ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૫)

કલ્પ, વિકલ્પ, સંકલ્પ ને નિર્વિકલ્પ !

પ્રશ્શનકર્તા : જેનો અહંકાર ગયો હોય, જેના સંકલ્પ-વિકલ્પ ગયા હોય, નિર્વિકલ્પ દશામાં આવ્યો હોય, એના બાહ્ય લક્ષણ શું હોય ?

દાદાશ્રી : નિર્વિકલ્પ હોય નહીં કોઈ. એ નિર્વિકલ્પમાં રહી શકે નહીં.

પ્રશ્શનકર્તા : અહંકાર શૂન્ય હોઈ શકે ?

દાદાશ્રી : અહંકાર શૂન્ય થાય નહીં. એટલે જેનો થયો હોય એ મને કહો, મારે એના દર્શન કરવા જવું છે. નિર્વિકલ્પ થઈ શકે નહીં માણસ. એને માટે તો જ્ઞાન જોઈએ. જ્ઞાન વગર નિર્વિકલ્પ થઈ શકે નહીં. વિકલ્પીને નિર્વિકલ્પ બનાવવાનું સાધન, એ બીજ જ જુદું છે. વિકલ્પી બીજેય જુદું છે, નિર્વિકલ્પી બીજેય જુદું છે. જ્ઞાની પુરુષ પાસે જાય તો વળે, નહીં તો કશું ઠેકાણું પડે જ નહીં.

અજ્ઞાશક્તિ ઊભી થઈ છે એટલે એ આત્માની કલ્પના છે, વિકલ્પ છે. જેવું કલ્પે એવો આ દેહ બંધાઈ જાય. એને મહેનત કશું કરવું ના પડે, એમ ને એમ કલ્પનાથી જ. એ રીતે ચાલ્યું પછી. ઇગોઇઝમ જોડે ને જોડે, પહેલાંનો ઇગોઇઝમ પૂરો ના થયો હોય ત્યારે નવો ઇગોઇઝમ ચાલુ થઈ જાય. આ સંકલ્પ-વિકલ્પ નથી. સંકલ્પ-વિકલ્પ આપણામાં રહ્યા જ નથી. મેં શું કહ્યું છે કે તમારું નિર્વિકલ્પી જ્ઞાન થયું. સંકલ્પ-વિકલ્પ ક્યારે થાય ? અહંકાર જ્યારે વિચરતો હોય અને અહંકાર તન્મયાકાર થાય ત્યારે સંકલ્પ-વિકલ્પ થાય.

ત્યાગનો પાયો અહંકાર ઉપર !

તમારી કોઈ ક્રિયા ભગવાનને ત્યાં જોવામાં આવતી નથી. ભગવાનને ત્યાં તો તેં શેનો અહંકાર કર્યો, એ પકડવામાં આવે છે. ભગવાન તો કહે છે, તેં અહંકાર કર્યો માટે તું પાછો જા. અમારે તો અહંકારનો રોગ ના જોઈએ. મેં ત્યાગ કર્યો છે ને મેં કોઈ દહાડો દારૂ પીધો નથી. એ બધું મારે સાંભળવું નથી. એનું ફળ મળશે. તેં જે કર્યું છે એનું ફળ મળશે. મારે તો તેં અહંકાર નથી કર્યો એ જોઈએ છે.

ત્યાગ કર્યો તેમાં કોઈની ઉપર શો ઉપકાર કર્યો ? તેં ગ્રહણ કર્યું હતું તો ત્યાગ કરવાનો વખત આવ્યો. પણ ગ્રહણ જ ના કર્યું હોત તો ? પૈણ્યા પછી હવે બૈરીનો ત્યાગ કરીએ, તો પૈણ્યો જ ના હોત તો ? એને ત્યાગ કરવાનો વખત જ ક્યાંથી આવે ? આ તો ત્યાગનો પાછો લહાવો લેવો છે. 'મેં ત્યાગ કર્યો' કહે.

એક વકીલ સાહેબ મારી પાસે આવ્યા. તે મને કહે, 'દાદા, લોકોપકાર માટે મેં મારી વકીલાત છોડી દીધી.' ''ઓહોહો ! ગ્રહણ કોણે કરી'તી ? તમે કરી હતી કે મેં કરી હતી ? વકીલાત ગ્રહણ તેં કરી ! તમે ગ્રહણ કરી હતી, તે તમે છોડી દીધી, એમાં મને શું કરવા આમ કહેવાની જરૂર છે તે ?'' ત્યારે એ કહે, 'મેં ક્યારે ગ્રહણ કરેલી ?' મેં કહ્યું, 'મેટ્રિકમાં આવ્યા ત્યારે વિચાર નહોતા આવ્યા કે વકીલ થવું છે એવાં ?' ત્યારથી ગ્રહણ કરવા માંડ્યું. તે અત્યારે આ છોડવાનો વખત આવ્યો. ગ્રહણ જ ના કર્યું હોત તો ? એવી રીતે બૈરી છોડી, ઘર છોડ્યું, કરોડ રૂપિયા છોડ્યા. અલ્યા, ગ્રહણ કર્યું તો છોડ્યંુ. નહીં તો ગ્રહણ ના કર્યું હોત તો ?

વાત તો સમજવી પડશેને ? વીતરાગોની વાત ટૂંકી, શોર્ટ કટ અને બિલકુલ પ્યૉર છે. વીતરાગોની વાત લાંબી કરીને તે બધાં ઓર્નામેન્ટલ એડજસ્ટમેન્ટ છે. અમારે તો છોડી પૈણાવવા સાથે કામ છે, આ તારો મંડપ તું આવો સારો મોટો બાંધું કે ના બાંધું, તે અમારે કામનું નથી. અમારે તો આ છોડી પૈણી ગઈ એટલે નિરાંત ! મારે માંડવા-બાંડવા નહીં બાંધવા, બા ! તે ઓર્નામેન્ટલમાં પડ્યા છે લોકો. શેમાં પડ્યા છે ? છોડી પૈણાવાની જેટલી ઉતાવળ નથી એટલી ઓર્નામેન્ટલની ઉતાવળ છે !

પ્રશ્શનકર્તા : ગ્રહણ-ત્યાગ પ્રકૃતિનો છે અને અહંકાર એ પોતાનો માને છે.

દાદાશ્રી : હા, હું કરું છું, એવું ! એનું નામ જ સંસારને ! એ ભ્રાંતિને ! સંડાસ જવાની શક્તિ નહીં ને મૂઆ ગ્રહણેય શું કરવાનો ને ત્યાગેય શું કરવાનો ? આ તો બધું ઇટ હેપન્સ, થઈ રહ્યું છે. વાસ્તવિકતામાં ઇટ હેપન્સ !

ગ્રહણ અને ત્યાગ, બેઉ અહંકાર !

પ્રશ્શનકર્તા : આત્મજ્ઞાન જ સાચું જ્ઞાન છે, એની ખાતરી કર્યા પછી પણ માનવીને સંસારની ફરજો અદા કરવાની છે, એ છોડીને ચાલ્યા જવું એ પલાયનવૃત્તિ ના કહેવાય ?

દાદાશ્રી : આ છોડીને જાય છે ને કહે છે કે મેં ત્યાગ કર્યો, તેય 'ઇગોઇઝમ' છે ને કેટલાક કહે છે કે મેં આ ગ્રહણ કર્યું, તેય ઇગોઇઝમ છે. 'આઉટ ઑફ ઇગોઈઝમ' થવાનું છે. ત્યાગ મનુષ્યજાતિ કરી શકે જ નહીં. જે ત્યાગ કરે છે, એ લૌકિક ભાષાની વાત છે. સંડાસ જ ના કરી શકે ત્યાં ? અટકે ત્યારે ખબર પડે. આ તો પૂર્વકર્મની ભાવનાનું ફળ છે. એ ભાવના જ બધું કરી શકે છે.

એક આચાર્ય મહારાજ હતા, તે મને કહે કે 'આટલો બધો અમે ત્યાગ કર્યો, એના ફળરૂપે કાંઈ દેખાતું નથી.' મેં કહ્યું, 'કેમ ના દેખાય ? દેખાય છેને ?' તો તે કહે, 'ક્યાં દેખાય છે ? કશું દેખાતું નથી ?' મેં કહ્યું, 'મોઢા ઉપર દેખાય છે, ઘૈડપણ આવ્યું, નથી દેખાતું ?' 'પણ ત્યાગનું ફળ આનંદ હોવું જોઈએ, તે મહીં નથીને ?' 'પણ ત્યાગ કરનાર કોણ એ મને કહો ! તમારું નામ શું ?' ત્યારે એમણે નામ આપ્યું કે 'હું ફલાણા મહારાજ છું.' 'તમે એ જ ને ?' મેં પૂછ્યું. ત્યારે એ કહે, 'હા, એ જ ને !' ત્યારે મેં કહ્યું, 'આ તો મહારાજે ત્યાગ કર્યો. તમારો ત્યાગ જોઈશે. આ ત્યાગ તમારે કરવાનો છે, એના બદલે મહારાજે ત્યાગ કર્યો, એ તો ઊલટા બંધાયા.' શું કહે એ ? 'હું ત્યાગ કરી રહ્યો છું.' અહંકાર 'ત્યાગ કરી રહ્યો છું' માને છે.

પ્રશ્શનકર્તા : એટલે ત્યાગને ત્યાગી શક્યા નથી ?

દાદાશ્રી : આ અહંકાર એટલે તો પોતાની મેડનેસ સ્ટેજ છે. એવો ત્યાગ કરે, એનો અર્થ શું છે ? એટલે પછી મહારાજ સમજ્યા કે આ તો બહુ મોટી ભૂલ કીધી. ત્યારે મેં કહ્યું, 'હજી આ ભૂલ ભાંગવી પડશે.' એક ભૂલ જગતના માણસો સમજી શકે નહીં. જે પાછળ , ચોગરદમ બધું જોઈ શકે તે ભૂલને સમજી શકે. પોતાની ભૂલ કેમ સમજાય ? અને શાસ્ત્રકારો કહે છે કે પોતાની ભૂલ જ્યારે સમજશે, ત્યારે એ ભગવાન થશે !

અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ !

એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો ! એની વાઇફેય મરી ગયેલી. એને બે છોકરા, એક દોઢ વર્ષનું ને બીજું ત્રણ વર્ષનું. બે છોકરાં મૂકીને બન્ને મરી ગયા. એટલે ગામવાળા બધા ભેગા થયા કે આ બ્રાહ્મણના છોકરાઓનું શું કરવું ? તે કોઈ એમને પાળવા તૈયાર થયું નહીં. ત્યારે એક બીજો પરદેશી મારવાડી બ્રાહ્મણ હતો, તે કહે છે કે, 'ભઈ, મારે છોકરો નથી, મને એક આપો તો હું લઉં.' આ પરદેશી બ્રાહ્મણે એક છોકરું લીધું, ત્રણ વર્ષનું. હવે દોઢ વર્ષના છોકરાનો કોઈ ઘરાક જ ના થાય. આ કોણ ઉથામે, બલા આવી ? એના છોકરાને ઉથામે કે પારકાનાં ઉથામે ? ત્યારે એક શૂદ્ર હતો તે કહે, 'સાહેબ, મારે છોકરું નથી. મને જો આપો તો હું ઉછેરું.' ત્યારે ગામવાળા કરે કે 'આ છોકરો મરી જશે, એનાં કરતાં શૂદ્રને આપોને !' તે છોકરું શૂદ્રને આપ્યું. તે શૂદ્રને ત્યાં ઉછર્યો ને અઢાર વર્ષનો થયો ને પેલો છોકરો વીસ વર્ષનો થયો. બ્રાહ્મણના ઘરવાળો છોકરો દારૂના પીઠા આગળ દારૂ વિરુદ્ધ પિકેટીંગ કરવા માંડ્યો. બન્ને ભાઈઓ, એક માના છોકરાઓ. તે આ શૂદ્રના સંસ્કારમાં આવ્યો, એટલે દારૂ ગાળવા માંડ્યો અને પેલો છે તે બ્રાહ્મણના સંસ્કારમાં રહ્યો તે પિકેટીંગ કરવા માંડ્યો કે દારૂ ના પીવાય, આમ ને તેમ. પછી એ ગામ

માંથી એક મોટા જ્ઞાની પુરુષ જતા હતા. તેમને કોઈએ પૂછ્યું કે સાહેબ, આ બેમાં કોનો મોક્ષ થશે ? દારૂ ગાળે છે એનો કે દારૂનો વિરોધી જ છે એનો ? ત્યારે એ જ્ઞાની પુરુષે કહ્યું, 'ભઈ, આ દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે અને પેલો પીવાનો અહંકાર કરે છે, બેઉ અહંકારી છે. મારે ત્યાં બન્નેમાંથી કોઈનેય મોક્ષ ના મળે.' આ તો આવો ન્યાય છે જગતનો. ન્યાય સમજી લેજો.

આ સાધુઓ ત્યાગનો અહંકાર કરે છે ને આ ગ્રહણનો અહંકાર કરે છે, બેઉ ત્યાં પહોંચે નહીં. જેને ગ્રહણ-ત્યાગ જેવી વસ્તુ જ નહીં, જે સહજભાવે આવે છે તે જીવે છે, ખાય છે, પીવે છે, તો તેનો મોક્ષ છે. આ સમજવું તો પડશેને ? આમ કેમ ? આ પોપાબાઈનું રાજ નથી. આ તો એક્ઝેટ (બરાબર) કાયદેસર છે. એક ઘડીવાર કાયદાની બહાર ના ચાલે. આપણી કોર્ટોમાં ગપ્પાં ચાલે છે, ત્યાં ખટપટ કરવી હોય તો કરાય.

પ્રશ્શનકર્તા : ભગવાનને ત્યાં કોર્ટો ખરી ?

દાદાશ્રી : ના, ત્યાં કોર્ટો હોત તો બધા કારકુનને અહીંથી ત્યાં જવું પડત ! અને કોર્ટો હોય ત્યાં કકળાટ હોય. ભગવાન કકળાટિયા છે જ નહીં. ભગવાન તો ભગવાન જ છે. અત્યારે મહીં બેઠા છે, એ દેખાય છે બધાને !

