ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

ખંડ : ૪

ચિત્ત

(૧)

ચિત્તનો સ્વભાવ

ભટકામણ કોની ?

નિવેડો લાવવો પડશે કે નહીં લાવવો પડે ? કો'ક દહાડો તો આનો નિવેડો લાવવો પડશે ને ? ક્યાં સુધી આમ ભટક ભટક ભટક કરવાનું. થાકી થાકીને લોથ થઈ ગયો તોય ભટકવાનો અંત આવ્યો નહીં. તે આ અંત આવે. દાદાએ અંત ખોળી કાઢ્યો છે, ભટકવાનો એન્ડ ખોળી કાઢ્યો છે. તો આપણો અંત આવે. પણ એ જ રખડતો હોય તો આપણો અંત ક્યારે લાવી આપે ? તે આ રખડતા માણસોએ રખડાવી માર્યા. પણ હવે અંતવાળા આવ્યા હોય તો અંત તો લાવે ને આપણો ? તમે એવું નક્કી કર્યું છે ને ? અંત લાવવાનું નક્કી કર્યું છે ને ?

પ્રશ્શનકર્તા : એ નિશ્ચયથી જ દાદા પાસે આવ્યા છીએ. પણ હવે ભટકામણનો અંત લાવવાનું સાધન, એ તો મન છે. શરીર ભટકતું બંધ થાય નહીં પણ મન ભટકે છે, એનું ભટકવાનું બંધ કરવાનું કંઈ સાધન છે ?

દાદાશ્રી : એ તો આપણા લોકોનામાં સહેજ ભૂલ થાય છે. આપણા હિન્દુસ્તાનના ઘણા લોકો કહે છે કે, 'મારું મન બહાર ભટક્યા કરે છે ! મેં કહ્યું, 'એ તો ભેંસને ગાય કહેવા બરોબર છે વાત તારી !' તને સમજણ ના પડતી હોય ને તું ભેંસને ગાય કહે, માટે એ કંઈ ગાય થઈ ગઈ ? આવી ભૂલ કરે તે ચલાવી લેવાય, ભેંસને ગાય કહેતો હોય તો ? તો આ લોકો કેમ કહે છે કે, 'મારું માઈન્ડ ભટકે છે ?' ભટકતું હશે કોઈનું માઈન્ડ ? આપણા લોક તો શું કહે કે 'મારું મન ન્યુ જર્સી જઈ આવ્યું.' અલ્યા, આ શરીરમાંથી બહાર નીકળે નહિ, એનું નામ મન કહેવાય.

એટલે શરીરની બહાર કોણ નીકળે છે તે આપને કહું, ચિત્ત છે એ બહાર નીકળી જાય, અંદરેય ભટકે. અહીં પગે વાગ્યું તો ચિત્ત ત્યાં દોડધામ કરી મેલે અને બહારેય ભટકે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, એમાં ચિત્ત એકલું જ ભટકતી વસ્તુ છે. બીજું કોઈ બહાર ભટકવા જાય નહીં. આ લબાડમાં લબાડ ચિત્ત છે. કોઈનું માને કરે નહીં ને બહાર ભટક ભટક કર્યા કરે. શું એના બાપે દાટ્યું છે કે ભટક ભટક કરે, પણ ટેવ પડી ગયેલી એને. જેમ એક છોકરાને રખડવાની ટેવ હોય તેમ આને પણ રખડવાની ટેવ પડેલી. આપણને સાચવતાં ના આવડ્યું ત્યારે રખડવાની ટેવ પડી ગયેલી ને ? સારી જગ્યાએય જાય ને ખોટી જગ્યાએય જાય. ક્યાં જાય, એનું કશું ઠેકાણું જ નહીં. મંદિરમાં જતું રહે, નહીં તો સ્મશાનમાં હઉ જઈ આવે. એ અશુદ્ધ ચિત્ત કહેવાય. આ જગતના લોકોને અશુદ્ધ ચિત્ત હોય.

ચિત્તને ભટકવામાં સહાય કોની ?

પ્રશ્શનકર્તા : ચિત્ત એકલું કામ કરે કે મન દોડે જોડે ?

દાદાશ્રી : ના, ના, ચિત્ત એકલું જ કામ કરે. આમ રખડીને સૂઈ ગયા હોય ને, તો તે ઘડીએય ચિત્ત તો ઘણું કામ કરે. ક્યાં ક્યાં સુધી જઈ આવે ? આફ્રિકા જાય ને દુનિયામાં બધે જઈ આવે.

પ્રશ્શનકર્તા : અમુક દશાએ પહોંચે તો જ ચિત્ત એકલું કામ કરે ને ?

દાદાશ્રી : ના, એવું કશું નહીં. એવો યોગ હોય તો એકલુંય કામ કરે.

પ્રશ્શનકર્તા : અજ્ઞાનીને હઉ ?

દાદાશ્રી : બધાને. જ્યાં સુધી અશુદ્ધ છે, ત્યાં સુધી ભટક ભટક કરે. અરે, મહેફીલ કોઈ જગ્યાએ થતી હોય ને ત્યાં હઉ જઈ આવે. ત્યાં આગળ ટેબલ ઉપર બ્રાંડી હઉ જોઈ આવે. કહેવું પડે ! ચિત્તની શક્તિઓ બહુ ભારે. તેથી લોકો કંટાળી જાય છે ને ? આ મન એટલું બધું હેરાન નથી કરતું લોકોને, એટલું ચિત્ત હેરાન કરે છે.

પ્રશ્શનકર્તા : પહેલી મનની સ્ફૂરણા થાય, પછી ચિત્ત ભટકવા માંડે ?

દાદાશ્રી : મનને અને એને લેવાદેવા નથી. ચિત્તનો સ્વભાવ જ ભટકવાનો છે. ચિત્ત ભટકે તેનો કંઈ પાર જ ના આવે. તેથી માણસ બધો બગડી જાય. જેનું ચિત્ત ભટકેલ થઈ ગયું, એટલે માણસ ખલાસ થઈ ગયો.

પ્રશ્શનકર્તા : હવે ચિત્ત ભટકે, તેમાં અહંકાર પણ ભળે ત્યારે જ ભટકે ને કે અહંકાર ભળ્યા વગર ભટક્યા કરે ?

દાદાશ્રી : અહંકાર ભળે કે ના ભળે, તેનો કંઈ સવાલ નથી. ચિત્તનો સ્વભાવ ભટકવાનો. જ્યાં સુધી અશુદ્ધ છે ને, ત્યાં સુધી ભટક ભટક ભટક કરવાનું. આખા જગતના લોકોનું ચિત્ત ભટકે છે. લોકો કહે છે ને કે, 'મારું મન આમ જાય છે, તેમ જાય છે.' એવું કશું છે જ નહીં.

એ ચિત્ત ગમે ત્યાં જઈ શકે, બધે ફરી આવે. અહીંથી અમેરિકા જવું હોય તો ટિકિટ નહીં લેવાની, ખુદાબક્ષ ! જ્યાં જવું હોય ત્યાં જવાનું, એવું ચિત્ત છે !

