ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

ખંડ - ૩

બુદ્ધિ

(૧)

અબુધતા વરે જ્ઞાનીને જ !

બુદ્ધિ કેટલી 'અમારામાં' ?

આપણે બધા આ રૂમમાં બેઠા છીએ, એમાં બુદ્ધિ કોઈને વધારે હશે ખરી ?

પ્રશ્શનકર્તા : એ તો કેવી રીતે કહી શકાય ?

દાદાશ્રી : તમારામાં કેટલી બુદ્ધિ હશે ?

પ્રશ્શનકર્તા : મને કેમ ખબર પડે ? બીજો કોઈક કહે ત્યારે ખબર પડે.

દાદાશ્રી : હા, પણ લોક કહેતા હશે ને, તમે બુદ્ધિશાળી છો, એમ ? એટલે બુદ્ધિ તમારામાં ખરી જ ને ?

પ્રશ્શનકર્તા : હા, મર્યાદિત બુદ્ધિ કહી શકાય.

દાદાશ્રી : બુદ્ધિ વગરનો કોઈ માણસ તારી જિંદગીમાં તેં જોયેલો ખરો કે નહીં ?

પ્રશ્શનકર્તા : ના, પણ થોડીક તો બુદ્ધિ હોય જ ને ?

દાદાશ્રી : હા, એટલે થોડીક તો બુદ્ધિ બધાને હોય જ. તો પણ બુદ્ધિ વગરનો એકુય માણસ જોયેલો નહીં ? મારામાં કેટલી બુદ્ધિ હશે ? મારામાં બુદ્ધિ નહીં હોય એવું તમે માનો ? તમારા માન્યામાં આવે છે ? હેં ? મારામાં એક છાંટોય બુદ્ધિ નથી. એ તમને સમજાય ખરું ?

પ્રશ્શનકર્તા : એ વાત હું નથી સ્વીકારતો.

દાદાશ્રી : મારામાં એક સેન્ટેય બુદ્ધિ નથી. હું એકલો જ બુદ્ધિ વગરનો માણસ છું. તમે બધા બુદ્ધિ ખોળવા આવો તો 'ભઈ, અહીં આગળ નહીં, આખી દુનિયામાં જો બુદ્ધિ ના હોય, એવો કોઈ પુરુષ ખોળો તો હું એકલો જ છું.' 'હું અબુધ છું', એવો અમે સ્વીકાર કરેલો છે.

પ્રશ્શનકર્તા : એ આપની મહાનતા છે.

દાદાશ્રી : ના, મહાનતા મારે જોઈતી નથી. હું તો લઘુતમ છું. મારે મહાનતા ના જોઈએ તોય લોકો ફેંકે છે. અક્રમ વિજ્ઞાની કોનું નામ કહેવાય કે જેનામાં બુદ્ધિ સેન્ટ પરસેન્ટ (સો ટકા) ના હોય. અમારામાં એક ટકોય બુદ્ધિ નહીં.

પ્રશ્શનકર્તા : પણ એમ કેમ કહેવાય ? એ માન્યામાં બેસે નહીં.

દાદાશ્રી : અમે પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે કે અમે અબુધ છીએ. તમે એવું લખી શકો ?

પ્રશ્શનકર્તા : આબરૂનો સવાલ પેદા થાય એમાં.

દાદાશ્રી : હા, આબરૂનો સવાલ ! અને મારે તો આબરૂ જતી રહેલી, એટલે હું પુસ્તકમાં લખું છું કે અમે અબુધ છીએ. તમે વાંચ્યું નહીં હોય, નહીં ? વાંચ્યું નથી ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : નહીં તો પોતે પુસ્તકમાં લખીને આબરૂ શું કરવા બગાડે ? મારા જેવા બુદ્ધિ વગરના માણસ કેટલા હોય દુનિયામાં ?

પ્રશ્શનકર્તા : એવું લાગતું નથી. બધા બુદ્ધિવાળા જ હોય.

દાદાશ્રી : બુદ્ધિ વગરનો હોય તો પછી એને દુનિયામાં કાઢી મેલેને લોકો ? લોકો તો જીવવાય ના દે, નહીં ? મારામાં બુદ્ધિ નામેય નથી. તેથી તો હું ફાવી ગયો ને ! અને આ વર્લ્ડમાં એક જ માણસ અબુધ હોય, બીજા બધા બુદ્ધિશાળી. સાધુ-આચાર્યો બધા બુદ્ધિશાળી. બુદ્ધિવાળા તો છે જ ને આ લોક, ક્યાં નથી ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિ વગર જ્ઞાનીનો વ્યવહાર કેમ ચાલે ?

દાદાશ્રી : એ જ જોવાનું છે. ફોરેનના સાયન્ટિસ્ટો આ વાત માનતા ન હતા. મેં કહ્યું, 'તમને કેવી રીતે માન્યામાં આવે આ ? તમારી સમજમાં શી રીતે બેસે આ ?' હું કહું છું કે, 'બુદ્ધિ વગરનો છું.' ત્યારે લોક કહે છે, 'ના, એવું ના બોલાય. જો જો, આવું બોલો છો ?' અલ્યા, પણ બુદ્ધિ નથી એટલે કહું છું. ત્યારે એના મનમાં એમ લાગે કે, 'બધા બુદ્ધિશાળી છે, તો દાદા એકલા બુદ્ધિ વગરના હોય કંઈ ?' અરે, પેલા બુદ્ધિશાળી છે, તેથી તો બુદ્ધુ થવા બેઠા છે !

પ્રશ્શનકર્તા : પ્રથમ દ્ષ્ટિએ વિરોધાભાસ લાગે.

દાદાશ્રી : હા.

બુદ્ધિનાં બારણાં બંધ કર્યાં જ્ઞાને !

શું કારણથી લખ્યું કે, 'અમારામાં બુદ્ધિ ના હોય ?'

પ્રશ્શનકર્તા : હા, એ સમજાતું નથી એટલે આપ શું કહેવા માગો છો ?

દાદાશ્રી : હું, 'મારામાં બુદ્ધિ નથી' એમ કહું છું, તો મારી પાસે બીજી કોઈ વસ્તુ હશે ને ? કંઈ અજવાળું તો હશે ને મારી પાસે ? બુદ્ધિ એક અજવાળું છે અને મારી પાસે જે અજવાળું છે, એ જુદું અજવાળું છે. અમારામાં જ્ઞાન હોય, પ્રકાશ હોય.

કોઈ કહેશે, 'તમે બુદ્ધિ વગરના છો તો આ બધું શી રીતે જાણો છો ?' અમે જ્ઞાનના પ્રકાશથી જાણીએ છીએ. તમે બુદ્ધિના પ્રકાશથી જાણો છો. બન્નેને પ્રકાશ તો છે જ, પણ પ્રકાશમાં ફેર છે. તે તમારી બુદ્ધિ છે એ ઇન્ડિરેક્ટ (પરોક્ષ) પ્રકાશ છે, જ્યારે અમારું જ્ઞાન એ ડિરેક્ટ (પ્રત્યક્ષ) પ્રકાશ છે.

પ્રશ્શનકર્તા : જે ડિરેક્ટ પ્રકાશ કહ્યો તે જ અબુધપણું ?

