ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


સનેપાત, તો ય એ જ દ્રષ્ટિ !

જ્ઞાની પુરુષ કે ગુરુ કે કોઈને પૂજ્યા હોય, એ પછી જો કદી એમને સનેપાત થયો હોય ને, તો એ બચકાં ભરે, મારે, ગાળો ય ભાંડે, તો ય એમનો એક દોષ ના જોવાય. સનેપાત થઈ ગયો હોય તો, ગાળો ભાંડે તો, ત્યાં કેટલા માણસ ધીરજ પકડે એવી ?! એટલે સમજણ જ નથી એવી. એ તો છે એના એ જ છે પણ આ તો પ્રકૃતિનો ચેંજ છે. ગમે તેને ય, પ્રકૃતિ તો સનેપાત થતાં વાર ના લાગે ને ! કારણ કે આ શરીર શેનું બનેલું છે ? કફ, વાયુ ને પિત્તનું બનેલું છે. મહીં કફ, વાયુ ને પિત્તે જરા ઉછાળો માર્યો કે થઈ ગયો સનેપાત !

ગુરુ એ પાંચમી ઘાતી !

આજના આ પાંચમા આરાના જીવો બધા છે તે કેવા છે ? પૂર્વ વિરાધક જીવો છે. એટલે ગુરુમાં જો પ્રકૃતિના દોષે કરીને ભૂલચૂક થઈ જાય તો અવળું દેખે ને લોક વિરાધના કરી નાખે. તો ગુરુ કર્યા પછી જો વિરાધના કરવાના હો, તમારી નબળાઈ જ ઊભી થવાની હોય તો ગુરુ કરશો નહીં. નહીં તો ભયંકર દોષ છે. ગુરુ કર્યા પછી વિરાધના ના કરશો. ગમે તેવા ગુરુ હોય તો ઠેઠ સુધી એની આરાધનામાં જ રહેજો. આરાધના ના થાય તો વિરાધના તો અવશ્ય ના કરશો. કારણ કે ગુરુની ભૂલ જોવી એ પાંચમી ઘાતી છે. તેથી તો એવું શીખવાડે છે કે, 'ભઈ, જો ગુરુ એ પાંચમી ઘાતી છે. એટલે ગુરુની જો ભૂલ દેખાઈ તો તું માર્યો ગયો જાણજે.'

એક માણસ આવેલો કહે છે મને ગુરુએ કહેલું કે, જતો રહે અહીંથી, હવે અહીં અમારી પાસે આવીશ નહીં. ત્યારથી મને ત્યાં જવાનું મન નથી થતું.

ત્યારે મેં એને સમજણ પાડી કે ના જાય તો ય વાંધો નથી પણ છતાંય ગુરુની માફી માંગી લેજે ને ! માફી માગી લે એ અહીંથી, આ દુનિયાથી છૂટો થાય. મોંઢે તો માફી માગી લીધી. હવે મનથી માફી માગી લેવાની ને આ કાગળમાં જે લખી આપ્યું છે તે પ્રમાણે પ્રતિક્રમણ ઘેર કર્યા કરજો. તે પ્રતિક્રમણ વિધિ પછી લખી આપી.

તેં જે ગુરુ કર્યા છે, તેની નિંદામાં ના પડીશ. કારણ કે બીજું બધું ઉદયકર્મને આધીન છે. માણસ કશું કરી શકતો જ નથી. હવે વાંધો ના ઉઠાવવો તે ય ગુનો છે ! પણ વાંધો વીતરાગતાથી ઊઠાવવાનો છે, આવું એની પર ધૂળ ઉડાડીને નહીં. 'આમ ના હોવું ઘટે' કહેવાય, પણ ઉપલક ! કારણ કે તે તો ઉદયકર્મનાં આધીન છે. હવે એનો દોષ કાઢીને શું કાઢવાનું ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : પછી ગુરુનો જે ઉપકાર છે એને માનવો જોઈએ. કારણ કે એણે તમને આ બાઉન્ડ્રીની બહાર કાઢ્યા, એ ઉપકાર ભૂલશો નહીં. જે ગુરુ આટલો ગુણ કર્યો હોય, એમના ગુણ કેમ કરીને ભૂલાય ? માટે એમને ત્યાં જવું જોઈએ. અને ગુરુ તો રાખવા ને એક ગુરુ કર્યા પછી તે ગુરુ માટે જરાય ભાવ બગાડવો ના જોઈએ. એટલું સાચવવું જોઈએ, બસ.

