ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 


મૂર્તિ, એ ય પરોક્ષ ભક્તિ !

પ્રશ્નકર્તા : એક સંત કહે છે કે આ જે જડ વસ્તુઓ છે, મૂર્તિ-ફોટા, એનું અવલંબન લેવાનું ના હોય. તમારી નજર સામે જીવતા દેખાય, તેનું અવલંબન લો.

દાદાશ્રી : એ તો ખરું કહે છે આ કે જો જીવતો ગુરુ સારો મળે તો આપણને સંતોષ થાય. પણ ગુરુનું ઠેકાણું ના પડે ત્યાં સુધી મૂર્તિનાં દર્શન કરવાં. મૂર્તિ એ પગથિયું છે, છોડશો નહીં. જ્યાં સુધી અમૂર્ત પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મૂર્તિ છોડશો નહીં. મૂર્તિ હંમેશાં મૂર્તને આપશે. મૂર્તિ અમૂર્તને આપે નહીં. પોતાનો જે ગુણધર્મ હોય તે જ બજાવે ને ! કારણ કે મૂર્તિ એ પરોક્ષ ભક્તિ છે. આ ગુરુ એ ય પરોક્ષ ભક્તિ છે. પણ ગુરુમાં જલ્દી પ્રત્યક્ષ ભક્તિ થવાનું સાધન છે. જીવંત મૂર્તિ છે એ. એટલે પ્રત્યક્ષ હોય ત્યાં આગળ જજે. ભગવાનની મૂર્તિનાં ય દર્શન કરજો, દર્શન કરવામાં વાંધો નહીં. એમાં આપણી ભાવના છે અને પુણ્યૈ બંધાય છે. એટલે મૂર્તિનાં દર્શન કરીએ તો ચાલે આપણું. પણ મૂર્તિ બોલે નહીં આપણી જોડે કશું. કહેનાર તો જોઈએ ને, કંઈ ?! કોઈ કહેનાર ના જોઈએ ? એવા કોઈ ખોળી કાઢ્યા નથી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો ક્યારે ખોળી કાઢશો હવે ?!

સ્વચ્છંદ રોકાય, પ્રત્યક્ષ આધીન જ !

તેથી કહેલું ને, કે સજીવન મૂર્તિ વગર એકલો ના પડી રહીશ. કોઈ સજીવન મૂર્તિ ખોળી કાઢજે, ને ત્યાં પછી પાસે બેસજે. તારા કરતાં કંઈક બે આની એ સારા હોય, તું બાર આની હોય તો ચૌદ આની મૂર્તિ પાસે બેસજે. જે થઈ ગયા, એ દોષ દેખાડવા આજે આવે નહીં. સજીવન હોય તે જ દોષ દેખાડે.

તેથી કૃપાળુદેવે કહ્યું ને, 'સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હ્રદય છે.' આ એક જ વાક્ય ઈટસેલ્ફ બધું સમજાવી દે છે. કારણ કે સજીવન મૂર્તિ વગર જે પણ કંઈ કરો એ સ્વચ્છંદ છે. પ્રત્યક્ષ જો હાજર હોય તો જ સ્વચ્છંદ રોકાય. નહીં તો સ્વચ્છંદ કોઈનો રોકાય નહીં.

પ્રશ્નકર્તા : પણ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ ના હોય તો પછી જે સદ્ગુરુઓ થઈ ગયા છે, એમનાં જે વચનો હોય, એનો આધાર લઈને જીવ પુરુષાર્થ કરે તો એને સમકિત પ્રાપ્ત થાય, એમ પણ કહ્યું છે. એ વાત સત્ય છે કે નહીં ?

