ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૬)

સૂઝ, કુદરતની એક અનોખી દેણ !

મનુષ્ય માત્રને અંતરસૂઝ !

પ્રશ્શનકર્તા : સૂઝ એટલે શું ?

દાદાશ્રી : એ તો આ માણસ નથી કહેતા કે મને સૂઝ પડતી નથી.

પ્રશ્શનકર્તા : પ્રેરણાને સૂઝ ન કહેવાય ?

દાદાશ્રી : પ્રેરણા તો મહીંથી, અંદર થાય ને, એ ચોરને ચોરીની પ્રેરણા આપે. એ 'વ્યવસ્થિત'ને આધીન છે ! જે પ્રેરણા આપે છે, એ 'વ્યવસ્થિત' પ્રેરણા આપે છે અને સૂઝ એ તો કુદરતી સંચાલન છે.

પ્રશ્શનકર્તા : સૂઝ એ 'વ્યવસ્થિત'ને આધીન ખરી કે નહીં ?

દાદાશ્રી : ના, ના, 'વ્યવસ્થિત' તો આ સૂઝમાંથી પછી ઉત્પન્ન થાય છે, 'વ્યવસ્થિત'ને તાબે એ નથી.

આપણને જે અંતરસૂઝ પડે છે એ મોટામાં મોટી વસ્તુ છે. આ સંસારમાં અજ્ઞાનદશામાં મોટામાં મોટી વસ્તુ હોય તો તે અંતરસૂઝ. અંતરસૂઝ એકલી જ વસ્તુ છે આગળ લઈ જનારી.

પ્રશ્શનકર્તા : પણ અંતરસૂઝ બધાને મળેલી હોય છે ખરી ?

દાદાશ્રી : દરેકને હોય જ. અંતરસૂઝ વગર તો એનું ગાડું જ ચાલે નહિ. એ ગમે એટલો ગૂંચાય, ત્યારે પાછું અંતરસૂઝથી એને ખબર પડે કે 'ના, ના, એવું નથી. વાંધો નથી.'

પ્રશ્શનકર્તા : તો આ ગાડું ઠેકાણે કેમ નથી આવતું, જો બધામાંય અંતરસૂઝ હોય તો ?

દાદાશ્રી : જીવમાત્રમાં અંતરસૂઝ હોવી જ જોઈએ. અંતરસૂઝ વગર તો ચાલે જ નહિ. એનું ગાડું જ ના ચાલે.

પ્રશ્શનકર્તા : અંતરસૂઝ હોય તો આટલા બધા ભ્રષ્ટાચાર, ગુનાઓ, અપરાધો, અશાંતિ છે, તો એ અંતરસૂઝ એને બતાવે નહિ, કે આ માર્ગ સાચો નથી, એમ ?

દાદાશ્રી : અંતરસૂઝ બધું જ બતાવે પણ અહંકારે કરીને લોકો દબાવી દે છે, હડહડાટ ! કારણ કે પોતે ભાવનાઓ કરી છે કે આવું ભોગવવું છે. એવી કેટલાય અવતારોથી ભાવના કરતા કરતા આવ્યા છીએ. તે આ ભાવનામાં સપડાયા છે લોકો. એટલે હંમેશાંય આત્મા બધા સ્વતંત્ર છે અને તે પોતાનું જેમ ચિંતવે એવા થાય એવા છે. એને જ્ઞાન મળી જાય કે આમ ભોગવવામાં જ સુખ છે, તો તેવી ભાવના કર્યા કરે. કોઈ ફેરો જ્ઞાન સવળું મળી જાય તો સવળું કર્યા કરે. એને જ્ઞાન મળ્યા પ્રમાણે જાય છે એ બાજુ.

અંતરસૂઝ એ મોટામાં મોટી વસ્તુ છે. સાહિત્યકારો, કવિઓને બહુ મોટી સૂઝ હોય. આ સાયન્ટિસ્ટોય સૂઝના આધારે ચાલે છે, બીજું કંઈ નથી એમને. પોતાને સૂઝ પડે છે. આઈનસ્ટાઈનેય પોતાની સૂઝના આધારે ચાલતા'તા. પોતે સહજ ભાવે રહેને, એટલે સૂઝ ઉત્પન્ન થાય, તો આમ પૂરેપૂરી ફળ આપે. અખાએ સૂઝ માટે બહુ લખ્યું છે. અમનેય જ્ઞાન થતાં પહેલાં સૂઝ પડતી'તી. સૂઝ એટલે પ્રત્યક્ષ ના દેખાય. આમ જ છે એવું લાગે, એનું નામ સૂઝ.

એ છે નેચરલ ગિફ્ટ !

પ્રશ્શનકર્તા : ન્યુટન જેવા મોટા મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા, એ સત્ય શોધવા માટે જ કરતા હતા. એ લોકોને અહંકાર નહોતો.

દાદાશ્રી : બિલકુલેય અહંકાર હોય જ નહીં. અહંકાર ના હોય ત્યારે આ ગિફ્ટ હોય. આ એમની બુદ્ધિ નથી, આ ગિફ્્ટ છે. આ નેચરલ, કુદરતી બક્ષિસ છે !

પ્રશ્શનકર્તા : અને ધાર્મિક પુરુષોને પણ ગિફ્્ટ હોય છે ને ?

દાદાશ્રી : બધી ગિફ્્ટ. અહીંયાંય ગિફ્્ટ જ છે બધી. આ હું બોલું છું તેય મારી ગિફ્્ટ છે આ. આપણા લોક શું સમજે છે ? આ બુદ્ધિથી મને કંઈ ઊંચા ઊંચા વિચારો ને ઊંચું ઊંચું દેખાય છે, પણ એવું નથી.

