ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 

 

પાછી નામની ય ભીખ હોય છે, તે પુસ્તકોમાં ય એમનાં નામ છપાવે છે. ત્યારે એના કરતાં પૈણવું હતું ને, તો છોકરાં નામ રાખત. અહીં શું કરવા નામ રાખવાં છે, ગુરુ થયા પછી ?! પુસ્તકોમાં ય નામ ! 'મારા દાદા ગુરુ ને મારા બાપા ગુરુ, ને ફલાણા ગુરુ !' નર્યા છપાવ છપાવ કરે છે. અને આ મંદિરોમાં ય નામ ઘાલવા માંડ્યા છે પાછાં કે 'આ ગુરુએ આ બનાવ્યું.' અરે, નામ તો રહેતાં હશે કોઈ દહાડો ? સંસારીઓનાં નથી રહેતાં, તો સાધુઓનાં નામ તો રહેતાં હશે ?! નામ રાખવાની તો ઈચ્છા ય ના હોવી જોઈએ. કંઈ પણ ઈચ્છા એ ભીખ છે.

ધ્યેય ચૂકાયો ને પેઠી ભીખ !

આ ભીખ જતી નથી. માનની ભીખ, કીર્તિની ભીખ, વિષયની ભીખ, લક્ષ્મીની ભીખ..... ભીખ, ભીખ ને ભીખ ! ભીખ વગરના જોયેલા ખરા ? છેવટે દેરાં બંધાવાની ય ભીખ હોય, એટલે દેરાં બંધાવવામાં પડે ! કારણ કે કશો ધંધો ના જડે ત્યારે કીર્તિ માટે બધું કરે ! અરે, શેના હારું દેરાં બાંધો છો ? હિન્દુસ્તાનમાં ક્યાં દેરાં નથી ?! પણ આ તો દેરાં બંધાવવા હારું પૈસા ભેગા કર કર કરે. ભગવાને કહ્યું હતું કે દેરાં બાંધનાર તો એના કર્મના ઉદય હશે તો બંધાવશે. તું શું કરવા આમાં પડે છે ?!

હિન્દુસ્તાનનો મનુષ્યધર્મ ફક્ત દેરાં બાંધવા માટે નથી. ફક્ત મોક્ષે જવા માટે જ હિન્દુસ્તાનમાં જન્મ છે. એક અવતારી થવાય, એ બાજુનો ધ્યેય રાખીને કામ કરજે તો પચાસ અવતારે, સો અવતારે કે પાંચસો અવતારે ય પણ ઉકેલ આવી જાય. બીજો ધ્યેય છોડી દો. પછી પૈણજે-કરજે, છોકરાંનો બાપ થજે, ડૉક્ટર થજે, બંગલા બંધાવજે, એનો સવાલ નથી. પણ ધ્યેય એક જગ્યાએ જ રાખ, કે હિન્દુસ્તાનમાં જન્મ થયો છે તો મુક્તિને માટેનું સાધન કરી લેવું છે. આ એક ધ્યેય ઉપર આવી જાવ તો ઉકેલ આવે !

બાકી, કોઈ જાતની ભીખ નહીં હોવી જોઈએ. આમ ધર્માદા લખાવો, ફલાણું લખાવો, એવી અનુમોદનામાં હાથ ઘાલવો ના જોઈએ. કરવું, કરાવવું ને અનુમોદવું ત્યાં ના હોય. અમે તો સર્વ ભીખથી મુક્ત થઈ ગયેલા છીએ. દેરાં બાંધવાની ય ભીખ નથી. કારણ કે અમારે આ જગતમાં કોઈ ચીજ જોઈતી નથી. અમે માનના ભિખારી નથી, કીર્તિના ભિખારી નથી, લક્ષ્મીના ભિખારી નથી, સોનાનાં ભિખારી નથી, શિષ્યોનાં ભિખારી નથી. વિષયોના વિચાર ના આવે, લક્ષ્મીનો વિચાર ના આવે. વિચાર જ જ્યાં ઉત્પન્ન ના થાય પછી ભીખ શેની રહે તે ?! માનની, કીર્તિની, કોઈ જાતની ભીખ નહીં.