દાદાશ્રી : એ તો કરે જ છે ને ! અને સમકિત થાય ત્યારે તો તાવ ઉતરી ગયેલો ખબર પડશે ને ! સમકિત થાય તો તાવ ઉતરી ગયેલો ખબર ના પડે ? તાવ ચઢેલી સ્થિતિ અને તાવ ઉતરેલી સ્થિતિમાં ખબર પડે કે ના પડે ? દ્રષ્ટિફેર થઈ કે નહીં એ ખબર ના પડે ? સમકિત એટલે દ્રષ્ટિફેર ! વખતે એક્સેપ્શન, કોઈને અપવાદ થાય. પણ આપણે અહીં અપવાદની વાત નથી કરતા. બધા આપણે તો સામાન્ય રીતે વાત કરીએ છીએ.

પ્રશ્નકર્તા : સદ્ગુરુનાં જે વચનો છે, એનો આધાર લઈને કંઈ પુરુષાર્થ કરવામાં આવે તો માણસ પામી શકે ને ?

દાદાશ્રી : કશું વળે નહીં ને ! તો તો કૃપાળુદેવનું વાક્ય કાઢી નખાવડાવો કે 'સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હ્રદય છે.' કેવડું મોટું વાક્ય છે !! છતાં લોકો જે કરે છે એ ખોટું નથી. 'આ તમે કરો છો એ ખોટું છે, એનાથી મોક્ષ નહીં મળે' એમ આપણે કહીએ તો એ બીજે રમી રમવા જતો રહેશે, ઊંધે રસ્તે જતો રહેશે. એનાં કરતાં આ કરે છે એ સારું છે. પણ કૃપાળુદેવના કહેવા પ્રમાણે ચાલો. પ્રત્યક્ષ સદ્ગુરુ ખોળો !

એટલે કૃપાળુદેવે બહુ ઠોકી ઠોકીને કહે કહે કર્યું છે કે ભઈ, સજીવન મૂર્તિ વગર કશું ના કરીશ. એ સ્વચ્છંદ છે, નર્યો સ્વચ્છંદ છે ! જે પોતાનાં જ ડહાપણથી આગળ ચાલી રહ્યો છે, તે મોક્ષ તો કોઈ દહાડો ય ના પામે. કારણ કે માથે કોઈ ઉપરી નથી. માથે કોઈ ગુરુ કે જ્ઞાની ના હોય ત્યાં સુધી શું કહેવાય ? સ્વચ્છંદ ! જેનો સ્વચ્છંદ રોકાય એનો મોક્ષ થાય. એમ ને એમ મોક્ષ ના થાય.

સહુથી સારામાં સારું તો ગુરુને પૂછવું જોઈએ. ગુરુ તો આ વખતમાં ક્યાંથી એવા લાવે ? તો એના કરતાં ગમે તે એક માણસને ગુરુ કરવો, તો પણ ચાલે. તમારા કરતાં મોટાં હોય અને તમારું ધ્યાન રાખતા હોય ને તમને થાય કે 'મારું દીલ અહીં ઠરે છે' તો ત્યાં બેસી જજો અને સ્થાપના કરી દેજો. વખતે એક-બે ભૂલ એમની હોય તો નભાવી લેજો. તમે આખા ભૂલવાળા ભર્યા છો ને એમની તો એક-બે ભૂલ હોય, તેમાં તમે શું કરવા ન્યાયાધીશ થાવ છો ?! તમારાથી મોટા છે, તો તમને ઉંચે લઈ જશે જ. પોતે ન્યાયાધીશ થાય એ ભયંકર ગુનો છે.

જ્યાં સુધી સમ્યક્દર્શન થાય નહીં ત્યાં સુધી સ્વચ્છંદ જાય નહીં. અગર તો કો'ક ગુરુના આધીન વર્તતા હોય તો એનો છૂટકારો થાય. પણ તદ્દન આધીન, સર્વાધીનપણે વર્તતો હોય તો ! ગુરુને આધીન રહેતો હોય એની તો વાત જ જુદી છે. ભલે ગુરુ મિથ્યાત્વી હશે તેનો વાંધો નથી. પણ શિષ્ય ગુરુના આધીન, સર્વાધીન રહે તો એનો સ્વચ્છંદ જાય. કૃપાળુદેવે તો બહુ સાચું લખ્યું છે, પણ હવે એ ય સમજાવું મુશ્કેલ છે ને ! જ્યાં સુધી સ્વચ્છંદ જાય નહીં, ત્યાં સુધી શી રીતે સમજાય તે ?! અને સ્વચ્છંદ જવો સહેલી વસ્તુ છે ?!

