ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(7)

બુદ્ધિના આશયો

ટેન્ડર ભર્યાં, નિજ ડિઝાઈનમાં !

ધી વર્લ્ડ ઈઝ યોર ઑન પ્રોજેક્શન (જગત તમારી જ યોજના છે). કોઈની ડખલ ન મળે મહીં. સહેજ પણ ડખલ નહીં. તમારું પ્રોજેક્શન ને તમારું જ પ્લાનિંગ.

પ્રશ્શનકર્તા : મને એ ખબર નથી પડતી કે, આ મેં પ્લાનિંગ ક્યારે કર્યું ને આમ કેમ કર્યું ?

દાદાશ્રી : પ્લાનિંગ કરતી વખતે ખાલી નકશા જ ચિતરવાના હોય છે. નકશા ચિતરેલા હોય અને અહીં યોજના જુએ તો ગભરામણ થાય. કેમ આવ્યું ? ક્યારે કર્યું'તું ? પોતે નકશા ચિતર્યા'તા, હા. તોય કહેશે, 'આવું તો કર્યું જ નહોતું મેં !' આ પરિણામ આવ્યું. પરિણામ જુએ. પરિણામ દેખીને ગભરાય, કે આ પરિણામ કોનું ? આ તારી યોજનાનું જ પરિણામ આ.

પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે તમારી ડિઝાઈન પ્રમાણે આ બધું તમને મળ્યું છે. તો એ ડિઝાઈન શું છે એ જરા સમજાવો.

દાદાશ્રી : ડિઝાઈન એટલે તમારા બુદ્ધિના જે આશય હોય ને કે મારે આવું જોઈએ, આવું જોઈએ, આ ના જોઈએ મારે. એ જે જોઈએ છે ને, એ બધું ટેન્ડર લાવ્યા છો. એમાં તમારું પુણ્ય બધું ખર્ચાઈ જાય.

એક ભઈ હતા ને, એમણે મને પૂછ્યું, 'દાદાજી એવું શું લાવ્યા કે આ બધું જ તમને તમારી ઇચ્છા પ્રમાણે બધું અનુકૂળ રહે છે. સત્સંગ કરી શકો છો.' ઇચ્છા પ્રમાણે ધર્મ કરી શકો છો, ઇચ્છા પ્રમાણે બધું કરો છો.' ત્યાર પછી મેં એને સમજ પાડી કે બીજાએ શું ભૂલ કરી છે. મેં કહ્યું, 'ભૂલમાં જો, તેં ટેન્ડર ભરતી વખતે મારે વાઈફ આવી જોઈશે, બે છોકરાં જોઈશે, છોડી જોઈશે, બંગલો જોઈશે, ગાડી જોઈશે, બધું લખાવ્યું અને પછી દસ-પંદર ટકા બાકી રહ્યા. તે તેં કહ્યું કે ધર્મ ખાતે લખી નાખો. અને મેં તો પાંચ ટકા આમાં રહેવા દીધા અને પંચાણું ટકા આ ધર્મમાં નાખ્યા !

બાળક જે ભોગવી રહ્યો છે, એ પોતાના ટેન્ડર પ્રમાણે, પોતાની ડિઝાઈન પ્રમાણે જ ભોગવી રહ્યો છે. ડિઝાઈનમાં સહેજ ફેર નથી અને અત્યારે દુઃખી થઈ રહ્યો છે. પોતાની જ ડિઝાઈન છે આ, કોઈ ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વર તો તમારું સ્વરૂપ છે. એ તો તમારો ઉપરી નથી. આ તમે જે મકાનમાં અત્યારે હો ને તે મકાન, તમારી જે સ્ત્રી છે, જે છોકરાં છે, એ બધું તમારી ડિઝાઈન પ્રમાણે જ છે. આ શરીરનું જે રંગરૂપ, બધા હિસાબ, ઊંચાઈ-બંુચાઈ બધું તમારી ડિઝાઈન જ છે. એણે માગણી કરી'તી કે 'મારે વહુ તો જોઈશે જ.' એ કેવા સ્વભાવની ? ત્યારે કહે, 'આવો સ્વભાવ. આવો તેવો મળતો હોય.' રંગ કેવો ? ત્યારે આ કહે છે, 'અરધો કાળો, અરધો ધોળો.' આ બધું નક્કી કર્યું'તું, એ પ્રમાણે જ આ વહુ મળે.

માંગી 'એક' ને મળ્યું લંગર...

બુદ્ધિનો આશય તમારો શું થતો'તો કે મારે આવું જોઈશે. આવું હોય તો બસ, સંતોષ !

પ્રશ્શનકર્તા : એટલે મનોરથ, મનની ઇચ્છાઓ કહીએ તે ?

દાદાશ્રી : ના, મનનો નહીં, બુદ્ધિનો આશય. અને પાછું તમે કહોને કે મારે વહુ જોઈશે, તો એનું ફળ શું ? આ યોજના 'વહુ જોઈશે' એમ લખ્યું અને યોજના શેમાં જાય છે ? ફીડ તરીકે જાય છે. ફીડ એટલે કૉમ્પ્યુટર, જબરજસ્ત મોટું કૉમ્પ્યુટર છે આખા બ્રહ્માંડનું, તેમાં તમારી યોજના ફીડ તરીકે જાય છે. અને પછી આ કૉમ્પ્યુટરથી રૂપક આવે છે. તમે વહુની માંગણી કરી'તી અને પછી રૂપકમાં શું આવે છે ? વાઈફ તો આવે છે પણ જોડે સસરા, સાસુ, માસી સાસુ, ફોઈ સાસુ, વડ સાસુ, સાળો, સાળી... 'અરે ! પણ આ બધું મેં ક્યાં બોલાવેલું ? મેં તો વહુ, એકલીની જ માગણી કરી'તી.' ત્યારે કહે, 'ના, અહીં કાયદેસર આવું જ આપવામાં આવે છે.' હા, એટલે એકલી વહુ ના આવે, આ લંગર બધુંય આવે મૂઆ. વહુની માગણી કરી માટે જોડે આ એવિડન્સ હોય જ. એટલે બધું આવું જગત જાણતા હોત તો વહુ ના માગત. વળી આ એક આવી તો આટલું બધું તોફાન !

પ્રશ્શનકર્તા : સમજાઈ ગયું. આ તો છૂટવું બહુ મુશ્કેલ છે.

દાદાશ્રી : ત્યાર પછી શું જોઈને રોફ મારો છો ? એટલે આવું જગત છે.

પ્રશ્શનકર્તા : એ તો આજે ખબર પડીને, હવે ના માગું.

દાદાશ્રી : અને પેલા લોકો કહે છે ને કે, ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ. કેમ કહે છે કોબાડ ? ગમે ત્યાં મંદિરોમાં ફર ફર કરે તોય એના સામે કોઈ દ્ષ્ટિ કરે નહીં. એટલે મારે ઘેર બેઠાં સેફસાઈડ. અક્કલવાળાએ લખેલું છે ને ! કોઈએ આ જવાબેય સારો આપ્યો છે ને ! પછી બધે ફરે તોય આપણને એ તરફની ચિંતા નહીં ને કોઈ ઉપાધિ જ નહીં ને ! હવે એને બુદ્ધિનો આશય બતાવે કે આવું લાવજે, કે આપણને ભય નહીં પછી. પછી બીજાની જોઈને બૂમાબૂમ કરે કે મારે ત્યાં આવી ક્યાંથી આવી ? અલ્યા, એ તમારું જ પ્રદર્શન છે. પ્રોજેક્શન જ આખું તમારું છે. એમાં ભગવાન બિચારા શું કરે ?

એક વહુની માગણી કરીને કેટલી ઊપાધિ કરી ? પછી કાકી સાસુ, મામી સાસુ, ફલાણી સાસુ બધા આવે.

પ્રશ્શનકર્તા : પણ પાછા એ બધા મીઠા લાગે.

દાદાશ્રી : હા, મીઠા લાગે પાછાં.

પ્રશ્શનકર્તા : એ બુદ્ધિના આશયમાં માગેલું છે એટલે મીઠા લાગે છે હમણાં ?

