ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૪)

ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનનાં !

હેઠાં મેલ્યાં હથિયાર 'હીઝ હાયનેસે' !

પ્રશ્શનકર્તા : કોઈ આપણી ઉપર બુદ્ધિથી ગોળીબાર કરતો હોય અને આપણને તકલીફમાં મૂક્તો હોય તો આપણે શું કરવું ?

દાદાશ્રી : એવું છે ને, જો મોક્ષ જોઈતો હોય તો જોયા કરવાનું અને જો સંસાર જોઈતો હોય, ભટકવું હોય તો ગોળી મારવી આપણે.

પ્રશ્શનકર્તા : એના જેટલી બુદ્ધિ આપણામાં ના હોય તો ?

દાદાશ્રી : બુદ્ધિ હોય તોય મોક્ષ જોઈતો હોય તો એણેે ગોળી મારવાની શી જરૂર ? અને સંસાર જોઈતો હોય તો ગોળી માર માર કરો. શું જોઈએ છે તમારે ?

પ્રશ્શનકર્તા : મોક્ષ જોઈએ છે, પણ...

દાદાશ્રી : ભટકવાનું ગમે છે કે આ ગમે છે ?

પ્રશ્શનકર્તા : મોક્ષ જોઈએ છે પણ સામેવાળો આપણી ઉપર ગોળીબાર ના કરે એવી ઇચ્છા ખરી.

દાદાશ્રી : ના, એ તો ઇચ્છા ચાલે નહિ. ગોળીબાર કરવા દેવો. આ ગોળીબાર કરેલા છે તેનું ફળ આવેલું છે. આ ગપ્પું નથી. માટે લઈ લો અને જમે કરી દો !

પ્રશ્શનકર્તા : એટલે શાંત રહેવાનું આમ ?

દાદાશ્રી : આ જગત ગપ્પું નથી. એટલે જો ખાતાં બિડાઈ જશે તો મોક્ષ નક્કી થશે. નહીં તો તમે સામાને ગાળો આપી આવ્યા તે પાછી લેતી વખતે તમે કચકચ કરો છો તે ચાલે નહીં.

પ્રશ્શનકર્તા : એટલે આમાંથી બચવાનો પ્રયત્ન નહીં કરવો ?

દાદાશ્રી : પછી કંઈ ના થાય, એની જવાબદારી લઉં છું.

પ્રશ્શનકર્તા : એટલે સામો ગોળીબાર કરે તો આપણે બચવાનો પ્રયત્ન નહીં કરવાનો, એનો અર્થ એ થાય ?

દાદાશ્રી : પ્રયત્ન તો, જો થાય તો કરવા અને નુકસાન નહીં કરવાનું. તમારે છે તે એના માટે અવળા વિચાર નહીં કરવાના. એ ગોળીબાર કરે તોય તમે ગોળીબાર બંધ કરી દો. સામો ગોળીબાર કરે તેથી આત્મા મરે નહિ.

પ્રશ્શનકર્તા : હા, પણ આપણને તકલીફ થાય ને ?

દાદાશ્રી : તકલીફ ના કરવી હોય તો આપણે સંસારમાં ભટકવાનું રાખો. શું ખોટું છે આ સંસારમાં ? આપણે તકલીફ કરી આવ્યા હોય તે પાછી આવે તો એમાં ગુનો શો ? માટે તરત સ્વીકારી લો. આ હસતા મોઢે સ્વીકારી લો કે, 'બહુ સારું થજો ભાઈ એનું !' બુદ્ધિથી ગોળી મારી, નહિ તો પેલી ગોળી મારે તો દેહ છૂટી જાય ને બુદ્ધિથી ગોળી મારી તે તો સારું કર્યું છે, જીવતા રહ્યા ને ! અને ભટકવું હોય તોય રસ્તો છે. તમે મારો સામી બે ! ભટકવાનું ગજું હોય અને ભટકવાની ટેવ પડેલી હોય, તો નિરાંતે એક ફેરો મારી આવો જોઈએ. પછી ફરી છોડાવનાર નહીં મળે. આ તો અહીં છોડાવનાર મળે છે, ત્યારે આવી કચકચ થયા કરે છે ? બુદ્ધિથી ગોળીબાર કરે તેને આશીર્વાદ આપ્યા કરવા નિરાંતે મહીંથી, 'સારું થજો તારું, તેં અમને કર્મમાંથી છોડાવ્યા !' ના ગમતું હોય એણે બે ગોળીબાર કરવાના. બેમાંથી એક કરો.

પ્રશ્શનકર્તા : પણ આપણામાં શક્તિ હોય તો બે ગોળીબાર કરીએ ને ?

દાદાશ્રી : એના કરતાં સીધેસીધું મૂકી દો ને ત્યારે છાનામાના. શક્તિ નથી અને વાઘની ભૂલ કાઢવી છે ? ભલભલા શક્તિવાળાએ છોડી દીધું ને ! અમે આખી જિંદગીમાં હથિયાર જ ઝાલ્યું નથી. હથિયાર બધાં નીચે મૂકીને બેઠો છું, ક્ષત્રિય થઈને ! સામો હથિયાર મારે તોય પણ મેં એ ઝાલ્યું નથી ! જો છૂટા થવું હોય તો હથિયાર મૂકી દો ! નહીં તો ઝાલો હથિયાર ને આવી જાવ !

બંધ કરો બારણાં, બુદ્ધિનાં !

જેટલું મૌન પકડશો એટલી બુદ્ધિ બંધ થશે. બુદ્ધિ બંધ થશે એટલે મૌન થાય. એટલે આ જે વાણી બોલાવ બોલાવ કરે છે, તે બુદ્ધિ બોલાવ બોલાવ કરે છે. બુદ્ધિ અને અહંકાર બે ભેગા થઈને વાણી બોલાવ બોલાવ કરે છે. અને મૌન થશે ત્યાર પછી બધું પાછું ફરશે.

બુદ્ધિનાં બારણાં બંધ થાય ત્યારે મોક્ષની તૈયારી થાય. બુદ્ધિને લઈને સંસાર છે. જેને બુદ્ધિ નથી એનો સંસાર વિલય થયા કરે છે. આ જનાવરો-બનાવરોને બુદ્ધિ નહિ, અહંકાર ખરો. બુદ્ધિ નહીં એટલે અહંકાર વિલય થયા કરે, નિરંતર વિલય જ થયા કરે. નર્કગતિના જીવોને વિલય થયા કરે, જાનવરોને વિલય થયા કરે, દેવલોકોને વિલય થયા કરે, બુદ્ધિ નહીં ને ! આ બુદ્ધિના ડખાવાળા લોકો, પુણ્યશાળી લોકો (!)

પ્રશ્શનકર્તા : બુદ્ધિનો બહુ ડખો રહ્યા કરે, કે આમ થઈ જશે, તેમ થઈ જશે. આ બુદ્ધિના ડખા પણ આખો દિવસ બહુ ચાલ્યા કરે.

દાદાશ્રી : હા, 'શું થઈ જશે ?' આપણે કહીએ. આ કારખાનું એમનું એમ ચાલ્યા કરે છે. ખોટો જતી નથી, ભાઈઓ બધા જીવતા છે અને શું થઈ જશે ? કશું જ થવાનું નથી, કહીએ.

પ્રશ્શનકર્તા : એ વાત કરેક્ટ છે દાદા, છતાં બુદ્ધિ પોતાનું ઊભું કરી નાખે છે. આટલા નાનાને આવડું મોટું કરી બતાવે છે.

દાદાશ્રી : હા, એ ઊભું કરી નાખે તો પછી આપણે એને શું કરવું ? બુદ્ધિની ભઈબંધી કરવી ?

પ્રશ્શનકર્તા : ઉડાડી મૂકવી એને.

દાદાશ્રી : હા, ઉડાડી મૂકવી. 'આવો જવાન માણસ તું !'