દાદાશ્રી : હા, એ જ અબુધપણું. ડિરેક્ટ પ્રકાશ ! કારણ કે પેલો પ્રકાશ અહંકારના થ્રુ (માધ્યમ દ્વારા) આવે છે, એટલે બુદ્ધિ કહેવાય છે. અને અહંકાર ખલાસ થઈ ગયો એટલે ડિરેક્ટ પ્રકાશ થઈ ગયો ! કેટલાય અવતારોથી ખોળતો'તો એ પ્રકાશ મળ્યો. પ્રકાશ મળ્યો માટે આનંદ મળ્યો. એ આનંદ પાછો સીમા રહિત આનંદ છે, અસીમ આનંદ છે, સનાતન છે.

અહંકાર ને બુદ્ધિ, બેઉ મને નથી. બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય. અને બુદ્ધિ હોય ત્યાં સુધી લિમિટેડ જ્ઞાન હોય, 'ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ધીસ પોઈન્ટ' (આ છેડેથી આ છેડા સુધી) એ લિમિટેડ (મર્યાદિત) જ્ઞાન. કશું ક્રિયાકારી ના હોય. અને મારું જ્ઞાન અનલિમિટેડ (અમર્યાદિત) છે, જે જ્ઞાન ક્રિયાકારી છે, જ્ઞાનપ્રકાશ ક્રિયાકારી છે, કેવળજ્ઞાન સ્વરૂપ છે. આખા બ્રહ્માંડની સત્તામાં પહોંચે એવું જ્ઞાન છે.

સંપૂર્ણ અબુધ હોય તો જ જ્ઞાની કહેવાય. વર્લ્ડમાં કોઈ ચીજ જાણવાની જેને બાકી ના હોય ! અને પરમાત્મા પણ જેને વશ થયેલો હોય !!

પ્રશ્શનકર્તા : કોઈ ચીજ જાણવાની બાકી ના હોય, એ શું છે ?

દાદાશ્રી : એ જ્ઞાન છે, પ્રકાશ છે અને બુદ્ધિથી તો બહુ ડખો થયા કરે. (વિપરીત) બુદ્ધિથી જાણવાથી તો વઢંવઢા થાય છે, મતભેદ થાય છે બધા. પ્રકાશમાં મતભેદ ના હોય, ડખો ના હોય, કશું ના હોય. જેટલું જેટલું રિલેટિવમાં તમે વાંધો ઉઠાવશો એ બુદ્ધિવાદ. અમારે બુદ્ધિવાદ હોય નહીં. અમે રિલેટિવમાં (વ્યવહારમાં) અબુધ અને રિયલમાં (નિશ્ચયમાં) જ્ઞાની !

જ્ઞાની પુરુષ કેવા હોવા જોઈએ ? બુદ્ધિ વગરના હોવા જોઈએ. મારામાં બુદ્ધિ નથી માટે મને બધંુ સોલ્યુશન (સમાધાન) થઈ ગયું. બુદ્ધિ હશે ત્યાં સુધી સોલ્યુશન પૂરું નહીં થાય. એટલે બુદ્ધિ જ્યાં ના હોય ત્યાં જ્ઞાન હશે અને જ્ઞાન હશે ત્યાં બુદ્ધિ નહીં હોય, બેમાંથી એક જ હોય.

અને મારી પાસે આવે તે બુદ્ધિશાળીય થોડા થોડા અબુધ થતા જાય. જેને બુદ્ધિ વધારવી હોય તેને મારી પાસે આવ્યે પોષાય નહીં. અને મને બુદ્ધિ નથી, તેથી બાળકો છે તે ડરે નહીં મારાથી. છોકરાં ડરે નહીં, ઘૈડા ડરે નહીં, કોઈ ડરે નહીં મારાથી. અને બુદ્ધિવાળાથી સહુ કોઈ ડરે. ઘરની વાઇફેય આમ આમ ડરતી હોય. મારામાં બુદ્ધિ બહુ હતી, ત્યારે મારાથી બહુ ડરતા'તા લોકો. તે બુદ્ધિ ગઈ એટલે અમે અબુધ થયેલા ને ! પણ તમને એ કમાણી ગમતી નથી, તેને અમે શું કરીએ હવે ? કોઈને એ કમાણી ગમે છે, કોઈને ના ય ગમે. તમને અબુધની કમાણી નથી ગમતી, નહીં ?

પ્રશ્શનકર્તા : ગમે છે. અમારી બુદ્ધિય ઓછી થઈ જશે ને ?

દાદાશ્રી : હા, ઓછી થશે ને ! એ બુદ્ધિ એમની કાઢી નાખવા માંડી. કારણ કે એ ભજે છે કોને ? અબુધને ભજે છે.

પ્રશ્શનકર્તા : જ્ઞાની તો અબુધ જ હોય ને ?

દાદાશ્રી : જ્ઞાની એકલા જ અબુધ હોય. બીજા બધા સત્ પુરુષ અબુધ ના હોય. કારણ કે અક્રમ માર્ગના જ્ઞાનીનો અહંકાર શૂન્ય ઉપર હોય, બુદ્ધિ શૂન્ય ઉપર હોય.

અબુધ - પ્રબુદ્ધ - અબુધ

પ્રશ્શનકર્તા : તમે બુદ્ધિના સાક્ષી છો ને ?

દાદાશ્રી : સાક્ષી ખરા, સાક્ષી તો બધાના. પણ બુદ્ધિ જ નથી મને.

પ્રશ્શનકર્તા : બુદ્ધિની પાર થયા છો ?

દાદાશ્રી : એ બરોબર છે, પાર જ થયા કહેવાય, આમ ખરી રીતે. આ તો લોકોને સમજાવવા માટે અમે અબુધ છીએ, કહીએ.

પ્રશ્શનકર્તા : તમે કહો છો કે અમે અબુધ છીએ, તો અબુધ અને પ્રબુદ્ધમાં ફેર શો ?

દાદાશ્રી : અબુધ તો, બે પ્રકારના અબુધ. એક તો જેને નાની ઉંમરને લઈને બુદ્ધિ ડેવલપ્ડ થઈ નથી, એ એક પ્રકારના અબુધ. અને એક સંપૂર્ણ બુદ્ધિ ડેવલપ્ડ થયા પછી જે બુદ્ધિને પોતે તાળું મારતો જાય, એ બીજા પ્રકારના અબુધ. તે બુદ્ધિ સંપૂર્ણ ટોચ ઉપર ગયા પછીના જે અબુધ છે ને, તે સાચા અબુધ. પેલું તો નાની ઉંમર હોવાથી બુદ્ધિ હજી એનામાં વ્યક્ત નથી થઈ. અમુક જ બાબતમાં વ્યક્ત થયેલી હોય. એની નેસેસિટી (જરૂરિયાત) પૂરતી જ. આપણે એને કહીએ કે હમણે દુકાન ખોટમાં જાય છે, પૈસા-બૈસા ના વાપરીશ. તો એને ખોટ જાય એટલે શું, એ કશું સમજે નહિ ને ? બુદ્ધિ જ ના પહોંચેને ? એને તો આપણે વસ્તુ ના લાવી આપીએ તો બુદ્ધિ ત્યાં પહોંચે કે આમ કેમ ? એટલે બુદ્ધિ સંપૂર્ણ ટોચ પર ગયા પછી જે ખલાસ થાય એને અબુધ કહેવાય. પ્રબુદ્ધ થયા પછી કેટલાય કાળ પછી અબુધ થઈ શકે ! પ્રબુદ્ધ થવું સહેલું છે. પ્રબુદ્ધ એટલે બુદ્ધિ એડવાન્સ (વૃદ્ધિ) થતી ચાલી. લોકોની બુદ્ધિ કરતાં સહેજે વધારે પડતી બુદ્ધિ હોય ત્યારે પ્રબુદ્ધ કહે, અને ઘણો પ્રબુદ્ધ થયા પછી એ બુદ્ધિ આથમતી ચાલે, એટલો અબુધ થાય.