મારવું-બચાવવું, બેઉ અહંકાર !

પ્રશ્શનકર્તા : આ અમુક સંપ્રદાયમાં સાધુઓ પગમાં બૂટ-ચંપલ પહેરતા નથી, એનું કારણ શું ?

દાદાશ્રી : એ જીવડાં બચાવવા માટે.

પ્રશ્શનકર્તા : આપણે તો પહેરીએ છીએ, તો આપણી શી દશા ?

દાદાશ્રી : એ એમને એવી શંકા છે કે હું જોડા પહેરીશ તો જીવડું મરી જાય તો ? ત્યારે ભગવાને શું કહ્યું કે, 'અલ્યા, તું જ બચાવનારો છું ?' આ મારનારો ને તું બચાવનારો ! આ મારનારો મારવાનો અહંકાર કરે છે અને તું બચાવવાનો અહંકાર કરે છે. મારે ત્યાં અહંકારનું કામ નથી. ભગવાનને ત્યાં તો નિર્અહંકારીનું કામ છે.

પ્રશ્શનકર્તા : તો શું કરવું ? બૂટ-ચંપલ પહેરીને ફરવું કે એમ ને એમ ?

દાદાશ્રી : અરે, જોડા પહેરીને ફરો નિરાંતે ! નીચે વીંછી-બીંછી કરડી ખાશે, છાનામાના પહેરીને ફરોને ! એવું છેને, તમે કંઈ સાધુ થયા નથી. તમે છે તે સંસારી છો. એટલે રસ્તામાં ચાલવું પડે. કાંટો વાગે તો ઉપાધિ થાય. મહારાજને તો કાંટો વાગ્યો હોયને તો ડૉક્ટરો મફત દવા કરી આપે. તમારી પાસે ડૉક્ટર પૈસા માગે. મહારાજની પાછળ બધાં બહુ છે કરનારાં. એટલે તમારે જોડા-બોડા પહેરીને ફરવું.

પ્રશ્શનકર્તા : પાપ ના લાગે ?

દાદાશ્રી : એ લાગે એનું, પણ ઓછું લાગે છે, એ કંઈ બહુ લાગતું નથી. મનમાં ભાવ રાખવો કે કોઈ જીવ મારાથી દબાય નહીં, એવું ઘેરથી બોલીને નીકળવું. ઘેરથી પાંચ વખત સવારનાં પહોરમાં બોલવું કે, 'મારાં મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, ન હો, ન હો.' એટલું બોલે કે બધું થઈ ગયું.

આ તો પાછા બચાવવા નીકળ્યા છે ! એ તો બધા અહંકારી પાછા. ઓહોહો ! ભગવાન ના બચાવે ને તું બચાવનારો નીકળ્યો ! આ તો બધા અહંકાર જાતજાતના ! કેમ બીજા સાધુઓ એવું નથી કરતા ? એ તો જોડા-બોડા પહેરીને ફરે છે નિરાંતે ! એ બિચારા એવું કંઈ કહેતા જ નથી કે મારે મારવા છે. અને ભૂલથી વટાઈ જાય તો માફી માંગી લે !

અક્રમમાં ન રહ્યો ત્યાગનાર !

આમાં એક શબ્દ કૃપાળુદેવથી વિરુદ્ધ કોઈ માણસ કહે તો આ અક્રમ વિજ્ઞાન જ નથી. એક ફક્ત વિરુદ્ધ છે તે ક્યાં કે જ્યાં આગળ ક્રમિક માર્ગ છે, ત્યાં ત્યાગ હોય ને ત્યાગ કરનારો પણ હોય. અહીં અહંકાર નહીં એટલે ત્યાગ કરનારો જ નહીંને ! અહંકાર જ ઊડાડી દેવામાં આવે છે, અહીં આગળ ! ત્યાગનો કર્તા જ નહીં. ત્યાગ કરવાનો નથી. અહંકાર ને મમતા, બેનો ત્યાગ થઈ ગયો કે થઈ ગયું પૂરું. આ બેનો ત્યાગ કરાવી દઉં છું. એમને ત્યાગાત્યાગ સંભવે નહીં. કારણ કે જેમ ઉદય આવે ને તેવી રીતે વર્તે. ત્યાગ ને અત્યાગ કરનાર કોણ ? અહંકાર. અહંકાર જેનો વિલય થઈ ગયો છે, એ ત્યાગ ને અત્યાગ કેવી રીતે કરી શકે ? અહંકાર રૂપી ફાચર જ ઊડી ગઈ છે.

'પોતે કોણ છે ?' એ જાણે એટલે ચાલ્યું ગાડું. ત્યાગ તો અહંકારનો ને મમતાનો કરવાનો છે. સંસારમાં કપડાં કાઢીને ફરીએ તો લોકો શું કહે ? લોકો વઢે કે ના વઢે ? મૂર્છાનો ત્યાગ કરવાનો છે. વસ્તુનો ત્યાગ કરવાનો ભગવાને કહ્યું નથી. આની પર મૂર્છા ના હોવી જોઈએ. મૂર્છા હોય છે તમને ?

પ્રશ્શનકર્તા : મૂર્છા એટલે શું, સમજાયું નહીં.

દાદાશ્રી : મૂર્છા એટલે મોહ. ખમીસ પહેર્યું છે તે ફાટી જાય તોય કશું નહીં, ના ફાટે તોય કશુંય નહીં, મોહ નહીં એનો ને મોહવાળો તો ગુસ્સે થાય. મારું ખમીસ કેમ ફાડ્યું ? અહંકાર સહિત વસ્તુનો અભાવ કરે એને ત્યાગ કહ્યો અને નિર્અહંકાર સહિત કરે તો સંયમ કહેવાય.

ઉપજાવે સંયમ પરિણામ !

પ્રશ્શનકર્તા : 'ઉપજાવે સંયમ પરિણામ...' ઉપજાવે એટલે ઊભા થાય છે, એની મેળે અને જ્યારે અત્યાર સુધીના સંયમો કરવાની વાતો આવી, એ બે સંયમોમાં કેટલો ફેર ?

દાદાશ્રી : એવું છેને, સંયમ કર્યો ના થાય. સંયમ અહંકારથી થાય નહીં. અહંકારથી ત્યાગ થાય. છેલ્લી હદ સુધી અહંકાર ત્યાગ કરી શકે, સંયમ ના કરી શકે.

પ્રશ્શનકર્તા : ત્યારે આ લોક કહે છેને કે સંયમમાં રહો, સંયમમાં રહો, એ શું ?

દાદાશ્રી : આ બધી વાત લૌકિક છે. આપણે લૌકિકને ખોટું તો ન કહી શકીએને ?

પ્રશ્શનકર્તા : પણ આ તો સંયમનો અર્થ જ બદલાઈ ગયો !

દાદાશ્રી : અર્થ છે એનો એ જ છે, પણ આ લૌકિક ભાષામાં આવો અર્થ ચાલે છે. લોકભાષામાં આને સંયમ કહે છે. આ તમને અત્યારે કોઈ ગાળ દે, હવે તમને 'જ્ઞાન' છે તો તમારી મહીં સંયમ પરિણામ ઊભાં થાય, એનું નામ સંયમ કહેવાય. તમને એના માટે કશું થાય નહીંને ? ખરાબ વિચાર આવે નહીંને ? મન બગડે નહીંને એના માટે ? અને તમારું મન બગડ્યું નહીં, એનું નામ સંયમ પરિણામ. એની મેળે પરિણામ ઊભાં થાય. એમાં અહંકારની જરૂર જ નથી.

ત્યાગમાં અહંકાર કરવો પડે. આ બધા સાધુઓ એ લોકભાષામાં સંયમી કહેવાય. પણ એ ત્યાગીઓ છે, લૌકિક ભાષા અને અલૌકિક ભાષા, બન્ને ભાષામાં હંમેશાં ફેર જ હોય. ત્યાગ કરવો હોય તો ત્યાગનો કર્તા જોઈશે. તેથી તમને બધાને (મહાત્માઓને) કહ્યું છેને કે કશો ત્યાગ નહીં કરવાનો. જો ત્યાગ કરશો તો કર્તા રહેશો. કર્તૃત્વ પરિણામ થશે, કર્તા રહેવું પડશે અને આ તો સંયમ પરિણામ ઊભાં થયાં. તમને લાગે કે સંયમ પરિણામ ઊભાં થયાં ? એ સંયમિત દેહ, સંયમિત મન અને સંયમિત વાણી રહે કે બસ થઈ રહ્યું ! પરમાત્મા થઈ ગયો !!

જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ત્યાગ છે. અને અહંકાર સિવાય (રહિત) જે પરિણામ ઊભાં થાય છે એ સંયમ પરિણામ છે.

પ્રશ્શનકર્તા : તમે જે સંયમનો અર્થ કર્યો એ ક્રમિક માર્ગે શી રીતે આવે ?

દાદાશ્રી : એ આવે. એમાં છે તે જ્યારથી સમકિત થાય, એટલે જ્યારથી એ પોતાને શબ્દથી જાણે 'હું શુદ્ધાત્મા છું', એવું શબ્દથી જ્યારે એને એમ ખાતરી થાય કે 'આ હું છું' અને 'આ હું ન્હોય' એમ પ્રતીતિ બેસે, ત્યારથી એટલો એટલો સંયમ પરિણામ થાય. એકદમ બધો ના થાય, અમુક અમુક થાય. પછી સંયમ પરિણામ વધતું વધતું જાય, તેમ તેમ તે ચઢતો જાય અને આ જ્ઞાનમાં તો બધા સંયમ પરિણામ થઈ જાય.

પ્રશ્શનકર્તા : જ્યાં જ્ઞાન બાબતની થીયરી કરી નાખી ત્યાં અહંકારનું કર્તૃત્વ આવે છે જ. એટલે તે ક્રમિક માર્ગ થયો ?

દાદાશ્રી : ના, એવું નથી. અહંકાર અમુક ભાગમાં હોય. એંસી ટકા અહંકાર ને વીસ ટકા નિર્અહંકાર, ક્રમિક માર્ગમાં એવું નિર્અહંકારનું પદ ઊઘડતું ઊઘડતું ઠેઠ સંપૂર્ણ નિર્અહંકાર થાય છે.

ઉપવાસ, શુદ્ધ ઉપયોગપૂર્વક !

પ્રશ્શનકર્તા : હમણાં ફોરેનમાં કોઈએ કહ્યું કે હિન્દુસ્તાનમાં તો કેટલાક લોકો બબ્બે, ત્રણ-ત્રણ મહિના ખાધા વગર રહી શકે. તો કહે, 'આપણે હિન્દુસ્તાનમાં જવું જોઈએ. આપણે ત્યાં તો કોઈ ઉપવાસ કરી નથી શકતું.'

દાદાશ્રી : હા, બરોબર છે. એમને ત્યાં ન રહી શકે. એમને ત્યાં શી રીતે રહી શકે ? આ તો બધું જાણે છે કે હવામાં શક્તિ છે, બધામાં શક્તિ જ છે. આ શક્તિથીય જીવાય છે ખરું, પોષાતું નથી પણ જીવાય છે ખરું. હવે આ લોકોથી નથી રહેવાતું, એનું કારણ કે ત્યાં આ અકળામણ સહન ન થાય. આ અહીંના સહન કરી શકે. અહંકારનો દાંડો ભારેને ! બહુ જ ભારે દાંડો ! અરે, રથમાં બેસવાનું મળે એટલા માટે આઠ દહાડાના ઉપવાસ કરે. અને આ તો ૭૦-૭૦ દહાડા ઉપવાસ કરે છે. એમને તો પાંચ દહાડાય ઉપવાસ ના થાય. એમનું કામ નહીં. એ તો અહંકાર જોઈએ મોટો, જબરજસ્ત.

ભગવાને કહ્યું હતું કે એક ઉપવાસ જો કદી શુદ્ધ ઉપયોગપૂર્વક થાય તો અબજો ઉપવાસ જેટલી કિંમત છે. દેહનો શો દોષ ? આ દેહનો દોષ હશે ? આણે બિચારાએ શો ગુનો કર્યો ? 'આ' બધામાંથી જો ગુનો કોઈનો ના હોય તો દેહનો છે !

પ્રશ્શનકર્તા : ઉપવાસ કરવાથી પુણ્ય તો બંધાયને ?

દાદાશ્રી : પણ કેવો ઉપવાસ ?

પ્રશ્શનકર્તા : ખાવું નહીં તે. ધર્મમાં ઉપવાસ અત્યારે કરે છે તે.

દાદાશ્રી : કોણે કહ્યું કે પુણ્ય બંધાય છે ?

પ્રશ્શનકર્તા : શાસ્ત્રકારોએ લખ્યું છે ને અમારી બુદ્ધિએ વિચાર્યું.

દાદાશ્રી : એ ઉપવાસ આજ્ઞાપૂર્વકના હોય ?

પ્રશ્શનકર્તા : અમે પચ્ચખાણ લઈએ છીએ એ આજ્ઞા થઈને ?

દાદાશ્રી : આ લોકોની આજ્ઞા ચાલે નહીં. આ તો 'અન્ક્વૉલિફાઇડ' છે, 'ક્વૉલિફાઇડ' જોઈએ. કારણ કે એ સમકિતી જોઈએ. ચોથે ગુંઠાણે હોવા જોઈએ.

પ્રશ્શનકર્તા : તો પછી શું ન જ કરવું ?

દાદાશ્રી : કરવું નહીં એવું નહીં, કરજો પણ મનમાં એનું માનશો નહીં કે આનો કંઈ લાભ છે એવું.

પ્રશ્શનકર્તા : મારાથી ઉપવાસ થતા નથી.

દાદાશ્રી : પણ એ પ્રકૃતિ કરે છે, તમે કરતા નથી. આ તમે તો ખાલી અહંકાર કરો છો કે મેં આ ઉપવાસ કર્યો. મેં જીંદગીમાં એક ટંકનોય ઉપવાસ નથી કર્યો.

એક બહુ મોટા ભક્ત હતા. તેમણે ઉપવાસનું પૂછ પૂછ કર્યું. મેં કહ્યું, 'કોના દોષે ઉપવાસ કરો છો ? શું ગુના માટે ઉપવાસ કરવાનો ?' આપને શું લાગે છે ?