હવે એમાં બે ચીજ છે, એક તો દર્શન છે. સૂઝ પડવી એ દર્શનમાં જાય છે. એ પૂર્વભવની ગિફ્્ટ છે, ગયા અવતારની. ફ્રી ઓફ કોસ્ટ (મફત) ગિફ્્ટ છે. અને બીજું ચિત્તશુદ્ધિ જેટલી થઇં હોય એટલું બહુ લાભ આપે. એટલે ચિત્તશુદ્ધિ, ગિફ્્ટ આ બધુંય આ લોકોએ બુદ્ધિમાં ઘાલી દીધું છે અને બુદ્ધિને મહત્ત્વ આપી દીધું છે. બુદ્ધિ એ મહત્ત્વ આપવા જેવી ચીજ નથી.

પ્રશ્શનકર્તા : સૂઝ જે છે માણસની પોતાની, એ જન્મની સાથે લાવતો હશે ?

દાદાશ્રી : અનંત અવતારથી, સૂઝ સિવાય તો ગાડું આગળ ચાલે જ નહીં ને ! સૂઝ તો શરૂઆતથી જોડે છે જ. એક બાજુ સૂઝેય ખરી અને એક બાજુ બુદ્ધિય ખરી. બુદ્ધિમાં અહંકાર ભળેલો હોય, સૂઝમાં અહંકાર ના ભળેલો હોય.

પ્રશ્શનકર્તા : સૂઝ આવે ક્યાંથી ?

દાદાશ્રી : એ જ, આવરણ ખૂલતું જાય છે, તેમ તેમ સૂઝ પડતી જાય છે, આગળ આગળ. આમ જેમ જેમ પ્રવાહમાં વહેતો આવે છે, તેમ તેમ આવરણ ખૂલતું જાય છે, તેમ તેમ છે તે સૂઝ પડતી જાય છે. નિરંતર સૂઝ વધે જ. આ જગતમાં આશ્ચર્યકારક વસ્તુ હોય તો સૂઝ. પ્રેરણા-બેરણા તો બધી પોતાના આધીન નથી અને ભગવાનને ત્યાંથીય આવી નથી, એ વ્યવસ્થિતને આધીન છે.

પ્રશ્શનકર્તા : આ જે સૂઝ છે તે આત્મા પ્રેરિત હશે ? આત્મા પ્રેરિત સૂઝ હોવી જોઈએને, તો જ થાય ને ?

દાદાશ્રી : નહીં, એ સૂઝ નહીં. એ એક આત્માનો ભાગ છે કે જે આવરાયેલો છે ને, તે આવરણમાંથી મહીંથી નીકળેલો, ઉદય થયેલો ભાગ છે સૂઝ નામનો ! અને એ જ છે તે દર્શનાવરણ તરીકે ગણાય છે, ને એમાંથી સૂઝ વધતાં વધતાં એ છેવટે સર્વદર્શી થાય.

પ્રશ્શનકર્તા : તો જેને જ્ઞાન મળ્યું નથી, એમનામાં પણ સૂઝ હોઈ શકે ને ?

દાદાશ્રી : સૂઝ દરેકનામાં હોય. સૂઝના આધારે જ બધું જીવન છે આ. આ ઝાડ-પાન બધાંને સૂઝ હોય છે. સૂઝના આધારે તો બધું ચાલે છે. સૂઝ જાનવરોનેય ખરી. સૂઝ વગર તો કોઈ જીવ હોય જ નહીં. આ સૂઝ છે, તેનાથી જ આ જગતના જીવોના વ્યવહાર ચાલે છે, આ ભગવાન કંઈ ચલાવતો નથી. આ બકરીને આમ ખાવાનું મળે તો તે પહેલું સૂંઘેને, તે તરત ખબર પડી જાય કે આ ન હોય ખાવા જેવંુ. એટલે એવી સૂઝ પડી જ જાય. દરેક જીવને પોતાનું હિત શેમાં છે એ સૂઝ પડી જાય.

સૂઝ, અર્પે વિશેષ સૂઝ !

સૂઝવાળી બૈરી હોય તો અરધા કલાકમાં પચાસ માણસની રસોઈ બનાવે અને સૂઝવાળી ના હોય તો ચાર કલાક ગૂંચાયા કરે અને કૂટાયા કરે. લોકો કહેય ખરા, બઈને વ્યવહારમાં સૂઝ પડતી નથી. સૂઝ ના પડે તો શું કરે તે ? ગૂંચાયા કરે. શેનો વઘાર કરું, બળ્યું ? રઈનો કરું કે મેથીનો કરું કે જીરાનો કરું ?

પ્રશ્શનકર્તા : સૂઝ એટલે કન્ફ્યૂઝન (ગૂંચવાડા)નો અભાવ, ઈન્સાઈટ (અંતરદ્ષ્ટિ) કહે છે અંગ્રેજીમાં, એને સૂઝ કહેવાય ?

દાદાશ્રી : ના, ગૂંચવાડાના અભાવને નહીં, પણ ગૂંચવાડાને કાઢી નાખે. ઊભા થયેલા ગૂંચવાડાને કાઢી નાખે, એ સૂઝ કહેવાય.

પ્રશ્શનકર્તા : એટલે સૂઝ એ ઈન્બોર્ન (જન્મથી) છે ને ?

દાદાશ્રી : જન્મથી જ જોડે. દારૂય પીવે ને સૂઝેય હોય.

