ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૩)

વિશેષતા, વિપરીત બુદ્ધિની !

પ્રશ્શનકર્તા : અહીંના જેટલો ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી.

દાદાશ્રી : હંમેશાંય બિવેરનેસ (સાવચેત), એલર્ટનેસ (જાગૃતિ) હોયને, ત્યારે ભ્રષ્ટાચાર થાય. ફોરેનમાં અવેરનેસ (સજાગતા) ય પૂરી નથી, થોડીક અવેરનેસ છે. બાકી બિવેરનેસ, એલર્ટનેસ નથી એટલે ભ્રષ્ટાચાર હોય જ નહીં ને ત્યાં !

પ્રશ્શનકર્તા : એ કઈ રીતે ? એ ના સમજાયું.

દાદાશ્રી : આ નાનાં બાળકો નિર્દોષ હોય કે મોટાં ?

પ્રશ્શનકર્તા : નાનાં.

દાદાશ્રી : શાથી ? એનું કોણ રક્ષણ કરે છે, તેય એ ખબર નથી રાખતો. મારે મારું રક્ષણ કરવાનું છે, તેય એ જાણતો નથી. અને મોટા હોય તે તો એણે પોતે માથે લીધું છે. એવું પેલા ફોરેનવાળા તો, ભગવાન કરે છે, ભગવાન બધું ચલાવે છે, ને... બધું એક જ વાતમાં આવી ગયું અને આપણા હિન્દુસ્તાનના લોકોએ તો પોતે માથે લીધું છે, 'હું કરું છું.' એટલે આપણે અહીં બુદ્ધિ વધી છે. એ કઈ બુદ્ધિ વધી ? વિપરીત બુદ્ધિ. ફોરેનવાળાનીય વિપરીત બુદ્ધિ જ છે. સંસારનું જે કરે એ બુદ્ધિ બધી વિપરીત બુદ્ધિ કહેવાય.

પ્રશ્શનકર્તા : નવા યુગનાં ભણેલાં છોકરાંઓ પેલી ધર્મની વાતને ગ્રહણ નહીં કરે.

દાદાશ્રી : તેથી જ આ ભણેલાં છેને, એટલે ફેરફાર થઈ જશે. નહીં તો પેલું જરા જૂનું હોતને, તો ફેરફાર ના થાત. એ ભલું થાય અંગ્રેજોનું કે આ લોકો ખરું-ખોટું સમજતાં શીખ્યા. બુદ્ધિ વધીને, ભલે બુદ્ધિ વિપરીત થઈ, તો સમ્યક કરતાં મને આવડે છે. પણ વિપરીત ના થઈ હોત તો પછી શી રીતે સમ્યક થાત ? એટલે ઘણું સારું થયું છે.

આ મોટા મોટા શેઠિયાઓ દેખાય છે પણ સમ્યક બુદ્ધિનો છાંટોય ના મળે. આ બધી વિપરીત બુદ્ધિ ખરી, ક્યાંથી લૂંટી લઉં, ક્યાંથી ખઈ જઉં, એ બધું આવડે. સમ્યક બુદ્ધિ એટલે મારું હિતકારી થાય, એ બુદ્ધિનો છાંટો ના મળે. વિપરીત બુદ્ધિમાં (ગમે તે કરવા) તૈયાર.

પ્રશ્શનકર્તા : સંસારમાં જે વધારે બુદ્ધિ વપરાય છે એ વધારે ઉત્પાત કરાવે છે.

દાદાશ્રી : એવું છે ને, બુદ્ધિ તો કામની છે, પણ એ બુદ્ધિ સમ્યક હોવી જોઈએ. આ તો વિપરીત બુદ્ધિ જ ઉપાધિ કરાવે છે.

આત્માથી વખુટાવે એ વિપરીત બુદ્ધિ !

પ્રશ્શનકર્તા : વિપરીત બુદ્ધિ, તે શું છે ? એ સંસારમાં માર્ગદર્શન આપે ? સંસારની મૂંઝવણમાં માર્ગદર્શન આપે ? વિપરીત બુદ્ધિનો દાખલો આપો.

દાદાશ્રી : વિપરીત બુદ્ધિ એટલે હમણે અહીં નગીનદાસ શેઠ હોય, તે આખા ગામની શેઠાઈ કરતા હોય, પણ રાતે થોડું પીતા હોય, તે વધારે પીવાઈ જાય પછી શું થાય ? પછી 'ઈન્ડિયાનો પ્રેસિડન્ટ છું' એવું બોલે. આ કઈ બુદ્ધિ બોલે છે ? સંસારી બુદ્ધિ નહીં, આ સંસારમાંય વિપરીત પાછી આ. સંસારી બુદ્ધિ વિપરીત છે જ, પણ સંસારમાંય વિપરીત બુદ્ધિ આ !

પ્રશ્શનકર્તા : વિપરીત બુદ્ધિ સંસારમાં કંઈ મદદ કરે ?

દાદાશ્રી : હું તમને એ બધી વાત આગળ કરું છું. વિપરીત બુદ્ધિ એટલે શું ? પેલાને ચઢ્યું અને ચઢતાં પહેલાં સંસારી બુદ્ધિ હતી. અને ચઢ્યા પછી સંસારી વિપરીત બુદ્ધિ થઈ. હા, તે 'હું પ્રેસિડન્ટ છું' કહેવા માંડ્યા એટલે આ બધા લોક કહેશે કે, 'શેઠને ચઢી છે !' એવું આ બધાને વિપરીત બુદ્ધિને લઈને દ્ષ્ટિ જુદી છે, કે 'હું આનો સસરો થઉં, આનો કાકો થઉં, આનો મામો થઉં' કહેશે. જાણે કાયમના ના હોય ? આ દારૂ ચઢ્યો, તે ઘેન ઊતરે નહીં ને દહાડો વળે નહીં. તે અભાનતામાં જ ચાલી રહ્યું છે. સભાનતા જ્ઞાની પુરુષ કરી આપે તો દહાડો વળે. નહીં તો સભાનતા કરે નહીં, ત્યાં સુધી અભાનતા ચાલ્યા જ કરે છે.

નિરંતર અભાનતામાં જીવ વર્તે છે. દ્ષ્ટિ જ એની પેલી ને પેલી છે. દારૂ ઊતરતાં પહેલાં તો મહીં પાછું દાળ-ભાત ને રોટલી-શાક નાખે, કે પાછો એનો દારૂ થાય. એ તો પાંચ-સાત દહાડા ઉપવાસ કરે ત્યારે દારૂ ઓછો થાય કે બંધ થઈ જાય, ત્યારે એને ખબર પડે કે 'ઓહોહો ! આ શું છે ?' ત્યારે ભાન થાય.

તેથી ભગવાને ઉપવાસ કરવાની સૂચના કરી. પણ આ કાળના જીવો ઉપવાસ કરી અને દહાડે સૂઈ જાય. અને લોકોની પર ચિડાયા કરે એનાં કરતાં આ કાળમાં ભાન વગરના લોકો, ઉપવાસ ઓછા કરે તો સારા. ઉપયોગપૂર્વક ઉપવાસ હોવા જોઈએ.

હવે સંસારી વિપરીત બુદ્ધિ સંસારમાં માર્ગદર્શન આપે ? ના. માર્ગદર્શન આપે જ નહીં. છતાં માર્ગદર્શન આપે ખરું પણ અધોગતિનું માર્ગદર્શન આપે. માર્ગદર્શન સરસ આપે, સુંવાળું લાગે પણ જાય અધોગતિમાં !

સંસારની મૂંઝવણમાં માર્ગદર્શન આપે ? એ મૂંઝવણ ઊકેલી નાખે, પણ નીચે અધોગતિમાં લઇ જાય. અરે ભઇ, નીચે લઇ જઇને મૂંઝવણ ઉકેલો, એનાં કરતાં તો મૂંઝવણ સારી. આ તો સોની નોટ આપી દીધી ને વટાવી ખાધી અને પછી મૂંઝવણ દૂર થાય. તો જોડે જોડે સો તો ગયા જ ને. ઊલટી ઘરની મૂડી ખોઇ !

પ્રશ્શનકર્તા : પહેલાં આપ એવું બોલ્યા છો કે વિપરીત બુદ્ધિ સંસારમાં હિતકારી છે.

દાદાશ્રી : હા, એટલે અમુક પ્રકારની વિપરીત બુદ્ધિ, આપણું આ જે ભણતર બધું છે ને આટલું કલ્ચર્ડ છે, એ બધુંય વિપરીત બુદ્ધિ જ કહેવાય છે. આમાં સમ્યક બુદ્ધિનો છાંટોય નથી. વિપરીત એટલે આત્માથી વિમુખ કરે, એ બધી જ વિપરીત બુદ્ધિ.

