ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 

 

ધર્મની શી દશા આજે !

પાછાં ફી રાખે છે બધાં, જાણે નાટક હોય એવું ! નાટકમાં ફી રાખે એવી પાછાં ફી રાખે છે. મહીં સેકડે પાંચ ટકા સારા ય હોય છે. બાકી તો સોનાના ભાવ વધી ગયા એવા આ 'એમના' ય ભાવ વધી જાયને ?! તેથી મારે પુસ્તકમાં લખવું પડ્યું કે જ્યાં પૈસાની લેવડદેવડ છે ત્યાં ભગવાન નથી અને ધર્મે ય નથી. જ્યાં પૈસાની લેવડદેવડ નથી, વેપારી બાજુ જ નથી, ત્યાં ભગવાન છે ! પૈસો, લેવડદેવડ એ વેપારી બાજુ કહેવાય.

બધે ય પૈસા, જ્યાં જાવ ત્યાં પૈસા, જ્યાં જાવ ત્યાં પૈસા ! બધે ફી, ફી ને ફી છે !!! હા, ત્યારે ગરીબોએ શો ગુનો કર્યો બિચારાએ ? અને ફી રાખો તો ગરીબને માટે એમ કહો કે, 'ભઈ, ગરીબની પાસે ચાર આના લઈશું, બહુ થઈ ગયું.' તો તો ગરીબથી ય ત્યાં જવાય. આ તો શ્રીમંતો જ લાભ લે. બાકી, જ્યાં ફી આવે ત્યાં કશો ધર્મ જ નથી. અમારે અહીં પૈસો ય લેવાનો નહીં. અહીં ફી રાખી હોય તો શી દશા થાય ? એક ફેરો 'જ્ઞાન' લેવા માટે તો તમે ખર્ચી નાખો, પણ પછી કહેશો, 'જ્ઞાન મજબૂત રીતે પાળીશું પણ હવે ફરી ફી ના આપીએ.'

આ તો આપણે કોઈનું નામ લેવું એ ખોટું કહેવાય. આ તો તમને રૂપરેખા આપું છું કે આ ધર્મની શી દશા થઈ છે અત્યારે. ગુરુ જે વેપારી તરીકે થઈ બેઠા છે એ બધું ખોટું. જયાં પ્રેક્ટિશ્નર હોય છે, ફી રાખે છે, કે 'આજે આઠ-દશ રૂપિયા ફી છે, કાલે વીસ રૂપિયા ફી છે' તો એ બધું નકામું.

જ્યાં પૈસાનો વેપાર છે ત્યાં ગુરુ ના કહેવાય. જ્યાં ટિકિટો છે, એ તો બધું રામલીલા કહેવાય. પણ લોકોને હમણે ભાન નથી રહ્યું, એટલે બિચારાં ટિકિટવાળાને ત્યાં જ પેસે છે. કારણ કે ત્યાં આગળ જૂઠું છે ને આ પોતે પણ જૂઠો છે, એટલે બન્ને એડજસ્ટ થઈ જાય છે ! એટલે સાવ જૂઠું ને સાવ પોલમ્પોલ ચાલી રહ્યું છે તદ્દન.

આ તો પાછાં કહેશે, 'હું નિસ્પૃહ છું, હું નિસ્પૃહ છું.' અરે, એ ગા ગા શું કરવા કરે છે તે ?! તું નિસ્પૃહી છે, તો તારી પર કોઈ શંકા રાખનાર નથી અને તું સ્પૃહાવાળો છો, તો તું ગમે એટલું કહીશ તો ય તારી પર શંકા કર્યા વગર છોડવાના નથી. કારણ કે તારી સ્પૃહા જ કહી આપશે, તારી દાનત જ કહી આપશે.

આમાં ખામી ક્યાં ?

