ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૩)

અહંકાર, પણ ડ્રામેટિક !

પ્રશ્શનકર્તા : હુંપણાનો ભાવ કે મદદ કર્યાના ભાવ કે દિલની ઉદારતા ઘણી વખત આવી જાય છે. જરૂરિયાતવાળાને મદદે જવાથી આઈ ડીડ ઈટ (મેં કર્યું) એવો ભાવ તો ચોક્કસ આવી જાય છે.

દાદાશ્રી : હવે એ હુંપણાનો ભાવ ના બાંધે. કારણ કે આ હુંપણાનો ભાવ ડ્રામેટિક છે ને ! પહેલાં તો 'હું જ ચંદુભાઈ છું' એ જ હતું ને, હંડ્રેડ પરસેન્ટ. અને હવે એમાં આપણને તિરાડ પડી ગઈ, શંકા પડી ગઈ કે ખરેખર હું ચંદુભાઈ નથી, હું તો આ છું. એટલે આપણને કર્મ બંધાય નહીં. આ બધું તમે 'આઈ ડીડ ઈટ' બોલો કે તે બોલો, પણ તે વ્યવહારથી બોલવું પડે, છૂટકો જ ના થાય. એટલે 'મેં આ કર્યું, મેં કર્યું, આમ છે, તેમ છે' બધું બોલવું પડે. અને તે એ કરવામાંય અહંકારની જરૂર છે, પણ તે નાટકીય અહંકાર હોય છે.

પ્રશ્શનકર્તા : આ બધું નાટક જ છેને ?

દાદાશ્રી : નાટક, આ ડ્રામા (નાટક) જ છે. પણ ડ્રામાને સાચું માની બેઠો છે. આ મારી વાઇફ કાયમની જ છે અને હું એનો ધણી થઉં કહે છે. અલ્યા મૂઆ, ડ્રામામાં ધણી ના હોય. ડ્રામામાં તું હસબંડ અને એ વાઇફ, ધણી નહીં અને તેય જ્યાં સુધી ડ્રામા ચાલે ત્યાં સુધી જ.

નાટકમાં મોટો ભર્તૃહરિ રાજા હોય અને 'ભિક્ષા દેને મૈયા પિંગળા' બોલતો હોય તે વખતે એમની સ્થિતિ જોઈ હોય તો એની આંખોમાં પાણી દેખાય, તે અભિનય કરે છે અને કેટલાક વિચારશીલ અને ડાહ્યા માણસો જોનારા હતા, તે એમના મનમાં એમ થયું કે 'ઓહોહો ! આ સ્ત્રીઓ આટલી બધી દગાખોર હોય, તો આ દુનિયામાં રહેવા જેવંુ નથી.' તે ૧૯૨૮માં ચાર જણ જતા રહેલા, તે હજુ પાછા નથી આવ્યા. 'અલ્યા ભઈ, એમને અંદર જઈને પૂછ્યું હોત તો ખબર પડત કે ભર્તૃહરિ તમને બહુ દુઃખ થયું હતુંને ?' ત્યારે એ કહે, 'હું તો લક્ષ્મીચંદ તરગાળો છું. આ તો મારે પાઠ ભજવવો પડે. અભિનય ના કરું તો મારો પગાર પૂરો ના આપે.'

પ્રશ્શનકર્તા : એવું જ ચાલે છે, અહીં આપણે આ પાઠ કરીએ પાછા ઊભા થઈને, બીજી જગ્યાએ બીજું કરીએ.

દાદાશ્રી : આ બધું પાઠ જ છેને ? પાઠમાં પાર્ટ (ભાગ) કોણ લે છે ને આપણે કોણ છીએ ?

પ્રશ્શનકર્તા : એટલું યાદ રાખ્યા કરવું ?

દાદાશ્રી : ના, એ તો નાટકમાં પાર્ટ લેનારને લક્ષમાં હોય કે હું લક્ષ્મીચંદ છું.

પ્રશ્શનકર્તા : એટલે એનું ભાન કન્ટીન્યુઅસ (સતત) હોવું જોઈએ ?

દાદાશ્રી : એ કરતો હોય તો એના લક્ષમાં જ હોય ને એટલે ઇગોઇઝમ ઊભો ના થાયને. ઇગોઇઝમ ક્યારે ઊભો થાય કે 'આ હું જ કરું છું' તો જ. એટલે આપણાં મહાત્માઓને 'હું શુદ્ધાત્મા છું' અને આ વ્યવહાર ચાલ્યા કરે છે, એટલે ઇગોઇઝમ ઊડી ગયો. આ ડ્રામા જ કહેવાય. એટલે શાસ્ત્રકારોએે કહ્યું કે જ્ઞાનીઓને માટે આ જગત ડ્રામા જ છે. અને અજ્ઞાનીઓને માટે તો હતંુ તેમ જ જગત છે.

નાટકનો રાજા !

પ્રશ્શનકર્તા : એ નાટકના ટાઈમમાં તો અહંકાર હોય જ ને ?

દાદાશ્રી : ના, ના. આ નાટકમાં છે તો પોલીસવાળો આવે. તે એ વેશ ભજવે, તમારા જેવો જ, પણ એને અહંકાર ના હોય. નાટકમાં અહંકાર હોય ? તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : નાટક ભજવાતું હોય ત્યાં આગળ પોલીસવાળો ઊભો હોય, તો ગુનેગાર જે જોવા બેઠેલા હોય તો એ ગુનેગાર નાસતો નથી.

દાદાશ્રી : નાસી ના જાય. એવી રીતે હવે આ તમે ડ્રામેટિક રહ્યા છો. ડ્રામેટિકમાં શું રહ્યું ? ચંદુભાઈના નામનો ડ્રામા ભજવવાનો અને તમે શુદ્ધાત્મા છો. પેલો ભર્તૃહરિના નામનો ડ્રામા ભજવે ને લક્ષ્મીચંદ છે એ. એટલે ભર્તૃહરિ 'જીવંત' હોય નહીં, એ નિર્જીવ વસ્તુ છે. ભર્તૃહરિ બોલે કે મારી નાખો, કાપી નાખો, તો એને ગુના લાગુ ના થાય. એ બોલે ખરું બધુંય, પણ કશોય ગુનો લાગુ ના થાય. આ તો બહુ ઊંચી શોધખોળ છે, જો સમજો તો અને નહીં સમજો તોય ફળ તો આપનારી જ છે !

પ્રશ્શનકર્તા : અહંકાર જતો નથી રહેતો, ઠંડો પડી ગયો. જતો નથી રહ્યો એમ લાગે છે.

દાદાશ્રી : એમ નહીં, જીવંત અહંકાર જતો રહ્યો અને આ છે તે નાટકીય અહંકાર રહ્યો, ડ્રામેટિક અહંકાર. 'હું ચંદુલાલ છું' એવું બોલે. આનો ભઈ થઉં, આનો મામો થઉં, એ બધું બોલે પણ નાટકીય, અંદરખાને જાણતો હોય કે 'હું શુદ્ધાત્મા છું'. ત્યારે પેલો ભર્તૃહરિ અંદરખાને જાણતો હોય કે 'હું લક્ષ્મીચંદ છું'. આ ડ્રામેટિક અહંકાર કહેવાય. અહંકાર જો પૂરો જતો રહે તો કશું કામ જ ના થાય.

હવે જે અહંકાર રહ્યો તે મડદાલ રહ્યો, મડદાલ એટલે ડ્રામેટિક કહેવાય. તે ડ્રામામાં રાજ જતું રહે તો રડે, તેથી કંઈ સાચું રડતો હશે ? ના, એ જાણે કે 'હું લક્ષ્મીચંદ છું', એ ભૂલી જાય કે ? અને અભિનય તો પૂરેપૂરો કરે જ. એવું આ ડ્રામામાં જ છે. ચંદુભાઈનો ડ્રામા તમારે રહ્યો છે તે ભજવવાનો છે. પાછું યથાર્થ અભિનય કરીને. રડવાની જગ્યાએ રડવું આવતું ના હોયને તો આપણે બાથરૂમમાં પાણી-બાણી ચોપડીને પછી બેસવાનું. અભિનય તો પૂરો કરવો જોઈએને ?

પ્રશ્શનકર્તા : ડ્રામેટિક અહંકાર તો સંસારમાં રાખવો પડેને ?

દાદાશ્રી : એ તો એની મેળે રહે જ, સ્વાભાવિક રીતે. કોઈ કાર્ય ડ્રામેટિક અહંકાર સિવાય થાય નહીં. વ્યવહારમાં બોલવું જ પડેને કે 'આ મેં કર્યું છે' એવું, પણ 'મેં'માં 'હું'પણું ના હોય. લોકોય સમજી જાય કે અહંકાર નથી.

હવે અહંકાર ખસી ગયો. અહંકાર પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયો. હવે પૌદ્ગલિક અહંકાર, જેને ડ્રામેટિક અહંકાર કહે છે, એ કાર્ય કર્યા જ કરે. અહંકાર સિવાય તો કાર્ય થાય એવું જ નથી. એ પૌદ્ગલિક અહંકાર ! અહંકાર એ વન ઑફ ધી એવિડન્સ (પુરાવાઓમાંનો એક) છે. પણ કંઈ એવો કાયદો નથી કે જીવતો જ અહંકાર જોઈએ.

ન થાકે નિર્અહંકારી !

પ્રશ્શનકર્તા : એવું કહે છે, માણસને પ્રવૃત્તિમાં ચલાવનાર કોઈ મોટિવેટિવ ફોર્સ (ચાલક બળ) હોયને, એનું મૂળ શું ? એ અહંકાર જ હોય છે ને કે જે માણસને પ્રવૃત્તિમાં ને પ્રવૃત્તિમાં ચલાવ્યા જ કરે છે ?

દાદાશ્રી : અહંકાર વગર ચાલુ જ છે ને ! આ આખો દહાડો, આ વિધિઓ કેટલા કલાક કરી મેં આજે, સવારથી તે અત્યાર સુધી.

પ્રશ્શનકર્તા : પુષ્કળ.

દાદાશ્રી : સવારે નવથી બાર, અત્યારે છે તે ચાર વાગેથી આ વિધિઓ ચાલુ છે. તે નવ વાગ્યા સુધી ચાલુ રહે છે. એ અહંકાર વગર બધું થયા કરે છે. અહંકાર હતો ત્યારે નહોતું થતું. કારણ કે અહંકાર શું કરે ? 'હું કરંુ છું' કહે એટલે ભગવાનપણું ગયું. ભગવાન કોને કહેવાય ? ચંદુભાઈ કરે ને એ પોતે જુએ. જોનારો ભગવાન અને કરનારો ચંદુભાઈ.

પ્રશ્શનકર્તા : એટલે 'ઓબ્ઝર્વેટરી'માં રહેનારો ભગવાન છે અને આ મોટર સ્ટીઅરીંગ વ્હીલ ઉપર બેઠેલો છે એ અહંકાર છે ?

દાદાશ્રી : એ અહંકાર છે, પણ તે અહંકાર છે એવું નક્કી નથી પાછું. નિર્અહંકારીય ગાડી ચલાવે, સારી ચલાવે પેલા અહંકારી કરતા. આ બધા અહંકારી અથાડે છે ને ?

નિર્જીવ અહંકાર કરે સંસાર પાર !

પ્રશ્શનકર્તા : અહંકાર વગર માણસ જીવી શકે ખરો ?

દાદાશ્રી : અહંકાર વગર જીવી જ શકે નહીં ને માણસ.

પ્રશ્શનકર્તા : અહંકાર તો કર્મો કરાવે ને પછી.

દાદાશ્રી : પણ અહંકાર બે પ્રકારનાં હોય છે. એક નિર્જીવ અહંકાર હોય છે ને એક સજીવ અહંકાર હોય છે. તે આ નિર્જીવ અહંકારથી આ બધા (મહાત્માઓ) જીવી રહ્યા છે. આ જ્ઞાન પછી છે તે નિર્જીવ અહંકાર રહ્યો છે. અમે છે તે આખો જીવભાવ ખેંચી લીધો છે. આ ચંદુભાઈ એ મિશ્રચેતન હતું. એમાં જે જીવભાવ આખો પેસી ગયો'તો, બાકી આત્મા હતો તેની તે જ જગ્યાએ હતો. એ જીવભાવ અમે ખેંચી અને આત્મામાં સ્થિર કરી દીધો. એટલે હવે નિર્જીવ અહંકાર રહ્યો. તે કાર્ય બધું કરે પણ નવું ઉપાર્જન ના કરે. જે સજીવ અહંકાર છે, તે કાર્યેય કરે ને નવું ઉપાર્જનેય કરે, બેઉ કરે.

પ્રશ્શનકર્તા : આ અહંકાર કયો કહેવાય ? બીજા પ્રકારનો કહ્યો ને એ ?

દાદાશ્રી : એ કાર્ય કરે અને નવું ઉપાર્જન કરે, બેઉ કરે. નવું ચાર્જ કરે પાછો. એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ બેઉ થયાં કરે. નવાં કર્મ બંધાતાં જાય અને જૂનાં છૂટતાં જાય અને બંધ પડે એનો અર્થ જ નહીં ને ? આ તમને બંધ પડે નહીં, તમને સંવર રહે.

નિર્જીવ અહંકારમાં ત્રણ બટન કામ કરે, આશ્રવ થાય, નિર્જરા થાય, ને સંવર થાય અને સજીવ અહંકારમાં ત્રણ બટન કામ કરે, આશ્રવ થાય, નિર્જરા થાય ને બંધ થાય. પેલામાં બંધ ના થાય, એટલે ત્યાં સંવર રહે. સજીવ અહંકારમાં બંધ પડે.

અહંકાર, કર્તા-ભોક્તાપણાનો !

પ્રશ્શનકર્તા : આપ બધું કહો કે ભઈ, અમારામાં અહંકાર નથી, અમને કંઈ જોઈતું નથી, તો એ પણ અહંકાર ના કહેવાય ?

દાદાશ્રી : અહંકાર કહેવાયને, પણ આ ડિસ્ચાર્જ થતો અહંકાર છે, તે બોલીએ તો પછી એ કર્મ છૂટું થઈ જાય, ભોગવાઈ જાય. આ ભોક્તાપણાનો અહંકાર છે. કર્તાપણાનો અહંકાર નથી રહ્યો. અમે ક્રોધ-માન-માયા-લોભ બધું કાઢીએ છેને, તે કર્તાપણાનો કાઢી નાખીએ છીએ, ભોક્તાપણાનો રહેવા દઈએ છીએ.

પ્રશ્શનકર્તા : એટલે કે આ કર્તાપણાનો અહંકાર ને ભોક્તાપણાનો અહંકાર શું છે, એ જરા ડિટેલમાં સમજાવોને !

દાદાશ્રી : આ ઉદયકર્મ એ બધો ભોક્તાપણાનો અહંકાર છે અને કર્મ એ કર્તાપણાનો અહંકાર છે. જ્યારે ફળ આપવા તૈયાર થાય એનું નામ ઉદયકર્મ અને કર્મ એ કર્મ. કર્મ એ કોઝિઝ (કારણ) કહેવાય અને ઉદયકર્મ એ ઇફેક્ટ (પરિણામ) કહેવાય.

એટલે કોઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિઝ ચાલ્યા કરે છે. જ્યાં સુધી કોઝિઝ બંધ ન થાય ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે. એટલે કર્મ કરતો બંધ ના થાય, કર્તાપણું છૂટે નહીં ત્યાં સુધી આ સંસાર ચાલુ રહેશે. એ કર્તાપણાનો અહંકાર અમે તમારી પાસે લઈ લઈએ. અહંકાર-ક્રોધ-માન-માયા-લોભ જે કર્તાપણામાં વિચરી રહ્યાં છે, એ અમે લઈ લઈએ અને ભોક્તાપણાનો તો ઇફેક્ટિવ છે એટલો તમારી પાસે રહેવા જ દેવો જોઈએ, નહીં તો આ શી રીતે શરીર ઉદયકર્મો ભોગવે ? ઊઠવા માટેય અહંકાર જોઈએ, ચાલવા માટે પણ એ ભોક્તાપણાનો અહંકાર જોઈએ.

આ તમે કહ્યુંને, 'દાદા, તમે જે બોલો છો એ બધું અહંકાર નથી ?' ત્યારે મેં કહ્યું, 'અહંકાર છે પણ આ ભોક્તાપદનો અહંકાર, એટલે ફળ આપીને ચાલ્યો જશે.' એ ફળ આપવા માટે બંધાયેલો છે. કર્તાપદનો અહંકાર તો કર્મ ઊભાં થવા માટે છે.

દાદાનો નિર્જીવ ખટપટિયો અહંકાર !

પ્રશ્શનકર્તા : દાદામાં થોડોક અહંકાર તો હોયને ?

દાદાશ્રી : એ આ પટેલમાં, જે ચાર ડિગ્રી ઓછી છેને, તે અહંકારેય પાછો કેવો ? નિર્જીવ અહંકાર, જીવતો નહીં. નિર્જીવ અહંકાર ડ્રામેટિક હોય. ડ્રામામાં ભતૃહરિ અંદરખાને જાણતો હોય કે 'હું લક્ષ્મીચંદ છું', એવું હું અંદરખાને જાણું છું કે 'હું તો દાદા ભગવાન જ છું' અને આ નિર્જીવ અહંકાર છે.

એ નિર્જીવ અહંકાર શું કરે ? ખમીસ પહેરે, જોડા પહેરે, અહીં મેલું થયેલું હોય તો કાઢી નખાવડાવે, ઉજળું પહેરાવડાવે, ખટપટો કરે. 'આવજો ચંદુભાઈ, તમને જ્ઞાન આપું, હું તમને સમજણ પાડીશ.' એ ખટપટ કહેવાય કે ના ખટપટ કહેવાય ? શેના હારુ ? ભગવાન 'આવજો' બોલતા હશે ? એ તો વીતરાગ કહેવાય ! એ તો આવજો ને જજો કશું બોલે નહીં અને 'હું તમને મોક્ષ આપીશ,' એમ કહેલુંને ? શા હારુ આ ખટપટ ? એટલે અમે ખટપટિયા વીતરાગ ! આવી ખટપટો કરીએ ને વીતરાગ દશામાં રહીએ. એટલે આ ચાર ડિગ્રી અમારો અહંકાર રહ્યો છે, નિર્જીવ અહંકાર. એ ફરી સજીવન થાય નહીં. જે નાટકનો ભાગ છેને, 'એ. એમ. પટેલ' નામનો પાઠ પૂરો થઈ રહ્યો છે.

પ્રશ્શનકર્તા : જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બુદ્ધિ, અહંકાર એ કશાની જરૂર રહેતી જ નથી ?