અને આ બધાં મનુષ્ય માત્રને કીર્તિની ભીખ હોય, માનની ભીખ હોય. આપણે પૂછીએ 'તમારામાં કેટલી ભીખ છે, એ તમને ખબર પડે ? તમને કોઈ પણ જાતની ભીખ ખરી ?' ત્યારે કહેશે, 'ના, ભીખ નહીં.' ઓહોહો ! હમણે અપમાન કરીએ તો ખબર પડી જાય કે માનની ભીખ છે કે નહીં તે !

વખતે સ્ત્રી સંબંધમાં બ્રહ્મચારી થયો હોય, લક્ષ્મી સંબંધી ય ભીખ છોડી હોય, પણ આ બીજી બધી કીર્તિની ભીખો હોય. શિષ્યની ભીખ હોય, નામની ભીખ હોય, બધી પાર વગરની ભીખો હોય ! શિષ્યની ય ભીખ ! કહેશે, 'મારે શિષ્ય નથી.' ત્યારે શાસ્ત્રોએ શું કહેલું ? જે આવી પડે, ખોળ્યા વગર એની મેળે આવી પડે એ શિષ્ય !!

ભીખથી ભગવાન છેટા !

એટલે 'ભીખ' શબ્દ હું લખું. બીજા લોકો લખે નહીં. 'તૃષ્ણા' લખે. અલ્યા, ભીખ લખને ! તો એનું ભિખારીપણું છૂટે બળ્યું. તૃષ્ણાનો અર્થ શું છે ? તૃષ્ણા એટલે તરસ. અલ્યા, તરસ તો લાગી કે ના લાગી, તેમાં શું વાંધો ?! અલ્યા, આ તો તારી ભીખ છે. જ્યાં ભીખ હોય ત્યાં આગળ ભગવાન કેમ ભેગા થાય ?! આ 'ભીખ' શબ્દ એવો છે કે વગર ફાંસીએ ચઢ્યે ફાંસી લાગે !

સંપૂર્ણ ભીખ ગયા પછી જ આ જગત 'જેમ છે તેમ' દેખાય. મારામાં ભીખ હોય ત્યાં સુધી મને બીજા ભિખારા લાગે નહીં. પણ પોતાનામાં ભીખ ગઈ એટલે બધા ય ભિખારા જ લાગે.

જેને સર્વસ્વ પ્રકારની ભીખ મટે, તેને જ્ઞાનીનું પદ મળે. જ્ઞાનીનું પદ ક્યારે મળે ? તમામ પ્રકારની ભીખ ખલાસ થઈ જાય. લક્ષ્મીની ભીખ, વિષયોની ભીખ, કોઈ જાતની ભીખ ના રહે ત્યારે આ પદ પ્રાપ્ત થાય !

ભીખ ના હોય તો ભગવાન જ છે, જ્ઞાની છે, જે કહેશો તે છે. ભીખને લઈને જ આ આવો થયો છે. કાલાવાલા તેથી કરે ને ? એક ભીખ કયાં રાખવાની છે ? જ્ઞાની પુરુષ પાસે ! જ્ઞાની પુરુષ પાસે જઈને કહેવું, કે 'બાપજી, પ્રેમની પ્રસાદી આપજો.' એ તો આપતા જ હોય, પણ આપણે માગીએ ત્યારે વિશેષ મળે. જેમ ગાળેલી ચા ને ગાળ્યા વગરની ચામાં ફેર પડે ને ? એટલો ફેર પડી જાય. ગાળેલી ચામાં કૂચો ના આવે પછી.

પ્યૉરિટી વિના ન પમાય !

એટલે આ તો ભીખ રહી છે તેને લીધે ભાંજગડ છે. પ્યૉરિટી રહી નથી. જ્યાં ને ત્યાં વેપાર થઈ ગયો છે. જ્યાં પૈસાની લેવડ-દેવડ થઈ અને જ્યાં બીજું પેઠું, એ બધું વેપારી થઈ ગયું. એમાં સંસારિક લાભ ઉઠાવવાની તૈયારી હોય. ભૌતિક લાભો, એ તો બધા વેપાર કહેવાય. બીજું કશું લેતા ના હોય ને માનની ઇચ્છા હોય તો ય પણ એ લાભ કહેવાય. ત્યાં સુધી બધા વેપાર કહેવાય.