આ તો બધાં ભીખને માટે નીકળેલા છે. એમનું પેટ ભરવા નીકળ્યા છે, સહુ સહુનું પેટ ભરવા માટે નીકળ્યા છે. અગર તો પેટ ના ભરવાનું હોય તો કીર્તિ કાઢવી હોય. કીર્તિની ભીખ, લક્ષ્મીની ભીખ, માનની ભીખ ! જો ભીખ વગરનો માણસ હોય તો એની પાસે જે માગો તે પ્રાપ્ત થાય. ભીખવાળા પાસે આપણે જઈએ તો એ પોતે ય સુધરેલો ના હોય ને આપણને ય સુધારે નહીં. કારણ કે દુકાનો ચાલુ કરી છે લોકોએ અને આ ઘરાકો મળી આવે છે નિરાંતે !

એક જણ મને કહે છે કે, 'એમાં દુકાનદારનો દોષ કે ઘરાકનો દોષ ?' મેં કહ્યું, ઘરાકનો દોષ ! દુકાનદાર તો ગમે તે એક દુકાન કાઢીને બેસે. આપણે ના સમજીએ ? આટલો લોટ ટાંકણીમાં ચોપડીને ઘાલે છે અને પેલો મચ્છીમાર એને તળાવમાં નાખે છે, તેમાં મચ્છીમારનો દોષ કે એ ખાનારનો દોષ ? જેને આ લાલચ છે તેનો દોષ છે કે મચ્છીમારનો ? જે પકડાય એનો દોષ ! આ આપણા માણસો બધા પકડાયા જ છે ને, આ બધા ગુરુઓથી.

લોકોને પૂજાવું છે એટલા માટે વાડા ઊભા કરી દીધા. આમાં આ ઘરાકોનો બધો ય દોષ નથી બિચારાનો. આ દલાલોનો દોષ છે. આ દલાલોનું પેટ ભરાતું જ નથી ને જગતનું ભરવા દેતા નથી. એટલે હું આ ઉઘાડું કરવા માગું છું. આ તો દલાલીઓમાં જ લહેરપાણી ને મોજ કર્યા કરે છે ને પોતપોતાની સેફસાઈડ જ ખોળી છે. પણ એમને કહેવું નહીં કે તમારો દોષ છે. કહેવામાં શું ફાયદો ભઈ ? સામાને દુઃખ ઊભું થાય. આપણે દુઃખ કરાવવા માટે આવ્યા નથી. આપણે તો સમજવાની જરૂર છે કે ખામી ક્યાં છે ! હવે, દલાલો કેમ ઊભા રહ્યા છે ? કારણ કે ઘરાકી મજબૂત છે એટલે. ઘરાકી જો ના હોય તો દલાલો ક્યાં જાય ?! જતાં રહે. પણ ઘરાકીનો દોષ છે ને, મૂળ તો ? એટલે મૂળ દોષ તો આપણો જ ને ! દલાલ ક્યાં સુધી ઊભા રહે ? ઘરાકી હોય ત્યાં સુધી. હમણે આ મકાનોના દલાલો ક્યાં સુધી હૈડ ફૈડ કરશે ? મકાનોનાં ઘરાક હોય ત્યાં સુધી. નહીં તો બંધ, ચૂપ !

લાલચ જ ભમાવે !

પ્રશ્નકર્તા : અત્યારે ગુરુઓ પૈસાની પાછળ જ હોય છે.

દાદાશ્રી : એ તો આ લોકો ય એવા છે ને ? લાકડાં વાંકાં છે એટલે આ કરવતી વાંકી આવી છે. આ લાકડાં ય સીધા નહીં ને ! લોક વાંકા ચાલે તેથી ગુરુ વાંકા મળે. લોકમાં શું વાંકાઈ છે ? 'મારે બાબાને ઘેર બાબો જોઈએ છે.' એટલે લોકો લાલચુ છે એટલે આ લોકો ચઢી બેઠા છે. અલ્યા, એ શું બાબાને ત્યાં બાબો આપવાનો હતો ?! અને એ કંઈથી લાવવાનો હતો ?! એ બાઈડી-છોકરાં વગરનો છે, એ કંઈથી લાવવાનો હતો ? કોઈ છોકરાંવાળાને કહે ને ! આ તો 'મારા બાબાને ઘેર બાબો થાય' એટલા હારું એને ગુરુ કરે. એટલે લોક લાલચુ છે ત્યાં સુધી આ ધુતારા ચઢી બેઠા છે. લાલચુ છે, તેથી ગુરુની પાછળ પડે છે. લાલચ આપણને ના હોય ત્યારે ગુરુ કરીએ તો સાચું !