દાદાશ્રી : અહંકાર ચાલ્યો જ જાય છે, ત્યાર પછી જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષ અહંકારને જ ડિસમિસ (બરતરફ) કરી દે છે. ત્યાર પછી આ જ્ઞાન પ્રાપ્ત થાય. ત્યારે કહે, 'હવે સંસાર ચલાવવા માટેનું શું ?' ત્યારે કહે, 'તેનો એ નિર્જીવ અહંકાર રહે છે, જીવંત નહીં.' એ જીવંત અહંકારને ડિસમિસ કરી દેવામાં આવે છે. નિર્જીવ ઇગોઇઝમ ડિસ્ચાર્જ રૂપે હોય એટલે આ જ્ઞાન લીધા પછી તમારે નિર્જીવ અહંકાર રહ્યો છે. એટલે તમને હેરાન ના કરે. કામ કરે, ડ્રામેટિક. ધી વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટસેલ્ફ (જગત સ્વયં નાટક છે) !

હવે તમારે મહીં આ જે કાર્યકારી રહ્યું, અહંકાર ને એ બધું, તે નિર્જીવ છે. એટલે અમે કહીએ છીએ કે ચાર્જ થતું નથી, ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

પ્રશ્શનકર્તા : પણ એ નિર્જીવ માની લેવાનું ?

દાદાશ્રી : માની લેવાનું નહીં. આ જગતમાં માની લીધેલું બધુંય ખોટું.

પ્રશ્શનકર્તા : જ્ઞાનીના સંપર્કમાં આવેલા માણસો હોય, એમનો અહંકાર તો વધતો જ જાય છે, એવંુ બને ને ?

દાદાશ્રી : ના, એ તો લાગે એવું. આ જ્ઞાન લીધા પછી એમને અહંકાર જ ના હોય. એમને જે અહંકાર હોયને, તે નિર્જીવ અહંકાર હોય અને જગતના જીવોને સજીવ અહંકાર હોય. અને એ ક્રોધ કરે કોઈની જોડે, તો એમને ઠપકો ના આપું. હું જાણું કે એ કર્તા નથી.

આ છે એનું તારણ !

જ્યાં સુધી જીવતો ઇગોઇઝમ છે, ત્યાં સુધી આત્માનું લક્ષ બેસે નહીં. જ્યાં સુધી અહંકાર કેન્દ્ર છે, ત્યાં સુધી બીજાં બધાં લક્ષ બેસે. તમારો ફ્રેન્ડ કોઈ મરી ગયો હોય ને, તો તમે એક જ ફેરો સાંભળો કે એની સાથે લક્ષ બેસી જાય. પછી તમે ત્રણ વર્ષે એને ત્યાં ઘેર જાવ તો તમારા ફ્રેન્ડને ખોળો ખરા ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : કારણ કે અહંકારના કેન્દ્રમાં લક્ષ બહુ સુંદર બેસી જાય બધાં જ. પણ અહંકારનાં કેન્દ્રથી શુદ્ધાત્માનું લક્ષ બેસે નહીં. કારણ કે જીવતો અહંકાર માર્યો જાય તો જ શુદ્ધાત્માનું લક્ષ બેસે. આ એનું તારણ કાઢવું હોય તો તારણ શી રીતે નીકળે આનું ?

નિર્અહંકારીનો સંસાર સાહજિક !

પુરુષાર્થ કોને કહેવાય કે સ્વતંત્ર કરીએ તેને.

પ્રશ્શનકર્તા : પણ એવો તો સ્વતંત્ર હોતો જ નથીને ?

દાદાશ્રી : તો પછી એ પુરુષાર્થ કહેવાય જ નહીંને !

પ્રશ્શનકર્તા : સ્વતંત્રતાનો જે એરિયા (વિસ્તાર) છે એટલા ભાગમાં અમારાં જેટલાં સાધનો છે, એને તો અમે પૂરેપૂરાં વાપરીએને ?

દાદાશ્રી : વાપરો પણ રીત બદલો, એમાં સમજણ ફેર કરી નાખોને !

પ્રશ્શનકર્તા : કઈ જાતની રીત કરીએ ?

દાદાશ્રી : કે આ ખાલી ડ્રામેટિક જ કરવાનું છે. ધીસ ઈઝ નોટ રિયલ, બટ ઑલ્સો નોટ અન્રિયલ ! આ અન્રિયલ પણ નથી !

પ્રશ્શનકર્તા : પણ અમે નાટકના રાજા થઈએ તો એટલા ભાગનું તો કામ કરવું પડશેને જે રાજાનો રોલ છે તે ?

દાદાશ્રી : એ તો એની મેળે થઈ જ જાય છે. તમારે ગોઠવણી કરવાની, યોજના કરીને મૂકી દેવાની. એટલે એ એની મેળે થઈ જ જાય.

પ્રશ્શનકર્તા : સજીવ અહંકાર આવતો ભવ બાંધે છે ?

દાદાશ્રી : હા, સજીવ અહંકાર આવતો ભવ બાંધે છે.

પ્રશ્શનકર્તા : મારે ત્યાં બધા મહેમાન આવ્યા. હું બધાને જમાડું છું અથવા હું કહું કે બધાને હું જમાડું છું તો ?

દાદાશ્રી : તેનો વાંધો નહીં પણ એ નિર્જીવ અહંકાર હોવો જોઈએ.

પ્રશ્શનકર્તા : પણ એ ધારો કે સજીવ અહંકાર થઈ ગયો તો ?

દાદાશ્રી : સજીવ અહંકાર થાય જ નહીંને ! જમાડવામાં તો કેટલી ચીજ હોય ? ઘી હોય, તેલ હોય, ખાંડ હોય, તેલ જ ના મળે તો શાક શી રીતે બનાવો ?

પ્રશ્શનકર્તા : અત્યાર સુધી અમે એવું સમજ્યા કે કામ કરવા માટે અહંકાર કરવાનો પણ અહંકારી નહીં થઈ જવાનું.

દાદાશ્રી : પણ અહંકાર કરે એ અહંકારી જ છેને !

પ્રશ્શનકર્તા : પણ આપ કહો છોને કે અહંકાર કર્યા વગર તો પગનું મોજુંય ના પહેરાય.

દાદાશ્રી : એ તો નિર્જીવ અહંકાર છે. અને નિર્જીવ અહંકાર તો છે જ ને ! આપણે આ જ્ઞાન આપીએ છીએ, ત્યારથી પછી નિર્જીવ અહંકાર કાર્ય કર્યા જ કરે છે. આ સંસાર ચલાવે છે, એ નિર્જીવ અહંકાર છે અને સજીવ અહંકાર આવતો ભવ બાંધે છે.

નિર્જીવ અહંકાર એટલે આ ડ્રામેટિક, આપણે બોલવાની જરૂર કે મારે હવે નાહી લેવું છે. એટલે બધું ભેગું થશે. પાણી ભેગું થાય, બીજું ભેગું થાય, ત્રીજું ભેગું થાય, હાથ રેડે-કરે. મન ને બીજા બધું કામ કર્યા કરે.

પ્રશ્શનકર્તા : આ નક્કી કરે કે આ કરવું છે અગર તો મુંબઈ જવું છે, તો પછી બધી ક્રિયાઓ સહેજે થઈ જાય ?

દાદાશ્રી : હા, એની મેળે થયા જ કરે.

પ્રશ્શનકર્તા : પણ નક્કી કરતી વખતે ત્યાં અહંકારનું બટન દબાય ખરું ?

દાદાશ્રી : ના, એ અહંકાર કશો હોતો જ નથીને ! એ નિર્જીવ અહંકાર જ કાર્ય કર્યા કરે છે. એ નક્કી કરનારોય નિર્જીવ અહંકાર છે. આ સંસારીઓનેય નિર્જીવ અહંકાર નક્કી કરે છે પણ એ પોતે એને સજીવ કરે છેને, એટલે એ આવતો ભવ બાંધે છે જોડે.

પ્રશ્શનકર્તા : સજીવ એટલે કેવો અહંકાર ?

દાદાશ્રી : સજીવ એટલે મારા વગર ચાલે જ નહીં, 'હું જ કરું છું', નહીં તો કોણ કરી શકે ? કોઈ ના કરી શકે. એ ઇગોઇઝમ કરે છેને, એ સજીવ અહંકાર છે.

પ્રશ્શનકર્તા : જ્યાં એને એમ લાગે કે મારા વગર ન ચાલે, તેને તમે સજીવ અહંકાર કહો છો ?

દાદાશ્રી : આ દરેક ક્રિયા કરે છે, તે 'હું કરું છું' એવું ભાન છેને, એ જ સજીવ અહંકાર છે. આ ગાંયજાનેય નક્કી કરવું પડે કે મારે આમની હજામત કરવી છે. એટલે એ થઈ જ જાય. અને જો કદી 'હું કરંુ છું, મારા વગર કોઈ ના કરી શકે' કહે તો ઊલટો લોહી કાઢશે !

એટલે સહજ થાયને, તો સો ટકા ફળ મળે અને જો કદી બીજું કરવા ગયા તો ચાલીસ ટકા ફળ મળે. એટલે સહજનું ઊંચું ફળ મળે ! અહંકાર આંધળો છે, એ કામ પૂરું સફળ થવા દેતો નથી અને આવતો ભવ બાંધે છે પાછો, એ જુદું !

પ્રશ્શનકર્તા : હું કહું કે મારા વગર આ ચાલે નહીં, એવું જો કહ્યું, એમાં ક્યાં બંધાઈ જાય છે ?

દાદાશ્રી : 'મારા વગર ચાલે નહીં', એવું કહેવાની જરૂર શેના માટે હોય છે ? આ કોઈ મોટા માણસ એમ કહે કે હું ના હોઉં તો આ જગતનું શું થશે ? ત્યારે લોક શું કહે કે તમારા જેવા કેટલાય આવ્યા ને ગયા !

પ્રશ્શનકર્તા : બાકી કોમનસેન્સવાળો માણસ 'મારા વગર નહીં ચાલે' એવો અહંકાર નથી કરતો, તો એમાં બંધાવાનું ક્યાં આવ્યું ?

દાદાશ્રી : ના, આ બધાય લોકો સજીવ અહંકાર જ કરી રહ્યા છે. એવું છેને, આ ઘરમાં પેલો શું કહે છે, 'મારા લીધે ચાલે છે, નહીં તો હું ના હોઉં ને તો તારી દશા જ બેસી જાય એવું છે.' આવું કહે ત્યારે પેલી બાઈ પાછી શું કહેશે, 'આ જુઓને ! કરવાવાળા આવ્યા ! એ તો હું છું તે આ ચાલે છે, નહીં તો તો આ છોકરીઓ રખડી જાય.'

ત્યાં પેલો ડ્રાઈવર કહેશે, 'મેં બચાવ્યો'. ત્યારે પેલા બચનારાને આપણે પૂછીએ, ત્યારે એ કહે, 'એ તો હું વધારે કૂદ્યો તેથી બચી ગયો. એ શું બચાવવાનો હતો !' ત્યારે પેલો પોલીસવાળો કહે છે, 'એ તો હું હતો, તેથી તમે બચી ગયા.' હવે પેલો ડ્રાઇવર કહે છેને, 'મૈંને બચા દિયા.' એટલે એ બધું ગાંડપણ છે.

પ્રશ્શનકર્તા : પણ એવું બધાએ કરેલું તો હોય છે જ ને ? એ માણસ કહે કે મેં બ્રેક મારી ને પેલો કૂદ્યોય ખરો, એવું બની શકેને ? એટલે એવું કહે તો ખરોને ?

દાદાશ્રી : પણ પોતે જો બ્રેક મારવા જાયને, તો અવળી બ્રેક વાગે. આ તો અંદર એવી સુંદર વ્યવસ્થા છે કે બ્રેક એના ટાઈમે એક્ઝેકટ વાગી જ જાય. આ અહંકાર કરવા જાય છેને, તો ઊલટી બ્રેક બગડી જાય છે. બધું અહંકારથી બગડ્યું છે. જગતને બગાડ્યું હોય તો આ બધું અહંકારથી, નહીં તો સહજ ચાલે એવું આ જગત છે ! તમારે તો ખાલી બોલવાનું, નક્કી જ કરવાનું. આ વાત બધી મારા જ્ઞાનમાં બધું જોઈ-તપાસીને બોલું છું.

રૂપાળા જગતને બગાડ્યું અહંકારે !

હવે તમને લાગે છે, અહંકાર ગયો એવું ?

પ્રશ્શનકર્તા : કોઈ વખત આવી જાય છે કે 'હું ચંદુભાઈ છું'.

દાદાશ્રી : એ લાગે એવું કે આવી જાય છે પણ એ આવે જ નહીં કોઈ દહાડોય !

પ્રશ્શનકર્તા : પણ આપણે સમાજમાં જે હોય, તે વખતે તો કહીએને, કે 'હું ચંદુભાઈ છું'.

દાદાશ્રી : ના, ના, સમાજનું શું ? ધોલ મારે તોય અહંકાર ના આવે.

પ્રશ્શનકર્તા : એ અહંકારને છૂટવું હોય તો એ વારે ઘડીએ વચ્ચે વચ્ચે ઊભો કેમ થઈ જાય છે ?

દાદાશ્રી : એ ઊભો થતો જ નથી. અહંકાર કોને કહેવાય કે 'હું ચંદુભાઈ છું' અને આ અહંકાર જે દેખાય છે ને વારે ઘડીએ ઊભો થાય છે, એ તો નિર્જીવ અહંકાર છે. એને આપણે જોયા કરવાનું કે, કહેવું પડે ! એટલે આપણું વિજ્ઞાન છે, તે તદ્દન સમજાય એવું છે.

બંધ કર્યું ચાર્જીંગ પોઈન્ટ !

એટલે બેટરીના સેલ જેમ ડિસ્ચાર્જ થાયને, એ સેલ કંઈ જીવંત છે ? એ નિર્જીવ છે છતાં પણ ડિસ્ચાર્જ થાય છે એમાંથી. એવી રીતે આ મનની, વચનની અને કાયાની ત્રણ બેટરીઓ જુદી પાડી દઈએ છીએ, નિર્જીવ કરી દઈએ છીએ. એ પછી ડિસ્ચાર્જ થયા કરે. પહેલાં તો બધું જીવતું હતું. અહંકારેય જીવતો, મન પણ જીવતું, એટલે નવું ચાર્જ થાય અને જૂનું ડિસ્ચાર્જ થાય.

પ્રશ્શનકર્તા : આપે જે કહ્યુંને કે આ જે ટેપ વાગે છે, તો એ અહંકાર સિવાય તો વાગે જ નહીંને ?

દાદાશ્રી : ના, પણ એ અહંકાર તો ડિસ્ચાર્જ અહંકાર.

છૂટ્યા ચિંતા-ઉપાધિ કાયમનાં !

સંસાર ચલાવવો હોય તેને માટે અહંકારની બહુ જરૂર છે. મોક્ષે જવા માટે અહંકારની જરૂર નથી. એટલે સંધિકાળમાં શું થશે ? મોક્ષમાં જવું છે ને સંસાર ચલાવવો છે, તેવી જગ્યાએ શું થશે ? ત્યારે કહે, અહંકાર સિવાય સંસાર ચાલશે. કારણ કે કોઝિઝ વગર પરિણામથી જીવાશે. અને જેને સંસાર ચલાવ ચલાવ કરવો છે, તેને કોઝિઝ ને પરિણામ બેઉ ભેગું રહેશે.

આ જ્ઞાન આપ્યા પછી તમને ચિંતા ના થાય, વરીઝ ના થાય. કારણ કે અહંકાર ને મમતા ઊડી ગયાં. એટલે સંસાર નિરાંતે ચાલ્યા કરે. સંસાર ચલાવવા માટે જીવતા અહંકારની જરૂર નથી, આવતો ભવ બાંધવા માટે એ અહંકારની જરૂર છે. હા, જેને આવતો ભવ ના બાંધવો હોય તેને જીવતો અહંકાર નહીં હોય તોય સંસાર ચાલે એવું છે. આ સંસાર આખો ડિસ્ચાર્જ સ્વરૂપે છે. ડિસ્ચાર્જ એટલે એની મેળે થયા જ કરવાનું, ખાવા-પીવાનું બધું મળ્યા કરે, છોકરા પૈણશે, છોડીઓ પૈણશે, એ બધું થયા જ કરવાનું.

હવે ઈગોઈઝમ ખલાસ થઇ જાય તો કોઈ કહેશે કે કાર્ય કોઈ થાય નહીં. એ વાત ખરી છે પણ જે ઈગોઈઝમ હતો, એ મિક્ષ્ચર ઈગોઈઝમ હતો. જડ અને ચેતન બે વસ્તુનો, તે ચેતન ખેંચી લીધંુ. જડ રહ્યું છે કે જે કાર્યકારી છે. કાર્યકારી એટલે બધું ક્રિયા કરી શકે. હવે એમાં જો ચેતનનું હોત તો આવતા ભવનું પાછું ફરી ચાર્જ થાત. તે ચેતન નથી, માટે ચાર્જ ના થાય અને આ ડિસ્ચાર્જ એકલું રહે.

અહંકાર, ચાર્જ-ડિસ્ચાર્જ !

પ્રશ્શનકર્તા : આ અહંકાર ઉપર પૂર્વભવની અસરો ખરી ?

દાદાશ્રી : પૂર્વભવની જ અસરો છે આ, આ ભવની અસર નથી. અહંકાર ઓછો-વધતો દેખાય છે એ બધો ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એ નવો થયેલો નથી. નવો ચાર્જ તો મહીં થઈ રહ્યો છે. આ જૂનો અહંકાર જે દેખાય છે એ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. માટે પોતાને આજે ધાર્યું હોય એવો ફેરફાર કરી શકાય નહીં.

જ્યાં અહંકાર ત્યાં ભમરડો. તમે શુદ્ધાત્મા કહેવાઓ, એટલે તમે ભમરડા સ્વરૂપ ના કહેવાઓ. અને આ ચંદુભાઈ ભમરડો પાછો ! પણ જે અત્યાર સુધી ભૂલ કરેલી છે તેનાં પરિણામ રહ્યાં. એટલે આ પરિણામી અહંકાર છે એ કાર્ય કર્યા કરે એ. એમાં તમને કોઈ નુકસાન કરનાર છે નહીં. અજ્ઞાને કરીને અહંકાર ઊભો હોય, તે અજ્ઞાન જાય કે અહંકાર જાય.

પ્રશ્શનકર્તા : અહંકાર અને ચિત્ત એ બન્નેય વ્યવસ્થિતમાં આવે ?

દાદાશ્રી : બધાંય વ્યવસ્થિતના તાબે. આપણે ત્યાં આ જ્ઞાન લીધા પછી અહંકાર વ્યવસ્થિતના તાબે. બહારના લોકોનો અહંકાર વ્યવસ્થિતના તાબે નહીં. કારણ કે આપણે તો વ્યવસ્થિત એટલે વિસર્જન કરે, સર્જન નથી કરતું. એટલું જ કામ કરે છે એને. ચાર્જ થયેલું હોયને, તેને ડિસ્ચાર્જ કરવાનું કામ એ વ્યવસ્થિતનું છે. આપણને ચાર્જ નથી કરતું ફરી અને બહારના લોકોને ચાર્જ અને ડિસ્ચાર્જ બન્ને થવાનું. તે ક્યારે ઊંધું કરી નાખે એ કહેવાય નહીં.

