ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૩)

એ સમજે કોણ ?

પ્રશ્શનકર્તા : અશુદ્ધ છે એવું જે સમજે છે તે શુદ્ધ ચિત્ત છે ?

દાદાશ્રી : ના, તે તો પાછો અહંકાર સમજી જાય ને, કે મારું ચિત્ત અશુદ્ધ છે. ચિત્તશુદ્ધિ નથી થયેલી એવું અહંકાર સમજે ને અહંકાર બધું કામ કરી શકે છે. 'એ' છેલ્લેવારકું અહંકારને લઈને જ અંધો રહેલો હોય, એટલો ભાગ છે તે આત્માની જરૂર પડે છે, શુદ્ધ લાઈટની. કારણ કે અહંકારને લઈને આંધળો રહેલો હોય. બીજું, અહંકાર બધું લાઈટ આપી દે છે, બુદ્ધિજન્ય લાઈટ બધું આપી દે છે.

વ્યવહાર સંગે સંગે ચિત્તશુદ્ધિ...

પ્રશ્શનકર્તા : સંસારમાં રહીને ચિત્તશુદ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : સંસારમાં ચિત્તશુદ્ધિ કરવા માટે બહુ પ્રમાણિક નિષ્ઠાથી રહેવું જોઈએ અને ઓબ્લાઈઝીંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખવો પડે. પ્રમાણિક નિષ્ઠાથી એટલે કોઈનું કંઈ પણ ખોટું આપણા ઘરમાં ના આવે, એવી રીતે રહેવું જોઈએ. આપણું કો'કને ત્યાં જવું જોઈએ. એટલે જેટલું આપણું લોકોને ત્યાં ગયું એટલી ચિત્તશુદ્ધિ થાય.

પ્રશ્શનકર્તા : તો તો આપણે વ્યવહાર વધાર્યો, ચોપડા વધાર્યા ઊલટા આપણે.

દાદાશ્રી : એ આપણા માટે નથી, આ બહારના માટે વાત કરું છું. આ જે પૂછે છે તે બહારના માટેની વાત કરે છે. એટલે એમને આ રીતે કરે તો કામ લાગે. તેનાથી ચિત્તશુદ્ધિ થાય. પણ છેવટે આત્માને જાણવો પડે, જ્ઞાની પુરુષ પાસેથી ! આત્મજ્ઞાની સિવાય કોઈ દહાડો ચિત્તની શુદ્ધિ ના થાય. આત્મજ્ઞાની મળે તો આપણો ઉકેલ આવે. નહીં તો પછી આ ભાંજગડ છે. રમી રમવા જાય તેના કરતાં જ્યાં છે ત્યાં બેસી રહે તે સારું. એ જગ્યાએ બેસી રહ્યો હોય, તે લપસી ના પડાયને ! એટલે ઉકેલ કરવો હોય તો આત્મજ્ઞાની સિવાય ઉકેલ ના થાય.

સ્થિરતા ને શાંતિ, ચિત્તની...

પ્રશ્શનકર્તા : ચિત્તની સ્થિરતા માટે શું કરવું જોઈએ ? કઈ રીતનો અભ્યાસ કરવો જોઈએ ?

દાદાશ્રી : ચિત્તની સ્થિરતા શી રીતે થાય જાણો છો ? એ કંઈ આ પતંગ જેવી વસ્તુ નથી કે આપણે દોરો ખેંચીએ અને હાથમાં આવી ગયું. ચિત્ત બધું અશુદ્ધ થઈ ગયેલું છે, પછી ભટકે જ ને !

પ્રશ્શનકર્તા : હું ભગવાનની ભક્તિ કરું, સત્સંગ કરું તોય પણ સંસારના વિચારો આવે છે અને ચિત્ત સ્થિર રહેતું નથી.

દાદાશ્રી : હવે એનું શું કારણ ? એ શાથી નથી રહેતું ? અમને આવું થતું હશે કોઈ વખત ? ના થાય. એવું છે ને, ચિત્ત લપટું પડી ગયું નથી. ચિત્ત તો ચોક્કસ જ છે. આપણી ભૂલ થાય છે આ. ચિત્ત બગડ્યું નથી અને કાળેય નુકસાન કરતો નથી. કાળ કંઈ નુકસાન કરે નહીં. એ ચિત્ત સરસ છે. ચિત્તને વાંધો નથી. આપણને એડજસ્ટ કરતા નથી આવડતું. હાઉ ટુ એડજસ્ટ (કેવી રીતે ગોઠવણી કરવી) ? હવે બેન્કમાં ગયો હોય અને નોટો આપી દસ હજારની અને થોકડીઓ આપી સો-સોની, તો તમે શું કરો ?

પ્રશ્શનકર્તા : ગણીએ.

દાદાશ્રી : ગણે તે ઘડીએ છોકરો આવે તોય ગમે નહીં. કારણ કે ચિત્ત અસ્થિર થઈ જાય. કારણ કે ચિત્ત સ્થિર કરવાની શક્તિ છે જ તમારી. ચિત્ત તો દસ હજાર ગણતાં સુધી સ્થિર રહે. છોકરો આવે ને તો ભૂલી જાય. એનું કારણ શું ? પૈસા ઉપર એને ઇન્ટરેસ્ટ (રુચિ) છે અને ભક્તિમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે આ નથી થતું. કારણ કે જ્યાં ઇન્ટરેસ્ટ ત્યાં ચિત્ત સ્થિર રહે. વેપારમાં સ્થિર રહે છે કે નથી રહેતું ?

પ્રશ્શનકર્તા : રહે છે.

દાદાશ્રી : અને પેલામાં ના રહે, કારણ કે પેલામાં ઈન્ટરેસ્ટ છે નહીં તમારો. ઈન્ટરેસ્ટ બદલવો જોઈએ.

પ્રશ્શનકર્તા : ઈન્ટરેસ્ટ તો બદલીએ છીએ પણ આ સંસારના પ્રશ્શનો જે છે તે સાથે સાથે ચાલુ જ રહે છે, તો એના માટે શું કરીએ અમે ?

દાદાશ્રી : સંસારના પ્રોબ્લેમ (મુશ્કેલીઓ)ને ને આને લાગતું-વળગતું નથી. પૈસા ગણીએ છીએ ત્યારે સંસારના પ્રોબ્લેમ ઊડી જાય છે કંઈ ? તોય પૈસા ગણીએ છીએને ? અત્યારે એક ચિત્ત કરવું છે થોડીવાર ?

પ્રશ્શનકર્તા : હા, કરવું છે.

દાદાશ્રી : એમ ! અહીં આવતા રહેજો.

પ્રશ્શનકર્તા : આમ તો સવારના પ્રાર્થના કરવા રોજ બેસીએ છીએ પણ ચિત્ત સ્થિર નથી રહેતું.

દાદાશ્રી : પ્રાર્થનામાં સ્થિર ના રહે અને બેન્કમાં રૂપિયા ગણો તે ઘડીએ સ્થિર રહે છે. લોકોને રૂપિયાની કિંમત છે, ભગવાનની કિંમત નથી.