પ્રશ્શનકર્તા : શરીર શુદ્ધિ માટે ઉપવાસ થાય.

દાદાશ્રી : શરીર શુદ્ધિ માટે એ તો ડૉક્ટરેય કહે છે. એ તો આપણને અજીર્ણ થયું હોય તો ઓછો ખોરાક ખાવ કે ના ખાવ ? એટલે એ વસ્તુ નથી. આપણા ધર્મને માટે જે ઉપવાસ કરવામાં આવે છે બધા.

એટલે ઉપવાસ કરવામાં આ દેહની ભૂલ જ નથી ! વગર કામના આને શું કરવા માર-માર કરો છો ? સહેજેય દેહની ભૂલ નથી. પછી પેલા માણસે પૂછ્યું કે 'તો શું આત્માની ભૂલ છે ?' ત્યારે મેં કહ્યું, 'એ પણ નથી.' ત્યારે એ કહે કે 'શું મનની ભૂલ હશે ?' ત્યારે મેં કહ્યું, 'મનનીય ભૂલ નથી આ તો.' ત્યારે એણે પૂછ્યું, 'તો કોની ભૂલ છે ?' ત્યારે મેં કહ્યું, 'અહંકારની.' ત્યારે એ કહે કે 'અહંકારની ભૂલ છે તો શી રીતે દંડ દેવો ?' મેં કહ્યું, 'અહંકારને દંડ દેશો જ નહીં. અહંકારને તમે શું દંડ દેવાના હતા ? અહંકારનું 'રૂટ કૉઝ' કાઢી નાખો. અહંકારનું 'રૂટ કૉઝ' એ અજ્ઞાનતા. અજ્ઞાનતા કાઢો કે બધું ગયું !'

પ્રશ્શનકર્તા : અજ્ઞાનતા કેવી રીતે કઢાય ?

દાદાશ્રી : જ્ઞાની હોય તો જ એ નીકળે એવી છે, નહીં તો આ ગૂંચવાડા આમ જ રહેવાના છે. ગૂંચવાડા તો આ હું કહું છું, નહીં તો ગૂંચવાડા ગણાતા જ નથી. આ જ બરોબર છે એવું માનવામાં આવે છે. આ તો હું જાણું છુંને એટલે કહું છું કે આ બધાં ગૂંચવાડા ઊભા કરે છે. આખો દહાડો મન ગૂંચાયેલું હોય છે. પોતાના ઘરનું ખાઈ, ઘરના કપડાં પહેરે છે, ઘરની રૂમમાં સૂઈ રહે છે અને આખો દહાડો ચિંતા-ઉપાધિઓ, ચિંતા-ઉપાધિઓ કર્યા કરે ! કોઈ દહાડો સાહેબીપૂર્વક જીવ્યો જ નથી. એવું નથી લાગતું તમને ?

પ્રશ્શનકર્તા : લાગે છે.

દાદાશ્રી : તે કેટલા બધા ગૂંચવાડા કહેવાય ? એ ગૂંચવાડા તોડી નાખીએ તમારા ! તમને ગૂંચવાડો જ રહે નહીં ને પછી !

એમાં છે મૂળ કોણ ?

પ્રશ્શનકર્તા : આત્મા અને દેહ અલગ છે, તથા વિચાર અને માનસિક ક્રિયાઓ આત્માથી અલગ છે, તો દાદા ભગવાનને વંદન કરે છે એ કોણ ? એ આત્મા કે વિચારની ક્રિયા એ વિગતે સમજાવશો.

દાદાશ્રી : જ્યારે તે કર્તા હતો, ત્યાં સુધી ભોક્તા હતો, એટલે એને દુઃખ પડતું હતું. કરે એટલે દુઃખ પડે જ ને ? એટલે એ મુક્તિ ખોળતો'તો ! તે એને લાગ્યું કે આ ભગવાનનાં દર્શન થયાં, એટલે એને પોતાને અનુભવ થયો. એ અહંકારને અનુભવ થયો છે. દાદા ભગવાનને નમસ્કાર કરે છે એ આત્મા નહીં, વિચાર-બિચાર નહીં, એ અહંકાર કરે છે.

પ્રશ્શનકર્તા : આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે ઘણીવાર એમ કહીએ છીએ કે બહુ સરસ ઊંઘ આવી, ઘણીવાર કહીએ છીએ કે આજે ઊંઘ ના આવી, તો એ કહેનાર કોણ છે અને અનુભવ કરનાર કોણ છે ?

દાદાશ્રી : એ જ, એ જેને આ સારી ઊંઘ આવે છે ને, તે જ એવું બોલે છે કે આજ સરસ ઊંઘ આવી. અને આજે બરાબર સારી ઊંઘ ના આવી, તો એ ના આવી તે, એ જ બોલે છે. આ કોનું કામ છે ? કોણ બોલે છે આ, એ તમને સમજાયું ?

પ્રશ્શનકર્તા : ના, એ અમને જાણવું છે.

દાદાશ્રી : આ ઇગોઇઝમ બોલે છે કે આજ ઊંઘ બરાબર ના આવી અને સરસ આવી તો એ કહે, સરસ ઊંઘ આવી.

પ્રશ્શનકર્તા : બરાબર ઊંઘ આવી હોય ત્યારે એવી પરિસ્થિતિમાં આપણને શરીર કે મનનું કશાનું ભાન જ નથી. શરીર પણ કામ નથી કરતું, મન પણ કામ નથી કરતું, તો પછી ઇગોઈઝમ ક્યાં રહ્યો ?

દાદાશ્રી : એ બરાબર ઊંઘ આવીને તે ઇગોઈઝમે અનુભવ્યું, બહારનો ઇગોઈઝમ ભાગ બંધ થઈ જાય, પણ અંદર તો ખરુંને બધું ! અંદર તો બધું મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધુંય ખરુંને ?

પ્રશ્શનકર્તા : એટલે એ ચાલુ જ રહે છે ?

દાદાશ્રી : હા, અંદર ચાલુ રહેને ! એ તો બહાર બંધ થઈ ગયું. ઇન્દ્રિયો બંધ થઈ ગઈ.

પ્રશ્શનકર્તા : નહીં, મન ચાલુ હોય તો સ્વપ્ન હોય ?

દાદાશ્રી : મન ને ચિત્ત, બે જો કદી ચંચળ હોય તો કહેશે, ઊંઘ સારી આવી નથી. અને મન-ચિત્ત ચંચળ ના હોય ત્યારે કહે, ઊંઘ સારી આવી, બસ એટલું જ. ચંચળતા બંધ થઈ ગયેલી હોય એની, મન સાયલંટ (શાંત) થઈ ગયું હોય.

પ્રશ્શનકર્તા : ઇગોઈઝમને અનુભવ કરવા માટે આત્માની જરૂર છે કે ઇગોઈઝમ પોતે સ્વતંત્ર રીતે અનુભવ કરી શકે ?

દાદાશ્રી : ના, આત્માની હાજરી જ છે, બસ.

ચિંતા એ છે મોટામાં મોટો અહંકાર !

પ્રશ્શનકર્તા : કોઈ માણસ બધી રીતે પ્રામાણિક છે, છતાં પણ એને રાત્રે ઊંઘ નથી આવતી. ભવિષ્યની ચિંતા રહ્યા કરે છે એ શું છે ?

દાદાશ્રી : ચિંતા જો રહેતી હોય તો એ વધુ પડતો ઇગોઇઝમ છે. એ ઇગોઇઝમને થોડો ઓગાળવો જોઈએ. ચિંતા એટલે 'આપણે જ ચલાવીએ છીએ !' એવું આપણા મનમાં ભાસે છે. એટલું જ છે ખાલી !

બધા ધર્મોની વાતો શું કહે છે કે ચિંતા કરવાની બધા ના પાડે છે. એટલે આપણને ચિંતા થતી હોય તો આપણો ઇગોઇઝમ વધી ગયો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી (અસામાન્ય) થયેલો છે. નોર્માલિટી સુધી ઇગોઇઝમ રખાય. એથી ઇગોઇઝમ વધે કે ચિંતા થાય. એટલે ઇગોઇઝમ ઓગાળવો જ રહ્યો. સંત પુરુષોના દર્શન કરીએ તો દર્શન કરવાથી, નમસ્કાર કરવાથી ઇગોઇઝમ ઓગળે.

કોઈ ફેરો ચિંતા તમે જોયેલી ? અનુભવ હઉ થયેલો ? હવે એ ચિંતા હોય તે ઘડીએ સુખ બહુ હોય છે ? તો પણ શા માટે લોક ચિંતા કરતા હશે ? એમાં શું ફાયદો ?

પ્રશ્શનકર્તા : મારા પોતા માટે નહીં, બીજા માટે ચિંતા કરવી પડે છે.

દાદાશ્રી : બીજા માટે ચિંતા ? અને બીજા કોના હારુ ચિંતા કરતા હશે ? તમારા માટે ! તમે એમના હારુ ચિંતા કરો ! કોઈ સફળ થતું નથી. ચિંતા એટલે મોટામાં મોટો ઇગોઇઝમ ! હું બીજાનું કંઈ કરી શકું તેમ છું એવું જે થાય તે ચિંતા.

પ્રશ્શનકર્તા : ચિંતા કરવી એ મોટામાં મોટો અહંકાર છે એ સમજાવો.

દાદાશ્રી : આ મોટામાં મોટો અહંકાર હોય તો ચિંતા. એવું છેને, આમ ચિંતા કરે છે, એ માણસે ઊંઘવું જ ના જોઈએ. મૂઆ, આમ ચલાવવા માટે તું ચિંતા કરું છું અને શાના આધારે તું સૂઈ જાય છે, એ કહે ? કયા ઓળંબાથી તું સૂઈ જઉં છું ? અને જે ઓળંબાથી તું સૂઈ જઉં છું, તે ઓળંબાથી આ ચાલવા દે જગત. શું કરવા ચિંતા કરે છે વગર કામનો ? ના સમજ પડે ? હું તો એને કહી દઉં કે શાના આધારે સૂઈ જઉં છું ત્યારે ? ચિંતા કરું છું ત્યાં ?

પ્રશ્શનકર્તા : ભયંકર પરિસ્થિતિ હોય છતાં એમને ઊંઘ આવી જાય છે પછી તે કયા આધારે ?

દાદાશ્રી : અરે, ઓઢીને નિરાંતે સૂઈ જાય છે ! પાથરીને સૂઈ જાય છે, શાના આધારે ? અલ્યા, કોને સોંપ્યું આ ? આમ તો આખો દહાડો ચિંતા કર્યા કરતો હોય.

પ્રશ્શનકર્તા : ચિંતા કરવી કે ઊંઘ આવવી એ બધી પ્રકૃતિનો નચાવ્યો નાચે છેને, એ તો પ્રકૃતિ આગળ લાચારી ના કહેવાય ?

દાદાશ્રી : હા, પ્રકૃતિ જ છે. ઊંઘ આવવી એ પ્રકૃતિ છે. પણ ચિંતા તો પ્રકૃતિની મહીં પુરુષ આંગળી કરે તો ચિંતા થાય.

પ્રશ્શનકર્તા : કર્તાભાવને લીધે ચિંતા થાય છે ?

દાદાશ્રી : કર્તાભાવ હોય તેથી ચિંતા હોય, પણ કર્તાભાવ તો માણસ માત્રમાં હોય. આ તો ગાંડો અહંકાર છે. ચિંતા કરવી એક મેડ અહંકાર છે. બધાય પ્લેનમાં રોફથી સિગારેટ પીયા કરતા હોય અને આ એકલો અક્કરમી ચિંતા કર્યા કરતો હોય કે આ પડી જશે તો શું થશે ? શું થશે ? ત્યારે મૂઆ, લોક ધુમાડા કાઢે છે એ તો જો. એવું સમજવું ના પડે ? ત્યારે એ કેવો અહંકાર કહેવાય ? આપણે ધુમાડા કાઢનારને કહીએ કે આ ભઈને આવા વિચાર આવે છે. ત્યારે એ કહે, 'એ કેવો માણસ છે ? ગાંડો છે ?' એટલે ચિંતા હોવી જ ના ઘટે.

પ્રશ્શનકર્તા : આપે એક જગ્યાએ લખ્યું છે 'ચિંતા એ અહંકારની નિશાની છે'.

દાદાશ્રી : હા, ચિંતા એ અહંકારની નિશાની શાથી કહેવાય છે ? એના મનમાં એમ લાગે છે કે હું આ ચલાવી લઉં છું, તેથી એને ચિંતા થાય છે. આનો ચલાવનાર હું છું, એટલે આ છોડીનું શું થશે, આ છોકરાનું શું થશે, એમ કહે. આનું શું થશે, આમ શું થશે, આ મકાન પૂરું નહીં થાય તો શું થશે ? એ ચિંતા પોતે માથે લઈ લે છે. પોતે પોતાની જાતને કર્તા માને છે. હું જ માલિક છું અને હું જ કરું છું, એમ માને છે. પોતે કર્તા છે નહીં ને ખોટી ચિંતા વહોરે છે. ખરેખર તો આ સંજોગો કર્તા છે. બધા સંજોગો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) ભેગા થાય તો કાર્ય થાય, એવું છે. આપણા હાથમાં સત્તા નથી. આપણે સંજોગોને જોયા કરવાના કે સંજોગો કેમના છે. સંજોગો ભેળા થાય એટલે કાર્ય થઈ જ જાય. સંજોગો ભેળા થવા એટલે કોઈ માણસ છે તે માર્ચ મહિનામાં વરસાદની આશા રાખે એ ખોટું કહેવાય. અને જૂનની પંદરમી તારીખ થઈ એટલે એ સંજોગ ભેગો થયો, કાળનો સંજોગ ભેગો થયો. હવે વાદળનો સંજોગ ભેગો ના થયો હોય તો વાદળાં વગર વરસાદ કેમ પડે ? ત્યારે કહે છે કે વાદળાં ભેગાં થયાં, કાળ ભેગો થયો, પછી વીજળીઓ થઈ, બીજા એવિડન્સ ભેગા થયા, ત્યારે વરસાદ પડ્યો ! ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે અા. માણસ સંજોગોનાં આધીન છે અને પોતે એમ જાણે છે કે 'હું કંઈ કરું છું !' પણ એ કર્તા, એ પણ સંજોગોના આધીન છે. એક સંજોગ વિખરાયો તો શું થાય ?