આ તો લૂગડાં બદલીને લોકોને ભમાવે છે અને લોક લાલચી એટલે ભમી જાય છે. લાલચી ના હોય તો કોઈ ના ભમે ! જેને કોઈ પ્રકારની લાલચ નથી, એને કંઈ ભમવાનો વારો આવે નહીં.

પ્રશ્નકર્તા : પણ આજ તો ગુરુ પાસે ભૌતિક સુખ માગે છે, મુક્તિ કોઈ માગતું નથી.

દાદાશ્રી : બધે ભૌતિકની વાતો જ છે ને ! મુક્તિની વાત જ નથી. આ તો 'મારા છોકરાને ઘેર છોકરો થાય, અગર તો મારો ધંધો બરાબર ચાલે, મારા છોકરાને નોકરી મળે, મને આમ આશિર્વાદ આપે, મારું ફલાણું કરે' એવી પાર વગરની લાલચો છે બધી. અલ્યા, ધર્મ માટે, મુક્તિ માટે આવ્યો છે કે આ જોઈએ છે બધું ?!

આપણામાં કહેવત છે ને, 'ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનોં ખેલે દાવ.' એવું ના હોવું જોઈએ. શિષ્ય લાલચુ, એટલે ગુરુ એને કહેશે કે 'તુમ્હારા ય હો જાયેગા, હમારી કૃપાસે ય હો જાયેગા, ય હો જાયેગા.' તે લાલચ પેઠી એમાં ભલીવાર આવે નહીં.

ગુરુને ઘાટ ન હોવો ઘટે !

કળિયુગને લઈને ગુરુમાં માલ કશો હોતો નથી. કારણ કે એ તમારા કરતા વિશેષ સ્વાર્થી હોય છે. એમાં એ પોતાનું કામ કરાવવા ફરે છે, તમે તમારું કામ કરાવવા ફરો છો. આ રસ્તો ગુરુ-શિષ્યનો ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : બુધ્ધિશાળી માણસો ઘણી વખત આવા ખોટા ગુરુને વર્ષો સુધી એમ જ માને છે કે આ જ સાચા ગુરુ છે.

દાદાશ્રી : એ તો લાલચો હોય છે બધી. ઘણા ખરા લોકો તો લાલચોથી જ ગુરુઓ કરે છે.

અત્યારના આ ગુરુ એ કળિયુગના ગુરુ કહેવાય. કંઈક ને કંઈક ઘાટમાં જ હોય, કે 'શું કામમાં લાગશે' એવું પહેલેથી જ વિચારે ! આપણા ભેગા થતા પહેલાં જ વિચારે કે શું કામમાં લાગશે ? વખતે આ ડૉક્ટર ત્યાં આગળ જાય ને, ને એમને જુએ ત્યારથી વિચાર આવે કે કો'ક દહાડો કામના છે. એટલે 'આવો, આવો ડૉક્ટર' કહેશે. અરે, તારે શું કામના ? 'માંદો થઉં ત્યારે કો'ક દહાડો કામ લાગે ને !' એ બધા ઘાટવાળા કહેવાય. ઘાટવાળા પાસે કોઈ દહાડો કામ ના થાય આપણું. જેને ઘાટ નથી, કશું જ જોઈતું નથી, ત્યાં જવું. આ ઘાટવાળામાં તો, એ સ્વાર્થી ને આપણે ય સ્વાર્થી ! ગુરુ-શિષ્યમાં સ્વાર્થ હોય, તો એ ગુરુપણું ય નથી ને એ શિષ્યપણું ય નથી. સ્વાર્થ ના હોવો જોઈએ.