અવળું પણ ન વિચારાય ગુરુનું

ગુરુ છે તે શિષ્યને જરાક કહે કે 'તારામાં અક્કલ નથી', તો શિષ્ય જતો રહે. અપમાન લાગે એટલે જતો રહે. ત્યાં તો એ સામો થઈ જાય કે તમારું મગજ તો ચાલતું નથી ને મારી જોડે ગુરુ થઈ બેઠા છો ? એવું કહે એટલે ઊલટું ખોટું થાય !

કાલે પગે લાગતો હોય ને આજે ઢેખાળા મારે છે ? પગે લાગ્યો છે તેને કદી ના મરાય. જો મારવાનો હોય તો ફરી પગે લાગીશ નહીં !

ગુરુ કહેશે, તમારે અગિયાર વાગે અહીંથી ક્યાંય જવાનું નહીં. પછી મહીં મન કૂદાકૂદ કરે તો યે નહીં જવાનું. એવાં કો'ક ખરા, મહીં ગુરુ ગમે તેમ વર્તે પણ એ આધીન રહે. પણ અત્યારના ગુરુનું આધીનપણું રહે છે, તેમાં તે ગુરુ પણ એટલા બધા કાચા ને નબળા છે કે શિષ્ય પછી કંટાળી જઈને કહેશે કે 'આ બરક્ત વગરના ગુરુ મળ્યા છે !' એવું એક જ ફેરો બોલે ને તે બધું કર્યું-કરાવ્યું દૂર થઈ જાય !

ગુરુનું કરેલું બધું, નવાણું વર્ષ સારૂ કર્યું હોય, તે ફક્ત છ મહિના અવળું કરે તો બધું શિષ્ય ઉડાડી મૂકે !

માટે ગુરુ પાસે જો કદી આધીન ના રહ્યો હોય તો ક્ષણવારમાં બધું ઉડાડી દે ! કારણ કે આ દારૂખાનું છે. આ બીજી બધી વસ્તુ દારુખાનું નથી. એ ગુરુ પાસે એકલી જ વસ્તુ દારુખાનું છે. બધું કર્યું હોય પણ તે દારુખાનું ભારે છે. માટે બહુ જાગ્રત રહેજે, ચેતતો રહેજે અને જો તણખું પડ્યું તો નવ્વાણું વર્ષનું કરેલું ધૂળધાણી ! અને દાઝી મરે તે જુદો !

ત્યાં ઉપાય કરવો રહ્યો !

એક માણસ મને કહે છે કે, 'એક મોટા સંત પુરુષ છે, એમને ત્યાં જઉં છું, એમના દર્શન કરું છું. છતાં હવે મને મનમાં એમના માટે ખરાબ વિચારો આવે છે.' મેં કહ્યું, 'શું વિચારો આવે છે ?' ત્યારે એ કહે છે, 'આ નાલાયક છે, દુરાચારી છે, એવા બધાં વિચારો આવે છે.' મેં કહ્યું, 'તને એવા વિચાર કરવાના ગમે છે ?' ત્યારે એ કહે છે, 'નથી ગમતું છતાં ય આવે છે. તો હવે શી રીતે બંધ થાય ?! એનો શું ઉપાય કરવો ?' તમે શું ઉપાય કરો ? આમાં દોષ કોનો ? ગુરુનો ?

