ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


ગુરુની જરૂર તો ઠેઠ સુધી !

આ તો 'ગુરુની જરૂર નથી' કહીને એમનો 'વ્યુ પોઈન્ટ' મૂક્યો છે. બીજું કશું નહીં. કોઈક અનુભવ એવો થયેલો છે કે બધે ફર ફર કર્યા પછી, એમ કરતાં કરતાં કરતાં કરતાં પોતાને મહીંથી જ સમાધાન મળવા માંડયું, એ શ્રેણીમાં આવ્યા ! એટલે પછી મનમાં એમ લાગ્યું કે ગુરુ કરવો એ બોજ નકામો છે.

પ્રશ્નકર્તા : 'ગુરુની જરૂર નથી' કહે છે એ અમુક સ્ટેજમાં પહોંચ્યા પછી ગુરુ કામમાં નથી આવતા. પછી તો તમારા પોતા ઉપર આધાર છે.

દાદાશ્રી : એ તો કબીરે ય બધું કહ્યું કે :

'કબીર હદકા ગુરુ હૈ, બેહદકા ગુરુ નહીં !'

એટલે ગુરુ તો ઠેઠ સુધી જોઈશે. બેહદ આવતાં તો તેલ નીકળી જાય છે.

પ્રશ્નકર્તા : સાંસારિક કામોમાં ગુરુની જરૂર છે, વ્યવહારિક જ્ઞાનમાં ગુરુની જરૂર છે. પણ પોતાની જાતને જેમ છે તેમ જોવા માટે ગુરુની જરૂર નથી. એવું થયું ને ?

દાદાશ્રી : સંસારમાં ય ગુરુ જોઈએ અને મોક્ષમાર્ગમાં ય ગુરુ જોઈએ. એ તો કો'ક જ માણસ બોલે કે 'ગુરુની જરૂર નથી.' ગુરુ વગર તો ચાલે જ નહીં. ગુરુ એટલે તો અજવાળું કહેવાય. ઠેઠ સુધી ગુરુ જોઈશે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે બારમા ગુંઠાણા સુધી ગુરુની જરૂર પડશે. બારમા ગુણસ્થાનક, ભગવાન થતાં સુધી ગુરુની જરૂર પડશે.

પ્રશ્નકર્તા : ગુરુઓનો વિરોધ કરવાનો મારો પ્રશ્ન નથી. હું તો એ સમજવા માગું છું.

દાદાશ્રી : હા, પણ ગુરુની ખાસ જરૂર છે આ દુનિયામાં. મારે ય હજુ ગુરુ છે ને ! હું આખા જગતનો શિષ્ય થઈને બેઠેલો છું. તો મારો ગુરુ કોણ ? લોકો ! એટલે ગુરુની તો ઠેઠ સુધી જરૂર.

જે વાત સત્ય હોય, એ સત્ય કહેવામાં વાંધો શો છે ! 'જ્ઞાની પુરુષ' તો, ખોટું હોય તો તરત એને ખોટું કહે. એ પછી રાજાનું હોય કે ગમે તેનું ! તમારે ના માનવું હોય તો ય મને વાંધો નથી. પણ હું ના ચાલવા દઉં. હું તો આખા વર્લ્ડને ફેક્ટ કહેવા આવ્યો છું. કારણ કે અત્યાર સુધી પોલમ્પોલ ચાલ્યું, તે આ દશા થઈ હિન્દુસ્તાનની. જુઓ તો ખરા !

અમારે પોલું ના બોલાય. હવે જગત શું ખોળે છે ? પોલું બોલીને ય પણ ઠંડક રાખો, પોલું બોલીને ય પણ અહીં ડખો ના થાય તો સારું. પણ અમારાથી એક શબ્દે ય ના બોલાય એવો. નહીં તો અમને તો એ ય આવડતું હતું પણ ના બોલાય. અમારાથી તો 'છે એને છે' કહેવું પડે ને 'નથી એને નથી' કહેવું પડે. નથી એને છે કહેવાય નહીં ને છે એને નથી કહેવાય નહીં.

ગુરુ પોતે જ કહે છે કે 'ગુરુ કરશો નહીં.' તો તમે કોણ આ જગ્યાએ ?! એવી રીતે આ બાજુ કહેશે 'નિમિત્તની જરૂર નથી.' ત્યારે તમે કોણ અત્યારે ?!

નિમિત્ત જ મહા ઉપકારી !

પ્રશ્નકર્તા : હા, ઉપાદાન હોય તો ઓટોમેટિક નિમિત્ત મળી જાય, એ વાત ફેલાયેલી છે.

