ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૪)

અંતરાયેલી બુદ્ધિના ચાળા !

અંતરાયેલી બુદ્ધિ કળા ખોળી કાઢે. અંતરાયેલી બુદ્ધિ શું કરે ? તોફાન માંડે કે ના માંડે ? આ તો જ્ઞાન મળ્યું, તે હવે એ રાગે પડી ગયું.

પ્રશ્શનકર્તા : આપને માટે એવું કહો છો ને, આપ એવા જ તોફાની હતા ?

દાદાશ્રી : તે એ દહાડે બુદ્ધિ અંતરાયેલી હતી ને ! તે સળીઓ કરે. બુદ્ધિ અંતરાયને ત્યારે કંઈ મઝા ના આવતી હોય તો સળી કરે કે 'હવે મઝા આવી' કહે. સળી એટલે શું કે અહીં પોતે બેઠો હોય ને ટેટો પેણે ફૂટે, એનું નામ સળી ! તે આ બધી બુદ્ધિ ઊંધી-છત્તી થયા જ કરે ને ! એટલે લોક જાણે કે આ સળીયાખોર છે અને અમેય કહીએ ખરા કે, 'ભાઈ, સળીયાખોર જ હતા.'

પ્રશ્શનકર્તા : આપ સવળી સળીય કરતા હશો ને ?

દાદાશ્રી : સવળી સળીય ખરી, પણ એ ઓછી. વધારે તો અવળી. સવળીની તો કંઈ પડેલી જ નહોતી ને ? અને અવળી તો કેટલે સુધી ? માણસ ના મળે તો છેવટે કોઈ છોકરાને શીખવાડું કે અલ્યા, પેલા ગધેડાની પાછળ ખાલી ડબ્બો બાંધજો. તેની પૂંઠે ખાલી ડબ્બો બંધાવે ને પછી પેલા છોકરાઓ પાછળ હાંકે ને, તે આખા ગામમાં હો હો હો ચાલે. આવો તેવો બુદ્ધિનો દુરુપયોગ બધો થયેલો. તમને તો આવું તેવું તો ના આવડે ને ?

બુદ્ધિ પાડે આંતરા !

તમે જેટલા આંતરા પાડ્યા છે એટલા જ આંતરા તમારા પડે. લોકોને જે પ્રાપ્ત થતું હોય, તેમાં તમે આંતરો પાડો બુદ્ધિથી, કે આ આમાં શું આપવા જેવું છે. કો'ક આપતો હોય તો આપણાથી ના બોલાય, નહીં તો એ બુદ્ધિનું ડહાપણ છે ને મારી નાખે આપણને, મેંેં બુદ્ધિથી આવું જ કરેલું બધું. એના જ અંતરાય પડતા હતા.

શાસ્ત્રમાં ખોળવા જાય ને તોય જડે નહીં, અંતરાયનો સાચો અર્થ.

પ્રશ્શનકર્તા : અંતરાયનો સાચો અર્થ શાસ્ત્રમાં ન મળે.

દાદાશ્રી : અનુભવીઓએ એ બધું નહીં લખેલું. આત્માને, મૂળ આત્માને અંતરાય જ ન હોય. જે જે જરૂરિયાત હોય તે બધી ત્યાં ઘેર બેઠાં હાજર થાય. અંતરાય હોય જ નહીં ને ! અંતરાય છે તે આપણે ઊભા કરેલા છે, અક્કલથી, બુદ્ધિથી. એ બુદ્ધિનું પ્રદર્શન છે. એ શું છે ?

પ્રશ્શનકર્તા : એ બુદ્ધિનું પ્રદર્શન છે. આપણે જેવું વાવ્યું એવું ઊગે.

દાદાશ્રી : એ પછી જાડું ખાતું. એ બુદ્ધિનું પ્રદર્શન હોય. એક જણ પૂછતો હતો, 'દાદા, તમારા સંયોગ કેવા ને અમારા સંયોગ તો... તમે તો અહીંથી ઊતરો તે જાણો કે ત્યાં આગળ ખુરશીવાળો તૈયાર હોય છે.' એ કશું કોઈ જાતની હરકત નથી પડતી. 'નો' (નહીં) અંતરાય. અમારે ખાવાની ઇચ્છા જો કોઈ દહાડો મગજમાં આવી હોય, જો કે ઇચ્છા હોય નહીં બનતાં સુધી, પણ જો ઇચ્છા હોય તો અંતરાય પડે નહીં. લોકો તો (દાદા) શું જમશે, એવી આશા રાખીને બેસી રહ્યા હોય !

પ્રશ્શનકર્તા : ધંધાની કશી અડચણ આવી નહીં, તો કહે એ મારા અંતરાય નહીં એવું થયું ને ?

દાદાશ્રી : એ જ, અંતરાય પોતે જ પાડનાર છે. કંઈ ભગવાન આમાં અંતરાય પાડતા નથી. પોતાની બુદ્ધિનું નિયંત્રણ છે ને ? બુદ્ધિનું નિયંત્રણ જ બહુ જવાબદાર છે. આપણી પર બુદ્ધિનું નિયંત્રણ ના હોવું જોઈએ. બુદ્ધિ તો આપણું સાધન છે એક જાતનું. આ તો વાપરવી હોય તો વાપરીએ, નહીં તો કહીએ, 'બેસ છાનીમાની, ચૂપ બેસ. ડખો ના કરીશ.' આ તો નિયંત્રણમાં જ હોય છે. બુદ્ધિ તો કહે, 'ખોટ ગઈ.' પણ આપણે કેમ માનવું ? બુદ્ધિ તો સંસારી ખોટને ખોટ કહે છે અને આપણું આ જ્ઞાન સંસારી ખોટને નફો કહે છે, એ આપણે 'જ્ઞાન'થી જોઈએ તો જડે.

'મતિ મૂંઝાશે ને તૂટી જાય અંતરાય કરમ'.

પ્રશ્શનકર્તા : મતિ મૂંઝાય તો કેવી રીતે અંતરાય તૂટે ?

દાદાશ્રી : મતિ મૂંઝાય એટલે અહંકાર મૂંઝાય. અહંકાર મૂંઝાય એટલે અંતરાય તૂટે. અહંકારની જાગૃતિથી આ આંટી પડી છે. તે મૂંઝાય તો તૂટી જાય. મતિની જોડે અહંકાર હોય જ હંમેશાં. મન જોડે હોય કે ના ય હોય, પણ મતિ જોડે અહંકાર હોય જ.

બુદ્ધિ શું કરે ?

પ્રશ્શનકર્તા : સંયોગોથી વિભાવ ઊભો થાય છે, તો સંયોગોથી છૂટો થઈ શકે, એવું ?

દાદાશ્રી : વિભાવ મુક્ત થયો એટલે સંયોગોથી મુક્ત થયો અને સંયોગો બધા વિયોગી સ્વભાવના છે. બિચારા કેવા ડાહ્યા છે ને ?

આ બધા લોકો બેઠા હોય, રાતે સાડા અગિયાર થયા, તે ઘરધણીના મનમાં એમ થાય કે, 'આ નહીં ઊઠે તો હું શું કરીશ ?' પણ ના, આ બધા ઊઠી જશે. સંયોગો વિયોગી સ્વભાવના. જો સંયોગો વિયોગી સ્વભાવના ના હોય તો આ અમદાવાદવાળા સુખ આવેલું હોય તે જવા દે કે ? પણ જો એ જતું રહે તો દુઃખ આવીને ઊભું રહે છે ને ?

પ્રશ્શનકર્તા : આ લોકો અગિયાર વાગી ગયા અને નહીં ઊઠે તો શું થશે, એવું કોને થાય છે ?

દાદાશ્રી : એ બુદ્ધિનો પર્યાય છે. બુદ્ધિ ઈમોશનલ થાય છે. એ ઈમોશનલપણું છે. બુદ્ધિ પજવે ને ! આમ પર્યાય દેખાડે. પણ મૂઆ, એ બુદ્ધિના પર્યાય છે, તારે લેવાદેવા શું ? એ તો એનો સ્વભાવ અજવાળું આપે, તેમાં આપણને શું નુકસાની ? આપણે આંખો મીંચીને ધ્યાન કરવાનું, તે કરવાનું. એ કંઈ ખાઈ જાય છે બધાનું ? આપણે ના સમજીએ કે લાઈટ છે બહાર, આંખો મીંચી એટલે થઈ ગયું !

