ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૫)

જાત જાતની દુકાનો !

હવે એમ માનોને કે કોઈ મોટા સંત છે. તે મને લોક અભિપ્રાય પૂછવા આવે કે, આ સંત તો જાત જાતની વસ્તુઓ દેખાડે છે, ચમત્કાર કરે છે. ત્યારે મેં કહ્યું કે, 'એમને તોડી પાડશો નહીં.' એ ચમત્કાર કોને માટે છે ? જેને બુદ્ધિ ઓછી છે, એને માટે એ દવાખાનું છે. બુદ્ધિશાળી તો ત્યાં બેસે જ નહીં ને ! ઊઠીને જતો રહે. એટલે જેને બુદ્ધિ ઓછી હોયને, એને આ લોકો સ્થિર કરે છે. એટલે એ ખોટું નથી કરતા. લોકોને મનની અકળામણ થાય છે, તે સ્થિર કરી આપે છે ને પોતે આવું ઘડિયાળ દેખાડે, ફલાણું દેખાડે તે લોકો આશ્ચર્ય પામે. હવે એ ઘડિયાળ ક્યાંથી લાવે છે ? એ તો કોઈ યક્ષની કે દેવની સાધના હોય, તો ઘડિયાળ એક જગ્યાએથી ઓછું થયું હોય ને અહીં આવે. એટલે એ સાધના હોય છે અને એમાં એમનો ઈરાદો ખરાબ નથી હોતો. અને એ લોકો પૈસા સરપ્લસ વધે તે બધું સારા કામમાં વાપરે છે. હું તો લોકોને કહું છું કે ભઈ, ત્યાં આગળ તમને પોષાય તો જજો અને બુદ્ધિશાળી હોય ને ના પોષાય તો પાછા આવતા રહેજો. બુદ્ધિશાળી ટકે જ નહીં કોઈ જગ્યાએ.

વાંકા લાકડાં, વાંકી કરવતીઓ !

પ્રશ્શનકર્તા : તો પછી એનો અર્થ એવો થયો કે જ્ઞાનનો માર્ગ એ બુદ્ધિશાળીઓનો જ ઈજારો છે ?

દાદાશ્રી : ના, બુદ્ધિશાળીઓ તો પાછા બુદ્ધિ વધી ગઈ એટલે થયો બુદ્ધુ. બુદ્ધિની લિમિટ હોવી જોઈએ. બાકી આઉટ ઓફ લિમિટ થયા એટલે બુદ્ધુ થઈ જાય.

સ્ત્રીઓને કશી ભાંજગડ નહીં આવી તેવી. પુરુષો બુદ્ધિથી આ બધા જેમાં ને તેમાં જાણવામાં પેસી ગયેલા હોય, જ્યાં જ્યાં જાળાં દીઠાં તેમાં પેઠેલા હોય. આપણે તપાસ કરીએ કે, 'ભઈ, આ જાળાંમાંથી સાહેબ નીકળે છે કે નથી નીકળતા ?' સાહેબેય જાળામાં જ ફરતા હોય ને આપણેય જાળાંમાં ફરીએ. બાકી આ તો ખાલી બુદ્ધિની વિભ્રમતા છે બધી, બુદ્ધિવાદની વિભ્રમતા. પણ એક જાતની સ્થિરતા ખરી. એ બાબતને પકડી શકે. પણ એ સ્થિરતા શું થાય ? લોકોને એ વાત આકર્ષણ રૂપ લાગે. બુદ્ધિવાળાને ઘણી આકર્ષણરૂપ લાગે. એને એમ જ લાગે કે આજ ધરાઈને ખાધું. પણ પાછો હતો તેવો ને તેવો ! ઘેર જઈને વઢવાડ કરે પાછો. અરે ! ઘેર જવાનું નામ દે, તેય વઢવાડ કર્યા વગર રહે નહીં. એટલે સાંભળતી ઘડીએ એને એટલું લાગે કે આજ ધરાઈને ખાધું ! પણ આટલો વખત ગયા પણ ઘેર શું લાવ્યા ? ઘેર કશું લાવવાનું ના હોય. છતાંય બહાર જરૂર છે આ. અને લોકો તો એમના માથા પર તાળી દે એવા છે, હાથતાળી આપે એવા છે. પબ્લિક કંઈ જેવી તેવી ચીજ નથી. એટલે ગુરુઓનો દોષ નથી.

એક જણ મને કહે છે, 'આ ગુરુઓ આવા વાંકા કેમ ?' મેં કહ્યું, 'આ લાકડાં વાંકા છે ત્યાં સુધી કરવતી વાંકી જ જોઈએ. આ લાકડાં જ વાંકાં છે.' ત્યારે એ કહે, 'હવે એ ક્યારે સીધા થશે ?' મેં કહ્યું, 'આ લાકડાં સીધાં થશે એની મેળે. આ બફારો આવ્યો છે ને ?' તે હવે સીધાં થશે એવો બફારો આવ્યો છે. તે ગમે તેવું લાકડું વાંકું હશે તો પોતે સીધું થઈ જશે. આડાઇઓ બધું નીકળી જશે, માર ખાઈ ખાઈને અને પછી ગુરુ એવા સારા આવશે. જો જો તો ખરા ! ખરેખરા ગુરુ આવશે ! તાજા તમતમાટ ! જૂનો માલ નહિ, કચરો માલ નહિ. ગાદી પર માલ એનો એ આવે, તે નહીં ચાલે. હવે નવો માલ હોવો જોઈએ.

બુદ્ધિની કસરતો ક્યાં લગી ?

અત્યાર સુધી હજારો વર્ષથી આ બધાએ આ જ બુદ્ધિની કસરતો કરાવી છે. એટલે ઉપર ચઢો આમ રહીને, પેલી બાજુ રહીને, આમ રહીને ઊતરો. ચઢવાના રસ્તા ને ઊતરવાના રસ્તા એવા સુંદર બનાવેલા છે, કે પેલાને એમ જ લાગે કે હું ઉપર જ ચઢી રહ્યો છું.

એક દક્ષિણી ભાઈ મળેલા. તે પ્રિન્સિપાલ હતા. તે શું કહે કે, 'દાદા, તમારી આપ્તવાણી વાંચી. અત્યાર સુધી મેં જોયું કે આ બીજા બધાએ બુદ્ધિની કસરતો કરાવી છે. તેથી પ્રગતિ જ નથી થઈ. એમ ને એમ જ ફર્યા કરે છે.' હવે 'કસરત' શબ્દ તો મેં એની પાસે પહેલી વખત સાંભળ્યો. એટલે મને ઠીક લાગ્યું કે આ શબ્દ બહુ સુંદર છે. એમણે જ કહ્યું, 'પેલી દેહની કસરત કરાવે છે, આ બુદ્ધિની કસરતશાળામાં, અહીં બુદ્ધિની કસરત કરાવે છે.' બુદ્ધિની કસરત કરાવે એટલે બુદ્ધિ તગડી થાય.

ક્રમિક માર્ગમાં બુદ્ધિવાદ !

આગળ જવા માટે શું કરવું ? બધું ધારણ કરેલું ને, તે ધારણ કરેલું પહેલાં વળાવી દેવું. જેનું હોય તેને ત્યાં પાછું જાવ, કહીએ. નકામું ડફોળ લોકોનું શીખી લાવ્યો. ડફોળનું શીખેલું ડફોળ હોય. હા, એના કરતાં અહીં ચોખ્ખા થઈને આવવું. અહીં બે જ અક્ષર સમજવાના છે. અહીં લાંબું સમજવાનું નથી. જ્ઞાની પુરુષનો માથે હાથ ફરી વળ્યો કે કામ થઈ ગયું. કારણ કે સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિકતા) અને આ સેલ્ફ રિયલાઈઝડ (આત્મસાક્ષાત્કાર) એ કંઈ શાકભાજી નથી કે લોકોના હાથમાં હોય, માર્કેટમાં. એ તો જ્ઞાની પુરુષનું કામ છે. બુદ્ધિવાદ નથી, બુદ્ધિથી પર વસ્તુ છે.

અને જગત આખું બુદ્ધિવાદમાં પડેલું છે. સાધુ, આચાર્યો, બધાય બુદ્ધિવાદમાં છે અને ક્રમિક માર્ગમાં બુદ્ધિવાદ જ છે. પણ સાચો ક્રમિક માર્ગ સમ્યક બુદ્ધિવાળો હોય. નહીં તો વિપરીત તો પેસી જ ગયેલું હોય. બાકી 'આ' તો બુદ્ધિથી પરનો માર્ગ છે. મારામાં બુદ્ધિ છે જ નહીં, પછી તમારામાં શું કામ ખોળું ?

બુદ્ધિએ બનાવ્યા ઘનચક્કર !

તેમાં વળી પાછા ઉપદેશકો આવા નીકળે. તે હિન્દુસ્તાનમાં તો જાત જાતની દુકાનો. આપણે તપાસ ના કરીએ કે આ ભગવાનની દિશા બતાવે છે કે સંસારમાં સુખી થવાની દિશા બતાવે છે ? ત્યારે કહે, 'બેઉ દિશા બતાવતો નથી.' ત્યારે મૂઆ, કઈ જાતના ઘનચક્કર છો ? નથી મોક્ષની દિશા બતાવતો, નથી સંસારમાં સુખ થાય એવી દિશા બતાવતો ! બુદ્ધિ પાંગળી બનાવે છે, ઘનચક્કરોને બનાવે છે !

એક હેતુ હોવો જોઈએ કે ભઈ, મોક્ષમાં લઈ જનારી છે આ વાત. મોક્ષમાં નહીં લઈ જનારી હોય તો સંસારમાં સુખી કરે એવી વાત છે. બે વાતની જરૂર આપણે, બીજી વાતની જરૂર ક્યાં રહી ? બીજી વાતને ઘનચક્કરો ખોળે. ઘનચક્કર એટલે ક્યૂબચક્કર ! ચક્કર તો હતા જ, પછી થયા ક્યૂબચક્કર. તે મારે આવડી આવડી ચોપડવી પડે છે, કે જ્ઞાની પુરુષને બોલવાનો વખત આવ્યો ? મૂઆ, કઈ જાતનો ચક્કર છું તે ? આટલી સમજણ ના પડે કે આ મારા સંસારના હિતનું છે કે નહીં ? નહીં તો મોક્ષમાં લઈ જનારો હોય તો તે ચાલે. પણ ત્રીજો રસ્તો બતાવે છે, તે ઘનચક્કરો કહેવાય.

