ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

 

(૬)

અક્કલનો કોથળો, અહંકારની ઇંઢોણી ઉપર !

કોઈ ગાળ ભાંડે તો કશું થાય તમને ?

પ્રશ્શનકર્તા : અહંકાર ઘવાય, તો થાય તો ખરુંને !

દાદાશ્રી : અહંકાર ઘવાય ? અહંકાર ઘવાય તો સારું, ઓછું થાય એટલું. ઘવાતું ઘવાતું પડી જાયને ? અહંકારને તાજો રાખવો છે તમારે ? ફ્રેશ ? તમને અહંકારની બહુ જરૂર છે ?

પ્રશ્શનકર્તા : એ તો આપણી સાથે રહેલો જ હોયને ?

દાદાશ્રી : હા, જોડે ને જોડે રહે. એ કંઈ ખસે જ નહીંને ! એને લીધે છે આ બધું.

એક જણ ફ્રેન્ચ કટ રાખતો હતો. તે આટલે સુધી આમ વાળ રાખે. તે હેરકટીંગ સલુનવાળાથી સહેજ વધારે કપાઈ ગયું, તે ચીડાઈને પેલાને બે-ચાર ધોલ મારી દીધી ! 'અલ્યા, થોડુંક વધારે કપાઈ ગયું, એમાં શું બગડી ગયું ?' પણ આ અહંકાર કેવો કામ કરે છે ને ? તમારે એવો અહંકાર કરે કે ? તોફાન માંડે કે ? ડાહ્યો છેને ? કોઈકનો અહંકાર ડાહ્યો હોય. કોઈનો અહંકાર ગાંડો હોય ! એ અહંકારના બેઝમેન્ટ (પાયા) પર પડી રહેલા હોય. લોકોને 'અક્કલ વગરના' કહે. અને એ અક્કલનો કોથળો ! તે સાવ ખલાસ થઈ જાય, પથ્થર થઈ જાય માણસ ! કોઈને અક્કલ વગરના કહેવાય નહીં, એની મહીં આત્મા છે. એટલે જોખમદારી કેટલી ?

આ અહંકાર તો ક્રોનિક રોગ કહેવાય. એ અમારી પાસે રહે તો નીકળે, નહીં તો લોક તો ઊલટો વધારી આપે એ રોગ !

કોઈ કહેશે, 'આ ચંદુભાઈમાં અક્કલ નથી', તો અસર થાય તમને કશી ?

પ્રશ્શનકર્તા : થાય તો ખરીને.

દાદાશ્રી : કેમ ? અક્કલના કોથળા છો તમે ?

પ્રશ્શનકર્તા : નથી એટલે જ થાય.

દાદાશ્રી : અને કોઈ કહે કે આ ચંદુભાઈ ક્યાંના કલેક્ટર છે ? ત્યારે તમે એમ કહો કે હું કલેક્ટર છું ?

પ્રશ્શનકર્તા : નથી તો કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : ત્યારે એમાં અસર નથી થતી કલેક્ટરમાં, અને આમાં કેમ અસર થાય છે ? તમે અંદર માની બેઠા છો કે હું કંઈક છું, અક્કલવાળો.

પ્રશ્શનકર્તા : તેમાં અહંકાર ઘવાય છે.

દાદાશ્રી : અહંકાર મહીં ઘવાય છે ને હું કંઈક અક્કલવાળો છું. અક્કલનો કોથળો બજારમાં વેચવા જાય તો ચાર આનાય ના આવે. કોઈ લે નહીં. કારણ કે બધા અક્કલના કોથળા, કોણ લે ? તમારે કોઈ કંઈક બોલી ગયો હોય તો તરત થાય કે હું કંઈક છું. હું તો પહેલેથી અક્કલવાળો છું એવું માને. શું કહો છો ? તમારે એવું માને કે ?

પ્રશ્શનકર્તા : હા, બરાબર. પહેલેથી જ પોતે માને કે હું અક્કલવાળો છું, આમ જ છું બધું. મને કોઈ શું કહી જાય !

દાદાશ્રી : એવું તો કો'ક દહાડો જ હોયને ?

પ્રશ્શનકર્તા : આ દાદાનું જ્ઞાન નહોતું લીધું ત્યારે હતું કે મને કોઈ શું કહી જાય, અહંકાર એવો હતો પણ હવે બધું એડજસ્ટ કરી લઉં.

દાદાશ્રી : 'હું હોશિયાર છું' એવું રહે ?

પ્રશ્શનકર્તા : હા, રહે.

દાદાશ્રી : એ રોગ બહુ મોટામાં મોટો.

પ્રશ્શનકર્તા : પણ હવે બિલકુલ રહેતું નથી.

દાદાશ્રી : એમ નહીં, કોઈક વખત રહે છે એવું ?

પ્રશ્શનકર્તા : 'હું હોશિયાર છું' એવું તો નથી રહેતું કોઈ દિવસ, પણ મને કોઈ કહી ના જાય, બસ એની સાવચેતી રાખેલી.

દાદાશ્રી : કોઈના દબાણમાં ન આવું, એવું કશુંક હતુંને ?

પ્રશ્શનકર્તા : હા, એવું ખરું.

દાદાશ્રી : 'હું કંઈક છું' એ હતુંને, એ જ રોગ. અને એ જ રોગથી અથડાય છે. જ્ઞાન મળે તોય આ રોગ ના જાય. એટલે આ રોગ હજુ રહ્યો હોય તો કાઢી નાખવો. ! બાકી, આ જ્ઞાન મળ્યા પછી પણ આ રોગ રહ્યા કરે છે. પછી આપણે 'એને' કહીએને, તો સમજી જઈને ધીમે ધીમે આ રોગ કાઢે છે. પણ કહ્યું ના હોય તો અંદર રહી જાયને. એ રોગ નીકળી જવો જોઈએ.

પ્રશ્શનકર્તા : 'હું કંઈક છું' એવા રોગનાં લક્ષણો શું ?

દાદાશ્રી : એના બહુ લક્ષણ હોય બધાં, અજ્ઞાની જેવા જ લક્ષણ હોય બધાં. પોતાનું ધાર્યું કરે, ફલાણું કરે, માન આપે તો પછી મીઠું લાગે. ઘણાખરા આવા રોગ, બધા બહુ લક્ષણ હોય. માન આપે ને કડવું ના લાગે તો એ જ્ઞાન રહે નહીં એને. માન જો આપતા હોયને તો જ્ઞાનવાળો માણસ તો કંટાળી જાય કે આ માન કોને જાય છે ? ચંદુલાલને માન જાય છે, ચંદુલાલનું શું કરવું ? એટલે આ રોગથી તો બહુ સાચવવા જેવું છે.

પ્રશ્શનકર્તા : દાદાના મળતાં પહેલાં જે અહંકાર હતો કે હું કંઈક છું, ધાર્યું કરવું હોય તો કરાતું, હવે નથી કરાતું.

દાદાશ્રી : ધાર્યું ના થાય, એટલે કરતા નથી હવે. આ કરાતું જ નથી આપણાથી. એ ધાર્યું જે કરાતું હતું, એ આપણને ઊંધે રસ્તે લઈ જતું'તું.

પ્રશ્શનકર્તા : પણ ઘણીવાર અંદરથી એવું લાગે કે એ શક્તિ જતી રહેલી છે.

દાદાશ્રી : એ, ખોટી શક્તિ જો જતી રહે આમાંથી, એટલે સાચી શક્તિ આવે. એ શક્તિ તારા કામની નહોતી, એ ઊંધી શક્તિ ભરાયેલી, એ તો જ્યારે ત્યારે મારી નાખે.

પ્રશ્શનકર્તા : પણ એ શક્તિ ઘણીવાર આપણાથી સદુપયોગમાં વપરાયને ?

દાદાશ્રી : ના.

પ્રશ્શનકર્તા : ધારો કે આપણે ધંધો કરવો હોય ને આપણને અંદરથી થાય કે હું કરી શકું છું. દાદા મળ્યા પછી અંદરથી થાય કે નકામો તું તારી જાતને શું માન્યા કરે છે ? આ કરવું છે ને તે કરવું છે. ચૂપચાપ બેસી રહેને !

દાદાશ્રી : એ બરોબર. ધંધો તો તમારે ઉદય આવે ત્યારે એની મેળે બનવા દેવું અને તેય ચૂપચાપ બેસી રહેવું નહીં. મારે કંઈક બિઝનેસ કરવો છે, એમ વ્યવહાર પૂરતું રાખવું. વ્યવહારમાં મારા ઉદયમાં જે હોય તે મારે કરવું છે અને તે પણ ઉદય પ્રમાણે આવીને ઊભું રહે. બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, તે પ્રમાણે કરવાનું અને એમાં થઈ જ જાય. એ તો આપણે કહેવાની જ જરૂર છે કે મારે કરવાનું છે. ગોઠવી ગોઠવીને કરે એ તો બધું નકામું. એટલે સંસાર ઊભો કરવો પડે પછી.

પ્રશ્શનકર્તા : ધાર્યું થાય નહીં એટલે પછી ડિપ્રેશન આવે.

દાદાશ્રી : એ તો અત્યારે ધાર્યું ના થાય. પણ તે ઘડીએ પાછું આવ્યા પછી આપણને ખબર પડે કે ઓહોહો ! આ તો ધાર્યું જ થયું બધું. એટલે તારે બોલવાની જ જરૂર કે ઉદયમાં જે હો એ ભલે હો. હા, જે બનવાનું છે તે ભલે બને. સમજણ પડી તને ?

પતિ-પત્ની વચ્ચે અહંકાર !

પ્રશ્શનકર્તા : પુરુષનો જે અહંકાર છે, ઘણી વખત સ્ત્રી એ પુરુષના અહંકારને તોડવા કરતી હોય છે. આની લડાઈ હોય. હવે અહંકાર કંઈ એમ ને એમ તો ઓછો જતો રહેવાનો છે ? આ જે એક્સેપ્ટ કર્યું કે ભઈ, આ અહંકાર છે, આ ખોટી વસ્તુ છે અને અહંકાર કાઢવો છે.

દાદાશ્રી : ત્યારે જ જાયને ! એ તો જાણીને અનુભવ સહિત જાય, એમ ને એમ જાય નહીં.

પ્રશ્શનકર્તા : અનુભવ સહિત એટલે કઈ રીતે, દાદા ?

દાદાશ્રી : તમે અહમ્ કરો એ ખોટો છે એવું તમને અનુભવ થાય અને ત્યાર પછી એ જાય. એટલે અનુભવ સહિત જાય.

પ્રશ્શનકર્તા : પણ જ્યાં સુધી એ અનુભવ ના થાય ત્યાં સુધી ન જાયને ?

દાદાશ્રી : કેટલાક અનુભવ સહિત જાય, કેટલાક એમ ને એમ ઓગળી જાય.

પ્રશ્શનકર્તા : વ્યવહારમાં જે અહમ્ રહે છે કોઈ વખત, તો એને લીધે તણખા બહુ ઝરે.

દાદાશ્રી : એ તો અહમ્ના તણખા ઝરતા નથી, એ દેખાય છે અહંકારના તણખા પણ વિષયને આધીન થઈને એ હોય છે. વિષય ના હોય ત્યારે આ ના હોય. વિષય બંધ થાય ત્યારે પછી એ ઇતિહાસ જ બંધ થઈ જાય. એટલે જો બ્રહ્મચર્યવ્રત લઈને રહે વરસ દહાડા માટે, તે એમને હું પૂછું છું, ત્યારે કહેશે, 'તણખા એકુય નહીં, કચકચ નહીં, ખટપટ નહીં, કશું જ નહીં, સ્ટેન્ડ સ્ટીલ !' હું પૂછું પાછો, હું જાણું આવું થઈ જાય હવે. એટલે એ વિષયને લીધે હોય છે.

પ્રશ્શનકર્તા : એ તો લડાઈ તો પરણે ત્યારથી જ શરૂ થાય છે.

દાદાશ્રી : હા, ત્યારથી શરૂ થાય. એ લડાઈને આપણા અનુભવીઓએ નામ આપ્યું છે, પોપટમસ્તી. એ સાચી લડાઈ નથી. આ સાચી લડાઈમાં તો બીજે દહાડે જુદો થાય. આ પોપટમસ્તી છે. આપણે જાણીએ કે પોપટ હમણાં એને મારી નાખશે, મારી નાખશે પણ ના મારે, બચકાં ભરે, ચાંચો મારે, બધું કરે. એટલે આ પોપટમસ્તી કહી. બીજે દહાડે કશુંય ના હોય. દૂધ ફાટી ના ગયું હોય, ચા થાય.

પ્રશ્શનકર્તા : ચા આપે પણ પછાડીને આપે તેનું શું ?

દાદાશ્રી : હા, કપ પછાડીને આપે પણ ફાટી ના જાય. એ કપ પછાડીને આપે તો આપણે ના પછાડીએ તો એ બંધ થઈ જાય.

પ્રશ્શનકર્તા : પણ લડાઈ બંધ ના થાય ?

દાદાશ્રી : લડાઈ તો આ વિષય જાય તો જ બંધ થાય. કંઈ પણ લે-મેલ કરી કે લડાઈ. જ્ઞાન સિવાય બીજી વસ્તુની લેવાદેવા કરી એ લડાઈ અને બધાં ઉછીના લીધેલાં સુખ. એ લીધેલાં છે તે એને શું કરવું પડશે, રીપે કરવાં (ચૂકવવા) પડશે. દાંતથી લીધેલાં સુખ દાંતને રીપે કરવાં પડશે. દરેકના સુખ લીધેલાં રીપે કરવાં પડે. સ્ત્રીથી સુખ લીધેલાં રીપે કરવાં પડે. એ અત્યારે રોજ રીપે કર્યા કરે છે. સુખ હોય નહીંને, પુદ્ગલમાં સુખ હોય નહીં. સુખ આત્મામાં જ હોય કે જે રીપે કરવું ના પડે. આ તો શેના જેવું છે ? જાતે એકલો પત્તાં રમે, એના જેવું આ જગત. રમતા હશે લોકો ? એકલાં, એકલાં રમે પત્તાં ? તમે રમેલા ?

પ્રશ્શનકર્તા : હા, રમેલા.

દાદાશ્રી : એમાં શી રીતે સુખ મળે, સુખ શી રીતે મેળવો ?

પ્રશ્શનકર્તા : એ ટાઈમ પાસ કરવા રમે, પણ એમાં આનંદ ના હોય.

દાદાશ્રી : હા, ટાઈમ પાસ કરવા પણ સાવ ખોટું ! મને મનમાં એમ થાયને બધું, આ કેવાં દયા ખાવાં જેવાં બિચારાં ! મોટા મોટા મિલમાલિકો આમ કાગળિયા મૂકે... મને તો બહુ ચીડ, આ કઈ જાતના માણસ છે ? છતાંય આપણે એને ખોટું તો ના કહીએ. કારણ કે નહીં તો કોઈ નિંદામાં પડી જશે. હું નિંદા-બિંદા કરતો નથી, જેટલા ભમરડા પાંસરા રહે એટલું સારું. આ તો ટી-ઓ-પી-એસ, ટોપ્સ કહ્યા છે મેં !

પ્રશ્શનકર્તા : એ પણ બાંધી લાવેલું જ ડિસ્ચાર્જ થાય છેને, દાદા ?

દાદાશ્રી : એ રમે છે તેય બાંધી લાવેલું છે અને નવાં બીજ પડી જાય છે ને એને ખબર પડતી નથી. એ કોઝિઝ બધા પડી જાય, એ ખબર પડે નહીં.

મર્યાદિત અહંકાર, ધંધામાં !

પ્રશ્શનકર્તા : એક ઠેકાણે આપે એમ જણાવ્યું છે કે ધંધામાં મર્યાદિત અહંકાર હોવો જોઈએ. મર્યાદિત અહંકાર એટલે શું એ સમજાવો.

દાદાશ્રી : ધંધામાં જો અહંકાર વધારે હોયને તો ધંધો ચાલે નહીં. ઘરાક અવળું બોલે તો એ પોતે એની જોડે એડજસ્ટ થાય. મર્યાદિત અહંકાર હોય તો એડજસ્ટ થાય, નહીં તો એડજસ્ટ ના થાય. આ તમે દલાલી કરો છો ને પેલો ઘરાક અવળું બોલે અને તમેય અવળું બોલો તો શું રહે ? એટલે તમારા અહંકારને મર્યાદિત રાખો તો તમે ધંધો કરી શકો. ઘરાક ગમે તેવો ગાંડો હોય, ઘરાક ગમે તેવો હોય પણ ધંધાદારી માણસને આવું ના ચાલે.

ખરીદો અહંકાર, માગે તે આપીને !

એક ભાઈ મને કહે છે, 'સગાંવહાલાં આવીને લઈ જાય છે.' ત્યારે મેં કહ્યું, 'કેટલા લઈ ગયા ?' ત્યારે કહે, 'કો'ક સો લઈ જાય, કો'ક પચાસ લઈ જાય છે.' મેં કહ્યું, 'સગાંવહાલાંને તું બોલાવી બોલાવીને આપે છે કે ?' ત્યારે એ કહે, 'એ લેવા આવે છે. બોલાવીને કોઈ આપતો હશે કે ?' મેં કહ્યું, 'તારે ઘેર લેવા આવે છે કે ત્યાં જઈને તું આપી આવે છે ?' એ કહે, 'ઘેર આવે છે.' મેં કહ્યું, 'કેટલા માગે ?' એણે કહ્યું, 'સો.' મેં પૂછ્યું, 'શું સગા થાય ?' ત્યારે એ કહે, 'કાકા સસરાનો છોકરો.' તે આવે છે ને, માટે કંઈ એવિડન્સ છે. 'પણ એમ તો ખાલી થઈ જાયને ?' ત્યારે મેં કહ્યું, 'કંઈ મફત આપવાના છે ?' ત્યારે કહે, 'તે મને શું આપી દીધું ?' ત્યારે મેં કહ્યું, 'એનો અહંકાર વેચે છે, લઈ લેજે.' બે વસ્તુ થાય, કાં તો અહંકાર ગીરવે મૂકીને લઈ જાય, એ પૈસા પાછા આપી જાય અને વેચીને લઈ જાય એ ના આપે. એટલે મેં તો અહંકાર જ વેચાતો લીધો. આ બધો સામાન ક્યાંથી આટલો બધો ? આ તમેય અહંકાર વેચાતો લીધો. મને દેખાતું હતુંને ! પછી મને કહે છે, 'બધા લોકોને આપ્યા, સગાંવહાલાંને આપ્યા પણ પાછા કોઈએ આપ્યા નહીં.' મેં કહ્યું, 'બહુ સારું થયું. અહંકાર વેચાતા લીધા, તે આજે તમને ખબર પડી ?'

પ્રશ્શનકર્તા : હા, આજે ખબર પડી.

દાદાશ્રી : નાનપણમાંથી મને વિચાર આવેલો કે, આનો બદલો શો ? આપણે આપીએ ને જતા રહે છે તો બદલો શો ? ઝાડ નીચે બેસીને બહુ વિચાર કર્યો ત્યાર પછી ખબર પડી કે આ તો એનો અહંકાર વેચવા આવ્યો છે. તે કોણ વેચે ? મને કોઈ પૂછે કે 'તમારે ના હોય તો વેચો ?' ત્યારે એ કહે, 'ના બા.' મેં તો પહેલેથી અમારા મિત્રોને આખી ટોળીને કહી દીધું હતું કે, ભઈ આ હાથ માગવા માટે નથી, આ હાથ આપવા માટે છે. અહંકારે કરીને કહું છું કે આ હાથ ભગવાન પાસે માગવા માટે નથી. માટે તમારે કોઈએ ભય ના પામવું કે આ દાદા મારી પાસે માગશે અને તમારે જ્યારે જરૂર હોય તો મને રાતે બે વાગે કહેજો. કારણ કે હું અહંકાર વેચનારો નથી, મહાપરાણે અહંકાર લાવ્યા હોય !

ચગ્યો અહંકાર, પારકા માટે !

એક માણસને મેં કહ્યું કે, 'ધર્મભક્તિમાં કંઈ પડને.' ત્યારે કહે છે કે, 'ઘરમાં ધંધો-રોજગાર, બૈરી-છોકરાં એ બધું ત્યાં શી રીતે ધર્મભક્તિ થાય ? મારાથી નવરાશ રહેતી નથી.' અને પછી એનો સાળો મરી ગયો, તે લાખોધિપતિ હતો. તે સાળાની વહુ કહે છે કે 'આ ગયા, હવે કોણ એનું નભાવશે ?' તો આ કહે છે કે 'તું ચિંતા ના કરીશ. હું છું.' 'તમે તમારું સાચવશો કે મારું સાચવશો ?' ત્યારે એ કહે કે, 'મારું તો છોકરાં સાચવશે, તું તારે મારી ચિંતા નહીં કરવાની.' તે આખી જિંદગી જો સાળાને ત્યાં પડી રહ્યોને, આનું નામ સંસારી અક્કલ ?

પ્રશ્શનકર્તા : આપે એને ધર્મમાં પડવાનું કીધું ? પણ તેણે ના માન્યું ?

દાદાશ્રી : પણ એ અવકાશ જ ના હોય. પેલી બઈએ જરાક કહ્યુંને, 'કોણ સંભાળશે આ બધું એનું ?' એટલે પેલાને અહંકાર ચઢ્યો. અને અહંકાર ચઢ્યો એટલે મહીં એગ્રિમેન્ટ (કરાર) બધું કરી આપ્યું.

અહંકાર ત્યાં અસહજતા !

પ્રશ્શનકર્તા : ભગવાનની કૃપાથી કે કદાચ આપણાં કર્મબળને લઈને સંસ્કારના ઉદયથી વખતે હોય, પણ અત્યાર સુધી પ્રમાણિકપણું, ચારિત્ર્યવાન કે ખૂબ જ સંતોષી રહ્યા છીએ અને ધનના ઢગલા અથવા વિપુલ સાધનો છતાંય સાદાઈ અપનાવતાં શીખ્યા હોય, તે પણ સહજભાવે, તો પણ તેમાં 'હું'પણું આવતું હશે ?

દાદાશ્રી : ના, સહજભાવ હોય ત્યાં 'હું' ના હોય અને 'હું' હોય ત્યાં સહજપણું ના હોય, બે ભેગા રહી શકે નહીં, એક જગ્યાએ. એ આ અમારી બધી સહજ ક્રિયા હોય, ડ્રામેટિક. એ થઈ ગઈ પછી કશુંય નહીં. લેવાય નહીં ને દેવાય નહીં. આજ શું વાર તેય ખબર નહીં. તમે કહો કે આ વાર થયો તો અમે 'હા' કહીએ અને તમે ભૂલથી અમને કહેવડાવો કે આજે બુધવાર થયો તો અમે બુધવારેય કહીએ. અમારે એવું નહીં, પણ સહજભાવ.

કષાય સહિતની પ્રરૂપણા 'અશ્રવણીય' !

જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, 'હું' દેખાય નહીં ત્યાં વાત સાંભળજો તો મોક્ષ થશે, નહીં તો મોક્ષ થવાનો નથી. આ બોલ્યાને, બોલનાર અહંકારી, સાંભળનાર અહંકારી, એમાં આપણાં કામ થાય નહીં.

જ્યાં ઇગોઇઝમ છે ત્યાં સત્ય વસ્તુ નથી. બોલનારેય અહંકારી હોય, એનામાં ક્રોધ-માન-માયા-લોભ ભરેલાં હોય અને આપણામાંય ક્રોધ-માન-માયા-લોભ ત્યારે બેને શું મળે ? ક્રોધ-માન-માયા-લોભ જેનામાં હોય નહીં, જે પરમાત્મા સ્વરૂપ થઈને બેઠેલા છે ત્યાં આપણે જે કામ ધારીએ તે કામ થઈ શકે. ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ના કહેવાય ? ચોવીસ તીર્થંકરો હતાને, તે જરાય નબળાઈ એમને નહોતી. અને આ તો જરા આમ સળી કરીએ તો 'હું', અલ્યા ના મરવાનો હોય તો કહે, 'હું છું'. ના મરવાનો હોય તેને 'હું છું' બોલવાનો અધિકાર. આ તો ના છૂટકે બોલવું પડે છે. આ લોકોને બોલવાનો અધિકાર જ નથી.