દાદાશ્રી : મીઠા તો સ્વભાવ છે જીવનો કે જો, 'આવો ભાઈ, પધારો,' કહે તો મીઠું લાગે. ભૂખ્યો હોય, બહુ ભૂખ લાગી હોય, તેનેય પણ મીઠું લાગે. 'આવો ભાઈ, પધારો' કહે એટલે ! માસી સાસુ શું કહે ? 'ભઈ, તમે મારા ભાણેજ જમાઈ.' અને પછી માસી સાસુ દવાખાનામાં હોય ને પછી જોવા જવાનું થાય ત્યારે અકળામણ થાય, કે આ ફરી પાછી ઉપાધિ આવી. પણ આમ ભાણેજ જમાઈ કહે ત્યારે ખુશ થઈ જાય ! તમે ભાણેજ જમાઈ થયેલા કોઈના કે ? માસી સાસુ ના હોય ? ફોઈ સાસુ આવ્યાં પાછાં ! મારે તો વહુનું કામ હતું, તમે શું કામ આવ્યાં ? લોકોને સમજણ જ નહીંને આવી બધી, આ કે આ વહુને લઈને આ બધું લંગર આવે છે.

તે આ યોજના શેના આધીન છે પાછી ? તમારા બુદ્ધિના આશય પ્રમાણે એ. તમારી ઇચ્છા પ્રમાણેના ડિસિઝન, એ શેના આધીન છે ? ત્યારે કહે, જે પૂર્વે પુણ્ય ને પાપ તમારાથી થયાં, ક્રેડિટ અને ડેબિટ (જમા અને ઉધાર), એ ક્રેડિટ ભાગમાં બધું તમને તમારા ધાર્યા પ્રમાણે થવા દે છે અને ડેબિટ ભાગનું તમારા ધાર્યા વિરુદ્ધ કરાવડાવે. અને ક્રેડિટ અને ડેબિટ જોડે જ હોય પાછું. વહુ તો લાવ્યા પણ પાપનો ઉદય થાય ત્યારે માર પડે. ક્યાં બગડ્યું આ ? તે પાપ લાવ્યો છે માટે. એનું પુણ્ય એટલું બધું હોય નહીં, જેથી વહુ એના કહ્યા પ્રમાણે ચાલે એવી હોય. વહુ વઢકણી હોય, છતાં એને ગમતી હોય પાછી. નથી ગમતી એવું એને કહેવાય જ નહીં. અંદરખાને એને ગમતી જ હોય. ગમતી છે એનું કારણ શું ? એના બુદ્ધિના આશયમાં લાવ્યો છે.

પ્રશ્શનકર્તા : કેટલીક વખતે આવી પ્રતિકૂળ પત્ની હોય, તે વેરભાવે વૈકુંઠ જેવું થાય. આ ઘણાખરામાં આવું થયેલું.

દાદાશ્રી : આ સંસારની હરેક ચીજ પોતાની ગમતી આવેને તો માણસ પ્રગતિ ના કરી શકે. આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય. એટલે એક-બે ખૂણા એવા હોવા જોઈએ, કે એને જાગૃતિ કરાવે.

પ્રશ્શનકર્તા : એ કેવી રીતે ? આપ જરા સમજાવોને.

દાદાશ્રી : આપણી બુદ્ધિના આશયમાં હોય, કે એક છોકરો ને એક છોકરી હોય તો બસ થઈ ગયું. આપણું ડિસિઝન બુદ્ધિના આશયમાં હોય કે આ હોય તો ઘણું.

પ્રશ્શનકર્તા : પણ એ થયા પછી સંતોષ તો થતો જ નથી.

દાદાશ્રી : એ મળી ગયા પછી પાછા એમાંથી અસંતોષના ફણગા ફૂટે છે. કારણ કે લોકોનું જુએ છે માટે. લોકોનું ના જુએ તો એ ના થાય આ.

પ્રશ્શનકર્તા : તો એ ચક્ર તો કોઈ દી' પૂરું થાય જ નહીં ?

દાદાશ્રી : ના, કોઈ દહાડો પૂરું ના થાય. બીજી દેખવામાં આવી તો થઈ જાય કે, આ તો સારી છે આપણા કરતાં ! હવે આને કેમ પહોંચી વળાય ? અરે, છોકરાં સાવ કુરૂપ હોય છે, બીજા લોકોને દેખવાં ના ગમે છતાં એની માને બહુ ગમે. કારણ કે બુદ્ધિના આશયમાં છે કે, મારે કદરૂપા જ જોઈએ કે ઉપરથી કાળાં ટપકાં નાખવાં ના પડે.

પ્રશ્શનકર્તા : એમ કહેવાય છે ને કે, ગયા જન્મનો દુશ્મન હશે તો આ વખતે છોકરાં તરીકે વેર વાળે છે બાપનું. તો એવું કંઈ બુદ્ધિના આશયમાં પેલાને હોય નહિને ?

દાદાશ્રી : ના, એ બુદ્ધિના આશયમાં નથી. એ આશયમાં જે લાવ્યો છે ને, તે ગમતું અને ના ગમતું એના ભેદ પડાવે છે. ત્યારે એના કેટલા ટકા પુણ્યના વપરાયા, કે પાપના વપરાયા ? પાપનાય વપરાયા ને ? તે ના ગમતું હોય તે પહેલું આવે. ના ગમતું હોય તે જ આવીને ઊભું રહે. હિસાબ છે ને બધો !

કેવી રીતે બંધાય 'એ' ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિના આશયો એ કેવી રીતે થઈ જતા હશે ?

દાદાશ્રી : તે સંજોગ અનુસાર થઈ જાય. ભાઈઓ બહુ ત્રાસ આપતા હોય તે, પછી બુદ્ધિના આશયમાં એમ થઈ જાય કે સંસારમાં ભાઈ ના જોઈએ. ભાઈ ના હોય તો બસ. એટલે આવી રીતે આશયો ઊભા થાય છે.

પ્રશ્શનકર્તા : સંજોગોના દબાણથી ?

દાદાશ્રી : હા, સંજોગોના દબાણથી. આત્મા, એના જે ગુણધર્મ છે એમાં કોઈ દહાડોય ફેર નથી. ફક્ત આ બહારનું દબાણ આવવાથી, નૈમિત્તિક દબાણ આવવાથી રોંગ બિલીફ (અવળી માન્યતા) બેસે છે અને તેથી સંસાર ઊભો થાય છે. અને પછી પોતાના આશય મુજબ સંસાર ચાલ્યા કરે છે. ભગવાન પોતે મહીં બેઠા છે. અને એ શું કહે છે કે 'તારે જે જોઈએ એ, પ્રકાશ બધો મારો, હું આપીશ. તું તારી મેળે રમણતા કર્યા કર.' અને જ્યારે ત્યારે કંટાળે ત્યાર પછી સાંકળ ખેંચજે કે, 'હે ભગવાન આ પોષાતું નથી મને.' ત્યારે હું તને સહાય કરી આપીશ. સંજોગ ભેગા કરી આપીશ.

વહેંચણી, પુણ્ય ને પાપ તણી...

આ લક્ષ્મી એ પુણ્ય-પાપની નથી. પુણ્ય-પાપ તો મહીં વહેંચણી થાય છે. પુણ્ય-પાપ તો તમારી ઇચ્છા પ્રમાણે સપ્લાય (વહેંચણી) કરવાનું સાધન છે.

પ્રશ્શનકર્તા : પુણ્ય મદદ કરે, આપણી ઇચ્છા પૂરી કરવામાં ?

દાદાશ્રી : બસ, એ ઇચ્છા પૂરી કરવામાં પુણ્ય મદદ કરે અને પાપ ઇચ્છાનો ધબડકો મારે છે. હવે આ જો પુણ્ય સો ટકા તમે કમાયા અને દસ ટકા પાપના કમાયા, તો તમે કહો કે દસ ટકા બાદ કરીને નેવું ટકા મારે ખાતે જમે કરો, તો એ કુદરત આવી કાચી નથી. એવું હોત તો આ કોઈ વાણિયાને મોક્ષે જવું જ ના પડે. કારણ કે બધા સુખી જ હોય. નેવું ટકા પુણ્ય ભોગવે ને દસ ટકા પાપ ભોગવે. સાંધા જ તોડી નાખે ને ?

પુણ્ય અને પાપ છે ને, એ તો બધું વહેંચણી થાય છે પહેલી. વહેંચણી કેવી રીતે થાય કે તમે કહો કે મારે વાઈફ આવી જોઈએ, બંગલો આવો જોઈએ, મોટર આવી જોઈએ. એ પુણ્યમાંથી તમે જેટલું ટેન્ડર ભરો એ પ્રમાણે તમને મળવાનું.

