ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૧)

અહંકારીઓ ચલાવે નિર્અહંકારીઓનું !

પ્રશ્શનકર્તા : વ્યવહારનાં કામોમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગર કામ ના થઈ શકે ?

દાદાશ્રી : કશું કામ એના વગર થાય નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેગાં થાય તો જ કામ થાય, નહીં તો કશું થાય એવું નથી અને લોકો કરવા નીકળ્યા છે ! કરવામાં સ્વતંત્રતાની જરૂર છે ? જગ્યા જ ભેગી ના થઈ તો ક્યાં જઈશ ? ભગવાનની વાત સમજણ ના પડે તેથી તો જગત આખું ફસાયું છેને ! ભલેને જ્ઞાની ના મળ્યા હોય, તોય ભગવાનની વાત સમજે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગર કશું બને એવું નથી, તો મારે અહંકાર શા માટે કરવો જોઈએ ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેગાં થાય તો કાર્ય થાય છે, તો પછી અહંકાર કરવાનું રહ્યું જ ક્યાં ? અને અહંકાર ના કરેને તો એને કોઈક દહાડે જ્ઞાની મળે. અહંકાર ના કરેને તો ચોથા આરામાં જવું પડે, આટલું જો કદી સમજે તો ! પણ આટલુંય ક્યાં સમજે છે ?

એટલી બધી ભ્રાંતિનો ભરાવો થઈ ગયો છે કે, દેરાસરમાં જાય છે, ત્યારે એને ભાન થાય છે કે ભગવાન, ભગવાન ! ભગવાન એને યાદ આવે ! હવે દેરાસરમાં વીતરાગ ભગવાન પદ્માસન વાળીને બેઠેલા હોય છે. તે શું કહે છે કે સાહેબ, તમે આવું પગ વાળીને કેમ બેઠા છો, આપણે પૂછીએ ભગવાનને. ત્યારે કહે છે, 'દુનિયામાં કંઈ કરવા જેવું નથી. બેસી જા છાનોમાનો. કશું કરવા જેવું નથી.' 'અરે પણ સાહેબ, ખાઉં શું ?' ત્યારે કહે, 'તું મારા વિશ્વાસ પર ચાલ ને ટાઈમે તને ખાવાનું-પીવાનું બધું મળી આવશે. માટે તું તારી મેળે તું તારું કર.' કારણ કે કરવાનું નથી એવું તું જાણી ગયો ત્યારથી અહંકાર ખલાસ થઈ ગયો. અહંકાર ખલાસ થઈ ગયો એટલે કોઈ પણ બાબા આમ બેઠેલા હોય, તેની આજુબાજુ લોકો ભમ ભમ કર્યા કરે, અહંકારીઓ, 'બાબા ભૂખ્યા હશે, બાબા આમ હશે, તેમ હશે.' નિર્અહંકારીઓનું કોણ ચલાવે છે ? અહંકારીઓ ચલાવે છે. બધું જ ચલાવી લે. કારણ કે પેલાથી જોયું ના જાય કે સવારના બેસી રહ્યા છે, દૂધેય નથી પીધું, કશું નથી પીધું, પોતે આખો દહાડો દોડધામ કરીને કરે.

ભગવાને કેવી શોધખોળ કરી છે, ચોવીસ તીર્થંકરોની શોધખોળ તો જુઓ ! માટે તમે કશું ભો રાખશો નહીં. એવું તીર્થંકર મહારાજ કહે છે કે બેસોને. ત્યારે કહે, 'ભગવાન શું કહો છો ?' ત્યારે ભગવાન કહે, 'હું દેખાઉં છું એવા જ તારામાં મહીં છે. એ જ સ્વરૂપ છે તારામાં. ત્યાં તપાસ કરને.' ત્યારે કહે, 'ધ્યાન કરવા બેસું તો ધ્યાન થતું નથી.' ત્યારે કહે, 'મારા કહ્યા શબ્દો સમજ્યો નથી તું. જો એ અહંકાર વિલય ના થાય વખતે મારા કહેવાથી, મારા સમજણ પાડવાથી, તો જ્ઞાની પુરુષની પાસે જા, કે જેનો અહંકાર ખલાસ થઈ ગયેલો હોય. જ્યારે તું નિર્અહંકારીને જોઈશને, ત્યારે તને મનમાં એમ થશે કે મારી અહંકારવાળી ભૂલો આ દેખાય છે.' એ અહંકાર ખલાસ થઈ જાય. જ્ઞાની પુરુષ પાપ ધોઈ નાખે.

પ્રશ્શનકર્તા : આ બધી ઈગોઇઝમની જ પરંપરા ચાલે છે ?

દાદાશ્રી : આ બધું ઈગોઇઝમને લઈને જ છેને ! આ તો અહંકાર લઈને ફર્યા કરે, હું આમ કરું ને તેમ કરું.

ઉત્પત્તિમાં પ્રથમ અહંકાર !

કંઈ આપણે ચલાવવું પડે છે ? આ બધા ચલાવવાવાળા એ ઈગોઇઝમ કહેવાય છે. 'હું ચલાવું છું' એ ઈગોઇઝમ છે અને ઈગોઇઝમ છે ત્યાં સુધી આવતો ભવ મળ્યા કરવાનો. ત્યાં સુધી સંસારમાં ભટકવાનું. ઈગોઇઝમ બંધ થયો એટલે સંસારમાં ભટકવાનું બંધ થાય. પણ ઈગોઇઝમ એમ ને એમ બંધ થાય એવો નથી. એ કાચનું વાસણ નથી, કે ફોડી નાખીએ. એ ઈગોઇઝમ તો જેનો ઈગોઇઝમ ગયો હોય ત્યાં ઈગોઇઝમ જાય.

પ્રશ્શનકર્તા : અહંકાર માટે તો ગીતામાં એ પ્રમાણે લખ્યું છે કે આ ઉત્પત્તિના આઠ કારણો છે. આ આઠનું મિશ્રણ થાય એટલે એક જીવ ઉત્પન્ન થયો. આકાશ, જળ, પૃથ્વી, તેજ, વાયુ, મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ થઈને એક પ્રોડક્શન તૈયાર થયું અને અહંકાર જે છે એ તો ઉત્પત્તિ પહેલાંની વસ્તુ હોવી જોઈએને ?

દાદાશ્રી : એ ઉત્પત્તિ પહેલાંની જ હું વાત કરું છું. એ તમારી વાત સાચી છે. ઉત્પત્તિ પછી અહંકાર ના હોય. મૂળ તો અહંકાર પહેલો થાય અને પછી ઉત્પત્તિ થાય છે. એટલે તમે આ ભવમાં જે જે કર્મ કર્યાં તે તમે કરતા નથી, બીજું કોઈ કરે છે. આ તો તમે ભ્રાંતિથી માનો છો કે મેં કર્યું અને જો પોતે કર્તા હોયને તો કોઈ, નનામી કાઢે છે ત્યાં સુધી ના જાય, છેલ્લા સ્ટેશન પર જાય નહીંને કોઈ !

