા ! આપ સમર્થ છો અને હું તો નબળો જ છું. મારાથી થતું જ નથી તેથી તો આપના શરણે આવ્યો, ને મારે જો કરવાપણું રહેવાનું હોય તો આપ કેવા ?! નબળા જ કહેવાઓને ! આપ સમર્થ કહેવાય કેમ કરીને ?! કારણ કે સમર્થ તો બધું કરી શકે.

આ તો ગુરુમાં બરકત છે નહીં, એટલે જ સામી વ્યક્તિને બોજો હોય. અને ગુરુઓમાં બરકત નથી, ત્યારે સામી વ્યક્તિનો દોષ કાઢે. ધણીમાં બરકત ના હોય તો બૈરીનો દોષ કાઢે. નબળો ધણી બૈરી પર શૂરો, એવી કહેવત ચાલે છે સંસારમાં. એવી રીતે આ ગુરુઓ નબળા છે ને, તે શિષ્ય પર શૂરા થાય છે ને શિષ્યનું તેલ કાઢી નાખે છે કે 'તમારાથી કાંઈ થતું નથી.' ત્યારે તમે શું કરવા અહીં આગળ મોટા ગુરુ થઈને આવ્યા છો તે ?! અરે, વગર કામના શિષ્યોને શું કરવા વઢો છો ? બિચારા એ દુઃખી છે તેથી તો તમારી પાસે આવ્યા છે, ને ત્યારે તમે વઢો છો પાછાં ઉપરથી ! ઘેર બૈરી વઢે અને અહીં તમે વઢો, ત્યારે એનો પાર ક્યારે આવે તે ?!

ગુરુ તો એનું નામ કે શિષ્યને વઢે નહીં, શિષ્યને રક્ષા આપે, શિષ્યને આશરો આપે. આ કળિયુગના ગુરુઓને ગુરુ જ કેમ કહેવાય તે ?! આખો દહાડો શિષ્યને ગોદા માર માર કરે. એ રસ્તો જ ન્હોય ને !

ભગવાનના વખતમાં કોઈ એવું કહેતા નહોતા કે 'આટલું કરવું પડશે.' જ્યારે આ બધા તો કહેશે, 'આટલું તો કરવું પડશે.' ત્યારે પેલા શું કહેશે ? 'સાહેબ, કાંઈ થતું નથી, કાંઈ થતું નથી.' અલ્યા, તો તો પથરો થઈ જઈશ. કારણ કે જેવું ચિંતવે એવો થઈ જાય. 'કાંઈ થતું નથી' એવું ચિંતવે તો એવો થઈ જાય કે ના થઈ જાય ?! એ તો લોકોને સમજણ નથી એટલે ચાલે છે પોલમ્પોલ બધું. હંમેશાં જે ગુરુ કરી આપતા ના હોય તે ગુરુ માથે પડેલા છે. અને તમારે તો ડૉકટરને ના કહેવું પડે કે 'મને કશુંક દર્દ છે, તે મને ખબર નથી. એની મેળે કંઈ થઈ ગયું છે. તમે મને દર્દમુક્ત કરી આપો' એવું ?

પ્રશ્નકર્તા : હા, કહેવું જોઈએ.

દાદાશ્રી : એટલે ગુરુએ જ કરી આપવું જોઈએ. બધું એ શીખવાડી દે. પછી વાંચવાનું કહે કે 'આટલું વાંચીને આવજે.' પણ શીખવાડી દે બધું ય. આ તો બૈરી છોકરાવાળા, નોકરીઓ કરતાં હોય, તે ક્યારે કરી રહે બિચારાં ?! જ્યારે ગુરુમાં તો બહુ શક્તિ હોય, અપાર શક્તિ હોય, એ બધું જ કરી આપે. ગુરુએ કહેવું જોઈએ કે, 'તારામાં સમજણ ના હોય, પણ હું છું ને ! હું બેઠો છું ને ! તારે ગભરાવાનું નહીં. જો તને સમજણ નથી પડતી તો તું મારી પાસેથી બધું લઈ જા.' અને મેં પણ આ બધાને કહ્યું છે કે, 'તમારે કોઈએ કશું કરવાનું નહીં. મારે કરવાનું. તમારામાં જે નબળાઈ હોય તે બધી મારે કાઢવાની.'

દાદાએ ભેલાડ્યું છે જ્ઞાન ગહન !