હિન્દુસ્તાન દેશ એવો છે કે સબકા વેપાર ચલતા હૈ. પણ વેપારમાં જોખમદારી છે. આપણે શું કહેવું જોઈએ કે આ તમે આવું કરો છો, પણ આમાં જોખમદારી છે.

પ્રશ્નકર્તા : ધર્મના નામે આટલું બધું ધતિંગ કેમ ચાલે છે ?

દાદાશ્રી : ત્યારે કયા નામે ધતિંગ કરવા જાય ? બીજા નામે ધતિંગ કરવા જાય તો લોકો મારે. બાપજી દસ રૂપિયા લઈ ગયા, પણ હવે કંઈક નામ દઈએ ને બાપજી કંઈ શ્રાપ આપી દે, તો શું થાય ?! એટલે ધર્મના નામ સિવાય બીજું કોઈ બારું જ નથી, છટકબારી એવી નથી કોઈ જગ્યાએ.

તેમાં બધા ય એવા જ છે એમ કહેવાય એવું નથી. મહીં પાંચ-દસ ટકા બહુ સારો માલ છે ! પણ ત્યારે ત્યાં કોઈ ભેગું ના થતું હોય. કારણ કે એની વાણીમાં વચનબળ ના હોય. અને પેલાની તો આંજી નાખે એવી વાણી હોય, એટલે ત્યાં બધાં ભેગા થયાં. ત્યારે ત્યાં એની ભાવના અવળી હોય, જેમ તેમ કરીને પૈસા પડાવી લેવા એવું તેવું હોય. આ પ્રપંચી દુકાનોમાંથી શું લેવાનું ?! ને ચોખ્ખી દુકાનો હોય ત્યારે ત્યાં માલ ના હોય તો ત્યાં શું લેવાનું ?! ચોખ્ખા માણસની પાસે દુકાનમાં માલ નથી. અને પ્રપંચી દુકાનોમાં આમ ઊંચે કાંટે માલ આપે, પણ એ ભેળસેળવાળો માલ હોય છે.

પણ જ્યાં કોઈ જાતની જરૂરિયાત ના હોય, પૈસાની જરૂર ના હોય, પોતાના આશ્રમ વધારવાની કે પોતાનું મોટું કરવાની જરૂર ના હોય, એવા માણસ હોય તો વાત જુદી છે. એવા માણસ એક્સેપ્ટેડ છે. એ દુકાનને દુકાન કહીએ તો ય ત્યાં લોકો લાભ પામે. પછી ત્યાં આગળ જ્ઞાન ના હોય તો ય તેનો વાંધો નથી પણ માણસ ચોખ્ખા હોવા જોઈએ, પ્યૉર હોવા જોઈએ. ઈમ્પ્યૉરિટીમાં, કોઈ દહાડો ય કશું કોઈ પામે નહીં.

અપ્રતિબધ્ધપણે વિચરે તે જ્ઞાની !

પ્રશ્નકર્તા : હિન્દુસમાજમાં, જૈનસમાજમાં આશ્રમ પધ્ધતિ છે, એ બરાબર છે કે નહીં ?

દાદાશ્રી : એ પધ્ધતિ સત્યુગમાં બરાબર હતી, એટલે ત્રીજા અને ચોથા એ બે આરામાં બરાબર હતી. પાંચમા આરામાં આશ્રમની પધ્ધતિ બરાબર નથી.

પ્રશ્નકર્તા : આશ્રમ પધ્ધતિથી ભેદાભેદ અને વાડાઓ ઉત્પન્ન થાય છે કે નહીં ?

દાદાશ્રી : આશ્રમ પધ્ધતિ વાડા ઊભા કરવાનું સાધન જ છે ! અને વાડા ઊભાં કરનારા બધા અહંકારીઓ છે, ઓવરવાઈઝ ! નવું ઊભું કરે, તૃતિયમ !! મોક્ષે જવાની કંઈ ભાવના નથી. પોતાનું ડહાપણ દેખાડવું છે. એ નવા નવા ભેદ પાડ્યા કરે અને જ્ઞાનીઓ પાકે ત્યારે ભેદ બધા બંધ કરી દે, ઓછા કરી નાખે. લાખ જ્ઞાનીઓને એક જ અભિપ્રાય હોય અને એક અજ્ઞાનીને લાખ અભિપ્રાય હોય.