પ્રશ્નકર્તા : જેને વિચાર આવતાં હોય એનો.

દાદાશ્રી : હા, એટલે મેં એને શું કહ્યું ? કે ''ભઈ, જો એવાં ખરાબ વિચાર આવે કે 'આ નાલાયક છે ને આવા ખરાબ છે', તો એ વિચારો આવે છે એ આપણા હાથના ખેલ નથી. તો ત્યારે તારે બોલવું કે બહુ ઉપકારી છે. મન 'ખરાબ છે' બોલ્યા કરે તો તારે 'બહુ ઉપકારી છે' એમ બોલવું. એટલે પ્લસ-માઈનસ થઈને ખલાસ થઈ જશે. એટલે આ ઉપાય બતાડું છું.''

ગુરુભક્તિ તો ખોજાઓની ?

તે વખતે તો મેં એ ખોજા લોકોનું જોયું કે બધા એક ગુરુને માનતા હતા, કહે છે સમર્થ ગુરુ છે મારા ! અને અમેરિકામાં જઈને એ ગુરુ પૈણ્યા એટલે એ લોકો નાલાયક છે, નાલાયક છે કહેવા માંડ્યા. બધા શિષ્યો સામા થઈ ગયા કે આવો ગુનો ન કરવો જોઈએ. અલ્યા, તમારા ગુરુને નાલાયક કહો છો ? તમે નમસ્કાર કોને કરતા હતા ?! ત્યારે મને કહે છે આવા ગુરુ નાલાયક ન કહેવાય ? મેં કહ્યું, 'આ ખોજાઓને પૂછી જુઓ. એમની વિશેષતા એ લાગી કે એમના ભક્તો બહુ ઊંચામાં ઊંચા લાગ્યા આખી દુનિયામાં. પેલાં ફોરેનની લેડી જોડે શાદી કરે છે, તોય એમનાં ભક્તો ઉજવણી કરે છે અને આપણે અહીંના કોઈ ગુરુ એની નાતમાં પૈણે તોય મારીને ઢેડફજેતો કરી મૂકે અને પેલાં તો ફોરેનવાળાને પૈણે છે તોય ઉજવણી કરે છે. એમના શિષ્યો તો કહેશે, ભઈ, એમને બધો અધિકાર જ છે, આપણાથી એ કેમ ના કહેવાય ? આપણે તો તરત ઉજવણી કરવી જોઈએ. તે અહીં એમનાં બધા ફોલોઅર્સ ખૂબ ખૂશ થઈ ગયા ! અહીં તો વરઘોડા કાઢ્યા લોકોએ ! ગુરુ કરે એ કરવાનું નહીં, આપણે ગુરુ કહે એ કરવાનું.

આખી દુનિયામાં ગુરુ કરતાં જો કોઇને આવડ્યા હોય તો આ ખોજા લોકોને ! તમારા ગુરુ જો પૈણ્યા હોય, અરે, પૈણ્યા ના હોય પણ કો'કમાં સળી કરી હોય તો ત્યાં તમે બધા એમને માર માર કરો. અને આ ખોજા લોકના ગુરુ તો પૈણ્યા એક યુરોપિયન લેડીને ! અને એ બધા લોકોએ ઉજવણી કરી કે આપણા ગુરુ એક યુરોપિયન લેડીને પૈણે છે ! એનું નામ શિષ્ય કહેવાય. ગુરુની ખોડ કાઢવાની ના હોય. બધાની ખોડ કાઢજો પણ ગુરુની ખોડ ના કાઢવાની હોય, એ તો બહુ મોટી જોખમદારી છે. નહીં તો ગુરુ કરશો જ નહીં.

