ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 

આપે શિષ્યો બનાવ્યા કે નહીં ?

પ્રશ્નકર્તા : દાદાએ કોઈને શિષ્ય બનાવ્યા છે ?

દાદાશ્રી : હું આખી દુનિયાનો શિષ્ય થઈને બેઠો છું. શિષ્યોનો ય શિષ્ય હું છું. મારે શિષ્યોને શું કરવા છે ?! એ પાછું ક્યાં વળગાડું આ બધાંને ?! આમ તો પચાસ હજાર માણસો મારી પાછળ ફરે છે. પણ હું આ બધાંનો શિષ્ય છું.

'આપ' ગુરુ છો કે નહીં ?

પ્રશ્નકર્તા : તો આપ ગુરુ નહીં ?

દાદાશ્રી : ના, હું તો આખા જગતનો શિષ્ય છું. હું શું કરવા ગુરુ થઉં ?!

પ્રશ્નકર્તા : ધારો કે આજથી તમને સાચા ગુરુ માનીએ અને સમર્પણ કરી દઈએ તો ?

દાદાશ્રી : પણ હું તો ગુરુ થવા નવરો જ નથી. હું તો તમને અહીં જે જ્ઞાન આપું, એ જ્ઞાનમાં જ રહીને તમે તમારે મોક્ષે ચાલ્યા જાવ ને, અહીંથી. ગુરુ કરવાને ક્યાં બેસી રહેશો ?! મને ગુરુ માનવાની જરૂર નથી. હું ગુરુપદ સ્થાપન નહીં થવા દઉં. તમને બીજું બધું ઠેઠ સુધીનું બતાડી દઈશ. પછી વાંધો ખરો ?!

હું કોઈનો ગુરુ થતો નથી. મારે ગુરુ થઈને શું કામ છે ? હું તો જ્ઞાની પુરુષ છું. જ્ઞાની પુરુષ એટલે શું ? ઓબ્ઝર્વેટરી કહેવાય ! જે જાણવું હોય તે જણાય ત્યાં આગળ !! સમજ પડીને ?

પ્રશ્નકર્તા : જ્ઞાની, ગુરુ ના હોઈ શકે ?

દાદાશ્રી : જ્ઞાની કોઈના ગુરુ ના થાય ને ! અમે તો લઘુતમ હોઈએ ! હું શી રીતે ગુરુ થાઉં ? કારણ કે બુધ્ધિ મારામાં બિલકુલ છે નહીં. અને ગુરુ થવું એટલે તો બુધ્ધિ જોઈએ. ગુરુમાં બુધ્ધિ જોઈએ કે ના જોઈએ ? અને અમે તો અમારા પુસ્તકમાં લખ્યું છે કે અમે અબુધ છીએ. આ જગતમાં કોઈએ પોતાની જાતને અબુધ લખ્યું નથી. આ અમે એકલાએ જ પહેલું લખ્યું કે અમે અબુધ છીએ. અને ખરેખર અબુધ થઈને બેઠા છીએ ! અમારામાં જરાય બુધ્ધિ ના મળે. બુધ્ધિ વગર ચાલે છે ને, અમારું ગાડું !!

એ રીતે આ બધાં ગુરુ !

કંઈ ન્યાય લાગે છે આપને ?! 'હું આ બધાંનો શિષ્ય છું' એમ કહું છું તેમાં, કંઈ ન્યાય લાગે છે ?

પ્રશ્નકર્તા : આ બધા કઈ રીતે તમારા ગુરુ ?

દાદાશ્રી : આ બધા મારા ગુરુઓ ! કારણ કે એમની પાસે જે કંઈ પ્રાપ્તિ હોય તે હું તરત જ સ્વીકારી લઉં છું. પણ એ જાણે કે અમે દાદા પાસે લઈએ છીએ. આ પચાસ હજાર લોકોને જ નહીં, પણ આખા વર્લ્ડના જીવમાત્રને હું ગુરુ તરીકે માનું છું, આખા જગતને હું ગુરુ તરીકે માનું છું. કારણ કે જ્યાં કંઈ પણ સત્ય હોય, એક કૂતરું જતું હોય ત્યાં કૂતરાનું સત્ય પણ સ્વીકારી લઉં. આપણા કરતા વિશેષતા હોય એ સ્વીકારી લઉં ! તમને સમજાયું ને ?

પ્રશ્નકર્તા : એટલે જ્યાંથી કંઈ પણ પ્રાપ્તિ થાય એ આપણા ગુરુ, એમ ?

દાદાશ્રી : હા. એ રીતે બધા જ મારા ગુરુ ! એટલે મેં તો આખા જગતના જીવમાત્રને ગુરુ કર્યા છે. ગુરુ તો કરવાં જ પડશે ને ?! કારણ કે જ્ઞાન બધા લોકોની પાસે છે. પ્રભુ કંઈ જાતે અહીં આવતા નથી. એ એવા નવરા કંઈ નથી કે તમારા માટે અહીં ધક્કા ખાય.

'આ' સિવાય ન બીજું કોઈ સ્વરૂપ !