પ્રશ્શનકર્તા : દાદા, એટલે આપ જે કહો છો કે અહંકાર તો ગમે તે કરી શકે.

દાદાશ્રી : હા, ગમે તે કરી શકે.

પ્રશ્શનકર્તા : એટલા માટે આપે કહ્યું કે આ જે અહંકાર છે ત્યાં સુધી વ્યવસ્થિત એને અપાય જ નહીં ?

દાદાશ્રી : ના, અપાય નહીંને ? તે વ્યવસ્થિત આપીએ જ નહીંને, ઊંધું જ કરે.

ઉદયાધીન એક જ ભવ પૂરતું !

પ્રશ્શનકર્તા : આપણા મહાત્માઓને માટે વાત નથી, પણ હવે જગતની અંદર તો બધાય કર્માધીન જ છેને ?

દાદાશ્રી : કર્માધીન છે, બધાય.

પ્રશ્શનકર્તા : અને કમ્પ્લીટ (સંપૂર્ણ) કર્માધીન જ ચાલે છેને ?

દાદાશ્રી : ના, એવું નથી, કર્માધીન એક અવતાર માટે છે.

પ્રશ્શનકર્તા : હવે એમાં નવું કરી શકે પોતે ?

દાદાશ્રી : ના, એમાં નવું કર્યું હોય તે પ્રમાણે આવતે ભવ ફેરફાર થાય. અને એમાં તો પોતે સ્વતંત્ર રહે છે પણ આ એક અવતાર માટે ઉદયકર્મ છે. એમાં અહંકાર ડખો કરે છે, નવંુ ફેરફાર કરી શકતો નથી.

પ્રશ્શનકર્તા : હવે એક અહંકાર તો ગમે તે કરી શકે. દા.ત. હીટલરે આખી દુનિયાને બદલી નાખવાનો અહંકાર કર્યો, તે એમાં બધાનું વ્યવસ્થિત નહીં સાથે ?

દાદાશ્રી : એ વ્યવસ્થિત બધાનું હોય તો જ આ સંજોગ ઊભો થાય. બધાનું એટલે આખી દુનિયા કંઈ ઓછી ડૂબી ગઈ ?

પ્રશ્શનકર્તા : પણ આ બધુંય પાછું એક જ ભવની વાત છે ?

દાદાશ્રી : બસ, એક ભવની જ વાત. બીજા ભવને કંઈ લેવાદેવા નથી. અને આપણું તો બે ભવ, ત્રણ ભવ બાકી હોય, પણ બધું વ્યવસ્થિત છે.

પ્રશ્શનકર્તા : કારણ કે ચાર્જ નથી. હવે આ અવતારમાં અજ્ઞાનીને ઉદયકર્મ છે. એ ઉદયકર્મ ભોગવતાં ભોગવતાં જે નવાં બાંધે છે, એમાં એ સ્વતંત્ર છે ?

દાદાશ્રી : હા, એમાં એ સ્વતંત્ર જ છે. નવું ચાર્જ કરવામાં અહંકાર છેને, તે ઊંધું કરી શકે છે એમ છતુંય કરી શકે છે.

પ્રશ્શનકર્તા : એક જ ભવનું ઉદયાધીન છે ?

દાદાશ્રી : એક જ ભવનું. આ બધું આપણને દેખાય છે તે બધું ઉદયાધીન જ છે. બીજા ભવનું આપણે જોવાની શી જરૂર છે ?

એટલે જગત બધું નિર્દોષ જ છે. આંખે દેખાય એ બધું ઉદયાધીન હોય. મહીં શું પુરુષાર્થ કરે છે એ જોવાનું. એની ક્રિયાને આપણે જોવાની નથી. એ શેના આધીન છે આજે ? ઉદયાધીન, ગાળો બોલી ગયો તે ઉદયાધીન અને નુકસાન કરી રહ્યો છે તેય ઉદયાધીન. બધું ઉદયને આધીન જ છે. એટલે જગત આખું નિર્દોષ જ છે, જેને છૂટવું છે તેને માટે અને જેને બંધાવું છે તેને જગત દોષિત જ દેખાય.

જગતમાં બે જાતની દ્ષ્ટિ. એક દોષિત દ્ષ્ટિ, તે બંધાયા જ કરે નિરંતર અને બીજી, નિર્દોષ દ્ષ્ટિ છોડ્યા જ કરે.

પ્રશ્શનકર્તા : જે કંઈ જીવનમાં થઈ રહ્યું છે, તે પાછલાં કર્મના હિસાબે થઈ રહ્યું છે ?

દાદાશ્રી : હા, બીજું શું તે ? અને નવો હિસાબ ના બાંધીએ એટલે કશો વાંધો જ નથી.

પ્રશ્શનકર્તા : પાછલાં કર્માનુસાર એ ખરાબ કામ કરતો આવ્યો હોય ને અત્યારે સારાં કર્મો એને કરવાં હોય તો એ થઈ શકે ? અત્યારે જે પાછલાં કર્મોના હિસાબે ચાલે છે, એમાં કંઈ ફેરફાર કરી શકીએ ?

દાદાશ્રી : અહંકાર છેને, થોડોઘણો ફેરફાર થાય. જે ડિઝાઈન થઈ ગઈ હોય, તેને ફેરફાર ના થાય. અને અહંકાર ના હોય, તેને કશોય ફેરફાર ના થાય.

પ્રશ્શનકર્તા : બધું વ્યવસ્થિત છે, કર્મનું પરિણામ છે, તો આપણે જે ભાવથી કરીએ છીએ તે પ્રમાણે આવે. પણ ભાવના કરીએ તેમાં પુરુષાર્થ ખરો ? પુરુષાર્થથી ભાવના બદલાય, કે એય વ્યવસ્થિત ?

દાદાશ્રી : ના, એ વ્યવસ્થિત નહીં. ભાવનાથી તું પુરુષાર્થ કર. વ્યવસ્થિત ક્યાં સુધી હેલ્પ કરે કે અહંકાર ના હોય ત્યાં સુધી. અહંકાર હોય ત્યાં સુધી વ્યવસ્થિત કહેવાય નહીં. એટલે અહંકારથી અવ્યવસ્થિત કરે, માટે ભાવનાથી એ બદલાવી શકાય. જગત છે વ્યવસ્થિત પણ અહંકાર છે, તે ગોદો માર્યા વગર રહે નહીં. ગોદો ના મારે તો બિલકુલ વ્યવસ્થિત છે, એક્ઝેક્ટ છે ! અહંકાર કંઈની કંઈ ડખોડખલ કર્યા કરે છે. ના હોય દુઃખ ત્યાંથી લઈ આવે.

ખુલે પ્રકૃતિ, 'વ્યવસ્થિત' પ્રમાણે !

પ્રશ્શનકર્તા : પ્રકૃતિ અને વ્યવસ્થિતને સંબંધ ખરો ?

દાદાશ્રી : બેઉને સંબંધ છે, સાચો સંબંધ જ છે. જો કદી અહંકાર ડખલ ના કરે તો બધું, તે વખતે વ્યવસ્થિત છે. પણ અહંકાર જીવતો છેને, મૂઓ ?

પ્રશ્શનકર્તા : અત્યારે જીવ ભોગવી રહ્યો છે, એ એની હાલની પ્રકૃતિ મુજબ એને 'વ્યવસ્થિત' છે ?

દાદાશ્રી : પ્રકૃતિ ને 'વ્યવસ્થિત' બે એક જ છે, પણ અહંકાર છે તે ડખલ કરે છે. પ્રકૃતિ રહેવા દેતો નથી. એટલે 'વ્યવસ્થિત' કહેવાય નહીં. અહંકારમાંથી સજીવ ભાગ કાઢી આપીએ પછી 'વ્યવસ્થિત' કહીએ, એ જુદું છે.

પ્રશ્શનકર્તા : અત્યારે જે 'વ્યવસ્થિત' ચાલે છે, તે એની હાલની પ્રકૃતિ મુજબ ચાલે છે ? દા.ત. ચંદુભાઈની જે પ્રકૃતિ હાલની છે અને ચંદુભાઈનું જે 'વ્યવસ્થિત' છે એ બેઉનો સંબંધ ખરો ?

દાદાશ્રી : એક જ છે, કહું છું ને ! 'વ્યવસ્થિત' પ્રમાણે જ પ્રકૃતિ ખુલે છે, જો એ અહંકારની ડખલ ના હોય તો. તેથી એને 'વ્યવસ્થિત' જ છે કહેવાય. અહંકારની ડખલ છે એટલે બહાર 'વ્યવસ્થિત' કહેવાય નહીં. પ્રકૃતિ 'વ્યવસ્થિત' છે. પણ અહંકાર મહીં ગાંડું કરે ?

પ્રશ્શનકર્તા : કરે.

દાદાશ્રી : હેં ! આખો દહાડો ગાંડાં જ કાઢે છેને ! અને ભમરડો છે તે કૂદાકૂદ કરે છે વગર કામનો ! જગત 'વ્યવસ્થિત' છે ક્યારે કહેવાય કે આ અહંકાર બંધ થાય ત્યારે. ત્યાં સુધી 'વ્યવસ્થિત' કહેવાય નહીં. આપણા આ જ્ઞાન પામેલા લોકો જ 'વ્યવસ્થિત' કહી શકે, બાકી બીજા નહીં. કારણ કે એને અહંકાર છે ત્યાં સુધી ડખલ કર્યા વગર રહે જ નહીં.

પછી જ ક્રમબદ્ધ પર્યાય !

અહંકાર હોય ત્યાં સુધી બધા જ ફેરફારો કરી નાખે. ડખો કર્યા વગર રહે જ નહીં. અને જ્ઞાન મળ્યું એટલે અહંકાર ખલાસ થયો એટલે તમે કહેતા'તા ને, પેલું શું કહે છે ?

પ્રશ્શનકર્તા : ક્રમબદ્ધ પર્યાય.

દાદાશ્રી : આપણે 'વ્યવસ્થિત' કહીએ છીએ અને એ 'ક્રમબદ્ધ પર્યાય' કહે છે, એ અહંકાર ખલાસ થાય ત્યાર પછીનું બધું. જ્ઞાન ના હોય ત્યારે કશુંય કહેવાય નહીં. કારણ કે અહંકાર ગમે તે ટાઈમે બોમ્બ ફોડીને ઊભો રહે. અહંકાર બોમ્બ ફોડે કે ?

પ્રશ્શનકર્તા : એકદમ ફોડે.

દાદાશ્રી : હા, નહીં તો વાઇફ જોડે વઢે કે ? બાપ જોડે હઉ લડી પડેને ?

પ્રશ્શનકર્તા : આપ કહો છો, કંઈ કરવાની શક્તિ નથી પણ ભાવ કરવાની શક્તિ છે કે નહીં, આત્મામાં ?

દાદાશ્રી : ભાવ કરવાની પણ શક્તિ નથી. અહંકાર હોય ત્યાં સુધી ભાવ થાય. આપણે જ્ઞાન આપ્યા પછી નથી. પછી ભાવ બંધ થઈ ગયા. ભાવ ના થાય એટલે ભાવ બંધ થઈ ગયા. અત્યારે જે ભાવ છેને, એ તો નિર્જીવ ભાવ થાય છે.

પ્રશ્શનકર્તા : મોક્ષનો ભાવ ?

દાદાશ્રી : મોક્ષનો ભાવ તો છે જ, એ તો સદ્ભાવ છે. એ તો પોતાના સ્વભાવમાં આવે એટલે એમાં જ મોક્ષ !

પ્રશ્શનકર્તા : અહંકાર હોય ત્યારે મોક્ષનો ભાવ કરવાની શક્તિ ખરી કે નહીં ? અહંકારી, અજ્ઞાનમાં હોય ત્યારે ?

દાદાશ્રી : ખરીને, બધી જાતના ભાવ કરવાની શક્તિ. એંસી વર્ષે પૈણવાનોય ભાવ કરે !

પ્રશ્શનકર્તા : એ અજ્ઞાન અવસ્થામાં મોક્ષનો ભાવ કરે તો જ્ઞાની પુરુષનો ભેટો થવાની શક્યતા વધારે ખરી ?

દાદાશ્રી : મોક્ષનો ભાવ થાય ત્યારે તો બધી શક્યતા ખરીને. એવું છે ને, જેેને અમેરિકા જવું હોય, તેને કોઈ વખત વિમાન મળી આવે. પણ જેને જવું જ નથી, તેને વિમાન શી રીતે મળે ? એટલે ભાવ કરે તો એને સંજોગ ભેગા થઈ જાય.

કર્તાપણું જોયું ત્યાં માર પડે !

પ્રશ્શનકર્તા : આપનું એક વાક્ય છે કે ક્રમિક માર્ગનો પુરુષાર્થ શું ? ત્યારે કહે, બુદ્ધિ અને અહંકારને બેને જુદાં રાખે. અહંકારને બુદ્ધિની મહીં ભળવા ના દે. એ જરા સમજાવોને. તો અક્રમમાં કેવો પુરુષાર્થ હોય ?

દાદાશ્રી : અક્રમમાં તો અહંકાર ને બુદ્ધિની જરૂર જ નહિને ! અહંકાર ને બુદ્ધિ બેઉ રહેતું જ નથીને ! અહંકાર છે તે નિર્જીવ અહંકાર રહે છે.

પ્રશ્શનકર્તા : પણ દાદા, નિર્જીવ અહંકાર જ્યારે બળતરા ઊભી કરે કે કોઈને દુઃખ પહોંચાડે કે પોતાને દુઃખ પરિણામ થાય, તો ત્યારે પણ નિર્જીવ જ અહંકાર રહે છેને ?

દાદાશ્રી : બીજો કયો ત્યારે ?

પ્રશ્શનકર્તા : દાદા, એ કેટલી બધી જાગૃતિ માગે છે !

દાદાશ્રી : આ જ્ઞાન જ આપણું જાગૃતિવાળું છે, બહુ જાગૃતિવાળું છે.

પ્રશ્શનકર્તા : સામાને કર્તા માને પણ પછી પોતાને બળતરા ઉત્પન્ન થાય, એટલે પછી ધોઈ નાખે.

દાદાશ્રી : ધોઈ નાખે પણ તોય કર્તા માન્યો, માટે કર્તા થયો એ પોતે. 'હું કરતો નથી, તે કરતો નથી, તેઓ કરતા નથી', આવું રહેવું જોઈએ. કોઈ કર્તા છે જ નહીં. કર્તા દેખાય ત્યાં સુધી જોખમ છેને !

પ્રશ્શનકર્તા : જ્ઞાન પછી આવું બીજાનું કર્તાપણું ઘણીવાર દેખાતું હોય, દાદા.

દાદાશ્રી : પછી માર પડેને ! કર્તાભાવ જ ભ્રાંતિ છે. અમારાથી શેક્યો પાપડ ભાંગે નહિ ! કર્તાભાવ જ નહિને અમારામાં ! ઇગોઇઝમ નામેય નહિ એટલે ભાંગે કોણ ? જેનામાં ઇગોઇઝમ હોય, તે શેક્યો પાપડ તો શું પણ મકાનો તોડી નાખે ! આખો સુરતનો કોટ તોડી નાખે ! પણ જે શેક્યો પાપડ ભાંગી ના શકે એ જ્ઞાની પુરુષ, છતાં આખા બ્રહ્માંડની શક્તિ હોય ત્યાં આગળ ! અજાયબ શક્તિ હોય !! એ ચાહે સો કરે !!!

પ્રશ્શનકર્તા : આપના વાતાવરણમાં, સત્સંગમાં, સાન્નિધ્યમાં અમે રહીએ, તો અમારો અહંકાર જલદી ખલાસ થઈ જાય એ ખરું ?

દાદાશ્રી : અહંકાર ખલાસ કરવાનો નથી, અહંકાર તો ખલાસ થઈ ગયેલો જ છે. આ તમને હવે ડિસ્ચાર્જ અહંકાર રહે છે. હવે સત્સંગથી તમારી સમજણ વધી જાય, દર્શન દેખાવાનું બધું ઊઘડી જાય, અન્વેઇલ્ડ (અનાવરણ) થઈ જાય. હંઅ, એને માટે અમારા સાંનિધ્યમાં આવવું જોઈએ. ત્રણસો કલાક, થ્રી હંડ્રેડ અવર્સ, તો ફૂલ (પૂર્ણ) થઈ જાય, ફૂલ મૂન !

(૪)

અહંકારની અવસ્થાઓ !

સાક્ષી કર્યો અહંકારને !

પ્રશ્શનકર્તા : આપે દેહ જોડે પાડોશીનો ભાવ રાખવા જણાવેલ છે, જૈન શાસ્ત્રના ભગવતી સૂત્રમાં દેહ જોડે આત્મદશા પામવા માટે સાક્ષીભાવ જણાવેલ છે, તો સાક્ષીભાવ અને પાડોશીભાવ વચ્ચે ભેદ શું છે ?

દાદાશ્રી : સાક્ષીને પાડોશી ના કહેવાય. સાક્ષી એટલે અહંકાર, અહંકાર સાક્ષી હોય અને પાડોશીભાવમાં જ્ઞાતા-દ્રષ્ટાભાવ હોય, સાક્ષીભાવ ના હોય. એટલે આ ભગવતી સૂત્રમાં બરોબર લખેલું છે. કારણ કે ક્રમિક માર્ગમાં હોય એમાં અહંકાર ખરો. એટલે કે સાક્ષીભાવમાં રહીને તું દેહની બધી ક્રિયાઓ જો !

પ્રશ્શનકર્તા : સાક્ષીભાવ કેવી રીતે, એ સમજાયું નહિ.

દાદાશ્રી : ભગવતીસૂત્રમાં જે લખ્યું છેને, સાક્ષીભાવ રાખવાનું, તે આ દેહ જે જે ક્રિયા કરે, તેને તું ખ્યાલમાં રાખ કે આ શું થયું, આ શું કર્યું, આવું કર્યું, આ ન કરવું જોઈએ. જાણે સાક્ષી હોયને, એવી રીતે તું ખ્યાલ રાખ, કહે છે. હવે એ ખ્યાલ રાખવા, પ્રેક્ટિસ કરતાં કરતાં એ ક્રમિક માર્ગ જ્ઞાતા-દ્રષ્ટા થવાનું કહે છે. આપણે અક્રમમાં જ્ઞાતા-દ્રષ્ટા થયા. આપણે સાક્ષીભાવ ના રહ્યો. અહંકાર હોય તો જ સાક્ષીભાવ.