પ્રશ્શનકર્તા : તો હવે શું કરવું ?

દાદાશ્રી : ખરી કિંમત ભગવાનની હોવી જોઈએ આપણને અને લોકોએ રૂપિયાની કિંમત વધારી. જેમાં પ્રીતિ વધારે હોય તેમાં એકાગ્ર રહે. ભગવાનમાં ઈન્ટરેસ્ટ પડવો જોઈએ, સ્વાદ આવવો જોઈએ. આ છોકરાં કેરી ખાતાં હોય અને પછી આપણે કહીએ કે નાખી દે હવે, તો ખાટી હોય તો નાખી દે મૂઓ, એમ ને એમ અને મીઠી હોય તો નાખી દે ?

પ્રશ્શનકર્તા : ના નાખી દે.

દાદાશ્રી : એટલે મીઠાશ નથી આવતી.

પ્રશ્શનકર્તા : પણ સંસારના પદાર્થો તરફથી આપણું ચિત્ત કેમ હટતું નથી ?

દાદાશ્રી : એ શી રીતે હટે ? કારણ કે હટાવનાર કોણ છે ? તમે હટાવવાના એ ? સંસારના પદાર્થો તો એમ ને એમ જ છે, પણ હટાવવું છે કોને ? તમારે ? તો તમે કોણ છો, એ નક્કી થયા વગર શી રીતે હટાવો તમે ? તમે તો ચંદુભાઈ નામથી રહો છો. હવે તમે ખરેખર ચંદુભાઈ નથી. તમે માની બેઠા છો કે 'હું ચંદુભાઈ છું'. ચંદુભાઈ તો તમારું નામ છે. એટલે 'હું ચંદુભાઇ છું' એ ચિત્તઅશુદ્ધ થયેલું છે, ચિત્તશુદ્ધિ થઇ જાય પછી ચિત્ત સંસારમાં ભટકતું નથી.

જ્ઞાની કરાવે ચિત્તશુદ્ધિ...

ચિત્તની શુદ્ધિ કરવી છે તમારે ?

પ્રશ્શનકર્તા : એ જ પૂછું છું, કઈ રીતે થઈ શકે ?

દાદાશ્રી : જેની શુદ્ધિ થઈ ગયેલી હોય ને, તે આપણને શુદ્ધિ કરી આપે. જે લોકોની અશુદ્ધિ હોય, એ આપણને ચિત્તશુદ્ધિ કરી આપે ? ચિત્તશુદ્ધિ તો અહંકાર બહુ જૂજ રહે ને ત્યારે કંઈક ચિત્તશુદ્ધિ થયેલી હોય. ક્રોધ-માન-માયા-લોભ થોડાં થોડાં રહ્યાં હોય ત્યારે ત્યાં ચિત્તશુદ્ધિ થયેલી હોય. આ જગતમાં ચિત્તની શુદ્ધિ કરવા જેવી છે.

પ્રશ્શનકર્તા : એનો રસ્તો કોણ બતાવે ?

દાદાશ્રી : જ્ઞાની પુરુષ સિવાય આ વર્લ્ડમાં કોઈ કરી શકે નહીં આ. એ મોટામાં મોટા નિમિત્ત હોય એના. તોય પણ એ નિમિત્ત છે. બીજા આ લોકો કંઈ કારીગરો બધા કરી શકે નહીં. એટલે જેને કર્તાભાવ છે, તેને શું કહેવાય આપણે ? કારીગરો કહેવા પડે. અને કર્તાભાવ નથી એને કારીગર કેમ કહેવાય ?

જગત આખું શું જાણે કે મનને વશ કરવું એ ધર્મ છે. એટલે મન વશ કરવાની પાછળ પડ્યા છે લોકો. જ્યારે જ્ઞાની પુરુષને પૂછે કે ભઈ, ખરેખર શું છે ? મન વશ થાય ? ત્યારે કહે કે, મન વશ તો મોટા યોગીઓ કરે. હા, એ તો એવું જ ને ! એકાગ્રતા કરે. નહીં તો ત્રાટક કરીનેય કરે મૂઓ ! પણ ચિત્તની શુદ્ધિ થઈ શકે નહીં. ચિત્તની શુદ્ધિ એકલી જ મોક્ષે લઈ જાય છે આ દુનિયામાં. સંસારમાં કરવા જેવો પુરુષાર્થ હોય તો આ ચિત્તની શુદ્ધિ કરવી. તેથી અમે કહીએ ને કે અમારી પાસે બેસી રહેજે ને, એટલે ચિત્તશુદ્ધિ થયા કરશે એમ ને એમ. હું આમ બેસી રહ્યો હોઉં ને એ આમ હાથ અડાડીને બેસી રહ્યો હોય અમને, તોય ચિત્તશુદ્ધિ થયા કરે. એનો છેલ્લો ઉપાય જ્ઞાની પાસે હોય, બધોય.

પ્રશ્શનકર્તા : ચિત્ત-બુદ્ધિ-મન અને અહંકાર, આમાં જો ચિત્તશુદ્ધિ થાય તો આ બધા અંદર ચિત્તમાં ઓગળી જાય કે નહીં ?

દાદાશ્રી : આ ચિત્તશુદ્ધિ થતી જ નથી ને ? ચિત્ત અશુદ્ધ થયું ને, તેને લીધે આ બધાં ઊભાં થયાં છે અને ચિત્તશુદ્ધિ થાય એટલે પેલાં વિલય થઈ જાય. બીજું કોઈ કારણ નથી.

કોઈ કહે, 'ચિત્તશુદ્ધિ માટેનો શો ઉપાય ?' ત્યારે કહે, 'જ્ઞાની પુરુષ પાસે કૃપા પ્રાપ્ત થવી જોઈએ.' એટલે તમારે જ્ઞાનીને કહેવું જોઈએ કે મારી ઉપર કૃપા વરસાવો. કોની કૃપા ? ત્યારે કહે, 'ભગવાનની કૃપા વરસાવજો !' ત્યારે ચિત્તશુદ્ધિ થઈ જાય. પછી મોક્ષનો માર્ગ નજીક થઈ ગયો, આત્યંતિક કલ્યાણ થઈ ગયું.

એટલે અમે સ્વરૂપનું સુખ દેખાડી દઈએ અને ચિત્તની શુદ્ધિ કરી આપીએ. બધી રીતે આત્મા-અનાત્મા જુદા પાડી આપીએ અને પછી દિવ્યચક્ષુ આપીએ. આ ચામડાની આંખથી સાચી વસ્તુ દેખાય નહીં. આ કોણ આવ્યું ? ત્યારે કહે, 'મારા સાળા આવ્યા.' આ કોણ આવ્યું ? ત્યારે કહે, 'મારા સસરા આવ્યા.' આ કોણ આવ્યું ? ત્યારે કહે, 'મારા મામા આવ્યા.' એવાં કેટલાં છે તમારે ? કેટલાં લફરાં છે આવાં ? લફરાંમાંથી જ નવરો ન થાય ને !