મનુષ્યોમાં સંડાસ જવાની શક્તિ નથી. એની બીજી શક્તિઓ છે, ઓહોહો ! પાર વગરની (જ્ઞાન, દર્શનની) શક્તિઓ છે પણ પ્રગટ થઈ નથી. હવે જે 'હું કરું છું' એવું કહે છે, એ તો બધું પોતાની શક્તિ બહારની વસ્તુ છે. આ તો લોકો કહેશે, 'મેં ખાધું, મેં પીધું'. ત્યારે આમ કહેશે, 'ભૂખ લાગી.' એવું કહે છેને લોકો ? લાગી ત્યારે જાતે ઓલવી નાખને. ત્યારે કહે, 'ના, મહીં નાખ્યા વગર ના ઓલવાય.'

અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે. ગીતાએ ખરું કહ્યું છે કે પહેલો અહંકાર થાય છે અને ત્યાર પછી આ પરિણામ થાય છે. અહંકારથી કર્મ બંધાય છે અને આ મન-વચન-કાયા એ બધું ફળ છે. અહંકાર કોઝિઝ છે ને આ મન-વચન-કાયા ઇફેક્ટ છે.

પ્રશ્શનકર્તા : ધેન ઈગોઇઝમ ઇઝ ધી ફન્ડામેન્ટલ કૉઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે) ?

દાદાશ્રી : ફન્ડામેન્ટલેય નથી. એ તો આ તમારું ઊભું થયેલું કૉઝ છે. કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝીઝ (કારણ ને પરિણામ, પરિણામ ને કારણ) હવે આ લીંક (શૃંખલા) તોડી નાખે તો મોક્ષ થાય. તો શું આમાંથી તોડી નાખવું જોઈએ, બેઉમાંથી ? કયો ભાગ કાઢી નાખશે ?

પ્રશ્શનકર્તા : કૉઝ કાઢી નાખવાનાં.

દાદાશ્રી : હા, કૉઝ કાઢી નાખવાનાં. ઇફેક્ટ તો કોઈથી બદલાય નહીં. હવે કૉઝીઝ કેવી રીતે કાઢી નાખીએ ?

પ્રશ્શનકર્તા : કર્મથી રહિત થઈ જાવ એટલે.

દાદાશ્રી : નહીં, કર્મના કર્તા ના થવું જોઈએ. અકર્તાભાવ ઉત્પન્ન થવો જોઈએ. એને પોતાના અનુભવમાં આવવું જોઈએ કે હું કરતો નથી.

પ્રશ્શનકર્તા : ઇટ હેપન્સ.

દાદાશ્રી : ઇટ હેપન્સ ! પણ ઇટ હેપન્સ જાણવાથી કંઈ આપણને બહુ લાભ થતો નથી. ઈગોઇઝમ જરા નરમ થઈ જાય પણ ગાદી છોડે નહીં. જ્યાં સુધી ઈગોઇઝમ ગાદી છોડે નહીં ત્યાં સુધી કોઝિઝ બંધ થાય નહીં. કોઝિઝ એ ઈગોઇઝમનો જ ધંધો છે. ઈગોઇઝમથી કર્મ બંધાય છે.

કર્તા થયો કે બંધન થયું, પછી જેનો કર્તા થાય, તું સકામ કર્મનો કર્તા થા કે નિષ્કામ કર્મનો કર્તા થા. પણ કર્તા થયો એ બંધન. નિષ્કામ કર્મનું ફળ સુખ આવે, શાંતિ રહે સંસારમાં અને સકામનું ફળ દુઃખ આવે.

વીતરાગોએ કહ્યું કે આ કર્મ અને આત્મા, બે અનાદિથી છે. એટલે એની કંઈ આદિ થઈ નથી. એટલે કર્મના આધારે આ ભાવ ઉત્પન્ન થાય છે ને ભાવના આધારે કર્મ ઊભાં થાય છે. એમ ચાલ્યા જ કરે છે નિરંતર. આત્મા ત્યાં ને ત્યાં જ રહે છે.

પ્રશ્શનકર્તા : પણ આત્માને જ શરીરનું વળગણ છે.

દાદાશ્રી : એ તો એને પોતાનું લાગતું નથી, વળગણ કશું લાગતું નથી. આ તો બધું અહંકારને જ છે. જો અહંકાર છે, તો આત્મા નથી અને આત્મા છે તો અહંકાર નથી, કર્તાય નથી.

શાસ્ત્રકારોએ બધા બહુ દાખલાઓ આપ્યા છે, પણ એ સમજ કેમ પડે તે ? આ તો બધા જ અવળે રસ્તે ચાલે છે. જો આત્મજ્ઞાની પુરુષ હોય, તો છુટકારો થાય. આવું જાણેને કે કેટલા ભાગમાં કર્તા છે એ સમજાવે પેલા જ્ઞાની. આ તો એવું જ માને છે કે આ સામાયિક કરું છું તે હું કરું છું ને હું જ આત્મા છું. સામાયિક કરે છે તે આત્મા છે અને આ બીજું બધું કરે છે એ મિથ્યાત્વ છે. ક્રોધ-માન-માયા-લોભ કરે છે એ મિથ્યાત્વ છે. અલ્યા, 'કરે છે' શબ્દ આવે છે ત્યાંથી જ એ મિથ્યાત્વ છે. કરોમિ-કરોસિ ને કરોતિ એ બધું મિથ્યાત્વમાં.

અહંકારે અર્પી પરવશતા !

પોતાનું સ્વરૂપ જાણીએ ત્યારે અહંકાર વિલય થઈ જાય. આ જગત કોણે બનાવ્યું ? કેવી રીતે ચાલે છે ? કોણ ચલાવનાર છે ? ઈશ્વર કોણ છે ? આપણે કોણ છીએ ? આ બધાં વળગણ કેમ થયાં છે ? ના ગમતું હોય તોય વળગે અને ગમતું હોય તોય વળગે અને પરવશતા લાગે કે નહીં લાગે ? પરવશતા બહુ લાગે છે, નહીં ? શા માટે પરવશતા આપણને ? આપણે સ્વતંત્ર પૂરેપૂરા સ્વતંત્ર છીએને તોય પરવશતા કેમ ? ત્યારે કહે, 'આ અહંકારથી બધું પરવશ થઈ ગયા. આ બધું જાણો તો એ અહંકાર ખલાસ થઈ જાય, ઊડી જાય, એટલે કે ઉકેલ આવી જાય.' એ ઈગોઇઝમ તમારે કાઢવો છે ?