હું તો શું કહું છું ?! કે મારી જોડે ચાલો બધાં. ત્યારે કહે, 'ના, તમે એક ડગલું આગળ.' ત્યારે હું કહું કે એક ડગલું આગળ, પણ મારી જોડે ચાલો. હું તમને શિષ્ય બનાવવા માગતો નથી. હું તમને ભગવાન બનાવવા માગું છું. તમે છો જ ભગવાન, તે તમારું પદ તમને અપાવવા માગું છું. હું કહું છું કે તું મારા જેવો થા બરોબર ! તું ઝળકાટવાળો થા. મારે જે ઈચ્છા છે એ તું થઈ જા ને !!

મેં તો મારી પાસે કશું રાખ્યું નથી, બધું તમને આપી દીધું છે. મેં કશું ગજવામાં રાખી મૂકયું નથી. જે હતું એ બધું જ આપી દીધું છે, સર્વસ્વ આપી દીધું છે ! પૂર્ણદશાનું આપેલું છે બધું. અને અમારે તો તમારી પાસેથી કશું જોઈતું નથી. અમે તો આપવા આવ્યા છીએ, બધું અમારું જ્ઞાન આપવા આવ્યા છીએ. એટલે જ આ બધું ઓપન કર્યું છે. તેથી લખ્યું ને, 'દાદા જ ભોળા છે, ભેલાડ્યું છે જ્ઞાન ગહન.'

જ્ઞાન કોઈ ભેલાડે જ નહીં ને ?! અરે, આ ભેલાડવા દો ને ! તો લોકોને શાંતિ થાય, ટાઢક થાય. અહીં મારી પાસે રાખીને હું શું કરું ? એને દબાવીને સૂઈ જાઉં ?!

અને નિયમ એવો છે કે આ દુનિયામાં દરેક ચીજ આપેલી એ ઘટે, અને ફક્ત જ્ઞાન આપેલું એ વધે ! એવો સ્વભાવ છે. જ્ઞાન એકલું જ ! બીજું કશું નહીં. બીજું બધું તો ઘટે. મને એક જણ કહે છે કે, 'તમે જેટલું જાણો છો એટલું કેમ કહી દો છો ?! થોડુંક દાબડીમાં રાખતા નથી ?!' મેં કહ્યું, અલ્યા, આપવાથી તો વધે ! મારું વધે ને એનું ય વધતું હોય, તો શું ખોટ જાય છે મારામાં ?! મારે જ્ઞાન દાબડીમાં રાખીને ગુરુ થઈ બેસવું નથી કે એ મારા પગ દબાવ્યા કરે. એ તો પછી અંગ્રેજોનાં જેવો વેશ થશે, કે એમણે બધા ય જ્ઞાન દાબડીમાં રાખ્યા. 'ધ્ઁંરૂ-ણ્ંરૂ'ના પણ એ લોકોએ પૈસા લીધા. તેથી તો આ જ્ઞાન બધું પાણીમાં ડૂબી જશે. અને આપણા લોકો આપ્યે રાખતા હતા, છૂટ્ટે હાથ આપ્યે રાખતા હતા. આયુર્વેદના જ્ઞાન આપતા હતા, પછી બીજું જ્યોતિષવિદ્યાનું જ્ઞાન આપતા હતા, અધ્યાત્મજ્ઞાન આપતા હતા, બધું છૂટાં હાથે આપતા હતા.

અને આ કંઈ છૂપું રાખેલું જ્ઞાન નથી. અહીં વ્યવહારમાં તો ગુરુઓ ઓટીમાં ઘાલી રાખે થોડું. કહેશે, 'શિષ્ય વાંકો છે તે ચઢી બેસે, સામો થાય ત્યારે આપણે શું કરીશું ?!' કારણ કે એ ગુરુને વ્યવહારનું સુખ જોઈતું હોય. ખાવા-પીવાનું, બીજું બધું જોઈતું હોય. પગ ફાટતા હોય તો શિષ્ય પગ દબાવતા હોય. તે જો પછી શિષ્ય એમના જેવો થઈ જાય તો પછી એ પગ ના દબાવે, તો શું થાય ?! એટલે એ ચાવીઓ થોડીક રહેવા દે.