પ્રશ્શનકર્તા : આ લફરાંમાંથી છૂટવા માટે સ્વરૂપનું જ્ઞાન જોઈએ ને ?

દાદાશ્રી : હા, તે અમે આપીશું. અમે જ્યારે તમને ભેગા થઈશું, ત્યારે બધી રીતે સર્વસ્વ રીતે છોડાવીશું.

બિના ચિત્તશુદ્ધિ, નહિ મોક્ષમાર્ગ....

પ્રશ્શનકર્તા : આપે આત્માને જ્ઞાન સ્વરૂપ કહ્યો, પ્રકાશ સ્વરૂપ કહ્યો, તો પછી ચેતન સ્વરૂપ કેમ કહ્યો ?

દાદાશ્રી : ચેતનનો અર્થ એ થાય કે જાણવું અને જોવું. બન્ને સાથે થાય ત્યારે એ ચેતન ગણાય છે, ત્યારે ચિત્ત ગણાય છે. અને ચિત્ત એટલે ચેતન, એ જ્ઞાન-દર્શન અશુદ્ધ થયેલું છે. અમે 'હું ચંદુભાઈ છું' એ ભાન કાઢી નાખીએ અને 'તમે આત્મા છો' એ ભાન કરાવીએ. એટલે ચિત્તની શુદ્ધિ કરી નાખીએ. ચિત્તની અશુદ્ધિ થઈ તે એવું બધું દેખાય. અને પેલો આત્મા દેખાય ! આપણા જ્ઞાન આપ્યા પછી ચિત્તશુદ્ધિ જ થઈ જાય.

ચિત્તશુદ્ધિ કર્યા વગર તો મોક્ષમાર્ગ મળે જ નહીં. ચિત્તશુદ્ધિ તો પહેલી કરવી પડે. અને ચિત્તશુદ્ધિ એકલાથી કામ નથી થાય એવું. હું આ બધાની ચિત્તશુદ્ધિ કરી આપું પણ આ બધા ઓવરડ્રાફ્ટ લઈને આવેલા છે. કળિયુગના માણસો, તે એટલા મોટા ઓવરડ્રાફ્ટ છે કે આજ બેલેન્સશીટ મેળવવું મુશ્કેલ પડી જાય !

જડ શાસ્ત્રોમાંથી દવા ને વૈદું ચેતનનું !

પ્રશ્શનકર્તા : આ ચિત્ત જે છે તમે જેને શુદ્ધ કરવાનું કહો છો.

દાદાશ્રી : એ તો તમને(મહાત્માઓને) શુદ્ધ કરી આપ્યું ત્યારે તો રાગે પડ્યા છો.

પ્રશ્શનકર્તા : નહીં તો એમ ને એમ શુદ્ધ ના થાત ?

દાદાશ્રી : એમ ને એમ તો કોઈનું થયેલું જ નહીં. જેમ શુદ્ધ કરવા જાય તેમ વધારે અશુદ્ધ થાય.

પ્રશ્શનકર્તા : એટલે જ્ઞાની સિવાય ચિત્તને કોઈ શુદ્ધ કરી શકે જ નહીં ?

દાદાશ્રી : અરે પણ ચિત્તને ઓળખતો જ નથી, ત્યાં શી રીતે કરે તે ? શાસ્ત્રમાં જુએ ને રસ્તો કરવા જાય. જાણે વૈદું કરવાનું હોય એવું શાસ્ત્રોમાં જુએ ! શાસ્ત્ર જડ અને ચેતનનું વૈદું કરે ! એટલે કૃષ્ણ ભગવાને સાચી વાત કહી દીધી કે આ ચાર વેદ ત્રિગુણાત્મક છે, રાગ-દ્વેષ કરાવનારા છે. માટે વીતરાગની વાત સમજો. આ જ્ઞાન પછી ચિત્તશુદ્ધિ થઈ ગયેલી જ છે. ચિત્તશુદ્ધિ થઈ જાય, પછી તો આત્મા પ્રાપ્ત થાય. હવે જે ચિત્તની અશુદ્ધિ છે તે નિકાલી બાબત છે. એક વખત ચિત્તશુદ્ધિ કરી આપે પછી બગડે જ નહીં. પછી એ જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું. હવે 'આ' દવા કહી છે ને, તેની પાછળ પડવું. એટલે એકદમ શુદ્ધ થઈ જશે.

આમ કરાય ચિત્તશુદ્ધિ !

સામા ઉપર એટેક (આક્રમણ) કરવાથી ચિત્તની અશુદ્ધિ થાય. કોઈ એટેક કરે, તેની પર એટેક નહીં કરવાથી ચિત્ત શુદ્ધ થાય. બસ, આટલું જ છે.

પ્રશ્શનકર્તા : જ્ઞાન લીધા પછી એ પ્રમાણે રહે તો ને ?

દાદાશ્રી : જ્ઞાન લીધા પહેલા તો હોય જ નહીં. અશુદ્ધ ચિત્ત બગડ્યા જ કરે ઊલટું.

ચિત્તને એકાગ્ર કરવું હોય તો જાપ કરવા જોઈએ. એટલે આનંદ રહે, શાંતિ રહે, ભક્તિ રહે. અને ચિત્તની શુદ્ધતા કરવી હોય તો વાંચવું જોઈએ. વાંચવાનો અર્થ તમે જે રીતે વાંચો છો એ રીતે નહીં, એની વાંચવાની રીત જુદી હોય. એ અમે તમને બતાવીએ. એ રીતમાં આમ ચોપડી વાંચો એવી રીતે વાંચવાનું, પણ ચોપડી પકડીને વાંચવાનું નહીં, આંખો મીંચીને વાંચવાનું. એનાથી ચિત્તની શુદ્ધિ થાય.

ચિત્ત બીજી બાજુએ હોય તોય સંસારી કાર્યો થાય એવાં છે. કારણ કે સંસારની જોડે એનું અશુદ્ધ ચિત્ત રહેલું જ છે. એટલે તમને એમ લાગે કે મારું ચિત્ત નથી ત્યાં આગળ, પણ આની જોડે અશુદ્ધ ચિત્ત રહેલું જ છે. શુદ્ધ ચિત્ત તમારું જે થયું તે તમને એમ લાગે કે મારું ચિત્ત અહીં છે ને ત્યાં કામ ચાલ્યા કરે છે. એટલે જગતવ્યાપી ભાવમાં ભલે ચિત્ત ના રહે. તે ચિત્ત તમારું શુદ્ધ ચિત્ત નથી રહેતું. જે આપણે જ્ઞાન આપ્યું છે ને, ત્યારે ચિત્તશુદ્ધિ થઈ ગઈ. તે આમાં ના રહે. પણ જગત તો ચાલ્યા જ કરે તમારંુ. સુંદર ચાલે ઊલટું !