પ્રશ્શનકર્તા : આ સૂઝ જે છે એ માણસને સંસારમાં મદદ કરે, એવી રીતે આત્મા પ્રાપ્ત કરવા માટે આ સૂઝ મદદ કરે ?

દાદાશ્રી : સૂઝ એની સેફસાઈડ છે. જેટલી સૂઝ વધારે એટલી એની સેફસાઈડ વધારે. સૂઝ ઓછી, એટલો ગૂંચવાડો વધારે.

ફક્ત અંદર મોટામાં મોટી શક્તિ છે, જેને સૂઝ કહેવામાં આવે છે. એ કુદરતી શક્તિ છે. એ 'એને' બધા બખેડામાંથી બહાર કાઢે. જ્યાં જ્યાં ફસાયો હોય ત્યાંથી બહાર કાઢે એ સૂઝ ! અને ઠેઠ મોક્ષે લઈ જાય ત્યાં સુધી હેલ્પ કરે, પણ આ વચ્ચે આંતરા ના નાખે તો, નવાં જ્ઞાન, ગૃહિત મિથ્યાત્વ ન ભરે તો. ગૃહિત મિથ્યાત્વ એટલે કો'કનું મિથ્યાત્વ પાછું આપણે ભર્યું. એ બોલે ને આપણે શીખ્યા. તું તારી મેળે ગીતા વાંચ અને જે તને ગ્રહણ થાય એટલું લે. આ ગીતા ઉપરથી લોકોએ લખ્યું એથી ગૃહિત મિથ્યાત્વ ઊભું થયું. એથી મેડનેસ (ગાંડપણ) વધી ઊલટી. એ બુદ્ધિનું બધું પ્રદર્શન કર્યું છે ! સૂઝ એ દર્શન છે સહજ પ્રાપ્ત થતું, વિના પ્રયાસે પ્રાપ્ત થતું, એ દર્શન ખૂલતું ખૂલતું કેવળ દર્શન થઈને ઊભું રહે છે. પણ નિમિત્ત જોઈએ વચ્ચે, નિમિત્ત !

ખીલે સૂઝ, સૂઝવાળાના સંગે !

પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે સૂઝને માટે, એ દર્શન એને ઠેઠ કેવળ દર્શન સુધી લઈ જાય. પણ એમાં નિમિત્ત જોઈએ, એ નિમિત્ત શું ?

દાદાશ્રી : સૂઝવાળાં ઊંચા નિમિત્ત ભેગાં થાય ને, તેમ તેમ સૂઝ ખીલતી જાય. અને તે પણ સહજ, વિના પ્રયાસે.

પ્રશ્શનકર્તા : એનો દાખલો આપો.

દાદાશ્રી : તમે ઊંચા ઊંચા માણસ જોડે, જેને કોઠાસૂઝવાળા કહે છે, તે વધુ સૂઝવાળાને તમે ભેગા થાવ અને એના પરિચયમાં રહો તો તમારી સૂઝ ખીલતી જાય. તે તમારે કશો પ્રયત્ન કરવો ના પડે. એનો પરિચય રહ્યો એ જ ખીલી જાય. પરિચયનું જ ફળ મળે.

પ્રશ્શનકર્તા : એને તમે નિમિત્ત કહો છો ?

દાદાશ્રી : હા, અને છેવટે જ્ઞાનીના પરિચયથી સંપૂર્ણ થઈ જાય. જ્યાં સંપૂર્ણ કોઠાસૂઝ થઈ ગયેલી છે, દર્શન તરીકે, કેવળ દર્શન તરીકે, ત્યાં જઈએ એટલે સૂઝ પૂરી કરી આપે. બાકી, એ સૂઝ તો સૂઝવાળાથી જ પ્રાપ્ત થાય.

પ્રશ્શનકર્તા : એ જે સૂઝ છે એ અહંકારથી ઢંકાઈ જાય ખરી ?

દાદાશ્રી : ના, એવું નથી. એ અહંકારથી ઢંકાતી નથી. ફક્ત સૂઝવાળા માણસના પરિચયથી એ વધતી જાય છે. અહંકાર એને કશું કરી શકતો નથી. દારૂ-ગાંજો કશું એને કરી શકતું નથી. ફક્ત હલકી સૂઝવાળાની જોડે પડી રહેવાથી, સંસર્ગથી સૂઝ ઓછી થાય છે. હલકા લોકોની સૂઝ હોય હલકી, તેના પરિચયમાં આવવાથી સૂઝ ઓછી (હલકી) થતી જાય ! પછી એય ગૂંચવાય ત્યારે આપણનેય ગૂંચવે. એટલે સંસર્ગ બહુ સારો રાખવો સૂઝનો.

પ્રશ્શનકર્તા : તો દાદા, આ સૂઝને કયા સંજોગોમાં આવરણ આવે ?

દાદાશ્રી : હલકી કોટિના પરિચયમાં આવીએ ત્યારે. નીચલી કોટિના પરિચયમાં આવો ને, ત્યારે આવરણ આવે.

પ્રશ્શનકર્તા : કેટલીક વખતે એમ કહે કે મને આની સૂઝ પડતી નથી.

દાદાશ્રી : બીજો સૂઝ આપે ત્યારે ચાલ્યું ગાડું, નહીં તો માણસ પા પા, અરધો-અરધો કલાક બેસી રહે આમ કરીને. પછી મહીં જેમ ટપકું પડે એટલે સૂઝ પડી જાય છે. ઊભો થઈને કરવા માંડે છે. હવે હલકા લોકોના પરિચયમાં આવીને સૂઝ જતી રહી નથી, પણ હલકા પ્રકારની થાય છે. એટલે પોતાને નકામી થાય છે, યુઝલેસ થાય છે. ચોરીઓની સૂઝ આવડે, બીજું આવડે, તેને શું કરવાની ?