હું ગુરુની આરાધના કરવાનું નથી કહેતો, પણ એમની વિરાધના કરશો નહીં. અને જો આરાધના કરે તો કામ જ થઇ જાય, પણ એ આરાધનાની શક્તિ એટલી બધી માણસને હોય નહીં. હું શું કહું છું કે ગાંડો ગુરુ કરજો, સાવ ગાંડો કરજો, પણ આખી જિંદગી એને 'સિન્સિયર' રહો તો તમારું કલ્યાણ થઇ જશે. તદ્ન ગાંડા ગુરુને 'સિન્સિયર' રહેવામાં તમારા બધા જ કષાયો ખલાસ થઇ જાય ! પણ એટલી સમજણ પડવી જોઇએ ને ! એટલી મતિ પહોંચવી જોઇએ ને ! તેથી તો તમારા માટે 'પથ્થર'નાં દેવ મૂક્યા કે આ પ્રજા આવી છે માટે પથ્થરના મૂકો એટલે ખોડ કાઢે નહીં. ત્યારે કહે, 'ના, પથ્થરમાં પણ ખોડ કાઢે છે કે આ આંગી બરાબર નથી !' આ પ્રજા તો બહુ વિચારશીલ ! બહુ વિચારશીલ, તે ગુરુનો દોષ કાઢે એવા છે ! પોતાના દોષ કાઢવાનાં તો ક્યાં ગયા, પણ ગુરુનો ય દોષ કાઢે ! એટલી બધી તો તેમની 'એલર્ટનેસ' !!

અમે 'ગેરેન્ટી' આપીએ છીએ કે કોઇ પણ ગાંડો ગુરુ કરો અને જો આખી જિંદગી એને નભાવો તો મોક્ષ ત્રણ અવતારમાં થાય એવું છે. ગુરુ પણ જીવતો હોવો જોઇએ. તેથી તો આ લોકોને એ ના પોષાયું ને મૂર્તિ મૂકવામાં આવી.

એટલે મારું શું કહેવાનું છે કે પોતાનું ડીસાઈડ કરેલું આવું ના તોડી નાખો. ગુરુ કરવા એ કંઈ જેવી તેવી વાત નથી. નહીં તો ગુરુ કરો તો બરાબર તપાસ કરીને કરો.

નહીં તો ઘડાને બનાવો ગુરુ !

પ્રશ્નકર્તા : પણ જ્યારે ગુરુ કર્યા હોય ને, ત્યારે એમને પૂરી સમજણ ના હોય.

દાદાશ્રી : અને આ સમજણનો કોથળો (!) થયો એટલે હવે ગુરુને નઠારો કહેવો ?! એના કરતાં આ ભીમ હતો ને, એ ભીમની રીત પકડવી. બીજા ચાર ભાઈઓની રીત ના પકડવી આપણે. કારણ કે કોઈ ગુરુ પાસે નમસ્કાર કરવાનું થાય એટલે ભીમને ટાઢ છૂટે, અપમાન જેવું લાગે. એટલે ભીમે શું વિચાર્યું ? કે 'આ ગુરુઓ મને પોષાતા નથી. આ બધા મારા ભાઈઓ બેસે છે એમને કશું થતું નથી અને હું તો જોઉં છું ને મારો અહંકાર કૂદાકૂદ કરે છે. મને ઊંધા વિચાર આવે છે. મારે ગુરુ તો કરવા જ જોઈએ. ગુરુ વગર મારી દશા શું થાય ?' એણે રસ્તો શોધી કાઢ્યો.

એક માટીનો ઘડો હતો, તે જમીનની અંદર ઊંધો દાટ્યો અને ઉપર કાળો રંગ કર્યો અને લાલ અક્ષરમાં લખ્યું કે 'નમો નેમીનાથાયઃ'. શ્યામ નેમીનાથ કાળા હતા, એટલે બ્લેક રંગ કર્યો ! અને પછી એની ભક્તિ કરી. હા, એ ગુરુ અને પોતે શિષ્ય !