પ્રશ્નકર્તા : એ તો જ્ઞાની ન મળે ત્યાં સુધી સ્વચ્છંદ જાય જ નહીંને !

દાદાશ્રી : ના, ગાંડોઘેલો ય પણ ગુરુ માથે રાખ્યો હોય અને શિષ્ય પોતાનો શિષ્યપણાનો વિનય આખી જિંદગી ક્યારેય ના ચૂકે તો એનો સ્વચ્છંદ ગયો કહેવાય. ગુરુના સામા થઈને આ લોકોએ ગાળો ભાંડી છે. મનુષ્યનું એવું ગજું નથી કે એ વિનય ચૂક્યા વગર રહે. કારણ કે સહેજ અવળું-હળવું દેખે કે બુધ્ધિ ગાંડા કાઢે જ !

માથે જ્ઞાની ના મળે તો ગુરુ યે જોઈએ. નહીં તો માણસ સ્વચ્છંદે વિહાર કર્યા કરે. આ પતંગનો દોર છોડી દઈએ પછી પતંગની શી દશા થાય ?

પ્રશ્નકર્તા : ગુલાંટ ખાય.

દાદાશ્રી : હા, તે પતંગનો દોર છોડ્યા જેવું છે. જ્યાં સુધી આત્મા હાથમાં આવ્યો નથી ત્યાં સુધી પતંગનો દોર છૂટો છે. તમને સમજાયું ને ?

જોવાથી શિશ ઝૂકી જાય !

પ્રશ્નકર્તા : હા, ગુરુ કરવા જ જોઈએ. ગુરુ વગર જ્ઞાન ના મળે, એ સિધ્ધાંત બરોબર છે.

દાદાશ્રી : બરોબર છે. હવે 'ગુરુ' એ વિશેષણ છે. 'ગુરુ' શબ્દ જ ગુરુ નથી. 'ગુરુ'ના વિશેષણથી ગુરુ છે, કે આવા વિશેષણવાળા હોય તો એ ગુરુ અને આવા વિશેષણવાળા હોય તો ભગવાન !

પ્રશ્નકર્તા : સાચા ગુરુનાં લક્ષણ ક્યાં ?

દાદાશ્રી : જે ગુરુ પ્રેમ રાખે, જે ગુરુ આપણા હિતમાં હોય, એ જ સાચા ગુરુ હોય. આવાં સાચા ગુરુઓ ક્યાંથી મળે ! ગુરુને આમ જોતાં જ આપણું આખું શરીર આમ વિચાર્યા વગર જ નમી જાય.

તેથી લખ્યું છે ને,

'ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શિશ ઝુકી જાય.'

જોતાંની સાથે જ આપણું મસ્તક નમી જાય, એનું નામ ગુરુ. એટલે ગુરુ હોય તો વિરાટ સ્વરૂપ હોવા જોઈએ. તો આપણી મુક્તિ થાય, નહીં તો મુક્તિ ના થાય.

ગુરુ આંખમાં સમાય એવા

પ્રશ્નકર્તા : ગુરુ કોને કરવા, એ ય પ્રશ્ન છે ને ?

દાદાશ્રી : જ્યાં આપણું દીલ ઠરે તો એમને ગુરુ કરવા. દીલ ના ઠરે ત્યાં સુધી ગુરુ કરવા નહીં. એટલે અમે શું કહ્યું કે ગુરુ જો કરે તો આંખમાં સમાય એવા કરજે.

પ્રશ્નકર્તા : 'આંખમાં સમાય એવા' એટલે શું ?