એ જ્ઞાની પુરુષના જ્ઞાન આપવાથી અશુદ્ધિ બધી ઊડી જાય. પછી થોડીક વ્યવહારિક અશુદ્ધિના પહેલાંના હિસાબ જામી ગયેલા હોય, એટલું જ ફળ આપવાને માટે તૈયાર થાય.

પ્રશ્શનકર્તા : પણ એ તો આવ્યા જ કરે ને ?

દાદાશ્રી : એ આવે. પણ એ તો નિર્જરા છે એની. એ નિર્જરા ભાવે નિર્જરા થઈ જ જાય એની. આ તમને સંવર જ રહે. આ જ્ઞાન જ એવું છે, સંવર જ રાખે. પણ તમે મૂંઝાવ નહીં કે આ શું થયું ને શું નહીં ? તો કશું જ થવાનું નથી !

ચિત્ત અને મનની ભાગીદારી કેટલી ?

પ્રશ્શનકર્તા : કોઈ વિચાર આવ્યો તેની સંગાથે એનું જ્ઞાન ને દર્શન પણ શરૂ થઈ જાય. એટલે દ્શ્ય આખું દેખાય, વિચાર જોડે જ. એવું બને ? એટલે જ્યારે જ્યારે કોઈ પણ જાતનો વિચાર આવે તો ચિત્ત હઉ કામ કરતું હશે ?

દાદાશ્રી : ચિત્ત ભેગું થઈ જાય તો કરે, નહીં તો ના કરે. જો ચિત્ત ભેગું થઈ જાય તો બેઉ સાથે કામ કરે. પેલું મન વિચારવાનું અને આ જે વિચાર્યું તે જ દ્શ્ય દેખાડે.

પ્રશ્શનકર્તા : મેં બહુ વખત માર્ક કરેલું, વિચારનું સ્પંદન ઊભું થયું, તો ચિત્ત જોડે કામ કરે.

દાદાશ્રી : એ દરેક બાબતમાં ના થાય, અમુક જ બાબતમાં થાય. જે દ્શ્ય હોય આપણને પ્રિય કે અપ્રિય હોય, તે જ આવે. પ્રિય-અપ્રિય ના હોય તો કશું આવે નહીં. વીતરાગને કશું આવે નહીં. આ આવે છે તે પાછલાં પરિણામ છે, નવાં પરિણામ નથી. હવે આ બુદ્ધિ એકલી જ તમને હેરાન કરે. તે તમારે એની પાસે સાચવવાનું. બીજું કોઈ રહ્યું નથી. ચિત્ત શુદ્ધ થઈ ગયું. અને જેટલી અશુદ્ધિ થોડી રહી હોય તે આપણા પુરુષાર્થથી બધી જતી રહે. અવિરોધાભાસ હોય એ સાચું જ્ઞાન, જેનો તાળો મળે. તમને તાળો મળે કે ? તમે વેપારી લોકો, તાળો કાઢો. આ જ્ઞાનના પ્રતાપથી ચિત્તની શુદ્ધિ થાય. એટલે સ્ટેડીનેસ (સ્થિરતા) થાય.

પ્રશ્શનકર્તા : આ જે દ્શ્ય સૃષ્ટિ છે, એ ચિત્તની છે ? દાખલા તરીકે, આપણે આ દીવાસળીની પેટી જોઈ. હવે મને એમ થાય કે મહીં ખખડે છે, માટે દીવાસળીઓ છે અને મારે બીડી પીવા જરૂર પડશે, એથી એને ગજવામાં મૂકી. એટલે આ જરૂર પડશે, એ ચિત્ત કરે છે કે મન કરે છે ?

દાદાશ્રી : અહીં ચિત્ત કામ કરતું નથી, આ બધું મનનો પ્રભાવ છે અને બુદ્ધિનો પ્રભાવ છે. કાર્ય થઈ જાય, નિર્ણય થઈ જાય ત્યારે બુદ્ધિ કરે છે અને ત્યાં સુધી મનનો પ્રભાવ છે. એટલે ખોટું-ખરું કાર્ય કરવું એ બુદ્ધિના હાથમાં છે. બુદ્ધિ ના પણ કરવા દે. મન ગમે તેટલું ડહાપણ કરે પણ બુદ્ધિ ના કરવા દે. અને ચિત્તનું કાર્ય તો, આપણે શું જોયું, શું શું કામ લાગશે, એના બધા આપણને સ્વભાવ દેખાડે. એટલે બીડી સળગાવવી છે એટલે આ પેટી લઈ લેવી છે. આમ કરવું છે એવું દેખાડે પણ 'લઈ લો' એમ ના કહે. અસ્તિત્વનો સ્વભાવ દેખાડે. એ કામ લાગશે ને એ બધું, એટલે જ્ઞાન-દર્શન દેખાડે.

આ બધાના મૂળમાં તો અહમ્ !

અશુદ્ધ ચિત્ત એ સંસારી મટિરિયલ્સ દેખી શકે અને ભૌતિકને દેખી શકે અને શુદ્ધ ચિત્ત અધ્યાત્મને દેખી શકે, અધ્યાત્મના બધા સાધનો દેખી શકે.

પ્રશ્શનકર્તા : એટલે શુદ્ધ ચિત્ત હોય તો એ અધ્યાત્મની જે વસ્તુઓ હોય એ જોઈ શકે ?

દાદાશ્રી : બધું ચોખ્ખું દેખાય. એ જ સમ્યક દ્ષ્ટિ અને એ જ આત્મા છે. અને પરાકાષ્ટાએ એ જ પરમાત્મા છે. અહીં તો આખુંય જગત ચિત્તની શુદ્ધિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે પણ એનો રસ્તો જાણતું નથી અને આ મનની પ્રક્રિયામાં જ લપટાયું છે.

પ્રશ્શનકર્તા : એ અશુદ્ધ ચિત્તથી અહમ્ભાવ ઊભો થાય છે ?

દાદાશ્રી : અહમ્ભાવથી અશુદ્ધ ચિત્ત કહેવાય છે. એટલે મૂળ અહમ્ભાવ છે ને કે આ મારો છોકરો, આ મારી વાઈફ, આ મારા સસરા એ બધું અશુદ્ધ ચિત્ત થતું ગયું પછી.

પ્રશ્શનકર્તા : મૂળ અહમ્ભાવ છે ?

દાદાશ્રી : હા, મૂળ અહમ્ભાવ. અહમ્ભાવ ના હોય તો કશુંય ના થાય. અહમ્ભાવ ના હોય તો અશુદ્ધ ચિત્ત હોતું જ નથી. શુદ્ધ ચિત્ત જ હોય છે. એટલે બધું અહમ્ભાવને લીધે છે આ.

એ વંશાવળી છે અહંકારની...

પ્રશ્શનકર્તા : આ વૃત્તિઓ જે છે, તેને માટે કહે છે ને, 'વૃત્તિ વહે નિજભાવમાં', વૃત્તિઓ ઉત્થાન પામે છે, વૃત્તિ વિલય પામે છે. બોલવાની વૃત્તિ, વિચારવાની વૃત્તિ એ બધું શું છે ?