પ્રશ્શનકર્તા : સંપૂર્ણ જાગૃત એને 'પ્રબુદ્ધ' શબ્દ વપરાય ?

દાદાશ્રી : ના વપરાય. અહીં હિન્દુસ્તાનમાં પ્રબુદ્ધ તો બધા બહુ, જોઈએ એટલા છે. બુદ્ધિમાંથી પ્રબુદ્ધ થાય, બુદ્ધિ વધે ત્યારે. અને પ્રબુદ્ધમાંથી પછી બુદ્ધુ થઈ જાય.

પ્રશ્શનકર્તા : આપનામાં કયા પ્રકારની બુદ્ધિ ના હોય ? બુદ્ધિના પણ પ્રકારો છે ને ?

દાદાશ્રી : કોઈ પણ પ્રકારની બુદ્ધિ ના હોય અમારામાં. એટલે અમને તો ગાળો ભાંડે તોય અમે આશીર્વાદ આપીએ અને ફૂલ ચઢાવે તોય આશીર્વાદ આપીએ. કારણ કે મને તો એ ઓળખતો જ નથી. આ પટેલને એ ઓળખે છે, મને તો શી રીતે ઓળખે ? 'એ. એમ. પટેલ'ને ઓળખે છે, તો એ 'એ. એમ. પટેલ'ને ગાળો ભાંડે તો મારે પાડોશી તરીકે સાચવવું પડે. તે પેલાને કહું કે, 'ભઈ, શું કંઈ ખાસ કારણ ના હોય તો ગાળો ના ભાંડીશ. અને કારણ હોય તો ભાંડ. એટલે બુદ્ધિ વગરનો જે બીજો સામાન હતો એ બધો મારી પાસે છે, પણ બુદ્ધિ નથી. તમને આ વાત ગમે કે મારી પાસે બુદ્ધિ નથી ?

જ્ઞાની પુરુષ એ બધાથી મુક્ત કરાવે. પછી ભાંજગડ જ નહીં ને ! હા, એટલે સેન્ટ બુદ્ધિ ના હોય, તો ભગવાન પ્રગટ થાય, ત્યાં આપણો નિવેડો થાય. બુદ્ધિ હોય ત્યાં ભગવાન કોઈ દહાડોય પ્રગટ થાય નહીં, એવો આ દુનિયાનો નિયમ ! બુદ્ધિવાળો સ્વચ્છંદી હોય અને બુદ્ધિ વગરના ભગવાન હોય !

જ્ઞાની પુરુષ કોને કહેવાય ? જેનામાં સેન્ટ અહંકાર ના હોય. દેહના માલિક ના હોય, વાણીના માલિક ના હોય, મનના માલિક ના હોય. આવી વાત તો દુનિયામાં ક્યારેય પણ સાંભળેલી ના હોય. બાકી આ બધું શાસ્ત્રોમાં લખેલું નથી. અમારામાં બુદ્ધિ નહીં તે વાત અમારી, એક-એક શબ્દ સાંભળવા જેવો. અને તો જ એ કમ્પ્લીટ હંડ્રેડ પરસેન્ટ વાત હોય. અમારી આ વાત હજારો વર્ષ સુધી કોઈ ચેકી ના શકે.

પ્રશ્શનકર્તા : જ્ઞાન અને બુદ્ધિનો શું તફાવત ?

દાદાશ્રી : ઓહોહો ! ધેર ઈઝ લાર્જ ડિફરન્સ (ઘણો મોટો તફાવત છે). બુદ્ધિ એ તો અહંકારી જ્ઞાન છે. આખા જગતનું બધું જ્ઞાન જાણતો હોય, પણ અહંકારી જ્ઞાન એ બુદ્ધિ અને બીજા શબ્દોમાં કહું તો ઈન્ડિરેક્ટ (પરોક્ષ) પ્રકાશ એ બુદ્ધિ. ઇગોઇઝમ વગરનું નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય છે અને અહંકારી જ્ઞાન એ બુદ્ધિ કહેવાય છે.

આપણે લોકોને કહીએ, 'તમે અબુધ છો', તો એ ઊલટા આપણને ગાળો ભાંડે ને મારંમાર કરે. મારામાં બુદ્ધિ રહી નથી. હું ડિરેક્ટ પ્રકાશથી જોઉં છું બધું. અત્યારે કોઈ દહાડો પુસ્તક મેં વાંચ્યુંય નથી, વીસ વર્ષ પહેલાં વાંચેલું હશે. હું તો ડિરેક્ટ (પ્રત્યક્ષ) આમ જોઈને જવાબ આપું છું બધા.

એટલે બધું પૂછાય. દરેક વસ્તુ, તમારે મગજમાં જે આવે એ બધું પૂછજો અને હું સાયંટિફિક (વૈજ્ઞાનિક) રીતે જવાબ આપવા માગું છું. કારણ કે બુદ્ધિ મારામાં બિલકુલેય નથી અને તમારામાં બુદ્ધિ, એટલે ખરી મઝા ત્યારે જ આવે. તમે બુદ્ધિથી પ્રશ્શન જેટલા પૂછાય એટલા પૂછો, હું તમને જ્ઞાનથી જવાબ આપું. તમારો આત્મા કબૂલ કરવો જ જોઈએ. અને જો તમારો આત્મા કબૂલ ન કરે તો કાં તો તમે આડાઈ કરો છો કે ગમે તેમાં પણ છો. આત્મા કબૂલ કરવો જ જોઈએ. કારણ કે હું અબુધ રીતે બોલું છું. એટલે કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ જાતિનો, કોઈ પણ માણસ એને કબૂલ થવું જ જોઈએ. સમજણવાળો હોવો જોઈએ, બુદ્ધિમાં આવેલો હોવો જોઈએ. પછી બુદ્ધિમાંય અબુધ હોય છે. મનુષ્યો જે નીચી જ્ઞાતિના છે, એ લોકોને મારી વાત સમજણ ના પડે. એનો આત્મા કબૂલ કરે કે ના ય કરે. એને સમજણેય ના હોય એની. પણ જેને બુદ્ધિ છે એ વાતને સમજે.

પ્રશ્શનકર્તા : સંસ્કૃતમાં એક શ્શલોક છે કે રાજા તો એના રાજ્યમાં જ પૂજાય પણ જે વિદ્વાન હોય એ આખા જગતમાં બધે જ પૂજાય. અને વિદ્વાન આપના જેવા અબુધ હોય તો જ ?