મન તો ગમે તેવું હોય. જેટલું મનથી તમે દૂર રહ્યા, મનમાં એકાકાર, એકાત્મિક ના થયા એટલે છૂટી ગયું. પણ ચિત્ત તો ભટક ભટક કરવાનું છોડે જ નહીં ને ?

ચિત્ત આમ કાર્યાન્વિત !

એ ક્યાં ક્યાં ભટકી આવે ? સેફસાઈડ (સલામત) જગ્યાએ કે અનસેફ (અસલામત)માં જાય ?

પ્રશ્શનકર્તા : બન્ને સાઈડ (બાજુ) જાય.

દાદાશ્રી : હા, તું જે ઓફીસમાં બેસતો હોય, એ ત્યાં આગળ જઈને પાછું ટેબલ, ખુરશી બધું જોઈ આવે. એની ઉપર કાગળ મૂકેલા હઉ દેખાય. પ્યુન હઉ દેખાય. ત્યાં આગળ બીજો પોતાનો ઓળખાણવાળો બેઠો હોય તેને જોઈ આવે. બધું જોઈ આવે.

પ્રશ્શનકર્તા : હમણાં મેં વિચાર કર્યો ને ઘાટકોપર પહોંચી ગયો, તે કેટલી ઝડપ છે ?

દાદાશ્રી : એ ચિત્તની ઝડપ છે. ત્યાં આગળ એ જોઈ આવે છે. અને ત્યાં જઈને એમની રૂમ જોઈ આવે, રસોડામાં બધી વસ્તુ જોઈ આવે. રસોડામાં ત્યાં આગળ શું કરતા હોય તે દેખાય તમને. છોકરાનું મોઢું-બોઢું બધું દેખાય. અહીં બેઠા બેઠા દેખાય કે ના દેખાય ? બધું એક્ઝેક્ટ (જેમ છે તેમ) જ દેખાય. એટલે ચિત્તને દેખાય બધું. દેશમાં જઈને માબાપને જોઈ આવે. માબાપ દેખાય, વાતોચીતો કરતાં લાગે. ચિત્તને બધું દેખાય, મનને કશું દેખાય-બેખાય નહીં. સ્થળે સ્થળનું દેખાડે એ ચિત્ત. અહીં બેઠા બેઠા મેચ દેખાડે. એ પોતે ત્યાં જઈને ખબર આપે કે આમ ચાલે છે. અને ચિત્ત એવું છે કે એને કોઈ રોકી શકે નહીં, એ ગમ્મે ત્યારે જાય. તે અહીંથી ઠેઠ ડૉક્ટરને દવાખાને જાય. મુકામ હોય જે રૂમમાં, પોતે સૂતો હોય તે ત્યાં આગળ પલંગ જોઈ આવે, બધું જ જોઈ આવે. એવો ને એવો પલંગ, ગોદડાં બધું એક્ઝેક્ટ દેખાય અને તરત પાછોય આવે. એ મન નથી, એ ચિત્ત છે.

ચિત્તનો સ્વભાવ !

હવે ચિત્તનો ધંધો શો ? જ્યાં જ્યાં કનેક્શન (સાંધો) હોય ત્યાં ભટકવું, એ એનો ધંધો.

ચિત્ત ચૈતન્ય છે, વ્યવહાર ચૈતન્ય છે. એટલે એને દેખાય બધું ત્યાં આગળ. લોકોની જોડે વાતો કરતા હોય તેય દેખાય. અમેરિકા જઈ આવ્યા હોય તોય એ જઈ આવે. ત્યારે એને ક્યાં પૈસા-ભાડું ખર્ચવાનું છે ? તમે તો અમેરિકા નહીં ગયા હો ને ? પહેલાં ગયેલા ? ન્યૂયોર્ક ગયેલા ને, તો ત્યાં ચિત્ત જઈ આવે. એ જોયા સિવાય ન દોડે.

પ્રશ્શનકર્તા : પહેલાં કંઈ આવું જોયું હશે, ત્યારે જ એ જોઈ આવ્યું ને ?

દાદાશ્રી : હા, જોયેલું છે એ જોઈ શકે, એ ચિત્ત !

પ્રશ્શનકર્તા : આજકાલ તો ફિલ્મોમાં ન્યૂયોર્ક જોઈએ છીએ ને ?

દાદાશ્રી : એમાં છે તે કાગળ ઉપર ફોટો હોય, એ દેખાડે ને ફિલ્મમાં દેખાડે, એ બે સરખું જ છે. પણ તે નહીં, ચિત્ત તો અસલ જાતે ગયેલા હોય ને, ત્યાં આપણા પગ પડેલા હોય ને, ત્યાં બધે ચિત્ત ફરી આવે.

પ્રશ્શનકર્તા : દાદા, ચિત્ત જે વસ્તુ દેખાડે તે જોયેલી હોય એ જ દેખાડે ?

દાદાશ્રી : એ તો આ ભવમાં ના જોઈ હોય ને ગયા અવતારની જોયેલી દેખાડે.

પ્રશ્શનકર્તા : તો અમને મહાવિદેહ ક્ષેત્ર દેખાય ખરું ?

દાદાશ્રી : બધુંય દેખાય, ત્યાં ફરેલા હોય તો. જ્યાં જ્યાં જઈ આવ્યું હોય ને, ત્યાં ત્યાં ફરી ફરી ફેરો માર માર કરે. એ સ્પેશિયલ, ચિત્તનું જ કામ છે. તમને અનુભવમાં આવતું હશે ને ? એવું કોઈ જગ્યાએ જોઈ આવે છે ફરી ? અહીં બેઠા હોય તોય ? એ ક્રિયા ચિત્તની છે, એ મનની ક્રિયા નથી. જે જગ્યાની એને ટેવ પડી ગઈ છે ને, તે જગ્યાએ દોડધામ કરે. એટલે બીજે બધે ના ફરે. જે બજારોમાં ફરી આવ્યું છે, એ બજારમાં જઈ આવે. જે બજાર જોયાં જ નથી ત્યાં નથી જતું અને જે બજારથી કંટાળી ગયું ત્યાંય નથી જતું. કંટાળી ગયેલાં બજાર બધાં બહુ છે, તેમાં કંઈ જતું જ નથી. આપણે કહીએ, 'ત્યાં જા ને.' ત્યારે કહે, 'ના.' લોકો મન અને ચિત્તના ભેદ સમજતા જ નથી. હિન્દુસ્તાનના લોકો પૂરેપૂરો ભેદ સમજ્યા જ નથી. એકલા ચિત્તની ઓળખાણ પડે તો બધું કામ નીકળી જાય.

તત્ત્વ સ્વરૂપ, ચિત્તનું !

પ્રશ્શનકર્તા : ચિત્ત તત્ત્વ સ્વરૂપે શું છે ?

દાદાશ્રી : લોકો કેટલાય હજારો વર્ષથી ચિત્ત શબ્દને ભૂલી ગયા. એ સમજતા જ નથી. ચિત્ત તો કોઇ સમજ્યું જ નથી. આ હિન્દુસ્તાનમાં કોઈ માણસ એવો નથી કે ચિત્તને સમજ્યો હોય. ચિત્તને સમજે તો તો કામ થઈ જાય ને ? બધા મનને જ ચિત્ત કહે છે.

