ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 

ઉત્થાપન, એ તો ભયંકર ગુનો !

ગુરુને ગુરુ તરીકે માનીશ નહીં અને માનું તો પછી પૂંઠ ફેરવીશ નહીં ત્યાં આગળ. તને એ ના ગમતું હોય તો લોટું મૂક ! લોટાનો વાંધો નહીં આવે. અને જે' જે' કર, ત્યાં પછી બુધ્ધિ કૂદાકૂદ ના કરે, તો એ તારું કામ કાઢી નાખે. હવે આટલું બધું કોને સાચવતાં આવડે ?! આ બધું શી રીતે સમજાય ?!

પ્રશ્નકર્તા : ગુરુ કરતી વખતે બહુ સારો લાગે, સદ્ગુણી લાગે કે આના જેવો કોઈ છે જ નહીં. પણ કર્યા પછી પોલ નીકળે ત્યારે શું કરવું ?

દાદાશ્રી : એના કરતાં તો સ્થાપન કરવું જ નહીં. લોટું ઘાલવું સારું, તે કોઈ દહાડો ઉખેડવું તો ના પડે. લોટાની ભાંજગડ જ નહીં ને ! આ લોટું કંઈ એટલું બધું કામ ના કરે, પણ હેલ્પ બહુ કરે.

પ્રશ્નકર્તા : ગુરુની સ્થાપના તો કરી દીધી, પણ બુધ્ધિ કંઈ એકદમ જતી રહેતી નથી, એટલે એને અવળું દેખાય. એને એ શું કરે ?

દાદાશ્રી : દેખાય, પણ સ્થાપના કરી માટે હવે અવળું ના થાય. સ્થાપના કરી એટલે બુધ્ધિને કહી દેવાનું કે, 'અહીં આગળ તારું ચલણ નહીં રહે. મારું ચલણ છે આ. અહીં તારી ને મારી બેની હરિફાઈ આવી છે હવે. હું છું ને તું છે.'

એક ફેરો સ્થાપન કર્યા પછી ઉખેડવું એ તો ભયંકર ગુનો છે. તેનાં દોષ બેઠા છે આ હિન્દુસ્તાનનાં લોકોને ! એને ગુરુની સ્થાપના જ કરતાં નથી આવડતી. આજે સ્થાપન, તો કાલે ઉખાડે છે. પણ આવું ના ચાલે. ગુરુ જે કંઈ કરતાં હોય, તેમાં તું શું કરવા માથાકૂટ કરે છે ?! સ્થાપના કર્યા પછી ?! એક ફેરો દિલ ઠર્યું એટલે 'મને વાંધો નથી' એમ કરીને તમે ગુરુ કર્યા. તો હવે ગુરુના વાંધા કાઢો છો ?! વાંધા કાઢનારા કોઈ દહાડો મોક્ષે ગયા નથી, પણ નર્કમાં ગયા છે.

પછી ગુરુ તો દોષ જ ના કઢાય !

એટલે કોઈ સારા ગુરુ ખોળી કાઢવા કે જે આપણા દિલને ગમે. એવા ગુરુ ખોળવા પડે. આપણા દિલને આનંદ થાય એવા ગુરુ જોઈએ. કાયમને માટે આપણું દિલ ઠરે એવું હોય, ક્યારેય પણ આપણું મન એમની પ્રત્યે બગડે નહીં ગુરુ કર્યા પછી, એવા હોય તો ગુરુ કરવા. હા, નહીં તો પછી પાછળથી એમની જોડે આપણને લઠ્ઠબાજી ઊડે. દિલ ઠર્યા પછી લઠ્ઠબાજી ઊડવાની થાય તો ય લઠ્ઠબાજી કરવી નહીં. એક ફેરો દિલ ઠરી ગયું અને પછી આપણે બુધ્ધિથી માપવા જઈએ કે 'આ ગુરુ આવા કેવા નીકળ્યા ?!' તો ના ચાલે. બુધ્ધિને કહી દેવું કે 'એ આવા નીકળે જ નહીં. આપણે જે એક ફેરો જોઈ લીધા તે જ આ ગુરુ !'