દાદાશ્રી : હા, પણ અબુધ સિવાય તો ના બને. બુદ્ધિ તો લિમિટેશનનો પ્રકાશ છે. એટલે લિમિટવાળાનું તો ઓછી બુદ્ધિવાળા ના સ્વીકાર કરે અને એનાથી જરા કંઈ આઘાપાછા થયેલા હોય, મતભેદવાળા હોય, તે સ્વીકાર ના કરે. અહીં મતભેદ ના હોય. અહીં બધા સ્વીકાર કરે. બે વર્ષનું બાળક હોય તેય સ્વીકાર કરે. આવડું બાળક મારી જોડે રમ્યા કરે, બે વર્ષનું બાળક હોય તેય. કારણ કે અમે બાળક જેવા જ હોઈએ. બાળક છે તે અજ્ઞાનતાથી નિર્દોષ છે અને અમે જ્ઞાને કરીને નિર્દોષ હોઈએ, બસ આટલો જ ફેર. અમે આ કિનારાના ને પેલો પેલા કિનારાનો પણ બન્ને બાળક જ કહેવાય.

કુદરતે પીરસ્યું અક્રમ વિજ્ઞાન...

પણ આ વિજ્ઞાન બીજા કરતાં તદ્દન જુદું છે. આ વિજ્ઞાન કો'ક વખત, એની મેળે ઊભું થાય છે. આ વિજ્ઞાન કંઈ મારું બનાવેલું નથી, આ ઊભું થયેલું છે. તે અહીં જેટલાનું કામ નીકળ્યું એટલું કામ નીકળી ગયું. પણ શાસ્ત્રકારોએ સોળમા તીર્થંકરના વખતમાં, બહુ મોટું લખેલું છે કે પાંચમા આરામાં ઘણા લોકો કામ કાઢી જશે.

બહુ ઊંડું જગત છે. પુસ્તકોમાં આ જગત લખેલું જ નથી. એનું વર્ણન જ નથી. જેટલું વર્ણન થાય એટલું વર્ણન કરી ચૂક્યા આ બુદ્ધિથી. બુદ્ધિ પહોંચી ત્યાં સુધી વર્ણન કરી ચૂક્યા. બુદ્ધિથી ઉપર તો બહુ ઊંચું છે. બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હોય તેને સમજણ પડે. આખા જગતમાં મારા એકલાની બુદ્ધિ ખલાસ થઈ ગયેલી છે.

જ્યારે બુદ્ધિ જતી રહેશે ત્યારે જેમ છે તેમ દેખાશે. અત્યારે તો બધું બુદ્ધિથી દેખાય છે. કંઈ પણ બુદ્ધિની શરૂઆત થાય છે ત્યારથી આ જગત ઊભું થાય છે અને બુદ્ધિના અંતે એનો નાશ થાય છે. અને જેને બુદ્ધિનો અંત આવ્યો એ મુક્ત પુરુષ.

(૨)

બુદ્ધિનું સ્વરૂપ

નફો-ખોટ દર્શાવવાનો ઠેકો...

પ્રશ્શનકર્તા : એક પ્રશ્શન એ રહે છે હવે કે બુદ્ધિ એટલે શું ? કોઈ પણ વસ્તુ કે સિદ્ધાંતને જે છે તે સ્વરૂપમાં એક્સેપ્ટ (સ્વીકાર) કરવામાં અવરોધ રૂપ બને તેને બુદ્ધિ કહેવાય ?

દાદાશ્રી : આને ને બુદ્ધિને લેવાદેવા નથી. બુદ્ધિ એટલે શું ? નફો ને ખોટ, બે જુએ, એનું નામ બુદ્ધિ. વ્હેર ઈઝ પ્રોફિટ એન્ડ વ્હેર ઈઝ લોસ (ક્યાં નફો છે અને ક્યાં ખોટ છે) ? પેલી તો બધી અવળી સમજણ કહેવાય. કોઈ પણ વસ્તુ કે સિદ્ધાંતને જે છે તે સ્વરૂપમાં એક્સેપ્ટ કરવામાં અવરોધ કરવો એ રોંગ (ઊંધી) સમજણ કરે છે.

બુદ્ધિ તો, બસમાં બેસો તોય આમ જોઈ લે કે ક્યાં આગળ નફો ને ક્યાં આગળ ખોટ છે. જ્યાં જાવ ત્યાં નફો-તોટો બે જ દેખાડ દેખાડ કર્યા કરે અને ગૂંચવ ગૂંચવ કર્યા કરે, એનું નામ બુદ્ધિ. આ (વિપરીત) બુદ્ધિ જ બિચારાને ભટક ભટક કરાવડાવે છે. રસ્તે ચાલતાંય નફો-ખોટ જુએ.

ટ્રેનમાં ચઢે તોય આમ જોઈ લે કે નફો-ખોટ ક્યાં છે. ભીડ હોય ને, તો ભીડમાં લોકોને ધક્કા મારવાનું શીખવાડે, કે માર ધક્કો ને આગળ ખસો. આવું, બુદ્ધિ પાંસરું રહેવા જ ના દે. માણસને જંપીને બેસવા જ ના દે. 'અલ્યા, અહીં ટ્રેનમાં ક્યાં રૂપિયા છે ?' ત્યારે કહે, 'પણ જગ્યાની કિંમત છે.' જો બેસવાનું બરાબર ના મળ્યું તો ઊભો ને ઊભો રહે. તેને જરા નીચે બેસવાનું કહે તો ના બેસે. આબરૂદારનો છોકરોને ! હું ઘણાને કહું, 'શેઠ, નીચે બેસોને જરા !' શું આબરૂદાર લોકો ! તારા મોઢા પર જો દીવેલ ફરી વળ્યું છે ! મનમાં શુંય માની બેઠો છે ! જ્યાં જઈએ ત્યાં નફો ને તોટો દેખાડે કે ના દેખાડી દે ?

પ્રશ્શનકર્તા : દેખાડી જ દે.

દાદાશ્રી : હં. કોઇ ફેરો તમને લાગે છે એવું કે અહીંથી આપણે ત્યાં ગયા, પણ ફાયદો થયો નહીં. તો એ કોણે દેખાડ્યું ? બુદ્ધિ દેખાડે.

અહીં સત્સંગમાં આવેને તો આવતાંની સાથે જ જુએ કે ક્યાં આગળ સારી જગ્યા છે. મકાન વેચાતું રાખવું હોય તો લત્તો સારો ખોળ ખોળ કરે. વસ્તુ સારી લેવા ગયો હોય ત્યાં ફાયદો જુએ. દુકાને જાય તો નફો-ખોટ જોયા કરે. ઘરમાં કોઈથી તેલ ઢોળાઈ જાય, ખોટ ગઈ, તો બુદ્ધિ ત્યાં આગળ કૂદાકૂદ કરે.

આ તો બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ (વિનાશી ગોઠવણી) છે અને તેમાં સારું-ખોટું, ઊંધું-છતું તમારી બુદ્ધિ તમને દેખાડ દેખાડ કરે છે. આ ત્રીસ વર્ષ સુધી ભઈબંધ સારો હતો અને એક દહાડો કોઈએ કહ્યું, 'તમારા ભઈબંધ આવું બોલતા હતા.' તે બીજે દહાડે આપણા માટે એ ખરાબ થઈ જાય. બુદ્ધિ દેખાડે, કે 'છે આપણા લોકોને કશી કિંમત ? આપણી કિંમત પહેલાં હતી એટલી નથી હવે. અત્યારે ઓછી થઈ લાગે છે.' અલ્યા, અહીં શું કરવા નફો-ખોટ ? આના કંઈ સોદા કરવાના છે આપણે તે ? પણ બુદ્ધિનો સ્વભાવ એવો, નફો-ખોટ દેખાડે. એટલે બુદ્ધિ હંમેશાં સંસારમાં, આ નફો છે ને અહીં ખોટ છે, બે દેખાડે. બીજું કંઈ એના આગળ દેખાડવાની કોઈ લાઈન એને આવડતી નથી.

