ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


ગુરુ બિન જરૂરી, એ વાત ખોટી !

પ્રશ્નકર્તા : કેટલાંક સંતો એવું કહે છે કે ગુરુ બનાવવાની જરૂર નથી.

દાદાશ્રી : 'ગુરુની જરૂર નથી' એવું કહેનારા એમની પોતાની વાત કરે છે. લોકો એ વાતને 'એક્સેપ્ટ' નહીં કરે. આખી દુનિયા ગુરુને 'એકસેપ્ટ' કરે છે. ખરાબ ગુરુ હોય એ તો વખતે બને. પણ 'ગુરુ' શબ્દ જ કાઢી નાખવો એ તો ચાલે જ નહીં ને !

પ્રશ્નકર્તા : ઘણા લોકો ગુરુ નથી બનાવતા.

દાદાશ્રી : ગુરુ બનાવતા નથી એવું હોતું જ નથી. આ લોકોએ ઉપદેશ આપવા માંડ્યો કે 'ગુરુ કરશો નહીં.' ત્યારથી જ આવું હિન્દુસ્તાનમાં થઈ ગયું છે. નહીં તો હિન્દુસ્તાન દેશ તો પહેલેથી જ ગુરુને માન્ય કરે કે ગમે તે એક ગુરુ પણ કરજે.

ઊંધું શીખવ્યું, તે ય ગુરુ !

પ્રશ્નકર્તા : ગુરુ હોય અગર ના હોય, એ બેમાં ફેર શું પડે ?!

દાદાશ્રી : ગુરુ ના હોય તો રસ્તે ચાલતા ચાલતા સાત રસ્તા આવ્યા તો તમે કયે રસ્તે જાવ ?

પ્રશ્નકર્તા : એ તો મન કબૂલ કરતું હોય એ રસ્તો પકડીએ.

દાદાશ્રી : ના, મન તો ભટકવાનું ખોળી કાઢીને કબૂલ કરે. એ કંઈ રસ્તો ના કહેવાય. એટલે પૂછવું પડે, ગુરુ કરવા પડે. ગુરુ કરીને પૂછવું પડે કે કયે રસ્તે મારે જવું ! એટલે ગુરુ વગર તો આ દુનિયામાં એક, આટલું ય, અહીંથી ત્યાં સુધી ય ના ચાલે.

સ્કૂલમાં માસ્તર રાખવા પડ્યા હતા કે ન્હોતા રાખવા પડ્યા ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જ્યાં જાવ ત્યાં માસ્તર જોઈએ જ. ક્યાં આગળ માસ્તરની જરૂર ના પડી એ મને કહો ?

પછી કોલેજમાં પ્રોફેસર જોઈએ કે ના જોઈએ ?

પ્રશ્નકર્તા : જોઈએ.

દાદાશ્રી : એટલે મનુષ્ય તરીકે જન્મ્યો ત્યારથી જ એને માથા પર ગુરુ જોઈશે. સ્કૂલમાં ગયો તો ય ગુરુ જોઈશે, કોલેજમાં ગયો તો ય ગુરુ જોઈશે. તેમાં ગુરુ પાછા જાતજાતના. મેટ્રિકમાં ભણતા હોય તેને મેટ્રિકનો ગુરુ જોઈએ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળો ગુરુ પાછો કામ ના લાગે. એટલે ગુરુ પણ જુદા જુદા હોય. દરેકને એક જ જાતના ગુરુ ના હોય. 'કયાં ભણે છે' તે ઉપર આધાર રાખે છે.

પછી પુસ્તક વાંચો છો, ત્યારે પુસ્તક એ તમારા ગુરુ ન્હોય ? પુસ્તક એ ગુરુ હોય ત્યારે જ વાંચે ને ? કંઈક શીખવાડતું હોય, કંઈ લાભ કરતું હોય ત્યારે જ વાંચે ને ?!

પ્રશ્નકર્તા : હા, બરોબર !