હવે બેંકમાં રકમ રાખી જ નથી બહુ, 'આવશે એટલા જાય તો બહુ થઈ ગયું, મારે ઘર ચાલે.' હવે પછી ત્યાં બેંકમાં ખોળો તો શી રીતે બને ?

બુદ્ધિના આશયમાં ભરી લાવ્યા 'અમે' !

અમારા એક ભત્રીજાએ મને કહ્યું કે, 'દાદાજી, તમે કેમ બધું આવું ભરી લાવ્યા છો, યોજનામાં ? તમારી યોજનાઓ આવી નીકળે છે ને મારી યોજનાઓ આવી નીકળે છે.' મેં કહ્યું, 'તારે ત્યાં શું દેખાય છે ? તારી યોજનાઓ કરી તે તારે ત્યાં આવ્યું.' આ સંસાર આવો છે અને તમે લોકો લહેર કરવા નીકળ્યા. મૂઆ, લહેર કરવાનું ક્યાં ખોળ્યું ? પછી અમારા ભત્રીજાએ શું કહ્યું કે, 'મારે આત્માની યોજના કેમ નીકળતી નથી ? મારે આખો દહાડો કામ કરવું પડે છે ને એ બધું કરવું પડે છે ને તમારે કામ નથી કરવાં પડતાં ને તોય તમારે ચાલે છે.' ત્યારે મેં કહ્યું, 'એ જ બુદ્ધિનો આશય છે ને ! એમાં બધું લખાવવું પડે આપણે કે મારે બંગલો જોઈશે, ફલાણું જોઈશે, ફલાણું જોઈશે.' એ બધો હિસાબ તમને અહીં મળ્યા કરે. હા, પણ મળે એ શેના આધીન છે ? શેમાંથી થાય ? તે આ ક્રેડિટમાંથી વપરાઈ જાય. એ તમારી ક્રેડિટ હોય તેના આધીન તમને બધું પ્રાપ્ત થાય.

એટલે મેં પેલાને શું કહ્યું ? કે, 'હું ક્રેડિટનો ઉપયોગ થોડોક જ કરું છું. વધારે નથી કરતો. મારે તો આત્મા માટે જ હો.' અને નથી ઘડિયાળ પહેર્યું, નથી રેડિયો લાવ્યો, નથી કશું લાવ્યો. અમારો બુદ્ધિનો આશય આ હોય જ નહીં. અમારી ક્રેડિટ વપરાય જ નહીં. અમારી ક્રેડિટ એકલી આત્મા માટે જ વપરાય. અને તમે તો રેડિયો, કાર, ફ્લેટ બધું, પછી આમાં હોય શેનું ? એમાં તો તમારે દર્શન કરીને જતા રહેવું પડે. આમાં જથ્થાબંધ માલ લાવ્યા જ નહીં ને ! સમજાય છે તમને આ બધું ? બહુ સમજવા જેવું છે, આ તો બહુ લાંબું-પહોળું, જગત તો બહુ મોટું છે.

બાકી, બુદ્ધિના આશયમાં સંસારનું ગમે તે થાય, સંસારનું ગમે તે મળે, તોય મને નથી જોઈતું અને મારે જ્ઞાનીની પાસે જ રહેવું છે, તો તેવું મળી આવે. આ બધું પોતાનું જ છે, પોતાની ગોઠવણી જ છે અને પોતાની ગોઠવણી પર હવે પોતે ભૂલ કાઢવાની છે.

ભાવ અને બુદ્ધિનો આશય !

પ્રશ્શનકર્તા : બુદ્ધિનો આશય અને ભાવમાં શું ફેર ?

દાદાશ્રી : ભાવ છે તે દહીં છે અને બુદ્ધિનો આશય એ માખણ હોય એવું છે.

પ્રશ્શનકર્તા : ભાવમાંથી બુદ્ધિનો આશય ઊભો થાય છે ?

દાદાશ્રી : ભાવ બધા ભેગા થયેલા હોયને, તેને વલોવે ત્યારે બુદ્ધિનો આશય નીકળે.

પ્રશ્શનકર્તા : આપને મળ્યા પછી ભાવ તો હંમેશાં એવો રહે જ કે દાદાને મળીએ, દાદાને મળીએ પણ સંજોગો ના બાઝતા હોય તો શું ?

દાદાશ્રી : એનો ઉપાય નહીં ! જે સંયોગો ના બાઝે એ બધું 'વ્યવસ્થિત'. ભાવથી સંયોગો ઊભા કરવા. આમ અંદરના ભાવના સંયોગો, નિદિધ્યાસન, એ બધું કરવું. આ બહારના એ દ્રવ્યથી સંજોગ કહેવાય. એને આંખો પણ જોઈ શકે, કાનો સાંભળી શકે. અને આ ના થાય તો પેલું કરવું.

પ્રશ્શનકર્તા : ભાવ કર્યા કરીએ તો જ્યારે પેલા સંયોગો જતા રહે, ત્યારે બીજા સંયોગો આવે ને ?

દાદાશ્રી : એવું છે ને, તમારા બુદ્ધિના આશયમાં તમે નક્કી કર્યું કે સવારે છ વાગે રોજ ઊઠવું અને છ વાગે ઊઠાય એટલે એમને સંતોષેય રહે. કો'ક ફેરો છ વાગે ના ઊઠાય તો અસંતોષેય થાય. પણ ખાસ કરીને બુદ્ધિના આશય પ્રમાણે બધું ચાલે. એવું આ જ્ઞાનીને મળાય તો ચાલશે, આ જોઈશે, તે જોઈશે, નહીં મળીએ તો ચાલશે, તો એવું આ ચાલ્યું. આ બધા કહેશે, અમને જ્ઞાનીને મળ્યા વગર નહીં ચાલે, તો એમને એવું મળે. જોડે રહેવાથી મળી જાય. એટલે આ બધું આપણો જ બુદ્ધિનો આશય છે. આ ઊઠવાનો અર્થ તો સમજી ગયાને કે ના સમજ્યા ?

પ્રશ્શનકર્તા : સમજાયું, બરોબર છે.

દાદાશ્રી : રાત્રે સૂવાનો નિયમ કેટલા વાગે ?

પ્રશ્શનકર્તા : રાત્રે હું લગભગ દસ-અગિયાર વાગે સૂઈ જઉં છું.

દાદાશ્રી : એટલે એ પ્રમાણે બુદ્ધિના આશયમાં લાવેલા.

પ્રશ્શનકર્તા : પણ એ ક્રમેય બદલાતો ગયેલો. પહેલાં તબિયત સારી હતી ત્યારે હું રાતે દસ વાગે સૂઇ જતો હતો અને ચાર વાગે ઊઠી જતો. ઘણાં વર્ષો એ પ્રમાણે થયું. પછી આ છેલ્લાં પાંચ-છ વર્ષથી રાતે દસ-અગિયાર વાગે સૂઈ જઉં અને છ વાગે ઊઠું છું, તો આ પણ આશય પ્રમાણેે બદલાતા રહેતા હશે ?

દાદાશ્રી : એ બધા આશય જુદા જુદા. તબિયત સારી થાય તો આમ, તબિયત સારી ના હોય તો આવું. આ બધા હિસાબ ગોઠવાયેલા અને એને પોતાને એ ગમે પછી. કારણ કે પોતે બુદ્ધિના આશયમાં લાવેલો છે.

આ સંસાર બધો આપણા આશય ઉપરથી જોઈ લો કે આવતે ભવ આવું થવાનું છે. એટલે પોતાની ઇચ્છાપૂર્વક જ સંસાર છે આ. પછી એમાં કશું ઊંધું કરે ત્યારે પછી એ અધોગતિમાં જાય. એટલે આ સંસાર પદ્ધતિસરનું ઈવોલ્યુશન (ઉત્ક્રાંતિ) છે ને તે ઇચ્છાપૂર્વકનું છે. પોતાનું ખોખું ન ગમે તેવું હોય તોય પણ સંતોષ રહે છે, એનું શું કારણ ? બુદ્ધિના આશય આ પ્રમાણે લાવ્યો છે. તો એને સ્ત્રીના ખોખાંનોય એને વાંધો ના આવે, અસંતોષ ના થાય અને કાળું ખોખું મળ્યું હોય તોય અસંતોષ ના થાય અને બટકો હોય તોય અસંતોષ નહીં. લાંબો હોય તોય અસંતોષ નહીં. કારણ પોતે પોતાના બુદ્ધિના આશયમાં લાવ્યો છે, પોતાના ટેન્ડર પ્રમાણે.