બુદ્ધિ શું કામ કરે છે ? ચોગરદમનું તમારું ક્યાં નુકસાન થાય છે, ક્યાં દુઃખ થાય છે, ક્યાં અડચણ આવે છે, સંસારની બાબતોમાં એ સાવચેત રહે છે અને સાવધાનીપૂર્વક કામ કરવા જાય છે. અને ધંધામાં કંઈ અડચણ હોય તો એનો કેમ કરીને એન્ડ (અંત) લાવવો, તે કામ કર્યા કરે. એનો ઉપાય ખોળી કાઢે, રસ્તો ખોળી આપે, બસ.

એટલે બુદ્ધિ પ્રોફિટ એન્ડ લોસ દેખાડનારી છે. તેથી આપણે એને વગોવવા જેવી નથી. એનીય જરૂર છે પણ એના ટાઈમે. પણ આપણે એને બહુ એવું કરવા જેવું નથી કે તારા વગર મારાથી જીવાશે નહીં. કારણ કે નફો-ખોટ દેખાડે, એ તો સંસારમાં ખેંચી જાય.

હવે આપણે વેપારમાં તો બધે ઉકેલ લાવી નાખવાનો છે. દુકાન કાઢી નાખવાની હોય ને, ત્યાં નફો-તોટો જોવાનો હોય ? કાઢી નાખવાની છે, ત્યાં નફો-તોટો જોવાનો ના હોય. ત્યારે બુદ્ધિ કહે છે કે નફો-તોટો તો જોવાનો !

આમ થઈ જશે તો આમ વધારે થઈ જશે, તે આમ વધારે ખોટ જશે. નફા-તોટાથી શું થાય ? બુદ્ધિ કંઈ નફો-ખોટ પૂરી કરી આપવાની છે ? ઊલટો અજંપો થાય તે જુદો. અમારે બુદ્ધિ નહીંને, તે નફો-તોટો દેખાડે નહીંને ! જ્ઞાનપ્રકાશમાં બેઉ સરખું છે. આ બુદ્ધિના પ્રકાશમાં નફો-તોટો બે જુદું દેખાય. તોય આખું જગત બુદ્ધિના પ્રકાશમાં પડેલું છે, નફા-તોટામાં !

અમે તો અબુધ થઈને બેઠેલા. કોઈ કહે, 'તમારામાં બુદ્ધિ બહુ ?' હું કહું કે, 'ના, અમે અબુધ !' બુદ્ધિ હોત તો નફો ને તોટો દેખાડત ને ? હા, એ અજ્ઞાશક્તિ હંમેશાં નફો ને તોટો બે જ દેખાડે. આટલા લેઈટ (મોડા) થાય. એ નફો ને તોટો કાઢે. કોઈ માણસે અવળે રસ્તે લીધા હોય, તો કહેશે, 'લે, અરધો માઈલ મારો નકામો ગયો !' બુદ્ધિ બધામાં નફો-તોટો જોયા કરે ને નફો ને તોટો જ્યાં સુધી દેખાડે છે ત્યાં સુધી સંસારની બહાર નીકળવા ના દે. અને અમે તો અબુધ, એટલે બીજી કશી ભાંજગડ નહીંને ! અને અમે નફાને તોટો કહ્યો ને તોટાને નફો કહ્યો, તે 'વ્યવસ્થિત' પાછું. તે બુદ્ધિવાળાનેય ફેરફાર ના થાય ને અબુધનેય ફેરફાર ના થાય. એટલે અમે અબુધ છીએ ને 'વ્યવસ્થિત' જાણીએ છીએ પાછું. 'વ્યવસ્થિત' જો અમે જાણતા ના હોતને તો અમેય અબુધ ના થઈ જાત. એટલે અમે જાણીએ કે 'વ્યવસ્થિત' છે, પછી શું ભાંજગડ ? અને આ જ્ઞાન પછી તમનેય કહ્યું કે 'વ્યવસ્થિત' છે. માટે બુદ્ધિ નહીં વાપરો. અબુધ થાઓ તોય તમારું બધું ચાલશે.

અજ્ઞાએ અર્પ્યાં દ્વંદ્વો...

હવે અબુધ અને બુદ્ધિશાળીમાં ફેર શો હશે ? એવું તમને લાગે છે ? મારે નફો-નુકસાન દ્વન્દ્વ રહ્યાં નથી. દ્વન્દ્વ રહે નહીં એટલે પછી બુદ્ધિ ખલાસ થઈ જાય. નફો નહીં, નુકસાન નહીં. તમે ફૂલ ચઢાવો તોય આટલો પ્રેમ અને તમે ગાળો દો તોય આટલો પ્રેમ, તમારી જોડે. જીવમાત્ર જોડે પ્રેમ રાખવાનો હોય. ગધેડા જોડેય દોસ્તી. તમે ગધેડા જોડે દોસ્તી કરી શકો ? આ માણસો જોડે દોસ્તી કરતાં નથી આવડતી તમને, ત્યાં મતભેદ પડી જાય છે, તો ગધેડા જોડે તમને મતભેદ પડતાં કેટલી વાર લાગે ?

પ્રશ્શનકર્તા : તેય સરખા થઈ જાય ત્યાં તો.

દાદાશ્રી : હા, સરખા થઈ જાય. બુદ્ધિથી તો એ દ્વન્દ્વ ઊભાં થાય. દ્વન્દ્વ જ ગમે એ બુદ્ધિ. અને આ નફો-ખોટ પોતે દ્વન્દ્વ સ્વરૂપ હોય. બુદ્ધિ દ્વન્દ્વની જનની છે અને એ છે ત્યાં સુધી બધું અંદર ચાલ્યા કરવાનું.

પ્રશ્શનકર્તા : એટલે દ્વન્દ્વ ઊભાં કરે એ બુદ્ધિ ?

દાદાશ્રી : હા, બધાં દ્વન્દ્વ જ ઊભાં કરે. ના હોય ત્યાંથી, શાંતિમાં બેઠા હોય ત્યાંથી ય આપણને દ્વન્દ્વ ઊભાં કરાવડાવે.

પ્રશ્શનકર્તા : હવે દ્વન્દ્વ એને ઊભાં થાય, તો એ ઊર્ધ્વગતિએ જાય નહીં ને ?

દાદાશ્રી : ઊર્ધ્વગતિએ જવાની જરૂર નથી આપણે. એની મેળે જ થઈ રહ્યું છે. અજ્ઞા એ બુદ્ધિનું પ્રદર્શન છે. એ મોક્ષે જવા ના દે અને સંસારની બહાર નીકળવા જ ના દે. આમાં નફો ને આમાં ખોટ, દ્વન્દ્વ જ દેખાડે.

પ્રશ્શનકર્તા : દ્વન્દ્વ અને દ્વન્દ્વની અંદરની ફસામણ ને ઘર્ષણ, એ તો જીવનનો સતત ભાગ છે. જ્યાં ને ત્યાં દ્વન્દ્વ તો આવીને ઊભું જ રહે છે.