પ્રશ્શનકર્તા : આ બધાની અસર તો, એ જે કંઈ બહાર અસરો છે, બુદ્ધિની, મનની, એ વ્યક્ત કોણ કરે છે ? વ્યક્ત તો અહંકાર જ કરે ને ?

દાદાશ્રી : વ્યક્ત કરે નહીં. પણ બુદ્ધિની અસરો હોય ને, એ આપણે સમજી જઈએ કે આ બુદ્ધિની અસરો છે. મહીં થાય કે આ લોકો નહીં ઊઠે તો ? મહીં એવી જાગૃતિ ઉત્પન્ન થઈ જાય, પણ તે આપણે ઈમોશનલ થઈએ તો ભાંજગડ છે ને ?

પ્રશ્શનકર્તા : તો બુદ્ધિની અસર કોને થાય ?

દાદાશ્રી : એ તો જેને આ નથી ગમતું, તેને અસર થાય. 'આ બધા બેસી રહ્યા છે, ઊઠતા નથી' એવું ગમતું નથી, એને અસર થાય.

પ્રશ્શનકર્તા : પણ એ છે કોણ ?

દાદાશ્રી : એ જ છે, જે આ ભોગવે છે. બંધન ભોગવે છે, મુક્ત થવા ફરે છે, એ જ છે. એકલો જ છે આ. બીજું બધું છે તે એના રિલેટિવ્સ છે બધાં.

પ્રશ્શનકર્તા : પાછાં એનાંય સગાંવહાલાં છે ?

દાદાશ્રી : હા, કેટલાંય રિલેટિવ બધાં. આ અહંકાર તો આંધળો છે. એ એકલો ઓછો છે, એની પાછળ પછી આ બુદ્ધિ.

ન ખોળશો ન્યાય કદી !

બુદ્ધિ શું કરે ? આ કોર્ટે ન્યાય કરેલો તે પાછો પેલી બાજુ ફણગા ફૂટે કે આગલી કોર્ટમાં જઈએ. આખું જગત ન્યાય ખોળે છે. હવે ન્યાયમાંય જો સંકલ્પ-વિકલ્પ પૂરા થતા હોય તો સારું. ત્યારે કહે, 'પહેલી કોર્ટમાં ન્યાય કર્યો, પણ મને હજુ સંતોષ નથી થતો.' જો ન્યાય કર્યો તોય પાછો વિકલ્પ જાગે છે. તે પછી બીજી ઉપરની કોર્ટમાં જાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય. ને એના ન્યાયને પણ કહે છે, 'ના, હજુ મને સમાધાન નથી થતું.' પછી એથી ઉપરની હાઈકોર્ટમાં જાય, ત્યાં સમાધાન થાય નહીં. પછી સુપ્રિમ કોર્ટમાં જાય અને ત્યાંથી પ્રેસિડેન્ટ પાસે જાય. પણ તેય પછી એનું કશું વળે નહીં ને, ત્યારે કહેશે, 'આખું ન્યાયખાતું જ ઠેકાણા વગરનું છે.' પોતાના જેવો કોઈ ન્યાયાધીશ નથી એવું જાણે એ ! આનું નામ સંસાર. અને ન્યાય નથી ખોળતો એ મુક્ત થાય. જેને કોઈ પણ પ્રકારનો ન્યાય ખોળવો નથી એ મુક્ત થાય. મારી જિંદગીમાં મેં ન્યાય જ ખોળ્યો નથી !

ક્રમ એટલે બુદ્ધિવાળો માર્ગ. આખો ક્રમમાર્ગ બુદ્ધિના આધાર ઉપર ઊભો રહેલો છે.

પ્રશ્શનકર્તા : અક્રમમાં ક્રમ ના લાવવું, તે જરા વધારે સમજાવો.

દાદાશ્રી : હા, બુદ્ધિ લાવો તો પછી ન્યાય ખોળશો તમે. શા આધારે આ બધાને આટલી જગ્યા છે ને મને આટલી ? એટલે ન્યાય કરવો એટલે ક્રમ કહેવાય. બન્યું એ ન્યાય. એનું મૂળિયું ના ખોળશો.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ ઓછી થયેલી કેમ માલૂમ પડે ?

દાદાશ્રી : ન્યાય ખોળે નહીં એટલે. ન્યાય ખોળે નહીં એ વાત સમજી ગયો. અને બુદ્ધિ થોડા વખતમાં જતી રહેશે. અબુધ થવું હોય તો ન્યાય ખોળે નહીં કોઈ પણ પ્રકારનો. ન્યાય ખોળે તો શું થાય ? એટલે ક્રમ જ થઈ ગયો ને પાછો ? ક્રમમાં ન્યાય ખોળ ખોળ કરે અને આમાં ન્યાય ખોળવાનો નહિ. જે બન્યું એ ન્યાય. આપણને નુકસાન થાય તો તરત આપણે કહેવું કે, 'આ જ ન્યાય છે.' બીજો ન્યાય ખોળવા જશો નહીં. ન્યાય ખોળવા ગયા કે બુદ્ધિ વધી.

અહીંથી બહાર નીકળ્યા અને કોઈ માણસ કહેશે, 'આ રસ્તે તમે જશો નહીં.' છતાં આપણે ગયા અને ત્યાં આગળ કોઈકે આપણું ગજવું કાપી લીધું તો આપણે કહેવું કે 'આ ન્યાય છે, બરોબર છે, અન્યાય નથી.' એ ન્યાય માને તો જ આ દુનિયામાં છૂટકારો છે, નહીં તો છૂટકારો નથી. બાકી ધમપછાડા કરેલા નકામા જાય છે ! આ તો લમણે લખેલું ભોગવવાનું છે, બીજું નહિ, બીજી મુશ્કેલીઓનું ભોગવવાનું નથી.

આ બુદ્ધિ છે તે બરોબર છે, સારી છે પણ ફણગા ફૂટેલા બધા કાપી નાખવા જેવા છે. ફણગા એટલે યૂઝલેસ (નકામા), વગર કામના ફૂટેલા અને જે આખી રાત ઊંઘવા પણ ના દે. તે આ બુદ્ધિનો ડખો પેસી જાય. એક જણની બુદ્ધિ વપરાય એટલે બીજાની વપરાય જ. એક જણ બુદ્ધિ વાપરે છે એની અસર બીજાને થયા કરે છે. એટલે તું એવું કંઈ કરી નાખ કે તારી અસર ના રહે.

પ્રશ્શનકર્તા : એ તો આપની કૃપા ને મારો પુરુષાર્થ જોઈએ.

દાદાશ્રી : તારો પુરુષાર્થ ને અમારી કૃપા ઉતારી દઈશું અને પછી બુદ્ધિનો ડખો બંધ થઈ જશે બધો. પણ તારે એક દાખલો લેવો પડે કે બન્યું એ કરેક્ટ. એમ કરીને તું ચાલવા માંડ. એટલે પછી બુદ્ધિ કસરત કરીને મજબૂત ના થાય. બુદ્ધિ આખી રાત કસરત કરીને, મજબૂત થઈને પાછી બીજે દહાડે લડે.

પ્રશ્શનકર્તા : મને ન્યાય ખોળવાની બહુ આદત છે.

દાદાશ્રી : એથી જ આ તને ડખો થાય છે. તું આટલું જ કર ને, એટલે એની મેળે જ રાગે પડી જશે. આ તો તારું લડવાનું એટલે બહુ ભારે. પાછો તું ચોખ્ખોય છે, પણ એ સામો માણસ ના જાણે. સામો માણસ તો એમ જાણે કે આ મને ખલાસ કરે છે. પછી જુદાઈ જ થઈ જાય. પણ તારામાં જુદાઈ છે નહીં. તારો પ્રેમ તો હું એકલો જ જાણું, શાથી એ જાણું ?