મંદી આવશે ત્યારે, 'શું થશે ? શું થશે ?' 'અલ્યા, શું થશે ?' દુનિયા એવી ને એવી રહી છે. શું થઈ જવાનું છે ? આપણે જીવતા ને જીવતા રહીએ છીએ. આ સ્ટીમર ત્યાંથી ઇંગ્લેન્ડથી નીકળે, તે અહીં સુધી સાજી આવે અને રસ્તામાં ત્રણ વખત હાલી તો 'શું થશે ? શું થશે ?' અલ્યા, મૂઆ, હમણે જશે એ તો ! ખાઈ-પીને, નાસ્તા કરીને ભગવાનનું નામ દે, ક્રાઈસ્ટનું નામ દો. સ્ટીમર મહીં ડૂબી જાય કે ના જાય ? હવે તે વખતે શું થશે ? શું થશે ? શું થશે ? તે કોણ શીખવાડે છે ? આ બુદ્ધિ અકળાવે છે. બુદ્ધિ હેરાન કર્યા કરે છે. 'શું થઈ જશે ? શું થઈ જશે ?' અરે, શું થઈ જવાનું છે ? કાં તો ડૂબી જવાનું છે કાં તો તરવાનું છે. બેમાંથી એક થવાનું છે. માટે ભગવાનનું નામ દે ને છાનોમાનો. બેથી ત્રીજું કંઈ થાય કશું ? અને મહીં ડૂબી તો જવાની. એ તો કો'ક જ ફેરો ડૂબે.

બુદ્ધિ નેગેટિવ, પોઝિટિવ આત્મા !

આત્મા પોઝિટિવ છે અને બુદ્ધિ નેગેટિવ છે. વિચારો કરાવડાવે, આમ નથી થવા દેતું ને આમ થવા દેતું નથી. નથી થવા દેતું એને જોવાનું નથી, શું થવા દે છે એ જોવાનું છે. તો બહુ રીતે મહીં, ચોગરદમની મદદ કર્યા કરે.

એટલે બુદ્ધિ તો આપણો ટાઈમ બગાડે ને આપણને આનંદ ઉત્પન્ન થવા ના દે. અને 'મારું કશું જ અધૂરું નથી', આમ કહેવું, 'ધન્ય છે આ દિવસ !' શ્રીમદ્ રાજચંદ્રને એક 'સમકિત પ્રકાશ્યું' તેમાં તે કહે છે, 'ધન્ય રે દિવસ આ અહો !'

એટલે આપણે ત્યાં નેગેટિવ વાતો ના હોય, બધી પોઝિટિવ વાતો હોય. નેગેટિવ તો સંસારી વાતો, ટાઈમ બગાડે. ગૂંચવે અને સુખ ના આવવા દે.

'એ' કરાવે શંકા !

પ્રશ્શનકર્તા : 'વ્યવસ્થિત શક્તિ' બધાને બુદ્ધિ આપે છે ?

દાદાશ્રી : ના. બુદ્ધિ તો કર્માનુસારિણી છે. તમારું કર્મ છે ને, તે આધારે પ્રકાશ હોય અને પ્રકાશના આધારે તમે સુખ ભોગવો અને દુઃખ પણ ભોગવો. પ્રકાશ ના હોય તો તમે સુખ-દુઃખ પણ ના ભોગવી શકો.

આ રૂમમાં બધા બેઠા છે અને પેણે આગળથી આવડો એક સાપ પેસી ગયો. અને રૂમમાં લાઈટ બિલકુલ ડીમ (ઝાંખી) જેવી હોય. અને પેલાને એમ લાગ્યું કે આ સાપ પેસે છે. બે જણે જોયું. હવે રાતે ત્યાં સૂઈ રહેવાનું. બહાર તો વરસાદ પડે છે પાર વગરનો, તે બૂમાબૂમ કર્યે વળે નહીં. એટલે મૂંઝાયને બધું. બીજા બધા આખી રાત સૂઇ જાય. પેલા બે જણા સૂઈ જાય ? કારણ કે આ પેસી ગયાનું એને જ્ઞાન થયું. હવે નીકળવાનું જ્ઞાન થાય ત્યારે છૂટો થાય. જેને જ્ઞાન નથી તેને શું દુઃખ છે ? સુખેય ના હોય ને ? બુદ્ધિવાળા તો સુખ ભોગવે. સમજણથી સુખ ભોગવે.

કોઈને છોકરો ના હોય અને ગર્ભ રહ્યો હોય પેટમાં, તે રોજ રોજ ડૉક્ટર પાસે જઈને, 'સાહેબ, જીવતું છે કે મરેલું,' મને કહો. રોજ શંકા એને ઉત્પન્ન થાય, નવ મહિના સુધી. આજનું જગત એટલું બધું શંકાશીલ થઈ ગયું છે. તેના આ દુઃખ છે ને ! શંકાશીલ ! આમ થઈ જશે કે શું થઈ જશે, તેમ થઈ જશે કે શું થઈ જશે ? મને હઉ કહે ને કે, મહીં હાડકું સંધાયું કે નહીં, તેનો ફોટો પડાવતા રહેજો ! અરે મૂઆ, એનો ફોટો લેવાની જરૂર શું છે તે ? તે વખતે આપણે જરૂર હોય તો પૂરું થયા પછી લઈએ, એ વાત જુદી છે. હાડકું સંધાઈ ગયા પછી, એની હવે શંકા શું ? એને માટેય શંકા ? પણ આખો દહાડો બુદ્ધિથી ખેડ-ખેડ, ઘસ-ઘસ કરે છે અને ધાર ઝીણી કરી નાખે છે. પછી બુદ્ધુ જેવા થઈ જાય છે.

'એને' ગમે તે રીતે ભગાડો...

અમારે બુદ્ધિ કામ નથી કરતી. બુદ્ધિ કામ કરે તે ઘડીએ મન કચકચ કર્યા કરે. બુદ્ધિએ જે ઘડીએ કામ કર્યું કે કચકચ ચાલુ થઈ જાય એને, કકળાટ શું કામ કરે છે, આપણે ના કહીએ ? વળી તું તો સાસુની સાસુ છે, આપણે ક્યાં સુધી મેળ રાખ્યા કરીએ ?

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિ વગર તો ચાલે નહીંને ?

દાદાશ્રી : એવું છે ને, કાં તો આ લાઈટ હોય તો ચાલે ને આ લાઈટ ના હોય તો પેલું અજવાળું જોઈએ. દીવો જોઈએ કે ના જોઈએ ? ત્યારે બુદ્ધિ એ દીવા જેવું છે. અમે જ્ઞાન આપ્યું છે, તો આવંુ જો સળગેલું હોય તો પેલાની જરૂર નથી અને આ ના હોય તો પેલાની જરૂર છે. બે દીવા કોણ રાખી મેલે ? અત્યારે કોઈ મીણબત્તી સળગતી હોય તો અહીં આગળ પેલું તરત હોલવી નાખે ને ? અને ના હોલવી નાખે તો પેલો શું કહે ? અલ્યા, પેણે મીણબત્તી જોતો નથી, આને હોલવી નાખને, એવું કહે કે ના કહે ?

જેમ 'વેલકમ' કહેવાથી આ બુદ્ધિ રાજીખુશીથી આવે છે તેમ 'રાંડ' કહેવાથી એ તો ચીડ ચડાવીને જતી રહે. એનો વાંધો નથી આપણને.

અબુધ થવામાં ફાયદો છે. આ લાઈટ ને પેલું લાઈટ, બે લાઈટ સાથે ના રખાય. જો આ ના હોય તો પેલું લાઈટ કામનું.

આપણને સવારના પહોરમાં ચાનું કંઈ ઠેકાણું ના પડતું હોય ત્યાં કો'કે અરધો કપ આપ્યો, ત્યાં બુદ્ધિ ઊભી થાય કે, 'અરધા કપમાં શું પીવાનું ? આમ છે તેમ છે', ત્યારે આપણે કહીએ કે, 'રાંડ, આટલી ચા પીવા દે ને મને. આટલીય જંપીને પીવા નથી દેતી ? કઈ જાતની આ છે.' અરે, મહાપરાણે અરધો કપ પીવા મળ્યો છે, તે કંઈ ગળે તો ઉતરવા દે. એ જંપીને પીવા દે તો કેવું સરસ લાગે ? અરધો કપ તો અરધો કપ, જેટલો પીધો એટલો તો દિમાગ ઠેકાણે આવે ને ? પણ તે ય ના, મોઢે લગાડતા પહેલાં જ અપશુકન કરે. હપૂચો ના પીધો હોય એના કરતાં અરધો મળે તો દિમાગ પાંસરું ના થાય ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિ દેખાડે આ અરધો કપ, પછી આવું જે ટકટક કરે ને, તે મન કરે ?