પ્રશ્શનકર્તા : એને પોતાનું ખોખું પસંદ પડે. પણ આજે જે ઘર છે, તે આ ઘર બરોબર નહીં, આ ઘર બરોબર નહીં, એ જે ફેરવ્યા કરે છે, એ કેમ થતું હશે ?

દાદાશ્રી : પણ ત્યાં દેહમાં ચાલે એવું નથી.

પ્રશ્શનકર્તા : એ વખતે બુદ્ધિના આશય જે થયા હશે, એમાં એમ હશે ?

દાદાશ્રી : લોકોનું ઘર બદલાય છે ને, એટલે એને એમ કે હું ય બદલું. આ દેહમાં તો બદલાતું નથી. એ તો બંધ કરી દીધી એ દિશા અને એના આશય પ્રમાણે લાવ્યો છે. એને અસંતોષ કાયમ રહેતો હોય તો આપણે જાણીએ કે ના, ના, એને એમ છે. પણ આ તો હિસાબ પ્રમાણે લાવ્યો હોય છે.

આવડું મોટું શરીર પણ આશયમાં લાવ્યો હોય ! એક શેઠ અમદાવાદમાં મળ્યા હતા. તે પેટ આટલું બધું આગળ ! મેં જે' જે' કર્યા. બેભાનપણે એ બેઠા હતા, તે મારે કહેવું પડ્યું, 'શેઠ જરા ભાનમાં રહેજો. સામો નમસ્કાર કરે ને તો તમારે સામા આમ કરીએ.' જરા ભાનમાં રહો, કહ્યું. પણ બેભાનપણું અને આ શરીરે આમ ! પણ એને એમ ના થાય કે બળ્યું શરીર, આ રાત્રે પાસું ફેરવે તો સારું લાગે, હાથ ફેરવે ! ને પાતળું હોય તોય એને સારું લાગે. બુદ્ધિનો આશય છે ને !

પોતાનો જે આશય બંધાય કે આવાં છોકરાં, આવું ઘર, આવી વાઈફ, એ બધું બુદ્ધિના તમારા આશયમાં હતું તેવું જ અત્યારે આવેલું છે. આ દેહ, આકાર બધુંય, ઘર રાખ્યું તેય તમારા આશય પ્રમાણે હોય ને તેથી તો દરેકને, એ જ્યાં રહેતો હોય ત્યાં આગળ એને સંતોષ રહે ને ? ઝૂંપડીમાં રહેતો હોય તો એય એને ગમે. એ તો બધું આશય પ્રમાણે છે.

'હીરાબા'ને પરણવા 'પસંદગી'ના પોઈન્ટસ્ !

અમે તો અમારી મેળે નક્કી કરેલું પૈણવું છે કે કુંવારા રહેવું છે ? તો ભઈ, પૈણ્યા વગર ના ચાલે. હું કરીશ ખરો આત્માનું, પણ મને પૈણ્યા વગર નહીં ચાલે. સંસારમાં રહીને પાછો કરીશ. કોઈ પૂછનાર નથી. આપણો ને આપણો નિશ્ચય જ છે. ત્યારે કહે, 'કેવી જોઈશે ?' આપણે પૂછીએ કે 'મારા હાથમાં છે કેવી જોઈશે તે ?' ત્યારે કહે, 'બધું તમારા હાથમાં છે,' આ તમારી દુનિયા 'તમે' ક્રિયેટ કરી છે. તમને જે ભેગું થાય છે, એના 'પોતે' જ ક્રિયેટર છો. એટલે મારા હાથમાં છે સ્ત્રીનું ? અત્યારથી મારા હાથમાં શાથી, મારી સત્તામાં છે ? ત્યારે કહે, પુણ્ય તમારું જ વપરાવાનું છે. તે તમારું આટલું પુણ્ય છે, તમારે જેમાં જેમાં વાપરવાનું હોય એ નક્કી કરી નાખો.'

બોલો, સ્ત્રી જોઈશે ? ત્યારે કહે, 'એ તો જોઈશે.' 'તો કેવી જોઈશે ? ગમે એવી ચાલશે ?' 'ના ગમે એવી નહીં ચાલે, રૂપાળી જોઈશે.' જો એમાં વધારે ટકા ગયા. રૂપાળી કહ્યું ને, શરત કરીને એટલે એમાં પુણ્યના વધારે ટકા ગયા. પછી હાઈ લેવલના કુટુંબની જોઈએ ? તો કહે, 'ના ભઈ, હાઈ લેવલનાં કુટુંબની તો પછી બહુ હોશિયાર થઈ ગયેલી હોયને, તો મને હઉ દબડાવે. હું તો ભલો-ભોળો માણસ.' એ લોકો મને ભગવાન જેવા માનતા હોય ત્યાં પૈણવાનું એટલે ત્યાં પૈણ્યો. હીરાબા આવ્યાં, ગમ્યાં, ડિઝાઈન પ્રમાણે મને મળ્યાં. 'ગ્રેજ્યુએટ થયેલી જોઈએ ?' મેં કહ્યું, 'ના, બા. ઓછામાં ઓછું ગુજરાતી આવડવું જોઈએ. બીજું કશું નહીં. હું જ મેટ્રિક ફેઈલ થવાનો છું ને !' તો બોલો, અમારે કશી ડખલ નથી. જેમ દોરવણી આપીએ એમને તેમ ચાલે. મતભેદ નહીં, ભાંજગડ નહીં.

શરૂઆતમાં અહંકાર જબરો હતો, તે પેલા પચ્ચીસ ફ્રેન્ડના ટોળામાં ફરીએ ત્યારે મનમાં એમ થાય કે, બધાની સ્ત્રીઓ સિનેમામાં જોડે આવે છે, બીજી વાતચીત કરે, ફ્રેન્ડ જેવી રહે છે અને મારે આવી ક્યાંથી આવી ? આ તો બહુ ભણેલી નહીં, એટલે મને ચેન ન હતું પડતું. પછી તો ભણેલી સ્ત્રીવાળા મને શું કહે, 'તમારા જેવો સુખિયો કોઈ નથી.' જો ને, હીરાબા કશું સામું બોલતા નથી. કોઈ દહાડો સામું બોલ્યા નથી. તમે કહો, ચા તો તરત લાવીને આપી જાય. તે આ મહીં હિસાબ તો ખરો કરી રાખેલો ! ભાઈબંધોને ક્યાં આગળ એની વાઈફ કડવી લાગે છે, તે મને ખબર નહીં. હું તો એની પર મીઠાશ જોઉં ઉપરથી, ભઈબંધને મહીં કડવી લાગતી હશે ! તે તો એ જાણે, એમના અનુભવ જાણે. તેથી જ તો મને કહે કે, 'તમે ખરા સુખિયા છો.'

આવી દુનિયા છે. તમને સમજાયું ને ? એટલે તમારું જ બધું આ મળે. તમારો જ હિસાબ છે. અને કોઈ બહારનો ગોઠવવા નથી આવ્યો અને કોઈ પૂછવાય નથી આવ્યું. આ ભાઈએ નક્કી કરેલું, 'જૈન જ જોઈશે ?' ત્યારે કહે, 'ના, ગમે તેવી પણ બ્યુટીફૂલ જોઈએ. જૈન અગર તો બીજી નાતની.' વાંધો-વચકો હોય તો ? એય બધું એડજસ્ટ કરી લઈશું. અમે જૈન વાણિયા, અમને બધું આવડે. એટલે આ બધું તમારાં પુણ્યમાંથી વપરાયું. તમે નક્કી કરેલી જ આ બધી ચીજો મળી છે તમને, મકાન-બકાન બધુંય.

દાદા મળ્યા, એ કઈ પુણ્યૈ ?

પ્રશ્શનકર્તા : તમે વાત કરી કે આ બધી પુણ્યૈ આમાં ખર્ચાય છે. આ ભાઈને આવી વાઈફ મળી, તો એમાં એમણે પુણ્યૈ ખર્ચી, તો અમને દાદા મળ્યા તે કઈ રીતે ?