પ્રશ્શનકર્તા : પણ સમ્યક બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ, એ બેની વચ્ચેની કઈ બુદ્ધિ ?

દાદાશ્રી : એ બે જ બુદ્ધિઓ. વળી બીજી કઈ ?

પ્રશ્શનકર્તા : પણ આપનું એક વાક્ય છે કે સંસારમાં હિત કરે એનું નામ વિપરીત બુદ્ધિ.

દાદાશ્રી : હા, પણ સંસાર મજબૂત કરે, સંસારમાં હિત કરે એ વિપરીત બુદ્ધિ. સંસારને ઉખેડી નાખે એ સમ્યક બુદ્ધિ. હમણે રિક્ષામાં બેસીને સો રૂપિયાનંુ પરચુરણ વેરતાં વેરતાં આવો એટલે સમ્યક બુદ્ધિ કહેવાય. કારણ કે લોભ ઓછો થઈ જાય ને ?

પ્રશ્શનકર્તા : પણ આ મૂંઝવણોમાં સંસાર રૂડો ચલાવવા માટેની કઈ બુદ્ધિ ?

દાદાશ્રી : એ વિપરીત બુદ્ધિ. આત્મસન્મુખ જે ન કરે, એ બધી વિપરીત બુદ્ધિ. એ દારૂ ચઢેલો જ કહો, દ્ષ્ટિ જ ફેર !

પ્રશ્શનકર્તા : બુદ્ધિની વિશુદ્ધિની જરૂર ખરી કે બુદ્ધિની જ જરૂર નથી ?

દાદાશ્રી : વિશુદ્ધિ કઈ દવાથી કરશો ? એવી કઇ દવા આવે છે કે બુદ્ધિની વિશુદ્ધિ થાય છે ? એ તો જ્ઞાની પુરુષ પાસે જાય અને સાચા જ્ઞાની હોય તો આપણી બુદ્ધિ સમ્યક થાય. આ અત્યારે જે વિપરીત બુદ્ધિ છે ને, તો સમ્યક બુદ્ધિ થાય ને સમ્યક બુદ્ધિ થાય તો એ શુદ્ધિ થઈ. નહીં તો સમ્યક થાય નહીં ને બુદ્ધિ વિપરીત જ રહે.

પ્રશ્શનકર્તા : સમ્યક બુદ્ધિ શું છે ?

દાદાશ્રી : સમ્યક બુદ્ધિ તો એવું છે ને, એ સંસ્કારેલી બુદ્ધિ છે. તે સંસ્કારેલી બુદ્ધિ હોતી જ નથી. જ્ઞાની પુરુષ કે અગર કોઈ સદ્ગુરુ હોય, તેની પાસે બેસવાથી એ બુદ્ધિ સમ્યક થાય છે. નહીં તો મિથ્યા જ બુદ્ધિ હોય છે. એટલે આ મિથ્યામાં સુખ છે એવું જ માનનારી બુદ્ધિ હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહી એને વ્યભિચારિણી !

સંસારી બુદ્ધિ તો રહેવાની જ બધાને. સંસારી બુદ્ધિ ના રહેતી હોય તો તુવેરની દાળ અને કેરીનો રસ બે ભેગું કરી નાખે.

પ્રશ્શનકર્તા : એટલે સંસારી બુદ્ધિની પણ જરૂર છે ને ?

દાદાશ્રી : હોય જ, હોય જ એ તો. એટલે હું કઈ બુદ્ધિને ના પાડું છું ? જે ફણગા ફૂટ્યા છે ને, જે કાર્યકારી નથી ને જાગૃતિને નુકસાન કરે છે ઊલટી. જે વગર કામની નુકસાન કરે એ બુદ્ધિ વિકલ્પી કહેવાય. એને કૃષ્ણ ભગવાને વ્યભિચારિણી બુદ્ધિ કહી. બે પ્રકારની બુદ્ધિ કહી, એક વ્યભિચારિણી અને બીજી અવ્યભિચારિણી, જે નુકસાન કરે તે વ્યભિચારિણી બુદ્ધિ કહેવાય. રાત્રે સાડા દસ વાગે ઉઘરાણીની વાત કરી, તે કંઈ કામમાં ના લાગે, હિતકારી હોય નહીં ને સવાર સુધી જાગવું પડે. ઈમોશનલ બધી વાતો ! ઉદ્વેગ થયા કરે એનાથી.

પ્રશ્શનકર્તા : ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, બુદ્ધિ દ્વારા બુદ્ધિથી પર થવાનું છે.

દાદાશ્રી : એવું છે ને, બુદ્ધિ તો બહુ કામ કરે. એ જ્યારથી અવ્યભિચારિણી બુદ્ધિ થાય, ત્યારથી જ માણસને સ્થિરતા ઉત્પન્ન થવા માંડે, પણ એ બુદ્ધિ એમ ને એમ ઉત્પન્ન થતી નથી. અવ્યભિચારિણી થતી જ નથી, વ્યભિચારિણી જ રહે છે.

પ્રશ્શનકર્તા : વ્યભિચારિણી એટલે શું ?

દાદાશ્રી : જગતમાં અત્યારે જે ચાલે છે, તે એક તો અવ્યભિચારિણી બુદ્ધિ એ સમ્યક બુદ્ધિ હોય, જે બુદ્ધિ બધાનું સમાધાન કરે, કોઈને કિંચિત્માત્ર નુકસાન ન કરે અને મોક્ષ તરફ લઈ જાય. અને બીજી વ્યભિચારિણી બુદ્ધિ એટલે વિપરીત બુદ્ધિ, નિરંતર પોતાનું અહિત જ કર્યા કરે. બહારના લોકો નિરંતર પોતાનું અહિત જ કરતા હશે ખરા ? આ તો ઊઘાડી આંખે ઊંઘે છે અને નિરંતર પોતાનું અહિત જ કરી રહ્યા છે. અને એ વિપરીત બુદ્ધિને જ સમ્યક માને છે.

સંસારમાં બંધન બુદ્ધિથી જ છે. હવે એક વ્યભિચારિણી બુદ્ધિ, એનાથી બધા બંધન અને બીજી અવ્યભિચારિણી બુદ્ધિ, એનાથી મુક્તિ. ત્યારે કહે, 'અવ્યભિચારિણી બુદ્ધિ ક્યાં વેચાતી લેવા જવી ?' ત્યારે કંઈ શુક્કરવારીમાં મળે ? લોકો ઘૈડા થયા હોય ત્યારે વેચી દે શુક્કરવારીમાં, તે આપણને મળી જાય કંઈ ? શું કહો છો ? અવ્યભિચારિણી બુદ્ધિ કોનું નામ કહેવાય કે જે નિરંતર ઓબ્લાઈઝીંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખતો હોય ! નિરંતર પારકાના સુખને માટે જ જીવ્યા કરતો હોય, એની બુદ્ધિ અવ્યભિચારિણી.

અને પોતાને માટે કરતો (જીવતો) હોય તે વ્યભિચારિણી બુદ્ધિ. બુદ્ધિની વ્યાખ્યા જોઈએ કે ના જોઈએ ? તમને કેમ લાગે છે ? આ વ્યાખ્યા બરોબર છે કે અધૂરી છે ? જે પોતાને માટે કરતો (વાપરતો) હોય તે વ્યભિચારિણી બુદ્ધિ અને જે પારકા હારુ વાપરતો હોય તે અવ્યભિચારીણી બુદ્ધિ. અવ્યભિચારીણી બુદ્ધિ જે માગે એ ફળ મળે, એ જેવું ચિંતવે એવું ફળ મળે. કારણ કે એના હાથમાં અચિંત્ય ચિંતામણિ આવ્યો છે.

પણ એ તો સેકડે એંસી ટકા હોયને આવા તો ? અવ્યભિચારિણી બુદ્ધિવાળા એંસી ટકા જ હોયને કે વધારે હોય ?

પ્રશ્શનકર્તા : ના હોય એ તો.

દાદાશ્રી : સંત પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે સાંભળવાથી જે બુદ્ધિ સ્વચ્છ થાય છે, તે અવ્યભિચારિણી બુદ્ધિ કહેવાય. આ બધાને વિપરીત બુદ્ધિ છે. કૃષ્ણ ભગવાને કહ્યું, અવ્યભિચારિણી બુદ્ધિ જોઈશે.

પ્રશ્શનકર્તા : એકુય માણસ ના હોય, પોતાનું હિત કરનારો ?

દાદાશ્રી : હોય, પણ જૂજ માણસ. પણ એનો અર્થ કશો નહીં ને ?