તેથી ગુરુઓનો મત એવો હોય છે કે આપણે દસ ટકા આપણી પાસે અનામત રાખવું અને પછી બાકીનું આપવું. એમની પાસે સેવન્ટી પરસેન્ટ હોય, એમાંથી દસ ટકા અનામત રાખે. જ્યારે મારી પાસે પંચાણું ટકા છે, તે બધું આપી દઉં છું. તમને સદ્યું તો સદ્યું, નહીં તો જુલાબ થઈ જશે. પણ તે કંઈ ફાયદો થશે તો ખરો ને !

એટલે અત્યારે ગુરુઓ એવા પેસી ગયા છે કે મહીં દાબડીમાં રહેવા દઈને પછી બીજું આપે. એટલે શિષ્ય જાણે કે 'હજુ આપણને મળતું નથી, ધીમે ધીમે મળશે.' તે ગુરુ ધીમે ધીમે આપે. પણ આપી દે ને અહીંથી, એટલે આનું રાગે પડી જાય. કોઈ આપે જ નહીં ને ! લાલચુ લોકો આપતા હશે ?! સંસારની જેને લાલચ છે એ માણસ એ જેટલું જાણતો હોય એટલું જ્ઞાન પૂરેપૂરું ચોખ્ખે ચોખ્ખું આપી શકે નહીં. લાલચનાં બદલામાં રહેવા દે એની પાસે.

પ્રશ્નકર્તા : પણ એને શિષ્ય મળ્યો છે એ લાલચુ જ મળ્યો છે ને ? એને બધું લઈ લેવું છે ને ?

દાદાશ્રી : શિષ્ય તો લાલચુ જ છે. મારું કહેવાનું કે શિષ્ય તો લાલચુ જ હોય. એને તો બિચારાને ઇચ્છા જ છે કે 'મને આ જ્ઞાન મળી જાય તો સારું.' એ લાલચ હોય જ. પણ આ ગુરુ ય લાલચુ ?! તે કેમ પોષાય ?! એટલે પોતે એડવાન્સ થાય જ નહીં, પોતે આગળ વધે નહીં અને શિષ્યોને ય મુશ્કેલીમાં નાખે. તે એવું થયું છે આ હિન્દુસ્તાનમાં અત્યારે.

ને આમ રાગે પાડી આપ્યું !

ગુરુ સારા હોય એટલે બીજી ભાંજગડ ના હોય. આ કાળમાં ચોખ્ખા ગુરુ મળવા, વેપારી ના હોય એવા ગુરુ મળવા બહુ પુણ્યૈ કહેવાય. નહીં તો ગુરુ શું કરે છે ?! શિષ્યની પાસેથી એની નબળાઈઓ જાણી લે છે અને પછી નબળાઈની લગામ પકડે છે, ને હેરાન હેરાન કરી નાખે લોકોને ! નબળાઈ તો એ બિચારો ગુરુ પાસે ખુલ્લી ના કરે તો ક્યાં ખુલ્લી કરે ?!

પ્રશ્નકર્તા : અત્યારે અમુક ગુરુઓ છે, કહેવાતા ગુરુઓ જે છે, પણ એ આમ તો ખરેખર લોકોનું શોષણ જ કરતા હોય છે.

દાદાશ્રી : અને એકાદ-બે ગુરુઓ સાચા હોય, સીધા હોય, ત્યારે આવડત ના હોય. પ્રપંચી ગુરુઓ તો બહુ હોશિયાર હોય અને જાતજાતના આમ વેશ કરતા હોય.

પ્રશ્નકર્તા : કોઈ પણ માણસ મુક્ત થવા માટે ગુરુનો આશ્રય લે છે, પણ પછી એ ગુરુની પકડમાંથી મુક્ત થઈ શકતો નથી. એટલે ગુરુથી પણ મુક્ત થવાની જરૂર છે, એવું નથી લાગતું ?