દાદાશ્રી : પુસ્તકો પાસે શીખો છો, એ પુસ્તકોનાં આધારે તમને લાભ થયો. કોઈ પુસ્તકે આપણને માર્ગદર્શન આપ્યું, તો એ ગુરુ કહેવાય. એટલે પુસ્તકે ય તમારો ગુરુ છે.

માસ્તર પાસે, પુસ્તક પાસે, માણસો પાસે તમે શીખો છો, એને ગુરુ જ કહેવાય. એટલે આખું ય જગત ગુરુ જ છે ને !

પ્રશ્નકર્તા : આજનું મનોવિજ્ઞાન કહે છે કે વ્યક્તિએ બહારનો આધાર છોડી પોતાના આધાર પર આવવું જોઈએ. બહારનો આધાર એ પછી ગમે તે હો, પણ જિજ્ઞાસુ તેનો આધાર પકડી પાંગળો બને છે.

દાદાશ્રી : બહારનો આધાર લઈને પાંગળો બને છે, એવું ના થવું જોઈએ. બહારનો આધાર છોડીને પોતાના આધાર પર જ રહેવાનું છે. પણ પોતાનો આધાર ના થાય ત્યાં સુધી બહારનો નૈમિત્તિક આધાર લેવાનો છે. નૈમિત્તિક ! કોઈ પુસ્તક નિમિત્ત સ્વરૂપે થઈ પડે છે કે નથી થઈ પડતું ? બધું નિમિત્તરૂપ નથી થઈ પડતું ? એટલે આ આજનું મનોવિજ્ઞાન જે કહેતું હોય આધાર છોડવાનું, તે અમુક પ્રમાણમાં એનો આધાર છોડી દેવાનો. પણ અમુક પ્રમાણમાં આધાર લેવો પડે, પુસ્તકનો લેવો પડે, બીજો આધાર લેવો પડે, ત્રીજો આધાર લેવો પડે.

એક સાહેબ કહે છે કે 'ગુરુ ના જોઈએ.' મેં કહ્યું, 'કોને ગુરુ ન્હોતા તે ? તે મને કહો. માએ જે સંસ્કાર આપ્યા તે ગુરુ ખરી ને ? 'આમ કરજે બાબા હં, જોજે, આમ જોજે.' એ ગુરુ નહીં ત્યારે બીજું કોણ ?'

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એટલે મધર પ્રથમ ગુરુ થાય કે 'બાબા, આ ચડ્ડી પહેરી લે, આમ છે, તેમ છે.' ત્યારે એ પણ પેલાએ શીખવું પડે. બા શીખવાડે. ચાલતાં શીખવાડે, બીજું શીખવાડે. કયાં અવતારમાં નથી ચાલ્યો ? અનંત અવતારમાં ચાલ્યો છે, પણ ફરી આ એનું એ જ શીખવાનું.

ઘરમાં વાઈફ ના હોય ને એકલા હોઈએ તો કઢી બનાવવી હોય તો ય કો'કને તો પૂછવું પડે કે મહીં શું શું નાખવાનું ! જેને જેને પૂછયું એ ગુરુ કહેવાય બધાં. એટલે ગુરુની તો જ્યાં ને ત્યાં ડગલે ને પગલે જરૂર જ હોય. ગુરુ તો દરેકમાં જોઈએ જ. અત્યારે આ કોર્ટમાં કામ પડે તો આ વકીલને જ ગુરુ કરે તો જ તમારું કામ ચાલે ને ?! એટલે જેમાં ને તેમાં, જ્યાં જઈએ ત્યાં ગુરુની જરૂર. વાત વાતમાં ગુરુની જરૂર !

પ્રશ્નકર્તા : એટલે ઠેઠ સુધી જવું હોય તો ય ગુરુ જોઈએ.