આપણે જો ચોખ્ખા છીએ તો એ ગુરુને કહી દઈએ કે, 'સાહેબ, જે દહાડે જરા ય સ્વાર્થ તમારામાં દેખાશે, તો હું તો જતો રહીશ. બે ગાળો ભાંડીને ય જતો રહીશ. માટે તમારે મને જોડે રાખવો હોય તો રાખો. હા, ખાવા-પીવાનું જોઈતું હોય તો તે તમારે અડચણ નહીં પડવા દઉં. પણ તમારે સ્વાર્થ નહીં રાખવાનો.'

હા, સ્વાર્થ નહીં દેખાય એવા ગુરુ જોઈએ. પણ અત્યારે તો લોભી ગુરુ ને લાલચુ શિષ્ય, બે ભેગા થાય તો શું દહાડો વળે ?! પછી 'દોનોં ખેલે દાવ' એવું ચાલ્યા કરે !!

મૂળમાં લોક લાલચુ છે, તેથી આ ધુતારા બધાંનું ચાલ્યા કરે છે. સાચો ગુરુ ધુતારો ના હોય. એવા સાચા છે હજુ. એવા કંઈ નથી ? આ દુનિયા કંઈ ખાલી થઈ નથી. પણ એવા મળવા ય મુશ્કેલ છે ને ! પુણ્યશાળીને મળે ને !

પધરામણીના ય પૈસા !

પછી, કેટલાંક પધરામણી કરાવીને પૈસા પડાવી લે છે. આ ગુરુઓ પગલાં પાડે તો ય રૂપિયા લે ! તે આ ગરીબનાં ઘેર પગલાં પાડો ને ! ગરીબને શું કરવા આમ કરો છો ? ગરીબની સામું જોવાનું નહીં ?! તે એક પગલાં પડાવનારને મેં કહ્યું, 'અલ્યા, રૂપિયા ખોવે છે ને વખત નકામો બગાડે છે. એમના પગલાં પાડ્યા કરતાં કોઈ ગરીબનું પગલું પાડ કે જેમાં દરિદ્રનારાયણ પધાર્યા હોય. આ બધાં ગુરુઓનાં પગલાંને શું કરવાના ?!' પણ પબ્લિક એવી લાલચુ છે તે કહેશે, 'પગલાં પાડે તો આપણું કામ થઈ જાય. છોકરાંને ઘેર છોકરો થઈ જાય, આજ પંદર વર્ષથી નથી તો.'

પ્રશ્નકર્તા : શ્રધ્ધા છે લોકોને તેથી.

દાદાશ્રી : નહીં, લાલચુ છે તેથી ! શ્રધ્ધા ન્હોય, આને શ્રધ્ધા ના કહેવાય. લાલચુ માણસ તો ગમે તેની બાધા રાખે. ગાંડાની ય બાધા રાખે. કોઈ કહે કે 'આ ગાંડો છે, તે લોકોને છોકરો આપે છે.' તો આ લોકો 'બાપજી, બાપજી' કરીને પગે લાગે. ત્યાર પછી છોકરો થઈ જાય તો કહેશે 'આને લીધે જ થયો ને !' લાલચુ લોકોને તો શું કહેવું ?!

આ તો મને ય લોકો કહે છે કે, 'દાદાએ જ બધું આ આપ્યું.' ત્યારે હું કહું છું કે 'દાદા તો કશું આપતા હશે ?!' પણ બધું 'દાદા'ના માથે આરોપ કરે ! તમારું પુણ્ય અને મારું યશનામ કર્મ હોય એટલે હાથ અડાડું ને તમારું કામ થઈ જાય. ત્યારે આ બધાં કહે છે, 'દાદાજી, તમે જ કરો છો આ બધું.' હું કહું કે, 'ના, હું નથી કરતો. તારું જ તને મળ્યું છે. હું શું કરવા કરું ? હું ક્યાં આ ભાંજગડો લઉં ?! હું ક્યાં આ તોફાનોમાં પડું ?!' કારણ કે મારે કશું જોઈતું નથી. જેને કશું જોઈતું નથી, જેને કશી વાંછના નથી, કોઈ ચીજના ભિખારી નથી, તો ત્યાં તમારું કામ કાઢી લો.