કેશ જોઈએ કે ઉધારિયું ચાલે ? એટલે કેશ હોય તો જ લોકોનું કલ્યાણ થાયને ! બાકી, તમારામાં ક્રોધ ને મારામાં ક્રોધ હોય ત્યારે રહ્યું જ શું તે ? વેપાર શાનો માંડ્યો ? ત્યારે કોઈ કહે, 'ના, અમારામાં એટલો બધો ક્રોધ નથી, ઓછો છે.' અલ્યા, ઓછો કે વત્તો, પણ એ ક્યારે ભડકો થાય એનું શું ઠેકાણું ? કારણ કે ઓછાવાળાને અહંકાર વધારે હોય કે મારો ક્રોધ ઓછો થયેલો છે, તે બહુ ભડકો થાય. અહંકાર હોય એટલે કષાય હાજર હોય, બધું હાજર હોય.

અત્યારે બધા કહેતા'તાને, આ મોટા મોટા ફલાણા આમ આવ્યાને અને ફલાણે લઈ ગયા. આ કશું ના મળે. આ દેહાધ્યાસની બહાર નીકળ્યા નથી આ લોકો, આખા હિન્દુસ્તાનમાં, એક પણ માણસ ! કેવી રીતે નીકળી શકે ? ગમે તેટલાં પુસ્તક વાંચને તું, પણ પથારીમાં ને પથારીમાં, કંઈ ઊંચે ચઢી જાય નહીં. જ્યાં સુધી અહંકાર છે, ત્યાં સુધી તું ગમે તે કર, ગમે તે ઓગાળીને પી જાય, પણ કરનારો અહંકાર છે ત્યાં સુધી તારું બધું ફેઈલ. તેં જે જે કર્યું એ બધું, ભગવાનની ભક્તિ કરી, બીજું બધું કર્યું, તે એનું ફળ મળશે તને. બાકી આમાં, મોક્ષમાર્ગમાં બધું ફેઈલ. અહંકારે કરીને કર્યું એનું ફળ સંસાર, પછી ગમે તે કર્યું હોયને ! ભગવાન જોડે વાતો કરી'તી તોય પણ એને કંઈ લેવાદેવા નહીં.

અહંકારરહિત કાર્ય કરે તો મોક્ષ થાય. રાગ-દ્વેષ-મોહની આ બધા સંતો વાતો કરે છે એ સંતો સાચા પણ ભૌતિકની બહાર કોઈ નીકળ્યું નથી. 'હું ફલાણો (નામ) છું' એ છૂટે નહીં કોઈ દહાડોય ! કોના આધારે આ છૂટે ? અહંકાર છૂટેલી વાણી કેવી હોય ? એની વાણી તો જુદી હોય. એવો કોઈ ના હોય, ખોળ્યો જડે નહીં.

બાકી, નિર્વિકલ્પ સમાધિ તો હિન્દુસ્તાનમાં કોઈએ જોઈ નથી, હજારો વર્ષથી ! અહંકાર ને મમતા, બે ખલાસ થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ ઉત્પન્ન થાય.

અને આ તો જરા છંછેડેને, ત્યારે મૂઆ ફેણ માંડે તો મહીં હજુ છે આ તો. દેહમાં છે આ તો ! આપણા મહાત્માઓ ફેણ માંડે તો, એ પોતે ફેણ નહીં માંડતો. આ ફેણ માંડનારને એ જાણે છે. આ તો મહીં ભરેલો માલ છે, એ પાવર ચેતન છે. અને પેલા લોકોને તો મૂળ પોતે જ સામો થાય છે. 'મારું જ સાચું' બોલે, એ અહંકારનો ગુણ છે. મહાવીર ભગવાનનું સાચું, બીજા બધાની વાત ખોટી છે. જ્યાં ને ત્યાં પોતપોતાનો અહમ્ સ્થાપે, એને દુકાન કહેવાય. અહીં તો એક કલાકમાં મોક્ષ મળે.

અહંકાર, સંતોમાંય !

પ્રશ્શનકર્તા : કેટલીક વખતે સંતોમાં અહંકાર આવી જાય છે, પ્રચારને લીધે, ભક્તોમાં તે નથી હોતો.

દાદાશ્રી : આ સંતોમાં અહંકાર છે જ પણ સાત્ત્વિક અહંકાર હોય. ધીસ ઇઝ ધી એક્સેપ્શનલ કેસ (આ અપવાદ છે) ! અને ધીસ ઇઝ ધી ઇલેવન્થ વંડર ઓફ ધી વર્લ્ડ (આ વિશ્વનું અગિયારમું આશ્ચર્ય છે) !!

પ્રશ્શનકર્તા : એક સંત છે, તેમનો માર્ગ જ છે તે સેવામાર્ગ છે, સેવાનો ધર્મ છે.

દાદાશ્રી : એ શુભ માર્ગ કહેવાય. એટલે પછી જાનવરપણું ના મળે.

પ્રશ્શનકર્તા : આ સેવાધર્મથી મોક્ષમાર્ગ ચઢિયાતો છે એ મને સમજાવો.

દાદાશ્રી : મોક્ષ માર્ગ તો ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ના હોય. અહીં જ એ ચઢિયાતો છે. અને પેલી તો ઉપાધિઓ બધી. ઘેર બૈરી વઢે. ગમે એટલી સેવા કરો પણ રાત્રે ભાંજગડ થઈ કે બીજે દહાડે બગડી જાય પાછું અને દૂધપાક કરવાનો હોય તેને બદલે દહીં થઈ ગયું હોય. પાછું એ લોકો શાસ્ત્રોની વાતો જ કરે છેને ? આમ કરો, તેમ કરો, પુસ્તકોય બોલે છે ને એય બોલે છે. કોઈએ કરી બતાવ્યું ? એને ધર્મ ના કહેવાય. ધર્મ તો કરી બતાવે એનું નામ ધર્મ. એ તો પુસ્તક બોલે છે ને, આમ કરો, સત્ય બોલો, જૂઠું બોલશો નહીં. ફલાણું કરો, દાન આપો, બધાની સેવા કરો, માણસની સેવા કરો. એવુંય બોલે છે. કેમ લાગે છે તને ? તને પોતાને ફીટ થાય તો બરોબર છે. બાકી બધાને મોક્ષની મહીં ઇચ્છા ના થાય.

પ્રશ્શનકર્તા : મને ગમે છે પણ મોક્ષમાર્ગ એનાથી ચઢિયાતો છે. એ જરા સમજાવો, તો એના પ્રત્યે લક્ષ આવે. એમાં લક્ષ નથી આવતું.

દાદાશ્રી : તમે એ સંતને પૂછો કે તમે કોણ છો ? ત્યારે એ કહે કે હું ફલાણો સંત છું કે બીજું કશું કહે એ ?

પ્રશ્શનકર્તા : હા, એમ જ કહે.

દાદાશ્રી : અને 'હું ફલાણો છું' એમ બોલવું એ ઇગોઇઝમ છે અને ચંદુભાઈને કહે કે 'તમે કોણ છો ?' ત્યારે કહે કે 'બહાર ઓળખવા માટે ચંદુભાઈ અને હું તો શુદ્ધાત્મા છું,' એ ઇગોઇઝમ વગર છે.

પ્રશ્શનકર્તા : પણ એ સંતનો ઇગોઇઝમ સારા કાર્યમાં છેને ?

દાદાશ્રી : સારા કાર્ય માટે ઇગોઇઝમ છે, પણ ઇગોઇઝમ છે. ખરાબ કાર્ય માટે ઇગોઇઝમ હોય ત્યારે એને રાક્ષસ કહેવામાં આવે. સારા કાર્ય માટે ઇગોઇઝમ હોય તો દેવ કહેવાય. પણ ઇગોઇઝમ એટલે ઇગોઇઝમ. ઇગોઇઝમ એટલે ભટક ભટક કરવાનું. ઇગોઇઝમ ખલાસ થઈ ગયો કે સાચો મોક્ષ થઈ ગયો ! અહીં જ મોક્ષ થઈ જાય.

અને શેના આધીન છે પોતે ? પોતે કરતો નથી. આ તો ઇગોઇઝમ કરે છે કે મેં આ સેવા કરી. પણ જે જાણે કે હું નથી કરતો, બીજી શક્તિ કરે છે, તો સારું કહેવાય. એટલે એ સારા છે, બહુ સારું કામ કરે છે. લોકો કુસેવા કરે છે એના કરતા સુસેવા સારી, પણ બધું ઇગોઇઝમ છે. અને મોક્ષ તો ઇગોઇઝમ વગર હોય. મારે, ગાળ ભાંડે તોય ઇગોઇઝમ ના હોય ત્યાં મોક્ષ થાય. તને કયું ગમે આમાંથી ? ઇગોઇઝમવાળું કે ઇગોઇઝમ વગરનું ?

પ્રશ્શનકર્તા : પણ એ સંતોને ઇગોઇઝમ બહુ ઓછો થઈ ગયો છે.

દાદાશ્રી : તીર્થંકરોની વાત બરોબર કોઈએ જાણી નથી. પણ આ બધા સેવાભાવી છે, સારું છે. એટલે સંપૂર્ણ મોક્ષ નથી. જો એમના કહેવા પ્રમાણે થાય અને એ પ્રમાણે ચાલે તો, આ જાનવરમાં નહીં જવું પડે અને નર્કગતિમાં નહીં જવું પડે, અહીં ફરી માનવ થશો. કારણ કે એ માનવધર્મ છે. સંત છે ત્યાં સુધી અહંકાર અને જ્ઞાની પુરુષ હોય ત્યાં અહંકાર ના હોય. એ અહંકાર પક્ષમાં પડેલા ના હોય. સંત એટલે સારું કરવાના, એને ખરાબ કરવાનું ફાવતું નથી. લોકોનું ભલું કેમ થાય, કેમ આગળ વધે, ધર્મ કેમ કરી શકે એ બધો અહંકાર. હવે એ અહંકારી નમે શી રીતે ? હવે હું ના નમુંં, એ પાછી એક નબળાઈ છે.

તે મેં એક દાખલો આપ્યો હતો. એક ઠાકોર હતા. તેને ત્યાં એક સાધુ હતા, તે જમીનની અંદર બેસીને સમાધિમાં રહે અને પછી આઠ દહાડે નીકળે. માટી વચ્ચે જગ્યા રાખે, એની મહીં પોતે કહ્યું હોય એવો ખાડો કરાવે ને પછી પોતે મહીં સમાધિમાં બેસે. પણ પેલા ઠાકોરના મનમાં બહુ લાગી ગયેલું કે, ઓહોહો ! આ તો બહુ અજાયબી કહેવાય. એટલે ઠાકોરે કહેલું કે અમે તમને સુખપાલો લઈને, હાથી લઈને તમે બહાર નીકળો ત્યારે સામા તેડવા આવીશું, સામૈયું લઈને આવીશું. એટલે જ્યારે પેલો બહાર નીકળ્યો ત્યારે હાથી ને બધું લાવીને સામૈયું થયું. એટલે પેલાને સંતોષ થઈ ગયો. અને પછી ફરી છ મહિના પછી પાછો ફરી પેઠો. અને તે દહાડે સહજાનંદ સ્વામી ઠાકોરને ત્યાં આવી ચડેલા. ઠાકોર તો સહજાનંદ સ્વામીનેય માને અને પેલાનેય માને. એટલે પછી સહજાનંદ સ્વામી ભેગા થયા એટલે કહે છે, શું છે ઠાકોર ? ત્યારે પેલા કહે છે કે, 'આ પેલા સાધુ, એ તો દુનિયાની અજાયબી છે.' એટલે સહજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ કઈ જાતનું ? પછી સહજાનંદ સ્વામીએ ઠાકોરને એમ કહ્યું કે, 'કયે દહાડે તમારે સામૈયું કરવા જવાનું છે ?' ત્યારે કહે છે, 'આઠ દહાડા પછી સામું જવાનું'. ત્યારે સહજાનંદ સ્વામી કહે છે, 'આપણે નવમે દહાડે જજો.' અને પેલા આઠમે દહાડેની કળ્યાને, તે 'કિધર હે રાજા, હાથી કિધર હૈ, યે કિધર હૈ, સુખપાલ કિધર હૈ ?' આ આશાથી મહીં જીવતો હતો. તે પછી બહાર નીકળીને કિધર હૈ, કિધર હૈ કરતો મરી ગયો. આના આધારે જીવતો હતો, જો આ ભેગું થયું હોત તો જીવત. પણ પેલા શોખે મારી નાખ્યો ! એટલે આ લોકો આવી રીતે 'હું આ કરું છું' આના આધારે ચાલે છે આ બધું. આપને સમજમાં આવ્યું ને ગેડ બધી પડીને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : આ હિન્દુસ્તાનમાં તો બધા બહુ જાતના, કંઈ પાર વગરના બાવાઓ છે. અહંકારને લઈને જીવી રહ્યા છે. અહંકારને નાખી દેવાનો હોયને તો એ મરી જાય. તે અહંકાર તો જીવાડે છે.

પ્રશ્શનકર્તા : યોગી પુરુષનું વર્ણન છે કે સગાંસંબંધીઓ યોગી પુરુષનાં કેવાં છે ? ધૈર્ય એનો પિતા છે, ક્ષમા એની માતા છે, સત્ય એનો દીકરો છે અને શાંતિ એની બેન છે. આ દિશાઓ વસ્ત્ર સમાન છે, ભૂમિ એનો પલંગ છે, શૈયા છે. એટલે આ બધા યોગીનાં સ્વજનો છે. તો એ છતાંય યોગીને ભય કેમ ? એ મારો પ્રશ્શન છે.

દાદાશ્રી : એ યોગી છે પણ જ્ઞાની નથીને ! જ્ઞાનીને આવું તેવું હોય નહીંને ! જ્ઞાનીને બધું સહજ હોય. ઓઢાડો તો ઓઢીનેય બેસે અને સ્ત્રીનાં કપડાં પહેરાવો તો સ્ત્રીનાં કપડાંય પહેરે અને નાગા કરી નાખો તો નાગા ફરે. એટલે યોગીમાં ને જ્ઞાનીમાં તો બહુ જ ફેર હોય. જ્ઞાની નિર્ભય હોય.

પ્રશ્શનકર્તા : એટલે યોગીમાં અહંકાર હોય ?

દાદાશ્રી : અહંકાર વગર તો આ ભૂમિ પર સૂઈ રહે, એવું બધું હોય જ નહીંને ? સહજ વસ્તુ શું છે કે ભૂમિ આવી તો ભૂમિ ઉપર, ગોદડું આવ્યું તો ગોદડા ઉપર. તમે કહો કે, ના દાદા, આ ત્રણ ગોદડામાં તમે સૂઈ જાવ તો અમે ના ન પાડીએ. આ સાપેક્ષ વસ્તુ છે કે મોક્ષે જતાં જતાં આવાં સ્ટેશનો આવે, તેથી કંઈ કાઢી નાખવા જેવું નથી. કારણ કે મૂળ સ્ટેશનને જાણીને આ કાઢી નાખવા જેવું નથી. આ ખોટું નથી પણ એની આગળ તો ઘણું જવાનું છે. આ કંઈ છેલ્લું સ્ટેશન નથી. જેમ કોઇ માને કે સુરત એ મુંબઇ સેન્ટ્રલ છે ને, ત્યાં સુરત ઊભો રહીને વાત કરે, એવી આ વાત છે.

પ્રશ્શનકર્તા : છેલ્લાં સ્ટેશને જતાં જતાં આવાં બધાં સ્ટેશનો આવે ખરાં ?

દાદાશ્રી : જરૂર, સ્ટેશન આવવાં જ જોઈએ. અને કેટલાકને એની પુણ્યૈ હોય તો ના ય આવે. કારણ કે બધે સ્ટેશને ફરી વળેલો છે, એટલે ફરી ફરી ના ય આવે. અને જ્ઞાની પુરુષ મળી આવે તો એમ ને એમ કામ પૂરું થઈ ગયું.

પ્રશ્શનકર્તા : એ યોગીની જેવી શૈયા કીધીને, એવી રીતે એનું ભોજન જે છે તે જ્ઞાન છે, છતાં એ યોગીને ભય કેમ ?

દાદાશ્રી : ભય એટલે, એને નિરંતર ભય રહે. કારણ કે એ સાચું જ્ઞાન નથી, એ અહંકારી જ્ઞાન છે. સાચું જ્ઞાન હોયને તો નિર્ભયતા હોય, આખું બ્રહ્માંડ એક આંગળી પર રાખીને ફરે. એ સાચી નિર્ભયતા કહેવાય ! એ તો સંસારના લોક એ સંતોને, યોગીને 'જ્ઞાની' કહે, પણ આમ જ્ઞાની ના કહેવાયને ! જ્ઞાની તો જુદી જાતના હોય. જ્યાં ક્રોધ-માન-માયા-લોભ ને એ બધી નબળાઈઓ હોય નહીં, અહંકાર પણ ના હોય.

જ્ઞાની, અહંકાર શૂન્ય !

અત્યારે અમારામાં અહંકાર કેટલો હોય ?

પ્રશ્શનકર્તા : શૂન્ય હોય.

દાદાશ્રી : અહંકાર શૂન્યતાએ પહોંચેલો હોય અને બુદ્ધિ ખલાસ થયેલી હોય. અમારામાં એક જરાક જો અહંકાર હોયને તો આમાની કોઈ વસ્તુ દેખાય નહીં, હું જે બોલું છું તે.

એ તો કૃષ્ણ ભગવાનેય કહે છે કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. કારણ કે જ્ઞાની પુરુષ તો, આત્મા બોલે, એવું દુનિયામાં બીજો કોઈ બોલે નહીં. જેને ઇગોઇઝમ ખલાસ થયો હોય એને બોલવાની જરૂરેય શું છે તે ? આ તો તમને સમજાવવા માટે કહીએ છીએ. બાકી અમારે તો ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો હોય. અમે તો (વ્યવહારમાં) લઘુતમ પુરુષ હોઈએ. અમારા કરતા નાનો દુનિયામાં બીજો કોઈ જીવ નથી. અને (નિશ્ચયમાં) ગુરુતમ છીએ અમે. અમારા કરતાં કોઈ ઊંચોય નથી. એવા લઘુતમ-ગુરુતમ પુરુષ કહેવાઇએ, જ્યાં આપણું કામ થઈ જાય.

અત્યારે કલાક બેઠાને તો કેટલાંય પાપ ધોવાઈ જાય, ખાલી બેસવાથી જ, સાંભળવાથી જ, આ શબ્દ કાનમાં પેસી જાયને તોય કેટલાંય પાપ ધોવાઈ જાય. જ્ઞાની પુરુષના તો હાથ અડે તોય પાપ ધોવાઈ જાય. અમને ગાળ દો, મારો તોય કશું વાંધો નહીં ને તમને પડવા ના દઈએ પાછા. અમે જાણીએ કે બિચારાનું એનું શું ગજું ? આ એની સમજણ નથી ત્યારે તો આવું કરે. કોઈ સમજણવાળો આવી જવાબદારી ખેડે જ નહીંને ? અને એ ખેડે તો અણસમજણવાળો છે.

પ્રશ્શનકર્તા : કેટલાકને 'દાદા ભગવાન' શબ્દ નડે છે.

દાદાશ્રી : હું તો લગ્નમાં જઉં છું ને, ત્યાં ફટોફટ દર્શન કરવા આવે છે લોકો. મોઢું જોતાં જ કે આ મહીં એવો કંઈ ભગવાન જેવો અહંકાર નથી. મોઢા પર અહંકાર દેખાતો નથી. એટલે આવી આવીને પગે લાગી જાય છે, નાનાં-મોટાં બધાંય ! કારણ કે મોઢું જુએ, હાસ્ય જુએ, એ બધું જુએ, એમાં અહંકાર ના દેખાય.

અહંકાર, યોગીઓમાંય !

આ જગતનો નિયમ એવો છે કે આ પૂર્વ દિશા તરફ જુઓ એટલે પશ્ચિમ દિશા બંધ થઈ જાય. તેમ સંતો એટલે જે સારા માણસો છે, તેના બધાનાં નામ સંભારો, તે વખતે તમારાં તો દુઃખ ઓછાં થાય. અને કુસંગને સંભારે તે દુઃખ તમારાં હાજર થઈ જાય ! આ કાયદો જ છે, લૉ ! સત્સંગીઓને સંભારો એટલે સુખ થાય. એટલે સારા સંગવાળા હોય અને તેમાંય વળી પાછા એ તો મોટા કહેવાય. પાછા સત્સંગીઓમાંય સંતો અને સત્ પુરુષોને સંભારો, અને જ્ઞાની પુરુષને સંભારો તો તો વાત જુદીને ! જ્ઞાની પુરુષનો ધંધો શો કે બધાને કેમ સુખ આપવું, એ જ ધંધો એમનો. કોઈ એમને દુઃખ આપી જાય તો એ લઈ લે અને તે દુઃખ આપનારને આશીર્વાદ આપીને, કે તું જીવજે અને સદ્રસ્તે જજે. અને મને ભેગો થયો ને જો કદી એ દુઃખી થયો તો પછી મારી જ ભૂલ છે. પછી ગમે તેવો નાલાયક છે, તે એની નાલાયકી કે લાયકી અમારે જોવાની નથી. અત્યાર સુધી મને ભેગો થયો તે કોઈ દુઃખી થયો નથી. આખી લાઇફમાં (જિંદગીમાં) ક્યાં સુધી મને અહંકાર હતો ? જ્યાં સુધી જ્ઞાન ન હતું, ત્યાં સુધી મને અહંકાર હતો કે મને ભેગો થયો માટે એ કંઈક પણ સુખી થવો જોઈએ.

પ્રશ્શનકર્તા : અત્યારે આપ જે વાત કરો છો તે કોઈ સાંભળે તો એને એમ જ લાગે કે આપ અહંકારથી વાત કરો છો.

દાદાશ્રી : હા, એને એવું જ લાગેને, કારણ કે વ્યવહારની વાત કરું છું. એને તો એવું જ લાગેને આ જુદાઈની વાત છે. મને અને તમને, એવી જુદાઈની વાત કરે છે. પણ મારામાં તે અહંકાર હોય જ નહીંને ! પણ સામાને લાગે, કારણ કે વાક્યો ઉપરથી, વાણી ઉપરથી, ભેદબુદ્ધિની વાણી ઉત્પન્ન થાય. ઇગોઇઝમ હોય ત્યાં જ્ઞાન ના હોય. જેટલો ઇગોઇઝમ પાતળો પડયો, એટલું જ જ્ઞાન પેણે પ્રકાશ પામે. બિલકુલ ઇગોઇઝમ ખલાસ થયો તો ત્યાં આગળ પ્યૉર (શુદ્ધ) દેખાય.

આ તો અજ્ઞાન દશાની વાત કરું છું. તે દહાડે દુકાનમાં ગયો હોઉં, ધોતિયાનો જોટો ખરીદવા, ત્યારે હું સમજું કે ધોતિયાના અઢાર દુ છત્રીસ થાય, એને બદલે ચાલીસ લઈ ગયો. પણ એને મનમાં સંતોષ થાયને ! પાછો વળ્યો હોત તો એને મનમાં થાત કે 'આવ્યા પણ કશું ચાર આનાય મળ્યા નહિ. એક આનાની ચા નકામી ગઈ ?' એટલે એને મનમાં હું ખરાબ ના દેખાડું. કદર કરું કપડાંની. પણ એને સંતોષ થવો જોઈએ. હું મળ્યો ને એનું દુઃખ રહ્યું તો તો હું મળ્યો એનો અર્થ શો ? આવો મને ઇગોઇઝમ હતો.