એટલે અમે શું કહ્યું ? કે તારી આંખમાં સમાય એવા હોય, તેને ગુરુ કરજે. અને પછી ગુરુ એક દહાડો તારી જોડે ચિડાઈ ગયા તો એ ના જોઈશ હવે. પેલા સમાયા હતા એવા જોયા હતા, એના એ જ દેખાવા જોઈએ. આપણે પાસ કર્યા ને ?! આ છોકરીઓ ધણીને પાસ કરે તે ઘડીએ જે રૂપ જોયું હોય, તે પછી બળિયા બાપજી નીકળે તો ય એને પેલું રૂપ યાદ રાખે પછી એ ! શું કરે ત્યારે ?! તો દહાડા નીકળે. નહીં તો દહાડા ના નીકળે. તેમ સ્વચ્છંદ કાઢવો હોય, તેણે ગુરુને એ રીતે જ જોયા કરવું. ગુરુની ભૂલ નહીં જોવી જોઈએ. ગુરુ કર્યા એટલે કર્યા, પછી એક પણ દોષ દેખાય નહીં એવી રીતે રહેજે. અને નહીં તો આપણે બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. એટલે ગુરુ આપણી આંખમાં સમાય એવા ખોળી કાઢી અને પછી એમના દોષ નહીં કાઢવાના. પણ લોક જાણતા નથી ને ગુરુ કરી બેસે છે.

ખરેખર તો ફળે શ્રધ્ધા જ....

પ્રશ્નકર્તા : ગુરુમાં આપણને શ્રધ્ધા હોય, પછી ગુરુમાં ગમે તે હોય, પણ આપણી શ્રધ્ધા હોય તો તે ફળે કે ના ફળે ?

દાદાશ્રી : આપણી શ્રધ્ધા ફળે, પણ ગુરુ પર અભાવ ના આવે તો આપણી શ્રધ્ધા ફળે. ગુરુ વખતે ગાંડું કાઢે તો ય અભાવ ના રહે તો આપણી શ્રધ્ધા ફળે.

પ્રશ્નકર્તા : એટલે આપણો જો ભાવ હોય તો ગુરુ કરતાં આપણે આગળ વધીએ ને ?

દાદાશ્રી : વધો, ચોક્કસ વધો ! પણ તમે તમારો ભાવ ના બગાડો તો. અને ગુરુની મહીં ભગવાન બેઠા છે જીવતા જાગતા. પેલા ભીમે લોટું મૂક્યું હતું તો ય ચાલ્યું હતું. તમારી શ્રધ્ધા જ કામ કરે છે ને ! માણસે ગુરુ કર્યો હોય અને એ ગુરુ જ્યારે કો'ક ફેરો જરાક વાંકું બોલે, એટલે માણસને પછી ભૂલ કાઢવાની ટેવ હોય ને, તો એ પડી જાય. જો તારામાં ગુરુને સાચવવાની શક્તિ હોય, તો ગુરુ ગમે તેવા ગાંડા કાઢે અગર તો ગુરુને સનેપાત થાય, તો ય સાચવે તો કામનું. પણ ઠેઠ સુધી નભાવતા જ નથી ને ! નભાવતા આવડતું જ નથી ને !!

પ્રશ્નકર્તા : અયોગ્ય પુરુષમાં પણ પૂર્ણ શ્રધ્ધાથી સ્થાપના કરી હોય, તો એ ફળ આપે કે નહીં ?

દાદાશ્રી : કેમ નહીં ?! પણ એ સ્થાપન કર્યા પછી આપણે ફરવું ના જોઈએ.

આ બધું શું છે ? તમને ખરી હકીકત કહું ? હું તમને ખુલ્લું કહી દઉં ? આ ગુરુ તો ફળ નથી આપતા, તમારી શ્રધ્ધા જ ફળ આપે છે. ગુરુ ગમે તે હશે, પણ આપણી દ્રષ્ટિ ફળ આપે છે. આ મૂર્તિ યે ફળ નથી આપતી, તમારી શ્રધ્ધા જ ફળ આપે છે ને જેવી જેવી તમારી સ્ટ્રોંગ શ્રધ્ધા, તેવું તરત ફળ !