ઊલટી લોકોની બુદ્ધિ વ્યાકુળ કરી નાખી. વ્યાકુળ બુદ્ધિ કરી નાખે એટલે કશું ઠેકાણું રહ્યું નહીં. અને કહેશે, 'હું જઈ આવ્યો, હું સાંભળી આવ્યો.' પણ સાંભળીને તું લાવ્યો શું ? ઘરમાં વઢવાડ બંધ થઈ ? ઘરમાં મતભેદ એકુય અટક્યો નથી. મેં એ બધાને કહ્યું કે, 'ઘેર મતભેદ અટક્યા ?' ત્યારે એ કહે, 'ના, નથી અટક્યા'. ત્યારે મૂઆ, ફાયદો શું થયો ? વગર કામનો શું કામ દોડધામ કરે છે ? એ તો ચક્કર મૂઓ છે, એની પાછળ તું શું કામ ચક્કર થાય છે ? એણે એનું કલ્યાણ કર્યું નથી અને ત્યાર પહેલાં આ ચક્કરો સાંભળવા માટે સો-સો રૂપિયાની ટિકિટો લેશે, પાછું મહાવીર ભગવાનનું સાંભળવું હોય તો પાંચસો રૂપિયા. અલ્યા, એનું તો ઠેકાણું નથી, ત્યાં મહાવીર ક્યાંથી હોય ? મહાવીરનું સાંભળવા જઉં ને મતભેદ ઓછો થાય તો જાણવું કે મહાવીરનું સાંભળ્યું તેં ! આ તો મતભેદ ઊલટા વધ્યા ! પાછો બૈરીને શું કહે ? તારામાં સેન્સ નથી. આ સેન્સનો કોથળો, મૂઓ ! આ બઈ જાણે કે મને ઓછી સેન્સની કહે છે ને, એનો વખત આવવા દે ને, તે પછી એને ઠોકે. વઢવાડો વધારે ઊલટી ! ઘનચક્કરો આવા કઈ જાતના પાક્યા છે હિન્દુસ્તાનમાં, તે જ સમજાતું નથી. કાં તો સંસારનું હિત થવું જોઈએ, કાં તો મોક્ષે લઈ જતા હોય. આ તો દિશામૂઢ તો છે જ, એને વધારે દિશામૂઢ બનાવે છે.

મૂઆ, તારામાં અક્કલ નહોતી તેથી તો રડતો'તો રોજ અને તારી અક્કલ શું કામ લાગવાની ? તારી અક્કલથી તો તું બફાઈ ગયો. હવે એ અક્કલને કાઢી મેલવાની. એ અક્કલે કોઈ દહાડો સાચો રસ્તો નથી દેખાડ્યો. પોતાની અક્કલથી જ બફાયું છે આખું જગત. હજુ તો બુદ્ધિ બફારો એવો મેલશે કે ચોગરદમ સળગાવી મેલશે.

ઘનચક્કર તમારાથી ના બોલાય, હું બોલી શકું. કારણ કે મને દ્વેષ નથી ને તમને શબ્દ બોલતાની સાથે દ્વેષ થયા કરે અને મારે તો આ વાણીના માલિક નહીં ને એટલે દ્વેષ નહીં. માલિકીપણું જ નહીં એટલે વાણી રેકર્ડની પેઠ વાગ્યા કરે.

બુદ્ધિનો ટી.બી. !

બુદ્ધ ભગવાનની આત્માની માન્યતા બધી બુદ્ધિ પર જાય છે. એટલે આત્માને ક્ષણિક કહે છે. આ ચેતન અલ્પાંશ છે અને વિશ્વચેતના છે એ આખી સર્વાંશ છે. એટલે વિશ્વચેતનામાં ભળી જાય છે. હવે લોકોને આવું સમજાવે, પણ તે બુદ્ધિને મળતી આવે છે, તે લોકોને આ અનુકૂળ આવે. ફોરેનને માટે આ સારંુ છે, પણ આ વિકલ્પી લોકોને કામનું જ નહીં ને ?

પ્રશ્શનકર્તા : એમાં તો એવું કહ્યું છે કે, 'સોહમ્ સોહમ્.'

દાદાશ્રી : સોહમ્ નામનું કોઈ પાક્યું જ નથી. આ બધું ઠોકાઠોક કરી છે. એ 'હું છું' એનો અર્થ શું ? એમાં તને શું ફાયદો મળ્યો ? 'હું' ઈગોઈઝમ છે અને તે જ પરમાત્મા છે, એવું સિમિલી થાય ખરી ? આ બધું લોકોને મગજનો ટી.બી. થયો છે.

પ્રશ્શનકર્તા : એ તો બુદ્ધિનો ઉપયોગ કર્યો એટલે આવું થયું ?

દાદાશ્રી : આને બુદ્ધિ કહેવાતી હશે ? બુદ્ધિ તો કેવી હોય ? આમ ડહાપણવાળી હોય. બીજા એક્સેપ્ટ કરે. બીજા બુદ્ધિશાળી ના હોય ? એક્સેપ્ટ કરે કે ના કરે ?

પ્રશ્શનકર્તા : એક્સેપ્ટ કરે.

દાદાશ્રી : પણ આવું ના હોવું જોઈએ. પદ્ધતિસરનું હોવું જોઈએ. અહીં જે જ્ઞાન આપણે આપ્યું હોય ને, એ પાંચ વાક્યમાં તમે એકુય પાળ્યું ? એમાં ધ્યાન આપ્યું ? તમે સ્વચ્છંદમાં પડ્યા છો કે કહ્યામાં ચાલો છો ?

પ્રશ્શનકર્તા : ત્યારે તો જ્ઞાન લીધું છે.

દાદાશ્રી : જ્ઞાન લીધા પછી બીજો એક શબ્દ સાચો મનાય નહીં કારણ કે એ ટેસ્ટેડ નથી, અન્ટેસ્ટેડ છે. આ ટેસ્ટેડમાં અન્ટેસ્ટેડ નાખે તો શું થાય ? મકાન તૂટી પડે. સળિયા એ ટેસ્ટેડ હોય છે, એમાં અનટેસ્ટેડ નાખીએ તો શું થાય ?

પ્રશ્શનકર્તા : તૂટી પડે.

દાદાશ્રી : હા, એટલે જ્ઞાની પુરુષના કહ્યા બહાર પોતે ચાલે નહીં. આપણને જે જ્ઞાન કામનું નથી એ જ્ઞાનને શું કરવું છે ? એ તો માથાફોડ વધે. એટલે એવું કંઈક પૂછો કે સરળ થાય. આ મુશ્કેલીનું પૂછતા નથી ને બીજું ડહાપણ ઠોકાઠોક કરે છે. પેલો પોલીસવાળાનો ડંડો હોય ને, તે લઈને ફર ફર કર્યા કરે.

પ્રશ્શનકર્તા : મુશ્કેલી ના હોય પછી શું પૂછવાનું ?

દાદાશ્રી : બધા મુશ્કેલીમાં જ છો. મુશ્કેલીની બહાર નીકળ્યા જ નથી. એ હજુ મુશ્કેલીય સમજાઈ નથી માણસને. માણસને મુશ્કેલી સમજાવી જોઈએ. આ બંધન છે તે નથી સમજાતું !

દાદા ખવડાવે જમાલગોટો !

જ્ઞાની પુરુષની આગળ રક્ષણ કરવું એ ભયંકર ગુનો છે. પોતાની જાતનું રક્ષણ કરવું એને ગાંડામાં ગાંડી બુદ્ધિ કહેવાય. જ્ઞાની પુરુષ જેને રાગ-દ્વેષ નથી, ત્યાં આગળ પોતાનું સાચું કરે છે ?

પ્રશ્શનકર્તા : હું જવાબ આપતો નથી. જવાબ આપું છું તો તમે ગુસ્સે થાવ છો.

દાદાશ્રી : જ્ઞાની પુરુષમાં ગુસ્સો હોય નહીં. આ કઈ જાતની આંખ છે તમારી ! જ્ઞાની પુરુષના શબ્દ સ્ટ્રોંગ હોય, ગુસ્સો હોતો હશે ? ગુસ્સો હોય ત્યાં જ્ઞાની ના કહેવાય. ગુસ્સો હોય તેને જાનવર કહેવાય. તમને પારખતાંય ના આવડ્યું કે આ ગુસ્સો છે કે શું છે ? પોતાનું સ્વરક્ષણ કરે એ તો ગુનો છે. એ સ્વચ્છંદ કહેવાય, ઓવરવાઈઝનેસ (દોઢ ડહાપણ) કહેવાય. જ્ઞાન મળ્યા પછી જો કદી સ્વચ્છંદ રહેતો હોય તો ભયંકર દુઃખ જ કહેવાય. જ્ઞાની પુરુષમાં ગુસ્સો દેખાય તો તો થઈ રહ્યું ને ? તમે ખેંગાર થઈ ગયેલા છો, અક્કલના કોથળા થઈ ગયેલા છો. હવે સમજીને શુદ્ધાત્મા થઈ જાવ. આ તો દહીંમાં ને દૂધમાં બે જગ્યાએ પગ રાખવાથી ડફોળ કહેવાય.

અક્કલ તો કોનું નામ કહેવાય કે આગળ લાઈન ક્લીયર થયા કરે અને મોઢું તો હસતું ને હસતું રહે. આ તો અક્કલના કોથળા કહેવાય. લાઈન ક્લીયર હોય નહીં, જ્યાં જાય ત્યાં ગૂંચવે ઊલટું !