પ્રશ્શનકર્તા : પછી ઇગોઇઝમ ક્યાં ગયો ?

દાદાશ્રી : પછી ઇગોઇઝમ જતો રહ્યો, અમને જ્ઞાન થયું પછી બધો ઇગોઇઝમ જતો રહ્યો. એ જોયો જ નથી તમે. જોયો હોત તો ભડકી મરો. ક્યાંય જતો રહ્યો, ખબરેય ના પડી.

જ્ઞાનમાં શું થાય ?

પ્રશ્શનકર્તા : આપને જ્ઞાન થયું એટલે શું થાય ?

દાદાશ્રી : કશું નહીં. આ બધો અહંકાર-બહંકાર બધો ઓગળી ગયો. આ કિનારેથી પેલે કિનારે હું પહોંચી ગયો એવું લાગ્યું. આ અજ્ઞાનતાના કિનારેથી જ્ઞાનના કિનારે હું પહોંચી ગયો એવું લાગ્યું. અને તે એની હવા જે આવે તે !

પ્રશ્શનકર્તા : ના, એટલે લાઈટના ચમકારા દેખાયા ? એવું બધું કંઈ થયું'તું એમ ? જ્ઞાન થયું એટલે શું અનુભવ થયો ?

દાદાશ્રી : અહંકાર જતો રહ્યોને ! આપણે ખોળીએ તોય એ જડે નહીં, અને જગતના બધા ફોડ પડી ગયા. પઝલ જ ના રહ્યું કોઈ જાતનું. 'ઈશ્વર કોણ ? કેવી રીતે ચાલે છે ? કર્મ શી રીતે થાય ? દેવગતિ શું છે ?' વીધ ઈન વન અવર મને દેખાયું ! મને ચેન્જ થયું એટલે ના સમજી જઉં કે મારું હારું આવડું મોટું ચેન્જ ! અને એ જે સુખ એક વખત ચાખ્યુંને, એ ફરી ત્યાર પછી ક્યારેય ના જાય !

અજ્ઞાન દશામાં 'અમારો' અહંકાર !

મને અહંકાર ભારે હતો. લોભ મારામાં નામેય નહીં, એટલે બીજા લોકોને હું હેલ્પ કર્યા કરંુ. અને હેલ્પ કરવાથી લોકો મને માન આપે. અને માનથી હું પાછો પુષ્ટ થયા કરું. તે એટલે સુધી પુષ્ટ થયું કે લોક અંબાલાલભાઈ કહેતા કહેતા ભૂલથી છ અક્ષરને બદલે ચાર બોલી જાય, અંબાલાલભાઈના બદલે અંબાલાલ બોલ્યો હોય અને મારા સાંભળવામાં અંબાલાલ આવે તો મને આખી રાત ઊંઘ ના આવે. તેમાં મારો દોષ કે એનો દોષ ? ફક્ત અહંકાર કે 'હું કંઈક છું,' એટલું જ રહેતું હતું. બાકી, લોભ નહીં કે પૈસા કશું જોઈએ નહીં.

પ્રશ્શનકર્તા : આપનામાં જે જન્મથી જ મમતાપણું નથી તો આગળ પૂર્વભવે શું કરેલું હોય તો આ દશા આવે ?

દાદાશ્રી : અહંકારના 'બેઝમેન્ટ' ઉપર પડી રહેલા. મમતાની કંઈ પડેલી નહીં. અહંકારના રોફમાં જ ફર્યા કરે. માન-તાનમાં જ પડી રહે.

અમારો તો સરસ ગુણ હતો કે અહંકારી ! માન આપે કે ખુશ. બીજું કશું જોઈએ નહીં, કોઈ ચીજ જોઈએ નહીં. ભૂખ્યા બેસાડી રાખો તો બેસી રહીએ પણ તમે આ 'આવો, બેસો, કેમ છો, તેમ છો ?' માન આપો તો બેસી રહીએ, એ જ રોગ ! પણ એ રોગ સરળ રોગ કહેવાય. એ રોગ તો નીકળી જાય બધો !

ન ગાંઠ્યા કોઈ ગુરુને !

બારમે વર્ષે કંઠી તૂટી ગઈ. એક મહારાજ પાસે કંઠી બંધાવેલી. તે મેં જોયેલું, એ પિચકારીઓ મારતા. એમના તાલ બધા જોયેલા. એ બારમે વર્ષે મારી બુદ્ધિ એવી કે આ શું છે ? એ જોયેલું બધું. અને પાછું ટાઢું પાણી રેડી દે આપણી ઉપર, ફરી કંઠી બંધાવા સારું. મેલને મૂઆ, તારી કંઠીને મારે શું કરવી છે ? એ જ મહારાજ પછી મારે અહીંયાં ફોલોઅર્સ (અનુયાયી) થયા.

ક્યાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, એકડિયાના માસ્તરો ! હું કંઈ ગાંઠું એવો માણસ નહીંને ! મમતા હોય તે ગાંઠે, સ્વાર્થવાળો ગાંઠે. જેને મમતા જ નથી, તે શેને માટે ગાંઠે ? મારે બિલકુલેય સ્વાર્થ નહીં ને મમતાય નહીં, અહંકાર એકલો જ. પાછો ગાંડો અહંકાર. એય પાછો ડાહ્યો હોય તો બહુ સારું કહેવાય. એ પૈણાવા જેવો હોય. આ તો પૈણાવાયેય નહીં એવો ગાંડો અહંકાર.

વડોદરે અમારા ઘર આગળ રોજ ચાર ગાડીઓ પડી રહે. કારણ કે 'ફ્રી ઑફ કોસ્ટ' (વિના મૂલ્યે) સલાહ આપીએ. બધા ગૂંચાયેલા લોક રોજ આવે, પહેલેથી. તે મારા મનમાં શુંનું શુંય લાગે ! હું ભાડાના ઘરમાં રહું અને બંગલાવાળા અહીં આગળ બેસી રહ્યા હોય. ચા મારા ઘરની પીએ. એની પાસે લેવાનું નહીં કશુંય.

પ્રશ્શનકર્તા : આ અહંકાર છોડી દેવાનું મન ક્યારથી થયું ? એ ગાંડો અહંકાર તમે ક્યારથી છોડી દીધો ?

દાદાશ્રી : એ છોડ્યો છૂટે નહીં. અહંકાર છૂટતો હશે ? એ તો આ સુરતના સ્ટેશને જ્ઞાન પ્રગટ થઈ ગયું, તે એની મેળે છૂટી ગયો. બાકી છોડ્યો છૂટે નહીં. છોડનાર કોણ ? જ્યાં અહંકારનું જ રાજ, એમાં છોડનાર કોણ ? આખો રાજા જ અહંકાર, એને છોડે કોણ ?

પ્રશ્શનકર્તા : જ્ઞાન અહંકારને છોડે ?

દાદાશ્રી : શી રીતે છૂટે, બળ્યું ? એક બાજુ અહંકાર એનો ક્લેઇમ કર્યા કરતો હોય. જ્ઞાન તો ઘણું છોડવા માથાકૂટ કર્યા કરે પણ દહાડો વળે નહીંને ! એ તો જ્ઞાન ટોપમાં ગયેલું હોય તોય અહંકાર ના છૂટે. અહંકાર તો જ્ઞાની પુરુષ એકલા જ છોડી આપે. જે નિર્અહંકારી છે તે જ છોડાવી આપે. અહંકાર ઓગળ્યો એ થયો સાચો. બાકી અહંકાર એટલે દારૂ. દારૂના ઘેનમાં પડી રહેવું એનું નામ અહંકાર. દારૂનો ઘેન ચઢેલો હોય ત્યાં સુધી અહંકાર કહેવાય.

પ્રશ્શનકર્તા : ઉપરીને ના માનવું, એ અહંકારની નિશાની ?

દાદાશ્રી : હા, પણ અહંકાર જ હતોને કે, આવું મારે ના જોઈએ.

પ્રશ્શનકર્તા : પણ એ વ્યાજબી છે ?

દાદાશ્રી : મને વ્યાજબી થઈ પડ્યું. આવું લોકોએ કહેલું ગાંડુંઘેલું માન્યું જ નહીં. બધું હમ્બગ લાગેલું. કારણ કે પેલો ઇગોઇઝમ મહીં સળવળાટ કરતો હતો. તે જ્ઞાન આવ્યું ત્યાં આગળ તો ઇગોઇઝમ છૂટો પડી ગયો. બે ભાગ પડી ગયા. જીવ જીવમાં બેસી ગયો, અજીવ અજીવમાં રહ્યો. અને બે ભેગા હતા ત્યાં સુધી તો બહુ જોરદાર હતા.

ન ધર્યો હાથ કદી કોઈ કને !

અમારે કંપની મોટી, ઓફિસ મોટી, જરૂરિયાતના પૈસા તો ગજવામાં ઘાલી દેતા'તા ને, તે માગવાની ટેવ નહીં. ઉધાર લઉં નહીં કોઈ જગ્યાએ. ઉધાર લેવાની ટેવ નહોતી. આ તો જ્ઞાન થયા પછી થોડી થોડી ટેવ કેળવી છે હવે. એય અહંકાર હતોને એક જાતનો.

પ્રશ્શનકર્તા : એ એક પ્રકારનો અહંકાર હતો તે વખતે ?

દાદાશ્રી : બહુ મોટો અહંકાર, જબરજસ્ત અહંકાર. અહંકાર તો એટલે સુધી કે આ હાથ લોકોની પાસે ધરવા માટે નથી.

પ્રશ્શનકર્તા : એ અહંકાર તો જીવનની અંદર બહુ ઊંચા પ્રકારનો અહંકાર કહેવાયને ?

દાદાશ્રી : બહુ ઊંચો અહંકાર કહેવાય. હાથ જ ધરવાનો નહીં. તે દહાડે એટલો બધો અહંકાર રહે. આ બે હાથવાળા માણસને વળી હાથ શો ધરવો ? હાથ ધરવાનો હોય તો પેલા હજાર હાથવાળા પાસે જ ના ધરીએ ? હજાર હાથવાળા પાસે ધરવાનો. પણ તે એની પાસેય આપણે દબાયેલા શા માટે રહેવાનું ? આપણને કંઇ જોઈતું હોય તો એની પાસે જઈએ, પણ જેને કશું જોઇતું જ નથી તો એના શું કરવા દબાયેલા રહીએ આપણે ? આપણે એની પાસેય ના જઈએ. કાયદો સમજી ગયેલો કે આપણો જ હિસાબ છે. એટલે બીજી બધી ભાંજગડોમાં ઉતરેલો નહીં.

હાથ ધરવો નહીં એ તો બહુ મોટો અહંકાર. મિત્રોને કહી દીધેલું કે આ હાથ માગવા માટે નથી. એટલે તમે નીડર રહેજો. ત્યારે બીજું શું થઈ જવાનું છે ? કર્મના ઉદય તો હોયને, બળ્યા. સાંધો તો મળી આવે કે ના મળી આવે ? બહુ દહાડા અડચણ પડી'તીને. આવો સ્વભાવ તે બહુ અડચણ પડેલી.

કોઈને ત્યાં મેં થાપણ મૂકી હોયને, તે મારે અડચણ હોય તો હું જરા અડચણ વેઠી લઉં પણ થાપણ લેવા ના જઉં. એ આજે કંઈ મુશ્કેલીમાં હોય તો ? હું શું કરું ? માંગું તો એમને ચિંતા થાયને, એટલે હું ના માગું. એમને મુશ્કેલી હોય તો શું થાય ? એટલે તે આધારે લેવા ના જઉં. એની મેળે આપે છે કે નહીં, તે જોઉં. ના આપે તો કંઇ નહીં. એટલે આવું બધું હતું. આ મર્સી (દયા) પેસી ગયેલી ત્યાં. એટલે ત્યાં લાગણી રહે. દયા નહીં પણ લાગણી. એમાં અહંકાર નહીં. લાગણી અને દયામાં બહુ ફેર. લાગણી એટલી બધી થઈ કે માંગીએ તો દુઃખ થાયને બિચારાને ! થાપણ મૂકેલી હોય તોય પાછી લેવામાં એને દુઃખ થાય એટલે પાછી નથી લીધી ! એવું દુઃખેય નથી કરેલું.

પ્રશ્શનકર્તા : એટલે દાદા, જ્ઞાન નહોતું થયું છતાં સુપર હ્યુમન (અતિ માનવ) ક્વૉલીટી (ગુણ) હતી તમારી.

દાદાશ્રી : તે મારા બધા ફ્રેન્ડ મને સુપર હ્યુમન કહેતા હતા, આખુંય ફ્રેન્ડસર્કલ ! અને આગળના બધા હિસાબેય લોકો સુપર હ્યુમન કહે. અહંકાર ભારે પણ સદુપયોગી.

પ્રશ્શનકર્તા : જેને જ્ઞાન ન થયું હોય તેને સારું કામ કરવા માટે આવો અહંકાર જોઈએને ?

દાદાશ્રી : એ, હોય જ રહે જ. રહેવાનો જ. 'આ' ગુફામાં ના રહેતો હોય તો 'આ' ગુફામાં રહે છે એ નક્કી. અહંકાર ભારે અને તેય પાછો ગાંડાં કાઢે એવોય અહંકાર. સારોય ખરો ને ગાંડાં કાઢે એવોય ખરો, પણ મઝા ન હતી એમાં. શાંતિ કોઈ દહાડો ન હતી.

આ તો બહુ સારું થયું, આ જ્ઞાન જડી આવ્યું ! હું લાગણીવશ બહુ થઈ જાઉં, કોઈનેય દુઃખ થયું હોય તો સહન ના થાય.

અહંકાર એક જાતનો, બીજું શું ? પણ સાત્ત્વિકતાવાળો. આ બધા લોકો કરતાં હું એકલો જ છું એ ગાંડો અહંકાર. એ ગાંડો (મેડ) જ કહેવાયને ? એવો અહંકાર શેમાં ? બીજું કશું આવડે નહીં અને બોજો પાર વગરનો, હું કંઈક છું, કશુંય નહીં, હાથમાંય કશું નહીં ને ખાતેય કશું નહીં. મને અજાયબી લાગે છે ! નાનપણથી જ હતું અને હતું તે જતું રહેલું હતું. તે વખતે વટમાં, જેમ ખોટ વધતી ગઈ તેમ અહંકાર વધતો ગયેલો કે અમે આવા ને અમે તેવા ! વીંટેલું કશું નહીં પણ દ્ષ્ટિ એવી વીંટવાની જગ્યાએ કોમળ ને બહુ સારી. એટલે બાબો, બેબી મરી ગયાં તોયે પછી ઊલટા પેંડા ખવડાવ્યા એવી દ્ષ્ટિ. એટલે વીંટવાનું જ ક્યાં રહ્યું ? દ્ષ્ટિ સારી અને બાના સંસ્કાર બહુ હાઈ (ઊંચા) ! હાઈ લેવલ સંસ્કાર !! એવી સંસ્કારી સ્ત્રી મારા જોવામાં નથી આવી ! અમારી પોળમાંથી બા નીકળે તો દરેક ઘરવાળા ઘરમાંથી બહાર નીકળીને તરત 'બા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ' કરે ! હું જોડે હોઉં તો ના સમજી શકું ?

અને મૂળ તો બધા સંજોગ મારા લઈને આવેલો. પણ આ સંજોગોનો નિયમ એવો છે કે બધા જે પોતાના સંજોગો હોયને એવા સંજોગોથી બધું વાતાવરણ ભેગું થઈ જાય.

અપ્રતિબદ્ધપણે વિચરે જ્ઞાની !

અમે ચા પીતા હતા. તે ૫૫ વર્ષથી ચા પીતા'તા. આજે બોંતેર વર્ષ થયા. અમને પોતાનેય એમ લાગે કે આ ના હોવું ઘટે. તો શાથી રહ્યું હશે એ ? શા આધારે રહ્યું હશે અમને ? એ આપને સમજાય ? અત્યારે જો કે મને કોઈ વ્યસન નથી, બે વર્ષ ઉપર જતી રહી. પણ શા આધારે અત્યાર સુધી રહ્યું એ ? એ આપને સમજાય છે ?

વ્યસનને શું કહેવાય ? પ્રતિબદ્ધતા કહેવાય. અને જ્ઞાની પુરુષ કોને કહેવાય કે જેને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અપ્રતિબદ્ધપણું હોય ત્યારે એને જ્ઞાની પુરુષ કહેવાય. તે અમુક ટાઈમ થાય એટલે હું ચા માંગું. એટલે પ્રતિબદ્ધ ખરુંને !

એટલે એ છૂટી ગઈ. જ્ઞાની થયો એટલે નિર્અહંકારી થયો. એટલે અમારાથી છોડાય નહીં. સંત પુરુષ છોડી શકે. એ અહંકારી હોય. અને જ્ઞાની, અમે નિર્અહંકારી હોઈએ. એટલે તેથી કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે નહીં. પછી જે રહી ગયું એ રહી ગયું. પછી ફેરફાર થાય નહીં. એનું શું કારણ ? કે ફરી અહંકાર ઊભો કરવો પડે પાછો. ગયેલો અહંકાર ફરી ઊભો કરવો પડે. એટલે અમારે શું કરવું પડે ? એની મેળે ખરી પડે ત્યાં સુધી જોયા કરવું પડે. આ ખરી પડે એ વાત તમને સમજાય ખરી ? એની મેળે ખરી પડતું જાય, દા'ડે દા'ડે. ત્યાગ એ અહંકારનો ગુણ છે. અહંકાર હોય તો જ ત્યાગ થઈ શકે. નહીં તો ત્યાગ થઈ શકે નહીં. એટલે ખરી પડે.

તે ચા મારી ખરી પડી. ચા જોડે ૫૫ વર્ષની ઓળખાણ હતી, ફ્રેન્ડશીપ હતી. વચ્ચે તો રોજના ૧૮-૧૮ કપ ચા પીતો હતો, કંટ્રાક્ટનો ધંધો કરું એટલે ! એ એની મેળે જ અલોપ થઈ ગઈ ! ત્યારે મેં એને કહ્યું, 'બેન, આ ૫૫ વર્ષની ભઈબંધી, મને કહીને તો જવું હતું. આમને આમ તું જતી રહી ? કેટલું ખરાબ લાગે આપણને ? તે કહેવા તો રહેવું હતું !' કહેવાય ના રહી ને ખરી પડી ! છેલ્લી ચા પીધી પછી મને એ યાદ નથી આવી ! એનું નામ ખરી પડી કહેવાય. છોડવું ન હતું ને છૂટી, એની મેળે જ છૂટી જાય, સહજ છૂટી જાય બધું.

એક કલાકમાં જે જ્ઞાની પુરુષ મોક્ષ આપે. કલાકની અંદર જ, વધારે નહીં, સવા કલાકેય નહીં, અને તે કેટલા માણસને આપે ? આટલા બધા માણસો જે મોક્ષ પામ્યા છે, છતાં આવું ચા પીવે તો આ આશ્ચર્ય તો કોને કહેવું ? અને પોતાને મનમાં એમ થાય કે આ ના હોવું જોઈએ. આ શોભે નહીં.

હવે અમને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું કોઈ બંધન રહ્યું નથી. બુદ્ધિ જતી રહી. હવે છે કશી મિલકત અમારી પાસે ? આ દેહના માલિક અમે નથી, આ વાણીના માલિક નથી અને આ મનના માલિક નથી. આ માલિકીપણું બધું ઊડી ગયું છે. છતાંય ચાર ડિગ્રી પાછું અંબાલાલ થવું પડે છે, તે પણ નિર્જીવ અહંકાર.

જ્ઞાની પુરુષ અને બાળક, બે સરખા કહેવાય છે. ફક્ત ભેદ કયો છે, બાળકને ઊગતો સૂર્ય છે અને જ્ઞાની પુરુષને આથમતો સૂર્ય છે. પેલાને અહંકાર છે પણ એમને અહંકાર જાગૃત થવાનો બાકી છે અને આમને અહંકાર શૂન્ય છે.

(૭)

વિજ્ઞાન, અહંકારના જન્મનું !

આવાગમન કોને ?

પ્રશ્શનકર્તા : ખરેખર આવાગમન આત્માને છે કે દેહને છે ?

દાદાશ્રી : જે અહંકાર છે તેને જ આવાગમન છે, એ આત્માને નથી. આ દેહ છે એ એનું બધું સાધન લઈને આવે છે પણ મૂળ આવાગમન કોણ કરે છે ? અહંકાર. જેનો અહંકાર ખલાસ થઈ ગયો, તેનું આવાગમન બંધ થઈ ગયું.

એક માજીએ પૂછ્યું કે 'ગીતામાં એમ કહ્યું છે કે, આત્મા ચોખ્ખો છે, તો બંધાયેલું કોણ છે ?' મેં કહ્યું, 'જેને દુઃખ પડે છે તે બંધાયેલો છે. આત્માને દુઃખ પડતું નથી. એ બંધાયેલો નથી.' એ કહે છે, 'બે છે ?' મેં કહ્યું, 'બે નથી. જેમ અરીસા આગળ બે હોય છે ? એકનો એક જ હોય છે. પણ આ અરીસા ઉપર ચકલી બેસે છે તો ચકલી કોને ચાંચ મારે છે ? હવે પેલી અંદરવાળીને ચાંચ વાગ વાગ થતી હશે ?' એ ફરી પાછી આવી જાય. શું ખોળો છો, બેન ? નથી ધણી, નથી સાળી, નથી સાળો, શું ખોળો છો ? પણ બિચારીને ભ્રાંતિ થઇ ગઈ છે કે આ કોણ છે ? એવી આ લોકોને આંટી પડી ગઈ છે.

પ્રશ્શનકર્તા : તો આત્માને મોક્ષ આપવાનો છે ?

દાદાશ્રી : આત્મા મોક્ષમાં જ છે. એને દુઃખ જ નથીને ! જેને દુઃખ હોય તેને મોક્ષ કરવાનો. આત્મા બંધાયેલોય નથી. અજ્ઞાનથી માને છે કે બંધાયેલો છું અને એનું જ્ઞાન થાય એટલે મુક્ત થયો. ખરી રીતે બંધાયેલોય નથી, એ માની બેઠો છે. લોકોય માની બેઠા છે, એવું એય માની બેઠો છે.

પ્રશ્શનકર્તા : સાધારણ રીતે સામાન્ય માણસોને એ સમજવું જરા મુશ્કેલ પડે છે.

દાદાશ્રી : તેથી તો આ અંતરાયું છેને ! તેથી જ આ બધા, એકુયને સમકિત થતું નથી એનું કારણ જ એ છે ને. તેથી કહ્યુંને, આત્મજ્ઞાન જાણો. આત્મા શું છે, એને જાણો. આત્મજ્ઞાન જાણો નહીં ત્યાં સુધી છૂટાશે નહીં !

ક્યાંથી ને કોને આવ્યો અહંકાર ?

પ્રશ્શનકર્તા : અહંકાર શું છે ? ક્યાંથી આવ્યો ને કોને આવ્યો ?

દાદાશ્રી : એ વિનાશી ચીજ છે. ક્યાંયથી આવવાનો નહીં. એ ઊભો થઈ જાય છે ને નાશ થાય છે. પછી ડૉક્ટરને કહે છે કે, 'સાહેબ હું મરી જઈશ, મને બચાવજો.' આ જે ભોગવે છેને તે અહંકાર છે.

પ્રશ્શનકર્તા : અહંકાર કોને આવ્યો ?

દાદાશ્રી : જે અણસમજણ છે તેને. અજ્ઞાનને અહંકાર આવ્યો.

પ્રશ્શનકર્તા : જ્ઞાન તો હતું, તે ભૂલાઈ કેમ ગયું ?

દાદાશ્રી : જ્ઞાનમાં આવરણ આવેલું છે.

પ્રશ્શનકર્તા : આપણે મહાવીર ભગવાનના વખતમાંય હતા ?

દાદાશ્રી : હા, હતા.