આજે કોઈ સામાયિક કરતું હોય તો લોકોને કહે કે હું રોજ ચાર સામાયિક કરું છું અને પેલા તો એક જ કરે છે ! બીજાનો દોષ કાઢે છે. એટલે આપણે ના સમજી જઈએ કે ભઈને સામાયિક કરવાનો ઇગોઇઝમ છે ! તે આપણે બીજે દહાડે પૂછીએ કે, 'સાહેબ, કેમ આજે સામાયિક નથી કરતા ?' ત્યારે એ શું કહે, 'આજે તો પગ ઝલાઇ ગયા છે !' તે આપણે પૂછીએ કે 'સાહેબ, પગ સામાયિક કરતા હતા કે તમે કરતા હતા ?' આ પગ જો સામાયિક કરતા હોય, તો તમે બોલતા હતા કે 'મેં ચાર સામાયિક કરી', તો તે ખોટું બોલતા હતા. એટલે પગ પાંસરા હોય, મન પાંસરંુ હોય, બુદ્ધિ પાંસરી હોય, બધા સંજોગો પાંસરા હોય ત્યારે સામાયિક થાય અને અહંકારેય પાંસરો જોઈએ. અહંકારેય તે ઘડીએ પાંસરો ના હોય તો ના થાય. એ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય. મગજ પાંસરું જોઈએ, અરે, જગ્યાએ પાંસરી જોઈએ. જગ્યા ના સારી હોય તોય ના થાય.

ને ચિંતા તો એકુય ના થવી જોઈએ. ચિંતા તો, જગત ચલાવનાર હોય તેને ચિંતા થાય. આપણે કંઈ એના ચલાવનાર ઓછા છીએ ? ચલાવનાર એટલે ઇગોઇઝમ, એ તો મોટામાં મોટું ઇગોઇઝમ કહેવાય. છતાં લોક ચિંતામાં જ પડેલા છેને ? એને ખબર નથી, આ ખ્યાલ નથી કે ચિંતા કરવાથી જાનવરનું આયુષ્ય બાંધે છે.

જુઓને, તમને ચિંતા નહીં, ઉપાધિ નહીં અને ક્રમિક માર્ગમાં એમને ચિંતા, ઠેઠ સુધી ચિંતા કહેશે, બાહ્ય ચિંતા છે, અંદર આનંદ છે.

પ્રશ્શનકર્તા : પણ અહીંયાં પણ એવું છેને ? આ આધિ-વ્યાધિ ને ઉપાધિ એ તો જે સાંસારિક કામો વ્યવહારનાં છે...

દાદાશ્રી : પણ ચિંતા નહીં ને ! ચિંતા એ સંસારનું મોટામાં મોટું બીજ છે. એ અહંકારની ચિંતા છે. અહંકાર ગયો કે ચિંતા જાય.

પ્રશ્શનકર્તા : વ્યવસ્થિતનું જ્ઞાન આવ્યું કે ચિંતા ગઈ.

દાદાશ્રી : વ્યવસ્થિતનું જ્ઞાન, એ તો લોકોને અપાય એવું નથીને ! આપણે જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી અહંકાર જાય, ત્યાર પછી વ્યવસ્થિત સમજાય.

કોઈ કહેશે, 'મને ચિંતા નથી થતી' એટલે જાણી લેવું કે આ માણસનો અહંકાર આખો ખલાસ થઈ ગયેલો છે. ચિંતા વગર મનુષ્ય કોઈ હોય નહીં. તો ચિંતા વગરનો થયો એટલે જાણવું કે અહંકાર ખલાસ થઈ ગયો.

 

(૬)

અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર

વળે અહંકાર, બે માર્ગે !

પ્રશ્શનકર્તા : આપણે જે ભાવના કરીએ છીએ, એનાથી આ પાપ કે પુણ્ય બંધાય છે, તો એ ભાવના કોની ?

દાદાશ્રી : અહંકારની. જેને સુખ જોઈએ છે એની ભાવના છે કે હું પુણ્ય કરું તો મને પુણ્ય બંધાય. જોઈએ છે સુખ પણ એ એની ભાવના ફળતી નથી. અને અહંકારના માર્યા, એને જ્ઞાન નહીં હોવાથી, શું કરવાથી પોતે સુખી થાય અને શું કરવાથી પોતે દુઃખી થાય, એની સમજણ નહીં હોવાથી, દુઃખની ભાવના ઊભી થતી જાય છે.

અહંકારના બે રસ્તા કરવા જેવા છે. જો સાંસારિક સુખો જોઈતાં હોય, તો અહંકારને સુંદર બનાવો. લોકો પસંદ કરે એવો અહંકાર જોઈએ, કે 'ચંદુભાઈ, કહેવું પડે ! કેવા બેસ્ટ માણસ છે !' બધા એમ કહે. એ અહંકાર સુંદર કહેવાય. તો તમને સાંસારિક સુખ મળશે.

અને જો મોક્ષે જવું હોય તો અહંકારને છોડાવવા માટે મારી પાસે આવવું જોઈએ. જે અહંકારથી મુક્ત છે ત્યાં તમને એ અહંકારથી મુક્ત કરી શકે. બાકી બીજો કોઈ તમને અહંકારથી મુક્ત કરી શકે નહીં. થવું છે અહંકારમુક્ત ?

પ્રશ્શનકર્તા : એનોય વિચાર કરવો પડશે.

દાદાશ્રી : હા, વિચાર કરજો. મહિનો, બે મહિના, ચાર મહિના વિચાર કરીને પછી આવજો.

ગાંડો અહંકાર !

ખોટા અહંકારથી સુખ મળતું નથી. અહંકાર નોર્મલ હોવો જોઈએ. લોકોને ઠીક લાગે એવો હોવો જોઈએ. એટલે રૂપાળો અહંકાર જોઈએ. કદરૂપો અહંકાર સારો કે રૂપાળો સારો ?

પ્રશ્શનકર્તા : રૂપાળો સારો.

દાદાશ્રી : હા, રૂપાળો અહંકાર સારો. કદરૂપો અહંકાર હેંડતા-ચાલતાં કહે, 'શું સમજે છે ? ભલભલાને હું પૂછતો નથી !' નહીં પૂછનારો આ તું ગાંડા શું કરવા કાઢે છે તે ? ભલભલાને નહીં પૂછનારો મોટો આવ્યો ! અત્યારે પોલીસવાળો પકડશેને, તે ઘડીએ સંડાસ થઈ જશે ! જુઓ, આવું ગાંડું ના બોલીએ, રીતસર બોલીએ બધું, લોકોને સારું લાગે એવું બોલીએ. મગજ ચગી જાય કે નથી ચગી જતું ? જાણે ભેંસનો ભઈ આવ્યો હોય એવું કરે ! ભેંસનો ભઈ જોયેલો કે નહીં જોયેલો ? હેં ! મારે ગોથું તે બધું સામાને તોડી નાખે, એવો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર એટલે ગાંડુ દેખાય એવું કરવું તે.

પ્રશ્શનકર્તા : એનું સાચા અર્થમાં ના સમજાયું. સાચો અહંકાર એટલે આપણું પોતાનું ધાર્યું કરવું તેને કહે છે ?

દાદાશ્રી : ના, ધાર્યા ઉપર નહીં. ધાર્યું તો બધા ઘણા માણસો કરે છે. અહંકાર એટલે ગાંડું દેખાય એવું, એનું નામ ગાંડો અહંકાર કહેવાય. વ્યવહારિકતા ના દેખાય. આ બધા લોકો વ્યવહારિક કામ કરે છે તેમાં કોઈનું ખોટું, કોઈને ગાંડું કહેવાતું નથી. પણ જેને ગાંડુ કહેવામાં આવે તેને અહંકાર કહે લોકો. દુનિયાથી નવી જ જાતનું દેખાડે એ અહંકાર.

પ્રશ્શનકર્તા : પોતાને ખબર ના હોય ?

દાદાશ્રી : એ તો ભાન જ ના હોય ને કશું ! ખબરની વાત ક્યાં પણ ભાન જ ના હોયને ! હું શું ગાંડું કરી રહ્યો છું કે શું બોલી રહ્યો છું, એ ભાન ના હોય. ત્યારે તો અહંકાર એવો નીકળે બધો. આ પચાસ માણસ બેઠા હોયને પણ એક જણે ઊંધું કર્યું, તો લોકો તરત કહેશે, 'આ અહંકારી મૂઓ !' વ્યવહારિકતા હોવી જોઈએ, બધા લોકોને એક્સેપ્ટ થાય, કબૂલ થાય એવી. આપણે જે કરીએ તો બધા લોકો કહેશે કે 'ના ભઈ, સારું કામ કર્યું આપે.' અહંકાર કેવો હોવો જોઈએ ? લોકો એક્સેપ્ટ કરે એવો અહંકાર હોવો જોઈએ. આ તો ગાંડો અહંકાર હોય છે તે લોકોને પસંદ ના પડે.

ખોટો અહંકાર, મેડનેસ લઈને ફર્યા, એવું તમને સમજાય છે હવે ? આ તો બધું નરી મેડનેસ જ વેરાતી હતી. પણ મારા મનમાં એમ કે અત્યારે આમનો ઉદય આવ્યો છે, તે પછી ફેરફાર થશે. એટલે હું બોલ્યા-ચાલ્યા વગર ચલાવી લેતો હતો. બોલું-ચાલું તોય વળે એવું નહોતું. નુકસાન થાય એવું હતું. અહીં બોલ્યા-ચાલ્યાનો ફાયદો થાય છે, રસાસ્વાદ આવે છે, તેનાં કરતાં દુઃખ વધારે છે, નર્યું દુઃખ જ છે બધું.

પ્રશ્શનકર્તા : ગાંડો અહંકાર, એ બાબતમાં પૂછવું હતું.

દાદાશ્રી : કોઈ કહેશે, 'હું તો આખો ડુંગર ઊડાડી દઉં, એવો છું.' તો આપણે બધા કહીશું કે આ ગાંડો છે કે શું ? એ કેવો અહંકાર કરે છે ?

પ્રશ્શનકર્તા : ગાંડો.

દાદાશ્રી : પણ એવા અહંકારને આપણે ગાંડો નથી કહેતા. એના જેવો દાખલો લેવા કહ્યું, અહીં બીજી બધી વાતો છેને કે, 'હું આમ કરી નાખું ને તેમ કરી નાખું'. હવે એનાથી કશું થાય નહીં ને અહંકાર બોલે. એ બધા ગાંડા અહંકાર જ ભર્યા છે. જેને થાય એવું હોયને તો તે અહંકારેય ના કરે.

પ્રશ્શનકર્તા : પણ આ ગાંડો અહંકાર છે એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : દુઃખ આપે એ બધો અહંકાર ગાંડો. મને કોઈ કહે કે 'દાદાજી, તમે અક્કલ વગરના છો', એટલે હું સમજું, ત્યાં મારો ગાંડો અહંકાર ઊભો ના થાય. એટલે મને દુઃખ આવે જ નહીંને ! એનો અહંકાર એને દુઃખ આપે, તે મને શું દુઃખ આપવાનો છે ?

ગાંડો અહંકાર, બધે હોય ને તેને મસ્તીમાં રખડાવે. એને ઓળખી કાઢવાનો.

પ્રશ્શનકર્તા : એ અહંકારનો નશો તો દારૂ કરતાં વધારે હોય છે, તે તો ઊતરે જ નહીં, નિરંતર ઊતરે નહીં.

દાદાશ્રી : આ સાધુ એમ નક્કી કરે કે મારામાં 'વંક જડાય પછીમાં' એ હોવું ના જોઈએ, આ મહાવીર ભગવાને કહ્યું હતું એવંુ. તો પછી 'વંક જડાય પછીમાં' ઉપર લક્ષ રાખ્યા કરવાનું. તો એનો ઉકેલ આવે એવો છે. એવી રીતે આપણામાં 'વંક જડાય પછીમાં'ની ભાંજગડ નથી પણ અહંકારનો ડખો લક્ષમાં રહેવો જોઈએ. ગાંડો અહંકાર હોય જ. એના ઉપર લક્ષ રાખ્યા જ કરવું પડે. હજુ નીકળે છે કે નથી નીકળતો એ ગાંડો અહંકાર ? હજુ છે ?

પ્રશ્શનકર્તા : હવે બહુ નથી. થોડો થોડો પડ્યો છે, બહુ નથી.

દાદાશ્રી : ના, પણ એ બેસી રહેલો હોય. આટલો નાનો થઈને બેસી રહ્યો હોય. તો કાલે વધતાંય એને વાર ના લાગે. જડમૂળથી ઉખાડી નાખવો જોઈએ તો કામ નીકળી ગયું.

પ્રશ્શનકર્તા : કેવી રીતે ઉખાડવો ? ભાવના કરવાની ?

દાદાશ્રી : ના, લક્ષ જ રાખ્યા કરવાનું. એટલે બીજી બાજુ પ્રયત્ન થાય, ઊંધું ચાલે ત્યાં આગળ કહેવું કે 'વંક જડાય પછીમાં' છો ?

દરેકમાં ગાંડો અહંકાર હોય. એ ગાંડો અહંકાર સવળાને અવળું દેખાડે. ગાંડો અહંકાર તો ઘરની જે તમારી છ-સાત 'ફાઈલો' હોયને, એ સાતેય ફાઈલોનું અવળું જ દેખાડતો હોય. વીતરાગ વિજ્ઞાન શું કહે છે કે સાતેય ફાઈલની પ્રકૃતિને જીતો. જીતો એટલે ? એ બધા તમારી પર ખૂબ રાજી થાય. તેથી એમને દુઃખ ના થાય, એવી રીતે જીતો. બહાર દુનિયા જીતવાની નથી, તમારી ઘરની સાત ફાઈલો છે એને જીતો. દુનિયા જીતાયેલી જ છે. તમારી ફાઈલને મૂકીને નાસી છૂટ્યા ને સાધુ થઈ ગયા, તો દહાડો વળે નહીં. એ ફાઈલને જીતવી પડશે. એ ફાઈલ જ તમારે માટે આવેલી છે.