દાદાશ્રી : એવું છે ને, મનમાં ગણતરી રહ્યા કરે છે, કે ભઈ, એવો કોઈ માણસ મળી ગયો હોય, કે મને કલ્યાણનો રસ્તો બતાવી આપે. આ તો બધા સંતો પાસે જઉં છું, એની જોડે દસ વર્ષ બેસી રહ્યો પણ હતો તેનો તે રહું છું. એટલે એવો કોઈ મળી જાય અને મારું આ ભવમાં થોડું રાગે પાડી આપે. અને હવે અહીંથી છૂટવું જ છે. અહીંથી છૂટાય ! એટલે એવું છોડાવી આપે એવો કોઈ મળી જાયને, એવી ભાવના ખૂબ કરી હોય ત્યારે આ ભેગા થાય. અને હું તો છું જ હાજર, પણ એ ભાવના કરેલી તેથી અમે તમને ભેગા થયા. ઓછી-વધતી ભાવના, જેવી જેવી ભાવના, એટલે જેટલું પુણ્ય હોય એની પાસે સ્ટોકમાં, એ પુણ્યૈ એમાં વપરાઈ જાય. આ પુણ્યનો જથ્થો હોય છે માણસને.

ખર્ચી, પાપ-પુણ્યની કમાણી !

એક માણસ આખી જિંદગી જીવ્યો. ખાધું, પીધું અને મરી ગયો. પછી આ એના જે ચોપડાનો હિસાબ છે ને, તેનું સરવૈયું નીકળે. કુદરતી રીતે સરવૈયું નીકળે કે આટલું એને ખાતે પુણ્ય જમા કરો અને આટલું પાપ જમે કરી લો. એટલે ૮૦ ટકા પુણ્ય અને ૨૦ ટકા પાપ. કારણ કે સંસ્કારી માણસને શું હોય ? પાપ ઓછું હોય.

હવે આ પાપ ને પુણ્ય માટે આપણને પૂછવામાં આવે કે આ રકમ તમારે શેમાં ખર્ચવી છે ? સિલક છે તારી પુણ્યની રકમ ૭૦ હજાર ડોલર છે અને ૩૦ હજાર ડોલર પાપના છે એય જુદા, તે આ ના ગમતા હોય, તેનું શું કરવાનું છે તે પૂછવાનું છે. એટલે એનું ફળ પાપ મળવાનું છે, પૈસા ખર્ચતા પાપ લાગે. ત્યારે કહે છે, ૭૦ હજાર શેમાં શેમાં વાપરવા છે ? એટલે તમે વિચાર કરો, કે ભઈ, જન્મ તો થવાનો એટલે પહેલાં મા-બાપની જરૂર પડશે. એવું તમે વિચારો. તમે પહેલું લખાવો કે મનુષ્ય દેહ, એમાં દેહ પદ્ધતિસરનો પ્રાપ્ત થાય અને જ્યાં અપમાનો બહુ ના આપે અને માનભેર જીવાય, લોકોને કદરૂપો ના લાગે, એવો દેહ પ્રાપ્ત થાય. એ પહેલી શરત કરીએ. એટલે પહેલા બે-ત્રણ હજાર વપરાઈ જાય, ૭૦માંથી એ બાદ કરતા રહેજો.

પછી બીજું, મા-બાપમાં વાપરે. 'મા-બાપ કેવાં જોઈશે ? મા એકલી હશે તો ચાલશે ? તો ઓછું પુણ્ય વપરાશે.' ત્યારે કહે, 'ના. મારે મા ય જોઈએ ને બાપે ય જોઈએ.' ત્યારે થોડું પુણ્ય વધારે વપરાશે. ત્યારે કહે, 'ભલે વપરાય.' પછી કહે, 'સાધારણ જોઈએ કે હાઈ વેલ્યુ ?' ત્યારે કહે, 'હાઈ વેલ્યુ.' પછી 'એકાદ ગાડી હોય તો સારું, મકાન સારું જોઈએ, મિત્રો હોય, બેઠકમાં ચા પીવે ને બહુ સારું દેખાવું જોઈએ.' તે એમાં પાછા આઠ હજાર વપરાઈ ગયા. એટલે આઠ ને ત્રણ, અગિયાર થઈ ગયા. બીજી કેટલી રહી સિલક તમારી પાસે ?

પ્રશ્શનકર્તા : ફીફ્ટી નાઈન (૫૯) છે.

દાદાશ્રી : હવે શું જોઈશે ? એ તો છોકરા તરીકે જન્મવાનું. પછી ભણવા જવું પડશે. હા, ભણવું તો પડે જ ને ? સંસાર ચલાવવાનો છે ! એટલે ભણવાનું ? ત્યારે કહે, 'એ સાધારણ ઓછું હશે તો ચાલશે.' તમે ભણતર અમને સાધારણ આપજોને. પછી ગણતર અમારું કામ છે, એમાં પુણ્યૈની જરૂર નથી. એટલે ભણતર એમના હાથમાં, સ્કૂલોના બધા સંજોગો, બધા એમના હાથમાં, એમાં એક-બે હજાર વપરાયા. પછી કહે છે, 'મેટ્રિક સુધી ભણ્યા પછી નાપાસ થશો તો શું કરશો ?' ત્યારે કહે, 'ચાલશે, એનો વાંધો નહીં. એ નાતના લોકો હસશે ને, તો કોઇ એકલો જ ઓછો હોય છે એવો ? એનો વાંધો નહીં અમારે.' તો પણ લગ્ન તો ટાઈમ થશે ત્યારે શું કરશે ? લગ્ન કરવું છે ? કરવું પડશે, આવું જોઈએ, તેવું જોઈશે. એટલે લગ્ન આપણા તાબામાં, બધું આપણા તાબામાં; પણ લખાવીએને એ જ બધો આપણો હિસાબ.

મને બધા ભાઈબંધો શું કહેતા ? અમે બધા ભાઈબંધો બંગલાવાળા થયા. હવે તમે સારા માણસ થઈ અને તમે બંગલામાં ચાલો. તમારી પાસે શું નથી ? મેં કહ્યું, 'બંગલો લઈશ તેનો મને વાંધો નથી, પણ મને બંગલામાં રાખશો ને તો મને ગમશે નહીં. મને બોજો લાગ્યા કરશે કે ક્યાં આ ઉપાધિમાં પડ્યા પાછા ? એક પલંગ રાખવાની જરૂર. બાકી હું તો સારી નાતવાળા જોડે, સંસ્કારી લોકો જોડે રહીશ અને ભાડાની ઓરડીમાં રહીશ, નહીં તો વેચાતું મળશે તો વેચાતું હું લઈ લઈશ પણ હું ત્યાં રહીશ.' ત્યારે કહે, 'આ તો ત્યાં આપણી વેલ્યુ શું થશે ?' મેં કહ્યું, 'તમારી વેલ્યુ ઘણી છે, મારી વેલ્યુ ઓછી છે પણ મારી આજુબાજુમાં મારી વેલ્યુ છે. એટલે તમારે જો અડચણ આવેને, તો તમે અહીં આ રૂમમાં આવજો ને અહીં અમારી જોડે રૂમમાં સૂઈ રહેજો. મને અડચણ નહીં આવે.' હું પગલું એવું ભરું કે પસ્તાવો ના થાય. કોઈ પણ વસ્તુનો એક વાર પસ્તાવો થઈ ગયો તો એ ચોકડી, એ લાઈન બંધ, કે ફરી એમાં પસ્તાવો જ ના થાય એવી રીતે પગલા લઉં.