જુલાબ આપવા બેઠો એટલે મારે પૂરો જુલાબ આપી દેવાનો. નહીં તો રોગ બેસી રહે કાચો. હંમેશાં જુલાબ આપતી વખતે દયાળુ ના હોઈએ. અમે કરુણાવાળા હોઈએ. કારણ કે હું તો પૂછી જોઉં ધણીને કે તમારે રિયલમાં રહેવું છે કે રિલેટિવમાં ? જો તમારે રિલેટિવમાં રહેવું હોય તો અમારે અક્ષર કહેવાનું નથી. રિલેટિવમાં રહેવું હોય તો ત્યાં આગળ સ્વતંત્રતા કોઈની મારે લૂંટવાની નથી. પણ જો રિયલમાં રહેવું હોય તો મારી મહેનત નકામી ના જાય. તો અમને કહેવાનું કે તમારે ક્યાં રહેવું છે, તે નક્કી કરીને કહો. ક્યાં રહેવું છે ?

પ્રશ્શનકર્તા : રિયલમાં રહેવું છે.

દાદાશ્રી : તો પછી અમારે કહેવું પડશે. ગુસ્સો દેખાય છે એ કોણ દેખાડે છે એ મને ખોળી આપો. એ જ ડફોળ બુદ્ધિ છે. જ્ઞાની પુરુષમાં ગુસ્સો તમે એકલાએ જ જોયો. કોઈએ જોયો જ નથી. આ કેવડું બધું ઘનચક્કરપણું કહેવાય ! અમે બહુ સ્ટ્રોંગ શબ્દો બોલીએ. અમે ધંધા પર જઈએ તો આવડા આવડા (સ્ટ્રોંગ) શબ્દો બોલીએ પણ બધું ડ્રામેટિક હોય.

હવે એવી દ્ષ્ટિ રાખજો. બુદ્ધિને એવું કહીએ, 'તું અહીંથી ખાલી કર.' એવું કહેશો કે નથી કહેવું ? તમારી પર બહુ ઉપકાર છે બુદ્ધિના ? ઉપકાર હોય તોય કહીએ કે એક બાજુ બેસી રહે, પેન્શન આપીશ પણ તું મને સલાહ ના આપીશ. મારી પાસે પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ છે.

સાચી હકીકત છૂપાવવી પડે ? શેને માટે અમે છૂપાવીએ ? અમારે જગતમાં કોઈ ચીજ જોઈતી નથી, એને જગતમાં કોઈના બાપની શું બીક છે ? સાચી વસ્તુ કહેવી જોઈએ. રિયલમાં રહેવું હોય તો તૈયારી રાખજે જોડે. આ રોગ કાઢવો હોય તો જુલાબ લેવા પડશે. નહીં તો પછી અમારે વાંધો નથી. નહીં તો તમારે કહેવું કે મારે દાદા છે એટલું બરાબર છે, મને જુલાબ ના આપશો. મારે વધવાની જરૂર નથી, એવું કહીએ તો ચાલશે.

તમે અહીં આવ્યા છો, તે તો તમારા હિત માટે આવ્યા છો પણ તમને જે નુકસાનકારક વસ્તુ છે, તે જો દવા કરાવવા માટે આવ્યા છો, તો મારે તમને પરેજી કહેવી જોઈએ અને જો દવા કરાવવા ના આવ્યા હોય તો પરેજી કરવાની જરૂર નથી. તમે કહેશો કે પરેજી ના કહેશો, મારું જેટલું દુઃખ રહ્યું એટલું ભલે રહ્યું, તો અમને વાંધો નથી. બાકી, મારે રોગ હોય તે તો કહ્યા વગર છૂટકો જ ના થાય ને ?

મોઢા ઉપર આનંદ ના આવે એને ગૂંચ કહેવાય. કંઈક ગૂંચાયા કરતો હોય ને ત્યારે આનંદ ના આવે.

ઓપન માઈન્ડનો માણસ હોય તો પગે લાગવા જેવો. હા, ઓપન માઈન્ડનો માણસ ક્યાંથી હોય તે ? અને આ તો બુદ્ધિના રોગ છે બધા, બુદ્ધિની કસરતો કર્યા કરે છે રાત-દહાડો અને મનમાં માની બેઠો છે કે હું કમાયો. બાકી, એમ ના કમાવાય. ક્રોધ-માન-માયા-લોભનું અસ્તિત્વ ખલાસ થવું જોઈએ. એ કંઈ રોગ ગયાની ખાતરી હોય કે ના હોય ?

છાશનું વલોણું !

જગતે શું કર્યું છે ? છાશને જ વલોવી છે ને છાશને જ માખણ માનીને ચાલ્યા છે. એટલે લૌકિક જ બધું જાણ્યું છે. અલૌકિક વાત જાણવી જોઈએ. એક સેન્ટ પણ જો અલૌકિક જાણવામાં આવે તો મહીં અંદર શાંતિ થાય, નહીં તો શી રીતે શાંતિ થાય તે ? છાશને વલોવ વલોવ કરીએ તો, માખણ તો કાઢી લીધું પછી શો અર્થ ? તમને કેમ લાગે છે ? માખણ જોઈએ કે છાશ ચાલે ? તત્ત્વસાર જોઈએ કે અતત્ત્વ જોઈએ ?

પ્રશ્શનકર્તા : તત્ત્વ જ જોઈએ.

દાદાશ્રી : હા, તો અતત્ત્વમાં આખો દહાડો લોકો રમ્યા કરે છે. હેય, છાશમાં ને છાશમાં જ ભૂસકા માર્યા કરે છે. બુદ્ધિનાં તોફાન બધાં ! એકથી એક ચઢે એવી બુદ્ધિવાળા ! મતભેદી, વિવાદી. જ્યાં અલૌકિક છે ત્યાં કંઈ ના હોય.

જ્ઞાનીને બુદ્ધિથી મપાય ના !

આમાં ભલભલા બુદ્ધિશાળીઓ માર ખાઈ જાય. તે બુદ્ધિશાળીઓ નથી પહોંચી શકતા અને જો એક બુદ્ધિશાળી મને માપી લે, તો એણે કહી દેવું જોઈએ કે આજ છેલ્લામાં છેલ્લો માર્ગ છે, બાકી બીજું તોફાન છે. મને માપ એકવાર, જેટલો મપાય, જેવી રીતે માપવું હોય એ રીતે માપ અને પછી કહી દે.

બુદ્ધિશાળી સમજી જાય કે તદ્દન હંડ્રેડ પરસેન્ટ કરેક્ટ છે આ. ગમે તેવા બુદ્ધિશાળી સમજી જ જાય. તો પછી બીજાને કહી દેને કે બીજુ બધું ઊંધું છે. પણ ડરે છે કે બીજું ઊંધું કહીએ ને વખતે સાચું હોય તો ? અલ્યા, બે સત્ય હોય નહીં, એક જ સત્ય હોય.

પ્રશ્શનકર્તા : બીજાં જે શાસ્ત્રો હોય તે જે વર્ણન કરે બુદ્ધિજન્ય, તો સામાને પણ બુદ્ધિના લેવલે જ અસર કરે ને ?

દાદાશ્રી : હા, બુદ્ધિનું લેવલ જ. જેવું એનું લેવલ એમ પકડી શકે.

પ્રશ્શનકર્તા : અને આપની જે અનુભવજન્ય વાણી છે, તો તે સામાને કયા લેવલે સ્પર્શ કરે ?

દાદાશ્રી : આ સામાને એટલે કે આપણું જ્ઞાન લીધેલું હોય તેને તો એડજસ્ટ જ થઈ જાય અને પેલાનેય ઠંડક તો વળે જ, કે વાત સાચી છે કારણ કે આત્મા છે ને એની પાસે.

પ્રશ્શનકર્તા : એ પ્રકારના જે ગ્રંથો હોય, બીજાં જે પ્રકારના વર્ણનો હોય, એ માત્ર બુદ્ધિને જ અસર કરે ને ?

દાદાશ્રી : બુદ્ધિને જ. બીજાં વર્ણન માત્ર બુદ્ધિનાં જ. બુદ્ધિની બહાર નીકળી શકે નહીં માણસ.

શુદ્ધ પ્રેમનો પંથ !

આ બધો માર્ગ તો તીર્થંકરોએ બતાવ્યો છે ને, તે સાચો છે. કૃપાળુદેવે એને ટૂંકમાં લખ્યું છે. એ શાસ્ત્રોના આધારે, એય સાચું છે.

માર્ગ એવો હોવો જોઈએ કે સરળ હોવો જોઈએ અને હ્રદય કબૂલ કરે એવો હોવો જોઈએ. બુદ્ધિનો ના હોવો જોઈએ. બુદ્ધિનો માર્ગ, તો બધી કઠોરતા ઉત્પન્ન થાય, છતાંય ખોટી વસ્તુ નથી. બુદ્ધિથી પૂછેલી વસ્તુ એય પદ્ધતિસર જ્ઞાન જ કહેવાય એક જાતનું, પણ એ જ્ઞાન આવું પરિણામ ના પામે, શુષ્કજ્ઞાન હોય.

પ્રશ્શનકર્તા : આજે બધા માણસો લોજિક અને બુદ્ધિથી જ કહે ને કે, દાદાજી કહે છે એ બરાબર છે. અથવા તો આજે દાદાનું જ્ઞાન અમને પ્રમાણ થતું હોય તો થોડી બુદ્ધિ તો જોઈએ, ત્યારે જ પ્રમાણ થાય ને ?

દાદાશ્રી : ના, બુદ્ધિ 'વિથ' હ્રદય હોય તો જ એ થાય.

પ્રશ્શનકર્તા : હ્રદય તો અહીં આવ્યો એટલે હોય જ ને ?

દાદાશ્રી : ના, એવું નહીં, હ્રદય એટલે હ્રદયથી બળી ગયેલો ના હોય એ.

પ્રશ્શનકર્તા : હ્રદય ખુલ્લું હોવું જોઈએ ?

દાદાશ્રી : હ્રદય ખુલ્લું નહીં પણ હ્રદય બુદ્ધિની જોડે જ ચાલતું હોવું જોઈએ. બુદ્ધિ એકદમ આગળ વધી જાય તો હ્રદય બંધ પડી જાય. કૃપાળુદેવના બધા અક્ષરો મહીં હ્રદય ને બુદ્ધિ બન્નેના છે ને, નહીં તો આ તો હેલ્પ કરે નહીં અને અથડામણ ઊભી થશે બધી અને પોતાની જાતને જ્ઞાની માની બેસે.