એવું છે, આ જગતમાં શ્રધ્ધા આવે ને ઊડી જાય. એક જ્ઞાની પુરુષ એકલા જ એવા છે કે જે શ્રધ્ધાની જ મૂર્તિ, બધાંને શ્રધ્ધા આવી જાય. એમને દેખતાં, વાત કરતાં શ્રધ્ધા આવી જાય. જ્ઞાની પુરુષો શ્રધ્ધાની મૂર્તિ કહેવાય. એ તો કલ્યાણ કરી નાખે ! નહીં તો ય તમારી શ્રધ્ધા જ ફળ આપે છે.

શ્રધ્ધા રાખવી કે આવવી જોઈએ ?

પ્રશ્નકર્તા : મેં બધા ય ધર્મમાં મારી નજરે ચકાસણી કરી જોયું છે, પણ મને કયાંય શ્રધ્ધા ઉપજી નથી આજ સુધી એ હકીકત છે. એવું કેમ થતું હશે ? ત્યાં શું કરવું ?

દાદાશ્રી : પણ શ્રધ્ધા ઉપજે એવું સ્થાન જોઈએ ને ?! ત્યાં સુધી તો શ્રધ્ધા હિતકારી જગ્યા ઉપર કે અહિતકારી જગ્યા ઉપર બેસે છે એ જોઈ લેવાનું. આપણને હિતકારી પર શ્રધ્ધા બેસતી હોય, દ્રઢ થતી હોય તો વાંધો નહીં. બાકી, અહિતકારી પર શ્રધ્ધા ન બેસવી જોઈએ.

પ્રશ્નકર્તા : મને કોઈ પણ રીતે કોઈ પણ ધર્મ કે વ્યક્તિમાં શ્રધ્ધા ઉત્પન્ન થતી નથી. આનું કારણ શું ? કહેવાતા ઉચ્ચ કક્ષાના સંતોના સત્સંગમાં પણ શાંતિ નથી અનુભવાતી, તેમાં દોષ કોનો ?

દાદાશ્રી : જ્યાં સાચું સોનું માનીને આપણે ગયા ત્યારે ત્યાં રોલ્ડ ગોલ્ડ નીકળ્યું પછી શ્રધ્ધા જ ના બેસે ને ! પછી દૂધથી દાઝેલો માણસ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે !

પ્રશ્નકર્તા : શ્રધ્ધા તો ગુરુ પર રાખવી જોઈએ ને ?

દાદાશ્રી : ના. શ્રધ્ધા રાખવી પડે એવું નહીં, આવવી જોઈએ શ્રધ્ધા ! શ્રધ્ધા રાખવી પડે એ ગુનો છે. શ્રધ્ધા આપણને આવવી જોઈએ.

પ્રશ્નકર્તા : ગુરુ ઉપર શ્રધ્ધા રાખીએ, વધારે શ્રધ્ધા રાખીએ, તો એ શ્રધ્ધાથી આપણને વધારે પ્રાપ્ત થાય ને ?

દાદાશ્રી : પણ એવું છે ને, શ્રધ્ધા રાખેલી ના ચાલે. શ્રધ્ધા આપણને આવવી જોઈએ.

પ્રશ્નકર્તા : મોટા ભાગના લોકો પાસે જઈએ ત્યારે પહેલાં શું કહે છે કે 'તમે શ્રધ્ધા રાખો.'

દાદાશ્રી : ત્યારે હું શ્રધ્ધા રાખવાની ના કહું છું. શ્રધ્ધા રાખશો જ નહીં મારી પર બિલકુલે ય. શ્રધ્ધા કોઈ જગ્યાએ રાખવી નહીં. શ્રધ્ધા તો ફક્ત બસમાં બેસતી વખતે રાખવી, ગાડીમાં બેસતી વખતે રાખવી. પણ આ માણસો ઉપર શ્રધ્ધા બહુ ના રાખવી. શ્રધ્ધા તો આપણને આવવી જોઈએ.

