ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


પિછાણ પછી જ શરણું

પ્રશ્નકર્તા : એવા સદ્ગુરુની પિછાણ શું છે ? ઓળખવા કઈ રીતે ?!

દાદાશ્રી : એ તો ઊઘાડા દીવા જેવો પિછાણવાળો હોય. એની સુગંધ આવે, બહુ સુગંધ આવે.

પ્રશ્નકર્તા : પણ સદ્ગુરુ ઓળખવા કેવી રીતે કે, આ સાચા સદ્ગુરુ છે ?

દાદાશ્રી : એવું છે, કે પોતે જો ઝવેરી હોય તો એમને એ આંખથી ઓળખી શકે. એમનાં વાણી-વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ કરી લે એવું હોય. આપણને એમ લાગે કે ઓહો ! આપણા મનનું હરણ થાય છે.

પ્રશ્નકર્તા : કેટલીક વખત ગુરુમાં-સદ્ગુરુમાં એમનો વ્યવહાર એવો હોય છે કે એ જોઈને માણસનો નિશ્ચય ડગમગ થાય, તો એ માટે શું કરવું ?

દાદાશ્રી : વ્યવહાર જોઈને નિશ્ચય ડગમગ થાય, તો પછી ઝીણવટપૂર્વક બધી તપાસ કરવી કે આપણી શંકા છે તે સાચી છે કે ખોટી છે. બધી રીતે આપણી બુધ્ધિથી મપાય એટલું માપી લેવું. તેમ છતાં ય જો કદી આપણને અનુકૂળ ના આવે તો આપણે બીજી દુકાને જવું, એમને છંછેડ્યા સિવાય. એટલે આપણે બીજી દુકાન ખોળવી, ત્રીજી દુકાન ખોળવી એમ કરતાં કરતાં કોઈ દહાડો સાચી દુકાન મળી આવશે.

પ્રશ્નકર્તા : પણ આપણો વિકાસ થયા વગર આપણે સદ્ગુરુને ઓળખી કેવી રીતે શકીએ ?!

દાદાશ્રી : આપણે પહેલેથી જ પૂછીએ કે, 'સાહેબ, મારે વેપાર જોઈતો નથી. મારે મુક્તિની જરૂર છે. તો આપ મુક્ત થયા હો તો હું અહીં આગળ આપની સેવામાં બેસી જઉં ?!' તો વાંધો શું છે ? પણ કોઈ એવું કહેનાર છે કે 'હું તમને મુક્તિ અપાવું' ?! પછી સાક્ષી-બાક્ષીની જરૂર નથી. એમને તરત તમારે કહી દેવું કે, 'હું છ મહિના બેસીશ અને આપના કહ્યા પ્રમાણે કરીશ. અને ફળ નહીં આવે તો હું જતો રહીશ.' પણ કોઈ આવું બોલશે નહીં, વર્લ્ડમાં ય કોઈ બોલશે નહીં. પૂછવામાં શું વાંધો ?! 'સાહેબ, આપની મુક્તિ થઈ હોય તો મને કહો. મારે મુક્તિ જોઈએ છે. મને બીજાં સ્ટેશનો પરવડતાં નથી. વચલાં સ્ટેશનોનું મારે કામ નથી.' એવું ચોખ્ખું કહી દઈએ. એટલે એ કહેશે, 'હું જ ભઈ વચલા સ્ટેશને છું.' એટલે આપણે સમજીએ ને, કે આપણને વચલું સ્ટેશન જોઈતું નથી. એટલે એ ઉપરથી ખોળીએ તો જ જડે. બાકી જડે નહીં. આમ વિનયપૂર્વક એમને પૂછીએ. બાકી પૂછયા વગર બેસીએ, એથી તો અનંત અવતાર ભટક્યા જ છીએને, અત્યાર સુધી ! એ સાહેબ વચલે સ્ટેશને રહેતા હોય ને આપણે ય ત્યાં રહીએ, એમાં ભલીવાર ક્યારે આવે ?!

પ્રશ્નકર્તા : તો સદ્ગુરુ શોધવામાં પુસ્તકનું જ્ઞાન ક્યાંથી કામ લાગે ?

દાદાશ્રી : એ કામ લાગે નહીં ને ! તેથી તો આ ભટકવાનું બધું. અનંત અવતાર પુસ્તકનાં જ્ઞાન કર્યા તો ય ભટક ભટક ભટક ! સદ્ગુરુ મળવા એ તો બહુ મોટી વસ્તુ છે. પણ જેને છૂટવાની કામના છે, એને બધું મળી આવે. છૂટવાની કામના જોઈએ. અને પૂજાવાની કામનાવાળાને વાર લાગે, કેટલાંય અવતાર સુધી ભટકવું પડે. આપને સમજાયું ને ? શેની કામના છે ?! માન-પૂજાદિની કામના ! 'આવો, આવો, આવો શેઠ !' કહે. ગર્વરસ ચાખે. એ સ્વાદ ચાખવાનો ય લોકોને રહી જાય છે ને ! એ ચાખવાની મઝા ય એવી ઓર જ આવે છે ને !