પ્રશ્શનકર્તા : તો એ જ્ઞાન બધું કેમ ચાલ્યું ગયું ?

દાદાશ્રી : જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી આવરણ આવ્યા કરે. અહંકાર ખલાસ થઈ જાય પછી આવરણ ચઢે નહીં.

પ્રશ્શનકર્તા : મહાવીર ભગવાનની પાસે હતા, ત્યારે તો અહંકાર નહોતોને ?

દાદાશ્રી : અહંકાર ન હોત તો તો તે દહાડે કેવળજ્ઞાન થઈ જાત ! પણ અહંકાર વગર તો રહ્યો જ નથી આ જીવ. અને ભેદબુદ્ધિ વગર રહ્યો નથી, હું જુદો ને આ જુદું.

પ્રશ્શનકર્તા : અજ્ઞાન કોનું ?

દાદાશ્રી : બે વસ્તુ છે, અજ્ઞાન અને જ્ઞાન. જ્ઞાન એટલે આત્મા અને અજ્ઞાન એટલે અનાત્મા. તે અજ્ઞાનને અહંકાર આવ્યો. તેનું આ બધું ઊભું થઈ ગયું. તે રાત દહાડો ચિંતા-ઉપાધિઓ, એય સંસારમાં ના ગમે તોય પડી રહેવું પડેને ? ક્યાં જાય તે ? ક્યાં જવાય ? ત્યાં ને ત્યાં જ. એટલે અહીં ખાટલામાં સૂઈ રહેવાનુંને, ઊંઘ ના આવે તોય ?

પ્રશ્શનકર્તા : અહંકારની શરૂઆત, અહંકાર ક્યાંથી ઉત્પન્ન થયો ?

દાદાશ્રી : એ અહંકાર, એ જ અજ્ઞાનને ! અજ્ઞાન હતુંને, તેનો અહંકાર થઈ ગયો. એવું છે, એ અજ્ઞાન અને જ્ઞાન બે જુદી વસ્તુ છે.

પ્રશ્શનકર્તા : એ બધા રૂટ કોઝમાં સંસ્કારોનો પૂંજ પડ્યો છે, કેટલાય અવતારોનો ?

દાદાશ્રી : મૂળ અજ્ઞાનતા છે. પોતાને પોતાની અજ્ઞાનતા છે. એ રૂટ કોઝથી આ બધું ઊભું થયું છે. જો એ અજ્ઞાનતા પોતે સજ્ઞાનતામાં આવી જાય, તો આ બધું વિલય થઈ જાય છે. અજ્ઞાનતા આનું કારણ છે. અજ્ઞાનતાને લઈને અહંકાર ઊભો થયો.

પ્રશ્શનકર્તા : જ્ઞાન જાણીએ એટલે છૂટો થાય, જ્ઞાન ન જાણીએ એટલે ભેગું રહે ?

દાદાશ્રી : ના જાણે ત્યાં સુધી જ આ બધી પંચાત છે. અજ્ઞાનતાથી જ આ દેખાય છે બધું. જ્ઞાન થાય તો કશું જ નથી આવું તેવું.

પ્રશ્શનકર્તા : કલ્પના કોણે કરી ?

દાદાશ્રી : કલ્પના અહંકારે કરી. અહંકાર ઊભો થઈ ગયો. 'હું છું', 'હું કંઈક છું.'

પ્રશ્શનકર્તા : પુદ્ગલ જે કરે, એનું આત્માને કેમ ભોગવવું પડે, આ પાતાળમાં જઈને ?

દાદાશ્રી : આત્માની સહમતિથી કરે છેને !

પ્રશ્શનકર્તા : (વ્યવહાર) આત્મા તો અકર્તા છેને ?

દાદાશ્રી : અહંકાર કર્તા છેને ? અને એ અહંકાર પાછો 'હું છું' એમ માને. એટલે તેનો જવાબદાર થઈ ગયો.

પ્રશ્શનકર્તા : અહંકાર એ પુદ્ગલમાં ગણાયને ? આત્માને તો અહંકાર હોય જ નહીંને ?

દાદાશ્રી : પણ અહંકાર 'હું છું' એમ માને એટલે મિશ્રચેતન થયું.

પ્રશ્શનકર્તા : આત્માને જે બિલકુલ અક્રિય કહ્યો છે એ બહુ સ્પષ્ટ થતું નથી.

દાદાશ્રી : એ અક્રિય જ છે, કાયમનો અક્રિય છે. એ જ્યારે અક્રિય દેખાશેને ત્યારે ભગવાન થયો હશે. અક્રિય શબ્દ તમને શ્રદ્ધામાં હોય, એ તો પ્રતીતિ કહેવાય. પણ જ્યારે અક્રિય દેખાશે ત્યારે તમે ભગવાન થઈ ગયા હશો. અક્રિય શ્રદ્ધામાં છે કે નહીં ?

પ્રશ્શનકર્તા : હા છે, પણ એ જરા સ્પષ્ટ કરવાની ઇચ્છા છે.

દાદાશ્રી : અરે, એ સ્થૂળ નથી. સ્થૂળમાં તો ક્રિયા હોય હંમેશાં, એ તો બહુ સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ છે એ વસ્તુ. તમે તમારી ભાષામાં લઈ જાવ છો ક્રિયા કરવાનું, એટલે આ પેલા કુંભાર ચાક ચલાવે એવી રીતે.

પ્રશ્શનકર્તા : સ્થૂળ ક્રિયાઓ છે, તે કોને આધારે છે ?

દાદાશ્રી : આ અહંકારને આધારે.

પ્રશ્શનકર્તા : અહંકાર કોના આધારે ?

દાદાશ્રી : અહંકાર પોતાની અજ્ઞાનતાના આધારે. અજ્ઞાન રૂટ કૉઝ છે. એ ગયું એટલે અહંકાર જાય. અહંકાર જાય એટલે બધું જાય.

પ્રશ્શનકર્તા : અને અજ્ઞાનનું પ્રેરણાબળ કોણ ?

દાદાશ્રી : બીજું કોઈ નથી, સંયોગો જ છે.

પ્રશ્શનકર્તા : અને જ્ઞાનનું પ્રેરણાબળ કોણ છે ?

દાદાશ્રી : એવું કોઈ પ્રેરણાબળ છે જ નહીં આ જગતમાં. બધું સંયોગિક થાય છે. સંયોગોથી અજ્ઞાન ઊભું થાય છે, સંયોગોથી જ્ઞાન થાય છે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ.

પ્રશ્શનકર્તા : શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માને સક્રિય-અક્રિય કહ્યો છે એ કેવી રીતે ?

દાદાશ્રી : એ તો બરોબર છે, એ તમને સમજાવા માટે કહ્યું છે કે, ભઈ તમે જ્યાં સુધી ઇગોઇઝમવાળા છો ત્યાં સુધી સક્રિય છે અને જ્યારે જ્ઞાનવાળા છો તો અક્રિય છે. સક્રિય એટલે વ્યવહારથી કહે છે.

આપણી ગાડી જતી હોય ને કો'ક માણસ અથડાયો. એટલે પેલો પોલીસવાળો બધાને કહેશે કે, 'ભઈ, ચાલો.' તે ઘડીએ હું કહું કે 'ના, હું તો જ્ઞાની છું.' એ ના ચાલે. 'હું એ. એમ. પટેલ છું', એવું કહેવું પડે. આનું નામ વ્યવહારથી ક્રિયા. અને આ ક્રિયામાં અમે જોખમદાર છીએ એમેય કહેવું પડે. અને ખરેખર જાણીએ કે કોણે કર્યું છે.

અહંકારે પૂરી પ્રતિષ્ઠા !

પ્રશ્શનકર્તા : અહંકારની જ આ અથડામણ છે એ બરોબર, પણ પહેલાં તો આપણે સ્વભાવે શુદ્ધ જ હોઈશુંને ?

દાદાશ્રી : અત્યારેય શુદ્ધ જ છે.

પ્રશ્શનકર્તા : શુદ્ધ જ છે, તો આ પ્રતિષ્ઠિત આત્મા આખો ક્યારથી ઊભો થયો ?

દાદાશ્રી : અજ્ઞાનતાથી. આ જાણ્યા પછી ફરી પાછું અજ્ઞાન પેસી જાય, તો નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય. અજ્ઞાનતા એ જ ઇગોઈઝમ.

પ્રશ્શનકર્તા : પ્રતિષ્ઠિત આત્મા કયો ? એ પ્રતિષ્ઠિત કોણ કરે છે ?

દાદાશ્રી : અહંકાર. એનો એ જ પ્રતિષ્ઠિત, બીજો પ્રતિષ્ઠિત ઊભો કરે છે. આ હું છું ને મેં કર્યું, એટલે ફરી પ્રતિષ્ઠા થઈ, બસ ! 'હું કરું ને મેં કર્યું, હું કરું છું ને મેં કર્યું, આ મારું' એ નવી આવતા ભવની પ્રતિષ્ઠા. જૂની પ્રતિષ્ઠા ઉકલે છે અને નવી પ્રતિષ્ઠા ઉત્પન્ન કરે છે.

પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે અહંકાર પ્રતિષ્ઠા કરીને પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે, તે બે વાર 'આત્મા' શબ્દ વાપર્યો. એ ફરી સમજાવો.

દાદાશ્રી : એક મૂળ આત્મા છે અને આ અહંકાર છે તે પ્રતિષ્ઠિત આત્મા છે, પહેલાંનો. આ ફરી છે તે પ્રતિષ્ઠા કરે છે. 'હું કરું છું ને મારું છે' એ ઘટમાળ ચાલ્યા જ કરે છે, નવી પ્રતિષ્ઠા ઊભી કરીને. આપણે છે તે પ્રતિષ્ઠા બંધ કરાવીએ છીએ. એટલે આપણે ચાર્જ થતું બંધ થાય છે. પ્રતિષ્ઠા બંધ થાય એટલે બધું બંધ થઈ ગયું ! નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો.

પ્રશ્શનકર્તા : નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો અને પછી એ જે વિભાગ રહ્યો, તેને જ આપણે પ્રતિષ્ઠિત આત્મા તરીકે ગણીએ છીએને ?

દાદાશ્રી : હા, અને હવે જે છે એનો નિકાલ કરી નાખીએ. એ નિકાલ થવા માટે જ આવ્યો છે ને નિકાલ કરવાનો છે.

પ્રશ્શનકર્તા : નિકાલ થવામાં ડખલ કરે છે એ જ નિશ્ચેતન ચેતન ?

દાદાશ્રી : એમાં ડખલ કરેને, એ નિશ્ચેતન ચેતન નહીં, એ મડદાલ અહંકાર. હા, પણ એમાં ડખલ કરે એ બગાડે છે. બાકી, એ તો એની મેળે નિકાલ થવા માટે જ આવ્યું છે.

પ્રશ્શનકર્તા : એટલે પ્રતિષ્ઠિત આત્મા તરીકે જે જુદો પડ્યો, એની અંદર જો કોઈ પણ પ્રકારની ડખલ ન કરે તો એની મેળે ગલન થઈ જાય ?

દાદાશ્રી : હા, એની મેળે સહજ રીતે છૂટે.

પ્રશ્શનકર્તા : ડખલ કરે તો તેની અંદર ડખો થયા કરે ?

દાદાશ્રી : બસ, ડખલ એ પાછલો અહંકાર કરે છે. મડદાલ અહંકાર ડખલ કરે છે. અને તે મડદાલ અહંકારને બુદ્ધિ છે તે પપલાવે છે. બુદ્ધિ હેરાન કરે છે, બસ. નહીં તો સહજભાવે ઊકલ્યે જ જાય છે.

પ્રશ્શનકર્તા : પણ સૌથી પહેલો અહંકાર પ્રતિષ્ઠિત શી રીતે થયો ?

દાદાશ્રી : પહેલો-બીજો હોય નહીં. આ રાઉન્ડ હોય એમાં પહેલું-બીજું કોણ હોય ?

પ્રશ્શનકર્તા : તો એવું હોય કે પ્રતિષ્ઠા થયેલી જ છે ?

દાદાશ્રી : થયેલા કે ના થયેલાનો કશો સવાલ જ નથી ! 'નથી થયેલો' અને 'થયેલો', જેવું માને એવું છે. બધાના પ્રેશરને લઈને માને અને માન્યતા છૂટી જાય તો ઊડી જાય પછી, એવું કશું છે નહીં. બીજી બાજુ લોકો માને છે કે બંધાયેલો નથી ને બંધાયો નથી. પણ એવું નથી, બંધાયો છે. લોક એકાંતિક લઈ જાયને એટલે વિરોધાભાસ લાગે. બાકી આની આદિ નથી કે અંત નથી. અનાદિ અનંત છે. રાઉન્ડ એટલે શું ? એની આદિય ના હોય ને અંતેય ના હોય.

વિભાવ દશામાં અહંકારના પરિણામો...

પ્રશ્શનકર્તા : જીવમાં અહંકાર ચેતન છે અને જડમાં મમત્વ ચેતન છે, એવું સમજાવો.

દાદાશ્રી : આ જડમાં ચેતન બિલકુલ છે નહીં પણ મમતા છે, એટલા પૂરતું એમાં મમત્વ ચેતન છે. આપણે આને બાળી મેલીએ, તે શેઠને પેલી મમતા હોય, તેમને દુઃખ થાય. મમતા ના હોય તેમને વાંધો ના આવે. મમતા હોય તો એમાં ચેતન છે. મમતા ના હોય તો કંઈ નહીં. સોનાની ચેઈનમાં મને મમતા ના હોય, એમાં ચેતન નથી, એટલે તમે ગમે તે કરો, તો મને કશંુ દુઃખ નથી.

પ્રશ્શનકર્તા : અને મમતા હોય તો ચેતન છે એવું થયુંને ?

દાદાશ્રી : તોય જડમાં ચેતન છે જ નહીં. પણ આ તો મમતા હોય તો એનું દુઃખ થાય અને દુઃખ થાય માટે ચેતન છે. અને જીવમાં અહંકાર ચેતન છે.

પ્રશ્શનકર્તા : એ કઈ રીતે ?

દાદાશ્રી : જીવમાં ખરેખર ચેતન નથી એમાં. કારણ કે અહંકાર જતો રહ્યો, એટલે થઈ રહ્યું. ચેતન ઊડી ગયું.

પ્રશ્શનકર્તા : તો તો અહંકાર જતો રહે તો આપણું અસ્તિત્વ મટી જાય ? ચેતન વગર કેવી રીતે જીવી શકીએ આપણે ?

દાદાશ્રી : દેહ ઊભો રહે, તેનો હિસાબ છે તે પૂરો કરે. આમાં જે ચેતન છે તે તો શેના જેવું છે ? આપણે આ બેટરીમાં સેલ હોય છેને, તેમાં ચેતન હોય ? જ્યાં સુધી એ પાવર વપરાઈ ગયો નહીં ત્યાં સુધી આ પાવર રહે છે. એટલે મન-વચન-કાયાના પાવર, એ પાવર ચેતન જ છે.

પ્રશ્શનકર્તા : તો એ અહંકાર ચેતન છે ?

દાદાશ્રી : ના, ચેતન-બેતન નથી. એ તો ચેતનના પ્રકાશથી ચૈતન્ય ભાવને પામી ગયો છે. ચેતન નથી એમાં જરાય.

પ્રશ્શનકર્તા : તો શું છે એ ?

દાદાશ્રી : એવું ચેતન નથી. જેમ અહીં આગળ ભમરડો ફરે છેને, ભમરડો ચેતન હોય છે ? ના, એવું ચેતન છે. એને અમે પાવર ચેતન કહ્યું.

પ્રશ્શનકર્તા : પાવર ચેતન એટલે ?

દાદાશ્રી : પાવર ચેતન એટલે જેમાં ચેતન નામેય નહીં. મૂળ ચેતન છે, એની હાજરીથી ઉત્પન્ન થયેલા ગુણો, તે આ પાવર ચેતન ! પાવર ચેતન મૂળ વસ્તુ જ નથી.

જેમ આ સૂર્યને લઈને આપણે કોઈ પણ જાતનો અહીં આગળ પાવર ઊભો કરીએ, તેથી કંઈ સૂર્યની શક્તિ લેતા નથી આપણે. અને સૂર્યને કશું લેવાદેવાય નથી. સૂર્ય આમાં હાથ ઘાલતોય નથી. અને એ પાવરથી આપણે અહીં મોટા મોટા જમણ બનાવીએ, નહાવા-ધોવાનું પાણી બનાવીએ ને બધું બનાવીએ તો એમાં સૂર્યને લેવાદેવા નથી. એની હાજરીથી બધું થાય છે. એવું આત્માની હાજરીથી આ બધું થઈ રહ્યું છે. આત્મા પોતે કર્તા નથી. પોતે અક્રિય છે, નિઃશબ્દ છે. એની પાસે શબ્દ, અવાજ છે નહીં. અવાજ માત્ર જડનો સ્વભાવ છે. અહીં રકાબી નીચે નાખો તો ખખડે કે ના ખખડે ? એ અવાજ કહેવાય. બે જડ વસ્તુઓ અથડાય તો અવાજ થાય અને ચેતન કોઈ જગ્યાએ અથડાય તો અવાજ ના થાય.

પ્રશ્શનકર્તા : તમે વિધિ કરીને જે પાવર મૂકો એ પાવર ચેતન થયુંને ?

દાદાશ્રી : ના, આ પાવર ચેતન નથી.

પ્રશ્શનકર્તા : તો એ ચેતન જ થયુંને ? મૂળ સ્વરૂપ જ ચેતનનું ને ?

દાદાશ્રી : આ પાવર ચેતન જે છે, તે અજ્ઞાનતાવાળું પાવર ચેતન છે અને મેં જ્ઞાન આપ્યું ત્યાર પછી 'એ' પાવર ચેતન જ રહે છે, 'મૂળ ચેતન' થતું નથી. પોતે પોતાના અજ્ઞાનથી બંધાય છે અને પોતે પોતાના જ્ઞાનથી છૂટી જાય. આત્મા તો પોતે જ્ઞાનવાળો છે પણ 'આ' જે છે તે જ્ઞાનવાળું થાય તો બેઉ છૂટા પડી જાય.

પ્રશ્શનકર્તા : તો તમે આ પાવર ચેતનને જ્ઞાનવાળું કહો છો ?

દાદાશ્રી : હા, તો બીજા કોને ? અને પેલો આત્મા તો આજેય જ્ઞાન જ છેને !

પ્રશ્શનકર્તા : આ પાવર ચેતન જ્ઞાનવાળું થયું, એટલે આવરણો જતાં રહે ?

દાદાશ્રી : હા. આવરણો જતાં રહે, બસ. આ આવરણો ઊડી જાય ને જે અવ્યક્ત છે તે વ્યક્ત થાય.

પ્રશ્શનકર્તા : તો જ્ઞાની કોણ થાય છે ?

દાદાશ્રી : અજ્ઞાની છે ને, તે જ જ્ઞાની થાય છે. આત્મા તો જ્ઞાની જ છે.

પ્રશ્શનકર્તા : અજ્ઞાની કોણ છે ?

દાદાશ્રી : આ 'હું' ને 'મારું', જે બંધાયેલો કહે છેને, 'મને દુઃખ છે', એ અજ્ઞાની છે.

પ્રશ્શનકર્તા : એટલે બીજી ભાષામાં અશુદ્ધ ચેતનને શુદ્ધ ચેતન કરો છો, એવું થયુંને ?

દાદાશ્રી : હા, અશુદ્ધ ચેતનને શુદ્ધ કરીએ છીએ. અને આ અશુદ્ધ ચેતન જે છે તે પાછું મૂળ ચેતન નથી, એ પાવર ચેતન છે. એટલે એને અમે શુદ્ધ કરીએ છીએ. એ સંપૂર્ણ શુદ્ધ થાય તો બેઉ છૂટાં પડી જાય.

પ્રશ્શનકર્તા : તમે શુદ્ધાત્મા બોલો એટલે એ પાવર ચેતન જે છે, એનો પાવર વધતો જાય ?

દાદાશ્રી : ના, જે ઊંધો પાવર હતો તે છતો થઈ જાય. જે અજ્ઞાન પાવર હતો એટલું ઊંધું કરતો હતો, એ છતો થઈ જાય.

પ્રશ્શનકર્તા : એ ઊંધો પાવર કોને હોય છે ?

દાદાશ્રી : એ અહંકારને. આ અજ્ઞાની માણસ હોયને, તે જેટલું હોય તેનું ઊંધું જ કરી આવે. અને અમે જ્ઞાન આપીએને ત્યાર પછી કો'કે ઊંધું કર્યું હોય તોય છતું કરી આપે. કારણ કે એની બુદ્ધિ છતી થઈ ગઈ.

પ્રશ્શનકર્તા : એને પ્રજ્ઞા કહેવાય ?

દાદાશ્રી : હવે પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માનો ગુણ છે. અને આ બેનું સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી, પૂરેપૂરા ખુલ્લેખુલ્લા થઈ ગયા પછી, છૂટા થઈ ગયા પછી એ આત્મામાં ફિટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લઈ જવા માટે એ જુદી પડે છે, આત્મામાંથી ?

પ્રશ્શનકર્તા : એટલે આત્માની જ પ્રજ્ઞાશક્તિ કહેવાય ?

દાદાશ્રી : હા, પ્રજ્ઞાશક્તિ આત્માની છે અને બુદ્ધિશક્તિ આ પાવર ચેતનની છે.

પ્રશ્શનકર્તા : એટલે બુદ્ધિની પ્રજ્ઞા થઈ જાય ?

દાદાશ્રી : ના, બુદ્ધિની પ્રજ્ઞા ના થઈ જાય. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય. અમે આ જ્ઞાન આપીએ કે તરત પ્રજ્ઞા પ્રગટ થાય. પ્રજ્ઞા તમને નિરંતર મોક્ષમાં લઈ જવા ફરે અને બુદ્ધિ તમને આ બાજુ નીચે લઈ જવા ફરે. આ જે ચેતવે છે ને મહીં, તે પ્રજ્ઞા ચેતવે છે, કે 'આમ નહીં ને આમ' એવું ચેતવે.

પ્રશ્શનકર્તા : પ્રજ્ઞા પણ પાવર ચેતન જ ને ?

દાદાશ્રી : ના, પાવર ચેતન નથી, એ મૂળ ચેતન છે. પણ મૂળ ચેતનમાંથી જુદી પડેલી, તે આ કાર્ય કરવા પૂરતી જ. પછી મૂળ આત્મા સાથે એક થઈ જશે પાછી.

પ્રશ્શનકર્તા : તમે જ્ઞાન આપો ત્યારે પ્રજ્ઞાનો જન્મ થયો કહેવાય ?

દાદાશ્રી : જન્મ થયો કહેવાય. પેલા મૂળ ચેતનમાંથી છૂટી પડે એ.

ત્રણ બેટરીઓમાં પૂરાયું પાવર ચેતન !

આ પાવર સેલ જોયેલાને, એ સેલમાં પાવર ભરેલો હોય છે, ચાર્જ (પૂરેલો) હોય છે. એ સેલમાં પાવર ચાર્જ થયેલો હોય છેને ? એ ચાર્જ થયેલો પાવર બેટરીની અંદર આપણે લગાડીએ અને (ચાંપ) દબાવીએ એટલે તરત ચાલુ થાય. પણ આ પાવર ખલાસ થઈ જાય કે ના થઈ જાય ?

પ્રશ્શનકર્તા : હા, ખલાસ થઈ જાય.

દાદાશ્રી : એવું આ ચાર્જ થયેલો પાવર છે. 'ધેર આર થ્રી બેટરીઝ', આમાં ત્રણ બેટરીઓ છે અને તે ચાર્જ થયેલી છે. પાવર ડિસ્ચાર્જ થઈ જાય તો મહીં ઊડી જાય ને ખલાસ થઈ જાય. પછી નવી ત્રણ બેટરીઓ શરૂ થાય છે. તે પછી ત્રણ બેટરીઓ ઊડી જાય છે.