આ જે કર્યું એમાં, એ તમારા આગલા ભવની ગોઠવણી. એટલે આવું પુણ્ય બધું વપરાતું વપરાતું આવે. અમારા ભત્રીજાના દીકરા કહે છે, 'દાદા, મારે ઘેર મિલ છે, ગાડીઓ છે, બંગલા છે, એમ ને એમ મળેલું છે મફતમાં, છતાં અમારે છૂટવું હોય તોય નથી છૂટાતું. તમને બધા સારા સંજોગો ભેગા થાય છે.' મેં કહ્યું, 'તારું ૭૦ ટકા પુણ્ય હતું, તો મારુંય ૭૦ ટકા પુણ્ય હતું. પણ તેં તો પુણ્યમાં શું શું લખાવ્યું ફાધર-મધર કેવાં જોઈએ ? ત્યારે કહે, 'ઊંચા પદવાળાં જોઈએ, નહીં તો મારી કિંમત શું ?' એટલે મિલમાલિકને ત્યાં જન્મ્યો તું. જો કે એ મિલમાલિક મારો ભત્રીજો થાય, પણ આમ બીજું બધું મારે લેવાદેવા નહીં કશું. પણ તોય પેલો કહે છે, કે 'એમાં મેં શું કર્યું ?' મેં કહ્યું, 'તેં તારું જ પુણ્ય વાપર્યું ને મેં મારું પુણ્ય વાપરી નથી ખાધું. મેં મિલમાલિક નથી ખોળ્યા. મેં તો એક જ વસ્તુ ખોળેલી કે મા-બાપનું ખોળતો'તો ત્યારે મેં એમ કહ્યું કે મારે મા ઉત્તમ જોઈએ.' કારણ કે હું સમજું કે મા ઉત્તમ, તો આજુબાજુનું સર્કલ સારંુ જ હોય. અને તે જેવું હોય તેવું પણ મા ઉત્તમ છે તો બહુ થઈ ગયું. એટલે બીજું પુણ્ય વપરાયું નહીં. ઈકોનોમી કરું. એટલે મા એકલી સારી જોઈએ, બીજું નહીં. એ તો બહુ ઓછી પુણ્ય વપરાશે એમાં !

બાપ-ભઈઓ બધામાં પુણ્ય વાપર્યું નહીં. એ તો માએ માંગેલું જ હોય ને ? મારે શું કરવા માંગવું ?

પછી કહે છે, વાઈફ તો જોઈશે ને પણ, હવે વાઈફ છે તે આવી આવી જોઈએ, એવી શરત પ્રમાણે હોય તો એના બે હજાર વધારે પડે છે, તો તે ય વાંધો નહીં. ઘરમાં મારી જ વાત, મારું ચલણ રહેવું જોઈએ એવી હોવી જોઈએ.

એટલે આ પ્રમાણે લખાવેલું છે. પછી બીજે અવતારે એવું જ ગમે. આપણે જેવું લખાવ્યું હતું ને, તે પૈણતી વખતે એવું જ ગમે. પછી બાપ કહે છે, 'કેમનું લાગે છે તને ?' મેં કહ્યું, મને ગમશે, ચાલશે.' છોકરીનો બાપ કહે છે, 'કેમનું તમને લાગ્યું ?' ત્યારે છોકરી કહે, 'એ બરોબર છે.'

અને પછી ભાઈબંધોની વાઈફ જુએને, પછી સરખામણી કરે. પછી સારી ન આવી હોય તો ખેદ રહ્યા કરે. અલ્યા મૂઆ, આપણું લઈ આવેલા, આપણો પોતાનો હિસાબ જ છે. એમાં ફરી જઉં છું ? આ બેનને મેં પૂછયું કે, 'આવા ધણી જોડે તને કંટાળો નથી આવતો ?' ત્યારે કહે, 'ના દાદા, હું તો એવું કહું છું કે આવતો ભવ, ભવોભવ, આવો ધણી મને મળજો.' આ હિન્દુસ્તાનમાં આવી સ્ત્રી હશે કે નહીં, એ મને અજાયબી લાગે છે. એ ધણી કેવા હશે અને એ બેન કેવી ? એણે શું નક્કી કર્યું કે આવી બૈરી જોઈએ અને બેને શું નક્કી કર્યું કે આવા ધણી જોઈએ. એ એડજસ્ટમેન્ટ છે ને ? એટલે આ પુણ્ય વપરાતું વપરાતું, ક્યાં જુઓને શેમાં શેમાં વપરાય છે ? છોકરાં કેવાં જોઈશે ? 'હોશિયાર, રૂપાળા, બધું. છોડીઓ જોઈએ.' એમાં પુણ્ય વપરાતું હોય તો વાપરજો, ના વપરાતું હોય તો ના વાપરશો. હીરાબાએ જે માગ્યું એ ખરું. ત્યારે કહે, 'પણ તમારી શું ઇચ્છા ? મારી ઇચ્છા છે કે હોય તોય વાંધો નથી અને ના હોય તોય વાંધો નથી.'

એક બાવો મને કહે છે, 'તુમકો લડકા હો જાયેગા,' મેં કહ્યું, 'થયાં એ શું કરવા જતાં રહ્યાં, એ મને કહે, આગળની વાત પછી ! થયાં એ જતાં રહ્યાં શું કરવા, બેબી, બાબો બન્ને ? કોઇ મને આશીર્વાદ દેતો'તો ત્યારે 'મારે આશીર્વાદ શું કરવા છે ? છોકરાંને શું ધાડે દેવાં છે ?' એમ બોલેલો. ના બોલાય આવું. ફરી એ કોઈ અવતારમાં જન્મે જ નહીં. તિરસ્કારભર્યું બોલ્યો કહેવાય. છોકરાં હોય તોય ભલે ને ના હોય તોય ભલે. એમાં પુણ્ય ખર્ચીને શું કામ છે તે આપણે ! વહુ વગર ચાલે નહીં એવું લાગેલું. પછી વહુએ જે માગ્યું હોય તે વાંધો નથી. છોકરાં નથી તેનોય વાંધો નથી.

પુણ્યૈ વપરાતી જગત કલ્યાણમાં !

કોઈ અમારું પુણ્ય જુએ તોય ખુશ થઈ જાય. જ્યાંથી નીકળ્યો હોય ત્યાંથી બે માઈલ છેટે ઘર હોય અને ત્યાંથી ગાડીમાં નીકળ્યો અને અહીં ગાડીમાં ઉતરું તો ખુરશી લઈને હાજર હોય એટલે પછી બધાને એમ થાય કે આ શું ? આ દાદાનું પુણ્ય કહેવાય ? હરેક વસ્તુ હાજર ! તમે જોયું ને ? પુણ્યનો પ્રભાવ જોયોને ? અને કેવું જ્ઞાન પ્રગટ થયું ? મારા ધાર્યા પ્રમાણે દરેક લોકોનું કલ્યાણ થાઓ ને કલ્યાણ થાય એવું પુણ્ય નીકળ્યું. એટલે હવે તમારે જે માગણી કરવી હોય તે કરજો.

મને કહે છે, 'ઘડિયાળ પહેરી હોય તો ?' મેં કહ્યું, 'ના ભઈ, ઘડિયાળ કશુંય જોઈએ નહીં. ઘડિયાળ તો લોક પહેરે જ છે ને ! એટલે મારે એમાં કંઈ પુણ્ય વાપરવું નહીં.' ત્યારે કહે, 'પછી ખાવા-પીવાનું સારું જોઈએ.' મેં કહ્યું, 'ના. એમાં એક પૈસોય પુણ્ય વાપરશો નહીં. હીરાબા કરશે એવું મારે ખાવાનું.' હીરાબાનું પુણ્ય વાપરેલું, તેનું હું ખઉં છું. બીજા કોઈને સમજાય નહીં એટલે પુણ્ય વાપરી ખાય.

બોલો હવે, શું થયું હશે, કહો ?

પ્રશ્શનકર્તા : તમારું ઘણું પુણ્ય જમા રહ્યું.

દાદાશ્રી : એ તો પેલા ભાઈને કહ્યું કે તેં વાપર્યું ખરું પુણ્ય બધું. હવે મેં છે તે બધું પુણ્ય, ૭૦ હજાર હતું, તે બધું પાંત્રીસમાં હિસાબ કરી નાખ્યો. તે હવે પાંત્રીસ રહ્યા, તેનું હવે કંઈક કહોને કે શું કરવું છે ? મેં કહ્યું, આત્મધર્મ અને એના સંજોગો, મને પુણ્યમાં બે જ પ્રાપ્ત થાવ. તેનું આ મને મળ્યું છે. ત્યારે કહે, 'દાદા, અમારે ?' મેં કહ્યું, 'તારે ગાડી છે એની જરૂર તો રહેશે જ ને, રેડિયો જોઈશે, ટી.વી. જોઈશે, ટેલિફોન જોઈશે, ફલાણું જોઈશે, પણ થોડો ધર્મ જોઈશે.' 'એમાં કેટલા વાપર્યા ?' ત્યારે કહે, 'પાંચ હજાર વાપરો.' ત્યારે ધર્મનાં પાંચ હજાર તારા અને મારા તો પાંત્રીસ હજાર.