પહેલા ઘઉં વીણતા'તા એટલે કાંકરા એકલા જ વીણવાના, ઘઉં વીણવાના નહીં. કહેવાય ઘઉં વીણવાના પણ કાંકરા એકલા જ વીણવાના. અત્યારે તો ઘઉં વીણી લેવાના. અને આ બધા જે પોતાની જાતને માની બેઠા છે કે, 'હું કંઈક છું', એ તો કશાયમાંય નથી, ફક્ત મનમાં માની બેઠા છે.

વિપરીતને વાળે સમ્યક્ત્વ ભણી...

આ બધી બુદ્ધિ વિપરીત કેમ કહેવાય છે ? ત્યારે કહે, કે સ્વાભાવિક બુદ્ધિ નથી એટલે. સ્વાભાવિક નથી એટલે સંસારાનુગામી છે માટે વિપરીત કહેવાય. આપણને સંસારમાં ભટકાવનારી છે. ભલે ને દેવગતિમાં ગયા પણ પાછું અહીં ગધેડા થવાનું ! એવું આ ચાર ગતિમાં ભટક ભટક ભટક ! એટલે બુદ્ધિ ભટકાવનારી છે.

ભૌતિક સુખોમાં સુખ દેખાડે, એ વિપરીત બુદ્ધિ કહેવાય અને સુખ મોક્ષમાર્ગમાં છે અગર તો આત્મામાં છે એવું જે દેખાડે એ સમ્યક બુદ્ધિ કહેવાય. વિપરીત બુદ્ધિનું જોર બહુ છે, જબરજસ્ત. એટલા માટે અમે, તમારી બુદ્ધિ સમ્યક કરવા માટે, આવા તમને પ્રશ્શનોના જવાબ આપીએ અને ખુલાસા થાય તમને, બધી જાતના ખુલાસા થાય.

આ વિપરીત બુદ્ધિ છે, એને સમ્યક કરવાની છે. વિપરીત બુદ્ધિ સમ્યક કેમ કરીને થાય ? એક જ સમ્યક બુદ્ધિવાળાને જુએ, એટલે વિપરીત બુદ્ધિવાળો જાણે કે આપણું ખોટું છે આ. એટલે ફેરવી નાખે તરત, જુએ તો. કહેવાથી, ઉપદેશથી ના ફરે, ઉપદેશથી ફરે જ નહીં. જોવાથી જ ફરે.

પ્રશ્શનકર્તા : માણસની પાસે કદાચ સમ્યક બુદ્ધિ હોય, વિપરીત બુદ્ધિ ના હોય, એવું ના બને ?

દાદાશ્રી : એ સમ્યક બુદ્ધિ કેવી રીતે આવે ? સમ્યક બુદ્ધિ ક્યારે આવે ? જ્ઞાનીને ભેગો થયેલો હોવો જોઈએ અગર તો પૂર્વે સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થયેલી હોય તો, નહીં તો સમ્યક બુદ્ધિ હોય નહીં.

પ્રશ્શનકર્તા : પણ એ તો વિપરીત બુદ્ધિ ઘટે ને સમ્યક બુદ્ધિ વધે તો ?

દાદાશ્રી : સમ્યક બુદ્ધિ ક્યાંથી લાવે ? સમ્યક બુદ્ધિ, એ કંઈ ખાણ નથી. સમ્યક બુદ્ધિ તો પ્લેટેડ વસ્તુ છે. બુદ્ધિ ઉપર પ્લેટિંગ (ઢોળ) કરે એવું હોય છે. અને તે એનું પ્લેટિંગ જ્ઞાની પુરુષ એકલા જ કરી શકે. તમારી બુદ્ધિ અમે પ્લેટિંગ કરી નાખીએ તો સમ્યક બુદ્ધિ થાય, નહીં તો ત્યાં સુધી વિપરીત બુદ્ધિ કહેવાય.

જ્ઞાની પુરુષ પાસે બેસે, પરિચય સેવે ત્યારે એ બુદ્ધિ સમ્યક બુદ્ધિ થાય. એ બુદ્ધિ એવી સરસ ચલાવે ને મોક્ષમાં લઈ જાય, એવા વિચારોવાળી થાય. એ બુદ્ધિ કામ લાગે. ત્યાં સુધી તો આ વિપરીત બુદ્ધિ. કશું ભાન નથી, એક કિંચિત્માત્ર ભાન નથી જીવને. ભટક ભટક કરવાનો શું હેતુ ? શેને માટે જન્મે છે ? જીવન શું છે ? શેને માટે ખઉં છું, પીવું છું ? કશું ભાન નથી. એમ ને એમ ઉઘાડી આંખે જગત ઊંઘે છે. એમ કેમ પોષાય ? હિન્દુસ્તાનમાં જન્મ્યા અને ઉઘાડી આંખે ઊંઘીએ એ કેમ પોષાય ?

એકાદ પ્રશ્શન પૂછવાનો વાંધો નહીં, કે આવા સંજોગો આવે તો અમારે શું કરવું એવું બધું અહીં પૂછી શકાય. તો હું તેનો ખુલાસો આપું. આ જ્ઞાન ના હોય તો સમ્યક બુદ્ધિથીય ઊકેલ આવે, પણ સાંભળ્યું હોય તો. તે વખતે મારા શબ્દો હાજર થાય. કારણ કે અમારું વચનબળ હોય એટલે શબ્દો હાજર થાય.

પ્રશ્શનકર્તા : બુદ્ધિનો વિપર્યાસ કહે છે તે શું છે ?

દાદાશ્રી : વિપર્યાસ એ બુદ્ધિનો નથી. આ બધું ચિત્તને અનુસરીને છે. જ્ઞાન ને દર્શન, બેઉ ભેગું છે તે ચિત્ત. પણ શાસ્ત્રકારો આમ જ, વિપરીત બુદ્ધિ ને એ બધું બોલ્યા છે ને, તે આમાં બહુ ઊંડા ઊતરવા જેવું નથી. પાછા લોકોના વિચાર ફરી જાય. આ તો જ્ઞાન સ્વરૂપની વાત કરું છું. જેમ છે તેમ, તે તો જગતમાં બહાર પડાય જ નહીં. કારણ કે જગત સમજી ના શકે આ બધી વસ્તુઓ.

વીતરાગ બોધ હ્રદયગત કઈ ગમે ?

પ્રશ્શનકર્તા : એટલે આ બુદ્ધિ તો બધું બગાડતી જ હશે કે કંઈક સારું કરતી હશે ?

દાદાશ્રી : બધું જ બગાડે, કંઈ પણ વસ્તુ સુધારે નહીં. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી બુદ્ધિ મિથ્યાત્વી છે, મિથ્યા બુદ્ધિ છે. ત્યાં બધું જ બગડે. એટલે મોક્ષ સંબંધી બગડે. સંસારમાં સુધારો કરે વખતે, પણ મોક્ષના સંબંધી બધું જ બગાડે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિની આગળ મિથ્યા જ લાગે ને ? બુદ્ધિની આગળ સમ્યક ના લાગે ?

દાદાશ્રી : લાગે ને, પણ એ તો જ્ઞાની પુરુષની પાસે એક કલાક જ બેસે અને સત્સંગ સાંભળે ત્યારે એને એકદમ સીધું જ્ઞાન થાય નહીં, પણ એની અનાદિકાળની જે વિપરીત બુદ્ધિ હતી, તે સમ્યક બુદ્ધિ થવા માંડે. જેટલા પ્રમાણમાં સમ્યક થઈ ત્યારે એ સમ્યક દર્શનની વાત સમજવા માટે તૈયાર થાય. સમ્યક જ્ઞાનની વાત, સમ્યક ચારિત્રની વાત સમજવા માટે તૈયાર થાય.

પ્રશ્શનકર્તા : વીતરાગ બોધ બુદ્ધિથી સમજાય પરંતુ હ્રદયગત થવા માટે શો ઉપાય ?

દાદાશ્રી : પહેલાં બુદ્ધિ છે તે સમ્યક બુદ્ધિ જોઈએ. આ તો વિપરીત બુદ્ધિ છે. અને વિપરીત બુદ્ધિથી જે વીતરાગ બોધ સમજાયેલો એ કોઈ દહાડો ફળ આપે નહીં. બુદ્ધિ સમ્યક જોઈએ. સમ્યક બુદ્ધિ સંતોની ભક્તિથી, સેવાથી ઉત્પન્ન થાય અને સંસારનાં સંગથી વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થાય. એ વિપરીત બુદ્ધિથી વીતરાગ બોધ ક્યારેય પણ સમજાય નહીં અને હ્રદયગત થાય નહીં.