પ્રશ્શનકર્તા : હ્રદય અને બુદ્ધિમાં, હ્રદય એટલે ભક્તિ જે હોય એ ?

દાદાશ્રી : ના, બુદ્ધિ ના હોય તોય જ્ઞાન પહોંચી જાય ને કેવળજ્ઞાન થાય અને હ્રદય ના હોય તો જ્ઞાન જ ના થાય.

પ્રશ્શનકર્તા : તો અમારે હ્રદય કેવી રીતે લાવવું ?

દાદાશ્રી : હ્રદય હોય જ મનુષ્યને, જો બુદ્ધિ વધારે નહીં, બુદ્ધિ ઉપર એકાંગી ના થઈ જાય તો.

પ્રશ્શનકર્તા : એટલે બુદ્ધિ છોડવાની વાત છે ?

દાદાશ્રી : નહીં, બુદ્ધિને વધવા નહીં દેવાની. એવું છે, બુદ્ધિવાદી લોકોની પાછળ પોતે પડે તો બુદ્ધિવાદી થઈ જાય, હ્રદયમાર્ગ હોવો જોઈએ. ઘણાખરા માર્ગ હ્રદયમાર્ગી જ છે. ગીતા જ્ઞાન છે એ પણ હ્રદયમાર્ગી છે.

પ્રશ્શનકર્તા : હ્રદય એટલે શું કહેવા માગો છો ?

દાદાશ્રી : હ્રદય એટલે શુદ્ધ પ્રેમપૂર્વકનો માર્ગ છે. એ બધા હ્રદયમાર્ગી હોય. એટલે શુદ્ધ પ્રેમ મહીં જોડે જોડે હોય અને આ બીજા બધા જે જે એટિકેટવાળા માર્ગ હોય છે ને, તેમાં પ્રેમ ના હોય.

પ્રશ્શનકર્તા : એ એટિકેટમાં જાય ?

દાદાશ્રી : હા, એ એટિકેટમાં જાય, બુદ્ધિવાદમાં જાય અને શુદ્ધ પ્રેમવાળા સાહજિક હોય. જેમ અવસ્થા રાખે એવું રહે.

પ્રશ્શનકર્તા : એટલે ત્યાં અહંકાર તૂટી જ જતો હશે ?

દાદાશ્રી : અહંકાર બધે પ્રમાણમાં જ હોય. પ્રમાણની બહાર ના ગયેલો હોય, બુદ્ધિ વધે ત્યાં અહંકાર વધે.

હ્રદયમાર્ગી વરે સમકિતને...

જ્યાં હાર્ટ વપરાતું નથી, ત્યાં મોક્ષમાર્ગ નથી. ત્યાં મોક્ષમાર્ગ કોઈએ માનવો પણ નહીં. જ્યાં હાર્ટિલી વાત હોય ત્યાં મોક્ષમાર્ગ માનવો. બુદ્ધિની વાત હોય ત્યાં મોક્ષમાર્ગ માનવો નહીં. એને ધર્મમાર્ગ કહેવાય પણ મોક્ષમાર્ગ તો ક્યારેય પણ ના કહેવાય. મોક્ષમાર્ગમાં હાર્ટિલી વાત હોવી જોઈએ. આ જેટલા ભક્તો થયા છે ને, હાર્ટિલી વાત જેણે કરી છે ને, એ બધા સમકિતની નજીકમાં છે.

પ્રશ્શનકર્તા : પણ સમકિત ગણાય નહીં ને એમને ?

દાદાશ્રી : ના, હજુ તો અહંકાર ક્યાં ફરે એનું કશું ઠેકાણું નહીં. પણ હ્રદય છે, હ્રદયપૂર્વકનું છે, એટલે એ પામી જાય. હાર્ટિલી છે ત્યાં એટિકેટ ના હોય. એટિકેટ છે ત્યાં બિલકુલ ધર્મ જ નથી.

પ્રશ્શનકર્તા : એમને કઈ રીતે સમકિત નથી એ આપ સમજાવો.

દાદાશ્રી : સમકિતની દ્ષ્ટિ અવિરોધાભાસ હોય ને જેનું તમે પુસ્તક લાવશો ને, તો હું તમને દેખાડી આપું કે આ વિરોધ છે, આ વિરોધ છે, તેમાં ફિફ્ટી પરસેન્ટ ઉપર વિરોધ બતાડું. કારણ કે અમારી દ્ષ્ટિ પડતાંની સાથે જ વિરોધ શું છે એ અમને સમજાઈ જાય. સમકિત દ્ષ્ટિ કોને કહેવાય કે પહેલે પાને પહેલું વાક્ય લખેલું છે, એને બીજું વાક્ય હેલ્પ કરતું હોય, ત્રીજું વાક્ય હેલ્પ કરતું હોય, આઠમા પાનનું છેલ્લું વાક્ય પણ હેલ્પ કરતું હોવું જોઈએ, એનું નામ સમકિત દ્ષ્ટિ. સમકિત એટલે અવિરોધાભાસ. આ તો બધા વિરોધાભાસ દેખાય. અને વિરોધાભાસ એટલે અહંકારી વાણી પણ છતાંય હાર્ટિલી છે, એટલે આપણે કહી શકીએ કે, આ થોડા કાળમાં સમકિતને પામે એવા છે. જે બુદ્ધિગમ્ય ઉપર પડ્યા છે, એ સમકિતને ના પામે.

જેમ બને તેમ બુદ્ધિની વાતો સાંભળશો જ નહીં, નહીં તોય અબુધ થયા વગર ચાલવાનું નથી.

એ અબુધતા, નહિ કામની !

પ્રશ્શનકર્તા : અબુધતા બે પ્રકારની. અબુધતા એ બુદ્ધિ આવતાં પહેલાંની અબુધતા છે કે બુદ્ધિનો ઉદ્ભવ થયા પછી છે ?

દાદાશ્રી : હા, અબુધતા બે પ્રકારની. એક બુદ્ધિ પ્રગટ થઈ ના હોય ત્યારે અબુધતા, બાળકોની અબુધતા કહેવાય અને બીજી જ્ઞાનીઓની અબુધતા. બુદ્ધિ સંપૂર્ણ ટોચ ઉપર ગયા પછી આથમી જાય, એ જ્ઞાનીઓની અબુધતા.

પ્રશ્શનકર્તા : એટલે આપે જે વાત કરી, એમાં સામાન્ય માણસ તો બુદ્ધિ પહેલાંની અબુધતામાં હોય, એવું નથી લાગતું ?

દાદાશ્રી : એ કામની નહીં. ડેવલપ્ડ થાય તો જ કામની. ડેવલપ થાવ, બળો. બળો એટલે શું ? આ સોનું છે ને, એને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં મૂકવું પડે. તે આ બુદ્ધિ વધે છે એ ભઠ્ઠી છે અને ભઠ્ઠીમાં બળી ને પછી શુદ્ધ થાય છે, એમ ને એમ શુદ્ધ થતું નથી. માટે બુદ્ધિમાં બળવાનું બધાને ફરજિયાત છે. હું હઉ બળ્યો છું.

પ્રશ્શનકર્તા : એ ભઠ્ઠી કઈ છે ?

દાદાશ્રી : બળતરા થાય છે એ ભઠ્ઠી મહીં ચાલુ છે. એ ભઠ્ઠી ના હોય ને, તો શુદ્ધતા ના પકડે.

ત્યાં સાચો ધર્મ !

માણસમાં નીતિ અને પ્રમાણિકતા હોવી જ જોઈએ પણ ઈગોઈઝમ વધે ને તેના સામું હાર્ટની પ્યૉરીટી, 'હાર્ટનું પ્યૉરીફિકેશન' (હ્રદય શુદ્ધિ) કરવાની જરૂર છે. બુદ્ધિ વધે અને હાર્ટનું પ્યૉરીફિકેશન ના હોય તો બરોબર કામ નહિ આપે એ, હાર્ટિલી જોઈએ. હાર્ટિલી હશે તો કામ ચાલશે. બુદ્ધિ એકલી રખડાવી મારશે. આ બુદ્ધિથી રખડી મર્યું છે ને જગત ! હાર્ટ ઊડી ગયું છે. હાર્ટ ક્યાં દેખાય ? તમે રામકૃષ્ણ પરમહંસમાં જોઈ આવો તો બુદ્ધિ ઓછી દેખાશે ને હાર્ટ વધારે દેખાશે. આ હાર્ટવાળાનું કામ છે. ભલે ગામડિયું લાગે પણ હાર્ટિલી માણસનું કામ છે, ભગવાનને ત્યાં ! આ બુદ્ધિવાળાને ત્યાં પેસવા જ નથી દેતા. બુદ્ધિવાળો એટલે પોતાના પગ ઉપર ઊભો રહેનારો. બીજા કોઈની જરૂર ના પડે એવો. પણ ત્યારે ત્યાં મોક્ષ માટે તો હાર્ટવાળાનું કામ છે.

હાર્ટિલી માર્ગ હોયને, એ બધા મોક્ષે જવાના અને બુદ્ધિગમ્ય માર્ગ કોઈ દહાડોય મોક્ષે ના જાય. બુદ્ધિથી જ આ સંસાર ઊભો છે, બળ્યો. જ્યાં બુદ્ધિ છે ત્યાં ધર્મ ના હોય. જ્યાં હાર્ટિલી માર્ગ હોય, તે માર્ગ સાચો બધો. અહીં આગળ બે માણસોથી હાર્ટિલી માર્ગ કરાયેલા, એક રામકૃષ્ણ પરમહંસ અને એક છે તે આપણા રમણ મહર્ષિ, બીજા બધા બુદ્ધિજન્યમાર્ગ. મોક્ષના માર્ગ ન હોય તે. બીજા સંસારના માર્ગ ખરા, સાંસારિક ધર્મ ખરો, પણ એ મોક્ષમાર્ગ ના કહેવાય.

અમને બુદ્ધિ ખલાસ થઈ ગઈ, તે કહેવાનો શું ભાવાર્થ કે બુદ્ધિ મોક્ષમાં જતાં આંતરે છે. એટલે ઓછી બુદ્ધિવાળાને સારું ને ફાયદો જ થાય ને તેને ? અમારી બુદ્ધિ ટોપ ઉપર ગયા પછી ખલાસ થઈ ગયેલી.