એટલે એમને સમજણ પડી કે આ બધી શેની શેની ગોઠવણી છે. ત્યારે મને કહે, 'હેં ! આવું ?' આ ભાઈ કહે છે, 'આપણે ફોન લઈશું ?' મેં કહ્યું, 'નિરાંતે ઊંઘી ગયા હોય ત્યારે પેલી ઘંટડી વાગે, એવો ધંધો શું કરવા જોઈએ ?' મને કહે, 'ફોન વગર શું કરશો ? અત્યારે વ્યવહાર થઈ ગયો છે.' મેં કહ્યું, 'જોડેવાળો રાખે છે ને ?' અને એને સરનામું આપી રાખેલું. એને રાત્રે ત્રણ વાગે ફોન આવેને તો સાંભળે અને સવારમાં આપણને કહે. તો આપણે એને ધન્યવાદ કહીએ, ઉપકાર માનીએ. અને અમે ઉપકાર વાળીએ ખરા, પણ એ બિચારો ત્રણ વાગે રાતે ફોન સાંભળે. અને સવારમાં કહે કે ના કહે ?

પ્રશ્શનકર્તા : કહે.

દાદાશ્રી : એ કહેય ખરો કે રાતે ત્રણ વાગે ફોન આવ્યો હતો. એક તો આપણને રાતે ઊંઘ આવતી નથી અને જરાક ઝોકું ખાય ત્યાં આ ફોન આવે તો કલ્યાણ(!) થઈ ગયું, બા, હું પહેલેથી જાણતો હતો. અને જો ફોન રાખ્યો હોત, વખતે કંઈ સંજોગ ધંધાના એવા થાય તો ફોન રાખવાની જરૂર પડી હોત એથી મારા ના કહેવાથી બધા કંઈ ફોન ન રાખે એવું બને નહીં. તો પછી મારી રૂમમાં ફોન રાખ્યો આ લોકોએ, તો ફોન ઉપર જેની સાથે વાત થાયને તે બધાને કહી દીધું કે રાતે મારી સ્થિતિ સારી રહેતી નથી, તબિયતની અનુકૂળતા નથી માટે ફોન કરવાનું બંધ રાખજો, એવી મારી વિનંતી છે. અને રાતે કંઈ ફોન કરવો હોય તો મનમાં નક્કી કરવું કે સવારમાં જ કરીશું હવે. બહુ ઉતાવળ હોય તોય એમ મનમાં નક્કી કરવું કે સવારના જ કરીશું. એટલે તે ફોનનું ના જ કહી દીધેલું હોય, બધાને જ. મારી પાસે જે આવતા હોય તેને. એટલે શેમાં વપરાઈ ગયા એ તમે સમજી ગયા ને ?

ભાવો જગત કલ્યાણ આશયમાં !

આ બધું ડૉલર શી રીતે અપાય છે ? એકને ખૂબ આપવાનું મન થાય અને એકને આપવાનું મન ના થાય, એવું થતું નથી ? શાથી ?

પ્રશ્શનકર્તા : બીજે પુણ્ય વપરાઈ ગયેલું હોય એટલે ?

દાદાશ્રી : એ પુણ્યનો હિસાબ બીજે લખાવી દીધેલો. પેલા મોજશોખવાળાએ એવું કરેલું હોય કે બધું કમાઈએ, તો સારી રીતે મોજશોખ થાય. હવે એ ૩૦ ટકા પાપના રહ્યા, એ આ પૈસા. હવે પૈસા વપરાય તે તમને ના ગમતું હોય તોય કરવાના સંયોગ આવે. પેલા ૭૦ ટકા ગમતાના સંજોગો આવે અને આ ગમતા નથી એવા સંજોગ આવે. હવે એ ના ગમતા એટલે એમાં પાપ વપરાયું હોય ને, તે વહુ મળી હોય એ ગમે જ નહીં. એ ભેગી થાય, એમાંય પૈસા વપરાય. વહુ મળી એટલે સંજોગ ભેગો થયો ને એટલે ૩૦ ટકા ના ગમતામાં વપરાય અને ૭૦ ટકા ગમતામાં એટલે ગમતાવાળાનું એડજસ્ટમેન્ટ સારું કરવું. અને ના ગમતા હોય તો તેમાં વાપરવું હોય તો વાપરજો. સમજાય એવું છે કે નહીં ?

પ્રશ્શનકર્તા : બહુ સરસ વાત કરી.

દાદાશ્રી : મારી ભાવના ખરી, પણ હવે આવું કહેવાય શી રીતે ? સમજણ પડે શી રીતે ? એટલે હવે તમે ટેન્ડર ભરો તો પાંસરું ભરજો. હજુ બે અવતાર છે. નહિ તો ગાડીઓ માંગવી હોય તો ગાડીઓ માંગજો. તમારામાંથી બાદ થશે. શેમાંથી બાદ થશે ? આ તમારી મૂડી થઈ છે ને, તેમાંથી !

પ્રશ્શનકર્તા : આજે બહુ આપી દીધું, દાદા.

દાદાશ્રી : ધન્ય છે ત્યારે !

પ્રશ્શનકર્તા : આપણી જે જગત કલ્યાણની ભાવના છે, એમાં પુણ્ય કેટલું વપરાય ? અગર તો એ જ ભાવના એકલી હોય જીવનની અંદર તો ?

દાદાશ્રી : હા, તે એ ભાવનાનું ફળ તમને બહુ મોટું મળશે. આપણે એનું ફળ શું મળશે એ જ જોવાનું. એ તો તીર્થંકરોએ શું કર્યું કે જગત કલ્યાણની જ ભાવના ભાવેલી, બસ ! એનું ફળ શું મળ્યું કે આ તીર્થંકર થાય. જ્યાં પગ પડે ત્યાં તીર્થ કહેવાય. હું એ જ ભાવના કરું છું. તમારી એ જ ભાવના છે તે ભાવના ફળશે.

પ્રશ્શનકર્તા : આપ્તવાણીમાં લખ્યું છે કે એ ભાવના હશે તો તમને બધું જ મળી રહેશે, વગર માગ્યે.

દાદાશ્રી : હા, આપણે આ જ ભાવના ભાવીએ તો આપણું સારું થાય જ અને જોડે જોડે આવતે ભવ આપણું જે થવાનું હોય એમાં કોઈ હાથ ના ઘાલે, ડખલો ના આવે. આટલું સમજી ગયા ને, એનું કલ્યાણ થઈ જાય.

 

(૮)

બુદ્ધિ સામે, અક્રમ વિજ્ઞાન !

વીતરાગ વિજ્ઞાન મુક્તિ અપાવે !

આ શાસ્ત્રની ભાષા નથી, આ તો વીતરાગ વિજ્ઞાન છે ! પ્યૉર વીતરાગ વિજ્ઞાન, જરાય ઈમ્પ્યૉર નહીં !!

બુદ્ધિ અને જ્ઞાનની વ્યાખ્યા કોઈ જગ્યાએ આવી હોય નહીં. એવું સાંભળવામાં નહીં આવે. આ જેટલું હું બોલું છું તે અપૂર્વ છે. પૂર્વે ક્યારેય સાંભળેલું નથી, વાંચેલું નથી, જાણેલું નથી, જોયેલું નથી એવું અપૂર્વ વિજ્ઞાન છે આ ! અને તરત છોડાવનારું છે. તમને કેટલા કલાક જ્ઞાન આપવું પડ્યું હતું ?

પ્રશ્શનકર્તા : એક કલાક જ !

દાદાશ્રી : વિજ્ઞાન એટલે શું કે જે જ્ઞાન લોકોના ખ્યાલમાં ના હોય. ગિફ્્ટથી ઊભું થયેલું હોય. કસી કસીને ના થાય. કસી કસીને, કસોટી કર્યે ના થાય. એ ગિફ્્ટ હોય. તે સાયન્ટિસ્ટ ગિફ્્ટ લઈને જન્મેલો જ હોય. આ અમારું વિજ્ઞાનેય ગિફ્્ટ છે, કોઇ માણસ કરી ના શકે.

પ્રશ્શનકર્તા : અક્રમ વિજ્ઞાન છે એમાં આંતર ને બાહ્ય, બંને આવી જાય ?