દાદાશ્રી : એટલે દ્વન્દ્વમાં જ જગત ફસાયેલું છે ને ? અને જ્ઞાની દ્વન્દ્વાતીત હોય. એ નફાને નફો જાણે ને ખોટને ખોટ જાણે, પણ ખોટ ખોટ રૂપે અસર ના કરે, નફો નફા રૂપે અસર ના કરે. નફો-ખોટ શેમાંથી નીકળે છે ? મારામાંથી ગયાં કે બહારથી ગયાં, એ બધું જાણે.

એ સંસારાનુગામી !

પ્રશ્શનકર્તા : મનને, બુદ્ધિને એક કરીએ, તો જ જ્ઞાનનું દર્શન થાય કે એમ ને એમ થાય ?

દાદાશ્રી : ના, બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિ તો સંસારાનુગામી છે, સંસારમાં જ ભટકાવનારી છે. આ બુદ્ધિ તો માર ખવડાવી ખવડાવીને તેલ કાઢી નાખશે. બુદ્ધિ હંમેશાંય સંસારની બહાર નીકળવા જ ના દે. બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. એટલે ડિરેક્ટ પ્રકાશ હોય તો જ નીકળવા દે. બુદ્ધિ સંસારમાં હિતકારી છે, પણ મોક્ષે જતાં વાંધો ઊઠાવે. બુદ્ધિ તો સંસારને જ ચલાવનારી છે. સંસારમાં બુદ્ધિની જરૂર પડે છે ત્યારે ઓટોમેટિકલી (આપોઆપ) ચાલુ થઈ જાય છે. બુદ્ધિ એ સંસારાભિમુખ છે. તે સંસારની અંદર ફળ આપે પણ બહાર ના નીકળવા દે, મોક્ષે ના જવા દે. મોક્ષમાં તો જ્ઞાનપ્રકાશ જ જોઈશે. જ્ઞાન પોતે જ મોક્ષ સ્વરૂપ છે. વાત કરો બધી સત્સંગની, ખુલાસો થાય.

પ્રશ્શનકર્તા : એક્ઝેક્ટલી (ખરેખર) બુદ્ધિ શું કામ કરે છે ?

દાદાશ્રી : એક્ઝેક્ટલી બુદ્ધિનો જો મીનીંગ (અર્થ) જોવા જાય તો નિર્ણય આપવા સિવાય બીજું કામ જ નથી કરતી.

પ્રશ્શનકર્તા : એટલે ડિસિઝન (નિર્ણય) બુદ્ધિ જ લે છે ?

દાદાશ્રી : હા, ડિસિઝન બુદ્ધિ લે છે. બે પ્રકારના ડિસિઝન, એક મોક્ષે જવાનું ડિસિઝન પ્રજ્ઞા લે છે અને સંસારનું ડિસિઝન અજ્ઞા લે છે. અજ્ઞા એટલે બુદ્ધિ. અજ્ઞા-પ્રજ્ઞાના ડિસિઝન છે આ બધાં.

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિ એ પરિણામને જોઈ શકે ને ?

દાદાશ્રી : હા, હા, પરિણામને જોઈ શકે. એ જોઈ શકે માટે બુદ્ધિ કહેવાયને ! અને નિર્ણય, નિશ્ચય લઈ શકે કે, ના, આમ જ કરવું છે. એટલે બુદ્ધિ જોઈ શકે છે. પણ બુદ્ધિ જોવા કરતાં વધારે કામ કરે છે, નિર્ણય કરે છે કે આ કરવું કે નહીં. એ 'યસ' (હા) કહે તો બધાનું કામ થાય.

એટલે બુદ્ધિ શું કામ કરે છે ? ફક્ત ડિસિઝન આપે છે કે ભાઈ, આમ કામ કરી જ નાખો. એ છેવટે જો તમારા પાપનો ઉદય હશે તો બુદ્ધિ જે ડિસિઝન આપશે ને, એ તમને નુકસાન થાય એવું આપશે અને પુણ્યનો ઉદય આવશે, તો બુદ્ધિ જે ડિસિઝન આપશે તે લાભદાયી થશે. એ ઉદય, તમારાં પુણ્ય ને પાપ ચલાવે છે. બીજું, ભગવાન કોઈ આને ચલાવનાર છે નહીં. પુણ્ય અને પાપનાં ફળ છે. જે 'વ્યવસ્થિત શક્તિ' હું કહું છું ને, તે આ ફળ અપ્યા કરે છે.

આપણા લોકો બુદ્ધિને બુદ્ધિની રીતે સમજતાં નથી અને બધું બાફે છે. જે ડિસિઝન આપે છે તે બુદ્ધિ. કોઈ માણસ, જે ડિસિઝન જલદી આપનારો હોય તો જાણવું કે આ મોટામાં મોટો બુદ્ધિશાળી છે. ગમે તેવાં સ્ટેજમાં, હમણાં લાખ કેસ હોય, તો લાખનાં તરત ડિસિઝન આપી દે તો આપણે જાણવું કે આ મોટામાં મોટો બુદ્ધિશાળી. અને તે ગૂંચાયો તો જાણવું કે બુદ્ધિ ઓછી છે કે નથી.

આપણે અહીં તો લોક શું ઝાલી પડ્યા છે કે જાતજાતની ટ્રીકો ને એ બધું આવડતું હોય ને, એને આપણા લોકો બુદ્ધિશાળી માને છે. નથી એ બુદ્ધિ ! બુદ્ધિ તો હંમેશાં નિર્ણય જ કર્યા કરે. તરત નિર્ણય લે એને બુદ્ધિશાળી કહેવાય, છતાં ટ્રીક એકુય ના આવડતી હોય. એટલે બુદ્ધિ તો આ લોકો સમજ્યા જ નથી ! એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે બુદ્ધિનું કામ શું ? ત્યારે ડિસાઈડ કરવું. ચોક્કસ ડિસિઝન લઈ લેવું. ગમે તે જાતના પ્રશ્શનો ઊભા થાય, પણ ડિસિઝન લેવું તે બુદ્ધિનું કામ અને અહંકારની સહી.

પરીક્ષણ બુદ્ધિનું ને નિરીક્ષણ 'પોતાનું' !

પ્રશ્શનકર્તા : સારું-નરસું એનો વિવેક દેખાડે, પારખ શક્તિ હોય એ બુદ્ધિ કહેવાય ?

દાદાશ્રી : હા, એટલે કંઈ આ પ્રકાશ આપે. કોઈ પણ જાતનો પ્રકાશ અને તેમાં આપણે પારખી શકીએ, તો એ બુદ્ધિ કહેવાય. અને જે આપણને ડિસાઈડ કરવાનું શીખવે, બુદ્ધિ ડિસિઝન આપે. પણ પારખ થાય તો ડિસિઝન આપેને ? પારખ્યા વગર શી રીતે ડિસિઝન આપે ? ત્યારે બુદ્ધિની આગળ પ્રકાશનું બીજું હથિયાર કોઈ હશે ખરું ?

પ્રશ્શનકર્તા : હોય ને. આ મનુષ્ય જન્મની જો મોટામાં મોટી દેણ હોય તો આ નિરીક્ષણ શક્તિ જ છે ને ?