દાદાશ્રી : બુદ્ધિ સળવળી, કે મનને સળવળાટ મળી ગયો. પછી મન કચકચ કરે, અરે મૂઆ, આવી સરસ ચા છે ! દૂધ-ખાંડ જુદાં છે, ચા જુદી છે, ચા કિંમતી છે પણ પેલંુ પીવે નહીં અને દિમાગ બગાડી નાખે. પહેલેથી જ અપશુકન બોલે, હંઅ..., અરધા કપમાં શું પીવાનું ? મેરગાંડિયા, અપશુકન કર્યાં ! તે ઘડીએ આપણે ફરી વળીએ ને, લાકડી લઈને ! પહેલાં એવું થતું'તું ને ?

પ્રશ્શનકર્તા : આવું જ થતું.

દાદાશ્રી : અમારે એવું ના હોય. અમારે તો અરધો આવે તો કહીએ, 'ચાલ બા, વ્યવસ્થિત છે ને. અરધો તો મળ્યો ને ?' કચકચ કરે તો આપણે એને કહેવામાં શું જાય છે ? એને 'રાંડ' કહીએ તો વાંધો નહીં. એ ક્યાં દાવો માંડવા જવાની હતી ? પણ રાંડ કહીએ ને, એટલે સમજે કે આપણું અપમાન કરે છે. આપણો હવે રોફ પડતો નથી. પહેલા તો આવી બુદ્ધિ ઉત્પન્ન થાય ત્યારે 'આવો, વેલકમ', વેલકમનાં બોર્ડ મારી રાખ્યાં હોય.

ટાઈમિંગ, બુદ્ધિના ડખાના !

એટલું બધું લશ્કર બેસી ગયું છે મહીં.

પ્રશ્શનકર્તા : વિપરીત બુદ્ધિ જે પેસી ગઈ છે ને, એ નેગેટિવ થોટ્સ (વિચાર) પણ લાવે છે અને ઈમોશનલ પણ કરાવી દે છે.

દાદાશ્રી : હા, તેથી અમે કહીએ છીએ ને, 'બેસ બા, બેસ. તું અમને સલાહ ના આપીશ. તારી સલાહ માનીને સંસારમાં બાવા બનાવ્યા. સંસારમાંય જંપીને બેસવા ના દીધા.'

પ્રશ્શનકર્તા : હજી વિપરીત બુદ્ધિનો ડખો કેમ ચાલ્યા કરે છે ?

દાદાશ્રી : એ ચાલ્યા જ કરે ને, જ્યાં સુધી એની સત્તા છે ત્યાં સુધી.

મહીં 'દાદાને ત્યાં હેંડો' કહે, એટલે એમને ઓળખીએ કે ના ઓળખીએ કે આ કોણ છે ? એને પરાયો કહેવાય ? ના. એ પોતાના છે અને બીજા ય છે, મહીં. જાતજાતની સલાહ આપે ત્યાં આપણે તૈયાર રહેવું કે આ કોણ આવ્યું ? આ કોની સલાહ, એ ઓળખી જઈએ ને ?

પ્રશ્શનકર્તા : મારા પોતાના પ્રોબ્લેમ જરા જુદી જાતના છે. બુદ્ધિ એક વસ્તુ બતાવતી હોય, કે ધંધો આમ ખરાબે ચઢ્યો છે, આમ કરો, નહીં તો આમ થઈ જશે. એટલે તે વખતે મારી પાસે બે ઓલ્ટરનેટ છે, કાં તો બુદ્ધિએ બતાવ્યું એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરવો અથવા તો આ બુદ્ધિનો ડખો છે કરીને મારે બેસી જવું, તો આમાં સમજ કેવી રીતે પડે કે આ ડખો છે કે સાચું કયું છે ?

દાદાશ્રી : આપણે એમ નક્કી કરીએ કે બારથી બે વાગ્યા સુધી મારે આરામ કરવો છે. આરામ કર્યા પછી મારે બહાર જવાનું છે. તે બે વાગ્યાની અંદર જે બુદ્ધિ આવે, એક વાગ્યે આવવા માંડી. તો આપણે ના સમજીએ કે આ વગર કામની અહીં આગળ ડખો કરે છે. માટે ટાઈમ નક્કી કર્યો છે ને અત્યારે વચ્ચે આવી, એ ખોટી બુદ્ધિ.

પછી બે વાગે ટાઈમ થયા પછી આવે તો પછી આપણે પૂછવું કે, 'તમે સાચાં છો કે ખોટાં ? સાચાં હોય તો મને ફળ દેખાડો.' ફળ દેખાડે એ સાચી અને નકામી કચકચ કરે એ ખોટી. વગર કામની હેરાન કર્યા કરે. અને કામ તો થવાનું જ છે. ટાઈમે અવશ્ય થવાનું. બધી ચીજ થઈ જ જવાની. તમારે બોલાવવા નહીં જવું પડે કે, 'હેંડો બેન !' એની મેળે જ આવીને ઊભી રહેશે. તમારે વઢવાડ થઈ હશે તો આમ ખેંચીને આવશે. પણ આવ્યા વગર રહે નહીં. કારણ કે એમાં સહી કર્યા વગર કાર્ય નહીં થાય.

એને કહ્યો વ્યવહાર પુરુષાર્થ !

પ્રશ્શનકર્તા : જ્ઞાન અને પ્રજ્ઞામાં અમે જો પૂરેપૂરા ના રહીએ તો વ્યવહારમાં તો અમે બુદ્ધિથી જ કામ કરીએ છીએ ને ?

દાદાશ્રી : તે વ્યવહારમાં તમે બુદ્ધિથી કામ કરો છો, એટલું કહેવા પૂરતું જ છે. બાકી, બુદ્ધિ એનો વ્યવહાર કરી જ લે છે. હું કહું છું ને, મારે બુદ્ધિ નથી. મારે બુદ્ધિનો અભાવ છે એમ કહું છું, તોય વ્યવહારમાં (ડિસ્ચાર્જ) બુદ્ધિ એનું કામ કર્યે જ જાય છે. આ શાક ચડેલું છે, આ નથી ચડેલું, એવું કામ કર્યે જ જાય છે.

પ્રશ્શનકર્તા : એટલે ઉપયોગ પૂરતી જ બુદ્ધિ વાપરવી ?

દાદાશ્રી : ના, એની મેળે બુદ્ધિ વપરાઈ જ જાય. આ જે વધારે બુદ્ધિ છે, 'મારી જરૂરિયાત છે' કહે છે એ જ બધી એક્સેસ (વધારે) બુદ્ધિ છે, અને એ જ બુદ્ધિ નુકસાનકારક છે, એ જ વિપરીતતા છે.

દવાખાનામાં પોતાનો સગો ભાઈ દાખલ કર્યો હોય, ત્યાં જવા અહીંથી ટ્રેનમાં બેઠા પછી, 'ટ્રેઈન ક્યારે પહોંચશે, ક્યારે પહોંચશે, સ્ટેશન હમણે આવો જલદી' એવા વિચાર કરે તો ? એમાં તમારા જેવા હોય તે કહે, 'લ્યો, ચા પીવો.' ત્યારે ભઈ પાછા આબરૂ રાખવા માટે, 'હા, લાવો લાવો' કહે, પણ ફરી પાછો ખોવાઈ જ ગયેલો હોય. અલ્યા, ગાડીમાં બેઠો, હવે ગાડી તને કૂદીને લઈ જવાની છે ? કઈ જાતના ચક્કરો છો તે ? ત્યાં જંપીને બેસાય કે ના બેસાય ? પણ આ તો ગાડીમાં આઘાપાછા થાય, દોડધામ દોડધામ કરે !

પ્રશ્શનકર્તા : આપે કહેલું કે બુદ્ધિ નવું કશું દેખાડતી જ નથી. અહંકારને સહી જ કરી આપે છે, તો આ અહંકાર કૂદાકૂદ કરે છે કે બુદ્ધિ કૂદાકૂદ કરે છે ?