એ મારી જોડે લડે ને તોય હું જાણું, એના પ્રેમને ઓળખું. લડવાની કિંમત નથી, પ્રેમની કિંમત છે. મારો પ્રેમ કોઈ દહાડો ઘટ્યો હતો તારી જોડે ? એકુય દહાડો નહીં ? ઘટે નહીં અમારો પ્રેમ. શી રીતે ઘટે ? જે પ્રેમ ઘટે-વધે એ આસક્તિ કહેવાય અને વધ-ઘટ ના થાય એ પ્રેમ પરમાત્મ પ્રેમ છે. ઘટે-વધે નહીં એ પ્રેમમાં ખુદ પરમાત્મા છે. બીજે પરમાત્મા જોવા જવાના ના હોય ! આપણે દાદાને છે તે અપમાન કરીને પછી એમનો પ્રેમ જુઓ, કેવો દેખાય છે તે ! પ્રેમ ઘટી નથી ગયો, માટે આપણે જાણવું કે આ પરમાત્મા જ છે. દાદા પરમાત્મા નથી, એ પ્રેમ જ પરમાત્મા છે. એ દુનિયામાં બીજે ક્યાંય જોવામાં ના આવે, બીજું બધું જોવામાં આવે.

પ્રશ્શનકર્તા : પણ દાદા, જ્યારે જ્યારે આપે મને ફાયરીંગ કર્યું છે ત્યારે પ્રેમ ઊલટો વધ્યો છે. આજથી પાંચ વર્ષ ઉપર બીજે દિવસે આપે મને પૂછ્યું કે, 'એની ઈફેક્ટ તો નથી થઈ ને ?' ત્યારે મેં કહેલું કે, 'નહીં, એવી ઈફેક્ટ નથી થઈ.'

દાદાશ્રી : ના થાય. ઈફેક્ટ ના થાય એટલે હું કહું ને ! આ હું કડક કોને કહું ? ઈફેક્ટ ના થાય તેને. નહીં તો બેસી જાય, બગડી જાય ઊલટું ! કડક કહેતાં ફાટી જાય ત્યારે મુશ્કેલી થાય ને ! એ દૂધની પછી ચા ના થાય.

સમજાવ્યું બુદ્ધિશાળીઓને...

પ્રશ્શનકર્તા : આપે કહ્યું ને કે જગત આખું નિયમબદ્ધ છે, જેને આપણે 'વ્યવસ્થિત' કહીએ છીએ. એટલે અણુયે અણુમાં એ નિયમ રહેલો છે ? આ માણસ આ મિનિટે આ જગ્યાએ પહોંચશે એ બધુંય નિયમબદ્ધ છે ?

દાદાશ્રી : બધું નિયમબદ્ધ એટલે શું ? આ બુદ્ધિશાળીઓને સમજાવવા માટે નિયમબદ્ધ કહેવું પડે. નહિ તો આ કેરીઓ લાવ્યા, ત્યાર પછી કોઈ બગાડતું હશે એને કે એની મેળે બગડતી હશે ?

પ્રશ્શનકર્તા : એની મેળે બગડે.

દાદાશ્રી : તેવું આ જગત બગડી ગયું છે, કેરીઓની પેઠે. આ બુદ્ધિને સમજાવવા માટે નિયમ કહેવો પડે, કારણ કે એ પોતે શું છે ? ડખો છે. બાકી કેરીઓ કોણે બગાડી આ ?

પ્રશ્શનકર્તા : એની મેળે જ બગડી.

દાદાશ્રી : સંજોગો કેરીને બગાડે છે. સંજોગો કેરીને સુધારે છે. જો સારા સંજોગોમાં કેરી મૂકી તો પંદર દા'ડા સુધી સારી રહે અને સંજોગો ના આપ્યા હોય તો બગડી જાય.

બિના અક્લ, સબ ચલતા હૈ !

દાદાશ્રી : આ જ્ઞાન મળ્યું છે તે કો'ક દહાડોય દહાડો વળશે.

પ્રશ્શનકર્તા : આ 'અક્રમ વિજ્ઞાન' ઈટસેલ્ફ ક્રિયાકારી છે ને ?

દાદાશ્રી : એની મેળે જ કામ કર્યા કરે. પોતે જાણી જોઈને આડો થાય તો બગડે.

પ્રશ્શનકર્તા : એ ક્રિયાકારી થવાનું સ્વભાવિકપણે થયા કરે ?

દાદાશ્રી : આપણે ડખલ ના કરીએ ત્યારે.

પ્રશ્શનકર્તા : ડખલ કઈ રીતે નાખે છે પોતે ?

દાદાશ્રી : પોતાની અક્કલ વાપરે છે મહીં પાછો. જે અક્કલ વેચી દેવા જેવી હતી, તે હજુ રાખી મૂકી. શાથી રાખી મૂકી ? ત્યારે કહે, ભાવ હજુ વધવાના છે, તેથી. તું નથી વાપરતો અક્કલ ?

પ્રશ્શનકર્તા : અક્કલ શી રીતે વાપરતો હોય ?

દાદાશ્રી : આમ કરીએ તો ફાયદો ને આમ કરીએ તો ફાયદો નહીં. એ અક્કલ મહીં વપરાય.

પ્રશ્શનકર્તા : આ અક્કલ તો વ્યવહારમાં વપરાઈને. અહીં જ્ઞાનમાં કેવી રીતે અક્કલ વપરાય છે ? જ્ઞાનમાં કેવી રીતે ડખલ થાય ?

દાદાશ્રી : વ્યવહારમાં અક્કલ વપરાય એટલે જ્ઞાનમાં ડખલ થયા વગર રહે નહીં. વ્યવહાર તો જ્ઞાનથી, પાંચ આજ્ઞાપૂર્વક કરવાનો છે. અમારે અક્કલ વગર ચાલે છે કે નથી ચાલતું ? સબ ચલતા હૈ.

'ડીલિંગ', બુદ્ધિ સાથે...

પ્રશ્શનકર્તા : પેલી બુદ્ધિની વાત નીકળી હતી ને કે બુદ્ધિને અંડરહેન્ડ (નોકર) તરીકે રાખવાની, નહીં તો બુદ્ધિ બોસ તરીકે રહેશે. એ જરા ફોડ પાડોને.

દાદાશ્રી : બુદ્ધિનું ચલણ આવે તો બુદ્ધિ બોસ થઈ બેસે અને જાણી જોઈને છેતરાય એટલે બુદ્ધિ જાણે કે આ વળી મારું ચલણ નથી રહ્યું. નહીં તો બુદ્ધિ જાણી જોઈને છેતરાવા ના દે. એ પ્રોટેક્શન (રક્ષણ) ખોળી જ કાઢે. પણ આપણે જાણી જોઈને છેતરાઈએ એટલે બુદ્ધિ ટાઢી પડી જાય, 'યસ મેન' (હાજી હા કરનાર) થઈ જાય પછી, અંડરહેન્ડ તરીકે રહે.

પ્રશ્શનકર્તા : અને છતાંય વ્યવહારનું કામ બગડે નહીં ?

દાદાશ્રી : કશુંય બગડે નહીં. વ્યવહારનું કામ બગડતું હશે ? વ્યવહારને સુધારવા માટે તો, બુદ્ધિ એનું કામ કર્યા જ કરે છે. આ તો વધારાની બુદ્ધિ આપણને ટૈડકાવે છે.

પ્રશ્શનકર્તા : વ્યવહારમાં જો નોર્મલ બુદ્ધિ હોય અને આ જે એક્સેસ બુદ્ધિ છે, એમાં પોતે કેવી રીતે સમજી શકે કે આ એક્સેસ બુદ્ધિ છે ?

દાદાશ્રી : વાતવાતમાં ઈમોશનલ કરે તે એક્સેસ બુદ્ધિ. એ સેન્સિટિવ થઈ જાય. બહુ સેન્સિટિવ સ્વભાવનો છે, એવું નથી કહેતા ?

પ્રશ્શનકર્તા : એ એક્સેસ બુદ્ધિ છે, એની સામે પોતે કેવી રીતે 'ફેસ' કરવું ? આ જે ઈમોશનલ કરે છે, સેન્સિટિવ કરે છે ત્યાં કેવી કેવી રીતે એ બ્રેક મારવી ?