પ્રશ્શનકર્તા : આ ચિત્તનો અર્થ દરેકે પોતાની સમજ પ્રમાણે કર્યો છે. ચિત્તનો સાચો અર્થ શું ?

દાદાશ્રી : ચિત્તના અર્થનું કોઈને ભાન જ નથી. ચિત્ત તો વ્યવહારિક ચેતન છે. વ્યવહારમાં ચેતન હોય તો આ ચિત્ત જ છે.

પ્રશ્શનકર્તા : મૂળ સ્વરૂપે ચિત્ત એ તો ચેતન છે ને ?

દાદાશ્રી : એ અશુદ્ધ છે એટલે વ્યવહારિક ચેતન કહેવાય છે, એ બહુ કામ આપનારી વસ્તુ છે.

પ્રશ્શનકર્તા : મનનાં કરતાં ચિત્તની સ્થિતિ બહુ ઊંચી ?

દાદાશ્રી : ઘણી ઊંચી. મનમાં જરાય ચેતન નથી. મનમાં જો પોતે તન્મયાકાર થાય તો જ મનની અસર થાય, એને અડે નહીં તો મન કશુંય નડે નહીં.

પ્રશ્શનકર્તા : સત્, ચિત્ અને આનંદ કહ્યું તેમાં અને મન-વચન-કાયા- ચિત્ત, બુદ્ધિ, અહંકાર, આ બધામાં ચિત્તને જ આટલું બધું મહત્વ કેમ આપ્યું ?

દાદાશ્રી : ચિત્ત એ મિકેનિકલ ચેતન છે. એટલે એમાં ચેતન ચાર્જ થયેલું છે અને ચેતન ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. મિકેનિકલ ચેતન એટલે ચેતનનું અંશ થતું નથી, પણ પાવર ચેતન કહેવાય. કોઈ ચાવી આપેલી ગાડી હોય, એમાં આપણે ચાવી આપીએ એટલે પાવર પૂર્યો હોય, શક્તિ મૂકી હોય એટલે પછી એ ગાડી પોતે એની મેળે ચાલે ને ? એવી રીતે આ છે.

પ્રશ્શનકર્તા : તો પછી ચિત્ત જડ કહેવાય કે ચૈતન્ય ?

દાદાશ્રી : એ પાવર ચેતન છે, મૂળ દરઅસલ ચેતન નથી. આત્મા એ મૂળ ચેતન છે. એના આધારે આ બધું આમાં ચેતન ભરાય છે, પાવર ચેતન. એના આધારે એટલે આત્માની હાજરીથી. એ ના હોય તો ના થાય.

પ્રશ્શનકર્તા : નરસિંહ મહેતાએ કેમ કીધું કે, 'ચિત્ત ચૈતન્ય વૈરાગ્ય તદ્રૂપ છે ?'

દાદાશ્રી : ચૈતન્ય એટલે કેવું ? એના એક્ઝેક્ટ (યથાર્થ) ફોડ નથી પડ્યા એટલે લોક ગૂંચાય છે. ચૈતન્ય એટલે પાવર ચૈતન્ય છે. પાવર ચૈતન્ય એટલે હું તમને સમજાવું કે બેટરી હોય છે, તેની મહીં સેલ હોય છે. એમાં શું હોય છે ? પાવર ભરેલો હોય છે. એટલે આપણે સ્વીચ દબાવીએ એટલે લાઈટ થાય. પાવર ખલાસ થાય ત્યારે શું થાય ?

પ્રશ્શનકર્તા : લાઈટ બંધ.

દાદાશ્રી : સેલમાં કશું બગડ્યું જ ના હોય. સેલ તો એવો ને એવો જ હોય, પાવર વપરાઈ ગયો. એવા આ મન-વચન-કાયા સેલ છે. મહીં પાવર ભરેલો છે, એ વપરાઈ જાય છે. તદ્દન સત્ય ચેતન નથી એ. સત્ય ચેતન કોઈ પણ જાતની ક્રિયા કરી શકે નહીં.

પ્રશ્શનકર્તા : એનો અર્થ એ થયો કે પાવર એને આત્માથી મળે છે ?

દાદાશ્રી : પાવરને જ આત્મા માન્યો છે આ બધા લોકોએ, એ ભૂલ થઈ છે, મૂળ વસ્તુને નહીં ઓળખવાથી. અને આ બધું ફરતું દેખાય છે, એટલે આને ચેતન માન્યું. પણ આ ન હોય ચેતન. આમાં એક અંશ પણ સાચું ચેતન નથી.

પ્રશ્શનકર્તા : જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આ દેહની પ્રવૃત્તિ છે ?

દાદાશ્રી : આત્મા હોય તો જ દેહ પ્રવૃત્તિશીલ હોય, નહીં તો ના હોય.

પ્રશ્શનકર્તા : એમનો પાવર છે તે આત્માથી લેવામાં આવે છે ?

દાદાશ્રી : આત્માથી પ્રગટ થાય છે. લેવામાં એટલે એ આપતું નથી, લેતું નથી, એની હાજરીમાં પ્રગટ થાય છે. જેમ આ દરિયો હોય છે એ વરાળ કાઢે, સૂર્યની હાજરીમાં. એટલે આ તો એક નિમિત્ત જ છે ખાલી, બે ભેગા થયાનું. અને રોંગ બિલીફ છે તમારી. 'હું ચંદુભાઈ છું' એ રોંગ બિલીફ છે. એ રોંગ બિલીફ છૂટી ગઈ એટલે તમે જે છો એમાં આવી ગયા. એટલે ખલાસ થઈ ગયું આખું કામ !

આ અહીં આગળ પેલું લોહચુંબક હોય, લોહચુંબકનો ટુકડો મૂક્યો હોય અને અહીં ટાંકણી હોય, તે આમ આમ ફેરવીએ તો ટાંકણી હાલે કે ના હાલે ? એવી રીતે ચિત્ત આત્માના લોહચુંબકના ગુણથી હાલ્યા કરે છે. લોહચુંબક ગુણ એ સ્વાભાવિક ગુણ છે. એ ચિત્ત ચૈતન્યમય થયું છે. પણ ચૈતન્યમય કેટલીવાર ? આ પેલાં લોહચુંબકને લઈને હાલે છે. એ ચિત્તને શુદ્ધ કરવાનું છે.

 

(૨)

ચિત્ત = જ્ઞાન + દર્શન

વિશેષ સમજણ, ચિત્તની...

પ્રશ્શનકર્તા : આપને જ્યારે જ્ઞાનનો ઉદય થયો સુરતમાં, ત્યારે આપની ચિત્તની અવસ્થા કેવી હતી ?

દાદાશ્રી : ચિત્ત અને આ જ્ઞાન એકાકાર થઈ ગયેલું. ચિત્ત એટલે શું ? આપણા લોકો ચિત્તને પૂરેપૂરું જે રીતે સમજવું જોઈએ તે રીતે એને ગુણથી સમજતા નથી. ચિત્તને શું સમજે છે આપણા લોકો મને કહો તમે.