પ્રશ્નકર્તા : કેમ ?

દાદાશ્રી : પાછળ ગુંદર હોય તો ટિકિટ ચોંટે ને ?! ગુંદર વગર ચોંટે ? હું પચ્ચીસ વર્ષનો હતો ત્યારે એક બાપજી પાસે ગયો હતો. એ મને કહે છે, 'એ તો ભઈ, શ્રધ્ધા રાખો તો તમને આ બધું સમજણ પડશે. તમે મારી પર શ્રધ્ધા રાખજો.' 'કેટલો વખત ?' ત્યારે કહે છે, 'છ મહિના.' મેં કહ્યું, 'સાહેબ, હમણે જ આવતી નથી ને ! એવો કોઈક ગુંદર ચોપડો કે જેથી કરીને ટિકિટ મારી ચોંટે, આ તો હું ચોંટાડું છું, શ્રધ્ધા ચોંટાડું છું ને ઉખડી જાય છે, શ્રધ્ધા ચોંટાડું છું ને ઉખડી જાય છે. તમે એવું કંઈક બોલો તો મને શ્રધ્ધા આવે.' તમને કેમ લાગે છે ? શ્રધ્ધા આવવી જોઈએ કે રાખવી જોઈએ ?

પ્રશ્નકર્તા : આવવી જોઈએ.

દાદાશ્રી : હા, આવવી જોઈએ. 'કંઈક બોલો તમે' એમ મેં કહ્યું. ત્યારે એ કહે છે, 'આવું તે હોતું હશે ?! શ્રધ્ધા રાખવી પડે. આ બધાં ય લોકો શ્રધ્ધા રાખે છે ને !' મેં કહ્યું, 'મને એવું નથી ફાવતું.' એમ ને એમ થૂંક લઈને ચોંટાડેલી શ્રધ્ધા કેટલા દહાડા રહે ?! એ તો ગુંદર જોઈએ, ઝપાટાબંધ ચોંટી જાય. જેથી કરીને ફરી ઉખડે જ નહીં ને ! કાગળીયું ફાટે, પણ એ ના ઉખડે. એવું જો કહે કે 'તમારો ગુંદર ઓછો છે.' તો આપણે કહેવું કે, 'ના. ગુંદર તમારે ચોપડવાનો, ટિકિટ મારી. આ તો તમે ગુંદર ચોપડતા નથી. અને એન્વેલપને ટિકિટ લગાડું છું ને, તે પેલો સીક્કો મારતા પહેલાં તો ટિકિટ નીચે પડી જાય છે અને પછી ત્યાં દંડ ભરવો પડે છે. તમે ટિકિટની પાછળ કશું લગાડો. ગુંદર થઈ રહ્યો હોય તો લહી લગાડો, તો ચોંટે !!' એટલે શ્રધ્ધા તો એનું નામ કે ચોંટાડી ચોંટે, પછી ઉખડે જ નહીં. ઉપર સીક્કો માર માર કરે તો સીક્કો થાકે, પણ એ ના ઉખડે.

ત્યાં શ્રધ્ધા આવી જ જાય !

પ્રશ્નકર્તા : શ્રધ્ધા આવવી એ કોના આધારે આવે ?

દાદાશ્રી : એના ચારિત્રના આધારે આવે. ચારિત્રબળ હોય ! જ્યાં વાણી, વર્તન અને વિનય મનોહર હોય ત્યાં શ્રધ્ધા બેસાડવાની જ ના હોય, શ્રધ્ધા બેસી જ જવી જોઈએ. હું તો લોકોને કહું છું ને, અહીં શ્રધ્ધા રાખશો જ નહીં, તો ય પણ શ્રધ્ધા ચોંટી જ જાય. અને બીજી જગ્યાએ ચોંટાડેલી શ્રધ્ધા 'આમ' કરીએ ને, તો ઉખડી જાય તરત. એટલે જ્યાં વાણી, વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ થાય એવાં હોય ત્યારે સાચી શ્રધ્ધા બેસે !