બુદ્ધિ કરતાં સૂઝની કિંમત વધારે છે, પણ લોકો સમજતા નથી. આ લોકોને બુદ્ધિની ઘણી કિંમત. બુદ્ધિ તો નફો-નુકસાન બે જ દેખાડે. બીજું કશું દેખાડે નહીં. ઈમોશનલ જ બનાવ્યા કરે અને સૂઝ ઈમોશનલ ના બનાવે. ગૂંચવાડો હોય તેનો નિવેડો લાવી આપે. મને બહુ અનુભવ હોય સૂઝના. મને તરત ખબર પડી જાય, સૂઝ પડી એમ ! હા, મને તો મોટું અજવાળું જેવું મહીં થાય, સૂઝ પડે એટલે. રસ્તા પરનું આરપાર બધું દેખાઈ જાય.

દાદાની ટોપમોસ્ટ સૂઝ !

મારે એ સૂઝ જ વધારે હતી. બહુ જ જબરી સૂઝ ! જ્યાં ને ત્યાં ફોડ પડી જાય. એટલે દસ-પંદર માણસ પૂછવા આવે, તે એનો નિવેડો આવી જાય ! પછી એમાં દોષેય બંધાયા હશે. કારણ કે પેલો ગુનેગાર હોય, ઈન્કમટેક્ષનો કે કાળા બજારનો ! હવે મારો અહંકાર એણે પોષ્યો. એને મદદ કરવી જોઈએ, એ મારો સ્વભાવ. મદદ કરીને હું શું કરું ? પાછલે બારણેથી કાઢી મેલું, એ ગુનો છે. પાછલે બારણે રહીને કાઢી મેલવો એ ગુનાને હેલ્પ કરી મેં. આવું મેં કરેલું. ઊલટું ઓછી ઉપાધિ કરી હતી ? કંઈ કરવામાં બાકી રાખ્યું છે ? સારા માણસનેય હેલ્પ કરેલી. સારા માણસને સારા રસ્તા બતાવેલા. પણ આમનેય રસ્તા બતાડવામાં બાકી નહીં રાખેલું. મુશ્કેલીવાળાને કહેલું, 'આમ કહીને તું કરજે, તો મળશે તને.' આ સરકારી ચોરીઓ આવી કરજો, તેમ કરજો. પણ આ બધું જ્યાં સુધી પોતાનું ભાન નથી, ત્યાં સુધી કડાકૂટો કર્યા જ કરેલી. સૂઝ બુદ્ધિથી જુદી રહેવાની. બુદ્ધિ તર્કવાળી હોય. બુદ્ધિ તાર્કિક હોય અને આ સૂઝ એ તો પ્યૉર હોય.

'એ' અનંત અવતારનું ઉપાદાન !

પ્રશ્શનકર્તા : બુદ્ધિને વિપરીત માર્ગે કે સન્માર્ગે વાળનાર કઈ શક્તિ ? જો અહંકાર ના હોય તો સરળ હોય ને ?

દાદાશ્રી : બુદ્ધિને સમ્યક કરનારું એવું તેવું કોઈ નથી. અહંકારેય નથી. અહંકારમાં તો બરકત જ નથી, એમ કહીએ તો ચાલે. એટલે બુદ્ધિને અહંકાર કશું વાળતો જ નથી. કારણ કે પોતે જ આંધળો છે. બુદ્ધિને વાળનારી શક્તિ જે અનંત અવતારથી આપણામાં તૈયાર થયેલી છે તે ઉપાદાન શક્તિ છે. અનંત અવતારનો જે અનુભવ આપણને થઈ રહ્યો છે તે અનુભવ મહીં ઉપાદાન સ્વરૂપે ઊભો થઈ રહ્યો છે અને એ સૂઝ રીતે આપણને ફળ આપે છે. હવે એ ઉપાદાન સ્વરૂપ આપણને હેલ્પ કરે છે. એ ઉપાદાન સ્વરૂપ સમ્યક ભણી લઈ જાય કે બુદ્ધિ આમ નહીં પણ આમ હોવી જોઈએ. સૂઝ અહંકારને કહે કે, 'આમ નહિ ને આમ', તે પછી અહંકાર તેમ કરે.

ઉપાદાન એટલે શું કે દરેક અવતારના અનુભવનો જથ્થો ભેગો થયો હોય તે ! એ આપણને હેલ્પ શી રીતે કરે છે ? સૂઝ રૂપે ઊભું થાય છે. આ મારો અનંત અવતારનો અનુભવ ભેગો થયેલો છે, આ ઉપાદાન મૂળ સ્વરૂપમાં ફૂટેલું.

એ સૂઝ રૂપે ફળ આપણને આપે. કંઈ મુશ્કેલીના ટાઈમમાં ખરી સૂઝ એને પડે.

પ્રશ્શનકર્તા : સૂઝ ઉપાદાનમાંથી નીકળે છે ?

દાદાશ્રી : હા, તેથી આપણા લોકો કહે છે ને કે, નિમિત્ત મળતાં જો ઉપાદાન જાગૃત ના રાખે તો ખલાસ, તો કામ ના થાય. દરેકને સૂઝ પડે. ઈન્સાઈટ એ દર્શન છે. એ સૂઝ જ કામ કરતી જાય છે. સૂઝ જેટલી વધતી જાય એટલું દર્શન વધતું જાય. એમ કરતાં કરતાં છેવટે ફૂલ દર્શન થાય છે ત્યારે કેવળદર્શન સુધી જાય છે. પણ સૂઝ એની હોય તેના આધારે, આ બધું ફસાયો-બસાયો હોય તો છૂટી જાય. સૂઝ તો તમે સમજી જાવ ને તરત ! એ તો બધાય સમજી જાય તરત.