દાદાશ્રી : ઉપાદાન તો આપણે ત્યાં ઘણાં માણસોને એટલું બધું ઊંચું છે, પણ એમને નિમિત્ત નહીં મળવાથી ભટક ભટક કરે છે. એટલે એ વાક્ય જ ભૂલવાળું છે, કે 'ઉપાદાન થશે તો નિમિત્ત એની મેળે આવી મળશે.' આ વાક્ય એ ભયંકર જોખમદારીવાળું વાક્ય છે. પણ જ્ઞાનની વિરાધના કરવી હોય તો આવું વાક્ય બોલે !

પ્રશ્નકર્તા : નિમિત્ત અને ઉપાદાન વિશે જરા ચોખવટ સમજાવો. જો ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત એની મેળે મળી જાય. અને નિમિત્ત જો મળ્યા કરે પણ ઉપાદાન જો તૈયાર ના હોય તો પછી નિમિત્ત શું કરે ?!

દાદાશ્રી : એ બધી વાતો લખેલી છે ને, એ વાતો કરેક્ટ નથી. કરેક્ટમાં એક જ વસ્તુ છે કે નિમિત્તની જરૂર છે અને ઉપાદાનની જરૂર ખરી, પણ ઉપાદાન ઓછું હોય પણ નિમિત્ત મળે એને, તો ઉપાદાન ઊંચું થઈ જાય.

નિમિત્ત જ ઉપકારી છે. આ સ્કૂલો કાઢી નાખવામાં આવે તો ? એવું સમજે કે 'છોકરા હશે, ઉપાદાન હશે, એ વખતે નિમિત્ત આવી મળશે.' માટે સ્કૂલો બધું કાઢી નાખવામાં આવે તો ?

પ્રશ્નકર્તા : એ તો ના ચાલે. પણ આ તો વ્યવહારની વાત થઈ આખી.

દાદાશ્રી : ના, વ્યવહારમાં ય એ વાત ને આમાં ય એવી જ વાત ને ! આમાં ય નિમિત્તની પહેલી જરૂર !

અહીં સ્કૂલો કાઢી નાખવામાં આવે, ચોપડીઓ કાઢી નાખવામાં આવે, તો કશું કોઈ માણસ ભણે નહીં, ગણે નહીં. નિમિત્ત હોય તો આપણું કામ આગળ ચાલે, નહીં તો કામ ચાલે નહીં. તે નિમિત્તમાં શું શું છે ? પુસ્તકો નિમિત્ત છે, મંદિરો નિમિત્ત છે, દેરાસર નિમિત્ત છે, જ્ઞાની પુરુષ નિમિત્ત છે. હવે આ બધા પુસ્તકો, દેરાસરો ના હોય તો આ ઉપાદાનનું શું થાય ? એટલે નિમિત્ત હોય તો જ કામ થાય, નહીં તો કામ થાય નહીં.

ચોવીસ તીર્થંકરોએ એ જ કહે કહે કર્યું છે કે 'નિમિત્તને ભજો. ઉપાદાન ઓછું હશે તો, નિમિત્ત મળશે તો ઉપાદાન એનું જાગૃત થઈ જશે.' છતાં ઉપાદાનનું તો એટલા માટે કહેવા માગે છે કે જો તને નિમિત્ત મળ્યા પછી પણ ઉપાદાન તું અજાગૃત રાખીશ, જો તું ઉપાદાન જાગૃત નહીં રાખે ને તું ઝોકું ખાઈશ, તો તારું કામ નહીં થાય અને તને મળેલું નિમિત્ત નકામું જશે. તો કાળજી રાખજે. એવું કહેવા માગે છે.

ઉપાદાન એટલે શું ? કે ઘી મૂકવું, દિવેટો મૂકવી, બધું તૈયાર રાખે આખું. એવું તૈયાર તો અનંત અવતારથી આ લોકોએ રાખેલું છે. પણ ફક્ત દીવો પેટાવનારો નથી મળ્યો. ઘી-દિવેટો બધું તૈયાર છે પણ પેટાવનાર જોઈએ ! એટલે મોક્ષે લઈ જનારા નિમિત્તનાં શાસ્ત્રો નથી મળ્યાં, મોક્ષે લઈ જનારા નિમિત્ત એવાં જ્ઞાની પુરુષ નથી મળ્યા, એ બધા સાધનો ભેગાં થતાં નથી. એ નિમિત્ત જેને કહેવામાં આવે છે, તેના વગર તો ભટક ભટક કરે છે.

લોક નિમિત્તને એવી રીતે સમજ્યા છે કે 'ઉપાદાન હશે તો નિમિત્ત તને તે ઘડીએ મળી આવશે.' પણ મળી આવવું એનો અર્થ એવો નથી થતો. ભાવના હોવી જ જોઈએ. ભાવના વગર તો નિમિત્તે ય ભેગું ના થાય.