પ્રશ્શનકર્તા : એ તો બહુ સારું, બધાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.

દાદાશ્રી : બે કલાકમાં કાઢી આપું, બે કલાકમાં !

પ્રશ્શનકર્તા : સારું ત્યારે, આવી જઈએ. બે કલાક તો શું પણ તમે કહો એટલો ટાઈમ આવી જઈએ.

દાદાશ્રી : શૂરવીર છેને ? કાઢી આપીશું ઈગોઈઝમ.

'પોતે કોણ છે' એટલું જ જાણવા જેવું છે. એ જાણ્યું કે છુટકારો થઈ ગયો. એ બધું તમને અહીં જાણવાનું મળશે. માટે તમારે અહીં આગળ ટાઈમ આપવો સત્સંગમાં.

અહંકાર રહ્યો છે ગુપ્તપણે !

જગતના લોકોને અહંકાર કેટલા કાળે ઊડે ? કેટલા અવતારે અહંકાર જાય ?

પ્રશ્શનકર્તા : અનુભવ વગર શી રીતે સમજણ પડે ?

દાદાશ્રી : આ આટલા અવતારથી લોકોને અહંકાર ગયો નથી એવું દેખાય છે. મોટા મોટા આચાર્ય મહારાજોને ગયો નથી. એટલે આપણે કોઈ આચાર્ય મહારાજને કહીએ કે 'સાહેબ, અહંકાર કરો છો તમે ?' ત્યારે એ કહેશે, 'મેં અહંકાર કર્યો જ નથી !' પણ એ એમને પોતાને ખબર નથી કે અહંકાર એટલે શું ? કારણ કે એ આચાર્ય મહારાજ પોતાના સાધુપણાનો જરાય ડોળ કરતા ના હોય, બીજું કશું ના કરતા હોય. એટલે એમ જ લાગેને કે મારામાં અહંકાર નથી. પણ ખરો અહંકાર તો આ જ, જે ગુપ્ત રહ્યો છે અને અહંકાર કાઢે ત્યારે એ ગુપ્ત તત્ત્વ મળે. અને અહંકારેય ગુપ્ત રહેલો છે. બેઉ તત્ત્વ ગુપ્ત છે. એક ગુપ્ત કાઢે કે બીજું ગુપ્ત આવે.

પ્રશ્શનકર્તા : એટલે ખાલી જગ્યા ખાલી નથી રહેતી, પૂરાઈ જાય છે ?

દાદાશ્રી : દુનિયાનો નિયમ એવો છે, ખાલી જગ્યા રહે જ નહીં. આ બધા ઘર આ ખાલી કરાવો જોઈએ, ગમે તે પેસી જશે. અગર તો એનો માલિક હોવો જોઈએ એક જગ્યાએ. ખાલી થયેલું હોય તોય પણ માલિક પેલો બેઠેલો હોય કે 'મારું છે, મારું છે' કર્યા કરતો હોય, તાળાં વાસીને.

આઈ - માય = ગૉડ !

પ્રશ્શનકર્તા : અહંકાર અને મમતા એ બેમાં ફેર શું ?

દાદાશ્રી : એવું છેને, જો મમતા વગરનો અહંકાર હોય તો મોક્ષે લઈ જાય. આ મમતાવાળો અહંકાર એટલે ફસામણ થઈ છે. તમારે મમતાવાળો અહંકાર કે મમતા વગરનો ?

પ્રશ્શનકર્તા : એ હજુ ખબર નથી પડતી.

દાદાશ્રી : મમતા નથી ? આ તમારું શરીર ન્હોય ?

પ્રશ્શનકર્તા : એ જ દ્વિધામાં છીએ.

દાદાશ્રી : દ્વિધામાં છો કે સાચું છે ?

પ્રશ્શનકર્તા : દ્વિધા છે કે સાચું શું ને ખોટું શું ? હજી ખબર પડતી નથી.

દાદાશ્રી : ખબર પડતી નથી, તો પણ મમતા તો છે જ, અત્યારે પચાસ રૂપિયા ખોવાઈ જાય, તો ઉપાધિ થાય કે ન થાય ?

પ્રશ્શનકર્તા : સહેજ વાર થાય.

દાદાશ્રી : હા, પણ થોડી કંઈ થાયને ? એ મમતા છે, કંઈક ને કંઈક મમતા છે. મમતાને લઈને જ આ જગત જીવે છે.

જ્યાં સુધી અહંકાર જીવતો હોય ત્યાં સુધી મમતા મહીં પડી રહી હોય. અને મમતા શું છે ? ત્યારે કહે, જેમ આરોપિત પોતાપણું અને તેની મહીં આ મારું કહ્યું તે મમતા. મમતાય આરોપિત ભાવ છે. અને મમતા ગઈ એટલે ગોડ (ભગવાન) કહેવાય. હું જતું ના રહે, હું તો આરોપિત હતું તે મૂળ સત્ય રીતે આવી ગયું ! હું તો છે જ. એનું અસ્તિત્વ તો છે જ, પણ વસ્તુત્વનું ભાન નથી કે 'હું કોણ છું'. એ જો ભાન થઈ જાય, વસ્તુત્વનું ભાન થાય તો એ થઈ ગયું.

પ્રશ્શનકર્તા : આરોપિત ભાવ ખરી પડે ?

દાદાશ્રી : હા, ખરી પડે.

પ્રશ્શનકર્તા : મારાપણું મટાડી દેવું પડે ?

દાદાશ્રી : એ શી રીતે મટી જાય પણ તે ? આ છોડી દે, આ છોડી દે કહે, તો શું રહે ? મારાપણું છોડી દે તો રહે શું ?

પ્રશ્શનકર્તા : નિજાનંદ.

દાદાશ્રી : હા, પણ મારાપણું છોડતાં કોઈને આવડ્યું છે ? એ છોડ્યું છૂટ્યું છે કોઈનું ? કોઈનું છૂટ્યું હોય તો મને દેખાડો, એકાદ માણસ. તો આપણે ત્યાં જઈએ, અહીં શું કરવા સત્સંગ કરીએ ? બીજી જગ્યાએ છૂટ્યું હોય તો હું હઉ ત્યાં આવું કે છૂટ્યું હોય તો ધનભાગ કહેવાય, કે ઓહોહો ! આવા કાળમાં છૂટ્યું !!