દાદાશ્રી : હા, બીજા કોઈનામાં એ નથી. પણ નિરીક્ષણમાં બુદ્ધિ નથી, પરીક્ષણમાં બુદ્ધિ છે.

પરીક્ષણને આમાં લેવાદેવા નહીં. પરીક્ષણ તો આ જગતમાં શક્તિઓ છે ને, એ પરીક્ષણ શક્તિઓ છે. આપણામાં નિરીક્ષણ શક્તિ છે. પરીક્ષણ શક્તિ તો બધે જ્યાં ને ત્યાં વપરાયા કરવાની ને પરીક્ષણમાં બુદ્ધિ વપરાયા કરે. હમણે દૂધી લેવા ગયા હોય ને, તો દૂધીને નખ માર માર કરે, પરીક્ષા કરે બીજું કશું અંદર કાપીને જોતો નથી અને પછી કહેશે, ઘૈડી છે. એવું કહે કે ના કહે ? શાથી ?

પ્રશ્શનકર્તા : એ નિરીક્ષણ પરીક્ષણમાં પરિણમ્યું ?

દાદાશ્રી : ના, નિરીક્ષણ તો આમાં આવતું જ નથી. આ તો પરીક્ષણ કરે છે. ભીંડાને આમ કરીને ડીંટા તોડી કહેશે, 'ઘૈડા છે.' પરીક્ષણ કરે. નિરીક્ષણ શબ્દ બહુ ઊંચો છે.

એ તાણે મોશનમાંથી ઈમોશનલ ભણી...

હવે હું તમારી જોડે જે વાત કરું છું ને, એ બુદ્ધિના અભાવવાળો માણસ છું અને તમે બુદ્ધિશાળી છો, બેનો મેળ શી રીતે પડે તે ?

રાત્રે તમને બુદ્ધિએ કંઈક દેખાડ્યું કે ફલાણા માણસે મારું નુકસાન કર્યું છે, એવું દેખાડ્યું કે એની સાથે તમે ઈમોશનલ (ચંચળ) થઈ જાવ. બુદ્ધિ જંપીને બેસવા ના દે. બુદ્ધિ ઈમોશનલ કરે કે ના કરે ? તમારે કોઈની જોડે લડવાનું બને કે ? તમારે લડવાનું નહીં ને કોઈ જોડે ?

પ્રશ્શનકર્તા : ઈમોશનલ હોય તો લડવાનું થાય.

દાદાશ્રી : હા, ઈમોશનલ જ હોય બધું. જગત જ બધું ઈમોશનલ હોય. છંછેડે કે ઈમોશનલ થઈ જાય. મોટા મોટા આચાર્યો છે ને, એને આપણે કહીએ કે તમારામાં અક્કલ નથી. તો એ પેલા ફેણ માંડે કે ના માંડે ? ફેણ માંડે તે જોયેલી ? એ ઈમોશનલ થઈ જાય બિચારાં. મોશન (સહજ)માં રહે અને ઈમોશનલ થાય એમાં ફેર નહીં ? શું ફેર ?

પ્રશ્શનકર્તા : ઈમોશનલમાં માણસને દુઃખ-સુખની અસર થાય.

દાદાશ્રી : તે બુદ્ધિ ઈમોશનલ કરે. આ જાનવરો બધા મોશનમાં રહેવાનાં, ઈમોશનલ નહીં થવાનાં. ઈમોશનલ આ મનુષ્યો જ થાય છે. આ જેમ ટ્રેઈન છે એ મોશનમાં રહે છે, તે ઈમોશનલ થાય તો શું થાય ? આમ કૂદતી કૂદતી જાય તો શું થાય ?

પ્રશ્શનકર્તા : એક્સિડન્ટ થાય.

દાદાશ્રી : તેમાં બેસનારાંને મઝા આવી જાય ને ? મહીં બેઠેલાં બધાં રમકડાં તૂટી જ જાય ને ? જેમ ગાડીમાં પેલાં માણસો મરી જાય એવું આ શરીરમાં નાની જીવાત પાર વગરની છે, તે આ ઈમોશનલ થવાથી શરીરમાં લાખ્ખો જીવો મહીં ખલાસ થઈ જાય છે. ઘણા દોષ બેસે. અને પછી કહેશે, 'હું અહિંસક છું. જીવડાં મારતો જ નથી. હિંસા તો મેં કરી જ નથી !' મેર ચક્કર, આખો દા'ડો હિંસા જ થયા કરે છે ! આ નર્યા જીવો જ મરી રહ્યા છે. મહીં નરી જીવાત જ ભરેલી છે. તે ઈમોશનલ થાવ ત્યારે લાખો જીવોની હિંસાની જોખમદારી તમારે માથે આવે છે અને એ જોખમદારી ભોગવ્યે જ છૂટકો. એવી જોખમદારી છે આ. એ ઊડી જાય એવી જોખમદારી નથી આ. પણ એ તો કુદરતી રીતે જ બધાને હોય. જેમ પરણેલા માણસને જોખમદારી ભોગવવી પડે છે, એમનાથી લાખો જીવોનું નુકસાન જ થાય છે ને ? એવી આ એક જોખમદારી છે. અને તેનાં પાપ લાગે છે ને પાછી ફરજિયાત છે. એ ખબરેય નથી કે કેટલાં પાપ થઈ રહ્યાં છે. પણ તે ઘડીયે ભયંકર પાપો બાંધે છે, પણ એનું ભાન નથી. અજાણ્યે બાંધે છે પણ અજાણ્યાનાં પાપેય છોડતા નથી ને જાણેલાનાં પાપેય છોડતા નથી. અજાણ્યાનાં અજાણ્યાની રીતે ભોગવવાં પડશે અને જાણેલા જાણીને ભોગવવાં પડશે.

પ્રશ્શનકર્તા : ઈમોશનલમાં જીવાત કેવી રીતે મરી જાય ?

દાદાશ્રી : જે ગાડી કૂદતી કૂદતી ચાલે ને, ઈમોશનમાં, એવી રીતે આખા શરીરમાં બધા અવયવો ધ્રૂજી ઊઠે, ઈમોશનલ થાય તે વખતે. તે કેટલાય જીવો મહીં મરી જાય છે. આમ સહજમાં એકુય જીવ ના મરે. અત્યારે કશુંય ના થાય. પેલી પાર વગરની હિંસા છે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિથી ઈમોશનલપણું વધે છે ?

દાદાશ્રી : બુદ્ધિ ઈમોશનલ સ્વભાવની જ છે. એનો સ્વભાવ જ ઈમોશનલ છે અને જ્ઞાન ઈમોશનલ ના કરે, મોશનમાં રાખે. તમારો ફ્રેન્ડ તમારી આગળ ચાલતો હોય ને એનાં ગજવામાંથી પૈસા પડતા હોય, તો તમે પાછળથી શું કરો, જોવામાં આવે કે તરત ? હેય, હેય, હેય, તારા ગજવામાંથી.......! અમને તો જ્ઞાન, તે જોયા કરીએ. છેટે રહીને બૂમ પાડીએ કે ભાઈ, તમારા ગજવામાંથી પૈસા પડે છે. અમે દોડીને ઝાલી ના લઈએ અને બુદ્ધિ ઈમોશનલ કરે.