દાદાશ્રી : એવું છે, બુદ્ધિ અહંકારની સહી લે. અહંકારની સહી લે પછી તરત બધું કાર્ય થઈ જાય છે. હવે જે કાર્ય ના થવાનું હોય તેમાં અહંકાર બુદ્ધિથી જુદો પડી જાય. અહંકાર વાંધો ઊઠાવે, કે નહીં. અહીં નહીં ચાલે.

પ્રશ્શનકર્તા : હવે આ જરા વધારે સમજાવો કે બુદ્ધિને અને અહંકારને છૂટાં પાડવાં એ જ વ્યવહારમાં પુરુષાર્થ છે એમ આપે કહેલું.

દાદાશ્રી : હા, બુદ્ધિ ને અહંકાર છૂટાં પાડવાં, એ વ્યવહારમાં પુરુષાર્થ છે. વ્યવહારમાં બુદ્ધિ ને અહંકાર એકાકાર થઈ જાય, એમાં તો કશો પુરુષાર્થ થયો જ નહીં. બુદ્ધિ ને અહંકાર વ્યવહારમાં બે જુદાં રહેવાં જોઈએ, ત્યારે પુરુષાર્થ થયો કહેવાય. આપણે અહીં (અક્રમ માર્ગમાં) તો એની જરૂર નથી.

પછી ટ્રેનમાં આપણે ત્યાં શું કરવું જોઈએ ? કંઈક ગોઠવણી આપણી હોવી જોઈએ ને ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિમાન માણસો ગાડીમાં ઊંચા-નીચા થતાં નથી.

દાદાશ્રી : એ તમને ના લાગે. મહીં શું થાય છે એ બધું મને દેખાય. અને પાછો બહાર આબરૂ રાખે. એના કરતાં ડફોળો સારા. હેય, ચા પી આવે, સિગારેટ પી આવે, તોય ગાડી તો પહોંચે જ છે.

મોકાણ બધી, એક્સ્ટ્રા બુદ્ધિની !

જ્ઞાન પ્રકાશ વધે તો જ બુદ્ધિ ઘટે. નહીં તો જ્ઞાન પ્રકાશ એક બાજુ ના હોય તો બુદ્ધિ ઘટે નહીં.

પ્રશ્શનકર્તા : જ્ઞાન પ્રકાશ હોય તો બુદ્ધિ તો જોઈએ ને ?

દાદાશ્રી : ના, જ્ઞાન પ્રકાશમાં બધું માલમ પડે એવું છે. આ પ્રકાશથી તો બધું દેખાય એવું છે, ક્લીયર (સ્પષ્ટ). તેમ છતાં આ સંસાર જેટલો ચલાવવાનો છે આપણે, નિમિત્તમાં આવ્યો છે, તેમાં આ લાઈટ ના ચાલે. એમાં છે તે પેલું જે લાઈટ છે, તે એની જોડે હોય જ. બુદ્ધિનું લાઈટ, ડિમ લાઈટ એની જોડે, હરેક કાર્યમાં હોય જ. જે જરૂરિયાત છે એ બુદ્ધિ તો મને ય રહેવાની. બિનજરૂરિયાત બુદ્ધિ કઈ કે જે તમને આમ થઈ જશે ને તેમ થઈ જશે, બધું આડાઅવળું બતાવ બતાવ કરે, ડખો કરી નાખે, ઈમોશનલ કરી નાખે કે નથી કરતી ? તે એ બુદ્ધિ ઘટાડવાની કહું છું. પેલી બુદ્ધિ તો જે છે, એ તો એની મેળે કુદરતી જ ઊભી થવાની. એની જોડે જ રહેવાની, ડિમ લાઈટ તો હોય જ ને ! ફુલ લાઈટ જોઈએ જ નહીં ત્યાં આગળ, સંસાર ચલાવવા માટે.

આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ ચાર અંતઃકરણ રૂપે છે, એનો વાંધો નહીં પણ આ તો વધારાની, એક્સ્ટ્રા બુદ્ધિ છે તે કામની જ નથી.

પ્રશ્શનકર્તા : તો એવી બુદ્ધિવાળા માણસને જો સહજ થવું હોય તો શું કરવું પડે ?

દાદાશ્રી : એ તો એની મેળે બુદ્ધિ ઓછી થતી જાય. એ પોતે નક્કી કરે કે આ બુદ્ધિની વેલ્યુ નથી એટલે ઓછી થતી જાય. જેની તમે વેલ્યુ માનો તે મહીં વધતું જાય અને જેની વેલ્યુ ઓછી થઈ ગઈ એ ઘટતું જાય. પહેલાં એની વેલ્યુ વધારે માની તે આ બુદ્ધિ વધતી ગઈ.

પ્રશ્શનકર્તા : બુદ્ધિનો જે મળ હોય, બુદ્ધિનું આવરણ હોય, એ ધોવાઈ જવું જોઈએ ને ?

દાદાશ્રી : આપણને જરૂરિયાત છે ત્યાં સુધી એ ઊભી રહી છે. આપણને નેસેસિટી છે ત્યાં સુધી એ ઊભી રહી છે અને હજુ તો બુદ્ધિની વધારે કમાણી કરવા લોકો ફરે છે કે, હજુ બુદ્ધિ વધે એવા ધંધા ખોળી કાઢ્યા છે. આ તો બુદ્ધિને જ ખેડ ખેડ કરી છે. પછી ખાતર નાખે, એ બુદ્ધિ વધી ગઈ. મનુષ્યો એકલા જ દોઢ ડાહ્યા છે. બુદ્ધિનો ઉપયોગ વધારે પડતો કર્યો.

પ્રશ્શનકર્તા : જ્ઞાન લીધા વગરનો પણ જે સીધે-સાદે, સરળ માર્ગે જતો હોય અને એની સમજણ પ્રમાણે વ્યવહારમાં નિષ્ઠાથી સત્ય રીતે રહેતો હોય તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય છે એ બેનો ડિફરન્સ (ફેર) શું ?

દાદાશ્રી : પેલો તો ક્લેશનો અભાવ હતો ને, તે આપણે બુદ્ધિપૂર્વક કરતા હતા અને આ સહજભાવે ક્લેશનો અભાવ રહે. આમાં કર્તાપણું છૂટી જાય.

અહંકાર બને બબૂચક !

પ્રશ્શનકર્તા : આપણને વ્યવહારમાં જેને લીધે પ્રોબ્લેમ ઊભા થાય છે, તે બુદ્ધિ કરતાં અહંકારને લીધે વધારે થાય છે એમ લાગે છે. કારણ કે મૂળ તો અહંકાર ને, અહંકાર ના હોય તો બુદ્ધિ હોય જ નહિ ને ? એટલે મૂળ દોષ જ અહંકારનો ને ?

દાદાશ્રી : અહંકાર તો કહેવા માત્રનો છે, આંધળો મૂઓ છે. આમાં બુદ્ધિનું ચાલે છે. મૂળ બુદ્ધિનો દોષ છે. બુદ્ધિએ એનો લાભ ઉઠાવ્યો.

પ્રશ્શનકર્તા : અહંકાર તો આંધળો છે પણ અહંકાર જ મુખ્ય વસ્તુ છે ને ? અહંકાર ના હોય તો બુદ્ધિ બરાબર ના ચાલે ?

દાદાશ્રી : અહંકાર ના હોય તો બુદ્ધિ હોય નહિ. અહંકાર છે તો મન- બુદ્ધિ-ચિત્ત બધું છે. અહંકાર એટલે કર્તા-ભોક્તાપણું. એને કર્તા-ભોક્તાનો માર પડે અને બુદ્ધિ છેટે રહે. અહંકાર માર ખાય, બબૂચક માર ખાધા કરે !

'બ્રિલિયન્ટેય' ખપે 'ટેસ્ટેડ' !