પ્રશ્શનકર્તા : એ કઈ ત્રણ બેટરી થાય છે ?

દાદાશ્રી : આ સ્થૂળ બેટરી એટલે દેહ, એક સૂક્ષ્મ બેટરી એટલે મન, અંતઃકરણ એ બધું અને આ સ્પીચ (વાણી). આ ત્રણેય બેટરીઓ ડિસ્ચાર્જ થાય છે ને નવી ચાર્જ થાય છે. કોઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિઝ, કોઝિઝ એન્ડ ઇફેક્ટ. અલ્યા, બેટરીઓ જ છે ખાલી. વાતને સમજે તો નિવેડો આવે એવું છે. તમને સમજાય છે થોડુંઘણું ? છેલ્લી વાત છે આ. છેલ્લા સ્ટેશનની વાત છે. ટુ ધી પોઈન્ટ. ત્રણ બેટરીઓ ઉતરી જાય છે ને ફરી ત્રણ બેટરી ચાર્જ થાય છે. ચાર્જ થતી બંધ કરીએ ને એટલે મોક્ષે જાય. ચાર્જ શી રીતે થાય છે ? ઈગોઈઝમથી, 'મેં કર્યું' કે તરત ચાર્જ થાય. 'આ મારું' કે ચાર્જ થઈ ગયું. બસ આટલું જ. અને આ બે બંધ કરી દઈએ તો ચાર્જ પછી બંધ. અત્યારે તમે આત્મા છો, એમ તમને ખબર નથીને કે ખબર છે ?

પ્રશ્શનકર્તા : આત્મા છીએ એવું આપણે બધા બોલીએ છીએ તો ખરાંને ?

દાદાશ્રી : એ બોલીએ, પણ એથી દહાડો વળે નહીંને !

પ્રશ્શનકર્તા : આપણે અમસ્તી વાત કરતાં પણ કહીએ છીએ કે મારો આત્મા આમ કહે છે. પણ 'હું આત્મા છું' એમ નથી કહેતા, તો આમાં 'હું' એ કોણ અને 'આત્મા' એ કોણ ?

દાદાશ્રી : 'હું' એ અહંકાર છે અને આત્મા એ મૂળ વસ્તુ છે.

પ્રશ્શનકર્તા : 'હું' જે અહંકાર છે, એ કઈ શક્તિ આપણી અંદર કામ કરી રહી છે ?

દાદાશ્રી : એ જ ભ્રાંતિની શક્તિ. એ ડિસ્ચાર્જ શક્તિ છે. આ બેટરીના સેલ ચાર્જ કરાવી લાવીએ, એટલે પછી, જ્યાં વાપરવા હોય ત્યાં વાપરી શકાય. તે ઘડીએ એ ડિસ્ચાર્જ થયા કરે. તે આ ડિસ્ચાર્જ થતી શક્તિ છે.

પ્રશ્શનકર્તા : હવે એ જે શક્તિ છે, એ આત્માથી જુદી છેને ?

દાદાશ્રી : હા, જુદી છે.

પ્રશ્શનકર્તા : પણ એને ગવર્ન કોણ કરે છે ?

દાદાશ્રી : આત્મા જુદો છે અને ભ્રાંતિ જુદી છે.

પ્રશ્શનકર્તા : આ ભ્રાંતિને ગવર્ન કોણ કરે છે ?

દાદાશ્રી : ભ્રાંતિને ગવર્ન તો એનાં કામ જ કરે છે. અને એ કર્મનો, ઉદયકર્મનો સ્વભાવ જ છે કે એ ઉદયકર્મ જ કામ કર્યા કરે. એમાં અહંકારથી જે કર્મ કરેલાં, તે ડિસ્ચાર્જ થતી વખતે એવાં જ ફળ આપીને જાય છે.

પ્રશ્શનકર્તા : એને કોણ ઓળખી શકે ?

દાદાશ્રી : બધાય ઓળખી શકે.

પ્રશ્શનકર્તા : જો ઓળખી શકતો હોત તો એ એવું ના કરવા જાત, એવું ના બોલત.

દાદાશ્રી : પણ પછી એના પોતાના હાથમાં સત્તા જ નથીને !

પ્રશ્શનકર્તા : આ બધામાં જે ડખો કરતો હોય, તો મોટામાં મોટો ભાગ અહંકાર જ કરે છે.

દાદાશ્રી : તો બીજું કોણ ? આ બધું અહંકારે જ ઊભું કર્યું છેને !

એ છે પુદ્ગલ !

પ્રશ્શનકર્તા : અહંકાર તો પુદ્ગલ કહેવાયને ?

દાદાશ્રી : હા, પુદ્ગલ કહેવાય. પણ એ અત્યારે લોકોને તો જીવતો અહંકાર છેને ! 'મેં જ આ કર્યું' કહે છે. એટલે જીવતો અહંકાર છે.

પ્રશ્શનકર્તા : દરેક પુદ્ગલમાં એક આત્મા તો છે જ ને ?

દાદાશ્રી : હા, તે અણસમજણને લઈને જ આ અહંકાર ઊભો થાય છે. શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે. એની અવસ્થાઓમાં આ થયું છે. એના પર્યાયમાં આ થયું છે. પર્યાય વિનાશી છે. એટલે અમુક વખત રહે અને પછી પાછું વિનાશ થઈ જાય.

સંસારની અવસ્થાઓ બધી ટેમ્પરરી છે અને પોતે પરમનન્ટ છે. આત્મા પોતે પરમનન્ટ છે અને આ જે અનાત્મા વિભાગમાં ખોટી માન્યતા ધરાવનારો છે, રોંગ બિલીફ ધરાવનારો છે, એ ઇગોઇઝમ પણ પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી પરમનન્ટ છે, એટલું બધું લાંબા કાળનું એ પરમનન્ટ છે. છતાં પરમનન્ટ તો નથી જ. અને એ ઇગોઇઝમેય ચંચળ વસ્તુ છે, એ અચળ વસ્તુ નથી. અચળ વસ્તુ તો જ્યાં ઇગોઇઝમ નથી, કિંચિત્ ચંચળતા નથી, ત્યાં છે. એ જ દરઅસલ આત્મા છે. એ આત્મા એ જ પરમાત્મા છે, પણ એનું ભાન થવું જોઈએ. એનું જ્ઞાન થવું જોઈએ. એટલે અઘરામાં અઘરી ચીજ હોય તો આત્મજ્ઞાન ! આ બધા આત્મજ્ઞાનીઓ થઈને બેઠા હોયને, પણ એ બધું ચંચળ ભાગનું જ વર્ણન કરે છે ને એ બુદ્ધિગમ્ય છે. બુદ્ધિગમ્યની એક વાત મોક્ષમાં નહીં ચાલે. એક શબ્દેય નહીં ચાલે. બુદ્ધિગમ્ય એટલે જંજાળ, એને સંસારી જંજાળ કહેવામાં આવે છે. એટલે જ્ઞાની પુરુષ પોતે જ અબુધ થઈને બેઠેલા છે. અમે અબુધ કહેવાઈએ ! બુદ્ધિ વપરાય એટલે ખલાસ થઈ ગયું. બુદ્ધિ બહુ ચંચળ છે, એટલે માણસને અચળ થવા જ ના દેને ! એટલે આત્મા એ પોતાનું નિજસ્વરૂપ છે. એ જ્ઞાન છે અને તેનાથી પ્રકાશ ઉત્પન્ન થાય એ બધો પ્રકાશ છે, સ્વયં પ્રકાશ !

જડ-ચેતનના સંયોગે, ખડો થયો અહંકાર !

પ્રશ્શનકર્તા : આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ હોવા છતાં એ ભૂલ કરી બેઠો છે ?

દાદાશ્રી : ના, એ ભૂલ કરી બેઠો નથી. આ તો વિજ્ઞાનથી અહંકાર ઊભો થઈ ગયો છે. એ તો પોતે મહીં જ છે. અંદર મહીં પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. એ બગડે નહીં કે સુધરે નહીં. એમાં ફેરફાર ના થાય.

જેમ આ સૂર્યની હાજરીથી આ લોકો કામ કરે, એવી રીતે આ અંદર કામ ચાલી રહ્યું છે. આત્માની હાજરીથી આ બધું ચાલે છે. હવે એ તમારે અહંકાર ઓગળી જાય, ખલાસ થઈ જાય, એટલે પછી એ પોતે જ તે રૂપ થાય પાછો !

પ્રશ્શનકર્તા : ને અહંકાર કેવી રીતે આવ્યો ?

દાદાશ્રી : એ વિશેષભાવ છે, આત્માનો વિશેષભાવ. એ આત્માનો સ્વભાવ નથી. વિશેષભાવ એટલે શું ? આપણે દરિયા કિનારેથી એક માઈલ છેટે આપણા બંગલામાં બે-ત્રણ લોરીઓ લોખંડ નાખીએ અને વરસ દહાડા પછી ત્યાં જઈએ એટલે કાટ જ ચઢેને ! તો કોણે કર્યુ ? એ લોખંડ કશું કરતું નથી, દરિયો કશું કરતો નથી, હવા કશું કરતી નથી અને આપણે વરસ દહાડા સુધી ના ગયા તો આટલો આટલો કાઢ ચઢી ગયો હોય. કાટ એ સંયોગી અસર છે. એટલે બે વસ્તુ જોડે મૂકી હોયને તો બન્ને વસ્તુ પોતાના ગુણધર્મ છોડ્યા સિવાય તીસરો જ ગુણ ઉત્પન્ન થઈ જાય, વિશેષગુણ ઉત્પન્ન થાય, બે વસ્તુ ભેગી થઈ તેથી.

પ્રશ્શનકર્તા : એટલે આત્મા મૂળ તો સ્વતંત્ર હતોને ?

દાદાશ્રી : સ્વતંત્ર તો ખરો, પણ બીજી વસ્તુ ભેગી થઈ. એટલે પોતાનામાંય વિશેષગુણ ઉત્પન્ન થાય. એટલે તેમાંથી ઇગોઇઝમની ઉત્પત્તિ થઈ.

પ્રશ્શનકર્તા : એ અહંકાર છે એ આત્માનો ગુણધર્મ છે ?

દાદાશ્રી : ના, ગુણધર્મ બિલકુલ છે જ નહીં, એ વિશેષધર્મ છે. એટલે આ બધા સંજોગો ભેગા થાય ને આ કાટ ઊભો થયો. સંજોગો એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. જ્યાં સુધી 'હું કરું' એમ માને છે ત્યાં સુધી એ ઊભો છે અને કર્તાભાવ છૂટી ગયો કે અહંકાર છૂટી ગયો.

મોહનીયને કારણે જન્મ્યો અહંકાર !

ખરેખર આપણું સ્વરૂપ શું છે તે જાણવું જોઈએ અને ચંદુભાઈ શું છે, એય જાણવું જોઈએ. વ્યવહારનું અને નિશ્ચયનું બન્ને જાણવું જોઈએ. આ તો વ્યવહારને જ નિશ્ચય માની લીધો છે અને 'હું ચંદુભાઈ છું' કહ્યું એટલે કર્તા થયો, એટલે કર્મ બંધાવા માંડ્યાં. પછી રાત-દહાડો ઊંઘી જાય તોય કર્મ બંધાયા કરે. 'હું ચંદુભાઈ છું' એ વ્યવહારથી છે અને 'હું શુદ્ધાત્મા છું' એ નિશ્ચયથી, તો કર્તા, કર્મ બધું છૂટી ગયું.

પ્રશ્શનકર્તા : અહંકાર ગુણ કોનો છે ?

દાદાશ્રી : અહંકાર ગુણ તો ભ્રાંતિથી ઊભો થયેલો ગુણ છે, વિશેષભાવ છે. આત્માનો ગુણ નથી, એ વિભાવદશા છે.

પ્રશ્શનકર્તા : એ કેવી રીતે ઊભો થયો ? અહંકારની શરૂઆત ક્યાંકથી તો થઈ હશેને ? એ હજુય નથી સમજાતું.

દાદાશ્રી : એવું બિગિનિંગ જ ક્યાં આગળ છે ? આત્મા તો આત્મા જ છે. પણ અહીં આગળ ગામના નગર શેઠ હોય, તેને બહુ લોકો માન આપે, પણ રાતે આપણે એમને ત્યાં જઈએ ત્યારે રાતે બધાને પેસવા ના દેતા હોય. રાતે થોડુંક પીવાની ટેવ હોયને, તે લોકોને પેસવા ના દે. પણ તોય અમુક માણસોને આવવા દેવા પડેને ? એટલે તે ઘડીએ શેઠે પીધું હોય ને વાતો કરે કે 'હું રાજા છું, આમ છું, તેમ છું' બોલે બધું. અવળું બોલે કે ના બોલે ? શાથી ? શેઠ એનો એ ન હોય ?

પ્રશ્શનકર્તા : એનો એ જ શેઠ પણ પેલું પીધું છેને એટલે.

દાદાશ્રી : જે દારૂ મહીં ગયોને, એ પરમાણુ તેનો સંયોગ થયો. એટલે દારૂનો અમલ બોલે છે આ. એટલે આની શરૂઆત કયારથી થઈ ? દારૂનો અમલ થયો ત્યારથી. એવી રીતે આ સંસારમાં આત્મા તો મહીં છે જ પણ બધા પરદ્રવ્યોનો અમલ થયો, ત્યારથી આની શરૂઆત થયેલી છે. પરદ્રવ્યોનો અમલ બોલે છે. 'હું ચંદુભાઈ છું' એ અમલ ઊતરી જશે, એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. આત્મા સિવાય બીજા પાંચ દ્રવ્યો છે, તે પરદ્રવ્યો છે. તેના અમલથી આ બધું થયું છે. જેમ પેલા શેઠને દારૂના અમલથી થાય. એ જેવો અમલ ઉતરી જાય દારૂનો એટલે પછી હતા તેના તે જ. એટલે 'હું ચંદુલાલ છું' એ અમલ છે બધો. આ સંયોગ સંબંધ છે ને વિભાવ, વિશેષભાવ થયો છે. દારૂડિયો માણસ બોલે કે ના બોલે કે 'હું આમ છું ને રાજા છું' અને પછી અમલ ઉતરી જાય તો મહીં કશુંય નથી. એટલે જ્ઞાન થાય તો પરદ્રવ્યોનો અમલ ઊતરી જાય. પછી ખલાસ થઈ ગયું.

પ્રશ્શનકર્તા : અહંકાર અને મોહનીય કર્મ, આ બન્નેનું જરા વિશ્શલેષણ કરીને સમજાવો.

દાદાશ્રી : બે જુદા છે, મોહનીય કર્મ અને અહંકાર બે જુદા છે. એ જે દારૂ પીધો એટલે મોહનીય ઉત્પન્ન થઈ. એટલે જે અહંકાર હતો તે મોહનીયને લઈને 'હું રાજા છું' ને એવું તેવું બોલે. પહેલાં 'હું ચંદુલાલ શેઠ છું' ને આ ઊંધુંછતું બોલે છે. એણે દારૂ પીધો છે એવો આ પુદ્ગલનો દારૂ છે. આ બે સંયોગો ભેગા થયાં છે. હવે એ છૂટા પાડી આપે તો મુક્તિ થાય. અને સિદ્ધક્ષેત્રમાં કોઈ સંયોગો છે નહીં અને અહીં તો છ તત્ત્વોનો સંયોગ છે એટલે આ બધું ઊભું થયું છે.

પ્રશ્શનકર્તા : એ અહંકારને જાણે કોણ ?

દાદાશ્રી : એ આત્મા જ જાણે બધું, જાણે કે ઓહોહો ! અહંકાર બહુ વધી ગયો છે. પાછો પોતે પોતાની મેળે કહે કે મારો અહંકાર બહુ વધી ગયો છે, મૂઓ અને મારી બુદ્ધિ ખરાબ છે. અને પાછો આપણે કહીએ કે, 'તું કોણ છે ?' ત્યારે કહે, 'હું ચંદુલાલ છું'. એ પાછો અહંકાર થયો ! એક બાજુ કહે કે, 'મારો અહંકાર વધી ગયો છે'. અને એક બાજુ કહે છે, 'હું અહંકારી છું'. એટલે મહીં પ્રકાશ છે, પ્રજ્ઞા (જ્ઞાન)નો પ્રકાશ છે, પણ અહંકાર એ પ્રકાશને ગાંઠતો નથી. એને સમજ પડતી નથી, કે હું જ છું આ. આ બીજો કોઈ છે નહીં. એની મહીં કોઈ પેઠો નથી તો કોણ આવ્યું ? પેલો શેઠ કહે છે ને, 'હું પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા છું'. ઓહોહો ! મૂઆ !! તે એનો દારૂ ઊતરી ગયા પછી આપણે કહીએ કે તમે આવું બોલો, તો બોલે ?

પ્રશ્શનકર્તા : ના બોલે.

દાદાશ્રી : શરમાય, મૂઓ. પણ પેલું બેશરમીનું છેને ? અને પોતાને શરમ આવે એવું બોલે છેને ?

પ્રશ્શનકર્તા : હા, બોલે છે.

દાદાશ્રી : ત્યારે લોક કહેશે, એને કશાકનો અમલ છે.

જડ ને ચેતન, બે વસ્તુ ભેગી થવાથી અહંકાર ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષ, જડ ને ચેતન બે જુદાં પાડી આપે એટલે અહંકાર ઊડી જાય.

પ્રશ્શનકર્તા : અહંકાર જતો રહે છે ?

દાદાશ્રી : એ જતો નથી. એ તો પેલું ઊભું થયું હતું, બ્રાંડી પીવાથી અને તે છે તે છૂટી ગયું. એ ઉતરી જાય તમારી બ્રાંડી.

રહ્યાં સોળાં અહંકારને !

પેલો ભૂવો મારેને, તે મારે કાશીને ને વાગે ચંચળને ! શાથી એમ હશે ? એ કાશી ખાયને તોય એ ચંચળ ખાઈ જાય ! કાશી પીવે તો એ પી જાય ! બધો અમલ જ એનો ! કાશીને ભૂત વળગે તો અમલ બધોય ભૂતનો જ. ઊંઘે તેય ભૂત. એટલે પછી મારે ત્યારે વાગેય એને. ભૂવો મારે એટલે કહે, 'હું નીકળું છું.' ત્યારે કહે, 'કોણ છે તું ?' ત્યારે એ કહે, 'આઈ એમ ચંચલ.' તે કાશી અંગ્રેજી ભણેલી ન હતી તોય અંગ્રેજી બોલતી હતી. એનું શું કારણ ? ચંચળનો અમલ છે. એટલે આ બધું થયું એમાં વાગ્યું કોને ? ચંચળને બધુંય થયું. વાગ્યું ચંચળને, પણ સોળાં એકલાં રહ્યાં કાશીને ! એવું આપણે આ બધુંય થાય છે, આખો સંસાર થાય છે પણ વાગે છે તે અહંકારને જ વાગ વાગ થાય છે. અહંકારને તોડીએ છીએ ત્યારે સોળાં રહી જાય છે. એના દવાદારૂ, પાટાપીંડી કરવા પડે.

આ જ્ઞાન આપ્યા પછી શાનો ડખો રહે છે ? સોળાં રહી જાય છે. તે આ ચોપડે, તે ચોપડે, આમ ચડે, તેમ સૂઈ જાય પાછો. તેથી તો અમે કહીએ છીએ કે આ મન-વચન-કાયાનાં ત્રણ ભૂતાં વળગ્યાં છે, તેના ઉપરથી આ કાશીનંુ દ્ષ્ટાંત નીકળેલું. આ બધો સાંધો જડે તો તો કામ નીકળી જાયને ?

આ દારૂડિયા માણસને આપણે મારીએ તો વાગે કોને ? અમલ હોય તેને. પેલાને કશું વાગે નહિ. દારૂ ઊતરી ગયો પછી સોળાં એને રહી જાય છે. એટલે પેલાને પછી લહાય બળ્યા કરે. એવું થતું હશે ? દારૂનો અમલ એના જેવો આ ભૂતનો અમલ. ભોગવે જ એ બધું, અમલ જેનો હોય તે.

આ અહંકાર ભોગવી લે છે બધુંય. દુઃખેય અહંકારને પડે છે ને સુખેય અહંકારને પડે છે. જેનો અમલ હોય તેને જ લાગુ થાય. અહંકારનો અમલ હોય, ભૂતનો અમલ હોય, દારૂનો અમલ હોય. દારૂનો અમલ હોય ત્યારે કહેશે કે, 'હું સયાજીરાવ મહારાજ છું'. એટલે આપણે ના સમજીએ કે એને પોતાનો અમલ નથી રહ્યો આમાં !

એ ડામ આપે પેલી ચંચળને, એ તો ચંચળને સહન ના થાય, તે બૂમ પાડે કે હું નીકળી જઉં છું. પછી સોળાં રહે પેલી કાશી બિચારીને.

આજનો જે અહંકાર છે એ ડિસ્ચાર્જ અહંકાર છે અને નવો અહંકાર, ચાર્જ અહંકાર શરૂ થઈ રહ્યો છે મહીં. ચાર્જ અહંકાર, એ તો જ્ઞાની પુરુષ કાઢી આપે. જેનો અહંકાર લય થઈ ગયો છે તે કાઢી આપે. બીજો કોઈ કાઢી શકે નહીં. અને જૂનો અહંકાર, જે કારણો સેવેલાં તેનું આજે ફળ ભોગવીએ છીએ. એ આપણે કાઢવો હોય તોય જાય નહીં.

અહંકારની મૂળ ઉત્પત્તિ !

પ્રશ્શનકર્તા : અહંકાર, પછી ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ એ બધા પોતાના ગુણો બતાવે છેને ? તો એમાં ચેતન જેવું કંઈક હોવું જોઈએ. તે સિવાય કેમ બતાવે ? જડ વસ્તુ તો બતાવે નહીં.

દાદાશ્રી : પણ તે આ ભમરડા જેવું ચેતન. ભમરડામાં જે ચેતન દેખાય છેને ફરતાં ફરતાં, એમાં એનું કશું નથી.

પ્રશ્શનકર્તા : તો કોનું છે ?

દાદાશ્રી : એ આત્માની બાજુમાં આવવાથી સામીપ્યભાવની શક્તિ ઉત્પન્ન થઈ છે. પોતે પોતાનું સ્વરૂપ નહીં જાણતો હોવાથી જ આ 'હું છું' એમ એની કલ્પનાથી બધી શક્તિ આમાં ઉત્પન્ન થાય છે. પણ વિનાશી છે એ. એ ટકે નહીં.

પ્રશ્શનકર્તા : એટલે પછી અહંકાર જ આવ્યોને ? તમે આમથી આમ ફેરવો, એ અહંકાર જ છેને ?

દાદાશ્રી : અરે, છે જ નહીં, ત્યાં બીજું છે જ નહીં. આ વિશેષભાવ ઉત્પન્ન થાય છે તે છે.

પ્રશ્શનકર્તા : આપણે આ ઇવોલ્યુશનની થીયરી છે, ઇવોલ્યુશન કહે છે તે બધો, વિશેષભાવ જ છેને ? આ જેની કંઈ પણ પ્રગતિ થઈ રહી છે તે વિશેષભાવની જ પ્રગતિ છેને ? આ જે કંઈ ઉત્ક્રાંતિ થઈ, માણસમાં આવ્યો, આ બધું વિભાવનું જ થયું તે, વિભાવથી જ છેને?

દાદાશ્રી : એ બધું વિભાવ જ ને. વિભાવને લઈને આ બધું. જે છે તે વિભાવથી.

પ્રશ્શનકર્તા : આત્માનું તો કંઈ છે જ નહીં ?

દાદાશ્રી : આત્માની તો અત્યારે શક્તિ જ નથીને. દેહ જ્યાં સુધી ભેગો છે ત્યાં સુધી એની હાજરીથી આ ઉત્પન્ન થઈ ગયું બધું. હાજરીથી આ ગુણો ઉત્પન્ન થયા. આત્માની હાજરી તો છે. દરિયાની હાજરી ના હોય તો પછી આ લોખંડ શું કંઈ કાટ ઉત્પન્ન કરે ? એટલે આત્માની હાજરી છે તો આ બધું ઊભું થયું.