જ્યાં સુધી નિજછંદ પરિણામી બુદ્ધિ છે, ત્યાં સુધી એ વિપરીત બુદ્ધિ છે. એ સમ્યક થાય નહીં, ત્યાં સુધી એ વિપરીતતા જ ભજ્યા કરે. સમ્યક બુદ્ધિ સાચા-ખોટાની લડાઈ ના કરે. સાચા-ખોટાની લડાઈ, થતી હોય તો કો'ક કહેશે, 'ભઈ, બેમાંથી કોણ સમ્યક બુદ્ધિવાળો ?' બેમાંથી જે લડાઈને છોડી દે એ સમ્યક બુદ્ધિવાળો. સમ્યક બુદ્ધિ કેવી હોય ? મત ના હોય, ગચ્છ ના હોય, જુદાઈ ના હોય, બીજી કોઈ ભાંજગડ ના હોય અને ગચ્છ-મતવાળી બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ કહેવાય. આ અમારું ને આ એનું !

પ્રશ્શનકર્તા : જો સામેવાળો સમ્યક બુદ્ધિથી વાત કરે તો બીજો બીજી બુદ્ધિથી વાત કરે. એટલે મતભેદ તો થવાના ને ?

દાદાશ્રી : ના, પણ સમ્યક બુદ્ધિવાળા માણસો કેટલા હશે ?

પ્રશ્શનકર્તા : નહીંવત.

દાદાશ્રી : શાસ્ત્રોનો સંગ હોય, સંત પુરુષનો સંગ હોય અને પરિગ્રહ ખલાસ થવા આવ્યા હોય, તે માણસને સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થાય છે.

બુદ્ધિ પાછી મતાભિગ્રહવાળી. અભિગ્રહ શાનો ? મતનો. આત્માનો અભિગ્રહ કરવાને બદલે મતનો અભિગ્રહ કર્યો. ક્યારે, કયે ગામ પહોંચે ? લાખ અવતાર થાય તોય કશું વળે નહીં. અંતરશાંતિ થાય નહીં. અંતરદાહ બળતો બંધ ના થાય. અને જ્ઞાની પુરુષની પાસે તો અંતરદાહ કાયમનો મટી જ જાય. અંતરદાહ જ ના સળગે.

ફૂંકાયું દેવાળું, સમ્યક બુદ્ધિનું !

તે દહાડે સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થતી'તી. એ ઉત્પન્ન થનારી વસ્તુ છે. કસોટી પરથી લાવવાની નહીં.

પ્રશ્શનકર્તા : સમ્યક બુદ્ધિ કસોટીથી વધે નહીં ?

દાદાશ્રી : ના. એ સમ્યક બુદ્ધિ શું કરે કે, કોઈ બે લડતા હોય, તેને કહેશે, 'ભઈ, ઊભા રહો. શું છે અલ્યા ?' ઝઘડો છે. ત્યારે કહે, 'બપોરે ઘેર આવજો.' તે ઘેર બોલાવે, શેઠ બેઉ જણને બેસાડે અને પૂછી લે. પેલો કહેશે, 'મેં દોઢસો રૂપિયા એને આપ્યા છે, તે આપતાં નથી.' એટલે શેઠ પેલાને કહે, 'કેમ ભઈ, તું આપતો નથી ?' ત્યારે પેલો કહે, 'શેઠ, હમણે સગવડ નથી.' એટલે શેઠ પછી શું કરે કે ભઈ, 'તું પચ્ચીસ-પચ્ચીસ રૂપિયા હપ્તા કરીને આપજે. છ હપ્તામાં.' ત્યારે કહે, 'એ પહેલો હપ્તો છે નહીં.' ત્યારે કહે, 'પહેલો હપ્તો હું તને આપું છું. પછી તું કરી લેજે બધો.' અને બેઉને જમાડે પાછા, પોતાની જોડે. અને સમાધાન કરીને બેઉને કહેશે, 'મિત્રની પેઠ રહેજો હવે અને ઉકેલ લાવી નાખજો.' એવું તેવું સમ્યક બુદ્ધિ બહુ સારું કરી આપે.

પ્રશ્શનકર્તા : પણ મહત્વનું તો એ જ આવ્યું ને ? પરિણામ કેટલાં બધાં ચોખ્ખાં કરી નાખ્યાં ?

દાદાશ્રી : ચોખ્ખાં કરી નાખ્યાં. તેને બદલે અત્યારે લોક કેવા છે ?

પ્રશ્શનકર્તા : બન્નેમાંથી ખાઈ લે.

દાદાશ્રી : એટલે આમાં દોષ નથી. એ કર્મના બાંધેલા જ છે ને ? પણ આનાં ફળ તો ભોગવવાં જ પડશેને, બધાં ? આવું શોભે આપણને ? આપણે ત્યાં શેઠિયાઓ શું કરતા'તા ?

એને શ્રેષ્ઠી કહેવાતા હતા, તેનું અપભ્રંશ થયું ને શેઠ કહેવાયા. તે અત્યારે તો માતર-બાતર બધું જતું રહ્યું. શેઠની ઉપરથી માતર જતું રહે તો રહ્યું શું ?

પ્રશ્શનકર્તા : શઠ.

દાદાશ્રી : ના બોલવું એવું. એ બોલ્યામાં શું ફાયદો ? ગંદવાડો દેખાય છે ઊલટો. તે આપણાને આપણા જ ને ? કોને કહેવા જઈએ હવે ? આ તો માંહ્યોમાંહ્ય વાત કરીએ તો ચાલે, નહીં તો વાત કંઈ કરાય નહીં ને ? ફોરેનવાળા જોડે એવું કહેવાય કે અમારા લોકો આવા છે ?

સમ્યક બુદ્ધિનું દેવાળું નીકળ્યું છે. કો'ક કશુંક કહે તો તે પહેલાં તો મહીં ફેરફાર થઈ જાય. કો'ક કહે કે ચંદુભાઈમાં અક્કલ ઓછી છે, તો અસર થઈ જાય. જ્યાં અસર થાય ત્યાં સમ્યક બુદ્ધિ છે જ નહીં. સમ્યક બુદ્ધિનું દેવાળું છે. વ્યવહાર એડજસ્ટ કરે ને પોતે ખોટ ના ખાય એનું નામ સમ્યક બુદ્ધિ. નવી ખોટ ખાઈએ નહીં ને જૂની ખોટ વસૂલ કરીએ.

ત્યારે પ્રગટે સમ્યક બુદ્ધિ !

પ્રશ્શનકર્તા : બુદ્ધિથી દુઃખી થઈ જવાય ને ?

દાદાશ્રી : બુદ્ધિ સુખેય આપે ને દુઃખેય આપે ને !

પ્રશ્શનકર્તા : બુદ્ધિએ જ દુઃખી કર્યા હોય. કદાચ અતિબુદ્ધિ હશે ?

દાદાશ્રી : અતિબુદ્ધિ ! ઓહો ! અતિ થઈ ગયું હશે ? તે નાશ કરવાનું રહેવા દો. આપણે કહીએ કે સપ્રમાણ કરી આપો. નોર્મલ કરી આપો.

પ્રશ્શનકર્તા : અતિબુદ્ધિને સંપૂર્ણ પ્રજ્ઞામાં ફેરવી આપો.

દાદાશ્રી : એવું કરવું છે ? પછી તો ભગવાન જ થઈ ગયો ને ? ભગવાન થઈને તમે શું કરશો ? બૈરી-છોકરાં પછી શું કરશે ?

પ્રશ્શનકર્તા : આખા જગતમાં પ્રપંચ હોય અને છતાં પોતાની તરફ જે બુદ્ધિ સ્થિર કરવી, એ કંઈક સમજણ માગે ને ?

દાદાશ્રી : તો એ જ સમજણની જરૂર છે. નાનો બાબો હોય, એને આ પોઈઝનની શીશીમાંથી ગોળી લઈશ તો મરી જવાશે, એવું એની સમજણમાં ફીટ થઈ જાય તો વર્તનમાં એની મેળે આવે જ. અને આમ માર માર કરીએ તો ક્યારે વર્તનમાં આવે ? માટે સમજણમાં લાવો. નહીં તો દારૂ-માંસાહાર તો ક્યારે છૂટે ? એ તો છૂટતા હશે કોઈનાથી ? અને જો આપણે ત્યાં સહેજ વાતમાં ઊડી જાય છે !

પ્રશ્શનકર્તા : તમે અમને જ્ઞાન આપ્યું, ત્યારથી અમારી બુદ્ધિ સમ્યક થવા માંડી ?