બ્રિલિયન્ટ (તેજસ્વી) હોય ને ભણેલા, બહુ બ્રેઈન ઊંચા ગયેલા હોય ને, તે ગ્રાસ્પીંગ પાવર બહુ ઊંચો હોય. એવા બસ્સો માણસ બેઠા હોય ને, તો એની મહીં આત્મા ટેસ્ટેડ થવો જોઈએ. બધાય બોલે કે આત્મા આવો છે ને તેવો છે, પણ ટેસ્ટેડ કોઈ નહીં આપે. એક અક્ષરેય કોઈ જમે નહીં કરે. ટેસ્ટેડ થવું જોઈએ. બધા એક્સેપ્ટ કરવા જોઈએ. ભલે તમે ના જાણતા હો, પણ તમારો આત્મા છે ને અને બ્રિલિયન્ટ છો. ડફોળ હોય તો ના સમજે. આ બધા જેને બળદ જોડે મિત્રાચારી હોય, તેને શું સમજણ પડે ? બળદ જોડે મિત્રાચારીવાળા કોઈ માણસો ખરાં અહીં હિન્દુસ્તાનમાં ? તેની પાસે આ વાત કરીએ આપણે તો એને શી સમજણ પડે ? કામ શું લાગે ?

પણ એ તો જેને બ્રિલિયન્ટ મગજ હોય ને, તે આ વાતને સમજે. આ કોમન પબ્લિકનું ગજું જ નહીં ને, આ તો બધા ગયા હોય ને, તે આ કોમન પબ્લિકમાં ચાલ્યા જાય. આપણા લોકોને તો એટલી સમજણ પડે કે આ ચોખા શેના છે ને આ ચોખા શેના છે ? તેય અમુક જ માણસોને, બધાને ના સમજ પડે.

એક બી.એસ.સી. થયેલો. પોતે અંગત માણસ હતો. ત્યાર પછી મને કહે છે, 'હું તમારી પાસે અહીં એક્સ્પિરિયન્સ (અનુભવ) લઉં, થોડો ઘણો.' મેં કહ્યું, 'ધંધો તમને શી રીતે આવડશે ?' ત્યારે કહે, 'તમારે ત્યાં આવ-જા કરીશ.' મેં કહ્યું, 'હું તમને શીખવાડું એ શીખોને. એક વાર શાક લઈ આવો.' હવે અત્યારના બી.એસ.સી.ને આવું કહીએ તોય વાંધો નહીં. અત્યારે એમ.એસ.સી.ને એવું કહીએ તોય વાંધો નહીં. અને તે દહાડાના બી.એસ.સી.ને એવું જો કહીએ ને, તો મનમાં 'મારા જેવા બી.એસ.સી. થયેલા માણસને શાક લેવા મોકલે છે ?' કહેશે. આ તો ૫૫ વર્ષ ઉપરની (પહેલાની) વાત કરું છું. એના મગજમાં પારો ભરાયેલો હોય ને, બી.એસ.સી. થયેલો છું. પહેલું શીખવું પડશે. હું તમને શીખવાડું. તે શાક લેવા મોકલ્યા.

આ ગામડાના લોકોને ભીંડા કયા ઘૈડા છે ને કૂણા છે તે સમજણ પડે. અને શહેરનાં મોટા વકીલો તે ઘેર ભીંડા લાવે તો બૈરી વઢવાડ કરે કે તમને લેતાં નથી આવડતું. એટલે મારું કહેવાનું કે આ શી રીતે સમજણ પડે ? જેને ભીંડા લેતાં નથી આવડતા, એ આત્મા જાણવા જાય તો શું થાય ? ભીંડા ય લેતાં આવડવા જોઈએ કે ના આવડવા જોઈએ ?

બુદ્ધિથી મીટે ક્લેશ !

બુદ્ધિશાળી વળી કામ તો સરસ કરી શકે. પણ બુદ્ધિ રાઈટ સાઈડ પર જાય ત્યારે, રાઈટ સાઈડ પર જતી નથી અને રોંગ સાઈડમાં ફર્યા કરે છે. રાઈટ સાઈડમાં જેની બુદ્ધિ ગયેલી હોયને, તે એકવાર મોક્ષ લેતાં પહેલાં જ, શરૂઆતમાં ઘરમાં ક્લેશ ના રહેવા દે. બુદ્ધિથી એનો હિસાબ કરી કરીને કાઢ કાઢ કરે તો ક્લેશ જતો રહે. ક્લેશને માટે જ્ઞાનની જરૂર નથી, એ તો બુદ્ધિથી નીકળે. પણ બધા બુદ્ધિશાળીઓને ત્યાં મેં વધારે પડતા ક્લેશ જ જોયા. ત્યારે એક જણ મને કહે છે કે, 'આ શું કહેવાય ?' મેં કહ્યું, 'આ તો ક્યુબ (ઘન) કહેવાય, ઘનચક્કર !' ક્લેશ નીકળી જાય ઊલટો તેની જગ્યાએ ક્લેશ વધ્યો તમારે ત્યાં ? આમ ન હોવું જોઈએ.

કોઈ પણ બુદ્ધિશાળી હોય અને હું પહેલામાં પહેલું પૂછું કે તમારા ઘરે ક્લેશ છે ? અને મહિનામાં એકાદ દહાડો થતો હોય તો વાંધો નહીં પણ... ત્યારે કહે છે, 'એ તો ચાલુ જ રહે છે.' ત્યારે મેં કહ્યું, 'તમારામાં બુદ્ધિ છે જ નહીં. તમારા મનમાં માની બેઠા એટલું જ.' આપણા મનમાં માનીએ કે આ મારી શાકભાજીની દુકાન છે. હવે ત્યાં આગળ છે તે પેલાં કહોવાઈ ગયેલાં રીંગણા પડ્યાં હોય. હવે એવી શાકભાજી કોણ લે ? એવું આ બધું છે. બુદ્ધિ તો બહુ કામ કરે, સ્ટ્રેઈટ વે (સીધો રસ્તો) હોય તો.

કૃષ્ણ ભગવાને કહ્યું છે ને, અવ્યભિચારિણી બુદ્ધિ, એટલે સ્ટ્રેઈટ વે. એની લાઈનમાં બીજા કોઈની ડખલ ના હોય અને એ કોઈનામાં ડખલ કરે નહીં એવી બુદ્ધિ, તમને વાત કેમ લાગે છે ? સમજવું તો પડશે જ ને ?

એક ભાઈ તો બહુ બુદ્ધિશાળી હતા, તે મેં એમને સાધારણ પૂછ્યું કે 'ઘરમાં કંઈ ક્લેશ છે ?' 'તે ક્લેશ તો નહીં પણ ઘરમાં બેસવાનું જ ગમતું નથી,' કહે છે. મેં કહ્યું, 'આટલો બધો બુદ્ધિશાળી તો બુદ્ધિ ક્યાં ગીરવે મૂકી આવ્યો છો કે શું કર્યું છે ?' બુદ્ધિશાળી ડહાપણપૂર્વક રસ્તો ખોળી કાઢે. કાલે વહુ સામી થઈ હોય તો એનો ઉપાય ખોળી કાઢે. ફરી પાછું એટેક કરવાનું ઊભું ના કરે. એટેક કેમ બંધ થાય એવું શોધી કાઢે. સામો એટેક કરીને પછી નવી લડાઈ ઊભી ના કરે. ફરી સામો એટેક કરીશ તો આપી જ દઈશ છેવટે ! એવું ના કરે. સ્ત્રીની સામે પુરુષનો એટેક એ ભયંકર ગુનો છે.

મોક્ષે જતાં બુદ્ધિ ડખલ રૂપ છે અને સંસારમાં બુદ્ધિ એને હેલ્પ કરે છે. એ પણ નોર્માલિટીવાળી બુદ્ધિ હોવી જોઈએ. વધારાની બુદ્ધિ હોયને, તે તો બૈરી કહેશે, 'આખો દહાડો કકળાટ જ કર્યા કરે છે.' એવું કહે પછી. ત્યારે વધુ પડતા બુદ્ધિશાળી હંમેશાં કકળાટ જ કર્યા કરે. એટલે વધુ પડતા બુદ્ધિશાળી જોડે તો છોડીઓએ પૈણવું જ ના જોઈએ. એને કુંવારો રાખવો સારો.

હવે ખરો બુદ્ધિશાળી કોનું નામ કહેવાય ? જે કકળાટ બંધ કરી દે. કકળાટ ઊભા થવાની જગ્યાએ કકળાટ બંધ કરતો જાય. તેથી અમને પાકા કહ્યા ને ! ગમે તેવી ખરાબ આફતોમાં આવ્યા હોય ને, તોય બધું નિકાલ કરી દે.