એટલે મારાપણું છૂટે એવું નથી. જો 'માય', મારાપણું જો છોડતાં આવડેને, તો પછી કશું રહેતું જ નથી. આ જ્ઞાન પણ જાણવાનું કશું રહેતું નથી. મારાપણું છોડવું એટલે શું ? તમે જૈન છો, એટલે તમે વાતને સમજી જાવ કે તમારે મારાપણું છોડવું હોય તો પહેલું આ ઘડિયાળ તમારું છેને, એને બાજુએ મૂકી દો. છૂટી ગયું. ચશ્માં બાજુએ મૂકી દો. પછી આ હાથ તમારા છેને ? તે બાજુએ મૂકાય એવા નથી, ભલે ત્યાં ને ત્યાં રહ્યા, પણ તમારા છે ? એ સમજી ગયા. તમારી માલિકી ન હોય, એવું સમજી જવાનું. હાથ મારા છે, આ પગ મારા છે, માથું મારું છે, આંખો મારી છે, બધા પરથી માલિકી ઊઠાવી લો. આ નામેય મારાપણું છે. શું નામ છે તમારું ?

પ્રશ્શનકર્તા : ચંદુભાઈ.

દાદાશ્રી : તે ચંદુભાઈ, એ પણ મારાપણું છે. એટલે ચંદુભાઈનેય આઘું મૂકી દેવાનું. ધણી છું આનો, તેય મારાપણું છે. આ બાઈનો ધણી છું, કહે છે. એ બધું મારાપણું કાઢી નાખવાનું. પછી મન મારું છે, બુદ્ધિ મારી છે, ચિત્ત મારું છે, અહંકાર મારો છે. પછી તમે રહેશો, એ કોણ રહેશે ? બધું મારાપણું છોડી દો, પછી કોણ રહેશે ? 'હું' ને 'મારું' બે છે, તે 'હું' રહેશે પછી ! દરઅસલ 'હું' !

'હું' ખસ્યું કે ખસ્યું 'મારું' !

જે જે આરોપિત ભાવે 'હું છું, હું છું' કહેવામાં આવે છે, તે બધું મિથ્યાત્વ છે. 'મારું છે' બોલે એની ચિંતા નથી, પણ 'હું છું' બોલે તેની ચિંતા એ જ મિથ્યાત્વ.

પ્રશ્શનકર્તા : 'મારું છે' બોલે છે એનો વાંધો નથી, એ કઈ રીતે ?

દાદાશ્રી : હા, 'મારું' બોલે તેનો આપણને વાંધો નથી. એ તો જ્યાં આગળ બેઠો હશે, જે જગ્યામાં બેઠો હશે, તે જગ્યાને જ 'મારું' કહેશે. એ આત્મામાં બેઠો તો ત્યાંય 'મારું' કહેશે અને અહીં સંસારમાં બેઠો હશે તો અહીંય 'મારું' કહેશે. એટલે 'મારું' કહે એનો વાંધો નથી. 'હું'ની જ ભાંજગડ છે, એ જ મિથ્યાત્વ છે. 'મારું' છોડવાની કંઈ જરૂર નથી.

પ્રશ્શનકર્તા : 'હું' છૂટ્યું કે 'મારું' છૂટી જ જાય છે ?

દાદાશ્રી : હા, 'હું' જ છોડવાનું છે. 'હું' એ જ મિથ્યાત્વ છે, 'મારું' એ મિથ્યાત્વ નથી. 'મારું' છોડે તો તો માણસ ગાંડો થઈ જાય. 'ન હોય મારું, ન હોય મારું' કરે તો ગાંડો થઈ જાય. પહેલું 'હું કોણ છું' એ નક્કી કર્યા પછી 'ન હોય મારું' કહેવાય. 'મારા'ની ભાંજગડ જ નથી, 'હું'ની ભાંજગડ છે. ત્યારે જગતને શેની ભાંજગડ છે ? 'મારા'ની ભાંજગડ છે. 'મારું' છોડી દે, કહેશે. અલ્યા, એ છોડીને ક્યાં જતો રહીશ ? 'હું'ના આરોપણની ભૂલ છે, તેથી આ 'મારા'ની ભૂલ થઈ છે. એટલે 'મારું' એ કંઈ ભૂલ નથી. એ તો અહીંથી અહીં બીજી જગ્યાએ બેસાડીએ તો ત્યાં 'મારું' કહેશે. કેટલી બધી ચીજો 'મારી' કરેલી હોય. પણ તે આપણે ના છોડાવીએ અને ફક્ત 'હું'ને 'અહીં'થી 'અહીં' (આત્મામાં) બેસાડીએ તો પછી પેલું 'મારું' બધું છૂટી જાય.

પ્રશ્શનકર્તા : અંતઃસ્ફુરણા થઈને 'હું'માંથી નીકળી જાય, એને જ્ઞાન કહી શકાય ?

દાદાશ્રી : 'હું'માંથી શી રીતે નીકળે ? 'હું'માં તો છે. એક ગાળ ભાંડેને તો ફૂંફાડો મારે, તો 'હું'માંથી શી રીતે નીકળે ? 'હું'માંથી નીકળી કેમ શકે ? નીકળીનેય ક્યાં ટળે એ ? 'હું'માંથી નીકળીને એવી કઈ જગ્યા છે કે ત્યાં એ ઊભો રહે ? લોકો કેવું શીખવાડે છે, 'હું'માંથી નીકળી ગયો ! લે !! ક્યાં ઊભો રહે છે ત્યારે ? એ 'હું'માં જ ઊભો રહે છે !

પ્રશ્શનકર્તા : 'હું' લય થઈ જાય એટલા માટે આવ્યો છું.

દાદાશ્રી : 'હું' એકલું જ લય નથી કરવાનું, 'મારા'નો પણ લય કરી નાખવાનો.

પ્રશ્શનકર્તા : 'મારું' એ તો 'હું'નું વર્તુળ છે.

દાદાશ્રી : હા, બધું લય કરવું પડે. એ અહીં આગળ લય થઈ જશે.

પુણ્ય-પાપ બાંધે અહંકાર...

પ્રશ્શનકર્તા : જો મને અહંકાર પણ ના હોય અને મમતા પણ ના હોય અગર તો બેમાંથી એક વસ્તુ ના હોય તો હું કયું કર્મ કરું ?

દાદાશ્રી : મમતા ના હોય તો નિષ્કામ કર્મ છે.

પ્રશ્શનકર્તા : પણ ત્યાં મારાથી કર્મ જ કેવી રીતે થાય ?

દાદાશ્રી : આ જ્ઞાન પછી અત્યારે તમે કરો છો એ નિષ્કામ કર્મ જ કરી રહ્યા છોને ! અત્યારે તમે કોઈની પાસે ફળની આશા સિવાય બધાં કાર્યો કરો છો, હવે બીજી કંઈ ફળની આશા નથીને ? તમે નિકાલ જ કરો છોને આ ? નિષ્કામ તો અહંકાર-મમતા ગયા પછી નિષ્કામ થાય.