દાદાશ્રી : અમારી પાસે સત્સંગમાં બેસો, એટલો વખત તમારી બુદ્ધિ સમ્યક થાય અને આ બીજા બધા તમારા જે હોય, ત્યાં બેસો તો વિપરીત થાય. વિપરીત એટલે પજવે. જે પજવે નહીં એ વિપરીત બુદ્ધિ નહીં. પજવે ખરી કોઈ વખત ? અને અમારી જોડે બુદ્ધિ ગીલેટ થઈ ગયા પછી નહીં પજવે.

પ્રશ્શનકર્તા : તમારી હાજરીમાં બુદ્ધિ સમ્યક રહે, પ્રયત્ન કર્યા વગર, પછી અમે અમારા વ્યવહારમાં જઈએ ત્યારે વિપરીત બુદ્ધિ ન રહે અને સમ્યક બુદ્ધિ રહે, એના માટેનો અમારો પુરુષાર્થ કયો ?

દાદાશ્રી : અહીં તમારે બુદ્ધિ સમ્યક કરાવી જવાની. તમારાથી જાતે નહીં થાય.

પ્રશ્શનકર્તા : અહીં આવીને બેસવાથી બુદ્ધિ સમ્યક ઓટોમેટિક થઈ જાય ?

દાદાશ્રી : વાતચીત પૂછો એટલે સમ્યક થતી જાય.

પ્રશ્શનકર્તા : એટલે જેમ જેમ ગેડ બેસતી જાય, તેમ તેમ સમ્યક થતી જાય ?

દાદાશ્રી : હા, તેમ તેમ સમ્યક થતી જાય. પછી તમારે બુદ્ધિ જ નહીં રહે. બુદ્ધિનો અભાવ થવો એ તો ઘણો ટાઈમ લાગશે, પણ આ તો પહેલું સમ્યક તો થતી જાય.

પ્રશ્શનકર્તા : અમારે એક બાજુ બુદ્ધિ સમ્યક થતી જાય છે, એક બાજુ અમારી વિપરીત બુદ્ધિ ઓછી થતી જાય છે અને એક બાજુ અમારી પાસે પ્રજ્ઞા છે. આ ત્રણેય વસ્તુઓ સાથે જ ચાલે છે ?

દાદાશ્રી : બધું સાથે ચાલે છે. અહીં બેઠા વાતચીત થઈ ને સત્સંગ થયો એટલે સમ્યક બુદ્ધિ થઈ. જે વિપરીત બુદ્ધિ હતી તે જ ટર્ન લે અને એ સમ્યક થાય. સમ્યક થઈ એ જ બુદ્ધિ મોક્ષે લઈ જવામાં હેલ્પ કરે, ઠેઠ સુધી !

અજ્ઞાન પણ છે તો જ્ઞાન જ !

પ્રશ્શનકર્તા : આપના જ્ઞાન લીધા પછી જ્ઞાનની જાગૃતિ ઉત્પન્ન થાય. તે પછી તેને ખબર પડે કે પોતાના અજ્ઞાનનું સ્વરૂપ શું હતું ? જેવું અજ્ઞાન હતું એવું અજ્ઞાનનું સ્વરૂપ, એને આ જ્ઞાનની જાગૃતિ પછી સ્પષ્ટ થાય ?

દાદાશ્રી : બન્ને બિલકુલ સ્પષ્ટ દેખાય. ચોખ્ખે ચોખ્ખું, અસ્પષ્ટ નહીં. એ ભાગેય સ્પષ્ટ દેખાય અને આજનું આ ય સ્પષ્ટ દેખાય.

પ્રશ્શનકર્તા : અજ્ઞાનનો જ્ઞાનમાં વિલય થઈ ગયો, એવું નથી ને ?

દાદાશ્રી : કોઈ દહાડો થાય નહીં. જ્ઞાનમાં અજ્ઞાનનો વિલય થઈ શકે જ નહીં. અજ્ઞાનનો અજ્ઞાનમાં થાય, જ્ઞાનનો જ્ઞાનમાં થાય. જો કે અજ્ઞાન એ બીજી વસ્તુ નથી, બહારની ચીજ નથી. અજ્ઞાન એક પ્રકારનું જ્ઞાન જ છે. વિલય થઈ જાય તો આખો સંસાર જ બંધ થઈ જાય, ખલાસ થઈ જાય.

એટલે આ અજ્ઞાન કયું ? આ સંસારી જ્ઞાન છે, એ બધું અજ્ઞાન છે. બુદ્ધિથી જે ઊભું થયેલું એને અજ્ઞાન કહેવામાં આવે છે. સંસારને માટે એ જ્ઞાન છે પણ મોક્ષે જવું હોય તેને માટે અજ્ઞાન છે. આ એક પ્રકારનું જ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે.

વિપરીત જ્ઞાનને આપણે 'અજ્ઞાન' કહીએ છીએ અને સમ્યક જ્ઞાનને આપણે 'જ્ઞાન' કહીએ છીએ. અવ્યભિચારિણી બુદ્ધિ એ જ્ઞાન તરફ લઈ જાય છે ને વ્યભિચારિણી બુદ્ધિ એ સંસારમાં લઈ જાય છે. પણ બન્નેય છે તો જ્ઞાન જ. પણ આ અપેક્ષાએ એને અજ્ઞાન કહ્યું છે, મોક્ષે જવું હોય તેની અપેક્ષાએ. એટલે બે જુદાં છે, એ એક થાય નહીં ક્યારેય પણ. એક થઈ જતાં હોય તો તો સંસારની મર્યાદા ના રહે, મર્યાદા તૂટી જાય પછી.

પ્રશ્શનકર્તા : એટલા માટે એ ડિમાર્કેશન (ભેદરેખા) રાખવું જોઈએ.

દાદાશ્રી : હા, ડિમાર્કેશન રાખવું જોઈએ.

પ્રશ્શનકર્તા : આ અજ્ઞાનના જ્ઞાનને પણ જાગૃતિ જાણે છે ? એટલે કે જ્ઞાની બન્નેના દ્રષ્ટા બને છે, અજ્ઞાનના જ્ઞાનના અને જ્ઞાનના જ્ઞાનના ?

દાદાશ્રી : બન્નેને જાણે. સ્વ-પર પ્રકાશક છે પોતે. એટલે સ્વ એટલે જ્ઞાનને જાણે અને પર એટલે અજ્ઞાનને જાણે, એટલે એમાં કશું ખામી નથી રહેતી. અને બુદ્ધિ, અજ્ઞાન-પરને એકલાને જ પ્રકાશ કરે, એ સ્વને પ્રકાશ ના કરે. એટલે સંસારીઓને માટે એ વસ્તુ ખોટી નથી. સંસારીઓને માટે એ મુખ્ય વસ્તુ છે. આપણે ફોરેનવાળાને એવું ન કહી શકીએ કે આ બધું અજ્ઞાન છે. આપણે એવું બોલવું એ જોખમ છે. એ સાપેક્ષ શબ્દ છે. એટલે ફોરેનવાળાને કહીએ કે, 'ભઈ, આ જ્ઞાન જ છે.' કારણ કે એમને જે જ્ઞાન જોઈતું હતું, સંસારી જ્ઞાન, તે એમની પાસે છે અને બુદ્ધિથી એ જ જાણવું જોઈએ. એમને મોક્ષે જવાની ભાવના છે જ નહીં. આ તો અહીંવાળાને મોક્ષની ભાવના છે. તેને માટે આ શબ્દ જુદા પાડ્યા.

વધે બળાપો, બુદ્ધિ વધે જેમ !

પ્રશ્શનકર્તા : બુદ્ધિ તો બહુ માર ખવડાવે.

દાદાશ્રી : મારેય બહુ ખવડાવે. કારણ કે જેટલી બુદ્ધિ વધી એટલી બળતરા વધી. બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય. બુદ્ધિ હંમેશાં બળાપો લઈને જ આવે. અને આ ત્રાજવું હોય ને, એના એક બાજુ બુદ્ધિ મૂકો ને બુદ્ધિ જેમ વધતી જાય તેમ બીજી બાજુ બળાપો વધતો જાય. એટલે આ ત્રાજવામાં પાંચ રતલ બુદ્ધિ વધી તો પેલી બાજુ પાંચ રતલ બળાપો વધે. આ ત્રાજવામાં જેટલી બુદ્ધિ, એનું કાઉન્ટર વેઈટ બળાપો હોય. અને એ બળાપો ઉત્પન્ન થયો પછી બુદ્ધિ ટોપ ઉપર વધે પછી બળાપો ટોપ ઉપર જાય. અને પછી છેવટે બુદ્ધિ રહિત થવાનું છે.