દાદાશ્રી : હા, મને સુરતમાં એક શેઠ મળ્યા. તે મને કહે છે, 'સાહેબ, મને બચાવો !' મેં કહ્યું, 'શું છે ? તને કંઈ નુકસાન થયું છે ?' ત્યારે એ કહે છે, 'મારા ગુરુએ એવું કહ્યું કે તને હું ખેદાન-મેદાન કરી નાખીશ. તો એ મને એવું કરી નાખશે તો હું શું કરીશ ? મારું શું થશે હવે ?!' પછી મેં પૂછયું, 'તારો એની જોડે શું વ્યવહાર થયો છે એવો કે આટલો બધો ભારે શબ્દ કહ્યો તને ? કંઈ લાગતું-વળગતું છે એની જોડે ? કંઈ લાગતું-વળગતું હોય તો એવું બોલે ને ?' ત્યારે એ કહે છે, 'મારાં ગુરુ કહે છે કે પચાસ હજાર રૂપિયા મોકલી આપ, નહીં તો હું તને ખેદાન-મેદાન કરી નાખીશ.' 'અલ્યા, પૈસાનો વેપાર કર્યો તે એની જોડે ? ધીરધાર કરી છે ?' ત્યારે એ કહે છે, 'ના, ધીરધાર નહીં. પણ એ જ્યારે જ્યારે કહે કે પચ્ચીસ હજાર આપી જા, નહીં તો તારું બગડશે એ તું જાણે, એટલે હું ભડકનો માર્યો એને રૂપિયા આપી આવું. એટલે અત્યાર સુધીમાં સવા લાખ રૂપિયા ગયા છે. હવે બીજાં પચાસ હજાર રૂપિયા મારી પાસે છે નહીં, એટલે હું ક્યાંથી લાવીને આપું ?! તે હવે એમણે કહેવડાવ્યું છે કે તારું બધું ખેદાન-મેદાન કરી નાખીશ.'

ત્યારે મેં કહ્યું, 'ભઈ, હેંડ, તને અમે રક્ષણ આપીશું. તારું ખેદાન-મેદાન નહીં થાય. તારાં ગુરુ જે કરશે ને, તે અમે હાથ ધરીશું, તને ખેદાન મેદાન નહીં થવા દઈએ. પણ હવે ત્યાં આગળ કશું મોકલીશ નહીં, પ્રેમ આવે તો મોકલજે. તને પ્રેમ આવે, ઉછાળો આવે તો મોકલજે. પણ ભયના માર્યો ના મોકલીશ. નહીં તો એ તો વધારે ચગશે. તું ભડકીશ નહીં. તારા ગુરુનું અવળું ચિંતવન ના કરીશ. કારણ કે તારી ભૂલથી આ ગુરુ લઈ ગયા છે. કંઈ એમની ભૂલથી લઈ ગયા નથી આ.'

એની પોતાની ભૂલથી જ લઈ ગયા ને ?! એને લાલચ હશે કંઈક ત્યારે ને ?! કંઈક લાલચ હશે ત્યારે આ ગુરુ રાખ્યા હતા ને ?! અને તો જ પૈસા આપે ને ?! એટલે લાલચથી આ ઠગ્યા છે. અને આ લોકો બધા હાથમાં આવેલું પછી છોડે નહીં. દુષમકાળનાં લોક, એમને પોતાની અધોગતિ થશે કે શું થશે એની કંઈ પડેલી નથી. શિકાર હાથમાં આવવો જોઈએ. પણ એ તો શું કહે છે ? 'અમારા ભગત છે' એવું કહે છે ને ? 'શિકાર' નથી કહેતાં એટલું સારું છે અને પેલા શિકારી માણસ તો 'શિકાર' કહે.

પછી મેં એને કહ્યું, 'તેં ગુરુના નામ પર કશું કર્યું ?' ત્યારે એ કહે છે, 'હા, એમનાં ફોટા જે પૂજતો હતો તે પછી તાપી નદીમાં નાખી આવ્યો. બહુ આવું પજવે એટલે મને રીસ ચઢી ! તેથી નાખી આવ્યો.' 'અલ્યા, પણ તેં પૂજ્યા શું કરવા ? અને પૂજ્યા તો પછી તાપીમાં નાખ્યા શું કરવા ? ગુરુએ તને એમ નહોતું કહ્યું કે તું પૂજીને તાપીમાં નાખજે. નહીં તો પૂજીશ જ નહીં પહેલેથી. પૂજ્યા માટે જોખમદારી તારી થઈ. આ તો તેં ખોટું કર્યું. આગલે દહાડે ભજતો હોય અને બીજે દહાડે નાખે પાણીમાં ?! ભજનારો તું અને ઉખાડનારો ય તું, પોતે ને પોતે ભજનારો અને પોતે ઉખાડનારો ! આ ગુનો ખરો કે નહીં ? તો ભજતો હતો શું કરવા ત્યારે ?! અને જો આ ઉખાડવાનું થયું તો વિધિપૂર્વક ઉખાડો. આવું ના ચાલે. કારણ કે જે ફોટાની આજે પૂજા કરતો હતો, એને કાલે નદીમાં પધરાવી દઉં, એ હિંસા થઈ કહેવાય.' આપણે જાણીએ કે આ ભગવાનનો ફોટો છે, ને પછી આપણે જો ડૂબાડીએ તો આપણી ભૂલ છે. ના જાણતા હોય, અજાણતાં હોય તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : ગુરુએ એવું કર્યું ત્યારે એને નાખવું પડ્યું ને ? ગુરુ નિમિત્ત બન્યા ને, એમાં ? એ દોષિત થયા ને ?