દાદાશ્રી : એ બધાં અહંકારનાં છોકરાંઓ છે. એ વંશાવળી જ બધી અહંકારની છે.

પ્રશ્શનકર્તા : પછી આ જે ચિત્તવૃત્તિ કહીએ છીએ, એમાં પણ વૃત્તિ વપરાય છે.

દાદાશ્રી : એ પણ બધી અહંકારની વંશાવળીમાં જાય. એમાં આત્માનો કોઈ છોકરો નથી ને વગોવાય છે આત્મા. આત્માનો કોઈ કુટુંબીયે નથી ને કોઈ પિતરાઈયે નથી. તોય લોક કહે છે ને, આત્માએ જ બધું બગાડ્યું !

પ્રશ્શનકર્તા : પણ ક્રમિક માર્ગમાં તો એ લોકો વૃત્તિઓ મોળી પાડતા જાય અને વૃત્તિઓને પાછી ફેરવવા માગે છે ને ?

દાદાશ્રી : ક્રમિક માર્ગનો રસ્તો જ એવો છે, રસ મોળા પડતા જાય. મેલથી મેલ ધોવો.

પ્રશ્શનકર્તા : મૂળ અહમ્ તો એમ ને રહે જ છે ને અને પાછું અહમ્થી જ એ લોકો શુદ્ધિ કરવાના પ્રયત્ન કરે છે, એવું ?

દાદાશ્રી : એવું છે ને, આ જે લોકો ચોર છે, લુચ્ચા છે, તેમને કહે છે કે તમે ભગવાનની ભક્તિ કરો, દાન આપો, ઓબ્લાઈઝીંગ નેચર રાખો. હવે આ ય મેલ છે ને પેલોય મેલ છે. આ મેલથી પેલો મેલ ધોઈ નાખે. પછી આ મેલ જે રહ્યા, તેને બીજા મેલથી ધૂએ. એ મેલને પછી ત્રીજા મેલથી ધૂએ, એમ કરતો કરતો અહંકાર શુદ્ધ કરવાનો છે. શુદ્ધ અહંકાર ને શુદ્ધાત્મામાં ફેર નથી.

પ્રશ્શનકર્તા : શુદ્ધ અહંકારમાં શું શું ના હોય ?

દાદાશ્રી : ક્રોધ, માન, માયા, લોભનું એક પણ પરમાણુ ના હોય, રાગ-દ્વેષનું એક પરમાણુ ના હોય. એટલે લોકો અહંકારને જ શુદ્ધ કરે છે. પણ આ કાળમાં ક્રમિક માર્ગ ફ્રેકચર થઈ ગયો. કારણ કે મન-વચન-કાયાનો એકાત્મયોગ હોય તો જ એ ક્રમિક માર્ગ ચાલે. આજે તો મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું. એટલે ક્રમિક માર્ગ અત્યારે હેલ્પ કરે નહીં.

લગામ હાથમાં તો ગુલાંટની શી પરવા ?

પ્રશ્શનકર્તા : હું કશું દાદાનું કરવા બેસું, ચરણવિધિ કે કંઈ બોલવા બેસું, તો મારું ચિત્ત બધે જતું રહે, ભટકે બહુ. તે મને કશું કરવા ના દે.

દાદાશ્રી : એ તો પછી ચોખ્ખું થતું જાય.

પ્રશ્શનકર્તા : ચિત્ત ભટકે તો ચોખ્ખું થાય ?

દાદાશ્રી : તોયે ચોખ્ખું થાય. આપણે શુદ્ધાત્મામાં બેઠા છીએ ને, તે ઘડીએ શુદ્ધ ચિત્ત થાય ! તને દેખાય છે ખરંુને ? તો એ ચિત્ત શુદ્ધ થાય. એટલે આ વિધિ કરતો કરતો જો જોયા કરે ને, એનું ચિત્ત શુદ્ધ થાય.

પ્રશ્શનકર્તા : પણ દાદા, આ તો ચિત્ત પાછું ખેંચી લાવતાં બહુ વાર લાગે ?

દાદાશ્રી : એ ખેંચી લાવવાનું નહીં, ત્યાં ને ત્યાં ભટકવા દેવાનું. તારે જ્યાં જ્યાં ભટકવું હોય ત્યાં ભટક કહીએ. એ તો જઈ આવે, બસ ! તું તારે ગમે એટલા માઈલ જઈશ, તોય હું તો અહીં જ છું, કહીએ.

પ્રશ્શનકર્તા : દાદા, એ તો ખ્યાલ જ ના રહે આપણને ?

દાદાશ્રી : વાંધો નહીં, તે ઘડીએ ગમે તેવું ભટકે, ગમે તેવું કરે તોય વાંધો નહીં. આપણે કહીએ, 'જા ગમે ત્યાં !' એના ખ્યાલનું આપણને કામ શું છે ? જ્ઞાની પુરુષ કહે છે પછી. આ તો ચિત્ત શુદ્ધ થાય !

પ્રશ્શનકર્તા : દાદાની ચરણવિધિ કરીએ તે ઘડીએ પણ ચિત્ત ભટકે તો શું કરવું ?

દાદાશ્રી : વાંધો નહીં. ઇચ્છા એવી હોવી જોઈએ કે ન ભટકવું જોઈએ, તોય ભટકે તો વાંધો નહીં. સંસારી કાર્ય કરતાં ચિત્ત ભટકે ત્યારે નુકસાન થાય.

પ્રશ્શનકર્તા : સવારે ઊઠીએ, તો પહેલાં પ્રાતઃવિધિ બોલું, પછી હું નમસ્કાર વિધિ બોલું, પછી હું નવ કલમ બોલું તો મારું ચિત્ત છે તે વચ્ચેથી તૂટી જાય છે.

દાદાશ્રી : એ તો તૂટી જાય, તોય એને આપણે જોયા કરવાનું. ક્યાં જાય છે તે જોયા કરવું. મોટેલમાં ગયું, પછી જઈને પાછું આવે. પછી આપણે જાણીએ કે મોટેલમાં જઈને પાછું આવ્યું. કઈ રૂમમાં ગયું તેય આપણે જાણીએ. જાય તોય વાંધો નહીં. ચિત્ત જાય છે તો એની પાછળ આપણે જોયા કરવું, ક્યાં જાય છે એ. એ આપણે ફરજ બજાવી કહેવાય. એનો વાંધો નથી આપણે ત્યાં.

પ્રશ્શનકર્તા : અહીં સત્સંગમાં બેઠા હોઈએ છતાં આપણું ચિત્ત બહાર જઈ આવે તો એ અજાગૃતિ છે કે પ્રકૃતિની ખોડ છે ?