પ્રશ્શનકર્તા : જેને કોન્શિયસ (જાગૃતિ) કહીએ આપણે.

દાદાશ્રી : હા, એટલે શું પણ ? ગુજરાતીમાં એને શું કહેવાય ?

પ્રશ્શનકર્તા : આંતર્ચેતના અથવા તો તળપદી શબ્દ આંતર્સૂઝ કહીએ આપણે.

દાદાશ્રી : આંતર્સૂઝ, એ સૂઝ જુદી છે અને ચિત્ત જુદું છે. હું સમજાવું ચિત્ત એટલે.

પ્રશ્શનકર્તા : મન અને આત્માની વચ્ચેની જે સ્થિતિ છે એ ચિત્ત ?

દાદાશ્રી : ના. આત્માનો જે આવરાયેલો ભાગ છે, એને ચિત્ત કહે છે. તે હું આવરાયેલો ભાગ કાઢી નાખું છું. એટલે ચિત્ત શુદ્ધ થાય છે. એટલે આત્મા ને ચિત્ત એકાકાર થઈ જાય. આ ભૂલો ક્યાં સુધી છે કે આવરાયેલો છે ત્યાં સુધી.

પ્રશ્શનકર્તા : ચિત્તનો કંટ્રોલ (કાબૂ) કોણ કરી શકે ?

દાદાશ્રી : ચિત્તનો કંટ્રોલ કરવાની જરૂર નથી.

પ્રશ્શનકર્તા : એ કેવી રીતે ગમે ત્યાં ભટકે ?

દાદાશ્રી : ચિત્ત તો એની અશુદ્ધતાને લઈને ભટકે છે.

પ્રશ્શનકર્તા : ચિત્ત બહાર ના ભટકે તેના માટે શું કરવું ?

દાદાશ્રી : ચિત્તને શુદ્ધ કરાવવું પડે. એટલે એ ચિત્તને જરા ચોખ્ખું કરવાનું છે. ચિત્ત શુદ્ધ થાય એટલે ભટકે નહીં.

હવે ચિત્ત એનું કાર્ય શું છે ? આપને જે સમજમાં હોય ને, તે મને કહો. લોકોની સમજ જુદી જુદી હોય. દરેકની ભાષા જુદી હોય. બોલે ખરા બધાય ચિત્ત, પણ સહુ સહુની ભાષામાં બોલે. પણ જ્ઞાની પુરુષની ભાષા જોઈએ. જે સમજ્યા હોય તે બોલે ને, તો વાંધો નહીં. હું પછી ફોડ આપું તમને.

પ્રશ્શનકર્તા : આપ જે કહી રહ્યા છો, એ કદાચ ચૈતન્યની વાત છે અને આ ચિત્તની જે વાત છે, એ અહંકારનું આખુંય કાર્યક્ષેત્ર એ ચિત્તનું છે.

દાદાશ્રી : એવું છે ને, ચિત્ત એવી વસ્તુ છે કે દરેક જીવને જ્ઞાન-દર્શન બે હોય છે. દર્શન એ સૂઝ રીતે હોય છે. મહીં દરેકને સૂઝ પડે ને ? જાનવરનેય સૂઝ પડે, એ દર્શન કહેવાય અને પછી વિવેકથી સમજે ત્યારે એને જ્ઞાન કહેવાય. તે જ્ઞાન-દર્શન મનુષ્યોને હોય છે, જીવમાત્રને હોય છે. તે જ્યાં સુધી અધૂરું છે ત્યાં સુધી ચિત્ત કહેવાય છે અને જ્ઞાન-દર્શન સંપૂર્ણ શુદ્ધ થયું એનું નામ શુદ્ધ ચિદ્રૂપ, એનો એ જ શુદ્ધાત્મા કહેવાય.

હવે અહીં બેઠા તમારી ઓફિસમાં જઈ આવે અને ત્યાં તમારો ફ્રેન્ડ બેઠો હોય, તે દેખાય ને ? એ ચિત્તના થકી દેખાય છે, પણ તે આ અશુદ્ધ જ્ઞાન-દર્શનથી દેખાય છે. અશુદ્ધ શાથી કે અહંકાર સહિત છે. જ્યારે એ જ નિર્અહંકાર થશે અને શુદ્ધ ચિત્ત થશે. શુદ્ધ ચિત્ત ને નિર્અહંકાર એ છેલ્લી દશા !

એટલે ચિત્ત આ બે શબ્દનું બનેલું છે. જ્ઞાન અને દર્શન બે ભેગાં કરે એનું નામ ચિત્ત. એ અશુદ્ધિને લઈને અશુદ્ધ જ્ઞાન-દર્શન. એ શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન-દર્શન. અશુદ્ધ જ્ઞાન-દર્શન એટલે શું કે, 'હું ચંદુભાઈ છું, આ બાઈનો ધણી છું, આ છોકરાનો બાપ થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, ફૂવો થઉં', એ અશુદ્ધ ચિત્ત છે.

પ્રશ્શનકર્તા : ચિદ્ અને ચિત્ત એ બે શબ્દોમાં ફેર છે ?

દાદાશ્રી : ચિદ્ જે લખે છે ને, એ જ ચિત્ત છે. શુદ્ધ ચિદ્રૂપ જ શબ્દ લખેલો હોય છે ને, એ જ આમાં પાછું ચિત્ત ગણાય છે. આપણા લોકો એને ચિત્ કહે છે. એ ચિદ્ એટલે શું ? અજ્ઞાન + અદર્શન. જ્ઞાનેય 'અ' અને દર્શનેય 'અ'. વિશેષ જ્ઞાન + વિશેષ દર્શન તેને ચિત્ત કહે છે. એ શુદ્ધ ચિત્ત થયું એને આત્મા કહેવાય. આ જે મેલું, અશુદ્ધ ચિત્ત છે, એ સંસાર કહેવાય. એને અજ્ઞા કહીએ છીએ આપણે અને પેલું પ્રજ્ઞાની શરૂઆત થઈ જાય.

ચિત્ત એટલે લોકો મન સમજે છે એને. એ તો જ્ઞાન-દર્શન છે. જ્ઞાન-દર્શનનું મિક્ષ્ચર એ ચિત્ત. હવે બોલો, ત્યાં આગળ બીજું બધું આડુંઅવળું આરોપે તો શું થાય ?

એ છે જ્ઞાન-દર્શન...

પ્રશ્શનકર્તા : બુદ્ધિ એ જ્ઞાન ને દર્શન છે ને ?

દાદાશ્રી : ના, આ ચિત્ત છે ને, તે જ્ઞાન ને દર્શન ભેગું છે. સાંસારિક જ્ઞાન-દર્શન છે, એને અશુદ્ધ ચિત્ત કહેવાય છે અને આત્માનું જ્ઞાન-દર્શન છે, એને શુદ્ધ ચિત્ત કહેવામાં આવે છે. એટલે ચિત્તશુદ્ધિ કરવી એટલે જ્ઞાન-દર્શન શુદ્ધિ કરવાની. જ્ઞાન-દર્શન શુદ્ધ કરવા માટે તમે પૂછો છો. હવે આમ પેલું ચિત્ત જુદું જાણે તો પછી એવંુ સમજે કે આ તો જ્ઞાન-દર્શન શુદ્ધ કરીએ છીએ, પણ પેલું ચિત્ત તો શુદ્ધ કરવાનું રહ્યું ને ? પણ ના, ચિત્ત એટલે જ જ્ઞાન-દર્શન ! જ્ઞાન-દર્શન શુદ્ધ થયું એટલે ચિત્ત શુદ્ધ થઈ જ જાય !