દાદાશ્રી : આ લોક પૈણે છે તે છોકરીઓ જો જો કરે છે, તે શું જુએ છે એ ?! છોકરી આંખમાં સમાય એવી ખોળે છે. જો જાડી હોય તો એનાં વજનમાં જોર લાગે, આંખમાં જ જોર પડે, વજન લાગે ! પાતળી હોય તો એને દુઃખ થાય, આંખમાં જોતાં જ સમજાય. તે 'ગુરુ આંખમાં સમાય એવા' એટલે શું ? કે આપણી આંખને બધી રીતે ફીટ થાય, એમની વાણી ફીટ થાય, એમનું વર્તન ફીટ થાય, એવા ગુરુ કરજે !

પ્રશ્નકર્તા : હા, બરોબર છે. એવા ગુરુ હોય તો જ એને આશ્રિતપણું રહે એમનું.

દાદાશ્રી : હા, જો ગુરુ કદી આપણને દિલમાં વસે એવા હોય, એમની કહેલી વાત આપણને બધી ગમતી હોય, તો એમનો એ આશ્રિત થઈ જાય. પછી એને દુઃખ ના હોય. ગુરુ, એ તો બહુ મોટી વસ્તુ છે. આપણું દિલ ઠરે એવું લાગવું જોઈએ, આપણને જગત ભૂલાવડાવે એને ગુરુ કરવા. જોતાંની સાથે આપણે જગત ભૂલી જઈએ, જગત વિસ્મૃત થઈ જાય આપણને, તો તેને ગુરુ કરવા. નહીં તો ગુરુનું માહાત્મ્ય જ ના હોય ને !

એ કિલ્લી સમજી લેવી !

ગુરુનું માહત્મ્ય બહુ છે. પણ આ તો કળિયુગને લીધે આ બધું આવું થઈ ગયું છે. આ તો દુષમકાળને લીધે ગુરુઓમાં બરકત રહી નથી. વેજીટેબલ ઘી જેવા ગુરુ થઈ ગયા છે. એટલે કામ નથી થતું ને ! અને બધાય ગુરુઓ ગુરુકિલ્લી વગર ફર્યા કરે છે. હા, તે એક જણ તો મને કહે છે, 'તમે તો અમારા ગુરુ કહેવાઓ.' મેં કહ્યું, 'ના ભઈ, મને ગુરુ ના કહીશ. મને ગમતું નથી. ગુરુ, એનો અર્થ શું ? બહાર પૂછી આવ બધે.' ગુરુનો અર્થ ભારે કે હલકો ?

પ્રશ્નકર્તા : ભારે.

દાદાશ્રી : તો ભારે એટલે અવશ્ય ડૂબે. એ તો ડૂબે તો ડૂબે, પણ એની પર બેઠાં હોય તે બધાની જળસમાધિ થયેલી. આ જગતમાં એ જ થઈ રહ્યું છે. એટલે મને ગુરુ ક્યાં કરો છો ! એટલે ગુરુને આપણે પૂછવું જોઈએ કે 'હે ગુરુ મહારાજ, આપની પાસે ડૂબાય નહીં એવી ગુરુકિલ્લી છે ? આપ ભારે છો એટલે ડૂબ્યા વગર રહેશો નહીં અને અમને ય ડૂબાડશો. તો આપની પાસે ગુરુકિલ્લી છે ? આપ ડૂબો એવા નથી ને ? તો હું તમારી જોડે બેસું.' એ 'હા' કહે તો બેસવું.

પ્રશ્નકર્તા : કોઈ એવું તો કહે જ નહીં ને, કે હું ડૂબું એવો છું ?

દાદાશ્રી : હા, પણ આપણે કહીએ ને, કે 'તમારામાં સાહેબ, અક્કલ જરા ઓછી છે.' એટલું કહીએ એટલે તરત ખબર પડી જાય કે આ ડૂબે એવા છે કે નહીં તે !