દાદાશ્રી : જ્યાં જવું હોય ત્યાં ગુરુ જોઈએ. આપણે અહીંથી ગાડી લઈને જતાં હોઈએ અને 'હાઈવે' ના રસ્તે જવું હોય તો કોઈને પૂછીએ ત્યારે એ લઈ જાય, નહીં તો ઊંધે રસ્તે જાય. એટલે સંસારની બાબતમાં ય ગુરુ જોઈએ અને નિશ્ચયની બાબતમાં ય ગુરુ જોઈએ. એટલે આ 'ગુરુ શું છે, શેને કહેવાય' એ સમજવાની જરૂર છે.

જ્યાંથી શીખ્યા, તે ય ગુરુ !

પ્રશ્નકર્તા : તો ધર્મની બાબતમાં ગુરુ એક જ કરવો કે બધે જ ગુરુ કરવા ?

દાદાશ્રી : એવું છે, કે શિષ્યભાવ બધે ય રાખવો. ખરી રીતે આખા જગતને ગુરુ કરવા જોઈએ. ઝાડ પાસે પણ જાણવાનું મળે. આ આંબાને આપણે શું કરીએ છીએ ? કેરી ખાવાને માટે એને ઝૂડીએ છીએ તો ય એ ફળ આપે છે, માર ખાઈને પણ ફળ આપે છે ! એટલો એમનો ગુણ જો આપણામાં આવી જાય તો કેટલું સરસ કામ થાય ! એ ય જીવ જ છે ને ! એ કંઈ ઓછું લાકડું છે ?!

પ્રશ્નકર્તા : દત્તાત્રયે અમુક પ્રાણીઓને પોતાના ગુરુ બનાવેલા, એ કયા અર્થમાં ?

દાદાશ્રી : એ તો દત્તાત્રય એકલા જ નહીં, બધા ય લોકો બનાવે છે. એકેએક માણસ પ્રાણીઓને ગુરુ બનાવે છે. પણ આ લોકો પ્રાણીઓને ગુરુ કહે નહીં અને દત્તાત્રયે પ્રાણીઓને ગુરુ કહ્યાં ! પ્રાણીને કો'ક મારે ને, એટલે એ નાસી જાય. એવું લોકો ય શીખેલા કે આપણને મારે એટલે નાસી જવું. એ પ્રાણી પાસેથી શીખેલા છે.

અને એ પ્રાણીઓ એકલા પાસે ગુરુ કહીને નિકાલ ના થાય, આખા જગતના જીવમાત્રને ગુરુ કરે તો જ છૂટકારો છે. આખા જગતના તમામ જીવોને ગુરુ કરે, જેની પાસેથી જે કંઈ જાણવાનું મળે તે સ્વીકાર કરે, તો મુક્તિ છે. બધા જીવમાત્રમાં ભગવાન રહેલા છે, એટલે ત્યાં બધેથી આપણે કંઈક સંપાદન કરીએ તો મુક્તિ છે.

તમને ગુરુની બાબતમાં સમજણ પડીને ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : તમારા અનુભવ એ પણ તમારા ગુરુ છે. જેટલો અનુભવ થયો એ તમને ઉપદેશ આપશે. અને જો અનુભવ ઉપદેશનું કારણ ન થતું હોય તો તે અનુભવ નથી. માટે આ બધા ગુરુ જ છે.

અરે, એક માણસ લંગડાતો હતો અને બીજો એક એની મશ્કરી કરીને હસ્યો. પછી થોડી વાર પછી એ મને ભેગો થયો. એ મને કહે છે કે આજે તો હું આ મશ્કરી કરીને હસ્યો. પણ એટલે હું જાગૃત થઈ ગયો કે અરે, આ તું આત્મા જુએ છે કે શું જુએ છે ?! મને આ જ્ઞાન આવ્યુ, તો ખરો ચેતી ગયો.

એટલે દરેક વસ્તુ ઉપદેશ આપે છે. હંમેશાં દરેક અનુભવ ઉપદેશ આપીને જ જાય. એક ફેરો સારી રીતે બેઠા હોય અને ગજવું કપાયું હોય એટલે પછી એ ઉપદેશ આપણી પાસે રહી જ જાય.