કોઈ જગ્યાએ જુએ, જાણી આવે, એનું નામ ચિત્ત. જોવાનું ને જાણવાનું કામ કરી આવે.

પ્રશ્શનકર્તા : એ ચિત્તમાં દર્શન-જ્ઞાન છે કે જ્ઞાન-દર્શન છે ?

દાદાશ્રી : જ્ઞાન-દર્શન બે ભેગું થાય ત્યારે ચિત્ત કહેવાય.

પ્રશ્શનકર્તા : હા, પણ એ જ્ઞાન-દર્શન કે દર્શન-જ્ઞાન ?

દાદાશ્રી : એ તો બે, જે તમારે એડોપ્ટ (સ્વીકાર) કરવું હોય તેનો વાંધો નથી.

પ્રશ્શનકર્તા : પણ આપણે તો જ્યારે શબ્દ વાપરીએ કે જ્ઞાન અને દર્શન.

દાદાશ્રી : મૂળ જ્ઞાન-દર્શન. એ તો આપણે દર્શન-જ્ઞાન કહીએ, તે તો આપણા અક્રમના આધારે. બાકી, મૂળ જે ચિત્ત છે એ જ્ઞાન-દર્શન.

પ્રશ્શનકર્તા : તો પછી જ્ઞાન અને ચિત્તમાં ફરક શો રહે છે ?

દાદાશ્રી : ચિત્તમાં જ્ઞાન અને દર્શન બે ભેગું હોય. પેલું જ્ઞાન, એ જ્ઞાન એકલું જ હોય. આપણી ઓફિસમાં ચિત્ત જાય ને ત્યાંની ખુરશીઓ, ટેબલો બધું એક્ઝેક્ટ જુએ, પછી બીજી કેટલીક વસ્તુઓ કંઈક છે એવો ભાસ થવો, પણ એક્ઝેક્ટલી ના દેખાય ઝાંખી દેખે એ દર્શન છે અને એ એક્ઝેક્ટ દેખાય છે એ જ્ઞાન છે, એનું નામ ચિત્ત. આ વાત પબ્લિકને ખબર નથી. એ તો 'જ્ઞાની પુરુષ' જ જાણે.

પ્રશ્શનકર્તા : એટલે ચિત્ત છે તે એને આપણે અરીસા જેવું કહી શકીએ ?

દાદાશ્રી : અરીસો જ જોઈ લો ને ? ઝાંખો હોય ત્યારે દર્શન કહેવાય છે ને ફૂલ (પૂર્ણ) હોય ત્યારે જ્ઞાન કહેવાય છે. ઝાંઝવું લાગતું હોય ને ત્યારે દર્શન કહેવાય ને ક્લીયર (સ્પષ્ટ) દેખાતું હોય ત્યારે જ્ઞાન કહેવાય.

પ્રશ્શનકર્તા : ચિત્તમાં જો જ્ઞાન-દર્શન હોય, તો ચિત્ત તો ભૂતકાળને ચોંટેલું કહેવાય ?

દાદાશ્રી : ના, મારું કહેવાનું કે જ્ઞાન-દર્શન હંમેશાં વર્તમાનકાળનું જ હોય. કારણ કે ભૂતકાળની વાત વર્તમાનમાં જુએ-જાણે છે ને !

 

(૩)

ચિત્તશુદ્ધિની સામગ્રીઓ

મૂળ દોષ, ચિત્તઅશુદ્ધિનો !

ચિત્તની અશુદ્ધિને લઈને આ જગત ઊભું થયું છે. ચિત્તશુદ્ધિ થઈ જાય કે કામ થઈ ગયું. બસ, એટલું જ છે. ચિત્તઅશુદ્ધિમાં સંસાર અભિમુખ દ્ષ્ટિ છે 'એની.' જેને સાપેક્ષ દ્ષ્ટિ કહે છે. એને લઈને ચિત્તની અશુદ્ધિ છે. નિર્પેક્ષ દ્ષ્ટિ થાય એટલે ચિત્તશુદ્ધિ થઈ જાય.

પ્રશ્શનકર્તા : અશુદ્ધ ચિત્તમાં જે અશુદ્ધિ છે એનું સ્વરૂપ શું ?

દાદાશ્રી : ચિત્ત, એ તો કદી પોતાના સ્વરૂપ ભણી ના વળતાં, બીજી બાજુ જુએ એટલે અશુદ્ધ થઈ જાય. અન્ય દ્ષ્ટિ થઈ કે અશુદ્ધ કહેવાય. પોતાના સ્વભાવ તરફ જુએ તો શુદ્ધ કહેવાય.

લોકોને ચિત્ત સંસાર દ્ષ્ટિ તરફ જુએ છે. એટલે ક્રોધ-માન-માયા-લોભ બધાં ઊભાં થયાં છે અને એનાથી બહુ દુઃખ પડે છે. પણ એનો ઉપાય જડતો નથી ને ? એટલે એકમાં રાગ કરે, બીજામાં દ્વેષ કરે, જ્યાં આગળ ઉકળાટ થાય ત્યાં દ્વેષ કરે. જ્યાં આગળ ઠંડક વળે ત્યાં રાગ કરે. કારણ કે સ્વભાવ બેઉ છે. શાતા અને અશાતા વેદનીય બેઉ જોડે ને જોડે ચાલ્યા કરે. ઘણી ફેરા અશાતા વધારે હોય, એમ ચાલ્યા કરે. આ દુષમકાળમાં શાતા જરીક જ છે. કો'ક વખત પણ એના આધારે, લાલચે બેસી રહે છે ને, કે હમણે ઠંડક વળશે, હમણે ઠંડક વળશે. 'આવતે વરસ, આવતું વરસ' એમ કહીને કાઢે છે ને ? અશાતામાં કાઢે છે. આશાનો માર્યો ને ? સારા કાળમાં અશાતા ઓછી હોય ને શાતા વધારે હોય. આ દુષમકાળમાં અશાતા વધારે હોય, શાતા ઓછી હોય. આ બધી ચિત્તની જ ભાંજગડ છે. અશુદ્ધ ચિત્ત છે, એની જ ભાંજગડ છે. શુદ્ધ ચિત્ત થવું જોઈએ.

પ્રશ્શનકર્તા : તો શુદ્ધ ચિત્ત અને અશુદ્ધ ચિત્તમાં ફરક શો ?

દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત ઊંધું જુએ છે કે 'આ મારા બાપા થાય ને આ કાકા થાય. હમણે છોકરા જોડે મને ગમતું નથી' એમ કહે. આત્મા એ શુદ્ધ ચિત્ત છે. આ સંસાર એ અશુદ્ધ ચિત્તનું ફળ છે.