ને નાનાં છોકરાંને બુદ્ધિ છે ? નાનાં બાળકોને ? ત્યારે એમને બળાપો હોય છે ? ના. આ તો ગ્લાસ સેટ તૂટી જાયને તો માબાપનો જીવ બળી જતો હોય અને છોકરો ખિલખિલાટ કરી મૂકે. કારણ કે બુદ્ધિ ઓછી એટલી બળતરા ઓછી. અને નાના છોકરાંને બુદ્ધિ ના હોય ત્યાં સુધી એને બળાપો ના હોય. એ મોટો થયો, જેટલી સમજણ આવી, જેટલી બુદ્ધિ આવે, તેટલો બળાપો શરૂ થાય. અને ઘરડો તો બુદ્ધિ વધારે ને, એ તો આખો દહાડો બળાપો જ કર્યા કરતો હોય. જેટલી બુદ્ધિ ઓછી એટલો બળાપો ઓછો. બળાપાને લઈને, એ બળાપા વગરની જગ્યા કઈ હશે એ શોધખોળ કરે છે. નહીં તો આ સંસારમાંથી નીકળે નહીં, કોઈ નીકળે નહીં. અહીંયાં આ ઘડી જો બળાપો ના હોત ને....

પ્રશ્શનકર્તા : તો સંસારમાંથી કોઈ નીકળત નહીં !

દાદાશ્રી : હા, નીકળે જ નહીં. કહેશે, 'અહીં બહુ સારું છે, બા. અમારે મોક્ષ શું કરવો છે ?' પણ આ તો જેટલી બુદ્ધિ વધી એટલો બળાપો વધે જ, અવશ્ય વધે. બળાપો એટલે ભઠ્ઠી.

પ્રશ્શનકર્તા : એ બુદ્ધિમાંથી સદ્બુદ્ધિ જન્મે ખરી ?

દાદાશ્રી : બળતરા ઉત્પન્ન થાય એટલે આ સંસાર તકલાદી છે, એવું ખબર પડી જાય, કે આ સુખ બધા તકલાદી છે. બળતરા ઊભી થાય એટલે સંસારમાં જુએ કે સુખ ક્યાં છે ? કયું સુખ વધારે સારંુ ? બધું તકલાદી જેવું લાગે. એટલે સાચંુ સુખ ક્યાં છે તે તપાસ કરવા જાય. અને સાચંુ સુખ પોતાના આત્મામાં છે એવું ભાન થાય એટલે આત્મા તરફ દોરાય. પછી (વ્યવહાર) આત્મા શુદ્ધ થવા માંડે, આટલી બધી ગરમી હોય, આટલો બધો તાપ હોય, ત્યારે આત્મા શુદ્ધ થાય. એટલે બળાપાની ખાસ જરૂર. અને બુદ્ધિ વગર બળાપો થાય નહીં. એટલે બળતરાવાળાને તો બળતરા વધી એટલે પછી કઈ બાજુ ક્યાં ક્યાં બળતરા ના થાય એ ખોળે પાછું, સેફસાઈડ ખોળે. એ સેફસાઈડમાં મોક્ષ રહેલો છે, સર્વ દુઃખોથી મુક્તિ.

બુદ્ધિની જરૂર ખરી ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિની રિલેટિવની બાબતમાં, આ બધા વ્યવહારમાં જરૂર છે ?

દાદાશ્રી : હા, એમાં જરૂર છે. જ્યાં નફો-ખોટ છે, જ્યાં દ્વન્દ્વ છે, ત્યાં બુદ્ધિની જરૂર છે.

પ્રશ્શનકર્તા : પણ વ્યવહારમાં થોડી તો બુદ્ધિ જોઈએ ને ?

દાદાશ્રી : એ તો હોય જ, એની મેળે. કર્મની જોડે, એની મેળે જોડે જ રહે. આ તો વધારે પડતી બુદ્ધિ, એકસ્ટ્રા બુદ્ધિ, બેન્કમાં જમે કરાવેલી.

એટલે હંમેશાં સંસારમાં બુદ્ધિની જરૂર ખરી, પણ પછી આગળ મોક્ષે જતાં એ હિતકારી રહેતી નથી. અને જ્યાં સુધી બુદ્ધિની જરૂર ત્યાં સુધી અહંકારનીય જરૂર. હા, અહંકારેય તોડી નાખે તો વેશ થઈ પડે. અને અહંકારની જરૂર એટલે મનની જરૂર. લોકો મનને ફ્રેક્ચર કરે છે, તે પછી શું થાય છે ?

પ્રશ્શનકર્તા : સામાન્ય રીતે જ્ઞાનનું પાત્ર બુદ્ધિ ગણાય છે.

દાદાશ્રી : ના, બુદ્ધિના પાત્રમાં કશું ના રહે.

પ્રશ્શનકર્તા : પણ જ્ઞાન એ બુદ્ધિનો વિષય નહીં ?

દાદાશ્રી : ના, બુદ્ધિ ભૌતિક વસ્તુ છે. બુદ્ધિ નાશ થઈ જાય, વિનાશ થઈ જાય. જ્ઞાન વિનાશી નથી.

પ્રશ્શનકર્તા : આધ્યાત્મિકતા અને બુદ્ધિ એને કંઈ સંબંધ ખરો ?

દાદાશ્રી : આમ કશો સંબંધ નહીં. ફક્ત આધ્યાત્મિક સમજવું હોય તો સમજવા માટે, આપણને બુદ્ધિ સાધન તરીકે કામ લાગે.

આધ્યાત્મિકમાં સ્થિર કરે, એ સ્થિરતાનો માર્ગ છે અને આ બુદ્ધિ તો ચંચળ કરે, તે આ ને સ્થિરતા બે વિરોધાભાસ કહેવાય. બે સાથે બેસી શકે નહીં. બુદ્ધિ તો દરેક માણસને ઈમોશનલ કરનારી જ છે.

પ્રશ્શનકર્તા : પણ જ્ઞાન વિકસાવવા માટે બુદ્ધિની થોડીક જરૂર ખરી કે નહીં ?

દાદાશ્રી : જ્ઞાન વિકસાવવા બુદ્ધિની જરૂર, ખાસ જરૂર. બુદ્ધિ વગર તો જ્ઞાન આગળ શી રીતે વિકસે ? જ્ઞાન બે પ્રકારના, એક વિનાશી જ્ઞાન અને એક અવિનાશી જ્ઞાન. અવિનાશી જ્ઞાનને 'વિજ્ઞાન' કહ્યું અને વિનાશી જ્ઞાનને 'જ્ઞાન' કહ્યું. એટલે બુદ્ધિથી વિનાશી જ્ઞાન ઉત્પન્ન થાય અને ભક્તિયે વિનાશી થાય. પણ આગળ વધારે, એમ કરતાં કરતાં છેવટે એ વિજ્ઞાન સુધી પહોંચાડે અને વિજ્ઞાન અવિનાશી છે.

પ્રશ્શનકર્તા : તો જ્ઞાનીના જે વચનો છે, એ વચનોને સમજવા માટે આ બુદ્ધિ જે છે તે અંતરાય કરે કે મદદ કરે ?

દાદાશ્રી : બુદ્ધિ તો સમજે ખરી, પણ એનો આપણે શું ઉપયોગ કરવાનો તે આપણે જોવાનું. પ્રકાશ તો હંમેશાં સમજી શકે. બુદ્ધિ એક પ્રકાશ છે. એ તો આટલી બધી વાતો હું બોલું છું. તે બુદ્ધિનો પ્રકાશ છે તો સમજી શકે. આટલા બધાં પુસ્તકો વાંચવાનાં, તો શું બુદ્ધિ વગરના લોક છે ? પ્રકાશ તો બધો છે, પણ એ પ્રકાશ શું કામનો ? ઊંધું જ સમજાય.

બુદ્ધિ છે તે મોક્ષની વાત બધી સમજવા દે ખરી. બુદ્ધિ જો સમજવા ના દેતી હોય તો કોઈનું કામ જ ના થાય. જ્ઞાનની વાત બુદ્ધિ સમજી શકતી ના હોત તો કોઈનું કામ જ ના થાય. પણ બુદ્ધિ સમજી શકે છે અને એનાથી એડોપ્ટ (સ્વીકાર) થઈ શકે છે. ફીલોસોફી બુદ્ધિ વધારી આપે છે પણ એ ખોટી નથી. એ બુદ્ધિથી આપણાં જ્ઞાનની વાત સમજી શકાશે. એનાથી ગ્રાસ્પીંગ (ગ્રહણ) થાય, નહીં તો જ્ઞાનની વાત ગ્રાસ્પીંગ ન થઈ શકે.