પ્રશ્નકર્તા : કહેવાય આશ્રમ, પણ ત્યાં પરિશ્રમ હોય.

દાદાશ્રી : ના, ના. આશ્રમોનો હિન્દુસ્તાનમાં લોકોએ શું ઉપયોગ કર્યો એ આપને કહું ? ઘેર કંટાળ્યો હોય ને, તો તે પંદર દહાડા ત્યાં આગળ નિરાંતે ખાય-પીવે ને રહે. એ જ ધંધો કર્યો છે. એટલે જેને શ્રમ ઉતારવો હોય અને ખાવું-પીવું ને સૂઈ રહેવું હોય, તે આશ્રમો રાખે. બૈરી પજવનારી નહીં, કોઈ પજવનારું નહીં. ઘેર બૈરી-છોકરાંની વઢવાડો હોય. ત્યાં આશ્રમમાં કોઈ વઢનાર જ નહીં ને, કહેનાર જ નહીં ને ! ત્યાં તો એકાંત મળે ને, એટલે નાખોરાં ખરેખરાં બોલાવે. માકણ નહીં, કશું ય નહીં. ઠંડો પવન ! સંસારનો થાક લાગેલો ને, એ ત્યાં ઊતારે.

હવે, આવું ખાઈ-પી ને પડી રહેતા હોય તો સારા. પણ આ તો દુરૂપયોગ કરે છે અને તેથી એની પોતાની અધોગતિ કરે છે. એમાં કોઈને નુકસાન કરતા નથી, પણ પોતાને નુકસાન કરે છે. હશે એકાદ-બે ચોખ્ખા વખતે ! બાકી, આશ્રમ તો પોલ ચલાવવાનું સાધન !!

પ્રશ્નકર્તા : આપ જે માર્ગ બતાવો છો એમાં આશ્રમો-મંદિરો એ બધાંની જરૂર ખરી ?

દાદાશ્રી : અહીં આશ્રમ-બાશ્રમ ના હોય. અહીં આશ્રમ તે હોતો હશે ?! હું તો પહેલેથી કોઈ પણ આશ્રમના વિરુધ્ધ ! હું તો પહેલેથી શું કહું છું ?! 'મારે તો ભઈ, આશ્રમની જરૂર નથી.' લોકો અહીં આશ્રમો બાંધવા આવેલા ને, એ લોકોને ના પાડી દીધેલી. મારે આશ્રમની શેને માટે જરૂર ? આશ્રમ ના હોય આપણે ત્યાં.

એટલે મેં તો પહેલેથી કહ્યું છે કે જ્ઞાની પુરુષ કોનું નામ કહેવાય કે જે આશ્રમનો શ્રમ ના કરે. હું તો ઝાડ નીચે બેસીને સત્સંગ કરું એવો માણસ છું. અહીં કોઈ જગ્યાએ સાધન ના હોય તો ઝાડ નીચે બેસીને ય નિરાંતે સત્સંગ કરીએ. અમારે કશો વાંધો નથી. અમે તો ઉદયાધીન હોઈએ. અને મહાવીર ભગવાન ઝાડ નીચે જ બેસીને સત્સંગ કરતા હતા, એ કંઈ આશ્રમ ખોળતા ન હોતા. અમારે ઓરડી ય જોઈએ નહીં ને કશું ય જોઈએ નહીં. અમારે કંઈ જરૂર જ નહીં ને ! કોઈ ચીજની જરૂર નથી. જ્ઞાની આશ્રમનો શ્રમ કરે નહીં.

પ્રશ્નકર્તા : અપ્રતિબધ્ધ વિહારી શબ્દ વપરાયો છે એમના માટે.

દાદાશ્રી : હા, અમે નિરંતર અપ્રતિબધ્ધપણે વિચરીએ છીએ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી નિરંતર અપ્રતિબધ્ધપણે વિચરે છે એવા જ્ઞાની પુરુષ !!