આ જેટલી જાતના બહાર ધ્યાન કરાવે છે, એ બધા અહંકારથી. એ તો જેટલું થયું એટલું. જેટલી દવા ચોપડીને એટલું એનું દર્દ મટે. પણ મોક્ષનું તો ઘણા કાળ બાદ થાય.

જ્ઞાતા-દ્રષ્ટા એક સેકન્ડ થયો, તો થઈ ગયો પરમાત્મા ! સર્વથી રહિત થઈને ઊભો રહે. તેને પાડોશી કહેવાય. નહીં તો ત્યાં સુધી એ દેહાધ્યાસ કહેવાય. સાક્ષીભાવ કો'કને રહે, લાખોમાં બે-પાંચને રહે, જો પ્રયત્ન કરે તો. બાકી, મેણો ઊતરે નહીંને ? આ મોહ ઊતરે નહીં ને એ સાક્ષી રહેવા ના દે. સાક્ષી રહેતો હોય તો મોહ કરે નહીં, મૂઓ. પોતાની ભૂલો ખબર પડે તો, સાક્ષીભાવ રહેતો હોયને, તે પોતાના દોષ કહી આપે. અને પેલાને તો યાદ જ ના રહેને !

સાક્ષીભાવ કોને કહેવાય ? અહંકાર સહિત જ્ઞાતા-દ્રષ્ટા થવું એને સાક્ષીભાવ કહ્યો અને આ તો અહંકારરહિત જ્ઞાતા-દ્રષ્ટા ભાવ. સાક્ષીભાવ એ ભ્રાંતિ કહેવાય અને આ યથાર્થ જ્ઞાન કહેવાય. એટલે કંઈ હરકત નથી આ !

પ્રશ્શનકર્તા : જીવ સાક્ષીભાવથી પોતાનો જન્મ નથી જોઈ શકતો, પોતાનું મરણ પણ નથી જોઈ શકતો, તો વચલું જીવન સાક્ષીભાવથી કેવી રીતે જોઈ શકે ?

દાદાશ્રી : ખરેખર સાક્ષીભાવ નથી આ તો. અત્યારે જેટલો વખત રહે, એ જાગૃતિ છે એક જાતની. સાક્ષીભાવ એટલે તું સાક્ષી તરીકે 'શું થાય છે' તે જોયા કરે, પણ તે અજ્ઞાન દશામાં સાક્ષીભાવ હોય, અહંકારથી જોવામાં આવે એ સાક્ષી કહેવાય. આ જ્ઞાન લીધા પછી જ્ઞાનદશામાં તમારે જ્ઞાતા-દ્રષ્ટા હોય સાક્ષીભાવ ના હોય. અહંકાર જોનારો અને આમાં આત્મા જોનારો, બેમાં ફેર નહીં ? અહંકાર જુએ એટલે સંસારમાં ભટકવાનો જ રસ્તો એ. બીજું વચલું જીવન ના જોઈ શકે સાક્ષીવાળો તો ! અહંકારથી વચલું જીવન શી રીતે જોઈ શકે ?

પ્રશ્શનકર્તા : તો અહંકાર જન્મ જોઈ શકે ? મૃત્યુ જોઈ શકે ?

દાદાશ્રી : ના, ના. અહંકાર પોતે પોતાને જ જોઈ શકે નહીં. આ તો સાક્ષીભાવ એટલે લોકોને જાગૃતિ રહે કે ભાઈ, હવે શું થઈ રહ્યું છે મહીં તે જો, એ જાગૃતિ હોય તો જુએ. એટલે ત્યારે કહે, 'શી રીતે જોઉં ?' ત્યારે કહે, 'જાણે તાજનો સાક્ષી ઊભો હોયને, એવું તટસ્થ', એ તટસ્થને બદલે સાક્ષી બોલ્યા. એવું સાક્ષીઓની બધી વાતનો અર્થ જ નથી. છતાં એને આવું બજારમાં ભાવ છે, શબ્દ છે, એટલે આપણે સાક્ષીભાવ મૂકવો જોઈએ. બાકી મરણેય ના જોઈ શકે ને જન્મેય ના જોઈ શકે. પોતે પોતાને જ જોઈ શકે નહીં, એ અહંકાર. જે સાક્ષી છે ને, એને પૂછીએ કે તમે કોણ છો ? તે નહીં જોઈ શકે. અને આ જ્ઞાતા-દ્રષ્ટા એટલે તો પોતે પોતાને જાણે અને પરને પણ જાણે.

પ્રશ્શનકર્તા : સાક્ષીભાવ પણ સામાન્ય માણસ માટે તો બહુ દુર્ગમ્ય છેને ?

દાદાશ્રી : સાક્ષીભાવ તો કોઈ સંત પુરુષને હોઈ શકે, પણ એ સંત પુરુષનેય પછી આગળ વધવા માટે પ્રયત્ન કરવો પડે. સાક્ષીભાવ હોવા છતાં ભ્રાંતિ ગયેલી ના હોય ! અને છેલ્લું પદ તો જ્ઞાતા-દ્રષ્ટાનું છે. સાક્ષીભાવ અને જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં તો બહુ ફેર છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સાક્ષીભાવ. એ તો અર્થ જ નહીં, મિનિંગલેસ છે વસ્તુ. એ આમ તદ્દન ખોટું નથી. પણ એક પ્રકારની જાગૃતિ લાવે છે. અહંકાર પોતે પોતાના કાર્યને જુએ છે, મન શું કરી રહ્યું છે તેને જુએ છે, પણ સાક્ષીભાવ એટલે અહંકારીભાવ. એટલે સંસારમાં રખડવાનો ધંધો. એ કંઈ છૂટકારો થાય નહીં. લડવાનો ટાઈમ થાય ત્યારે લડી બેસે. રડવાનો ટાઈમ થાય ત્યારે રડી બેસે. એટલે આમાં નિવેડો ના આવે. એ તો લડવાને ટાઈમે લડે નહીં, રડવાના ટાઈમે રડે નહીં, બધામાં કોઈ વસ્તુ એને અડે નહીં. નિર્લેપ રહી શકે એનું કામ છે. સાક્ષીભાવ તો ઘણાને હોય છે. એટલે કોર્ટમાં હોય છેને, એના જેવું. એ કોર્ટમાં પૈસા ભરવા પડે અને આ વગર પૈસાના સાક્ષી, પછી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં.

એ સાક્ષીભાવ એટલે શું ? પૂરણ કરેલું હોય તો જ ગલન થાય ને પૂરણ ના કરેલું હોય તો એને ગલન ના થાય. જેમ આ તપ હોય છેને, તે પૂરણ કરેલાં હોય તો જ ગલન થાય. એવું એય પૂરણ કરેલું હોય તો જ થાય. દરેકને થાય નહીં. અને બીજું એ અહંકાર છે, માટે એને ને મોક્ષને કશું લેવાદેવા નથી. આ અહંકારી કાર્ય છે. આ જોવા-જાણનાર કોણ રહે છે ? સાક્ષી કોણ રહે છે ? અહંકાર રહે છે. તે અહંકાર સાક્ષી રહ્યો એટલે પુણ્યૈ બંધાઈ ને આવતા ભવમાં સારું ફળ મળે. ખાવા-પીવાનું સારું મળે.

પ્રકૃતિ, પ્રજ્ઞા ને અહંકાર !

પ્રશ્શનકર્તા : 'પ્રકૃતિને જાણે છે અને પ્રકૃતિના આધારે ચાલે છે' એ કોણ ?

દાદાશ્રી : એ અહંકાર, બસ.

પ્રશ્શનકર્તા : અહંકાર પ્રકૃતિને જાણે ?

દાદાશ્રી : હા. પ્રકૃતિને જાણે. જ્યારે વિચારવા બેસે ત્યારે બધું જાણે.

પ્રશ્શનકર્તા : પણ અહંકાર તો પણ આંધળો કહેવાય છેને ?

દાદાશ્રી : હા, પણ અહંકાર બુદ્ધિવાળોને ! એટલે બુદ્ધિથી બધું સમજી શકે કે આ હાથ છે, પગ છે, આ મારા સસરા થાય, મામા થાય, બધું જાણે જ છે ને ! બીજું બધું મહીં ફોડ પડે, ખોટું-ખરું કહી આપે. અજ્ઞાનીય સમજે, બુદ્ધિથી.

પ્રશ્શનકર્તા : એટલે પ્રકૃતિના વિભાગમાં અહંકાર શું શું જાણી શકે ?

દાદાશ્રી : જેટલું એના કબજામાં હોય એટલું જ જાણે. આ શાનાથી દોષ થયા એ બધુંય જાણે છે. અમુક જ ભાગ ઓછો હોય છે, બીજું બધું જાણે. નવ્વાણું સુધી જાણી શકે, સો ના જાણે. બુદ્ધિ એટલી બધી કેળવે તો નવ્વાણું સુધી જાણી શકે પણ તોય છે તે અહંકારથી પૂરંુ કામ ના થાય, શુદ્ધ જ જોઈશે.

પ્રશ્શનકર્તા : પછી બીજું વાક્ય છે કે 'પોતાને જાણે છે અને પોતાના આધારે ચાલે છે' એ કોણ છે ?

દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞાશક્તિ છે.

પ્રશ્શનકર્તા : ખુદના આધારે ચાલવું એટલે ?

દાદાશ્રી : પોતે પોતાના પ્રકાશથી જ જાણી રહ્યો છે. ચાલવાનું એટલે ચાલવાની ભાષામાં નહીં, એ વ્યાપે.

પ્રશ્શનકર્તા : વ્યાપે એટલે ફોડ પાડોને ?

દાદાશ્રી : આ લાઈટ એના આધારથી ચાલી રહ્યું છે. તે આપણે આ ભીંતો તોડી નાખીએને એટલે એ બહાર જાય, વ્યાપે ! એને ચાલવું પડ્યું કંઈ ?

પ્રશ્શનકર્તા : ના. તો મૂળ આત્મા પછી ? એ તો મૂળ આત્માનો સ્વભાવ છેને એવો ?

દાદાશ્રી : એ જ મૂળ આત્માનો સ્વભાવ. જે પ્રજ્ઞાનો છે તે જ મૂળ સ્વભાવ છે, એ આત્માનો જ ભાગ છે.

અહંકાર છે આંધળો !

પ્રશ્શનકર્તા : એક બાજુ તમે ઇગોઇઝમને બ્લાઇન્ડ (આંધળો) કહો છો ને પાછું...

દાદાશ્રી : હા, ઇગોઇઝમનો અર્થ જ બ્લાઇન્ડ. જેમાં ઇગોઇઝમ વધારે, એ લાઈનમાં બ્લાઇન્ડ જ હોય એ માણસ.

પ્રશ્શનકર્તા : તો ઇગોઇઝમ બ્લાઇન્ડ તમે એક્ઝેક્ટલી (ખરેખર) કોને કહો છો ?

દાદાશ્રી : ઇગોઇઝમ એટલે શું કે આ લોભિયો ખરોને, તે જન્મથી જ લોભિયો હોય. તે મરતાં સુધી લોભિયો હોય. તેની એક એક વાતમાં લોભ હોય, એને પેશાબ કરવામાંય લોભ. કહેશે, 'અહીં વધારે પેશાબ કરીશ તો પેણે આગળ ઓછો થશે.' અને માની માણસ જન્મથી તે મરતાં સુધી માની જ રહેવાનો. માનીને તો એના માનનો જ લોભ હોય. જો માનનો લોભ ના હોય તો એ એટલો ઇગોઇઝમ ઓછો કહેવાય, તે એને ચોખ્ખું દેખાય એ. પણ માનનો લોભ જ થઈ ગયો તો પછી આંધળો જ થઈ ગયો.

આ સમ્યક દ્ષ્ટિએ આત્મા દેખાય અને આ મિથ્યા દ્ષ્ટિએ સંસાર દેખાય, બે જ દેખાય છે. સંસાર એટલે માયા ને માયા એટલે લોભ.

પ્રશ્શનકર્તા : તો લોભ એટલે ઇગોઇઝમ ?

દાદાશ્રી : હા, ઇગોઇઝમ. બસ ! લોભ એટલે ઇગોઇઝમ એમ બહાર કહીએ તો એ ના સમજાય. હું તમને ઇક્વેશન (સમીકરણ) આપું છું, એ કરેક્ટ ઇક્વેશન નથી. પણ તમને સમજવા માટે એ આપું છું.

પ્રશ્શનકર્તા : એટલે લોભ એ ઇગોઇઝમનો બાપ કહી શકાય ?

દાદાશ્રી : હા, કહી શકાય. પણ ઇગોઇઝમ એક લાઈનમાં નથી હોતો. ઇગોઇઝમ તો દયા કરવામાંય ઇગોઇઝમ હોય છે માણસને. પણ એમાં ઇગોઇઝમ એ અંધ હોય. એ પછી દયા કરવામાંય અંધ હોય. એ દયા કરે પણ અંધ રીતે કરે, એટલે અંધ થઈ જાય, પછી આંધળો જેમ કરે ને એમ, વિવેક જતો રહે.

પ્રશ્શનકર્તા : પણ એ તો દરેકની જે પ્રકૃતિ હોય, એક બાબતમાં તો એ આઉટ ઑફ બેલેન્સ જ હોયને ?

દાદાશ્રી : હા, પણ એ ઇગોઇઝમ હોય તો જ પ્રકૃતિને ? પ્રકૃતિ તો આ ફિલ્મ ખુલે છે, તેમ દેખાતી જાય. ફિલ્મ ચાલુ થઈ એટલે આવી જ દેખાશે, એવું કહીએ. પણ ઇગોઇઝમ એટલે ઇગોઇઝમ. એ ફિલ્મ જ ઇગોઇઝમ ભરેલી હોય ને !

પ્રશ્શનકર્તા : ઇગોઇઝમને લીધે જ અમારી આખી ફિલ્મ છે ને ?

દાદાશ્રી : ફિલ્મ તેથી જ છે, પણ તે હેતુ લોભનો છે.

પ્રશ્શનકર્તા : એટલે બધી જગ્યાએ જુદા જુદા લોભને લીધે જ ઊભું છે ?

દાદાશ્રી : હા, બસ. અને એક પ્રકારનો લોભ નથી, અનેક પ્રકારના લોભ છે. અને જેમાં વધારે પડતો લોભ હોય એમાં એ અંધ થઈ ગયેલો હોય.

પ્રશ્શનકર્તા : આ જ્ઞાનની પાછળ લોભ લાગે તો ? માણસને જ્ઞાનનોય લોભ તો લાગેને ?

દાદાશ્રી : એ લોભનો વાંધો નથી. એ લોભ તો સારો લોભ છે. એ તો 'રિયલ'નો લોભ છેને, લોભ એકંદરે સારો નહીં. આય લોભ સારો નહીં પણ આ હેતુ, આ લોભ હશે તો આના લોભમાં બહુ નુકસાન ના થાય. પેલા લોભમાં તો આંધળો થઈ જાય.

પ્રશ્શનકર્તા : સ્થૂળ વસ્તુનો લોભ તો માણસને જરાક અનુભવમાં આવે અને અથડાય એટલે એના બધા લોભ છૂટી જાય.

દાદાશ્રી : હા, બસ છૂટી જાય એ તો.

પ્રશ્શનકર્તા : પૈસાનો લોભ એવો છે કે એય છૂટી જાય ?

દાદાશ્રી : સૂક્ષ્મ રહે, પણ અજવાળું મહીં થઈ જાય. પછી એ છૂટી જાય. અજવાળું થાય એટલે અંધપણું ઓછું થઈ જાય.

અહંકાર ને આંધળો બે સરખા કહેવાય. જેનો જેમાં અહંકાર વધારે તેમાં તેને અંધાપો વધારે રહ્યા કરે. જેટલી જાગૃતિ વધે એટલો અહંકાર ઊડી જાય. અજાગૃતિને લીધે અહંકાર છે ને અહંકાર છે તેને લીધે અજાગૃતિ છે. અજાગૃતિ ગઈ એટલો અહંકાર ઊડ્યો.

અહંકાર એટલું આંધળાપણું છે. જેટલું આંધળાપણું એટલો અહંકાર. એ અહંકારના પાછા ચાર ભાગ પડે, ક્રોધ-માન-માયા-લોભ. આ લોભમાં પડે, પૈસામાં પડે તો લોભાંધ થઈ જાય, માનમાં પડે તો માનાંધ થઈ જાય. ક્રોધમાં પડે તો ક્રોધાંધ થઈ જાય. બધાયમાં અંધપણું હોય. ગમે તેમાં પણ અહંકાર એ જ અંધપણું છે. અહંકાર એ ભ્રાંતિથી ઊભી થયેલી વસ્તુ છે.

અહંકાર આંધળો હોય એટલે બધું ઊંધું-છતું કરે. સ્વભાવથી જ આંધળો છે, સહેજ બુદ્ધિની આંખે થોડુંઘણું જુએ છે અને બુદ્ધિની સલાહથી ચાલે છે. એ બુદ્ધિ જ્યાં કહે ત્યાં એ એની સહી કરે. બુદ્ધિ એનો વડોપ્રધાન અને પેલો પ્રેસિડન્ટ. બાકી આમ પોતે આંધળો છે, એને દેખાય નહીં કશુંય. એ બુદ્ધિ કહે કે ભઈ, આ પ્રમાણે કરી નાખો. એટલે સહી કરી આપે. પણ કરું છું એવો અહંકાર. હા, બસ, હુંપણાનો, એ હું પદ કહેવાય. બાકી, અહંકાર ઓગળી ગયા પછી પોતાનું હિત સચવાય, હિતની સમજણ પડે, નહીં તો અહંકાર છે ત્યાં સુધી આંધળો છે.

જેટલો અહંકાર એટલું આંધળાપણું છે. મેં મારો અહંકાર જતો જેમ જેમ જોયો તેમ તેમ આંખો ખુલતી ગઈ. આંધળાપણાને લઈને પોતાના દોષો પોતાને દેખાય નહીં. એ અહંકાર ઓછો થઈ જાય ત્યારે પોતાના દોષ દેખાય. આ ભઈને એના દોષો જે દેખાય છે, એનો ઇગોઇઝમ ખુલ્લો દેખાય છે. જેમ તમે મારી આંખે મને સામા દેખાવ છો, એવો એને એનો અહંકાર દેખાય છે. અહંકારનું ગાંડપણ બધું દેખાય છે. તે સવારમાં વર્ણન કરતો'તો બધું. હવે આટલી બધી દ્ષ્ટિ ક્યાંથી હોય તે ? પોતાનો અહંકાર દેખાય આમ. અને તે પાછું ગાંડું શું કાઢે છે ? તેય પણ કહે. આવું કોઇ દહાડો બનેલું જ નહીં. આ નવી જ જાતનું છે આ. માટે આપણે આપણું કામ કાઢી લેવા જેવું છે.

અહંકાર, 'હું જાણું છું'નો !