પ્રશ્નકર્તા : આમાં આપ આપને કઈ કોટીમાં માનો છો ?

દાદાશ્રી : હું મારી જાતને આખા જગતનો શિષ્ય માનું છું અને લઘુતમ સ્વરૂપ છું. આ સિવાય મારું બીજું કોઈ સ્વરૂપ નથી. અને 'દાદા ભગવાન' એ ભગવાન છે, અંદર પ્રગટ થયા છે તે !

દિશા બદલવાની જ જરૂર !

પ્રશ્નકર્તા : અત્યારે ભારતમાં આપની કક્ષાની બીજી વિભૂતિઓ ખરી ?

દાદાશ્રી : મને શી રીતે ખબર પડે ?! એ તો તમે તપાસ કરો છો, તો તમને ખબર પડે. હું તપાસ કરવા નથી ગયો.

પ્રશ્નકર્તા : આપ શિખર પર છો, એટલે દેખાય ને ?

દાદાશ્રી : પણ હું જે શિખર પર છું, એનાથી બીજાં કોઈ શિખર મોટા હોય તો મને શું ખબર પડે ? દરેક શિખર પર ગયેલાઓએ કહેલું શું ? કે હું જ છેલ્લા શિખર પર છું. પણ મેં એવું નથી કહ્યું.

પ્રશ્નકર્તા : આપનાથી નાના શિખરો હોય તે બધાં દેખાય ને ?

દાદાશ્રી : નાના દેખાય પણ તે નાના ગણાતાં નથી. વસ્તુ તો એક જ ને ! કારણ કે હું જે શિખર ઉપર છું ને, ત્યાં લઘુતમ થઈને બેઠેલો છું, વ્યવહારમાં ! જેને વ્યવહાર કહે છે ને, જ્યાં લોકો ગુરુતમ થવા ગયેલા, ત્યાં હું લઘુતમ થયેલો છું. જ્યારે લોકોને, ગુરુતમ થવા ગયેલા તેનો બદલો શું મળે ?! લઘુ થયા. મારે વ્યવહારમાં લઘુતમ થયું માટે નિશ્ચયમાં ગુરુતમ થઈ ગયું !

આ વર્લ્ડમાં ય કોઈ મારાથી લઘુ નથી એવો લઘુતમ પુરુષ છું. જો નાનો થાય તો તો એ બહુ મોટો, ભગવાન થઈ જાય. છતાં ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઊલટી શરમ લાગે છે. આપણને એ પદ જોઈતું નથી. શેને માટે એ પદ જોઈએ ?! અને આવા કાળમાં એ પદ પ્રાપ્ત કરાય ? આવા કાળમાં ગમે તેવાં માણસો ભગવાન પદ લઈ બેઠા છે. એટલે દુરૂપયોગ થાય ઊલટો. આપણે એ પદને શું કરવું છે ?! હું જ્ઞાની છું એ પદ ઓછું છે ? અને આખા જગતના શિષ્યરૂપે જ્ઞાની છું ! લઘુતમ પુરુષ છું !! પછી આથી મોટું પદ કયું ? લઘુતમ પદથી ક્યારે ય પડી ના જવાય એવું મોટું પદ !!

અને જગતનો શિષ્ય થશે ને, તે ગુરુતમ થશે ! રસ્તો જ આ છે, હા !! આ વાક્ય દિશા બદલવાનું કહે છે. તમે જે ગુરુતમ અહંકાર કરતા ફરો છો, એટલે શું કે 'હું આમ આગળ વધું અને આગળ મોટો કેમ થઉં' એવો તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ ગુરુતમ અહંકાર કહેવાય. એને બદલે 'હું કેમ નાનો થઉં' એમ લઘુતમ અહંકારમાં જશો તો જ્ઞાન જબરજસ્ત પ્રગટ થશે !! ગુરુતમ અહંકાર હંમેશાં જ્ઞાનને આવરણ લાવે છે અને લઘુતમ અહંકાર જ્ઞાન પ્રગટ કરે છે.

એટલે કોઈએ કહ્યું કે, 'સાહેબ, તમે તો બહુ મોટા માણસ !' મેં કહ્યું, 'ભઈ, તું મને ઓળખતો નથી. મારી મોટાઈને ઓળખતો નથી. તું ગાળ દઉં ત્યારે ખબર પડે કે મારી મોટાઈ છે કે નહીં તે !' ગાળ ભાંડે એટલે પોલીસવાળાનો સ્વભાવ દેખાઈ જાય કે ના દેખાઈ જાય ? ત્યાં 'તું શું સમજે છે ?' એવું કહે તો સમજવું કે આવ્યો પોલીસવાળો ! પોલીસવાળાનો સ્વભાવ મારામાં દેખાય તો જાણવું કે મારી મોટાઈ છે અને પોલીસવાળાનો સ્વભાવ ના દેખાય તો 'હું લઘુતમ છું' એ ખાતરી થઈ ગઈને !