ગાંડો અહંકાર તો બહુ ખરાબ કામ કરે. કશું સમજવા જ ના દે. ઊંધું ને ઊંધું બાફ બાફ કરે. ફાઈલના દોષ જોયા અને પોતાને ચોખ્ખો જુએ કે હું બહુ ડાહ્યો, પોતાના દોષોનો બચાવ કર્યો. પોતે પોતાને કહે કે ના, તમારો દોષ નથી. એટલે પોતે ને પોતે બચાવ કરી નાખે. વકીલ તેનો તે જ, જજ તેનો તે જ અને આરોપી તેનો તે જ, બોલો, શી દશા થાય ? પોતે આરોપી હોય, પોતે વકીલ હોય ને પોતે જજ હોય તો કેવું જજમેન્ટ (ચૂકાદો) આવે ? અને આ તો સામાને ગુનેગાર જોયો ને પોતાનો બચાવ કર્યો !

વગર રૂપે રૂપાળો !

માણસ જે કદરૂપો દેખાય છેને, તે ઇગોઇઝમ જવાથી એનું કદરૂપાપણું ઓછું થઈ જાય. ગમે તેવા રૂપાળા હોય પણ કદરૂપા દેખાય, એનું શું કારણ ? કે ઇગોઇઝમ છે. અને ઇગોઇઝમ ઓછો થઈ જાય તેમ રૂપ વધતું જાય. અને ઇગોઇઝમ ખલાસ થાયને તો કાળો પણ બહુ રૂપાળો દેખાય. કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા નેમિનાથ ભગવાન, હેય, સાવ શામળું કુટુંબ ! આખું કુટુંબ જ શામળું ! રૂપ મહીં ઇગોઇઝમ ખલાસ થયો તેથી ! આકર્ષક હોય બધું. ઇગોઇઝમ ખલાસ થાયને તો એની વાણી પણ મનોહર હોય, એનું વર્તન પણ મનોહર હોય અને એનો વિનય પણ મનોહર હોય, આપણા મનનું હરણ કરી દે. ત્યાર પછી આપણી પાસે રહ્યું શું ? તે થોડું ઘણું મનોહર લાગે છે ? જે આપણા મનનું હરણ કરે તો આપણે ખોળીએ કે શું છે તારી પાસે કે મારા મનનું હરણ થાય છે !

ઘરમાંય અહંકાર કાઢે ગાંડાં !

બધાં બૈરાં શું કહે છે કે બધા પુરુષો ગાંડા અને સ્ત્રીઓ ડાહી આવી છે તો ઘરાં ચાલે છે, એવું કહેતાં હતાં. ગાંડો અહંકાર. મહીં આપણી પાસે મિલકત હોય જબરજસ્ત અને અહંકાર પાર વગરનો, એટલે આ અહંકારથી બધી વિકૃતિ થઈ ગઇ છે. અમારો અહંકાર નીકળી ગયો ત્યારે ખબર પડી કે આ કેવું ગાંડપણ હતું ! હવે એ અહંકાર કાઢી નાખીએ તો બધાને ઘરમાં શાંતિ થાય, એવું કરજો હવે.

પ્રશ્શનકર્તા : એમાં થાય શું કે ચાર ડગલાં આગળ જાય તો બે ડગલાં પાછળ પડી જવાય.

દાદાશ્રી : હા, એવું થઈ જાય. પણ એમ કરતાં કરતાં રાગે આવી જશે. મૂળ ભૂલ કરી છે તે સમું તો કરવું પડશેને ? રીપેર ના કરવું પડે ? આટલું જાણ્યું તે બહુ સરસ છે. અમારે તો ઓબ્લાઇઝીંગ નેચર (પરદુઃખભંજન) ને બીજા બધા ગુણો સારા, તેથી દુર્ગુણો નહીં પડેલા. પાછા અહંકારને લઈને દુર્ગુણો પડેલા નહીં.

હંમેશાં અહંકારને લઇને તેના બીજા દુર્ગુણ ઓગળી જાય. કારણ કે લોકો પાછળથી બહારના ખોળતા હોય કે કઈ જગ્યાએ વાંકા ચાલે છે. ચોરીઓ કરે છે, લુચ્ચાઈઓ કરે છે. ભેળસેળ કરતો હોયને તો ભૂલો કાઢે. એટલે પોતે અહંકારને લઇને એવી ભૂલો ના કરે.

તે આ ગાંડો અહંકાર મારી નાખે, પોતાની જાતને બહુ નુકસાન કરે. અને ઘરના માણસ બિચારા હેરાન હેરાન થઈ જાય. એટલે સ્ત્રીઓ કહેતી હતી કે 'અમે પારકા ઘરની ડાહી આવી છે, તેથી હવે ઘરાં ચાલે છે.' બા એવું કહેતાં હતાં.

મારા બ્રધર મણિભાઈ તો સિંહ જેવા, આમ બહાર નીકળેને તો સો માણસ તો બીને આઘુંપાછું થઈ જાય, આંખો દેખીને આઘાપાછા જતા રહે. એ તે દિવસે પાવર કેટલો ? હું હઉ ભડકતો હતો. એ શું પાવર ! જબરજસ્ત પાવરવાળો માણસ ! દેખાવ તો ભવ્ય ! બધી રીત આમ ભવ્ય ! બોલો હવે, પછી પાવર હોયને, આ મગજમાં ? પાવર ચઢી ગયેલો હોયને ? એટલે મારા મોટાભાઈ બહુ અહંકારી હતા. લોક બહાર એમને કહે કે એ અહંકારી છે અને મને બહુ ડાહ્યો કહે. પણ મારા મોટાભાઈ મને શું કહે ? તારા જેવો અહંકારી મેં ગુજરાતમાં જોયો નથી. એટલે મેં એમને પૂછ્યું, 'કઈ રીતે તમે મને અહંકારી કહો છો ? મારામાં ક્યાં અહંકાર દેખાય છે ?' ત્યારે કહે, 'તારો અહંકાર એ છૂપો અહંકાર છે. મને બધું સમજાઈ ગયું છે.' પણ અંદરખાને મારી ઊંડી ગાંઠ અહંકારની ! એ મને કહેતા હતા, પણ મારા માન્યામાં નહતું આવતું. મેં કહ્યું, 'અહંકારી તો એ છે !' પછી મેં તપાસ કરી, ત્યારે મને એવું લાગ્યું કે આ તો બહુ મોટો અહંકાર છે. તે ઊંડી ગાંઠની પછી મને ખબર પડી, એમના ઓફ થઈ ગયા પછી. મારી ગાંઠ ફૂટીને ત્યારે ખબર પડી કે ઓહોહો ! ખરું કહેતા હતા મણિભાઈ ! અને પછી બહુ કૈડવા માંડ્યો. કૈડે તો સહન ના થાય. શી રીતે સહન થાય ? એ અહંકારની ગાંઠ પછી જતીય રહી! તમે જોઈને ? નથી જતી રહી ? બિલકુલ જતી રહી છે. ભગવાન વશ થાય એવા પુરુષ છે ને !

પ્રશ્શનકર્તા : હં... થયા જ છેને !

દાદાશ્રી : થઈ ગયા છે, નહીં ? એટલે આપણે આપણું આ બધું કામ કાઢી નાખો.ઊંધું જોયું તો ઊંધો દંડ મળે. જેટલો નફો કાઢ્યો એટલી જ ખોટ સામે આવે છે. એટલે તદ્દન ખોટું નથી આ જગત ! અને કોઈને નફો ઉઘરાવતાં આવડે તો તે શુભધ્યાનમાં રહી શકે. પણ તો તે આખો નફો કાઢી ના શકે. માણસને અશુભ થયા વગર રહે જ નહીં. એટલે જ્યારે શુદ્ધ દશા થાય ત્યારે જ બધું ચોખ્ખું થાય. નહીં તો ત્યાં સુધી ચોખ્ખું થાય નહીં. કારણ કે અહંકાર ક્યારેય ગાંડંુ કાઢે એ કહેવાય નહીં. મદમસ્ત થયેલો છે એ, મદ ભરેલો છે અને તે જ અહંકારનું સ્વરૂપ ક્યારે ગાંડું કાઢે તે કહેવાય નહીં. કોઈ સળી કરે તો ગમે તેવું ગાંડું કાઢે. અને રાજાને સળી કરી હોય તો બધાને 'ઊભાં ઊભાં જલાવી દો' એવું કહેશે અને તે ઘડીએ ભાન ના થાય કે આનું શું પરિણામ આવશે. અહંકારનો સ્વભાવ, સત્તામાં હોય તેટલું બધું વાપરી નાખે.

સગો ભાઈ છે તેય શંુ નક્કી કરે ? 'આ એક ફેરો ખેદાન-મેદાન થઈ જાય તો પાંસરો થાય એવો છે.' સગો ભાઈ છે તેય, અહંકારીનું અવળું કરવા તૈયાર થાય. જમાઈઓ મનમાં રાહ જુએ કે અત્યારે અહંકાર કરે છે પણ એક દહાડો એની રેવડી બેસાડી દઈશું. ખોદ ખોદ કરે, ચોગરદમથી. ખોદીને ઝાડ તોડી પાડે ને કકડભૂસ પડી જાય ! છોડે નહીં.

બહુ અહંકાર કરોને, તો ભાઈઓ શું કહે કે 'ખત્તા ખાય તો સારું, પાંસરા થાય, નહીં તો પાંસરા થશે નહીં.' એટલે બહુ અહંકારીને ભાઈઓ શું કહે ? કેમ કરીને પડે આ. એવી ભાવના અંદર રહે. એ અહંકારમાં કેવો ખરાબ ગુણ છે, તે પેલા ભાઈઓ તો કહે, પણ વાઇફનાં મનમાંય એમ થાય કે બહુ ચઢી ગયા છે, 'હે ભગવાન ! એવો ધક્કો આપજો કે પાંસરા થઈ જાય.' બોલો હવે, એ અહંકાર એવો કેવો ગુણ છે કે આપણા ઘરનાં માણસોનેય મેળ ના ખાય. અહંકાર તો કોઈને ગમે જ નહીં. કંઈ રીતસર હોય, નોર્મલ હોય તો કામનો ! અને શેના પર અહંકાર કરે ? આપણી પાસે નથી રાજ... અરે, બાથરૂમમાં નહાવાનું જ ઠેકાણું ના હોય, ત્યાં આગળ વગર કામના આપણે અહંકાર કરીએ છીએ ને !

આટલા રૂમમાં ૫૦ માણસ હોયને તો અથડાયા વગર રહે નહીં. કારણ કે અહંકાર ફાટ્યા વગર રહે નહીંને ! બંદુકિયો તરત ભડાકો થાય. અને આ જો ગાંડો અહંકાર નહીં, તો કો'કની લાત લાગી હોય તોય કશું નહીં.

તમારી સાચી વાત હોય, ત્યાં સમજણ નહીં પડે તો અથડામણ ઊભી કરે. સમજ જો પડી પછી તો અથડામણ હોય જ નહીંને ! અને પોતાનો ઇગોઇઝમ કામ કરતો હોય પાછો. દરેકને ઇગોઇઝમ જુદોને ! પાછો બાબો એનો ઇગોઇઝમ જુદો લઈને આવ્યો હોય, જુદો હોય કે ન હોય ?

છંછેડતાં ફેણ માંડે અહંકાર !

પ્રશ્શનકર્તા : દાખલા તરીકે મારે ઇન્કમટેક્ષમાં એક ફાઈલ બાકી છે. હવે ઇન્કમટેક્ષના ઓફિસરને આ જ્ઞાન નથી, એટલે એને અહંકાર છે. હવે એ અહંકારે કરીને મારું બગાડી શકે ખરો ?

દાદાશ્રી : ના, તમારું કશું ના બગાડે, તમે એનો અહંકારે કરીને જો જવાબ ન આપો તો.

પ્રશ્શનકર્તા : હું એની પાસે જતોય નથી. મારે એની પાસે જવાની જરૂર નથી પણ આ ફાઈલ રૂટીનમાં આવે છે.

દાદાશ્રી : એનો વાંધો નથી.

પ્રશ્શનકર્તા : પણ એ અહંકારી ઓફિસર હોય તો મને કંઈ કરી ન શકે ?

દાદાશ્રી : એને સંડાસ જવાની શક્તિ નથી તો તમને શું કરે ? તમારું ક્યારે કરે કે તમે કહો કે એવા ઓફિસરને હું જોઈ લઈશ.

પ્રશ્શનકર્તા : એવું તો કોઈ કરે નહીં.

દાદાશ્રી : હા, તમે સહજ છો, નમ્ર છો, તો તમને કંઈ ન થાય. તમે કંઈ ગોદા મારતા નથી, ત્યાં વ્યવસ્થિતમાં કોઈ ફેરફાર ના થાય. એની શક્તિ જ નથી બિચારાની !

પ્રશ્શનકર્તા : હવે એક તરફથી એની સંડાસ જવાની શક્તિ નથી કહો છો અને બીજી તરફથી કહો છો એને અહંકાર છે.

દાદાશ્રી : એ તો ગોદો મારીએ તો, એ સામો ગોદો મારવાની એ એની શક્તિ છે. એટલે કોઈ શબ્દને આપણે ઉછાળવા ના જોઈએ. અમે પહેલાં એટલું બધું અપમાન કરતા, અહંકારને લઈને કે દુનિયામાં કોઈ કશું કરી શકે એમ નથી. કોની તાકાત છે, એવું બધું બોલતા. તે એવું બોલતા હવે બંધ થઈ ગયા ! એવું બોલવામાં શું થાય ? કોઈ દેવના મનમાં ખટકે, કે હેં, તાકાતની વાતો કરે છે, હવે હું જોઈ લઉં, કહેશે ! એ સામાને છંછેડ્યો કહેવાય. એ બોલાય નહીં.