દાદાશ્રી : એ પ્રકૃતિનું કામ છે, એ અજાગૃતિ નથી. જઈને પાછું આવતું રહે એય તમે જાણી જાવને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : તો તમે જાણનાર છો. એ તો બહાર જઈને પાછું આવે. કોઈ બકરું બહાર નીકળી જાય, પછી બહાર જઈને પાછું આવે, એમાં જાણનારને શું ખોટ ? બકરાવાળાને તો એમ માનો કે ગયું ને નીકળી ગયું, તે પાછું ના આવે તો શું થાય ? પણ આ તો બધાં પાછાં આવવાનાં જ. જેટલાં અહીંથી નીકળીને બહાર ગયાં ને, તે ભૂખ લાગે એટલે એની મેળે પાછાં આવે. ક્યાં જવાનાં છે ? એટલે આપણે જોયા કરવું. 'ઓહોહો ! તમે બહાર ફરો છો ?' કહીએ. 'ક્યાં ભૂલેશ્વરમાં ફરો છો ? શું કરવા ? કેમ કંઈ જોઈએ છે ?' એવું આપણે કહીએ. કોઈ ભૂલેશ્વરમાં ફરતું હોય, તો કોઈ ઝવેરી બજારમાં હઉ ફરે ! એ ચિત્ત ક્યાં જાય છે ?

પ્રશ્શનકર્તા : આ તો કોઈવાર જાય.

દાદાશ્રી : તે જાય તો શો વાંધો છે ? એ દોષ પ્રકૃતિનો છે. જાગૃતિ તો છે, ત્યારે તો ખબર પડે તમને. એમાં કંઈ નુકસાનકારક નથી. એ જાય તેની જોડે આપણે જઈએ ત્યારે મુશ્કેલી થાય. એ ઝવેરી બજારમાં જાય ને આપણેય જોડે જઈએ ત્યારે મુશ્કેલી થાય. આપણે આપણા સ્થાનમાં બેઠા બેઠા જોયા કરીએ કે 'ઓહોહો ! આ ઝવેરી બજારમાં ગયું છે, આ આમ ગયું છે.' તમને ખબર પડી જાય છે ને ?

પ્રશ્શનકર્તા : તરત જ.

દાદાશ્રી : આપણે જોડે ના જઈએ ત્યાં સુધી કશું ખરીદી ના થાય. છો ને, એ રૂપિયા લઈને ગયું હોય, તો પણ ત્યાં આગળ બજારમાંથી કશું ખરીદી જ ના થાય. એ રૂપિયા લઈને પાછું આવે. વખતે આપણી બેન્કમાંથી પાંચ લાખ રૂપિયા લઈ ગયું હોય તોય પાછું આવે. માટે મનમાં ગભરાવાનું નહીં કે 'ખરીદી કરી લેશે ? શું થશે ? રૂપિયા જશે ?' એવું તેવું કશું જાય નહીં. એટલે એ જાય તોય થાકીને પાછું આવે. એમાં આપણને શી ખોટ છે ? હા, અજ્ઞાની માણસને બહુ ખોટ ! કારણ કે એને તો થોડીવારે ખબર પડે કે મારું ચિત્ત બહાર ગયું છે, તો પાછો એ જોડે જાય. 'ઊભું રહે, ઊભું રહે, હું આવું છું' કહેશે. પછી બહાર જઈને ખરીદી બધું કરે નિરાંતે ! પણ તમારે તો એવું નહીં ને ? ખરીદી ના કરો ને ?

જોયા કરવું, ચિત્તને...

પ્રશ્શનકર્તા : શુદ્ધાત્મા ચિત્તને પણ જોઈ શકે ?

દાદાશ્રી : હા, ચિત્ત ક્યાં ફરે છે એ શુદ્ધાત્મા જોઈ શકે છે. પોતાને ખબર પડે કે ચિત્ત અત્યારે અહીં આમાં છે નહીં, આ પેલા મકાનમાં જોવા ગયું છે.

પ્રશ્શનકર્તા : શરીરની અંદર અશુદ્ધ ચિત્ત હોય કે જે શુદ્ધાત્મા છે એ જ હોય ?

દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત તો ખરુંને. અશુદ્ધ ચિત્ત છે તેથી તો બહાર ભટકે છે, નહીં તો ભટકે નહીં ને !

પ્રશ્શનકર્તા : એટલે પહેલાં અહીંયાં શરૂઆત થાય છે.

દાદાશ્રી : અહીંથી શરૂઆત થાય છે એ અશુદ્ધ ચિત્ત તદ્દન નાશ થઈ જાય એટલે કશું ભટકે નહીં, અંદર નાશ થઈ જાય. એ અશુદ્ધ ચિત્ત રહે નહીં, ખલાસ થઈ જાય, શુદ્ધ થઈ જાય. આત્મા શુદ્ધ થયો, ચિત્તશુદ્ધિ કરવાની છે હવે.

પ્રશ્શનકર્તા : કેટલીક વખત હું બધી વાર જ્ઞાતા-દ્રષ્ટા હોઉં, પણ તોય એટ-એ-ટાઈમ નથી રહેતું.

દાદાશ્રી : પણ ચિત્ત જતું રહે ને બહાર ?

પ્રશ્શનકર્તા : ચિત્ત જતું રહે છે.

દાદાશ્રી : તે અશુદ્ધ છે. એ અશુદ્ધિ જવી જોઈએ હવે. તમારે શું કરવાનું ? એ અશુદ્ધિ એટલી જ બંધ કરવાની.

પ્રશ્શનકર્તા : પણ એ જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી જશે ને ?

દાદાશ્રી : એ તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો તો એ એની મેળે ઊડી જાય, અને નહીં તો પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્શનકર્તા : હમણાં ચિત્ત વિશે ઘણાં પ્રતિક્રમણ કર્યાં ને તો મારા દર્શનમાં આખો ફેર પડી ગયો.

દાદાશ્રી : હા, પ્રતિક્રમણથી બધો ફેર પડી જાય. તેય આપણે જોયા કરવાનું. તું જોયા કરું છું ને ?

પ્રશ્શનકર્તા : જેમ મનને જગત કલ્યાણમાં પરોવી દઈએ તો ઠેકાણે રહે, તેમ ચિત્તને ઠેકાણે રાખવા શું કરવું ?

દાદાશ્રી : ચિત્તને ઠેકાણે રાખવા માટે તો અમારી કૃપા પ્રાપ્ત કરવી, ત્યાર વગર ચિત્ત ઠેકાણે ના રહે. ચિત્ત જ્ઞાની પુરુષની કૃપાથી ઠેકાણે રહે. આ ચિત્ત એકલું બહાર ભટકે, એ જો કદી ઠેકાણે આવ્યું તો પછી કશું કરવાનું રહેતું જ નથી.

પ્રશ્શનકર્તા : શુદ્ધ ચિત્ત એટલે આપણે શુદ્ધ જ્ઞાન-દર્શનથી પોતામાં રહેવું અને સારું સંગીત વાગતું હોય તે વખતે તો એને જાણવું ?

દાદાશ્રી : બેઉ કામ સાથે જ થાય, તો જ કેવળજ્ઞાન કહેવાય.