સદ્ગુરુ મળ્યા એ જ લાયકાત !

પ્રશ્નકર્તા : સદ્ગુરુ મળ્યા પછી સદ્ગુરુના આદેશ પ્રમાણે સાધના તો કરવી પડે ને ?

દાદાશ્રી : સાધના, એનો અંત હોય. છ મહિના કે બાર મહિના હોય. એમાં ચાલીસ-ચાલીસ વર્ષ ના જતાં રહે.

પ્રશ્નકર્તા : એ તો જેની જેવી લાયકાત.

દાદાશ્રી : લાયકાતની જરૂર જ નથી. જો સદ્ગુરુ મળ્યા તો લાયકાતની જરૂર નથી. અને સદ્ગુરુ નથી મળ્યા તો લાયકાતની જરૂર ! સદ્ગુરુ જો બી.એ. થયેલા હોય તો એટલી લાયકાત અને બી.એ.બી.ટી. થયા હોય તો તેટલી લાયકાત. આમાં આપણી લાયકાતની જરૂર જ ના હોય.

પ્રશ્નકર્તા : આ દુનિયાદારીની લાયકાત નહીં. પણ આની લાયકાત જુદી ને ?!

દાદાશ્રી : ના. સદ્ગુરુ મળ્યા એટલે કોઈ લાયકાતની જરૂર નથી. સદ્ગુરુ મળ્યા એ જ એની મોટી પુણ્યૈ કહેવાય.

પ્રશ્નકર્તા : પણ સદ્ગુરુ મળ્યા પછી કોઈ સાધના કરવાની જ નહીં ? માત્ર સદ્ગુરુથી જ થાય ?

દાદાશ્રી : ના, એ સાધન બધાં બતાવે એ જ કરવાનાં હોય પણ લાયકાતની જરૂર નહીં. લાયકાતવાળાને તો મનમાં એમ હોય કે 'હવે હું તો સમજું જ છું ને !' લાયકાત તો ઊલટી કેફ ચઢાવે. લાયકાત હોય તો ફેંકી દેવા જેવી નહીં, એ હોય તો સારી વાત છે. પણ આપણે એ સમજવું જોઈએ કે કેફ હોય તો કેફ કાઢી નાખવો જોઈએ. એ લાયકાત અને સદ્ગુરુને બેને ભેગાં થવામાં વચ્ચે કેફ નડે છે. અને લાયકાતવાળા અતડા રહે. અને પેલો ઓછી લાયકાતવાળો હોય ને, એ તો એમ જ કહે, 'સાહેબ, મારામાં તો અક્કલ નથી. હવે તમારે માથે પડ્યો છું. તમે ઉકેલ લાવી આપો.' તો પછી સદ્ગુરુ રાજી થઈ જાય. આટલું જ કહેવાની જરૂર છે. સદ્ગુરુ બીજું કશું માગતા નથી કે બીજી લાયકાતો ખોળતા નથી.

સદ્ગુરુને સર્વ સમર્પણ !

પ્રશ્નકર્તા : સદ્ગુરુની ભક્તિ એકલી જ હોવી જોઈએ, એ જ કહેવા માગો છો ને ?

દાદાશ્રી : અર્પણતા જોઈએ બધી.

પ્રશ્નકર્તા : સદ્ગુરુ પ્રત્યે પૂરેપૂરા સમર્પણભાવથી રહે તો ?

દાદાશ્રી : તો કામ થઈ જાય. સમર્પણભાવ હોય તો બધું કામ થઈ જાય. પછી કશું બાકી રહે જ નહીં. પણ મન-વચન-કાયાનું સમર્પણ જોઈએ.

પ્રશ્નકર્તા : એવું સમર્પણ તો કૃષ્ણ ભગવાન કે મહાવીર ભગવાનની કક્ષાના હોય તો જ એ સમર્થ કહેવાય ને ? કે પછી ગમે તે સાધારણને કરીએ તો ય ચાલે ?!

દાદાશ્રી : એ તો તમને આમ વિરાટ પુરુષ લાગે તો કરવું. તમને લાગે કે આ મહાન પુરુષ છે અને એમનાં કાર્યો બધાં એવાં વિરાટ લાગે, તો આપણે એમને સમર્પણ કરવું.