દાદાશ્રી : આ ભાઈને પોલીસવાળો પકડવા આવે તો તું એને કહી દઉં કે, 'તું આમ જતો રહે, પોલીસવાળા આવ્યા છે.' એમ પાછલે બારણે કાઢી મૂકે, એનું નામ વધી ગયેલી બુદ્ધિ. પેલા ભાઈને બુદ્ધિ નથી અને સમજણ નહોતી પડતી, ત્યારે આપણે રસ્તો કરવો પડે ને ? પેલો કહેય ખરો કે, 'તમે મને બહાર કાઢ્યા, તે સારું થયું.' એટલે પોતે મનમાં ફૂલાય કે 'હેંડો, ચાલો, આપણો વ્યવહાર સારો થયો !' આમ પોતે ગર્વરસ ચાખે, તે વધારે બુદ્ધિ. પણ એ પછી બોસ થઈ બેસે ને ? પછી આપણી બાબતમાંય એવું કરે એ, આપણી મર્યાદા ના રાખે.

પ્રશ્શનકર્તા : આપણી બાબતમાં એટલે કઈ રીતે ?

દાદાશ્રી : એ બુદ્ધિ આપણી પાસેય કહેશે કે 'આ કરો, કરો ને કરો જ. બીજું ના કરવા દઉં. બેનને ગાળો જ દો.' આપણને મનમાં એમ થાય કે 'બેનને ગાળો શું કરવા દઈએ ?' પણ એ બુદ્ધિ કહેશે, 'ના, બેનને ગાળો દો.'

પ્રશ્શનકર્તા : બુદ્ધિ આવું બતાડે છે, એની સામે કેવી રીતે ડીલિંગ કરવું ?

દાદાશ્રી : કહ્યું ને ભઈ, આવી બુદ્ધિને નોકર બનાવી દો, બોસ નહીં. એક મહિના સુધી છેતરાય છેતરાય કરે તો ધીમે ધીમે બુદ્ધિનું ચલણ ઓછું થઈ જાય. 'મારું ચલણ નથી' એમ બુદ્ધિ કહે પછી.

પ્રશ્શનકર્તા : આ એક્સેસ બુદ્ધિ જે દેખાય એને સમજાવીને-પટાવીને કે એના સામા થઈને ફેસ કરી શકાય ?

દાદાશ્રી : કહ્યું ને, જાણીને છેતરાઓ.

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિની તો બૂમો કેટલી બધી પડતી હોય તો તેના પક્ષમાં ભળી જવાય છે તેનું શું ?

દાદાશ્રી : શી રીતે ભળી જવાય ? ચોખા એ ચોખા ને દાળ એ દાળ, ખીચડીમાં જુદું જ હોય ને ? પછી એ ગમે તે થાય. છૂટું એકવાર પાડવું પડે. પછી એ ભળી ના જાય.

પ્રશ્શનકર્તા : બુદ્ધિનું ચલણ હોય અને એના આધારે દોરવાય તો પછી મહીં બળતરા ઊભી થાય ને ઈમોશનલપણું ઊભું થઈ જાય ને ?

દાદાશ્રી : બુદ્ધિનું ચલણ હોય તો ઈમોશનલ થાય, પણ બળતરા ના થાય. બળતરા તો અહંકાર ઊભો થાય ત્યારે થાય.

પ્રશ્શનકર્તા : આ તો પહેલી વખત ફોડ સાંભળ્યો પણ બુદ્ધિ વધે તેમ બળાપો વધે એવુંયે કહ્યું છે ને ?

દાદાશ્રી : હા, એ તો પણ પેલા અહંકારવાળાને.

પ્રશ્શનકર્તા : એટલે અહંકાર હોય જ એમાં ?

દાદાશ્રી : હા, અહંકાર હોય તેને.

એટલે બુદ્ધિ તારે જેટલી વધારવી હોય તેટલી વધારને. ફક્ત શું થશે ? એ બોસ તરીકે રહેશે, એ તને ટૈડકાવશે. તને કહેશે, 'તમારામાં અક્કલ નથી. તમે ભાઈના સામા થાવ. આમ એની સાથે ક્યાં સુધી ફાવે આવું ?' એવું તને ટૈડકાવે. 'ભાઈના સામું થાવ' એવું હઉ કહે, નહીં તો કહેશે, 'બેનને કહી દો, ચોખ્ખેચોખ્ખું કે આવું તે ચાલતું હશે ?'

પ્રશ્શનકર્તા : પછી બીજું શું શું કરે એવું ? દાદા, આપ આવું કહોને કે બુદ્ધિ આવી રીતે કહીને છેતરે છે. ત્યારે એક્ઝેક્ટ ફોડ પડે. બાકી બુદ્ધિ છેતરે છે, ઈમોશનલ કરે છે, એ બધી વાત શબ્દપ્રયોગમાં જ રહે છે અને બુદ્ધિનું ચલણ એને દોરવી જાય છે, ત્યાં સુધી એ વસ્તુ લક્ષમાં આવતી નથી. આવા બધાં વાક્યો કહોને કે 'આ ભાઈને આમ કહી દે', એવું બુદ્ધિ કહે. આવા બધા ફોડ પાડ્યા હોય ને, તો બુદ્ધિની રીત ગેડમાં બેસે.

દાદાશ્રી : હા, પછી ભાઈની સામોય થઈ જાય. 'ખસી જાવ, આપણે કહી દો' એ બધું અહંકાર નથી, એ બુદ્ધિ છે. તું આવું જાણતો નહોતો ?

પ્રશ્શનકર્તા : આ દાખલો જે મૂક્યોને, એનાથી પેલું સચોટ થઈ જાય. નહીં તો શબ્દોમાં બાધેભારે વાત રહે.

દાદાશ્રી : બરોબર છે. એ બુદ્ધિ તો એમેય કહે કે 'બેન જશે મોટાભાઈને ત્યાં, આપણે શી ભાંજગડ ? આપણે કંઈ લેવું નહીં, કંઈ દેવું નહીં, વગર કામની આ બધી પીડા.'

પ્રશ્શનકર્તા : એ બુદ્ધિ શાથી એવું બોલે ?

દાદાશ્રી : એનો પ્રભાવ પાડી દેવા માટે. એના કહ્યા પ્રમાણે તમને ચલાવવા માટે. એમાં એને કંઈ ઈનામ મળવાનું નથી, પણ આપણી પાસે ભાઈસા'બ કહેવડાવે.

પ્રશ્શનકર્તા : આ બુદ્ધિનું આપણી પરનું ચલણ છે, એ તો પોતે અમુક અભિપ્રાય પાડ્યા છે ને કે બેન આવી છે, તેથી આ બુદ્ધિનું ચલણ શરૂ થાય છે ને ?

દાદાશ્રી : નહીં, એનો રોફ પડી જાય તેથી. અભિપ્રાયથી તો મન ઊભું થયેલું હોય, એમાં બુદ્ધિને શું લેવાદેવા, બિચારીને ?

પ્રશ્શનકર્તા : તો બુદ્ધિનું શાથી ચલણ હોય છે ?

દાદાશ્રી : એ છે તે તમને ચલાવે, એના ધાર્યા પ્રમાણે તમને દોરવણી આપે. આ ભાઈ તને વઢ્યા એટલે એ તને દોરવણી આપે. સારી કન્ટ્રોલેબલ બુદ્ધિ હોય તો એય દોરવણી આપે કે 'આપણે હવે બોલવું નથી કશું. મેલોને છાલ, નક્કામો કકળાટ વધશે.' એય બુદ્ધિ આપે. અને જો બુદ્ધિનો રોફ વધી ગયો હોય તો બુદ્ધિ કહેશે કે 'કહી દોને ચોખ્ખેચોખ્ખું, આપણે કશું લેવું નથી, નથી એમના ઘરમાં ભાગ લેવો, નથી પૈસા જોઈતા, મેલોને છાલ, કહી દેવું હોય તો કહી દો, વહેંચી નાખો.' એવું બુદ્ધિ કહે કે ના કહે ?