આ તો વાતનો દુરુપયોગ થયો છે બધો. નિમિત્ત એવું બોલે છે કે નિમિત્તની જરૂર નથી ! પોતે નિમિત્ત હોવા છતાં આવું બોલે છે.

પ્રશ્નકર્તા : હા, એવું શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે.

દાદાશ્રી : શ્રીમદ્ રાજચંદ્ર એકલા નહીં, તીર્થંકરોએ પણ એ જ કહ્યું છે કે નિમિત્ત વગર કશું કામ થશે નહીં. એટલે 'ઉપાદાન હશે તો નિમિત્ત આવી મળશે.' 'નિમિત્તની જરૂર નથી' એ તીર્થંકરોની વાત ન્હોય કે શ્રીમદ્ રાજચંદ્રની વાત ન્હોય. એવી વાત જે બોલે તેની જોખમદારી છે. એમાં બીજા કોઈની જોખમદારી નથી.

કૃપાળુદેવે એક જ કહ્યું કે 'બીજું કાંઈ શોધ મા. એક માત્ર સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે.' નહીં તો એમ જ લખત કે તું તારી મેળે ઘેર સૂઈ રહેજે તો નિમિત્ત તને મળી આવશે અને ઉપાદાન જાગૃત કર કર કર્યા કરજે.

એ વાત ખરી, પણ નિશ્ચયમાં !

પ્રશ્નકર્તા : બીજી એક એવી પણ માન્યતા છે કે 'નિમિત્તની આવશ્યકતા તો સ્વીકાર્ય છે જ. પણ નિમિત્ત કાંઈ કરી શકતું નથી ને !'

દાદાશ્રી : નિમિત્ત કંઈ નથી કરી શકતું એવું જો કદી હોય ને, તો પછી કશું ખોળવાનું જ ના રહ્યું ને ?! પુસ્તક વાંચવાની જરૂર શી રહી ?! દેરાસર જવાની જરૂર જ કયાં રહી ?! કોઈ અક્કલવાળા કહે ને, કે 'સાહેબ, ત્યારે અહીં શું કરવા બેઠા છો ?! તમારું અમને શું કામ છે ? પુસ્તકો શું કરવા છપાવ્યાં છે ? આ મંદિર શેનાં સારુ બાંધ્યું છે ? કારણ કે નિમિત્ત કંઈ કરી શકતું જ નથી ને !' એવું કહેનાર કોઈ નીકળે કે ના નીકળે ?!

આંધળો માણસ એવું કહે કે 'હું મારી આંખો બનાવીશ અને હું જોઈશ ત્યારે ખરો.' તે આપણે હસીએ કે ના હસીએ ? એવી આ બધી વાતો કરે છે. સ્કૂલમાં એક પ્રોફેસર છે. એમને છોકરાઓની જરૂર ખરી, પણ છોકરાઓને પ્રોફેસરની જરૂર નથી (!) શું એક નવો 'મેનીયા' ચાલ્યો છે ! જે નિમિત્ત કહેવાય, જ્ઞાની પુરુષ કે ગુરુ, એ બધાં નિમિત્ત કહેવાય, તેને ઊડાડી મૂકે છે !!

'જ્ઞાની પુરુષ' નિમિત્ત છે અને તમારું ઉપાદાન છે. ઉપાદાન ગમે એટલું તૈયાર હશે, પણ 'જ્ઞાની પુરુષ'ના નિમિત્ત સિવાય કાર્ય નહીં થાય. કારણ કે આ એક જ કાર્ય એવું છે આધ્યાત્મિક વિદ્યા કે નિમિત્ત સિવાય પ્રગટ થાય નહીં. જો કે નિમિત્ત સિવાય પ્રગટ નહીં થાય એમ કહેવાનો મારો ભાવાર્થ છે. પણ તે નાઈન્ટી નાઈન પરસેન્ટ એમ જ છે. પણ એક ટકો એમાં ય છૂટ હોય છે. નિમિત્ત વગરે ય પ્રગટ થઈ જાય. પણ એ કંઈ કાયદામાં ના ગણાય, એ કાયદામાં લેવાય નહીં. કાયદામાં તો નિમિત્તથી જ પ્રગટ થાય. અપવાદ એ વસ્તુ જુદી છે. નિયમમાં હંમેશાં અપવાદ હોવો જ જોઈએ, એનું નામ નિયમ કહેવાય !

ત્યારે આમાં લોકો ક્યાં સુધી લઈ ગયા છે કે 'વસ્તુ બધી જુદી છે, એક વસ્તુ બીજી વસ્તુને કશું કામ કરી શકતી નથી.' તેની જોડે આ જોઈન્ટ કર્યું છે. એટલે પેલાને એમ જ લાગે છે કે બીજું કોઈ કોઈનું કરી શકતું નથી.