પ્રશ્શનકર્તા : પણ જગતના બધા લોકો અહંકારના જાળામાં ભટકાય છે.

દાદાશ્રી : હા, ભટકાય છે, બસ ! અહંકાર એટલે શું ? નિર્બળતા. એ નાનો હતો ત્યારે પગે લાગતો હતો, અંગૂઠા પકડતો હતો. અત્યારે મોટો થયો ત્યારે નથી પકડતો, એ અહંકાર દોઢ શેર થઈ ગયો. પછી કહેશે, 'હું જાણું છું.' અલ્યા, શું જાણ્યું ? જેમ છે તેમ જાણી જાય તો ટેન્શન રહે નહીંને ? પછી ટેન્શન શાનાં રહે ? ટેન્શન બધાં આનાં જ છે, આ ડખાનાં જ. 'એ ભઈ જાણતો નથી ને હું કંઈ જાણું છું' એ પંચાત કરવાની જરૂર જ ક્યાં રહી ? બસ આ જ ડખો. આ તો ધર્મને જાણતો નથી અને અધર્મનેય જાણતો નથી. જાણ્યું તો કોનું નામ કહેવાય કે આ ઝેરની શીશી છે, એને ઝેર જાણ્યા પછી અડે ખરો ?

પ્રશ્શનકર્તા : ના અડે.

દાદાશ્રી : અને અડે તો આપણે જાણીએ કે આ ખાલી જાણ્યાની વાતો કરે છે, અહંકાર કરે છે કે 'હું જાણું છું, હું જાણું છું' પણ કશું જ જાણતો નથી. જો જાણતો હોય તો ફરી ઝેરને અડે નહીં. આ તો જાણવાનો લોકોને અહંકાર છે ખાલી ! અને એ બધું શુષ્કજ્ઞાન છે. જ્ઞાન ચોખ્ખું હોવું જોઈએ કે જે જ્ઞાન આપણને તે રૂપે વર્તાવે. પોઇઝનની શીશી જાણી, ત્યારથી તો આપણે અડીએ જ નહીં પછી ! એવું જ્ઞાન હોવું જોઈએ !!

એટલે 'હું સમજું છું ને હું જાણું છું' એ જે બોલે છે, તે ખાલી ઇગોઇઝમ છે. સમજ્યા પછી ઊંધું કરે નહીં. આ તો સમજ્યો જ નથી હજુ. તમે સમજ્યાનો અહંકાર નહીં કરેલો ? કહોને ?

પ્રશ્શનકર્તા : કરેલોને.

દાદાશ્રી : 'આ મેં જાણ્યું' કહેશે. અલ્યા, જાણ્યું તો એનું નામ કહેવાય કે એ તરત જ ખબર પડે. તરત દેખાય આમ ઊઘાડું. એટલે સમજ્યા જ નથી આ બધું. સમજ્યાનોય અહંકાર કરે છે. જેમાં ને તેમાં અહંકાર જ કર્યા કરે છે. ભક્તિ કરી તોય કહે, 'મેં ભક્તિ કરી,'

આ લોકો કહે છેને, હું સ્થિતપ્રજ્ઞ થયો છું, હું આમ છું, તેમ છું, હું જાણું છું, એ બધું લૌકિક છે. એને બજારમાં વેચવા જાય ત્યારે ચાર આનાય ના આવે. એ તો મનમાં માની બેઠો હોય એટલું જ.

પ્રશ્શનકર્તા : એ તો અહંકારનું જ બીજું સ્વરૂપ છે ?

દાદાશ્રી : હા. એટલે એ બધા સૂક્ષ્મ અહંકારો છે. સ્થૂળ અહંકાર ને સૂક્ષ્મ અહંકાર. પણ સારું છે, એટલે સુધી જાય તોય સારું છે. એટલે સુધી ડગલાં માંડે તોય સારું છે. એમ કરતાં કરતાં કો'ક દહાડો પહોંચશે. 'હું કંઈ જ જાણતો નથી' એ ભાવ એટલે શું કહેવા માંગે છે ? જો તમે જાણો છો એટલે શું કે તારા ભોટવામાં (માટલીમાં) અંદર પીવાનું પાણી છે, તો પછી શા માટે પાણી લેવા આવ્યો છે ? અને જો પાણી નથી તો લઈ જાવ. આપણે શું કહીએ છીએ જો તમે જાણો છો તો જાણવાનું બીજું રહ્યું જ શું ? અને જો નથી જાણતા તો જાણીને જાવ.

પ્રશ્શનકર્તા : પણ જ્ઞાનનો અહંકાર શું કરવા નડે છે ?

દાદાશ્રી : જાણપણાનો અહંકારને ? એવું છે, અહંકાર એવો હોવો જોઈએ કે જાણપણું વધે. તેને બદલે આ જાણપણા ઉપર આવરણ આવે છે, એવો અહંકાર છે. જાણપણામાં અહંકારથી અંધ થઈ જાય. જાણપણું ખોવાઈ જાય, એ અહંકાર બહુ નુકસાન કરે. બધી રીતે નુકસાન કરે.

ગુરુતા બને આત્મઘ્ન !

પ્રશ્શનકર્તા : આત્મજ્ઞ અને આત્મઘ્ન એ બે શબ્દો સમજાવો.

દાદાશ્રી : આત્મજ્ઞ એટલે આત્માને સર્વ પ્રકારે જાણનાર અને આત્મઘ્ન એટલે આત્મઘાતી !

પ્રશ્શનકર્તા : એ કેવી રીતે ?

દાદાશ્રી : જેટલો અહંકાર વધે એટલો આત્મઘાત થઈ ગયો. અને આ લોકોએ ધંધો જ અહંકારનો માંડ્યો છેને ! મારી બુદ્ધિ વધારે છે, હું આના કરતાં વધારે અક્કલવાળો. એ આત્મઘાત થઈ રહ્યો છે. આપણે જો લઘુ માણસ છીએ, તો આત્મઘાતી નથી એ. અને ગુરુ થવા ગયો એટલે આત્મઘાતી થયો. એટલે વ્યવહારમાં ગુરુ થઈને કોઈ મોક્ષે ગયેલો નહિ. વ્યવહારમાં લઘુ થઈ જવું. ગુરુ હોય તેણે બધાને એમ ના કહેવું જોઈએ કે 'હું લઘુ છું' પણ લોકો એને ગુરુ માને ત્યારે એણે અંદરખાને 'હું લઘુ છું' એમ માનવું. તો નિવેડો આવશે. નહિ તો એ લોકોએ ગુરુ માન્યું ને તમેય ગુરુ માન્યું એટલે પછી ઉભરાશે, ઉભરણ આવશે. અને તે ઉભરણ આવે પણ તે સાચું દૂધ ન્હોય એ. ઉભરાયેલું દૂધ આખી તપેલી ભરેલી લાગે તેથી કરીને તપેલી ભરેલું દૂધ છે ? એ બેસી જશે ત્યારે ખબર પડશે.

'હું'પણું ત્યાં પડે માર !

પ્રશ્શનકર્તા : 'હું કંઈક છું' એ મહીં હોય તો માર બહુ ખાવો પડે ?

દાદાશ્રી : માર ખાવો જ પડેને ! પણ માર ખાયને એટલે પછી છોડી જ દેને, 'હું'પણું છૂટતું જાયને ! માર ખાધા વગર છૂટે નહીં. અનુભવ થવો જોઈએ. પ્રતિક્રમણથી જાય નહીં એ.

પ્રશ્શનકર્તા : એ પોતાનું 'હું'પણું હોય, કંઈક છું, હું આ કરી શકું છું, એ શાનાથી જાય ?

દાદાશ્રી : માર ખાય તો જ છૂટે, નહીં તો છૂટે નહીં.

પ્રશ્શનકર્તા : માર ખાય તો એને ભૂલ ખબર પડે એ વસ્તુ જુદી છે, પછી એના રિએક્શનમાં ઊંધા ટ્રેક પર ચાલે એવુંય બનેને ?

દાદાશ્રી : કોઈ અવળો થઈ જાય, અવળો ખરેખરો થઈ જાય. જો કે આપણા જ્ઞાનમાં ના થાય, પણ બીજા જ્ઞાનમાં તો થઈ જાય. આપણું જ્ઞાન તો એને હેલ્પ કરે, પાછું જોવડાવે કે મારી કંઈ ભૂલ થાય છે. એવી ખબર પડે, થોડે છેટે જાય તોય !

પ્રશ્શનકર્તા : એ તો પછી પોતાને બળતરા થાયને ?

દાદાશ્રી : એ બળતરા જ એને કહે કે, આ ભૂલ થઈ ગઈ. એટલે પાછો ફરી જાય. કારણ કે બળતરા વગરના દિવસ જોયા છે એણે. એટલે એને બળતરા થઈ કે પાછો ફરી જાય. એટલે લોકો કહે છે ને કે દાદા તમારા જ્ઞાનમાં પેઠા પછી હવે આઘુંપાછું જતું રહેવું હોય તો હવે અહીંથી જવાય જ નહીં. નહીં તો બળતરા ઊભી થઈ જાય અને બળતરા સહન થાય નહીં પાછી.

પ્રશ્શનકર્તા : આજુબાજુનો વ્યવહારેય એવો હોય કે પોતાની કંઈક ગિફ્્ટ હોય, તેમાં પોતાનો અહંકાર પોષાય. અને એવી એને ટેવ જ પડેલી છે કે જ્યાં જાય ત્યાં પોતાને બધા આમ આમ કરે (માન આપે), તમે કંઈક આમ આમ છો, કહે. એટલે પછી મહીં એ બધું મીઠું લાગેને. એટલે પોતાનું 'હું'પણું આખું ક્રેક (ગાંડો અહંકાર) થતું જાયને ?

દાદાશ્રી : પણ એ નિર્જીવ છે. આપણા જ્ઞાન આપ્યા પછી જીવ નથી રહેતો.

પ્રશ્શનકર્તા : જીવ નથી રહેતો, પણ નિર્જીવ હેરાન કરેને ?

દાદાશ્રી : નિર્જીવ વધે નહીં. જે છે એટલાનો ઉકેલ આવી જાય.

પ્રશ્શનકર્તા : બીજાને એ નુકસાન થાયને ?

દાદાશ્રી : એ તો નુકસાન થાય. પોતાને ને બીજાને, બન્નેવને નુકસાન થાય. પણ નિર્જીવપણું છે એટલે બેઉને એટલું બધું ના થાય, જ્ઞાનમાંથી પડી જાય એવું ના થાય. નહીં તો એમને આ જ્ઞાન ક્યારનુંય ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હોત. પણ આ તો જરાક ડખો કરે છે કે, 'હું કંઈક છું', 'હું કંઈક છું' તે 'હું'નું રહી ગયું છે. તે 'હું' કાઢવા ફરું છું પણ નીકળતું નથી.

એ 'હું' સેન્સિટિવ થયો એટલે આ બધો ડખો થાય. મેં કહ્યું. 'અરે નથી કશામાં ! હું જ નથી ને કશામાં, તો તમે ક્યાંથી આવી ગયા ?' તો પણ એમને 'હું' જતું નથી. નહીં તો આ જ્ઞાન પ્રગટ થાય, દીપી નીકળે એવું છે. 'હું'ને વળી શું કરવું છે ? 'હું'ને તો કાઢવાનો છે. એટલે અમારી રીત તમને સમજાવી દઉં. કશામાં ડખો જ કરવા જેવો નથી.

આ તો દરેક વાતમાં બોલે. ઘડિયાળની વાત કાઢીને 'ફલાણું થાય, ફલાણું...' અલ્યા, તું શેની બાબતમાં સમજે છે તે ? સંડાસ જતાં આવડતું નથીને, વગર કામના લોકો ડખો કર્યા કરે છે અને મહીં 'હું' 'હું' કર્યા કરે છે. કર્મના આધીન છે બિચારાં !

અહંકાર 'હું કંઈક છું' માની બેઠેલાંને ! આટલા શબ્દ બોલીએને, તે બધાય શબ્દ પાછા પડે. કહેશે, 'તમારે શું ?' એટલે આપણે ના જાણીએ કે આપણા શબ્દ મોઢામાં ઘાલી દીધા આ માણસે ? એટલે ફરી બોલાય જ કેમ કરીને ? આ જેટલો સામાન છેને, બધો અહંકારનો. એ સંપૂર્ણ મૂળ સાથે કાઢી નાખવામાં ના આવે, ત્યાં સુધી ફરી બધું ઊભું થઈ જતાં વાર નહીં લાગે. કેવા સંયોગોમાં ક્યારે ઊભું થઈ જાય એ કહેવાય નહીં. માટે આનું શું કરવાનું ? અજ્ઞાનતા તો ગઈ હવે. હવે અહંકારને ખોદવાનો પ્રયત્ન રાખવો પડે. આ જરૂરિયાત અહંકાર એ તો ડ્રામેટિક છે જ. પણ મહીં બીજો ગૂંચાયા કરે છાનોમાનો, એ ખબર પડે નહીં.

સત્તા ને અહંકારની મિત્રાચારી !

એટલી બધી કરુણતાવાળી લાઈફ છે અને એમાં આવા અહંકાર કરવા જઈએ, ગાંડાં કાઢીએ તે બહેરાશ થઈ જાય તો ? અગર તો બેતાળાં થવા આવ્યાં તો, શાને માટે અહંકાર ? જેને આધાર આપવા જેવા માણસ છે, ત્યારે એને અહંકાર હોતો નથી. જેને આધાર આપવા જેવા નથી હોતા, ત્યાં અહંકાર હોય છે બધો !

તું સ્કૂલમાં ભણતો હતો ત્યારે અહંકાર ક્યાં ગયો'તો ? તે અત્યારે અહંકાર જાગ્યો છે તે ? 'સર' છે તે ખુરશીમાં બેસતા'તા ને આપણે નીચે બેસતા'તા. તે ઘડીએ અહંકાર કેમ ના ચઢ્યો ? આ તો કંઈક સત્તા-બત્તા હાથમાં આવે છે ને, તે ચગ્યું. અને કુદરતનો કાયદો એવો છે કે સત્તાનો દુરુપયોગ કર્યો એટલે સત્તા જાય. જે સત્તા તમને પ્રાપ્ત થઈ છે, એ સત્તાનો તમે દુરુપયોગ કરો તો એ સત્તા જાય. આ હું જ્ઞાનીના પદ ઉપર બેઠો છું. એનો દુરુપયોગ કરું એટલે આ પદ મારું જતું રહે, એની મેળે. દુરુપયોગ ના કરું અને બીજી રીતે સિદ્ધિઓ વટાવી ખાઉં, તો ત્યાં કુદરતમાં પકડાઈ જાય ! સિદ્ધિઓ હોય ખરી ?

પ્રશ્શનકર્તા : હોય.

દાદાશ્રી : એ દુરુપયોગ કરે તો શું થાય ? પદ જતું રહે. કોઈ પણ વસ્તુનો દુરુપયોગ કરો એટલે એ પદ ખોઈ નાખશો.

જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી માર્કેટ મટિરિયલ (બજારૂ માલ) કહેવાય. એનો ઇગોઇઝમ શું રાખવાનો હોય ? અને ઇગોઇઝમ રાખવાનો તે જ્ઞાની પુરુષે રાખવાનો હોય કે જેની પાસે આખા બ્રહ્માંડની સત્તા પડેલી હોય, પણ ત્યારે એમને ઇગોઇઝમ હોય નહીં. જ્યાં સત્તા છે ત્યાં ઇગોઇઝમ નથી. જ્યાં સત્તા નથી ત્યાં આગળ ઇગોઇઝમ છે. આખા બ્રહ્માંડની સત્તા હોય, ત્યારે જ્ઞાની પુરુષ બાળક જેવા હોય !

(૫)

અહંકારનો ભોગવટો

એ ભોગવનારો છે અહંકાર !

પ્રશ્શનકર્તા : માણસ સારાં કર્મ કરે તો સ્વર્ગમાં જાય, ખરાબ કર્મ કરે તો નર્કમાં જાય. આત્મા શુદ્ધ જ છે તો સ્વર્ગમાં-નર્કમાં કોણ જાય છે ?

દાદાશ્રી : જે કરે છે તે.

પ્રશ્શનકર્તા : પાપ કોણ કરે છે ? શરીર કરે છે કે આત્મા કરે છે ?

દાદાશ્રી : આત્મા તો કરતો નથી.

પ્રશ્શનકર્તા : તો શરીર કરે છે ?

દાદાશ્રી : ના, શરીર નહીં, ઇગોઇઝમ કરે છે. 'હું ચંદુભાઈ છું' એ ઇગોઇઝમ કહેવાય અને એ ઇગોઇઝમ ભોગવે છે આ. પાપેય એ કરે છે ને પુણ્યૈય એ કરે છે. આત્મા તો કશું કરતો નથી.

આત્મા ખરાબ કરતો નથી, આત્મા પાપ કરતો નથી. જે પાપ કરે છે તે જ નર્કમાં જાય છે, જે પુણ્ય કરે છે તે જ સ્વર્ગમાં જાય છે. અહંકાર કરે છે આ બધું. આત્માએ કશું ભોગવ્યું હશે ? આત્માએ શું ભોગવ્યું હશે ?

પ્રશ્શનકર્તા : સુખ તો કોઈ દી ભોગવ્યું જ નથી. અત્યાર સુધી દુઃખ જ ભોગવ્યું હશે.

દાદાશ્રી : હવે જે દુઃખ ભોગવે છેને, એ આત્મા જ ન હોય. દુઃખ આત્મા ના ભોગવે, અહંકાર દુઃખ ભોગવે. અહંકાર સુખેય ભોગવે. આત્મા આમાં હાથ ઘાલે નહીં. કારણ કે અહંકાર જ બધું કર્તા-હર્તા, કરે એ અને ભોગવેય એ. ઊંધું કરે છે એ અહંકાર અને ઊંધાનું ફળ, દુઃખ ભોગવે છે અને પુણ્ય કરે છે તેય અહંકાર કરે છે અને પુણ્યનું ફળ, પોતે સુખ ભોગવે છે. આ સામ્રાજ્ય જ આ અહંકારનું છે.

સુખ-દુઃખ કોને થાય છે ?

પ્રશ્શનકર્તા : સુખ-દુઃખ આત્માને નથી થતાંને ? તો મનને જ થાય છેને ?

દાદાશ્રી : ના, મનને નથી થતાં. મન તો બધું જેવું હોય એવું પેમ્ફલેટ દેખાડે. આ જેમ પેપર હોય છેને, એ પેપરમાં જેવું બન્યું હોય એવું બધું આવે. એમાં ઇગોઇઝમને દુઃખ થાય છે. મનને દુઃખ થતું નથી.

પ્રશ્શનકર્તા : તો કર્મો જે બંધાય છે તો એ પુદ્ગલ જ ભોગવે છે ? આત્મા તો ભોગવતો જ નથીને ?