પ્રશ્શનકર્તા : ટોપ ઉપર જતાં સુધી બુદ્ધિ જોઈએ ને ?

દાદાશ્રી : ના, હવે આ જ્ઞાન પછી તમારે જરૂર નહીં. મારે તો પ્રાપ્ત થયેલું નહીં એટલે મારે છૂટકો જ નહીં ને ! મારે તો જાતે કરવું પડે ને ! તમારે તો હવે આ જ્ઞાને કરીને નીકળી જવાશે. હવે તમારે બુદ્ધિ તો રહે જ નહીં. જ્યાં સુધી અહંકાર છે ને, ત્યાં સુધી બુદ્ધિ બેસી રહે. શુદ્ધાત્માનું ભાન થયું એટલે અહંકાર ગયો. 'હું ચંદુભાઈ છું' એ માન્યતા એ જ અહંકાર, એ તમારે ગયું. હવે તો તમારે ડ્રામેટિક રહેવાનું.

અનુકરણ દોરે, અબુધતા ભણી...

પ્રશ્શનકર્તા : આપણે જ્યારે નિર્વિકલ્પ દશાની વાત કરીએ છીએ, ત્યારે નિર્વિકલ્પ દશામાં કોણ કોનું અનુકરણ કરે છે ?

દાદાશ્રી : નિર્વિકલ્પ દશામાં અનુકરણ કરવાનું તો રહેતું જ નથી ને ! આ તો વિકલ્પીને બધું અનુકરણ કરવાનું કહ્યું છે. નિર્વિકલ્પી થઈ ગયો. પોતે પોતાના આધીન જીવે છે. પોતે પોતાના પ્રાણથી જીવે છે. નિરાલંબતાથી જીવે છે. એને અનુકરણ હોય નહીં. આ જે છે તેને અનુકરણ છે. જો તારે ભટકવું ના હોય તો અનુકરણ કર. નહીં તો ભટકી ભટકીને... એવું કહેવા માંગે છે આ.

અનુકરણ કરવાથી બુદ્ધિ બહેરી થતી જાય અને અનુકરણ ના કરે એટલે બુદ્ધિ ત્યાં આગળ પ્રફુલ્લિત થતી જાય. વિકલ્પોનાં ઝાડ ઉપર ઝાડનાં ઝાડ ઊભાં થશે અને બુદ્ધિએ જ ભટકાવ્યંુ છે, આ જગતને. અનુકરણથી હાર્ટમાં પ્યૉરિટી થતી જાય.

પ્રશ્શનકર્તા : અનુકરણથી બુદ્ધિ બહેરી થતી જાય, એ વાત તદ્દન સાચી લાગે, પણ એનાથી હ્રદય કેવી રીતે પવિત્ર થઈ શકે ?

દાદાશ્રી : બુદ્ધિ બહેર મારે એટલે હ્રદય પવિત્ર થાય. નહીં તો બુદ્ધિ જ્યાં સુધી ફણગો મારે ત્યાં સુધી હ્રદય હોતું જ નથી. દિલ ખલાસ થઈ ગયેલું હોય છે. જ્યારે દિલ લાગે ત્યારે ખરી વાત. જો મારામાં બુદ્ધિ નથી, બિલકુલ સેન્ટ મારામાં બુદ્ધિ નથી, તો કેવો ડાહ્યો થઈ ગયો છું ! ફોરેનના સાયન્ટિસ્ટો માનવા તૈયાર નહોતા કે મારામાં બુદ્ધિ નથી. મને કહે છે, 'શેના આધારે તમે દેખી શકો છો ?' મેં કહ્યું, 'હું કેન્ડલ પાવરથી નથી જોતો, હું ટોર્ચથી જોઉં છું.' બુદ્ધિ કેન્ડલ પાવરથી જુએ છે.

પ્રશ્શનકર્તા : આપની અબુધતાનું અનુકરણ અમે નથી કરી શકતા.

દાદાશ્રી : કરી શકતા નથી એ તમારા મનમાં સમજો છો. હું જાણું છું કે તમે અનુકરણ કરી રહ્યા છો. એટલે તમને પોતાને ખબર નહીં પડે કે મહીં શું પરિવર્તન થઈ રહ્યું છે તે ! મન-વચન-કાયાથી જ્ઞાની પુરુષનંુ અવલોકન કરવું, એનું નામ જ હ્રદયપૂર્વક !

પ્રશ્શનકર્તા : એનો અર્થ એવો થયો કે આપણે હ્રદયપૂર્વકની વાત કરીએ તે વખતે મન-વચન-કાયાની એકતાપૂર્વકની થાય ?

દાદાશ્રી : હોય જ, હ્રદયપૂર્વકની વાત બધી. મન-વચન-કાયાની એકતા જ હોય. બુદ્ધિપૂર્વકની વાતમાં બધું જુદું જુદું હોય. બુદ્ધિમાં બધું જુદું જુદું, હ્રદયમાં એકતા હોય.

પ્રશ્શનકર્તા : પણ અત્યારે તો લોકો જુદી રીતે સમજે છે ?

દાદાશ્રી : જેવું સમજે એવો માર ખાય ને ! હ્રદયપૂર્વકનું ત્યાં એકતા ને બુદ્ધિપૂર્વકનું આવ્યું કે ત્યાં આગળ ડખો. બુદ્ધિનો ડખો વધી જાય ત્યારે હાર્ટ બળી જાય છે અને હાર્ટ બળી જાય એટલે કશું ભલીવાર આવે નહીં પછી.

પ્રશ્શનકર્તા : આ વાત કદાચ બુદ્ધિથી ના સમજાય, પણ હ્રદયમાં ઊતરી જાય છે બધાને.

દાદાશ્રી : હા, તે આ હાર્ટિલી છે. આ દુનિયા બુદ્ધિથી ગૂંચાયેલી છે અને બુદ્ધિ એટલે વિકલ્પો. આમ નહીં ને આમ, આમ નહીં ને આમ, જંપ જ નથી કોઈ દહાડો અને હાર્ટ એટલે વિકલ્પો બંધ કરવાનું સાધન. હાર્ટિલી મોક્ષે જાય અને બુદ્ધિવાળા સંસારમાં ભટકે. આ બે નિયમ છે. એટલે બુદ્ધિવાળા બુદ્ધિ વધારતા હોય ત્યાં જવું જ નહીં. હાર્ટિલી વાત હોય ત્યાં જવું. મોક્ષને માટે બુદ્ધિની જરૂર નથી, હાર્ટની જરૂર છે. વેગ બધો હાર્ટિલી હોવો જોઈએ. બુદ્ધિનો વેગ તો મહીં વચ્ચે ડખલ કરે છે. મૃદુ-ઋજુ હોય, વિનમ્રતા હોય. ઋજુ એટલે સરળતા. એવા બધા ગુણો હોવા જોઈએ. એમ ને એમ કંઈ ગપ્પાં ચાલતાં હશે ? માટે હાર્ટ ઉપર આવી જાવ. આ જગત જ્યારે બુદ્ધિનો પ્રચાર છોડશે, હાર્ટ ઉપર આવશે, ત્યારે પાછું સરળ થશે બધું. આ જૂના ઘૈડિયા બધા બુદ્ધિ પર નહીં પડેલાં અને હાર્ટ ઉપર રહેલાં, તે એમને જુવાનિયા જોડે મેળ ના પડે. કારણ કે પેલા જુવાનિયા એકલા બુદ્ધિ પર જ પડેલા છે !

એ 'નાર' ચઢાવે ચાળે !

પ્રશ્શનકર્તા : બુદ્ધિનું માધ્યમ વિચાર ખરો કે નહીં ?

દાદાશ્રી : બુદ્ધિમાં તો વિચાર-બિચાર બધું જ આવે. જે બધું તમારે જરૂરિયાત નથી એ બધી ચીજો એમાં આવે. વિચારની જરૂરિયાત નથી તે બુદ્ધિમાં આવે. એટલે કે બહુ થોડા માણસોમાં જ એવી બુદ્ધિ રહે છે. બીજા તો ઓલિયા જ હોય, હ્રદયશીલ હોય. હ્રદયવાળાને, લાગણીવાળાને બહુ ભાંજગડ ના પજવે. એટલે એ (બુદ્ધિ) નુકસાન કરે, હેરાન કરે, મહીં સુખ ઉત્પન્ન થવા ના દે. એક તો હાર્ટ અને એક બુદ્ધિ. હાર્ટ છે એ મોક્ષે લઈ જવા હેલ્પ કર્યા કરે અને બુદ્ધિ ગૂંચવાડા નાખ નાખ કરે, લોચા નાખ નાખ કર્યા કરે. બિચારાને મૂંઝવે. હાર્ટની વાત હેલ્પ કરે. બુદ્ધિની વાત હેલ્પ ના કરે, ઊંધો જ રસ્તો અને હાર્ટની વાત આપણને નિવેડો લાવી આપે. જેટલા સંતો બુદ્ધિ ઉપર ચાલેલાને, એ બધા સંસારી સંતો કહેવાય. સમાજની બધી સુધારણા કરે. અને જે હાર્ટ પર ચાલ્યા એને હાર્ટ જ મોક્ષે લઈ જશે. બુદ્ધિ મોક્ષમાં ના લઈ જાય. મોક્ષે લઈ જાય તો મારી પાસે રહી હોતને. હું તો કહું, 'જતી રહે'. એ તો વિકલ્પી વસ્તુ છે. નર્યા વિકલ્પો જ ઊભા કરે. આખું આકાશ ભરાઈ જાય એટલા વિકલ્પો ઊભા કરે. એણે તો આ સંસાર ઊભો કર્યો છે.