પ્રશ્શનકર્તા : આપે કહ્યું હતું કે અહંકાર જે પેદા થાય છે તે પણ આત્માની હાજરીથી જ ઉત્પન્ન થાય છેને ?

દાદાશ્રી : હા, બરોબર છે. શરીરમાં આત્મા હોય તો જ અહંકાર ઊભો થાય. જે મરી ગયો, તેને અહંકાર ના થાય.

પ્રશ્શનકર્તા : પણ આત્મામાં મૂળ અહંકાર કેવી રીતે આવ્યો એ સમજાતું નથી.

દાદાશ્રી : હા. એવું છે, આ છ ચીજોનું જગત છે. છ પરમનન્ટ વસ્તુઓ, સનાતન વસ્તુઓનું. એ ચીજો એકમેકમાં ભળે છે, મિક્ષ્ચર થાય છે પણ કમ્પાઉન્ડ સ્વરૂપ થતું નથી. પોતપોતાના ગુણધર્મ બદલાતા નથી કોઈના. કમ્પાઉન્ડ થાય તો તમારું મેં ઉછીનું લીધું અને મારું તમે ઉછીનું લીધું એવું થઈ જાય. ફક્ત ભેગી થાય ને છૂટી પડે. અને તે આ છ એ છ ચીજો પરિવર્તનશીલ છે. એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે. પરમાણુ-બરમાણુ બધું આ પરિવર્તન થતાં થતાં અવસ્થાઓ ઊભી થાય.

આ મૂળ તત્ત્વ, વસ્તુ એ અવસ્થા ના હોય, અવિનાશી હોય. એનાથી અવસ્થાઓ ઊભી થઈ એ વિનાશી બધી. ઘડીકમાં આ અવસ્થા ઉત્પન્ન થઈ અને ઘડીકમાં એ અવસ્થા લય થઈ.

હવે અહંકાર શી રીતે ઊભો થયો ? ત્યારે કહે, આત્મા અને આ જડ પુદ્ગલ પરમાણુ બે જોડે થયાં, આમ પરિવર્તન થતાં થતાં બે નજીક નજીક આવી ગયાં એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભા થયાં. હવે ક્રોધ-માન-માયા-લોભ કોના ગુણ છે ?

પ્રશ્શનકર્તા : જડના.

દાદાશ્રી : જો જડના ગુણ હોય તો લ્યો, આ મશીન ચીડાય છે ? જડના જો ગુણ હોય તો આણે ચીડાવંુ જોઈએ. નહીં ચીડાતંુને ? એ જડના ગુણ જો એ કહીએ, તો જડ છે તે બૂમાબૂમ કરે. ચેતનના ગુણધર્મ કહીએ તો મોક્ષમાં ના જઈ શકે. મોક્ષમાં જાય તો એ ગુણ જોડે હોય.

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : તો કોના ગુણધર્મ ? એ લોક પ્રૂફ (પુરાવો) આપી શકતા નથી. લોકો શાસ્ત્રો વાંચીને કૂદાકૂદ કરે છે, ત્યારે કહે, 'ચેતનના ગુણ ?' મેં કહ્યું, 'મૂઆ, હવે ત્યાં આગળ જશે ત્યારે પાછું ત્યાં મોક્ષમાં એ ગુણ જોડે આવે !' પોતાના ગુણો કાયમના હોય, તેને ગુણધર્મ કહેવાય.

આ દરિયો છેને, તે વરાળ ઊભી કરે છેને ? કે આ સૂર્યનારાયણ વરાળ કરતા હશે ? તો આ કોણ કરે છે ? દરિયોય કરતો નથી, સૂર્યનારાયણ કરતા નથી, ત્યારે કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. વૈજ્ઞાનિક રીતે બે વસ્તુઓ ભેગી થઈ અને આ તીસરો ગુણ, વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય. એટલે પોતાના ગુણધર્મ પોતાની પાસે, પેલાના ગુણધર્મ એની પાસે, પણ એ બે ભેગા થાય તેથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય.

પ્રશ્શનકર્તા : તો પછી જડ અને ચેતન, બેઉ જે છે તે અનંત છે?

દાદાશ્રી : અનંત.

પ્રશ્શનકર્તા : તો સાથે સાથે સંયોગ પણ અનંત થયોને ?

દાદાશ્રી : હા, સંયોગ અનંત. અનાદિના, અનંત કાળ સુધીના છે. પણ જો છૂટું પડે તો તો કશું જ થયું નથી, આ બેઉ ઊડી જાય ને પોતપોતાના ધર્મમાં આવી જાય. સામસામી જે પ્રભાવ પડતો હતો તે ઊડી જાય. એટલે 'અમે' છૂટું પાડીએ તો તરત જુદું થયાનું કારણ જ એ છેને ! 'આ હું ન્હોય', કહેતાંની સાથે બધું હડહડાટ છૂટું પડી જાય.

પ્રશ્શનકર્તા : પણ છૂટા પડ્યા પછી પણ સંયોગ તો રહેને ?

દાદાશ્રી : સંયોગનો સવાલ નથી. સંયોગથી જ અજ્ઞાન ઉત્પન્ન થયેલું, એ અજ્ઞાન ગયું, એટલે સંયોગ એની મેળે, ધીમે ધીમે છૂટા થતા, ખલાસ થઈ જવાના.

મેં આ જ્ઞાન આપ્યું તેની સાથે અહંકાર તો જતો જ રહે, હવે કયો અહંકાર રહે ? અહંકાર બે પ્રકારના. એક અહંકાર ડિસ્ચાર્જ થયા કરે અને એક ચાર્જ કરે. હવે ડિસ્ચાર્જ તો આપણી પાસે હજુ રહ્યું છે આ, એટલે ડિસ્ચાર્જ અહંકાર રહેશે. અને ચાર્જ અહંકાર એટલે નવું ઊભું કરનારો તે બધો ખલાસ થઈ ગયો. ડિસ્ચાર્જ અહંકાર એટલે નવા ઊભા કરી શકે નહીં અને જૂના છે તે નિવેડો લઈ આપે, એટલે મુક્ત થઈ જાય. પેલો જીવતો કહેવાય. જ્ઞાન લીધા પછી આ મૃત અહંકાર કહેવાય.

પ્રશ્શનકર્તા : એ ડખો ના કરે ?

દાદાશ્રી : ના, ડખો ના કરે.

પ્રશ્શનકર્તા : પણ એમાંથી પાછા પર્યાય ના પડે ?

દાદાશ્રી : ના, એમાંથી કશું થાય નહીં.

પ્રશ્શનકર્તા : તો એની મેળે જ આ દોરી વીંટળાયેલી છે તે એની મેળે નીકળ્યા કરે ?

દાદાશ્રી : હા, બસ, એની મેળે જ. એનું પરિણામ કહેવાય. વ્યવસ્થિત એટલે શું ? પરિણામ. પરિણામમાં કશું કરવું ના પડે, એની મેળે થયા જ કરે. 'તમારે' જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું.

પ્રશ્શનકર્તા : હવે જડ અને ચેતન બે મિક્ષ્ચર થયું, એમાંથી પછી અહંકાર ઊભો થયો. તે અહંકારને શરીર તો જોઈએ જ ને ? શરીર વગર તો અહંકાર કોઈ દી' હોય જ નહીંને ?

દાદાશ્રી : એ શરીર શેનાથી બંધાય છે તે કહું તમને. અહંકારનો અર્થ શું ? 'હું', કેમ તે ઊભો થયો ? ત્યારે કહે, ઇટ હેપન્સ આ થઈ રહ્યું છે, પૂર્વકર્મના ઉદયે. તમારું ઉદયકર્મ છે તે આ બધું કરી રહ્યું છે. તમે ગર્ભમાં આવી ગયા, ત્યાંથી બહાર નીકળ્યા, ત્યાંથી પૈણ્યા-બૈણ્યા એ બધું ઉદયકર્મ કરાવડાવે છે અને તમે શું કહો છો, 'હું કરું છું'. હવે એ ઉદયકર્મને લઈને ભાન 'તમને' ઉત્પન્ન થાય છે, કે આ 'હું છું, મેં આ કર્યું'. એટલે 'હું કરું છું' એમ કહે છે. તેથી 'હું' ને 'મારું' ઊભું થઈ ગયું.

અહંકાર કેમ કહ્યો ? ત્યારે કહે, પોતે નથી કરતો છતાંય કહે છે કે, 'હું કરું છું'. તે હવે આ જ્ઞાન પછી ભાર દઈને નથી કહેતા, નાટકીય કહે છે. પહેલા તો 'હું કરું છું' એ વાત હતી અને અત્યારે તો કહે છે, 'એ વ્યવસ્થિત કરે છે'. એવું તમને થઈ ગયુંને ? એટલે અત્યારે નાટકીય બોલો છો તમે. 'હું કરું છું' એ તો નાટકમાં હોય એમ બોલે પણ અંદરખાને જાણતો હોય કે 'હું તો લક્ષ્મીચંદ છું', એવું તમે શુદ્ધાત્મા છો, એમ અંદરખાને જાણતા હો.

પ્રશ્શનકર્તા : અને 'હું' ઊભું થયું, એ કેવી રીતે ઊભું થયું ?

દાદાશ્રી : એ તો કહ્યું, આ માને કે 'હું' ને 'મારું' છે. આ ક્રોધ ને માન, બેથી 'હું' ઊભું થયું અને કપટ ને લોભથી 'મારું' ઊભું થઈ ગયું. તેથી કરીને આત્મા બદલાયો નથી, આત્મા તેનો તે જ રહ્યો છે. વસ્તુ પોતાના સ્વભાવમાં જ છે. આ તો બે વસ્તુ ભેગી છે, ત્યાં સુધી જ. પણ બે જુદી થઈ જાય તો કશું જ ના રહે. એ બે વસ્તુ જુદી થતાં પહેલાં જ એને જ્ઞાની મળી જાય અને જ્ઞાની પાસેથી જ્ઞાન મળે એટલે જુદું છે એવું ભાન થઈ જાય. એ પછી છૂટું થઇ જાય. છૂટી જાય પછી બીજી વસ્તુ ભેગી ના થાય, એવી જગ્યાએ જતો રહે છે. પછી ભેગી થાય તો ફરી ઊભું થઈ જાય એવું. પણ ફરી ઊભું થાય એવી એ જગ્યા જ નથી. એને સિદ્ધક્ષેત્ર કહેવાય.

મૂળ કારણ, અહંકારનું !

પ્રશ્શનકર્તા : અહંકાર જો દેહમાં પણ ન હોય અને આત્મામાં પણ ન હોય તો અહંકારની જગ્યા ક્યાં ?

દાદાશ્રી : અહંકાર એટલે અજ્ઞાનતા.

પ્રશ્શનકર્તા : આપણે કહીએ છીએ ને કે આત્મા અને દેહ બન્ને જુદા છે ?

દાદાશ્રી : જુદા છે જ, કાયમને માટે. બધાને જ છે, જીવમાત્રને છે.

પ્રશ્શનકર્તા : આ બન્ને અલગ હોવાની માન્યતા હોવા છતાં 'હું કરું છું' એમ ભાવ થાય છે એ ?

દાદાશ્રી : એ ઇગોઇઝમ છે.

પ્રશ્શનકર્તા : આ ઇગોઇઝમને છૂટો કેવી રીતે કરવો ?

દાદાશ્રી : એને છૂટો કરવાની જરૂર જ નથી. ઇગોઇઝમનું રૂટ કૉઝ (મૂળ કારણ) કાઢી નાખવાનું છે.

પ્રશ્શનકર્તા : એનું રૂટ કૉઝ શું ?

દાદાશ્રી : અજ્ઞાનતા.

પ્રશ્શનકર્તા : શેની અજ્ઞાનતા ?

દાદાશ્રી : આ શું છે ? આ કોણ કરે છે ? હું કરું છું કે આ કોણ કરે છે ? એ અજ્ઞાનતા કાઢી નાખવાની. આ તો અજ્ઞાનતાની ફાચર છે. બીજું કશી ફાચર નથી. આત્મા અજ્ઞાની છે નહીં, આત્મા જ્ઞાની છે.

પ્રશ્શનકર્તા : આ રોંગ બિલીફ ઊભી થઈ, પણ આ વિજ્ઞાનમાં એની જગ્યા ક્યાં છે ?

દાદાશ્રી : અહંકારમાં. અને રોંગ બિલીફથી અહંકાર ઊભો થયો અને અહંકારથી રોંગ બિલીફ ઊભી થઈ.

પ્રશ્શનકર્તા : તો આમાં પહેલું કયું, રોંગ બિલીફ કે અહંકાર ?

દાદાશ્રી : ગોળમાં પહેલું કશું હોય નહીં. ગોળમાં પહેલું કશું હોતું હશે ? પહેલું બધું બુદ્ધિ ખોળે. 'ઉસમેં પહેલા કૌન ?' ત્યારે કહી દે, કયું પહેલાં ખોળવા નીકળ્યા ? ઝાડ પહેલું કે બીજ પહેલું ?

પ્રશ્શનકર્તા : પહેલું નહીં તો છેલ્લું કયું એ કહો.

દાદાશ્રી : પહેલુંય ના હોય ને છેલ્લુંય ના હોય. એ વસ્તુ જ નથી. માન્યતા જ છે ખાલી. રોંગ બિલીફો જ છે. જ્ઞાનમાં એવું કશું હોતું જ નથી. બિલીફમાં જ ખોટું છે. જ્ઞાનમાં ખોટું હોતું નથી. નહીં તો આત્મા જુદો થઈ જાય !

આપણે આ જે શબ્દ બોલ્યા, રોંગ બિલીફ, નહીં તો તો આ એનું ઊઘાડું જ ના પડત, કે આ મિથ્યાદર્શન શું છે તે ! મિથ્યાત્વ શું છે એ ઊઘાડું જ ના પડત. લોકોને એ શબ્દ સમજાય જ નહીં. આ તો આપણે રોંગ બિલીફ કહીને, તે બધું ઊડી ગયું. હા, એ ખાલી બિલીફ જ છે, બીજું કંઈ નહીં ? કશું ચોંટ્યુંય નથી ને વળગ્યુંય નથી અને તે માની લીધું કે મને વળગ્યું. ત્યારે કહે, 'જા, કાઢ સ્વાદ !'

પ્રશ્શનકર્તા : એટલે આ બિલીફના સંસ્કાર અહંકાર ઉપર પડતા હશે કે આ મારો ભાઈ થાય, મારી બેન થાય, આ મારો સગો થાય.

દાદાશ્રી : બળ્યું, એ તો લોકોનું જોઈને શીખ્યો બધું. એ લોકસંજ્ઞા છે બધી. દેખીને શીખે છે. પેલો કહેશે, 'દેખો, હમારા સાલા આયા.' એટલે આ નાનો હોય તે કહેશે, 'હું હઉ પૈણીશ ત્યારે મારેય સાળો આવશે.' એ લોકસંજ્ઞા બધી.

પ્રશ્શનકર્તા : એ લોકસંજ્ઞા ગ્રહણ કોણ કરે છે ?

દાદાશ્રી : અહંકાર જ બધું કરે. અહંકાર આંધળો છે, દેખતો જ નથી બિચારો, બુદ્ધિની આંખે ચાલે એ. હવે બુદ્ધિ કહેશે, 'એ તો આપણા મામા સસરા થાય'. ત્યારે કહે, 'સારું.'

પ્રશ્શનકર્તા : તો બિલીફ પણ બુદ્ધિમાં ના આવે ?

દાદાશ્રી : ના, ના, રોંગ બિલીફ અહંકારથી છે. બુદ્ધિને બિલીફ કરવાનો રસ્તો જ નથી. એ તો અહંકારને બધીય રોંગ બિલીફ છે. રોંગ બિલીફ કરનારોય પોતે રોંગ બિલીફ છે. રોંગ બિલીફમાં રહીને રોંગ બિલીફ કરે છે. એ રાઈટ બિલીફમાં રહીને રોંગ બિલીફ નથી કરતો.

પ્રશ્શનકર્તા : આ રોંગ બિલીફ જડમાં છે કે ચેતનમાં છે ?

દાદાશ્રી : જડમાં જ, ચેતનમાં નામેય નહીં. ચેતનને કશું લેવાય નહીં ને દેવાય નહીં, સાઢું-સહિયારુંય નહીં.

પ્રશ્શનકર્તા : પણ આ બુદ્ધિમાં ના ગણાય ?

દાદાશ્રી : બુદ્ધિ સલાહકાર છે ખાલી. એ તો પ્રેસિડન્ટનું કામ છે, વડાપ્રધાન ખાલી સલાહ આપે. અંધો એ અહંકાર જ, બધુંય એનું જ છે અને પાછો કહેશે ? 'આ હું જ છું' કહેશે. બુદ્ધિય ના બોલે કે 'આ હું છું'. 'ચંદુભાઈય હું, આમનો સસરોય હું થઉં, આમનો મામોય હું થઉં', બધું એ જ. બુદ્ધિને ભાગે કશુંય નહીં, લુખ્ખી ને લુખ્ખી. સમજણેય એ પાડે છે. અહંકાર એની આંખે જ ચાલવાનો.

પ્રશ્શનકર્તા : આ રોંગ બિલીફ અને પુદ્ગલને સંબંધ ખરો ?

દાદાશ્રી : એવું કશું નહીં. રાઈટ બિલીફ હોય તો એવું કર્યા કરે, અને રોંગ બિલીફ હોય તોય એવું કર્યા કરે. બીજું કશું એમાં એને પોતાને સંબંધ છે જ નહીં. બિલીફ પ્રમાણે પરિણામ થયા કરે.

પ્રશ્શનકર્તા : પુદ્ગલ સાથે સંબંધ નથી પણ રોંગ બિલીફનું પુદ્ગલમાં પરિણામ ઉત્પન્ન થયા વગર રહે નહીં, એવું કહો છો ? તો પછી એ રોંગ બિલીફને અને રાઈટ બિલીફને ચેતન સાથે સંબંધ ખરો ?

દાદાશ્રી : ખરો ને ! મૂળ ચેતન જોડે નહીં, પણ જે ઊભો થયો તે અહંકાર સાથે સંબંધ છે.

પ્રશ્શનકર્તા : એ બરાબર સમજ ન પડી.

દાદાશ્રી : બિલીફો અહંકારની છે. રોંગ બિલીફો આમ જ ઊભી થાય છે, મૂળ અહમ્ને પરમાણુ નથી.

એ છે વ્યતિરેક ગુણ !

પ્રશ્શનકર્તા : અહંકાર એ વ્યતિરેક ગુણ કહેવાય ?

દાદાશ્રી : એ બધા વ્યતિરેક ગુણ જ છેને ! આત્માના ગુણ નથી, પુદ્ગલનાય ગુણ નથી.

પ્રશ્શનકર્તા : એમાં કયા તત્વોનું વિશેષ પ્રમાણ છે ?

દાદાશ્રી : અહંકાર તો પોતાની ગેરસમજ છે, 'હું કોણ છું' એ પોતાની સમજણ નહીં પડી ને લોકોએ કહ્યું કે 'આવો ચંદુલાલ !' તે આપણેય માની લીધું એ અહંકાર.

પ્રશ્શનકર્તા : આપણે જે અહંકાર શબ્દ વાપરવામાં આવે છે, એ કર્તાપણાનો અહંકાર એ કહેવા માંગે છે ?

દાદાશ્રી : અહંકાર શબ્દ તો ત્યાંથી શરૂઆત થઈ જાય, કે 'હું ચંદુભાઈ છું' એ રોંગ બિલીફ એ અહંકાર. કર્તા ત્યાર પછી થાય.

પ્રશ્શનકર્તા : શરીર સાથેનો તાદાત્મ્યભાવ એ જ અહંકાર ?

દાદાશ્રી : ના, એ દેહાધ્યાસ કહેવાય. અને અહંકાર તો એને કહેવાય કે 'હું ચંદુભાઈ છું'. એ રોંગ બિલીફ છે એને અહંકાર કહેવાય. 'હું શુદ્ધાત્મા છું' એ રાઈટ બિલીફ છે એ નિર્અહંકાર.

છ દ્રવ્યો ભેગાં, ત્યાંથી વિભાવ !

પ્રશ્શનકર્તા : છ દ્રવ્યો ભેગાં થયા કે તરત જ વિભાવ ઉત્પન્ન થયો ?

દાદાશ્રી : ભેગાં છે માટે વિભાવ છે જ. થયો નથી, ભેગાં છે ને વિભાવેય છે.

પ્રશ્શનકર્તા : ખાલી ભ્રાંતિ કરી કે મેં કર્યું એટલે ગરબડ થઈને?

દાદાશ્રી : ત્યારે બીજું શું ?

પ્રશ્શનકર્તા : ખાલી ભ્રાંતિમાંથી ખસી જાય...

દાદાશ્રી : તો ઉકેલ આવી જાયને !

પ્રશ્શનકર્તા : પછી વિભાવો ભલેને ઊભા હોય.

દાદાશ્રી : તેનો વાંધો નથી. એ 'પોતે' ખસી જાય તો એ છોને રહ્યા ! 'ખસનારો કોણ' એને જાણવું જોઈએ. 'હું ચંદુલાલ કે ઉમાકાંત', એને જાણવું જોઈએ. કારણ કે 'હું' જે ચંદુભાઈનામાં કામ કરતો'તો, અહંકાર તે 'હું' અહીંથી ખસીને મૂળ જગ્યાએ બેસી ગયો. 'હું' શુદ્ધાત્મામાં બેસી ગયો.

પ્રશ્શનકર્તા : અહંકાર એ વિભાવ છેને ?

દાદાશ્રી : હા, અહંકાર એટલે 'આ હું કરું છું'. જે નથી કરતો છતાં કહે છે 'હું કરું છું' એ અહંકાર.

પ્રશ્શનકર્તા : બીજા વિભાવો હતા અને અહંકાર છેલ્લે ઊભો થયો ?

દાદાશ્રી : ના, એ ઓટોમેટિકલી બધું સાથે જ થઈ જાય છે. ક્રોધ-માન-માયા-લોભ વ્યતિરેક ગુણો ઊભા થાય છે.

પ્રશ્શનકર્તા : જીવ અંદર ભળ્યો ત્યારે અહંકાર ઊભો થયોને ?

દાદાશ્રી : 'હું' તો છે જ, પણ હું જે છે તે એની જગ્યાએ નહીં વપરાતા, 'હું આ કરું છું' એ ભાન થયું ત્યારે અહંકાર થયો. એની જગ્યાએ બેસી જાય ત્યારે અહંકાર ઊડી ગયો.

પ્રશ્શનકર્તા : એટલે ક્રોધ-માન-માયા-લોભ તો ત્યાં હતાં જ ને ?

દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા પહેલાં. પછી છે તે ક્રોધ ને માન અહંકાર ગણાયો અને લોભ ને કપટને મમતા ગણાઈ. તે અહંકાર ને મમતા બેઉ શરૂ થઈ ગયાં.

પ્રશ્શનકર્તા : એટલે 'હું' તો હતું જ.

દાદાશ્રી : 'હું' ક્યાં જતું રહેવાનું હતું ? અસ્તિત્વ તો છે જ. 'હું છું જ', એ તો વાત સાચી છેને ?

વિભાવમાંથી અંતઃકરણ !

પ્રશ્શનકર્તા : અને સમસરણ માર્ગમાં પેઠો ત્યારથી જ વિભાવ એને વર્તે છે ?

દાદાશ્રી : એ પેઠો નથી, સમસરણ માર્ગમાં છે જ. 'આ બીજું કોઈ તો છે જ નહીં, મેં જ કર્યું આ', કહે છે.