પ્રશ્શનકર્તા : પણ એ તો બુદ્ધિ અને જ્ઞાનનો વિષય છે ને ? એમાં ચિત્ત કેવી રીતે આવે ?

દાદાશ્રી : બુદ્ધિની કશી ભાંજગડ નથી. બુદ્ધિ તો છેવટે એન્ડ ઉપર ડિસિઝન લે છે, બીજું કશું કરતી નથી.

પ્રશ્શનકર્તા : 'હું શુદ્ધાત્મા છું' અને 'હું ચંદુભાઈ નથી', એ વસ્તુ તો જ્ઞાનથી જોવાય ને ? એમાં ચિત્ત ક્યાં આવ્યું ?

દાદાશ્રી : 'હું શુદ્ધાત્મા છું' એ જ છે તો શુદ્ધ ચિદ્રૂપ છે. શુદ્ધ ચિદ્રૂપ એનું નામ જ શુદ્ધાત્મા.

પ્રશ્શનકર્તા : આત્મા અને ચિત્તમાં શું તફાવત ?

દાદાશ્રી : આત્મા અને ચિત્તમાં ફેર એટલો જ છે કે ચિત્ત ક્યાં સુધી ? અશુદ્ધતા છે ત્યાં સુધી. જ્યારે ચિત્તમાંથી અશુદ્ધતા ઓછી થતી થતી થતી ૯૯ ટકા શુદ્ધતા થઈ, તોય ત્યાં સુધી અશુદ્ધ ચિત્ત કહેવાય અને સો ટકા થાય એટલે જ્ઞાન કહેવાય, આત્મા કહેવાય. અશુદ્ધ જ્ઞાન-દર્શન છે એ ચિત્ત છે અને શુદ્ધ જ્ઞાન-દર્શન એ આત્મા છે. એટલે આ અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરવાની જરૂર છે.

ચિત્તની અશુદ્ધિથી સંસાર !

આ મારા સસરા થાય, આ મારા મામા થાય, આ મારા ફૂવા થાય, આ મારો દીકરો થાય, આ મારી દીકરી થાય, આ જે જ્ઞાન છે, તે અશુદ્ધ ચિત્તનું જ્ઞાન છે. એ અશુદ્ધ ચિત્ત કહેવાય છે. તેવું તો જ્ઞાનીય બોલે કે આ મારા સસરા છે. જ્ઞાની શું બોલે ? સસરાને મામા કહે ? એય એમ કહે કે આ મારા સસરા થાય, આ મારા ફૂવા થાય, આ મારા મામા થાય, પણ એમને શ્રદ્ધા ના હોય. બોલે ખરા પણ બિલીફ (માન્યતા)માં એવું ના હોય, અને પેલા લોકોને ? એ લોકો જેવું બોલે છે એવું એમની બિલીફમાં છે. અને આ લોકો મહાત્માઓ બોલે છે એવું એમની બિલીફમાં નથી, ખાલી નાટકીય બોલે છે.

મન તો અશુદ્ધ થયેલું જ નથી કોઈ દહાડોય ! એ તો એના સ્વભાવમાં જ છે બિચારું. આ ચિત્તની અશુદ્ધિ થયેલી છે. ચિત્તની અશુદ્ધિ એ સંસાર અને ચિત્તશુદ્ધિ એ મોક્ષ, બસ !

સ્થાનો, ચિત્તને લાંગરવાનાં !

ચિત્ત પોતે જ્ઞાન-દર્શન સ્વરૂપ છે. હવે એ જ જ્ઞાન-દર્શન અશુદ્ધ રૂપે છે અત્યારે. એનું શુદ્ધિકરણ કરો એટલું જ કહેવા માંગે છે આ. રસ્તેસર જવાને માટે શુદ્ધિકરણના રસ્તા છે, પણ લોકો શુદ્ધિકરણના રસ્તા જાણતા નહીં હોવાથી પોતે ફાવે એમ રસ્તાને પકડે છે. એકવાર તો ચિત્તને જ સમજતા નથી. એ વાતો સાંભળીએ તો લાગે કે સાવ ઠોકાઠોક હોય, ત્યાં શી રીતે માણસ વસ્તુને પામે ?

ચિત્ત અશુદ્ધ ક્યાં સુધી છે ? ત્યારે કહે, જગતની એને લાલચો છે, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. એ જ્યારે પોતાના ઘરનું સુખ જુએ છે પછી બહાર નહીં નીકળે. પોતાના ઘરનું સુખ, પોતાના સ્વરૂપનું સુખ જે જુએ છે, પછી એ બહાર ભટકે નહીં.

જગતના લોકો મોહના સુખમાં રાચતા હોય છે, પણ મહીંલી બળતરા તેનાથી કંઈ જાય નહીં. સાંજે છ જણા પત્તાં રમતા હોય, તેમને કહીએ, 'હવે જમવાનો વખત થયો, ઊઠો.' પણ કોઈ હાલે નહીં ! તે શાથી કે પત્તાંમાં સુખ હોય છે ? ના. એ તો ચિત્તને રોકવાનું સ્થાન ઊભું કર્યું છે. આ જગતમાં મનને રોકવાનાં સ્થાન છે, પણ ચિત્તને રોકવાનાં સ્થાન નથી. પત્તાં રમે એમાં ચિત્ત રોકાય, પણ એ સ્લિપરી (લપસાવનાર) છે. એમ કરતાં સ્ટેપ બાય સ્ટેપ (પગથિયે પગથિયે) સ્લિપ થતો (લપસતો) જાય. પછી દારૂ પણ પીવે, એટલે અશુદ્ધ ચિત્ત ક્યારેય રોકાય નહીં. એ તો જ્ઞાની પુરુષ અશુદ્ધ ચિત્તનું શુદ્ધિકરણ કરી આપે, તો રોકાય. અશુદ્ધ ચિત્તની શુદ્ધિ કરવા માટે જગતના બધા ધર્મો ફાંફાં મારી રહ્યા છે. સાબુથી કપડાંનો મેલ કાઢે પણ સાબુ એનો મેલ મૂકતો જાય, એવા રિલેટિવ (વ્યવહાર) ધર્મો છે. પણ છેલ્લે શુદ્ધિ તો જ્ઞાની પુરુષ મળે ત્યારે જ થાય.

તે આ બીજા રસ્તા, આ નીચલા રસ્તા બધા દેખાડેલા. કેટલાક ધર્મોમાં મૂર્તિને આમ ધૂવે, ધોવડાવે ને આમ કરે ને તેમ કરે, એ ચિત્તની શુદ્ધિ માટે છે. એટલો વખત જરા પાંસરો રહ્યો. તે થોડીઘણી શુદ્ધિ થઈ મહીં. પણ એમાં કશુંય એક તલ જેટલુંય ના મળે. આખોય દહાડો કષાય, ગાળો જ ભાંડ્યા કરતો હોય માંહ્યોમાંહ્ય.