અમારી એક વાતેય બુદ્ધિની ના હોય. અહીં આ બધાં પુસ્તકની અંદર, બુદ્ધિની વાત ના હોય, હાર્ટિલી વાત હોય. અહીં જેટલા શબ્દ બોલાય છે ને, અત્યાર સુધીમાં જેટલાં પુસ્તકો થયાં, એમાં બુદ્ધિની એક વાત નથી. બુદ્ધિ હોય ત્યાં એટિકેટ હોય. બધા રોગ ઘૂસ્યા હોય. કોઈ રોગ બાકી ના હોય. માણસને બુદ્ધિ કેટલી કામ લાગે ? મારી વાત સમજવા માટે બુદ્ધિ હોય તો કામ લાગે. બીજું કામ ના લાગે. ઊલટી મારી નાખે અને ચાળે ચઢાવી દે. એનો ચાળો એટલે વિકલ્પો જ ઊભા કરાય કરાય કરે. એ ચાળે ચઢાવી દે ને કયે ગામ ભટકાવી મારે, તેનું જ ઠેકાણું નહીં. અને હાર્ટ નિરાંતે બેસવા દે અને બુદ્ધિ જંપવા જ ના દે. કંઈનું કંઈ ખોળ, ખોળ, ખોળ કરે. આ ખોળે, તે ખોળે આખો દહાડો એ જ, કારણ કે ઊંધા ચાળે ચઢાવી દીધા, સ્થિર થવા ના દે અને હાર્ટ સ્થિર થવા દે, જંપવા દે.

તને બુદ્ધિ પજવે છે કે નહીં ? અત્યાર સુધી એ જ મદાર હતો ને ! એ આધારે જ સંસારનું બધું ગાડું ચલાવવાનું. સંપેય એ જ કરતી'તી અને ભય ના હોય ત્યાં ભયેય એ જ દેખાડતી'તી. તે આપણા લોક શું કરે ? આ મૂરખ માણસો નિરાંતે ઊંઘી જાય છે ને હું કેવો જાગૃત છું ! અલ્યા, તારી બુદ્ધિ તને મૂરખગીરી કરાવે છે. ભય ના હોય તોય ત્યાં ભય દેખાડે ને જાડી ખાલવાળા તો નિરાંતે સૂઈ ગયા, કંઈ બુદ્ધિ હોય તો ભાંજગડ ને ? એટલે સંસારમાંય બુદ્ધિ નુકસાનકારક. ખોટા ભય દેખાડે કે આમ થઈ જશે, તેમ થઈ જશે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ, મન અને હ્રદય એમાં બુદ્ધિ છે તે સારથી છે. એ દોરવે એ પ્રમાણે દોરવવાનું. મન છે તો એનું માને નહીં અને હ્રદય છે તો કરુણાથી ભરેલું હોય, તો આવા સંજોગોમાં માણસ ગૂંચાય છે, મૂંઝાય છે, તો શું કરવું ?

દાદાશ્રી : હ્રદયવાળાએ તો બુદ્ધિનું સાંભળવું જ નહીં. કારણ કે બુદ્ધિ હંમેશાં હ્રદયની વિરોધી હોય. અધ્યાત્મમાર્ગ એ બુદ્ધિવાળાની શોધખોળ નથી, હ્રદયવાળાની શોધખોળ છે.

સંસારમાં જ ભટકાવે એનું નામ બુદ્ધિ. હાયર પોસ્ટ (ઊંચી પદવી) અગર તો લોઅર પોસ્ટ (નીચી પદવી), પણ બુદ્ધિ ભટકાવે બધે. અને હ્રદયના વિચાર, હ્રદયની વાણી, હ્રદયનું વર્તન, એ તો ભગવાન બનાવે. હાર્ટિલી ! તેથી લોકોએ કહેલું ને કે હાર્ટમાં મહીં ભગવાન છે. પણ એવું કશું છે નહીં, ભગવાન તો આખા શરીરમાં છે.

હ્રદયસ્પર્શી વાણી, તારે !

હ્રદય પરિવર્તન થાય એ જ ધર્મ છે. બાકી, ધર્મ બીજી જગ્યાએ હોતો જ નથી. જ્યાં બુદ્ધિ હોય ને, ત્યાં આગળ ધર્મ શબ્દ હોતો નથી, ત્યાં સંસાર છે. કોઈ પણ પ્રકારનો સંસાર જ ઊભો રહ્યો છે. અત્યારે હિન્દુસ્તાનમાં જેટલા બુદ્ધિના ધર્મ છે, એમાં કોઈ મોક્ષનો માર્ગ નથી. બુદ્ધિ એટલે મોક્ષથી છેટા અને મોક્ષમાં ક્યારેય ના જવા દે એનું નામ બુદ્ધિ.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ એ વધારે બંધાવાનો માર્ગ છે.

દાદાશ્રી : બુદ્ધિ સંસારમાં ફર્સ્ટક્લાસ રૂપાળું કરી આપે. પણ તે ત્યાં મોક્ષમાં ના જવા દઉં, એમ કહેશે. એટલે આ બાજુ બુદ્ધિની ખેંચ છે અને આ બાજુ પ્રજ્ઞાની ખેંચ છે. પ્રજ્ઞા કહે છે, હાર્ટિલી માણસો હોય તેને હું હેલ્પ કરીને ઉપર લઈ જઈશ, ઠેઠ લઈ જઈશ. બુદ્ધિ જતી રહી તેથી અમારું હાર્ટ આટલું બધું પ્યૉર હોય ને ! ન હતા કહેતા કે હાર્ટિલી વાણી. એટલે શું કહ્યું, 'હ્રદયે સ્પર્શી સરસ્વતી આ, વાણી લહાવો અનોખો છે !'

પ્રશ્શનકર્તા : આ વાણીની એવી અસર છે. બુદ્ધિ જે પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે છે.

દાદાશ્રી : એ હ્રદયસ્પર્શી વાણી ને ! હ્રદયે સ્પર્શી વાણી તો ગજબની કહેવાય ! જો બાપ છોકરાને કહે તો એ ઊંધો ચાલે. એટલે આપણે કેવા ફાધર કહ્યા છે ?

પ્રશ્શનકર્તા : અનસર્ટિફાઈડ (સર્ટિફીકેટ વગરના).

દાદાશ્રી : તે પેલો સર્ટિફાઈડ ફાધર કહેવાય. હ્રદયસ્પર્શી વાણીથી જો બાપ છોકરાને કહે, તે બધા સર્ટિફાઈડ ફાધર, જ્યારે બીજા બધા અનસર્ટિફાઈડ ફાધર !

પ્રશ્શનકર્તા : આપની વાણીમાં પણ આપ જોઈને બોલો છો એટલે અથડામણ થતી નથી.

દાદાશ્રી : વાણી તો મહીં ટેપરેકર્ડમાંથી નીકળે છે ને ! હું જોઉં છું એટલે તે વખતે વાણીને મારે ટચ રહે નહીં. એટલે એ જ હાર્ટિલી વાણી, જોઈને નીકળે એ ! બહાર બીજાને તો બુદ્ધિ પકડે એને કે આમ બોલવા જેવું છે ને તેમ. અમારી પાસે આવોને તો અહીં તો હ્રદયમાં જ પેસે. સમ્યક બુદ્ધિ થઈ કે હ્રદયમાં જ પેઠી હડહડાટ. કારણ કે અમારી વાણી કેવી હોય ? હ્રદયને સ્પર્શતી.

પ્રશ્શનકર્તા : હ્રદય સુધી પહોંચવા માટે સંત પુરુષનાં કે જ્ઞાની પુરુષનાં સત્સંગ અને દર્શન એની જરૂર છે ને ?

દાદાશ્રી : હા, દર્શન ને સત્સંગની જરૂર. એ દર્શન તો કામ કાઢી નાખે. દર્શન જો કરે ને તો બહુ કામ કાઢી નાખે. સત્સંગમાં તો પછી મહીં બુદ્ધિને હક્ક મળી જાય, પણ દર્શનમાં તો બુદ્ધિનેય હક્ક મળે નહીં.

બુદ્ધિના અંતિમ લેયરે બુદ્ધ !

પ્રશ્શનકર્તા : ગૌતમ બુદ્ધ જે થઈ ગયા, એ તો પ્રખર બુદ્ધિશાળી હતા.

દાદાશ્રી : બુદ્ધિના ટોપ લેયર (પડળો)માં હતા. તેથી બુદ્ધ ભગવાન કહેવાયા. બુદ્ધ ભગવાન બુદ્ધિના છેલ્લાં લેયર્સમાં હતા. બુદ્ધ ભગવાને મનનાં લેયર્સ એટલે ચંદ્રનાં લેયર્સ બધાં ઓળંગ્યાં, એકેએક અનુભવપૂર્વક. પછી બુદ્ધિના લેયર્સમાં પ્રવેશ કર્યો. બુદ્ધિનાં લેયર્સ એટલે સૂર્યનાં લેયર્સ, બધા અનુભવ કર્યા અને છેલ્લાં લેયર્સમાં બુદ્ધ હતા અને એની આગળ એક જ સ્ટેપ હોત તો પોતે જ્ઞાની થાત. અને જ્ઞાની થઈ જશે, ડેવલપ્ડ થયેલા છે. એ બુદ્ધ ભગવાન કહેવાય. પણ બુદ્ધિનું લેયર હતું. બુદ્ધ ભગવાન થઈને આગળ ગયા તો અબુધ થઈ જાય ને ભગવાન થાય, સંપૂર્ણ ભગવાન થાય ! અબુધ થાય એ ભગવાન. જેનામાં બુદ્ધિ નહીં એ ભગવાન. આ બધું ફોરેન છે ને એ બુદ્ધિશાળી, પણ એ તો વિપરીત બુદ્ધિ છે, બળી ! એ મનનાં લેયરમાં છે. હજુ મનનાં લેયર જ પૂરાં નથી કરી રહ્યા. અહીં જ મનનાં લેયર, ઘણાંખરાં પૂરાં નથી કરી રહ્યા ને ? બુદ્ધિમાં તો થોડાક જ આવેલા હોય.

બુદ્ધિનું લેયર તો કોનું નામ કહેવાય કે, પાકીટ કો'કનું જડે ને તો તરત વિચાર આવે કે, મારું પડી ગયું હોય તો મને કેટલું દુઃખ થાય ? એ બુદ્ધિનું લેયર. એ તો તરત વિચાર આવે નહીં ને પછી કહેશે, હું બુદ્ધિશાળી !