પ્રશ્શનકર્તા : એ તો ઠેઠ બુદ્ધિ ઊભી થાય ત્યારે એને શરૂ થાય ને એવું ?

દાદાશ્રી : બુદ્ધિને બધું તો પછી ઊભું થાય છે. પણ એ તો એવી આંટી પડી જાય છે. પેલું માંકડું મહીં માટલીમાં આમ હાથ ઘાલેને, ચણા ખાવાની લાલચે આમ જોશથી હાથ ઘાલે મહીં. અને પછી મુઠ્ઠી વાળી એટલે પહોળું થયું પછી નીકળે નહીં હાથ. એટલે એને એમ લાગ્યું કે મને કોઈએ મહીંથી પકડ્યો ! માંકડું છે તે મુઠ્ઠી વાળે છે ત્યાં સુધી તો 'હું' હતો જ. મને કોઈએ પકડ્યો નથી, એમેય કહેતો'તો. મુઠ્ઠી વાળે છે ને નીકળતું નથી, એટલે એને વહેમ પડી જાય છે કે મહીંથી કોઈએ પકડ્યો મને. પણ એમ નથી ખબર પડતી કે મુઠ્ઠીવાળી તેને લીધે નીકળતો નથી. અલ્યા, મુઠ્ઠી છોડી દેને ! તો તું છૂટો જ છું. પણ એણે ના છોડી એટલે આંટી પડી ગઈ ત્યાં આગળ.

પ્રશ્શનકર્તા : જે ભ્રમ પડી ગયો હતો કે 'હું બંધાયેલો છું' તમે તો એ ભ્રમ છોડાવ્યોને ?

દાદાશ્રી : બસ, એ જ. એ જ છોડાવ્યો. અમે કહ્યું, 'મુઠ્ઠી છોડને, છુટ્ટો જ છું તું.' એટલે મુઠ્ઠી એ મમતા છે. અહંકારનો વાંધો નથી. મમતા છૂટી કે અહંકાર મૂળ જગ્યાએ જઈને બેસી જાય. પછી એનાં પરિણામ રહેને પછી ! પેલું માંકડું જે ખેંચાખેંચ કરતું'તુંને, મહીં છોલાઈ ગયેલું ને લોહી નીકળ્યું હોય, તે પરિણામ તો ભોગવવાં જ પડેને ! ચિત્કાર ચિત્કાર કરે. કેમ આમ ? ત્યારે કહે, 'મને કોઈએ પકડ્યો', એવું આ થયું છે.

એવું છે, તળાવમાં પેલાં પોયણાં ઊગે છે, કમળ જેવાં. આમ ઊંચા ફૂલ થાય. એની પર આવીને પોપટ બેસેને એટલે એ વળે આમ. પોપટને વહેમ પડે કે હું પડ્યો, પડ્યો ! તે એને પકડી લે. તે ઊંધો થઈ જાય પોપટ હઉ. એ ઊંધું થઈ જાય ને પછી પોપટ છોડી નહીં શકે. હું મરી જઈશ હવે. તે છોડે જ નહીં પછી. તે પરાણે પારધી પકડી જાય ત્યાં સુધી ના છોડે. એને આંટી પડી ગઈ. ઊડવાનું ભૂલી જાય, બધું ભાન જ ભૂલી જાય. 'આ આંટી પડી ગઈ, હવે હું પડી જઈશ.' તે કેવી કેવી આંટી જીવોને પડી જાય છે !

આ ચકલીઓ અરીસામાં ચાંચ માર માર કરે. 'અરે, ન હોય એ ચકલી ! હમણે તારી ચાંચ ઘસાઈ જશે, તોય કશું વળશે નહીં.' તોય એને અનુભવ નથી થતો. એને દેખાવમાં આવ્યું કે મારે છે એ.

અને બિલાડીને આમ અરીસો દેખાડો તો ? તે પહેલાં તો એય પણ ચમકે આમ. પછી ધીરે રહીને આમ જુએ, તેમ જુએ, નિકાલ કરે કે આ ન હોય, આ તો આવું ખોટું દેખાય છે. શું છે એ ના ખબર પડે પણ ખોટું દેખાય છે એવું એને લાગ્યું. કોઈ છે નહીં, ત્યાં આગળ બીજી બિલાડી નથી.

પ્રશ્શનકર્તા : એટલે રોંગ બિલીફ તો નાના પ્રકારના જીવોમાંય પડી જાય ખરી ?

દાદાશ્રી : રોંગ બિલીફ એટલે બેસી રહેવું, છૂટે નહીં પછી.

પ્રશ્શનકર્તા : એ એકેન્દ્રિય જીવો, બે ઇન્દ્રિય જીવો, બધામાં જ એવી રીતે ? રોંગ બિલીફ હોય એને ?

દાદાશ્રી : એ બધાને જ હોય. રોંગ બિલીફથી તો આ દશા થઈ, સંસારી દશા થઈ, એનું નામ રોંગ બિલીફ ! દેવ હોય, એકેન્દ્રિય હોય, બધેય. રોંગ બિલીફ જાય તો ભગવાન થઈ જાય.

પ્રશ્શનકર્તા : દેવોમાં પણ ?

દાદાશ્રી : દેવોમાંય સંસારી માત્ર, જેને સંસારી કહેવામાં આવે છે એ બધાય રોંગ બિલીફવાળા છે.

પરપોટે માન્યું, હું જ ધોધ !

પ્રશ્શનકર્તા : હવે આ સાંયોગિક પુરાવાઓ કર્તા છે, એવું આપણે કહીએ છીએ, એમાંથી એક પુરાવો આપણે પણ છીએ.

દાદાશ્રી : હા, 'આ' (ચંદુ) બધો આખો પુરાવો જ છે. આપણે તો શુદ્ધાત્મા એટલે આનાથી તદ્દન જુદા છીએ.

પ્રશ્શનકર્તા : પુદ્ગલરૂપે પુરાવા તો ખરાને ?

દાદાશ્રી : ના, એ પુરાવારૂપે ખરા, પણ આ પુદ્ગલ જેને આપણે પોતાનું માનીએ છીએને, એ તો આપણે સમજી ગયા કે આ પુદ્ગલ જુદું છે. એ જુદું એ એના પુરાવામાં છે, આપણે પુરાવામાં નથી.

પ્રશ્શનકર્તા : એ પુરાવો એમ માની બેઠો છે કે 'હું કરું છું' એમ ?

દાદાશ્રી : ના, પોતે ભાન નથીને એટલે પુરાવામાં પોતે 'હું જ છું' એમ માની બેઠોને, એટલે આ બધું પોતાના માથે લઈ લે છે.

પ્રશ્શનકર્તા : પેલી ખીચડીમાં જેમ પેલા ચોખા કહે કે હું જ ખીચડી છું, એવી વાત થઈ.

દાદાશ્રી : હા. એવું બધું. તેથી સંસાર ઊભો રહ્યોને ! એનું નામ દેહાધ્યાસ. સંસાર ઊભા રહેવાનું સાધન જ એ છે. આ ચાલુ જ્ઞાન, 'હું ચંદુભાઈ છું' એ જ્ઞાન તૂટી શકે નહીં કોઈ કાળે. એ તૂટ્યું એટલે અહંકાર ગયો. એનું નામ શુક્લધ્યાન ઉત્પન્ન થવું ને અહંકારનંુ જવંુ. આ તો દીવા જેવી ફેક્ટ વસ્તુ છેને !

પ્રશ્શનકર્તા : એટલે જે 'હું કરું છું' એવું પોતે ન રાખે તો વધારે સારું ?

દાદાશ્રી : પણ એ તો એવું થયા વગર રહે નહીંને ! એ તો જ્યારે જ્ઞાન આપીએ ત્યારે છૂટી જાય. પછી એ 'હું' અહંકાર વગરનું હોય. એનું ઝેર ચઢે નહીં પછી.

પ્રશ્શનકર્તા : દાદા, તો અહંકાર વગર તો પછી અસ્તિત્વ છે જ નહીં. અહંકાર ગયો કે તરત મોક્ષ થઈ ગયો ?

દાદાશ્રી : અહંકારથી જ આ જગત ઊભું રહ્યું છે. હવે ચાર્જ અહંકારથી કર્મ બંધાય છે અને બીજો છે, તે ડિસ્ચાર્જ અહંકારથી કર્મ છૂટે છે. તે જાનવરો-બાનવરોને, દેવલોકો, બધાને ડિસ્ચાર્જ અહંકાર. મનુષ્ય સિવાય કોઈ જગ્યાએ ચાર્જ અહંકાર ન હોય. ડિસ્ચાર્જ અહંકાર બધામાં, જીવમાત્રમાં, ગાયો-ભેંસો, બધા, ઝાડ, પછી જળચર, ખેચર, ભૂચર, બધું દેવલોકો, નર્કના લોકો બધા પાસે છે.

પ્રશ્શનકર્તા : તો અહંકાર ડિસ્ચાર્જ થઈ જાય અને પછી પૂર્ણ મોક્ષ થાય, ત્યારે અસ્તિત્વ તો નહીંને ? કઈ રીતનું અસ્તિત્વ હોય ?

દાદાશ્રી : પછી તમારે આ જે ઇન્ટ્રિમ ગવર્નમેન્ટ છે તે ફૂલ ગવર્નમેન્ટ થઈ જાય. એટલે પછી કેવળજ્ઞાન થાય, એ દેહે પછી નિર્વાણ થઈ જાય. પછી મુક્તિમાં એની શરૂઆત થઈ ગઈ, આદિઅનંત કાળ સુધી. પછી એનો અંત નહીં આવવાનો.

પ્રશ્શનકર્તા : જે બધું ભરેલું હતું તે ડિસ્ચાર્જ થવાનું શરૂ થઈ ગયું.

દાદાશ્રી : ડિસ્ચાર્જ રહ્યો, ડિસ્ચાર્જ થવાનું શરૂ તો ક્યાંથી થયું ? સાદિસાંત સુધી. સાદિ એટલે અમે જ્ઞાન આપીએ, ત્યારથી સ-આદિ શરૂઆત થઈ ડિસ્ચાર્જ થવાની. અને જ્યારે નિર્વાણ થઈએ ત્યારે સ-અંત આવી ગયો, એ ડિસ્ચાર્જ થવાની સ્થિતિનો. અને પછી સાદિ એટલે કેવળ ચોખ્ખી સિદ્ધદશાની શરૂઆત થઈ અને એ અનંત કાળ સુધી રહેશે !

તન્મયાકાર થાય, તેય અહંકાર !

અહંકાર જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો.

પ્રશ્શનકર્તા : પહેલાં આમ જોવા-જાણવાનો અહંકાર ઉત્પન્ન થાય છેને ?

દાદાશ્રી : એ અહંકાર ઉત્પન્ન થાય છે એય જ્ઞેય છે. એ જાણવાનું, એય જોવા-જાણવાની જ ક્રિયા છે. ચંદુભાઈ જ્ઞેય છે. ચંદુભાઈને જ જુએ-જાણે, ચંદુભાઈ શું કરી રહ્યા છે ને શું નહીં, ચંદુભાઈ જે કરે એ બધી ચંદુભાઈની ક્રિયાઓને જાણે એ શુદ્ધાત્મા. કો'કનું અવળું ચિંતવન કરે તેય જાણે, સવળું ચિંતવન કરે તેય જાણે, બધું જ જાણે, એ જાણનાર બંધાય નહીં, અજાણનાર બંધાય.

વિજ્ઞાન, દ્ષ્ટિ-દ્રષ્ટાતણું !

પ્રશ્શનકર્તા : ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, આમાં ધ્યેય તો આપણે જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરવો છે તે છે, તો આમાં ધ્યાતા કોણ ?

દાદાશ્રી : ધ્યાતા આ સમ્યક દ્ષ્ટિ, 'પોતે'. 'પોતે' હવે સમ્યક દ્ષ્ટિવાળો થયો. પહેલાં 'પોતે' મિથ્યા દ્ષ્ટિવાળો હતો. તે ધ્યાતા થયો ત્યારે સમ્યક દ્ષ્ટિવાળો થયો. એનો એ અહંકાર મિથ્યા દ્ષ્ટિવાળો હતો, પછી એનો એ અહંકાર સમ્યક દ્ષ્ટિવાળો થયો. એટલે પોતે ધ્યાતા થયો. ધ્યાતા થયો એટલે નિરંતર આત્માના ધ્યાનમાં રહેવો જોઈએ. ધ્યેય ધ્યાનમાં રહે એનું નામ મોક્ષ. ધ્યેય છે આત્મા, એ તમારા ધ્યાનમાં નિરંતર રહે, એ જ મોક્ષ.

પ્રશ્શનકર્તા : અને ધ્યાન શું ?

દાદાશ્રી : 'તમે શુદ્ધાત્મા છો' એ ધ્યાન તમને રહે છે કે ભૂલી જવાય છે ?

પ્રશ્શનકર્તા : નથી ભૂલાતું.

દાદાશ્રી : તો એ જ ધ્યાન. આ શુક્લધ્યાન છે. આ રોંગ બિલીફો ફ્રેક્ચર કરી નાખે ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફો એટલે સમ્યક દર્શન. એટલે પછી 'હું ચંદુભાઈ ન હોય', 'હું શુદ્ધાત્મા છું' એવી બિલીફ બેસી જાય. બંને અહંકારની જ દ્ષ્ટિ છે. પેલી દ્ષ્ટિ એ દ્શ્યને જોતી હતી, ભૌતિક વસ્તુને અને આ દ્ષ્ટિ ચેતન વસ્તુને જુએ. ચેતન છે તે દ્રષ્ટા છે અને પેલું બીજું બધું દ્શ્ય છે. ચેતનના દ્રષ્ટા અને જ્ઞાતા બન્ને ગુણ છે.

પ્રશ્શનકર્તા : દ્ષ્ટિ એ દ્રષ્ટાનું કાર્ય છેને ?

દાદાશ્રી : ના.

પ્રશ્શનકર્તા : તો દ્ષ્ટિ શું છે ?

દાદાશ્રી : દ્ષ્ટિ તો અહંકારને છે, આત્માને દ્ષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે. મહીં અંદર ઝળકે ! પોતાની અંદર જ બધું ઝળકે !

પ્રશ્શનકર્તા : તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ?

દાદાશ્રી : એ અહંકારને દ્ષ્ટિ થાય છે. પેલી મિથ્યા દ્ષ્ટિ હતી, તેનાં કરતાં 'આમાં' વધારે સુખ પડ્યું એટલે પછી એ અહંકાર ધીમે ધીમે 'આમાં' ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, બસ ! જેમ સાકરની પૂતળી હોય ને, તેલમાં નાખીએ તો ઓગળે નહીં પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દ્ષ્ટિ થઈ કે બધું ઓગળવા માંડે, ત્યાં સુધી અહંકાર છે.

આમાં છેટો રહ્યો તે 'જ્ઞાની' !

પ્રશ્શનકર્તા : આ અંતઃકરણ આખું ઊભું થયું છે એ અને વિશેષ પરિણામ, એ બેનો શું સંબંધ છે ?

દાદાશ્રી : વિશેષ પરિણામથી ક્રોધ-માન-માયા-લોભ એ ઊભંુ થાય ને પછી અંતઃકરણ બધંુ ઊભું થયું છે.

પ્રશ્શનકર્તા : વિશેષ પરિણામમાં અહમ્ ઊભો થાય છે એવું આપે કહેલું અને અંતઃકરણમાં મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, એ અહંકાર, બન્નેમાં શો ફેર ?

દાદાશ્રી : એ જ બધું છે, એક વસ્તુ છે. એ બધાં વિશેષ પરિણામ. વિશેષ પરિણામમાં ખરેખર ક્રોધ-માન-માયા-લોભ ચાર જ હોય. એમાંથી આ બધી એની વંશાવળી.

પ્રશ્શનકર્તા : આ વિશેષ પરિણામ એટલે આત્મા અને અનાત્મા ભેગા થવાથી ઉત્પન્ન થનારું પરિણામ ?

દાદાશ્રી : આત્મા અને જડ વસ્તુ જોડે આવવાથી.

પ્રશ્શનકર્તા : હવે અજ્ઞાનીને પણ આત્મા ને જડ વસ્તુ જોડે છે અને જ્ઞાની પુરુષની પાસે પણ જડ વસ્તુ ને આત્મા છે, તો અહીં જ્ઞાનીમાં વિશેષ પરિણામ નથી હોતું ?

દાદાશ્રી : એમને જોડે નથી, એનું નામ જ્ઞાનીને ! એમને જુદું પડ્યું.

પ્રશ્શનકર્તા : એ ના સમજાયું.

દાદાશ્રી : 'એ' જોડે હોત તો વિશેષ પરિણામ રહેને, એ પછી વિશેષ પરિણામ જ આવ્યું. પણ જોડે છે, એને છૂટાં કરી નાખેને !

પ્રશ્શનકર્તા : એટલે વિશેષ પરિણામ અહીં છૂટું પાડવું પડે છે એમ ?

દાદાશ્રી : તે બે જોડે છે, ટચોટચ અડીને છે એટલે આ વિશેષ પરિણામ બધું થાય. પણ પછી 'એ' અડતો બંધ થઈ જાય, છૂટું થઈ જાય એટલે કશું નહીં.

પ્રશ્શનકર્તા : બરોબર છે. એટલે જ્યાં સુધી પુદ્ગલ પરિણામને પોતાનાં માને છે એ વિશેષ પરિણામનું મૂળ કારણ છે ?

દાદાશ્રી : હા, જોડે થવાથી એ પોતાનાં મનાય, એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થાય છે. એનાથી આ બધું દેખાય છે. સંસાર ઊભો થયો પછી. પોતાનું માન ને બધું એનાથી ઊભું થાય. અંતઃકરણ બધું એનાથી ઊભું થઈ ગયું. અને મન તો અહંકારે ઊભું કર્યું છે. એ અહંકારની વંશાવળી છે, એના વારસદારો.

પ્રશ્શનકર્તા : એટલે અહંકારનું ક્રિયેશન મન ?

દાદાશ્રી : મન એ ક્રિએશન બીજા કોઈનું નથી, અહંકારનું છે.

પ્રશ્શનકર્તા : અત્યારનો વિચાર આવવો એ અત્યારના અહંકારનું ક્રિએશન છે ?

દાદાશ્રી : આગળનું છે એ. અત્યારે આવે છે એ બધું પરિણામ છે. એમાં પાછું બીજ પડે એટલે આવતા ભવે કામ લાગે. જૂનું પરિણામ ભોગવે ને નવું બીજ છે તે નાખે. અત્યારે કેરી ખાય, રસ-બસ ખઈ ગયો ને પાછો ગોટલો નાખે, તે ગોટલો ઊગે.

પ્રશ્શનકર્તા : આ બીજ નાખવું એ વિશેષ પરિણામ ગણાય છે?

દાદાશ્રી : વિશેષ પરિણામ તો બે જોડે હોય ત્યારે થાય. એની મેળે ઊભાં થાય. એ દ્ષ્ટિ છે એક જાતની. એને ક્રોધ-માન-માયા-લોભ થાય અને બીજ તો, એ પછી ભ્રાંતિથી પાછો બીજ નાખે છે. આ ગોટલાને શું કરવું તે ખબર નથી એટલે પાછો નાખે, તે પછી ઊગે છે અને જો ગોટલાને શેકી નાખે તો ના ઊગે. એવું જ્ઞાન જાણે તો, એવું આમાં કર્તારહિત થાય તો એ ના ઊગે. અક્રિય થાય એટલે ઊગે નહીં. આ બધી વાતમાં તારે મુખ્ય વસ્તુ જાણવી શું છે એ કહેને ?

પ્રશ્શનકર્તા : એટલે આ સામીપ્યભાવને લીધે વિશેષ પરિણામ ઊભું થાય છે અને વિશેષ પરિણામને પોતાનાં માને છે ત્યાં સુધી પેલું બીજ પડ્યા કરે છે ?

દાદાશ્રી : એ બરોબર છે. પોતાનું માને એટલે પછી બીજ પડ્યા જ કરેને !

પ્રશ્શનકર્તા : અને આ વિશેષ પરિણામ છે એવું જે જાણે છે એ જ સ્વપરિણામ છે ?

દાદાશ્રી : હા, એ જ સ્વપરિણામ છે.

પ્રશ્શનકર્તા : એટલે આ વિશેષ પરિણામ છે એમ જાણ્યું એને અજ્ઞાનથી મુક્તિ કીધી ?

દાદાશ્રી : હા. અને વિશેષ પરિણામ એ જ સંસાર. વિશેષ પરિણામ નહીં તે મુક્તિ. 'મેં કર્યું' એવો આધાર આપ્યો કે કર્મ બંધાયું.

પ્રશ્શનકર્તા : જડ અને ચેતન ભેગાં થવાથી ક્રોધ-માન-માયા-લોભ એ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે. પણ અજ્ઞાનતા હોય તો, એ પાછું જોડે કહ્યું. જ્ઞાનીને ક્રોધ-માન-માયા-લોભ ઉત્પન્ન થતાં નથી.

દાદાશ્રી : જોડે હોય તો જ્ઞાનીનેય થાય, પણ જોડે આવ્યું તો પછી જ્ઞાની રહ્યો જ ક્યાં ?

પ્રશ્શનકર્તા : એ ના સમજાયું.

દાદાશ્રી : બે વસ્તુ જોડે રહી એટલે પછી પેલાં પરિણામ તો ઊભાં થાય જ ને ? પછી ખસેડી નાખ્યું એટલે ના થાય. આ બે વસ્તુ જુદી થઈ ગઈ, આઘી, છેટી પડી એટલે જ્ઞાની અને નજીક એ અજ્ઞાની.

પ્રશ્શનકર્તા : પણ આમાં આપ વાતો કરો છો, આ બધો વ્યવહાર કરો છો, લોકો જુએ છે તો આ વ્યવહાર તો જડનો થાય છેને ?

દાદાશ્રી : એ તો થયા કરે, પછી ?

પ્રશ્શનકર્તા : તો આમાં વિશેષ પરિણામ નથી થતાં એ કઈ રીતે ખબર પડે ?

દાદાશ્રી : તન્મયાકાર પરિણામ થતાં હતાં મનમાં, 'એ' જુદો પડ્યો. મન જુદું ને 'હું' જુદો, એટલે ત્યાં આગળ છૂટું પડ્યાનું પરિણામ દેખાયું આપણને.

પ્રશ્શનકર્તા : છૂટું પડ્યું એટલે શું કહ્યું ?

દાદાશ્રી : એ છૂટું પડ્યું એનું પરિણામ દેખાયું આપણને. મન અને પોતે બે જુદાં પડ્યાં. જ્ઞાનીને મન કામનું નહીં. જ્ઞાનીને મન જ્ઞેય સ્વરૂપ છે. એમને મન વર્કીંગ ઓર્ડરમાં નહીં.

પ્રશ્શનકર્તા : એટલે મન તો એનું ફંકશન કર્યા જ કરતું હોય.

દાદાશ્રી : એ એનું પાછલું પરિણામ છે, નવું ના થાય. મનને જોયા જ કરે કે મનમાં શું વિચાર આવે છે, બધાં પાછલાં પરિણામ શું થાય છે, એ બધું જોયા કરે. પહેલાં જોતો ન હતો, વિચારતો હતો અને વિચરતો હતો એ જ વિચાર.

પ્રશ્શનકર્તા : અને એને જ વિશેષ પરિણામ કીધું ?

દાદાશ્રી : ના, વિશેષ પરિણામ તો જોડે આવે તે.

પ્રશ્શનકર્તા : એટલે જોડે એ કોને કહો છો ?

દાદાશ્રી : આ બધાં તત્ત્વો છે તે પરમાણુઓ જોડે ફર્યા કરે. એમાં આ ચેતન અને પુદ્ગલ, બે જોડે આવ્યાં એટલે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય. બીજાં બધાં તત્ત્વો મળે, ભેગાં થાય ને ના પણ ભેગાં થાય. પણ આ જડ અને ચેતન બે ભેગાં થાય એટલે વિશેષ પરિણામ થઈ જાય.