પ્રશ્શનકર્તા : એટલે જ્યાં સુધી આપણે છંછેડીએ નહીં ત્યાં સુધી આપણા વ્યવસ્થિતમાં કંઈ ડખોડખલ ના થાય ?

દાદાશ્રી : ના, કોઈના અહંકારને આપણે કશું પણ ન કરીએ તો કોઈ કશું કરે નહીં. કોઈના અહંકાર જોડે આપણે શું લેવાદેવા ?નહીં તો અમે તો બહુ બોલતા'તા આવું. અરે, હું તો એટલો બધો અજ્ઞાન દશામાં હતો કે કોની તાકાત છે ? વર્લ્ડમાં કોઈ તાકાત નથી આમ કશું કરી શકે ! પણ એ તો બધું સમજાયું કે આ તો દેવલોકો સાંભળે તો એમને થાય કે આ વળી બબૂચક શું બોલી રહ્યો છે, આ બધો અહંકાર છે. જ્યાં જુઓ ત્યાં, દેવગતિમાં અહંકાર છે, બધે અહંકારથી જીવન છે અને મોટા માણસને અહંકાર ચઢ્યા વગર રહે નહીં. એટલે આપણાથી કંઈ ના બોલાય. વિનયમાં રહો, અવિનય નહીં કરો તો કોઈ તમારું નામ લેનાર નથી.

પ્રશ્શનકર્તા : વ્યવહારમાં સામેના માણસનો ઇગોઈઝમ જ્ઞાન લેતાં પહેલાં આપણાથી પુષ્ટ નહોતો થતો. હવે જ્ઞાન લીધા પછી તેમ કરવામાં આપણને કોઈ વાંધો આવતો નથી.

દાદાશ્રી : પોતે અહંકાર ભૂખ્યો હોય તો સામાને પોષે નહીં અને તો કામ થાય નહીં. ઊલટા તણખા ઝરે. તમારે તણખા ઝરતા હતા કે નહોતા ઝરતા ?

પ્રશ્શનકર્તા : હા, વીજળી થતી હતી, કડાકા ભડાકા સાથે !

દાદાશ્રી : અહંકાર તો એવી વસ્તુ છે, જેમ ૪૦૦ વોલ્ટ પાવર હોય તે શું કહે છે ? અહીં અડશો નહીં, જોખમ છે. એવું અહંકાર વસ્તુ જોખમ છે. એ તો ૪૦૦ વોલ્ટ જેવું છે. એને છંછેડશો નહીં. છંછેડીને શું સ્વાદ કાઢવાનો ?

પ્રશ્શનકર્તા : ક્લેશ, ક્લેશ, ક્લેશ !

દાદાશ્રી : ક્લેશ ! અને બચકું હઉ ભરે સાપની પેઠે. જેમ સાપ ફૂંફાડો મારીને બચકું ભરી લેને ? મનુષ્ય જુદી જાતનું બચકું ભરે, પણ બચકું ભરી લે !

માનીને માન આપે...

અહીં આગળ આ મોટો છે ને આ નાનો છે, ને આ ઘૈડા છે એવું વિશેષ ભાવમાં નહીં. હા, વ્યવહારમાં અમે રહીએ પાછા. અમુક માણસો આવે, અહીં આગળ વડાપ્રધાન આવે તો અમે ઊભા થઈને બોલાવીએ અને અહીં જોડે બેસાડીએ. પછી એ કહે કે હું તો ધર્મને માટે આવ્યો છું. ત્યારે હું કહું કે અહીં નીચે બેસો. પણ વડાપ્રધાન તરીકે આવ્યો હોય તો એવી રીતે વ્યવહાર કરીએ. કારણ કે એને દુઃખ ન થવું જોઈએ.

પ્રશ્શનકર્તા : એના અહંકારને પણ દુઃખ ન પહોંચે.

દાદાશ્રી : દુઃખ ન થવું જોઈએ. અહંકારી માણસને પણ દુઃખ ન થવું જોઈએ. એ આપણો ધર્મ હોવો જોઈએ. એટલે વ્યવહાર પ્રમાણે એને માન આપવું જોઈએ. અમે વ્યવહારને બહુ માન આપીએ. સહુ સહુના ગજા પ્રમાણે, સહુ સહુની જગ્યાએ, પદ્ધતિસર !

માની-ખાનદાનીના કારણો...

વધારે અહંકારી કોણ હોય કે જેણે માન ના દીઠું હોય અને પછી માન મળ્યું એ બહુ અહંકારી. જેણે માન જોયું હોય ને તેને માન મળે તો અહંકાર ના હોય, એ ખાનદાની હોય. અને જેણે માન જોયું જ નથી એને કહો, સાહેબ, એટલે સાહેબ ચગે મહીં. ખુરશીમાં બેઠો બેઠો ચગે. પછી એને ખખડાવનાર જોઈએ, ખખડાવનાર ! તે પણ ઉતારી દે થોડું, તો....

પ્રશ્શનકર્તા : તો આવી જાય ઠેકાણે.

અહંકારની ડખાડખી !

દાદાશ્રી : સંજોગો તમારા આધીન જ છે, તમે અહંકારે કરીને ડખલ કરો છો.

પ્રશ્શનકર્તા : આ સંજોગો અમારે આધીન છે અને અમે ડખોડખલ કરીએ છીએ એની મુસીબત છે, એ જરા દાખલો આપીને સમજાવો.

દાદાશ્રી : એવું છેને, આ ભાઈએ કહ્યું કે હેંડો, ટાઈમ થઈ ગયો છે. ચાલો, થોડું ખાવા માટે. ત્યારે આપણે શું કહ્યું ? અત્યારે નહીં. 'હું તો તમારે ગામ પોંક ખાવા આવવાનો છું.' એ ડખલ કરી. તે થોડા વખત પછી કો'કને કહે કે પોંક ખાવા ત્યાં હવે જઈએ. ત્યારે પેલાએ કહ્યું, 'જાર ખલાસ થઈ ગઈ છે.' એટલે અહંકારનો ડખો ના હોય ને, અને જેમ લોકો કહેને, એમ સરળતા હોય ને, તો વાંધો નથી. લોક કહે છે, એમ નહીં, સંજોગો કહે, એમ ચાલે. પછી વાંધો નથી આવતો. જો એમાં ડખલ કરે છે, મારાથી નહીં થાય આ બધું. તે ડખલ પડી.

આ અહંકાર ડખલ કરે છે બધી. આ અહંકાર બીજું કશું કામ કરતો નથી. બે કામ કરે છે. આવતો ભવ ચીતરી આપે છે તે અને બીજું, ડખલ કરી આપે છે. જોઈએને, આવતે ભવ, સ્ટેશને બીજી ગાડી તો મળવી જોઈએને ? જંક્શન આવ્યું એટલે આ અહીંથી ઊતર્યા પણ બીજી મળવી જોઈએ.

તમને કોઈ કહે, 'તારે આવવું છે ?' ત્યારે તમે કહો, 'ના, બે કલાક પછી આવું છું.' જો ના કહ્યુંને, તે થયો ડખો. આપણે આવવું છે તો ડખો કરવાની જરૂર નથી, અને નથી આવવું તો ડખો કરવાની જરૂર ! હવે એ અહંકાર કરે છે, એ બોલી જાય છે પણ કદી વાળી લે ને એ નીકળી જાય તો ખરું. પણ પછી વાળી લે કે 'ના, ના, હું આવું જ છું, હેંડોને.' એટલે અહંકાર બધો ડખો બહુ કરી નાખે છે અને તે જ ડખલ થઈ જાય પછી. પણ આપણા જ્ઞાનમાં ડખલો-બખલો નિકાલી થઈ જાય.

સૂર્યકિરણો, પ્રસર્યાં રંગબેરંગી કાચોમાંથી !

આ જ્ઞાન મળ્યા પછી સંસાર આપણો જે વાંકોચૂકો ચાલતો હતોને, તે સીધો થતો જાય. ઊલટો સરળ થઈ પડે આપણને. મુશ્કેલી વધારે પડતી હોય તે ઓછી થતી જાય. દહાડે દહાડે જેમ જેમ આ જ્ઞાન પરિણામ પામેને એમ મુશ્કેલી ઓછી થતી જાય. બધું કામ સરળ થઈ પડે. આ સંસાર વાંકો કોણે કરેલો છે ? અહંકારે વાંકો કર્યો છે. બાકી, સંસાર સ્ટ્રેઇટ લાઈનમાં જ હતો પણ અહંકારે જરાક લીટા વાંકાચૂંકા કરી નાખ્યા. આ અહંકારની જ બધી ભાંજગડ છે.

પ્રશ્શનકર્તા : એવું ખરું કે વાંકાને વાંકો જ અહંકાર આવે ને સીધાને સીધો જ અહંકાર આવે ?

દાદાશ્રી : જુદા જુદા જ.

જેમ આ આકાશમાંથી વરસાદનું પાણી પડે છે તે મીઠું છે પણ લીમડો પીવે તો કડવું થઈ જાય, આંબો પીવે તો જુદું થઈ જાય. દરેક જુદું જુદું થાય. દરેક જુદા જુદા સ્વભાવનું દેખાય. એવું મનુષ્યમાં એ અહંકાર છે તે એક જ પ્રકારનો, રંગ જુદા જુદા લાગ્યા કરે.

વિનમ્ર, શિરોમણિ દાદા !

એક જજ આવ્યા'તા. મેં કહ્યું, 'શું હું હું કર્યા કરો છો ? એવો ઇગોઇઝમ શા કામનો ? મોટામાં મોટી નબળાઈ ઇગોઇઝમ છે. તમે ગમે તેટલા ગુણવાન હો તોય તમારામાં નમ્રતા આવવી જોઈએ.' ગુણવાન ક્યારે કહેવાય કે એ નમ્રતાથી ભરેલો હોવો જોઈએ. ઇગોઇઝમ એટલે છલકાયો ! છલકાયો એટલે યુઝલેસ (નકામો) કહેવાય ! અહંકાર એ જ અધૂરાપણું !

હું અહીં વાત કરું ને સામો ઉગ્ર થાય એટલે હું તરત સમજી જાઉં કે મારું ખોટું છે. તદ્દન, હંડ્રેડ પરસન્ટ (૧૦૦ ટકા) ખોટું છે, એટલે હું પછી એવું ના કહું કે આને સમજણ નથી તેથી ઉગ્ર થાય છે. મારી જ ભૂલ છે.

પ્રશ્શનકર્તા : તમારી આ નમ્રતાનું લેવલ છે એ બધાથી પકડાતું નથી. તમે એક સેકંડમાં આખી પલટી મારી નાખો છો.

દાદાશ્રી : તમે તો નબળા છો ને વધારે નબળાઈ થાય તમને. મારે તમને સ્કોપ આપવો જોઈએ.

પ્રશ્શનકર્તા : અને એ સ્કોપ આપવા માટે તમે પેલું ખોટું છે એવું નથી કહેતા.

દાદાશ્રી : આ તો મારી ભૂલ થઈ ગઈ એમ કહું.

પ્રશ્શનકર્તા : મારે એ કહેવું છે, કે તમે આટલું જ્ઞાન પામ્યા પછી, પેલા માણસને ના સમજાય તો તમે કહો કે હું ખોટો.

દાદાશ્રી : 'હું ખોટો' કહી દઉં. તમને દેખાતું નથી, તે હું તમને ક્યાં સુધી કહું કે જો જો, આ આમ છે, આમ છે. એ તમે અકળાઈ ઊઠશો. અને તમારા હાથમાં છરી હશે તો મને મારશો. હું કહું કે, 'ના, તમે ખરા છો, છરી મૂકી દો, ભઈ.' નહીં તો છરી મારી બેસે. એને દેખાતું નથી એટલે.

પ્રશ્શનકર્તા : જેમ જેમ મહાત્માઓને જ્ઞાન ને સમજ વધે છે, તેમ પેરેલલ (સમાંતર) અહંકાર વધે છે. ખરેખર પેરેલલમાં નમ્રતા વધવી જોઈએને ?

દાદાશ્રી : એ જે અહંકાર વધે છે તે ચાર-છ મહિના હું ગોળો ગબડાવી દઉં. તે બધું આખું ઊડી જાય ! હું રોજ રોજ કચકચ નથી કરતો. હું જાણું ખરો કે અહીં આટલો વધ્યો છે. એટલે એકાદ ફેર આપી દઉં પાછો, આ બધાંને આમ જ કરી કરીને રાગે પાડ્યું છે બધું. દોષ કાઢવો છે અને હું આપું નહીં તો એ બાજુ ઝાડ ઊભું થઈ જાય પાછું. વણછો ઊભો થઈ જાય. એટલે પેલાનું ફળ ના આવે. તમે વણછો સમજો છો ? વણછા નીચે કપાસ થાય તો શું થાય ? એય મોટા મોટા ઊભા થઈ જાય ! ફૂલ કશું આવે-કરે નહીં. એટલે આપણાં લોક શું કહે કે વણછો લાગ્યો. અલ્યા ભઈ, આવડો મોટો કપાસ થયો ને કશું કેમ આવ્યું નહીં ? ત્યારે કહે, વણછો લાગ્યો ! અલ્યા, વણછો એટલે શું ? આવું ઝાડ ઊગી નીકળે ત્યાર પહેલાં હું કાપી નાખું, હડહડાટ ! તમે મારી આ રીત આદરજોને ! મારી રીત, તમારી જ છે.

પ્રશ્શનકર્તા : તમારી રીતથી ચાલે છે. મારે પેલા મેન્ટલ હોસ્પિટલ જેવું કરવાનું આવ્યું છે. આમ આંગળી કરવી પડે ને નીકળી જવું પડે એવું કરવું પડશે.

દાદાશ્રી : ના, એ અહીંયાંય તમારો અહંકાર છે.

પ્રશ્શનકર્તા : હું એટલે જ તો કહું છુંને, 'આમ આમ' કરીને નીકળી જઈએ.

દાદાશ્રી : એ તો તમારી બનાવટ છે. સ્વીકાર કરી લોને ભઈ, જેમ હું સ્વીકાર નથી કરતો ? ખરો કાયદો શો છે કે સામો સ્વીકાર ના કરતો હોય તો તમે તમારે મારી ભૂલ છે, એમ કહેશો તો ત્યાં કામ ચાલશે. નહીં તો કામ ચાલશે નહીં.