પ્રશ્નકર્તા : શ્રધ્ધા આવવા માટે મુખ્ય વસ્તુ વાણી છે ?

દાદાશ્રી : એ બોલે ને, તો તરત આપણને શ્રધ્ધા આવી જાય કે 'ઓહોહો, આ કેવી વાત કરે છે !' બોલ ઉપર શ્રધ્ધા બેસી જાય ને, તો તો કામ જ નીકળી ગયું. પછી એક ફેરો શ્રધ્ધા બેસે ને એક ફેરો ના બેસે એવું ના ચાલે. આપણે જ્યારે જઈએ ત્યારે એ બોલે તો આપણને શ્રધ્ધા આવી જાય. એની વાણી આમ ફર્સ્ટ ક્લાસ હોય. ભલે શામળા હોય અને શીળીનાં ચાઠાં હોય, પણ વાણી ફર્સ્ટ કલાસ બોલતા હોય તો આપણે જાણીએ કે અહીં શ્રધ્ધા ચોંટશે.

પ્રશ્નકર્તા : પછી, બીજું શું શું હોવું જોઈએ, શ્રધ્ધા આવવા માટે ?

દાદાશ્રી : પ્રભાવશીલ એવા હોય કે જોતાં જ દિલ ઠરી જાય. એટલે દેહકર્મી હોવાં જોઈએ. આપણે કહીએ કે ભલે બોલો નહીં, પણ એવું લાવણ્ય દેખાડો કે મને શ્રધ્ધા આવી જાય. પણ આ તો લાવણ્ય યે દેખાતું નથી, પછી શ્રધ્ધા ક્યાંથી આવે ?! એટલે તમે એવા દેહકર્મી હો તો હું તમારા તરફે આકર્ષાઈ જઉં. મને ઉમળકો જ આવતો નથી ને, તમારી પર. જો તમારું મોંઢું રૂપાળું હોત તો ય ઉમળકો આવત. પણ મોંઢાં ય રૂપાળાં નથી, શબ્દ પણ રૂપાળા નથી. એટલે નથી પ્રભાવશીલ કે નથી બોલતાં આવડતું. એવું ચાલે નહીં અહીં આગળ તો, અગર તો જ્ઞાન રૂપાળું હોય તો ય શ્રધ્ધા આવે. મારું તો જ્ઞાન રૂપાળું છે એટલે શ્રધ્ધા ચોંટે જ. છૂટકો જ નહીં ! અને બહાર તો શબ્દ રૂપાળા હોય તો ય ચાલે.

હવે બોલતાં ના આવડતું હોય તો ય આપણે ત્યાં બેસીએ ત્યારે મહીં મગજમાં ઠંડક થઈ જાય તો જાણવું કે અહીં આગળ શ્રધ્ધા રાખવા જેવી છે. જ્યારે જઈએ ત્યારે, અકળામણમાંથી ત્યાં જઈએ ત્યારે ઠંડક થઈ જાય ત્યારે જાણવું કે અહીં શ્રધ્ધા રાખવા જેવી છે. વાતાવરણ શુધ્ધ હોય એટલે જાણવું કે આ ચોખ્ખા માણસ છે, તો ત્યાં શ્રધ્ધા આવે.

ખોજક તો આવો ના હોય !

શ્રધ્ધા તો એવી બેસી જવી જોઈએ કે હથોડા મારીને ખસેડે તો ય ના ખસે એવી. બાકી જે શ્રધ્ધા બેસાડે તે ઊઠે, ઊઠેલી હોય તેને શ્રધ્ધા બેસાડવી પડે ને બેઠેલી હોય તેને ઊઠાડવી પડે. એવું આ બધું ઊઠ-બેસ, ઊઠ-બેસ થયા જ કરવાની જગતમાં. એક જગ્યાએ છ મહિના શ્રધ્ધા રહી, તો પેણે બીજી જગ્યાએ બે વરસ શ્રધ્ધા રહી, તો કોઈ જગ્યાએ પાંચ વર્ષ શ્રધ્ધા રહી, પણ ઊઠી જાય પાછી.