સૂઝ દોરે આત્મદર્શન લગી !

પ્રશ્શનકર્તા : અંધશ્રદ્ધા એ બુદ્ધિની પેદાશ છે ?

દાદાશ્રી : હા, એ બુદ્ધિની પેદાશ છે.

પ્રશ્શનકર્તા : અને સમજણ એ કોનો ભાગ છે ?

દાદાશ્રી : સમજ તો દિલમાંથી ઊભી થનારી ચીજ છે. દિલ્લગી શબ્દ તને સમજણ પડે ? દિલ્લગી હો ગઈ ! દિલ લાગેલું, ચોંટેલું ઊખડે ખરું ? એ સમજપૂર્વકને દિલ્લગી કહે છે.

પ્રશ્શનકર્તા : દિલ એની મેળે લાગી જાય કે સમજી-બૂઝીને લાગે ?

દાદાશ્રી : દિલ્લગી એ સમજની લાગી જાય છે, બુદ્ધિથી નહીં.

પ્રશ્શનકર્તા : સમજ હોય તો જ દિલ્લગી થાય ?

દાદાશ્રી : હા. એટલે સૂઝથી, સૂઝના આધારે. સૂઝ પડી જાય, નહીં તો દિલ લાગે નહીં.

પ્રશ્શનકર્તા : તો એ બુદ્ધિનું માધ્યમ નથી ?

દાદાશ્રી : ના.

પ્રશ્શનકર્તા : તો એ સૂઝ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?

દાદાશ્રી : હાર્ટમાંથી ઉત્પન્ન થાય છે.

પ્રશ્શનકર્તા : હાર્ટમાંથી એટલે ક્યાંથી આવે છે ? એક પુદ્ગલનો ભાગ છે ? એક આત્માનો પર્યાય છે, એમ તો ખરું જ ને ?

દાદાશ્રી : ના, આત્માનો કોઈ પર્યાય નહીં.

પ્રશ્શનકર્તા : તો એ સૂઝ કેવી રીતે છે ?

દાદાશ્રી : એ સૂઝ ધીમે ધીમે ફૂલ સ્કેલમાં થાય ત્યારે દર્શન થાય. ત્યાં સુધી તો પુદ્ગલ જ કહેવાય.

પ્રશ્શનકર્તા : સૂઝ એ પુદ્ગલ ગણાય કે આત્માનો ભાગ છે ?

દાદાશ્રી : પુદ્ગલ, પુદ્ગલ. મતિ એ પુદ્ગલ કહેવાય અને જ્યારે સૂઝ ફૂલ થાય, ત્યારે આત્મા કહેવાય.

પ્રશ્શનકર્તા : આત્મા પર જવા માટે સૂઝમાંથી જ આત્મા ઉદ્ભવે ?

દાદાશ્રી : નહીં, સૂઝ છે તે જુદી વસ્તુ છે. એ પુદ્ગલ કહેવાય. પણ એ સો ટકા થાય ત્યારે દર્શન થાય.

પ્રશ્શનકર્તા : આત્મા પ્રત્યે જવા માટે સૂઝનો ઉપયોગ કરવાનો. એનો અર્થ એ થયો ને બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો ? સૂઝથી તમે જેમ કરો તેમ આત્મા પ્રત્યે જવાય.

દાદાશ્રી : સૂઝથી કરે તો બહુ સારું. પણ સૂઝનો અમલ લેતા નથી ને દાબી દે છે, ને પછી આ બુદ્ધિ જ ચલાવી લે છે.

અમે જોડો મારીએ, તે બુદ્ધિથી માપે તો શું થાય એનું ?

પ્રશ્શનકર્તા : અવળું થાય, ડખો થાય.

દાદાશ્રી : બુદ્ધિવાળો માર્યો જાય બિચારો ! અને હ્રદયથી માપે તેને ?

પ્રશ્શનકર્તા : બહુ આનંદ થાય, ઉલ્લાસ થાય.

દાદાશ્રી : આ બધું માપતાં આવડવું જોઈએ.

પ્રશ્શનકર્તા : દાદા, હ્રદયનો અર્થ શ્રદ્ધા કરી શકાય ખરો ?

દાદાશ્રી : ના, શ્રદ્ધા નહીં.

પ્રશ્શનકર્તા : એ હ્રદય એટલે ખરેખર કયું કહ્યું ?

દાદાશ્રી : હ્રદય એટલે સેલ્ફ (પોતે). હંમેશાંય તે મૂળ સેલ્ફ, એ સેલ્ફ છે. શુદ્ધાત્મા એ મૂળ સેલ્ફ છે. પણ 'પેલી' સેલ્ફ ડેવલપ થતી થતી, આવરણરહિત થતી થતી થતી ઉપર આવે છે ને આ મૂળ સેલ્ફ જોડે ને જોડે રહે છે.

પ્રશ્શનકર્તા : એ ડેવલપ થતી સેલ્ફને આપણે શું કહી શકીએ ?

દાદાશ્રી : એને જ અંતઃકરણ કહ્યું.

એનું મૂળ કેવી રીતે પકડાય ? એનું મૂળ પકડવું હોય તો જ્યારે મહીં બધી રીતે કંટાળીએ છીએ અને એકદમ ઝબકારો થઈને આપણને સૂઝ પડે છે ને માર્ગ જડે છે, એને સૂઝ કહે છે.