પ્રશ્શનકર્તા : મેં દાન આપ્યું એવો અહંકાર કરે એટલે પુણ્ય બંધાય છે ? અથવા મેં કસાઈખાનું બંધાવ્યું એવો અહંકાર છે માટે પાપ બંધાય છે ?

દાદાશ્રી : અહંકાર છે તો પાપ ને પુણ્ય હોય. અહંકાર ગયો એટલે પાપ-પુણ્ય ગયાં. અને અહંકાર લોકો ઓછો કરે છેને, તેનું ફળ ભૌતિક સુખ આવે. અહંકાર વધારે કર્યો તેનું કર્મ બંધાય, તે ભૌતિક દુઃખ આવે. અહંકાર ઓછો કરવાથી કંઈ અહંકાર જાય નહીં, પણ તે ભૌતિક સુખ આપનારું છે. જ્યાં જ્ઞાની હોય ત્યાં જ અહંકાર જાય, નહીં તો અહંકાર જાય નહીં.

અમુક હદ સુધી જ અહંકાર ઘટી શકે. તેને સંસારમાં અડચણ ના પડે. મહાવીર ભગવાનની આજ્ઞામાં રહે, તો અમુક હદ સુધી અહંકાર ઘટી શકે ખરો પણ નોર્મલ રહે. નોર્મલ અહંકાર રહે ત્યારે સંસારમાં ક્લેશ ના થાય. ઘરમાં સહેેજેય ક્લેશ કે અંતર ક્લેશ એવું ના થાય. એવું હજુય આપણા ક્રમિક માર્ગમાં છે એટલું, પણ તેય કો'કને હશે. થોડા માણસને ક્લેશ ના થાય, અંતરમાં ક્લેશ ના થાય. પણ તેય અહંકાર, મોક્ષ કરવા માટે કાઢવો પડશે. અને એ અહંકાર જાય અને 'હું જે છું' એ રિયલાઇઝ (ભાન) થાય તો થઈ રહ્યું, પછી કંઈ બંધાય નહીં. પછી જજ હોય તોય કર્મ ના બંધાય, દાનેશ્વરી હોય તોય કર્મ ના બંધાય, સાધુ હોય તોય કર્મ ના બંધાય અને કસાઈ હોય તોય કર્મ ના બંધાય. શું કહ્યું મેં ? કેમ ચમક્યા ? કસાઈ કહ્યો તેથી ? કસાઈને પૂછોને તો એ કહે, 'સાહેબ, મારો વેપાર જ છે આ. મારા બાપ-દાદાથી ચાલી આવેલો વેપાર છે.'

પ્રશ્શનકર્તા : અહંકાર કરતો હોય તો જ પુણ્ય શબ્દ વપરાય અને અહંકાર કરતો હોય તો જ પાપ શબ્દ વપરાય ?

દાદાશ્રી : એ બરોબર છે. અહંકાર કરતો હોય તો જ પાપ-પુણ્ય શબ્દ વપરાય. પણ અહંકાર છે તે અહંકાર કરતો હોય તો આમાં થોડોક ચેન્જ મારે, બીજું કંઈ લાંબું આમાં ચેન્જ મારે નહીં. એ તો બની ગયેલી વસ્તુ છે, એ ઇટ હેપન્સ છે અને નવું પાછું થઈ રહ્યું છે. નવી ફિલ્મ થઈ રહી છે અને આ તો જૂની ફિલ્મ ઊકલે છે.

પ્રશ્શનકર્તા : બધું થઈ રહ્યું છે તો નવું કરવાનું ક્યાં રહ્યું ?

દાદાશ્રી : નવું કરવાનું તો, જગત એ નવું જ કર્યા કરે છેને ? જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી નવું ચીતર્યા વગર રહે જ નહીંને ! આપણે ગમે તેટલું સમજણ પાડીએ પણ નવું ચીતર્યા વગર રહે જ નહીંને ! અહંકાર શું ન કરે ? અહંકારથી જ આ બધું ઊભું થયું છે. જો અહંકાર વિલય થાય એટલે મુક્તિ છે.

આ રાજા શું કહે છે કે, મેં લાખો માણસોને મારી નાખ્યા. રાજા તો ખાલી અહંકાર જ કરે છે, ગર્વરસ લે છે. એ તો જે લડાઈ ઉપર હતા, તેમણે માર્યા. રાજા વગર કામની જોખમદારી લે છે ! માર્યા હોય, પેલા લડવૈયાએ પણ રાજા કહે કે મેં માર્યા. ગાંડું જ બોલે છે. એ લોકોને ફળ કેવું મળે છે ? આનાથી મારનાર છે એ છૂટી જાય. નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે, તેના માથે જોખમદારી થાય. 'મેં માર્યું' ત્યારે કહે કે લે. હવે આખું ગુપ્ત તત્વ લોકો સમજે નહીંને?

પ્રશ્શનકર્તા : ને જોખમદારી તો વિચારે જ નહીં.

દાદાશ્રી : ભાન જ ન હોયને ? આ તો એમ જ જાણે કે ઓહોહો ! આ દુનિયામાં મારી આબરૂ વધી ગઈ. હા, એક બાજુ આબરૂ વધી ગઈ, પણ એનું ફળ આવશે, તે તારે એકલાને જ ભોગવવાનું. અહંકાર જે કરે તેને એનું ફળ મળે. થતું હોય એની મેળે, કર્મના ઉદયે રાજા બનાવ્યા એમને. પણ એ અહંકાર કરે, 'મેં કર્યું !' કે માર પડ્યો.

ન બંધાય કર્મ, ક્રિયા થકી !

પ્રશ્શનકર્તા : કર્મ બાંધ્યા વગર લગભગ તો ના ચાલે.

દાદાશ્રી : શાથી કર્મ બાંધવા પડે ?

પ્રશ્શનકર્તા : ક્રિયા વગર તો રહીએ જ નહીંને ? કંઈ ને કંઈ તો કરીએ જ છીએને ?

દાદાશ્રી : ક્રિયા એ કર્મ નથી. ક્રિયા એ અમુક અપેક્ષાએ કર્મ છે અને અમુક અપેક્ષાએ ક્રિયા એ કર્મ નથી. જો ક્રિયા એ કર્મ હોયને તો ભગવાન મહાવીર જ્યાં જ્યાં વિચર્યા એ બધુંય એમને કર્મ બંધાય. ભગવાન અનાર્ય દેશમાં વિચર્યા'તા, તો તે એ બધાં એમનેય કર્મ બંધાય પણ એવું નથી. એમને કર્મ બંધાયા નહીં. મહાવીરના જન્મ પછી એકુય કર્મ બંધાયેલું નહીં. છતાં એ પૈણેલા હતા, છોડી થઈ હતી, બધુંય હતું. ત્યારે એવું તે શું કર્યું કે એમને કર્મ બંધાતાં નહોતાં ને આ લોકો એવું શું કરે છે કે એમને કર્મ બંધાય ?