બુદ્ધ ભગવાનને થયું એ જ્ઞાનનો ઝબકારો ન હોય ! એ મુક્તિયે ન હોય. મુક્તિનું તો હજુ કમ્પાઉન્ડ જગતે જોયું નથી. આ બધા જ બુદ્ધિના ચમકારા છે. બુદ્ધિનાં લેયર્સ જો પૂરાં કર્યાં હોય હિન્દુસ્તાનમાં, તો આ બુદ્ધ ભગવાને જ પૂરાં કરેલાં. અને બુદ્ધિનાં છેલ્લાં લેયરમાં પોતે વાત કરી રહ્યા છે, છતાંય બુદ્ધિ ગઈ નથી. હવે એથી આગળનાં લેયરમાં જ્ઞાન થાય છે, બસ ! આમાં એમને માટે કંઈ, એ ચર્ચા કરવા જેવા પુરુષ નથી ! એટલે એમને તો ભગવાન જ કહી શકાય. પણ એમના શિષ્યો જે લઈને બેઠા છે ને, તે બધા ફસાયા છે. કારણ કે એમને જ્ઞાન થતાં પહેલાંનું આ વાક્ય છે. બુદ્ધ ભગવાને શું કહ્યું ? એમણે આ ચેતન (આત્મા) ક્ષણિક માન્યું. એટલે આ હમણે થયું, આ ક્ષણે ગયું, પછી બીજું ઉત્પન્ન થયું એટલે ચેતનના પર્યાયને ચેતન માને છે, આ ! એ પોતે આગળ ગયા પછી, પોતે નહીં ફસાય પણ એમના શિષ્યો ફસાયા. પણ આ 'ક્ષણિક'નું એ સ્ટાન્ડર્ડની જરૂર છે. એ સ્ટાન્ડર્ડ સિવાય આગળ વધી શકાય નહીં ને !

વેદાન્ત અને જૈન, બન્નેએ સ્વીકાર કરેલો કે આત્મા સનાતન છે, શાશ્વત છે, એ ક્ષણિક નથી અને બુદ્ધ ભગવાને આત્માને 'ક્ષણિક' કહ્યો એટલે આ જુદંુ પડી ગયું. અને એ વાતનો બીજા લોકોએ સ્વીકાર કર્યો.

પ્રશ્શનકર્તા : બુદ્ધ ભગવાન કહે છે કે પ્રતિ ક્ષણ જન્મ છે ને પ્રતિ ક્ષણ મરણ છે, એ શું છે ?

દાદાશ્રી : હા, તે બરોબર છે. એટલે બુદ્ધિના હિસાબે તો ક્ષણમાં જન્મવું ને ક્ષણમાં મરવું એવો બુદ્ધિ ભેદ પાડે એ જ્ઞાન સુધી પહોંચ્યા હતા. અને વીતરાગોએ અભેદ સ્વરૂપે જગત જોયું કે જ્યાં બુદ્ધિ ખલાસ થઈ ગઈ હોય.

પ્રશ્શનકર્તા : તો એ સાચું કે પ્રત્યેક ક્ષણે આપણું મરણ થાય છે ?

દાદાશ્રી : ના, એવું છે ને, આ દુનિયાની હકીકત કહી દઉં. આ દુનિયામાં કોઈ ચીજ નાશ નથી થતી અને એક પરમાણુ પણ ઘટ-વધ થતું નથી એવું આ જગત છે ! હવે વસ્તુઓ પરમેનન્ટ છે, અવિનાશી છે પણ વસ્તુની જે અવસ્થાઓ છે, એ અવસ્થા એટલે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કહેવાય છે. તે ઉત્પન્ન થાય છે ને વિનાશ થાય છે, ઉત્પન્ન થાય છે ને વિનાશ થાય છે. એટલે આમાં 'પોતે' કશું વિનાશ થતો નથી ને ઉત્પન્ન થતો નથી. જે તત્ત્વ સ્વરૂપ છે એ પરમેનન્ટ વસ્તુઓ છે. એનો તો કોઈ વિનાશ થતો જ નથી. ફક્ત એ વસ્તુઓની અવસ્થાઓ ઉત્પન્ન થાય છે ને વિનાશ થાય છે, જેમ સવાર થાય ને સાંજ થાય, તેથી કરીને સૂર્યને નુકસાન થતું નથી કે જગતનેય નુકસાન થતું નથી પણ આ અવસ્થાઓ બન્યા કરે છે.

હવે એ અવસ્થાઓમાં જે પોતે અવસ્થિત થાય છે અને અવસ્થાઓનાં જ્ઞાનને પોતે સ્વીકારે છે. એટલે એને પોતાને મનમાં શંકા થાય છે કે, 'હું ક્ષણમાં મરી રહ્યો છું ને ક્ષણમાં જન્મું છું.' પણ જે જે શાશ્વતી વસ્તુને પકડે છે, એને આત્મા અવિનાશી દેખાય. વીતરાગોએ શાશ્વતી વસ્તુને પકડી. જ્યારે બુદ્ધ ભગવાને અશાશ્વત આત્મા માન્યો કે ક્ષણમાં ઉત્પન્ન થાય છે ને ક્ષણમાં વિનાશ થાય છે. અને તીર્થંકરોએ કહ્યું કે, 'એ અવસ્થાની દશા છે.' એટલે બુદ્ધ ભગવાન એ અવસ્થાઓ સુધી પહોંચ્યા છે અને એ બુદ્ધિની વાતો છે, એ જ્ઞાનની વાતો નથી. બુદ્ધિના હિસાબે આજે પણ એવું જ નીકળે પણ એ જ્ઞાનની વાત નથી.

બુદ્ધિનીય જરૂર !

વ્યવહારમાં તો બધું બુદ્ધિજન્ય ત્યાં (બુદ્ધિ) વપરાય છે. પણ બુદ્ધિજન્યનીય અમુક થરવાળાને બહુ જરૂર છે. 'આ જ્ઞાન' કંઈ બધાને કામનું નથી, આ તો અમુક જ માણસોને માટે છે. એટલે આપણે બુદ્ધિજન્યવાળાનેય હેલ્પ કરવી જોઈએ. બુદ્ધિગમ્ય જ્ઞાનથી તો આ સંસાર ઊભો થાય. છતાંય બુદ્ધિ હેલ્પ કરે છે. બુદ્ધિ એ અમારી વાત સારી રીતે સમજી શકે છે. બુદ્ધિ કંઈ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. એટલે અલૌકિક જ્ઞાન ને લૌકિક જ્ઞાનમાં ઘણો ફેરફાર છે. એક જ જાતનું જ્ઞાન ના હોય. લૌકિક જ્ઞાન બુદ્ધિથી સમજાય એવું છે, અલૌકિક જ્ઞાન જ્ઞાનથી સમજાય એવું છે. જ્ઞાની પુરુષનું જ્ઞાન બુદ્ધિજન્ય ના હોય, જ્ઞાનજન્ય હોય. બુદ્ધિજન્ય હોય તો અમુક જ પૂછાય. આ તો ડિરેક્ટ પ્રકાશમાંથી છે. બુદ્ધિ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે. ઈન્ડિરેક્ટ પ્રકાશવાળો અટકી જાય. ડિરેક્ટ પ્રકાશમાં તો બધું પૂછાય આપણે.

વેદોને કહ્યા ત્રિગુણાત્મક !

કૃષ્ણ ભગવાની ગીતામાં કહી નાખ્યું કે વેદ ત્રિગુણાત્મક છે. એ તો સારું છે, એટલું ગીતામાં લખ્યું છે, નહીં તો આ તો હુલ્લડ કરે એવા લોક. પછી મેં કહ્યું કે, 'ગીતામાં લખ્યું છે આવું ?' ત્યારે કહે, 'હા, એ લખ્યું છે ?' ત્યારે મેં કહ્યું, 'ગીતામાં લખ્યું એ સાચી વાત છે' અને ખરેખર વેદ એ તો ત્રિગુણાત્મક જ છે. એટલે બુદ્ધિને વધારનાર છે. સમજણ આપી છે પણ બુદ્ધિને વધારનાર છે. એને પકડી રાખશો નહીં. એમાં મોક્ષમાર્ગ ના હોય અને આત્મા સંબંધી ના હોય. આત્માનો એક ગુણેય ના જાણ્યો હોય. કારણ કે આત્મા સંબંધમાં તો એ વેદ બોલે, કે 'ધીસ ઈઝ નોટ ધેટ, ન ઈતિ'. હવે ખોટું પકડી રાખે ને ઊંધું ચાલે છે, પછી માર જ ખાય ને ?

પ્રશ્શનકર્તા : વેદાંતનો માર્ગ સહેજ લાંબો હશે ને ?

દાદાશ્રી : લાંબો એટલે બુદ્ધિને ડેવલપ કરતો કરતો જાય છે. બુદ્ધિને ડેવલપ કરનારો આખી દુનિયામાં જો કોઈ મોટામાં મોટો ધર્મ હોય તો વેદાંત માર્ગ.

ભેદ પડાવે બુદ્ધિ !

બુદ્ધિ હંમેશાં ભેદ પાડે, આ અમારું ને તમારું. મતભેદ ઊભા કરે ને પક્ષપાત ઊભા કરે. એવું છે ને, આ તીર્થંકર ભગવાન સીમંધર સ્વામી અત્યારે હયાત છે, માટે એમનાં દર્શન કરવાં જોઈએ અને કૃષ્ણ ભગવાનેય હયાત છે અને શિવ તો હયાત હોય છે જ કાયમ, એટલે આ દર્શન કરવાં જોઈએ. એનાથી લોકોના જે મતાર્થ છે તે તૂટી જશે.

હું આ માર્ગી છું ને પેલા આ બીજા માર્ગી છું, એ મતાર્થ. ત્યાં લોકો શાંતિ પામશે નહીં. એક પક્ષમાં પડેલો કોઈ સુખી હોતો નથી, હોતો હશે ? જો ખાડા ખોદ્યા, જુદા ખાડા ખોદ્યા, શું થાય ? આ અમારું ને આ તમારું.