એટલે અમને કોઈ ગાળ ભાંડે તો અમે કહીએ કે ભઈ, જો તારી ગાળ છે, તે અમને સ્પર્શ કરતી નથી. એથી ય અમે નાના છીએ. માટે તું એવું કંઈ ખોળી કાઢ, અમને સ્પર્શ કરે એવી ગાળ બોલ. તું અમને 'ગધેડો છે' કહીશ, તેથી તો બહુ નાના છીએ અમે. તો તારું મોઢું દુખશે. અમને ગાળ અડે એવી જગ્યા અમારી ખોળી કાઢ. અમારી લઘુતમ જગ્યા છે !

જગતના શિષ્યને જ જગત સ્વીકારશે !

એટલે 'આ' તો કોણ છે ? લઘુતમ પુરુષ ! લઘુતમ પુરુષનાં દર્શન ક્યાંથી હોય ?! આવાં દર્શન જ ના હોય ને ! વર્લ્ડમાં એક માણસ ખોળી લાવો કે જે લઘુતમ હોય અને આ પચાસ હજાર માણસો હશે, પણ આ બધાંના શિષ્યો છીએ અમે. આપને સમજાયું ને ? હું પોતે શિષ્ય કરતો જ નથી. આ મેં શિષ્ય નથી કર્યા.

પ્રશ્નકર્તા : તો આપની પાછળ શું થાય પછી ? કોઈ શિષ્ય ના હોય તો પછીથી શું થાય ?

દાદાશ્રી : કશી જરૂર જ નથી ને ! અમારે શિષ્ય એકુંય નથી. પણ રડનારા બહુ છે. ઓછામાં ઓછું ચાલીસ-પચાસ હજાર માણસ રડનારું છે.

પ્રશ્નકર્તા : પણ આપના પછી કોણ ?

દાદાશ્રી : એ તો 'વખત' તે ઘડીએ બતાવશે કે પછી કોણ છે તે ! હું તો કંઈ જાણતો નથી અને એવું આ વિચારવા માટે નવરો ય નથી.

પ્રશ્નકર્તા : આપ કહો છો કે મારી પાછળ ચાલીસ-પચાસ હજાર રડનારા હશે, પણ શિષ્ય એકુંય નહીં. એટલે તમે શું કહેવા માગો છો ?

દાદાશ્રી : મારો શિષ્ય કોઈ નથી. આ કંઈ ગાદી નથી. ગાદી હોય તો વારસદાર થાય ને ! આ ગાદી હોય તો લોક વારસદાર થવા આવે ને ! અહીં તો જેનું ચાલે તેનું જ ચાલશે. જે બધાનો, આખા જગતનો શિષ્ય થશે, તેનું કામ થશે ! અહીં તો લોક જેને 'એક્સેપ્ટ' કરશે, તેનું ચાલશે !!

એવું આ અક્રમ વિજ્ઞાન !

આ ગુરુનો માર્ગ ન્હોય ! આ કોઈ ધર્મ નથી કે કોઈ વાડો નથી. હું તો કોઈનો ય ગુરુ થયો નથી, થવાનો ય નથી. લક્ષણ જ મારા ગુરુ થવાનાં નથી. જે પદમાં હું બેઠો છું એ પદમાં તમને બેસાડું છું, ગુરુપદ-શિષ્યપદ મેં રાખ્યું નથી. નહીં તો બધે તો લગામ પોતાની પાસે રાખે. જગતનો નિયમ કેવો ? લગામ છોડી ના દે. પણ અહીં તો એવું નથી. અહીં તો અમે જે પદમાં બેઠા છીએ તે પદમાં તમને બેસાડું છું ! આપણે જુદાઈ નથી. તમારામાં ને મારામાં કોઈ જુદાઈ નથી. તમને જરા જુદાઈ લાગે. મને જુદાઈ ના લાગે. કારણ કે તમારામાં હું જ બેઠેલો છું, એમનામાં ય હું બેઠેલો છું. પછી મારે જુદાઈ ક્યાં રહી તે ?!

અને અહીં તો ગુરુપૂર્ણિમા હોય જ નહીં ખરી રીતે ! આ તો ગુરુપૂર્ણિમા ઉજવે છે એટલું જ છે, એક દર્શન કરવાનાં નિમિત્તે ! બાકી અહીં ગુરુપૂર્ણિમા ના હોય. આ 'ગુરુ' ય ન્હોય ને 'પૂર્ણિમા' ય ન્હોય ! આ તો લઘુતમ પદ છે !! અહીં તો તમારું જ સ્વરૂપ છે આ બધું, આ અભેદ સ્વરૂપ છે !

આપણે જુદા છીએ જ નહીં ને ! ગુરુ થાય તો તમે ને હું - શિષ્ય ને ગુરુ બે ભેદ પડ્યા. પણ અહીં ગુરુ-શિષ્ય કહેવાતું જ નથી ને ! અહીં ગુરુ ય નથી ને શિષ્ય ય નથી. અહીં ગુરુ-શિષ્યનો રિવાજ જ નથી. કારણ કે આ તો અક્રમ વિજ્ઞાન છે !!!

- જય સચ્ચિદાનંદ

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21