અહીં આગળ ગુરુ પ્રત્યક્ષ આંખે દેખાય નહીં. અને પેલા પ્રત્યક્ષ આગળ એને શરમ આવતી હતી અને નમસ્કાર ના કરે અને અહીં ઘડો ઊંધો દાટીને દર્શન કર્યાં, એટલે ભક્તિ ચાલુ થઈ ગઈ, તો ય ફળ મળ્યા કરે. કારણ કે પોઈઝન થવાનું નહીં. અહીં યે જો ઉછાળો આવતો હોય ને, તો તમારું કલ્યાણ થઈ જાય !

એટલે સવાર થાય, સાંજ થાય કે ભીમ ત્યાં બેસી જાય. તે આ ગુરુ સારા કે કોઈ દહાડો રીસ તો ચઢે નહીં આપણને, ભાંજગડ તો નહીં. રીસ ચઢે ત્યારે ઘડો ઉખેડી નાખવો. અને પેલી મનુષ્યની ઉપર તો શ્રધ્ધા બેઠેલી, તે તો મારી જ નાખે. કારણ કે મહીં ભગવાન રહેલા છે. પેલા ઘડા પર તો ખાલી આરોપણ જ છે, આપણે ભગવાનનો આરોપ કર્યો છે.

પ્રશ્નકર્તા : ઘડાને ગુરુ કર્યા તો ય લાભ મળ્યો ?

દાદાશ્રી : લાભ થાય જ ને, પણ એને ! આમ સીધી રીતે ના કર્યું, પણ અવળી રીતે ય કર્યું ને ! નેમીનાથ ભગવાનને નમસ્કાર કર્યા ને ! ત્યારે એ તો એવું છે ને, અહીં આવડા આવડા નાના છોકરાં હોય છે, તેનાં માબાપ એમ કહે છે કે 'દાદાજીને જે' જે' કર.' પણ બાબો જે' જે' નથી કરતો. પછી જ્યારે બહુ કરેને, તો છેવટે આમ પાછળ રહીને, ફરીને જે' જે' કરે. એ શું સુચવે છે ? અહંકાર છે એ બધો ! એવી રીતે ભીમને પણ અહંકાર, એટલે આવી રીતે ઘડો કરીને પણ કરે છે. છતાં લાભ તો ચોક્કસ થાય છે એને. હા, પણ ખરેખરું ચાલ્યું ! તે દહાડે નેમીનાથ ભગવાન જીવતા હતા.

પ્રશ્નકર્તા : એટલે એ પ્રત્યક્ષ હતા !

દાદાશ્રી : હા, એ પ્રત્યક્ષ હતા.

પ્રશ્નકર્તા : એટલે સરવાળે તો એમને ભજ્યા.

દાદાશ્રી : હા, પણ એ નામથી ને સ્થાપનાથી ભજ્યા નેમીનાથ ભગવાનને !

પ્રશ્નકર્તા : પણ ઘડાને આપણે ગુરુ કરીએ, તો એ જડ પદાર્થ થઈ ગયો ને ?

દાદાશ્રી : એવું છે ને, આ દુનિયામાં જે આંખે દેખાય છે એ બધું ય જડ છે, એકુંય ચેતન દેખાતું નથી.

પ્રશ્નકર્તા : તમને કંઈ સવાલ પૂછીએ ને આપ જવાબ આપો છો, એવું ઘડો તો જવાબ ના જ આપે ને ?

દાદાશ્રી : ઘડો જવાબ ના આપે. પણ પેલા ગુરુ કરીને તમે જો ગુરુને રખડાવી મારવાના હો, પાછળ તમે બગાડવાના હો, તો ગુરુ ના કરશો અને તમે કાયમ પાંસરા રહેવાના હો, તો ગુરુ કરજો. હું તો સાચી સલાહ આપું. પછી જેમ કરવું હોય તેમ કરજો. અધવચ્ચે કાપી નાખો તો બહુ જોખમદારી છે. ગુરુનો અધવચ્ચે ઘાત કરવો, તેના કરતાં આત્મઘાત કરવો સારો.

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21