નિરોધ, ચિત્તનો કે મનનો ?

પ્રશ્શનકર્તા : પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે યોગસ્થ ચિત્તવૃત્તિ નિરોધ, એ બરોબર છે ?

દાદાશ્રી : એવું છે ને કે, ચિત્તવૃત્તિને નિરોધ કરવી એનાં કરતાં ચિત્તવૃત્તિને શુદ્ધ કરવી સારી. એ ચિત્તવૃત્તિ નિરોધ થતી નથી, એ મન નિરોધ થાય છે. અને આપણને એમ લાગ્યું કે ચિત્તવૃત્તિ નિરોધ થઈ. એટલે આપણે છેતરાઈએ છીએ.

પ્રશ્શનકર્તા : એટલે ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એ નેગેટિવ એટીટ્યુડ (ઊંધું વલણ) છે ?

દાદાશ્રી : વસ્તુસ્થિતિમાં એ વાત, આમ શબ્દમાં ખોટું દેખાય છે. બાકી માને છે કે ચિત્તવૃત્તિનો નિરોધ કર્યો છે, પણ ખરેખર થાય છે તો મનનો નિરોધ.

પ્રશ્શનકર્તા : પણ દાદા, મનનો નિરોધ કરવાનો નથી, પણ ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો છે, એમ લખ્યું છે અંદર.

દાદાશ્રી : હા, ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો. પણ લોકો કરી રહ્યા છે મનનો નિરોધ. હવે કરવાનો છે ચિત્તવૃત્તિનો નિરોધ. એ ના કરે તો તે ગુનો થઈ જાય. હવે ચિત્તવૃત્તિનો અર્થ હિન્દુસ્તાનમાં બરોબર ફેલાયો નથી. તમામ શાસ્ત્રોમાંય સારી રીતે લખાયો નથી. એટલે આખું જગત મૂંઝાયા કરે છે.

પ્રશ્શનકર્તા : એમાં બે શબ્દો આગળ છે કે 'અભ્યાસેન વૈરાગ્યેન ચિત્તવૃત્તિ નિરોધઃ યોગાઃ' ચિત્તવૃત્તિનો નિરોધ, અભ્યાસ અને વૈરાગ્યથી કરવો. એ પણ સાધન આપેલું છે.

દાદાશ્રી : હા, પણ એ પુસ્તકમાં ચિત્ત એટલે શું કહે છે ? એ મને કહો.

પ્રશ્શનકર્તા : ચિત્ત વિશે પુસ્તકમાં નથી આપ્યું, મન વિશે આપ્યું છે.

દાદાશ્રી : પણ જે કંઈ કહેતા હોય તે કહોને આપણે. ચિત્ત એટલે શું ? ચિત્તને આપણા લોકો શું કહે છે ? પણ એ તમારા વાંચવામાં શું આવ્યું છે, એ કહોને મને. પછી એ શાથી એવું કહે છે, એ સમજાવું એકવાર.

જ્ઞાની વિના બધી ભાંગફોડ...

પ્રશ્શનકર્તા : આપની પાસે જ જાણેલું કે ચિત્ત ભમી શકે છે.

દાદાશ્રી : હા, બહાર ભટકે છે એ ચિત્ત છે અને મન આ શરીરથી બહાર નીકળે નહીં. અને જો નીકળે તો યોગીઓ તો ફરી પેસવા જ ના દે. યોગીઓ સમજે કે આ રીતે નીકળી ગયું તો બંધ જ થઈ ગયું. પણ એ નીકળે જ નહિને ? અને ચિત્ત ભટકે એ યોગીઓથી અટકાવી શકાય નહિ. યોગીઓએ એને અટકાવવા પ્રયત્નો કર્યા બધા. ચિત્તને ચક્રો ઉપર બેસાડે છે. તે અમુક ટાઈમ ચિત્ત ત્યાં બેસે છે ને પછી પાછું બહાર ભટકવા જતું રહે છે, યોગીઓને હઉ !

પ્રશ્શનકર્તા : યોગીઓને આ બધાં ચક્રો સિદ્ધ થઈ જાય પછી એ બહાર ભટકવા જાય ખરું ?

દાદાશ્રી : ચિત્ત ભટકતું ક્યારે અટકે ? જો જ્ઞાની પાસેથી જ્ઞાન લઈને જ્ઞાનીની આજ્ઞા પાળે તો ચિત્ત ભટકતું અટકે.

પ્રશ્શનકર્તા : એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી એ જ્ઞાની પુરુષની પાસે ના આવે ત્યાં સુધી એ ચિત્તવૃત્તિ કોઈ દહાડો પાછી જ ના આવે ?

દાદાશ્રી : 'જ્ઞાની' ના મળે ત્યાં સુધી કશું વળે નહીં. આ બધી ભાંગફોડ કરેલી નકામી છે. જ્યાં સુધી 'જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી ભૂખ્યા બેસી રહેવાય ? કંટ્રોલના ઘઉં મળે તો એ ખાવાના. જે બાવો મળ્યો તે બાવાની પાસે બેસવાનું. કંઈ ભૂખ્યું બેસી રહેવાય નહીં. બાકી જ્ઞાની મળશે તો છુટકારો છે, બીજે ગમે ત્યાં જશે પણ છુટકારાનો રસ્તો નથી.

પ્રશ્શનકર્તા : પતંજલિએ યોગની વ્યાખ્યામાં કીધું છે કે યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. અને આપ એમ કહો છો કે એની મેળે પાછી આવે. પેલામાં પ્રયત્ન છે અને આમાં પ્રયત્ન નથી.

દાદાશ્રી : હા, પેલામાં તો નિરોધનો પ્રયત્ન કરવાનો અને આ તો સહજ આવ્યા કરે, પાછી આવે. પહેલાં ચિત્તવૃત્તિઓ જે બહાર ભટક ભટક કરતી હતી, બધી પાછી આવે એ. જાય ખરી પણ ગયેલી પાછી વળી જાય. એવી નથી વળતી ? આપણે હાંકવા ના જવું પડે. અને પહેલાં તો હાંકવા જઈએ તોય પાછી ના વળે.

બાકી, ચિત્ત વાળ્યું વળે નહીં. તેથી તો યોગી લોકો ચિત્તને ચક્કરો પર ગોઠવે છે ને ! એ મનની સાધના નથી, ચિત્તની સાધના છે. પણ ચિત્તને અને મનને ઓળખવાની શક્તિ નહીં હોવાથી એ મન બોલ્યા કરે છે. યોગમાર્ગમાં તો ચિત્તનું જ કામ છે.

એ છે ચિત્ત ચમત્કાર !

પ્રશ્શનકર્તા : સિદ્ધ યોગીઓને ધ્યાનમાં આજ્ઞાચક્રમાં જ્યોતિ દેખાય છે તે શું છે ? તે કેટલા અંશે સત્ય છે ?