દાદાશ્રી : બેઉ આવી જાય. પહોંચી વળે બન્નેને, કારણ કે બુદ્ધિને ગાંઠતું જ નથી આ જ્ઞાન. ગમે એટલો બુદ્ધિશાળી હોય, સાયન્ટિસ્ટ હોય પણ જ્ઞાન ગાંઠે નહિ. અને સાયન્ટિસ્ટો જ પાછા મને કહે ને, કે જ્યારે મેં કહ્યું કે 'આ ટેપરેકર્ડ બોલે છે,' ત્યારે કહે, 'અમને આ સમજાતાં બહુ વાર લાગશે.' અને હું તો જવાબદારીવાળું બોલું છું. આ બેજવાબદારીવાળું નથી બોલતો. વાત છેવટે સમજવી પડશે અને આ સિદ્ધાંત તો બુદ્ધિને ગાંઠે એવો નથી. એટલે બુદ્ધિવાળાને બુદ્ધુ બનાવી દે એવો છે. આ સિદ્ધાંત એટલે એક-બે જણને મેં કહ્યું ને, 'શું કરવા આમાં બુદ્ધિ ચલાવો છો ? ન હોય બુદ્ધિ ચલાવવાનો રસ્તો આ. તમારી બુદ્ધિ તમને બુદ્ધુ બનાવશે.' આ સિદ્ધાંત બુદ્ધુ નહીં બનાવે. અવળો અર્થ કરીને તમારી બુદ્ધિ તમને બુદ્ધુ બનાવી દેશે. સિદ્ધાંત કંઈ નવરો નથી કે તમને બુદ્ધુ બનાવે અને આ તો સિદ્ધાંત છે. છેલ્લા સત્યાવીસ વર્ષથી આ વાણી નીકળી છે, એમાં ખોળી કાઢે કે એકુય શબ્દ વિરોધાભાસ છે ?

બધું શી રીતે સમજણ પડે ? આ મેળ શી રીતે પડે લોકોને ? અહીં બુદ્ધિશાળી બધા બહુ જતા રહ્યા પાછા હાથ ધોઈને, મોઢું બગાડીને ગયા, જતા રહ્યા. કારણ કે બુદ્ધિ પહોંચી શકે એવું નથી આ. આ સાહેબ જ પ્રખર બુદ્ધિશાળી હતા. છેવટે સાહેબ જ ફસાયા. તો આ ફસાવામાં જ આનંદ છે ને ? આ ફસાવામાં ખરો આનંદ આવે છે નહીં ? અને બુદ્ધિ ને અહંકાર ઉછળતા હોય છે, એને તોડી નાખવા પડે, ત્યારે બોબડી બંધ થઈ જાય. તે આ જ્ઞાન જ એવું છે ને ? દાદાની પાસે, ભલભલાની બુદ્ધિ તોડી નાખે. પેલા સોલિસિટર શું કહેતા હતા ?

પ્રશ્શનકર્તા : નોકરી કરવી અને આ બધું મેળવવું, બધું એક સાથે શક્ય નથી.

દાદાશ્રી : હા, અહીં શક્ય થાય એવું છે. એ બુદ્ધિથી માપશો નહીં. બુદ્ધિ તો એવું જ કહેશે કે, અનુભૂતિ થાય જ નહીં, આ કાળમાં ! ત્યારે મેં કહ્યું, 'ભઈ, અહીં બુદ્ધિ ચાલે એવી નથી.' જેનામાં બિલકુલ, સહેજેય બુદ્ધિ ના હોય તો એ આ દાદા ભગવાન. તમે જુઓ છો ને, આ બુદ્ધિ વગરના માણસ અને એવું પોતે કહે છે ને કે, 'અમારામાં બુદ્ધિ નથી.' એટલે ગપ્પું નથી આ !

ન ગાંઠે અક્રમ વિજ્ઞાન, બુદ્ધિને !

તમને ગમીને થિયરી આ ?

પ્રશ્શનકર્તા : સરસ જ છે ને ! વિજ્ઞાન છે ને આ તો !

દાદાશ્રી : હા, વિજ્ઞાન છે ! ને બુદ્ધિને ગાંઠતું જ નથી, એય અજાયબી છે ને ? હા, બધાં જ્ઞાન બુદ્ધિને ગાંઠી જાય. અને આ જો બુદ્ધિને ગાંઠતું હોત તો આ વિજ્ઞાનને તોડી નાખત, કે' દહાડાનુંય તોડી નાખત.

વિજ્ઞાન એનું નામ કહેવાય કે જે તર્ક-વિતર્કથી મુક્ત હોય, સરળ હોય અને ગામડિયું હોય. અને છતાં ગમે તેવી બુદ્ધિનેય ગાંઠે નહીં પાછું ! ભલભલી બુદ્ધિઓ મેં જોઈ પણ કોઈ બુદ્ધિને આ ગાંઠતું જ નથી, એને ફેંકી જ દે છે. જેમ ઈલેક્ટ્રિસિટી હોયને તે પેલાને શૉક અમારે, એવી રીતે ફેંકી જ દે છે. ત્યારે વૉટપાવર કેવડો મોટો હશે ! નહીં તો બુદ્ધિ દરેક જ્ઞાનને આમળે ચઢાવે. પણ આ વિજ્ઞાન ભલભલા બુદ્ધિશાળીઓને, બુદ્ધિ ગમે તેવી હોય, પણ આ વિજ્ઞાન ગાંઠતું જ નથી. એનેય ટાઢું થયે જ છૂટકો. અને એ દલીલ એવી ગપ્પાં મારે એવી નહીં, સ્વીકાર્ય હોવી જોઈએ, બન્ને પાર્ટીને !

બુદ્ધિશાળી એટલે શું ? એને કોઈ કાયદો નહીં, 'નો લૉ !' આમથી ફેંકે, આમથી ફેંકે, આમથી ફેંકે. અને આ વિજ્ઞાન એક જ લૉમાં હોય કે બીજી બાજુ ફેરવાય નહીં. છતાંય આટલી બધી રીતે ચોગરદમથી ફેંકે, બુદ્ધિ તો આમથીય ફેંકે, ઘડીકમાં આમથીય ફેંકે, ગબડાવી દેવા માટે. બુદ્ધિની ચારેય દિશા ખુલ્લી હોય ને છતાં આ વિજ્ઞાન બુદ્ધિને ગાંઠતું નથી. અને બધા સમજી જાયને પાંચ વાક્યોમાં તો આખા વર્લ્ડનું સાયન્સ આવી જાય છે અને તે આ મારી ગોઠવણી નથી. આ કુદરતી નીકળેલું છે. ધીસ ઈઝ બટ નેચરલ (કુદરતી જ છે). બુદ્ધિથી ગોઠવણી ના થઈ શકે.

શું આ અક્રમ વિજ્ઞાન ! બુદ્ધિ બેઠી બેઠી પાણી પીધા કરે ! પાછું અવિરોધાભાસ ! વિરોધાભાસ ઉત્પન્ન ના થાય એવું. આ અવિરોધાભાસ સાયન્સ છે. અને તેમાં તમે પડ્યા. બોલો ! આખી કૉલેજ પસાર થઈ ગઈ, એટલે કામ થઈ ગયું ! અને 'પોતાના' સુખ સાથે, એરકન્ડિશન્ડ ડબ્બો બધું સાથે. નહિ તો પહેલાં કેટલો બળાપો, બળાપા સાથે હતું.

દીધો 'અમે' જગને, ખુદાનો પૈગામ !

બધાએ બુદ્ધિની અંદરની વાત કરી છે. જ્યાં બુદ્ધિ ના પહોંચે એ ખુદાના ઘરની વાત અને જ્યાં બુદ્ધિ પહોંચે એ સંસારીઓનાં ઘરની વાત. અને જેને બુદ્ધિનો અભાવ થયો ને બુદ્ધિ ગઈ, તેનું કલ્યાણ થઈ જાય. ખુદા ભેગા થયા ત્યારથી બુદ્ધિ અમારી ખલાસ થઈ ગઈ. ખુદાને દેખ્યા કે અમારી બુદ્ધિ અલોપ થઈ ગઈ. ખુદાની પાસે બેઠાં બેઠાં આનંદ રહે છે. અને ખુદા શું કહે છે ? 'એક સંદેશો આપો કે જેથી જગત આખું પાછું ફરે. આખું જગત બફાઈ રહ્યું છે અને તે સાયન્ટિફિક રીતે આપો.' તે મને સાયન્ટિફિક રીતે ખુદાએ આપ્યું. તે પ્રમાણે હું આપવા માગું છું.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23