એ ડેવલપ થતી જાય છે. એ અંતઃકરણમાં પરિણામ પામશે.

પ્રશ્શનકર્તા : એટલે એ પ્રજ્ઞા ?

દાદાશ્રી : ના, પ્રજ્ઞા નહીં. પ્રજ્ઞા તો આત્માનું કામ. આ પ્રજ્ઞા થવા ભણી જે જઈ રહી છે. આપણને પ્રજ્ઞા ઓચિંતી રીતે લાઇટ થઈ ગયેલી છે, નહીં તો ઓચિંતી ના થાય. તે 'આ' જ્યારે પ્રજ્ઞા રૂપે પરિણામ પામે, ત્યારે દા'ડો વળે.

પછી સૂઝ નહિ પણ પ્રજ્ઞા !

પ્રશ્શનકર્તા : તો દાદા પાસે જે જ્ઞાન લે છે, એને જે બધું પછી મોક્ષમાર્ગની અંદર મદદ કર્યા કરે છે, ત્યાં સૂઝનું સ્થાન ખરું ?

દાદાશ્રી : એ પ્રજ્ઞાનું કામ. પછી પ્રજ્ઞાના કામમાં જાય ! જ્ઞાન લીધું તે દહાડે સૂઝ ફૂલ (સંપૂર્ણ) થઈ જાય છે, કેવળ દર્શન રૂપે થાય છે. પછી સૂઝ ખીલવાની રહી નહીં. પછી ગૂંચવાડો ઊભો ના થાય ને ?

પ્રશ્શનકર્તા : પ્રજ્ઞા મદદ કરે પછી ?

દાદાશ્રી : હા, બસ.

પ્રશ્શનકર્તા : આપનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું. એને હવે જે ઠેઠ મોક્ષ સુધીનો દરવાજો બતાવે છે, ગૂંચોનો નિકાલ બતાવે છે, એ સૂઝને ઠેકાણે પ્રજ્ઞા આવે છે ?

દાદાશ્રી : એ પ્રજ્ઞા. સૂઝ તો થઈ ગઈ આપણી. ક્ષાયિક થઈ ગયું. સૂઝ તો પૂરી થઈ ગઈ. હવે એ પ્રજ્ઞા દેખાડે છે. સૂઝ પૂરેપૂરી બેસી જાય ત્યારે ક્ષાયિક સમકિત કહેવાય, કેવળ દર્શન કહેવાય. સૂઝ પૂરેપૂરી થઇ જાય, પછી એનું (સૂઝનું) કામ પૂરું થઈ ગયું.

પ્રશ્શનકર્તા : પ્રજ્ઞા અને બુદ્ધિમાં શું ફેર રહ્યો ?

દાદાશ્રી : પ્રજ્ઞા એ વસ્તુ જુદી છે. પ્રજ્ઞા તો બુદ્ધિથી પર વસ્તુ છે. બુદ્ધિનો સ્વભાવ કેવો છે કે બુદ્ધિ અજ્ઞામાંથી ઊભી થયેલી છે અને જ્ઞાન પ્રજ્ઞામાંથી ઊભું થયેલું છે.

હવે એ બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે એવી છે. 'પોતાને' મુક્ત થવાની ઇચ્છા થાય તો બુદ્ધિ 'એને' ફેરવી નાખે. કારણ કે સંસારમાં જ રાખે એ અને સંસારમાં હેલ્પ કરે. તે સંસારમાં આપણને સેફસાઈડ કરી આપે. આ પ્રજ્ઞા બિલકુલ સંસારમાં રહેવા ના દે, ચેતવ ચેતવ કરે કે, 'અહીં ગૂંચ છે, અહીં ચૂક છે' અને મોક્ષે લઈ જવા ફરે. બેનું ઘર્ષણ ચાલ્યા કરે.

પ્રશ્શનકર્તા : વિશુદ્ધ બુદ્ધિના અંતરથી જે પ્રકાશ મળે, એ જ પ્રજ્ઞાનું સ્વરૂપને ?

દાદાશ્રી : ના. પ્રજ્ઞા આત્મા પ્રાપ્ત થયા પછી ઉત્પન્ન થાય. આત્મા તો સર્વાંશ જ હોય છે, પણ એના યથાર્થ સ્વરૂપનું ભાન ના થયું હોય, પણ પ્રતીતિ બેઠી હોય, ત્યારે પ્રજ્ઞા ઊભી થાય. પછી પ્રજ્ઞા એને હેલ્પ કર્યા કરે.

બુદ્ધિ, પ્રજ્ઞા અને સ્થિતપ્રજ્ઞ !

પ્રશ્શનકર્તા : વ્યવસાયાત્મક બુદ્ધિ એ જ નિશ્ચયાત્મક બુદ્ધિ કહેવાય ?

દાદાશ્રી : ના, આ તો વ્યવસાય છૂટી જાય ને ત્યારે બુદ્ધિ પાછી ડોલંડોલ થઈ જાય. નિશ્ચયાત્મક બુદ્ધિ એટલે શું ? આત્મિક બુદ્ધિ ! ત્યારે કહે, વ્યવસાય ચાલુ હોય તોય નિશ્ચયાત્મક અને ના ચાલુ હોય તોય નિશ્ચયાત્મક, એનું નામ નિશ્ચયાત્મક બુદ્ધિ. અને એ બુદ્ધિ સ્થિર થયેલી કહેવાય અને સ્થિર થઈ એટલે સ્થિતપ્રજ્ઞ તરફ જાય.