બુદ્ધિ તો કોનું નામ કહેવાય કે એક મતભેદ ના પડવા દે. દૂધ ઢળી ગયું હોય તો કેમ ઢળી ગયું, એનો બધો નિવેડો પોતાના એક્સ્પિરિયન્સથી તરત આવી જાય. અને તરત કહે, ઢળી ગયું તેનો વાંધો નહીં, હવે ધીમે ધીમે લૂછી નાખો અને બીજું લાવીને ચા મૂકો. એમ ધીમે રહીને બોલે. અને આ તો દૂધ ઢળ્યું તે પહેલાં મહીં એનું હઉ દૂધ ઢળી જાય. આખો દહાડો ડખાડખ થાય એ બુદ્ધિનું જ ડહાપણ છે ને !

આ તો મેજીસ્ટ્રેટ સાહેબ ઘરમાં આવ્યા ત્યારે બઈ એમની જોડે બોલે નહીં અને મેજીસ્ટ્રેટેય ના બોલે. બેઉ પંદર-પંદર દહાડા સુધી ચઢેલાં મોઢાં લઈને ફરતાં હોય. અને કહે, 'અમે બુદ્ધિશાળી'. અલ્યા, શેને બુદ્ધિ કહે છે ? ડહાપણવાળી તો આ ગાયો-ભેંસો છે. એમને કોઈ દહાડો કોઈ જાતનો ડખોય નહીં. ગાય એની છોડી આવે તોય શરમાય નહીં. કપડાં ના પહેર્યાં હોય તોય ગાયો શરમાય નહીં. અને આપણા અહીં કપડાં ના પહેર્યાં હોય તો શરમાય જાય, નહીં ?

પ્રશ્શનકર્તા : શરમાય જાય.

દાદાશ્રી : આ તો બુદ્ધિ હોતી નથી ને મનમાં માની બેઠો હોય કે હું બુદ્ધિશાળી ! બુદ્ધિ હોય તો બૈરી જોડે વઢવાડ કેમ થાય છે, મૂઆ ? બૈરી રીસાઈ હોય તો સવારમાં નિકાલ કરતાંય ના આવડે, એને બોલતી કરવી હોય તો ના આવડે. ત્યારે મૂઆ, એનું નામ અક્કલ કેમ કહેવાય ? મેજીસ્ટ્રેટ મોઢું ચડાવીને ફરે ને પેલા પટરાણીએય મોઢું ચઢાવીને ફરે. એ તો મિનિંગલેસ (અર્થહીન) છે ! મેજીસ્ટ્રેટને ઘેર કોઈ વકીલ ગયો હોય તો સમજી જાય. બુદ્ધિશાળીને તો કોઈની સાથે ડખલ ના થાય.

બુદ્ધિ કરાવે સેફસાઈડ !

બુદ્ધિથી પારખી શકે છે. આ ખોટું છે, એ સમજી જાય ને આ ખરું છે, એય સમજી જાય પણ એના મૂળ ભાવાર્થને ના પહોંચે.

પ્રશ્શનકર્તા : ખરેખરો જો એ બુદ્ધિનો ઉપયોગ થવાનો હોય તો એણે મૂળ વાત સુધી પહોંચવું જોઈએ ?

દાદાશ્રી : એવી બુદ્ધિ નથી, હિન્દુસ્તાનમાં કોઈની ! હિન્દુસ્તાનમાં એક-બે મોટા માણસોએ પૂછયું, 'અમારે અહીં બુદ્ધિનું ડેવલપમેન્ટ કેટલું ?' મેં કહ્યું, 'હજુ છાંટોય નથી થયું. હજુ શરૂઆત નથી થઈ.' આ ફોરેનવાળા બુદ્ધિ બુદ્ધિ કરે છે. તે બુદ્ધિશાળી ચર્ચીલ કહેવાય. એવા કેટલાક માણસો થયા છે કે જેને બુદ્ધિશાળી કહેવાય. પોતે સેફસાઈડમાં (સલામતીમાં) રહી શકે 'એની પ્લેસ'માં (ગમે તેવી જગ્યામાં), પોતાની સેફસાઈડને સમજી જાય, અનસેફ (અસલામત) ના થાય.

બુદ્ધિશાળી (સવળી બુદ્ધિવાળા) હંમેશાં શું કરે કે સેફસાઈડ કરે કે અનસેફ કરે ? સેફસાઈડ કરે ને ? આ તો અનસેફ હોય તો સેફસાઈડ કરતાં તો આવડતી જ નથી.

અને અહીંના લોકોને બુદ્ધિશાળી કહીએ છીએને, તે આપણે અહીં આગળ પણ બીજું શું કહેવું એ ખબર નથી. એટલે બુદ્ધિશાળી કહે છે. પણ ખરેખર એ અક્કલવાળા છે.

(સવળી) બુદ્ધિ તો કોનું નામ કહેવાય કે ક્રોધ-માન-માયા-લોભનું વિવરણ કરી અને એને બધાને બાજુએ મૂકી દે અને ઘરમાં અથડામણ ના થવા દે. એડજસ્ટમેન્ટ લેતાં આવડે. આ તો એડજસ્ટ થવાનું ત્યાં જ ડિસ્એડજસ્ટ થાય છે, તેને બુદ્ધિ કેમ કહેવાય ? બુદ્ધિશાળી તો બધું જ કામ કરી શકે.

એ કહેવાય અક્કલ !

આપણે અક્કલને બુદ્ધિ કહીએ છીએ. અક્કલ એટલે શું ? આ બાબો ફડફડ જવાબ આપે અને બીજો એક બાબો ફડફડ જવાબ ના આપે એનું શું કારણ ? આને અક્કલ વધારે છે ને પેલાને અક્કલ ઓછી છે. એ અક્કલ કુદરતી બક્ષિસ છે. એ આજની કમાણી નથી. બુદ્ધિ એ આજની કમાણી છે. આજનો એક્સ્પિરિયન્સ (અનુભવ) છે અને આ તો પૂર્વભવનું. એ અક્કલને મૂળ શબ્દમાં સૂઝ કહેવાય છે.

અમે તો અબુધ છીએ. અને બીજાને અબુધ કહો તો ખોટું લાગે. શાથી ?

પ્રશ્શનકર્તા : જ્ઞાન ના હોય, તો એમ થાય ને ?

દાદાશ્રી : ના. એ જાણે કે હું બુદ્ધિશાળી છું, તે નથી કેમ કહેતા ? કોઈ પણ માણસનું નુકસાન ના થાય અને પોતાનુંય કિંચિત્માત્ર નુકસાન ના કરે, એ બુદ્ધિશાળી કહેવાય. બુદ્ધિશાળી તો કોઈની જોડે ડખો કરીને ના સૂએ. બધે તાળાં વાસીને સૂએ. અને વકીલની, ડૉક્ટરની, કોઈનીય જરૂર ના પડે. કોઈ દહાડો કોઈની જોડે મતભેદ ના થાય, ત્યારે સમજીએ કે આપણે બુદ્ધિશાળી છીએ. આ તો મતભેદ થાય એટલે અથડામણો થાય.

એનો વ્યવહાર એટલો ઊંચો હોય કે કોઈ પણ માણસને ત્રાસરૂપ ના થઈ પડે. અને કોઈને ત્રાસરૂપ થઈ પડે તો એનોય ઉકેલ લાવે, એ બુદ્ધિશાળી. બીજા અક્કલવાળા હોઈ શકે. અક્કલ એ કુદરતી બક્ષિસ છે. અને બુદ્ધિ એ જાત અનુભવ છે. સૂઝ વધારે પડે એ અક્કલ. બુદ્ધિશાળીનું કોઈ દહાડો મોઢું ચઢેલું ના હોય કે મોઢું ઊતરેલું ના હોય. કોઈને બહુ સૂઝ પડી જાય છે, એને આપણેે અક્કલવાળો કહીએ છીએ. અક્કલવાળો એની જાતને બુદ્ધિશાળી માને છે ને એવા બુદ્ધિશાળી માણસ તો એની જાતને 'હું છું, હું છું' કર્યા કરશે.

છેવટે ઘરમાં મોનિટર કોણ ?