પ્રશ્શનકર્તા : હા, ખરેખર પ્રશ્શન છે એ ?

દાદાશ્રી : આ ભાઈ વકીલાત કરે છે, તોય કર્મ બંધાતા નથી, એની અમે ગેરેન્ટી આપીએ છીએ. અને લોકો ઊંઘે છે ઘસઘસાટ તોય કર્મ બંધાય છે અને આ ક્રિયા કરે છે છતાંય કર્મ બંધાતા નથી. એવું તે શું છે ? એવો કયો પ્રયોગ છે ? એ પ્રયોગ જગતને લક્ષમાં નહીં હોવાથી આજે જગત આખું માર ખાય છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કર્મ બંધાશે. અહંકાર નહીં હોય તો કર્મ બંધાશે નહીં. પછી શરીરની ક્રિયાઓ બધી ચાલતી હોય તેથી કંઈ કર્મ બંધાય નહીં. તો અહંકાર કાઢીને આવજો કાલે. કેમ બોલ્યા નહીં ? ના નીકળે, નહીં ? નીકળે નહીં જાતે ?

પ્રશ્શનકર્તા : તો તો બધા જ કાઢીને આવેને ? એ નીકળી ગયો હોય તો આવીએ જ શું કામ ?

દાદાશ્રી : એ વાત ખરી. એ આપણાથી નીકળતો હોય તો અહીંયાં આવવાની જરૂર શું તે ? વાત તો ખરી જ ને પણ. એનું મૂળભૂત કૉઝ એવું છે કે તમે જે છો એ જાણતા નહીં હોવાથી, જ્યાં તમે નથી ત્યાં આગળ તમે આરોપણ કરો છો કે હું જ આ છું.

સર્જન અહંકારનું, વિસર્જન કુદરતનું !

પ્રશ્શનકર્તા : 'અહંકાર કર્મ બાંધે છે ને કુદરત તેને છોડે છે' આ સમજાવો.

દાદાશ્રી : કર્મ પુદ્ગલેય નથી કરતું અને આત્માય નથી કરતો. જો પુદ્ગલ કર્મ કરતું હોય તો આ જ્ઞાની પુરુષનુંય પુદ્ગલ કર્મ કરી શકે અને આત્મા કર્મ કરતો હોય તો એમનામાં આત્માય છે, કર્મ એ નથી કરતો. કર્મ અહંકાર કરે છે. અહંકાર ગયો એટલે કર્મનો કર્તા ગયો એટલે કર્મ ગયાં. કર્મ બાંધ્યા પછી કુદરત, 'વ્યવસ્થિત શક્તિ' એને છોડાવે છે. તું ખાઉં ખરો પણ વિસર્જન ? વિસર્જન વ્યવસ્થિતના હાથમાં છે. તેં ખરાબ ખાધું તો છેવટે મરડો કરીનેય પણ કાઢવું જ પડેને, વ્યવસ્થિતને તો, છૂટકો છે ?

પ્રશ્શનકર્તા : કુદરત ક્યારેય પણ પરફેક્ટ નથી, ઇમ્પરફેક્ટ (અપરિપૂર્ણ) છે એવું કહેવામાં આવે છે.

દાદાશ્રી : કુદરત પરફેક્ટ છે, માટે નિરંતર ચેન્જ થયા કરે છે. જો ઇમ્પરફેક્ટ હોયને તો ચેન્જ ના થાય. જીવમાત્રને શાંતિ રાખવા માટે અને એમને ડેવલપ્ડ કરવા માટે નેચર નિરંતર ચેન્જ થયા જ કરે છે. નેચર જો સહેજ અટકેને તો એ નેચર ડેવલપ નથી. એ સહેજે અટકી નથી, સહેજ અટકશે નહીં, એનું નિરંતર પરિવર્તન થયા કરે. નેચર તો એટલી બધી પરફેક્ટ છે કે આફ્રિકાના જંગલમાં બધે ધોધમાર વરસાદ પડતો હોય અને ઈન્ડિયામાંય વરસાદ પડવાનો, પણ ત્રીજી સાલ દુકાળ પડ્યા વગર રહે નહીં. કારણ કે જ્યાં ઈગોઇઝમવાળા લોક છે ત્યાં આગળ નેચર એનો કંટ્રોલ એવી રીતે રાખે છે કે આ લોકોને દશ વર્ષ જો કદી વરસાદ ખૂબ પડેને, સરસ પાક થાય તો તો છરા લઈને મારી નાખે લોકોને. એટલે કુદરત આમને ઠેકાણે જ રાખે છે. ઈગોઇઝમવાળાને માર ઠોકાઠોક કરીને ઠેકાણે જ રાખે છે અને જે લોકોને ઇગોઇઝમ લાંબંુ નથી ને ડેવલપ્ડ થયું નથી એ આફ્રિકામાં ઢગલેબંધ વરસાદ પડે છે. એટલે આ કુદરત પરફેક્ટ છે. કુદરત ભગવાનનું જ કામ કરી રહી છે. પણ એ કુદરતને આપણે કર્તા રાખતા નથી, પણ ઇગોઇઝમ કરી નાખીએ છીએ. ઇગોઇઝમ વચ્ચે ના હોય તો કુદરત બહુ સુંદર છે, અહંકારનો વાંધો છે.

પરપોટો રચનાર કોણ ?

કઈ જાતની પ્રકૃતિ ના હોય ? પ્રકૃતિ જાતજાતની હોય. ધોધ પડે ત્યારે પરપોટા કોણ બનાવતું હશે ? કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, તે પ્રકૃતિ બંધાય પછી. તે કેટલાક મોટા થઈને અહીં ને અહીં ફૂટી જાય, કેટલાક ક્યાંય સુધી ચાલે એવી રીતે પ્રકૃતિ બધી બંધાય છે.

બધા જીવોમાં માણસ જાત એકલી જ એવી છે કે અહંકારનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી જ આ જગત ગૂંચાયેલું છે. સહજભાવ હોત બધા જાનવરોની પેઠે, દેવોની પેઠે, તો તો આ મોક્ષ તરફ ચાલ્યા જ કરે. પણ અહંકારનો ઉપયોગ કરેને, પછી તિર્યંચગતિ થાય. ગધેડા, કૂતરા કોણ થાય ? નહીં તો ગધેડાવાળા માટી શેનાથી ઉપાડે ? એટલે ગધેડાં, કૂતરાં, ગાયો, બધાં જગતની સેવા કર્યા કરે છે પછી.

લજામણીમાંય અહંકાર !