પ્રશ્શનકર્તા : એટલો વખત તો એને એકાગ્રતા આવે ને, જ્યાં સુધી સેવામાં હોય ત્યાં સુધી ?

દાદાશ્રી : પણ એટલો વખત એને કરવાનુંય શું તે ? એમાં શું દહાડો વળ્યો આપણો ? શુક્કરવાર શું વળ્યો ? જેનાથી અંતરશાંતિ થાય, જેનાથી કોઈને દુઃખ ના દેવાય, એનું નામ ધર્મ કહેવાય. આ તો દુઃખો દેવામાં પાછો શૂરો.

ચિત્તની મ્યુનિસિપાલિટી કોણ ?

આ સંસાર એવો છે કે નિરંતર ચિત્તની અશુદ્ધિ જ થયા કરે. એટલે આ લોકોએ ધર્મ મૂકેલો કે ધર્મ, ચિત્તની શુદ્ધિ કર્યા કરે. ધર્મ ના હોય તો ચિત્ત અશુદ્ધ થઈ જાય એટલે અધોગતિમાં જતો રહે પછી.

રસ્તામાં કોઈક સામું મળે ને તમને ગાળો દે દે કરે કે આ માણસ ઠેકાણા વગરનો બહુ નાલાયક છે, એવું તેવું બોલે તો શું કહો ?

પ્રશ્શનકર્તા : હવે તો કશું જ કહીએ નહીં ને !

દાદાશ્રી : એટલે તમે તમારું ચિત્ત અશુદ્ધ ના કરો. ચિત્તઅશુદ્ધિનું કારણ આ. એ બોલે છે ને તમે સામું બોલો એ તમારી ચિત્તની અશુદ્ધિ થઈ જાય. પણ તે તમે સામું કશું ના કરો, એટલે ચિત્તની અશુદ્ધિ થાય નહીં.

અશુદ્ધ એકલું ચિત્ત જ થયા કરે છે. એ ચિત્તની જ શુદ્ધિ કરવાની છે. તેને બદલે લોકો શુંનું શુંય શુદ્ધ કરવા માંડ્યા !

પ્રશ્શનકર્તા : ખરી ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા છો ને ? આ જે તમે બોલો છો ને, પ્રશ્શન પૂછો છો ને, તે ચિત્તની શુદ્ધિ કરવા માટે જ પૂછી રહ્યા છો. જેમ શરીરને નદીમાં ઝબોળવાથી શુદ્ધ થાય છે, તેમ સત્સંગમાં ઝબોળ ઝબોળ કરવાથી મન અને ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્તની શુદ્ધિ જ થયા કરે અને સંપૂર્ણ શુદ્ધ ચિત્ત થઈ ગયું એનું નામ નિર્વિકલ્પ દશા.

ધર્મનાં પુસ્તક વાંચશો તો એટલો લાભ થશે. કારણ કે બીજી જગ્યાએ રમી રમવામાં તો નથી ને અત્યારે. અને તમારું ચિત્ત અહીં છે ને ? જેટલું ચિત્ત પાંસરું એટલી શુદ્ધિ થશે અને શુદ્ધ થયેલું ચિત્ત બગાડશો નહીં તો આગળ શુદ્ધિ વધતી જશે.

પ્રશ્શનકર્તા : સારા વાંચનથી ચિત્તશુદ્ધિ થાય ?

દાદાશ્રી : હા, થાય. સારા વાંચનથી ધીમે ધીમે ચિત્તની શુદ્ધિ થાય. પણ પાછું જેટલા પ્રમાણમાં ચિત્તની શુદ્ધિ કરીએ છીએ, એટલા પ્રમાણમાં વધારે અશુદ્ધ કરીએ છીએ. એટલે પછી નફો શો રહ્યો આપણી પાસે ? દસ ટકા જેટલી આપણે ચિત્તશુદ્ધિ કરી, તો સાંજ સુધીમાં કો'કની જોડે ભાંજગડો કરી, તેમાં વીસ ટકા અશુદ્ધિ થઈ જાય. એટલે દસ ટકાની આપણે ઘેર ખોટ ને ખોટ જ આવીને ?

એટલે જ મેલું ચિત્ત !

ચિત્તના અને મનના ભેદને સમજતો જ નથી ને ! મારું મન મુંબઈ જતું રહ્યું એવું તેવું બોલે છે ને, એ ચિત્ત જતું રહે છે.

પ્રશ્શનકર્તા : પણ આ સાધુઓ, આ સત્સંગવાળા, બીજા-ત્રીજા, મનની જ વાત કરે છે.

દાદાશ્રી : એમને ખબર જ ના પડે ને, ચિત્તનું અને મનનું ભાન જ નથી એ લોકોને ! મન મેલું થાય જ નહીં, ચિત્ત જ મેલું થાય અને સંસ્કૃતમાં અશુદ્ધ ચિત્ત કહે. પણ આમ મેલું ના બોલે હં કે, એનું નામ દુનિયા !

પ્રશ્શનકર્તા : ત્યારે આ લોકો એમ કહે છે કે મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે ?

દાદાશ્રી : હા, મન જ કારણ છે.

પ્રશ્શનકર્તા : તો તમે ચિત્તની વાત કરો છો પાછી ?

દાદાશ્રી : મેલું શું આમાં ? તો ચિત્ત મેલું છે, તેથી આ મન ઊભું રહ્યું છે. એટલે ચિત્ત જો ચોખ્ખું થાય તો મોક્ષે લઈ જાય ને ચિત્ત મેલું થાય તો અહીં આગળ બધું રખડાવી મારે. ચિત્તને ને મનને યથાર્થ સમજ્યા વગર બધું ઠોકાઠોક કહેલું છે, બધાંય પુસ્તકોમાં. ચિત્ત અશુદ્ધ થયેલું હોય ત્યારે મન અશુદ્ધ થયેલું હોય, તે એમાં નર્કગતિમાં ને બીજી ગતિઓમાં લઈ જાય, સંસારમાં રખડાવી મારે.

પ્રશ્શનકર્તા : ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને અર્જુન પોતે પૂછે છે, કે મન બહુ ચંચળ છે.

દાદાશ્રી : મન ચંચળ છે પણ મેલું નથી. ચંચળ તો, દરેક વસ્તુ ચંચળ જ છે ને ? મન એકલું કંઈ ચંચળ છે ?

પ્રશ્શનકર્તા : ચિત્ત પણ ચંચળ ખરું જ ને ?

દાદાશ્રી : એ તો હોય જ. ચિત્ત પણ ચંચળ તો ખરું જ, પણ આ ચિત્ત મેલું છે. ચિત્તનાં મેલાંને લઈને આ જગત ઊભું છે, મનને લઈને નથી ઊભું. એવું સ્ટ્રોંગ રીતે ત્રણેય કાળને માટે સત્ય બોલીએ છીએ આપણે આ.

લૌકિકમાં તો 'મન મેલું છે, ચિત્ત ચંચળ છે', બધું એવું જ હોય. લૌકિકની વાત આપણે કરવાની નહીં. આપણે સમજવા માટે લૌકિક સમજવું. લૌકિક તો ગાયો-ભેંસોને રાડાં નાખે ને, એના જેવા આ રાડાં નાખવામાં આવે છે. પીરસનારાય રાડાં ખાય છે અને એય રાડાં ખાય છે.