પ્રશ્શનકર્તા : એ તો હું કંઈ વાત કરતો હોઉં ને હું માનું કે મારી વાત ખરી છે, અને એ કહે કે ના, ખોટી છે, તો એ તો બેને ટસલ જ થાયને, એટલે ગમે તેણે છોડી દેવી પડેને ?

દાદાશ્રી : મારી વાતથી ટસલ જ ક્યાં થાય છે કોઈની જોડે ? નથી થતી એનું શું કારણ છે ? મારું સ્વચ્છ ! જ્યાં અહંકારની રેફ નથી. અને અહંકારની રેફ હશે એ અંતરાય પાડ્યા વગર રહે નહીં, ડખો કર્યા વગર રહે નહીં. એટલે જ્યાં ડખો થાય ત્યાં ખેંચી લેવું.

પ્રશ્શનકર્તા : એ ટેસ્ટ બરોબર છે અમારે માટે. અમારું સાચું હોય છતાં અમે તરત જ તમારી માફક પાછું ખેંચી શકીએ, એટલી નમ્રતા આવે તો અમે અહંકારરહિત છીએ. સામાને સમજાવી ના શકીએ ત્યાં કંઈક અમારામાં ખૂટે છે.

દાદાશ્રી : સમજાવી ના શકે એનું નામ જ અજ્ઞાન છે.

હમણે છે તે કોઇ એવા દેશમાં આપણે ગયા અને ત્યાં આગળ આપણે આશીર્વાદ આપ્યા ને કહીએ 'સ્વસ્તિ' ! તો એ શું સમજે ? 'ક્યા કુછ અપને કુ ગાલી દિયા ઉસને ?' તે અવળું સમજે તો મારી બેસે. એટલે આપણને પેલા ઉગ્ર થતા દેખાય, ત્યારે આપણે મનમાં એમ ના રાખવું કે મેં આશીર્વાદ આપ્યો છે ને આ શા આધારે ઉગ્ર થાય ? એવું તેવું ના રાખવું. આપણે તરત જ કહેવું કે ભઈ, તમારી જોડે મારી ભૂલ થયેલી લાગે છે ! એમ કહીએને ત્યારે પેલો પાછો ફરે. 'હમારી ભૂલ હો ગઈ' તો પેલો સ્વીકાર કરે. પછી આપણે એને કહીએ કે 'તુમ્હારે યહાં ક્યા બોલતા હૈ ?' પછી આપણે એવું બોલીએને તો ખુશ થઈ જાય ! એની ભાષામાં ઉકેલવું જોઈએ. પાછા પોતાની ભાષામાં સ્વીકાર કરાવવા જાય છે. તમારી ભાષામાં મારે વાત કરવી જોઈએ. સામાની ભાષામાં વાત કરવી જોઈએ કે આપણી ભાષામાં ? તમને કેમ લાગે છે ? દરેકની ભાષા જુદી હોયને ? આપણે એવા દેશમાં ગયા હોઈએ તો આપણી ભાષામાં વાત કરીએ તો શું થાય એને ? અવળું પડી જાય બિચારાને !

અમે બધા ખૂણા જોઈને ચાલીએ છીએ, ત્યારે અમને કોઈ જગ્યાએ પગમાં કોઈ ચીજ અથડાઈ નથી.

એને કહેશે ભગવાન !

પ્રશ્શનકર્તા : અજ્ઞાની હોય, તે આ બધા સાધુ થાય છે, તે સાધના કરવા જાય છે. એક જંગલમાં જઈને એકલો પડ્યો રહે, કોઈની સાથે અથડામણમાં ના આવે, તો એનું શું થાય ? વ્યવસ્થિત લાગુ પડે કે નહીં ?

દાદાશ્રી : વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત કેવું હોય ? કોઈ દૂધ લઈને આવે, ત્યારે 'હમકો દૂધ નહીં ચાહિયે' બોલે કે ના બોલે ? આ ગાંડાઓને શું ? અહંકાર શું ના કરે ?

પ્રશ્શનકર્તા : એને દૂધવાળો કોઈ આવવાનો જ ના હોય, એને કોઈ નિમિત્ત જ ના મળે તો ? એ અહંકારનું શું ?

દાદાશ્રી : ના, એ તો આવે જ. દૂધવાળો ને એ બધા આવે જ. એટલે ટાઈમ થાયને એટલે આ શરીરને બે દહાડા ભૂખ્યો રહ્યો હોયને તો કંઈનું કંઈ આવી જ મળે. એવી આ દુનિયા ગૂંચાયેલી છે અને પછી મામેરું ઊભું રહે. પછી આપણા લોક ગાય કે ભગવાન આવીને મામેરું પૂરું કરી ગયા. આપણા દેશમાં જ લોકો આવું કહે. બાકી, વર્લ્ડમાં કોઈ કહે નહીં કે ભગવાન કરી ગયા. વર્લ્ડમાં કોઈ કહે ? આ અક્કલના કોથળા આવું કહે !

પ્રશ્શનકર્તા : એ તો 'દાદા' કરી ગયા એવું તો કહે છેને બધા ?

દાદાશ્રી : હા. એ તો જરા દાદાનું યશનામકર્મ છે. બાકી પોતે કશું કરે નહીં. નહીં તો લોકો બધે કહે છેને, ચમત્કાર છે આ બધા. ત્યારે મેં કહ્યું, 'આ ચમત્કાર કહેવાય નહીં. આ અમારંુ યશનામકર્મ છે.' કો'કનું નાનું છોકરું તળાવ ઉપર બેઠું હોય, આવડું બે-ત્રણ વર્ષનું, તેને છોડીને કોઈ જતું રહ્યું હોય, તો આપણે બધા ત્યાં ગયા હોઈએ તો એને શું કરીએ ? એને કહીએ કે 'ભઈ, મહેનત કર ?'

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે શું, ખાવાનું મફત ના આપીએ ? એને અહંકાર નથી, ત્યાં સુધી અહંકારીઓ એને મળી આવવાના, બધું સપ્લાય કરનારા. એનું નામ જ ભગવાન. સંસારી ભગવાન કોનું નામ ? અહંકારી એનું નામ સંસારી ભગવાન, એ જ સંસારી ઈશ્વર. નાના છોકરામાં અહંકાર ના હોય એટલે એને હરેક ચીજ સપ્લાય થાય. એવું જ્ઞાનીમાં અહંકાર ના હોય, તે હરેક ચીજ સપ્લાય થાય. તમારો અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી.

નાનું બાળક આવડું છે માટે નહિ, કો'કનું હોય તોય, આપણે ઘેરથી દૂધ લાવીને એને પાઈએ અને એમ ના કહીએ કે ઘેર જઈને પી આવ, જા ! અરે, બકરીનું બચ્ચું હોય તોય આપણે લાવીને પાઈએ ને બિલાડીનું બચ્ચું હોય તોય પાઈએ. એ બચ્ચાને આપણે છંછેડીએ ને એ કરડે છે, એ અહંકાર નથી, એ સ્વાભાવિક ક્રિયા છે. એટલે આ અહંકારને લઈને જ અટક્યું છે બધું. જેમ જેમ અહંકાર નિર્મૂળ થતો જાય, ઓછો થતો જાય તેમ તેમ બધી વસ્તુઓ તમારા ખોળામાં પડતી જાય. તમારી ઇચ્છા થઈ એ કાયદો કેટલે સુધી છે ? એક બાજુ ઇચ્છા ઉત્પન્ન થવી ને એક બાજુ વસ્તુ ઓન ધી મોમેન્ટ મળી રહે ! એટલો બધો સરસ કાયદો છે !

પ્રશ્શનકર્તા : પેલો આત્મા સત્ય સંકલ્પ કરે છે, તો...

દાદાશ્રી : આ તો બધી ચવાઈ ગયેલી વાત છે. સંકલ્પ એ કરે નહીં અને કર્યું એટલે તે હાજર થયે જ છૂટકો. એટલી બધી શક્તિઓ છે.

અહંકારે આંતર્યો આત્મઉજાસ !

પ્રશ્શનકર્તા : અમારી બધી શક્તિઓ આવરાવાનંુ મુખ્ય કારણ અહંકાર જ છે ?

દાદાશ્રી : અહંકારને લઈને જ બધી શક્તિઓ વેડફાઈ ગઈ છેને ! આંધળો હોય હંમેશાંય. હવે અહંકારના ભાગ પાછા પાડીએ, એના ડિવિઝન પાડીએ કે ભાઈ, આ અહંકાર તો કયા વિષયમાં ? આને લોભમાં અહંકાર વધારે છે, આને માનમાં અહંકાર વધારે છે, એવું બધા અહંકાર. એટલે આ અહંકાર જ આંતરે છે, એવંુ તમને લાગે છે ?

પ્રશ્શનકર્તા : અહંકારને લીધે જ ટક્કર થાય ?

દાદાશ્રી : આ બધી ભાંજગડ જ અહંકારની છે. હવે આ કહે છે કે દાદા, તમે છે તે બહુ બહુ વિચાર કરી નાખો છો, ત્યારે કહે ના, અમારે પેલો અહંકાર શૂન્ય થઈ ગયો છેને ! આ તમે જે કહેવા માગો છોને તે પાછળ એવું જ કહેશે, આ બુદ્ધિશાળીઓ. કારણ કે આવું કેવી રીતે બને આ ! અલ્યા, એમાં કશુંય કરવું નથી પડ્યું. એ અહંકાર શૂન્ય કરવાની જરૂર છે. નહીં તો એટલું બધું હું શી રીતે કરું આ ? આખા બ્રહ્માંડના વિચાર કર્યા હોય, એટલી બધી વાત માણસ કેવી રીતે વિચારી શકે તે ?

પ્રશ્શનકર્તા : એ તો વધારે ગૂંચવાય, દાદા ?

દાદાશ્રી : ઊલટો વધારે ગૂંચવાય. આ જે આત્માનો પ્રકાશ છે, આ તમને કામ લાગે છે, એ આ વચ્ચે ઇગોઇઝમ છે. ઇગોઇઝમની જેવી ડિઝાઈન છે એ ડિઝાઈન થ્રુ પ્રકાશ આવે છે. ઇગોઇઝમની ડિઝાઈન કેટલાકને આમ હોય, કેટલાકને આમ થાય, કેટલાકને આમ થાય, તે આવી ડિઝાઈન થ્રુ થઈને આવે. પણ જો ઇગોઇઝમ ખલાસ થઈ ગયો હોય તો ? સીધું ડિરેક્ટ જ લાઈટ પડેને ?

પ્રશ્શનકર્તા : અમારા અહંકારનું જે સ્વરૂપ છે અત્યારે, તેને ઝીરો પર લાવવા માટેનું પુરુષાર્થનું કયું બટન છે ?

દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ એ જ. જેટલો શુદ્ધ ઉપયોગ એટલો અહંકાર ઓગળ્યા કરે. અને આ જ્ઞાન આપ્યા પછી ઇગોઇઝમની શી દશા થાય છે ? ત્યારે કહે છે, આજે બહુ ઠંડી પડી હોય ને બનાવવાવાળા પાસે બરફ પડી રહ્યો હોય, હવે એ જાણે કે ક્યારે આ વેચાશે ? ક્યાં મૂકી રાખે એને ? એટલે એકદમ સસ્તો કરી નાખે, તો કોઈ શેઠિયો હોય, તે કહેશે, બરફ ભરી લો. હવે બરફ ભરી લે, કેટલાય કોથળા પાથર પાથર કરશો તોય ઓછો થતો જશે કે વધતો જાય ? શી રીતે ઓછો થતો જાય ? રાતે કેમ કરીને ઓછો થાય ? એ તો ઓગળ્યા જ કરે નિરંતર. એટલે આ જ્ઞાન આપ્યા પછી અહંકાર ઓગળ્યા જ કરે છે. પછી કેટલાક તો કોથળા બાંધ બાંધ કરે છે, વહેર ઘાલ ઘાલ કરે છે. અલ્યા, ના દાબીશ.

અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે !

પ્રશ્શનકર્તા : અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે ? કોઈ પણ કામ કરવાનું હોય તો માણસને એને પોતાને આત્મવિશ્વાસ ના હોય તો એ કામ ના કરી શકે.

દાદાશ્રી : નહીં, એ તો બુદ્ધિનું ડિસિઝન છે અને એ તો કર્મના આધીન છે.

પ્રશ્શનકર્તા : જેને સેલ્ફ કોન્ફિડન્સ કહીએને, તે ?

દાદાશ્રી : નહીં, 'કોન્ફિડન્સ' તો આવે કે ના આવે, પણ છેવટે 'ડિસિઝન' આપ્યા વગર રહે નહીં. કારણ કે ટાઈમ થયો એટલે ડિસિઝન અપાઈ જ જાય. 'સેલ્ફ કોન્ફિડન્સ'વાળો જરા નીડર રહે અને પેલો ડર્યા કરે અને એને શંકા થયા કરે.

પ્રશ્શનકર્તા : 'સેલ્ફ કોન્ફિડન્સ' ને અહંકારને શું લેવાદેવા હોય ?

દાદાશ્રી : 'સેલ્ફ કોન્ફિડન્સ'વાળો કોણ હોય કે જેનો અહંકાર જરા કમી (ઓછો) થયેલો હોય તે !

પ્રશ્શનકર્તા : કમી હોય કે વધારે હોય ?

દાદાશ્રી : કમી હોય.

પ્રશ્શનકર્તા : સામાન્ય રીતે તો અમને અહંકાર અને સેલ્ફ કોન્ફિડન્સ એ બન્ને ભેગા દેખાય છે.

દાદાશ્રી : એ તો આપણને લાગે એવું, પણ મૂળમાં અહંકાર દબાયેલો હોય તો સેલ્ફ કોન્ફિડન્સ આવે, નહીં તો ના આવે. હંમેશાં જો ઇગોઇઝમ પ્રમાણમાં વધારે હોયને તો સેલ્ફ કોન્ફિડન્સ એ માણસને હોય જ નહીં. એ ગૂંચાયા જ કરતો હોય. ત્રણ કલાક ગૂંચાય ત્યારે ઠેકાણે પડે. તેય પાછું કેવું કે 'એવિડન્સ' (સંયોગો) મળે એની મેળે, કુદરતી રીતે ત્યારે ઠેકાણે પડે. પોતાને ગૂંચામણ હોય પણ 'વ્યવસ્થિત શક્તિ' ઠેકાણે પાડી દે છે.