પ્રશ્શનકર્તા : પ્રજ્ઞા અને સ્થિતપ્રજ્ઞ એ બન્ને વચ્ચે કોઈ ડિમાર્કેશન લાઈન જેવું ખરું ?

દાદાશ્રી : બહુ ફેર. સ્થિતપ્રજ્ઞ દશા તો પ્રજ્ઞા કરતાં બહુ હલકી (નિમ્ન) છે. સ્થિતપ્રજ્ઞ એટલે શું કે, પોતે પોતાની બુદ્ધિથી વિચારી વિચારીને સ્થિર થાય. અને એટલે પોતે પોતાના પ્રશ્શનોનું સોલ્યુશન પોતે લાવી શકે. પણ તે સ્થિતપ્રજ્ઞ કહેવાય. અને પ્રજ્ઞા એ તો બહુ ઊંચી વસ્તુ. સ્થિતપ્રજ્ઞ એ બુદ્ધિને સ્થિર કરેલી એટલું જ છે, બીજું કંઈ નહીં.

પ્રશ્શનકર્તા : આ સ્થિતપ્રજ્ઞ દશામાં પણ રાગ-દ્વેષ રહિત દશા કહી છે, વીતરાગતા જેવી ?

દાદાશ્રી : ના, એ રાગ-દ્વેષ રહિત દશા નથી, પણ દરેક પ્રશ્શનોનું સોલ્યુશન લાવી નાખે. એટલે કોઈની પર રાગ-દ્વેષ કરે નહીં. એ સોલ્યુશન આવે એટલે કોણ રાગ-દ્વેષ કરે પછી ? પણ બધું બુદ્ધિથી. અવ્યભિચારિણી બુદ્ધિની સ્થિરતા એનું નામ સ્થિતપ્રજ્ઞ, લોકોની અસ્થિર બુદ્ધિ હોય. એ જેની બુદ્ધિ સ્થિર થયેલી છે એ સ્થિતપ્રજ્ઞ કહેવાય. કારણ કે બુદ્ધિ વિશેષ વધીને અજ્ઞામાંથી આગળ વધતી વધતી ઠેઠ સ્થિતપ્રજ્ઞા સુધી પહોંચે.

સ્થિતપ્રજ્ઞ એટલે, જે અનુભવથી સ્થિર થતો જાય એટલે બુદ્ધિ એની સ્થિર થાય, ડોલે નહીં અને પરિણામે સ્થિતપ્રજ્ઞ કહેવાય. સ્થિતપ્રજ્ઞ દશા એ અનુભવ દશા નથી. એટલે પૂર્ણદશાએ જ્યારે પ્રજ્ઞા થાય છે ત્યારે અનુભવ થાય છે. સ્થિતપ્રજ્ઞમાં સ્થિત જ્યાં સુધી વિશેષણ છે ત્યાં સુધી અનુભવ ના હોય. પણ વિશેષણ ઊડી જાય ને પ્રજ્ઞા રહે ત્યારે અનુભવ થાય, છેલ્લી દશામાં અનુભવ. નવાણું થાય ત્યાં સુધી સ્થિતપ્રજ્ઞ અને સો થાય એટલે પ્રજ્ઞા. બુદ્ધિ જ્યાં સુધી સ્થિર ના થાય ત્યાં સુધી નફો ને ખોટ જો જો કર્યા કરે.

પ્રશ્શનકર્તા : પ્રજ્ઞાનું શું સ્વરૂપ છે ?

દાદાશ્રી : પ્રજ્ઞા એ મૂળ આત્માની એક શક્તિ છે, જે (આ જ્ઞાન પછી) જુદી પડી જાય છે. દિનરાત એનું કામ શું કે એને મોક્ષ તરફ લઈ જવાનું કામ કરવાનું અને અજ્ઞાનું શું કામ કે સંસારમાંથી બહાર નીકળવા નહિ દેવાનું. આ બેની ટક્કર ચાલ્યા કરે. એટલે આપણા લોક પછી શું કહે છે ? મહીં કોઈ ચેતવે છે, ચેતવે છે એ જ પ્રજ્ઞા. એ મોક્ષે લઈ જતાં સુધી 'એને' છોડે નહિ. મોક્ષે લઈ જવું એટલે 'પોતે' (પ્રજ્ઞાને) આત્મામાં સમાઈ જવું ને 'એને' ('હું'ને)ય પોતાને આત્મામાં સમાઈ જવું છે.

બુદ્ધિ, જ્ઞાન-વિજ્ઞાન !

પ્રશ્શનકર્તા : એવી વાત થયેલી કે બુદ્ધિ જતી રહે ત્યારે જ્ઞાન થાય, તો દરેક માણસની પાસે જ્ઞાન તો છે જ. તો આ બુદ્ધિને લીધે....

દાદાશ્રી : જેને તમે જ્ઞાન કહો છો ને, એ જ અજ્ઞાન છે ને એ જ બુદ્ધિ છે, ફક્ત. જ્ઞાન તો સ્વતંત્ર પ્રકાશ છે, ચેતન છે. જ્ઞાન યાદ ના કરવું પડે, વાંચવું ના પડે. આ તો બધું યાદ કરવું પડે, ફરી વાંચવું પડે, ભૂલી જઈએ. જ્ઞાન એનું નામ કહેવાય કે ફરી ક્યારેય પણ ભૂલાય નહીં.

પ્રશ્શનકર્તા : જ્ઞાનની વ્યાખ્યા શું છે ?