જ્ઞાન શું કહે છે ? મોશનમાં રહો, ઈમોશનલ ના થાવ. બધું મોશનમાં જ શોભે. ઈમોશનલ થયું કે નકામું. ઈમોશનલ બહુ નુકસાનકર્તા છે. જે બુદ્ધિ પોતાનું નુકસાન કરે છે એ બુદ્ધિને માટે વાંધો કહું છું. જે બુદ્ધિ ઈમોશનલ કરાવે છે, મોશનમાં રહેવા દેતી નથી, મોશનમાંથી ઈમોશનલમાં લઈ જાય છે એ બુદ્ધિને માટે કહું છું.

આપણે એમને પૂછયું હોય કે, 'ક્યાં જાવ છો ?' ત્યારે કહે, 'નાટક જોવા'. ત્યારે નાટકનો અર્થ જ ન ટકે, એનું નામ નાટક. અરે, એ તો તું જાણતો હતો, તોય છે તે ત્યાં આગળ આટલો બધો ઈમોશનલ થઈ ગયો ? અને ઈમોશનલ થયો તો એને પૂછવું અંદર ખાનગીમાં જઈને કે 'હે ભર્તૃહરિ ! તમે સાચું રડતા હતા ?' ત્યારે એ કહે, 'ના ભઈ, જો અભિનય ના કરું તો મારો પગાર કાપી લે.' એટલે ચાર જણા ભાગી ગયા, તે હજુ પાછા નથી આવ્યા. બાકી, ઈમોશનલ થવા જેવું જગત જ નથી. ઈમોશનલ થઈ જવું એ આ મન-વચન-કાયાનો સ્વભાવ છે. પણ આપણે શું કરવું કે મોશનમાં રહેવું, તેમ પ્રયત્ન કરવો. આ મન-વચન-કાયાનો સ્વભાવ શું છે ? ઈમોશનલપણું. અને આપણી શું ખેંચ છે ? મોશનમાં રાખવું. એટલે નોર્માલિટી આવી જશે. અને આ તો એય ઈમોશનલ ને આપણેય ઈમોશનલ થયા, તો શું થાય પછી ? ગાડી નીચે પડતું નાખે.

રૂમમાં સાપ પેઠાનું પેલા લોકોને જ્ઞાન નથી, તેથી તેમને ઊંઘ આવે છે અને તમને સાપ પેઠાનું જ્ઞાન થયું છે, તે ક્યારે ઊંઘ આવે તમને ? સાપ નીકળ્યાનું પાછું જ્ઞાન થાય ત્યારે. આ ક્યારે પાર આવે ? સાપ નીકળે ક્યારે ને ઊંઘે ક્યારે ? એટલે આ બધું તેથી ઈમોશનલ થઈ જાય છે. એટલે આ બુદ્ધિ ઈમોશનલ કરે છે. અહમ્ નથી કરતો. અહમ્ તો બિચારો સારો છે. તે આ બુદ્ધિનાં બધાં કારસ્તાન છે. તમારે વકીલોમાં બુદ્ધિ ઓછી હોયને જરા ?

એટલે બુદ્ધિ હેરાન કરે છે બધું. ઈમોશનલ એ જ કરે છે. એ બુદ્ધિ હોય ને, એ ઉદ્વેગ લાવે. અલ્યા ભાઈ, વેગમાંથી ઉદ્વેગમાં શું કરવા લાવ્યા ?

નીરખો 'હર પળ' મોશનમાં !

પ્રશ્શનકર્તા : ઈમોશનલ ના થવાય એના માટે શું કરવું ?

દાદાશ્રી : તમને નથી ગમતું ઈમોશનલ થવાનું ?

પ્રશ્શનકર્તા : કોઈને ના ગમે, પણ થઈ જવાય.

દાદાશ્રી : કોઈને ના ગમે, નહીં ? તમારે મોશનમાં આવવાની ઇચ્છા ખરી ? હવે મોશનમાં ક્યારે રહેવાય કે બુદ્ધિ જાય ત્યારે. ત્યાં સુધી મોશનમાં રહેવાતું નથી. બુદ્ધિ ઈમોશનલ કર્યા વગર રહે નહીં, ઈમોશનલ કરે જ ને ! બુદ્ધિવાળા ઈમોશનલ હોય.

હવે તમે મારી જોડે સત્સંગમાં બેસો તો તમારી જે આ બુદ્ધિ છે ને, તે વિપરીત બુદ્ધિ છે, તે સમ્યક થાય. તમે મારી જોડે બેસો, વાત સાંભળ સાંભળ કરો તો આની આ જ બુદ્ધિ ફેરફાર થઈ જાય, સમ્યક થાય અને સમ્યક થઈ એટલે પછી ઈમોશનલ ના કરે. અને અમારામાં તો બુદ્ધિ નહી ને ! બુદ્ધિ હોય તો ઈમોશનલ કરે ને ?

અમે ઘડીવારેય ઈમોશનલ ના થઈએ. ચોવીસ કલાકમાં કોઈ ક્ષણ અમે ઈમોશનલ ના થઈએ. આ નિરંતર ચોવીસ કલાક જોડે રહે, પણ ઈમોશનલ નહીં જુએ. અમે કાયમ મોશનમાં હોઈએ. એટલે જ્યારે તમારે ફોટા લેવા હોય ને, ગમે ત્યારે, અમે સંડાસમાં બેઠાં હોય તો ફોટો એવો ને એવો જ આવે. ખાતાં હોય તોય એવો ફોટો આવે. કો'કની જોડે લડીએને તોય ફોટો એવો આવે. કારણ કે મોશનમાં હોઈએ. ઈમોશનલ બુદ્ધિ નહીં ને ! અમારી બુદ્ધિ તો ખલાસ થઈ ગયેલી.

સેન્સિટિવ કરાવનારી નારી એ !

બુદ્ધિ એ સેન્સિટિવ (રઘવાટ) કરનારી છે. તને સેન્સિટિવ કરે છે કે નથી કરતી ? આખા જગતને સેન્સિટિવ કરે. સેન્સિટિવનેસ તેં જોયેલી ? સેન્સિટિવનેસ એટલે ?

પ્રશ્શનકર્તા : વીકનેસ ઓફ માઈન્ડ (મનની નબળાઈ).

દાદાશ્રી : વીકનેસ ઓફ માઈન્ડ નથી એ. એ સેન્સની વીકનેસ છે, એ બુદ્ધિની વીકનેસ છે. એ વીકનેસ સેન્સિટિવ બનાવે. તે રઘવાયો રઘવાયો રઘવાયો થઈ જાય ને કશું ભાન ના રહે.

પ્રશ્શનકર્તા : આ સેન્સિટિવ એ જ ઈમોશનલ ?

દાદાશ્રી : એ ઈમોશનલ બધું. બધા એના જ પર્યાયો છે. પણ શબ્દ જુદા છે ને, એટલે એના પર્યાયમાં થોડો ફેર હોય પણ મૂળ ત્યાં જ જાય. સ્થૂળ અર્થમાં ત્યાં જ જાય અને સેન્સિટિવ સ્વભાવ કોઈ દહાડો સ્થિર ના થવા દે. અકળામણમાં ને અકળામણમાં રાખે. મોક્ષમાં ના જવા દે અને બુદ્ધિ જેમ જેમ ઓછી થાય તેમ નિરાકુળતા આવતી જાય, અકળામણ ઓછી થતી જાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23