પ્રશ્શનકર્તા : આ જગતમાં જે મોટા માણસો થયા, તે બધાને 'ઇગોઇઝમ' મોટો હતો કે 'સેલ્ફ કોન્ફિડન્સ' મોટો હતો ?

દાદાશ્રી : ઇગોઇઝમ ઓછો હતો. સેલ્ફ કોન્ફિડન્સ વધારે હતો. જેટલો ઇગોઇઝમ વધારે ને, એટલું એ ડિસિઝન નહીં આપી શકે. સ્ટેશન જવું, આ રસ્તે જવું કે આમ જવું, તેમાંય ગૂંચાય. ગૂંચાયેલા માણસ નહીં જોયેલા તમે ?

પ્રશ્શનકર્તા : અહંકારી માણસ હોય છે, તે પોતાના અહંકારના માર્યા પણ અમુક પ્રગતિ તો કરે છેને ?

દાદાશ્રી : એય અહંકાર છે, પણ એનો અહંકાર બીજા કરતાં ઓછો છે. જે પેલો ગૂંચાય છેને, તેનાં કરતાં આનો અહંકાર ઓછો છે. અને અહંકારને 'સોલ્યુશન' કરીને, શોધખોળ કરીને છૂટો કરેલો છે. એણે અહંકારની 'રિસર્ચ' (શોધખોળ) કરેલી છે, પેલાએ તો 'રિસર્ચ' જ નથી કરી !

પ્રશ્શનકર્તા : એનો કોન્ફિડન્સ બિયોન્ડ (આત્મવિશ્વાસથી પર) જાય છે ત્યાં ઇગોઇઝમ નથી આવતો ?

દાદાશ્રી : ના, એવું નથી.

પ્રશ્શનકર્તા : અહંકારથી ફાયદો શું થતો હશે ?

દાદાશ્રી : અહંકાર કશું જ કરતો નથી, તો અહંકારથી ફાયદો શું થતો હશે ? અહંકાર કાયમ નુકસાન જ કરે, ડખો કરે. તો અહંકાર શું નુકસાન કરે છે, એ કંઈ કહેશો ? આ લોક અહંકાર કરે છે ને એનો ફાયદો શું મળે છે ? જેટલો અહંકાર કરે છેને, એ પોતે નથી કરતો, એટલે એ આરોપ કરે છે, તેથી તેનું ફળ આવતો ભવ મળે છે. પોતે પોતાની પ્રતિષ્ઠા કરી રહ્યો છે, આવતા ભવની !

પ્રશ્શનકર્તા : આ જૂનું ભોગવી રહ્યો છે, એને એ તો એવું માને છે કે આ મેં કર્યું.

દાદાશ્રી : હા, ભોગવી રહ્યો છે, તેમાં અહંકાર કરવાનો હોય નહીંને !

પ્રશ્શનકર્તા : પણ લોકો તો એ જ કરે છેને ? સામાન્ય જીવનમાં તો એ જ થાય છેને ?

દાદાશ્રી : હા, તે ભોગવી રહ્યાનો અહંકાર કરે કે 'મેં કર્યું.' કહેશે, 'હું ગાડીમાં આવ્યો, હું નાહ્યો, હું સંડાસ જઈ આવ્યો, મેં ચા પીધી' અને તે કરેક્ટ માને પાછા, વિશ્વાસ હઉ રાખે. નહીં તો એવું ડ્રામેટિક બોલવામાં વાંધો નથી.

પ્રશ્શનકર્તા : એટલે એ જે કહે છે, એ આવતા જન્મનું બાંધે છે.

દાદાશ્રી : પોતાની પ્રતિષ્ઠા જે કરી રહ્યો છે એ ટાંકણું લઈને ઘડ ઘડ કરે છે. પોતાની મૂર્તિ ઘડે છે. ચાર પગવાળી, છ પગવાળી કે આઠ પગવાળી કે બે પગવાળી મૂર્તિ ઘડી રહ્યો છે. તે બે પગમાં વિશ્વાસ ના હોય તો ચાર પગની બનાવને, પડી તો ના જવાય ! અને જો પાછળ એક પૂંછડું મૂકે તો દોડે, આમ પૂંછડું ઊંચું કરીને દોડે !

પ્રશ્શનકર્તા : જેમ જેમ અહંકાર શુદ્ધ થતો જાય એમ એમ આત્મવિશ્વાસ વધતો જાય ?

દાદાશ્રી : એ અહંકારનું શુદ્ધિકરણ થવું એ વાત જુદી છે. પણ શુદ્ધિકરણ થાય નહીંને ! શુદ્ધિકરણ માટે રસ્તો જોઈએ. એનો રસ્તો હોય છે. ને સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે મોક્ષ થઈ જાય.

મન-દેહ-વાણી પર નથી સત્તા આત્માની !

આ જે લોક કહે છેને કે અમે આત્માની સત્તાએ ગયા, એ બધી અહંકારની સત્તામાં ગયા છે.

પ્રશ્શનકર્તા : આપ આત્માની સત્તામાં ગયા છો એમ અમે માનીએ છીએ, છતાં પણ આપને દેહનું કષ્ટ કેમ આવે ?

દાદાશ્રી : એ તો આવે. લેવાદેવા નહીંને, આને ને આને કશી લેવાદેવા નહીં, તદ્દન જુદો જ. વીસ વર્ષથી આના દસ્તાવેજ અમે ફાડી નાખેલા છે. આ તમારી જોડે વાત કોણ કરે છે ? ટેપરેકર્ડ. આ તો અહંકાર કરે છે કે 'હું બોલું છું' એવું. બોલે છે કો'ક અને પોતે માથે લઈ લે છે.

પ્રશ્શનકર્તા : આ ટેપરેકર્ડ તમે કહ્યું તો એનો અર્થ એવો કે કંઈ કોઈનાથી પહેલાં રેકોર્ડ થયેલું છે આ ?

દાદાશ્રી : એ અહંકારથી ટેપરેકર્ડ થાય છે. અહંકારથી ફરી પાછી ટેપરેકર્ડ ઉતરે છે. ફરી પાછી અહંકારથી ટેપરેકર્ડ થાય છે. અહંકાર ના હોય તો ટેપરેકર્ડ થાય નહીં.

પ્રશ્શનકર્તા : આપ બોલો છો એ કઈ રીતે બોલાય છે ?

દાદાશ્રી : આ ટેપરેકર્ડ ઉતરેલી છે તે.

પ્રશ્શનકર્તા : કોણે ઉતારી ?

દાદાશ્રી : એ ગયા અવતારના અહંકારે ઉતારી. હવે ના ઉતરે. જે ચાર્જ થયેલી છે તે આ ડિસ્ચાર્જ થઈ રહી છે, એક્ઝોસ્ટ થઈ રહેલી છે.

પ્રશ્શનકર્તા : આ ક્યાં સુધી ચાલવાની ?

દાદાશ્રી : આ દેહ હશે ત્યાં સુધી ચાલ્યા કરશે. અગર દેહ પહેલાં, એ ટેપરેકર્ડ ખલાસ થઈ જાય, એટલે મૌન થઈ જાય. પણ આ ડિસ્ચાર્જ છે, એક્ઝોસ્ટ થઈ રહેલું છે. વાણી એક્ઝોસ્ટ થઈ રહેલી છે. અને આ ભવમાં જ્યાં સુધી 'હું બોલું છું' એમ કહો છો ત્યાં સુધી પેલું ડિસ્ચાર્જ થાય છે અને નવું ચાર્જ થાય છે. બે બેટરીઓ ચાલ્યા જ કરે છે.

પ્રશ્શનકર્તા : એનો અર્થ એવો કે આપણે આ જે બોલીએ છીએ તે અહંકાર ઓછો થઈ જાય, ધીમે ધીમે 'હું બોલું છું' એવું ઓછું થતું જાય, તો પછી એ ટેપ છે તો ચાર્જ ના થાય.

દાદાશ્રી : આ 'હું બોલું' એવું ઓછું થતું જાય, તોય પણ અહંકાર જીવતો રહેને !

પ્રશ્શનકર્તા : અહંકાર ઓછો થઈ જાય તો ?

દાદાશ્રી : એ તો બોલવામાં ઓછો થઈ જાય, બીજામાં વધી જાય.

પ્રશ્શનકર્તા : અહંકાર ઓછો થાય જ નહીં ?

દાદાશ્રી : ના, અહંકાર ઓછો ના થાય. અહંકાર જ્ઞાની એકલા જ ઓછો કરી આપે. ઊડાડી મેલે હપૂચો, ઓછો કર્યે ન પાલવે. બિલકુલ ફ્રેક્ચર કરી નાખે.

વાણી, અહંકાર કાર્ય-કારણ રૂપે !

આપણે કોઇને કહીએ કે ભઈ, ઘડીવાર એક અરધો કલાક એમ ને એમ બેસી રહેજો, કશું બોલશો-કરશો નહીં. તોય બોલ્યા વગર રહે નહીંને ! કારણ કે અહંકાર છે, એટલે બોલ્યા વગર રહે નહીં.

પ્રશ્શનકર્તા : વાણી એ ખુલ્લો અહંકાર છે, એ જરા સમજવું છે.

દાદાશ્રી : વાણી બંધ થઈ જાય તો ખલાસ થઈ ગયું, મોક્ષે જાય. વાણીથી જ બધો અહંકાર ઊભો થયો છે.

પ્રશ્શનકર્તા : વાણીથી અહંકાર ઊભો થયો છે કે અહંકારથી વાણી નીકળે છે ?

દાદાશ્રી : મૂળ શરૂઆત વાણીથી અહંકાર ઊભો થયો છે. પછી એ અહંકાર પાછો વાણીથી બહાર નીકળે છે. કાર્ય-કારણ હોય પાછું એનું ! એને વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ જાય, એ એનો તાળો !

પ્રશ્શનકર્તા : એટલે વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ ગયો પણ અહંકાર પહેલાં ખલાસ થયા પછી એનું પરિણામ વાણી ખલાસ થાય છે ?

દાદાશ્રી : ના, વાણી નીકળવાથી અહંકાર શરૂ થાય છે અને વાણી નીકળવાની બંધ થઈ કે અહંકાર બંધ થયો.

પ્રશ્શનકર્તા : એટલે વાણી નીકળે છે એ બધો અહંકાર નીકળે છે, એવું કહો છો ?

દાદાશ્રી : એટલે પછી જ્ઞાનીને એમ કહેવું પડે કે આ ટેપરકર્ડ. હવે મારી ઇચ્છા નથી છતાં નીકળે છે.

પ્રશ્શનકર્તા : એમાં અહંકાર ના હોય ? વાણી માત્ર અહંકારનું સ્વરૂપ જ કીધુંને ? તો તીર્થંકરોની વાણી કેવી કહેવાય ?

દાદાશ્રી : એ દેશના, એટલે આજે અહંકાર નથી એમ.

પ્રશ્શનકર્તા : આજે નથી માટે દેશના ?

દાદાશ્રી : આજનો અહંકાર નથી, આ પહેલાંનો કરેલો છે.

પ્રશ્શનકર્તા : આપણા જ્ઞાનનું પરિણામ મૌનપણું આવે ?

દાદાશ્રી : પછી મૌન જ હોય એને. ભગવાનેય કહે, 'આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.' એટલે અંદરથી બોલવાનું બંધ થયું ને બહારથી રહ્યું.

પ્રશ્શનકર્તા : બહારથી બોલવાનું ખબર પડે એવું છે પણ અંદરથી બોલવાનું કેવું હોય ?

દાદાશ્રી : અમે કહ્યુંને, બધાય જ્ઞાનીને હોય એવું. દેશના રૂપે કહે. ટેપરેકર્ડ હોય. એ અંદર બંધ થઈ ગયુંને ?

પ્રશ્શનકર્તા : અને પેલો વચલો માલિકીભાવ ઊડી ગયો. જે અંદરથી બોલવાનો, તે અહંકાર ભાવ ઊડી ગયો.

દાદાશ્રી : આત્મસ્વરૂપ જ થઈ ગયો. અક્રિયતા આવી, રહ્યું જ નહીંને. આત્મઅજ્ઞાન ત્યાં વાણી. આત્મઅજ્ઞાન એટલે અહંકાર, ત્યાં વાણી. વાણીથી જગત ઊભું થયું છે ને વાણીથી જગત બંધ થઈ જાય છે. એ જ વાણી જગતને બંધ કરે છે. વાણીથી, અહમ્થી સ્વરૂપની વિસ્મૃતિ થઈ ને એ જ વાણીથી અહમ્ની વિસ્મૃતિ ને સ્વરૂપની સ્મૃતિ થાય છે.

પ્રશ્શનકર્તા : 'મારે સુધરવું છે' એવું જે કહે છે, એટલે સુધરવું એ કોને સુધરવું છે ?

દાદાશ્રી : એવું છેને, એ જે બગડી ગયેલો છે તે કહે છે કે મારે સુધરવું છે.

પ્રશ્શનકર્તા : તે અહંકાર ?

દાદાશ્રી : અરે, અહંકાર જ, બીજું કંઈ નહીં. આત્માને લેવાદેવા નથી. જે બગડ્યો છે એ સુધરવા માટે પ્રયત્ન કરે છે.

પ્રશ્શનકર્તા : એટલે સાબુથી કોલસાને ધોઈએ એના જેવું ?

દાદાશ્રી : હા, એના જેવું. ઊલટું મહેનત નકામી જવાની બધી.

પ્રશ્શનકર્તા : કોલસામાંથી ડાયમન્ડ નથી બનતો.

દાદાશ્રી : હા, બને જ છેને બધા. એ તો આપણા લોક ડાયમંડ કહે છે, એ પણ એક જાતનો કોલસો જ છેને ? સ્વભાવથી જ ? સ્વભાવ ગુણધર્મ તો કોલસાના જ છેને !

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23