આ કૂતરામાંથી ય જાણવાનું મળે તો જાણી લેવું. એટલે આ કૂતરા પણ ગુરુ કહેવાય. આ કૂતરું છે, તે દોઢ કલાકથી બેસી રહ્યું હોય. પણ જો ખાવાનું આટલું બધું નાખીએ, તો ય એ ખવાય એટલું જ ખાય ને બીજું બધું રહેવા દઈને ચાલ્યું જાય. એ કંઈ પરિગ્રહ બાંધતું જાય નહીં, કે 'લાવ, હું આમ કરું.' એમની પાસેથી ય આપણને શીખવાનું મળે. એટલે દરેક વસ્તુ પાસેથી આપણને શીખવાનું મળતું હોય, તે બધાને આપણે ગુરુ માનીએ. કૂતરાને કંઈ ગુરુ થવું નથી. એને જો આપણે ગુરુ માનીએ તો એનો ઉપદેશ આપણને પરિણામ પામે. ખરી રીત જ આ છે !

આ ઠોકર પણ ગુરુ કહેવાય. ગુરુ સિવાય તો માણસ આગળ વધે જ કેવી રીતે તે ?! આપણને રસ્તે ચાલતાં ઠોકર વાગે તો ઠોકરને ય એમ થાય કે 'તું નીચે જોઈને ચાલતો હોય તો શું ખોટું ?' એટલે દરેક ગુરુ, જ્યાં ને ત્યાં બધાં મને ગુરુ લાગેલા. એ તો જ્યાંથી લાભ થયો હોય તેને ગુરુ માનવો. ઠોકરથી જો લાભ થયો તો આપણે ઠોકરને ગુરુ માનીએ. એ એટલે મેં તો આવી રીતે લાભ પ્રાપ્ત કરેલા છે બધા.

બાકી, ગુરુ ઉપર ચીઢ ના જોઈએ. ગુરુ ઉપરની ચીઢથી તો આજે જ્ઞાન અટક્યાં છે બધાં !!

ગુરુ-વિરોધી પૂર્વગ્રહથી ગ્રહાયેલા !

એટલે ગુરુ કર્યા વગર ચાલે એવું નથી. 'ગુરુ વગર ચાલે એવું છે' કહેનાર વિરોધાભાસમાં છે. આ દુનિયામાં કોઈ દહાડો ય ગુરુ કર્યા વગર કશું ચાલે એવું નથી, પછી એ ટેકનિકલ હો કે ગમે તે બાબત હો. 'ગુરુની જરૂર નથી' એ વાક્ય લખવા જેવું નથી. એટલે લોકોએ મને પૂછયું, 'આ કેટલાંક આવું કેમ કહે છે ?' મેં કહ્યું, જાણી-જોઈને નથી કહેતા, દોષપૂર્વક નથી કહેતા. પોતાને જે ગુરુ પ્રત્યેની ચીઢ છે, તે ગયા અવતારની ચીઢ આજે જાહેર કરે છે.

પ્રશ્નકર્તા : ગુરુની ચીઢ કેમ ચઢી હશે ?