દાદાશ્રી : પુદ્ગલ એટલે અહંકાર ભોગવે છે. અહંકાર કર્મો કરે છે ને ભોગવે છેય અહંકાર. એ બધું જ પુદ્ગલ જ છે. એમાં આત્માને કશી લેવાદેવા નથી. આત્મા ચોખ્ખો જ છે, મૂળ આત્માને તો કશું થતું નથી. આ વ્યવહાર આત્મા, માનેલો આત્મા એ જ દુઃખી થાય છે.

હવે ઇગોઇઝમ એ સચર આત્મા છે, એ જ આપણે માનેલો આત્મા અને મૂળ દરઅસલ આત્મા છે. એને દુઃખ થતું નથી. હા, આત્માને જો દુઃખ થતું હોય તો આ બરફને દેવતા અડાડીએ તો બરફ દઝાય ખરો ? તેમ આત્માને દુઃખ અડે જ નહીં. આ બરફ એ ઠંડી વસ્તુનો ગોળો છે અને આત્મા છે તે પરમાનંદનો ગોળો છે, એને દુઃખ અડે જ કેમ કરીને ? ઊલટું જે દુઃખ અડે તે સુખરૂપ થઈ જાય !

વેદનીયને ભોગવે કોણ ?

પ્રશ્શનકર્તા : આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આ દેહ ને એ બે જુદા છે, છતાં પણ આ શરીરના રોગ કે શરીરનાં દર્દો આત્માને કેમ લાગે છે ?

દાદાશ્રી : આત્માને નથી લાગતું બધું, અહંકારને લાગે છે.

પ્રશ્શનકર્તા : પણ આ પુદ્ગલને ખીલો વાગ્યો પછી જે દુઃખ થાય છે, તે કોને દુઃખ થયું ?

દાદાશ્રી : એ તો આ અહંકારને દુઃખ થાય છે.

પ્રશ્શનકર્તા : જ્ઞાન પછી અહંકાર ઊડી ગયો, તો પછી આ પુદ્ગલને દુઃખ રહેશે, ખીલો વાગ્યા પછી ?

દાદાશ્રી : હા, તે આ પુદ્ગલની મહીં અહંકાર ખરોને, હવે નિર્જીવ અહંકાર રહ્યો છે. એટલે દુઃખ તો થયા જ કરવાનું, પણ જેટલું જ્ઞાન પ્રમાણ થાયને એટલે ભોગવટો ઓછો થતો જાય. કોઈક ગાળ ભાંડે તોય એને દુઃખ ના થાય. પણ આ દેહને ખીલો વાગે તોય હજુ અસર થાય. કારણ કે આ દેહ એ સંગી ચેતના છે.

પ્રશ્શનકર્તા : તો જ્યાં સુધી દેહ હશે ત્યાં સુધી પોતાને દુઃખ થશે એમ જ ને ?

દાદાશ્રી : ના, એનું જ્ઞાન જો વધી જાય તો એને દુઃખ ના થાય.

પ્રશ્શનકર્તા : તો મહાવીર ભગવાન પોતે સમાધિમાં હતા અને એમના કાનમાં ખીલો માર્યો તે વખતે એમને આંસુ નીકળ્યાં હતાંને ?

દાદાશ્રી : હા, તે એ દેહ દુઃખમાં જ હોય. તે ઘડીએ એને અશાતા વેદનીય કહી, દેહમાં અશાતા વેદનીય હતી.

પ્રશ્શનકર્તા : દેહનાં જે દુઃખ ભોગવવાનાં એમાં ફેરફાર ના થાય ?

દાદાશ્રી : કોઈ ચીજમાં ફેરફાર ના થાય. અહંકારથી ફેરફાર થાય. અહંકારનું મિક્ષ્ચર (મિશ્રણ) નાખે તો ફેરફાર થાય.

પ્રશ્શનકર્તા : આ શરીરની જે અસરો બધી થાય છે તે અહંકાર, પ્રતિષ્ઠિત આત્મા સુધી જ થાયને ? શુદ્ધાત્માને તો થાય નહીંને ?

દાદાશ્રી : શુદ્ધાત્માને તો કશી લેવાદેવા જ નહીંને ! બેને ઓળખાણેય નહીં, પાળખાણેય નહીં.

અનેક પ્રકારે ભોગવટા !

આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીંને. જે સુખ ભોગવે છે તે જ દુઃખ ભોગવે છે. એટલે સુખ કોણ ભોગવે છે ? અહંકાર. દુઃખ કોણ ભોગવે છે ? અહંકાર. લોભ કોણ કરે છે ? અહંકાર. ખોટ કોણ કરે છે ? અહંકાર. શાદી કોણ કરે છે ? અહંકાર. વિધવા કોણ થાય છે ? અહંકાર. વિધુર કોણ થાય છે ? અહંકાર. અહંકાર તો વગર કામનો મૂઓ પૈણે છે ને રાંડે છે ! કોઇ માણસ આફ્રિકા રહેતો હોય ને એમ ને એમ અમસ્તુ કહીએ કે તારાં વાઇફ ઓફ થઈ (મરી) ગયાં છે, તો એ પાછો રડવાય માંડે ! અલ્યા, હજુ જીવતાં છેને ! અને એ પાછો લોકોને કહેય ખરો કે હું રાંડ્યો !

કેટલાક માણસ તો એવો અહંકાર કરે છે કે હું નાટકમાં સ્ત્રીનો પાઠ લઈશ. પછી એને શરમ-બરમ કશું નહીં. કારણ કે અહંકાર જ કરે છે, બીજું કશું કરતો નથી. મેં આમ ભોગવ્યું ને તેમ ભોગવ્યું.

ઇગોઇઝમ કશું ભોગવતો નથી નામેય, અને કહે છે શું ? અહંકાર કરે છે કે મેં તો મોટી મોટી સાહેબી ભોગવી છે બસ. નહીં તો ભોગવ્યાની તૃપ્તિ રહેતી હોયને તો તો પચ્ચીસ વર્ષ રાજ કર્યા પછી, ગમે એટલું દુઃખ આવે તોય મનમાં એમ રહ્યા કરે કે મેં તો રાજ કર્યું છેને, હવે એમાંથી દુઃખ બાદ કરીશું તોય ચાલશે બધું. પણ ના, ચાર દહાડા દુઃખ ના ભોગવાય. ચાર દહાડા પછી તો રડી ઊઠે ! એનું શું કારણ ? ત્યારે કહે, બસ, અહંકાર એકલો જ કર્યો છે. ભોગવેલું સ્ટોકમાં કશું નથી. જો સ્ટોકમાં હોત તો તો આપણે બાદ કરત કે પચ્ચીસ વરસ ભોગવ્યું છે, એમાંથી આ ચાર દહાડા કાઢી નાખો. એટલું સુખ રહ્યું આપણું. આ તો ખાલી અહંકાર જ કરે છે, ગાંડપણ કર્યું છે, મેડનેસ જ !

ત્રણ વર્ષનું છોકરું હોય, એની મા મરી જાય તો એ દુઃખ ભોગવતો નથી અને બાવીસ વર્ષનો છોકરો હોય એની મા મરી જાય તો દુઃખ ભોગવે કે ના ભોગવે ? કારણ કે બાળકને અહંકાર નથી અને મોટાને અહંકાર છે.

અહંકાર, એ એકલો જ કહે છે, કે આ મેં સુખ ભોગવ્યું ને આ મેં દુઃખ ભોગવ્યું. એવો અહંકાર કરે છે, અહંકાર એટલે બોલે છે, એનું નામ જ અહંકાર. એ સિવાય બીજું કશું કરતો જ નથી. તે એનાથી બધા કર્મ બંધાય છે. કષાયો ભોગવે છે. કરે છે બીજો અને કહે છે 'હું કરું છું, મેં કર્યું', બસ આરોપિત ભાવ, એનાથી કર્મ બંધાય છે.

પ્રશ્શનકર્તા : 'પ્રત્યેક જન્મ અહમ્ રૂપક ભોગવિયું, સર્વે અવસ્થિતેે આડ-બીજ રોપિયું.' સમજાવો.

દાદાશ્રી : અહંકાર જ રૂપક બધું ભોગવે છે (એવંુ માને જ છે), બીજો કોઈ ભોગવતો નથી. કોઈ દહાડો જીવે વિષય ભોગવ્યો જ નથી. જીવને વિષય ભોગવવાની શક્તિ જ નથી. જીવ એટલે આ દેહમાં જે જીવ છે અને આત્મા છે તે જાતે જુદો છે. પણ આમાં જે જીવ છે તે જ જીવે-મરે, એ જીવ કહેવાય. એ ભ્રાંતિ સ્વરૂપ છે. તે કોઈ દહાડો કશું ભોગવતો નથી. એટલું જ બોલે છે કે 'મેં ભોગવ્યું !' બસ. ભોગવ્યું-ના ભોગવ્યું એ વાત જુદી પણ 'મેં ભોગવ્યું' કહ્યું એટલે તૃપ્તિ થઈ જાય છે એને.

વિષયો કોણ ભોગવે છે ? વિષયો ઇન્દ્રિયો ભોગવે છે. આત્મા કોઈ દહાડો વિષય ભોગવે નહીં. આત્મા સૂક્ષ્મતમ છે અને ઇન્દ્રિયો સ્થૂળ છે અને આત્માએ ક્યારેય પણ વિષય ભોગવ્યો જ નથી. આત્મા વિષય ભોગવી શકે જ નહીં. ત્યારે અહંકાર વિષય ભોગવી શકે નહીં. અહંકાર એવી સૂક્ષ્મ વસ્તુ છે કે પોતે વિષય ભોગવી શકે નહીં. ફક્ત 'ભોગવ્યું'નો અહંકાર કરે કે મેં તો બહુ સરસ ભોગવ્યું. અગર તો એમ કહે કે મેં ભોગવ્યું નહીં, ખાલી અહંકાર કરે છે. બીજું કશું નહીં.

આ તો બોલે એટલું જ કે હું પૈણ્યો. અહંકાર કરે એટલું જ, બીજું કશું નહીં. પૈણે પેલા કષાયો, ભોગવે છેય કષાયો અને આ તો મેં ભોગવ્યું, એટલું જ બોલે. બે વસ્તુ છે જગતમાં, અહંકાર પોષવો યા ભગ્ન કરવો. આ જગતમાં આ બધાનો અહંકાર પોષાય છે કે ભગ્ન થાય છે. બેમાંથી ત્રીજું કશું બનતું નથી. દુઃખ ભોગવ્યું તેનો અહંકાર કરે છે. એમણે તો મને બહુ દુઃખ દીધું છે, તેનો પણ અહંકાર કરે છે. એ દુઃખ ભોગવતો નથી. એ અહંકાર કર્યો છે કે એ બધી અસર થઈ ગઈ. છે પોતે પરમાત્મા, પણ જો દશા થઈ છે આમની તો ! શક્તિ અનંત છેને, એટલે અનંત ભાવો ય હોય.

એ કેવો ક્ષત્રિય અહંકાર ?

આજના જમાનામાં તો ઠીક છે, પણ પહેલાંના જમાનામાં લલ્લુકાકા આવ્યા સાડા બાર વાગે. આપણે કહીએ, 'કાકા, જમવાનું તૈયાર છે', તૈયારી કરીએ બધીય, ત્યારે કહે, 'ના, હું તો જમીને આવ્યો છું.' પાટીદાર આવું બોલતા. કોઈ દહાડો પાંસરંુ બોલ્યા નથી. પેલો જબરજસ્તી કરે તો બેસે પણ 'ના, હું તો જમ્યા પછી જ નીકળ્યો છું,' કહેશે. આપણે જાણીએ કે કાકા ભૂખ્યા છે ! પણ આપણે લક્ષણ જોઈએ તો ખરા, પછી બપોરે ચા-પાણી થાય તો કાકા ઊઠતા નથી. આપણે કહીએ, 'નાસ્તો જોઈશે કે ચાલશે ?' ત્યારે કહેશે, 'ના, ચાલશે' એ ઇગોઇઝમ છે. ઇગોઇઝમથી જીવાય છે. એટલે આ બધું ખાય છે, પીએ છે, તેય અહંકાર ખાતો નથી પણ અહંકાર કરે છે, બસ.

પ્રશ્શનકર્તા : માણસ જ્યારે અહંકાર કરે કે હું જમીને આવ્યો છું, તો એને પેટમાં તો ભૂખ જ રહેને ?

દાદાશ્રી : આ શરીરની ક્રિયા એટલી બધી મુશ્કેલીવાળી નથી, અહંકાર મહીં ભળે તો જ મુશ્કેલીવાળી થઈ જાય એવી છે.

પ્રશ્શનકર્તા : પણ ભૂખ તો ભૂખ જ રહેને ?

દાદાશ્રી : ભૂખ તો ભૂખ રહે પણ જો કદી એમ કહે કે ના, હું જમીને આવ્યો છું તો એના મોઢા પર દેખાવા ના દે.

પ્રશ્શનકર્તા : મોઢા પર દેખાવા ના દે, પણ શરીર શું કહે ?

દાદાશ્રી : એ વસ્તુ જુદી છે, પણ વસ્તુસ્થિતિમાં અહંકાર નથી ખાતો. મારું શું કહેવાનું છે ? અહંકાર પોતે એવો સૂક્ષ્મ છે કે કોઈ વસ્તુ એ ભોગવતો નથી, ખાતો નથી. બસ, 'મેં ખાધું' એટલું બોલે છે કે 'મેં નથી ખાધું' એટલું બોલે છે. અને ખરાબમાં ખરાબ ખાવાનું ખાઈને આવ્યો હોય તોય પાછો એનો રોફ પાડવા માટે કહેશે, 'હું તો શું સરસ જમી આવ્યો !' કારણ કે નહીં તો એનો અહંકાર ઘવાય છે. તેટલા માટે આવું બોલે. બસ, બીજું કશું છે નહીં. અને અહંકારે જો કદી ખાધું હોતને તો અહીં કહી બતાવે કે મને તો બહુ ખરાબ ખાવાનું મળ્યું.

અહંકાર ફક્ત અહંકાર જ કરે છે. 'મેં ખાધું, મેં કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું.' બીજું કંઈ કરતો જ નથી. આ બધું ઇન્દ્રિયો જ ભોગવે છે અને ઇન્દ્રિયો જાણતી નથી. જ્ઞાન જાણ્યા કરે છે કે શું ભોગવટો થયો ?

ભૂખ એ તો વાસ્તવિકતા છે. ખાય છે કોણ ? પુદ્ગલ જ ખાય છે. આ તો ભ્રાંતિથી એ મનાયું છે કે હું ખઉં છું. અહંકારેય પણ ભોગવ્યું નથી. અહંકાર તો અમથો માથે લઈ લે છે. સહી કરી નાખે છે, 'મેં કર્યું'. એટલે આરોપી તરીકે સહી નથી કરવાની. આરોપી તરીકે સહી કરે છે એટલે આરોપનામું એને માથે ઘડાય છે. હવે એને શી રીતે સમજાય કે હું આરોપી તરીકે ફસાયો ?

'હું'-'તું'નો ભેદ પાડે બુદ્ધિ !

'હું ચંદુભાઇ છું' કહે છે, તો આત્માને આમાં કશું લેવાદેવા નથી. આત્માથી પોતે ભેદ પાડી દીધો છે, કે 'હું છું' કહે છે. તે આત્મા કહે છે, 'તું છું ને હું છું.' ભેદ પાડ્યો. ભેદબુદ્ધિ ઊભી કરી આ.

તમે 'હું ચંદુભાઈ છું' કહો છો ત્યારે આત્મા કહે છે ત્યારે તમે ચંદુભાઈ. 'બધે હું છું, હું છું' એ તો આત્મા કહે છે. 'તું' અને 'હું' બે જુદા, એ ઇગોઇઝમ છે. એ ઇગોઇઝમ ઓગળી ગયો કે હું જ છું ! આ તો શું કહે છે, 'હું ચંદુભાઈ છું', ત્યારે આત્મા કહે છે, તારું તું સંભાળી લે. અને જો તને ચંદુભાઈની વાત ના ગમતી હોય અને દુઃખ પડતું હોય ને મારે આશરે આવવું હોય તો મારી પાસે આવ. તો તને સુખ છે બધુંય. પણ જ્યાં સુધી તું ભેદબુદ્ધિ કરું છું, માટે તું તારી મેળે જ્યાં સુધી અનુકૂળ આવે ત્યાં સુધી કર્યા કર. થાકે ત્યારે પછી મારી પાસે આવજે. ત્યાં સુધી આત્મા જોયા કરે છે. પછી પોતાના સ્વરૂપમાં જવું તો પડશેને ? ક્યાં સુધી પારકા સ્વરૂપમાં રહેવું ?

પ્રશ્શનકર્તા : આત્મામાં ગયા વગર છૂટકો જ નથી.

દાદાશ્રી : છૂટકો જ નથી. આત્મા તો કહે છે, જો તારે મુક્તિ જોઈતી હોય, તારે સનાતન સુખ જોઈતું હોય તો મારી જોડે અભેદભાવ કરી દે.

આત્મા ક્યારે પ્રાપ્ત થશે ? અહંકારની સત્તા ઊડી જશે ત્યારે આત્મા પ્રાપ્ત થશે. આત્માનો સ્વભાવ જ એવો છે કે આત્માને દુઃખ અડે નહીં. આ દેવતા ઉપર ઉધઈ ચઢે ખરી ? લાકડાં ઉપર ઉધઈ ચઢે. આત્માને કશું અડે નહીં. દુઃખ અડે જ નહીં એને. માટે આત્મારૂપ થાવ તો તમને પછી સુખ જ રહેશે. અહંકારરૂપ છે ત્યાં સુધી દુઃખ છે.

જગતમાં કોઈ માણસ સુખી જ નથી. આ લોકો જે બોલે છેને, હું સુખી, સુખી એ બધો ઇગોઇઝમ છે. આ અહંકાર છે ખાલી. ભરહાડમાં રહેવું અને સુખી થવું એ હોતું હશે ? સુખ પોતાના સ્વરૂપમાં છે. ત્યાં અહંકાર નથી, ત્યાં અહંકારની રેફ નથી, ત્યાં આગળ સુખ છે, પાર વગરનું, અપાર સુખ છે.

આનંદ પ્રજ્ઞાનો ને ભોગવે અહંકાર !

પ્રશ્શનકર્તા : આપણે આ ફરીએ છીએ, બધામાં શુદ્ધાત્મા જોઈએ છીએ અને આનંદ થાય છે, એ શેનો આનંદ છે ? એ પુદ્ગલનો આનંદ છે કે આત્માનો આનંદ છે ?

દાદાશ્રી : એ આનંદ છે તે અહંકાર ભોગવે છે. જે દુઃખી હતો, તે અહમ્ સુખ ભોગવે છે. તો આપણે જાણીએ કે આ અહંકાર અત્યારે આનંદ ભોગવે છે. આત્મા તો જાણનાર જ છે ફક્ત. આત્મા પોતે આનંદી છે.