એ વિના નથી છૂટકારો !

પ્રશ્શનકર્તા : તોફાની જળમાં પવન નાવને ખેંચી જાય છે, તેમ વૃત્તિઓ મનને ખેંચી જાય છે, તેવું ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે.

દાદાશ્રી : હવે વૃત્તિઓ ખેંચી જાય, તે ક્યાં સુધી વૃત્તિઓ ખેંચી જાય કે જ્યાં સુધી ચિત્ત અશુદ્ધ છે. ચિત્તની શુદ્ધિ કર્યા પછી વૃત્તિઓ ના ખેંચી જાય.

પ્રશ્શનકર્તા : મૂળ વાતને પહોંચવામાં મને જે સૌથી મોટો અવરોધ લાગ્યો, એ આટલા વર્ષે સમજાતું થયું કે ચિત્તશુદ્ધિ થવી જોઈએ.

દાદાશ્રી : હા, ચિત્તશુદ્ધિ સિવાય બીજો ઉપાય નથી. ચિત્તશુદ્ધિ સિવાય આ જગતમાં કોઈ કાર્ય થાય નહીં.

પ્રશ્શનકર્તા : અને માનવ કંઈક પુરુષાર્થ કરી શકે એવું ક્ષેત્ર હોય તો આ ચિત્તશુદ્ધિ ?

દાદાશ્રી : હા, ચિત્તશુદ્ધિ, બીજું કાંઈ થાય નહીં.

પ્રશ્શનકર્તા : બીજેય ફાંફાં મારી જોયાં છે.

દાદાશ્રી : ફાંફાં બધાં નકામાં છે.

હવે મોઢે શબ્દમાં બોલ્યા ચિત્તશુદ્ધિ પણ ચિત્ત શું અને શુદ્ધિ શું ? એનું પ્રમાણ વગર બધું નકામું છે. જ્ઞાની પુરુષની ભાષાથી સમજવું પડશે. જે જોઈ શકે છે આ બધું, અનુભવી શકે છે. જે અનુભવની ઉપર જોઈ શકે છે, તે બધું બતાવી શકે છે.

પ્રશ્શનકર્તા : અશુદ્ધ ચિત્તની શુદ્ધિકરણની ક્રિયા કેવી રીતે થતી હશે ?

દાદાશ્રી : આ જ્ઞાન લીધું એટલે આપણે થઈ ગયું છે ને હવે ! કોના હારુ પૂછો છો ?

પ્રશ્શનકર્તા : સહજ રીતે.

દાદાશ્રી : કોઈ છોકરો ચોરી કરી લાવ્યો, પછી એની મેળે પ્રતિક્રમણ કરે તો શુદ્ધિકરણ થાય. ચોરી કરે છે એ તો અશુદ્ધ ચિત્તના આધારે જ કરે છે, પણ આ પ્રતિક્રમણથી શું કરે છે ? શુદ્ધિ કરે છે.

પ્રશ્શનકર્તા : પ્રતિક્રમણની ક્રિયા એ ચિત્તને શુદ્ધ કર્યા કરે છે ?

દાદાશ્રી : ચિત્તને શુદ્ધ કરવા માટે જ પ્રતિક્રમણ કરે છે અને સામા સાથે વેર ના બંધાય એટલા માટે, બેઉ કામ.

પ્રશ્શનકર્તા : ચિત્તની જે બરોબર આમ શુદ્ધતા થવી જોઈએ છેલ્લા સ્ટેજની, એ તો આ કેવળજ્ઞાન થતાં પહેલાં આવતી હશે ને ?

દાદાશ્રી : ધીમે ધીમે દહાડે દહાડે વધતું જાય, પણ શુદ્ધ થતાં બહુ વાર લાગે. આખું જગત શુદ્ધ કરે છે. ચિત્તને જ શુદ્ધ કરી રહ્યા છે ને ! બધાય તપ-ત્યાગ, જે જે બધું કરી રહ્યા છે ને, તે ચિત્તને શુદ્ધ કરી રહ્યા છે. શાસ્ત્રો વાંચે છે તેય પણ ચિત્તને શુદ્ધ કરી રહ્યા છે.

જ્ઞાન જ એને ચલાવે...

એને એવું જ્ઞાન મળ્યું હોય કે, આ જીવો, માંકણ, મચ્છરો મારી નાખવા જોઈએ, આપણને ત્રાસ આપે છે. તો એ એના જ્ઞાનના આધારે ઊંધું કરે છે. જે જ્ઞાન એને આજે પ્રાપ્ત થયું હોય, તે જ્ઞાનના આધારે એ કામ કર્યે જવાનો. એ જ્ઞાન શેમાં પ્રાપ્ત થયેલું ? ત્યારે કહે, ચિત્તમાં મળેલું છે. પણ અશુદ્ધ ચિત્ત એટલે અશુદ્ધ જ્ઞાન-દર્શન, એ એના આધારે કામ કરે છે. ને જરા સારું જ્ઞાન-દર્શન મળ્યું હોય, કે 'ભઈ, જીવોને મારવા એ હિંસા છે.' તો એ ત્યાં આગળ અટકીય જાય છે. એ અહંકાર ત્યાં અટકી જાય. પણ એવું જ્ઞાન જ ના મળ્યું હોય તે શું કરે પછી ? બધા લોકોને મારતા જોયા ને પછી પોતાને જ એવું જ્ઞાન મળે તો શું કરે ? એને પૂર્વના સંસ્કાર નથી. પૂર્વના સંસ્કાર એવા અહિંસાના હોય તો બધા લોકોને મારતા જુએ તોય એના મનમાં એમ થાય, અરે, કમકમાટી છૂટે. જૈનોનાં છોકરાં મેં જોયાં છે, એમને તો કમકમાટી ઊપજે, એવી કંઈ હિંસા કરવી હોય તો, કારણ કે પૂર્વના સંસ્કાર છે મહીંના.

પ્રશ્શનકર્તા : જ્યાં સુધી ખબર નથી પડી કે આ ચિત્તને શુદ્ધ કેવી રીતે કરવાનું, જ્યાં સુધી સાચું શું, ખોટું શું ખબર નથી, તો ચિત્ત શુદ્ધ કેવી રીતે થવાનું ?

દાદાશ્રી : ખબર તો બધુંય છે. સાચું-ખોટું બધુંય ખબર પડે. નાના છોકરાનેય એના ગજાના પ્રમાણમાં, એનાથી મોટાને એના ગજા પ્રમાણે, દરેક પોતપોતાના ગજાના પ્રમાણમાં સારું-ખોટું બેઉ સમજે જ. પણ આનું ફળ ચિત્તશુદ્ધિ થાય છે એવું એ જાણે નહીં અને એ જાણે તો ચિત્તશુદ્ધિનું ફળ શું ? એનું ફળ તો મોક્ષ છે, એવું જાણે નહીં. એવું બધું નહીં જાણવાથી જ આ બધું ચાલ્યા કરે છે, બેભાનપણે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23