પ્રશ્શનકર્તા : એવું જ કહે છે, પણ આમાં અહંકાર પછી શું કરે છે ?

દાદાશ્રી : અહંકારને શું લેવાદેવા ?

પ્રશ્શનકર્તા : પણ એ બુદ્ધિ જોડે ભળે ને...

દાદાશ્રી : અહંકારની વાત છે જ ક્યાં તે ? આ તો બુદ્ધિ વધ-ઘટ થાય.

પ્રશ્શનકર્તા : આ જ્ઞાન પછી પણ ?

દાદાશ્રી : અહંકાર ઊભો થાય તો જ્ઞાન જ જતું રહ્યું અને બુદ્ધિ વધ-ઘટ થવાથી કંઈ જ્ઞાન જતું રહેતું નથી.

પ્રશ્શનકર્તા : પણ દાદા, ડિસ્ચાર્જ અહંકાર તો રહ્યો છે ને ?

દાદાશ્રી : એને ને આપણે શું લેવાદેવા ? એ તો ડિસાઈડ થયેલો છે. એ પહેલાની ફિલમો પડેલી છે. એ તો મરેલો, મડદાલ છે.

પ્રશ્શનકર્તા : એ ડિસ્ચાર્જ અહંકાર છે, તે બીજાને પ્રોબ્લેમ કરે એવો પણ હોય ને ? તો એનું સોલ્યુશન ?

દાદાશ્રી : હોય ને, પણ તે છે ડિસ્ચાર્જ.

પ્રશ્શનકર્તા : પણ એનાથી જે અવળા શબ્દો બોલાઈ ગયા અને સામાને દુઃખ થાય તો ?

દાદાશ્રી : એ તો થાય, તો પ્રતિક્રમણ કરો. તમારે છૂટવું હોય તો પ્રતિક્રમણ કરો. પણ એ અહંકાર તો એનું ગાયન ગાવાનો જ. એનું ગાયન છોડે નહીં. એ તો એના રાગમાં બરોબર ગાવાનો.

પ્રશ્શનકર્તા : એ સામા બધાને હલાવી નાખે ને ?

દાદાશ્રી : હા, અરે, ભાઈને એટલે સુધી તું કહી દઉં ને કે, 'તમારામાં મૂળથી અક્કલ ઓછી છે'. એટલે પેલા કહેશે, 'તેં મારી અક્કલ તોલી ! કોઈએ તોલી નહીં ને તું એકલો જ તોલનાર નીકળ્યો ?' એય બુદ્ધિશાળીને. એય કંઈ કાચા છે ? 'આવી જાવ' કહેશે. એટલે ધડમ્ધડાકા, એટમબોમ્બ ફૂટવા માંડે. તે તરત ને તરત વહેંચી નાખે ને પછી પસ્તાય.

પ્રશ્શનકર્તા : આ વહેંચણ કરી નાખવું, એય બુદ્ધિનું કામ છે ?

દાદાશ્રી : ત્યારે બુદ્ધિનું જ ને, બીજું શું ? પણ પછી રાંડ્યા હોય એવું લાગે. તને આવો અનુભવ નથી આવતો ?

પ્રશ્શનકર્તા : તમે જે દાખલા આપો છો ને, ત્યારે એક્ઝેક્ટ દેખાય છે.

દાદાશ્રી : હા, ને પાછું કહેશે, 'એમને જે કરવું હોય તે કરશે. આપણે તો આ છૂટ્યા અહીંથી, ચાલો, હેંડો. આ ક્યાં સુધી આવો કકળાટ ફાવે, કાયમ આખી જિંદગી.' તે દહાડે તો આખી જિંદગીનું સરવૈયું કહે.

કેટલાકની મા તો એવું બોલે કે 'તું તો નાનો હતો ત્યારે મને બચકું ભરી લીધું હતું. આ તો નાનપણથી જ એવો છે.' એવું બધું કહે.

પ્રશ્શનકર્તા : આ વઢે છે ને જ્યારે, એટલે કે બુદ્ધિનું ચલણ શરૂ થાય ને, તો એ પ્રમાણે બધું બોલે ને ભેદ પાડી નાખે.

દાદાશ્રી : બુદ્ધિનું ચલણ હોય તો બહુ જ બોલે, પાર વગરનું બોલે. પછી પોતાને પસ્તાવો થાય કે આટલું બધું બોલી જવાયું. અને સામો છે, એય એટલું બોલે. એ કંઈ છોડે નહીં.

પ્રશ્શનકર્તા : હવે આના ઉપાયમાં શું રહ્યું ?

દાદાશ્રી : એના ઉપાયમાં તો એ દોર તૂટ્યો એટલે પછી ગાંઠ વાળવાની ને ફરી ખેંચવાનું પાછું. ગાંઠો પાડતા જવાનું ને ખેંચતા જવાનું, ને ગાંઠો પાડતા જવાનું (!) તૂટ્યું એટલે સાંધવું ના પડે ? ગાંઠ વાળવી ના પડે ?

વ્યવહારમાં એવું કહે છે કે તમે આ દોર ખેંચો પણ તમે ગાંઠ પડવા ના દેશો. જો દોર તોડી નાખશો તો ગાંઠ વાળવી પડશે અને પછી ખેંચવું પડશે. એના કરતાં ગાંઠ વાળતાં પહેલાં, પેલાનું બહુ જોર લાગે, જરા એની બાજુ ખેંચાય તો તમે ધીમે ધીમે મૂકી દેજો. નહીં તો તોડ્યા પછી ગાંઠ વાળવી પડશે ને ફરી પાછા ખેંચવાના તો છો જ. તો કેટલી ગાંઠો વાળવી ?

પ્રશ્શનકર્તા : એ જ્યારે ફરી પેલું ખેંચે છે ને, ત્યારે પેલું ભાન નથી રહેતું ?

દાદાશ્રી : નથી રહેતું ને તેથી અમે કહ્યું કે ભઈ, આપણે એમ જાણીએ કે આ બહુ ખેંચ્યું, તોય હજુ હાથમાં આવે એવું નથી. માટે આપણે મૂકી દો. પણ તે તરત મૂકી દઈએ, તો પેલા બધા પડી જાય. એટલે આપણે જરા ધીમે ધીમે મૂકવું. પડી જવાય તોય આપણું ખોટું દેખાય ને ? નહીં તો કહેશે, 'એવું શું ખેંચ્યું તે અમને પાડી નાખ્યા ?' એ હિંસા ના કહેવાય ? અને ફરી આપણો લાગ હોય તો એવું પાડી નાખે. 'લે પાડ્યોને, આણે જ પાડ્યો' કહેશે. એના કરતાં આપણે સીધું વલણ રાખીએ કે સામા માણસને સારું પડે. અને કોઈ દહાડો આપણો વારો આવે તો આપણને એ બે ઓછી આપે. આ તો રિલેટિવ ડિપાર્ટમેન્ટ છે ને બધો.

પ્રશ્શનકર્તા : એટલે બેઉ વ્યક્તિ બુદ્ધિના ચલણવાળી હોય, એમાં એક એક્સેસ બુદ્ધિવાળી હોય તો બેઉએ કેવી રીતે સમજવું ?

દાદાશ્રી : એક ઓછી બુદ્ધિવાળો ને એક એક્સેસ બુદ્ધિવાળો હોય, તેમને તો કશી ભાંજગડ જ નહીં. આ અમારામાં બુદ્ધિ નહીં અને મારી જોડે હોય, એ વધુ બુદ્ધિવાળા હોય, તોય અમારે કશી ભાંજગડ ના પડે.

પ્રશ્શનકર્તા : હા, હવે એક ઓછી બુદ્ધિવાળો હોય અને એક વધુ બુદ્ધિવાળો હોય, એમાં ઓછી બુદ્ધિવાળાને ભાંજગડ ના પડે પણ વધુ બુદ્ધિવાળાને જે બધું તોફાન ચાલે, સફોકેશન થાય, એમાં એને માટે સોલ્યુશન શું ?

દાદાશ્રી : એ તો ભોગવે એની ભૂલ. ભૂલ કોની છે એ ખબર પડી જાય. ઊંઘ ના આવે તો આપણે ના સમજીએ કે કોની ભૂલ છે ?