પ્રશ્શનકર્તા : તો પેલો આનંદ છે ને આય આનંદ છે. અને જે આપણને આ જોઈ જોઈને આનંદ થાય છે, એ આત્માનો આનંદ નથી તો શેનો આનંદ છે ?

દાદાશ્રી : એ ડિસ્ચાર્જ અહંકાર છે.

પ્રશ્શનકર્તા : તો આત્માનો આનંદ કયો ?

દાદાશ્રી : એ જ આત્માનો આનંદ પ્રગટ થયોને આ, તે અહંકાર જ ભોગવે છે. આ આનંદ પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ, તેને લીધે છે.

પ્રશ્શનકર્તા : પ્રજ્ઞા કેવી રીતે ઉત્પન્ન થઈ ?

દાદાશ્રી : એ તો જ્ઞાન અમે આપીએ એની સાથે જ પ્રજ્ઞા ઊભી થઈ જાય, નહીં તો અજ્ઞા જ હતી અને જ્ઞાન આપીએ એની સાથે જ પ્રજ્ઞા ઉત્પન્ન થઈ ગઈ અને પ્રજ્ઞાનું કામ ચાલુ થઈ ગયું.

પ્રશ્શનકર્તા : આ પ્રજ્ઞામાંથી આનંદ ઊભો થયો તે ભોગવે છે કોણ ? રિલેટીવ ભોગવે છે, પ્રજ્ઞા ભોગવે છે કે રિયલ ભોગવે છે ?

દાદાશ્રી : રિલેટિવ જ ભોગવે છેને ! રિયલ તો બાજુમાં જ છેને ! જેને ખૂટતો હતો, જેને જરૂર હતી, તે ભોગવે છે. જે શોકમાં હતો, વિષાદમાં હતો તે ભોગવે છે, અને તમે પોતે જ કહોને, તમે છે તે શુદ્ધાત્મા થયા એટલે પ્રજ્ઞા સ્વરૂપમાં આવી ગયા. હવે અહંકાર ભોગવી રહ્યો છે. એટલે એને જ વિષાદનું ફળ મળી ગયું. વિષાદ જે થતો હતો, તેની જે ખોટ હતી તે ભોગવવાથી નીકળી જાય બધી. પ્લસ-માઇનસ થઈ જાય. આમાં ઊંડા ઊતરશો નહિ. આ તમને કહી દઉં, નહીં તો આ જતું રહેશે. જેટલું કહ્યું, તે પ્રમાણે આજ્ઞામાં જ ચાલો. તમારું ડહાપણ આમાં નાખશો નહીં. પછી તમારે નાખવું હોય તો મારાથી ના નહીં કહેવાય. હું એટલા સારું જ કહું છું ને કે આપણા લોકો, ડહાપણ નાખ્યા વગર રહેતા નથી. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. બીજું સહેજેય ડહાપણ નાખવું નહીં. સહેજેય વિચારવું નહીં.

અનુભૂતિઓ, આનંદ અને વેેદનાની !

પ્રશ્શનકર્તા : અંગત વેદના અને અહંકાર એ બન્ને વચ્ચે કંઈ સંબંધ ખરો ?

દાદાશ્રી : વેદના અનુભવે તો સંબંધ ખરો. વેદના અનુભવે નહીં તો સંબંધ નથી.

પ્રશ્શનકર્તા : આપણને જ્યારે આનંદ થાય છે ત્યારે આપણો અહંકાર ઘણો બધો ઓગળતો હોય તેવી અનુભૂતિ થાય છે અને વેદના વખતે એમ નથી થતું ?

દાદાશ્રી : વેદના થતી વખતે એ વેદનામાં જ હોયને પોતે, એ અહંકાર જ વેદનામાં હોય. તન્મયાકાર થાય તો અનુભવ ના થાય. તન્મયાકાર ના થાય તો અનુભવ થાય. વેદના થતી વખતે તન્મયાકાર થાય છે.

પ્રશ્શનકર્તા : આનંદની અનુભૂતિ અને વેદનાની અનુભૂતિ બે અલગ અલગ પાસાં છે ?

દાદાશ્રી : તદ્દન અલગ પાસાં છે. ખરી રીતે બે જાતની જગતમાં અનુભૂતિ હોય. એક, જે આનંદની અનુભૂતિ કહે છે એ મસ્તીની અનુભૂતિ છે. એ મસ્તીની અનુભૂતિ અને વેદનાની અનુભૂતિ, બેઉ એક જ રસ્તા પર છે. અને આનંદની અનુભૂતિ અમારી હાજરીમાં જ થાય, નહીં તો થાય નહીં.

પ્રશ્શનકર્તા : મસ્તી અને આનંદ બેમાં ફરક બતાવોને તો અમને ખ્યાલ આવેને ?

દાદાશ્રી : આખું જગત જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મનથી સુખ ખોળે છે તેથી આત્માનું સુખ તો જડે જ નહીં, મનથી ખોળે છે, એટલે મનની મસ્તી થઇ ! મસ્ત થઈ જાય. મસ્તીમાં જ રહે. પણ મસ્તી એવી વસ્તુ છે કે ઊતરી જાય. મસ્તી ઊતરી જાય એ શેના જેવું લાગે ?

પ્રશ્શનકર્તા : દારૂનો કેફ ચઢે ને ઊતરી જાય એના જેવું ?

દાદાશ્રી : હા. મસ્તીમાં એવું ઊતરી જાય અને આ આનંદ ઊતરી ના જાય. ધીમે ધીમે વધતો જ જાય. અત્યારે આ ભાઈ આવ્યા ને તે મારી હાજરીમાં આનંદ ઉત્પન્ન થાય, ચાર વાક્ય જ સાંભળે ને, તો આનંદ શરૂ થઈ જાય. પણ એ આત્માનો જ આનંદ હોય. એનું શું કારણ છે ? અમે વાણી આમ જે બોલીએ એ આત્માના આવરણને ભેદી અને અંદર ટચ થાય એટલે મહીં આત્માનો આનંદ ઉત્પન્ન થાય. એવું આ વિજ્ઞાન છે કે અમારી હાજરીમાં કોઈ પણ અજ્ઞાની માણસને પણ આત્માનો આનંદ ઉત્પન્ન થાય !

પ્રશ્શનકર્તા : મને કોઈ લપડાક મારે તો મને અનુભવમાં તો આવેને કે મને કોઈએ માર્યું ?

દાદાશ્રી : ના, એને ક્યાં વાગવાનું ?

પ્રશ્શનકર્તા : શુદ્ધાત્મારૂપે જ્યારે વિચાર કરું ત્યારે ના વાગે પણ જે વાગે તે કોને વાગે છે ?

દાદાશ્રી : 'તમે' તે ઘડીએ ચંદુભાઈ થઈ જાવ તો વાગે. શુદ્ધાત્માની ગુફામાંથી બહાર નીકળો એટલે લોક મારે અને મારે એટલે માર ખાતી વખતે તમે પાછા શુદ્ધાત્મા થઈ જાવ. તે ઘડીએ ગુફામાં પેસી જાવ.

પ્રશ્શનકર્તા : એ ગુફામાં કાયમ રહેવાય એવી કોઈ અવસ્થા ના હોય ?

દાદાશ્રી : પણ તો તમને જ્યાં સુધી આ લાલચો છેને, ત્યાં સુધી એવી અવસ્થા કેમ આવે ? જેને કંઈ પણ લાલચ ના હોય તે ગુફામાં રહી શકે. અને લાલચુને ગુફા કોઈ દહાડો આવે જ નહીં. લાલચ શું કરવાની ? મહીં આવું પાર વગરનું સુખ !

પ્રશ્શનકર્તા : એટલે દાદા, એ ગુફામાં સ્થિર થઈ ગયો, એને શરીરની કોઈ સ્થિતિમાં કોઈ રીતે કોઈ અસર જ ના હોય ?

દાદાશ્રી : બધી સ્થિતિને એ જાણ્યા જ કરે છે. એનો જાણવાનો જ ધર્મ અને અસર થાય એટલો વેદવાનો ધર્મ, જે તેનો પોતાનો નથી અને વેદવું એટલે આમાં ને આમાં, દહીંમાં ને દૂધમાં બે જગ્યાએ પગ હોય તે ઘડીએ વેદવું કહેવાય અને એકલો દૂધમાં પગ હોય ત્યારે જાણ્યું કહેવાય.

પ્રશ્શનકર્તા : એટલે એના પાછલાં કર્મો પૂરાં ના થાય ત્યાં સુધી એ એને વેદ્યા કરે ને જાણ્યા કરે, વેદ્યા કરે ને જાણ્યા કરે ?

દાદાશ્રી : હા, વેદ્યા કરે ને જાણ્યા કરે.

પ્રશ્શનકર્તા : એ જ્યારે જ્યારે પેલી શુદ્ધાત્માની સ્થિતિ આવે ત્યારે એની અસર મટી જાય એને તે વખતે ?

દાદાશ્રી : હા, વેદવી પડે. કારણ કે અસરનું બળ એટલું બધું હોય કે શુદ્ધાત્માને જાણતો હોવા છતાં પણ અસર વેદવી પડે. અસર હલકી હોય તો ના વેદવી પડે. આમ ને આમ પાંચ-સાત મછરાં કૈડી ગયાં હોય તો ના વેદવી પડે.

પ્રશ્શનકર્તા : પણ દાદા, શારીરિક આ જે બધું એને થયું હોય, ત્યારે જ્ઞાની પુરુષ પણ શરીરની વેદના થઈ હોય તો બૂમો પાડે ?

દાદાશ્રી : જ્ઞાની પુરુષ બૂમ પાડે નહીં, શરીર બૂમ પાડે અને શરીર બૂમ ના પાડે તો જ્ઞાની ન હોય. બીજાં લોકો જાણી જાય તેથી અજ્ઞાની અહંકારે કરીને દબાવે.

પ્રશ્શનકર્તા : એના અહંકારથી દબાવે ?

દાદાશ્રી : અહંકારથી બધું બંધ થઈ જાય. અહંકાર તો બહુ કામ કરે. અહંકાર જતો રહેલો એ જ્ઞાની. આમને પૂછો તો ખરા કે ઇન્જેક્શન આપતી વખતે અમને શું થાય છે ? ટાઢું કરવું પડે, ટાઢું. અહંકાર જતો રહેલો તેથી. નહીં તો મારો અહંકાર હતોને ત્યારે છે તે એક દીવાસળી સળગાવી ને મારો અંગૂઠો આમ ઉપર મૂકેલો. મેં કહ્યું, 'અહીં ધર.' તે બે દીવાસળી સળગતી રહી ત્યાં સુધી રહેવા દીધું હતું. અહંકાર શું ના કરે ? અહંકાર બધું જ કરી શકે અને આ સહજતા ના કરી શકે.

પ્રશ્શનકર્તા : ઘણા સંત પુરુષના જીવનમાં આવે છે કે એમના હાથ કાપી નાખ્યા, પગ કાપી નાખ્યા, તોય પણ એમને અસર ના થઈ. એને ને આત્માને કશું લેવાદેવા નહીં ?

દાદાશ્રી : એ તો અહંકારીઓ બધા. એને ને આત્માને કશું લેવાદેવા નહીં. આ પેલા લામાઓ બળી મરેલાને, તે શરીર જરાય નહોતું હાલ્યું. એટલે બધા લોક કહે છે, 'કેટલી બધી આ ઊંચી વસ્તુ !' મેં કહ્યું, 'ન હોય મૂઆ. આ તો અહંકારીઓ છે.' લોકોને પરીક્ષા હોય નહીં, તે લોક આ રોટલી ખાવામાં સમજે એટલું જ. તે વખતે કાચી હોય તોય ખબર ના પડે. ત્યાં સુધીની છે, આપણા લોકની પ્રગતિ (!)

પ્રશ્શનકર્તા : એટલે જ્ઞાનીને શરીર પરની અસર બીજાના જેવી જ નોર્મલ હોય પણ એ એને જોઈ શકે એટલો જ ફરક હોય. બાકી અસર તો બન્નેની સરખી જ રહે ?

દાદાશ્રી : ના, હોય નહીં કોઈ દહાડોય. બન્નેની સરખી અસર હોતી હશે ? અજ્ઞાની છે તે રડીને ભોગવે અને જ્ઞાની હસીને ભોગવે. તમને રસ્તામાં ગજવું કપાય તો તમે રડો નહીં. તમે જાણો કે આ 'વ્યવસ્થિત'ને લીધે છે બધું આ. હસીને તમે વાતો કરો. અને અજ્ઞાની તો ત્યાં રડાકૂટ કરી મૂકે.

મહાવીરેય પાડેલી વેદનામાં ચીસ !

પ્રશ્શનકર્તા : દાદાને આપણે યાદ કરીએ ત્યારે દાદા આપણી સામે જ છે એવું રહે, 'હું ચંદુભાઈ નથી' એમ પણ રાખું, પણ પેટમાં પાક્યું હતું ત્યારે પેલું પસ કાઢેને, તે ઘડીએ ચીસ પડાઈ જાય, આંખમાંથી પાણી નીકળી જાય.

દાદાશ્રી : તે તો નીકળેને, આંખમાંથી પાણી નીકળે, ચીસ પાડે તેમાં સારું ઊલટું. ચીસ ના પડે, પાણી ના નીકળેને તો લોક કહે કે આ આત્મધર્મમાં નથી, દેહધર્મમાં છે, કારણ કે એ અહંકાર ધર્મ કહેવાય. પાણીય ના નીકળવા દે. ચીસેય ના પડવા દે. ભગવાન મહાવીરનેય પેલું કાનમાંથી બરુ કાઢ્યા હતાને, તે ચીસ કરીને રડ્યા ! તે આંખમાંથી પાણી નીકળી જાયને, ત્યારે લોક શું કહે કે ન હોય આ ભગવાન ! પણ ખરા ભગવાન જ આ કહેવાય. રડે નહિ અને બૂમ ના પાડે તો જાણવું કે આ ભગવાન ન હોય, એ અહંકારે કરીને રડે નહીં.

આ દેહને જે વર્તતું હોય તેય વાંધો નહીં આપણને, હસતો હોય તોય વાંધો નહીં. આપણને રાગ-દ્વેષ ના થવા જોઈએ. બીજું બધુંય આપણને નડે નહીં કશુંય.

પ્રશ્શનકર્તા : આપ જે કહો છો કે દુઃખનો અનુભવ આપને કંઈ થયો નથી છેલ્લા છવ્વીસ વર્ષથી, તો એ અશાતા વેદનીય કર્મનો ઉદય નથીને, શાતા વેદનીય કર્મનો ઉદય ચાલે છે અને આગળ જતાં અશાતા વેદનીયનો ઉદય કદાચ થાય પણ ખરો, એમ બની શકે ખરું ?

દાદાશ્રી : અશાતા વેદનીયનેય હું જાણું છું. બાકી, અશાતા વેદનીય ઊભી નથી થઈ. આ પગે ફ્રેક્ચર થયું તોય ડૉક્ટરો બધા ભેગા થયા અને જોવા માંડ્યા, મને કહે છે કે આ તમને મોઢા પર આનંદ છે, કેમ તમને દુઃખ નથી થતું ? તમે બહુ સહન કરો છે ! મેં કહ્યું, 'સહનશીલતા મારામાં અંશ ના હોય. સહનશીલતા એ ઇગોઇઝમનો ગુણ છે.' અમારામાં અંશ ઇગોઇઝમ ના હોય. અમારે આ નિર્જીવ ઇગોઇઝમ કામ કરી રહ્યો છે, સજીવ ઇગોઇઝમ નહીં. નિર્જીવ ઇગોઇઝમથી આ ખાવાનું-પીવાનું, હરેક કાર્ય થયા કરે.

વેદે તે નહિ 'હું' !

જેને કંઈ પણ વેદના થાય તે આપણે ન હોય અને આપણે છીએ, તેને વેદના ના થાય. કંઈ પણ વેદના થાય તે આપણો ભાગ ન હોય અને આપણા ભાગમાં વેદના નામનો ગુણ જ નથી.

પ્રશ્શનકર્તા : એ વેદના થાય છે કોને ?

દાદાશ્રી : ચંદુભાઈને. એ અહંકારને. જે અહંકાર હતોને, તે ભોગવે છે. એ અહંકાર જેણે કરેલોને, તે જ અહંકાર ફરી એ ભોગવે છે કે મને આમ થયું, તેમ થયું અને આપણે જાણ્યા કરવું કે 'ઓહોહો ! ચંદુભાઈ, તમને અડચણ તો પડી હશે ? માટે અમે તમને શાંતિ આપીએ છીએ.' આપણે જુદું રહેવું જોઈએ. આપણને તો કશું થતું જ નથી. આપણે તદ્દન જુદા જ છીએ. આ તો જેણે કરેલું, અહંકારે કરેલું, તે અહંકાર ભોગવે છે.

પ્રશ્શનકર્તા : મારી અંદર વેદના બહુ વધી ગઈ છે તો કેવી રીતે જ્ઞાનમાં રહેવું ?

દાદાશ્રી : એ તો વધે. એ તો અહંકારવાળાને આપણે કહેવું કે 'ચંદુભાઈ, જરા વેદના વધી તે ઉંમર થઈ, જરા શાંતિ રાખો. તોય ઉંમરના પ્રમાણમાં શરીર સારું છે.'

વીતરાગો તો કેવા દાખલા દેતા હતા ! મહાવીર ભગવાન કેવા દાખલાઓ દેતા હતા ! એક માણસ કહે છે, 'સાહેબ, મારો એક હાથ કપાઈ ગયો.' ત્યારે કહે, 'અલ્યા, બીજો છેને પણ.' ત્યારે આ કહે, 'પણ એક તો કપાઈ ગયોને !' ત્યારે કહે, 'ના, બીજો હાથ છે, બે પગ છે. તું તો ઘણો સુખિયો છું.' તે પેલો સુખિયો થઈને પાછો જાય. પછી ફરી બીજો હાથ કપાઈ જાય ત્યારે કહે, 'સાહેબ, બે હાથ કપાઈ ગયા.' ત્યારે કહે, 'બે પગ તો છેને ? બે પગ છે, બે આંખો છે'. આંખ જતી રહે ત્યારે કહે, 'કાન છે, જીભ છે'. વીતરાગનું જ્ઞાન કેવું છે ? શું રહ્યું હવે મારી પાસે ? એક પગ કપાઇ જાય ત્યારે કહે, 'ના, હજુ એક પગ તો છે જ. ભલે બે હાથ નથી, એક પગ નથી, પણ એક પગ તો છે જ. કો'ક ઝાલશે તો એક પગેય ચાલીશ.' એ ખોટને ના ગણે. શું નફો રહ્યો મારી પાસે તે જુએ છે. આટલા વર્ષે ચંદુભાઈની કેટલી બધી મિલકત સાબૂત છે ! આંખો છે, નાક છે, કાન છે, હાથ-પગ સારા છે, બધું છે. વીતરાગો હંમેશાં આવું જોતા'તા. વીતરાગ દ્ષ્ટિ કેવું જુએ ? શું મારી પાસે છે એ જુએ. તમારી ઉંમરના માણસોને પક્ષાઘાત થયેલા નહીં જોયેલા ? તો આપણે કહેવું કે 'ઓહોહો ! ચંદુભાઈ તમારે તો કશું નથી થયું, આમ અમથા અમથા શું કરવા ડરી જાઓ છો ?' આવા દાખલા આપવા પડે.