પ્રશ્નકર્તા : એ લોકો એમ જ કહે છે કે કોઈ કોઈનું કરી શકે નહીં.

દાદાશ્રી : હવે એ વાક્ય એટલું બધું ભયંકર ગુનેગારીવાળું વાક્ય છે.

પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં જે એમ કહ્યું છે કે કોઈ કોઈનું કરી શકે નહીં, તે શું છે ?

દાદાશ્રી : એ તો વાત જુદી છે. શાસ્ત્ર જુદું કહેવા માગે છે ને લોક સમજ્યા જુદું ! ચોપડવાની દવા પી જાય અને મરી જાય, એમાં કોઈ શું કરે ? એમાં ડૉક્ટરનો શો દોષ ?

કોઈ કોઈનું કરી શકે નહીં એવું હોય, તો તો વકીલો કામ જ ના લાગે ને ?! આ ડૉક્ટરો કામ જ ના લાગે ને ?! બૈરી કામ લાગે નહીં ને ?! આ તો બધા ય એકબીજાને કામ લાગે છે.

પ્રશ્નકર્તા : કોઈ કોઈનું કરી શકે નહીં, એ જે વાત લખી છે એ કયા સંદર્ભમાં લખી છે ?

દાદાશ્રી : એ તો નિશ્ચયમાં કહેલી છે, એ વાત વ્યવહારમાં નથી. વ્યવહારમાં લેવાદેવા છે જ બધાની જોડે અને નિશ્ચયમાં કોઈ કોઈનું કશું કરી શકતું નથી. એક તત્ત્વ બીજા તત્ત્વને કશી હેલ્પ કરતું નથી, એ પણ નિશ્ચયની વાત છે. પણ વ્યવહારથી બધું જ થાય છે. આ તો અવળાં વાક્ય સમજ પાડીને આ પબ્લિકને બહુ નુકસાન થયેલું છે.

પ્રશ્નકર્તા : એટલે એ વસ્તુ જ સમજવા માગું છું.

દાદાશ્રી : એ તો કોઈ તત્ત્વ કોઈને હેલ્પ કશી કરતું નથી, નુકસાન કરી શકતું નથી, કોઈ તત્ત્વ ભેળું થતું નથી, એવું કહેવા માગે છે. તેને બદલે એ વાત લોકો વ્યવહારમાં ખેંચી લાવ્યા. બાકી, વ્યવહારમાં તો વહુ વગર ના ચાલે, વહુને ધણી વગર ના ચાલે. વ્યવહાર બધો પરાશ્રિત છે, નિશ્ચય પરાશ્રિત નથી. નિશ્ચય સ્વાશ્રિત છે. હવે વ્યવહારમાં પેલો નિશ્ચય લાવે તો શી દશા થાય ?!

'ખોટા'નું જ્ઞાન જરૂરી !

આપને સમજાય છે આ વાત ? મારી વાત ખરી નથી કરાવવી. આ તમને ખરી લાગે તો સ્વીકારજો. હું કોઈ વાત ખરી કરાવવા માંગતો જ નથી. આપને ઠીક લાગે તો સ્વીકારો ને ના સ્વીકારો તો એ ય મને વાંધો નથી. મારે તો કોઈ પણ સંજોગોમાં સત્ય બોલવું જોઈએ. નહીં તો આવું બધું જ આ લોકોએ ચલાવી દીધું છે ને !

પ્રશ્નકર્તા : પણ આ તો એમનો વ્યુ પોઈન્ટ છે ને ?

દાદાશ્રી : એ બરોબર છે. પણ આ સત્ય જો હું ઓપન નહીં કરું તો લોક તો આ સત્યને ઢાંકવા ફરે છે અને આ સત્ય કોઈ હિંમતભેર બોલી શકતો નથી. 'આ ખોટું છે' એવું લાગ્યું કે ના લાગ્યું ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : ખોટાનું જ્ઞાન થવું જોઈએ. એક ભાઈએ મને કહ્યું કે, 'આ ખોટું છે' એવું મને જ્ઞાન થઈ ગયું. મારે તો આટલું જ જોઈતું હતું. કારણ કે આ તો અદબદ રહે, શંકા રહે કે આ યે થોડું સાચું છે ને આ યે થોડું સાચું છે. ત્યાં સુધી તો આમાં કંઈ સ્વાદ નહીં કાઢો. 'આ ખોટું છે' એવું જ્ઞાનથી લાગવું જોઈએ, ત્યાર પછી સારું ચાલે !

એવું છે ને, આ કોઈ બોલે નહીં ને બધા ય ચલાવ્યે રાખે. મારા જેવા 'જ્ઞાની પુરુષ' ચોખ્ખું બોલી શકે અને જેમ છે તેમ અમારાથી બોલાય.

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21