અહંકાર વગર તો જીવે જ નહીં. દેવોમાં અહંકાર, બધે અહંકાર, અહંકાર ના હોય તો પરમાત્મા કહેવાત. પાડા ને ગધેડામાંય બહુ અહંકાર હોય. પેલી લજામણી હોય છેને, તેના છોડને આમ હાથ અડાડીએ તો પાંદડા બધા ખેંચી લે. આમ ખાલી હાથ જ અડાડવાથી. લજામણી જોઈ છે ?

પ્રશ્શનકર્તા : સાંભળ્યું છે.

દાદાશ્રી : જોયું નથી ? તે લજામણી અમે આમ જાત્રામાં જતા જતા જોઈ'તી. તે આમ હાથ અડાડીએને તો બધાં પાંદડા ચૂપ. આમ હાથ અડાડતાંની સાથે એટલી બધી લજવાઈ જાય. શરમ આવે એને. બધાં પાંદડા ગુપ્ત કરી નાખે. અને પછી હાથ આપણે છોડી દઈએ તો કશુંય નહીં. એનું નામ લજામણી પાડેલું. એવું બધા બહુ ઝાડ ને વેલા છે.

શીશુને કર્મ અડે ?

પ્રશ્શનકર્તા : નાના બાળકને કર્મો અડે નહીંને ?

દાદાશ્રી : જેટલો અહંકાર હોય એટલાં કર્મ અડે. 'હું કરું છું' એવું બોલે ત્યારથી કર્મ. સભાનપૂર્વક 'હું કરું છું' એવું બોલ્યા કરે, તેટલાં કર્મ બંધાય.

પ્રશ્શનકર્તા : આવડા નાના બાળકને આ ઉંમરમાં જે ડિસ્ચાર્જ કર્મ થતાં હોય તે એ કયા ભવનાં કર્મ હોય ?

દાદાશ્રી : બધાં ગયા અવતારનાં કર્મો ડિસ્ચાર્જ થયા કરે. અહંકાર સિવાય કર્મ ચાર્જ થાય નહીં. અહંકાર જ્યારે થયો કે ચાર્જ થયું, ત્યાં સુધી ડિસ્ચાર્જ જ થયા કરે.

પ્રશ્શનકર્તા : માણસમાં અહંકાર કેવી રીતે આવી શકે છે ?

દાદાશ્રી : બે વરસનું છોકરું હોય ને ત્યારે બાપ કહેશે, ''દાદાજીને જે' જે' કર'', પણ ખભો ચઢાવે, તે જે' જે' કરે જ નહીં. પછી પેલા બાપે કંઈ બહુ કહે કહે કર્યું કે કંઈક આ આપીશ ને તે આપીશ ત્યારે આમ ઊંધું ફરીને જે' જે' કર્યું. કારણ કે ગયા અવતારમાં અહંકારથી મરી ગયેલા ને ફરી અહંકાર ઊભો થયો પાછો. સંસ્કાર છે ને, એના એ જ સંસ્કાર આવ્યા. સાપનાં બચ્ચાંને કંઈ ફેણ મારવાનું શીખવવું પડે ? આમ અડાડે કે તરત ફેણ માંડે. ક્યાંથી શીખ્યો ? પૂર્વના સંસ્કાર.

બાળક નાનું હોય તેને કશું થતું નથી, તોય રડે છે. એની મા પાસે જવાય એવું ના હોયને તો એ રડે છે. કારણ કે અહંકાર નથી એની પાસે, શી રીતે જાય ? એ બાળકોમાં જે અહંકાર છે એ તો પૂર્વ નિમિત્તનો છે, કાર્યકારી નથી. અહંકાર મોટો થતો જાયને અને કરવાની શક્તિ ઊભી થઈ કે 'આ મેં કર્યું' એમ કહે છે, એવું માને છે ત્યારથી અહંકાર ઊભો થઈ ગયો. કંઈ પણ કરવાની શક્તિ ઉત્પન્ન થાય, દશ વરસનું થયું, નવ વરસનું થયું કે આઠ વરસનું ત્યારથી વધી વધીને મોટાં ઝાડ જેવો થઈ જાય.

આ માણસો તો અહંકાર કરે છે એટલું જ. બાકી અહંકાર ના કરે તો તો બધું બાળકનાં જેવું જ જીવન છે. અત્યારે અમારો અહંકાર જતો રહ્યો છે, તો બાળક જેવા જ લાગીએ છીએને ! તમારો અહંકાર જતો રહે તો તમે બાળક જેવા લાગો.

આ જ્ઞાન પછી તમારો મૂળ અહંકાર તો જતો રહ્યો છે. પણ દુનિયાને દેખાવાનો (ડિસ્ચાર્જ) અહંકાર રહ્યો છે ને તમારે કર્મ બંધાતાં હતાં (ચાર્જ) તે અહંકાર ગયો. કારણ કે કર્તાપદનું ભાન નથી એટલે એ અહંકાર ગયો.

 

(૨)

પ્રયાણ, અહંકારમુક્તિ તરફ

અહંકાર શી રીતે કાઢીશ ?

દાદાશ્રી : અહંકાર છે તમારામાં ?

પ્રશ્શનકર્તા : થોડોઘણો તો હોય જ ને ?

દાદાશ્રી : થોડોઘણો ? અને બીજો ક્યાં ગીરો મૂકી આવ્યા ? આ અહંકાર જો આટલો નાનો જ હોયને તો હમણે છંછેડે તો આવડો મોટો થઈ જાય. ઘણા સંતોએ અહંકાર નાનો કરેલો હોય છેને, બિલકુલ નાનો. આપણે એમને 'આમ આમ' હલાવીએને ત્યારે ફેણ માંડે. તે અહંકાર મોટો થઈ જાય. છંછેડોને તો ફૂંફાડો મારે. માટે અહંકાર નાનો-મોટો ના બોલવું કોઈ દહાડો.

પ્રશ્શનકર્તા : આ દેહ જ અહંકારથી ભરેલો છે.

દાદાશ્રી : હા, ખરું કહે છે. આ દેહ જ બધો અહંકારનો ભરેલો છે. અહંકારથી તો આ બધું ઊભું થયેલું છે. એટલે અહંકારને નાનો કરવાનો પ્રયત્ન ના કરશો, અહંકારને દૂર કરવાનો પ્રયત્ન કરો. એ અહંકાર શું કરવા રાખી મૂક્યો છે ? વેચી દે ને.

પ્રશ્શનકર્તા : એ માલ જલદી નથી વેચાઈ જતો. એના માટે તો તપશ્ચર્યા કરવી પડે.

દાદાશ્રી : શેનું તપ કરવું પડે ?

પ્રશ્શનકર્તા : અહંકાર ઉપર કાબૂ મેળવવા માટે.