દાદાશ્રી : આ જે જે લોકો એમ કહે છે કે 'ગુરુની જરૂર નથી' એ શેના જેવી વાત છે ? એક ફેરો નાનપણમાં હું દૂધપાક ખાતો હતો ને, તે ઊલટી થઈ ગઈ. હવે ઊલટી બીજા કારણોથી થઈ, દૂધપાકના કારણથી નહીં. પણ મને દૂધપાક ઉપર ચીઢ ચઢી ગઈ, ફરી દૂધપાક દેખું ને ગભરામણ થઈ જાય. એટલે પછી દૂધપાક મારે ઘેર કરે ત્યારે બાને કહું કે, 'મારે આ ગળ્યું ખાવાનું નહીં ફાવે, તો તમે શું આપશો ?' ત્યારે બા કહે છે, 'ભઈ, બાજરીનું મોળિયું છે. બીજું તું ઘી-ગોળ ખઉં તો આપું.' ત્યારે મેં કહ્યું કે, 'ના, મારે ઘી-ગોળ ના જોઈએ.' તો મધ આપે ત્યારે જ હું ખાઉં, પણ દૂધપાકને તો અડું જ નહીં. પછી બાએ મને સમજાવ્યો કે, 'ભઈ, સાસરીમાં જઈશ ત્યારે કહેશે કે શું એની માએ દૂધપાક નથી ખવડાવ્યો કોઈ દહાડો ? ત્યાં તને દૂધપાક મૂકશે ને તું નહીં ખાય તો ખરાબ દેખાય. માટે થોડું થોડું ખાવાનું શરુ કર.' આમ તેમ મને પટાવ પટાવ કર્યો. પણ કશું દહાડો વળે નહીં. એ ચીઢ પેસી ગઈ એ પેસી ગઈ. એવી આ ચીઢ પેસી ગઈ.

પ્રશ્નકર્તા : પણ ગુરુ પ્રત્યે કેમ ચીઢ પેસી ગઈ ?

દાદાશ્રી : એ તો ગયા અવતારે ગુરુઓ જોડે ભાંજગડ પડેલી, તે આજે એની ચીઢ ચઢે છે. દરેક જાતની ચીઢો પેસી જાય છે ને ! કેટલાંકને તો ગુરુ પ્રત્યે નહીં, ભગવાન પર ચીઢ હોય છે. તે એવી રીતે આ ગુરુની ના પાડે છે, જેમ પેલી ઊલટી બીજા કારણોને લઈને થઈ ને દૂધપાક પર ચીઢ પેસી ગઈ, એવું.

બાકી, 'ગુરુ વગર ચાલે' એવું કહેનારા આખી દુનિયાના વિરોધી છે. કારણ કે પોતાની ભૂલ બીજા ઉપર નાખવા ફરે છે. તમને કેમ લાગે છે વાત ?!

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : કોઈ ગુરુ જોડે અથડામણ આવી ગઈ હોય તે પછી મનમાં નક્કી થઈ જાય કે ગુરુ કરવા જેવા નથી. હવે પોતે ગુરુથી દાઝ્યા હોય તો પોતે ગુરુ ના કરે, પણ પોતાનો અનુભવ બીજા ઉપર ના મૂકાય. કોઈ ગુરુ જોડે મને કડવો અનુભવ થયો હોય તેથી મારે કહેવું ના જોઈએ કે બધાએ ગુરુ ના કરવા. પોતાનો પૂર્વગ્રહ પોતાની પાસે રહેવા દેવો જોઈએ. લોકોને આ વાત ના કહેવી જોઈએ. લોકોને ઉપદેશ ના આપી શકાય કે આમ ન કરાય. કારણ કે આખી દુનિયાને ગુરુ વગર તો ચાલે જ નહીં. કયાં રહીને નીકળવાનું એ ય પૂછવું પડે કે ના પૂછવું પડે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આ દુનિયામાં કોઈ માણસ એવો નથી નીકળ્યો કે જે ગુરુનો વિરોધી હોય. 'ગુરુ નહીં જોઈએ' એ શબ્દ કોઈ પણ માણસથી બોલાય જ નહીં. એટલે ગુરુ જોઈએ નહીં, એ બધી વિરોધાભાસી વાત કહેવાય. કોઈ એવું કહે કે 'ગુરુની જરૂર નથી' તો એ એક દ્રષ્ટિ છે, એનો દ્રષ્ટિરાગ છે.

એટલે વસ્તુ આટલી સમજવાની જરૂર છે કે આ જગતમાં ગુરુની તો જરૂર છે. ગુરુ પર ચીઢ ચઢાવવાની જરૂર નથી. ગુરુ શબ્દથી લોકો એટલા બધા ભડકી ગયા છે ! હવે એમાં મુખ્ય તત્ત્વને અને એને વાંધો શું ?!

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21