દાદાશ્રી : આ ચક્રોમાં જે જ્યોતિઓ દેખાય ને, તે જ્યોતિ જ ન હોય ! એ તો ચિત્તના ચમત્કાર છે. આ લોકો સિદ્ધેય નથી. એ તો યોગી જ ના કહેવાય. એને મનોયોગી કહેવાય, એટલે ભૌતિક યોગીઓ. આત્મયોગી એ સાચા યોગી. વ્યગ્રતાનો રોગ થયેલો હોય તેને કામનું. તમને વ્યગ્રતાનો રોગ નહીં ને કોઈ દહાડો ?

પ્રશ્શનકર્તા : બિલકુલ નહીં.

દાદાશ્રી : વ્યગ્રતાનો રોગ હોય તેને એકાગ્રતા કરવી હોય તો આ દવા ચોપડે ત્યારે રાગે પડે. એટલે વ્યગ્રતાના રોગીઓને કામનું. આ મજૂરોને કહીએ કે કરો જોઈએ, તો ના કરે. એમને એ વ્યગ્રતાનો રોગ જ નહીં ને !

પ્રશ્શનકર્તા : એ રચના પોતે જ રચીને ત્યાં ?

દાદાશ્રી : ના, ચિત્તના ચમત્કાર હોય છે આ બધા. જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી આ જગતમાં કંઈ પણ થાય છે એ ચિત્તના ચમત્કારો છે. જેટલું જેટલું ચિત્ત નિર્મળ થતું જાય એમ ચમત્કારી થતું જાય. એ જાતજાતના ચમત્કારો કરે.

એટલે આ બધા ચિત્ત ચમત્કારો થયા જ કરે અને લોકો એની મસ્તીમાં રહે છે. અહીં આગળ ભૂરું અજવાળું દેખાય, લીલું અજવાળું દેખાય, આમ થાય, તેમ થાય. આ તો સારું છે પણ કુંડલિનીવાળાને તો બહુ દેખાય અને એમાં જ મસ્તી. કુંડલિનીવાળા અમને ઓળખી જાય કે આ જ્ઞાની છે. ઓળખતા વાર ના લાગે. એક ફેરો હું ગાડીમાં બેઠેલો ને ટિકિટ ચેકર ત્યાં આવ્યો ને મને ઓળખી ગયો ! જે' જે' કરવા લાગ્યો ! શી રીતે તમને ખબર પડી ? આ માળા ઉપરથી ? ત્યારે કહે, 'માળા તો ઘણા પહેરે છે.' મેં કહ્યું, 'આ કોટ-ટોપી ઉપરથી ?' ત્યારે એ કહે, 'ના.' એ ઓળખી જાય. પછી થોડીવાર વાતો થઈ એટલે હું સમજી ગયો કે આ સાધક છે, કુંડલિનીવાળો છે.

પ્રશ્શનકર્તા : આપણા જ્ઞાનનું તેજ તો જુદું છે. આ તો મને કોઈવાર જ લાઈટ દેખાય છે તે શું છે ?

દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત પર જ્યારે તું ઉપયોગ દઉંને તો ચમત્કાર ઊભા થાય.

ભૂમિકાઓ, ચિત્તની....

ચિત્તની ભૂમિકા કેટલી ?

પ્રશ્શનકર્તા : એક ઠેકાણે મેં વાંચ્યું છે, કે ચિત્તની ચૌદ ભૂમિકા છે. એ મને સમજાવો.

દાદાશ્રી : ચિત્તની ચૌદ ભૂમિકા નથી પણ ચિત્તની ચૌદ લાખ યોનિ છે. હા, ત્યારે બોલો હવે, કઈ કઈ જગ્યામાં ચિત્ત જતું હશે ? મનુષ્યોમાંય ચિત્તની ચૌદ લાખ યોનિ છે. બોલો હવે, શી રીતે મેળ પડે આ ? તમારો-મારો સાંધો મળે શી રીતે હવે ? ચિત્તની ભૂમિકા હજુ જગત સમજી શક્યું નથી.

પ્રશ્શનકર્તા : આપે ચિત્તના ત્રણ ભેદ કહેલા, એક ચિત્ત, અનેક ચિત્ત અને અનંત ચિત્ત. એ ત્રણ ભેદ કેમ પાડ્યા ?

દાદાશ્રી : એ તો જેટલા પાડવા હોય એટલા પડે. પણ ત્રણ મુખ્ય ભેદ આપણા લોકો પાડી આપે. જેમ ફર્સ્ટ કલાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ કલાસ હોય છે, એવું ત્રણ ભેદ સુધી મૂકે બધા. અને અનંત ચિત્તનું તો કંઈ ઠેકાણું જ ના હોય ને ? એ ચિત્ત તો ઘેર જ ના આવે, ભટક ભટક ભટક. અને અનેક ચિત્ત ઘેર આવેય ખરું અને એક ચિત્ત તો જ્યાં પોતે હોય ત્યાં હોય જોડે ને જોડે. જ્યાં દેહ પોતે હોય, ત્યાં પોતે જોડે ને જોડે હોય. એ એક ચિત્તની તો વાત જ જુદી ને ! એક ચિત્ત થઈ ગયું એટલે થઈ રહ્યું.

પછી પાછા બે ચિત્તેય થઈ જાય, ચિત્ત ભ્રમનો રોગ થાય. ચિત્ત ભ્રમ થાય એટલે બે ચિત્ત કહે આપણા લોકો. એક ચિત્ત તો નથી, પણ બે ચિત્ત કહે. તે બે ચિત્ત થાયને, તેને આ એક દીવો છે ને, તેય બે દેખાય. માણસો છે તે બે દેખાય, આ બે દેખાય, બધા બે દેખાય. એટલે આપણા લોક કહે, બે ચિત્ત થઈ ગયેલો છે. છે એક ને બે દેખાય, એવું સાંભળેલું નહીં ?

કેટલાકનું ચિત્તભ્રમ થઈ ગયું હોય પાછું ! આ કેટલાક રોડ ઉપર આમ આમ ચાલતા હોય છે ને, એ એનું નામ-બામ બધું ભૂલી ગયા હોય. આ કાળની વિચિત્રતા હોય. કર્મોના પુષ્કળ બોજા, પાર વગરના બોજા ! ખીચોખીચ કર્મો ભરેલાં છે અને નર્યો મોહ વધારે છે. બહુ મોહ એટલે બળતરા ય વધારે, પુષ્કળ બળતરા ને !

પ્રશ્શનકર્તા : એક બાજુ જેટલો મોહ, એટલી જ બળતરા ને ?

દાદાશ્રી : એટલી જ બળતરા, તોય આમાં જે ઊંચો ભાવ હતો ને, તે જ લોકો આ જ્ઞાન પામ્યા છે. બાકી બીજા નથી પામ્યા. બીજા પામે નહીં. આપણે ત્યાં બધો ઊંચો ઊંચો માલ ખેંચાઈને આવે છે. આ જેવો તેવો માલ નથી આવતો.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23