દાદાશ્રી : એમ ? ભૂખ લાગી તો સહન નથી થતી, ક્રોધ તો તારાથી થઈ જાય છે, તે વળી અહંકાર ઉપર તું શું કાબૂ મેળવવાનો છે તે ? પણ તું અહંકારનોય ઉપરી ખરોને ?

પ્રશ્શનકર્તા : હા, ખરો જ ને !

દાદાશ્રી : એમ ! અહંકાર તારો કે તું અહંકારનો ? તું અહંકારની માલિકીનો કે અહંકાર તારી માલિકીનો ?

પ્રશ્શનકર્તા : અત્યારે તો મારો જ છે.

દાદાશ્રી : એ જો અહંકાર તારો હોય તો એને કહી દે ને કે 'ભઈ, આજે અહંકાર કરવો નથી. અહંકાર બંધ કરી દે, નહીં તો હું તને ગેટઆઉટ કરી દઈશ.' કેમ કહેતો નથી ?

પ્રશ્શનકર્તા : ઘણીવાર ખબર પડે છે એટલે પ્રયત્ન કરું છું ગેટઆઉટ કરવાનો, અહંકાર કાઢવાનો.

દાદાશ્રી : કાઢનારો કોણ ?

પ્રશ્શનકર્તા : આત્મા.

દાદાશ્રી : આત્મા થયા વગર તું શી રીતે કાઢનારો થઈશ ? આત્મા થવું પડેને ? તું પોતે જ અહંકાર સ્વરૂપ છે. તારું સ્વરૂપ જ અહંકાર છે. જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી તું અહંકાર સ્વરૂપ છે અને જ્ઞાન થયા પછી આત્મસ્વરૂપ પોતાનું થાય.

પ્રશ્શનકર્તા : એટલે આ બધાનું કારણ તો અજ્ઞાન જ કહેવાયને ?

દાદાશ્રી : અજ્ઞાન જ બધાનું કારણ છે. અને અજ્ઞાન શેનું છે પાછું ? આત્માનું જ અજ્ઞાન. બીજું બધું અજ્ઞાન હશે તો ચાલશે પણ આત્માનું અજ્ઞાન જવું જોઈએ. અમને આત્માનું અજ્ઞાન ગયું છે. બીજું બધું તો અમને સમજણ પડે કે ના પડે, ને જરૂર પડે તો તારા જેવા એક આવીને શીખવાડી જાય. પણ અત્યારે આત્માનું જ્ઞાન જાણનાર નથી હોતા, વર્લ્ડમાં. તે મારી પાસે આ સબ્જેક્ટ (વિષય) બહુ સરસ આવી ગયોને ! અને તારે આર્કિટેક્ટનો સબ્જેક્ટ આવ્યોને !

એટલે આત્મા જાણ્યા પછી ઇગોઇઝમ જતો રહે. જ્યાં ઇગોઇઝમ છે ત્યાં આત્મા નથી. આત્મા છે ત્યાં ઇગોઇઝમ નથી. તારે ઇગોઇઝમ કાઢવો છે ?

પ્રશ્શનકર્તા : ધીરે ધીરે કાઢવાનો હું પ્રયત્ન કરું છું.

દાદાશ્રી : કેટલા વરસથી આ દુનિયા પર છે ?

પ્રશ્શનકર્તા : એની ખબર નથી.

દાદાશ્રી : આ કેટલાંય વર્ષોથી છે અને ત્યારથી આ પ્રયત્નો કરે છે. તે આજે અત્યારે તારી પાસે આટલી મૂડી છે.

પ્રશ્શનકર્તા : અત્યારે મૂડી જેવું તો કશું નથી.

દાદાશ્રી : ના, એમ નહીં. આ મનુષ્ય નામની મૂડી એમાં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધું મૂડી જ કહેવાયને ?

પ્રશ્શનકર્તા : અહંકાર છે, ક્રોધ છે, એટલે સારી બાજુ તો નથી જ ને ?

દાદાશ્રી : સારી બાજુ નથી છતાં એ મૂડીમાં છે તારી પાસે. હવે તું તો અત્યારે 'હું ચંદુભાઈ છું' એવું જ જાણે છે ને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : 'હું ચંદુભાઈ છું' એ જ અહંકાર. જ્યાં તું નથી ત્યાં તું, તારાપણાનો આરોપ કરે છે. તું સ્વક્ષેત્રમાં રહે, તારા ક્ષેત્રમાં રહે તો તું આત્મા છે ને આરોપ કરે કે 'હું ચંદુભાઈ છું', તે જ અહંકાર. અહંકાર પર તો તારું જીવન છે, તે શી રીતે અહંકાર કાઢીશ ?

અહંકાર જતો કેમ નથી ?

પ્રશ્શનકર્તા : આ અહંકાર ખોટો છે, એવું આપણને કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છીએ ને સંતપુરુષો પણ એ જાતની સલાહ આપે છે, પણ એ જતો કેમ નથી ?

દાદાશ્રી : અહંકાર જાય ક્યારે ? આપણે એને ખોટો છે, એવું એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ ત્યારે જાય. એક્સેપ્ટ એટલે, વાઈફની જોડે કકળાટ થતો હોય તો આપણે સમજી જવું કે આપણો અહંકાર ખોટો છે. એટલે આપણે એ અહંકારથી જ પછી એની માફી માગ માગ કરવી અંદર. એટલે એ અહંકાર જતો રહે. કંઈ ઉપાય તો કરવો જોઈએને ? કંઈ આમ ધોતિયું મેલું થયું હોય તો સાબુ ઘસીએ તોય મેલ જતો રહે છે, એવું આનો કંઈ સાબુ કે કશું જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ ? સાબુ ના જાણીએ ને એમ ને એમ ધો ધો કરીએ તો ક્યારે પત્તો પડે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : સાચી વાત છે.

દાદાશ્રી : એટલે તમે જેટલી વાર એમ કહો કે અહંકાર ખરાબ છે, જે બાજુ ત્યાં આગળ અહંકાર બગડેલો હોય તે મને કહો, તો હું તમને બધા ઉપાય બતાવું. એ અહંકાર સાફ થઈ જાય એવું છે અને તદ્દન અહંકાર કાઢવો હોય તો એ કહો તો હું તમને આખો અહંકારેય કાઢી આપું. તમારી જે ઇચ્છા હોય તે કહોને. આ અહંકાર ખોટો છે, એવા જ્ઞાનથી એ અહંકાર જાય. આ ભૂલ છે, એ ભૂલ ભાંગી નાખીએ તો અહંકાર જાય. અને અહંકાર ગયો એટલે થઈ ગયા તમે 'સ્વરૂપ' ! નિજ સ્વરૂપનું ભાન થયું અને સમાધિનું કારણ થયું.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23