માટે શ્રધ્ધા તો આ જગતમાં રાખશો નહીં, જ્યાં રાખશો ત્યાં ફસાશો. શ્રધ્ધા એની મેળે આવે તો જ 'ત્યાં' બેસજો. શ્રધ્ધા આવવી જોઈએ. 'રાખેલી' શ્રધ્ધા કેટલા દહાડા ચોંટે ?!

એક શેઠ કહે છે, 'મને તો બાપજી પર બહુ શ્રધ્ધા છે.' મેં કહ્યું, 'તમને શા માટે શ્રધ્ધા છે ?! આવો શેઠ, આવો શેઠ કહીને બધાંની હાજરીમાં બોલાવે છે એટલે તમને શ્રધ્ધા બેસી જ જાય ને !' જે ખોજક માણસ હોય, તે આવી શ્રધ્ધા બેસાડે ? હું તો ખોજક હતો. મેં તો બાપજીને કહી દીધેલું કે, 'એવું કંઈક બોલો કે મને શ્રધ્ધા ચોંટી જાય. તમે સારું સારું બોલો છો કે આવો અંબાલાલભઈ, તમે મોટા કંટ્રાકટર છો, આમ છો, તેમ છો, એ મને ગમતું નથી. તમે મીઠું મીઠું બોલીને શ્રધ્ધા બેસાડો એ મિનિંગલેસ વાત છે. મને ગાળો ભાંડીને પણ એવું કંઈક બોલો કે મને શ્રધ્ધા બેસે.' બાકી, આ 'આવો પધારો' એમ કહે એટલે લોકોને શ્રધ્ધા ધીમે ધીમે બેસે, તેથી 'અહીં આપણને સારું છે' એમ એ કહે.

પ્રશ્નકર્તા : પણ ભણેલા-ગણેલા વિદ્વાન માણસો વાતને તરત સમજી જાય ને ?

દાદાશ્રી : હા, પણ બધાં ભણેલા માણસો તરત સમજી જાય કે આ બધું જૂઠું છે. જૂઠું કયાં સુધી ચલાવે છે લોકો ?!

આ તો શ્રધ્ધા બેસે એટલા માટે તો 'આવો ફલાણા શેઠ, આવો, આવો' કહેશે. પણ આ શેઠને બોલાવ બોલાવ કરે છે ને કેમ ફલાણાભાઈને બોલાવતા નથી ? મનમાં જાણે કે 'આ શેઠ કો'ક દહાડો કામના છે.' કંઈક ચશ્મા મંગાવવાના હશે, કંઈ જોઈતું હશે તો કામના છે. હવે એ શેઠ આમ તો કાળાબજાર કરતા હોય, તે બાપજી જાણે. પણ એ મનમાં સમજે કે 'આપણે શું ? કાળાબજાર કરે, તો એ ભોગવશે. પણ આપણે ચશ્મા મંગાવવાના ને !' અને શેઠ શું સમજે ? કે 'કશો ય વાંધો નહીં. જુઓને, બાપજી માન આપે છે ને, હજુ ! આપણે કંઈ બગડી ગયા નથી.' એ ક્યારે બગડી ગયા માને ? કે બાપજી કહેશે, 'એય, તમે આવા ધંધા કરતા હો તો અહીં આવશો નહીં.' ત્યારે મનમાં એમ થાય કે ધંધો બદલવો પડશે, આ તો બાપજી પેસવા નથી દેતા. 'આવો, આવો' કહીને બેસાડેલી શ્રધ્ધા ચોંટતી હશે ?! એવી શ્રધ્ધા કેટલા દહાડા રહે ? છ-બાર મહિના રહે, ને પછી ઉતરી જાય.

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21