પ્રશ્શનકર્તા : એ બરોબર, પણ હવે એણે જ્ઞાનની રીતે, કઈ રીતે સોલ્યુશન લાવવું જોઈએ ?

દાદાશ્રી : એ તો આપણું જ્ઞાન જ એમને શીખવાડશે. આપણું જ્ઞાન એવું છે કે એને શીખવાડ્યા વગર રહે નહીં.

આ અમને બુદ્ધિ નહીં એટલે પછી અમને વઢવાડ ના થાય ને ! અને તું તો બુદ્ધિવાળો માણસ, રોફવાળો માણસ. અને તું તો પાછો સહન કરે. એટલે વધારે કૂદવાનું.

પ્રશ્શનકર્તા : રોફવાળો બહુ સહન કરે ?

દાદાશ્રી : તે સહન કરે છે ને, એટલે સ્પ્રિંગ વધારે કૂદે છે. જ્યારે કૂદે છે ત્યારે વધારે કૂદે. એ છેલ્લે દહાડે તું આખુંય ક્રેક (તડ) પાડી દે. તે બાર ઈંચ પહોળી ક્રેક. એટલે સિમેન્ટથીય પૂરી ના થાય એવી ! એટલે એવું સહન કરવાનું ના હોય. વિચારવાનું હોય કે આ કહ્યું, તો આમાં કોની ભૂલ છે ? 'ભોગવે એની ભૂલ' કહીને આપણે માથે લઈએ તો ઉકેલ આવે. તારે કોઈ દહાડો ભોગવવું નથી પડતું ? ને ભોગવવું પડે, તો આપણે સમજીએ કે આ મારી જ ભૂલ છે.

પ્રશ્શનકર્તા : હા, એ ભૂલ પોતાની પકડાય કે આ ભોગવવું પડ્યું ત્યાં ભૂલ પોતાની છે.

દાદાશ્રી : હું તો પૂછું કે બોલો હવે, તમે ભોગવો છો કે હું ભોગવું છું ? ત્યારે એ કહે, 'હું જ ભોગવું છું.' ત્યારે હું કહું કે, 'તો તમારી ભૂલ.' અમારી ભૂલ તો અમને તરત પકડાઈ જ જાય. અમારી ભૂલ થાય ખરી. કારણ કે વ્યવહાર છે ને ! અને નજીકનો વ્યવહાર બહુ ભારે હોય છે, વસમો વ્યવહાર હોય પણ એમાં ભૂલ બહુ જૂજ થાય.

પ્રશ્શનકર્તા : એક અબુધ છે એટલે ઓછી બુદ્ધિવાળો ને સામો વધારે બુદ્ધિવાળો એટલે એમાં ભાંજગડ ના પડે ?

દાદાશ્રી : કશુંય ભાંજગડ નહીં.

પ્રશ્શનકર્તા : હવે બેઉ બુદ્ધિશાળી હોય તો શું ?

દાદાશ્રી : એ તો આજુબાજુના બધાય જાણે કે એ પૈણ્યા, તે બેઉ બુદ્ધિશાળી અને બુદ્ધિ એટલે તો ખખડ્યા વગર રહે નહીં ને !

પ્રશ્શનકર્તા : ત્યાં એ બન્નેએ કેવી રીતે સોલ્યુશન લાવવું પડે, એમની વચ્ચે અથડામણ ટાળવા માટે ?

દાદાશ્રી : એ સોલ્યુશનમાં તો, એ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ચાલ્યું ને નહીં તો એ ય ગયા ને આ ય ગયા. ડાઈવોર્સ (છૂટાછેડા) લે.

પ્રશ્શનકર્તા : અને જોડે રહેવું જ પડતું હોય તો ?

દાદાશ્રી : એ સોલ્યુશન તો લાવે જ.

પ્રશ્શનકર્તા : પણ એ સોલ્યુશન કેવી રીતે લાવવું જોઈએ ?

દાદાશ્રી : એ તો ભાંજગડ ઓછી થતી જાય. પણ તોય આપણે કોની ભૂલ છે એ તપાસ કરતાં રહેવું તો ઉકેલ આવે. એમની ભૂલ એમને દેખાય નહીં, પણ તારી ભૂલ તને દેખાય. એટલે તારે ઉકેલ લાવવો જોઈએ અને એમની ભૂલ હોતી જ નથી, આપણી જ ભૂલ હોય છે. ભૂલ તો જે દઝાયો, તો આપણે જાણવું કે આની ભૂલ છે.

પ્રશ્શનકર્તા : એટલે જેને ભોગવટો આવ્યો એની ભૂલ ?

દાદાશ્રી : અસલ કાયદેસર લખેલું છે.

વ્યવહારના ઉકેલો વ્યવહારિકતાથી !

પ્રશ્શનકર્તા : પણ આમાં વ્યવહારના પ્રસંગો એવા હોય છે કે એનું સોલ્યુશન વ્યવહારથી આપવું પડે. એવું બને ખરું ?

દાદાશ્રી : ના, એવું કશુંય નહીં. વ્યવહાર એટલે તને ને મને અનુકૂળ આવ્યું એનું નામ વ્યવહાર. તું કહે કે, 'ભાઈ, બોલો તમને મારે આટલા આપવાના છે.' ને હું ઊભા ઊભા કહું કે, 'લાવ.' એ આપણો વ્યવહાર અને તું એ વ્યવહાર બીજી જગ્યાએ કરવા જાય તો પેલો કહેશે કે એવું મને નહીં ચાલે અને કહેશે, 'બેસ છાનોમાનો. અહીં ટેબલ પર મૂક.' એ વ્યવહાર. એટલે વ્યવહાર તો જુદા જુદા હોય. વ્યવહારનો કોઈ કાયદો એવો કરવાનો નથી. હા, એકલું વિનય કહ્યું છે કે વિનય સહિત વ્યવહાર. વિનય જોડે રાખે એટલે બધો વ્યવહાર જ ગણાય છે.

પ્રશ્શનકર્તા : પણ આમાં એવું બને છે કે બે જણનો વ્યવહાર છે. હવે એમાં એને ગૂંચ પડી છે મારા નિમિત્તે. પણ હું કહું કે, 'ના, મારે એવું ન હતું. હું તો આવું કહેવા માગતો હતો.' તો હવે ખુલાસો જ્યાં સુધી ના કર્યો હોય તો છ-છ મહિના સુધી ગૂંચ પડી રહે એને અને આવી સહેજ વાત નીકળી તો એને સમાધાન થઈ જાય ?

દાદાશ્રી : હા, ગૂંચ નીકળી જાય.

પ્રશ્શનકર્તા : હવે આવા પ્રસંગમાં સામો પોતે જ્ઞાનમાં રહેવા બહુ માથાકૂટ કરે, જ્ઞાનમાં રહેવાનો પ્રયત્ન કરે, કે જે ભોગવે એની ભૂલ છે. એવી બધી રીતે પોતે સમજી સમજીને જ્ઞાનના એડજસ્ટમેન્ટ્સનો પ્રયત્ન કરે. પણ પેલાનો શબ્દ નીકળેને, તો એને તરત સમાધાન થઈ જાય.

દાદાશ્રી : એ તો થઈ જાય ને !

પ્રશ્શનકર્તા : તો હવે જ્ઞાનના એડજસ્ટમેન્ટના જે પ્રયત્નો હોવા છતાં એ સમાધાન નહોતું પામતું અને વ્યવહારિક ખુલાસાથી તરત સમાધાન પામી ગયું તો ત્યાં પૂછવાનું એ જ હતું કે બેઉની જે ટસર ચઢે છે, ત્યાં સમાધાન માટે વ્યવહારિક ખુલાસાની જરૂર ખરી ? જો સમાધાન થતું હોય તો ?