સંસારની બહાર નીકળવા દે નહીં, એનું નામ બુદ્ધિ. સંસારને બહુ સરળ બનાવે, હેલ્પ કરે, બુદ્ધિ મોક્ષની બધીય વાત સમજવામાં શૂરી, પણ મોક્ષે જવાની વાત કરે, ત્યાં વાંધો આવે.

આ વિજ્ઞાન છે. આ સમજવા માટે એમની પાસે આ બુદ્ધિનું સાધન હતું. તેથી બધાય સીધા સમજ્યા, નહિ તો સમજેય શી રીતે ? નહીં તો સમજણ પડે ? શું કહેવા માંગીએ છીએ એ જ સમજણ ના પડે. એ તો તીક્ષ્ણ ધાર જેવી બુદ્ધિ હોય ત્યારે સમજ પડે, નહિ તો સમજણ જ ના પડે. એ તો બુઠ્ઠી છરીથી કંઈ દૂધી કપાય ?

પ્રશ્શનકર્તા : બુઠ્ઠી છરીથી ના કપાય, દૂધી તો.

દાદાશ્રી : પણ જગતને માટે જરૂર છે બુદ્ધિની, આ તો આપણા માટે, સ્પેશ્યલી ફોર અસ (ખાસ આપણા માટે), આ એક જ કોર્નર માટે ૩૫૦ થી ૩૬૦ ડિગ્રીવાળાને માટે જ છે. ૩૫૦ ડિગ્રી સુધી બધાને બુદ્ધિની જરૂર છે. બુદ્ધિથી જ આ જગત ઊભું રહ્યું છે, ટક્યું છે ને ટકશે. ટકશે હઉ એનાથી. લાખો અવતાર કર્યા બુદ્ધિથી.

એ સમજાય સંજ્ઞા થકી !

પ્રશ્શનકર્તા : એ વાત બીજાને બુદ્ધિથી સમજાવી શકાય નહીં ?

દાદાશ્રી : એ સમજાવી શકવાનું, એ તો એવું છે ને, કેટલીક વાત સમજાવી શકાય. કેટલીક પૂરી ના સમજાવી શકાય, સામાને પહોંચે નહીં ને બધી વાત. એ બુદ્ધિગમ્ય વિષય નથી, માટે પહોંચે નહીં. એટલે એના જેવી સંજ્ઞા આપીને સમજાવવી પડે.

પ્રશ્શનકર્તા : આપ જે આત્માની વાત કરો છો, એને બુદ્ધિ, મન કે વાણી પહોંચી શકતાં નથી. હવે એ સમજાવો કે બુદ્ધિ, મન કે વાણી કેમ ન પહોંચી શકે ?

દાદાશ્રી : મન પણ પહોંચી ના શકે અને વાણી ય પહોંચી ના શકે, બુદ્ધિ ય ના પહોંચી શકે. કોઈ પહોંચી ના શકે.

પ્રશ્શનકર્તા : છતાં આપણે એની જ વાત કરીએ છીએ.

દાદાશ્રી : કોઈ પહોંચી શકતું નથી છતાં આપણે એની જ વાત કરીએ છીએ. પણ એની વાતમાં સંજ્ઞાથી સમજાવીએ છીએ. સંજ્ઞાથી સમજી તો જાય. આમ અમે જે કહેવા માગીએ તે તમે તમારી ભાષામાં સમજી જાવ, બીજા ના સમજે.

એ કેવી રીતે ? એક મૂંગો છે તે 'આમ' કરે, તે બીજો મૂંગો 'એમ' કરે, એટલે બેઉ સ્ટેશન પર પહોંચી જાય. પણ લોકોને સમજણ ના પડે એવી આ સંજ્ઞા છે.

બુદ્ધિ, શ્રદ્ધાને ન આંબે...

પ્રશ્શનકર્તા : જ્યારે શ્રદ્ધા આવે છે ત્યારે એ શ્રદ્ધા લાવનાર એ બુદ્ધિ જ છે ને ?

દાદાશ્રી : ના, બુદ્ધિ નહીં. બુદ્ધિ તો કોઈનેય બેસવા જ ના દે. શ્રદ્ધા તો અહંકાર જ લાવે છે બિચારો. હા, એને સુખ જોઈએ છે ને ? બુદ્ધિ તો એમ ફસાવે કે 'રહેવા દેને, આમાં'. તે પેેલો બેસે. બુદ્ધિ તો સંસારમાં સુખ આપવામાં હેલ્પ કરે.

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિ સાધન રૂપે આપણને ઉપર લઈ જવામાં મદદ ન કરે ?

દાદાશ્રી : કોઈ જાતની હેલ્પ નહીં. ફક્ત બુદ્ધિ અહીં તમને સમજવામાં હેલ્પ કરશે. જ્ઞાની પુરુષની પાસે સમજવામાં તમારી પાસે બીજું કોઈ સાધન નથી. અજ્ઞાન છે ને, ત્યાં સુધી બુદ્ધિ હેલ્પ કરશે સમજવામાં.

પ્રશ્શનકર્તા : એ ક્યારે સમજાય, જ્ઞાની પુરુષ આગળ જો તમારી પરાપૂર્વની યોગ્યતા અંદર થોડીક થઈ હોય, તો જ સમજાય. નહીં તો આ જ બુદ્ધિ પાછી આડી આવે.

દાદાશ્રી : નહીં તો એ બુદ્ધિ આડી આવે ! જ્ઞાની પુરુષની વાણી હોય તે બુદ્ધિ એને સમજી શકે છે કે, આ સારી વાત છે ને આ ખોટી બાકી, બીજું કશું જ ના સમજી શકે.

પ્રશ્શનકર્તા : એટલે જાગૃતિ એક પઝલ થઈ ગઇ. જાગૃતિ મોક્ષમાર્ગે પણ લઇ જાય અને અંતરાય પણ કરે ?

દાદાશ્રી : એવું છે ને, આ હિન્દુસ્તાનના લોકોને કેમ બળતરા બહુ છે ને ચિંતા બહુ છે ? આ ઉપાધિ બહુ છે ને જાતજાતના નખરાં કરે, અવળા ધંધા કરે છે, ઊંધા ધંધા કરે છે, આ બધું આવું કેમ છે ? ત્યારે કહે, જાગૃતિને લીધે. બહુ જાગૃતિ છે ને ! બહુ જાગૃતિવાળાને ભય કેટલા પ્રકારના લાગે ? ચિંતાઓ કેટલા પ્રકારની થાય ? અને ફોરેનવાળાને તો કોઈ જાગૃતિ જ નથી ને, એ તો વિષયોના જ સુખની મહીં પડેલી છે. જે દહાડે અમેરિકામાં માખણ ના મળ્યું તો આખું અમેરિકા હો હો કરી મેલે !

અને આપણા લોકોને તો વિષયની કશી પડેલી નથી. મારી મિલકત, મારો બંગલો, મારી મોટરો, આમ મોટરમાં બેઠો હોય ને, તો આમ જોયા કરે. ઓળખાણવાળાને, સગાંવહાલાંને જો જો કરે. ત્યાં ચક્કર પાંસરો ના રહે.

સાહજિકતા, પૂર્વ ને પશ્ચિમની !

પ્રશ્શનકર્તા : જાગૃતિ હોય એને જલદી મોક્ષ મળે કે સાહજિક હોય એને ?

દાદાશ્રી : એવું છે ને, સાહજિકમાંથી જાગૃત તો થવું જ પડશે ને ? જાગૃત થયા પછી સાહજિક થવાનું છે. આ સાહજિક, જાગૃત થતાં પહેલાંનું છે. અને તે કેવી સાહજિકતા જોઈએ ? ફોરેનવાળા હોય છે ને એવું જ. આ ફોરેનવાળા સાહજિક કહેવાય. આપણી ગાયો-ભેંસો જેટલી સાહજિક છે ને, એટલા જ એ સાહજિક કહેવાય. થોડાક વિકલ્પો ખરા. ગાયો-ભેંસોને જેટલી સાહજિકતા છે, તેના કરતાં થોડોક જ વિકલ્પ આમનામાં કે હું વિલિયમ છું, આ મારી વાઈફ છે, એવું બધું જરાક ખરું. બાકી બધું સાહજિક. એને છે તે અઢાર વર્ષનો બાબો થયો એટલે એ જુદો ને મા-બાપ જુદાં પડી જાય.