દાદાશ્રી : ગુરુ ગમે તે કરે, પણ આપણાથી ભૂલ ન થવી જોઈએ. આપણી ભૂલનાં કર્મ આપણને લાગે, એમની ભૂલનાં કર્મ એમને લાગે. તમે મારું અપમાન કરી જાવ, ગાળો ભાંડો, તો હું વઢું-કરું તો મને કર્મ લાગે. મારે તો એવું કરવાની જરૂર જ ક્યાં છે ?! તમે તો કર્મ બાંધો. તમે શ્રીમંત હો, શક્તિવાળા હો, તો બાંધો. અમારે એવી શક્તિ ય નથી ને અમારી શ્રીમંતાઈ ય નથી એવી ! એવી શક્તિ હોય તો કર્મ બાંધે ને ? એટલે આપણાથી એવું ના કહેવાય. આ કૂતરું બચકું ભરે એટલે આપણે ય બચકું ભરવાનું ?! એ તો ભરે જ !

પ્રશ્નકર્તા : એવાં ગુરુના ફોટાને નદીમાં નાખી દે તો પાપ શી રીતે લાગે ?

દાદાશ્રી : આવું બોલાય નહીં, આપણે ના બોલાય. એ ગુરુમાં ભગવાન રહેલા છે. એ ગુરુ ભલે ખરાબ છે, પણ ભગવાન રહેલા છે ને ! આપણે એમને નિર્દોષ જ જોવા જોઈએ. આપણા પૂર્વના કંઈ પાપ હશે ત્યારે ફસાયા ને આવા ગુરુ મળી આવ્યા. નહીં તો મળે જ નહીં ને ! ગયા અવતારનું ઋણાનુબંધ તેથી આ ભેગા થયા ને ! નહીં તો ક્યાંથી ભેગા થાય ?! બીજાં લોકોને ભેગા નથી થયા ને આપણે ભાગ ક્યાંથી આવ્યા ?!

એટલે પછી મેં એને વિધિ કરી આપી અને કહ્યું કે, 'ગુરુના નામનું ખરાબ બોલીશ નહીં, એના નામનું ખરાબ વિચારીશ નહીં, ગુરુના નામનું વેર ના રાખીશ.' એને મનમાં પ્રતિક્રમણ કરાવડાવ્યા, બધું શીખવાડ્યું. એ માણસને બધો રસ્તો કરી આપ્યો અને નદીમાં ફોટાં નાખી આવ્યો, એની કેવી વિધિ કરવાની તે મેં એને બતાવ્યું. પછી એને રાગે પડી ગયું.

પછી બાર મહિના સુધી ના ગયો એટલે ગુરુએ જાણ્યું કે આ કો'કે આને હઠાવ્યો. એટલે બાર મહિના પછી ગુરુએ કાગળ લખ્યો કે, 'તમે આવો. તમને કોઈ જાતની હરકત નહીં કરું.' પેલી લોટ ખાવાની જે ટેવ છે તે એને મારે છે, લાલચ ! હવે પેલો જતો નથી. કારણ કે આ માછલાં એક ફેરો પકડાયા પછી છૂટી જાય, પછી ફરી જાળમાં ફસાય કે ?! જે લાલચુ હોય તેને ગુરુ ના કરવા. લાલચુ ના હોય, સ્વતંત્ર હોય એને ગુરુ કરવા. ગુરુ કહે કે 'ચલે જાવ' ત્યારે કહીએ કે 'સા'બ, આપકી મરજી. અમારું ઘર છે જ. નહીં તો મારી વાઈફેય ગુરુ જ છે મારી !'

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21