દાદાશ્રી : હા, એવું વ્યવહારિક ખુલાસાથી સમાધાન થતું હોય તો એના જેવું એકુંય નહીં ને ! પણ થતું હોય એટલે શું કે, દસ વખત 'માબાપ' કહે તો આપણે કહીએ, ''ભાઈ, વીસ વખત 'માબાપ' ચાલ !'' સામાને સમાધાન કરવા માટે આપણે એ કરવું જ જોઈએ. એટલે જો એ સમાધાન કરવા આવે તો તો આપણે એને વધારે ખુશ કરીએ. પણ એ સમાધાન કરે જ નહીં ને ઊલટો તને વઢે, કે 'શુંય મારે વઢવાડ થઈ, તે અમથો સમાધાન સમાધાન કરે છે. ગાંડો થઈ ગયો છે કે શું ? દાદાએ ગાંડું શીખવાડ્યું છે ?' કહેશે.

એટલે સમાધાન તો ક્યારે કરાય કે એ એમની તૈયારી હોય. તે એમના મનમાં એમ હોય કે 'કંઈક સારું બોલે તો આનો નિવેડો આવી જાય.' તે ઘડીએ આપણે બોલવું અને ત્યાં સારું બોલવાથી નિવેડો આવી જાય. ગૂંચવાયેલું હોયને બધું ત્યાં આપણે સારું સારું બોલીએ, મીઠું મીઠું બોલીએ તો નિવેડો આવી જાય. તે પેલું ધ્યાનમાં રાખવાનું કે શાનાથી આંટી પડી હતી ને કહેવું કે આ બાજુની મગજની જરા બીમારી છે. કોઈક ફેરો અવળું બોલી જવાય છે, કહીએ. એટલે પછી એ દોષ માટે ભાંજગડ નહીં કરે.

પ્રશ્શનકર્તા : એટલે સોલ્યુશન લાવવાની ઇચ્છાવાળો આવું કબૂલ કરી લે તો સમાધાન થઈ જાય ?

દાદાશ્રી : હા. અરે, અમે તો 'ગાંડા થઈ ગયા છીએ' એવું હઉ કહીએ. 'અમારું મગજ જરા એ થઈ ગયું છે', કહીએ. એટલે આપણને એ છોડી દે. આપણે કંઈ પૈણવું છે એમને ? એટલે સમાધાન કરીને આગળ હેંડ્યા આપણે. આપણને તો જે તે રસ્તે વેર બંધાય નહીં એટલું જ જોઈએ છે ને ?

પ્રશ્શનકર્તા : હવે એક બીજો દાખલો લઈએ કે કોઈ કામ બે વ્યક્તિ એ પાર પાડવાનું છે. તો આ કામ પાર પડતું નથી, કારણ કે બે વ્યક્તિ વચ્ચે આંટી પડી છે. તો હવે એ આંટી દૂર થવા માટે બન્નેની તૈયારી છે. બેઉને ખબર છે, આ કામ આગળ થતું નથી. એમ ખબર છે કે કર્યા વગર ચાલે એવુંય નથી. હવે આને આની જોડે કેવી રીતે ખુલાસો કરીને એ આંટી છોડવી પડે ? ત્યાં વ્યવહારિક ખુલાસાથી થતું હોય તો કરી શકાય ને ?

દાદાશ્રી : થઈ શકે.

પ્રશ્શનકર્તા : આમાં વ્યવહારિક ખુલાસા આવશ્યક વસ્તુ છે કે પછી જ્ઞાનમાં રહીને સમાધાન લાવે ?

દાદાશ્રી : આ તો આપણે જ્ઞાન જાણવાની જરૂર, જ્ઞાન એડજસ્ટ કરવાની જરૂર નહિ.

પ્રશ્શનકર્તા : આ જાણવાનું એટલા માટે છે કે આવી આવી રીતે સોલ્યુશન હોય છે આના, એમ ?

દાદાશ્રી : ના, જાણ્યું એટલે પછી આપણને એમ લાગે કે આ દાદાએ જ્ઞાન કહ્યું, એવી રીતે આ ફેરે વર્તન થાય તો આ ફેરે સોલ્યુશન આવશે, એવું આપણને સમજાય.

પ્રશ્શનકર્તા : એટલે આ તો પાછું પેલું એડજસ્ટ કરવાનો પ્રયત્ન તો થયો જ ને આમેય.

દાદાશ્રી : પણ એ તો ખોટું છે. એવું એડજસ્ટ શી રીતે થાય તે ? એ તો જ્ઞાન જાણવાનું હોય. તે જાણેલું જ્ઞાન એડજસ્ટ થાય એવું ત્યારે કામનું. કારણ કે એ જાણેલું જ્ઞાન એડજસ્ટ થાય, એવું તમારા મોઢે ક્યારે નીકળશે કે કર્મ પાકીને તૈયાર થઈ ગયું હશે ત્યારે નીકળશે. એટલે શું કે એ કર્મ પાક્યું ને, એ પાકે ને તૈયાર થાય, તે દહાડે જ એ વાક્ય એવું નીકળશે. નહીં તો ત્યાં સુધી તમે કાઢવા જાવ તો નહીં થાય. એટલે કર્મ પાકે ત્યાં સુધી રાહ જોવી પડે. એટલે આ જ્ઞાન સાંભળી રાખવાનું. અને એ જ્ઞાન પ્રમાણે એડજસ્ટ કરતા જાવ. કાલથી એ શરૂઆત કરો, તો તો ઊંધું થઈ જાય. એનું કર્મ પાક્યું નથી, હજુ કાચું છે. આવડી કેરીઓ હોય પણ કાચી હોય તો રસ કાઢવા લેવાય ? કેમ ? એ કેરીઓ ન હોય ? એટલે કશું થાય નહીં. એ તો પરિપક્વ કાળ થાય ત્યારે પાકી જાય એટલે એ નીકળી જાય પાછું.

પ્રશ્શનકર્તા : હવે આ જ્ઞાન તો આજે જાણ્યું પણ પહેલાના પ્રસંગો જે બનતા હતા, એમાં ગૂંચવાડો રહ્યા કરતો હોય, તેનું શું ?

દાદાશ્રી : એ તો પરિપક્વ કાળમાં પાક્યું એટલે નીકળી જાય પાછું.

પ્રશ્શનકર્તા : એટલે એની મેળે ન છૂટી જાય ?

દાદાશ્રી : છૂટી જાય. પણ તે જાણેલું જ્ઞાન જ્યાં સુધી કાચું છે, એટલે ફરી ગૂંચવાડાવાળું રહે. એટલે નવી ગૂંચો પાડે પાછી અને આ જ્ઞાન જ્યારે પાકું થાય, પછી ગૂંચો ઓછી થતી જાય. છતાં થોડી ઘણી રહે. નહીં તો જ્ઞાન ના હોય તો તો એક ગૂંચ નીકળી કે બીજી ગૂંચ પાડે. અને 'જ્ઞાન' હોય તો ફરક પડે.

ટેન્શન મુક્તિનો માર્ગ !

પ્રશ્શનકર્તા : મગજ ઉપર હવે ટેન્શન રહ્યા કરે છે.

દાદાશ્રી : ટેન્શન થાય તો મગજ બગડે. જ્યારે ત્યારે ટેન્શન વગરના થવાનું છે.

પ્રશ્શનકર્તા : અંદરખાને એવી ખબર પડે છે કે આ ખોટું થઈ રહ્યું છે, મગજ પર ખોટું ટેન્શન છે, આનાથી તબિયત વધારે બગડશે. એવી જાગૃતિ રહ્યા કરે છે, પણ પછી પાછું કન્ટિન્યુઅસ રહે છે.

દાદાશ્રી : ફાધર જોડે ખોટું થઈ જાય ને, તો એ મનમાં રાખ્યે દહાડો ના વળે, ત્યાં તો તરત એમને પગે લાગીએ ને, તો એ બાજુ ટેન્શન ઓછું થઈ જાય. જેની જોડે ટેન્શન થાય, ઘોડાગાડીવાળા જોડે ટેન્શન થયું હોય, તોય પણ એને પગે લાગીએ તો ટેન્શન બંધ થઈ જાય. આપણે ટેન્શન લઈને શું કામ ઘેર જઈએ ?

પ્રશ્શનકર્તા : મનમાં તો એવું કરું છું, દાદા.