એવા સાહજિક લોકો મને ભેગા થઈ જાય છે. તેય પાછું એવું બન્યું હતું કે એક અમેરિકાની બેન હતી, પ્રેસીલા, સહજ આવી ગઇ હતી. તે લેક્ચરર હતી, તે હિન્દુસ્તાનમાં આવેલી. હિન્દુસ્તાનમાં આવ્યા પછી બધે ફરી અને કોઈકે એને અહીં દેખાડ્યું, તે અહીંયાં આવી. પછી મને કહે છે કે મહાવીરની પાસે જેમ ચંદનબાળાં રહ્યાં હતાં, તેવી રીતે તમે મને ચંદનબાળા તરીકે રાખો. હું બ્રહ્મચર્યવ્રત લેવા તૈયાર છું. ત્યારે મેં કહ્યું કે 'બેન, શક્ય નથી આ વસ્તુ અને તારી જિંદગી બગાડશે !' કારણ કે ઈવોલ્યુશન (વિકાસ) નથી એનું. એ હોવું જોઈએ કે નહીં ? આવડું નાનું ઝાડ જો કેરી આપતું હોય તો બધું શક્ય જ બની જાય ને ? એનું પ્રમાણ હોવું જોઈએ, બધો હિસાબ હોવો જોઈએ.

પછી એ બઈ કહે છે કે, 'તમે મને ક્યાંક તેડી જાવ.' તે પછી અમે એને તીર્થંકર ભગવાનનાં દર્શને તેડી ગયા. પછી મેં 'નમો અરિહંતાણં' બોલાવ્યું. તે આવા જ શબ્દો બોલે, બોલવા-કરવાનું બધુંય, દર્શન કરે. પણ હું જાણું કે આમાં કશો લાભ નહીં, બિચારીનો ટાઈમ નકામો જાય. મેં કહ્યું, 'તને અહીં શું વિશેષ લાભ લાગે છે ? તે તું અહીં બેસી રહી છું ?' ત્યારે કહે કે, 'બધે મહાત્માઓ જોયા પણ અહીં જે બેઠા છે ને, એમના બધાનાં મોઢા ઉપર સુખ લાગે છે અને બીજે બધે આવા સુખવાળા નથી દેખાતા. આ તો નિરાંતવાળા હોય એવા દેખાય.' મેં કહ્યું કે 'આ પરીક્ષા તારી સાચી છે પણ તને હેલ્પ કરશે નહીં. અને તું આ દર્શન કરું છું તેય તને હેલ્પ કરશે નહીં. માટે તું આ પુસ્તક લઈ જા. વંચાય તો વાંચજે.' અને પાછા જવાની મેં એને સમજ પાડી દીધી. મેં કહ્યું કે, 'આ દેશમાં ફસાઈશ પણ નહીં. તમે તમારી લાઈનમાં જ આગળ વધો.'

એટલે કામ થાય નહીં, એમાં કશું વળે નહીં. પછી કહે છે, 'આ મારે અમેરિકા લઈ જઈને બધાને દેખાડવું છે.' મેં કહ્યું કે 'કશું વળશે નહીં.' એક ફક્ત સાયન્ટિસ્ટો એકલા જ મારી વાત સાંભળી શકશે અને કંઈક સમજી શકશે. બાકી, સાયન્ટિસ્ટોય ના સમજી શકે.

પ્રશ્શનકર્તા : પણ સૂરજ ઊગ્યો છે, એને છાબડું ઢાંકવાથી કંઈ એ છૂપું રહેવાનું નથી.

દાદાશ્રી : એ છૂપું રહેવાનું નથી. એનો પ્રકાશ મળવાનો છે.

પ્રશ્શનકર્તા : તો જગતને આ પ્રકાશ કેમ ન મળે ?

દાદાશ્રી : એમના રોડે જે અટક્યા છે, તે બધાંને મળશે ને ! તે લોકો આગળનો રોડ ક્લીયર કરશે. પણ એમને જ્યાં અટક્યા છે ત્યાં મળશે ને તમારું જ્યાંથી અટક્યા છો, ત્યાંથી આગળનું તમને મળશે. એટલે દરેકના રસ્તા જુદા છે.

પ્રશ્શનકર્તા : એમાં 'પ્લેટો' એમ કહે છે કે અમે જ્યાં સુધી બુદ્ધિથી સમજી શકીએ, વિચારી શકીએ, કલ્પના કરી શકીએ, એ અમારું તત્વજ્ઞાન .અને વિવેકાનંદ રાજયોગમાં એમ કહે છે કે, આ બધું પૂરંુ થાય અને પછી જે ભૂમિકામાં એન્ટર (આવો) થાવ, એ તત્ત્વજ્ઞાન હિન્દુસ્તાનનું.

દાદાશ્રી : હા, તે હિન્દુસ્તાનનું, બરોબર, ખરું કહે છે. પેલા લોકોનું સાહજિક છે અને આપણે અહીં વિકલ્પી છે.

પ્રશ્શનકર્તા : એટલે એ ત્યાંનું એનું કન્કલુઝન (તારણ) મૂકે છે કે પથ્થર અને પરમાત્મા, એમાં શું ફેર ? પથ્થર કંઈ કરી શકતો નથી અને પરમાત્મા કશું કરવા માંગતો નથી. એટલે અમે બધાં પથ્થર જ છીએ ને, અને એ જ મુશ્કેલી છે.

દાદાશ્રી : પેલા લોકો જે છે, એમની જે બુદ્ધિ છે ને, તે બાહ્ય બુદ્ધિ છે અને આપણી આંતરિક બુદ્ધિ છે. એટલે આપણા લોકોને પથ્થર કહેવાતા નથી. આપણા લોકોને જો કદી 'આ' વાત કરીએને, તો તરત પહોંચી જશે. અને એમના પ્રમુખ છે, તે બે વર્ષ અહીં બેસી રહેશે, તો હું જે કહેવા માગું છું, એ વાતમાં એકુય અક્ષર પહોંચશે નહીં. એ બેનને મહિના સુધી મેં સમજાય સમજાય કરી પણ વાત પહોંચે નહીં. એટલે મેં લેવલ જોઈ લીધું, કે આનું ઈવોલ્યુશન આટલે સુધીનું છે.

પ્રશ્શનકર્તા : એટલે હું શું કહું છું કે અમેરિકામાં કેમ ભૂખ લાગી છે ? અહીંયાં માણસ ભૂખ્યો રહી અને એમાં અભિમાન રહે, પણ 'ન મળે નારી ત્યારે સહેજે બાવા બ્રહ્મચારી' એ ટાઈપ છે. જ્યારે ત્યાં એ લોકો ધરાઈ ગયા છે, એણે સંપત્તિ જોઈ લીધી, બધું એશઆરામ કરી લીધો, હવે એને ભૂખ લાગી છે.

દાદાશ્રી : ભૌતિક સુખો એ દુઃખ છે, એ અનુભવ થઈ ગયો.

પ્રશ્શનકર્તા : અને રસ્તો ક્યાંય દેખાતો નથી.

દાદાશ્રી : હવે રસ્તો દેખાતો નથી, એટલે હીપ્પી થઈ જવા માંડ્યા.

એમને મોક્ષનો માર્ગ દેખાડવાની જરૂર નથી. એમને એમનો માર્ગ બતાડવાની જરૂર છે. એમને આગળનું માર્ગદર્શન મળે ને, તો બહુ સુંદર આગળ કામ કરે એવા છે. કારણ કે બાહ્ય બુદ્ધિવાળા છે ને બાહ્ય વર્તનવાળા છે.

ફોરેનમાં તો ચોરી કરનારો ચોરી જ કર્યા કરે, બદમાશી કરનારો બદમાશી કરે અને નોબલ હોય એ નોબિલીટી જ કર્યા કરે. આપણે અહીં તો નોબલ એ ચોરી કરે અને ચોરેય નોબિલીટી કરે. એટલે આ તો દેશ જ અજાયબ છે ને ! અને આ દેશનું જે બધું છે ને, તેને ઇન્ડિયન પઝલ (કોયડો) કહેવામાં આવે છે. જે કોઈથી પઝલ સોલ્વ (ઉકેલ) ના થાય. ફોરેનવાળા કહેશે, 'આ કઈ જાતનું ?' બુદ્ધિ લડી લડીને થાકે પણ એને જડે નહીં. કાકાનો છોકરો એમ કહે, 'મારે સાહેબ આવવાના છે. ગાડી અપાય એવી નથી.' શાથી ? ત્રણ ગેલન પેટ્રોલ જાય ને પેટ્રોલના પૈસા લેવાય નહીં મારાથી, તે ગોઠવણી કરીને બોલે !

ફોરેનવાળાને કઈ બળતરા છે ? બળતરા જ ના થતી હોય તો પછી સાચું સુખ ખોળે શું કરવા તે ? એમને તો બ્રેડ ને બટર. સાઠ વર્ષનો હોય અને એરપોર્ટમાં ગયો હોય તોય મહીં આમ ફરતો હોય. કારણ કે બળતરા જ નહીં ને ? સાહજિક પ્રજા કહેવાય !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23