નહીં તો ગુરુકિલ્લી વગરનાં બધા ગુરુ ડૂબ્યા. તે ડૂબ્યા, પણ બધા શિષ્યોને ય ડૂબાડ્યા. પાછું ક્યાં જશે તેનું ઠેકાણું નથી. ગુરુ પાસે ગુરુકિલ્લી હોય તો એ ના ડૂબે. કારણ કે પહેલાંના વખતમાં ગુરુઓના ગુરુ હોય ને, તે પરંપરાથી કૂંચી આપતા જાય. પોતાના શિષ્યોને શું કહે ? તમે ગુરુ થજો, પણ 'આ' ગુરુકિલ્લી પાસે રાખજો. તો ડૂબશો નહીં ને ડૂબાડશો નહીં. તે અત્યારે આ ગુરુઓને પૂછું છું કે 'કિલ્લી છે કશી ?' 'એ શાની કિલ્લી ?' ત્યારે આ તો રખડી મર્યા ! ના બેસવા દઈશ ઉપર કોઈને. આ ગુરુકિલ્લી તો ભૂલી ગયા. ગુરુકિલ્લીનું જ ઠેકાણું નથી. આ કળિયુગ છે માટે ડૂબે, સત્યુગમાં નહોતું ડૂબતું.

પ્રશ્નકર્તા : પણ ગુરુ તો તારણહાર હોય, તે ડૂબાડે નહીં.

દાદાશ્રી : ના, પણ એની પાસે ગુરુકિલ્લી હોય તો એ તરે ને બીજાને તારે. અને ગુરુકિલ્લી નહીં હોય ને, તો તું લાંબો થઈ જઈશ. લોક તો વાહ વાહ કરે જ ને, પણ પછી એ ગુરુનું મગજ ફાટે. મગજની નસ તૂટી જાય પછી. આ મને શું વાહ વાહ ના કરે લોકો ?! એટલે ગુરુકિલ્લી હોય તો કામનું છે. ગુરુકિલ્લી એટલે એવું કંઈક પોતાની પાસે સાધન હોય કે જે કિલ્લી ડૂબવા ના દે. એ કિલ્લી નામની સમજણ છે, ને ગુરુઓ ખાનગી-પ્રાઈવેટલી આપે છે. જે મહાન ગુરુઓ છે, જ્ઞાની પુરુષો, એ પ્રાઈવેટલી આપે કે તમે આ રીતે તમારા શિષ્યો જોડે કામ લેશો તો તમે ડૂબશો નહીં ને બીજા ડૂબશે નહીં.

પ્રશ્નકર્તા : ગુરુ થવા માટે ગુરુકિલ્લી જોઈએ, તો એ ગુરુકિલ્લી શું છે ?

દાદાશ્રી : જ્ઞાની પુરુષ એને એવી સમજણ પાડી દે કે 'તું આમ છે ને આ બધું આમ છે. તું આ ગુરુ થઈ બેઠો નથી. નામધારી ગુરુ થઈ બેઠો છે. તું અનામી છે. તું લઘુતમ રહીને ગુરુતા કરજે, તો તું તરીશ અને બીજા લોકોને તારીશ.' આ તો ગુરુકિલ્લી એમની પાસે છે નહીં ને ગુરુ થઈ બેઠા છે. ગુરુકિલ્લી 'જ્ઞાની' પાસે સમજી લેવી જોઈએ. 'જ્ઞાની પુરુષ' પાસેથી ગુરુકિલ્લી લઈ આવવી જોઈએ, તો એની સેફસાઈડ.

એટલે લોકો અમને કહે છે કે, 'તમે શું છો ?' મેં કહ્યું, 'હું તો લઘુતમ પુરુષ છું. મારાથી આ દુનિયામાં કોઈ નાનો જીવ જ બીજો નથી.' હવે લઘુતમ પુરુષ કોઈ જગ્યાએ ડૂબે ?

પ્રશ્નકર્તા : ના ડૂબે.

દાદાશ્રી : લઘુતમ ! એટલે ખાલી સ્પર્શ થાય, પણ ડૂબે નહીં. અને મારી જોડે બેઠાં તે ય ના ડૂબે. કારણ કે જ્ઞાની પુરુષ પોતે લઘુતમ હોય અને તરણતારણહાર થયેલા હોય, પોતે તર્યા છે ને અનેક લોકોને તારવાને સર્મથ હોય.


ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21