દાદાશ્રી : જ્ઞાન એ ચેતન છે, એ વિજ્ઞાન કહેવાય. એટલે એમાં આપણે કશું કરવું ના પડે. એ જ્ઞાન જ કામ કર્યા કરે. અને જે જ્ઞાન ચેતન નથી એ બુદ્ધિ જ્ઞાન કહેવાય. એ કશું વાંચે એટલું જ, પણ મહીં કશું વળે નહિ. વાંચેલામાંથી પાછું કરવા જાય, તે થાય કે આમાં વાત તો સાચી છે, આવું કરવું છે પણ થતું નથી, આવું કરવું છે પણ થતું નથી અને પેલું તો જ્ઞાન જ એવું કે, તે જ્ઞાન જ કામ કર્યા કરે. 'આપણે' કરવું ના પડે. 'આપણે' 'આપણા' રૂમમાં હોઈએ તોય જ્ઞાન કામ કર્યા કરે.

બે જ પ્રકારનાં જ્ઞાન : એક બુદ્ધિજન્ય જ્ઞાન અને એક જ્ઞાનજન્ય જ્ઞાન. આ શાસ્ત્રોનું જ્ઞાન એ બુદ્ધિજન્ય જ્ઞાન કહેવાય. એટલે બુદ્ધિજન્ય જ્ઞાન હોય તોય સારું, કે આ અવળે રસ્તે તો ન લઈ જાય આપણને. અને જ્ઞાનજન્ય જ્ઞાન ત્યાં બુદ્ધિ બિલકુલ ના હોય, એ મોક્ષ. આ જે જ્ઞાન જગતમાં ચાલે છે તે જ્ઞાન બુદ્ધિજન્ય જ્ઞાન છે. એટલે એ જ્ઞાનમાં બધું આપણે કરવું પડે. જે જાણ્યું એ કરવું પડે અને આપણે કરીએ તો એનું ફળ મળે. અને બીજું જે જ્ઞાન છે, જે પોતાના સ્વરૂપનું જ્ઞાન, તે ચૈતન્ય જ્ઞાન છે અને તે આત્માનું જ્ઞાન છે, પ્રકાશ આત્માનો છે, એની મેળે એ કામ કર્યા કરે. તમારે કશું કરવાનું નથી. તમારે જોયા કરવાનું છે. બુદ્ધિથી જે ઉત્પન્ન થાય એ બુદ્ધિજ્ઞાન કહેવાય અને આ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાનમાં કશું કરવું ના પડે, જ્ઞાનમાં કરવું પડે.

પ્રશ્શનકર્તા : તો કરવું પડે એ સારું કે ન કરવું પડે એ સારું ?

દાદાશ્રી : જ્યાં કંઈ પણ કરવાનું હોય એ ભ્રાંતિ અને તે જ ભટકવાનું સાધન. જ્યાં કંઈ પણ કરવાનું નથી તે મોક્ષનું સાધન. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. વિજ્ઞાનથી ઊભો થયેલો કોયડો છે આ !

પ્રશ્શનકર્તા : વિજ્ઞાનથી કે બુદ્ધિને કારણે ?

દાદાશ્રી : ના, વિજ્ઞાનથી જ ઊભું થયું છે. બુદ્ધિથી ગૂંચવાય છે. જો બુદ્ધિ ના હોય તો ગૂંચાય નહીં. એ બુદ્ધિથી આમ પકડાય એવી વસ્તુ નથી આ. એટલે મારામાં બુદ્ધિ જતી રહી ત્યારે મેં કોયડો ઊકેલ્યો.

પ્રશ્શનકર્તા : આપે જે વિજ્ઞાન શબ્દ વાપર્યો, તે જ્ઞાન અને કર્મથી અલગ વસ્તુ છે ?

દાદાશ્રી : હા, અલગ વસ્તુ છે. જે જ્ઞાન કહેવાય છે તે બુદ્ધિજન્ય-સાંસારિક છે, એ જ્ઞાન વિરોધાભાસ પણ હોય. અને કર્મ તો પોતે જ વિનાશી છે. કર્મ વિનાશી, એનું ફળેય વિનાશી હોય અને જ્ઞાન વિરોધાભાસ હોય. વિજ્ઞાન વિરોધાભાસ ના હોય, વિજ્ઞાન સૈદ્ધાંતિક હોય.

પ્રશ્શનકર્તા : જ્ઞાનનું ફળ જો બુદ્ધિ હોય તો વિજ્ઞાનનું ફળ અબુધતા ?

દાદાશ્રી : ના, વિજ્ઞાનનું ફળ જ્ઞાન. અબુધતા તો શબ્દ શેના માટે છે કે બુદ્ધિ નથી એ દેખાડવા માટે અબુધતા શબ્દ મૂકેલો છે. વિજ્ઞાનનું ફળ અબુધતા હોય તો તો પછી મૂર્ખ થાય. વિજ્ઞાનનું ફળ જ્ઞાન અને તે સ્વ-પર પ્રકાશક જ્ઞાન. ઈન્ડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ કહેવાય અને ડિરેક્ટ પ્રકાશને જ્ઞાન કહેવાય.

પ્રશ્શનકર્તા : એટલે દાદા, એવું થયું કે પોતે પોતાના વિશે સંપૂર્ણ જાગૃતિ એ જ વિજ્ઞાન થયું ને ?

દાદાશ્રી : એ જ વિજ્ઞાન. બસ, બીજું શું તે ? જાગૃતિ જ ઉત્પન્ન થવા માટે વિજ્ઞાન છે. વિજ્ઞાનનું ફળ શું ? જાગૃતિ. પોતે પોતાની જ જાગૃતિ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23