છતાં કૉલેજ તો આપણી છે એવું ખ્યાલમાં રહેવું જોઈએ. બાળ મંદિરથી કૉલેજ સુધી ધોરણો હોય, ફીફ્થવાળો (પાંચમીવાળો) ફીફ્થમાં (પાંચમીમાં) જાય, સિક્સ્થવાળા સિક્સ્થમાં જાય પણ કૉલેજ આપણી હોય. પણ આ તો આ તમારી ને આ અમારી, ઝઘડા જ ઘાલી દીધા. શું થાય ? અગિયારસેય જુદી. આ અઢી હજાર વર્ષથી કુંદકુંદાચાર્ય જેવા મહાત્મા બે-પાંચ જણા થયા હશે બાકી બધાએ બુદ્ધિના વિલાસ કરાવ્યા છે. આગળ વધે જ નહીં ને ! અને ભગવાન બુદ્ધિથી સમજાય નહીં. બુદ્ધિથી સંસાર એકલો જ ફળે, સંસાર ચોખ્ખો થતો જાય.

પ્રશ્શનકર્તા : ભગવાન મન, બુદ્ધિ, તર્કથી પર છે ?

દાદાશ્રી : બધાંથી પર, એટલે બુદ્ધિથી સમજાય નહીં. લોક બુદ્ધિથી આની માથાફોડ કરે છે, બુદ્ધિવિલાસ કરે છે, પણ દહાડો ના વળે !

રંડાપો-મંડાપો નહિ જ્ઞાનને !

પ્રશ્શનકર્તા : બુદ્ધિ દાદાનાં ચરણોમાં મૂકી દીધી.

દાદાશ્રી : સારું, સારું. નહીં તો જે બધા બુદ્ધિશાળીઓ છે એમને બુદ્ધિ જો વધારે થાય ને, તો બુદ્ધુ થાય, બુદ્ધ ના થાય. બુદ્ધ થવાની જરૂર છે. તેને બદલે બુદ્ધુ થઈને ઊભા રહે. રસ્તો આગળ મળે નહિ. એટલે બુદ્ધુ થાય પછી. જ્ઞાનીમાં બુદ્ધિ ના હોય. બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન એમને થાય નહીં. એટલે આ બધા બુદ્ધિશાળીઓ છે, તે ધીમે ધીમે બુદ્ધિ જતી રહેશે ત્યારે જ્ઞાન થશે.

જ્ઞાનને રંડાપો ને મંડાપો છે નહીં અને બુદ્ધિને તો રંડાપો-મંડાપો બેઉ છે. મન પણ રાંડીને ઊભું રહે છેવટે. દશા બદલાય ને, ત્યારે બુદ્ધિ રાંડે. ગ્રહદશા પલટો મારે ને, ત્યારે બુદ્ધિ રાંડે. અને પછી એની મેળે જ પોતે કહે, 'મારી બુદ્ધિ બહેર મારી ગઈ.' ના બોલે લોકો ? એટલે એ રાંડી કહેવાય. રંડાપો આવ્યો ! માટે એની પર વિશ્વાસ કરવા જેવું નહિ. ક્યારે રાંડીને ઊભી રહે એ કહેવાય નહિ પછી.

બુદ્ધિ એ વિનાશી છે. બહુ બુદ્ધિશાળી માણસ હોય, તે બધા સલાહ લેતા હોય ને, પણ જ્યારે પૈસા-બૈસા જતા રહ્યા ને નોકરી કરવાની થઈ ત્યારે, 'એ તો બુદ્ધુ જ છે', કહેશે. એવું આ જગત ! અમારામાં તો બુદ્ધિ જ નહીં, તો શી રીતે અમને બુદ્ધુ કહેવાના ?

તમે બુદ્ધુ કોઈ જોયેલા નહીં ? મેં જોયેલા એક-બે. બહુ બુદ્ધિશાળી પણ બુદ્ધુ. ને પાછા તે મને શું કહે ? 'દિમાગ ઠીક રાખો !' અલ્યા, હું રાખું કે તારે રાખવાનું ? આપણું દિમાગ ઠીક રાખવાનું કહે. અહીં દિમાગ જ નહિ અમારી પાસે, તો વગર કામનો દિમાગ દિમાગ કરે છે !

પ્રશ્શનકર્તા : તમે બુદ્ધુ કહો છો, પણ જગત તો એને બુદ્ધિશાળી કહે છે ને ?

દાદાશ્રી : હું બુદ્ધુ કહેતો નથી, બુદ્ધુ જેવા થઈ જાય છે પણ બુદ્ધુ કહેવાય નહીં ને ? કોઈને બુદ્ધુ કેમ કરીને કહેવાય ? બુદ્ધુ થઈને પણ માર ખાય છે ને ? બુદ્ધુ તો બહુ દહાડા પછી બનાવે, એકદમ ના બનાવે.

અને ભક્તો ગાંડા હોય. ભગત ગાંડા તો હોય પણ ઘેલા હોય, છતાં છેવટે એ આગળ વધશે અને મોક્ષે જવાના. કારણ કે ભક્તો હ્રદયવાળા હતા ને બધા. બીજા તો અમથા એટીકેટવાળા છે. એમાં કશું વળે નહીં. બુદ્ધિથી જે આગળ જવા નીકળ્યાને, એમાં કશુંય, એક અક્ષરેય ફાયદો નહીં.

જ્ઞાનનો માર્ગ એક, બુદ્ધિના અનેક !

બધા અનેક જાતના રસ્તા છે અહીં તો, એક રસ્તો નથી. જેટલાં ભેજાં છે ને, એટલા રસ્તા છે. સાચો રસ્તો તો એક વીતરાગનો છે ફક્ત. બાકી બીજાં બધાં ભેજાં છે અને તે બુદ્ધિમત છે. બુદ્ધિનું જ સંચાલન છે અને રઝળપાટ કરાવનારા છે બધાય. એક આ વીતરાગોનો મત એકલો જ સેફસાઈડવાળો છે.

આ સાચું ઓળખવું બહુ અઘરું છે, 'વસ્તુ'ની ઓળખાણ પડે નહીં. આમાં બુદ્ધિશાળી તો બુદ્ધિથી માપ કાઢ કાઢ કર્યા કરે. બુદ્ધિથી તોલાય એવી વસ્તુ નથી 'આ'. એક બાજુ ગમે તેટલી બુદ્ધિ વાપરે તોય બુદ્ધિથી તોલાય એવું નથી.

ભ્રાંતિ એ બુદ્ધિજન્ય જ્ઞાન છે. બુદ્ધિજન્ય જ્ઞાન એ વિકલ્પી હોય. જ્યારે સાચું જ્ઞાન નિર્વિકલ્પી છે. એમાં જુદાઈ છે જ નહીં જરાય. એટલે સાચા જ્ઞાનની જ વાત સમજવાની છે, તો નિર્વિકલ્પી દશા થાય.

પ્રશ્શનકર્તા : જગત બુદ્ધિનું જ માને છે, તે જ્ઞાની પુરુષ જ્ઞાનને રસ્તે કઈ રીતે લઈ જાય છે ?

દાદાશ્રી : જ્ઞાનનો રસ્તો એક જ છે, બીજા બધા અજ્ઞાનના રસ્તા છે. તે જ્ઞાનનો રસ્તો જ્ઞાની એકલા જ દેખાડી શકે, બીજું કોઈ દેખાડી શકે નહીં. અને આ સંસારમાં કહેવાતા જ્ઞાનીઓ એ અજ્ઞાની છે.

રસ્તાના જાણકાર હોય તો એ રસ્તે આપણે સ્ટેશને પહોંચીએ. પણ જાણકાર ના હોય તો એ રસ્તે સ્ટેશન પર પહોંચે ? એટલે જાણકાર હોવો જોઈએ ! શેનો જાણકાર હોવો જોઈએ ? આત્માનો જાણકાર. આત્માના જાણકાર સિવાય બીજી વાતો બધી કામમાં ના આવે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ સ્વયં આત્મસાક્ષાત્કારનું ડિરેક્ટ સાધન નથી, એ તો શાસ્ત્રો, ઉપનિષદો બધાય કહે છે. પરંતુ બુદ્ધિની નિર્મળતા વગર આત્મસાક્ષાત્કાર સુધીના દરવાજા સુધી પહોંચાય કઈ રીતે ? અને બુદ્ધિની નિર્મળતા કરવા માટે અમુક સાધનો અપનાવ્યા વગર ચાલે કઈ રીતે ?

દાદાશ્રી : એ સાધનો કરવાવાળા તો અહંકારના ટોપ ઉપર જઈને બેઠા. એટલે બુદ્ધિ તો મૂઈ ગાંડી થયેલી હોય તો સારી. સાધન ના કરતા હોય તો સારા. અહંકારને ઘટાડવાનો છે, તે અહંકાર વધી ગયો ઊલટો.

પ્રશ્શનકર્તા : સાધનો કેટલીક વખતે અહંકાર ફુલાવવા માટે વપરાય. જ્યારે કોઈ પ્રમાણિકપણે સાધનો દ્વારા આત્મશુદ્ધિ કરવા ઇચ્છતો હોય તો એને માટે કોઈ સાધન ખરું કે નહિ ?

દાદાશ્રી : આ અત્યારે જે સાધનો દેખાડવામાં આવે છે, તે આ સાધનો જ ન હોય. આ સાધનોમાં તો કોઈ જગ્યાએ બૂમ પડે છે કે ભઈ, અમુક જગ્યાએ જાવ, બહુ સુંદર છે. બહુ આનંદ છે. એક માણસેય નિર્ભય બની ગયો એમની પાસે, એવી બૂમ પડે છે કે કોઈ જગ્યાએ ? કોઈ જગ્યાએ બૂમ પડી જોઈ નથી. પણ પોતે નિર્ભય થયેલો હોય તો સામાને કરે ને ?

પ્રશ્શનકર્તા : આત્માનો અનુભવ થઈ શકે ?

દાદાશ્રી : એ તો જે આત્માનુભવી હોય, જેને બુદ્ધિનો છાંટો ના હોય, ત્યાં આત્માનો અનુભવ થઈ શકે. બુદ્ધિવાળાને આત્માનુભવ, પોતાને હોય જ નહીં. અને બુદ્ધિવાળા હોય ત્યાં સુધી આત્માનુભવનો આપણને ફાયદોય મળે નહીં. જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં આત્માનો અનુભવ થાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23