આખું જગત આશ્રમ કરે છે. મુક્તિ કરવી હોય તો આશ્રમનો ભાર ના પાલવે. આશ્રમ કરતા તો ભીખ માગીને ખાવું સારું. ભીખ માગીને ખાય તેની ભગવાને છૂટ આપેલી છે. ભગવાને શું કહેલું કે ભીક્ષા માગીને તું લોકોનું કલ્યાણ કરજે. તારા પેટ પૂરતી જ ભાંજગડને ! આશ્રમ તો સત્યુગમાં હતા, ત્યારે પોતે મોક્ષ માટે જ પ્રયત્ન કરતા હતા અને આ કળિયુગમાં તો શ્રમ ઉતારવાનું સંગ્રહસ્થાન છે. અત્યારે કોઈને મોક્ષની કંઈ પડેલી નથી. એટલે આશ્રમો આ કાળમાં ઊભા કરવા જેવું નથી.

એ ભગવાનને પહોચતું નથી !

અને આ તો ખાલી બીઝનેસમાં પડ્યા છે લોકો. એ લોકો ધર્મના બીઝનેસમાં પડ્યા છે. એમને પોતાને પૂજાવડાવીને નફો કાઢવો છે. હા, અને એવી દુકાનો તો આપણા હિન્દુસ્તાનમાં બધી બહુ છે. એવી કંઈ બે-ત્રણ દુકાનો જ છે ? એ તો પાર વગરની દુકાનો છે. હવે એ દુકાનદારને આપણે આવું કહેવાય કેમ કરીને ? એ કહે કે 'મારે દુકાન કાઢવી છે' તો આપણે ના ય કેમ કહેવાય ? તો ઘરાકને આપણે શું કરવું જોઈએ ?

પ્રશ્નકર્તા : રોકવો જોઈએ.

દાદાશ્રી : ના, રોકાય નહીં. આ તો દુનિયામાં આવી રીતે ચાલ્યા જ કરવાનું.

પ્રશ્નકર્તા : અત્યારે તો કરોડો રૂપિયા ઊઘરાવીને આશ્રમ બંધાય છે, ને લોકો એની પાછળ પડ્યા છે !

દાદાશ્રી : પણ આ રૂપિયા જ એવા છે ને ! રૂપિયામાં બરકત નથી તેથી.

પ્રશ્નકર્તા : પણ એ લક્ષ્મીને સાચા રસ્તે વાપરે, શિક્ષણ કામમાં વાપરે કે કોઈ ઉપયોગી સેવામાં વાપરે તો ?

દાદાશ્રી : એ વપરાય, તો ય પણ મારું કહેવાનું કે એમાં ભગવાનને નથી પહોંચતું કશું. એ સારા રસ્તે વપરાય, તો તેમાં જરાક ખેતરમાં ગયું તો ઘણું વધારે ઉપજે. પણ એમાં એને શો લાભ થયો ?! બાકી, જ્યાં લક્ષ્મી ત્યાં ધર્મ હોય નહીં. જેટલી લક્ષ્મી જ્યાં આગળ છે એટલો જ ધર્મ કાચો છે ત્યાં !

પ્રશ્નકર્તા : લક્ષ્મી આવી એટલે પછી એની પાછળ ધ્યાન આપવું પડે, વ્યવસ્થા કરવી પડે.

દાદાશ્રી : ના, એમ નહીં. એની વ્યવસ્થા માટે નહીં. વ્યવસ્થા તો લોકો કહેશે કે 'અમે કરી લઈશું.' પણ આ લક્ષ્મીની હાજરી છે ત્યાં ધર્મ એટલો કાચો ! કારણ કે મોટામાં મોટી માયા, લક્ષ્મી અને વિષયવિકાર ! આ બે મોટામાં મોટી માયા !! એ માયા છે ત્યાં ભગવાન ના હોય અને ભગવાન હોય ત્યાં માયા ના હોય !!!

અને એ પૈસો પેઠો, એટલે કેટલો પેસી જાય એનું શું ઠેકાણું ?! અહીં કોઈ કાયદા છે ? માટે પૈસો બિલકુલ જડમૂળથી ના હોવો જોઈએ. ચોખ્ખા થઈને આવો ! મેલું કરશો નહીં, ધર્મમાં !

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21