બાકી, (સમ્યક) બુદ્ધિ એટલે સુધી પહોંચી શકે કે ભગવાનના પગને અને પોતાને અરધો ઈંચ છેટું રહે છે. અરધો ઈંચ અડી જાય તો કામ થઈ જાય. એક્સ્પિરિયન્સ (અનુભવ) જ્ઞાનથી બુદ્ધિ એટલે સુધી પહોંચી શકે છે કે તીર્થંકર, જ્ઞાની કે કેવળી હોય, એમના ચરણથી આ અરધો ઈંચ જ છેટો રહે.

બુદ્ધિ ક્યારે વધે ? લોભ ઘટતો જાય ત્યારે બુદ્ધિ વધે, ક્રોધ ઘટતો જાય ત્યારે બુદ્ધિ વધે, માન ઘટતું જાય ત્યારે બુદ્ધિ વધે, એવું છે. આ તો ઘરનાં જોડે, પાડોશી જોડે, ભાડુઆત જોડે, તારે મેળ નથી ખાતો, તારા મન જોડે જ મેળ નથી ખાતો, તે બુદ્ધિશાળી કેવી રીતે ? છતાં મનમાં માની બેસે કે હું બુદ્ધિશાળી.

અક્કલવાળા પાછા અક્કલના ઈસ્કોતરા કહેવાય. પતંગ ચગાવાય, પણ બુદ્ધિ ચગાવાય ? એ તો અક્કલના ઈસ્કોતરા કહેવાય. અહીં ઈન્ટેલિજન્ટ (બુદ્ધિશાળી) આવે છે પણ શાનો ઈન્ટેલિજન્ટ ? અહીં આવે કે વાળીઝૂડીને એની ધૂળ કાઢી નાખું.

અને મુંબઈમાં રોજ બુદ્ધિવાળા બધાં આવે છે, તે એમની ખુમારી હોય. તે પછી હું એમને કહું છું કે, 'તમે બુદ્ધિશાળી છો ?' ત્યારે કહે, 'અમે બુદ્ધિજીવી તો ખરા જ ને !' મેં કહ્યું, 'ઘરમાં વઢવાડ થાય છે ?' ત્યારે કહે, 'મહિનામાં પાંચ-સાત દહાડા, વધારે નહીં.' મેં કહ્યું, 'ખરા બુદ્ધિશાળી હોય તો એને કોઈની જોડે ડખો જ ના થાય.' બુદ્ધિશાળી માણસ તો બધા ડખા મટાડી શકે છે. તમામ પ્રકારના ડખા મટાડી શકે છે પણ ચિંતા ના મટાડી શકે. ચિંતા જરાક તો થાય જ. કારણ કે અવળે રસ્તે છે ને એટલે ! પણ ડખા મટાડી શકે.

એટલે ઘણાં બધાં દુઃખો તો (સવળી) બુદ્ધિથી નિવારણ કરી શકાય એવાં છે. છતાંય બુદ્ધિશાળીઓને જેને ઈન્ટેલિજિન્શીયા (બૌધિકો) કહેવામાં આવે છે ને, એ બધાને ત્યાં એ જ દુઃખો ભરાયેલાં છે.

પ્રશ્શનકર્તા : એવું કેમ હશે ?

દાદાશ્રી : એવું છે ને, એ બુદ્ધિશાળીઓનો મોનિટર કોણ ? બુદ્ધિશાળીઓ બધું કરી શકે ખરા, પણ મોનિટર કોણ ? 'પદ્માબેન' (એની વાઈફ). 'પદ્માબેન' કહે, 'આમ' એટલે પેલાનું બગડ્યું. તમને કેમ લાગે છે ? બધાં બુદ્ધિશાળીઓ સ્લીપ થઈ જાય છે, પદ્માબેનથી (વાઈફથી) !

કોમનસેન્સ કાઢવી ક્યાંથી ?

પ્રશ્શનકર્તા : કોમનસેન્સ એ કોમન નથી હોતી, એ તો બહુ ઓછા જણ પાસે હોય છે.

દાદાશ્રી : એવી રીતે કોમન નહીં. કોમનસેન્સનો અંગ્રેજી અર્થ કહું, એવરીવ્હેર એપ્લીકેબલ (બધે ઉપયોગી થાય). દરેક તાળાં ઊઘડે. આ દુનિયામાં કોઈ એવું તાળું ના હોય કે ન ઊઘડે. કટાઈ ગયેલું હોય તોય ઊઘડે, એનું નામ કોમનસેન્સ. આ બધી અત્યારે છે લોકોને, એ કોમનસેન્સથી તો નવું તાળું ઊઘડતું નથી, બળ્યું ! અરે, ઊઘડેલું તાળું વસાઈ જાય છે !!

પ્રશ્શનકર્તા : તો આને અન્કોમનસેન્સ કહેવી જોઈએ ?

દાદાશ્રી : ના, એવું ના બોલાય આપણાથી. કોમનસેન્સ જુદી વસ્તુ છે. આ લોકોને 'કોમન'ની પેઠે બુદ્ધિ છે એવું ન હોય ! કોમનસેન્સ એટલે એવરીવ્હેઅર એપ્લીકેબલ. એ હિન્દુસ્તાનમાં ભાગ્યે જ કોઈ માણસમાં હોય, થોડી ઘણીય ! નોનસેન્સેય બહુ ઓછા હોય અને કોમનસેન્સવાળાય ઓછા હોય. નોનસેન્સ પાંચ-પચાસ માણસ હોય, વધારે નહીં. વચલો ગાળો બહુ હોય, સેન્સિટીવ ! આ બધા સેન્સિટીવનેસની નજીકના બધા. જરા કહ્યું કે 'ચંદુભાઈમાં અક્કલ નથી', તે દહાડે આખી રાત એ ઊંઘે નહીં.

કોમનસેન્સથી મોક્ષ થાય. કોમનસેન્સ માણસોને હોય નહીં. આ કાળમાં ક્યાંથી હોય ? એટલે બહુ જૂજ હોય. કોમનસેન્સ ક્યાંથી લાવે ?

નથી છતાં માને બુદ્ધિશાળી !

પ્રશ્શનકર્તા : અમુક લોકો બુદ્ધિશાળી વર્ગ તો કહેવાય ?

દાદાશ્રી : બુદ્ધિશાળીની તો અહીં જરૂર જ નહીં. બુદ્ધિશાળી તો મેં જોયો જ નહીં કોઈ માણસ. તમે જોયેલો કોઈ દિવસ ?

પ્રશ્શનકર્તા : લોકો લર્નેડ(શિક્ષિત) શબ્દ વાપરે છે ને ?

દાદાશ્રી : લર્નેડ એટલે ભણેલો માણસ. બુદ્ધિશાળી તો આપણા લોકો અમથા માની બેઠા છે કે હું બુદ્ધિશાળી છું. ડૉક્ટરો એમની મેળે માની બેઠા છે, વકીલો એમની મેળે માની બેઠા છે, દરેક ધંધાવાળા એમની જાતને બુદ્ધિશાળી માને.

બુદ્ધિશાળી કોને કહેવાય કે જેના ઘરમાં મતભેદ ના હોય, ઝઘડા ના હોય. બુદ્ધિશાળી (સવળી બુદ્ધિવાળા)ને આટલું કામ તો આવડે જ.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ ના હોય ત્યાં મતભેદ ના પડે ?

દાદાશ્રી : જેનામાં ખરેખર બુદ્ધિ નથી, એનામાં મતભેદ હોય નહીં. પણ આ તો બુદ્ધિ નથી અને છે એમ માની બેઠેલા છે, તેને મતભેદ પડે છે.

પ્રશ્શનકર્તા : મુશ્કેલીઓ હોય, એના સમાધાન માટે પણ બુદ્ધિની જરૂર પડે ને ?

દાદાશ્રી : બુદ્ધિ બે પ્રકારની. જે બુદ્ધિ પઝલ ના હોય ત્યાં પઝલ ઊભું કરે એ વિપરીત બુદ્ધિ અને જે બુદ્ધિ પઝલ હોય એને સોલ્વ કરી નાખે એ સાચી બુદ્ધિ. સાચી બુદ્ધિ હોય તો એમને હેલ્પ કરે. બાકી, પેલી હેલ્પ ના કરે, પઝલ ઊભું કરી દે, વધારે ગૂંચવે.