પ્રશ્નકર્તા : જે મહાન પુરુષો થઈ ગયા છે, હજારો વર્ષ પૂર્વે થઈ ગયેલા છે, એમને આપણે સમર્પણ કરીએ, તો એ સમર્પણ કરેલું કહેવાય ? અથવા એનાથી આપણો વિકાસ થાય ખરો ? કે પ્રત્યક્ષ મહાપુરુષ જ જોઈએ ?

દાદાશ્રી : પરોક્ષથી પણ વિકાસ થાય અને પ્રત્યક્ષ મળે તો તો તરત કલ્યાણ જ થઈ જાય. પરોક્ષ વિકાસનું ફળ આપે અને કલ્યાણ પ્રત્યક્ષ વગર નથી.

સમર્પણ કર્યા પછી આપણે કશું કરવાનું ના હોય. બાળક આપણે ત્યાં જન્મ્યો એટલે બાળકને કશું કરવાનું ના હોય, એમ સમર્પણ કર્યા પછી કશું આપણે કરવાનું ના હોય.

તમે જેને સમર્પણબુધ્ધિ કરો, તેનામાં જે તાકાત હોય એ આપણને પ્રાપ્ત થઈ જાય. સમર્પણ કર્યું એનું બધું આપણને પ્રાપ્ત થાય. જેમ એક ટાંકી જોડે બીજી ટાંકીને જરા પાઈપથી જોઈન્ટ કરીએ ને, તો એક ટાંકીમાં ગમે એટલો માલ ભરેલો હોય, પણ બીજી ટાંકીમાં લેવલ પકડી લે. એ સમર્પણ ભાવ એના જેવું કહેવાય.

જેનો મોક્ષ થયેલો હોય, જે પોતે મોક્ષનું દાન આપવા નીકળ્યા હોય, તે જ મોક્ષ આપી શકે. તે અમે મોક્ષનું દાન આપવા નીકળેલા છીએ. તે અમે મોક્ષ આપી શકીએ. બાકી કોઈ મોક્ષનું દાન આપી શકે નહીં.

પ્રશ્નકર્તા : શું સદ્ગુરુ એ રિલેટિવ નથી ?

દાદાશ્રી : સદ્ગુરુ એ રિલેટિવ છે, પણ સદ્ગુરુ જે જ્ઞાન આપે છે તે રિયલ છે. એ રિયલથી આત્મરંજન થાય. તે છેલ્લામાં છેલ્લો આનંદ ! રિયલ એટલે પરમેનન્ટ વસ્તુ અને રિલેટિવ એટલે ટેમ્પરરી વસ્તુઓ. રિલેટિવથી મનોરંજન થાય.

પ્રશ્નકર્તા : તો પછી સદ્ગુરુ એ મનોરંજનનું સાધન થયું ?

દાદાશ્રી : હાસ્તો ને ! સદ્ગુરુમાં જ્ઞાન હોય તો આત્મરંજનનું સાધન અને જ્ઞાન ના હોય તો મનોરંજનનું સાધન ! આત્મજ્ઞાની સદ્ગુરુ હોય તો આત્મરંજનનું સાધન. આત્મજ્ઞાની સદ્ગુરુ હોય ને, તો તે નિરંતર યાદ જ રહે, એ જ રિયલ અને નહીં તો સદ્ગુરુ યાદ જ ના આવે.

પ્રશ્નકર્તા : સાચા ગુરુને પોતાનું સર્વસ્વ સોંપી દેવું, તેનાથી સર્વ કાર્ય સિધ્ધ થાય છે. એ વ્યવહારમાં કેટલે અંશે સત્ય છે ?

દાદાશ્રી : આ તો વ્યવહારમાં તદ્દન સાચું છે. ગુરુને સોંપે તો એક અવતાર એનો સીધો જાય. કારણ કે ગુરુને સોંપ્યું એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલ્યો, તે પોતાને દુઃખ આવે નહીં.

પરિણામો, ગુરુકૃપા તણા....

પ્રશ્નકર્તા : ગુરુ અને ગુરુકૃપાની વાત કરીએ તો એવો પ્રશ્ન ઊભો થાય કે ગુરુકૃપા એ શું છે ? એમાં કંઈ તથ્ય છે કે કેમ ?!

દાદાશ્રી : જેટલી શક્તિઓ છે ને, એ બધામાં તથ્ય જ હોય છે, અતથ્ય નથી હોતું. એ બધી શક્તિ છે અને શક્તિઓ હંમેશાં અમુક વર્ષ ચાલે ને પછી ઓગળીને ખલાસ થઈ જાય.

પ્રશ્નકર્તા : ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે શિષ્યએ શું કરવું જોઈએ ?