મિશ્રચેતન છેને એટલે બધું એવું થાય. આ મિશ્રચેતન છે. આ અહંકારી એટલે આપણે કહેવું કે 'ચંદુભાઈ, આ બીજા બધાનું જુઓ તો ખરા. તમારું તો ઘણું સારું છે, પુણ્યશાળી છો.' નહીં તો ભોગવ્યે જ છૂટકો છેને, બૂમો પાડે ત્યારે વધે ?

પ્રશ્શનકર્તા : તમારી પાસે તો કહેવાયને ?

દાદાશ્રી : હા, કહેવાનો વાંધો નહીં. પણ એ આપણને ચોંટી પડે છે. એટલે આપણે જ એમ કહેવું કે 'ચંદુભાઈ, તમને ખાસ કશું થયું નથી' અને અહીં મને કહેવું હોયને તો તમારે એમ કહેવું કે 'ચંદુભાઈને આવું થાય છે.' એવી રીતે કહેવું જોઈએ. 'મને થયું છે' એવી રીતે ના કહેવું જોઈએ. એ અહંકારે કરેલું તે અહંકાર ભોગવે છે. આપણે આત્મા તરીકે છૂટા થઈ ગયા, જેણે કર્યું એ ભોગવે, આપણે શું લેવાદેવા ? આ આત્મા જુદો કરી આપ્યો એટલે વ્યવહાર જુદો રાખવો પડે. વાત સમજવાની છે. વાત સમજાય એટલે એની મેળે બેસી જાય. આ તમે વાત સમજી ગયા કે ચંદુભાઈ આપણા જોડે પાડોશમાં છે અને આ અહંકાર છે, એ ચંદુભાઈ છે. કોણ ભોગવે છે ? ત્યારે કહે, અહંકાર. કર્તા હશે તો તેને ભોક્તા છે. આયુષ્ય પૂરું થવાનું એટલે એની મેળે છૂટકો જ નહીંને એને. આયુષ્ય પૂરું થયું કે ખલાસ થઈ ગયું. ત્યાં સુધી એક કર્મ બંધ થાય અને બીજું ઉત્પન્ન થાય, સળગ્યા જ કરવાનું. આ ધુમાડો તો નીકળ્યા જ કરવાનો. આનો પાર નહીં આવે. આ દેહનો ધુમાડો અહીંથી (હાર્ટના રોગો) નહીં નીકળે તો અહીંથી (પેટના દર્દ) નીકળશે. અહીંથી (સાંધાના દુખાવા) નહીં નીકળે તો અહીંથી (દાંતના દુખાવા) નીકળશે. નહીં તો કાનમાં સણકા મારશે, બીજું થશે, ત્રીજું થશે. પણ કંઈની કંઈ જગ્યાએ ધુમાડા નીકળ્યા જ કરવાના. એનાં કરતાં આપણે કહીએ, ધુમાડિયું છે આ ! સ્વભાવ જ એનો એવો છે. પપલાય પપલાય કરીએ તો ચઢી બેસે.

આ અહંકાર જુદો ને આપણે જુદા. એ અહંકારેય મડદાલ થઈ ગયેલો છે. એમાંથી જીવભાગ ખેંચી લીધો છે. જીવ આત્મામાં પેસી ગયો અને અજીવ અહંકાર રહ્યો છે. આપણે દેહ ન હોય, મન ન હોય, બુદ્ધિ ન હોય, ચિત્ત ન હોય. એમાંનું કશું આપણે છીએ નહીં. આપણે લેવાદેવા નથી. વગર કામનો કો'કનો કાગળ લઈએ, એ શા કામનો ? કાગળ ચંદુભાઈનો ને તેને આગળ પડીને લઈ લો કે લાવ મારો છે. આપણો કાગળ આવે તો આપણે લેવો.

અહંકાર પમાડે ભય !

અહંકારથી કશું વળે નહીં. આમથી આમ ભટકે ને આમ ભટકે. અહંકાર જ હેરાન કરી નાખે. જ્યાં સુધી અહંકાર શૂન્યતાને ન પામે, ત્યાં સુધી ભય, ભય ને ભય. એ ક્યારે ઊભો થઈ જાય, કહેવાય નહીંને ?

પ્રશ્શનકર્તા : ભય પણ અહંકારને લીધે હોય ?

દાદાશ્રી : અહંકારથી જ ભય છે બધો. નિર્અહંકાર તો નિર્ભય ! માંદો પડે એટલે ડૉક્ટરને કહેશે, 'સાહેબ, મને બચાવજો.' 'મૂઆ, ડૉક્ટરનાં જ માબાપ મરી ગયાં, એની બહેન મરી ગઈ, તે તને શું બચાવવાનો છે તે ?' બચાવજો, એવું કહે કે ના કહે લોકો ? આ અહંકારને મરવાનો ભો ખરોને ? એનું નામ પુદ્ગલ. મરવાનો રાતદહાડો ભો, જાતજાતના ભો, આબરુ જશે, ફલાણું જશે.

પ્રશ્શનકર્તા : અહંકારને ભય ક્યાંથી આવે ? અહંકાર તો એનો પોતાનો ગુણ જ છેને ? એમાં અહંકાર સિવાય બીજું કંઈ હોય જ નહીંને ?

દાદાશ્રી : બધી પ્રકારના ભય જ અહંકારને છે. બીજા કોઈને ભય જ નથી. અત્યારે મને અહંકાર નથી તો ભય મને કશાનો લાગતો જ નથી.

ચુંબકીય વિજ્ઞાન, રાગ-દ્વેષનું !

પ્રશ્શનકર્તા : અહંકાર છે તો એને ભય શાનો ? રાગ છે તો એને ભય કેમ નહીં ?

દાદાશ્રી : અહંકાર એકલી જ વસ્તુ છે. રાગ-બાગ એ તો જુદી વસ્તુ છે. એ તો અહંકારની ભ્રામક માન્યતાઓ છે. પેલા લોહચુંબકના આધારે ટાંકણી ખેંચાય એટલે પેલો જાણે કે ઓહોહો ! આ શું થઈ ગયું ? આ નવી જાતનું થયું. લોહચુંબક હોય તો ટાંકણી ખેંચાય કે ના ખેંચાય ? તેમ આ લોકો સામસામી ખેંચાય છે, આકર્ષણથી. એ તો મહીં લોહચુંબકના ગુણ ઉત્પન્ન થાય છે અને પોતે માને છે કે હું ખેંચાયો. અલ્યા, તું શી રીતે ખેચાઉં આવડો મોટો ? એને રાગ-દ્વેષ કહે છે. એ આકર્ષણ કહેવાય ને વિકર્ષણ કહેવાય.

આ મેગ્નેટિક ફોર્સ (લોહચુંબકીય શક્તિ) છે, સ્ત્રી-પુરુષનો. આ તો બધા મનમાં માને છે કે હું ખેંચાઉં છું ! 'અલ્યા, તું શાનો ખેંચાઉં છું ? તું તો આવડો મોટો ! ડફોળ, તારે નથી ખેંચાવું તોય ખેંચાઈ જવાતું હશે ?' ત્યારે કહે, 'હા, નથી ખેંચાવું તોય ખેંચાઈ જાઉં છું.' મેગ્નેટિક ફોર્સ છે આ તો ખાલી. અને જો તો ખરો કેવો ખેંચાઈ રહ્યો છે તે ?!

પ્રશ્શનકર્તા : પણ દાદાજી, ઓપોઝિટ (વિરુદ્ધ) તો એટ્રેક્શન (આકર્ષણ) કરે જ ને ?

દાદાશ્રી : ના, એટલે વસ્તુઓનંુ આવી રીતે એટ્રેક્શન થાય છે, અને માણસ મનમાં માને છે કે આ સાલો, હું ખેંચાઈ જાઉં છું. આ બધી ભ્રાંત માન્યતા છે, ઇગોઇઝમ છે તો કોણ ખેંચાય છે ? ખાલી મેગ્નેટિક ફોર્સ છે, સ્ત્રી-પુરુષનું બીજું કંઈ છે નહીં.

પ્રશ્શનકર્તા : એ તો આપણી અંદર પણ ઓપોઝિટ ફોર્સ ભેગા થાય તો 'સુપરનેચરલ થીંગ' થાયને ?

દાદાશ્રી : હા, એની મેળે જ થાય, ઓટોમેટિક થાય એ તો. આખો દિવસેય મેગ્નેટિક થયા કરે છે. આ શી રીતે સમજાય માણસને ? ચેતન તો કંઈ કરતું જ નથી. ચેતનની હાજરીથી, એની પ્રેઝન્સથી જ આ બધું થયા કરે છે. એ ના હોય તો ના ચાલે. બધું બંધ થઈ જાય. આની મહીં ચેતન બેઠેલો છે, તે બધું ચાલ્યા કરે અને બધું ચાર્જ થઈ જાય છે.

શરીરમાં તૈજસ શરીર હોવાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે ને તેનાથી બધી વસ્તુઓનું આકર્ષણ હોય છે. તે અમુક જ પ્રત્યે પાછું, બધાં પ્રત્યે નહીં પાછું. એ તો રાગ, એમાં તો ઊઘાડું પુદ્ગલ છે. એ તો ખરેખર વસ્તુ જ નથી. અહંકાર એક વસ્તુ છે. તેને લીધે તો આ સંસારમાં ભટક્યો છે.

પ્રશ્શનકર્તા : રાગ છે એ અહંકારનું પરિણામ છે અને આકર્ષણ એ પુદ્ગલનો ગુણ છે ?

દાદાશ્રી : રાગ એ અહંકારનો ગુણ છે. રાગ અને દ્વેષ બેઉ અહંકારી ગુણ છે. આકર્ષણ એ પુદ્ગલ ગુણ કહેવાય.

પ્રશ્શનકર્તા : જેનો અહંકાર ગયો હોય, તેને પુદ્ગલનું આકર્ષણ રહે ?

દાદાશ્રી : એને પોતાને ના રહે. આ તને અહંકાર ગયેલો હોય તો 'તને' ના અડે. પણ 'ચંદુ'ને રહે. પુદ્ગલને જ્યાં સુધી એમાંથી રસ ખેંચાઈ ગયો નથી ત્યાં સુધી પુદ્ગલનું આકર્ષણ રહે, બધો નવો રસ ઉત્પન્ન થતો નથી. જૂનો રસ નિવેડો લાવી નાખે, નવો રસ ઉત્પન્ન થતો હોય ત્યાં આગળ સંસાર. આ તો ઇફેક્ટ જ છે ખાલી અને કોઝિઝ ને ઇફેક્ટ બન્ને સાથે હોય એનું નામ સંસાર. આ કોઝિઝ ના હોય. નિકાલી બાબત હોય આ. શરીરને કહીએ, 'તું ગભરાઈશ નહીં, બા.' તારો દોષ નથી. દોષ કોનો હતો તે હું જાણું છું. અહંકારનો દોષ હતો. અહંકારે ભરેલું આ બધું.

પ્રશ્શનકર્તા : કોઈને પણ રાગ-દ્વેષ થાય તો એ પુદ્ગલના કયા ભાગથી થાય ?

દાદાશ્રી : અહંકારના. અહંકારને જ્યાં આગળ ગમતું હોય તો રાગ કરે, ના ગમતું હોય ત્યાં દ્વેષ કરે. એને ગમતું-ના ગમતું રહેવાનું. શુદ્ધાત્મા ને સંયોગ બે જ છે. પણ અહંકારની ફાચર 'એને' જંપવા દેતી નથી. એ ઓગળી જશે એટલે જંપ પડે. પછી શુભાશુભ સંયોગ, એ બધા શુદ્ધ થશે. આ તો અહંકારની ફાચર એ એને જુદો પાડે છે. એવું છે, મૂળમાં આ વસ્તુ છે કે જ્ઞેય ને જ્ઞાતા બે જ છે આ જગતમાં અને વચ્ચે અજ્ઞાનને લઈને ઇગોઇઝમ ઊભો થઈ ગયો છે. ઇગોઇઝમ એટલે આમાં જ્યાં સુધી રસ છેને, તેની પર રાગ છે અને જ્યાં આગળ રસ એને ગમતો નથી, ત્યાં દ્વેષ થાય છે.

પ્રશ્શનકર્તા : એ વચ્ચે અજ્ઞાન છેને ?

દાદાશ્રી : પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે અને 'અહંકાર છું' એમ જ 'પોતે' જાણે છે. અજ્ઞાન બધું કરે છે. અને આ જ્ઞેય વસ્તુ છે તેય વીતરાગ છે અને જ્ઞાતા ય વીતરાગ છે જો અહંકાર ઊડી ગયો તો જ્ઞેય જોડે 'આપણે' વીતરાગી ભાવ રાખવાનો. નહીં તો એને જો તરછોડ મારીએ તો એ તરછોડ મારે. એટલા માટે વીતરાગી ભાવ રાખવાનો.

કષાયો ટક્યા, અહંકારના આધારે !

અમુક બાબતમાં અહંકાર ઓછો થાય, બીજી બાબતમાં અહંકાર વધી જાય. એનું વેઈટ (વજન) એનું એ જ. આ કોર્નરમાં એ ઘટ્યો હોય તો પેલા કોર્નરમાં વધી ગયો હોય. તે વેઈટ ઈઝ ધી સેઇમ (વજન સરખું છે). અહીં અહંકારને વેઇટ ના હોય. હમણાં એમને (મહાત્માને) બે ધોલ મારી દે તો એ અકળાય ખરા વખતે, પણ એમાં અહંકાર ના હોય. એમની એ અકળામણ અહિંસક હોય. હંમેશાં ક્રોધ અહિંસક હોય તો આપણે ત્યાં જ હોય. બીજી જગ્યાએ ક્રોધ અહિંસક ના હોય, હિંસક ક્રોધ હોય.

અહંકારનો જ ડખો છે. અહંકારને લીધે જ આ જગત ઊભું રહ્યું છે. ક્રોધ-માન-માયા-લોભ અહંકારના આધીન છે. અહંકાર ના હોય તો એ ક્રોધ-માન-માયા-લોભ છે, તોય નથી. કારણ કે એનો આધાર અહંકાર છે અને અહંકારેય છે તે આધારી વસ્તુ છે. એનું રૂટ કૉઝ અજ્ઞાનતા છે. પણ અજ્ઞાનતા તો જાણે છે જ, આખી દુનિયામાં પ્રસરેલી. માટે ક્રોધ-માન-માયા-લોભનો આધાર શું ? અહંકાર. જગતનો આધાર કોણ ? અહંકાર ! અહંકાર કાઢી લે તો ક્રોધ-માન-માયા-લોભ કશું કરનાર નથી. બધાં મડદાલ થઈ ગયાં.

એટલે આ જ્ઞાન મળ્યા પછી અજ્ઞાન ગયું. એટલે અહંકાર ગયો. તેથી ક્રોધ-માન-માયા-લોભ ના થાય, અગર થતાં હોય તેને 'આપણે' દેખીએ. આપણે દેખ્યા એટલે આપણને થતાં નથી. કારણ કે જોનારને થાય નહીં. આ બહાર હોળી સળગતી હોય તો આંખો દાઝે ખરી ? એટલે જોનાર દાઝે નહીં. અને આ અહંકાર જેને થાય છેને, તે તો ક્રોધ-માન-માયા-લોભ જોડે હોય, એ તો આંખો હઉ દાઝે. કારણ કે ત્યાં જોનાર નથી. પોતે અહંકારનો કર્તા છે.

પ્રશ્શનકર્તા : જોનાર થાય તો જુદો પડી જાય ?

દાદાશ્રી : હા, જુદો પડી જાય. મન ક્રોધે ભરાયું હોય તેની મહીં અહંકાર ભળે ત્યારે એ ક્રોધ કહેવાય, નહીં તો ગુસ્સો જ કહેવાય. આપણે 'બધા'નો અહંકાર કાઢી લીધો. 'આ' લોકોને ક્રોધ-માન-માયા-લોભ કશું કરે નહીં. નોધારા થઈ ગયાને, ને આધાર વગરનું થાય પછી પડી જાય. જ્યાં સુધી અહંકાર છે, 'હું જ છું, હું જ છું', ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ એકુય પડે નહીં.

દયા છે, અહંકારી ગુણ !

પ્રશ્શનકર્તા : દયામાં અહંકાર હોય છે ?

દાદાશ્રી : દયા એ અહંકારી ગુણ ! દ્વન્દ્વ ગુણો બધા અહંકારી ગુણો. દ્વન્દ્વ ગુણો બધા અહંકારી, દ્વૈતેય અહંકારી ગુણ ને અદ્વૈતેય અહંકારી ગુણ. આ લોકો અદ્વૈતની દુકાનો કાઢે છે, એમાં કશું વળે નહીં. કારણ કે એ દ્વન્દ્વ ગુણ છે, દ્વેત-અદ્વૈત. એટલે દયાવાળો હોય, એને નિર્દયતાના વિકલ્પો આવે.

પ્રશ્શનકર્તા : દયા અને કરુણા, આમાં દયાનું સ્થાન જ નથી. પ્રેમ છે, મહાવીર ભગવાનનો પ્રેમ છે, બુદ્ધ ભગવાનની દયા છે.

દાદાશ્રી : અમે એ સ્વરૂપમાં છીએ, પ્રેમ સ્વરૂપમાં છીએ. અમારે કોઈની જોડે મતભેદ નથી. મને ગાળો ભાંડે તોય મારે મતભેદ નથી.

પ્રશ્શનકર્તા : એ શું ભાવ કહેવાય ? એને કરુણા કહેવાય કે દયા કહેવાય ?

દાદાશ્રી : દયાનું સ્ટેજ પૂરું થયું. દયા હોયને ત્યાં નિર્દયતા હોય. તે નિર્દયતા એમનામાં નથી, નિર્દયતા છૂટી ગઈ. દયા છૂટી ગઈ ને કરુણા આવી.

પ્રશ્શનકર્તા : તે કરુણામાં પણ અહંકારનો ભાગ રહ્યો ખરો ?

દાદાશ્રી : ના, અહંકાર નહીં.

પ્રશ્શનકર્તા : પ્રેમ અને કરુણામાં ફેર કેમ રહ્યો ?

દાદાશ્રી : પ્રેમ તો હજુ આગળનું સ્વરૂપ છે

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23