પ્રશ્શનકર્તા : પણ જ્ઞાની અત્યારે વ્યવહારમાં છે તો બીજાં તત્ત્વો પણ સંબંધમાં છે જ ને અત્યારે ?

દાદાશ્રી : હોય જ ને !

પ્રશ્શનકર્તા : તો એ તત્ત્વો ભેગાં થયાં કહેવાયને ?

દાદાશ્રી : એ તો કાળને અનુરૂપ થયું. એને ભેગાં થયાં ના કહેવાય. એ તો પરિણામક છે. ભેગાં થવું એટલે કૉઝમાં હોય. પરિણામ તો ઇફેક્ટ છે.

વ્યવહાર આત્મા એ જ અહંકાર !

પ્રશ્શનકર્તા : હવે વિભાવ અવસ્થામાં પોતે ઉપયોગ મૂકે છે એટલે આત્માને કર્મ બંધાય છે. એટલે આ આત્માનો જ ઉપયોગ વિભાવ દશામાં જાય છે. જો એ સ્વભાવમાં રહે તો એને કર્મ બંધાતું નથી. એ બરોબર છે ?

દાદાશ્રી : ના, ખોટી વાત છે. આત્મા નિરંતર સ્વભાવમાં જ રહે છે, એ જ મૂળ આત્મા. અને જે સ્વભાવ ને વિભાવ થયા કરે છે એ વ્યવહાર આત્મા છે. મૂળ આત્મા તો નિરંતર મુક્ત જ છે, અનાદિ મુક્ત છે. અંદર બેઠેલો છે પાછો. વ્યવહાર એટલે અત્યારે જે માનેલો 'આત્મા' છે એ વિભાવિક છે અને વ્યવહાર આત્મામાં આટલું પણ ચેતન નથી.

પ્રશ્શનકર્તા : આ વ્યવહાર આત્મા છે એ જ અહંકાર છે ?

દાદાશ્રી : હા, એ જ અહંકાર છે. અને એમાં સેંટ પણ ચેતન નથી. જુઓ, ચેતન વગર કેવું જગત ચાલ્યા કરે છે ! આ વર્લ્ડમાં પહેલી વખત બહાર પાડું છું કે આમાં ચેતન નથી.

પ્રશ્શનકર્તા : આપે અમને જ્ઞાન આપ્યું એ પહેલાં તો અમારો આત્મા, વ્યવહાર આત્મા હતોને ?

દાદાશ્રી : હા, બીજું શું હતું ત્યારે ? આ વ્યવહાર આત્મામાં રહી અને તમે મૂળ આત્માને જોયો. એને જોયો ત્યાંથી સ્થંભિત થઈ ગયા કે ઓહોહો ! આટલો આનંદ છે ! એટલે પછી એમાં જ રમણતા ચાલી. પહેલાં રમણતા સંસારમાં, ભૌતિકમાં ચાલતી હતી.

આત્મરમણતા કરનારો અહંકાર !

તમારે આત્માની રમણતા બરાબર રહે છેને ?

પ્રશ્શનકર્તા : હા, દાદા.

દાદાશ્રી : દેહ દેહનો ધર્મ બજાવે. એ દેહ કંઈ આત્મરમણતા કરે ? મન મનનો ધર્મ બજાવે અને અહંકાર આત્મરમણતા કરે. એ જે પહેલાં સંસારમાં અહંકાર કરતો હતો, તેને બદલે હવે આત્મા ભણી રમણતા કરે. એટલે આત્મરમણતા ઊભી થઈ, એ નિરંતર હોય. કારણ કે બીજું બધું પોતપોતાના ધર્મમાં છે દેહ દેહના ધર્મમાં છે. દેહ ધર્મ બજાવે ખરોને ? સંડાસ ના થાય તો દવા લેવડાવે, રાગે આવી જાયને !

આ તો લોકોએ ભ્રાંતિથી બધા ધર્મને 'હું કરું છું' એમ માને, મારો ધર્મ છે. સંડાસ જવું એ મારો ધર્મ, ખાવું-પીવું તે મારો ધર્મ, પેટમાં દુખ્યું તેય મારો ધર્મ. પેટમાં દુખ્યું એ કંઈ આત્માનો ધર્મ હોતો હશે ? એ દેહનો ધર્મ જ છે.

પ્રશ્શનકર્તા : આ આત્માને ઈગોઈઝમથી છૂટો પાડી દે, તો પછી દેહમાં પણ મોક્ષનો અનુભવ થાયને ?

દાદાશ્રી : છૂટું એને જ થવાનું છે. જે ઈગોઈઝમ ઉત્પન્ન થયો છે, તે ઈગોઈઝમ નાશ થઈ જાય એટલે આત્મા છૂટો જ છે.

અહંકાર - કર્તાપણાનો, ભોક્તાપણાનો !

પ્રશ્શનકર્તા : આ જ્ઞાન લીધા પછી ચરણવિધિમાં આપણે બોલીએ છીએ ને કે 'હું શુદ્ધાત્મા છું', એમાં બે વસ્તુ આવે છે. એક વ્યવહારનું આવે છે, કે આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાવ અને 'હું શુદ્ધાત્મા છું' એવા વાક્ય પણ આવે છે.

દાદાશ્રી : એનો એ જ 'હું' પણ અમલ ક્યાં કર્યો તે ? વ્યવહાર એટલે અમલ કરેલી વસ્તુ, 'હું શુદ્ધાત્મા' તે સાચું અને પેલું બધું 'હું' જ્યાં વાપર્યો તે વિકલ્પ કહેવાય. એટલે જે બંધાયેલો છે તે છૂટવા માટે આ બધાં ફાંફાં મારે છે.

પ્રશ્શનકર્તા : એટલે અહંકાર બંધાયેલો છે ?

દાદાશ્રી : ત્યારે બીજું કોણ ? ચંદુભાઈ, અહંકાર, પ્રતિષ્ઠિત આત્મા, જે ગણો તે, એ બંધાયેલો છે, દુઃખેય એને જ છેે. જેને દુઃખ છે એ મોક્ષમાં જવા માટે ફાંફા મારી રહ્યો છે. દુઃખમાંથી મુક્ત થવું એ મોક્ષ. દુઃખ જેને પડતું હોય તે સુખ ખોળે. બંધાયેલો હોય તે છૂટો થવા ફરે છે. આ બધું બંધાયેલા માટે છે. આમાં શુદ્ધાત્મા માટે કશું નથી.

પ્રશ્શનકર્તા : જો ચંદુભાઈને છૂટવું હોય અને ચંદુભાઈ બોલતો હોય તો 'હું શુદ્ધાત્મા છું', એ વાક્ય કેવી રીતના આવે ?

દાદાશ્રી : એય બોલાય જ ને !

પ્રશ્શનકર્તા : તો ચંદુભાઈ કેવી રીતના બોલી શકે, 'હું શુદ્ધાત્મા છું' એમ ?

દાદાશ્રી : બોલે જને ! પણ એ તો ટેપરેકર્ડ છેને ! એ ચંદુભાઈ હતા તે દહાડાની વાત છેને ? અને આપણે અત્યારે તો 'હું' આ થયા છે, રિયલી સ્પિકીંગ 'હું શુદ્ધાત્મા છું', રિલેટિવલી સ્પિકીંગ 'ચંદુભાઈ', એમાં શું વાંધો છે ? કયા વ્યૂ પોઈન્ટથી હું આ બોલું છું ?

પ્રશ્શનકર્તા : એટલે આમાં બેઉ વ્યૂ પોઈન્ટ આવે છે.

દાદાશ્રી : વ્યૂ પોઈન્ટ બધાય. કેટલા બધા વ્યૂ પોઈન્ટ છે ! પણ આમાં મુખ્ય બે જ. વ્યૂ પોઈન્ટ તો ત્રણસો સાઠ ડિગ્રીનો. આ ડિગ્રીએ હું આનો સસરો થઉં, આ ડિગ્રીએ હું આનો ફાધર થઉં, આ ડિગ્રીએ આનો મામો થઉં.

પ્રશ્શનકર્તા : 'હું શુદ્ધાત્મા છું' કહીએ એટલે અહંકાર પૂરો ખલાસ થઈ જાયને ?

દાદાશ્રી : ખલાસ થઈ ગયો છે. ફક્ત ભોગવવાનો અહંકાર રહ્યો છે. કર્તાપદનો અહંકાર ઊડી ગયો છે અને ભોક્તાપદનો અહંકાર રહ્યો છે. અહંકાર વગર જીવે નહીં. હાથ-પગ હલાવે નહીં. પણ એ ડિસ્ચાર્જ છે, એમાં જીવ નથી અને પેલામાં જીવ છે, એમાં પાવર છે.

પ્રશ્શનકર્તા : આ જીવમાં જે અહંકાર છે, તે 'હું શુદ્ધાત્મા છું' કહીએ એટલે ખલાસ થઈ જાયને ?

દાદાશ્રી : જ્ઞાન લીધા પછી કર્મો બાંધતો અહંકાર ગયો અને ભોગવતો અહંકાર રહ્યો છે.

સુબહ કા ભૂલા, શામકો ઘર લૌટ આયા !

પ્રશ્શનકર્તા : આપણે જે 'હું શુદ્ધાત્મા છું'નું ધ્યાન ધરીએ છીએ તે ઘડીએ 'હું શુદ્ધાત્મા છું' જે બોલે છે, તે પુરુષ બોલે છે કે પ્રકૃતિ બોલે છે ?

દાદાશ્રી : એ તો 'હું' બોલે છે, 'હું'. જે સ્વરૂપ આપણે 'હું' થયા તે બોલે છે. પહેલાં 'હું' છે તે 'ચંદુભાઈ છું' બોલતા હતા. હવે 'હું' શુદ્ધાત્મા થયા, તે બોલે છે. પહેલાં 'હું' છે તે 'હું' આરોપિત ભાવમાં હતું, તે સ્વભાવમાં આવી ગયું. એ પોતે પુરુષ જ બોલે છે.

પ્રશ્શનકર્તા : આ વિધિ કરીએ છીએ ત્યારે 'હું શુદ્ધાત્મા છું' એવું બોલીએ છીએ ત્યારે શું થાય છે ?

દાદાશ્રી : બહારનો ભાગ સ્થિર થઈ જાયને ત્યારે એ સ્થિરતાનો એને અનુભવ થાય.

પ્રશ્શનકર્તા : એટલે ત્યાં વધારે સ્થિર થાય ને બહાર વધારે અસ્થિર રહે એમ ?

દાદાશ્રી : અહીં મૂકે એટલે સ્થિર થઈ જાય. સ્થિર થાય એટલે ત્યાં આગળ આપણી વાત પહોંચે. આપણે 'શુદ્ધાત્મા' બોલીએ તે ત્યાં આગળ સ્વભાવને પહોંચે અને દહાડે દહાડે આવરણ તૂટતાં જાય.

પ્રશ્શનકર્તા : આ 'હું' જે છે એ પ્રકૃતિ છે કે આત્મા છે ?

દાદાશ્રી : 'હું' ? 'હું' શબ્દ વસ્તુ જુદી છે. પણ 'હું' દુરુપયોગ થયો છે. 'હું' શુદ્ધાત્મામાં, આત્મામાં વપરાય તો વાંધો નથી અને બીજી જગ્યાએ, આરોપિત ભાવે વપરાય તો અહંકાર કહેવાય. એટલે જગત અહંકારી છે. અને 'હું' ગુરુ થયો પાછો ! એટલે ગુરુ એટલે ભારે ને ભારે એટલે ડૂબે !

એટલે આ 'હું છું' તે અવળી જગ્યાએ વપરાતું હતું. અસ્તિત્વ તો છે જ. પોતે 'હું છું' એમ છે જ પણ 'હું શું છું ?' એ ભાન નહીં હોવાથી 'હું ચંદુભાઈ છું', 'હું ડૉક્ટર છું', 'હું ક્લેક્ટર છું', 'આમનો સાળો થાઉં, આમનો બનેવી થાઉં' આવું બોલ બોલ બોલ કરતો હતો. તે બધું ખોટું નીકળ્યું. હવે 'હું શુદ્ધાત્મા છું' એ સાચું નીકળ્યું.

અવળું જવાની ક્રિયા હતી, તે સવળું આવવાની ક્રિયા કહેવાય છે આ. પોતે શુદ્ધાત્મા 'એક્ઝેક્ટ' થાય નહીં ત્યાં સુધી જેટલું અવળું ચાલ્યા હતા, તે પાછું સવળું આવવું પડે. 'હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું' બોલેલા તે એટલું જ પાછું આપણે 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' બોલીએ ત્યારે ગાડું આગળ ચાલે.

પ્રશ્શનકર્તા : એટલે આ અહંકાર જ બોલે છેને ? જે અવળો ચાલ્યો હતો તે જ હવે...

દાદાશ્રી : 'હું', 'હું' બોલે છે, અહંકાર નથી બોલતો. અહંકાર તો જુદો રહે. અહંકાર ના બોલે. 'હું', 'હું' પોતાનું સ્વરૂપ જ. હવે સ્વરૂપ જાતે બોલે નહીં. પણ આ ક્રિયા એના તરફની ફરેલી છે. શુદ્ધાત્મા આપણે બોલીએ છીએ, તે શુદ્ધાત્માય પોતે શબ્દ નથી. હવે તમારી શ્રદ્ધા ફરી, બિલીફ ફરી, તેમ તેમ આવરણ તૂટતું જાય. આવરણ તોડનારી વસ્તુ છે આ. પણ 'હું'નું અસ્તિત્વ, 'હું શુદ્ધાત્મા છું' એ જ ભાન છે. ભાનમાં ફેરફાર થયો. અહંકાર હોય તો કામમાં જ ના લાગે. એ વસ્તુ જ જુદી છે. અહંકારને લેવાદેવા નથી. અહંકાર ઓગળ્યા પછી તો પોતાનું સ્વરૂપ, 'એ'(ભાન) થાય. આ વચગાળાનું બધું કહેવાય છે.

એટલે બહુ ઊંડા ના ઊતરવું આ. શેને માટે ઊંડા ઊતરો છો? આપણને અનુભવ જે થાય છે તેમાં જ રહેવું. બહુ ઊંડા ઊતરશો તો કંઈનું કંઈ ખસી જશે એમાં. જરૂર શું છે આની ? 'હું શુદ્ધાત્મા છું' એ કોણ બોલે છે ને કોણ નથી બોલતું ? આત્મા તો શબ્દ બોલતો જ નથી. તમે મને પૂછો એટલે હું તમને સમજાવું, પણ મારા શબ્દ ઠેઠ પહોંચશે નહીં ને કંઈક ખસી જશે.

અવળો ચાલે તો શૈતાન ને સવળો તો ભગવાન !

પ્રશ્શનકર્તા : અહંકાર ઇટસેલ્ફ (પોતે જ) જ આડાઈ કહેવાયને ? અહંકાર પોતે જ આડાઈ સ્વરૂપ કહેવાય ને ?

દાદાશ્રી : અહંકાર તો, અહંકારને ઓળખે તો ભગવાન બનાવે. અહંકાર તો ભગવાન બનાવે એવો છે. અને એ અહંકાર બધુંય કરે. એમાંથી ઊભું થયેલું છે. અહંકાર ખોટો નથી. આ જ્ઞાનીઓનો અહંકાર સવળો ચાલેને તે છેલ્લા પદમાં બેસાડીને, ઠેઠ ભગવાન સુધી લઈ જાય. શુદ્ધ અહંકાર થતો થતો થતો અશુદ્ધમાંથી અશુભમાં આવે, અશુભમાંથી શુભમાં આવે, શુભમાંથી શુદ્ધ થાય પણ અહંકાર તેનો તે જ.

પ્રશ્શનકર્તા : આ તો આપનું વાક્ય એવું નીકળેલું કે અહંકારને ઓળખે તો ભગવાન બનાવે એવો છે. એટલે અહંકારને ઓળખવાનો ?

દાદાશ્રી : અહંકારને ઓળખે તો બહુ થઈ ગયુંને ! કોઈ અહંકારને ઓળખી શકે નહિને ?

પ્રશ્શનકર્તા : એ ના સમજાયું. અહંકારને ઓળખવો એટલે શું ?

દાદાશ્રી : અહંકારને ઓળખે એટલે આખા પુદ્ગલને ઓળખવું. 'હું'ના કહેનારને સારી રીતે ઓળખવા. આખા પુદ્ગલને ઓળખ્યું, તો ભગવાન જ થઈ ગયોને !

પ્રશ્શનકર્તા : એ 'હું' એટલે આખું પુદ્ગલ ઓળખવું એવુંને ?

દાદાશ્રી : 'હું' એટલે જ આખું પુદ્ગલ. હું એટલે બીજું કોઈ નહિ. હંમેશાં ડ્રાઇવ કરે, તે એંસી ફૂટ લાંબી બસ હોય પણ ડ્રાયવર આમ સ્ટિયરીંગ ફેરવે તો તે સમજશે કે પેણે પૈડાં ક્યાં ફરે છે ! એટલે પોતાનું આખું સ્વરૂપ જ માને, એ એંસી ફૂટની બસને. અને ત્રીસ ફૂટની બસ હોય તો ત્રીસ ફૂટ માને. પાંચ ફૂટની ગાડી હોય તો પાંચ ફૂટ માને.

પ્રશ્શનકર્તા : એટલે એ અહંકાર તે રૂપે થઈ જાય, એમ ?

દાદાશ્રી : એ એનો અહંકાર આટલો બધો વિસ્તૃત થઈને કામ કરે, તેથી તો આટલા હારુ અથડાવાનું રહી ગયું હોય. હા, આખાય સ્વરૂપે કામ કરે. માટે આ પુદ્ગલ બધું અહંકારનું જ છે. એ અહંકારને ઓળખે એનું કલ્યાણ થઈ જાય. અહંકાર કરે છે ખરા બધા, પણ ઓળખતા નથીને !

પ્રશ્શનકર્તા : આમાં અહંકાર અને એને ઓળખનારો કોણ ?

દાદાશ્રી : ઓળખનારો એ જ ભગવાન છે.

પ્રશ્શનકર્તા : હવે એ અહંકારને પુદ્ગલનું સ્વરૂપ કીધું, તો એ અહંકાર પણ ભગવાન થાય છે પાછો ?

દાદાશ્રી : એ અહંકાર શુદ્ધ થતો થતો થતો શુદ્ધ અહંકાર થાય છે ત્યારે આ 'ભગવાન' ને 'એ' બધું એકાકાર થઈ જાય છે. શુદ્ધ અહંકાર એ જ શુદ્ધાત્મા છે. અશુદ્ધ અહંકાર એ જીવાત્મા.

પ્રશ્શનકર્તા : અહંકારનું સ્વરૂપ ઓળખાય ત્યાર પછી 'એ' શુદ્ધ તરફ જાય છે ?

દાદાશ્રી : હા, ત્યારે જ ને ! પણ તે આખું ઓળખાય નહીં. આખું ઓળખાય તો ભગવાન થઈ ગયો.

પ્રશ્શનકર્તા : હવે અહંકાર પુદ્ગલનું સ્વરૂપ કીધું, તો એ પોતે એમાંથી શુદ્ધ થાય છે કઈ રીતે ? અશુદ્ધ તરફથી શુદ્ધમાં એ કઈ રીતે આવે છે ?

દાદાશ્રી : એ શેની ભજના છે ? શુદ્ધની ભજના હોય તો શુદ્ધ થાય. 'હું શુદ્ધાત્મા છું' એ ભજના હોય તો શુદ્ધ થાય, નહિ તો 'હું રાજા છું' તો રાજા થઈ જાય.

પ્રશ્શનકર્તા : એટલે પેલી પુદ્ગલની ભજના કરી છે, ત્યાં સુધી અહંકારનું અસ્તિત્વ ઊભું રહ્યું છેને ?

દાદાશ્રી : પણ કોણે ભજના કરી ? એ અહંકાર જ. અશુદ્ધની ભજના કરે છે ત્યાં સુધી આવો થાય છે, શુદ્ધની ભજના કરે તો આવો શુદ્ધ થઈ જાય. જેવું ચિંતવે એવો થયા કરે. આખો દહાડો ચોરીઓ કરતો હોય એ શુદ્ધાત્માની શી રીતે ભજના કરે ? 'હું ચોર જ છું' એવી ભજના થયા કરેને ? અને તે થઈ જ જાય ચોર.

પ્રશ્શનકર્તા : એટલે આ પાછું એ જેવો વ્યવહાર કરે એવી ભજના હોય જ એની ?

દાદાશ્રી : વ્યવહાર ઉપર જ ભજના બધી. એની ભજના હોય એ પ્રમાણે જ વ્યવહાર હોય અને વ્યવહાર હોય એ પ્રમાણે ભજના હોય. એક ફક્ત છેલ્લા અવતારમાં જ્ઞાન થયા પછી વ્યવહાર અને ભજના બે જુદી હોય. વ્યવહાર નકામો છે અને નિશ્ચય કામનો છે ત્યારે એ બાજુ ભજના ચાલે કે વ્યવહારનો હવે નિવેડો લાવવાનો છે.

અહો ! અહો !! અક્રમ વિજ્ઞાન !!!

હવે તમને અક્રમ વિજ્ઞાનથી નિરાલંબ મેં બનાવ્યા છે. હવે જે હૂંફ ખોળો છોને, એ તો બધી ડિસ્ચાર્જ છે. પણ હાલ તમે નિરાલંબ છો પણ તમારે નિરાલંબ એક્ઝેક્ટ કહેવાય નહીં. તમને શબ્દનું અવલંબન છે, 'હું શુદ્ધાત્મા છું' એ અવલંબન છે.

અમારે શબ્દનું અવલંબન પણ ના હોય. તમેય નિરાલંબ સ્થિતિમાં આવ્યા છો. બહુ મોટી સ્થિતિ કહેવાય. આ પદ તો દેવલોકોનેય ના હોય. મોટા મોટા ઋષિ-મુનિઓએ કોઈએ જોયેલું નહીં, એવું પદ છે આ. માટે કામ કાઢી લેજો.

પ્રશ્શનકર્તા : એક વાર માણસનો મોક્ષ થઈ ગયો...

દાદાશ્રી : પછી તો ભગવાન જ થઈ ગયો, સ્વતંત્ર થઈ ગયો. નિરાલંબ પાછું, કોઈ અવલંબનની જરૂર નહીં. નિરાલંબ સ્થિતિ હું ભોગવું છું. ઘણા વખતથી મેં જોયેલી છે, નિરાલંબ સ્થિતિ. એમાં કોઈ અવલંબનની જરૂર ના પડે. અને આ જગતના લોકો તો રાતે એકલું રહેવાનું હોય તોય હૂંફ ખોળે. એકલાને તો ઊંઘેય ના આવે. અમને અવલંબન ના જોઈએ.

આ તો વિજ્ઞાન છે, અપૂર્વ વિજ્ઞાન ! ક્યારેય પણ ઊભું ના થાય એવું દસ લાખ વર્ષે પ્રગટ થાય છે. નહીં તો બૈરી-છોકરાં સાથે કંઈ મોક્ષે જવાતું હશે ? ચિંતા બંધ થાય ? કોઈનેય ચિંતા બંધ નહીં થયેલી. આ તો અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ !

પ્રશ્શનકર્તા : ક્રમિક માર્ગમાં પહેલું જ્ઞાન છે, પછી દર્શન છે અને પછી ચારિત્ર છે, તો તેમાં અહંકાર છે ?

દાદાશ્રી : હા, એમાં અહંકાર છે.

પ્રશ્શનકર્તા : કેવળજ્ઞાનમાં પછી અહંકાર ક્યાં રહ્યો ?

દાદાશ્રી : એમ નહીં. એ છેલ્લામાં છેલ્લો અહંકાર બંધ થઈ જાય ત્યારે કેવળજ્ઞાન થાય.

વિજ્ઞાન છે, તે નિર્અહંકાર પદ હોય !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23