પ્રશ્શનકર્તા : એવી સાચી બુદ્ધિ હોય તો એ સરળ હોય ?

દાદાશ્રી : હોય જ નહીં ને પણ, ક્યાંથી લાવે સાચી બુદ્ધિ ? સાચી બુદ્ધિ માથે મારો હાથ ફર્યા વગર થાય નહીં, વિપરીત જ હોય. તે દા'ડે દા'ડે મુશ્કેલીઓ વધારે, ના હોય તો ઊભી કરે. કો'ક દા'ડો કઢી ખારી થાય અને ટેબલ ઉપર બીજું સારું જમવાનું હોય, છતાંય ગાંડું બોલ્યા વગર રહે નહિ. 'કઢું ખારું થયું છે,' એવું બોલે. બોલે કે ના બોલે ? આને હવે બુદ્ધિશાળી કહેવો કે ડફોળ કહેવો ?

પ્રશ્શનકર્તા : સમજ અને બુદ્ધિ વચ્ચે શું ફેર ?

દાદાશ્રી : સમજ છે તે મતભેદને ઘટાડે અને (અવળી) બુદ્ધિ વધારે.

પ્રશ્શનકર્તા : સાચી બુદ્ધિ હોય તો ય મતભેદ ના થાય અને સાચી સમજણ હોય તો ય મતભેદ ના થાય.

દાદાશ્રી : સાચી બુદ્ધિ હોય જ નહીં ને ?

બુદ્ધિવાળા ડેવલપ્ડ વિશેષ !

પ્રશ્શનકર્તા : એક માણસ મનના સ્તરમાં રહે છે અને એક માણસ બુદ્ધિના સ્તરમાં રહે છે, એ બેમાં ભેદ શું હોય ?

દાદાશ્રી : બુદ્ધિના સ્તરવાળા તો જે પ્રખર બુદ્ધિશાળી છે ને, તે જ. બીજા બધા તો મનના લેયર (સ્તર)માં જ છે.

પ્રશ્શનકર્તા : હવે આ પ્રખર બુદ્ધિશાળી કોણ કોણ હોય ? કેવા હોય ?

દાદાશ્રી : પ્રખર બુદ્ધિશાળી આ દુનિયામાં ખરાબમાં ખરાબ જગ્યાને બધી રીતે વ્યવસ્થિત કરી નાખે, એ બધું સરસ બનાવી દે. બુદ્ધિશાળી એની ગોઠવણી કરે. બાકી અહીંની બધી વ્યવસ્થા કે જે મનના સ્તરવાળાને ના ગમતી હોય, પણ બુદ્ધિશાળી તો એ બધી જ ગમતી કરી નાખે અને મતભેદ તો ઘણાખરા ઓછા કરી નાખે.

મનના લેયરવાળો ડેવલપ ના થયેલો હોય ને બુદ્ધિના લેયરવાળો તો બહુ ડેવલપ હોય. એ તો આજે મતભેદ પડ્યો તો પાંચ-સાત દહાડા વિચાર કરી કરીને ફરી ન પડે એવું જડમૂળથી કાઢી નાખે. એવા એ બુદ્ધિશાળી તો બહુ જબરા હોય !

પ્રશ્શનકર્તા : એટલે ભલે એની પાસે જ્ઞાન ના હોય, છતાં બુદ્ધિથી મતભેદ કમ્પ્લિટલી કાઢી શકે ?

દાદાશ્રી : હા, બુદ્ધિથી બધું કાઢી નાખે. બુદ્ધિથી તો એટલો બધો સંસાર સરળ કરી નાખે કે ન પૂછો વાત ! પણ કુદરતી એવું છે કે 'હું કર્તા છું' એટલે મહીં છે તે અંતર્દાહ બળ્યા જ કરતો હોય.

પ્રશ્શનકર્તા : એવા પ્રખર બુદ્ધિશાળી કેટલા હશે ? લાખમાં એકાદ હોય ?

દાદાશ્રી : હા, એવું એક-બે હોય, બસ ! એટલે બુદ્ધિશાળી તો ઘરમાં મતભેદ બધું સાફ કરી નાખે એટલે એ 'હાઉ ટુ એડજસ્ટ' એની શોધખોળ કરે અને આ બીજા લોકો તો ચીડાવાની જગ્યાએ ચીડાઈ ઊઠે, હસવાની જગ્યાએ હસી ઊઠે, રડવાની જગ્યાએ રડી ઊઠે, એ બુદ્ધિશાળી ના કરે. બુદ્ધિશાળી હસેય નહીં. બધા હસે પણ એ ના હસે. એ સાધારણ ઉપલક જ મોઢું જરા એ કરે એટલું જ, તેય બનાવટ.

બુદ્ધિશાળી તો પ્રધાનેય ના થાય. એ તો પાંચ-સાત-દસ હજાર પગાર આપતા હોય ત્યાં જાય પણ પ્રધાન ના થાય, 'એમાં શું મળવાનું ?' કહેશે.

પ્રશ્શનકર્તા : આજકાલના કાળમાં તો પ્રધાનોને તો ઘણું મળી શકે એવું હોય છે ?

દાદાશ્રી : એ બુદ્ધિશાળી માણસો છે તે ઘણાખરા ખોટો પૈસો ના લે, ત્યારે બુદ્ધિ આટલી બધી ફેલાય. એ બહુ નિયમવાળા હોય. પ્રમાણિકપણું ને નિષ્ઠા બહુ સારી હોય છે. આમ છે તે એને પગારેય બહુ સારો મળે પણ પ્રધાન થઈને લૂંટી લઉ, એવું એને નહીં. એટલે બુદ્ધિશાળી ત્યાં હોય નહીં. એક બુદ્ધિશાળી હોય તો આ બધામાં એ માર્યો જાય બિચારો. એટલે બુદ્ધિશાળીને તો એ ગમે જ નહીં.

પ્રશ્શનકર્તા : એનો અર્થ એવો થયો કે ટ્રીકો કરે, જૂઠું બોલે તો બુદ્ધિ ડેવલપ જ ના થાય ?

દાદાશ્રી : આ લુચ્ચાઈ કરે, જૂઠું બોલે એ તો બધી બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હોય તે જ કરે. બુદ્ધિવાળો તો બધું ક્લિયર કરી નાખે. મનની પાતળામાં પાતળી ધાર ખોળી કાઢે ત્યાં સુધી વિચારી નાખે પણ શોધખોળ કર્યા વગર રહે નહીં. ત્યારે એનો ઈગોઈઝમ બહુ વધેલો હોય, ઈગોઈઝમ પુષ્કળ હોય, એની બળતરા ય મહીં હોય. પણ બીજી (બુદ્ધિના ડખાની) બળતરા ઊભી નહીં થવાની ને બહાર મતભેદ કે કશું નહીં ને !

પ્રશ્શનકર્તા : બુદ્ધિશાળીઓને આપના જેવા જ્ઞાની પુરુષ મળી જાય એટલે કલ્યાણ થઈ જાય પછી.

દાદાશ્રી : પણ એ સીધા રહે નહીં ને ?

પ્રશ્શનકર્તા : તો પછી ખોટ ગઈ એમને ?

દાદાશ્રી : નરી ખોટ ને ! એ બુદ્ધિશાળીઓને હ્રદય ખલાસ થઈ ગયેલું હોય.

પ્રશ્શનકર્તા : હ્રદય કેમ ખલાસ થઈ ગયું હોય ?

દાદાશ્રી : બુદ્ધિને અને હ્રદયને મેળ પડે નહીંને !

પ્રશ્શનકર્તા : બુદ્ધિશાળી બહુ ઈમોશનલ ના થાય ?

દાદાશ્રી : ઈમોશનલ ખરા પણ તે ઈમોશનલપણું થતાં પહેલાં બુદ્ધિથી કાઢી નાખે બધું. એક-બે વખત ઈમોશનલ થયા હોય કે તરત જ એને વિચારે કરીને કાઢી નાખે કે આનાથી ભૂલ થાય છે. બહુ જબરી પ્રજા છે એ તો ! પણ બહુ ઓછા હોય એવા !!

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23