દાદાશ્રી : અરે, મનમાં નહિ, આમ કરીએ 'મિયાં તુમકો સલામ' એટલે એ ટેન્શન જતું રહે. આપણી 'સેફસાઈડ' માટે કરવાનું છે ને કે મિયાંભાઈની આબરૂ વધારવા માટે કરવાનું છે ? મિયાંભાઈની આબરૂ તો એની વાઈફ વધારશે. આપણી 'સેફસાઈડ' માટે કરવાનું. 'ટેન્શન' પછી ઘરમાં લાવીએ તો વધી જાય ઊલટું. બહારથી 'ટેન્શન' ઘરમાં ના લાવવું. ત્યાં ને ત્યાં, જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં જ પતાવવું કે 'આ મારી ભૂલ થયેલી છે, હું માફી માગું છું, બા' એટલે પછી ટેન્શન બંધ થઈ જાય. એટલું ના કરીએ તો ટેન્શન ઘેર આવે અને માફી રૂબરૂમાં માંગીએ તો વિચારોય બંધ થઈ જાય, 'સ્ટોપ' થઈ જાય. આ તો મહીં ચાલુ રાખીએ છીએને, આપણે હજુ તાંતો છે મહીં. તાંતો છોડી દેવો. અમે તો કશાય ગુનામાં ના હોઈએ ને પેલો કહેશે, 'તમે ગુનામાં છો' તોય અમે માફી માંગી લઈએ. છોડને અહીંથી, બા ! વળી, ગુનો ને ના ગુનો કોને કહેવાય છે અત્યારે તો ?

પ્રશ્શનકર્તા : તે દિવસે તમે કીધેલું કે ખોટ ખાઈને પણ આમ નિકાલ કરી નાખવો જોઈએ.

દાદાશ્રી : હા, નિકાલ કરીને ઊંચું મૂકી દેવું. નહીં તો મગજ ખલાસ કરી નાખે. હવે પછી સારું થશે ને પણ ?

પ્રશ્શનકર્તા : ચોક્કસ થશે.

દાદાશ્રી : થયું ત્યારે, વાંધો નહીં.

પ્રશ્શનકર્તા : પણ દોષો બીજાના બહુ દેખાય છે. પહેલાંના કરતાં હમણાં વધારે દેખાય છે. પહેલાં દોષો નહોતા દેખાતા.

દાદાશ્રી : બીજાના દોષો જોવાથી ટેન્શન વધે. બીજાના દોષો જોયા ત્યાંથી ટેન્શન વધે. કારણ કે આપણું જ્ઞાન શું કહે છે કે જગત નિર્દોષ છે. એને દોષિત જોયું એટલે પછી ટેન્શન વધે. આપણું જ્ઞાન આવું કહે છે. તું જ્ઞાનથી નથી માનતો એ માન્યતા ? તું જ્ઞાનથી કબૂલ કરે છે આવું ?

પ્રશ્શનકર્તા : એ કબૂલ છે તો પણ હવે પેલું થઈ જાય છે.

દાદાશ્રી : પણ આપણે ચેતવું પડે. સામાને નિર્દોષ જોવા. દોષિત દેખાય છે, પછી કહી દેવું કે, 'તમે દોષિત દેખાવ છો પણ ખરો દોષિત હું જ છું. હું માફી માગું છું તમારી.' તો બુદ્ધિ ટાઢી પડે. તું એવું કરતો નથી ને ?

પ્રશ્શનકર્તા : નથી કરતો એવું.

દાદાશ્રી : તો રહે હજુ ટેન્શનમાં !

પ્રશ્શનકર્તા : ના, કાઢવાનું છે, દાદા.

દાદાશ્રી : તો ક્યારે કાઢવાનું ? જવાની પૂરી થાય પછી ? જવાનીમાં તો આપણી પાસે જોર હોય, સુખ આપણી પાસે છે ને જાણી જોઈને આપણને ભોગવતાં ના આવડે એ કઈ જાતનું ? ફર્સ્ટ ક્લાસનું રિઝર્વેશન કરીએ અને પેલાની જોડે આપણે કચકચ કરીએ ! 'અલ્યા, તું આ ઊભો થઈને પાછો કચકચ કરે છે ? સૂઈ જા ને છાનોમાનો. તારું આ રિઝર્વેશન છે.' આખી રાત નકામી જાય. તે પેલો કચકચ કરવા પેસેને ત્યારે કહીએ, 'ભઈ, તમે મોટા માણસ છો ને મારું ગજું નહીં. આ તો હું ફર્સ્ટ ક્લાસમાં આવી પડ્યો છું. એટલું જ છે, બાકી તમે મોટા માણસ છો. આપ આરામ કરો' એમ કરીને પતાવી દઈને આપણે સૂઈ જઈએ. આખી રાત એની જોડે ક્યાં કચકચ કરીએ !

પ્રશ્શનકર્તા : પેલો બુદ્ધિનો ડખો હોય એમ મને લાગે છે, દાદા.

દાદાશ્રી : બુદ્ધિ કરે છે, પણ એ તો બુદ્ધિનો સ્વભાવ છે. હવે આ જ્ઞાન હોય ને, ત્યાર પછી આપણે સમજીએ કે કોઈ દોષિત છે જ નહીં. એ બધું ખોટું દેખાય છે. બુદ્ધિ દેખાડે છે ને આપણને હેરાન કરે છે આ. આપણી બુદ્ધિ આપણું ખાઈને આપણને હેરાન કરે. ખાય છે આપણું, રહેવું છે આપણા મકાનમાં ને પછી હેરાન પણ આપણને કરે છે.

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિ 'ગેટ આઉટ' કેમ નથી થતી ?

દાદાશ્રી : એ 'ગેટ આઉટ' ના થાય. એ તો આપણે અત્યાર સુધી પોષેલીને, મોટી કરેલીને, તે એકદમ ગેટ આઉટ ના થાય. એ તો આપણા લાગમાં આવવી જોઈએ ત્યારે થાય. લાગમાં આવતી નથી ને ? લાગમાં કેમ કરીને આવે એ તપાસ કર્યા કરવાની.

ટેન્શન માણસને ખલાસ કરી નાખે અને આ જ્ઞાન ના હોય તો ટેન્શન છે જ બધું. જગત વ્યથિત જ છે ને ? આ જજ સાહેબેય વ્યથિત હોય. પણ કોર્ટમાં પેઠા પછી વ્યથિત બંધ કરી દે. કારણ કે એ શેનાથી બંધ કરે ? એમની પાસે માન ખરું ને ? 'લોક જોઈ જશે' કહે. આમ તો કોઈકને કાઢી મૂકે કે, કોર્ટની બહાર ઊભા રાખે, પણ એય ઘેરથી વ્યથિત થઈને આવ્યા હોય ! ડખો થયા વગર કોઈને રહે નહિ ને, મેજીસ્ટ્રેટ હોય કે મોટો પ્રધાન હોય, પણ ઘેર તો ડખો થાય ને, ના થાય ?

પ્રશ્શનકર્તા : થાય દાદા, થાય.

દાદાશ્રી : બધાને, ભલે ને ગમ્મે એવો મોટો હશે, પણ આમ સંડાસ જોડે દોસ્તી ખરીને ? ત્યાંથી અમે સમજી ગયા ! બધેય વ્યથિત, વહુ જોડેય વ્યથિત. માટે ચેતતો રહેજે. તારી બુદ્ધિ જરા વધારે કામ કરે છે, તેથી અમે તને કહીએ છીએ. બહુ ચેતવા જેવું છે. એ ટેન્શન તો ખલાસ કરી નાખે. આવું જ્ઞાન મળેલું છે, તેય પછી જતું રહે. પછી ફરી કંઈ તાલ ખાશે નહીં. સામાની ભૂલ હોય તોય માફી માગી લેવી.

પ્રશ્શનકર્તા : થોડો અહંકાર એવો રહ્યા કરે છે. માફી જલદી મંગાતી નથી. પહેલા એવું થતું કે ભૂલ થાય કે તરત જ માફી માગીને નિકાલ થઈ જાય.

દાદાશ્રી : એટલે તારે ફરી એ ગોઠવણી કરવી જોઈએ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23