હું તો શું કહું છું કે અમારાં પગલાં પડાવો પણ લક્ષ્મીની વાંછનાપૂર્વક ના કરો. ઠીક છે, એવું કંઈક નિમિત્ત હોય, તે અમારાં પગલાં પડાવો.

પ્રશ્નકર્તા : ઘરના ઉધ્ધારને બદલે પોતાનો ઉધ્ધાર થાય એવું તો કરી શકે ખરો કે નહીં ?

દાદાશ્રી : હા, બધું કરી શકે. બધું જ થઈ શકે. પણ લક્ષ્મીની વાંછના ના હોવી જોઈએ. આ દાનત ખોરી ના હોવી જોઈએ અને આ તમે મને ફોર્સ કરીને ઊઠાવી જાવ, એનો અર્થ પગલાં પાડ્યાં કહેવાય ? પગલાં એટલે તો મારી રાજીખુશીથી થવાં જોઈએ. પછી ભલે તમે મને શબ્દોથી રાજી કરો કે કપટજાળથી રાજી કરો. પણ કપટજાળથી ય હું રાજી થાઉં એવો નથી.

અમને ય છેતરનારા આવે છે, આમ ગલીપચીઓવાળા આવે, પણ હું ના છેતરાઉં ! અમારી પાસે લાખો માણસ આવતા હશે. તે ગલીપચીઓ કરે, બધું કરે, પણ રામ તારી માયા.....! એને અહીં ગલ જ ના મળે ને ! એ જાણે કે દાદા પાસે કંઈ ફાવે એવું છે નહીં, એટલે પાછો જાય. આવા 'ગુરુ' જોઈ લીધા છે, બધા છેતરનારા 'ગુરુ' જોઈ લીધા છે. એવા 'ગુરુ' આવે એટલે હું ઓળખું કે આ આવ્યા છે. છેતરનારાને 'ગુરુ' જ કહેવાય ને ?! ત્યારે બીજું કોણ તે ?! અને 'છેતરનાર' શબ્દ કહેવાય જ નહીં, 'ગુરુ' જ કહેવાય ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એવા બધા બહુ મળ્યા. એને મોઢે કશું ના કહું. એ એની મેળે જ કંટાળી જાય કે 'અહીંયા હું કહેવા આવ્યો છું, પણ કશું સાંભળતા નથી. આટલું બધું એમને આપવા આવ્યો છું.' પણ પછી એ કંટાળી જાય કે 'આ દાદા પાસે કંઈ ફાવીએ એવું લાગતું નથી, આ બારી ભવિષ્યમાં ઉઘડે નહીં.' અરે, મારે કશું જોઈતું નથી, શું કરવા બારી ખોલવા આવ્યો છે ?! જેને જોઈતું હોય ત્યાં જાને, લાલચુ હોય ત્યાં જા. અહીં તો કશી લાલચ જ નથી ને ! ગમે તેવા આવે તો ય પાછાં કાઢી મેલું કે 'ભઈ, અહીં નહીં !'

લોક તો કહેવા આવશે કે 'આવો કાકા, તમારા વગર તો મને ગમતું નથી. કાકા, તમે કહો એટલું કામ કરી આવીશ તમારું, કહો એટલું બધું. તમારા પગ દાબીશ.' અલ્યા, આ તો ગલીપચી કરે છે. ત્યાં બહેરા થઈ જવું. સમજ પડીને ?

એટલે બધું સરળ થઈ પડ્યું છે, તો હવે આપણું કામ પુરું કરી લો. એટલું જ હું કહેવા માગું છું. બહુ સરળ નહીં આવે, આટલું બધું સરળ નહીં આવે, આવો ચાન્સ ફરી નહીં આવે. આ ચાન્સ ઊંચો છે ને, એટલે આ બીજી ગલીપચી ઓછી થવા દો ને ! આ ગલીપચીઓમાં મઝા નથી. ગલીપચી કરનારા લોકો તો મળશે, પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે, આ એક અવતાર ! હવે તો અડધો જ અવતાર રહ્યો છે ને ! હવે આખો ય અવતાર ક્યાં રહ્યો છે ?!!

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21