દાદાશ્રી : શિષ્યે તો, કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુને રાજી રાખવાના, બીજું કંઈ નહીં. જે રસ્તે રાજી રહેતા હોય તે રસ્તે રાજી રાખવાના. રાજી કરે એટલે કૃપા હોય જ એમના પર. પણ કૃપા કેટલી પ્રાપ્ત થાય ? જેટલું ટાંકીમાં હોય, જેટલા ગેલન હોય એ ગેલનના પ્રમાણમાં આપણું થાય. કૃપાદ્રષ્ટિ એટલે શું ? પોતાના કહ્યા પ્રમાણે કરતો હોય એટલે એ રાજી રહે, એનું નામ કૃપાદ્રષ્ટિ. અને કહ્યાથી અવળું કરે એટલે ઈતરાજી થાય.

પ્રશ્નકર્તા : તો ગુરુની કૃપા બધા ઉપર હોય, કે એવું કંઈ નહીં ?

દાદાશ્રી : ના, એ તો કૃપા કેટલાંકની ઉપર ના ય હોય, એ આડું કરે તો ના ય હોય.

પ્રશ્નકર્તા : તો પછી એ ગુરુ કેમ કહેવાય ?! ગુરુની દ્રષ્ટિ તો બધાં ઉપર સરખી હોવી જોઈએ.

દાદાશ્રી : હા, સરખી હોવી જોઈએ. પણ એ માણસ ગુરુ જોડે આડું કરતો હોય તો શું કરે ?! એ તો જ્ઞાની હોય તો સરખું હોય. પણ આ ગુરુ હોય, તો જરાક તમે આડું કરો તો તમારી ઉપર આવડી ઊલટી કરી નાખે.

પ્રશ્નકર્તા : એકને કૃપા કરે ને એકને કૃપા ના કરે એવું ના બને. ગુરુ તો બધા પર સમાન કૃપા રાખે ને ?

દાદાશ્રી : ના. છતાં પણ મહીં છે તે પોતાનું ફળ પોતાને મળે છે. પોતે ઊંધું કરે તો ઊંધું જ ફળ મળે. જ્યારે જ્ઞાની પુરુષ તો વીતરાગ કહેવાય. એને તમે ધોલ મારો તો ય તમારી ઉપર એ સમાન દ્રષ્ટિ ના તોડે. પણ જે તમે નાખો, એક ગાળ દો તો સો ગાળ પાછી મળે, એક ફૂલ નાખો તો સો ફૂલ પાછાં મળે.

અહંકાર જાય કૃપાથી કે પુરુષાર્થથી ?

પ્રશ્નકર્તા : અહંકારથી મુક્ત થવા માટે સ્વપુરુષાર્થની જરૂર છે કે ગુરુની કૃપા જરૂરી છે ?

દાદાશ્રી : કૃપાની જરૂર છે. જેનો અહંકાર ગયેલો હોય એવા સદ્ગુરુની કૃપાની જરૂર છે, તો અહંકાર જાય. અહંકારનો નાશ કરવો એ ગુરુનું કામ નથી, ત્યાં તો જ્ઞાનીનું કામ છે ! ગુરુ એવું જ્ઞાન ક્યાંથી લાવે ?! એમને જ અહંકાર જાય નહીં ને ! જેની મમતા ગઈ નથી, એનો અહંકાર ક્યારે જાય તે ?! એ તો જ્ઞાની પુરુષ મળે અને જે જ્ઞાનીમાં બુધ્ધિનો છાંટો ના હોય ત્યારે ત્યાં એમની પાસે અહંકાર જાય.

પ્રશ્નકર્તા : સંચિત કર્મો ગુરુ દ્વારા કળિયુગમાં નષ્ટ પામે ?

દાદાશ્રી : ગુરુ દ્વારા તો નષ્ટ ના પામે. પણ જ્ઞાની પુરુષ હોવા જોઈએ, ભેદવિજ્ઞાની ! જેનામાં અહંકાર ના હોય, બુધ્ધિ ના હોય એવાં ભેદવિજ્ઞાની હોય તો કર્મો નાશ પામે. અને ગુરુ તો અહંકારી હોય તો ત્યાં સુધી કશું એવું ના થાય.

પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં ય એવું લખેલું છે કે ગુરુગમ્ય જ જાણવું.

દાદાશ્રી : હા, પણ ગુરુગમ્ય એટલે શું ? આત્મા દેખાય તો જ એ ગુરુગમ્ય કહેવાય. નહીં તો ગુરુગમ્ય તો બધા બહુ યે લઈને ફરે છે. આત્માનો અનુભવ કરાવડાવે તો ગુરુગમ્ય કામનું ! એ તો આગમ ને આગમથી ઉપર હોય, એવા જ્ઞાની પુરુષ મળે ત્યારે ગુરુગમ્ય પ્રાપ્ત થાય.


ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21